Saturday, 8 March 2025

કેશોદ હાઈસ્કૂલ -એક યાદગીરી.

વાત છે 1936ની .
જૂનાગઢ થી 37 કિલો મીટર દૂર  નવાબી શાશન તાબાના જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની.           એ સમયે કેશોદ એક નાનું સૂનું ગામ હતું જ્યાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના અભાવે વિદ્યાર્થીઓ નજીકના 35 કી.મી.દૂર ચોરવાડ ગામે અભ્યાસ કરવા જતા હતા.કેશોદમાં એ સમયે સરકારી કચેરીઓ પણ બહુ જૂજ  હતી. કેશોદની મહદ વસ્તી રઘુવંશી સમાજની હોય મુખત્વે વેપાર એ મુખ્ય વ્યવસાય હતો. એ સિવાય ત્યાં ન કોઈ ઉદ્યોગ, કે ન કોઈ કારખાના.                          જૂનાગઢના નવાબે કેશોદમાં શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરાવવા નિર્ણય લીધો અને પરિણામ સ્વરૂપે એલ.કે,મિડલ સ્કૂલની સ્થાપના થઇ (1936).  નવાબ સાહેબના પદાધિકારી અને રાજ્યના શિક્ષણવિભાગના વડા મર્હુમ વલ્લી મોહંમદખાન બાબીના નેજા હેઠળ શાળાની સ્થાપના, તથા ઉદઘાટન અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી.અને નવાબ સાહેબની સંમતિથી કેશોદ મિડલ સ્કૂલનું ઉદ્ઘાટન ભારતના તે સમયના વાઇસરોય  લોર્ડ વિલિંગ્ડન (1931-1936) ના હસ્તે  કરાવવાનું નક્કી કરવામાં આવ્યું.                                                                                   કાર્યક્રમની રૂપરેખા ને આખરી ઓપ આપવા સમયે મુર્હુમ બાબી સાહેબને વિચાર આવ્યો કે, વાઇસરોય તો પોતાનું પ્રાસંગિક પ્રવર્ચન અંગ્રેજી ભાષામાં આપશે,  વાઇસરોય ગુજરાતી જાણતા નથી અને કેશોદની અર્ધ શિક્ષિત પ્રજા અંગ્રેજી સમજતી નથી તો વાઇસરૉયના એ પ્રવર્ચનનો અર્થ જ શું જયારે એકઠા થયેલ શ્રોતાઓ કશું જ સમજી ન શકે ? બહુ વિચારણા અંતે મુર્હુમ બાબી સાહેબે ઉકેલ શોધી કાઢ્યો અને સ્થાનિક બહાદુરખાનજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મર્હુમ સોલોમન સાહેબ ને કચેરીએ તેડાવી પૂછ્યું કે," કેશોદ હાઈસ્કૂલનું ઉદ્દઘાટન વાઈસરોયના હાથે કરવાનું હોય,અને તેઓ પોતાનું વક્તવ્ય અંગ્રેજીમાં આપવાના હોય, આપણી હાઈસ્કૂલમાં એવા કોઈ શિક્ષક છે  કે જે  યુરોપિયન ઇંગ્લિશની ઝડપે,અને એના ઉચ્ચારણો ને સમજી શબ્દશ: ભાષાંતર કરી ગ્રામ્ય શ્રોતાઓ સમજી શકે એવી ભાષામાં અસખલિત બોલી શકે ? એ શિક્ષકનું  અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષા ઉપર પ્રભુત્વ હોવું આવશ્યક છે  "                                                                           સોલોમન સાહેબે પ્રત્યુત્તરમાં  હકાર વાચક ડોકી હલાવતા કહ્યું "જી,આપણી શાળામાં એક યુવાન શિક્ષક છે,જે ફાંકડું અંગ્રેજી-ગુજરાતી જાણે છે,,જો એને તક આપવામાં આવશે તો મારી દ્રષ્ટિએ એ યોગ્ય પસંદગી ગણાશે,"                                                                                                                     "એવું નથી,તમે એને પૂછીને ખાતરી કરી લો કે એ આ જવાબદારી ઉઠાવી શકવા શક્ષમ છે ?પાછળથી કોઈ ફિયાસ્કો ન થાય એ જોવાની જવાબદારી  તમારી પણ રહેશે " બાબી સાહેબે પ્રિન્સિપાલને પણ બાંધી લેતા કહ્યું.                                                                                             " જી સર,હું પુરા આત્મવિશ્વાસથી કહું છું કે એ શિક્ષક સફળતાપૂર્વક અને સંતોષકારક ફરજ બજાવશે " એવી ખાતરી આપતા બાબી સાહેબે પૂછ્યું " કોણ છે એ શિક્ષક ?                            જવાબના સોલોમન સાહેબે કહ્યું, એ છે મી.વી.ડી.ઝાલા.આપણી શાળાના અંગ્રેજીનાં શિક્ષક,  જ્ઞાતિએ નાગર હોવા કારણે ભાષા અને ઉચ્ચારો પણ શુદ્ધ છે"
શાળાના ઉદ્ઘાટન નો દિવસ આવી પહોંચ્યો.સોલોમન સાહેબે સ્વ.પિતાશ્રીને પુરી વિગત સાથે ચોકસાઈ અને ચીવટથી જવાબદારી પાર પાડવાની  બાંહેધારી લઇ લીધી . 34 વર્ષના યુવાન શિક્ષક વી.ડી.ઝાલાએ ભરપૂર આત્મવિશ્વાસ સાથે ખાતરી પણ આપી દીધી.                                           એ મુજબ શાળાના ઉદ્ઘાટનની જાહેરાત પણ કરી દેવામાં આવી. કેશોદ, વેપારનું મથક, પોતાના વતનમાં એક શૈક્ષણિક સંસ્થા પહેલી જ વાર સ્થપાતી  હોય, ઉત્સાહ અને આનંદમા લોક ફાળો કરી ગામ શણગાર્યું ગામમાં ઠેર ઠેર સ્વાગત કમાનો ઉભી કરી, શાળાના મકાનને પણ  શણગાર્યું .ગામમાં આનંદ આનંદ છવાઈ ગયો,                                                                             નિશ્ચિત દિવસે  ભારતના સત્તરમાં વાઇસરોય લોર્ડ વિલિંગ્ડન કેશોદના હવાઈ મથકે ઉતર્યા.    ગામે ધામેધૂમે સ્વાગત કર્યું .ખુદ નવાબ સાહેબ અને એના પદાધિકારીઓએ પણ ઉમળકાથી સ્વાગત કરી શાળા તરફ હંકારી ગયા.શાળાના મેદાનમાં મંચ ગોઠવાયો .મેચના સમાંતરે બે ડાયસ ગોઠવાયા મંચની ડાબી બાજુના ડાયસે વાઇસરોય, અને જમણી બાજુના ડાયસ ઉપર વી.ડી.ઝાલા. ગોઠવાયા.વાઇસરૉયના વક્તવ્યની શરૂઆત થઇ, સાથોસાથ વી.ડી.ઝાલાએ એટલીજ ઝડપથી  ગ્રામ્ય પ્રજા સમજી શકે એ રીતે ભાષાંતર  કરતા ગયા.
કાર્યક્રમની પુર્ણાહુતી થતા નવાબ સાહેબે તથા  મર્હુમ બાબી સાહેબે વી.ડી. ઝાલાને અભિનંદન આપ્યા. 
એમની સફળ કામગીરીની ભેટ તરીકે, બીજે જ દિવસે વી.ડી.ઝાલાને કેશોદ મિડલ સ્કૂલના પહેલા પ્રિન્સિપાલ તરીકેની નિમણૂકનો ઓર્ડર મળ્યો,
આમ સ્વ.પિતાશ્રી 34 વર્ષની ઉંમરે કેશોદ મિડલ સ્કૂલના પહેલા આચાર્ય પદે  નિમાયા .ત્યારબાદ સતત ચોરવાડ, તથા ઉના હાઈસ્કૂલના આચાર્ય પદે બદલાતા રહ્યા. 
ઘણા વર્ષો બાદ મિડલ સ્કૂલ હાઈસ્કૂલમાં પરિવર્તિત થી એર પોર્ટ રોડ ઉપર નવા મકાનમાં ફેરવાઈ. 
લોર્ડ વિલિંગ્ડન ની જૂનાગઢ રાજ્યની આ છેલ્લી મુલાકાત હતી.1936ના એપ્રિલમાં તેઓ બદલાયા અને નવા વાઇસરોય તરીકે Lord Linlithgow (1936-1941) આવ્યા 
                                   

     



Saturday, 15 February 2025

 વૈધવ્ય -પોણા સૈકા પહેલાંનુ એક વરવું ચિત્ર.

"વૈદ્યવ્ય એ સ્ત્રી જાતિને વિના વાંક/ગુન્હાએ ઈશ્વરે આપેલી નિષ્ઠુર શિક્ષા છે"- વ્યોમેશ.ઝાલા
*****
આજે કોઈને ખ્યાલ પણ નહીં હોય કે આજથી પોણા સૈકા પહેલાં સમાજની વિધવા સ્ત્રીઓની શી દશા હતી.આજે હું નજરે જોયેલી અને અનુભવેલી એવી વિધવાની પીડા વર્ણવું છું.
નીચે આપેલી તસ્વીર મારા પૂજ્ય સ્વ.દાદી જન્મલક્ષ્મી (૧૮૮૧-૧૯૬૨)ની છે.પોતાની યુવાનીમાં તેઓ એટલા સ્વરૂપવાન હતા કે જ્ઞાતિમાં તેઓ ધોળીબેન થી ઓળખાતા હતા.પતિ સ્વ. દોલતરાય ઝાલા (૧૮૭૪-૧૯૪૯) જૂનાગઢ રાજ્યના નવાબી શાસન માં ઉચ્ચ હોદ્દા ઉપર હતા.૧૯૪૯ માં એમનું અવસાન થયું અને ગં.સ્વ.ધોળીબેને જીવતા સુધી કાળો સાડલો ઓઢી લીધો.એ સમયમાં વિધવાઓની દશા અતિ બદતર હતી ત્યારે એવો વિચાર આવે છે કે આવા અમાનુષીય, જડ અને અસ્વીકાર્ય એવા નીતિ-નિયમો કયા સમાજે બનાવ્યા હશે.?
જ્યાં સુધી સ્વર્ગસ્થ પતિનું વરસી વાળવામાં ન આવે ત્યાં સુધી જ્ઞાતિની મહિલાઓ સાંજે છ થી સાત વાગ્યા સુધી રોજ બેસવા આવે એ સમયે વિધવાએ ફરજીયાત રીતે ઘરના ખૂણામાં બેસવાનું જેને "ખૂણો પાળ્યો" કહેવાતું. વિધવાથી અરીસામાં મોઢું જોવાય નહિ. ઘરની બારી જાહેર રસ્તા ઉપર પડતી હોય એ બારી આડે મચ્છરદાની જેવી જીણી જાળી જડી દેવાઈ હતી જેથી રસ્તે ચાલતા રાહદારી વિધવાનો ચહેરો ન જોઈ Aશકે.૬૮ વર્ષની ઉંમરે વૈદ્યવ્ય ભોગવનાર મારા દાદીએ માથે મુંડન કરાવ્યું. પલંગ ઉપર સૂવું એ વૈભવ ગણાતો અને પલંગ તો સહશયન માટે જ હોય તેથી પલંગ ઉપર વિધવાનું સૂવું વર્જ્ય ગણાતું અને જમીન ઉપર પથારી પાથરીને સુતા. કોટનની બે કાળી સાડી જ એનો વસ્ત્રવૈભવ બન્યો.નાકમાં ચૂંક/ચુની નહિ,કાનમાં બુટ્ટી નહિ, કપાળે ચાંદલો નહિ,હાથમાં કાચના કંગનને બદલે માત્ર સોનાની બે બંગડી જ.પગમાં ચમ્પલ નહિ.
જ્યારે આભૂષણ જ સ્ત્રીઓનું ભૂષણ ગણાતું હોય એ વેળા સામાન્ય આભૂષણો પણ છીનવી લેવા એ કઈ માનવતા છે.
આ તો થઈ ૬૮ વર્ષની ઉંમરે વિધવા થયેલ મારા દાદીની વાત પણ એથી પણ કંપારી છૂટે એવી વિતક મારા સ્વ.કાકી સત્યભામાની છે.
સત્તર વર્ષની ઉંમરે સ્વ.કાકીના લગ્ન થયા ત્યારે બાવીશ વર્ષીય સ્વ.કાકા કૌસ્તુભરાય મુંબઈ ખાતે એમ.બીબી.એસ.નો અભ્યાસ કરતા હતા.લગ્નને માંડ ચાર વર્ષ થયાં હશે અને એમ.બી.બી.એસ ની ફાઇનલ પરીક્ષા આપીને સુખી લગ્નજીવનની શરૂઆત કરે તે પહેલાં જ આશાસ્પદ ડોકટર કૌસ્તુભરાય ભર યુવાનીમાં સ્વર્ગે સંચર્યા.આમ બાવીસ વર્ષની યુવાન વયે વિધવા થયેલ સ્વ.કાકીએ ભલે મુંડન ન કરાવ્યું પણ ચાલીશ વર્ષ પગમાં ચપ્પલ ન પહેરીને ઉપરોક્ત
કહેવાતા તમામ"વિધવા આચરણ" નું ચુસ્ત પાલન કર્યું.
વિચારો તો ખરા કે બાવીસ વર્ષીય યુવા સ્ત્રીનું જીવન પર્યન્ત કેટલું શોષણ થયું ?
સ્વાતિ લખે છે "વિધવા સ્ત્રીનું પતિ ગુમાવવાનું દુઃખ એના વર્તન, વાણી, આહાર કે પહેરવેશ પરથી કઈ રીતે નક્કી થઈ શકે? જે વાત સાંભળવા માત્રથી જ આપણા શરીરમાં કંપારી છૂટી જાય છે ત્યારે એ વ્યક્તિએ તો એનુ સર્વસ્વ ગુમાવી દેવા જેવી વાત છે એના મનની પીડા તમારા-મારા જેવા શું જાણી શકવાના?
જેનો પતિ અવસાન પામ્યો હોય, એ સ્ત્રીથી ઘરની બહાર ન નીકળાય,એનાથી સારા ઉઘડતા રંગના કપડા ન પહેરાય,હસીને ન બોલાય એ જાહેરમાં વાત ન કરી શકે, એનાથી સ્વાદિષ્ટ ભોજન ન જમાય એમાં ગળ્યું તો ખાસ નહીં, એને બધાથી પહેલા ઉઠીને ઠંડા પાણીથી જ નહાઈ લેવાનું અને ક્યાંક તો એવું પણ હોય છે કે વિધવા સ્ત્રી ચપ્પલ પણ ન પહેરી શકે. કેમ? તો કારણ માત્ર એટલું જ કે વર્ષોથી સમાજે વિધવા સ્ત્રીઓ માટે આવા નિયમો બનાવેલા છે અને જો આ નિયમો પાળવામાં સ્ત્રીથી ચૂક થાય તો એને બેશરમ, બિન્દાસ્ત, નફ્ફ્ટ, લાગણીહીન વગેરે જેવા શબ્દોથી સંબોધવામાં આવે છે. આવા વિશેષણોથી બિરદાવતા પહેલા કોઈ એ નથી કહેતું કે એ સ્ત્રી પણ પ્રથમતો એક માણસ જ છે..!
કોઈ સારા અવસરે વિધવા સ્ત્રી સામે મળવી કે એને કંકુવાળી આંગળી કરાવવી એ અપશુકન ગણાય, એવી અંધશ્રદ્ધા આજે પણ સમાજના ઘણા વર્ગમાં પ્રચલિત છે. કોઈ વિધવાને શુભ પ્રસંગે હાજર રહેતા અટકાવાતી હશે ત્યારે એને ચોક્કસ દુઃખ થતું જ હશે. આવી રૂઢી અને પરંપરાઓની સામે માનવતા હારી જતી દેખાય છે. એક દુઃખી સ્ત્રીને વધુ દુઃખી કરી સમાજ ક્યાં રીવાજો અને પ્રથાઓને ન્યાય આપી શકવાનો?
પતિની ગેરહાજરીમાં એને ઘર સાચવવાનું હોય છે, એને બાળકોની માતાની સાથે સાથે એમના પિતા પણ બનવાનું હોય છે, ઘર ચલાવવાની સાથે સાથે દરેકની જરૂરિયાતો પણ પૂરી કરવાની હોય છે જેમાં ક્યારેક એને પારિવારિક સમસ્યાઓ તેમજ નાણાકીય સમસ્યાઓનો સામનો પણ એકલા હાથે કરવો પડતો હોય છે. એને કુદરત તરફથી એવા દુઃખની ભેટ મળી છે જે એની જીંદગીમાં એ ક્યારેય ભૂલી શકવાની નથી. પણ જો એ દુઃખને થોડું હળવું કરવાની કોશિશ કરે તો પણ સમાજના લોકોને એ મંજૂર નથી.
જયારે એને ખરેખર લાગણી, હુંફ, સહાનુભુતિ અને સપોર્ટની જરૂર હોય છે તે વખતે લોકો એની ખામીઓ શોધવામાં રસ દાખવે છે. એ વિધવા સ્ત્રીની પણ ઈચ્છાઓ હશે, એની આંખોમાં પણ સપના વસતા હશે, એને પણ ઘણા શોખ થતા હશે, પોતાની આગવી પસંદ નાપસંદ હોતી હશે, પતિના શબને વળાવ્યા બાદ જયારે એને નવડાવવામાં આવે છે ત્યારે સિંદૂર અને શણગારની સાથે સાથે એના ઓરતા અને અભરખાં તેના તન-મનમાંથી આપોઆપ ઉતારી દેવામાં આવે છે. પતિના નામની સાથે સાથે એને હસતી રમતી જિંદગીના નામનું પણ નાહી નાંખવુ પડે છે. એક મરેલા માણસની પાછળ એક જીવતું માણસ રોજ મર્યા કરે. એના મનમાં પણ થતું હશે કે પોતે જે સજા ભોગવી રહી છે એમાં એનો દોષ શું છે? એજ ને કે એનો પતિ એના પહેલા અવસાન પામ્યો..?
એની સૌથી મોટી ભૂલ કે એ સ્ત્રી છે અને બીજી ભૂલ કે એનો પતિ મૃત્યુ પામ્યો છે?
ઘણી જગ્યાએ ક્રિયાકર્મમાં જઈએ તો પરિસ્થિતિ જોઈ પ્રશ્ન થઈ આવે કે ખરેખર મર્યું છે કોણ? ..ફૂલનો હાર ચડાવેલી છબીમાં છે એ પુરુષ કે છબીની બાજુમાં સફેદ કે કાળા કપડામાં વીંટાળીને લાચાર બનાવીને બેસાડેલી એક જીવતી લાશ?…"
No photo description available.
All reactions:
Desai Jagruti Ajitbhai Desai and 9 others

Thursday, 7 March 2024

"ભાંગ ન પીશો કોઈ...."

તેજ તરાર ભાંગ નુકશાન કરે છે અને ક્યારેક ટૂંકા ગાળા માટે સ્મૃતિ પણ ગુમાવી બેસે છે એવી જુદી જુદી વાતો ખૂબ સાંભળેલી પણ અનુભવેલ નહિ.

વર્ષો પહેલાની વાત છે.
મહાકાળેશ્વરના દર્શન કરવા Ujjain ગયો.મંદિર ના પ્રવેશદ્વાર ની બિલકુલ સામે બે ભાંગ વેચતી પ્રતિષ્ઠિત દુકાનો છે.દર્શન કરીને વળતા થયું લાવ ટેસ્ટ તો કરવા દે !
અને પહોંચ્યો દુકાને.દરવાજા ઉપર જુદી જુદી પ્રકારની ભાંગ ના ભાવ વાંચ્યા અને મોંઘી એવી ભાંગ નો કોલર ઉંચા કરી વટ થી ઓર્ડર આપ્યો.ભાંગ બની તૈયાર થઈ ગઈ.
એ દરમ્યાનમાં થડા પાસે ઊંઘી બાલદી ઠલવી હોય એવો પીસેલી તૈયાર મસાલા મિશ્રિત ભાંગનો વ્યવસ્થિત ઢગલો જોયો.
ઢગલા નો રંગ પિસ્તા કલરનો હતો એટલે મને થયું કે ભાંગની અંદર ઉમેરવા માટે આ બદામ પિસ્તા ની પેસ્ટ તૈયાર રાખી હશે.એ જોઈને હું લલચાયો. ભાંગ નો ગ્લાસ મારા હાથમાં આવતાં જ મેં વેપારીને એ ઢગલો બતાવતા કહ્યું,
ये और ज्यादा डालो।
મને થયું આટલા મોંઘા ભાવનો ગ્લાસ લઉ છું તો બદામ પિસ્તા શા માટે ઓછા નખાવું ?
વેપારીએ કોઈ પણ સ્પષ્ટતા કર્યા વિના બીજા બે મોટા ચમચા પેસ્ટના ઉમેરી,મિક્સ કરી અને ગ્લાસ આપ્યો.
બંદા ગટગટાવી ગયા !
થોડે દુર પહોંચ્યો હોઈશ ત્યાં ચક્કર આવવા માંડ્યા. કોઈ એક ભલા વેપારીની દુકાને આશરો લીધો અને થોડીવારમાં તો બેભાન થઈ ગયો.
હિન્દી ભાષી વિસ્તારનો એ વેપારી મૂંઝાયો કે આ અજાણી બલા અહીં ક્યાં ત્રાટકી.
વેપારીએ પાણી છાંટયું.શર્ટના ખિસ્સામાંથી હોટેલનું કાર્ડ વાંચી રિક્ષામાં બેભાન હાલતમાં હોટલ ઉપર પહોંચાડયો.હોટેલ માલિક સમજી ગયો કે આ ગજજુ 'નશો'
કરીને આવ્યો છે અને એ પણ ભાંગ નો.લિબુ ચુસાવ્યા,છાશ પાઈ,અને સુવાડી રાખ્યો એ બપોરનો સમય હોય ખાધા-પીધા વિના હું સૂતો જ રહ્યો.છેક રાત્રે 9/00 9.30 વાગ્યે આંખ ખુલી અને ભાનમાં આવ્યો.
ત્યારે ખબર પડી કે માત્ર ઝેર જ નહીં પણ ભાંગ પણ એ નીલકંઠ જ પચાવી શકે.

Saturday, 10 February 2024

મન કી બાત


આજના દિવસે મારા ત્રીજા પુસ્તક 'અપરાજિતા'નું વિમોચન થતા હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું.મારા પહેલા પુસ્તક 'મોગરાની મહૅક' અને બીજા 'જીવનસંધ્યા'ની અપ્રતિમ સફળતા એ મને ત્રીજું પુસ્તક લખવા પ્રેર્યો છે. મારા પ્રેરણા સ્ત્રોતના યશભાગી મારા સુજ્ઞ વાચકો છે. બન્ને પુસ્તકો વાચકોએ ખોબલે ખોબલે વધાવ્યા છે. જીવન સંધ્યાની પહેલી પાંચસો પ્રત બાદ  બીજી એક હજાર પ્રત પુન :મુદ્રિત કરાવ્યા પછી પણ  આજસુધી એ બન્ને પુસ્તકોની માંગ વાચકો તરફથી સતત આવતી રહે છે.

સૌથી વધુ આનંદ એ છે કે ગુજરાતી ભાષાની વાંચન વૃત્તિ હજુ બરકરાર છે.અને જ્યાં સુધી  વાંચન વૃત્તિ ટકી રહેશે ત્યાં સુધી આપણી માતૃભાષા ગૌરવ ભેર ઉન્નત મસ્તકે ટકી  રહેશે.

હું જાણું છું, સમજુ છું, અને કબૂલું પણ છું કે મારા ત્રણેય પુસ્તકોનું સાહિત્યિક મૂલ્ય શૂન્ય છે.અને તેથી જ મેં મારી જાતને લેખક તરીકે સ્વીકારી નથી. લેખક કોને કહેવાય ? એ પ્રશ્નના  જવાબમાં એક સાહિત્યકારે કહ્યું હતું કે " જે લખે એ લેખક" હું  એ વ્યાખ્યા સાથે સવિનય અસહમત હોવાથી હું મારી જાતને લેખક નહીં પણ લહિયો ગણું છું. 

કોઈ પણ લખાણ બે પ્રકારે લખાય છે. એક બુદ્ધિ પૂર્વક, અને બીજું, હૃદય પૂર્વક.

બુદ્ધિથી ઉપજેલ લખાણ એ  સાચું સાહિત્ય છે અને એના લેખકો સાચા સાહિત્યકારો છે, જયારે મારુ લખાણ બુદ્ધિ આધારિત નહીં પણ  જિંદગીના આઠ દાયકામાં જોયેલ,સાંભળેલ,અને અનુભવેલ,પ્રસંગો જે હૃદયના ઊંડાણમાંથી શબ્દો સ્વરૂપે ઉગી આવ્યા એને વાર્તા સ્વરૂપે વાચકો સામે પ્રસ્તુત કરવાનો પ્રયોગ છે.જેમાં સાંપ્રત સમાજની વિષમતા,યુવાપેઢીની માનસિકતા, જૂની પેઢીની સૈદ્ધાંતિકતા,ક્યાંક યાદ તો ક્યાંક ફરિયાદ,ક્યાંક પ્રેમ, વિરહ,વિયોગ,વિષાદ તો ક્યાંક વેદના,ક્યાંક હૃદયની પીડા તો ક્યાંક મનોવ્યથાની કથા  આલેખાયેલાં  છે જે આપણા રોજબરોજના જીવનમાં આપણે જોઈએ,વાંચીએ,અને અનુભવીએ છીએ, એ પ્રસંગો હૃદયના માર્ગેથી ચળાઈને  આવતા હોય ભારોભાર સંવેદના,અને ભાવુક્તાથી લથબથ ભરેલા છે. સ્વાભાવિક રીતે એનું સાહિત્યક મૂલ્ય શૂન્ય જ હોય. જે પુસ્તક સમાજના મોટાભાગના લોકો વાંચે,વંચાવે,વિચારે વધાવે, અને વસાવે, એ સારા પુસ્તકના માપદંડની પારાશીશી છે પછી ભલે એ સાહિત્યની કક્ષામાં સમાવિષ્ટ ન હોય,અથવા એનું સાહિત્યિક મૂલ્ય શૂન્ય હોય.એવું મારુ અંગત માનવું છે હું કદાચ મારી માન્યતામાં અધૂરો કે ખોટો પણ હોઈ શકું.

આ પુસ્તકને તૈયાર કરવામાં,ઉત્કૃષ્ટ મુખપૃષ્ઠ બનાવી પુસ્તકને આકર્ષક બનાવવામાં જેનો સિંહ ફાળો રહ્યો છે, અને સુંદર છણાવટ સાથે વિસ્તૃત પ્રસ્તાવના લખી છે એ ડો.કનૈયાલાલ ભટ્ટ સાહેબનો હું હૃદય પૂર્વક આભાર માંનુ છું.મને વારંવાર લખતા રહેવાની ચાનક ચડાવનાર અને સત્તત પ્રોત્સાહિત કરવામાં પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપે છે એ અવિસ્મરણીય છે.

અગાઉ બન્ને પુસ્તકમાં સર્જકનો પરિચય આપનાર મારા ઘનિષ્ઠ મિત્ર ભાઈ દીપકભાઈ છાંયા  "સોનદીપ" એ આ વખતે વધુ  એકવાર અપરાજિતા પુસ્તકમાં સર્જકનો પરિચય જુદી જ રીતે આપી મને ઉપકૃત કર્યો હોઈ અત્રે હું એનો પણ આભારી છું.

મીડિયા કર્મી  મારા પુત્ર, ચિ .મેહુલ કે જેઓ સતત પ્રવૃતિશીલ હોવા છતાં, સમય ફાળવીને મુદ્રણ થી લઈને વિમોચન સુધી સતત સાથે રહ્યાની નોંધ અહીં લેવી જરૂરી બને છે.

હંમેશ પડછયાની જેમ સાથે રહી સતત માર્ગદર્શનથી લઈને પુસ્તક વિમોચન કાર્યક્રમના આયોજન અને અંત સુધી બધું જ સુપેરે પાર પાડવાના સુંદર આયોજક. Master of Event Management  શ્રી.સી.એ,મનીષ બક્ષી તથા સી.એ. જ્યોત બક્ષીની નિસ્વાર્થ સેવા તત્પરતા અત્રે અચૂક ઉલ્લેખનીય છે.

આશા છે આ પુસ્તક અગાઉના બન્ને ની જેમ વાચકોને ગમશે અને વધાવશે.

અંતે,

સહુને સુખ હજો નિત્યે,  નિરોગી સઘળાં  હજો,

પામજો  શ્રેયને સર્વે ,  દુઃખ ના કોઈ દેખશો.

A/2, સાકેત બંગલોઝ                                                                    આપનો સહૃદયી મિત્ર  

બેંક ઓફ બરોડા,ગોત્રીની બાજુમાં,,                                                      વ્યોમેશ ઝાલા.

ગોત્રી રોડ,વડોદરા.

મોબાઈલ :-                                                         e.mail :-vyom_jyot@yahoo.com.in            94276 03278,                                                                  jhala.vyomesh63@gmail.com        7016762151



Tuesday, 2 January 2024

                                                        શ્રદ્ધાંજલિ. 

                              "જેણે જગતમાં વસમી સફર ખેડી નથી,

                              એને જિંદગી શું છે,એની ખબર હોતી નથી " 

 આવી વસમી સફર ખેડી જિંદગીને નજીકથી જોઈ અનુભવનાર મારા સહાધ્યાયી સાળી અને આજીવન સાસુનું પાત્ર નિભાવનાર શ્રીમતી અખિલબેન સુરેન્દ્રભાઇ હાથીનું તારીખ 28/12/23ના રોજ કેનેડા ખાતે નિધન થતાં એક વીજ આંચકો લાગ્યો .                                                                         સ્વ.અખિલબેન બચપણમાં જ મા નું  અવસાન થતા કાકા-કાકીને આશરે ઉછરીને મોટા  થયેલ. બન્ને બહેનોની  સંઘર્ષ યાત્રા બહુ નાની ઉંમરે જ ચાલુ થઇ. શિક્ષણ સાથે  સંસ્કારનું સિંચન કરી બંને બહેનોને પરણાવવાની જવાબદારી કાકા -કાકી એ નિભાવી.                                              સંઘર્ષ એમ કાંઈ પીછો છોડે ? સામાન્ય આર્થિક સ્થીતી ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારમાં લગ્ન થતા ઘરની આર્થિક વ્યવસ્થામાં પણ સહયોગ આપવા પોતે નોકરી કરી અને નાનાભાઈ જેવા દિયરને કોલેજના પહેલા વર્ષથી લઈને  M.D.(Ped.) ગોલ્ડ મેડાલીસ્ટ બનાવી બાળ દર્દો ના  રાષ્ટ્રીય નિષ્ણાતને દરજ્જે પહોંચાડ્યો જે ડોક્ટર જી.એસ. હાથીના નામે પંકાયા                  આટલેથી સંઘર્ષ પૂરો ન થયો.હોય એમ એમની નાની બહેન અર્થાત મારી પત્ની દોઢ વર્ષના પુત્રને મૂકીને યુવા વયે અવસાન થતા એ બાળકની સ્વૈચ્છીક જવાબદારી સ્વીકારી પોતે સાચવ્યુ   1979 થી  1995 સુધી એમ સોળ વર્ષ સુધી સાચવી એની સાર સંભાળ લઇ એસ.એસ.સી. સુધીની  બધી જ જાવાબદારી પોતે ઉઠાવી. આવી કઠિન પરિસ્થિતિમાં પણ હિંમત ન હારી બીજા બાળકોને પણ પ્રોત્સાહિત કરતા રહ્યા                                                                        મારી પુત્રીઓને પણ સલાહ શિખામણથી લઈને ઘરકામ,રસોઈ,ધર્મ-સંસ્કાર જેવું ઘણું ઘણું શીખવ્યું જે આજે પણ એના નિજી જીવનમાં ઉપયોગી બન્યા છે.                                                  ગુગલ તો આજે છેલ્લા દશ-પંદર વર્ષથી પ્રચલિત થયું પણ સ્વ.અખિલબેન સર્ચ ઈન્જીન હતા. લગ્ન -જનોઈ સંસ્કાર હોય કે અવસાન પછીની અંતિમ વિધિ, ધાર્મિક ક્રિયા કાંડ હોય, ઘરગથ્થું વૈદું, ધાર્મિક વાર તહેવારનું મહત્વ,અને એ દિવસે થતા પૂજા-પાઠ ,કે મંત્રો વિષે પણ વિગતે માહિતી એની પાસેથી સુલભ બનતી. અભ્યાસ કરતા વાંચન વિશેષ, યાદશક્તિ પણ અદભુત. સારા માઠા પ્રસંગોએ થતી વ્યવહારિક લેતી-દેતી,યાદગાર તારીખ તિથિ વિગેરેની જીણી જીણી નોંધ ટપકાવવાની એની આદત ઘણીવાર અમને ઉપયોગી થઇ છે. નવું જોવું, નવું શીખવું એ પણ આવડી ઉંમરે એને ગમતું હતું મોબાઇલ  ઉપર ફેસબુક અને વોટ્સએપ સહીત વાપરતા શીખ્યા. પોતાની એકમાત્ર પુત્રીને પરણાવી જવાબદારીમાંથી મુક્ત થયા બાદ જીવન ના છેલ્લા દોઢ દાયકા દરમ્યાન એનો કસોટી કાળ પૂરો થતા સુખ શાંતિનું  જીવન ભોગવ્યું . પુત્રી આ.સૌ. અમિષા કેનેડા ખાતે સ્થિર થયેલ હોય સ્વ, હાથી સાહેબની હયાતીમાં ત્રણ-ચાર વાર ત્યાં જઈ આવ્યા, ત્યાંના નિવાસ દરમ્યાન યુરોપ ઉપરાંત દેશ વિદેશની ટુર કરી. પાંચેક વર્ષ પહેલા   શ્રી.સુરેન્દ્રભાઈનું અવસાન થયા બાદ પોતે કાયમી નિવાસાર્થે કેનેડા ગયા.                                  પરોપકારી, સેવાભાવી,પરગજુ,ધર્મિષ્ઠ આત્માની ગતિ પણ એટલી જ સરળ હોય ને ? માત્ર ચાર દિવસની ટૂંકી બીમારીમાં હોસ્પિટલ ખાતે જ પરમ શાંતિ સાથે દેહ છોડ્યો.એમની બીમારીના સમાચાર મળતા જ મારી પુત્રી માતૃ ઋણ ચૂકવવાના ભાગરૂપે કેનેડા પહોંચી ગઈ,. 

ઈશ્વર સદગતના આત્માને પરમ શાંતિ આપે.! ! !     



Saturday, 23 December 2023

નસીબ

 નસીબ  

" નયન, ઘણા વખતથી એક વાત મારા મનમાં ઘોળાયા કરેછે પણ હું તને કહેતી નથી આજે હવે મને એમ લાગે છે કે હું જે વિચારું છું એ તારા,મારા,અને આપણા ભવિષ્ય માટે વિચારવા જેવી વાત છે એટલે હું કહ્યા વિના રહી શકતી નથી. હું એ પણ જાણું છું કે કદાચ મારી વાત તને ગમશે પ[ણ નહિ પરંતુ ઘરની જવાબદારી, આર્થિક વ્યવસ્થા,અને ભાવિ સંતાનના હિત માટે મેં યૌગ્ય જ વિચાર કર્યો છે " રાત્રીના સમયે પોતાના બેડ રૂમમાં સુતેલા નયનના વાંકડિયા વાળમાં પોતાની આંગળી ફેરવતા નિલીમાએ નયનને કહ્યું.                                                                           નયને   જવાબ આપતા કહ્યું, " હું જાણું છું કે તું  વ્યવહારકુશળ અને પરિવારની હિતચિંતક છે અને તેથી તારા સૂચનો સાચા અને સારા જ હોય છે ,બોલ, શું કહેવા માંગે છે ?"                                        "આપણા લગ્નને ચાર વર્ષ વીતી ગયા.ચાર વર્ષથી આપણે અહીં સયુંકત પરિવારમાં રહીએ છીએ, તું ઘરની બધીજ આર્થિક વ્યવસ્થા અને હું બધીજ વ્યવહારિક સાથે પારિવારિક જવાબદારી ઉપાડીએ છીએ.સવારથી સાંજના છ વાગ્યા સુધી ઓફિસ અને ત્યારપછી બા ની દવા, એને વારંવાર દવાખાને લઇ જવા, ડોક્ટરને ઘેર વિઝીટ માટે લઇ આવવા અને બસ આમ દિવસ પુરો. આપણે કોઈ દિવસ મિત્રો સાથે સિનેમા પાર્ટી, કે પ્રવાસ કરી શક્યા ? જો પોણી જિંદગી બીજા માટે જ જીવવાની હોય,તો આપણે આપણી જિંદગી ક્યારે જીવીશું ? અર્ધી જિંદગી આ રીતે વિતાવ્યા પછી આપણું શું? જે ઉંમર અને યુવાની આપણે ભોગવવાની છે એ સુવર્ણકાળને હાથે કરીને વેડફી નાખવાનો ?" કાલ સવારે આપણે સંતાન પ્રાપ્તિ થશે, ત્યારે આપણી રીતે લાડકોડથી એનો ઉછેર કરવો, સંસ્કાર આપવા, એ બધું રૂઢિચુસ્ત સયુંકત કુટુંબમાં શક્ય બનશે ?" નયનની આંખમાં આંખ પરોવતાં નીલિમા ભાવુક બનીને બોલી.                                                                                  "હા, પણ તું કહેવા શું માંગે છે ?" નયને સામો પ્રશ્ન કર્યો .                                                              "બસ,એટલું જ કે તું હવે અહીંથી બદલી માંગી લે, આપણે અન્ય શહેરમાં સ્થાયી થઇ આપણી રીતે જીવશું. પરિવારથી સ્થાનિક જુદા રહેવા જવું એ આપણને તથા બા-બાપુજીને પણ સમાજની દ્રષ્ટિએ વ્યાજબી ન લાગે. સ્વતંત્ર રહીને આપણે આપણી રીતે પાંચ પૈસા પણ બચાવી શકશું.એક ધ્યાન રાખજે, બદલી અંગે હાલ બા-બાપુજી પાસે કાંઈ ઉચ્ચારીશ નહિ. સીધો ઓર્ડર આવે ત્યારે જ જાણ કરવી નહીતો સમજાવી શરમાવીને બદલીની અરજી કરતા રોકશે" નિલીમાએ પતિ નયનને સલાહ આપી.                                                                                                                      પણ... નીલી, આ ઉંમરે બા-બાપુજીનું કોણ? તું જાણે છે કે મમ્મી વર્ષોથી પેરેલીસીસથી પીડાય છે,  હું તેઓનું એકમાત્ર સંતાન હોઉં સ્વાભાવિક તેઓની ઢળતી ઉંમરે મારા ટેકાની આશા રહે.  એની વૃદ્ધાવસ્થામાં જો આપણે તેને ઉપયોગી ન થઇ શકીએ તો એની કૂખે જન્મ લીધો લાજે તે કંઈ લાંબો વિચાર કર્યો ? નયને જવાબ દેતા કહ્યું."                                                                               "મને તારા આ જવાબની જ અપેક્ષા હતી.ચાર ચાર વર્ષ શ્રવણ બનીને રહ્યા પછી તમે તમારી ઈચ્છા મુજબની જિંદગી જીવી શક્યા ? અરે, હું પણ અત્યાર સુધી અને આજના દિવસ સુધી રૂઢિચુસ્ત પરિવારમાં એક ચોકઠામાં જ બંધાઈને જીવું  છું  હવે મારો શ્વાસ રૂંધાય છે.બા-બાપુજીના ભવિષ્યનો વિચાર કરતાં આપણો વર્તમાન અને ભાવિ સંતાનનું ભવિષ્ય  બગડે છે એ વિચાર્યું ? આયુષ્યનો કોઈ ભરોસો થોડો છે ? બીજા વીસ વર્ષ પણ તેઓ જીવી જાય એટલે આપણે તો આમને આમ જ ઘરડા થઇ જવાનું ? કાલસવારે આપણે ત્યાં સંતાન જન્મે ત્યારે એનો ઉછેર સિત્તેર વર્ષ જૂની પેઢીની રૂઢિ મુજબ કરવાનો ? દૂર બેઠાં પણ આપણે એની સારસંભાળ લઇ શકીએ છીએ અને જો તેઓને ફાવે તો વાર તહેવારે આપણે ઘેર ક્યાં નથી આવી શકતા.પુરી દીર્ઘદ્રષ્ટિથી ભવિષ્યનો વિચાર કરીને જ મેં કહ્યું છે.પછી તારી ઈચ્છા."આંખમાં આંસુ સાથે નિલીમાએ છેલ્લો પાસો ફેંક્યો.              ઈશ્વરની કરામત તો કમાલ છે હો. સ્ત્રી જયારે ધારે ત્યારે  ગ્લિસરીનના ઉપયોગ વિના પણ કૃત્રિમ આંસુઓનો ધોધ વરસાવી શકે છે.અને એ રીતે ઓશીકા પર અશ્રુભિષેક કરતાં નીલિમા પડખું ફરી ગઈ.વિધાતાએ દરેકને શ્રાપ આપેલો જ છે, ખાસ કરીને પતિઓને, કે પત્ની સામે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, મર્દાનગી પણ નહીં, ઝુકવુ જ પડે છે ! અને વિધાતાના એ શ્રાપ મુજબ નયન નીલિમા પાસે પીઘળી ગયો.                                                                                   બાજુના શયનખંડમાં પ્રમોદભાઈ "મહાભારતનું પાત્ર મંથરા" પુસ્તક વાંચી રહ્યા હતા એણે પુત્ર-પુત્રવધૂનો વાર્તાલાપ સાંભળ્યો. મૂછમાં મલક્યા.અને પછી પોતે પણ નિંદ્રાધીન થયા.                     ******                                                                                                                                       લગભગ પંદરેક દિવસ થયા હશે.                                                                                                 પરિવાર રાત્રિનું ભોજન પતાવી બધા જોડે બેઠા હતા એવામાં નયને વાતની શરૂઆત કરતા કહ્યું , "પપ્પા,આજે મારી બદલીનો ઓર્ડર આવ્યો છે. લગભગ આવતા અઠવાડીએ મને અહીંથી છૂટો કરશે "                                                                                                                    પ્રમોદભાઈએ ઠંડે કલેજે પૂછ્યું, "ઓફિસના ધારા ધોરણ પ્રમાણે બદલી થઇ છે,કે તે માગી હતી ?" "ના પપ્પા,સામાન્યરીતે અમારે ત્યાં પ્રમોશન વિના બદલી થતી નથી પણ મેં બદલી માંગી હતી. વાત એમ છે કે અહીંની ઓફિસનું વાતાવરણ ઘણું કલુષિત છે. સ્ટાફની અંદરોઅંદર ઈર્ષ્યા, ખટપટ, બોસની ચાપલુસી આ બધાથી હું કંટાળ્યો હતો. બીજો એવો પણ વિચાર આવ્યો કે, મારુ પ્રમોશન હવે નજીક છે જો મને અહીંથી પ્રમોશન મળે તો એ વખતે મારે ફરજીયાત બહાર જવું પડે, જયારે હવે નવી ઓફિસમાંથી પ્રમોશન મળે તો બદલાઈને ફરી અહીં આવવાની તક મળે અને વતનમાંજ પ્રમોશન પછી રહી શકાય એટલે એમ થયું કે અહીં  લાંબો સમય રહેવા માટે મારે થોડો સમય બહાર જઈ  આવવું ઉચિત છે." બાળકને ફોસલાવતાં હોય એ રીતે નયને વૃદ્ધ પ્રમોદરાયને સમજાવ્યા.                                                                                                                  "બેટા,તારો વિચાર અને નિર્ણય બંને સારા છે પણ તને એમ નથી લાગતું કે એ અપરિપક્વ છે ? તારી મા ને છેલ્લા ચાર વર્ષથી પેરેલિસિસ છે રસોઈ તો શું પણ પોતાનું દૈનિક કાર્ય કરવામાં પણ તેને તકલીફ પડે છે એવા સંજોગોમાં તારું અહીંથી જવું એને આઘાત રૂપ નીવડશે છતાં તારું ભવિષ્ય સુધરતું હોય તો અમે તો હવે ખર્યું પાન છીએ, અમે કેટલો વખત? તું તારે જા"                    પ્રમોદરાય  હજુ જ્યાં વાક્ય પૂરું કરે છે ત્યાં રસોડામાંથી નીલિમા બહાર આવતા બોલી,      "પપ્પાજી, અમે ક્યાં વિદેશ જઈએ છીએ, અહીંથી માત્ર સો કિલોમીટરને અંતરે તો છીએ, અસાધારણ સંજોગોમાં બા અને તમે જયારે પણ જરૂર પડે અમને બોલાવી શકશો અથવા તમે ત્યાં આવી શકશો પણ નાની ઉંમરે મળતા પ્રમોશનની તક જતી થોડી કરાય"                                           પ્રમોદરાય તીક્ષ્ણ બુદ્ધિશાળી,શાંત અને મુત્સદી હતા.તેણે ટૂંકો જવાબ આપ્યો, "વહુ બેટા, તમે સાચા છો  કારકિર્દીના ભોગે પરિવારનો પણ કોઈ વિચાર ન કરાય." પ્રમોદરાયે  નયન તરફ ફરતા કહ્યું, "બેટા. તને ખબર છે કે તું કોલેજમાં ભણતો હતો ત્યારે તારા અઢારમે વર્ષે  મેં તારા નામે જીવનવીમાની પોલિસી લીધી હતી, જેનું વાર્ષિક પ્રિમિયમ માત્ર પાંચ હજાર છે જે  નિવૃત્તિ પછી પણ આજસુધી મેં એટલે ભર્યું ,કે તારી નવી નોકરીમાં શરૂઆતમાં ઓછો પગાર હોય તો પણ તું એટલી વાર્ષિક બચત કરી શકે પણ હવે હું વિચારું છું કે તું પૂરતો સમજુ અને વ્યવહારુ થઇ ગયો હોય તારી જવાબદારી તું સંભળી લે. હવે માત્ર છેલ્લા પાંચ જ વર્ષ પ્રીમિયમ ભરવાનું રહે છે એ સમયે તું  હજુ વિદ્યાર્થી હોવા કારણે વરસાદારમાં મેં મારુ નામ લખાવ્યું હતું પણ હવે વરસાદારનું નામ બદલાવી તારી પત્નીનું નામ દાખલ કરાવી દેજે  એ માટેનું જરૂરી અરજી ફોર્મ હું લઇ આવ્યો છું. હવે આ બધી જવાબદારીમાંથી હું મુક્ત થવા માંગુ છું."                                                                 પ્રમોદરાય હજુ વાક્ય પૂરું કરે કે તુરત જ નિલીમાએ શરુ કર્યું " પપ્પાજી, એક વાત કહું?   નયનના લગ્ન પહેલાં એને નામે તમે ઉતરાવેલ વીમાનું પ્રીમિયમ નયન શા માટે  ભરે? તમે ભરેલું પ્રીમિયમ તમારા ખીસ્સેથી નથી ભર્યું, ભરેલું પ્રીમિયમ ઈન્ક્મટેક્ષમાંથી બાદ મળતું હોવા કારણે એ પ્રીમિયમ તો તમે ઈન્ક્મટેક્ષમાંથી બાદ મેળવી જ લીધું છે.પ્રીમિયમ જેટલી રકમનો ટેક્ષ તમે બચાવ્યો છે.તમે નયનની સુરક્ષા માટે નહિ પણ ટેક્ષમાંથી મુક્તિ મેળવવા એને નામે વીમો લીધો હતો.નયનના લગ્ન પહેલા ઉભી કરેલી બધીજ આર્થિક જવાબદારી માટે તમે જવાબદાર છો"                                                                                                                              નીલિમાની દલીલથી પ્રમોદરાય હતપ્રભ થઇ ગયા.સમસમી ગયા. શું જવાબ દેવો એ ન સુજ્યું. છતાં બોલ્યા,"બેટા, તમારા ગણિત અને હિસાબી જ્ઞાન મટે મને માન છે, હું ચાલીશ વર્ષ ગણિતનો શિક્ષક રહ્યો પણ ન તો મારા કોઈ શિક્ષકે આ જ્ઞાન મને આપ્યું, કે ન કોઈ વિદ્યાર્થીને મેં ભણાવ્યું. સારું,તમે એ રીતે પણ જો પાંચ પૈસા બચાવી શકતા હો, તો પોલિસી પાક્યા સુધી પ્રીમિયમ હું ભરીશ. બસ.?  નયન નીચું જોઈ બધું સાંભળ્યા કરતો રહ્યો .                                                           બાજુના શયનખંડમાં લકવાથી પીડાતા કોકિલાબેન આ બધું સાંભળતા હતા.આંખમાં આંસુ સાથે કચવાતા મને બોલ્યા,"આજ ચાર ચાર વર્ષથી લકવાથી પીડાઉં છું,તમે જુઓ છો કે પાણીનો પ્યાલો પણ હું જાતે ઊંચકી નથી શકતી એવા સંજોગોમાં બહાર ગામ નોકરી કરતા હોય એ દીકરા પણ મા-બાપ માટે થઈને વતનની વાટ પકડે જયારે તમે વતનમાં હોઈ બહાર ગામ બદલી કરાવી જવાની વાત કરો છો?ઘર ભાંગી પડશે એનો વિચાર કર્યો ? મા-બાપની વૃદ્ધાવસ્થાએ જો દીકરા કામ ન લાગે તો એવા દીકરાઓની જરૂર જ શું છે.                                                                            પૂર્ણ સ્વસ્થતાથી શાંતિથી પ્રમોદરાયે જવાબ દેતા કહ્યું " સરકાર, વલોપાત કરોમાં. બધું થઇ પડશે.ઈશ્વરે મારા હાથ અને હામ બન્ને સાબૂત રાખ્યા છે.કોઈના જવાથી કંઈ અટકી પડતું નથી. ધુરંધર દેશનેતાઓ ચાલ્યા ગયા પછી પણ દેશ ચાલે જ છે ને, તો આ તો નાનું એવું બે માણસનું ઘર છે. બધું જ વ્યવસ્થિત થઇ પડશે,જવાબદારી જયારે આવી પડે છે ત્યારે તે ઉમર જોઈને નથી આવતી પણ જયારે આવે છે ત્યારે તમારા ખભા મજબૂત કરી નાખે છે.સરકાર,કોઈ વાતે મૂંઝાતા નહિ "                                                                                                                              ******                                                                                                                            -નયન-નીલિમા બદલીના નવા શહેર આવી વસ્યા.અલબેલી નગરી,ભવ્ય ઊંચા મકાનો, વિશાળ રસ્તા,મોટી મોટી હોટેલો, બાગ બગીચા અને શહેરની ઝાકઝમાળ રોશનીમાં નીલિમા બંધિયારમાંથી મુક્ત થઇ નવો પ્રાણવાયુ મેળવતી હોય એવું અનુભવવા લાગી.નયન પણ હવે ધીરેધીરે ઓફિસના સ્ટાફથી પરિચિત થઇ ભળી ગયો.બસ આમને આમ બંનેની જિંદગી સ્વતંત્રતાની હવામાં પસાર થતી ગઈ તેમતેમ મા-બાપ વિસારે પડતા ગયા.                                    નયન હવે નવા શહેરમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયો, નિલીમાએ પણ અજાણ્યા શહેરમાં એકલતા ન અનુભવાય એટલે ઇનરવિહલ  મહિલા ક્લબનું સભ્યપદ મેળવી પ્રવૃત રહેવા લાગી.                    ધીમેધીમે નીલિમાની મહત્વાકાંક્ષાના મિનારા અંબરને આંબવા લાગ્યા, ભાડાના ફ્લેટને બદલે પોતાની  સ્વતંત્ર ફ્લેટ હોય તો કેવું સારું? એ વિચારે એક દિવસ તેણે નયનને દરખાસ્ત            મૂકી. નયન ને પણ થયું કે નીલિમાની વાતવ્યાજબી છે પ્રતિમાસ ભાડું ભર્યા પછી પણ "પોતાની માલિકીનું " કઈ જ ન રહે એના કરતા બેંક લોન લઇ અને પોશ વિસ્તારમાં ફ્લેટ ખરીદી લેવો     એ સુઝાવ વ્યાજબી છે. વિચાર આવ્યા ભેગો અમલમાં મૂકી ત્રણ ચાર મહિનામાં નયને પોતાની માલિકીના ફ્લેટમાં રહેવા ચાલ્યો ગયો,                                                                              નયનની ઓફિસમાં સુધીર નામે એક કર્મચારી કામ કરે.નયનને સ્વભાવાનુસાર એની સાથે સારું ગોઠી ગયું હતું, સુધીર  નોકરીના સમય દરમ્યાન અને ત્યારબાદ પણ શેરની લે-વેચ અને દલાલીમાં પુષ્કળ કમાતો હોય સુધીરનો પગાર તો એના ચા-પાણી,અને સિગરેટ ગુટકામાં વપરાતો હતો .એનું નામ શેર બઝારના શકુની તરીકે જાણીતું હતું, કોઈ પણ સોદામાં સુધીર હાથ નાખે એટલે બેડો પાર જ સમજવો.જે ધૂળ મુઠીમાં લે એ  ધૂળ સોનાની બની જાય એટલી સૂઝ-બુઝ ધરાવતો હતો  સ્ટાફમાં એ સુધીર સટોડિયા તરીકે જાણીતો હતો.ધીમે ધીમે નયનને શેર બઝાર અને શેરની દલાલીમાં રસ પડવા લાગ્યો સોદાની આંટી ઘૂંટી અને દાવપેચ સમજવા લાગ્યો જેનો  શિક્ષક સુધીર હોય એ વિદ્યાર્થી કદી કાચો થોડો હોય ? નયન હવે શેર બઝારમાં જંપલાવી રાતો રાત લખપતિ થવાના સ્વપ્નો જોવા લાગ્યો.                                                                            શરૂઆતના સોદામાં જ સુધીરને જબ્બર નફો થતા ધીમે ધીમે શેરબઝારમાં એની બચતનું રોકાણ વધતું ચાલ્યું અને છ એક મહિનામાં તો એ એટલું કમાઈ ગયો કે પોતાની શેર બઝારની કમાણીમાંથી ચાર બંગડી વાળી ગાડીનો માલિક પણ બની ગયો. નિલીમાને લાગ્યું કે અમદાવાદ એને ફળ્યું, જો બે-એક વર્ષ વહેલા અહીં આવી ગયા હોત તો આજે તે વિશાળ બંગલાના માલિક   પણ હોત. નયન-નીલિમા સુખી વૈભવી જીવન વિતાવવા લાગ્યા..                                          ********                                                                                                                              છ-આઠ મહિના થયા હશે. શનિવારનો દિવસ હતો નયન -નીલિમા રાત્રીનું ભોજન લઇ ટી.વી.પાસે ગોઠવાયા હતા.એવામા ટેલીફોનની ઘંટડી રણકી.પ્રમોદરાયનો ફોન હતો.                            ધ્રૂજતા ભાંગેલા અવાજે પ્રમોદરાય બોલ્યા "બેટા, હમણાં જ કલાક પહેલા તારી મા નું અવસાન થયું છે.ચાર-પાંચ દિવસથી બીમારી વધુ જોર પકડી ગઈ હતી છેલ્લા કેટલાક દિવસથી તારા તરફથી ખુશીખબરનો ફોન ન હતો તેથી એને તમારી ચિંતા થતી હતી છેલ્લી ઘડી સુધી તારું રટણ કરતા આજે દેહ છોડ્યો છે."                                                                                                                         "પપ્પા, ચિંતા ન કરો અમે અત્યારે અર્ધી જ કલાકમાં અહીંથી નીકળી ત્યાં પહોંચે છીએ. હું જાણું છું કે ત્યાં તમે સાવ એકલા હો, તમે સ્વસ્થતા ન કેળવી શકો " ફોન મૂકતાં નયને  નિલીમાને આ સમાચાર આપતા નીલિમા બોલી, "ચાલો ત્યારે કાલ રવિવારે અમ્બાજી જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો"  આંખમાં આંસુ સાથે નયન-નીલિમા વતન ખાતે  જવા ગાડીમાં રવાના થયા.                                                                                                                                 અંતિમ સંસ્કારના ત્રીજા દિવસે નયને કહ્યું "પપ્પા,આવતી કાલે સવારે હું પાછો ફરીશ.પ્રાર્થના સભાનો જે  દિવસ નક્કી કરશો એ દિવસે સવારે વહેલો હું આવી પંહોચીશ, તુરત જ પાછા ફરી શકાય એટલે હું ગાડી લઈને જ આવ્યો છું."                                                                             પત્નીના અવસાનથી ભાંગી ચૂકેલ પ્રમોદરાયે કહ્યું," સારું, તમને યોગ્ય લાગે એમ કરો પણ લોકિક ક્રિયા આપણે બંધ રાખી છે. જે વ્યક્તિ અશાંતિ સાથે જીવી અને મરી પણ અશાંતિમાં એને માટે પ્રાર્થના સભા શું? તેથી એ નિમિત્તે તારે ફરી ધક્કો ખાવાની જરૂર નહિ રહે.                               બીજું,આ ગાડી કોની લઈને આવ્યો છે ?" પ્રમોદરાયે પૂછ્યું                                               "પપ્પા, ગાડી આપણી જ છે. છ એક માસ પહેલા મેં આ નવી ગાડી ખરીદી છે" નયને  જવાબ આપ્યો. દરવાજા બહાર આવી ગાડી જોતા પ્રમોદરાય બોલ્યા, "વાહ,બેટા ગાડી ખુબ સુંદર છે.  ટૂંકા ગાળામાં તારી આટલી પ્રગતિ જોઈને હું ખુશ થયો છું.પણ એક વાત કહું ?  ગાડી લીધાના સમાચાર જો તે અમને આપ્યા હોત તો તારી મા ખુબ રાજી થાત અને હવે તું સારી રીતે નવા શહેરમાં સેટલ થઇ ગયાનો એને આનંદ થાત. દરરોજ દિવસમાં એકબે વાર તમને બધાને યાદ કરીને તમારી ચિંતા કરતી આંખમાંથી આંસુ પાડતી ગઈ"  ઊંડો નિસાસો નાખતાં પ્રમોદરાયે અંતરમાં ધખધખતો લાવારસ ઠાલવતા કહ્યું                                                                       બાપનો જીવ ખરો ને તેથી પ્રમોદરાયે આગળ કહ્યું "બેટા, તને કદાચ ગમશે નહિ પણ બાપ ઉપરાંત એક શિક્ષક હોવાને નાતે સાચી સલાહ દીધા વિના હું રહી શકતો નથી. આટલા ટૂંકા ગાળામાં તૅ  જે રીતે પ્રગતિ  કરી છે એનાથી હું ખુશ થયો છું. દીકરાની પ્રગતિમાં કયો બાપ ખુશ ન થાય ? પણ જો લખપતિ બનવાની લાહ્યમાં તું કોઈ અનીતિ કે અપ્રમાણિક રસ્તે જતો હો તો હું તને સાવચેત કરું છું. દુનિયામાં લોભ,લાલચ અને પ્રલોભનો એટલા વધી ગયા છે કે સ્વાભાવિક રીતે કોઈ પણવ્યક્તિ આવી કારમી મોંઘવારીમાં પણ વૈભવી જીવન જીવવા લલચાય. બે પાંદડે થવાના લોભમાં મેં કંઈકને મૂળમાંથી ઉખડી જતા જોયા છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. એટલું ગાંઠે બાંધી રાખજે  કે એકાદ બાદબાકી બધાજ સરવાળાને શૂન્યમાં ફેરવી દે છે"                                 "પપ્પા, ચિંતા ન કરો હું એવી કોઈ પ્રવૃત્તિ કરતો નથી કે જિંદગીમાં મહેનતથી કમાયેલી કમાણી ધૂળ-ધાણી થઇ જાય.મારી કામગીરી બુદ્ધિ સાથે મહેનત ધરાવતી છે. પોતાની શેરબઝારની પ્રવૃત્તિ વિષે ફોડ પાડ્યા  વિના નયને જવાબ આપ્યો. નયનને ખબર હતી કે પપ્પા શેર સટ્ટામાં રોકાણ કે લે-વેચમાં કોઈ દિવસ પડ્યા નથી અને એ બાબતે એને નફરત છે.                      નયનનો જવાનો દિવસ આવી ગયો. બન્ને અમદાવાદ જવા રવાના થયા. રસ્તામાં નિલીમાએ પિયુષને કહયું :"જોયું ને ? કેવા ટોકાઇ ગયા ? આડોશ-પાડોશ, મિત્રો અને સમાજના લોકો તો આપણી પ્રગતિ જોઈને બળે એ સ્વાભાવિક છે પણ સગ્ગા બાપના મનમાં પણ ઈર્ષ્યાના ભાવ જાગ્યા, મૂળતો આપણે સ્વતંત્ર રહેવા ગયા,અને મદદની કોઈ પણ આશા વીના આપણે પગભર થયા એની બળતરા શિખામણ રૂપે ઠાલવી"                                                                            ********                                                                                                                                    માતાના અવસાનને લગભગ આઠેક  મહિના થયા હશે એ દરમ્યાન વતનમાં પ્રમોદરાયની સ્થિતિ શું છે ?ભોજન પ્રબંધ શું કર્યો છે ?કે પાકી ઉમરને કારણે તબિયત કેવી રહેછે?એવા ખબર પૂછવાની નયનને ભાગ્યેજ ફુરસદ મળતી હતી.મહિનામાં એકાદવાર ફોન કરી ઔપચારિક ખબર અંતર પૂછી ફરજ બજાવ્યાનો સંતોષ માની  લેતો                                                                              એક દિવસ નયને મિત્ર સુધીર સટોડિયાની સલાહથી શેર બઝારમાં એક જ કંપનીના શેર્સમાં ફોરવર્ડ સોદો કરી લાખો રૂપિયા રોકી દીધા એની અપેક્ષા હતી કે એકાદ મહિનામાં તેજીનો વર્તારો થતા રોકેલ મૂડી ત્રણ ગણા વળતર સાથે પાછી આવશે પરંતુ એની ગણતરીમાં એ ખોટો પડ્યો, શેર બઝારમાં અચાન કડાકો  બોલી શેર્સના ભાવ ગગડી ગયા. નયન ધ્રુજી ઉઠ્યો. ટોચ ઉપર પહોંચવાના સ્વપ્ન સેવતો નયન ખીણમાં ગબડી ગયાનો અનુભવ કરવા લાગ્યો. અત્યંત આઘાત લાગ્યો.પોતાની બધી જ મૂડી ઉપરાંત મિત્રો, સ્ટાફ અને આડોશી-પાડોશી પાસેથી માંગીને ભેગી કરી ખરીદેલ સ્ક્રીપટના ભાવમાં કડાકો બોલી જતા, ફટાફટ ઉઘરાણીના ફોન આવવા લાગ્યા .    બે-ચાર લાખ નહીં પણ પુરા પંદર લાખનું નુકશાન થતા નયનના હોશ ઉડી ગયા. હવે તો લેણદારો ઘેર ધક્કા ખાવા લાગ્યા.આવડા.મોટા નુકશાનને પહોંચી વળવા વખ ઘોળવા સિવાય બીજો કોઈ ઉપાય એને સુજતો ન હતો.મનમાં વિચાર્યું કે મારા નસીબનું પણ ખરાબ નસીબ ચાલી રહ્યું છે. આખી જિંદગી આંકડા તમે માંડો અને સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ.    લેણદારો એ કાર પડાવી લીધી, બેંકના હપ્તા ચડી જતા નોટિસ ઉપર નોટિસ આવવી શરુ થઇ. નીલિમાની આંખના આંસુ સુકાતા નહોતા.એકાએક નસીબ પલ્ટી જવાનું કોઈ કારણ તેને ન સમજાયું.આવી પડેલ પરિસ્થિતિનો સામનો કર્યા  વિના છૂટકો જ નહોતો થોડા દિવસો પછી સ્વસ્થતા પ્રાપ્ત કરતાં તેણે નયનને કહ્યું "કોઈ ચિંતા ન કરો,ઈશ્વરે આપેલ સંજોગ ઈશ્વર જ ઉકેલશે નામ,નસીબ,અને નફો એ કુદરતનો ખેલ છે કોને ક્યારે શું આપવું એ તો ઉપરવાળો જ નક્કી કરે છે.ધીરજ અને શ્રદ્ધા રાખો. નયન, મને એક વાત સુજે છે આપણે પપ્પાજીને બધી વાત કરી એની પાસે થોડીક મદદ માંગી જોઈએ, એટલાથી ભલે બધું જ કરજ નહીં પુરાય પણ અરધોઅરધ રાહત મળી જાય તો પણ સારું ને."                                                                              નીલી,મને પણ કાલે રાત્રે એ જ વિચાર આવ્યો પપ્પાનું સારું એવું પેંશન હોવાથી એણે સારી  બચત કરી હશે  સંતાનની મુશ્કેલીમા જો એ પૈસો કામ ન લાગે તો એ પૈસો શું કામનો ? પણ વાત ફોન ઉપર કરવી  યોગ્ય નથી લાગતું  હું કાલે જ વતનમાં જઈને પપ્પાને વાત કરી સમજાવું "       *******                                                                                                                             નક્કી કર્યા મુજબ બીજે દિવસે નયન વતન પહોંચ્યો. ઘેર જઈને જુએ તો ઘરને તાળું માર્યું હતું.   નયનને આશ્ચર્ય થયું.,કે આ ઉંમરે પપ્પા એકલા ક્યાં અને શું કામ બહાર ગયા હશે ? પાડોશમાં રહેતા અમુલભાઈને પૂછતાં જાણ્યું કે પપ્પા તો ચારેક માસથી ઘરને તાળું મારીને અહીંના સ્વામીમંદિરમાં રહેવા ચાલ્યા ગયા છે.નયન સ્વામી મંદિર તરફ વળ્યો.                                      સત્સંગ પતાવીને પ્રમોદરાય પોતાની રૂમમાં બેઠા હતા ત્યાં નયને પ્રવેશતાં પૂછ્યું " પપ્પા, તમે અહીં ? ઘરનું ઘર છોડીને મંદિરને આશરે રહેવા જેવી તમારી કઈ મજબૂરી હતી ?"                       પ્રમોદરાયે જવાબ દેતા કહ્યું " બેટા, આવડું મોટું ઘર તારી મા ના ગયા પછી મને ખાવા દોડે છે રસોઈ માટે કોઈ બહેન ન મળતા આ ઉંમરે જયારે આંખે ઝાંખપ આવી છે ત્યારે જાતે રસોઈ કરવી પણ બોજ રૂપ લાગે છે.અહીં  સ્વતંત્ર રૂમ આપ્યો છે સત્સંગમાં સમય પસાર થઇ જાય છે, બે ટાઈમ ચા-નાસ્તો અને ભોજન મળી રહે છે અને એના બદલામાં હું મને મળતું માસિક પેંશનની પુરેપુરી રકમ ભેટ તરીકે ધરી દઉઁ છું, એ તો ઠીક પણ તું ઓચિંતો કોઈ ખર -ખબર વિના કેમ ? ઘેર તો બધા સારા છે ને ?" મમ્મીના અવસાન પછી આઠ-દસ મહિને ઓચિંતા નયનના આવવાથી પ્રમોદરાયને આશ્ચર્ય થયું અને પૂછ્યું " કેમ અચાનક જ આવવાનું થયું ?ઘેર તો બધા સારા છે ને ?" આટલું પૂછતાં જ  નયન પ્રમોદરાયના ખભા ઉપર માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. જમાનાને ઘોળીને પી જનાર, અનુભવની ડીક્ષનેરી જેવા પ્રમોદરાય સમજી ગયા કે દીકરો કોઈ મોટી અને ગંભીર મુશ્કેલીમાં ફસાયો છે.                                                                                         રડમસ પિયુષ બોલ્યો "હા, પપ્પા ઘેર તો બધા સારા છે પણ અણધારી એક મોટી મુસીબત આવી પડતા હું તમારી મદદ મેળવવાના આશયથી આવ્યો છું. એટલું કહી નયને માંડીને બધી વાત કરી.                                                                                                                                        પ્રમોદરાયે બધું જ શાંતિથી સાંભળ્યા પછી કહ્યું " બેટા ,તું જયારે ગાડી લઈને અહીં આવ્યો ત્યારે જ મને શંકા જાગી હતી અને મેં તને ચેતવ્યો પણ હતો પરંતુ મારી સલાહ તને ગળે ન ઉતરી. દુનિયાના ખુશનસીબ વ્યક્તિઓ પાસે પણ બધું શ્રેષ્ઠ હોતું નથી તેઓ માત્ર તેની પાસે જે પણ કાંઈ હોય છે એમાંથી જ બધું શ્રેષ્ઠ બનાવે છે, તારે એ બાબતે મારી મદદ લેવા કરતા નીલિમાની સલાહ લેવી યોગ્ય હતી એ તો ગણિત શાસ્ત્રની માહિર છે.તારા વિમાના બાકી રહેતા પ્રીમિયમ બાબતે એક ગણિતના શિક્ષકને શીખવાડેલું ગણિત આજે પણ મને યાદ છે. વાત રહી આર્થિક મદદની તો  તારી મા ની છ વર્ષની બીમારીમાં મારી બધી બચત વપરાઈ ગઈ છે અને  મેં કહ્યું એમ મારુ  બધું જ પેંશન હું અહીં આપી દઉં છું, એ સંજોગોમાં હું તને કઈ રીતે ઉપયોગી થઇ શકું ?"                              આંખમાં આંસુ સાથે નયન બોલ્યો,"પપ્પા, ગઈ ગુજરી ભૂલી જાઓ અને માફ કરી દ્યો. હું કબૂલું છું કે એ નીલિમાની જ નહિ પણ એ મારી પણ ભૂલ હતી  હું એના વતી માફી માંગુ છું એને ઘણીવાર બોલવાનું ભાન ન હોવા કારણે મમ્મીએ પણ પોતાની હયાતી દરમ્યાન એનું ઘણું સાંભળવું પડ્યું છે  આજે જયારે એ હયાત નથી ત્યારે એનો સ્વભાવ અને સહનશીલતાની કદર થાય છે."       "પપ્પા, એક સૂચન કરું ? હું  ત્યાંનો ફ્લેટ વેચી દઈ અહીં આપણા ઘરમાં રહેવા આવી જાઉં તો એ  ફ્લેટના વેચાણની રકમમાંથી બધું જ કરજ ચૂકવાઈ જશે ,અને તમે મંદિર છોડી કાયમી અમારી જોડે રહો જેથી તમારી પૂર્વવત જીવનચર્યા પણ નભી રહે."                                                       "કાગળ ઉપર લખાયેલું લખાણ કાગળ ફાડીને ભૂલી જઈ શકાય,પણ કાળજે કોતરાયેલું લખાણ ભૂંસવા કાળજું ચીરવું પડે. મૃત્યુ પછી કરેલા વખાણ અને દિલ દુભવ્યા પછી માંગેલી માફીની કોઈ કિંમત નથી " બોલતા પ્રમોદરાયને ગળે ડૂમો ભરાઈ ગયો. થોડી સ્વસ્થતા પછી આગળ કહ્યું, "વાત રહી તારા ફ્લેટ વેચીને અહીં રહેવા આવવા બાબતે, તો હાલ તો એ મકાન આ મંદિરમાં જગ્યાના અભાવે મંદિરના મહિલા સત્સંગ વિભાગને સત્સંગ હેતુ ભાડું લીધા વિના વાપરવા આપ્યો છે અને ભવિષ્યમાં મારી હયાતી પછી એ જ હેતુથી મંદિરને દાનમાં આપવાનું નક્કી કર્યું છે. તેમ છતાં આપણું ત્રણ માળનું વિશાળ મકાન હોય,અને સત્સંગ મંડળ નીચેનું  જ મકાન વાપરતા હોય, તારી ઈચ્છા હોય તો તું ઉપરના બન્ને માળમાં રહી શકીશ. હું જાણું છું કે આ બાબતે તું કોઈ નિર્ણય નહિ લઈ શકતા, નીલિમાની સલાહ અને માર્ગદર્શનની તારે જરૂર પડશે." છેલ્લે મારા રહેવા બાબતની ચિંતા તું છોડી દે હું અહીં ખુશી અને સુખી છું એટલે તમારી જોડે રહેવા  આવવાનો કોઈ સવાલ જ નથી. જે નક્કી કરો એ મને જણાવજો."                                                           અમદાવાદ પાછા ફરતા નયને પપ્પાએ કહેલી બધી વાત વિગત નિલીમાને કહી                    "બધું જ કરજ ચૂકવાઈ  જતું હોય તો ફ્લેટ વેંચીને વતનમાં સ્થિર જઈ અને ફરી ત્યાં મકાનમાં રહેવું. નિલીમાએ  નિર્ણય જણાવતા આગળ કહ્યું કે,"હવે ફરી પાછી બદલીની કોશિશ શરુ કરી દ્યો અને હા આ વખતે એ બાબતની જાણ પપ્પાને અગાઉથી કરજો."                                                             નયને ટૂંકા ગાળામાં પોતાની બદલી પુન:વતનમાં કરાવી વતન ખાતે  જુના મકાનમાં સેટ થઇ ગયા. ખુદ્દાર,સ્વમાની,અને સિદ્ધાંતવાદી શિક્ષક પિતાએ મંદિરમાં જ રહેવું પસંદ કર્યું.                નિલીમાએ કાયમ માટે એક બોધ લીધો કે, "આપણું નસીબ,અને આપણી આવતીકાલ આપણા કર્મો ઉપર જ આધારિત છે. સમયની પહેલા અને ભાગ્યથી અધિક કોઈ દિવસ કોઈને કંઈ મળતું નથી                                                                                                                               *********                                                                                                                       





  

               


   


 

 

 





Monday, 18 December 2023

અનુકંપા

ડો.શરદભાઈ ત્રિવેદી,અને પૂર્ણિમાબેનનું એકમાત્ર સંતાન તે ચાંદની.

ચાંદની મનોવિજ્ઞાન (સાયકોલોજી) ના વિષય સાથે M.A.થઇ સરકારી કચેરીમાં કચેરી નિરીક્ષક (ઓફિસ સુપ્રિટેન્ડન્ટ)ની વર્ગ બે અધિકારી તરીકે નોકરી કરતી હતી.લગભગ બત્રીસેક વર્ષની અવિવાહિત ચાંદની માટે સ્થાનિક ચક્ષુ નિષ્ણાત ડો. ઉદય ઉપાધ્યાય સાથે સગપણ ગોઠવવાની પારિવારિક વાતો ચાલતી હતી.ડો.ઉદય આંખના દર્દોના સુપર સ્પેશ્યાલીસ્ટ અને પ્રતિષ્ઠિત ડોક્ટર હતા.                                                                                                        ચાંદનીની ઓફિસમાં ઉજાસ નામનો ત્રીસેક વર્ષીય એક યુવાન હેડ ક્લાર્ક તરીકે કામ કરે. એ ચાંદનીનો અંગત સચિવ પણ હતો.એકાદ વર્ષ પહેલાં એમના પત્ની મોટી પુત્રી છ અને નાની પુત્રી ચાર વર્ષની એમ બે પુત્રીઓને મુકીને કેન્સરના દર્દથી અવસાન પામેલ. વર્ષના હતા.ઉજાસના માતા-પિતા બચપણમાં જ અવસાન પામેલા અને પરિવારમાં કોઈ ભાઈ-બહેન ન હોય તેના પિતાનું એક માત્ર સંતાન હતો.

પત્નીના ગુજરી ગયા પછી ઘરની બધી જ જવાબદારી ઉજાસ ઉપર આવી પડી.બે નાની પુત્રીઓની બધી જરૂરિયાતો પુરી કરવી, હાથે રસોઈ કરી બન્નેને જમાડી બાલમંદિર મોકલવી, ઉપરાંત નિયત સમયે ઓફિસે પહોંચવાનું તો ખરું જ ખરું. ઉજાસ કઠોર પરિશ્રમી તથા જબ્બર આત્મવિશ્વાસ ધરાવતો હોય અગણિત મુશ્કેલીઓ સામે બાથ ભીડતો હતો પણ કહેવાય છે કે એક દિવસ લોખંડ જેવું લોખંડ પણ કટાઇને તૂટી પડે છે એમ હવે ઉજાસ ભાંગી પડ્યો હતો રોજની એક જ ઘટમાળ,કોઈ સાથ સહકાર કે સહારો નહિ એવા સંજોગોમાં સ્વાભાવિક રીતે માટીનો માનવી ભાંગી જ પડે.રોજ રાત્રે પોતાના શયનખંડમાં બંને દીકરીઓ સાથે વાત-વાર્તા કરતો એમને સુવાડીને પોતે મોડી રાત્રે ફરી બીજા દિવસની ચિંતાઓ કરતાં સૂતો પણ ઊંઘ શેની આવે ? જુદા જુદા વિચારોમાં સતત ઘેરાતો રહી નિંદ્રાધીન પુત્રીઓના  નિર્દોષ અને માસુમ ચહેરા જોતો ક્યારેક રડી પડતો. 

તૂટી ચૂકેલ ઉજાસને હવે આત્મહત્યાના વિચારોએ ઘેરી લીધો.ક્યારેક વિચારતો " આ તે કેવું જીવન ? કયા  પાપની આવી આકરી સજા ઈશ્વરે આપી? બહેતર છે હું દુનિયા છોડી દઉં, સંજોગ ઉભા કરવા જેમ ઈશ્વરને હાથ છે,એમ સંજોગ સંકેલવા પણ એની જ ફરજમાં આવે છે. જેણે  દુઃખ આપ્યું છે, એ જ ઈશ્વર બંને દીકરીઓને સાચવશે પણ આખી જિંદગી ઘાંચીના બળદની જેમ જીવવું એના કરતા મોત મીઠું કરી લેવું સારું. કોઈ શારીરિક  રીતે થાકે તો થોડા આરામ પછી ફરી ઉભો થઇ જાય,પણ જયારે શારીરિક અને માનસિક રીતે ભાંગી પડે ત્યારે કોઈ સંજોગોમાં ફરી સ્વસ્થ થઇ શકતો નથી.મા વિનાની નાની બાળકીઓને હું કેવીરીતે અને ક્યાં સુધી એકલ હાથે સાચવી શકીશ ? સહુ સહુનું ભાગ્ય સહુ લખાવીને જ આવ્યું હોય છે, એની ચિંતા ઈશ્વર ઉપર છોડી દેવી જ વ્યાજબી છે, આવા વિચારોથી ઉજાસ નિરાશ અને ની:રસ બની ગયો.

*****

ઓફિસમાં ઉજાસની બેઠક બિલકુલ ચાંદનીની કેબીન સામે હોય, ચાંદની કેબીનના કાચમાંથી સીધી નજર તેના ઉપર રહેતી ચાંદની ઉજાસના સંજોગોથી પુરી વાકેફ હતી ક્યારેક વાતવાતમાં ઉજાસને હિંમત પણ આપતી રહેતી હતી. સ્ત્રીઓ હંમેશા સંવેદનશીલ  હોય છે.કોઈની નબળી પરિસ્થિતિમાં એ તરત લાગણીશીલ બની જતી હોય છે એ ન્યાયે ચાંદનીના હૃદયમાં પણ ઉજાસ માટે અનુકંપા,અને લાગણી હતા.

 સાંજના સાડા પાંચ વાગ્યાનો સમય હશે એક દિવસ ઉજાસ ઓફિસમાં શૂન્યમનસ્ક અવસ્થામાં બેઠો હતો અન્ય કર્મચારીનું ધ્યાન ન પડે એ રીતે આંખ આડો રૂમાલ રાખીને આંસુઓ ખાળતો  હતો.કામમાં ચિત્ત ચોંટતું ન હોય જુદી જુદી ફાઈલ ખોલ-બંધ કર્યા કરતો હતો.થોડીવારે પોતાના ટેબલના ખાનામાંથી કાગળ કાઢી ગંભીર ચહેરે લખતો હતો.ચાંદની કેબીનના કાચમાંથી સતત જોયા કરતી હતી ઉજાસની આવી વિચિત્ર હરકત ચાંદનીના ધ્યાને અગાઉ કદી આવી ન હતી,ગમેતેવી ઉદાસ મનોદશામાં સતત વ્યસ્ત રહેતો ઉજાસ આજે બદલાયેલો દેખાતો હતો.થોડીવારે કાગળ લખી, એક કવરમાં બંધ કરી ટેબલમાં મૂકી દીધો.ઓફિસનો સમય પૂરો થતાં ચાંદનીની ચેમ્બરમાં જઇ અને રજા લેતાં બોલ્યો "મેડમ,આજકાલ મારી તબિયત અસ્વસ્થ હોવાથી હું કદાચ કાલે વહેલો-મોડો ઓફિસે પહોંચું અથવા ન આવી શકું તો મારી રજા મંજુર કરી દેવા વિનંતી કરું છું " 

ચાંદની મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની  હોવા કારણે આંખોના ભાવ વાંચવામાં નિષ્ણાત હતી.ઉજાસની કોરી,સુક્કી, ફિક્કી પડેલી નિરાશ આંખોમાં ભયંકર નિરાશા,અને આત્મવિશ્વાસનો અભાવ વાંચ્યો. જાણે ઉજાસ ઓફિસમાંથી નહિ પણ દુનિયામાંથી વિદાય લેવાની મંજૂરી લેવા આવ્યો હોય એવા મનોભાવ વંચાયા                                                                                  પ્રત્યુત્તર આપતાં ચાંદનીએ કહ્યું," કોઈ ચિંતા નહીં પણ ઉજાસ, મને આજે સવારથી જ લાગે છે કે તું કઈ મૂડમાં નથી, હું ડ્રાઈવરને કહું છું તને મારી ગાડીમાં ઘર સુધી છોડી જાય. તબિયતનું ધ્યાન રાખજે "                       જવાબમાં ઉજાસ બોલ્યો " અરે,મેડમ રહેવા દો. હું ઘેર પહોંચી જઈશ તમે તકલીફ  ન લો " એટલું કહી ઘેર જવા નીકળી ગયો.                                                                                               ઉજાસના ઓફિસ છોડ્યા પછી ચાંદનીને કોઈ ગંભીર અને અગમ્ય અણસાર આવતા પોતે કેબિનમાંથી બહાર આવી ઉજાસના ટેબલના ખાના ફંફોળતાં એક કવર હાથ લાગ્યું જેમાં ઉજાસે ઓફિસ છોડતા પહેલા લખેલો પત્ર હતો. પત્ર ચાંદનીને જ સંબોધીને લખ્યો હતો, જે તેણે વાંચવો શરુ કર્યો.                                                                          "માનનીય મેડમ,                                                                                                          આપ મારા કપરા દિવસો અને સંજોગોથી વાકેફ છો તેથી એ વિષે કઈ વધુ નથી લખતો. દિવસે દિવસે માનસિક બોજનો ત્રાસ વધી જતા હું આજરોજ જળસમાધિ લઇ જીવનનો અંત આણું છું. લૂખી-સૂકી  રોટલી ખાઈને પણ માનસિક શાંતિથી જો જીવન જીવી ન શકાતું હોય તો એ જિંદગી જીવી નહિ પણ ખેંચી કહેવાય અને એમ જિંદગી ખેંચવા કરતા મોત વહાલું કરવું બહેતર છે.બન્ને નાની બાળકીઓની લગ્ન સુધીની જવાબદારી એકલે હાથે પુરુષ ઉઠાવે એવું ભાગ્ય લખતા ખુદ વિધાતાની કલમ પણ ન અચકાણી મારી પત્ની વનલીલાનો સંકલ્પ હતો કે પેટે પાટા બાંધીને પણ આ બન્ને દીકરીઓને ખુબ ભણાવી જીંવનમાં સેટલ કરવી પણ કુદરતની લીલાએ વનલીલાની જીવન લીલા અકાળે સંકેલી લીધી વનલીલાનો સંકલ્પ એ મારે માટે પડકાર રૂપ છે. સતયુગમાં ભગવાન કૃષ્ણએ ભલે પોતાની આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યો હોય પણ એ જ ભગવાન આ પારિવારિક જવાબદારી ન ઉપાડી શકે.આ સાથે મારા રાજીનામાનો પત્ર અલગથી બીડું છું, આપે મને પરિવારનો સભ્ય જ ગણી શક્ય એટલી બધી જ મદદ અને હૂંફ આપવા બદલ આપનો આભાર માનુ છું.મારી નોકરી દરમ્યાનના સમયમાં આપે જે મને સાથ સહકાર આપી સાચવ્યો છે એનું ઋણ આ ભવે તો હું નથી ચૂકવી શક્યો.મારાથી ક્યારેય કોઈ પણ અવિવેક થયો હોય તો વિશાળ દિલથી માફ કરશો....                                                    આપનો આજ્ઞાંકીત .. ઉજાસ "                                                                                           પત્ર વાંચતાજ ચાંદની ધ્રુજી ઉઠી.બીજો કોઈ પણ વિચાર કર્યા વિના પોતાની કેબીન બંધ કરી ઉજાસનો પીછો પકડવા નીકળી પડી.ચાંદનીને ઉજાસના નિત્યક્રમની ખબર હતી.ઉજાસને કાયમ ઓફિસેથી છૂટી સમુદ્ર કિનારે આવેલ ભવાની માતાના મંદિરે દર્શન કરી ઘેર જવાની ટેવ હતી તેથી ચાંદની એ તરફ નીકળી પડી.કઈંક તર્ક વિતર્કો અને આંખમાં આંસુ સાથે ચાંદની મંદિરના મેદાનમાં ગાડી ઉભી રાખી આમતેમ નજર ફેરવતી હતી એવામાં મંદિરના પાછળના ભાગે ઉજાસનું સ્કૂટર નજરે પડ્યું એ તરફ આગળ વધતા જોયું તો ઉજાસ દરિયા કિનારે ઉભી અસ્તાચળ તરફ ગતિ કરતા સૂર્યદેવને અર્ઘ્ર્ય આપી પ્રાર્થના કરતો દેખાયો.તુરત જ ચાંદનીએ વીજળીની ગતિથી એ તરફ દોડી ઉજાસનો હાથ પકડી લેતા ગુસ્સામાં બોલી " આ શું ? ઉજાસ,તું કાયર છે ? બન્ને નાની બાળકીનો પણ વિચાર ન આવ્યો ? જિંદગી હંમેશ માટે સુંવાળી ચાદર નથી ક્યારેક પાણકોરું પણ ઓઢવું પડે છે.તડકો અને છાયો જેવું જ સુખ અને દુઃખનું છે કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી હોતી એટલું યાદ રાખજે. ચાલ,પાછો ફર," ઉજાસને મંદિરમાં લઇ જઈ આશ્વાસન આપતા કહ્યું  "મારી પાસે તારા દુઃખનો સચોટ ઈલાજ છે હું તને વચન આપું છું કે ચોવીસ કલાકમાં તારી તમામ સમશ્યા હું હલ કરી આપીશ સાથોસાથ તું પણ મને વચન આપ કે આવતા ચોવીસ કલાક દરમ્યાન તું કોઈ અઘટિત પગલું નહિ ભરે.અને હા,આવતી કાલની તારી રજા મંજુર કરી છે તું શાંત ચિત્તે કાલ આખો દિવસ ઘેર રહેજે, કાલે આ જ સમયે તું અહીં મંદિરે મારી રાહ જોજે, હું ચપટીમાં તારી સમસ્યા ઉકેલી આપીશ"  ઉજાસ ભાંગી પડ્યો ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. સાથો સાથ વિચારવા લાગ્યો " મેડમ મારી શું સમસ્યા ઉકેલી શકશે.? કદાચ તેને મારી આર્થિક સ્થિતિ નબળી હશે એવા ખ્યાલથી કાલે મને પ્રમોશનનો ઓર્ડર આપશે પણ હું આર્થિક રીતે પૂરો સક્ષમ છું એ એને ખબર છે ? સમસ્યા બે બાળકીને એકલે હાથે ઉછેરવાની,તેઓની યુવાની સુધીની કાળજી,દેખભાળ અને તકેદારી રાખવાની છે. સુખી-સંપન્ન ઘરની સુંદર સ્વરૂપવાન, ઉચ્ચ ડિગ્રીધારી કુંવારી મેડમને "બાળ ઉછેર શાસ્ત્ર" ની શું ખબર હોય ? પિતાની અવેજીમાં માતા, પિતા બની શકે છે પણ માતાની ગેરહાજરીમાં પિતા માતાની ભૂમિકા કદાપિ ભજવી શકતો નથી." વિચારતા ઉજાસ અને ચાંદની છુટા પડ્યા.                               ******** 

અત્યંત ચિંતાગ્રસ્ત ચાંદની બેચેન હતી.દરેક મિનિટે એની સામે ઉજાસ અને એની બે બાળકીઓ,દરિયા કિનારે ભાવુક બની રડતો ઉજાસ સિનેમાના રીલની જેમ નજરે તરવા લાગ્યા.આવતી કાલે એની સમસ્યાના નિરાકારણનું વચન તો આપી દીધું પણ એ નિરાકરણ શું ? અને ક્યાંથી શોધવું ? એવા વિચારોમાં ચાંદની આખી રાત પડખા ફેરવતી રહી.                          બીજા દિવસનું પ્રભાત ઉગ્યું, ગઈરાત કરતા સવારે ચાંદની થોડી વધુ સ્વસ્થ હતી.નિત્યક્રમ મુજબ ઓફિસે પણ ગઈ પરંતુ એની કેબીન સામેની ઉજાસની ખાલી ખુરશી જોઈ ફરી એ વિચારે ચડી જતા આંખમાં આંસુ આવી ગયા.સાંજના છ વાગી ઓફિસ બંધ થવાની એ રાહ જોતી હતી ગમેં તેમ પણ આજે ઘડિયાળના કાંટાની ગતિ ધીમી હોય એવું એને લાગતું હતું. અંતે એની ઇંતેજારીની ક્ષણ આવી પહોંચી.ઓફિસ બંધ થતા ચાંદની ભવાની માતાજીના મંદિરે જવા નીકળી પડી.                                                                                                                આજે પોતાની સમશ્યાનો  કાયમી ઉકેલ બોસ પાસેથી મળવાનો છે એ શું હશે અને કેટલે અંશે અમલી/વ્યાજબી હશે એવા વિચાર અને ઉત્સુકતાથી ઉજાસ મેડમની રાહ જોતો મંદિરની અંદર બેઠો હતો.                                                                                                               મંદિર બહાર પૂજા સામાન, ફૂલ-હાર,અગરબત્તી-ધૂપ, શ્રીફળ-પ્રસાદ વિગેરે વેંચતી થોડી દુકાનો હતી ચાંદની ગાડીમાંથી ઉતરી સીધી એ દુકાને પહોંચી.પૂજા સામાન ઉપરાંત થોડા ફૂલ હાર વિગેરે લઈને મંદિરમાં પ્રવેશતા ઉજાસના ચહેરા ઉપર શાંતિ અને રાહતના અણસાર આવ્યા.ઉજાસે બન્ને હાથ જોડી મેડમને પ્રણામ કર્યા. જવાબમાં ચાંદનીએ ઉજાસને કહ્યું "હું તારી મુશ્કેલીઓનો સચોટ ઉકેલ શોધી લાવી છું.ચાલ, ઉભો થા માતાજીની સાક્ષીએ હું આજે તારી સાથે લગ્ન ગ્રંથીથી જોડાઉં છું, આજથી તારી બધી જવાબદારીની હું બરાબરની ભાગીદાર છું  આપણે બન્ને જોડે માતાજીની પૂજા કરી એમના આશીર્વાદ મેળવીએ. મેડમના આ શબ્દો સાંભળતાજ ઉજાસ ઉપર જાણે વીજળી પડી હોય એવો હતપ્રભ થઇ ગયો એના રુંવાડા ઉભા થઇ ગયા એનું ગળું અને હોઠ સુકાવા માંડ્યા. ઉજાસનો ચહેરો ફિક્કો પડી ગયો ચારેબાજુ શૂન્યાવકાશ દેખાવા લાગ્યો.જેનો વિચાર માત્ર ન કરી શકાય, કલ્પના પણ ન કરી શકાય એવી દરખાસ્ત એક આદરણીય અધિકારી તરફથી મળતાં અવાચક બની ગયો.ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી.ઉજાસે મૌન તોડ્યું ," મેડમ,તમે શું બોલો છો ? હું ક્યાં અને તમે ક્યાં ?સમાજ મારા ઉપર જુદા જુદા દોષારોપણ કરશે.આ શક્ય જ કેવી રીતે બને ?                                                        ચાંદની ઉજાસના સતત બદલાતા ચહેરા અને મનોભાવને મંદ મંદ હાસ્યથી નીરખી રહી હતી. ઉજાસના બન્ને ગાલ ઉપરના આંસુ પોતાના કોમળ હાથથી લૂછતાં ચાંદની બોલી,  "ઉજાસ, હા, મેં યોગ્ય જ નિર્ણય લીધો છે. હું તારી પત્ની પછી, પણ પહેલા એ બે બાળકીઓની મા તરીકે આવું છું. ઉછેર,સંસ્કાર,અને રીત-રિવાજ માત્ર સ્ત્રી જ શીખવી શકે. અને એ બધી જ જવાબદારી આજથી હું લઉ છું.ચાલ, માતાજીની પૂજા કરી એના આશીર્વાદ મેળવીએ." મંદિરના ગર્ભગૃહમાં બેસી બંને એ માતાજીની પૂજા કરી એકબીજાને વરમાળા પહેરાવી નવ યુગલે ઘર પ્રતિ પ્રયાણ કર્યું.                                                                                                *******                                        સાંજે શરદભાઈ દવાખાનેથી ઘેર પાછા ફરી પોતાના રૂમમાં ફ્રેશ થવા ગયા એ સમયે ટેબલ ઉપર એક પત્ર જોતા ઉઠાવી વાંચવો શરુ કર્યો.                                                                               "પૂજ્ય પપ્પા,તથા વ્હાલી મા,                                                                                     આજરોજ હું ઘર છોડીને મારી સાથે નોકરી કરતા ઉજાસ સાથે લગ્નગ્રંથિથી જોડાઉ છું. આપણે સહુ ઉજાસથી  અને તેની ઘરેલુ પરીસ્થીતીથી વાકેફ છીએ.ગઈકાલે સાંજે પોતાની સામાજિક જવાબદારીઓથી થાકી હારી અને તે  આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો મોકે હું ત્યાં પહોંચી જતાં મેં તેને તેમ કરતા બચાવી લીધો હતો એ જ ક્ષણે એની બધી ઘરેલુ પ્રશ્નોના ઉકેલ રૂપે મેં આ નિર્ણય લઇ ગઈ આખી રાત એના વિષે મનોમંથન કરતા મારા અંતરાત્માના જવાબને મેં શિરોમાન્ય રાખી મારા નિર્ણય ઉપર ખુદ જાતે જ મંજૂરીની મહોર મારી દીધી છે. તમે કદાચ એવુ માનતા હશો કે બીજવર સાથે મારા પ્રેમ લગ્ન હશે,તો જાણ માટે કે આ પ્રેમ લગ્ન નહિ પણ "અનુકંપા લગ્ન" છે.સહાનુભૂતિ પ્રેરિત લગ્ન છે.હું એક બીજવરની પત્ની તરીકે પછી,પહેલા ચાર અને છ વર્ષની મા વિનાની બાળકીઓની મા બનીને જાઉં છું.મારો આ નિર્ણય તમને કદાચ અપરીપકવ લાગશે પણ ક્યારેક હું બુદ્ધિથી નહિ પણ હૃદયથી વિચારું છું.મા વિનાની બે નાની બાળકીઓને એકલે હાથે પુરુષે ઉછેરી મોટી કરવી એ શિવધનુષ્ય તોડવા સમુ પરાક્રમ છે" જીવન જીવવા માટે આવશ્યકતા માત્ર બે ટંકની ચાર રોટલી,વાટકી શાક અને ચાર જોડી કપડાંની છે જેમ એ કોઈ શ્રીમંત ડોક્ટરને ઘેરથી મળી શકે છે એમ એ સામાન્ય સરકારી કર્મચારીને ત્યાંથી પણ મળી રહે છે, આવશ્યકતાથી અધિક અપેક્ષા એ મહેચ્છા,અને મહત્વાકાંક્ષા છે.વાત રહી પદ પ્રતિષ્ઠા,દરજ્જો અને માભાની,તો એ બાબતે હું માનુ છું કે પદ,પ્રતિષ્ઠા,માભો એ સમાજના શો-કેસમા મુકેલ સુગંધ વિનાના ફૂલના ગુલદસ્તા જેવા આપણા "અહંકાર આભૂષણો" છે. દેહમાંથી પ્રાણ છૂટ્યા પછી અઠવાડિયામાં એ વિલાઈ અને ભુલાઈ જવાય છે. માનવતા એ અવિરત દીર્ઘજીવી સુવાસ છે જે શાશ્વત છે.મારા આ પગલાંથી બન્ને દીકરીઓ પરણીને સાસરે જશે ત્યાં સુધી,અને ત્યાર પછી પણ આવતા પચાશ વર્ષ સુધી સુવાસ સાથે આશીર્વાદ મળતા રહેશે.મને એમ લાગે છે કે સુખી-સંપન્ન, પ્રતિષ્ઠિત ડોક્ટર વરને પરણી હું મારુ એકનું જ જીવન આબાદ કરી શકીશ જયારે એક સામાન્ય વિધુર,બે બાળકીના પિતા સાથે લગ્ન કરી હું એકસાથે ત્રણ જીવને સંતોષી એમના બુજાતા જીવન-દીપને જીવતદાન આપી આબાદી સાથે ખુશી લાવી એમની આંતરડી ઠારીશ. પપ્પા, એક વાત કહું ? આજસુધી તમે મારી માંગેલી બધી જ વસ્તુઓ મને આપી છે, ક્યારેક માગ્યા વિના પણ અઢળક તમે આપ્યું છે,તો આજે હું છેલ્લી માંગણી કરું છું કે આજ સાંજે અમે બધા જ હોટેલ બ્લેસિંગ્સમાં ડિનર લેવા જવાના છીએ,તો તમે બન્ને મને આશીર્વાદ આપવા ત્યાં આવી પહોંચો તો આપણે સાથે ભોજન લઈએ આશા છે મારી માંગણી તમે સ્વીકારશો." આપની વ્હાલી દીકરી ચાંદની " પત્ર વાંચી ઘડીભર શરદભાઈ શૂન્યમનસ્ક થઇ ગયા. પત્ર ફરી ફરી બીજી વાર વાંચ્યો.કઇંક વિચારે ચડી જતા રૂમ બહાર આવી પત્ર પૂર્ણિમાબહેનના હાથમાં આપી કહ્યું " લ્યો આ વાંચો " "આ વળી શું લાવ્યા "? એવું પૂછતાં પૂનમ બહેને પત્ર ખોલી વાંચતા જ ઢગલો થઇ ગયા.ચોધાર આંસુએ રડતા બોલ્યા "શરદ-પૂર્ણિમાની ચાંદની આજે અમાસ સાબિત થઇ એને આ શું સુજ્યું ? આપણે શું આ શિક્ષણ અને સંસ્કાર એને આપ્યા હતા ? ક્યાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર ઉદય અને ક્યાં સરકારી ત્રીજાવર્ગનો વિધુર કર્મચારી ઉજાસ. હાથે કરીને પોતાનું જીવન બરબાદ કરવાની કુબુદ્ધિ કેમ સુજી હશે ? બેશરમીની હદ તો જુઓ આપણી આશા-અરમાન ઉપર પાણી ફેરવ્યા પછી આપણને આશીર્વાદ આપવા હોટેલમાં ડિનરનું આમંત્રણ આપે છે " શરદભાઈએ સાંત્વના આપતા કહ્યું, " પૂર્ણીમા, કલ્પાંત છોડો સહુના અન્ન-જળ જન્મ સાથે જ લખાયેલા હોય છે જેની આપણને જાણ નથી હોતી એટલે આટલો કલ્પાંત થાય છે, લલાટે લખાયેલા લેખ લાખ ઉપાયે લોપી શકાતા નથી.તમે લાખ ધમપછાડા કરો કે કે ઉધામા નાખો પણ જે કાળે જે બનવાનું છે એ નિશ્ચિત રીતે બનીને ઉભે જ છે. ચાંદની આપણી એક માત્ર લાડકી દીકરી છે ચાલો, ઉઠો તૈયાર થાવ, આપણે હોટેલ બ્લેસિંગ્સમાં આપણા બ્લેસિંગ્સ આપવા જવું છે. ચાંદનીએ લીધેલો નિર્ણય એ પોતાનો નથી એ નિર્ણય વિધાત્રાનો છે એને સહર્ષ વધાવી લેવો જોઈએ" આમ આશ્વાસન આપી પૂર્ણીમા બેનને તૈયાર થવા મોકલ્યા. શરદભાઈ અને પૂર્ણીમાબહેન હોટેલે પહોંચતા દરવાજે ચાંદની-ઉજાસ સ્વાગત કરવા હાજર જ હતા. નવપરણિત યુગલે માતા-પિતાને પગે લાગી આશીર્વાદ માગ્યા. શરદભાઈએ આશીર્વાદ રૂપે રૂપિયા એકાવન હજારનું કવર બન્નેના હાથમાં મૂક્યું. ભોજન પૂરું થતાં છુટા પડતી વખતે,પહેલાં મમ્મીને અને પછી પપ્પાને ગળે વળગી ચાંદની ધ્રુસકે ધ્રુસકે રડી પડી.શરદભાઈએ એના આંસુ લૂછતાં આશીર્વચન આપતાં કહ્યું " શરદ-પૂર્ણિમાની ચાંદનીએ ઉજાસના અંધકારમય જીવનમાં ઉજાસ પાથર્યો છે. સુખી થાવ. ઈશ્વર પરિવારનું કલ્યાણ કરે. शिवास्ते पन्था : !

*********