Thursday, 25 April 2019

દ્રુશ્ય :- સ્વર્ગનું

દ્રુશ્ય :- સ્વર્ગનું
*
*
" પ્રભુ, મેં એવો કયો મોટો ગુન્હો કર્યો છે કે આટલી જલ્દી તમે મને બોલાવી લીધો ?"
મેં આજ સુધી કોઈનું બુરું નથી કર્યું, નથી વિચાર્યું, સદાયે પૃથ્વી પર રહીને શુદ્ધ મનથી આપને ભજ્યા છે ,
 તો પણ ,,,,,,, ?  આ તે કેવો ન્યાય પ્રભુ ! આપ જાણો છો પૃથ્વીપર એવા કેટલાયે ભ્રષ્ટાચારીઓ,અને અનીતિ થી જીવતા લોકો આનંદે છે, અને મુજ ગરીબ માસ્તરને ક્યાં હડફટે ચડાવ્યો ?"
      આંખમાં જળજળીયા સાથે ચટપટાવાળું ટી શર્ટ,ભૂરા રંગનું પેન્ટ, છુંછા જેવા વાળ,પૂળા જેવી મૂંછ અને મોઢામાં કલકત્તી,માફક ચુનો,135, કાચી જાડી સોપારીનું પાન ચાવતો એક દુર્બળ દેહ ઈશ્વર પાસે
"સ્વર્ગના ન્યાયખંડ" માં કરગરતો હતો ,
પ્રભુ, ચિત્રગુપ્તસામે જોઇને મલક્યા,અને બોલ્યા,"વત્સ, દુરાચાર,વ્યભિચાર,પાખંડ,અનીતિ,કે લુચ્ચાઈ, કપટ,એજ માત્ર પાપની વ્યાખ્યામાં નથી આવતા, એવા પાપો તો પૃથ્વીલોકના માનવીને જ માત્ર નુકશાન કર્તા હોય છે પણ કેટલાક "નિર્દોષ પાપ" પણ હોય છે, કે જે કરવાથી તને, કે અન્ય પૃથ્વી લોકના માનવીને નહિ, પણ સ્વર્ગના દેવતાઓને કષ્ટ રૂપ બનતા હોય છે,અને તારા એવાજ પાપ છે".
ઓહો, પ્રભુ શું કહ્યું ? શું હું એટલો અધમ છું કે મેં અજાણ્યે પણ દેવતાઓને દુખી કર્યા છે ?"  એટલું બોલતાં ની  સાથે જ ખિસ્સામાંથી કૈંક પીળો ખાદ્યપદાર્થ કાઢી,મોઢામાં મુકતા દુખી અવાજે દુર્બળ દેહ બોલ્યો
"  આ તું શું ખાય છે ?",, ભગવાને પૂછ્યું.
પ્રભુ, કાઈ નહી, એતો આપનો પ્રસાદ છે " મરકતા મરકતા દુર્બળ દેહ બોલ્યો,
ભગવાને ચિત્રગુપ્ત તરફ ઈશારો કરતા, ચિત્રગુપ્તે,સુકલકડી દેહના ખિસ્સા તપાસ્યા.
આશ્ચર્ય,સાથે ચિત્રગુપ્ત ચિત્કારી ઉઠ્યો, " અરે પ્રભુ,આ તો કણઝાના ગાંઠિયા છે ?"
ભગવાન મરક્યા,બોલ્યા,"આ પામર જીવને ક્યાં ખબર છે કે તે ત્રિકાળ જ્ઞાની પરમ પરમાત્મા સામે ઉભો છે "
દુર્બળ દેહ બોલ્યો, "પ્રભુ, હું ક્યાં ના પાડું છું,અનાજ તમે પકવો છો,તેલ પણ તમારી પકવેલી મગફળીનું છે, અને જળ એતો આપજ પૂરું પાડો છો ને? આ ત્રિવિધ મિશ્રણથી બનેલ ગાઠીયા શું આપનો પ્રસાદ ન કહેવાય ? કાલે માધવપુર ગયા હતા,ત્યાંથી પાછા ફરતા અમે ખાધા,અને થોડા ખિસ્સામાં ભર્યા આ તે છે".
પણ પ્રભુ, મને મારો ગુન્હો તો કહો ?ગાંઠિયા ખાધા એ મારો ગુન્હો ?"
પ્રભુ, આપે મારી પૂરી કસોટી કરી છે, અને તેમાં પણ હું સાંગોપાંગ પાર ઉતર્યો છું,આપે મને એવી જગ્યા એ નોકરી આપી કે મારી જગ્યાએ,મારી તે ઉમરનો અન્ય કોઈ વિધુર પુરુષ,હોત તો અવશ્ય  વિચલિત થયા વિના ન રહે, આપે ઋષિ,અને મેનકા જેવો તખતો ગોઠવ્યો  હતો, પણ હું બિલકુલ અણીશુદ્ધ,અને પવિત્ર રહ્યો
ભગવાન બોલ્યા, " અરે, મુર્ખ,તું જેને કસોટી કહે છે, તે તારી કસોટી નહોતી,પણ તને આપેલી
"જિંદગીની અમુલ્ય,સોનેરી તક " હતી, પણ તું કમનસીબ જીવ તે ભોગવી ન શક્યો ?"
હવે સાંભળ તારો ગુન્હો ,
તું પૃથ્વી લોકના માનવીઓને હેરાન કર એમાં અમને નુકશાન નથી પણ તે હવે સ્વર્ગલોકનાદેવોને પણ સળી  કરવી શરુ કરી છે "
પ્રભુ, એ કેવી રીતે ?" પૃથ્વીપરના માનવે  સાશ્ચર્યસહ  પૂછ્યું,
"સાંભળ, રોજ પ્રભાતે હું શયનખંડ છોડીને બહાર આવું છું કે તુર્તજ મારી પાસે 20,191,પ્રાર્થના અરજીઓ એક જ માંગણી સાથે ઉભી હોય છે રોજ ,,,, હા રોજ,,,  કે પ્રભુ અમને જુનાગઢમાં જન્મ આપો, અથવા અન્ય જેમ લ્હેર કરે છે એમ એવી  જુનાગઢની લહેર અમે પણ કરીએ,,
પછી હું થાક્યો અને છેલે મેં આ ઉપાય વિચાર્યો
"હા,હા, હા, પ્રભુ આ આંકડો ગજબ લાવ્યા ? કેવી રીતે આવો વિચિત્ર આંકડો લાવ્યા, પ્રભુ ?"જીણી  આંખ, સાથે ગાલ માં ખાડા પાડતું અટ્ટ હાસ્ય વેરતા દુર્બળ દેહ બોલ્યો 
"સાંભળ,તું અને તારો સમૃદ્ધ શરીરવાળો દોસ્ત, રોજે રોજ રાત્રે ગમે ત્યાં ફરવા નીકળી પડી,ફેસબુકમાં મુક્યા કરો છો ક્યારેક તળેટી, તો ક્યારેક મધુવંતી ડેમ, ક્યારેક ગીરના જંગલોમાં,તો ક્યારેક મધરાત્રે  ડેમ
શું માંડ્યું છે આ બધું ? કોઈ દી' ગીગાના ગાંઠીયા,તો  કોઈ દી' નાનુભાઈના ભજીયા,કોઈ દી' નાની પરબડીના ચા ગાંઠીયા,તો કોઈ દી' કણઝા ના ?  આ બધું ફેસબુકમાં હું પણ વાંચું છું પણ જયારે,તારા ફેસબુક ફ્રેન્ડઝ 2,871, અને જે.જે. ગ્રુપના સભ્યો 17320,એ બધા ભેગા થઈને તારા જેવી મજા,અને જલસો કરવાની રોજે સવારે મને પ્રાર્થના કરે છે ત્યારે હું થાકીને કંટાળી જાઉં છું ,
હવે કર સરવાળો,અને કહે કે આંકડો સાચો છે કે કેમ ?
તને એક બીજી ખબર છે, ?પ્રભુ એ કરુણામય દ્રષ્ટિથી દુર્બળ દેહ સામું જોતા પૂછ્યું,
" જાડા ભેગો દુબળો જાય, મરે નહી પણ માંદો  થાય " તું તારા એ મિત્રને અનુસરવું બંધ કર તું જાણે છે ? કે તેના સ્વર્ગીય પિતાજીનો બાંધો પણ એકવડિયો હતો,પણ તે સ્માર્ટ સ્પોર્ટ્સમેન,અને નિર્વ્યસની હતા તેનો વારસો તેને મળ્યો છે અને તેથી તે ખડતલ છે અને તને તારા પિતાશ્રીનો શરીર,અને વ્યસનનો  વારસો મળ્યો છે
" પ્રભુ, આપ તદ્દન સાચા છો, પણ મારા જીવનમાં આ એક માત્ર શોખનું, નિર્દોષ મનોરંજન છે, હું આપને નડીશ નહી,નહી મારા મિત્રો કે જે,જે, વાળાઓ આપને હેરાન કરે,પણ પ્રભુ મારે હજુ ઘણું ભટકવું બાકી છે, મારા ઉપર દયા કરો, કૃપાસિંધુ, આપનું માત્ર એક જ કૃપાબિંદુ મુજ પર વરસાવો, હું ધન્ય થઈશ "
આંખમાં આંસુસાથે બન્ને હાથ જોડીને, સર્વસ્વ લુટાઈ ગયું હોય તેમ દુર્બળ દેહ દંડવત પગે પડ્યો
"તથાસ્તુ " ભગવાને તુર્તજ ચિત્રગુપ્ત ને હુકમ કર્યો, " જાઓ આ પૃથ્વીપરના જીવને તેના ઘર સુધી છોડી આવો "
અરે,,,,,,,, અરે,,,, ભગવાન,,,, એમ નહી ,,, ના, ના, ના ,,, મારે ઘેર નથી જાવું,
કાંડા ઘડિયાળ તરફ નજર નાખતા પૃથ્વીલોકના માનવીએ કહ્યું " પ્રભુ, આજે તો, દેવવીરડાનું નક્કી છે, મિત્રો રાહ જોતા હશે, થેપલા, તાજું અથાણું અને કેરીનો રસ પણ મારા ભાગના લીધા હશે, મને દેવ વીરડા જ સીધા પહોંચાડવાની કૃપા કરો
પ્રભુ, હસ્યા, કહ્યું, તથાસ્તુ, "પણ એક શરત,,,,,,...
"વત્સ, તારા ખિસ્સામાં રહેલા ઓલ્યા,કણઝાના ગાંઠિયા અહીં મારા માટે મુકતો જા '
 ખુશખુશાલ દુર્બળ દેહે મુઠ્ઠો ભરીને કણઝા ના ગાંઠિયા પ્રભુને હાથો હાથ આપ્યા
       એકાએક  તેજપૂંજ અદ્રશ્ય થયો હોય એવું મને લાગ્યું, A,C,પંખો અચાનક જ બંધ,
આંખ ખુલી ગઈ, જોયું તો ઘરની, અને શેરીની બધી વીજળી ડુલ થઇ ગઈ હતી સવારના ચાર વાગ્યા હતા, કોમ્પુટરની ખુરશી પરજ બંધ કોમ્પુટરની સામે,ખુરશી ઉપર બેઠા,બેઠાજ નિદ્રાધીન,અને સ્વપ્નાધીન થઇ ગયાનો અહેસાસ થયો.