એટલુંજ નહીં પણ દયાળુ, નિરભિમાની,સાલસ, નિખાલસ,અને અત્યન્ત પ્રેમાળ અસ્થિ સર્જન તરીકે વિશેષ ખ્યાતિ મેળવેલ,એમને નયન અને નીરવ નામના બે પુત્રો,નયન M.B.B.S થઇ પોતાનું ખાનગી દવાખાનું સાંભળતો,જયારે નીરવ એન્જીયરીંગના બીજાવર્ષમાં અભ્યાસ કરતો હતો,
બન્ને ભાઈઓ વચ્ચે માંડ સાતેકવર્ષનો જ તફાવત,
ત્રણેક વર્ષ પહેલા નયનના લગ્ન સ્વ-જ્ઞાતિની સ્વરૂપવાન,શિક્ષિત,સંસ્કારી,અને ગુણિયલ કન્યા નંદિતા સાથે થયેલ સયુંકતપરિવારમાં રહીને બધા આનંદ,મંગળ કરતા હતા,
એકવાર પરિવારના કોઈ રિસ્તેદારને ત્યાં ગોંડલ લગ્નમાં જવાનું નિમંત્રણ હતું ,તેથી સુધીરભાઈએ નયન,નંદિતા,અને નિરવને,એમ ત્રણેયને તે પ્રસંગમાં હાજરી પુરાવી આપવાની સૂચના આપી,
પરંતુ, નંદિતા,ગર્ભવતી હોય,પહેલીજ પ્રસુતિનો સાતમો મહીંનો ચાલતો હોય તેણે મોટરમાર્ગે ત્યાં જવાનું ટાળતા,નયન અને નીરવ પોતાની લક્ઝુરિયસ,મર્સીડીઝ ગાડી લઈને પ્રસંગમાં હાજરી આપવા જૂનાગઢથી નીકળ્યા,
પ્રસંગ રંગેચંગે પતાવી,સગા સંબંધીઓને મળી,ભોજન લઇ બન્ને ભાઈઓ ફરી જૂનાગઢ જવા સાંજે નીકળી પડ્યા,
આશરે સાડાચાર-પાંચવાગ્યાનો આશરો હશે, બન્ને ભાઈઓ મોજ મજા કરતા,અને ગપ્પા મારતા મોટરની સામાન્ય સ્પીડથી આગળ વધી રહ્યા હતા,તે દરમ્યાન સામેથીપુરઝડપે ધસમસતી આવતી સિમેન્ટ ભરેલી,ટ્રકના ડ્રાયવરે ટ્રક ઉપર પોતાનો કાબુ ગુમાવતા જોરદાર ધડાકાભેર નયનની ગાડીસાથે ટકરાઈ,
કઈ પણ જુવે કે વિચારે તે પહેલા નયનની ગાડી રોડ ઉપર પલ્ટી ખાઈ ગઈ,અને જોત જોતામાં ગાડીના ફુરચે ફુરચા ઉડી ગયા.બન્ને ભાઈઓ તત્ક્ષણ ત્યાંજ મોતને ભેટ્યા,
લગ્નના શુભપ્રસંગેથી પાછા ફરતા કાળનો ક્રૂર પંજો આશાસ્પદ યુવાન બંધુ બેલડીને કોળિયો કરી ગયો .
**********************
અણધારી આફતથી,સુધીરભાઈ,અને પત્ની સુનંદાબેનને જબરો આઘાત લાગ્યો, અને ગર્ભવતી નંદિતાની તો વાત જ શું કરવી ? નંદિતા પણ કાળો કકળાટ કરતી જ રહી,છાતી ફાડીનાખે તેવા કલ્પાંતથી સોસાયટીના બધા બઁગલાઓમાં સન્નાટો ફેલાઈ ગયો,કોણ કોને,અને શું આશ્વાશન આપે ?
આંખના રતન સમા,કાળજાના,બબ્બે ટુકડાઓને વસમી વિદાયથી ઘર,ઘર,મટી સ્મશાન બની ગયું,ગજબ થઇ,સુધીરભાઈને ઈશ્વરઉપર અપાર શ્રદ્ધા,તેમજ "કર્મના સિંદ્ધાંતો" માં સજ્જડ માનનારા,તેણે કહ્યું," જે બન્યું છે તે ઘણુંજ ખરાબ બન્યું છે,છતાં,એમાં ઈશ્વરને,કે ભાગ્યને દોષ દેવો નિરર્થક છે,જે બન્યું છે તે મારા ગત જન્મના પાપનો બદલો મને ભગવાને આપ્યો છે,અને તે તો ભોગવ્યેજ છૂટકો,મારી જીવન,કે,મરણનીમૂડી કહો,તે મારા બે પુત્રો જ હતા આજે તે ઝુંટવાઈ જતા હું તો લૂંટાઈ ગયો છું "
દિવસો વીતતા ગયા,મહિનાઓ વીત્યા,અને બરાબર બે મહિને નંદિતાએ દુધમલિયાપુત્રને જન્મ આપ્યો,
જીવન જીવવાનો એક માત્ર સહારો હોય,એવા જતનથી અને લાડકોડથી રાહુલ મોટો થવા લાગ્યો,પુત્રોને ગુમાવ્યાપછીથી ઋજુ હૃદયી
સુધીરભાઈ પણ રાહુલ સાથે રમે,બોલે,બોલતા શીખવે,એમ પોતે પરાણે રાજીપો રાખીને ઉદાસી હટાવવાનો પ્રયાસ કરે.
સમયને કોણ થંભાવી શક્યું છે?દિવસો,મહિનાઓ અને વર્ષો વીતતા ચાલ્યા,અને આમને આમ રાહુલ ત્રણવર્ષનો થઇ ગયો,
રવિવારની એક સાંજે સુધીરભાઈ અને સુનંદાબેન બંગલા બહારના બગીચામાં ઝૂલે ઝૂલતા હતા,નંદિતા,પુત્ર રાહુલને લઈને નજીકના ક્રિડાંગણમાં રમાડવા લઇ ગઈ હતી.
ચિંતાતુર ચહેરે,ગંભીર સ્વરે સુધીરભાઈએ સુનંદાબેનને કહ્યું ,"છેલ્લા કેટલાક દિવસથી મને વિચાર આવે છે,કે,નંદિતા હજુ બાળક છે,આખી જિંદગી આવીરીતે તે કેમ કાઢી શકશે ? આપણેતો હવે મહેમાન કહેવાઈએ કાલ આપણે પણ સંસાર ત્યાગવો પડશે,તે સમયે નાની બાળક જેવી કુમળીકળીનું શું થશે,? ઉપરાંત બાપ વિનાના રાહુલ નું શું ? શા માટે તેના પુનર્લગ્ન ન કરાવવા,આમ માથે છત્ર વિનાનું જીવન દોઝખથી પણ બદતર છે,"તમે શું કહો છો ?સુધીરભાઈએ પત્ની સુનંદા સામું જોતા પૂછ્યું,
" તમે મારા હૃદયની વાત કહી,હું પણ ઘણા સમયથી એજ વિચારતી હતી,પરંતુ તમને કહેતા મારી જીભ ઉપડતી નહોતી,યુવાની ઠીક છે,પણ એકલવાયી સ્ત્રીમાટે બીમારી,અને વૃદ્ધાવસ્થાનો સમય ઘણો વિકટ હોય છે, આમેય ઉંમર પણ નાની છે,અને હજુ ઘણો લાંબો પંથ તેણે કાપવો બાકી છે "
"ગયે વર્ષેજ મારા બાલસાથી,અને સહાધ્યાયી રતિરાયનો પુત્ર નરેશ વિધુર થયો છે,અને તેને માટે રતિરાય બીજું સુપાત્ર શોધે પણ છે,પહેલીજ પ્રસૂતિમાં તાજા જન્મેલ બાળક અને મા નુ અવસાન થયા છે,
નરેશ હાઇકોર્ટનો વકીલ છે,સારું કમાય છે,વળી આપણાજ રીતરિવાજ અને સંસ્કાર ધરાવતું કુટુંબ છે તમને યોગ્ય લાગેતો, નંદિતા પાસે વાત મૂકી સમજાવજો,એમના માતા-પિતા તો હવે રહ્યા નથી,તેથી એક પુત્રીતરીકે તેની કાળજી લેવી આપણી ફરજ છે "આંખના ખૂણા રૂમાલથી લૂછતાં સુધીરભાઈએ પત્નીને કહ્યું
"નંદિતા મને સ્પષ્ટ જવાબ નહીં આપે,અને વાતને પણ ટાળી દેશે,તેથી તમેજ રાત્રે નંદિતાને બોલાવી, સમજાવીને વાત ગળે ઉતારો" સુનંદાબેને કહ્યું,
" સારું, હું પોતેજ તેને સમજાવીશ "સુધીરભાઈ બોલ્યા,
******
રાત્રીના લગભગ નવવાગ્યાનો સમય હતો, નંદિતા રસોડું પરવારી,ટી.વી,સિરિયલ જોતા,પોતાના બેડરૂમમાં બેઠી હતી,આખો દિવસ દોડ-ધામકરી,રમીને થાકેલો રાહુલ પણ ઘસઘસાટ ઊંઘી ગયો હતો,
એવામાં સુધીરભાઈ,અને સુનંદાબેને નંદિતાને બોલાવી,
નંદિતા આવતા,સુધીરભાઈએ વાતની શરૂવાત કરતા કહ્યું ,
" બેટા,તું આ ઘરમાં પુત્રવધુ તરીકે પોંખાઈને ભલે આવી,પણ આજસુધી અમે તને પુત્રીનો દરજ્જો આપી તારી કાળજી લીધી છે,હવે સંજોગ બદલાતા અમારી તે જવાબદારી વધી ગઈ છે તારું,અને રાહુલનું ભવિષ્ય સુનિશ્ચિત કરવું તે એક જ અમારું જીવન ધ્યેય બની ગયું છે,
એવા સંજોગોમાં અમે બન્ને એવું વિચારીએ છીએ,કે લાંબો જીવનપથ એકલવાયા ન કપાય,
વળી રાહુલનું ભવિષ્ય જોવું જરૂરી છે તેથી હું તારી પાસે પુનર્લગ્નની દરખાસ્ત મુકું છું,શા માટે તારે તારી યુવાની,અને વૃદ્ધાવસ્થા હોમી દેવી? અમે તો આજે છીએ,અને કાલે નથી,પછી?તું આગળનું વિચાર,તારે માતા પિતા,પણ નથી,ભાઈ કે બહેન પણ નથી,? ત્યારે તારા ભવિષ્યના કપરા સંજોગોમાં તારી હૂંફ કોણ ?,
અને તે માટેનું સારું,સંસ્કારીપાત્ર પણ ધ્યાનમાં છે.રતિરાયનો પુત્ર નરેશ ગયે વર્ષેજ વિધુર થતા તેઓ પણ યૌગ્ય પાત્રની શોધમાં છે,તું પુરેપૂરો વિચાર કરી જવાબ દેજે,ઉતાવળ નથી."
વરસાદ રહી ગયા પછી નેવા ઉપરથી ટપકતા પાણીની જેમ ટપ,ટપ,આંસુ પાડતી,નીચું જોઈને બેઠેલી, નંદિતા પુનર્લગ્નનું સાંભળી સળગીગઈ,"શું કહ્યું ? પુનર્લગ્ન? પપ્પાજી,મારે એક ભવમાં બે ભવ કરવાનાં ?
આંસુની ધારસાથે વ્યથિત નંદિતાએ આક્રોશ ઠાલવ્યો
" ના, બેટા ના તું આ ઘરની દીકરી હતી,છો,અને કાયમ માટે રહીશ,પછી પણ આ ઘરના દરવાજા તારા માટે હમેશા ખુલ્લાજ છે,તું એક વાત કેમ નથી વિચારતી,કે સમાજમાં વિધવા,અને વિધુરને લોકોએ ઉકરડો જ સમજ્યા છે,રામની હયાતીમાં પણ રાવણ સીતાજીની લાલચે તેના ઉંબર સુધી પહોંચ્યો હતો ને ?
એક સામાન્ય ધોબી જેવાએ સીતાજેવી સતી ઉપર પણ આરોપ લગાવ્યા હતા ને ?
ગમે તે લોકો,,ગમે તેને માટે,ગમે ત્યારે,ગમે તેવી,વાત કરતા અચકાતા નથી,તું જે સમાજ જુવે છે,તે તેનું સાચું અને અસલી સ્વરૂપ નથી,સૂક્ષ્મદર્શક કાચથી જોઇશ,ત્યારે તને ખબર પડશે કે આ સમાજમાં રાવણ અને ધોબીઓ જ જાજા છે,અને હું ઈચ્છતો નથી કે અમારી હયાતી પછી આપણા ખોરડાની ખાનદાની ઉપર લોકો થૂંકે"
સુધીરભાઈ ભાવાવેશમાં બોલ્યા
" પપ્પાજી,મારી ઉપરપડેલી વીજળીથી હું રોમ રોમ સળગું છું,અત્યારની તકે હું કઈ વિચારી શકું તેમ નથી,
તમે મારા માતા-પિતા છો,અને,મારુ હીતમાત્ર વિચારો છો,મારે કઈ જોવું,કે જાણવું નથી,તમને મારા ભવિષ્યનો કોઈપણ નિર્ણય લેવાની છૂટ છે,મને ખાતરી જ છે કે મારુ તો ઠીક,પણ રાહુલનું હીત તમારે ગળે
હશે.નંદિતાએ ઉભા થતા જવાબ આપ્યો
રાત્રીના બાર વાગ્યા હતા,સહુ પોતપોતાના બેડરૂમમાં જઈ શયનાધીન થયા.
*******
નંદિતાની ગર્ભિત સંમતિ મેળવી,બીજે દિવસે સવારે સુધીરભાઈએ રતિરાયને ફોન જોડ્યો, વિગતે બધીવાત કરી,અને નરેશ માટે નદિતાની દરખાસ્ત પણ મૂકી,રતિરાય ભાવવિભોર બની ગયા,આટલી સંસ્કારી,
સુ શિક્ષિત,અને ઘરકામની પારંગત કન્યા,પોતાની પુત્રવધુ થવા તૈયાર થઇ,જાણી રતિરાયે તુર્તજ હા ભણી દીધી,શ્રાદ્ધપક્ષ બેઠા પહેલા,અનંત ચૌદશને શુભ દિવસે બન્નેપક્ષે રૂબરૂ મળી શુકન રૂપે શ્રીફળ આપી જવાનું રતિરાયે સૂચવ્યું ,અને શ્રાદ્ધપક્ષ પછી નવરાત્રીની બીજને દિવસે કોર્ટ દ્વારા લગ્ન કરવા,તેવું બન્નેએ સ્વીકાર્યું,
આ બાજુ, સુધીરભાઈએ પણ નંદિતાને એ વાત થી વાકેફ કરી,માનસિક પૂર્વભૂમિકા બાંધી દીધી,
અગાઉ નક્કીથયા મુજબ, રતિરાય પોતાના પરિવાર તથા પુત્ર નરેશ સાથે નિશ્ચિત દિવસે આવી અને સગાઈની વિધિ રૂપે, શ્રીફળ,અને સાકરના પડા સાથે રૂપિયા,501/ આપી,સગાઈની પ્રાથમિક રસમ પતાવી બધા રવાના થયા,
*****
દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા,જે દિવસથી નંદિતાની પુન: સગાઈ થઇ, ત્યારથી નંદિતા વિચારોના વમળમાં સતત ખેંચાતી જતી હતી નવું, કેવું હશે, રીત,રિવાજ,કુટુંબ,વાણી વર્તન,વાતાવરણ,વિચારો,સંસ્કાર, એ બધાસાથે કેવી રીતે અનુકૂળતા સાધી શકાશે ?ઉપરાંત, ભવિષ્યમાં બીજું સંતાન થાય તો રાહુલ પ્રત્યેનું પિતાના વલણ અંગે પણ ચિંતા સતાવવા લાગી,ચિંતામાં ને ચિંતામાં,નંદિતા સતત રાતોની રાતો જાગતા,આંસુ સારતી આ બધા વિચારોમાં ગરકાવ થવા લાગી,આમ ને આમ શ્રાદ્ધપક્ષના દશ દિવસો તો પસાર થઇ ગયા
એક દિવસ અચાનકજ સાંજે સુનંદાબેનની હાજરીમાં નંદિતાએ સુધીરભાઈને કહ્યું,
" પપ્પાજી, મારે કઇંક કહેવું છે "
"ખુશીથી, બેટા,તને જે પણ શઁકા હોય તેનું ખુલાસાથી, સ્પષ્ટતા કરી લે " સુધીરભાઈએ જવાબ આપ્યો,
પપ્પાજી, હું બીજું લગ્ન કરવા નથી માંગતી,અને આ મારો અફર નિર્ણય છે " નંદિતાએ સજળ નયને મર્યાદામાં રહીને રજુવાત કરી
" વળી શું થયું, બેટા, અમે જે કરીએ છીએ તે તારા તથા રાહુલના હિતમાંજ વિચારીયે છીએ, તે કેમ ભૂલી જાય છે ?" સુધીરભાઈએ સમજાવતા કહ્યું,
" એ બધું સાચું,તમે મારુ હિત જુવો છો, પછી તમે તમારું વિચાર્યું ?જુવાન જોધ,કન્ધોતર જેવા બબ્બે દીકરા પાકી ઉંમરે ગુમાવ્યાપછી,પાછલી ઉંમરમાં તમે શું વૃદ્ધાશ્રમમાં જશો ?આજે જયારે નયન નથી,ત્યારે તમારી ભવિષ્યની બધી જવાબદારી મારા ઉપર રહે છે, નયનના જવાથી, હું પારકી થઇ ગઈ,? તેની અધૂરી જવાબદારી પુરી કરવાની મારી ફરજ છે. આજે હજુ મમ્મીની જાત થોડીક પણ ચાલે છે, બે-પાંચ વર્ષે ઉંમર વધુ અસર કરશે,ત્યારે તમે શું લોજના ટિફિન જમશો ?સમાજ મારા ઉપર ફિટકાર વરસાવશે,કાલ કેવી ઉગશે તેની કોઈને ખબર નથી, વૃદ્ધાવસ્થા પીડાદાયક જ હોય છે, ત્યારે તે સમયે તમારી સેવા,ચાકરી કરવા કોને બોલાવશો ? હું આ ઘરમાં આવી ત્યારથી તમને "લક્ષ્મી-નારાયણ" સ્વરૂપે માનસિક પૂજતી આવી છું,
એ હવે તમારા કપરાકાળમાં હું તમને છોડીને જાઉં ?ફિટકાર છે મારા સંસ્કારને,જો એવો સ્વાર્થી વિચાર પણ મને આવે તો પપ્પાજી, હું મારા સ્વાર્થે, કે હિત માટે એટલી હદે સ્વકેન્દ્રી નહીં બની શકું કે,આવી દુઃખદપળોમાં તમને એકલા અટૂલામૂકીને હું મારો નવો સંસાર ભોગવું અને મારો આ નિર્ણયજ નયનનું સાચું તર્પણ છે,તેના આત્માને આજે સાચી શાંતિ મળશે,તમે આ મારા નિર્ણયની નરેશ તથા તેના પરિવારને જાણ કરો,અને કહો, કે આ સગાઈ ફોગ સમજવા વિનંતી છે, અને નંદિતા પુનર્લગ્ન કરવા રાજી નથી", બોલતા નંદિતા ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી,
નંદિતાની ભાવસભર કાકલુદી સાંભળી, સુધીરભાઈની આંખ ભીંજાણી અને બોલ્યા ,
" બેટા, તારી વાત સો ટકા સાચી છે, તારું જીવન સુધારતા,અમારું મોત બગડશે, તે અમે જાણીએ છીએ,પણ સંતાનના સુખ પાસે વડીલોએ કોઈ પણ ભોગ આપવા તૈયાર રેહવું પડે, અને એ કારણે જ અમે અમારું વિચાર્યા વિના તારું હિત જોતા હતા,
ધન્ય છે, બેટા તારા માં-બાપના સંસ્કાર,અને કેળવણીને,અમારા આયુષ્યના થોડાવર્ષો માટે થઈને તારી યુવાની,અને વૃદ્ધાવસ્થાને હોમી દેવાના તારા આ નિર્ણયથી તે તારા "માનસ લક્ષ્મી નારાયણ" ને માનવતાનો બલીચડાવ્યો છે.મેં ચાર હાથ ગુમાવ્યા છે,પણ આજે મને તેનાથી વધુ મજબૂત લોખંડી બે હાથ મળ્યા છે" સુધીરભાઈ રડતા રડતા બોલ્યા,
સુનંદાબેને પોતાની સાડીના પાલવથી નંદિતાના આંસુ લૂછતાં તેને ભેટી પડ્યા
******