Sunday, 21 May 2017

હું રસોઈ બનાવતા કેમ શીખ્યો ? (હળવી કલમે )


વ્યવહાર,અને વિજ્ઞાને એ સિદ્ધ કર્યું છે કે,"કારણ વિના કાર્ય સંભવિત નથી "
દરેક પરિસ્થિતિના ઉદભવ માટે કોઈને કોઈ કારણ અવશ્ય હોય જ છે,આ કિસ્સામાંપણ એમજ બન્યું છે,
ભલે ભગવતગીતામાં કહ્યું કે "ફળની આશાવિના કામ કરવું",એ એક અલગ વાત છે,પણ અહીં ફળની આશા એજ આ ભગીરથ કાર્ય પાછળનો ઉદ્દેશ્ય હતો,
નવી નોકરીમાં ઘરની બહાર નીકળવાનું,અને એકલા રેહવાનો,આ પહેલો પ્રસંગ હતો માં-બાપથી પહેલીવાર છુટાપડતા થોડું દુખ જરૂર હતું,પણ જીવનના એક નવા તબક્કાનો અનુભવ,અને આર્થિક સ્વતત્રતાનો થોડો રોમાંચ અને આનંદ પણ હતો
નવી નોકરીપર હાજર થવા હું પોરબંદર ગયો અજાણ્યું ગામ,અને લોકો,કોઈનો પરિચય કે ઓળખાણ નહી
તેથી શરુવાતમાં ગેસ્ટ હાઉસમાં ધામાનાખ્યા અને રૂમની શોધ આદરી
તપાસ કરતા,કરતા, કોઈએ કહ્યું કે કમલાનહેરુપાર્કની સામે છાયા તરફ જતા રસ્તે એક નાગર સદગૃહસ્થના મકાનમાં એક રૂમ ભાડે આપવાનો છે હું પહોંચ્યો,
સદગૃહસ્થ,મૂળ જુનાગઢના જ હતા,પણ વર્ષોથીઅહીં સ્થિરથયા હતા,તેઓ નીચે રહેતા હતા,જયારે ઉપરના માળે એક રૂમ હતી,અને તે ભાડે આપવાની હતી,
હું તે વડીલના ઘરમાંપ્રવેશ્યો, વડીલે મીઠો આવકાર આપી,મારી બધી વિગત જાણી,વાત વાતમાં જુનાગઢ ની ઓળખણો  નીકળી પડી,અને તેઓ મારા પરિવારના બધાજ વડીલોને ઓળખતા હતા
 બધી વાતચીતને અંતે તેણે રૂમ આપવાની સંમતી દર્શાવી
દરમ્યાનમાં તેણે બુમ મારી  કહ્યું " મધુ, પાણી લાવજે ,,," એમ કહી  મારા માટે પાણી મગાવ્યું
(મને વીજળીના બલ્બની જેમ મગજમાં ચમકારો થયો, કે મધુ છોકરો હશે કે છોકરી ?) થોડીવારે એમની પુત્રી મધુ ટ્રે માં પાણીનો ગ્લાસ લઇ સામે આવી ઉભી
જરા સરખી નજર ઉંચી ઉઠાવી,પાણીનો ગ્લાસ લેતા "મધુ દર્શન" કર્યા,
બસ, ત્યાર પછીનું વર્ણનકરતા આજે પણ ચિત્ર નજર સામે તરી આવે છે
પુનમના ચંદ્ર જેવું ગોળ મુખારવિંદ,મોઢાપરનું  અપ્રતિમ તેજ,ગોરો વાન, ચહેરાઉપર જો આંગળીઅડે તો આંગળી પરની રેખાઓ સ્પસ્ટ રીતે જોઈ શકાય તેવું પારદર્શક રૂપ,દીપશિખા જેવી નાસિકા,ગુલાબની પાંખડી જેવા કુદરતી ગુલાબીહોઠ,કામદેવના ધનુષ્ય જેવી ભમ્મર,જેમ પુષ્પ ઉપર ભ્રમર મંડરાતો રહે તેમ મંદ મંદ સમીરની લહેરખીમાં માથા ઉપરથી ઉડીને વારંવાર તેના ગાલને ચુમતી વાળની લટ  
અમારી બન્નેની નજર મળી ધીમા ઘૂંટડે જલપાન કર્યું અને હું મનોમન ઈશ્વરનો આભાર માનતા ઉઠ્યો,
વડીલે રૂમ જોવી હોય તો પૂછ્યું,પણ મને " બધુજ બધી રીતે અનુકુળ આવી જશે "એવા આત્મવિશ્વાસથી મેં રૂમ જોવાની દરકાર પણ ન કરી,અને આનંદના અતિરેકમાં એડવાન્સમાં ભાડું આપી,આવતા સોમવારથી રહેવા આવવાનું કહી નીકળી ગયો,
ઘરનીબહાર નીકળતા મેં મનોમન વિચાર્યું કે, હું  હવે નોકરીમાં સ્થિર થઇ જતા મારા વડીલો હવે મારા માટે સુપાત્રની શોધ ટૂંક સમયમાં શરુ કરશે,જયારે મધુ પણ ઉમર લાયક હોય,સારા,ખાનદાનપરિવારની,વળી જ્ઞાતિનીજ કન્યા,આટલી સૌમ્ય,અને દેખાવડી હોય,જો અહીં ગોઠવાઈ જાય તો,મારા વડીલોને પાત્ર ગોતવાની તકલીફ ન પડે,અને,અને અહીં રહું ત્યાં સુધી મને કોઈ તકલીફ ન પડે,અને સાજે-માંદે મારું ધ્યાન રહે આમ સોનામાં સુગંધ ભળે,વળી ઓશીકે રતન !
પણ યાર એ જ્માનો સાવ જુદો હતો, ન તો વડીલો પાસે, કે ન તો ઘરના અન્યપાત્રો પાસે  તે બાબતે છૂટથી ચર્ચા કરવાનો કોઈ અવકાશ જ નહોતો તેથી મેં વિચાર્યું કે મારા વડીલો પાસે દરખાસ્ત મુકવાનું જે કામ મારે કરવું જોઈએ,તે કામ,જો મધુનાપક્ષેથી થઇ જાય તો એક કાંકરે બે પક્ષી મરે અઠવાડિયા પછીના સોમવારે મેં  નવા મકાનમાં ગૃહ પ્રવેશ કર્યો, અને ચિત્તચોર મધુના વિચારમાં ખોવાયો શું કરીએ તો એ આકર્ષાય ? એ યક્ષપ્રશ્ન કાળોતરા નાગની જેમ ફેણ  ચડાવી મારી સામે ઉભો હતો
       અઘરું તો હતું,ધારી સફળતા મળવાની કોઈ ગેરંટી ન હોતી વળી તે માટે શું,અને કેમ કરવું ? તે પણ વિચાર માગી લે તેવું હતું એવામાં મને મારા શિક્ષક  મુ,જીકુભાઈ ઘોડા યાદ આવી ગયા ઘોડા સાહેબ હમેશા કહેતા કે " For Achieving some valuable things, you should  posses some extra qualities in you, Which will differ  you from others "
બસ, મનોમન નક્કી કર્યું કે " હું કઈંક  કરી દેખાડું ",
સામાન્ય રીતે યુવતીને આકર્ષવા માટે 1 શરીર સૌષ્ઠવ 2 સઁગીતની કે કોઈ વાદ્ય વગાડી જાણવાની આવડત 3 કોઈ રમત-ગમત કે એથ્લેટ્સમાં નિપુણતા 4. ચિત્રકલા, અને છેલ્લે, 5. રસોઈ કલા,અને પાક શાસ્ત્ર પ્રત્યેની રુચિ અને આવડત પૈકી કોઈ પણ એક આવડત જરૂરી ગણાય
પહેલા ચારમાં  તો આપણો  ટપ્પો પડે તેમ નહોતો છેલ્લે રહ્યું પાક શાસ્ત્રએટલે રસોઈ કલા શીખવાનો વિચાર કર્યો અને જુદી જુદી વાનગી બનાવી, મકાનમાલિક ને એક ડીશમાં પહોંચાડવી, જે દિવસે ઘર આખું સ્વાદિષ્ટ વાનગી ચાખી આંગળા કરડી ખાય, તે દિવસે સમજવું કે આપણું ધાર્યું નિશાન હાથ વેંત માં જ છે, આમ પ્લાનિંગ થવા લાગ્યું
આમ તો મને ચા બનાવતા પણ એ દિવસોમાં નહોતી આવડતી પણ મારા માંહ્યલાએ કહ્યું " ગભરાય છે શા માટે ? ભીમે ક્યાં કોઈ દિવસ જમવા સિવાય રસોડું જોયું હતું ?છતાં  ગુપ્તવાસ દરમ્યાન ખુદ ભીમે પણ રસોયા બનવું પડ્યું હતું, અને રસોઈ પણ કરેલી ને ? "
એકલો રહેતો હોઉં, જાળી વિનાનો જૂનો પ્રાયમસ, ચા-ખાંડના પ્લાસ્ટિકના ડબલા અને નહાવાનું પાણી ગરમ કરવા એક એલ્યુમિનિયમનું મોટું તપેલું સિવાય કશું ન મળે, આ મારી ઘરવખરી,અને મારી રિયાસત 
ત્યાર પછીનો બીજો વિચાર એ આવ્યો કે પહેલા શું બનાવવું ?"પાક પ્રયોગ"નો પહેલો અધ્યાય ક્યાંથી શરૂ કરવો ? તુરતજ મને વિચાર આવ્યો કે કાઇંક એવું બનાવો, કે જેમાં કોઈ જાતના મરી-મસાલા કે મીઠા સુદ્ધાની જરૂર ન પડે રાઈ,મેથી, હળદર, જીરું,ધાણાજીરું,, મરચું, મીઠું, ખાંડ,કે તેલ એવી કોઈ મસાલો વાપર્યા વિના બને છતાં સ્વાદિષ્ટ બને એવી વાનગી વિચારવી શરૂ કરી, જેથી મોળું તીખું, ખાટુ, ખારું બનવાનો સવાલ જ ન ઉદભવે અને આબરૂ સચવાઈ જાય
બહુ વિચારને અંતે ઈડલી બનાવવાનું સુજ્યું, અને બંદા મિત્રને ઘેરથી  ઈડલીયું ,તથા  બઝારમાંથી ઇડલીનું તૈયાર મળતું ખીરું લઇ આવ્યો
બીજે દિવસે શનિવાર હોય સાંજે બેકેથી વહેલો છૂટ્યો હોવાથી બજરંગ બલિના નામ સાથે અભિયાન છેડ્યું
પ્રાયમસ પેટાવવા ગયો ત્યારે ખબર પડી કે પ્રાયમસમાં  કેરોસીન ખલાસ હતું, તેથી કેરોસીનનો શીશો લઈ પ્રાયમસમાં નાખવો શરૂ કરતાજ કેરોસીન ઢોળાયું,  આખો રૂમ  કેરોસીનથી ભરાઈ ગયો માંહ્યલો રડ્યો મારી અંદરના દુર્વાસાએ ફુંફાડો માર્યો, "  એક છોકરીને પટાવવા આટલી કડાકૂટ ? પહેલા લાયકાત કેળવાય, પછી પામવાના સ્વપ્ન જોવાય  છોડી દે આ તારું કામ નથી ભાગ્ય ઉપર છોડી દે "વળતીજ મિનિટે મારી અંદરનો વિવેકાનંદ જાગૃત થયો અને બોલ્યો
" કાયર છો ? હાથમાં લીધેલું કામ પૂરું કર્યા વિના છોડે છે ? ફિટકાર છે તારી યુવાની ને , ઉઠ, જાગ, અને ધ્યેય ની સિદ્ધિ સુધી મંડ્યો રહે, યાદ કર એ પાત્રોને પદ્મિની ને હાંસલ કરવા રણથભોરનું યુદ્ધ ખેલાયું હતું, યાદ કર એ અર્જુન ને,  દ્રૌપદીને  પામવા તુલા ઉપર સ્થિર ઉભા રહીને નીચી મૂંડીએ મત્સ્યવેધન કર્યું હતું , યાદ કર એ વીર નર્મદના વચનો "ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું "અને તું આટલી નાની વાતમાં પીછે હઠ કરે છે ?"
મારી નસમાં યુવાનીનું રક્ત ઘોડાપૂરે વહેવા માંડ્યું ઢોળાયેલા કેરોસીન ઉપર આખા રૂમમાં છાપા પાથરી, પ્રાયમસ પેટાવ્યો, નર્મદની પ્રેરણાથી મેં ડગલાં આગળ ભરવા ચાલુ રાખ્યા અને "ઈડલી ના આંધણ"  મુકાયા.
થોડીવારમાં ઈડલી તૈયાર થઇ જતાં મારુ મન મોર બની થનગાટ કરવા લાગ્યું.
 ગરમ, ગરમ ઈડલી ઉતરવા લાગી,મારે શનિવારનો ઉપવાસ હોવા છતાં પ્યારીને પામવાના પ્રયાસ રૂપે માત્ર છ-સાત  નંગ ઈડલી બનાવી, એક બાઉલમાં મૂકી, હું પુલકિત થતો હતો.
 જેમ પ્રસૂતા પ્રસુતિની પીડામાંથી બહાર આવી પોતાની આંખ ખોલતા તેના પડખામાં સુતેલ નવજાત પુત્ર રત્નને જોઈને ભાવ વિભોર બનીજાય,
જેમ વરમાળા પહેરાવતી વખતે કન્યા પોતાના પગના અંગુઠાથી જમીન ખોતરતી સુખદ પળનો ઇન્તજાર કરે, એમ હું પણ ખુશી નો માર્યો ફુલાતો હતો  જર્મન કવિ ગટ્ટએ શાકુન્તલ પુસ્તકને માથે મૂકીને નાચ્યો હતો,એમ હું ઈડલી ભરેલી ડીશ માથે મૂકીને નાચ્યો નહીં  બસ મેં એટલુંજ બાકી રાખ્યું હતું,
સાંજ પડી, સુર્યાસ્તને હજુ થોડીવાર હતી, ત્યાં હાથ-પગ મોઢું ધોઈ, રેમી સ્નો, અને તેના ઉપર ફેસ પાઉડરનો લપેટો ચહેરા ઉપર મારી, અસલ દેવઆનંદની અદાથી ડાબો ખભ્ભો ઝુકાવતો,સ્ટાઈલથી  હું નીચે ઉતર્યો, વડીલ સામેના ખંડમાં ઝૂલા ઉપર હિંચકતા હતા,
હાથમાં  ઈડલીનું બાઉલ જોતા વડીલે પૂછ્યું " શું લાવ્યા, સાહેબ ?"
મેં રસોડા તરફ ચકળ વકળ નજરે જોયા પછી વડીલ સામું  જોઈ બોલ્યો " બસ, કઈ જ નહીં, આતો આજે ઈડલી ખાવાનું મન થયું એટલે બનાવી નાખી, બઝારું ખાદ્ય  હું ઓછું પસંદ કરું છું "
"એમ,,, ? વાહ લ્યો, અમારે મધુનું પણ એવું જ  છે, તેને પણ બહારનું ખાવું વધુ પસંદ નથી, વળી ઈડલી તો તેની પ્રિય વાનગી છે " વડીલે મધુને સાદ પાડી બોલાવતા કહ્યું
થોડીવારે મધુના મમ્મી રસોડામાંથી બહાર આવ્યા,અને બોલ્યા,
"વાહ, લ્યો તમને તો બધું બનાવતા આવડતું લાગે છે હવે આવતે શનિવારે ઢોસા બનાવીને ખવરાવજો "
એટલું બોલતા મારા હાથમાંથી બાઉલ લઈ રસોડા ભણી ચાલ્યા
થોડીવાર ઔપચારિક વાતો કરી હું પણ ઉઠ્યો મારા રૂમની સીડી ચડતા મને વડીલના શબ્દો કાનમાં ગુંજવા લાગ્યા " વાહ લ્યો, અમારે  મધુને પણ એવુજ છે તેને પણ બહારનું ખાવું વધુ પસંદ નથી, વળી ઈડલી તો તેની પ્રિય વાનગી છે" મેં મનમાં વિચાર્યું ચાલો આપણા 25 માર્ક્સ તો પાકા બાકીના 75 ની તો ચીંતાજ નથી ઈડલી ખાધી નથી અને "સાહેબ " જમાઈમાં પરિવર્તિત થયા નથી
રાત પડી, મકાનમાલિકના રસોડા ઉપર મારી અગાસી હતી, હું ત્યાં જઈને ઉભો,મને થયું હમણાં ઈડલી ખાઈને પ્રંશશા નો ધોધ છૂટશે પણ એવું કઈ ન બન્યું રાત આખી ઊંઘ ન આવી, ઈડલીના કેવા પ્રતિભાવ હશે, મધુ શું વખાણ કરે છે,ભાવિ સ્વસુર અને સાસુ શું કહે છે ? એ વિચારમાંને વિચારમાં રાતના ત્રણ વાગી ગયા, અને આંખ મીચાઈ ગઈ
સવાર પડ્યું
રોજના ક્ર્મ પ્રમાણે હું રૂમના રવેશમાં ઉભો ઉભો બ્રશ કરતો હતો, નીચે જમણી બાજુના ખૂણે શેરીનો ઉકરડો હતો,ત્યાં ઉભેલા બે શ્વાન અંદરો અંદર ઝગડતા જોયા,એક શ્વાનના મોઢામાં કઈંક હતું,  જે બીજો શ્વાન તેના મોઢામાંથી આંચકવાનો પ્રયાસ કરતો હોય, બે શ્વાન વચ્ચેની ખેંચા ખેંચી જોઈ,પહેલા તો મને એવું લાગ્યું કે ચામડું શ્વાન ને પ્રિય હોય છે એટલે કોઈ ચામડાના ટુકડાની ખેંચાખેંચી ચાલતી હશે મેં ફરી  ધ્યાનપૂર્વક જોયું, તો બન્ને શ્વાન એક ઈડલી માટે ખેંચાખેંચી કરી ઝગડતા હતા,દૂર ઉભેલું એક શ્વાન પોતાના બન્ને પગ નીચે એક બીજી ઈડલી દબાવી, મોઢેથી તોડવાનો વ્યર્થ પ્રયાસ કરતો પણ જોયો, મેં ઉકરડા તરફ નજર ફેરવી તો ત્યાં ધૂળમાં રગદોળાયેલી બીજી ચાર ઈડલી પણ દૃષ્ટિ ગોચર થઇ, મારો માંહ્યલો બોલ્યો " જમાઈ રાજ, આ કાલ  સાંજે મધુ માટે આપેલીજ ઈડલી છે "
મુંગેરીલાલ સ્વપ્નની દુનિયામાંથી જમીન પર પટકાયા
બસ, ત્યાર પછીથી નક્કી કર્યું કે રાંધણ કળા  શિખેજ છૂટકો છે અને ગઁભીરતાપૂર્વક હું મચી પડ્યો પરિણામે આજે હું આ વિદ્યામાં કદાચ પારંગત તો નહીં હોઉં, પણ મારી વાનગી માટે શ્વાન ઉકરડે ઝગડશે,કે ખેંચા ખેંચી નહીં કરે. અરે ! ઉકરડે પણ જોવા નહીં મળે એટલી તો વિદ્યા હું આત્મસાત કરી ચુક્યો છું.
પાકવિદ્યામાં પ્રાવિણ્ય મેળવ્યા પછી ખબર પડીકે પહેલી જ વાર બનાવેલી ઈડલીમાં સોડા (ખારો ) નખાતો હશે એ ખબર  જ નહોતી એટલે ઈડલી સુંવાળી (Soft) થવાને બદલે કડક ચામડા  જેવી બની હતી
        વિધિની વક્રતા તો જુવો,જયારે કશું બનાવતા નહોતું આવડતું ત્યારે હું એકલો જ હતો, અને આજે જયારે બધુજ સારીરીતે સ્વાદિષ્ટ રસોઈ બનાવતા શીખી ચુક્યો છું, ત્યારે પણ હું એકલો જ છું
ઘાણીના બળદની જેમ ઠેરના ઠેર
ગાજરની ખીર

    
               
ગાજરના મુરબ્બા સાથે ખાટા ઢોકળાં













કેરીનો રસ-રોટલી,ખાંડવી કારેલા-બટેટા નું શાક





















< ફુદીના અને રતલામી સેવના પરોઠા 









 ફ્રૂટ સલાડ >











< શિયાળાનો રાજા, મેથીના લાડુ 
















> ખીચડો >


 < ગાજર નો હલવો 



















> મેથીવાળા લાલ મરચાનું અથાણું >

< મેથી વાળા લીલા મરચાનું અથાણું 

કહો સાહેબ, આમ શું ખૂટે છે ?પાક કલાની આજની મારી કલાનું આ તો માત્ર 
"ન્યુઝ રી
લ " છે,પૂરું પિક્ચર જોવા ખુશીથી ઘેર પધારો,