Friday, 23 September 2022

શ્રદ્ધા

શ્રદ્ધા 

"માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો...."

આ જ ગરબાથી હંમેશા શરૂઆત કરતા દેવીપ્રસાદે માતાજીની સ્તુતી બાદ એક પછી એક ગરબાની રમઝટ બોલાવવી શરુ કરી. વાતાવરણમાં ભાવ અને ભક્તિની સુગંધ ચોમેર પ્રસરી વળી.

ભાદરવા સુદ ચૌદસ (અનંત ચૌદસ)ના દિને દેવીપ્રસાદના અંગત મિત્ર ગોંડલ નિવાસી માઇ ભક્ત પરેશભાઈના પૌત્રના જન્મદિન નિમિત્તે તેઓએ માતાજીના બેઠા ગરબાનું આયોજેલ,એ માટે સૌરાષ્ટ્ર પંથકના જાણીતા માઇભક્ત અને ગરબાના ગાયક દેવીપ્રસાદને પોતાના સાજીંદા સાથે ગોંડલ આવવા આમન્ત્રણ આપેલું.દેવીપ્રસાદના કંઠનું માધુર્ય, બુલંદ અવાજ, એની ગરબા ગાવાની હલક સુર, શબ્દ અને તાલ-લયની સમજ સાથેનું જ્ઞાન બેનમૂન હતા.પોતાના વતનમાં ક્યાંય પણ સારા માઠા પ્રસંગોએ, કે નવરાત્રી દરમ્યાન કોઈ પણ જગ્યાએ બેઠા ગરબા યોજાય ત્યાં દેવીપ્રસાદ અનિવાર્ય રીતે હોય જ, એના વિનાના ગરબા ફિક્કા ગણાતા હતા. શ્રી ભુવનેશ્વરીમાતાજીના મંદિર નજીક સ્ટેશન પ્લોટ ખાતે પરેશભાઈના બંગલાની આજુબાજુનું વાતાવરણ દેવીપ્રસાદના ઘેઘુર બુલંદ અવાજથી ગાજી ઉઠ્યું 

સૌમ્ય ગરબાથી શરૂઆત કરતા દેવી પ્રસાદ ધીમે ધીમે ચલતીમાં ગવાતા ગરબા જયારે ગાતા ત્યારે સાંભળનારના રુવાડા ઉભા થઇ જતા. એના પોતાનામાં પણ શક્તિનો અદભુત દિવ્ય સંચાર થતો જોવા મળતો.આંખ મીંચીને ભાવ વિભોર બની ગરબા ગાતા દેવીપ્રસાદની આંખમાંથી ટપટપ અશ્રુધારા સતત વહેતી હતી, એ સમયે માતાજીની મૂર્તિ કે છબી સામે જોઈએ તો ખુદ માતાજીના ચહેરા ઉપર પણ હળવું સ્મિત ફરકતું દેખાય ત્યાં સુધીનું એનું માતાજી સાથેનું તાદાત્મ્ય હતું.

એક પછી એક ગરબા ગવાતા જતા હતા પાંચ, સાત, અને નવમો ગરબો  "ઘોર અંધારી રે...." જ્યાં શરુ કર્યો ત્યાં દેવીપ્રસાદ પરસેવે રેબઝેબ થઇ ગયા.ગરબામાં પ્રગટ થતી શક્તિ, જોમ, અને જુસ્સાને કારણે ગરબો પૂરો થતાંજ દેવીપ્રસાદ અચાનક ઢળી પડ્યા. ભક્તિનું વાતાવરણ ભય અને ચિંતામાં ફેરવાઈ ગયું. પરેશભાઈ પરિવાર અને સાથેના સાજિંદા  ગભરાઈ ગયા. તાબડતોબ અર્ધી રાત્રે સ્થાનિક તબીબને બંગલે બોલાવી તબિયત તપાસરાવી.નિષ્ણાત તબીબે અભિપ્રાય આપ્યો "આમને શક્ય એટલી ઝડપથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડો." થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી અને  બેશુદ્ધ દેવીપ્રસાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલના બિછાને ગોઠવાઈ ગયા.

*****   

દેવીપ્રસાદ શુદ્ધ સાત્વિક બ્રાહ્મણ શિક્ષક.સંસ્કૃતમાં એનું પાંડિત્ય અજોડ હતું.સીધા, સરળ, નિર્વ્યસની, અને માતાજીના પરમ ભક્ત અને ઉપાસક હતા. વર્ષની ચારે નવરાત્રી પોતાને ઘેર માતાજીનું સ્થાપન કરી ચુસ્ત પવિત્રતા સાથે સવારના પાંચ વાગ્યાથી અખંડ દીપ સાથે પૂજા અનુષ્ઠાન કરી, નવે નવ દિવસ ઉપવાસ કરતા, ઉપવાસમાં પણ દરરોજ સવાર સાંજ માતાજીને પ્રસાદ રૂપે ધરવામાં આવતું કોઈ પણ એક જ ફળ  ગ્રહણ કરી નકૉરડો ઉપવાસ વેઠતા.એની માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા,અતૂટ વિશ્વાસ, દ્રઢ સંકલ્પ સાથેની ભક્તિને કારણે તેઓ વિદ્યાર્થી જગત ઉપરાંત સમાજમાં પણ સારું માન-સન્માન સાથે ચાહના ધરાવતા હતા.

જે દિવસે ગોંડલ ખાતે ગરબા ગાવા માટે  જવાનું આમંત્રણ મળ્યું એ દિવસેજ તેઓ  થોડા અસ્વસ્થ હતા. પરિવારના બધાજ સભ્યોએ તબિયતને કારણે ઉજાગરો વેઠવા ન જવા માટે ખુબ સમજાવ્યા પરંતુ દેવીપ્રસાદ એકના બે ન થયા અને "માતાજી મને બોલાવે છે મારે નિશ્ચિત રૂપે જવું જ જોઈએ" આટલું કહી બગલથેલા સાથે ગોંડલ જવા નીકળી પડ્યા.

*****

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સઘન સારવાર વિભાગમાં બીછાને પડેલ દેવીપ્રસાદ બે દિવસ સુધી  બેશુદ્ધ રહ્યા. લો બી.પી.ના દર્દી તો હતા જ એમાંયે મુસાફરીનો થાક, સતત ગાયકીનો શ્રમ. ભાદરવાની ગરમી,અને પહેલેથી જ અસ્વસ્થ તબિયત હોવાને કારણે વધુ અસર પહોંચી હતી એના આઈ.સી.યુ.વોર્ડમાં હસીના નામની એક બત્રીસ વર્ષીય મુસ્લિમ નર્સ એની સતત દેખભાળમાં હતી.

ત્રીજે દિવસે શુદ્ધિમાં આવતા આંખ ખોલી.ઘણા દિવસોથી સઘન સારવાર છતાં એની તબિયતમાં સુધારો થવાને બદલે વધુ બગડતી ચાલી.દેવીપ્રસાદને આગમના એંધાણ વર્તાવા લાગ્યા. એ માની બેઠા કે જીવન લીલાનો છેલ્લો અંક હવે નિશ્ચિત રીતે પૂરો થવામાં છે.ખુલ્લી આંખે ટગર ટગર જોયા કરતા દેવીપ્રસાદની આંખમાંથી અસખલ્લીત આંસુ વહેતા હતા કોઈક માનસિક મૂંઝવણનો અનુભવ થતો હોય એવું સ્પષ્ટ જણાતું હતું. એવામાં એક દિવસ નર્સ હસીનાએ પૂછ્યું, "અંકલ, કેમ રડો છો ? કોઈ તકલીફ થાય છે ? તમારે કંઈ કહેવું છે ? જે પણ તમારા મનમાં હોય એ હું તમારી દીકરી જ છું એમ સમજીને તમે મને કહી દો " 

સોળ સત્તર દિવસે દેવીપ્રસાદના હોઠ ફફડ્યા, કૃશ થઇ ગયેલી કાયા સાથે દેવીપ્રસાદે ઓશિકાના ટેકે બેસવાની કોશિશ કરતાં કહ્યું, "બેટા. મને એક માત્ર ચિંતા સુખેથી સુવા દેતી નથી બે દિવસ પછી નવરાત્રી શરુ થાય છે આ વર્ષે હું માતાજીનું અનુષ્ઠાન કે સ્થાપન ઘેર નહિ કરી શકું.ત્રીસ ત્રીસ વર્ષની મારી માતાજીની સેવા પૂજા, અને ઉપવાસ આ વખતે અહીં દવાખાનામાં હોવાને કારણે મારાથી નહિ થાય એ રંજ મને કોરી ખાય છે.મારી  માડીના મંદિરીયા પણ ધૂપદીપ વિના સૂનાસૂના રહેશે. કેવી લાચાર પરિસ્થિતિમાં મારી જગદંબાએ મને મૂકી દીધો ? મને ભારોભાર અફસોસ સાથે મગજ ઉપર બોજો રહે છે." આટલું બોલતા દેવીપ્રસાદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. બાજુમાં ઉભેલી નર્સ હસીના એમના પલંગ ઉપર બેસી પીઠ પસવારતા બોલી, "અંકલ, ચિંતા ન કરો, હું તમને વચન આપું છું કે હું વિધર્મી હોવા છતાં આ વર્ષે તમારા વતી હું નવરાત્રીના નવે નવ  દિવસ તમારી જેવાજ સખત ઉપવાસ કરી મારે ઘેર અખંડ દિવા સાથે માતાજીના ગરબાનું સ્થાપન કરી, સવાર સાંજ પુરી પવિત્રતા સાથે પૂજન અર્ચન કરીશ.એ બાબતે આપ નિશ્ચિન્ત રહો." આટલું કહી હસીનાએ પોતાનો  જમણો હાથ દેવી પ્રસાદની હથેળીમાં મૂકી વચન આપ્યું. દેવીપ્રસાદે પોતાનો જમણો હાથ હસીનાના માથા ઉપર મુક્તા કહ્યું, "દીકરી, મા ભુવનેશ્વરી તારી બધી જ મનોકામના પુરી કરશે " આટલું બોલતા જ એક  નિરાંત, શાંતિ અને સંતોષ સાથે દેવીપ્રસાદ ઓશિકા ઉપર જ ડોકી ઢાળી ગયા.ગોંડલ જતી વખતે ઘરમાંથી નીકળતા  પૂર્વે પોતે બોલેલા કે " માતાજી મને બોલાવે છે મારે નિશ્ચિત રૂપે  જવું જ જોઈએ " એ સત્ય ઠર્યું  નવરાત્રીની પૂર્વ સંધ્યાએ દેવીપ્રસાદ જગત જનનીની સેવામાં સ્વર્ગે સંચર્યા. 

*****

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી દેવીપ્રસાદના નશ્વર દેહને લઈને મધરાતે એમ્બ્યુલન્સ સૈરાષ્ટ્રના એમના વતન તરફ જવા પુરપાટ વેગે દોડી રહી હતી.મધ્યરાત્રીનો પ્રહર હતો, રસ્તો બિલકુલ નીરવ, સુમસામ અને વાહનવ્યવહાર વિનાનો હતો. વિમાનની ગતિથી દોડતી એમ્બ્યુલન્સ લગભગ સવારના પાંચ-સાડાપાંચના આરસે ગોંડલના પાદરમાં પહોંચી હશે. ગોંડલના શ્રી ભુવનેશ્વરી માતાજીની આરતીનો સમય હતો. શંખનાદ અને ઝાલરના રણકાર સાથે માતાજીની આરતી શહેરના ધોરી માર્ગ સુધી પડઘાતી હતી અને અચાનક એમ્બ્યુલન્સના પૈડાં થંભી ગયા.

એમ્બ્યુલન્સ ચાલકે નીચે ઉતરી ગાડીનું બોનેટ ખોલી તપાસ્યું, બધું જ બરાબર હતું, ડીઝલની ટાંકી પણ છલોછલ ભરેલી હતી સામાન્ય સંજોગોમાં દેખાતું કોઈ કારણ ચાલકને નજરમાં ન આવતા ચાલક મૂંઝાયો.ખુબ કોશિશ કરવા છતાં એમ્બ્યુલન્સ તસુભાર આગળ ન વધી.

એમ્બ્યુલન્સમાં મૃતદેહની સાથે બેસેલ દેવીપ્રસાદના અંગત મિત્રએ થોડીવાર ચિંતા સાથે વિચારમાં પડી જતા ચાલકને કહ્યું " ભાઈ, તું ખોટી મહેનત અને ચિંતા ન કર.આ ગાડી પુરી ચાલીશ મિનિટ સુધી અહીંથી નહીં ચશે, ભુવનેશ્વરી માતાજીની આરતી પુરી થશે, અને અહીં સંભળાતી ઝાલરનો રણકાર બંધ થયે તારી ગાડી આપમેળે ચાલુ થઇ જશે. દેવીપ્રસાદની અનન્ય ભક્તિ,માતાજી ઉપરની શ્રદ્ધાએ આરતી પુરી થાય ત્યાં સુધી આ ગાડીને રોકી રાખી છે,માતાજી તરફથી એની અનન્ય ભક્તિની શ્રદ્ધાંજલિ રૂપે એ દૈવી શક્તિએ એમ્બ્યુલન્સના પૈડાં બાંધી દીધા છે".
અને ખરેખર બન્યું પણ એવું જ માતાજીની આરતી પુરી થયે ઝાલરનો રણકાર અને ઘંટારવ બંધ થતા એમ્બ્યુલન્સ ફરી ધોરીમાર્ગ ઉપર તેજ ગતિથી દોડવા માંડી."
********
વહેલી સવારે દેવીપ્રસાદનો નશ્વરદેહ વતન ખાતે આવી પહોંચ્યો. શહેરમાં વાયુવેગે સમાચાર ફેલાઈ જતા, અસંખ્ય માઇ ભક્તો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,અને સમાજના અગ્રગણ્ય નામી શ્રેષ્ઠિઓના ટોળે ટોળા દેવીપ્રસાદના પાર્થિવ દેહના અંતિમ દર્શને ઉમટી પડ્યા.વાઘેશ્વરી માતાજીના મંદિરના પુજારીએ માતાજીની પ્રસાદીના ફૂલ તથા કંકુ નિર્જીવ દેહ ઉપર વરસાવી તિલક કર્યું, ગાયત્રી શક્તિપીઠના મહંતે માતાજીની પ્રસાદી રૂપે સાથે લાવેલી ચૂંદડી મૃતદેહ ઉપર ઓઢાડી અને દેવીપ્રસાદના પ્રિય ગરબા "માડી તારું કંકુ ખર્યું.... ગાઈ અને સ્મશાન યાત્રા આરંભી. આખે રસ્તે જનમેદની દર્શનાર્થે ઉમટી પડી હતી. "ભગવતી શરણમ મમ:"ના બુલંદ નાદ સાથે દેવીપ્રસાદના પાર્થિવદેહને મુખાગ્નિ અપાયો.
એક તેજનો લિસોટો પોતાનો તેજપુંજ છોડી દિવ્ય જ્યોતિમાં વિલીન થઇ ગયો.
*******
દેવીપ્રસાદના અવસાનને એક વર્ષ વીતી ગયું હશે.
રવિવારનો દિવસ હતો, દેવીપ્રસાદના પત્ની દામિની બહેન તથા પુત્ર ભાગ્યેશ નિત્યકર્મ પરવારી ચુક્યા હતા દરમ્યાન દરવાજે ઘંટડી વાગી. દામિની બહેને દરવાજો ખોલતા સામે એક અજાણી મુસ્લિમ મહિલા એક નાના બાળકને તેડીને ઉભી હતી.
આગંતુક મહિલાએ વિવેક સાથે પૂછ્યું ," આ દેવીભાઈ અંકલનું ઘર છે "?
દામિનીબેને જવાબ આપતા કહ્યું, હા, આ ઘર એમનું જ છે પણ ........"એટલું કહી દીવાલ ઉપર સુખડના હાર સાથેની દેવીપ્રસાદની લટકતી તસ્વીર સામું જોતાં એ મહિલાને ઈશારે સમજાવતાં પૂછ્યું "તમારે કોનું કામ છે ?"
આગંતુક મહિલાએ જવાબ દેતા કહ્યું," હા,મને ખબર છે અંકલ ગયા વર્ષે જ અવસાન પામ્યા છે અંકલની અંતિમ અવસ્થાએ હું જ એમની નજીક દવાખાનામાં હતી"
દામિનીબેને ઉપકારવશ ઘરમાં આવકાર આપતા કહ્યું " બોલો શું કામ છે ?"
મુસ્લિમ મહિલા બાળક સાથે ઘરમાં પ્રવેશી પોતાનો પરિચય આપતા કહ્યું," મારુ નામ હસીના છે મુસ્લિમ છું અને હું અમદાવાદથી આવું છું.ત્યાંની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરું છું. અંકલના છેલ્લા દિવસોમાં હું આઈ.સી.યુ. માં એના જ વોર્ડની ડ્યુટી નર્સ હતી.
વાત એમ છે કૈં અંકલ એની આખરી ઘડીએ કોઈ અગમ્ય મૂંઝવણ અનુભવતા હતા એ સમયે મારા આગ્રહથી પોતાની અંતિમ ઈચ્છા મને કહી હતી તુર્તમાં જ આવતી નવરાત્રીમાં પોતે ઘટ સ્થાપન નહિ કરી શકે અને પૂજા અનુષ્ઠાન પણ નહિ કરી શકે એનો મૂંઝારો તેઓ અનુભવતા હતા એ સમયે મેં એમને વચન આપેલું કે હું વિધર્મી હોવા છતાં માતાજીનું પુરી શ્રદ્ધા, ભક્તિ ભાવથી પૂજા અનુષ્ઠાન કરી અને ઘટ સ્થાપન કરીશ,અને મને અંકલે આશીર્વાદ આપતા કહ્યું હતું કે " બેટા, તારી બધી મનોકામના માં ભુવનેશ્વરી પુરી કરશે " આટલું કહી તેઓએ અંતિમ શ્વાસ છોડ્યા હતા.એ મુજબ બીજે દિવસે નવરાત્રી શરુ થતા હોય,મારી બ્રાહ્મણ સહેલી અને સહકર્મી વંદનાના પિતાજી ત્યાંના હરસિધ્ધિ માતાજીના પૂજારી હોવાથી એમની મદદ અને માર્ગદર્શનથી મેં

સંપૂર્ણ પવિત્રતા સાથે નવ દિવસ અનુષ્ઠાન કરી, ઉપવાસ કરી અને હિન્દૂ રીત રસમ મુજબ ઘટ સ્થાપન કરેલું અને માતાજીની દયા અને વડીલના આશીર્વાદ થી બધું જ સુપેરે પાર પડી ગયું.
વાતને વિરામ આપતા હસીનાએ પોતાની બોટલમાંથી પાણી પી આગળ કહ્યું, " બહેન, મારા લગ્નને પુરા દશ વર્ષ થવા છતાં મારે ખોળે શેર માટીની ખોટ હતી, અમે પતિ પત્નીએ પીર, મૌલા, ઓલિયા-ફકીર, બાબા,સહીત અનેક દરગાહે માથા ટેકવી અનેક મન્નત માની પણ અલ્લાહ તાલાએ અમારી બંદગી કબુલ ન કરી.અંતિમ સમયે અંકલને વચન આપ્યા પછી અંકલના આશીર્વાદ થકી નવરાત્રીનું અનુષ્ઠાન પૂરું થતા જ શરદ પૂર્ણિમાને દિવસે મેં ગર્ભ ધારણ કર્યો અને નિયત સમયે મને પુત્ર રત્ન પ્રાપ્ત થયુ.આ ખરેખર વિશ્વંભરી જગત જનની માં ભુવનેશ્વરીની જ કૃપા અને વડીલના આશીર્વાદનો ચમત્કાર છે એમ માની મેં મારા પુત્રનું નામ પણ ભુવનેશ પાડ્યું છે.ઘટસ્થાપનના દિવસથી જ અમે બન્ને શુદ્ધ શાકાહારી બની ગયા છીએ અને ઘરના એક ખૂણામાં નાનું મંદિર બનાવી, માતાજીનું સ્થાપન પણ કર્યું છે એ દિવસથી હું માતાજીની નિત્ય પૂજા આરતી કરું છું. આજે રવિવાર હોય, હું મારા પુત્ર સાથે ગોંડલ ભુવનેશ્વરી માતાજીને પગે લગાડવા આવી હતી એટલે થયું કે અંકલના ફોટાને પગે લાગી અમે બન્ને આશીર્વાદ મેળવીએ " આટલું બોલતા તો હસીનાની આંખમાં ડબાડબ આંસુ છલકાઈ પડ્યા.પોતે પુત્ર સાથે ઉભી થઇ દેવીપ્રસાદના ફોટાને પગે લાગતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.દામિનીબેને એને શાંત પાડી ચા-નાસ્તો પીરસી, અને એના હાથમાં રૂપિયા પાંચસોની નોટ આપતા કહ્યું," બેટા, કોઈ પણ દેવ-દેવીનું કાર્ય શ્રદ્ધાપૂર્વક કરો તો એ કદી અફળ નથી જતું, જગત જનની તો દયાળુ અને કૃપાળુ છે એ કોઈ દિવસ કોઈનું કરજ રાખતી નથી તારે ત્યાં દશ વર્ષે પુત્ર પ્રાપ્તિ થવી એ એની જ કૃપાનું પરિણામ છે માતાજીએ તારી સેવા પૂજા સ્વીકાર્યાની હાથોહાથ પહોંચ તને આપી છે. ઈશ્વર મનુષ્ય જેવો સ્વાર્થી નથી. આજથી તું પણ મારી દીકરી જ છે એવું સમજજે "
અશ્રુભીની આંખે હસીનાએ વિદાય લીધી એને વળાવવા દરવાજા સુધી આવેલ દામિનીબેન ભીની આંખે એ દેખાતી બંધ થઇ ત્યાં સુધી તેને જતી જોઈ રહ્યા
" શ્રદ્ધા વિનાની જિંદગી જગમાં કદી ફળતી નથી." ફરી એકવાર સાબિત થયું.
*******
એક સત્ય ઘટના આધારિત વાર્તા.