Monday, 29 April 2013

ભદ્રમ -ભદ્ર કોમર્સ માં ...

ગરવી ગુજરાતી ભાષાને"ગરીબ ગુજરાતી" ભાષા કહેનારે “શું શાં પૈસાચાર"કહીને ભાષાકારો,અને ગુજરાતી સાહિત્યના શિલ્પીઓને રાંક ગણ્યા છે, ગુજરાતી ભાષા,સુવર્ણ આભુષણથી લદાયેલી નમણી નાર જેવી લચકદાર,અને ઝમકદાર લાગે છે ભાષાના બધાજ રસનું પાન કરાવનારા ગુજરાતી સાહિત્યકારો અનેક છે જેમાં ઝવેરચંદ મેઘાણી,ક્નૈલાલ મુન્શી,વીર નર્મદ,આદ્ય કવિ નરસિંહ મહેતા,નાન્હાલાલ,
સુન્દરમ,આનદશંકર બાપુભાઈ ધ્રુવ,પન્નાલાલ પટેલ,જ્યોતીન્દ્ર દવે,અને આવાતો ઘણા શાક્ષરોએ ભાષા સાહિત્યનું ગૌરવ વધાર્યું છે.
પરંતુ એ બધા માં ગુજરાતી ભાષાને નવો વળાંક આપનાર "ભદ્રમ -ભદ્ર " ના સર્જક રમણલાલ નીલકંઠ વધુ જાણીતા છે બોલવામાં અઘરા, સાંભળવામાં લાંબા,અને સમજવામાં  જટિલ શબ્દ પ્રયોગ કરીને  ભાષા, અને શબ્દો ને નવો વળાંક આપ્યો . આમ જુવો તો ભદ્ર્મ -ભદ્ર એ "અતિ વિશુદ્ધ ભાષા-કોશ" કહીએ તો તે ખોટું નથી
રેલ્વે સ્ટેશનને "અગ્નિ-રથ વિરામ કેન્દ્ર " ટેલીફોન ને દુર્ભાશ્ય યંત્ર " મોબઈલ ફોનને ચલિત દુર ભાસ્યયંત્ર " જેવા અલંકારિકશબ્દો માત્ર રમણલાલભાઈ જ આપી શકે.
. આજે આ યાદકરવાનું કારણ એ છે કે મારા વિદ્યાર્થી જીવનનો એક પ્રસંગ મને યાદઆવી ગયો .
બન્યું એવું કે વિનયનમાં,સ્નાતકનીપદવી મેળવી વાણિજ્યના સ્નાતકની ઉપાધી મેળવવાની ઉપાધી મેં સામેથી વહોરી.વાણિજ્યના સ્નાતકના અભ્યાસક્રમમાં " વેપારી કાયદો " (Mercantile Law ) નું એક પેપર.
વાર્ષિકપરીક્ષામાં વેપારી કાયદાના પેપરમાં પ્રશ્નનંબર 5 આ પ્રમાણે હતો :
"રેખાંકિત ધનાદેશ એટલે શું ? તેના પ્રકાર વર્ણવો "
આખું વર્ષ મહેનત કર્યા પછી વેપારી કાયદો ગોખી નાખનાર એવામને આ પ્રશ્ન અજાણ્યો લાગ્યો, ઘણી મુંજવણપછી નિરીક્ષક ને ઈશારો કરીબોલાવ્યા, અને પ્રશ્નમાં શું પૂછવામાંગે છે તેઅંગેપૂછ્યું,પણ કમનસીબે નિરીક્ષક વિજ્ઞાનના અનુસ્નાતક હોવાથી,મને સંતોષકારક જવાબ ન આપીશક્યા.ઉલટું તેમણે મનેકહ્યું કે "પર્યાય શબ્દોનો અભ્યાસ કરવો એ પણ પરીક્ષાનો જ એકભાગ છે "
પ્રશ્ન વાંચતા જ હું સમજીગયો કે પેપેરસેટરની કમિટીમાં લો-કોલેજનાપ્રાધ્યાપક શ્રી,પી.ટી.છાયાસાહેબ જરૂર છે. અને આપ્રશ્ન તેનો જ છે.મને ભદ્રમ ભદ્ર યાદ આવી ગયા મેં વિચાર્યું કે જરૂર છાયા સાહેબ રમણલાલ નિલકંઠના શિષ્ય હશે તેને કારણે તેણે અલંકારીક ભાષા અંગીકાર કરી છે.
બધુજ આવડ્યું પણ 15 માર્ક્સના આ પ્રશ્ન ને કેમ છોડી દેવાય? પણ કરવું પણ શું ? જયારે સવાલ જ ન સમજાય તો કાયદાનાપેપરમાં ગપ્પા થોડા મરાય ?અંતે પ્રશ્ન છોડીદેવાનું વિચારી હું ઉભો થયો ઉત્તરવહી
 બંધ કરીને નિરીક્ષકના મેજ સુધી પહોચતા મેં પ્રશ્ન પત્રને  ખિસ્સામાં મુકવા ઘડીવાળી,તેવામાં મારું ધ્યાન પ્રશ્નપત્રના પાછળના ભાગે છપાયેલ ઈંગ્લીશ version ઉપરપડ્યું ઈંગ્લીશ version ના પાંચમોપ્રશ્ન વાંચતા તેમાં લખ્યુંહતું કે :-"What Is Cross Cheque? Describe the Type of Crossing?
વાંચતાજ હું હરખાયો અને ફરીપાછું આસન ગ્રહણ કરી, ઉત્તરવહીખોલી, મેં પૂરો અને સાચો જવાબલખ્યો
આમ "રેખાંકિત ધનાદેશ "એટલે “Cross Cheqe” એ મને પહેલી વાર ખબરપડી.
અલંકારિક ભાષાનીઝમક ક્યારેક આમ ભારેપડે છે .

Monday, 18 March 2013

" જીવિત મહોત્સવ " ( જીવતા જગતિયું )

 માનવી ના મૃત્યુ પછી જીવ ની ગતિ  ક્યાં, કેવીરીતે, શું કામ ?થાય છે તે અન ઉકલ્યો પ્રશ્ન આજ સુધી ગહન કોયડો બની ગયો છે પંડિતો, ધર્માત્માઓ અને શાસ્ત્રો વિવિધ રીતે તેને ઉકેલવા મથ્યા છે પણ સચોટ, અને સાબિત થઇ શકે તેવું કોઈ તથ્ય આજ સુધી લાધ્યું નથી
એટલુજ નહી પણ જીવ ની ઉર્ધ્વ ગતીમાટેની અનેક ધાર્મિક વિધિઓ દ્વારા સદગત ના આત્મા ને ચિરશાંતિ પ્રાપ્ત થાય તેવા અનેક નુસ્ખાઓ શાસ્ત્ર માં બતાવ્યા છે
આવી અલગ અલગ માન્યતાઓ માં શ્રદ્ધા ધરાવતા લોકો પોતાના પ્રિયજનના પરલોક ગમન પછી બીજેજ દિવસ થી તેમના કુટુંબીઓ તેવી વિધિ કરાવતા હોય છે
આ પૈકી ની એક વિધિ તે " જીવિત મહોત્સવ છે જેને લોકભાષા માં " જીવતે જગતિયું" પણ કહેવાય છે 
જીવિત મહોત્સવ માનવી ની હયાતી માં, તેના અથવા તેના પુત્રો દ્વારા યોજવા માં આવે છે જેમાં માનવી મૃત્યુ પામ્યો હોય અને જે વિધિ તેની હયાતી બાદ કરવા માં આવે, તે તમામ વિધિ તેની હાજરીમાં, હયાતી માં અને સાક્ષાત કરવા માં આવે છે શાસ્ત્ર માં આ વિધિ નો ઉલ્લેખ છે જેને જીવિત મહોત્સવ તરીકે ઓળખાવેલ છે
કોઈ એક સારા શુકનવનતા  દિવસે મંદિર માં શાસ્ત્રોક્ત રીતે ઉજવાતા જીવિત મહોત્સવ માં વ્યક્તિ પોતાના હાથે જ પોતાનું બારમું, તેરમું, સેજ-દાન વિગેરે કરે છે અને તે માટે ની વિધિ
પંડિતો દ્વારા  પૂજા-અર્ચન દ્વારા પર પાડવા માં આવે છે
આપણી જ્ઞાતિ માં મ્રત્યુ પછી ચક્ષુ-દાન, અને દેહ-દાન કર્યા ના ઉદાહરણો ઘણા આજ કાલ સાંભળવા મળ્યા છે , પણ કોઈએ પોતાની હયાતી માં   "જીવતે જગતિયું, કે જીવિત મહોત્સવકર્યા નું બહુ  ધ્યાન માં નથી
આવો જીવિત મહોત્સવ મારા મુ સ્વ, મોટાભાઈ રમેશભાઈ એ અમદાવાદ ના કાલુપુર સ્થિત સ્વામિ મંદિર  માં પોતાની હયાતી માં જ ઉજવ્યો હતો 
મહા સુદ પાંચમ ( વસંત પંચમી ) તા। 26/જાન્યુ । 2004, ના રોજ પોતે, પોતાનો તથા પોતાના સહ ધર્મચારિણી। વડીલ બકુલભાભી  નો એમ એક સાથે બન્ને જીવો ના આત્મ કલ્યાણ અર્થે આ વિધિ પૂરી કરેલી
આ બધી બાબતો પોતાની શ્રદ્ધા અને માન્યતા ઉપર આધારિત છે કરેલી કોઈ વિધિ ની રજીસ્ટર ની જેમ પહોંચ આવતી નથી પણ જ્યાં શ્રદ્ધા નો વિષય હોય ત્યાં જેમ પુરાવા ની જરૂર નથી, તેમ શંકા ની પણ જરૂર નથી હોતી 
આમેય મારા સ્વ મોટાભાઈ રમેશભાઈ પોતાના દિવસો માં થોડા સુધારાવાદી તરીકે જ્ઞાતિ માં જાણીતા હતા તેમના લગ્ન 1957 માં થયા હતા તે જમાના માં વરરાજા પરણવાજતી વખતે માથા પર " ખુંપ " (ફૂલ ની શણગારેલી ટોપી ) પહેરવા નો પ્રચલિત રિવાજ હતો, તેવી રીતે લગ્ન પછી ની પહેલી રાત્રી એ " મેડી શણગારવાનો " રીવાજ પણ હતો, તે સમયે મુ। રમેશભાઈ એ તે બન્ને દરખાસ્તો નો વિરોધ કરી 
સાદી  " બાફટા" ની ટોપી પહેરેલી  
જીવિત મહોત્સવ કરવાની પાછળ પણ તેનો ઉદ્દેશ્ય કૈંક આવો જ હતો મ્રત્યુ પછી બારમાં તેરમાં ની ઉજવણી ભૂદેવો ના પેટ ઠારવા, અને સમગ્ર પરિવાર ને એકઠો કરી રો-કકળ  થાય તેવું તેઓ ઇચ્છતા ન હતા 
સમાજ માં વ્યાપેલ કુરિવાજો ની જડ  ઉખેડવા માટે ના  તેમના સતત પ્રયાસ હતા અને તેની શરૂવાત તેઓ એ પોતાના ઘર થીજ કરી
આવા અનેક સુધારાઓ પરિવાર ને સૂચવનાર તેઓ જ્યોતિર્ધર હતા 
પોતાની હયાતી માં, સ્વ હસ્તે પોતાની બધી જ મ્રત્યુ પછી ની અંતિમ વિધિ કર્યા પછી મૃત્યુબાદ કોઈ ધાર્મિક વિધિ કરવાની રહેતી નથી હોતી  તેવી પરિવાર ને સ્પષ્ટ સુચના પણ હતી 
ગયા અઠવાડીએ અહીં વડોદરા ખાતે પણ એક જૈન પરિવાર ના સુપુત્રે પોતા ના માતા-પિતા ની સંમતી થી તેઓનો જીવિત મહોત્સવ ઉજવ્યો તે અંતર્ગત ત્રી-દિવસીય આ કાર્યક્રમ માં ધાર્મિક ક્રિયાઓ ઉપરાંત કથા, ભજન, કીર્તન, તથા સત્સંગ નો ઉલ્લાસમય વાતાવરણ માં સમ્પન થયા 
ધન્ય છે તે વડીલો ને કે પોતાની હયાતી માં જ પોતાની અંતિમ વિધિ કરી, આત્મ સંતોષ મેળવી સ્વર્ગે સંચરે છે 
  

Tuesday, 12 February 2013


A Wonderful Prayer for those pushing 60 or beyond.

Almighty God you know that I am growing older.

Keep me from becoming too talkative, from repeating all my jokes and anecdotes,
and particularly keep me from falling into the tiresome habit of expressing an opinion on every subject.
 
Release me from craving to straighten out everyone's affairs. Keep my mind free from recital of endless details.
Give me wings to get to the point.

Give me the grace, dear GOD, to listen to others as they describe their aches and pains.
Help me endure the boredom with patience and keep my lips sealed,
for my own aches and pains are increasing in number and intensity,
and the pleasure of discussing them is becoming sweeter as the years go by.

Teach me the glorious lesson that occasionally, I might be mistaken. Keep me reasonably sweet.
I do not wish to be a saint (Saints are so hard to live with), but a sour old person is the work of the devil.

Make me thoughtful, but not moody, helpful, but not pushy, independent,
yet able to accept with graciousness favors that others wish to bestow on me.

Free me of the notion that simply because I have lived a long time,
I am wiser than those who have not lived so long. I am older, but not necessarily wiser!

If I do not approve of some of the changes that have taken place in recent years,
give me the wisdom to keep my mouth shut.

GOD knows that when the end comes,
I would like to have a friend or two left.

Sunday, 30 December 2012

ડો ધીરજરાય મથુરાદાસ વસાવડા .


     જુનાગઢની યુવા પેઢીમાંથી બહુજ ઓછા લોકો એ આ નામ  સાંભળ્યું હશે પણ હા , તેની ત્રીજી પેઢીને લોકો જુનાગઢ માં વધુ જાણતા હશે
વાત છે, છાયાબઝાર જુનાગઢ ખાતે આવેલા દવાખાનાના એક બહુ નામી ડોક્ટર ની,
ડો. ધીરજરાય  જુના જમાનાના L.C.P.S. ડોક્ટર હતા, અને જનરલ પ્રેક્ટીસ કરતા હતા  તે જમાનામાં સ્પેશ્યાલીસ્ટ કે સુપર સ્પેશ્યાલીસ્ટ જુનાગઢ માં ન હતા તેમ છતાં ડો ધીરજરાય નું નામ દર્દીઓએ
"દમના દાકતર " પાડ્યું હતું જુનાગઢ માત્રમાં નહી પણ સારાયે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ગામમાં તેની નામના દમના સ્પેશ્યાલીસ્ટ તરીકે હતી મારી જાણ  મુજબ તેની એક પેટન્ટ ફોર્મ્યુલાથી તે એક વિશિષ્ઠ ઇન્જેક્શન બનાવતા હતા કે ભયંકર દમના દર્દીને તે ઇન્જેક્શનથી એક વર્ષ દમ કે શ્વાસ ની પીડામાંથી મુક્તિ મળવાની ગેરંટી હતી.
ટૂંકું કદ, યુરોપીયન જેવી ગોરી ચામડી, લખોટી જેવી ગોળ માંજરી આંખો, હસમુખો અને આંનદી  સ્વભાવ  અને નિદાન ઉપર નું તેનું પ્રભુત્વ તેની ગજબની ખૂબી હતી
દમના દર્દીને અમુક ખોરાકની પરેજી પાળવાની હોય છે તેનું લગભગ 15/16 વસ્તુ નું લીસ્ટ તેઓ મોઢે બોલી જતા
સીહોર થી મેહસાણા સુધીના દર્દીઓને મેં ત્યાં આવતા જોયેલ છે
તેમના નિધન પછી તેના પુત્ર સ્વ.ડો  અશ્વિનીકુમાર વસાવડા ( ઇન્દુભાઇ )
પણ તેવાજ હોશિયાર તબીબ હતા .
આજે સ્વ. ડો ઇન્દુભાઇના પુત્ર ડો. અભિલાષ વસાવડા ચર્મરોગના નિષ્ણાત તરીકે ત્રીજી પેઢીએ તબીબી સેવા આપે છે.
   

Thursday, 27 December 2012

परोपकारे विभाति सूर्य ...! ! !

સ્વ.મુ. સૂર્યકાંત રામપ્રસાદ ઓઝા. .(1923-2012)

          દુનિયામાં ઘણા જીવો જન્મ લે છે અને સમયાન્તરે અનેક લોકો મ્રત્યુ પામી દુનિયા  છોડી જાય છે   પરંતુ અનેક વિઘ્નો વચ્ચે,સંકટો અને સમસ્યાઓનો સામનો કરતા  ઝીન્દાદીલીથી જીવી જઈ,પોતાના દુઃખ-દર્દને રોયા વિના જીવી જનાર માણસ  પોતાની જિંદગીના નાટક નો સફળ કલાકાર ગણાય છે.
    નાનીવયે પિતા ગુમાવ્યા,પછી જ્યેષ્ઠપુત્ર તરીકે વિધવા માં,દિવગંતબેનની બાલ્યાવસ્થા ધરાવતી પુત્રી,બે નાના ભાઈઓ,અને પોતાનીપત્નિ,અને ચાર સંતાનો,આમ કુલ 9 વ્યક્તિઓના ભરણ-પોષણ અને તમામ જવાબદારી પોતાના ઉપર આવીપડી.
અખાડાના શોખીન,અને બાલ્યાવસ્થાથી જ અખાડા ખુંદીને શરીર સૌષ્ઠવ ધરાવતા, યુવાન સુર્યકાંતે ,
આ બધી જવાબદારીને પોતાની જ મિલકત સમજી જાળવી લીધી, અને મેટ્રિક સુધીનો અભ્યાસ કરી ભાવનગરની તાર ઓફીંસમાં કારકુન તરીકે નોકરી સ્વીકારી લીધી
તે સમયે તાર મોકલવા તથા આવેલા તાર યાંત્રિક રીતે ઉતારવાના મશીનો હતા"ટક ટકિયા મશીન " ચલવવાની ખાસ તાલીમ અપાતી હતી.તે બધું શીખી,પારંગતતા પ્રાપ્ત કરી તે ધીમે ધીમે આગળ વધ્યા , તેની પ્રગતિની,ગતિ કરતા વધુ ગતિથી તેઓની જવાબદારી વધતી ગઈ.
શિશુ અવસ્થાની માં વિનાની ભાણેજ મોટી થઇ,તેને પરણાવવાની જવાબદારી આવી,માંની વૃદ્ધાવસ્થામાં દવા-દારૂનો ખર્ચો વધ્યો,નાના ભાઈઓ કોલેજ માં આવ્યા, તેના અભ્યાસ ની ફી વધી પોતાના સંતાનો માં 3 પુત્રીઓ,અને એક પુત્ર મોટા થયા તેના શિક્ષણ અને સામાજિક પ્રસંગો નજીક આવ્યા,
તેમ છતાં હમેશા હસતામોઢે તે બધું સ્વિકારીલઈને 9 ખાવાવાળાસામે એક કમાનારો હિમત હાર્યા વિના આ એકલવીર આગળ ધપે રાખ્યો.
God helps those who helps themselves ના નિયમ મુજબ ઈશ્વરે તે તમામ પડકાર ને પહોંચી વળવા તેને સામર્થ્ય આપ્યું અને એક ભાઈ ને M,Com, અને બીજા ને D.E.બનાવ્યા.ભાણેજના લગ્ન પણ કૌટુંબિક  પરમ્પરામુજબ પર પાડ્યા,ભાઈઓના લગ્ન અને પોતાના પણ ચારેય સંતાનોના લગ્ન ધામેધૂમે કર્યા
આર્થિક વ્યવહારોને પહોંચીવળવા તેઓ એ શિયાળાની  કડકડતીઠંડી,અને ચોમાસાના ધોધમારવર્ષાદમાં ઓવરટાઈમ કર્યા તે ઉપરાંત વડીલ માં તેની સાથે હોય સતત મહેમાનો નો મારો પણ ચાલુજ
તે બધાને એકલે હાથે પહોંચી વળી,નિવૃત થયા,પણ તેની નિવૃત્તિ સમયે પોતાના સંતાનો ની જવાબદારી બાકી હોય તેમને ભાવનગરની રબ્બર ફેક્ટરીમાં નોકરી શરુ કરી.
આજીવન તેની સાયકલ તેનો મિત્ર અને સખા રહી
આખી જિંદગી જે માણસે નોકરી કરી અને તૂટી ગયો તેને 75 વર્ષ સુધી "પોતાનું મકાન" ન બનાવી શકયા , પણ "પોતાનું કુટુંબ "જરૂર બનાવી શક્યાઅને તે તેને માટે એક ગોંરવ હતું, સૌથી મોટી નોંધપાત્ર ઘટના તો એ છે કે,સતત ગરીબી,તંગી,આર્થિક ભીંસ વેઠવાછતાં કોઈ દિવસ કોઈ પાસે નથી હાથ લાંબો કર્યો, કે નથી કોઈની અપેક્ષા સેવી સલામ છે આ કર્મવીર,કદાવર મનોબળ વાળા ખુદ્દાર,ટેકીલા,સ્વમાની ઇન્સાનને
     મજબુત બાંધો અને કસાયેલું માનવ શરીર આખરેતો માટીનું જ બનેલું છે,?
 તેથી ધીમે ધીમે ઘસાતું ગયું અને,કુટુંબના ઉદ્ધારમાટે હોમાઈ જવાનું નક્કી કરીલેનાર આ નરબંકો 90 વર્ષ ની વયે તા,26 ડિસેના રોજ આ ફાની દુનિયાને છોડી,પરિવારના ઉદ્ધારકે સુખી અને લીલાછમ વડલાજેવા વિશાળ પરિવારને આખરી સલામ કરી પરલોકમાં સંચર્યો
   મુ સુર્યકાન્તભાઈને મારા કોટી, કોટી વંદન તેની જીન્દાદિલી,તેનો હસમુખો સ્વભાવ,અને જવાબદારીથી ન છટકવાની વૃતિ,તથા,વિકટ પરીસ્થીતીમાં પણ ધૈર્ય,અને હિમત ન ગુમાવવાનો,મને એક બોધપાઠ છે
સ્વ વિદ્યાબેન,અને સ્વ રામભાઈના જ્યેષ્ઠપુત્ર સુર્યકાન્તભાઈએ આજીવન ભેખધારીની જેમ પોતાનું સમગ્ર જીવન કુટુંબ પાછળ સમર્પિતકરીને, સંસ્કૃતની કહેવત યથાર્થ ઠરાવી   परोपकारे  विभाति सूर्य ...! ! !   

Wednesday, 26 December 2012

"કહા ગયે યે લોગ .......૨."

1906-2007




સ્વ. અરવિંદરાય દોલતરાય ઝાલા. M.A.(English )L .L ,B .

મજબુત,બાંધો,વાંકડિયાવાળ,શ્યામવર્ણ,મોહક્વ્યક્તિત્વ,અંગ્રેજી ભાષાપરનું 
ફાંકડુ પ્રભુત્વ,સુંદર વાકચાતુર્ય,અને  યુવાનીની ખુમારી તેના વ્યક્તિત્વનું,જમાપાસું હતું.વતનમાં રહીને નોકરી શોધવી શરૂ કરી.તે દરમ્યાન માં,જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અંગ્રેજીના અદયાપકની એક જગ્યા ખાલીપડી.અને તે માટે ઉમેદવારપાસેથી અરજી માગતી જાહેરાત રાજ્યના વર્તમાનપત્રમાં વાંચી,તેણે તેનેમાટે પોતાની અરજી મોકલાવી.તે
સમયે જુનાગઢરાજ્યના સચિવાલયમાં મર્હુમ વલીમહમદખાન બાબી(એક સમયની પ્રખ્યાત સિનેઅભિનેત્રિ,પરવીનબાબીના પિતાશ્રી)રાજ્ય શિક્ષણવિભાગમાં  ઉચ્ચાધિકારીતરીકે ફરજ બજાવતા હતા.જયારે
અરવિંદરાયના પિતાશ્રી દોલતરાયરાજ્યના નાણાકીય અધિકારી હતા.
એક જ કચેરીમાં જુદાજુદા વિભાગમાં ફરજ બજાવતા,બન્નેઉંચ્ચ અધિકારીઓ વચ્ચે ગાઢદોસ્તી હતી
એક દિવસ બાબીસાહેબે દોલતરાયને કહ્યું"દોલતરાય,તમારો અરવિંદ નોકરી શોધે છે ?
આપણી કોલેજની જાહેરાતના અનુસંધાને તેની અરજી મને મળી છે."
મુત્સદ્દી  દોલતરાયએ ટુંકો જવાબ આપ્યો,"સારૂ."
બાબી સાહેબને પોતાની અપેક્ષામુજબનો  પ્રતિભાવ ન મળતા થોડીવારના મૌન પછી તેણે આગળ ચલાવ્યું ,"હા પણ આપણે વર્તમાનપત્રમાં આપેલી જાહેરાત મુજબ તે અરજીઉમેદવારે રાજ્યના શિક્ષણ વિભાગને સીધી ન મોકલતા તે  through  proper  channelમોકલવાની  રહે છે, જયારે અરવિંદે શરતચૂકથી તે અરજી રાજ્ય ના શિક્ષણવિભાગ નેસીધીમોક્લેલીછે.જો તમે કહો તો તે અરજી નિયમ મુજબ પાછી ન  મોકલતા હું સ્વીકારી લઇ અને" અરજી આવક બુક" (Inward Register) માં નોંધાવી દઉં
ચાલક અને બુદ્ધિશાળી દોલતરાયને સમજતા વાર ન લાગી કે બાબી મારા સિદ્ધાંતવાદી
સ્વભાવની કસોટી કરે છે.અર્ધ મીચેલી આંખે દોલતરાયએ બાબીસાહેબ સામે જોઈ અનેપૂછ્યું 
"બાબી સાહેબ,જો અરવિંદ મારો પુત્ર ના હોત અને અન્ય ઉમેદવાર હોત તો તમે તેઅરજી નું શું કરત ? જો અરવિંદની અરજી રાજ્યની આપેલી જાહેરાત મુજબ હોય, તો મનેપૂછવાનું રહેતું નથી,અને જો રાજ્યની જાહેરાતના Norms મુજબ ના હોય તોપણ મનેપૂછવાપણું રહેતું નથી ?તમે રાજ્યના શિક્ષણવિભાગના વડા છો,નીતિ-નિયમને વળગી રહીને તમારે નિર્ણય લેવાનો છે.નિયમ મુજબ,થતું હોય તેમ કરો." બાબીસાહેબને પોતાની  અપેક્ષા મુજબનો જવાબ ન મળતા છોભીલા પડીગયા.
બીજે દિવસે બાબી સાહેબે અરજી ઉપર શેરો મારી અરજી અરવિંદરાયને  પરત કરી.
"Candidate is instructed to submit the application through proper channel”
આ બાજુ અરવિંદરાય પણ ખુમારી વાળા હતાઅરજી પાછીમળતા તેણે તે જગ્યા માટેફરી અરજી ન કરતા અમદાવાદની એચ.એલ.કોમર્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાઈપોતાની કાર-કીર્તિ શરૂ કરી..જો દોલતરાયએ ધાર્યું હોતતો પોતાનાં હોદ્દા,અને સબંધનીરૂએ પોતાનાપુત્રને ઘર-આંગણે,વતનમાં નોકરી  અપાવી શક્યા હોત.અને અરવિંદરાયને વતનની બહાર જવાની જરૂરત ઉભી થઇ ન હોત.આજકાલ માં-બાપો સંતાનને વતનમાં,કે વતનની નજીકનાશહેરમાં નોકરી અપાવવા માનતાઓ માને છે, કચેરી,અને અધિકારીઓના ઉંબરો ઘસે છે, પદાધિકારીઓની ચાપલુસીકરવા,અને લાંચઆપવા પણ તૈયાર થાયછે તેવા સંજોગોમાંપણ ,દોલતરાય એ સંતાનનાં સ્વાર્થખાતર  પોતાના સિદ્ધાંતસાથે બાંધ-છોડ ન કરી(કદાચ મોરારજીભાઈએ સિદ્ધાંતનાં પાઠદોલતરાય પાસેથીજ શીખ્યા હશે.) 
સિદ્ધાંત અને સંતાન  માં દોલતરાય એ સિદ્ધાંત ને પ્રાધાન્ય આપ્યું
 દોલતરાયએ પુત્ર અરવિંદરાય ને કહ્યું "જુનાગઢની બહાર નોકરી કરવામાં જ  તારુંહિત અને ભવિષ્ય
ઉજળું છે "
'तुलसी वहा न जायियो जहा बाप को गाम,
दास,गयो तुलसी भयो,भयो तुलसियो नाम "

અને બન્યુંપણ એવુજ,તે સમયનું જુનાગઢ અરવિંદરાયની કારકિર્દીમાટે ખાબોચિયા સમાન હતું, ગુજરાત યુનીવર્સીટીના મુખ્યમથક અમદાવાદખાતે તેને વિશાળતક પ્રાપ્તથઇ,પી.જી,વિદ્યાર્થીઓના માર્ગદર્શકરહેવા ઉપરાંત તેઓ યુનીવર્સીટીની સેનેટના અનેકવખત સભ્ય રહીચુક્યા હતા,તદુપરાંત બેંક ઓફ બરોડાની સ્ટાફ ટ્રેનીંગકોલેજનાપણ તેઓ વીઝીટીંગ પ્રોફેસરતરીકે સેવાઆપતા હતા.
યુનીવર્સીટીમાં,તેમજ વિદ્યાર્થીઓમાં જબ્બરખ્યાતીસાથે નામનામેળવી,અંગ્રેજી ભાષાનાપ્રોફેસર હોવા ઉપરાંત અંગ્રેજીસાહિત્યના ઊંડાઅભ્યાસુ હોવાનેકારણે તેમનીપાસે ભણીગયેલા અનેક વિદ્યાર્થીઓ આજે પણ એમને આદરપૂર્વક યાદકરી નમન કરે છે

સિદ્ધાંતવાદી સ્વ. દોલતરાય ઝાલા (21Dece ,1874 to 17  Jan .1949 )મારા દાદા થાય.   
 અને,સ્વ. પ્રોફ. અરવિંદરાય  દોલતરાય  ઝાલા  (13,Oct ,1916 ,to 31 ,Aug.2007 )
મારા વિદ્વાન કાકા થાય.
I am Proud of them.





Preview
Preview

Tuesday, 20 November 2012

ગુરૂ વંદના...1

     સ્વ,મનહરશંકર   મતિશંકર કીકાણી.
( લાધાભાઇમાસ્તર ).
                    1912-1977
" ઝળહળતી રોશનીના પ્રકાશમાં ભવ્ય ઈમારતની ટોચનાગુંબજને જોઈ ને વખાણનારાને ક્યાં ખબર છે કે તે ઈમારત ના પાયામાં ધરબાયેલી  ઈંટ જ  ઈમારત ની સાચી શોભા અને યશ છે. "
આઝાદી પહેલા  જુનાગઢ ની બાલશાળા માં ભણેલા ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર,ઇન્જિનીયર,
ચાર્ટર્ડએકાઉટંટ,કે બાહોશ ધારાશાસ્ત્રી, થયા હશે,  પણ ભાગ્યેજ બહુથોડા ને આવા પદ પર પહોચ્યા પછી અતિત માં ડોકિયું કરવા નો સમય મળે છે.
અને જો સમય મળે તો બહુજ થોડાને અતિતનું  સ્મરણ રહે છે .
આજે મારા 70માં જન્મદિવસે મારા તેવા એક ગુરુ ને  હું વંદન કરું છું .તે શિક્ષક એટલે સ્વ મુ, લાધાભાઇ કિકાણી,બહુ  થોડા લોકો ને ખબર હશે કે તેનું મુળનામ મનહરશંકર મતિશંકર કિકાણી,હતું. પોતાની મુળરાશિ વિનાનાનામ પાછળ પણ એકમજાની વાતછે પહેલા ના જમાના માં લગ્ન પછી સંતાન મોડા થાય તોપહેલા જન્મેલા સંતાન નું નામ
કૈંક જુદુજ રખાતું હતું તે રીતે સ્વ. લાધાભાઇ તેમના પિતાના જ્યેષ્ઠ પુત્ર હતા. અને
" પુત્ર લાધ્યો  " એમ કેહવાતા તેનું હુલામણું નામ ત્યારથી લાધ્યાભાઇ પડ્યું,
જે તુરંત માં અપભ્રંશ થઇ લાધાભાઇ તરીકે બોલાયું. આમ સમયાન્તરે તે અધિકૃત, અને સર્વમાન્ય પ્રચલિત નામ થી તે આજીવન ઓળખાયા.
એટલુજ નહી પરંતુ તેમના પુત્રો પણ આજની તારીખે પિતાના નામ તરીકે  લાધાભાઇ જ લખે છે.
 કે  જેમણે  સાચા અર્થ માં માસ્તરી ની મહેફીલો  જમાવી, કેટલાયે વિદ્યાર્થીઓ ની જિંદગી બનાવી.
ગોરોવાન,કત્થાઈ ગોળ ટોપી, ધોતિયું, અને લીટી વાળું શર્ટ,અથવા કફની. પગ માં હંમેશા કંતાન ના બુટ, અથવા (ભાગ્યેજ) ચંપલ.
નિજાનંદ માં જીવતા આ સાચા શિક્ષક નું મૂલ્ય તે સમય માં થોડું હતું.
પરંતુ બાલશાળા થી જીવનની કારકિર્દીની શરૂવાતકરી, સ્ટેશનપાસેની જુનીબુગદાશાળા, (હાલ ની કુમારશાળા-6 ) સુધી પોતાની માસ્તરી ની મહેક ફેલાવી.
હું ગણિતમાં કાચો. ગણિતમાં તૈયાર કરાવવા માટેના પિતાજીના અનેકવિધ પ્રયોગો પછી હારી, થાકી, અને મુ લાધાભાઇ ને શરણે મોકલ્યો. ઘેર ટ્યુશન રખાવ્યું, અને Rs.5/ માસિક ફી થી ઘેર ભણાવવા આવવું શરુ કર્યું 1 to100 શીખતા ખાસ્સો દોઢ મહિનો લાગ્યો મનેપણ ગણિત નામે ત્રાસથતો, એટલી હદે કે ગણિતનું પુસ્તક હાથમાં લેતા જાણે વીજળી નો જીવતોવાયર પકડ્યો હોય, તેવી અનુભૂતિ થતી.  ધીમે ધીમે બધું આગળ ચાલ્યું અને છેલ્લે પા, અડધા,અને પોણા,ના આંક, પછી સવાયા દોઢા અને અઢિયા ના આંક શીખવતા ખુદ સાહેબને પણ પરસેવો વળીજતો. આઝાદી પૂર્વેના તેમના શિષ્યોને યાદહશે કે સાહેબ નો ઉત્સાહ અને ખંત કેવા હતા.
 સ્વ લાધાભાઇ વિષે તેના ભુતપૂર્વ વિદ્યાર્થી, અને અમેરિકા સ્થિર થયેલ રમતવીર સ્વ. ડો પરિમલ માંકડે એક વાર કહેલું કે "તાળો મેળવવા( જવાબ ની સત્યતાચકાસવી) ની અદભૂતકળા જો શીખવી હોયતો તે માત્ર લાધાભાઇ માસ્તર જ શીખવી શકે".
અમેરિકા સુધી જેની કુશળતા વિષે બોલાતું હોય તે શિક્ષક નું પ્રાવિણ્ય
કેવું હોઈ શકે ? તેનું આ ઉદાહરણ છે.
જે જમાના માં કેલકયુલેટર , કે નોટ ગણવાના મશીન ન હતા અને બધુજ બેંક નું કામ મેન્યુઅલી
થતું હતું તે સમયે મને બેંક માં નોકરી મળતા,હિસાબી જ્ઞાન શીખવવાનો યશ સ્વ. લાધાભાઇ સાહેબ ને ફાળે જાય છે.
સ્વ. લાધાભાઇ સામાન્ય પરિવાર માં જન્મી અને સામાન્યજીવન  જીવ્યા.
1977 માં જામનગર ખાતે તેનું અવસાન થયું
 તેમને કુલ ચાર સંતાન જે પૈકી એક દીકરી અને ત્રણ પુત્ર-રત્ન.
મોટા પુત્ર વિપિન મારો મિત્ર અને સહાધ્યાયી ,
જ્યોતીન્દ્ર દવે જેવું સુકલકડી શરીર પણ તેવોજ બુદ્ધિમાન.
તખ્તા નો તે અદલ કલાકાર, અને વળી કલમ નો પણ કસબી ખરો જ.  હાલ તે સુરત ની કોલેજ માં પ્રાધ્યાપક છે
બીજો પુત્ર તે પ્રવિણ  પિતા ના પગલે તે પણ પૈતૃક વારસો લઇ  શિક્ષક બન્યો
અને ત્રીજો પુત્ર તે વિજય.
વિજય કિકાણી બહુ  પ્રચલિત, લોકજીભે ચડેલું નામ છે.
પિતા જેટલીજ સાદગી. હમેશા પગપાળા જ ફરવાનું અને નિસ્પૃહી, અને, બિનાડામ્બરી  જીવન.
વિજય જુનાગઢ ની અનેક સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે
છતાં ક્યાંયે કોઈ જગ્યા એ સુટ  -બુટ માં ફોટો પડાવી, અને પ્રસિદ્ધિ મેળવવા નો પ્રયાસ  કોઈ વર્તમાનપત્ર કે બરછી સહિત માં જોયો નથી. પ્રસિદ્ધી ની ભૂખ મોદી, થી બચ્ચન
અને શાહરૂખ,થી સલમાનસુધી ના સહુ કોઈ  ને પણ હોય, કાર્યક્ષેત્ર પ્રમાણે ભલે તે  નાની કે મોટી, પણ તે ભાંગેનહી તેવી ભૂખ વિજય માં કદાપી દ્રષ્ટિગોચર નથી થઇ. કારણ કે, વિજય ન તો રાજકારણી છે, ન તો કલાકાર. તે છે સેવા અને આદર્શ ની જીવંત  મુર્તિસમો. તેઓ ઘણી સંસ્થા સાથે જોડાયેલા છે .
માલીવાડા ખાતે ના બજરંગ દલ ધૂન મંડળ નું 74 મુ વર્ષ ચાલે છે આવતે વર્ષે અમૃત મહોત્સવ ઉજવાશે.
તેમાં ગરીબો ને અન્ન દાન, અને વસ્ત્ર દાન થાય છે આવડી મોટી સંસ્થા ને, આજીવિકા માટે કરવી પડતી નોકરી ઉપરાંત સમય આપવો તે ઘણું અઘરું કામ છે.
"નરસિંહ મેહતા પ્રતિમા સમિતિ" માં તેઓ કાર્યરત છે  તેઓ એક ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.
વસાવડ ખાતે આકાર લઇ રહેલ નરસિંહ મેહતા ધામમાં પણ તેઓ ટ્રસ્ટી છે.
સૌથી મોટું અને ભગીરથ કાર્ય તે તેમનું વૃધાશ્રમ
આજે પોતા ના ઘર ના વડીલ ના સુખદુખ પૂછવાનો સમય પોતાના સંતાનો ને નથી હોતો, તેવા વૃદ્ધ વડીલો ના ખભે હાથ મૂકી ને પ્રેમ થી સાંભળવા સહેલું નથી.
પોતે તેટલાજ ધાર્મિક વૃતિ ના છે શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ, અને વૃદ્ધાશ્રમ, એ વિજય ની સેવાપ્રવૃત્તિ માં એક રંગીન પીછું ઉમેર્યું છે.
મારું અંગત માનવું છે કે આવા જ્ઞાતિના ગોઉરવ સમાં સેવાભાવી ને
જો **ભ્રાતૃમંડલ  કોઈ વાર બિરદાવે, અથવા શાલ ઓઢાડી ને સન્માન કરે , કે પુષ્પ ગુચ્છ થી નવાજે તો તે ખોટું નથી.
હું ઘણા વર્ષો થી જુનાગઢ ની બહાર છું, તેથી જો ભૂતકાળ માં આવું બહુમાન કર્યું હોય તો મને ખબર નથી.
નવાવર્ષ ના સ્નેહ્સમેલનમાંપણ જો આવા સેવાભાવી ને કોઈ વાર અતિથી વિશેષ બનવાની તક મળે, તો તે પણ યોગ્ય બહુમાન ગણાય.
તેમના મનનીય પ્રવર્ચન થી આવનારી પેઢી નાસંસ્કાર માં સેવા નું સિંચન જરૂર થાય.
સેવાભાવીઓ ને બહુમાનની નથીપડી હોતી. તેમછતાં માત્ર પુષ્પગુચ્છ પણ તેને મન પદ્મભૂષણ સમાન એટલે છે કે તે પોતાનીજ્ઞાતિ એ કરેલી તેની કદર છે.
હું એમ પણ માનું છું કે વિજયની સેવા ની કદરકરવી તે આડકતરી રીતે સ્વ લાધાભાઇ ની કદર કરી તે સદગત આત્મા ને સાચું તર્પણ આપ્યા  બરાબર છે.
સ્વ લાધાભાઇ કિકાણી સાહેબ ને મારી હાર્દિક શબ્દાંજલિ અર્પું છું.



**(અત્રે રજુ થયેલ વિચારો માત્ર મારો અંગત મતછે. કૃપાકરી તેને સલાહ, સૂચન, કે માર્ગદર્શન ન ગણવા વિનંતી તેટલી ક્ષમતા મારામાં નથી).