Thursday, 19 January 2017

वो भूली दास्ता, लो फिर याद आ गई,,,,,

તારીખ 13,જાન્યુઆરી,2017,નો સૂર્ય ધૂંધળો ઉગ્યો
વાતાવરણ શાંત,અને નીરસ ભાસતું હતું, આકાશમાં ઘેરાં વાદળો પણ શોકજન્ય દેખાતા હતા,
ચારે દિશાઓમાં ગાઢ ધુમ્મસે ગમગીનીનું  વાતાવરણ સર્જ્યું હતું,
આજે એક નખશીખ સજ્જન,વ્યવહારુ,પ્રમાણિક, હસમુખ વ્યક્તિએ સંસારના બંધનો છોડીને મહાપ્રયાણ કર્યું હતું  તે હતા યોગેશ (નિરંજન ) હટુભાઈ ઝાલા
   
બાલ્યાવસ્થા (1952)
  સંપૂર્ણ તંદુરસ્ત હોવા છતાં અચાનક જ કોઈ અગમ્ય બીમારીથી ઘેરાઈ જતાં 72 વર્ષની ઉંમરે પોતાના પત્ની, અને બે પુત્રોને વિલાપ કરતા છોડી ગયા છે, હવે રહી તો માત્ર તેની,અને તેના સત્કર્મોની સ્મૃતિ,
કેનેડા થી સ્વ,ભાઈ યોગેશ ઝાલાના લઘુબન્ધુ જ્યોતીન્દ્ર ઝાલા પોતાના શબ્દોમાં એમના સખા સમા જ્યેષ્ઠબન્ધુને શ્રદ્ધાંજલિ અર્પે છે
"આજે એમની બખૂબી કેટલીક સ્મૃતિઓને વાગોળું છું, ત્યારે એમ લાગે છે કે " તમે કેટલું જીવ્યા,એ મહત્વ નું નથી,પણ કેવું જીવ્યા એ મહત્વનું છે "
"1944 માં જન્મેલ ભાઈ યોગેશનું રાશિ પ્રમાણે ન.ય ઉપરથી નામ હોવું જોઈએ એ રીતે એના જન્મતા એમનું નામ નિરંજન રાખવામાં આવ્યું, પણ સમયાંતરે એ નામ એમને પસંદ ન પડતા એજ રાશિ પરથી એમનું નામ યોગેશ રાખવા આવ્યું, આમ જુવો તો શિવપંથી પરિવારમાં જન્મેલ યોગેશના બન્ને નામનો અર્થ કલ્યાણ કારી શિવ સાથે જોડાયેલ હતો.અમે તેને"નિનભાઈ " તરીકે બોલવતા
,એમનાથી હું માત્રત્રણજ વર્ષ નાનો હોવાને કારણે અમો લગભગ સમોવડીયાની જેમ જ ઉછર્યા,અને  તેમ છતાં કાયદેસર રીતે તે મારાથી  મોટા હોય, તેઓએ મારુ ઘણું ધ્યાન રાખ્યું છે, પોતે સ્કૂલે જાય, ત્યારે બાલમંદિર ના પગથિયાં સુધી મારો હાથ પકડી, રસ્તો ઓળંગાવવો,અને સલામત રીતે પુરી દરકાર પૂર્વક મને લાવવા લઇ જવાની જવાબદારી સ્વૈચ્છીક રીતે સ્વીકારી, એટલુંજ નહીં પણ વસ્તારી પરિવારમાં તે સમયે ભાઈ-ભાંડરુઓ એક બીજા ની વસ્તુઓ અને કપડાં પણ વાપરતા હતા તે સમયે એની વાપરેલી પેન્સિલ, કે રબ્બરને તે ઓ પ્રસાદી  તરીકે ગણતા, અને હું તે પ્રસાદી સ્વરુપેજ એનો સ્વીકાર કરી વાપરતો
નાની બહેન કલ્પના (Kelly) સાથે
એક કાળા ઉનાળે મારા અન્ય કઝીન્સ મહેશ,અને રાજન ઝાલા સાથે અમો ગિરનાર ગયેલા,અને છેક ઉપલી ટોચ દતાત્રય સુધી પહોંચીને ખુબજ મોજ મજા અને આનંદ કરેલો,
મોટાભાઈ હોવાને નાતે તેઓ હમેશા મારા પ્રત્યે ચુસ્ત,અને,શિસ્ત  ના આગ્રહી હતા અને તે માટે ની પુરી સત્તા તેઓએ મોટાભાઈ તરીકે ની ભોગવી મારુ ધ્યાન રાખ્યું,
એક પ્રસંગ  તાજો થાય છે, હું જયારે રાજકોટ ની ડી,એચ,કોલેજ ના વિજ્ઞાનના પહેલા વર્ષમાં હતો, ત્યારે તેઓ આર્ટ્સના ત્રીજા વર્ષમાં ભણતા હતા, અમોને બન્નેને મહિનામાં એકવાર થિયેટરમાં ફિલ્મ જોવાની અનુમતિ મળતી,પરંતુ મારા માનીતા
કલાકાર દેવઆનંદના ચિત્રનો મેટીની શો ચાલતો હતો ત્યારે,ઘેર જૂઠ બોલી કોલેજના પ્રેક્ટિકલ પિરિયડમાંથી ગાપચી મારી,અને હું થિયેટરની ટિકિટ બારી પરની લાઈનમાં ટિકિટ લેવા ઉભી ગયો.
 અને,,,,,,,,, ?
અને અચાનક જ મારી નજર એક યુવાન પર પડી, કે જે મને સતત તાકી,તાકી,ને ઘૂરકતો હતો , વિચારો એ કોણ હોઈ શકે ? એ બીજું કોઈ નહીં પણ મારા મોટાભાઈ નીનભાઈ જ હતા,ગુસ્સાભરી નજરે મારીસામે ઘુરક્યા ખરા પણ માત્ર એટલુંજ બોલ્યા કે "તારું ભવિષ્ય હવે મારા હાથમાં છે "
અને ત્યારપછીથી કોઈં પણ ઘરકામમાં કે શિસ્તબદ્ધ વર્તન માટે, એ વાત એને માટે એક "ધમકી શાસ્ત્ર " બની ગયું અને આ રીતે મને "ઈમોશનલ બ્લેક મેઈલ " ના શસ્ત્રથી પોતે મને શિસ્તબદ્ધ અને અભ્યાસલક્ષી બનાવ્યો, અલબત્ત આ વાત એણે  પિતાશ્રીને  કદી કહેલી નહીં,પણ અવારનવાર ધમકી રૂપે તેઓ મને હમેશા કહ્યા કરતા
આ રીતે હસી-ખુશી અને આનંદથી જીવનના દિવસો આગળ ધપતા રહ્યા
1968 માં હું M.Sc કરવા અમદાવાદ ગયો અને તેઓ દેના બેન્કમાં જોડાયા 1969 માં હું US આવ્યો, અને એમના લગ્ન થતા પોતાના પરિવાર સાથે સંયુક્તપરિવારમાં તેઓ રહ્યા તે છેક 1975 સુધી માં-બાપુજી નું ધ્યાન રાખી તેઓને સાચવ્યા
જયારે હું મારાપરિવાર સાથે ભારત આવતો ત્યારે નીનભાઈ, ભાભી અમારી મહેમાનવત  સરભરા કરવામાં બિલકુલ કચાશ નહોતા છોડતા, તરેહ તરેહની ગુજરાતી વાનગી,અને વિવિધ સ્વાદિષ્ટ રસોઈમાં જુદી જુદી વાનગીઓ બનાવી અમને જમાડતા સિનેમા,રેસકોર્સ, અન્ય નાના પ્રવાસો એ બધુજ તેઓ ગોઠવી અમને બધે ફેરવતા, ક્યારેક તો પોતાની નોકરીમાંથી રજા લઈને પણ
આનંદની પળો માં
મને યાદ છે, એકવાર એમણે પોતાના રોજિંદા દૂધવાળાને પોતાની ગાય લઈને ઘેર આવવા કહ્યું, અને તે મુજબ દૂધવાળો ગાય લઈને આવ્યો પણ ખરો, એ ગાય દોહવાના સમયે અમોએ ઘર આંગણે દોહયેલી ગાય નું દૂધ,મારી પત્ની સિલ્વિયા સહિત બધાએ પીધું એતો ઠીક પણ એક વાર રાજકોટમાં તેઓ ભાડેથી હાથી મઁગાવ્યો અને બધા બાળકોને હાથીની સવારી કરાવી ! આટલી લાગણી,પ્રેમ, અને પરિવાર પ્રત્યે ની મમતા શું આ પ્રસંગે યાદ આવ્યા વિના રહે ? તેઓ પોતે પણ પાનના બેહદ શોખીન હતા અમે સહ પરિવાર જયારે ભારત આવીયે ત્યારે અચૂક રોજિંદા પાન ખાવાનો ક્ર્મ થઇ ગયેલો અને કાયમ મીઠા,મસાલાયુક્ત પાનથી અમારા હોઠ લાલ રંગાતા,ભારતથી પરત ફરતા ઘણા સમયસુધી એ પાનનો સ્વાદ અમારી દાઢમાં રહેતો
પ્રમાણિકતા,એક નિષ્ઠા,સેવાભાવી અને પરોપકાર, અને,
ધર્મપરાયણ તેમના જન્મજાત ગુણ  હતા,પોતાના આનંદી સ્વભાવને કારણે પરિવાર પડોશીઓ અને મિત્ર વર્તુળમાં પણ સારી ચાહના મેળવેલી
તારીખ 13 જાન્યુ 2017 ના દિને ટૂંકી બીમારી ભોગવી વૈકુંઠવાસી થવા મહા પ્રયાણ કર્યું
ખેદ માત્ર એટલોજ છે કે જે ભાઈએ મોટાભાઈ તરીકેની ફરજ બજાવી મને અભ્યાસમાં મદદ કરતા, ભણાવતા, અને પ્રેમ પૂર્વક નીતિ-રીતિનું જ્ઞાન આપતા એવા વડીલ બન્ધુ ની અંતિમ પળોમાં હું ન તો એનું મોઢું જોઈ શક્યો, કે ન કાંધ આપી શક્યો, આ વસવસો જીવન પર્યન્ત મને ખોતરતો રહેશે,
ઈશ્વર સદગતના આત્માને ચિર  શાંતિ અર્પો, ! ! !
જીવનના અંતિમ પડાવ પરની  હૃદયગમ તસ્વીર 
                                                         
 જ્યોતીન્દ્ર  હ. ઝાલા ,
રીચમંડ બી,સી
કેનેડા