Saturday, 28 September 2019

કુદરતની લાકડી



" પાંચ હજાર રૂપિયા ?
સાહેબ, હું મધ્યમવર્ગીય માણસ છું ખાનગી નોકરીમાંથી નિવૃત થયો હોઉં કોઈ પેંશન જેવી નિયમિત આવક પણ નથી પ્લીઝ થોડા ઓછા કરો મારો એક માત્ર પુત્ર  નજીકના ગામમાં સામાન્ય સરકારી  નોકરી કરેછે
એ પોતાના પરિવારનું પેટ પાળે છે. હું આવડી મોટી  રકમ કેવી રીતે આપી શકું? આટલી રકમમાં તો મારુ ઘર એક મહિનો ચાલી જાય છે" ગળગળા થઇ  જતા સારંગધરે વ્યાસ સાહેબ પાસે બળાપો ઠાલવ્યો 
" જુઓ ભાઈ, હું તમને કોઈ દબાણ નથી કરતો બાકી આતો વ્યવહાર છે અને તે પણ તમારી વિશેષ સુવિધા માટે તમે ચૂકવો છો " વ્યાસ સાહેબે મક્કમ સ્વરમાં સારંગધરને કહ્યું 
" એ વાત સાચી હશે, પણ મારા પત્નીને હૃદયરોગ છે ઘણા વખતથી તેની સારવાર ચાલે છે અને તબીબી અભિપ્રાય મુજબ દોઢ થી બે માસ દરમ્યાન એની બાયપાસ સર્જરી કરવી જરૂરી છે  અહીં શહેરમાં સારી અને વિખ્યાત ગણાતી એક માત્ર મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ છે કે જ્યાં સરકારી યોજના પ્રમાણે મફત અથવા અર્ધા ભાવે ઓપરેશ અને અન્ય સારવાર મળે છે,અને નીતિનિયમ મુજબ હું એ યોજનાનો  લાભ લેવા પાત્ર હોઉં મારે નિયમ મુજબના સરકારી દાખલા રજૂ કરવા પડે એમ છે. બસ આજ મારી મજબૂરી છે " બોલતા સારંગધરને ગળે ડૂમો બાજી ગયો. 
" હું સમજુ છું કે આપત્કાલીન જરૂરિયાતે જ લોકો અહીં મારી પાસે આવે છે. કોઈ હરકત નહીં જો તમે એ રકમ આપી શકો એમ ન હોય તો સરકારી ધારાધોરણ મુજબ સરકારી રાહે તમારું કામ થશે એમ પણ બને કે એમ થતા એક બે માસ નીકળી પણ જાય અને પચીસ પગથિયાની સિડી ચડી તમારે બે ત્રણ ધક્કા પણ કરવા પડે 
જયારે આ રકમ આપ્યા પછી દિવસ ત્રણમાં બધાજ દાખલા અને જરૂરી કાગળો ઘેર બેઠાં તમને મળી જશે, બોલો, આ વિશેષ સુવિધા નથી ? વ્યાસ સાહેબે સારંગધરની સામે  જોયા વિના ખુલાસો કર્યો
 કચવાતા મને સારંગધરે ખિસ્સામાંથી પાંચ હજાર રૂપિયા કાઢતાં કહ્યું " કંઈ વાંધો નહીં સાહેબ, લ્યો આ પાંચ હજાર રૂપિયા પુરા, ગણી લ્યો હું સમજુ છું કે જેમ મારી મજબૂરી માટે આપને"મીઠાઈ " આપવી પડે છે, એમ આ પૈસા લેવા માટે આપની  પણ કોઈ મજબૂરી હશે"
જીણી આંખ કરી ખંધુ હાસ્ય કરતા વ્યાસ સાહેબે એ લાંચના પૈસા ખિસ્સામાં સરકાવતા કહ્યું " ભલે, હવે ત્રણ જ દિવસમાં બધા જ કાગળો તમારા ઘરના સરનામે ઘેર બેઠા મળી જશે, નિશ્ચિન્ત રહેજો  
 સાહેબની ચેમ્બરમાંથી બહાર નીકળતાં ઉનો ઉનો ઊંડો  નિશ્વાસ નાંખતા સારંગધર  બોલ્યા "જેમ લાભ (પગાર) વધુ એમ લોભ વધુ.  હે પ્રભુ, આવા  કાળ ભૈરવના પેટ ક્યારે ભરાશે ? તારી લાકડી પણ અહીં ટૂંકી પડે  છે ? "
*********
રેવન્યુ ખાતામાં ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન વ્યાસ સાહેબ શહેરના પોશ  વિસ્તારમાં આવેલ "ઓનેસ્ટ સોસાયટીમાં "પુરુષાર્થ " નામનો  ભવ્ય બંગલો ધરાવતા હતા પરિવારમાં ઉચ્ચ શિક્ષિત પત્ની તથા શીતલ નામની  M.B.B.S. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી એકમાત્ર પુત્રી હતા.
વ્યાસ સાહેબ અતિ મહત્વાકાંક્ષી હોય એમની ઈચ્છા પુત્રીને સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર બનાવી શહેરના મુખ્ય રસ્તા ઉપર પોતાનું દવાખાનું બનાવી દેવાની હતી અને તે કારણે યેન કેન પ્રકારેણ પૈસો ભેગો કરવાની અને ટૂંકે રસ્તે સિદ્ધિ મેળવી લેવાની લાલચુ  મનોવૃત્તિ ધરાવતા હતા અને તે કારણે  અપ્રમાણિક્તાથી  અરજદારની આર્થિક સ્થિતિ જોયા વિના તોડ કરી લેતા હતા. આજ રીતે  સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા સારંગધરનું ખિસ્સું પણ હળવું કર્યું
*****
   આજે વ્યાસ સાહેબનો જન્મદિવસ હતો સાથોસાથ થોડા દિવસો પહેલા વર્ગ-1ના અધિકારીનું પ્રમોશન પણ મળતા પોતાના થોડા અંગત મિત્રો સાથે ઘર આંગણે એક મિજલસ ગોઠવી હતી એ કારણથી સવારથી  એમના બંગલા પાસે ચલપહલ વઘી  ગઈ હતી.
શીતલને પણ કોલેજ તરફથી મળેલી સ્કોલરશીપથી આજે તેણે  નક્કી કર્યું હતું કે પપ્પાને પોતાના  તરફથી જન્મદિવસની એક સુંદર કેક અને કિંમતી ભેટ આપવી છે  તેથી કોલેજેથી છૂટી સીધી બઝારમાં ખરીદી કરી અને ઘેર આવવાની હતી
શહેરથી અગ્યાર કી.મી. દૂર હાઇ-વે ઉપર આવેલી "પંડિત નહેરુ મેડિકલ કોલેજ અને સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ" માં અભ્યાસ કરતી શીતલને આજે ઘેર વહેલા પહોંચવાની ઉતાવળ હતી,
કોલેજેથી છૂટી શીતલ પોતાના સ્કૂટર પર ઘર તરફ જવા નીકળી એ સમયે હાઇ-વે ઉપરના ટ્રાફિકના ભારે દબાણને કારણે અને પોતાની ઉતાવળમાં શીતલે પોતાનું સ્કૂટર કોઈ ખાનગી ભારે વાહન સાથે ટકરાયું અને ગંભીર અકસ્માત સર્જાયો, શીતલ લોહીલુહાણ હાલતમાં જાહેર માર્ગ ઉપર બેભાનાવસ્થામાં પડી હતી એના માથા તથા કાનમાંથી અસ્ખલિત રક્તસ્ત્રાવ થતો હતો.
તમાશાને તેડું હોય ?  લોકોનું ટોળું એકઠું થઇ ગયું કેટલા લોકો પ્રકૃતિ અનુસાર  મોબાઇલમાંથી વિડીયો ઉતારવા લાગ્યા તો કેટલાક લોકો દ્રશ્ય જોઈને પોલીસના પંચનામાની બીકે ધીમે ધીમે ત્યાંથી સરકતા ગયા. બેભાન શીતલ મુખ્ય રસ્તા વચ્ચે લોહીલુહાણ હાલતમાં  એકલી અટુલી પડી રહી.
એવાંમાં  સફેદ ઝબ્બો, અને પાયજામો પહેરેલ એક તરવરીયા રાહદારી યુવાનનું ધ્યાન પડતા તુરતજ
દોડીને ત્યાં આવી પહોંચ્યો તેણે  રીક્ષા બોલાવી શીતલને રિક્ષામાં સુવરાવી દવાખાને લઈ ગયો.
અજાણી યુવતીને બેભાન અવસ્થામાં પોતાની  સાથે રીક્ષામાં  લઈ જતા યુવકને સહેજ પણ કોઈ વિચાર ન આવ્યો માત્ર અને માત્ર માનવતાની રૂએ નામ ઠામ કે અન્ય વિગત જાણ્યા વિના એ યુવાન દવાખાને પહોંચ્યો
********
 દવાખાને પહોંચતા જ ફરજ ઉપરના આપત્કાલિન (Emergency) તબીબે શીતલને તપાસી યુવકને કહ્યું
" ઓહો,, આ યુવતીને મગજ ઉપર ઘા વાગ્યો હોય બ્રેન હેમરેજ થઇ જવા ઉપર છે, અને તેમાં પણ વધુ પડતા રક્ત સ્ત્રાવને કારણે તેને તત્કાળ  લોહી ની જરૂર છે "
આ યુવતી તમારા શું સંબંધમાં થાય અને આવો  ભયંકર અકસ્માત કઇ  રીતે બન્યો ?"  શીતલની ગંભીર હાલત જોઈ ડોકટરે ચિંતા સાથે ઇંતેજારીથી યુવકને પૂછ્યું
યુવકે નિખાલસતાથી જણાવતા કહ્યું કે "સાહેબ, હું આ બહેન ને ઓળખતો નથી, કે એમના વિષે નામ સહીત કશું પણ જાણતો  નથી પરંતુ મેડિકલ કોલેજ પરના હાઈ -વે ઉપર કોઈ ભારે વાહન સાથે અકસ્માત થતા નજરે નિહાળી એક માનવતાના ધોરણે હું તેને અહીં લઈ આવ્યો છું,તેની સાથે એમનું આ પર્સ હતું એ પણ હું સાથે લાવ્યો છું. જો બહેનની જિંદગી બચતી હોય, અને મારુ લોહીનું ગ્રુપ મળતું આવતું હોય તો હું સ્વૈચ્છીક રીતે લોહી આપવા પણ તૈયાર છું."
તુર્તજ ડોકટરે યુવકનું બ્લડ ગ્રુપ ચેક કરાવતા બન્ને નું ગ્રુપ સમાન હોવાથી ડોકટરે યુવકનું લોહી શીતલને આપવું શરૂ કર્યું  અજાણી યુવતી વિષે પુરી  માહિતી મેળવવાના આશયથી ડોક્ટરે ફરજ પર રહેલ નર્સને શીતલનું પર્સ તપાસવા  સૂચના આપી.
 નર્સે શીતલનું પર્સ તપાસતા શીતલનું આઈ કાર્ડ, તથા  ડ્રાંઇવિંગ  લાઇસન્સ મળી આવ્યા તેને આધારે ડોકટરે શીતલના ઘેર  વ્યાસ સાહેબને ફોન જોડ્યો
આ બાજુ વ્યાસ સાહેબને ઘેર ગોઠવાયેલી મિજલસની તૈયારીને છેલ્લો ઓપ અપાઈ રહ્યો હતો, નિયત સમય કરતા શીતલને ઘેર પહોંચવામાં વધુ મોડું થઇ જતા, વ્યાસ સાહેબ તથા તેમના પત્ની પણ ઉદ્વેગ સાથે સતત ચિંતામાં હતાં એ દરમ્યાન દવાખાનેથી શીતલના અકસ્માતનો ફોન આવતાં વ્યાસ સાહેબ ધ્રુજી ઉઠ્યા
વ્યાસ સાહેબના પત્ની ચોધાર આંસુએ કલ્પાંત કરતા રહ્યા, તુર્તજ વ્યાસ સાહેબે ડ્રાઇવર ને બોલાવી ગાડી કઢાવી  દવાખાને જવા રવાના થયા. રસ્તામાં વ્યાસ સાહેબે  આ અંગે બધાજ નિમંત્રિત મિત્રોને ફોન કરી મિજલસ રદ થયાની જાણ કરી દીધી,
વ્યાસ સાહેબની ગાડી દવાખાને આવી પહોંચી, રિસેપશન ના કાઉન્ટરે પૂછપરછ કરી બન્ને ઇમર્જન્સી વોર્ડ તરફ ધસી ગયા,ત્યાં પહોંચતાં જ એક પલંગ ઉપર બેભાન હાલત માં પડેલી શીતલ અને સામેના પલંગમાં  રક્તદાન કરતા અજાણ્યા યુવકને જોઈને વ્યાસ સાહેબ ભાંગી પડ્યા
ડોકટરે યુવક દ્વારા મળેલી અકસ્માતની વિગતથી વ્યાસ સાહેબને વાકેફ  કર્યા અને બિલકુલ અજનબી  હોવા છતાં માનવતાની રૂએ મદદ કરનાર યુવક વિષે પણ જણાવ્યું, વિશેષમાં ડોકટરે શીતલને થયેલી મગજની ઇજા બાબતે વાત કરતા કહ્યું કે  નાના મગજ ની સર્જરી આવશ્યક હોય  ઓછામાં ઓછી ત્રણ માસ સુધી દવાખાનામાં જ રહીને સારવાર લેવી જરૂરી છે.
આ બાજુ લોહી આપવાની વિધિ પુરી થતાં વ્યાસ સાહેબે યુવકનો આભાર માન્યો અને એનો પરિચય માગ્યો
યુવકે  પોતાનો પરિચય આપતા કહ્યું કે " સાહેબ, મારું નામ  બિપીન શુક્લ છે હું સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું અને રસ્તા ઉપરના થયેલ ગમખ્વાર અકસ્માત નજરે નિહાળતા મેં વિના વિલંબ બહેન ને અહીં દવાખાને પહોંચાડ્યા અહીં આવતા ડોક્ટર સાહેબે તાત્કાલિક  લોહીની આવશ્યકતા જણાવતાં , અને મારુ લોહી ગ્રુપ સમાન હોતા મેં બહેનને સેવાભાવે રક્તદાન કર્યું છે  એ બાબતે આભાર ન હોય.
વ્યાસ સાહેબે ખિસ્સામાં હાથ  નાખી  પોતાના વિઝિટિંગ કાર્ડ સાથે રૂ, 2000/ ની નોટ યુવકને આપતાં કહ્યું " દોસ્ત, ભગવાને તને ફિરસ્તા રૂપે એ રસ્તેથી પસાર કર્યો છે, જો સમયસર તારી મદદ ન મળી હોત તો મારી  આશાસ્પદ તેજસ્વી દીકરી તો ન જ બચત, પણ અમેં  પણ  બહુ ટૂંકી મુદત માં એનો વિયોગ સહન ન થતાં ભગવાનના દરબારે પહોંચી જાત. તેં  એક નહીં પણ એકી સાથે ત્રણ ત્રણ જીવ બચાવ્યાની આ મામૂલી બક્ષીશ છે "
" આ શું કરો છો ?  હું સમજુ છું સાહેબ,આ બક્ષીશ નહીં પણ "વળતર " છે હું કોઈ વ્યવસાયી રક્તદાતા નથી.
સેવાનું અને પરોપકારનું મૂલ્ય આપ પૈસા જેવી તુચ્છ વસ્તુ સાથે સરખાવો છો ?મારા પરિવારના સંસ્કાર આપની  આ બક્ષીશ સ્વીકારવા તૈયાર  નથી મને માફ કરો સાહેબ" થોડા સંયમી આક્રોશમાં યુવાન બિપીને જવાબ વાળતાં  આગળ કહ્યું " સાહેબ, આપ તો મોટા અધિકારી છો સમસ્ત શહેરીજનો નો  મોટોભાગ અહર્નિશ પોતાની મુશ્કેલી, તકલીફ કે સમસ્યાના નિવારણ માટે આપની  પાસે આવતો હશે,જે પૈકી અનેક દરિદ્ર અને ગરીબ લોકો પણ હશે, શું આપે એ લોકો પાસેથી કદી આપની  સેવાનું વળતર માગ્યું છે ? કે અપેક્ષા પણ સેવી છે ? મને ખાતરી છે કે આપ જેવા મોટા પગારદાર અધિકારીને મન એ પૈસો તુચ્છ છે તો હું કેમ સ્વીકારી શકું કે  એવી અપેક્ષા પણ રાખી શકું ?"
એક લવરમૂછિયા મામૂલી માસ્તર પાસેથી નીતિ શાસ્ત્ર સાંભળતા અત્યાર સુધી જેની જેની પાસેથી લાંચ લીધી હતી એ બધા પાત્રોના ચહેરા વ્યાસ સાહેબની આંખ સામે તરવા લાગ્યા
વિદાય લેતા  બિપીનને રોકતા વ્યાસ સાહેબે  કહ્યું " અરે, દોસ્ત તારા કપડાં ઉપર લોહીના ડાઘ અને ધબ્બા પડ્યા છે, ઘેર જતા રસ્તામાં પોલીસ કે રાહદારી એ જોશે તો તને અપકૃત્ય કરીને આવેલ ઈસમ સમજશે અને તારી મુશ્કેલી વધી જશે, હું ગાડી મોકલું છું, એ તને ઘેર મૂકી જશે " આટલું કહી વ્યાસ સાહેબે ડ્રાઈવર સામે ઈશારો કરતા બિપિન તેની સાથે ગાડીમાં  ઘેર જવા રવાના થયો.
******
ઉપરોક્ત ઘટનાને પંદર -વીશ  દિવસ થયા હશે.
એક દિવસ સવારના દશ-સાડા દશનો આરસો  હશે.
વ્યાસ સાહેબ દવાખાનાના પાંચમા માળેથી લિફ્ટમાં નીચે ઉતરતા હતા. ભો તળિયે આવી લિફ્ટનો દરવાજો ખોલતા સામે જ  બિપીન  હાથમાં ટિફિન લઇ ઉભો હતો તેને જોતા જ આશ્ચર્ય સાથે વ્યાસ સાહેબે પૂછ્યું 
" અરે  બિપીન,તું અહીં, અને ટિફિન સાથે ? શું પરિવારમાંથી કોઈ બીમાર છે ?
 બિપીને જવાબ આપતા કહ્યું " જી સાહેબ, મારી બા ને અહીં દાખલ કર્યા છે અને બે દિવસ પછી તેના ઉપર શસ્ત્રક્રિયા થવાની છે, તેથી હું તેનું ભોજન લઈને આવ્યો છું ".
  "અરે શું વાત છે ? એ ક્યાં વૉર્ડ માં છે ?વ્યાસ સાહેબે આતુરતાથી પૂછ્યું
" સાહેબ, એને  હૃદય રોગના વિભાગમાં બીજે માળે ત્રણ નંબરના વોર્ડમાં દાખલ કર્યા છે બિપીને  માહિતી આપતા કહ્યું 
"સારું, હું સમય કાઢીને એક બે દિવસમાં એમના ખબર પૂછી જઈશ. મારા જેવું કંઈ પણ કામકાજ હોય તો જરૂર કહેજે," વ્યાસ સાહેબે વિવેક કર્યો  એટલું કહેતાં વ્યાસ સાહેબ પોતાની કારમાં સડસડાટ ઓફિસે જવા રવાના થઇ ગયા.
ત્રણેક દિવસ વીત્યા  હશે. સમી સાંજ નો સમય હતો
 બીજા માળના ત્રણ નંબરના વોર્ડના દરવાજે ટકોરા પડ્યા  બિપીને દરવાજો ખોલ્યો
સામે વ્યાસ સાહેબ ઉભા હતા.  બિપીને વ્યાસ સાહેબને આવકારતાં ખુરશી પર બેસવા હાથથી  ઈશારો કર્યો
વ્યાસ સાહેબે બિપીનની બા ના સમાચાર પૂછ્યા અને ગમે ત્યારે કંઈ પણ કામ હોય વિના સંકોચ જણાવવા કહી  ઔપચારિક વાતે વળગ્યા  હજુ માંડ પાંચેક મિનિટજ થઇ હશે એવામાં અધખુલ્લા દરવાજાને ધક્કો મારી એક વૃદ્ધ લાકડીના ટેકે વોર્ડમાં પ્રવેશ્યા જૂનો કરચલી વાળો ટૂંકો ઝભ્ભો અને ટૂંકી ધોતી પહેરેલ એ વૃદ્ધને જોતાજ બિપીને પોતાની ખુરશી ખાલી કરી બેસવા આસન આપ્યું 
વ્યાસ સાહેબનું ધ્યાન પડે એ પહેલા જ બિપીને  વ્યાસ સાહેબને સંબોધી કહ્યું " સાહેબ, આ મારા બાપુજી  સારંગધરભાઈ શુક્લ છે એવીજ રીતે તેણે વ્યાસ સાહેબનો પરિચય કરાવતા બાપુજી ને કહ્યું " બાપુજી, આ વ્યાસ સાહેબ છે, રેવન્યુ ખાતામાં ઉચ્ચ હોદા ઉપર છે મેં જે તબીબી વિદ્યાર્થિનીના અકસ્માતની વાત કરી હતી એ યુવતીના પિતા છે. ખુબજ દયાળુ,અને માનવતાવાદી છે "
  સારંગધરને જોતાંજ વ્યાસ સાહેબને પોતાના પાપનો પડછાયો સામે ઉભો હોય એવું લાગવા માંડ્યું  ગાત્રો શિથિલ થઇ ગયા,જીભ અને હોઠ સુકાવા મંડ્યા,શરીરે પરસેવો વળવા માંડ્યો, આંખે અંધારા આવવા માંડ્યા કાનની બુટ લાલ થઇ  ગઈ  પગના તળિયે પરસેવો થઇ આવતા ફર્શની લાદી ભેજયુક્ત બની ગઈ, હવે જટ અહીંથી છુટકારો થાય એવી પેરવીમાં પડી ગયા. 
વ્યાસ સાહેબ કંઈ જવાબ આપે એ પહેલા જ સારંગધરે મૂછમાં હસતા કહ્યું ," બેટા, એતો મોટા અધિકારી છે એમની પાસે રોજ નિત્ય નવા ચહેરા અરજદાર તરીકે આવતા હોય તેથી કદાચ એ ભૂલી ગયા હશે પણ હું એમને ખુબ સારી રીતે ઓળખું છું, અને  કદી એમને ભૂલી શકું એમ નથી ખરેખર તેઓ નેકદિલ ઇન્સાન છે.
તારી માં ના ઓપરેશનમાં એમનું ખુબ મોટું યોગદાન છે એ હું કેમ ભૂલું ?
સારંગધરની અસ્ખલિત કટાક્ષિકાથી વ્યાસ સાહેબની છાતીમાં શૂળ ભોંકાવા માંડ્યા  સારંગધરના એક એક શબ્દ જાણે મશીનગનમાંથી છુટતી  બુલેટ હોય એમ છાતી ચીરી સોંસરવા નીકળવા લાગ્યા 
ઘણી મહેનત પછી સુકાતી જીભે અને હોઠે વ્યાસ સાહેબે હાથ જોડી પ્રણામ કરતા કહ્યું " કેમ છો વડીલ ?   બિપીન આપનો પુત્ર છે એવી મને કલ્પના પણ નહોતી, એમણે  એક સાથે અમારા ત્રણેય જીવને બચાવ્યા બદલ હું એનો તથા આપનો ઋણી છું "
સારંગધર મૂછમાં મલક્યા થોડી વારમાં વ્યાસ સાહેબે વિદાય લીધી
*******
 રાત્રીના બે વાગ્યાનો સમય.
"પુરૂષાર્થ " બઁગલા ના ભવ્ય શયનખંડમાં ધીમો પંખો અને એ.સી. ચાલુ હતા ઇટાલિયન ડબલ બેડના પલંગ ઉપર વ્યાસ સાહેબ એકલા આળોટતા હતા એમના પત્ની શીતલ સાથે દવાખાનાંમાં રાત્રે રોકાયા હતા
દવાખાનામાં આજે થયેલી સારંગધરની મુલાકાતે વ્યાસ સાહેબને વ્યથિત કરી મુક્યા  હતા. આખી રાત એ વિચારતા જ રહ્યા કે "શીતલ નો અકસ્માત એ  કુદરતી અકસ્માત નથી પણ ગરીબ સારંગધરનો નિસાસો છે  આવી સામાન્ય સ્થિતિના સારંગધરને પણ મેં ન છોડ્યો ? એની પાસેથી પણ લાંચ લીધાનું આ માઠું પરિણામ છે. ખરેખર કુદરતની લાકડીના મારની ભરોળ નથી ઉઠતી પણ એનો ચચરાટ અવશ્ય મહેસુસ થાય છે. 
મેં નીર્ધાર કર્યો છે કે મારાથી  થયેલ એ પાપનું હું અવશ્ય પ્રાયશ્ચિત કરીશ  જરૂર કરીશ "  
*******
એકાદ અઠવાડિયું વીતી ગયું
 બિપીનની  બા ની તબિયત પુન: સ્વસ્થ થઇ  જતા આજે દવાખાનામાંથી તેને  રજા આપવાના હતા. 
ઘેર જવાની તૈયારી કર્યા બાદ દવા ઓપરેશન તથા અન્ય તબીબી સારવારના બિલની રકમ ચુકવવાની હોય એ દવાખાનાની વહીવટી ઓફિસમાં ગયો. ફરજ પરના અધિકારીને  ડિસ્ચાર્જ સર્ટિફિકેટ તથા  બિલ વિષે પૂછતાં તેણે  જણાવ્યું " માજીનું ઓપરેશન સરકારી યોજના અંતર્ગત હોય તમારે માત્ર કુલ બિલના 50 % જ ભરવાના રહે છે. એ મુજબ તમારા હિસાબમાં માત્ર 55,000/ રૂપિયા જ  ભરવાના થાય છે. તમારા બિલ ની એ રકમ શીતલબેનના પપ્પા વ્યાસ સાહેબ ચૂકવી ગયા હોય તમને માત્ર એની પહોંચ તથા ડિસ્ચાર્જ સર્ટિફિકેટ જ આપવાના રહે છે. લ્યો એ આ તૈયાર જ છે " એટલું  કહીને  માત્ર બે કાગળ બિપીનના હાથમાં પકડાવી દીધા
આશ્ચર્યચકિત થયેલ  બિપીનને ઘડીભર કંઈ સમજ ન પડી એ વધુ ગૂંચવાયો એ વિચારતોજ રહ્યો કે મારુ બિલ વ્યાસ સાહેબે શા માટે ભર્યું હશે ? જે માણસ પોતાના પરિવારના ત્રણ જીવ બચાવવાની કિંમત માત્ર રૂપિયા 2000/ ચુક્વતો હતો એ અજાણ્યા પરિવારના એક સભ્યનો જીવ બચાવવા 55,000/ રૂપિયા શા માટે ખર્ચે ?મેં કરેલી મદદની એ કિંમત હોઈ શકે ? ખરેખર  એ અતિ દયાળુ અને મહામાનવ છે.
      ઘેર જઈને  બિપીને પિતા સારંગધરને બધી વાત કરી પોતાને આવેલ વિચારો પણ વ્યક્ત કર્યા
સારંગધરે આજસુધી મનમાં ભંડારેલી પોતાની વ્યથા ઠાલવતાં પોતે જયારે સરકારી દાખલાની જરૂર ઉભી થતા વ્યાસ સાહેબ પાસે ગયા હતા અને બે હાથ જોડીને કરગરવા છતાં પોતાની લાચારી અને મજબુરીનો લાભ લઈ  નિઃશુલ્ક સરકારી કામગીરીના રૂપિયા 5000/ લાંચ પેટે લીધા હતા એ ઘટના વિગતે વર્ણવતાં  કહ્યું કે " એ દિવસે મને થયું હતું કે કુદરતની લાકડી પણ ટૂંકી છે ? પણ અકસ્માતની વાત જાણ્યા પછી મને થયું કે  જયારે સમય ન્યાય તોળે છે ત્યારે સાક્ષીની જરૂર નથી હોતી, રૂપિયા 5000/ ની લાંચનો દંડ રૂપિયા 55,000.? વાહ રે કુદરત વાહ ! બેટા, લાચાર માણસની હાય અને ગરીબના આંસુ એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે અને એનું બિલ ઉપરવાળાના દરબારમાં જ ફાટે છે આ એનું  શ્રેષ્ઠ ઉદાહરણ છે. દવાખાનાનું આપણું બિલ ચૂકવી વ્યાસ સાહેબે પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત કર્યું છે.કરેલ પાપની કિંમત ચૂકવ્યાને "દાન " કહેવાય છે એ દાન સ્વિકારીને એના કરેલા પાપને આપણે આપણી માથે લેવા નથી માગતા તેથી કોઈ પણ સંજોગોમાં વ્યાસ સાહેબે ચૂકવેલા બિલની રકમ તેને પરત કરી આવજે " વૃદ્ધ સારંગધરે પોતાની સફેદ ભમ્મર ઉપર હાથ ફેરવતા કહ્યું 
*****
   બીજે દિવસે સાંજે ઓફિસેથી છૂટી વ્યાસ સાહેબ દવાખાને  ગયા.
સૌ પહેલા વહીવટી શાખામાં જઈને ખાત્રી કરીકે બિપીન ની બા ને દવાખાનામાંથી રજા મળી જતા ઘેર પહોંચી ગયા છે અને એમના બિલની રકમ એમની પાસેથી ન વસૂલી અને સીધી પહોંચ આપી દેવાઈ છે 
જાણી વ્યાસ સાહેબ ખુશ થયા. લિફ્ટમાં પાંચમે માળે  જતા તેઓ મનમાંને મન ખુશ થતા હતા, કે ચાલો મારા એક મોટા પાપનું પ્રાયશ્ચિત મેં મારા હાથે કર્યું, તેઓ મનમાં બોલ્યા પણ ખરા કે "બાપ -દીકરો મારો આભાર માનવા જરૂર રૂબરૂ આવશે "
વિચારતા વિચારતા લિફ્ટ પાંચમે મળે જઈને ઉભી, વ્યાસ સાહેબ બહાર આવી શીતલના વોર્ડમાં પ્રવેશ્યા 
શીતલના પલંગ પર બેસી ખબર અંતર પૂછતાં શીતલના માથે પોતાનો હાથ ફેરવતા હતા. એવામાં વ્યાસ સાહેબના પત્નીએ કહ્યું " આજે બપોરે બિપીન ભાઈ  શીતલની તબિયત જોવા આવ્યા હતા સાથે થોડું ફ્રૂટ્સ પણ લાવ્યા હતા. તેઓ આ એક કવર આપી ગયા છે અને કહ્યું છે કે વ્યાસ સાહેબને ભૂલ્યા વિના આપી દેજો " એટલું કહેતાં પત્નીએ વ્યાસ સાહેબના હાથમાં કવર મૂક્યું
વ્યાસ સાહેબ મલક્યા, અને ધીમા અવાજે બોલ્યા " ધાર્યું જ હતું,  અવશ્ય આ આભાર માનતો પત્ર હશે ".
ખુશીમાં આવી જઇ  વ્યાસ સાહેબે કવર ખોલ્યું, એમાં રહેલ પત્ર વાંચવો શરૂ કર્યો।
આત્મીય શ્રી વ્યાસ સાહેબ,
સાદર પ્રણામ
આપે અમારું દવાખાનાનું બિલ ચૂકવી દીધા બદલ આપનો આભાર, આવું કરવાનું કોઈ  કારણ મને કે મારા પિતાજીને સમજાયું નથી તેમ છતાં આપે આપની  રીતે કદાચ યોગ્ય કર્યું હશે.
..... પરંતુ આ વિષે વિચારતાં બાપુજીને એ યોગ્ય લાગ્યું નથી. આપે આપની  નીતિ,અને પ્રમાણિકતાની આવકમાંથી જો એ બિલ ચૂકવ્યું  હોત તો એ વાત અલગ હતી પણ અમને વિચારતા લાગે છે કે મારા બાપુજી સહિતના બીજા દશ લાચાર, અને મજબુર લોકો પાસેથી સરકારી  નિઃશુલ્ક સેવાના રૂપિયા 5000/ ઉઘરાવીને એકઠો કરેલ આ ફાળો છે. શક્ય છે કે આપે કરેલ પાપને ધોવા માટેનો પણ કદાચ જો આ પ્રયાસ હોય તો એવા દાન માટે અમારાથી વધુ ગરીબ અને જરૂરિયાત મંદ વ્યક્તિને જો મદદ કરશો તો તે વધુ  યોગ્ય અને ઉચિત ગણાશે 
બા ના ઓપરેશનું નક્કી થતાંજ મારા પિતાજીએ શહેરના એક વેપારી પાસેથી શરાફી વ્યાજના દરથી પૈસા ઉછીના લઈને તૈયાર રાખ્યા જ હતા તેથી અમારે આપની આ મદદની જરૂર ન હોવા કારણે આ સાથે રૂપિયા 55,000/ ના  આપના નામના બેંક ડ્રાફ્ટથી હું એ રકમ પરત કરું છું જે સ્વીકારી આભારી કરશો 
લી.
બિપીન  શુક્લ 
પત્ર વાંચતા વ્યાસ સાહેબનું મોઢું વિલાઈ  ગયું  એમની આંખમાંથી બે આંસુ ગાલ પરથી સરીને શીતલના કપાળ ઉપર ટપક્યા 
************   










.