Thursday, 26 September 2013

* * * ટાલ * * *



ઈશ્વર દરેકને દરેક વસ્તુ હમેશા નથી આપતો અને મનુષ્યનો સ્વભાવ છે કે જે વસ્તુ તેને ન મળી હોય તેનો જબરો અસંતોષ અને વસવસો તેને રહ્યા કરે છે.
આ અસંતોષમાંથી ઈર્ષ્યા નામનો કીડો જન્મે છે તે કાયમ તેને કોતરી ખાતો હોય છે.
કેટલીક વસ્તુઓ ઈશ્વરદત્ત,ભાગ્યાધીન,અને પુર્વજન્મના સંચિતકર્મોના પુણ્ય રૂપે મળેલી હોય છે,જેમકે સંતતિ, સંપત્તિ,વિદ્યા, લક્ષ્મી,પ્રતિષ્ઠા,પત્નિ આ બધી( સ્ત્રીલીંગ)ભેટ સાથે ટાલનો પણ તેમાં સમાવેશ થાય છે. ખરેખર ટાલ એ કુદરતની પક્ષપાતી ભેટ છે જે સહુ ને સુલભ નથી.
મને બચપનથી જ ટાલ પ્રત્યે મમત્વ..ટાલ ધરાવતી વ્યક્તિઓને હું જોવું, ત્યારે મારામાં પણ ઈર્ષ્યાનો કીડો સળવળે અને મનમાં થાય કે ભગવાને બીજું કઈ ન આપ્યું હોત તો ચાલત, પણ એક ટાલ આપી હોત તો મારી પ્રતિભામાં ચારચાંદ લાગી જાત.
ઘેઘુર વડલાના ઝુંડ જેવા લાંબા મોટાવાળ અનિયમિત રીતે ખડની જેમ ઝડપથી થતી તેની ઉગની સુગ મને ખરી.
માથામાં તેલ નાખવું, અરીઠા શિકાકાઈ કે શેમ્પુથી તેને નિયમિતરીતે ધોવા, દર બે દિવસે ઓશિકાનું મેલું થયેલું કવર ધોવા કાઢવું ? ઓહો,,,, કેટલો ત્રાસ ?ઉપરાંત સવારે ઉઠતાવેંત અને વારેવારે દાંતિયો ફેરવી ને ઓળવા કષ્ટ દાયક પ્રોસેસ છે.
એટલેથીજ ન પતતું હોય તેમ, દર મહીને કે પંદર દિવસે "કેશ-કર્તનાલય" ની મુલાકાતે જવું અને એકાદ કલાક બગાડવો  ખરેખર મુશ્કેલ છે. વધારામાં જો સફેદ વાળ થયા અને સુંદર દેખાવામાટે થઈને ડાઈ કરાવવાનું નક્કી કરો તો બસ પૂરું થયું. કારણકે ત્યાં પણ ભેજાનું દહી જ કરવાનું હોય.વાળંદો બહુધા વાચાળ હોય છે ક્યારેક આપણને રસ પડે કે ન પડે પણ તેની જીભ, કાતરની સાથોસાથ ચાલતી રહે છે
મારોજ અનુભવ કહું તો મારો વાળંદ એન્સૈક્લોપીડીયા છે.કોઈ પણ ટોપીક પછી તે નાણાકીય, રાજકીય, સામાજિક, ફિલ્મી, વિજ્ઞાન,આરોગ્ય, તમામ બાબતોનો  ઝીણવટ ભર્યો અભ્યાસુ.
ગયે અઠવાડિયે હું વાળ કપાવવા ગયો, ખુરશી પર ગોઠવાયો, અને "પદમે (વાળંદ ને ગામઠી ભાષામાં પદમ  કહેવાય છે)કાતર હસ્તે ગ્રહણ કરતાજ પૂછ્યું " કાં ,સાહેબ, જોયું ને ? આં આપણી સરકાર "ઓલ્યા સચિને સત્તરવર્ષની ઉમરથી બેટ વડે દડો ટીચ્યા કર્યો, કેટલીયે વાર સ્નાયુ ખેંચાઈ ગયા પણ ભારત-રત્ન ઓલ્યા ધ્યાનચંદને આપવાની "
મેં કહ્યું હશે પણ મને રમતગમતમાં રસ નહી એટલે એવા સમાચાર હું ન જોઉં"પણ મારો ટપ્પો પડવા દે તો વાળંદ શાનો? બીજું શરુ કર્યું "સાહેબ, તમને નથી લાગતું કે રાજેશ ખન્ના સફળતા પણ ન પચાવી શક્યો, કે નિષ્ફળતા પણ ન પચાવી શક્યો ?" તત્વજ્ઞાનીની ચિંતાના ભાવથી તેણે મને પૂછ્યું
મેં જવાબ ટૂંકમાં દીધો કે"બધું ભાગ્યાધીન છે" થોડીવારે નવું શરુ કર્યું " મને તો એમ લાગે છે કે મંદ મોહનહવે જશે, અને આપણા મોદીસાહેબ દેશ સુધારશે "
સચિવાલયમાં મોદીના અંગત પટાવાળા તરીકે નોકરી કરી આવ્યો હોય તેમ મોદીની લાક્ષણિકતા પર બોલવું ચાલુ કર્યું આમ કરતા કરતા માંડ વાળ કાપવાનું પૂરું થયું, અને મેં કહ્યું કે"હવે દાઢી હું ઘેર કરી લઇશ "એટલું બોલી મેં પીછો છોડાવ્યો પણ તે ક્યાં સુધી ? દરમહીને આ ચેનલ એક કલાક માટે તો ફરજીયાત ?
આવા સમયે મને ટાલિયાઓ યાદ આવી જાય અને આંખમાંથી બે અશ્રુબિંદુ સરી પડે .
કેટલા ભાગ્યશાળી છે તેઓ જે ટાલ ધરાવે છે અને તેથી જ આપણા માં કહેવત હશે કે
 "ટાલિયો નર કો દુખીહવે તમેજ ક્હો ઉક્ત પરેશાની ભોગવતા મને ઈર્ષ્યા થાય જ ને ?
આમ પણ ટાલ મને પ્રિય,ટાલિયા કલાકારોને જોવા મેં અનેક પિક્ચર બહુ વખત જોયા છે
"અભિમાન"અને "ગોલમાલ "(અમોલ પાલેકર,બિંદીયાગોસ્વામી) ફિલ્મમાં ડેવિડની ટાલ અને ગાલ , અહ્હ્હા કેટલાઅદભૂત ! ઉંધી મુકેલી માટલી જેવી લીસ્સી ટાલ,અને ફ્રુટની દુકાને ગોઠવેલ કાશ્મીરી સફરજન જેવા લાલગાલ જોવાજ મેં ચાર વાર ચિત્ર જોયું। "જાદુગર" પિક્ચર બંડલ તેમાં જાદુ ના ખેલ સિવાય બીજું કશું નથી, અને તેવા જાદુના ખેલ રજતપટપર જોવા કરતા સ્ટેજપર સન્મુખ જોવા વધુગમે,પણ ના,… હું અમરીશપુરીના ગુરુજીના પાત્રની ટાલ જોવા તે ચિત્ર સાત વાર નિહાળ્યું એ.કે.હંગલ ની ટાલ જોવાનું હું ક્યારેય ચૂકતો નથી.
મહેમુદની ટાલ જોવા મેં "પડોશન "પણ અસંખ્ય વાર જોઈ નાખ્યું મતલબ, ટાલ પ્રત્યે નું મમત્વ,અને વળગણ છે.
 ટાલ તો વ્યક્તિની શાન છે, તેમાં નીખરી આવતું વ્યક્તિત્વ પણ જુદુજ છે.
                                                           

એમ કહેવાય છે કે ટાલિયા નર પ્રત્યે સ્ત્રીઓ વધુ આકર્ષાય છે.ઉદાહરણ રૂપે કહું તો પંડિત નહેરુના શારીરિક દેખાવ અને વ્યક્તિત્વમાં જો ટાલ ન હોત તો તે "ઝીરો પર્સનાલીટી"હતા તેના ચહેરા,દેખાવ, કે આકૃતિ બિલકુલ મોહક ન હોવા છતાં એડવીના માઉન્ટબેટન જેવી રૂપસુંદરી પણ નહેરુની ટાલ પર ફિદા થઇ ગઈ હતી. ટાલનો તાલ જામ્યો ,અને ઈશ્કનો રંગ ચડીગયો, આસારામ બાપુ, જુવો, કેટલીએ સુંદર યુવતીઓ સામેથી તેની સેવાદાર થઇ "સમર્પિત " થવા માટે તત્પર છે, આ બાપુ ના પ્રભાવ કરતા તેની ટાલ નાં પ્રભાવ નું કારણ છે.
દરેક ફાયદાને પણ ગેરફાયદા હોય છે તેમ ટાલ બાબતેપણ છે.
તે નિશંક વાત છે કે બાલ એ ટાલની ઢાલ છે તેથી ટાલ ધરાવતા જનોએ ચોમાસામાં વરસાદથી, ઉનાળામાં તાપથી, અને શિયાળામાં ઠંડીથી ચેતવું પડે એટલુજ નહી, પણ કોમી હુલ્લડો અને તોફાનના સમયે, પથ્થર મારાથી, લાઠીચાર્જ,થી વધુ સંભાળવું પડે, તેમ છતાં એવા નાના ભય સામે ટાલના ફાયદાઓ વિચારતા ટાલ એ ભવ્ય વ્યક્તિત્વનું એક જમા પાસું છે.આટઆટલા ફાયદા હોવા છતાં મને નથી સમજાતું કે કુદરતની આ બક્ષિશ તેમાંના ઘણાને કેમ નથી ગમતી ? ઘણા ટાલિયાજન કૃત્રિમ બનાવટના વાળની વિગનો મોહ રાખી ધરાર દેવાનંદ થવાજાય છે. કેટલાક લોકો જુદી જુદી જાતના મોંઘાભાવના આયુર્વેદીક કેશ વર્ધક તેલ નો ઉપયોગ કરે છે. મને સમજાતું નથી કે વાળ જેવી તુચ્છ,અને મામુલી ચીજ માટે આટલું મમત્વ,કે વળગણ શા માટે ? ખરેખર દુનિયામાં જેને નથી અને ન હોય તેને તો અસંતોષ હોય પણ જેને છે તેને બેવડો અસંતોષ હોય છે તેઓને નવા કેરમ બોર્ડ પર છાંટેલા શંખજીરા જેવી લીસ્સી ટાલની કદર નથી ,,,, અફસોસ
મને તો એમ પણ વિચાર આવ્યો કે વિશ્વમાં કદાચ 30 થી 40% ટાલ ધરાવતા નાગરિકો હોય તો જેમ, Father 's Day , Mother's Day , Friendship Day,ઉજવાય છે તેમ શા માટે "TALIA 'S DAY ન ઉજવાય ?

Tuesday, 24 September 2013

* વૈકુંઠ દર્શન *

કેન્દ્રીય કારાગાર મુખ્યપ્રવેશદ્વાર
કેન્દ્રીય કારાગારજોધપુર 










 કહેવાય છે કે "પોલીસ,પોલિટીશિયન,અનેપ્લીડર(વકીલ)ની દુશ્મની સારી નહી", તેમ તેઓની દોસ્તી પણ બહુ સારી નહી.તેમ છતાં મારા થોડા મિત્રો પોલીસખાતામાં અને પ્લીડર પણ ખરા.જોધપુરસેન્ટ્રલ જેલના જેલર મારા મિત્ર,તે નાતે જોધપુરના શિવ મંદિર રોડ ખાતે આવેલી રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલજેલ ખાતે તેમને મળવા જવાનું થયું
મને થયું લાવ ને અહીં સુધી આવ્યો જ છું, તો સંત શિરોમણી પૂ આશારામબાપુના પણ દર્શનનો લાંભ લઇ લઉ .જેલરને વિનંતી કરવાથી બાપુના દર્શનનો લાભ તેમણે મને અપાવ્યો
                ઘટાટોપ વૃક્ષોની લીલીછમ બન્ને બાજુની હારમાળા વચ્ચે તોતિંગ લોખંડી દીવાલ,અને શશસ્ત્ર  ચુસ્ત પોલીસ પહેરાથી સુરક્ષિત કેદીઓની ઓરડીઓ તરફ આગળ વધ્યો.એક, બે,ત્રણ એમ કરતા જમણી બાજુની હરોળમાં છેલી બેરેક કે જે "બેરેક નંબર 1 "તરીકે ઓળખાય છે ત્યાં પૂજ્ય બાપુનો મુકામ હતો
બેરેકના દરવાજા નજીક પહોચતાં જ કેસર-ચન્દન મિશ્રિત અગરબત્તીની ધુમ્ર- શેરથી વાતાવરણ સુગંધિત અને પવિત્ર લાગતું  હતું
બાપુ વૈકુંઠ માં
. બેરેક માંથી ધીમા સ્વરે ભજનની પંક્તિ બાપુના મુખે સાંભળી,
"મારું વનરાવન છે રૂડું, વૈકુઠ નથી રે જાવું " ભજન ની આખરી પંક્તિ પૂરી કરી બાપુ સ્વ-સ્થાને બિરાજ્યા
બાપુને પ્રણામ કરતા જ હું બેરેક માં પ્રવેશ્યો , ઓહો,,,,, બાપુ ને જોઈને હું વિસ્મય પામ્યો, ક્યાં એ સાબરમતીના આશ્રમમાં હસતા, કુદતા બાપુ, અલમસ્ત શરીર, અને યુવાની છલકતી  હોય તેવા ઉછળકૂદ કરતા બાપુ, અને ક્યાં, એ દુર્બળ દેહ, શ્યામ મુખારવિંદ,આંખો નીચે કાળા કુંડાળા, ભય  ચિંતા,અને ઉજાગરાને કારણે અમેરિકન બદામ જેવા આંખ નીચે કરચલીવાળા ડોડવા ક્યાં રજવાડાને ઝાંખી પાડતી એ સાહ્યબી અને ક્યાં સામાન્ય કેદીનું  જીવન ?બાપુ એક દિવસ ફૂલના હિંડોળે ઝુલતા હતા, વિશાલ શયનખંડમાં મોટા પલંગ પર મખમલના ગાદલા પર સુવા ટેવાયેલા,શયનખંડમાં પેરીસ, અને સ્વીટ્ઝરલેન્ડના મોટામસ ઝુમરો,દીવાલ ઉપર મોટું એલ,સી,ડી, વોલ ટુ  વોલ લીલા રંગની મખમલની કાર્પેટ,આગંતુકો ને બેસવા માટે રજવાડી સોફાસેટ, 
સવારના નાસ્તામાં કાજુ-બદામ,અને અખરોટ,સાથે થોડા ફ્રુટ્સ અને કેસર -પીસ્તા નાખેલું સોનું (Gold ) ઉકાળેલું શક્તિવર્ધક દૂધ,ભોજનમાં લિજ્જતદાર,સ્વાદિષ્ટ  ચટપટી રસોઈ,અને બે-ત્રણ"સમર્પિત "મહિલા સેવિકાઓની કંપની  સાથેની જમાવટ અને ક્યાં સવારના નાસ્તામાં મળતા વઘારેલાપૌવા,અને સરાડિયા સ્ટેશન પર મળતી ફિક્કી,પાણી જેવી ચા .
અને ભોજનમાં અર્ધી કાચી-પાકી,ચામડા જેવી મોટી અને જાડી રોટલી, પાણીજેવી, તીખીઆગ દાળ, શાક અને પરિમલના જાડા ચોખા,
પચ્ચીસ દિવસમાં બાપુના મોઢાનું તેજ ઝંખવાઈ ગયું લાગ્યું . કોઈ કવિની પંક્તિ મને યાદ આવી "એક સરખા દિવસ કોઈના
સુખના જાતા નથી " 
વાત ની શરૂઆત કરતા મેં પૂછ્યું " બાપુ કેમ છો ?" બાપુ નિરાશ વદને ભાંગ્યા અવાજે બોલ્યા "
" બસ,,, દિવસો પસાર કરું છું , હવે તો હરિ કરે તે ખરી "
મેં પૂછ્યું બાપુ તમારા જેવા પવિત્ર સંત ઉપર યૌંનપીડાનો આક્ષેપ એ ખરેખર હિંદુ સસ્કૃતિને હલ્કી પાડવાનો પ્રયાસ નથી ?, બાપુ કાકચીયા જેવી આંખો પહોળી કરતા બોલ્યા," બસ, એમ જ છે ,હું જાણું છું કે દિલ્હીના મેડમ, અને તેના સુપુત્રનું આ કાવતરું જ છે ,શું હું આ ઉમરે નાબાલિક કન્યા સાથે તેવું કરું ખરો ?સ.પા. ના રાજસ્થાનના મંત્રી બાબુલાલ નાગરે શું કર્યું ? 85 વર્ષ ની ઉમરે પહોંચેલ યુ,પી,ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારી એ  શું કર્યું હતું ? તેણે તો નોકરી આપવાની લાલચે યુવતીનું શારીરિક શોષણ કરી, અને ગર્ભવતી બનાવી હતી. એ બધા દુધે ધોયેલા,તો શું હું કોલસે ઘસાયેલો ? "મંત્રીઓ કરે તે લીલા, અને રાષ્ટ્રીય સંત કરે તે "દુષ્કર્મ " ? તેઓ મંત્રી હતા, એટલે તેઓનું કઈ બગાડી ન શક્યાં ,અને હું રહ્યો બાવો એટલે મારીપાછળ પડીગયા, અરે,મારી શિષ્યા,કે જેણે મારીપાસે દીક્ષા લીધી છે, મારા ગુરુકુળમાં અભ્યાસ કરેછે, તે બાળા ઉપર મારો કોઈ જ અધિકાર નહી? એકાંતવાસમાં મેં તેની સાથે થોડી છૂટ લઈ શારીરિક મસ્તી કરી એટલે દુષ્કર્મ કર્યું કહેવાય ? હવે તો જેલમાં પણ ત્રાસ સહન નથી થતો પણ છ મહિનામાં સરકાર બદલાવવા દ્યો, પછી જુવો મજા. 
બાપુ, હમણાં તમે ભજન ગાયું તેમાં બોલ્યા કે "વનરાવન છે રૂડું વૈકુંઠ નથી રે જાવું"  તો જેલને તો તમે વૈકુંઠ કહેતા હતા,તો વનરાવન કયું ? બાપુએ મુછ માં હસતા કહ્યું "વાત સાચી છે. મને વી.વી.આઈ.પી.નો દરજ્જો મળેલો છે તેથી હું એમ માનતો હતો કે જેવી અને જેટલી સુવિધા મારા આશ્રમમાં મને મળે છે, તે અને તેવી સુવિધા મને અહીં જેલમાં પણ મળશે તેથી મેં મારા ભક્તોને સત્સંગમાં કહ્યું હતું કે " જેલ તો મારે મન  વૈકુંઠ છે,પણ આતો સામાન્ય માણસ/કેદી જેવો વર્તાવ મારી સાથે જોતા હવે મને લાગે છે કે મારું વનરાવન (છિન્દવાડાનો આશ્રમ) સારું છે મેં હસતા કહ્યું " હા, એ સાચું. વનરાવનની કુંજ ગલ્લીઓ (સાધના-કુટીર) અહીં તો ન જ હોય ને ?,જવાબ માં બાપુ મલક્યા
બાપુએ વાતને વળાંક આપતા કહ્યું "અહીં મારો દિવસતો નીકળી જાયછે,પણ રાત્રી મારા માટે " કાળરાત્રી"


બાપુના રક્ત -પિપાસુ મચ્છરો
 બની રહે છે. મચ્છરોનો ત્રાસ પણ આ સરકારથી અને પોલીસ ખાતાથી ઓછો નથી. દિવસ આખો મારી લાંબી દાઢીમાં છુપાઈ રહે છે અને રાત્રે શક્તિવર્ધક ઔષધિઓ ખાઈને બનાવેલું લોહી ચૂસે છે અને સતત ડંખ મારે છે હું તેમ પણ થાક્યો છું તેને કારણે રાત્રીની ઊંઘ હું નથી કરી શકતો.
એટલુજ નહી પણ મને લગભગ 14 વર્ષથી
 "ત્રિનાડી શૂળ"નામની બીમારી છે, તેના ઉપચાર માટે મારી અંગત મહિલાવૈદ્ય,નીતાને પણ રોજ બે-ત્રણ કલાક મારી સારવારમાટે કારાવાસ માં મોકલવા વિનતી કરી છે.પણ હવેતો એવું બને છે કે, હું જે પણ કઈ બોલું તે તપાસનો મુદ્દો બની જાય છે. અને મીડિયાવાળા ફાવે તેમ ઉછાળે છે.પહેલા મારા દર્દની,પછી નીતાવૈદ્યની,ત્યારબાદ મારા ઔષધ"પંચેડબુટ્ટી"આમ વધુને વધુ હું ફસાતો જાઉં છું અને એટલેજ મારીપ્રિય મહિલાવૈદ્ય વંદનાનું તો મેં નામ જ નથી લીધું,
બાપુ,તમને નથી લાગતું કે સેવાદાર શિવા,રસોયો પ્રકાશ,અને આશ્રમના ડીરેકટર,શરદચંદ તમારી વિરુદ્ધની પુછપરછમાં બધી પોલ ખોલશે ?મેં સહજ ચિંતાભાવે બાપુને પૂછ્યું
જમણા હાથે પોતાનીઆંખ ચોળતા બાપુ બોલ્યા"હા, હું જાણું છું તેમજ થશે કમનસીબે મને અહીં ટી વી, જોવા નથી મળતું,પણ છાપામાં હું વાંચું છું મારુ જ ખાનારા મારું ખોદશે,
ફિલ્મ" ત્રિશુલ"નો સંજીવકુમારનો ડાયલોગ બોલતા બાપુએ કહ્યું "જબ જહાજ ડુબને લગતા હે,તો ચૂહે સબસે પહેલે છોડકર ચલે જાતે હે,પર ઇનકો પતા નહી હે,કી યે જહાજ કભી ભી ડૂબને વાલા નહી હે "
હું એ પણ જાણું છું કે પૂ.બાપુ એ ઉમેર્યું"અતિ વિશ્વાસ પસ્તાવાનું કારણ બને છે,અંધારામાં માણસનો ખુદનો પડછાયો પણ તેનો સાથ છોડીદે છે.તોપછી આતો મારા પગારદાર સેવાદારો છે ? અત્યારે મારો અંધકાર યુગ ચાલે છે "કેદીના આત્મામાંથી રામ બોલ્યો તેણે ઉમેર્યું કે કેટલીક
મીડિયાચેનલો સત્તત પાછળ પડી ગયેલી છે પણ અગાઉ મેંકહ્યું તેમ હું "બટકું નાખવાવાળો નથી 'એક નવી ચેનલ તો સતત પોતાનો T.R.P વધારવામાટે પ્રાઈમ ટાઈમ સ્ટોરી બનાવી ચલાવે છે. પણ આવા કેટલાયે "ચોરસીયાઓ'ને મેં ત્રિકોણીયા બનાવી દીધા છે.

 બાપુ, તમે ધર્મરક્ષક છો,દેશની સસ્કૃતિના ધરોહર છો,સમાજનું દર્પણ છો,યુવાચારિત્ર્યના ઘડવૈયા છો લાખો ભક્તોના આપ આદર્શ છો.ગરીબોના બેલી છો,અનાથના નાથ છો,દીન-દુખીયાનો સહારો છો   આમ જુવો તો આપના અને ગાંધીજીમાં બહુ ફેર નથી
ગાંધીજી પણ આપની જેમ બાપુના લાડીલા નામથી જાણીતા હતા. આપ પણ સંત છો, અને ગાંધીબાપુ પણ રાષ્ટ્રીય સંત કહેવાતા બન્નેના આશ્રમો અમદાવાદમાં ગાંધીબાપુના આશ્રમનું નામ "સાબરમતી આશ્રમ"જયારે આપનો આશ્રમ સાબરમતીના તટ ઉપર વસેલો,ગાંધી બાપુએ અસત્ય સામે બુંગીયો  ફૂંક્યો અને કારાવાસ વેઠ્યો,આપે સત્ય અને ન્યાય માટે કારાવાસ વેઠ્યો,તેમ છતાં હું એમ માનું છું કે આપ ગાંધીબાપુથી એક મુઠ્ઠી ઊંચારહેશો"બાપુની હેસીયત નો અહેસાસ કરાવતા મેં કહ્યું.
બાપુએ હળવા સ્મિત સાથે પૂછ્યું "ઈ.. કેમ ?"
મેં જવાબ વાળ્યો ગાંધીજી, વિનોબા, અને ટીળક ત્રણે જણાએ પુનાની યરવડામાં જેલવાસ કર્યો,પરંતુ પ્રજાને,સરકારને,કે ખુદગાંધીજીના પ્રપોત્ર તુષાર ગાંધીને ખબર નથી,કે બાપુ કઈ બેરેકમાં હતા ?નથી તેમની સ્મૃતિમાં કોઈ બેરેકને નામ અપાયું,પણ મને એમ લાગે છે કે આપ કારાગૃહમાંથી મુક્ત થશો ત્યારબાદ "બેરેક નંબર 1 "વૈકુંઠ" અથવા તો ધ્યાન કુટીર,કે એકાંતવાસથી ઓળખાશે, 

 ખુદ આજ બેરેકમાં સલમાનખાન,અને રાજસ્થાનના એકમંત્રીશ્રી પણ રહીચુક્યા છે છતાં આબેરેક નું નામ "દબંગ"કે "બોડીગાર્ડ'નથી અપાયું,
બાપુ મરક્યા,અને બોલ્યા કે હવે તો ભગવાન ઉપરથીપણ શ્રદ્ધા ઉઠતી જાયછે,મને ભગવાન રામમાં શ્રદ્ધા નથી પણ હાલ રામ મારો ભગવાન છે, અને તેમને નિર્દોષ બચાવી લેશે તેટલો વિશ્વાસ છે.

  તમે રખે એમ ન સમજતા કે રઘુવંશી રામની હું વાત કરું છું, હાલતો રામ જેઠમલાણી જ મારો ભગવાન રામ છે .
આટલીવાત થતાજ, બાપુને ભોજનનો સમય થતા જેલસત્તાવાળાઓએ ઘંટડી વગાડી,બાપુ એક હાથમાં થાળી,વાટકો,અને,પાણીનું પવાલું,તથા બીજા હાથે પોતાનું ઢીલું ધોતિયું સંકોરતા,ભોજનમાટેની કેદીઓની લાઈનમાં ઉભારહેવા દોડી ગયા.
          સફાળો "જાગી ને જોઉં તો ..... મારા શયનખંડના ટેબલપર પડેલી ઘડિયાળનો એલાર્મ ગુંજતો હતો,.ઘડીયાલ સવારના છ વાગ્યાનો સમય બતાવતી હતી.ઘરના મંદિરમાં પેટાવેલી કેસરચંદન મિશ્રિત ધૂપસળીની ધુમ્રશેરથી મારો શયનખંડ સુવાસિત થઈ ગયો હતો .અને "આસ્થા" ચેનલ પરથી ભદ્રાયુભાઈના સ્વરમાં ભજન ચાલતું હતું,"કોઈ લાખ કરે ચતુરાઈ,કરમ કા લેખ મીટે ના રે ભાઈ"