શ્રદ્ધાંજલિ.
"જેણે જગતમાં વસમી સફર ખેડી નથી,
એને જિંદગી શું છે,એની ખબર હોતી નથી "
આવી વસમી સફર ખેડી જિંદગીને નજીકથી જોઈ અનુભવનાર મારા સહાધ્યાયી સાળી અને આજીવન સાસુનું પાત્ર નિભાવનાર શ્રીમતી અખિલબેન સુરેન્દ્રભાઇ હાથીનું તારીખ 28/12/23ના રોજ કેનેડા ખાતે નિધન થતાં એક વીજ આંચકો લાગ્યો . સ્વ.અખિલબેન બચપણમાં જ મા નું અવસાન થતા કાકા-કાકીને આશરે ઉછરીને મોટા થયેલ. બન્ને બહેનોની સંઘર્ષ યાત્રા બહુ નાની ઉંમરે જ ચાલુ થઇ. શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરી બંને બહેનોને પરણાવવાની જવાબદારી કાકા -કાકી એ નિભાવી. સંઘર્ષ એમ કાંઈ પીછો છોડે ? સામાન્ય આર્થિક સ્થીતી ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારમાં લગ્ન થતા ઘરની આર્થિક વ્યવસ્થામાં પણ સહયોગ આપવા પોતે નોકરી કરી અને નાનાભાઈ જેવા દિયરને કોલેજના પહેલા વર્ષથી લઈને M.D.(Ped.) ગોલ્ડ મેડાલીસ્ટ બનાવી બાળ દર્દો ના રાષ્ટ્રીય નિષ્ણાતને દરજ્જે પહોંચાડ્યો જે ડોક્ટર જી.એસ. હાથીના નામે પંકાયા આટલેથી સંઘર્ષ પૂરો ન થયો.હોય એમ એમની નાની બહેન અર્થાત મારી પત્ની દોઢ વર્ષના પુત્રને મૂકીને યુવા વયે અવસાન થતા એ બાળકની સ્વૈચ્છીક જવાબદારી સ્વીકારી પોતે સાચવ્યુ 1979 થી 1995 સુધી એમ સોળ વર્ષ સુધી સાચવી એની સાર સંભાળ લઇ એસ.એસ.સી. સુધીની બધી જ જાવાબદારી પોતે ઉઠાવી. આવી કઠિન પરિસ્થિતિમાં પણ હિંમત ન હારી બીજા બાળકોને પણ પ્રોત્સાહિત કરતા રહ્યા મારી પુત્રીઓને પણ સલાહ શિખામણથી લઈને ઘરકામ,રસોઈ,ધર્મ-સંસ્કાર જેવું ઘણું ઘણું શીખવ્યું જે આજે પણ એના નિજી જીવનમાં ઉપયોગી બન્યા છે. ગુગલ તો આજે છેલ્લા દશ-પંદર વર્ષથી પ્રચલિત થયું પણ સ્વ.અખિલબેન સર્ચ ઈન્જીન હતા. લગ્ન -જનોઈ સંસ્કાર હોય કે અવસાન પછીની અંતિમ વિધિ, ધાર્મિક ક્રિયા કાંડ હોય, ઘરગથ્થું વૈદું, ધાર્મિક વાર તહેવારનું મહત્વ,અને એ દિવસે થતા પૂજા-પાઠ ,કે મંત્રો વિષે પણ વિગતે માહિતી એની પાસેથી સુલભ બનતી. અભ્યાસ કરતા વાંચન વિશેષ, યાદશક્તિ પણ અદભુત. સારા માઠા પ્રસંગોએ થતી વ્યવહારિક લેતી-દેતી,યાદગાર તારીખ તિથિ વિગેરેની જીણી જીણી નોંધ ટપકાવવાની એની આદત ઘણીવાર અમને ઉપયોગી થઇ છે. નવું જોવું, નવું શીખવું એ પણ આવડી ઉંમરે એને ગમતું હતું મોબાઇલ ઉપર ફેસબુક અને વોટ્સએપ સહીત વાપરતા શીખ્યા. પોતાની એકમાત્ર પુત્રીને પરણાવી જવાબદારીમાંથી મુક્ત થયા બાદ જીવન ના છેલ્લા દોઢ દાયકા દરમ્યાન એનો કસોટી કાળ પૂરો થતા સુખ શાંતિનું જીવન ભોગવ્યું . પુત્રી આ.સૌ. અમિષા કેનેડા ખાતે સ્થિર થયેલ હોય સ્વ, હાથી સાહેબની હયાતીમાં ત્રણ-ચાર વાર ત્યાં જઈ આવ્યા, ત્યાંના નિવાસ દરમ્યાન યુરોપ ઉપરાંત દેશ વિદેશની ટુર કરી. પાંચેક વર્ષ પહેલા શ્રી.સુરેન્દ્રભાઈનું અવસાન થયા બાદ પોતે કાયમી નિવાસાર્થે કેનેડા ગયા. પરોપકારી, સેવાભાવી,પરગજુ,ધર્મિષ્ઠ આત્માની ગતિ પણ એટલી જ સરળ હોય ને ? માત્ર ચાર દિવસની ટૂંકી બીમારીમાં હોસ્પિટલ ખાતે જ પરમ શાંતિ સાથે દેહ છોડ્યો.એમની બીમારીના સમાચાર મળતા જ મારી પુત્રી માતૃ ઋણ ચૂકવવાના ભાગરૂપે કેનેડા પહોંચી ગઈ,.
ઈશ્વર સદગતના આત્માને પરમ શાંતિ આપે.! ! !