Tuesday, 1 October 2019

બિન ફેરે હમ તેરે -- ભાગ -1.


હર્ષા અને ભદ્રેશ એક જ મહોલ્લામાં રહેતા હતા,
હર્ષાના પિતાજી કનકભાઈ  કેન્દ્ર સરકારના ઉચ્ચ હોદા ઉપર હતા, આર્થિક અને સામાજિક રીતે ખુબજ સાધન-સંપન્ન તો હતા જ  પરંતુ  જ્ઞાતિમાં અને સમાજમાં પણ મુઠ્ઠીભર બુદ્ધિજીવીઓમાં એની ગણતરી થતી હતી. જયારે ભદ્રેશના પિતાજી જનકભાઈ સામાન્ય અભ્યાસ કરેલા, સાધારણ  આર્થિક સ્થિતિ ધરાવતા બહોળા પરિવારના ગ્રહસ્થ હતા. જનકભાઈને પોતાનું નાનુસરખું એક ફાર્મ હાઉસ હતું અને એમાં થતી પેદાશ એની આજીવિકા હતી કનકભાઈ અને જનકભાઈ એકજ જ્ઞાતિના અને લગભગ હમઉમ્ર હોવા સાથે  પોતાના સંતાનો ના જન્મપૂર્વેથી તેઓ એક બીજાના પડોશી હતા.
પાંચ વર્ષની હર્ષા અને આઠ વર્ષનો  ભદ્રેશ એક બીજાના ખાસ મિત્રો હતા એક બીજા  વિના ઘડીભર પણ ન ચાલે શાળાએ સાથે જવું, ટ્યુશન માં પણ સાથે, લેશન કરવાં પણ સાથે અને રમવામાં પણ એ બન્ને કાયમ સાથે જ હોય, વરસાદના દિવસોમાં શેરીમાં વહેતા પાણીમાં કાગળની હોડી  બનાવી અને તરતી મુકવી, રેતી, અને ધૂળમાં કુબા બનાવવા એવી બાળ સહજ રમતો નિર્દોષ બાળકો સાથે રમતા  ભદ્રેશ રોજ સાંજે  પોતાના ફાર્મ હાઉસમાં હર્ષાને સાથે રમવા લઈ જાય ફાર્મ હાઉસમાં ઉગેલા તાજા ચીકુ, તો કોઈવાર જામફળની સાથે જ્યાફત ઉડાવે અને મોડી  સાંજે ઘેર પાછા ફરે.
સમય વીતતો ગયો બાલ્યકાળ પૂરો થતા હર્ષા  અને ભદ્રેશ યુવાનીને ઉંબરે આવી ઉભા રહ્યા બાલ્યકાળની  નિર્દોષ લાગણી અને સ્નેહ હવે પ્રેમમાં પરિવર્તિત થવા લાગ્યો  શાળાને બદલે હવે કોલેજમાં સાથે જવું, કોલેજની કેન્ટીનમાં બેસી સાથે કોફી પીવી,અને આમ જેમ વૃક્ષ સાથે વેલી વીંટળાય એમ બન્ને એક બીજાના  પ્રેમમાં ગળાડૂબ બનીગયા.
પરિવારથી છાનો આ પ્રેમ એટલી હદે પાંગર્યો કે  હવે એક બીજા વિનાં રેહવું પણ દુસહ્ય  બન્યું
બન્નેએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી લેતા હવે કોલેજમાં જવાનું કે નિયમિત મળવાનું અશક્ય બન્યું તેમ છતાં દરરોજ કોઈને કોઈ બહાને એકાદવાર તો પ્રેમી પંખીડા અચુક એકાંતમાં મુલાકાત ગોઠવી લેતા હતા,
ભદ્રેશ ગ્રેજ્યુએટ થઈને વીજ કંપનીમાં ક્લાર્ક તરીકે નોકરીએ લાગી ગયો.
એકવાર અચાનક જ ભદ્રેશનો પ્રેમપત્ર કનકભાઈના હાથમાં આવીજતાં પુત્રીના પ્રેમ પ્રકરણની જાણ થઇ.
કનકભાઈએ વિચાર્યું કે પુત્રી હવે યૌવનમાં પ્રવેશી ચુકી છે હવે જ્ઞાતિનો કોઈ સુખી સંપન્ન ઉચ્ચ શિક્ષિત મુરતિયો  શોધી પુત્રીના હાથ પીળા કરી દઉં.પુત્રી ભલે ભદ્રેશના પ્રેમમાં હોય પણ ભદ્રેશના પિતાની સામાન્ય આર્થિક સ્થિતિ,બહોળો પરિવાર,અને ભદ્રેશની એક ક્લાર્ક તરીકેની મામૂલી નોકરી પોતાના પરિવારના મોભા પ્રતિષ્ઠ આર્થિક સઘ્ધરતા, અને સામાજીક પ્રતિષ્ઠાની  તોલે આવે એમ ન હોય કનકભાઈને એ સબંધ બિલકુલ મંજુર ન હોતો કનકભાઈ એવું ઇચ્છતા હતા કે હર્ષા જેટલી દેખાવડી, સ્માર્ટ, હોશિયાર અને વ્યવહારુ છે તથા જેટલા લાડકોડથી ઉછરી છે એવુજ સુખી-સંપન્ન સાસરું ગોતવું કોઈ ડોક્ટર, ઇંજિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની પદવીધારક પાત્ર મળી જાય તો હર્ષાનું પણ ભવિષ્ય સુનિશ્ચિત રહે, અને પોતાનું  સામાજિક સ્ટેટ્સ પણ જળવાઈ રહે.જે લાડકોડથી હર્ષાનો ઉછેર થયો છે એ રીતે હર્ષા  કદી પણ ભદ્રેશના ઘરમાં એડજસ્ટ  નહીં થઈ શકે.
********
ઢળતી સાંજનો સમય હતો.
ઘર પાસેના મંદિરની  આરતી પુરી થતાં શંખનાદ અને ઝાલરનો રણકાર હજુ શમ્યો હતો.
હર્ષા ઘરના મંદિરમાં ધૂપ-દિપ કરીને હજુ બેઠી જ હતી એવામાં કનકરાય  હર્ષાના ખંડમાં પ્રવેશ્યા
ખંડની આરામ ખુરશી પર લંબાવતા તેણે હર્ષાને પૂછ્યું, "બેટા,તારા ગ્રેજ્યએશનને પુરા પાંચ વર્ષ થઇ  ગયા ઉંમરમાં પણ તું 25 એ પહોંચી છે હું વિચારું છું કે કોઈ સારું પાત્ર શોધી તારા હાથ પીળા કરી દઉં તો હું ચિંતા  મુક્ત બનું મારી પાસે એવી ચારેક દરખાસ્તો આવી છે જે બધાજ ઉમેદવારો આપણા ઘર, સ્ટેટ્સ, અને પ્રતિષ્ઠાને અનુરૂપ છે એટલુંજ નહીં પણ તેઓ ઉચ્ચ ડિગ્રી ધારી અને વર્ગ 2ના અધિકારી તરીકે સરકારી નોકરી કરે છે એ બાબતે તું શું વિચારે છે ?
"પપ્પા,હું તમારી લાગણી સમજુ છું પણ હું એવું ઈચ્છું છું કે આ બાબતનો નિર્ણય તમે મારી ઉપર છોડી દો  તો સારું તમારા શોધેલા કોઈ અજાણ્યા પાત્ર કે પરિવારમાં જવાને બદલે વર્ષોથી આપણે સાથે રહ્યા છીએ અને એક બીજાને સારી રીતે ઓળખીએ છીએ એવા પાત્ર ઉપર હું મારી પસંદગી ઉતારું તો તમને એમાં શું તકલીફ છે ? હર્ષાએ બેધડક પોતાના વિચારો રજૂ કર્યા
" એટલે ? તારો  ઈશારો ભદ્રેશ તરફ છે ?" ભદ્રેશના પકડાયેલા પ્રેમ પત્રને આધારે કનકરાયે સીધું જ નિશાન તાક્યું 
"હા, હું બચપણથી ભદ્રેશ સાથે રમીને મોટી થઇ છું છેલ્લા 25 વર્ષથી એના પરિચયમાં છું. આજે ભલે ભદ્રેશ  સામાન્ય ક્લાર્ક છે  આર્થિક સ્થિતિ પણ સામાન્ય છે, કુળ કુટુંબ ભલે બહુ જાણીતું કે પ્રતિષ્ઠિત નથી, પણ પરિવારની આબરૂ અને ખાનદાની બેજોડ છે એ તમે પણ સારી રીતે જાણો છો એનામાં અતૂ ટ હિંમત, ધીરજ, કોઠા સૂઝ,અને આત્મવિશ્વાસનો અખૂટ ખજાનો છે. એ એક સારો ખેલદિલ સ્પોર્ટ્સમેન છે એ પણ તમે ક્યાં નથી જાણતા ? હું આજીવન "મોટા ઘરની વહુ " બનીને મારા પ્રેમનું ગળું ઘોંટી નાખવા નથી માંગતી  ભદ્રેશ આપણી જ્ઞાતિનો જ છે એમના બાપ-દાદાથી લઈને એના સારા ખાનદાન ને તમે ઓળખો છો, છતાં તમને  એવો કયો પૂર્વગ્રહ અમારા પ્રેમની વચ્ચે દીવાલ બનીને ઉભવા પ્રેરે છે ?  પપ્પા, પદ,પગાર અને પૈસો એ પરિવારની કે મુરતિયાની ખાનદાની માપવાની ફૂટપટ્ટી નથી.જો એવું જ હોત તો સમાજમાં ક્લાર્ક અને વર્ગ ત્રણ-ચારના બધાજ કર્મચારીઓ કુંવારા હોત.સાચું હીર તો મુરતિયાનું જોવાનું હોય છે,મામૂલી ક્લાર્ક હોવા છતાં, પ્રેમાળ, લાગણીશીલ, અને પોતાની પત્નીને સમજી શકી અને સન્માન આપે એ જ મારે મન ડોક્ટર, એન્જીનીયર, કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થી વિશેષ છે.મારે પદ કે પગારને નહીં પણ મારા મનના માણિગરને વરમાળા પહેરાવવાની છે.મારે જેની સાથે જીવન વ્યતીત કરવાનું છે એ વ્યક્તિ પસંદ કરવાનો પણ મને અધિકાર નહીં ? હું સમજુ છું કે તમે હમેશા મારુ હિત જ વિચાર્યું છે અને આજે પણ જે કહો- કરો છો એ મારા હિતનું જ કરો છો તમે કદાચ સાચા હશો, પણ પપ્પા હું પણ બિલકુલ ખોટી નથી" હર્ષાએ હિંમત એકઠી કરી સાફ શબ્દોમાં કહ્યું
એકધારી નીચી નજરે પુત્રીની વ્યથા કથા સાંભળતા કનકભાઈની આંખમાંથી બે બુંદ ટપક્યા 
થોડા કડક અવાજે એ બોલ્યા, "જો બેટા સાંભળી લે મેં તને આજસુધી દીકરાના લાડે  ઉછેરીને મોટી કરી છે. છેલ્લા 25વર્ષમાં તે મારી પાસે ઘણું માગ્યું છે, અને મેં તારા માંગ્યાથી વિશેષ તને આપ્યું છે, આજે જીવનના સંધ્યાકાળે હું પહેલી અને છેલ્લીવાર તારી પાસે માત્ર એક જ માંગણી કરું છું અને જો એ સ્વીકારવા તારી તૈયારી ન હોય તો તું તારી ઇચ્છાનુસાર ભદ્રેશ સાથે લગ્ન કરી શકે  છે પણ એ માટે ઉંબર બહાર પગ મુકતા  પહેલા મારી લાશ ઉપરથી પગ મૂકીને જજે.મને હૃદય રોગના બે હુમલા આવી ચુક્યા છે, શક્ય છે કે.મારુ આયુષ્ય પૂરું થતું હશે. અને તારું આ પગલું મારા છેલ્લા હુમલા માટેનું  નિમિત્ત બને. 
બસ, કનકરાયે  છેલ્લો  પ્રયોગ કરતાં હર્ષાની દુખતી રગ દબાવી 
*******
પાણીમાં જેમ બરફ અને જલતી મીણબત્તીનું જેમ મીણ પીગળે, એમ એકાએક હર્ષાની આંખમાંથી ચોધાર આંસુ ધસી પડ્યા, જાણે વૈશાખે અષાઢ,  કનકરાયના છેલ્લા શબ્દો સાંભળતા હર્ષા ધ્રૂજી  ઉઠી.
પિતાજીનો હાથ પકડી રડતા રડતા બોલી, " બસ કરો પપ્પા પ્લીઝ બસ કરો હું તમને કચવીને મારો સ્વાર્થ શણગારવા નથી માંગતી તમે  જાણો છો હું  તમને કેટલો પ્રેમ કરું છું આજસુધી તમારા વચનને મેં બ્રહ્મશબ્દ સમજી કદી તમારું વેણ નથી ઉથાપ્યું હું જરૂર તમારી પસંદગીના પાત્ર સાથે લગ્ન કરીશ, હું તમારા મોતનું નિમિત્ત બનવા નથી માંગતી  મેં ભદ્રેશને પણ લગ્નનું વચન આપ્યું હોય હું એ વચન તોડીશ પણ હા એટલું જરૂર કે હું એની સાથેની નિર્દોષ મિત્રતા આજીવન નિભાવીશ અને એમાં મને ખુદ ભગવાન પણ નહીં રોકી શકે." હર્ષાને આ રીતે પહેલીજ વાર મોકળા મને રડતા જોઈ કનકરાય પણ ધ્રુસકે ધ્રુસકે રડતાં હર્ષાને વળગી પડ્યા
*******
હર્ષા બચપણથી જ અતિ જિદ્દી અને મનસ્વી સ્વભાવની હતી માં-બાપ પ્રત્યે અમાપ લાગણી અને પ્રેમ ખરા પણ જ્યારે પોતે ધાર્યું હોય ત્યારે કોઈની પણ સમજાવટનો ગજ ન ખાય એટલી હદે સ્વચ્છંદી પણ ખરી. એમાં વળી વધુ પડતો બાપનો  લાડ ! એના સ્વભાવની એક બીજી પણ ખાસિયત હતી કે "જે માંડ્યું હશે એ થવાનું જ છે यद भावी तद भवतु !  પણ ધાર્યું જ કરીને ઉભું રહેવું Come what may."
*******
 બીજેજ દિવસે હર્ષા એ ભદ્રેશને ફોન કરી મળવા માટે કહ્યું
નિશ્ચિત સમયે બન્ને એકાંતમાં મળ્યા અને હર્ષાએ આગલા દિવસે બનેલી ઘટના સવિસ્તાર કહેતાં ભદ્રેશના ખભે માથું મૂકી રડવા લાગી અને બોલી " ભદ્રેશ લોકો કહે છે કે પ્રેમ અજેય છે પરંતુ આજે અનુભવાયું કે મજબૂરી પાસે ક્યારેક પ્રેમને પણ હારવું પડે છે એવું ન માનીશ કે મેં વચન આપ્યા પછી તને દગો દીધો છે માત્ર મારા પપ્પા ખાતર થઈને મારે આ બલિદાન આપવું પડે છે".
ભદ્રેશે હર્ષાના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું," હું બધું જાણું છું તારા આ નિર્ણયથી હું ખુશ થયો છું, આખી જિંદગી ખુબ ઘણું બધું આપ્યા પછી જીવનમાં એવી  ભાગ્યેજ ક્ષણ આવે છે કે આપણા જન્મદાતા આપણી પાસેથી કંઈક માગે અને એ વેળા જો આપણે પીછેહટ કરીયે તો એની કૂખે જન્મ લીધો એ વ્યર્થ છે. જીવનમાં આપણું માગ્યું બધું મળતું નથી અને જે મળે છે એમાંથી ઘણું આપણું માગેલું હોતું નથી. તું ચિંતા ન કર.આપણો  પ્રેમ ચંદન જેવો શીતળ અને ગંગા જેટલો પવિત્ર છે.
સાથે રેહવું કે પાસે રહેવું એ જ પ્રેમ નથી. કોઈને સતત ઝંખવાથી પણ પ્રેમની અનુભૂતિ થાય છે. પ્રેમમાં સમર્પણ મહત્વનું છે તું મારી ચિંતા ન કરીશ "
આશ્વાસનના થોડા શબ્દો કહી ભદ્રેશે હર્ષાને શાંત પાડી અને થોડીવારે બન્ને જુદા પડ્યા
********
 કનકરાય પાસે આવેલી દરખાસ્ત પૈકી  એક કુલીન ખાનદાનના જ્યેષ્ઠ પુત્ર અને વીજ કંપનીના જુનિયર એન્જીનીયર સંદીપ સાથે હર્ષાના લગ્ન ગોઠવ્યા,જ્ઞાતિના રીત રિવાજ પ્રમાણે અને પોતાની શાખ, પ્રતિષ્ઠા અને સધ્ધર સ્થિતિ અનુરૂપ ધામેધૂમે લગ્ન ઉજવાયા પડોશી દાવે જનકભાઈ સહપરિવારને પણ નિમંત્રણ હોય ભદ્રેશ પણ એ ખુશીના માહોલમાં ઉપસ્થિત રહ્યો લગ્નની વિધિ દરમ્યાન ભદ્રેશ ખીન્ન અને ઉદાસ થઇને એક બાજુના ખૂણે ઉભો હતો હર્ષાની આંખ સતત તેને શોધતી હતી  એ દરમ્યાન વર-કન્યાના ફેરા ફરવા સમયે હર્ષાની નજર ભદ્રેશ ઉપર પડી ચાર આંખ મળી અને હર્ષાની આંખનો કાજલ રેલાયો મેઇકપ કરેલા સુંદર ગુલાબી ગાલ ઉપરથી ચાર મોતી ટપક્યા અંતે હર્ષા પરાઈ થઇ અને શ્વસુર ગૃહે સીધાવી
 સમયાંતરે ભદ્રેશના લગ્ન પણ સ્વજ્ઞાતિની સ્વરૂપવાન કન્યા સાથે થઇ ગયાં અને જોત જોતામાં એ બે બાળકોનો પિતા પણ બની ગયો તેમ છતાં એ હજુ હર્ષાને ભુલ્યો ન હોતો   

**** (કથાના પાત્રોના નામ કલ્પિત હોય,કોઈ જીવંત કે દિવગંત પાત્રો સાથે તેને કોઈ  સબંધ નથી )









*