Monday, 10 June 2019

પપ્પાના લગ્નનું નિમંત્રણ

 
દૈનિક નિત્યક્રમ પરવારી ચૂંટણીનારંગ ઢંગ વાંચતો હું બેઠો હતો તેવામાં ફોનની ઘંટડી રણકી ફોન ઉપાડતા સામેથી અવાજ આવ્યો " હલ્લો,અંકલ હું તરલા બોલું છું કેમ છો ? મતદાન કરી આવ્યા ?આજ તો આપણો  રાષ્ટ્રીય પર્વ છે.
હું અવાજ ઓળખી ગયો મેં જવાબ આપ્યો " હા,સવારમાં વહેલા જ પછી તડકામાં ઉભવું આકરું લાગે બેટા બોલ આજે અચાનક સવાર સવારમાં હું કેમ યાદ આવીગયો ? જવાબ મળ્યો બસ આજે સવારમાં તમને યાદ કરવાપડે તેમ હતું તમો સાંજે  ફ્રી હો  તો હું અને દિનેશ તમને મળવા આવીએ
મેં જવાબ વાળ્યો " ઓફ કોર્સ ઇટ્સ માય પ્લેઝર" ખુશીથી આવો મજા પડશે "
******

ફોન પૂરો થતા હું અતીતની યાદોમાં ડૂબી ગયો.
કિશોર મારો લંગોટીયો મિત્ર હાઇસ્કુલથી કોલેજ સુધી સાથે ભણ્યા અને ત્યારબાદ નોકરી પણ એકજ ગામમાં એક જ બેંકમાં ઘણાવર્ષો સુધી સાથે કરી.કિશોરના જીવનના સારા-માઠા પ્રસંગો નો હું સાક્ષી
માત્ર બાર વર્ષનું લગ્નજીવન ભોગવ્યા બાદ આજ છેલા 30 વર્ષથી કિશોર  વિધુર જીવન વિતાવતો હતો.
તેમને સંતાનમાં બે દીકરી,અને એક દીકરો તરલા મોટી,સરલા નાની, ભાઈ નવી નવી નોકરીમાં બીજે ગામ સેટ થતો જાયછે સરલા નાની અને અત્યંત લાડકી હોવાથી ઘરમાં અને કુટુંબમાં તે નાનકીના હુલામણા નામથી ઓળખાતી હતી તરલા ઉમરલાયક થતા રાજકોટના એક તબીબ ડો. દિનેશને પરણાવી અને આજે તે બે સંતાનોની માતા છે, જયારે સરલા લગ્ન પછી વિદેશમાં સ્થાયી થઇ છે.
   સાંજના છ એક વાગ્યાનો સમય હતો.તરલા,અને દિનેશ આવ્યા ઘરમાં પ્રેવશતાજ બન્ને જણા પગે લાગ્યા સાથે એક મીઠાઈનું બોક્ષ અને સુંદર કાર્ડ પણ આપ્યુ. 
આશ્ચર્ય સાથે પૂછ્યું," ઓહો.,, આ શું છે ? અને ક્યાં શુભ અવસર નિમિત્તે છે ?
એક આછા સ્મિત સાથે તરલા બોલી "અંકલ આજે હું  દુનિયાની સૌથી વધુ ખુશહાલ વ્યક્તિ હોવા નિમિત્તે આ મીઠાઈ છે અને સાથેનું કાર્ડ વાંચ્યાપછી તમે  પણ દુનિયાના બીજા સૌથી વધુ ખુશહાલ વ્યક્તિ બનશો "
એવું વળી શું છે ? એમ કહી કુતુહલવશ મેં કવર ખોલી કાર્ડ વાંચ્યું. 
કાર્ડનું હેડીંગ હતું " પપ્પાના લગ્નનું નિમંત્રણ " કાર્ડ પૂરું વાંચ્યું, હું તો આશ્ચર્યથી આભો થઇ ગયો, કિશોર
 નિર્મલા નામની સ્ત્રી સાથે અક્ષય તૃતીયા દિને (અખાત્રીજ)પુનર્લગ્નથી જોડાવાનો હોય શહેરની પ્રતિષ્ઠિત હોટેલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું તે પાર્ટીનું નિમંત્રણ હતું. 
ગંભીરતાથી તરલા તરફ જોતા મેં કહ્યું, " બેટા,તને ખબર છે કે આજે એપ્રિલ મહિનાની છેલ્લી તારીખ 30 છે ? સામાન્ય રીતે આપણે ત્યાં પહેલી એપ્રિલે "એપ્રિલ ફૂલ" બનાવવાનું ચલણ છે તો આજે કેમ ?,અને તે પણ મને ? આતે કેવી મશ્કરી ?"@Vyomesh Jhala
તરલાએ તેવીજ ગંભીરતાથી  ઉત્તર વાળ્યો,"અંકલ તમે જેવું માન્યું તેવું નથી આ હકીકત છે  હા,તે સાચું કે ન માન્યમાં આવે  કે ન વિચારવામાં આવે તેવું કદાચ હશે પણ તેનું પણ એક કારણ છે કે આજસુધી આપણો સમાજ જે જોવા કે સાંભળવાથી ટેવાયેલો નથી,જે વસ્તુને વિકૃત,અને વિકારી નજરથી જુવે છે તેવું આ પગલું છે, તેથી કોઈને પણ આ વાત આંચકો આપે તે સ્વાભાવિક છે પણ હા એ સત્ય છે કે પપ્પા 70 વર્ષની વયે પુનર્લગ્નથી જોડાય છે અને તે કાર્ય મારા અને દિનેશનું સયુંકત સાહસનું પરિણામ છે. 
હકીકતની સત્યતાજાણ્યા પછી મેં કહ્યું " બેટા,તું બિલકુલ સાચી છે, જે પગલું કિશોર આજે ભરવા તૈયાર થયો તે માટે અમે બધા સ્ટાફે આજથી 20/25 વર્ષ પહેલા ખુબ સમજાવ્યો હતો પણ તું તારા પપ્પાને જાણે છે કે તેનો એકવાર  લેવાયેલો  નિર્યણ અડગ હોય છે એટલે જ મને આજે આ માન્યમાં નહોતું આવતું પણ તારા આ પ્રયાસની સફળતા માટે હું તમને બન્નેને અભિનંદન આપું છું. તું સાચી છે કે કિશોર મારો પરમ મિત્ર હોય આજે હું દુનિયાનો સૌથીવધુ  ખુશહાલ વ્યક્તિ બન્યો છું "
એતો ઠીક પણ તું આ કેવી રીતે મેળ પાડી આવી ?" સહજ  જિજ્ઞાસાથી મેં પૂછ્યું
તરલાએ જવાબ આપ્યો " અંકલ, નિર્મલાબેન મૂળ ગુજરાતના જ છે તેનાપતિ ભોપાલ ખાતે એરફોર્સમાં પાઈલોટ હતા અને નિર્મલાબેન ત્યાની કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. પ્લેન ક્રેશમાં તેમનાપતિનું  અવસાન થતા નિ:સંતાન નિર્મલાબેનના જીવનમાં એકલતા પ્રવેશી તેમાંપણ નિવૃત્તિ પછી તેઓ એટલી હદે એકલતા અનુભવતા હતા કે તેમણે પુનર્લગ્નનો વિચાર કરી અમદાવાદની એક સેવાભાવી સંસ્થાનો સંપર્ક  કર્યો તેજ રીતે દિનેશે પણ મને વિશ્વાસમાં લઇ આ સંસ્થાનો સંપર્ક કર્યો  મુલાકાતના પહેલા દોરમાં હું, અને દિનેશ નિર્મલાબેનને મળ્યા અને પપ્પા વિષેની બધી માહિતી દિલ ખોલીને આપી તેજ રીતે તેણે પણ નિખાલસતાથી પોતાનું એકાકી જીવન વર્ણવ્યું બીજા દોરમાં પપ્પા અને નિર્મલાબેન મળ્યા અને બન્નેની પસંદગી, વિચાર અને વ્યવહાર એક બીજાને પસંદ પડતા તેઓ બન્ને સંમત થયા. ત્રીજા અને અંતિમ દોરમાં  જયારે સંસ્થાના પ્રમુખે નિર્મલાબેનનો વિચાર પૂછ્યો ત્યારે તેઓએ સંમતી સૂચક ડોકી હલાવી કહ્યું કે " જ્યાં મન ઠર્યું, તે માળો ",મને લાગે છે કે મારી તલાશનો આજે અંત આવ્યો છે જેને મળવાથી હવે જીવનમાં કશુય બાકી નથી રહેતું એવું જયારે તમારો અંતરઆત્મા કહે અને શોધનો અંત દેખાય ત્યારે તેવી સાલસ વ્યક્તિને જીવનમાં અપનાવી લેવાય "
આમ અમે બધા વિચાર પછી એક જ નિર્ણય ઉપર આવ્યા કે "પપ્પાએ આજ સુધી જે ટાળ્યું હતું, તે વિધીએ આજે પ્રત્યક્ષ હાથોહાથ આપ્યું છે."
"અંકલ,તમને તો બધીજ ખબર છે કે આજથી 30 વર્ષ પહેલા મમ્મીનું અવસાન થયું ત્યારે હું માત્ર 7 વર્ષની, અને નાનકી લગભગ 5/6 વર્ષના હતા પપ્પાની ભર યુવાનીમાં તે એકલા અટુલા થઇ ગયા વૃદ્ધ દાદા-દાદીની સેવા બેંકની આકરી નોકરી,અને બાળકોનું  ધ્યાન રાખવું તેને માટે કપરું કામ હતું, તમે તો બરાબર પણ દાદા-દાદીએ પોતાની હયાતીમાં જ પપ્પાને સમજાવ્યા હતા પણ દરેક વખતે પપ્પા હસીને  કહેતા કે " મારો આ જન્મ સંતાનોની સેવામાટે કૃષ્ણાર્પણ કર્યો છે."
તેમણે  અમારીપાછળ ભેખ ધર્યો હતો, અને આમને આમ મમ્મીની વિદાય પછી પપ્પા મનમાં ને મનમાં ચિંતાથી ઘેરાતા જતા હતા તેમને અમારા ભવિષ્યના અભ્યાસ,પ્રસંગો અને સામાજિક જવાબદારી એકલે હાથે કેમ નિભાવવી તે સમસ્યા કોરી ખાતી હતી."
તરલા ધીમે ધીમે ભૂતકાળમાં એવીરીતે  સરકવા લાગી કે જાણે તેના અતિતનું ચલચિત્ર જોતી હોય તેમ તેણે આગળ ચલાવ્યું " મમ્મીના ગયાપછી પપ્પાની જવાબદારી બેવડી થઇ ગઈ શાળાએથી પાછા અમે ઘેર આવીએ અને ચંપલની પટ્ટી તૂટેલી જુવે,તો બીજે દિવસે શાળાના સમય પહેલા નવા ચંપલ હાજર હોય.
અમારી તમામ અંગત જરૂરિયાતો પર ધ્યાન આપતા "સમય નથી", કે "સમય નહોતો" "ભુલી ગયો" કે "કાલે કરીશ " તેવું કોઈ બહાનું તેણે અમારા કોઈ પણ કામ માટે નથી આપ્યું,રોજ રાત્રે અમને અંગ્રેજી શીખવે વ્યવસાયી શિક્ષકની જેમ પાઠમાળામાંથી ગ્રામર ભણાવે શાળા અને કોલેજની વકતૃત્વ હરીફાઈમાં અમે તેનીપાસે લખાવી ગોખીને ભાગ લેતા તેમાંપણ સમય કાઢી અમને  લખી આપી પોતાની સામે ઉભા રાખી પ્રેક્ટીસ કરાવતા અને હમેશા શાળા કોલેજમાં અમે પ્રથમ વિજેતા ઠર્યા છીએ. રાસગરબા હરીફાઈમાં પણ અમને તેઓ આગળ કરતા આજથી 25 વર્ષ પહેલા જયારે ટી વી.નું ચલણ ન હતું ત્યારે ઘેર ઘેર રેડીઓ ગુંજતા હતા તે સમયમાં આકાશવાણીની સ્વરપરીક્ષા અપાવી અમને  આકાશવાણીના"માન્ય કલાકાર" બનાવ્યા હતા સ્કુલમાં અને અમારા વર્ગમાં તે અમારું ગૌરવ ગણાતું હતું  મને આજે એ વિચાર આવે છે કે આટલી બધી શક્તિ,અને ક્ષમતા તેણે કેવી રીતે કેળવ્યા હશે ?"
" અંકલ, તમે જાણો છો કે નાનકી ને બચપણમાં કીડનીની તકલીફ હતી,પથારીમાં તે દિવસે કે રાત્રે પેશાબ કરી પડતી હતી(Bed Wetting) પપ્પાએ એલોપથી,આયુર્વેદિક,તેમજ હોમિયોપેથીક ઈલાજ કરવામાં જાત ઘસી નાખી બીજી બાજુ છોકરીની જાત એટલે ચિંતા પણ રેહતી બાલ્યાવસ્થાથી કિશોરાવસ્થા સુધી એટલેકે છ વર્ષ થી સોળ વર્ષ સુધી આ દર્દ રહ્યું,દર્દપણ એવું કે યુવાનીમાં પ્રવેશતી દીકરીની સમસ્યા કહે પણ કોને?
પપ્પા રોજ બે ગોદડાની ગાદી બનાવી દઈ,તેના ઉપર સુવાડતાં,અને રોજ સવારે તે બન્ને ગોદડાં પેશાબથી તરબતર થઇ જતા ત્યારે ઉકળતા પાણીમાં ધોઈને સુકવતા આ નિત્યક્રમ દશવર્ષ ચાલ્યો 
પપ્પાના "મેલા હાથ" જોનારની દ્રષ્ટિ કદાચ મેલી હશે પણ વાસ્તવમાં દશ વર્ષ સુધી પેશાબવાળા ગોદડાંના ધોયેલા ક્ષારયુક્ત પાણીની એ છારી છે ,જે કદાચ આજસુધી પપ્પાના નખમાં દુર્ગંધ મારતી હશે.
પપ્પા અભિમાની નથી પણ સ્વાભિમાની જરૂર છે, જિદ્દી નથી પણ ખુદ્દાર જરૂર છે, ખુશામત ખોર બિલકુલ નથી,પણ પ્રશંશક જરૂર છે,દંભી નથીપણ નિખાલસ જરૂર છે,કોઈ સ્નેહી,કે સગા,પપ્પાની ચિંતા કરે તે ગમે છે, પણ દયાખાય તે ગમતું નથી બિચારા,કે બાપડા,શબ્દની તેને સુગ અને નફરત છે,પપ્પાએ પોતાના દુઃખની મૂડી ઉપર સહાનુભૂતિનું વ્યાજ  કદી નથી ઉઘરાવ્યું તેમ છતાં પોતાની કેરિયરમાં પોતા માંટે  ક્યારેય  કોઈ પાસે પોતાનો સ્વભાવ બદલ્યો નથી,સિદ્ધાંતો સાથે કદી સમજુતી નથી કરી જયારે અમારા બધા માટે તેણે  કંઈકની દાઢીમાં હાથ નાખ્યા છે,અનેકના મેણાં ટોણા સાંભળ્યા છે, અનેકની લાચારી કરી છે, માન-અપમાન સહ્યા છે. આ બધું મેં ત્યારે જોયું હતું પણ મોડે મોડે હવે તેની સાચી સમજણ પડે છે".
"ઉમર વધવાસાથે શારીરિક સમસ્યાઓ વધતી હોય છે પુરુષોમાં પ્રોસ્ટ્રેટ, હાઇડ્રોસિલ,મોતીઓ વિગેરે સામાન્ય,અને અનિવાર્ય હોય છે તે સંજોગમાં પપ્પાને "પોતાનું અંગત"  કોઈક પાસે હોય તો સારું રહે,
પપ્પાને સામાન્ય પત્નિ નહી પણ સાચા અર્થમાં જીવન સંગીની,સહધર્મ ચારિણી,અને સોલ મેટ (અંતર સાથી) ની જરૂર હતી,
લગ્ન પહેલા હું પપ્પાની સાથે અને સામેજ રહી છું,છતાં મને પપ્પાના ભવિષ્યની સમસ્યાનો કેમ ખ્યાલ ન આવ્યો ?મને તેનું દુખ છે. મારા સાસરવાસ પછીથી પપ્પા એકલા થઇ ગયે,લગભગ 20 વર્ષ થયા હશે,  પપ્પા પોતે પોતાના હાથે  ચ્હા બનાવે ત્યારે જ તે પી શકે, અને જાતેજ બધી પંચામૃત રસોઈ બનાવી જમે છે શિયાળો, ઉનાળો,કે ચોમાસું શું પપ્પાને આટલા વર્ષોમાં કોઈ દિવસ તાવ,શરદી,કે શરીરની કળતર નહી થઇ હોય ?70 વર્ષની ઉમરે સવારમાં ઉઠતાવેંત તેને પોતાની ચ્હા,કે રસોઈ બનાવવાનો કંટાળો કદી નહીઆવ્યો હોય ? રસોડામાં રસોઈના પ્લેટફોર્મ પાસે સતત ઉભવામાં તેને કમ્મરનો દુખાવો કે થાક નહી લાગ્યા હોય ?
પોતાની ફરજ અને જવાબદારીમાંથી છટકવું હોત તો પપ્પાએ ક્યારનું એ બીજું શોધી લીધું હોત પણ તેણે પોતાનો સ્વાર્થ કદી  જોયો નહી, અને યુવાની તો વેડફી,પણ હવે વૃદ્ધાવસ્થા ન બગડે તે જોવાની મારી ફરજ છે ,પપ્પા એક "કર્મ યોદ્ધા" ની જેમ ઝઝૂમ્યા,અને "કર્મયોગી"ની જેમ જીવ્યા મમ્મીના અવસાન સમયે હું માત્ર 7 વર્ષની હતી સાતવર્ષની છોકરીમાં શું જ્ઞાન હોય ? પણ પછીના 17 વર્ષોમાં પપ્પાએ અને દાદીએ વિવેક, વિનય,વડીલોનું માન -મર્યાદા,શિસ્ત,આમન્યા,વ્યવહારિકતા,અને  કરકસરના પાઠ ભણાવી સંસ્કાર સિંચન કર્યું મને એક કાચા પથ્થરમાંથી ઘસી ઘસી પહેલ પાડીને એક ચમકતો હીરો બનાવી"મેરેજ-માર્કેટ" માં મૂકી, આજે હું 20વર્ષથી સયુંકત કુટુંબમાં વહુ તરીકે ગૌરવશાળી સ્થાન ભોગવું છું કદાચ આવું શિક્ષણ કે તાલીમ કણ્વ ઋષિએ પોતાની માનસ-પુત્રી શકુંતલાને પણ નહી આપી હોય.પોતાનાં વર્તમાન,અને ભવિષ્યને બગાડીને પણ અમારું ભવિષ્ય સુધારનાર આવા નિસ્વાર્થી બાપ માટે વિશ્વ-કોષમાં પણ કોઈ વિશેષણ મળવું દુર્લભ છે".
" તમેતો પપ્પાની 17 થી 70 (Seventeen To Seventy ) વર્ષની દડમજલના સાક્ષી છો મારા જન્મ પહેલાથી તમે તેને વિશેષ ઓળખો છો,પપ્પાનોપર્યાય એટલે સંઘર્ષ। અંકલ અમે ભાગ્યશાળી છીએ કે, આવો આદર્શ બાપ અમને મળ્યો "
વાત પૂરી કરતા તરલાની આંખમાંથી આંસુ  ટપકતા હતા મેં કહ્યું કે તરલા તું  બિલકુલ સાચી છો તારાપપ્પા ની "સંતાન તપસ્યા"નો હું પણ સાક્ષી છું.
તું  ચિંતા ન કર હું અવશ્ય  સમયસર સ્થળ પર પહોંચી જઈશ.
તરલા અને દિનેશ જવા માટે ઉભા થયા ફરી પગે લાગ્યા, કિશોરે આપેલા આ સંસ્કારનું પરિણામ જોઇને હું તેમના માથાપર  હાથમુકતા બોલ્યો "બેટા, હું મારા અંતરની એક વાત કહું ? મને એમ લાગે છે કે તું  ભલે કિશોરને ઘેર આ જન્મે પુત્રી થઈને અવતરી,પણ ગતજન્મમાં તું જરૂર એની મા  હોઈશ કારણકે આટલી લાગણી પુત્ર માટે મા  સિવાય કોઈની ન હોય.30,વર્ષની તેની તપસ્યાનું ઋણ તે એક જ જાટકે વ્યાજ સહિત ચૂકવી દીધું"
આટલું બોલવાનું પૂરું થતાજ તરલા મારા ખભે માથું ટેકવી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બોલી,અંકલ પ્લીઝ એવું ના બોલો,પપ્પાનું ઋણ ચુકવવા સાત જન્મ પણ ઓછા પડે,આજે મેં જે કર્યું તે મારે 10/15 વર્ષ પહેલા કરવાની જરૂર હતી તે દુખ મારાહૃદયને વલોવી નાખે છે અને હું મારી જાતને ઈશ્વરનો અંને પપ્પાનો ગુન્હેગાર સમજુ છું, અંકલ આજે હું મારો કોઠો ઠાલવીને,અને મારા ગુન્હાની કબુલાત તમાંરી પાસે કરીને હળવીફૂલ બની ગઈ છું." 
વાતાવરણમાં ગમગીની આવીગઈ તેઓના જતી વખતે મારા વેણથી તે વધુ સંવેદનશીલ બની હોય તેમ લાગતા મેં વાતાવરણને હળવું બનાવવા કોશિશ કરી અને કહ્યું "તું સાચી છે મારો કિશોર કાગડો બનીને
 દહીથરું તાણી લાવ્યો છે તે જોવા તો આવવું જ પડશેને?ચાલો, અખાત્રીજે  મિષ્ટ ભોજન સાથે "દહીથરા દર્શન " નો લાભ મળશે અને હા, હવે તું પણ ગૌરવથી બધાને કહી શકીશ કે " મેરે પાસ મા  હે "
તરલાના મુખપર સંતોષ અને પ્રશંશાનું સ્મિત રેલાયું, દિનેશે ચશ્માં ઉતારી ભીંજાયેલી આંખના ખૂણા લૂછ્યા
**** 
 *
*
સ્વલિખિત પુસ્તક "મોગરાની મહેક"માંથી,