તેજ તરાર ભાંગ નુકશાન કરે છે અને ક્યારેક ટૂંકા ગાળા માટે સ્મૃતિ પણ ગુમાવી બેસે છે એવી જુદી જુદી વાતો ખૂબ સાંભળેલી પણ અનુભવેલ નહિ.
Thursday, 7 March 2024
"ભાંગ ન પીશો કોઈ...."
Saturday, 10 February 2024
મન કી બાત
આજના દિવસે મારા ત્રીજા પુસ્તક 'અપરાજિતા'નું વિમોચન થતા હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું.મારા પહેલા પુસ્તક 'મોગરાની મહૅક' અને બીજા 'જીવનસંધ્યા'ની અપ્રતિમ સફળતા એ મને ત્રીજું પુસ્તક લખવા પ્રેર્યો છે. મારા પ્રેરણા સ્ત્રોતના યશભાગી મારા સુજ્ઞ વાચકો છે. બન્ને પુસ્તકો વાચકોએ ખોબલે ખોબલે વધાવ્યા છે. જીવન સંધ્યાની પહેલી પાંચસો પ્રત બાદ બીજી એક હજાર પ્રત પુન :મુદ્રિત કરાવ્યા પછી પણ આજસુધી એ બન્ને પુસ્તકોની માંગ વાચકો તરફથી સતત આવતી રહે છે.
સૌથી વધુ આનંદ એ છે કે ગુજરાતી ભાષાની વાંચન વૃત્તિ હજુ બરકરાર છે.અને જ્યાં સુધી વાંચન વૃત્તિ ટકી રહેશે ત્યાં સુધી આપણી માતૃભાષા ગૌરવ ભેર ઉન્નત મસ્તકે ટકી રહેશે.
હું જાણું છું, સમજુ છું, અને કબૂલું પણ છું કે મારા ત્રણેય પુસ્તકોનું સાહિત્યિક મૂલ્ય શૂન્ય છે.અને તેથી જ મેં મારી જાતને લેખક તરીકે સ્વીકારી નથી. લેખક કોને કહેવાય ? એ પ્રશ્નના જવાબમાં એક સાહિત્યકારે કહ્યું હતું કે " જે લખે એ લેખક" હું એ વ્યાખ્યા સાથે સવિનય અસહમત હોવાથી હું મારી જાતને લેખક નહીં પણ લહિયો ગણું છું.
કોઈ પણ લખાણ બે પ્રકારે લખાય છે. એક બુદ્ધિ પૂર્વક, અને બીજું, હૃદય પૂર્વક.
બુદ્ધિથી ઉપજેલ લખાણ એ સાચું સાહિત્ય છે અને એના લેખકો સાચા સાહિત્યકારો છે, જયારે મારુ લખાણ બુદ્ધિ આધારિત નહીં પણ જિંદગીના આઠ દાયકામાં જોયેલ,સાંભળેલ,અને અનુભવેલ,પ્રસંગો જે હૃદયના ઊંડાણમાંથી શબ્દો સ્વરૂપે ઉગી આવ્યા એને વાર્તા સ્વરૂપે વાચકો સામે પ્રસ્તુત કરવાનો પ્રયોગ છે.જેમાં સાંપ્રત સમાજની વિષમતા,યુવાપેઢીની માનસિકતા, જૂની પેઢીની સૈદ્ધાંતિકતા,ક્યાંક યાદ તો ક્યાંક ફરિયાદ,ક્યાંક પ્રેમ, વિરહ,વિયોગ,વિષાદ તો ક્યાંક વેદના,ક્યાંક હૃદયની પીડા તો ક્યાંક મનોવ્યથાની કથા આલેખાયેલાં છે જે આપણા રોજબરોજના જીવનમાં આપણે જોઈએ,વાંચીએ,અને અનુભવીએ છીએ, એ પ્રસંગો હૃદયના માર્ગેથી ચળાઈને આવતા હોય ભારોભાર સંવેદના,અને ભાવુક્તાથી લથબથ ભરેલા છે. સ્વાભાવિક રીતે એનું સાહિત્યક મૂલ્ય શૂન્ય જ હોય. જે પુસ્તક સમાજના મોટાભાગના લોકો વાંચે,વંચાવે,વિચારે વધાવે, અને વસાવે, એ સારા પુસ્તકના માપદંડની પારાશીશી છે પછી ભલે એ સાહિત્યની કક્ષામાં સમાવિષ્ટ ન હોય,અથવા એનું સાહિત્યિક મૂલ્ય શૂન્ય હોય.એવું મારુ અંગત માનવું છે હું કદાચ મારી માન્યતામાં અધૂરો કે ખોટો પણ હોઈ શકું.
આ પુસ્તકને તૈયાર કરવામાં,ઉત્કૃષ્ટ મુખપૃષ્ઠ બનાવી પુસ્તકને આકર્ષક બનાવવામાં જેનો સિંહ ફાળો રહ્યો છે, અને સુંદર છણાવટ સાથે વિસ્તૃત પ્રસ્તાવના લખી છે એ ડો.કનૈયાલાલ ભટ્ટ સાહેબનો હું હૃદય પૂર્વક આભાર માંનુ છું.મને વારંવાર લખતા રહેવાની ચાનક ચડાવનાર અને સત્તત પ્રોત્સાહિત કરવામાં પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપે છે એ અવિસ્મરણીય છે.
અગાઉ બન્ને પુસ્તકમાં સર્જકનો પરિચય આપનાર મારા ઘનિષ્ઠ મિત્ર ભાઈ દીપકભાઈ છાંયા "સોનદીપ" એ આ વખતે વધુ એકવાર અપરાજિતા પુસ્તકમાં સર્જકનો પરિચય જુદી જ રીતે આપી મને ઉપકૃત કર્યો હોઈ અત્રે હું એનો પણ આભારી છું.
મીડિયા કર્મી મારા પુત્ર, ચિ .મેહુલ કે જેઓ સતત પ્રવૃતિશીલ હોવા છતાં, સમય ફાળવીને મુદ્રણ થી લઈને વિમોચન સુધી સતત સાથે રહ્યાની નોંધ અહીં લેવી જરૂરી બને છે.
હંમેશ પડછયાની જેમ સાથે રહી સતત માર્ગદર્શનથી લઈને પુસ્તક વિમોચન કાર્યક્રમના આયોજન અને અંત સુધી બધું જ સુપેરે પાર પાડવાના સુંદર આયોજક. Master of Event Management શ્રી.સી.એ,મનીષ બક્ષી તથા સી.એ. જ્યોત બક્ષીની નિસ્વાર્થ સેવા તત્પરતા અત્રે અચૂક ઉલ્લેખનીય છે.
આશા છે આ પુસ્તક અગાઉના બન્ને ની જેમ વાચકોને ગમશે અને વધાવશે.
અંતે,
સહુને સુખ હજો નિત્યે, નિરોગી સઘળાં હજો,
પામજો શ્રેયને સર્વે , દુઃખ ના કોઈ દેખશો.
A/2, સાકેત બંગલોઝ આપનો સહૃદયી મિત્ર
બેંક ઓફ બરોડા,ગોત્રીની બાજુમાં,, વ્યોમેશ ઝાલા.
ગોત્રી રોડ,વડોદરા.
મોબાઈલ :- e.mail :-vyom_jyot@yahoo.com.in 94276 03278, jhala.vyomesh63@gmail.com 7016762151
Tuesday, 2 January 2024
શ્રદ્ધાંજલિ.
"જેણે જગતમાં વસમી સફર ખેડી નથી,
એને જિંદગી શું છે,એની ખબર હોતી નથી "
આવી વસમી સફર ખેડી જિંદગીને નજીકથી જોઈ અનુભવનાર મારા સહાધ્યાયી સાળી અને આજીવન સાસુનું પાત્ર નિભાવનાર શ્રીમતી અખિલબેન સુરેન્દ્રભાઇ હાથીનું તારીખ 28/12/23ના રોજ કેનેડા ખાતે નિધન થતાં એક વીજ આંચકો લાગ્યો . સ્વ.અખિલબેન બચપણમાં જ મા નું અવસાન થતા કાકા-કાકીને આશરે ઉછરીને મોટા થયેલ. બન્ને બહેનોની સંઘર્ષ યાત્રા બહુ નાની ઉંમરે જ ચાલુ થઇ. શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરી બંને બહેનોને પરણાવવાની જવાબદારી કાકા -કાકી એ નિભાવી. સંઘર્ષ એમ કાંઈ પીછો છોડે ? સામાન્ય આર્થિક સ્થીતી ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારમાં લગ્ન થતા ઘરની આર્થિક વ્યવસ્થામાં પણ સહયોગ આપવા પોતે નોકરી કરી અને નાનાભાઈ જેવા દિયરને કોલેજના પહેલા વર્ષથી લઈને M.D.(Ped.) ગોલ્ડ મેડાલીસ્ટ બનાવી બાળ દર્દો ના રાષ્ટ્રીય નિષ્ણાતને દરજ્જે પહોંચાડ્યો જે ડોક્ટર જી.એસ. હાથીના નામે પંકાયા આટલેથી સંઘર્ષ પૂરો ન થયો.હોય એમ એમની નાની બહેન અર્થાત મારી પત્ની દોઢ વર્ષના પુત્રને મૂકીને યુવા વયે અવસાન થતા એ બાળકની સ્વૈચ્છીક જવાબદારી સ્વીકારી પોતે સાચવ્યુ 1979 થી 1995 સુધી એમ સોળ વર્ષ સુધી સાચવી એની સાર સંભાળ લઇ એસ.એસ.સી. સુધીની બધી જ જાવાબદારી પોતે ઉઠાવી. આવી કઠિન પરિસ્થિતિમાં પણ હિંમત ન હારી બીજા બાળકોને પણ પ્રોત્સાહિત કરતા રહ્યા મારી પુત્રીઓને પણ સલાહ શિખામણથી લઈને ઘરકામ,રસોઈ,ધર્મ-સંસ્કાર જેવું ઘણું ઘણું શીખવ્યું જે આજે પણ એના નિજી જીવનમાં ઉપયોગી બન્યા છે. ગુગલ તો આજે છેલ્લા દશ-પંદર વર્ષથી પ્રચલિત થયું પણ સ્વ.અખિલબેન સર્ચ ઈન્જીન હતા. લગ્ન -જનોઈ સંસ્કાર હોય કે અવસાન પછીની અંતિમ વિધિ, ધાર્મિક ક્રિયા કાંડ હોય, ઘરગથ્થું વૈદું, ધાર્મિક વાર તહેવારનું મહત્વ,અને એ દિવસે થતા પૂજા-પાઠ ,કે મંત્રો વિષે પણ વિગતે માહિતી એની પાસેથી સુલભ બનતી. અભ્યાસ કરતા વાંચન વિશેષ, યાદશક્તિ પણ અદભુત. સારા માઠા પ્રસંગોએ થતી વ્યવહારિક લેતી-દેતી,યાદગાર તારીખ તિથિ વિગેરેની જીણી જીણી નોંધ ટપકાવવાની એની આદત ઘણીવાર અમને ઉપયોગી થઇ છે. નવું જોવું, નવું શીખવું એ પણ આવડી ઉંમરે એને ગમતું હતું મોબાઇલ ઉપર ફેસબુક અને વોટ્સએપ સહીત વાપરતા શીખ્યા. પોતાની એકમાત્ર પુત્રીને પરણાવી જવાબદારીમાંથી મુક્ત થયા બાદ જીવન ના છેલ્લા દોઢ દાયકા દરમ્યાન એનો કસોટી કાળ પૂરો થતા સુખ શાંતિનું જીવન ભોગવ્યું . પુત્રી આ.સૌ. અમિષા કેનેડા ખાતે સ્થિર થયેલ હોય સ્વ, હાથી સાહેબની હયાતીમાં ત્રણ-ચાર વાર ત્યાં જઈ આવ્યા, ત્યાંના નિવાસ દરમ્યાન યુરોપ ઉપરાંત દેશ વિદેશની ટુર કરી. પાંચેક વર્ષ પહેલા શ્રી.સુરેન્દ્રભાઈનું અવસાન થયા બાદ પોતે કાયમી નિવાસાર્થે કેનેડા ગયા. પરોપકારી, સેવાભાવી,પરગજુ,ધર્મિષ્ઠ આત્માની ગતિ પણ એટલી જ સરળ હોય ને ? માત્ર ચાર દિવસની ટૂંકી બીમારીમાં હોસ્પિટલ ખાતે જ પરમ શાંતિ સાથે દેહ છોડ્યો.એમની બીમારીના સમાચાર મળતા જ મારી પુત્રી માતૃ ઋણ ચૂકવવાના ભાગરૂપે કેનેડા પહોંચી ગઈ,.
ઈશ્વર સદગતના આત્માને પરમ શાંતિ આપે.! ! !