Wednesday, 6 February 2019

પાણીપુરીને અજય વરદાન.


*
દ્રશ્ય:-સ્વર્ગનું.
દેવાધિદેવ મહાદેવ કૈલાસ પર્વત પરથી હજુ સ્વર્ગમાં પધાર્યા જ હતા એવામાં ચોકીદારે સમાચાર આપ્યા ",પ્રભુ,ભૂખંડના કોઈ એક ભાગમાંથી એક પ્રતિનિધિ મંડળ આપને મળવા આવ્યું છે "
સસ્મિત મહાદેવ બોલ્યા "એ લોકોને મારી પાસે મોકલો"
પાણી પુરી પ્રતિનિધિ એ પ્રવેશતાંજ કરુણ આક્રંદ કરતા કહ્યું, "પ્રભુ સત્યાનાશ થઈ ગયો.અમને બચાવો.અમે નામશેષ થઈ જવાના આરે ઉભા છીએ.અમને અભય વચન સાથે અજય વરદાન આપો."
ભગવાને પૂછ્યું "વત્સ, તું કોણ છે,અને ક્યાંથી આવે છે ?તારી સમસ્યા શુ છે "
પ્રતિનિધીએ જવાબ વાળ્યો
"ભરતખન્ડથી આવી હું છું, નામ છે પાણી પુરી,
અમદાવાદ,રાજકોટ વડોદરામાં, હાલત અમારી બુરી,
મોં એ કાણું હોવાથી, ભલે રહી હું કુડી,
પણ મહિલાઓની દાઢે વળગી, સ્વાદે છું રુડી."
પ્રભુ,ભારતના ગુજરાત રાજ્યમાંથી હું આવી છું.સરકાર શ્રીએ અમારા ધંધા પર તરાપ મારતાં, ઠેર ઠેર દરોડા પાડવા શરૂ કર્યા છે,આથેલા, ખાટાં, વાસી પાણીના માટલા ગટરમાં ઠલવી દઈ,અમારો ધંધો ચોપાટ કરી નાખવા કટ્ટીબદ્ધ થયા છે,પ્રભુ અમને બચાવો"
મહાદેવ સસ્મિત બોલ્યા "સાચું,મને ગઈકાલે જ મહર્ષિ નારદે વડોદરાના સમાચાર આપ્યા અને મેં પણ ઈન્ટરનેટ ઉપર દરોડા વિશે વાંચ્યું.તું ભારતથી આવે છે એટલે હું મદદ કરવા સમર્થ છું.કારણકે ત્યાં બધું ધારેલુ તો થાયજ છે,પણ ન ધાર્યું હોય એવું પણ બને છે.
વાત રહી દરોડાની.વત્સ,દરોડા પાડનારને પણ પેટ છે,બન્ને બાજુ વાંસો નથી.પણ ચિંતા શા માટે ? તમારે ત્યાં દારૂ બંધી છે.દરોડા પણ પડે છે ?તેમ છતાં સરેઆમ છડેચોક જોઈએ એટલો નથી મળતો ?ગુટકા ઉપર પ્રતિબંધ મુકાયો છતાં બંધ બારણે કારોબાર થતો જ હતો ને ?એમ આ નાટક પણ થોડા સમયમાં પૂરું થઈ જશે.
બે એક વર્ષ પહેલાં "પોટલી"અને "કોથળી"નું પ્રતિનિધિ મંડળ મને મળેલ મેં તેને પણ અભય વચન આપ્યું છે.અને જુઓ,ધમધોકાર પોટલીઓ વહેંચાય છે ને ?
પ્રતિનિધીએ ગભરાતા પૂછ્યું,"પ્રભુ એ તો હપ્તા ચૂકવે છે,તો અમારે પણ ચૂકવવા પડશે ?
ભગવાન અટ્ટ હાસ્ય સાથે બોલ્યા,"વત્સ,તું જેને હપ્તા કહે છે એ તારી ભાષા છે,સુધરેલી ભાષામાં તેને "ધંધો ચલાવવા માટેનું પ્રીમિયમ"કહેવાય.પ્રીમિયમ ભરો ત્યાં સુધી તમારી સલામતી ચોક્કસ.એમાં ખોટું પણ શું છે,પ્રીમિયમ વસુલનારને પણ પરિવાર છે ને ?એ સર્વગ્રાહી વિચારે જ "સહુનો સાથ સહુનો વિકાસ"કહેવાયું છે.
બાકી ભારતમાં કોઈની તાકાત નથી કે પાણીપુરી નામશેષ કરી શકે.સત્યવાન સવિત્રીના સમયથી યમદૂત સ્ત્રીઓ પાસે હારતા આવ્યા છે,અને આ તો સ્ત્રીઓની પ્રિય વાનગી ?"
"પ્રભુ,અમે અમારાથી બનતી બધીજ સામાજિક સેવા કરીએ છીએ ગર્ભધારક સ્ત્રીને અભાવા થાય ત્યારે અમારો સહારો લે છે.યુ.પી.ના ઘણા યુવાન ભૈયાઓએ ગુજરાત અને ગુજરાત બહારની સુંદર કન્યાઓને મફત પાણી પુરી ખવરાવી,પટાવી, પોતાના ઘર માંડ્યા છે,આટલું શુ ઓછું છે ?"
ભગવાને સંમતિ સૂચક હકાર ભણતા પૂછ્યું,
"બોલ,તું શું ઈચ્છે છે ?"
"પ્રભુ,અભય,અજય વરદાન આપો" પ્રતિનિધીએ ગાલ ઉપરના આંસુ લૂછતાં કહ્યું.
"જાવ આપ્યું. પ્રભુ ખુશ થતા આગળ બોલ્યા,
*જ્યાં સુધી ભારતમાં વૃદ્ધાશ્રમો છે,ત્યાં સુધી તમારો કોઈ વાળ વાંકો નહિ કરે.
*પાખંડી,બાવા,સાધુ,બાબા,અને માં નું વર્ચસ્વ છે ત્યાં સુધી તમે સલામત રહેશો
*પ્રજાના પરસેવાના પૈસાથી જ્યાં સુધી નેતાઓ ના હવાઈ ઉડ્ડયનો ચાલુ રહેશે ત્યાં સુધી તમે નિશ્ચિન્ત રહેશો.
*ચૂંટણી લક્ષી જુમલા જેમ જેમ ફેંકાતા જશે,ત્યાં સુધી કોઈ તમારી સામે લાલ આંખ નહિ કરી શકે.
*જ્યાં સુધી દેશમાં ભ્રષ્ટાચાર અસ્તિત્વમાં છે ત્યાં સુધી તમારો સૂરજ તપતો રહેશે"
*દેશમાં ચાલતા અનિતિધામ,અને કુટણ ખાના ચાલુ રહેશે ત્યાં સુધી તમારા ધંધાની બરકત બરકરાર રહેશે "
"પ્રભુ,આ તો બધી રાજકીય વાતો કરી,અમારી હેસિયત ચપટી ચણા,અને બટેટાના બે ફોડવાં જેટલી,અમને આ કેમ સમજાય ?કોઈ સરળ સીધી સમજાય એવી ભાષામાં આપ અભય,અજય વરદાન આપો."પ્રતિનિધીએ આછું ડૂસકું ભરતા કહ્યું.
ભગવાન ખડખડાટ હસી પડ્યા અને કહ્યું.
"વત્સ,લે સાંભળ સરળ ભાષામાં અપાતું અભય વરદાન.
"જ્યાં સુધી પ્રત્યેક ભારતીય નાગરિકના બેંક ખાતામાં પંદર,પંદર લાખ રૂપિયા જમા નહિ થાય,ત્યાં સુધી પાણી પુરીનું સામ્રાજ્ય સલામત તો રહેશે,પણ વ્યાપ વધશે"
"ધન્ય છે,પ્રભુ ધન્ય છે,બસ,હવે ભારતમાં અમને કોઈ નિર્મૂળ નહિ કરી શકે એવું આખરી અભયદાન આપ્યું." એટલું બોલી ભગવાનને પ્રણામ કરી પાણીપુરી પ્રતિનિધિ મંડળ ફરી પૃથ્વી લોક તરફ પ્રયાણ કરવા નીકળી પડ્યું.