Monday, 21 March 2022

ફ્યુઝ ઉડેલો બલ્બ.

  ફ્યુઝ ઉડેલો બલ્બ.

આશરે બે હજાર બેડ ધરાવતા જિલ્લાના સરકારી મોટા દવાખાનામાં ડો. શિવાંગ પરમાર નિવાસી તબીબ (R.M.O) તરીકે કામ કરતા હતા.એમના પિતાજી સ્થાનિક ન્યાયાલયમાં ચપરાશી હતા.

ડો.પરમાર આમ તો પછાત જ્ઞાતિના હતા પણ પોતાને તેઓ દરબાર ગણાવી દવાખાનામાં પોતાના રૂવાબનો રોલો પાડતા હતા.એમની ત્રણ પેઢીમાં તેઓ પહેલાજ એસ.એસ.સી.પાસ થઇ તબીબ બન્યા હોવાના કારણે એમનું અભિમાન અંબરને આંબતું હતું અને સ્વાભાવિકરીતે એ અભિમાન એમના વાણી વર્તનમાં પ્રતિબિંબિત થતું હતું એની જીભની કડવાશ, કટાક્ષમય ભાષા,અને પાંચ માણસ વચ્ચે અન્યને અપમાનિત કરવાની એની આદતથી સમગ્ર સ્ટાફ તો ઠીક પણ અનેક દરદીઓ પણ ત્રાસી ગયા હતા.દવાખાનાના સામાન્ય વોર્ડ (જનરલ વોર્ડ)ના રાઉન્ડ દરમ્યાન અનેક ગરીબ દર્દીઓ પોતાની તકલીફ વર્ણવતા ત્યારે તુમાખી સ્વભાવના ડો.પરમાર એમને જવાબ આપ્યા વિના વોર્ડ ડોક્ટરનો હવાલો સોંપી આગળ નીકળી જતા.

એક દિવસ સવારે ડો.પરમારની ચેમ્બરમાં શરીરે નબળો-પાતળો એક પચીશ વર્ષનો યુવાન તાલીમાર્થી તબીબ (Internee) આવ્યો.પરમાર સાહેબે પૂછ્યું "બોલો, શું આવ્યા ?

તાલીમાર્થી તબીબે બન્ને હાથ જોડી રડતા રડતા ડરતા કહ્યું " સાહેબ,મને અત્યારે સમાચાર મળ્યા છે કે મારા પિતાજીનું હાર્ટફેઇલથી અવસાન થયું છે. હું મારા પિતાનું એક માત્ર સંતાન છું અન્ય નજીકના સગાઓ વિદેશ વસતા હોય મારા મમ્મી પણ હાલ ઘેર એકલા જ છે એ સંજોગોમાં પિતાજીના અગ્નિસંસ્કાર કરવા અને એકલી પડી ગયેલી માતાને સધિયારો આપવા મારે વતનમાં જવા ત્રણ દિવસની રજાની જરૂર હોય આપ મંજુર કરવા વિનંતી છે " આટલું કહી પોતાના હાથમાં રહેલ રજા અરજી સાહેબને ટેબલ ઉપર મૂકી 

પરમાર સાહેબે અરજી હાથમાં લઇ વાંચીને જવાબ આપ્યો,"જો ભાઈ, તું અહીં તાલીમ લેવા આવ્યો છો તાલીમ દરમ્યાન ઘણા ઘરેલુ પ્રશ્નો ઉભા થશે એનો અર્થ એમ નથી કે દરેક વખતે ઘેર જવા મળે,બાપ તો મારો પણ બીમાર છે તો શું હું એની નાડ પકડીને ઘરમાં બેઠો રહું  ?પહેલા ફરજ પછી ઘર એ યાદ રાખજે.સરકાર જયારે  પોતાના ખર્ચે તાલીમ આપતી હોય ત્યારે તાલીમાર્થીએ પુરેપુરો ભોગ આપવો જરૂરી છે વળી હાલ શહેરમાં કોલેરા ફાટી નીકળતા દર્દીઓ પણ વધુ રહે છે તેથી રજા મળી શકે એમ નથી." 

ખુબ કાલાવાલા કરતા તાલીમાર્થી તબીબ રડી પડ્યો, સાહેબના પગે પડ્યો અને અંતે અગ્નિસંસ્કાર કરવા જવા માટે એક દિવસની રજા મંજુર કરી તે પણ એ શરતે કે સાંજની પોતાની ડ્યુટી પુરી થયા બાદ એ દવાખાનું છોડી શકશે અને બીજે દિવસે સવારે પોતાની ફરજ ઉપર સમયસર હાજર થઇ જશે.કચવાતા મને ભાવવિભોર બની રડતી આંખે તાલીમી તબીબે  આભાર માનતા પરમાર સાહેબની ચેમ્બર છોડી.

******

વર્ષો પછી પરમાર સાહેબ નિવૃત થઇ વતનમાં વસ્યા.હવે વધતી ઉંમરે શરીર સાથ નહોતું આપતું થોડી ઘણી બીમારી કાયમ રહેવા લાગી પણ ખુદપોતે જ તબીબ હોય પોતાની રીતે સારવાર કરે રાખતા હતા.દરમ્યાનમાં પ્રોસ્ટેટની તકલીફ વધી જતા સ્થાનિક નિષ્ણાત તબીબને તબિયત બતાવતા પ્રોસ્ટેટનું કેન્સર હોવાનું નિદાન થયું. કેન્સર બીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું હતું તેથી અમદાવાદના યુરો સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. શાહને મળવાનું તેને સૂચવવામાં આવ્યું. એ મુજબ ડો.પરમાર અગાઉથી મુલાકાત નક્કી કરી અમદાવાદ પહોંચ્યા. યુરો સુપર સ્પેશ્યાલીસ્ટ ડો.શાહની ભવ્ય હોસ્પિટલમાં દાખલ થઇ પોતાનું વીઝીંટીંગ કાર્ડ અંદર મોકલ્યું. કાર્ડ વાંચી ડો. શાહ મલક્યા.એક પછી એક દરદીને તપાસતા લગભગ દોઢેક કલાક ડો.પરમાર બહાર પ્રતીક્ષા કક્ષમાં એકલા બેસી રહ્યા.સામાન્ય માણસને દવાખાનામાં કેટલી તકલીફ પડે છે એનો એને આજે પહેલો અનુભવ થયો દોઢેક કલાક પછી પણ પોતાનો વારો ન આવતા પરમાર સાહેબે ચપરાશી દ્વારા યાદી મોકલી. બે કલાક પછી ડો.પરમારનો વારો આવતા તેને બોલાવ્યા. લાંબો સમય પ્રતીક્ષામાં બેસી થાકેલ અને કંટાળેલ પરમાર સાહેબે દાખલ થતા જ પોતાના સ્વભાવાનુસાર ઘમંડથી ઉત્તેજિત સ્વરમાં કહ્યું, "સાહેબ,તમે મને ઓળખતા નથી હું પણ ડોકટર છું"

"હું તમને છેલ્લા પચીશ વર્ષથી ઓળખું છું.તમે ડોકટર હતા અત્યારે તમે મારી પાસે દરદી તરીકે આવ્યા છો. છેલ્લા પચીશ વર્ષથી વર્ષમાં એકવાર મારા સ્વર્ગસ્થ પિતાજીની પુણ્યતિથિને દિવસે હું તમને અવશ્ય યાદ કરું છું " ડો.શાહે મુંછમાં હસતા કટાક્ષમાં કહ્યું. ડો. પરમાર સજ્જડ થઇ ગયા મનમાં વિચારવા લાગ્યા કે આ શું કહેવા માગે છે. ડો.પરમારે આશ્ચર્યથી પૂછ્યું "સાહેબ, હું કંઈ સમજ્યો નહીં ?" 

ડો. શાહે હળવું સ્મિત આપતા કહ્યું "હું તમને બધું જ સમજાવું. આજથી પચીશ વર્ષ પહેલા જયારે તમે સરકારી દવાખાનામાં નિવાસી તબીબ તરીકે હતા ત્યારે એક દુબળો-પાતળો યુવાન તાલીમાર્થી તબીબ પોતાના પિતાનું અવસાન થતા વતનમાં જવા માટે તમારી પાસે ત્રણ દિવસની રજા માગવા આવ્યો હતો ત્યારે નિષ્ઠુર બની કઠણ કાળજે તમે એ તાલીમાર્થી તબીબને રજા આપવાની ના પાડી હતી.એ યુવાન તબીબ તમારા પગે પડીને રડ્યો અને અનેક કાલાવાલા કર્યાબાદ તમે એને પિતાના અગ્નિસંસ્કાર માટે થઈને માત્ર એક દિવસની રજા આપી હતી,એ પણ એની ફરજનો સમય પૂરો થયા પછી સાંજે છ વાગ્યે જવાની શરતે. એ મુજબ જયારે એ યુવાન પોતાને વતન પહોંચ્યો ત્યારે રાત્રીના નવ વાગી ગયા હતા હિન્દૂ શાસ્ત્ર મુજબ મૃતદેહનો અગ્નિસંસ્કાર રાત્રે ન થતો હોય બીજે દિવસે વહેલી સવારે અગ્નિસંસ્કાર કરી એ તબીબ સ્મશાનેથી સીધો પોતાની ફરજ ઉપર હાજર થવા દવાખાને પહોંચી ગયો હતો યાદ છે ? હું એ જ તબીબ ડો. કિરણ શાહ છું. સાહેબ,યાદ કરો એ તમારા સાશનકાળના દિવસો. સ્ટાફ,દરદીઓ અને તેની સંગાથે આવેલા એમના વયસ્ક સગાઓ સાથે પણ તમારો તુમાખી ભર્યો વ્યવહાર.કેટલાક ગરીબ દરદીઓ તમારી જોહુકમીને કારણે પોતાની સારવાર અધૂરી મુકીને દવાખાનું છોડી ગયાના કિસ્સાઓ પણ મને યાદ છે.એ સમયના વિધવા મેટ્રન શશીકલાબેનને નિવૃત્તિના માત્ર છ માસ જ બાકી હોવા છતાં તમારી કિન્નાખોરીથી ત્રાસી જઇ વહેલું રાજીનામુ આપવાની ફરજ પડી હતી. સરકારી કર્મચારીઓ ફિટનેસ સર્ટિફિકેટ લેવા આવતા ત્યારે તેઓને છ થી સાત ધક્કા કરાવતા એ યાદ છે તમને ? સાહેબ,ઔરંગઝેબથી માંડીને હિટલર જેવા સાશકો મૂળમાંથી ઉખડી જઇ ફેંકાઈ ગયા તેમ છતાં પણ એનું કઠોર સાશન લોકો આજસુધી યાદ કરે છે.સત્તા આવ્યા પછી શાણપણ સાથે વિવેકી બનવું એ લોઢું પચાવવા જેટલું કપરું છે ધન અને સત્તા કુપાત્રો પચાવી શકતા નથી.ખુરશી તો જીવનના અલ્પકાળ સુધી જ રહે છે પણ ત્યાર પછી અભિમાની અને કઠોર લોકો માટે જીવન દોહ્યલું બને છે. આજસુધી ગરીબ અને સામાન્ય દરદીઓની વ્યથાની તમને કલ્પના જ નહોતી.તમે નિવાસી તબીબ હતા આજે તમે ફ્યુઝ ઉંડેલો બલ્બ છો એનું સ્થાન કચરા ટોપલી જ હોય છે.ફ્યુઝ ઉડી ગયા પછી બલ્બ ઝીરોનો હતો કે સો વોલ્ટનો અથવા કઈ કંપનીનો હતો, કે કેટલો પ્રકાશિત હતો એ કોઈ યાદ કરતું નથી.

જિંદગી પૈસા,પદ,તાકાત,કે સંપત્તિના આધારે નહીં,સાહેબ જિંદગી કોઈના આશીર્વાદના આધારે ચાલે છે.માફ કરજો તમારી આટલી ઉંમર દરમ્યાન પહેલીજ વાર કોઈકે જ તમારા આત્માને ઢંઢોળી  સત્યદર્શન કરાવ્યું હશે.
પચીશ વર્ષથી મગજમાં ભરાયેલો ક્ષાર ડો.શાહે એસિડથી સાફ કર્યો             "હવે વાત રહી તમારા નિદાનની તો કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચવાની તૈયારીમાં છે મારી સલાહ પ્રમાણે તમે તાત્કાલિક ઓપરેશન કરાવો એ વ્યાજબી છે" આટલું કહી ડો.કેતન શાહે પોતાની ડાયરી જોઈ આગળ કહ્યું,"મી.પરમાર આ આખો મહિનો મારા ઓપરેશન નક્કી થઇ ગયેલ હોય હું આ મહિનાની કોઈ તારીખ તમને આપી શકું એમ નથી. તેમ છતાં તમારો આગ્રહ મારી પાસેજ ઓપરેશન કરાવવાનો હોય તો એક વિકલ્પ છે સામાન્ય રીતે દર રવિવારે  હું દવાખાનું બંધ રાખું છું  આ એક માત્ર મળતી સાપ્તાહિક રજાને દિવસે હું તમારું ઓપરેશન ગોઠવી દઉં, જો એ અનુકૂળ હોય તો આવતા રવિવારે સવારે તમારું ઓપરેશન કરીશ.એ માટે આગલા શનિવારે સાંજે દાખલ થઇ જાવ, હું એ માટેની યોગ્ય સૂચના મારા સ્ટાફને આપી દઉં છું.

  શરમના માર્યા પાણી પાણી થઇ ગયેલ ડો.પરમારને ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થઇ ગયું અને પૂછ્યું,"સાહેબ આપની ફી ?  ડો. કેતન શાહે હસતા હસતા જવાબ વાળ્યો,"તમારી ફી ન હોય સાહેબ પચીશ વર્ષ બાદ આજે ફરી તમને મળવાની તક મળી એમાં જ મારી ફી આવી ગઈ.

પરમાર સાહેબ ભારે પગે ચેંબરની બહાર નીકળી ગયા.

   

*****