વૈધવ્ય -પોણા સૈકા પહેલાંનુ એક વરવું ચિત્ર.
"વૈદ્યવ્ય એ સ્ત્રી જાતિને વિના વાંક/ગુન્હાએ ઈશ્વરે આપેલી નિષ્ઠુર શિક્ષા છે"- વ્યોમેશ.ઝાલા
*****
આજે કોઈને ખ્યાલ પણ નહીં હોય કે આજથી પોણા સૈકા પહેલાં સમાજની વિધવા સ્ત્રીઓની શી દશા હતી.આજે હું નજરે જોયેલી અને અનુભવેલી એવી વિધવાની પીડા વર્ણવું છું.
નીચે આપેલી તસ્વીર મારા પૂજ્ય સ્વ.દાદી જન્મલક્ષ્મી (૧૮૮૧-૧૯૬૨)ની છે.પોતાની યુવાનીમાં તેઓ એટલા સ્વરૂપવાન હતા કે જ્ઞાતિમાં તેઓ ધોળીબેન થી ઓળખાતા હતા.પતિ સ્વ. દોલતરાય ઝાલા (૧૮૭૪-૧૯૪૯) જૂનાગઢ રાજ્યના નવાબી શાસન માં ઉચ્ચ હોદ્દા ઉપર હતા.૧૯૪૯ માં એમનું અવસાન થયું અને ગં.સ્વ.ધોળીબેને જીવતા સુધી કાળો સાડલો ઓઢી લીધો.એ સમયમાં વિધવાઓની દશા અતિ બદતર હતી ત્યારે એવો વિચાર આવે છે કે આવા અમાનુષીય, જડ અને અસ્વીકાર્ય એવા નીતિ-નિયમો કયા સમાજે બનાવ્યા હશે.?
જ્યાં સુધી સ્વર્ગસ્થ પતિનું વરસી વાળવામાં ન આવે ત્યાં સુધી જ્ઞાતિની મહિલાઓ સાંજે છ થી સાત વાગ્યા સુધી રોજ બેસવા આવે એ સમયે વિધવાએ ફરજીયાત રીતે ઘરના ખૂણામાં બેસવાનું જેને "ખૂણો પાળ્યો" કહેવાતું. વિધવાથી અરીસામાં મોઢું જોવાય નહિ. ઘરની બારી જાહેર રસ્તા ઉપર પડતી હોય એ બારી આડે મચ્છરદાની જેવી જીણી જાળી જડી દેવાઈ હતી જેથી રસ્તે ચાલતા રાહદારી વિધવાનો ચહેરો ન જોઈ Aશકે.૬૮ વર્ષની ઉંમરે વૈદ્યવ્ય ભોગવનાર મારા દાદીએ માથે મુંડન કરાવ્યું. પલંગ ઉપર સૂવું એ વૈભવ ગણાતો અને પલંગ તો સહશયન માટે જ હોય તેથી પલંગ ઉપર વિધવાનું સૂવું વર્જ્ય ગણાતું અને જમીન ઉપર પથારી પાથરીને સુતા. કોટનની બે કાળી સાડી જ એનો વસ્ત્રવૈભવ બન્યો.નાકમાં ચૂંક/ચુની નહિ,કાનમાં બુટ્ટી નહિ, કપાળે ચાંદલો નહિ,હાથમાં કાચના કંગનને બદલે માત્ર સોનાની બે બંગડી જ.પગમાં ચમ્પલ નહિ.
જ્યારે આભૂષણ જ સ્ત્રીઓનું ભૂષણ ગણાતું હોય એ વેળા સામાન્ય આભૂષણો પણ છીનવી લેવા એ કઈ માનવતા છે.
આ તો થઈ ૬૮ વર્ષની ઉંમરે વિધવા થયેલ મારા દાદીની વાત પણ એથી પણ કંપારી છૂટે એવી વિતક મારા સ્વ.કાકી સત્યભામાની છે.
સત્તર વર્ષની ઉંમરે સ્વ.કાકીના લગ્ન થયા ત્યારે બાવીશ વર્ષીય સ્વ.કાકા કૌસ્તુભરાય મુંબઈ ખાતે એમ.બીબી.એસ.નો અભ્યાસ કરતા હતા.લગ્નને માંડ ચાર વર્ષ થયાં હશે અને એમ.બી.બી.એસ ની ફાઇનલ પરીક્ષા આપીને સુખી લગ્નજીવનની શરૂઆત કરે તે પહેલાં જ આશાસ્પદ ડોકટર કૌસ્તુભરાય ભર યુવાનીમાં સ્વર્ગે સંચર્યા.આમ બાવીસ વર્ષની યુવાન વયે વિધવા થયેલ સ્વ.કાકીએ ભલે મુંડન ન કરાવ્યું પણ ચાલીશ વર્ષ પગમાં ચપ્પલ ન પહેરીને ઉપરોક્ત
કહેવાતા તમામ"વિધવા આચરણ" નું ચુસ્ત પાલન કર્યું.
વિચારો તો ખરા કે બાવીસ વર્ષીય યુવા સ્ત્રીનું જીવન પર્યન્ત કેટલું શોષણ થયું ?
સ્વાતિ લખે છે "વિધવા સ્ત્રીનું પતિ ગુમાવવાનું દુઃખ એના વર્તન, વાણી, આહાર કે પહેરવેશ પરથી કઈ રીતે નક્કી થઈ શકે? જે વાત સાંભળવા માત્રથી જ આપણા શરીરમાં કંપારી છૂટી જાય છે ત્યારે એ વ્યક્તિએ તો એનુ સર્વસ્વ ગુમાવી દેવા જેવી વાત છે એના મનની પીડા તમારા-મારા જેવા શું જાણી શકવાના?
જેનો પતિ અવસાન પામ્યો હોય, એ સ્ત્રીથી ઘરની બહાર ન નીકળાય,એનાથી સારા ઉઘડતા રંગના કપડા ન પહેરાય,હસીને ન બોલાય એ જાહેરમાં વાત ન કરી શકે, એનાથી સ્વાદિષ્ટ ભોજન ન જમાય એમાં ગળ્યું તો ખાસ નહીં, એને બધાથી પહેલા ઉઠીને ઠંડા પાણીથી જ નહાઈ લેવાનું અને ક્યાંક તો એવું પણ હોય છે કે વિધવા સ્ત્રી ચપ્પલ પણ ન પહેરી શકે. કેમ? તો કારણ માત્ર એટલું જ કે વર્ષોથી સમાજે વિધવા સ્ત્રીઓ માટે આવા નિયમો બનાવેલા છે અને જો આ નિયમો પાળવામાં સ્ત્રીથી ચૂક થાય તો એને બેશરમ, બિન્દાસ્ત, નફ્ફ્ટ, લાગણીહીન વગેરે જેવા શબ્દોથી સંબોધવામાં આવે છે. આવા વિશેષણોથી બિરદાવતા પહેલા કોઈ એ નથી કહેતું કે એ સ્ત્રી પણ પ્રથમતો એક માણસ જ છે..!
કોઈ સારા અવસરે વિધવા સ્ત્રી સામે મળવી કે એને કંકુવાળી આંગળી કરાવવી એ અપશુકન ગણાય, એવી અંધશ્રદ્ધા આજે પણ સમાજના ઘણા વર્ગમાં પ્રચલિત છે. કોઈ વિધવાને શુભ પ્રસંગે હાજર રહેતા અટકાવાતી હશે ત્યારે એને ચોક્કસ દુઃખ થતું જ હશે. આવી રૂઢી અને પરંપરાઓની સામે માનવતા હારી જતી દેખાય છે. એક દુઃખી સ્ત્રીને વધુ દુઃખી કરી સમાજ ક્યાં રીવાજો અને પ્રથાઓને ન્યાય આપી શકવાનો?
પતિની ગેરહાજરીમાં એને ઘર સાચવવાનું હોય છે, એને બાળકોની માતાની સાથે સાથે એમના પિતા પણ બનવાનું હોય છે, ઘર ચલાવવાની સાથે સાથે દરેકની જરૂરિયાતો પણ પૂરી કરવાની હોય છે જેમાં ક્યારેક એને પારિવારિક સમસ્યાઓ તેમજ નાણાકીય સમસ્યાઓનો સામનો પણ એકલા હાથે કરવો પડતો હોય છે. એને કુદરત તરફથી એવા દુઃખની ભેટ મળી છે જે એની જીંદગીમાં એ ક્યારેય ભૂલી શકવાની નથી. પણ જો એ દુઃખને થોડું હળવું કરવાની કોશિશ કરે તો પણ સમાજના લોકોને એ મંજૂર નથી.
જયારે એને ખરેખર લાગણી, હુંફ, સહાનુભુતિ અને સપોર્ટની જરૂર હોય છે તે વખતે લોકો એની ખામીઓ શોધવામાં રસ દાખવે છે. એ વિધવા સ્ત્રીની પણ ઈચ્છાઓ હશે, એની આંખોમાં પણ સપના વસતા હશે, એને પણ ઘણા શોખ થતા હશે, પોતાની આગવી પસંદ નાપસંદ હોતી હશે, પતિના શબને વળાવ્યા બાદ જયારે એને નવડાવવામાં આવે છે ત્યારે સિંદૂર અને શણગારની સાથે સાથે એના ઓરતા અને અભરખાં તેના તન-મનમાંથી આપોઆપ ઉતારી દેવામાં આવે છે. પતિના નામની સાથે સાથે એને હસતી રમતી જિંદગીના નામનું પણ નાહી નાંખવુ પડે છે. એક મરેલા માણસની પાછળ એક જીવતું માણસ રોજ મર્યા કરે. એના મનમાં પણ થતું હશે કે પોતે જે સજા ભોગવી રહી છે એમાં એનો દોષ શું છે? એજ ને કે એનો પતિ એના પહેલા અવસાન પામ્યો..?
એની સૌથી મોટી ભૂલ કે એ સ્ત્રી છે અને બીજી ભૂલ કે એનો પતિ મૃત્યુ પામ્યો છે?
ઘણી જગ્યાએ ક્રિયાકર્મમાં જઈએ તો પરિસ્થિતિ જોઈ પ્રશ્ન થઈ આવે કે ખરેખર મર્યું છે કોણ? ..ફૂલનો હાર ચડાવેલી છબીમાં છે એ પુરુષ કે છબીની બાજુમાં સફેદ કે કાળા કપડામાં વીંટાળીને લાચાર બનાવીને બેસાડેલી એક જીવતી લાશ?…"
All reactions:
10Desai Jagruti Ajitbhai Desai and 9 others