કેશોદ હાઈસ્કૂલ -એક યાદગીરી.
જૂનાગઢ થી 37 કિલો મીટર દૂર નવાબી શાશન તાબાના જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની. એ સમયે કેશોદ એક નાનું સૂનું ગામ હતું જ્યાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના અભાવે વિદ્યાર્થીઓ નજીકના 35 કી.મી.દૂર ચોરવાડ ગામે અભ્યાસ કરવા જતા હતા.કેશોદમાં એ સમયે સરકારી કચેરીઓ પણ બહુ જૂજ હતી. કેશોદની મહદ વસ્તી રઘુવંશી સમાજની હોય મુખત્વે વેપાર એ મુખ્ય વ્યવસાય હતો. એ સિવાય ત્યાં ન કોઈ ઉદ્યોગ, કે ન કોઈ કારખાના. જૂનાગઢના નવાબે કેશોદમાં શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરાવવા નિર્ણય લીધો અને પરિણામ સ્વરૂપે એલ.કે,મિડલ સ્કૂલની સ્થાપના થઇ (1936). નવાબ સાહેબના પદાધિકારી અને રાજ્યના શિક્ષણવિભાગના વડા મર્હુમ વલ્લી મોહંમદખાન બાબીના નેજા હેઠળ શાળાની સ્થાપના, તથા ઉદઘાટન અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી.અને નવાબ સાહેબની સંમતિથી કેશોદ મિડલ સ્કૂલનું ઉદ્ઘાટન ભારતના તે સમયના વાઇસરોય લોર્ડ વિલિંગ્ડન (1931-1936) ના હસ્તે કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. કાર્યક્રમની રૂપરેખા ને આખરી ઓપ આપવા સમયે મુર્હુમ બાબી સાહેબને વિચાર આવ્યો કે, વાઇસરોય તો પોતાનું પ્રાસંગિક પ્રવર્ચન અંગ્રેજી ભાષામાં આપશે, વાઇસરોય ગુજરાતી જાણતા નથી અને કેશોદની અર્ધ શિક્ષિત પ્રજા અંગ્રેજી સમજતી નથી તો વાઇસરૉયના એ પ્રવર્ચનનો અર્થ જ શું જયારે એકઠા થયેલ શ્રોતાઓ કશું જ સમજી ન શકે ? બહુ વિચારણા અંતે મુર્હુમ બાબી સાહેબે ઉકેલ શોધી કાઢ્યો અને સ્થાનિક બહાદુરખાનજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મર્હુમ સોલોમન સાહેબ ને કચેરીએ તેડાવી પૂછ્યું કે," કેશોદ હાઈસ્કૂલનું ઉદ્દઘાટન વાઈસરોયના હાથે કરવાનું હોય,અને તેઓ પોતાનું વક્તવ્ય અંગ્રેજીમાં આપવાના હોય, આપણી હાઈસ્કૂલમાં એવા કોઈ શિક્ષક છે કે જે યુરોપિયન ઇંગ્લિશની ઝડપે,અને એના ઉચ્ચારણો ને સમજી શબ્દશ: ભાષાંતર કરી ગ્રામ્ય શ્રોતાઓ સમજી શકે એવી ભાષામાં અસખલિત બોલી શકે ? એ શિક્ષકનું અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષા ઉપર પ્રભુત્વ હોવું આવશ્યક છે " સોલોમન સાહેબે પ્રત્યુત્તરમાં હકાર વાચક ડોકી હલાવતા કહ્યું "જી,આપણી શાળામાં એક યુવાન શિક્ષક છે,જે ફાંકડું અંગ્રેજી-ગુજરાતી જાણે છે,,જો એને તક આપવામાં આવશે તો મારી દ્રષ્ટિએ એ યોગ્ય પસંદગી ગણાશે," "એવું નથી,તમે એને પૂછીને ખાતરી કરી લો કે એ આ જવાબદારી ઉઠાવી શકવા શક્ષમ છે ?પાછળથી કોઈ ફિયાસ્કો ન થાય એ જોવાની જવાબદારી તમારી પણ રહેશે " બાબી સાહેબે પ્રિન્સિપાલને પણ બાંધી લેતા કહ્યું. " જી સર,હું પુરા આત્મવિશ્વાસથી કહું છું કે એ શિક્ષક સફળતાપૂર્વક અને સંતોષકારક ફરજ બજાવશે " એવી ખાતરી આપતા બાબી સાહેબે પૂછ્યું " કોણ છે એ શિક્ષક ? જવાબના સોલોમન સાહેબે કહ્યું, એ છે મી.વી.ડી.ઝાલા.આપણી શાળાના અંગ્રેજીનાં શિક્ષક, જ્ઞાતિએ નાગર હોવા કારણે ભાષા અને ઉચ્ચારો પણ શુદ્ધ છે"
શાળાના ઉદ્ઘાટન નો દિવસ આવી પહોંચ્યો.સોલોમન સાહેબે સ્વ.પિતાશ્રીને પુરી વિગત સાથે ચોકસાઈ અને ચીવટથી જવાબદારી પાર પાડવાની બાંહેધારી લઇ લીધી . 34 વર્ષના યુવાન શિક્ષક વી.ડી.ઝાલાએ ભરપૂર આત્મવિશ્વાસ સાથે ખાતરી પણ આપી દીધી. એ મુજબ શાળાના ઉદ્ઘાટનની જાહેરાત પણ કરી દેવામાં આવી. કેશોદ, વેપારનું મથક, પોતાના વતનમાં એક શૈક્ષણિક સંસ્થા પહેલી જ વાર સ્થપાતી હોય, ઉત્સાહ અને આનંદમા લોક ફાળો કરી ગામ શણગાર્યું ગામમાં ઠેર ઠેર સ્વાગત કમાનો ઉભી કરી, શાળાના મકાનને પણ શણગાર્યું .ગામમાં આનંદ આનંદ છવાઈ ગયો, નિશ્ચિત દિવસે ભારતના સત્તરમાં વાઇસરોય લોર્ડ વિલિંગ્ડન કેશોદના હવાઈ મથકે ઉતર્યા. ગામે ધામેધૂમે સ્વાગત કર્યું .ખુદ નવાબ સાહેબ અને એના પદાધિકારીઓએ પણ ઉમળકાથી સ્વાગત કરી શાળા તરફ હંકારી ગયા.શાળાના મેદાનમાં મંચ ગોઠવાયો .મેચના સમાંતરે બે ડાયસ ગોઠવાયા મંચની ડાબી બાજુના ડાયસે વાઇસરોય, અને જમણી બાજુના ડાયસ ઉપર વી.ડી.ઝાલા. ગોઠવાયા.વાઇસરૉયના વક્તવ્યની શરૂઆત થઇ, સાથોસાથ વી.ડી.ઝાલાએ એટલીજ ઝડપથી ગ્રામ્ય પ્રજા સમજી શકે એ રીતે ભાષાંતર કરતા ગયા.
કાર્યક્રમની પુર્ણાહુતી થતા નવાબ સાહેબે તથા મર્હુમ બાબી સાહેબે વી.ડી. ઝાલાને અભિનંદન આપ્યા.
એમની સફળ કામગીરીની ભેટ તરીકે, બીજે જ દિવસે વી.ડી.ઝાલાને કેશોદ મિડલ સ્કૂલના પહેલા પ્રિન્સિપાલ તરીકેની નિમણૂકનો ઓર્ડર મળ્યો,
આમ સ્વ.પિતાશ્રી 34 વર્ષની ઉંમરે કેશોદ મિડલ સ્કૂલના પહેલા આચાર્ય પદે નિમાયા .ત્યારબાદ સતત ચોરવાડ, તથા ઉના હાઈસ્કૂલના આચાર્ય પદે બદલાતા રહ્યા.
ઘણા વર્ષો બાદ મિડલ સ્કૂલ હાઈસ્કૂલમાં પરિવર્તિત થી એર પોર્ટ રોડ ઉપર નવા મકાનમાં ફેરવાઈ.