Thursday, 7 March 2024

"ભાંગ ન પીશો કોઈ...."

તેજ તરાર ભાંગ નુકશાન કરે છે અને ક્યારેક ટૂંકા ગાળા માટે સ્મૃતિ પણ ગુમાવી બેસે છે એવી જુદી જુદી વાતો ખૂબ સાંભળેલી પણ અનુભવેલ નહિ.

વર્ષો પહેલાની વાત છે.
મહાકાળેશ્વરના દર્શન કરવા Ujjain ગયો.મંદિર ના પ્રવેશદ્વાર ની બિલકુલ સામે બે ભાંગ વેચતી પ્રતિષ્ઠિત દુકાનો છે.દર્શન કરીને વળતા થયું લાવ ટેસ્ટ તો કરવા દે !
અને પહોંચ્યો દુકાને.દરવાજા ઉપર જુદી જુદી પ્રકારની ભાંગ ના ભાવ વાંચ્યા અને મોંઘી એવી ભાંગ નો કોલર ઉંચા કરી વટ થી ઓર્ડર આપ્યો.ભાંગ બની તૈયાર થઈ ગઈ.
એ દરમ્યાનમાં થડા પાસે ઊંઘી બાલદી ઠલવી હોય એવો પીસેલી તૈયાર મસાલા મિશ્રિત ભાંગનો વ્યવસ્થિત ઢગલો જોયો.
ઢગલા નો રંગ પિસ્તા કલરનો હતો એટલે મને થયું કે ભાંગની અંદર ઉમેરવા માટે આ બદામ પિસ્તા ની પેસ્ટ તૈયાર રાખી હશે.એ જોઈને હું લલચાયો. ભાંગ નો ગ્લાસ મારા હાથમાં આવતાં જ મેં વેપારીને એ ઢગલો બતાવતા કહ્યું,
ये और ज्यादा डालो।
મને થયું આટલા મોંઘા ભાવનો ગ્લાસ લઉ છું તો બદામ પિસ્તા શા માટે ઓછા નખાવું ?
વેપારીએ કોઈ પણ સ્પષ્ટતા કર્યા વિના બીજા બે મોટા ચમચા પેસ્ટના ઉમેરી,મિક્સ કરી અને ગ્લાસ આપ્યો.
બંદા ગટગટાવી ગયા !
થોડે દુર પહોંચ્યો હોઈશ ત્યાં ચક્કર આવવા માંડ્યા. કોઈ એક ભલા વેપારીની દુકાને આશરો લીધો અને થોડીવારમાં તો બેભાન થઈ ગયો.
હિન્દી ભાષી વિસ્તારનો એ વેપારી મૂંઝાયો કે આ અજાણી બલા અહીં ક્યાં ત્રાટકી.
વેપારીએ પાણી છાંટયું.શર્ટના ખિસ્સામાંથી હોટેલનું કાર્ડ વાંચી રિક્ષામાં બેભાન હાલતમાં હોટલ ઉપર પહોંચાડયો.હોટેલ માલિક સમજી ગયો કે આ ગજજુ 'નશો'
કરીને આવ્યો છે અને એ પણ ભાંગ નો.લિબુ ચુસાવ્યા,છાશ પાઈ,અને સુવાડી રાખ્યો એ બપોરનો સમય હોય ખાધા-પીધા વિના હું સૂતો જ રહ્યો.છેક રાત્રે 9/00 9.30 વાગ્યે આંખ ખુલી અને ભાનમાં આવ્યો.
ત્યારે ખબર પડી કે માત્ર ઝેર જ નહીં પણ ભાંગ પણ એ નીલકંઠ જ પચાવી શકે.