Sunday, 8 October 2023

કાગવાસ

કાગવાસ 

પત્નીના અવસાન બાદ છ મહિનામાં જ શંકરલાલને પુત્રવધુ એ વૃદ્ધાશ્રમના દરવાજા દેખાડી દીધા.એક જ શહેરમાં ઘરથી ખાસ્સા દૂરના અંતરે આવેલ એક વૃદ્ધાશ્રમમાં શંકરલાલ આધ્યાત્મિક જીવન ગુજરી રહ્યા હતા. દીકરો કે વહુ કોઈ દિવસ ખબર અંતર પૂછવા,કે ભાળ કાઢવા પણ આવતા ન હતા. શંકરલાલનો એક લંગોટિયો મિત્ર દિનકર નિયમિત રીતે કંપની આપવા આવે. એ આવે ત્યાં સુધી શંકરલાલ ખુશખુશાલ હોય. બચપણના જુના દિવસો યાદ કરી કલાકો સુધી વાતો કરી આનંદથી છુટા પડે.શંકરલાલને પણ હવે ઘર યાદ આવતું ન હોતું, ઘરની કે પરિવારના મોહ માયાના બંધનોથી મુક્ત થઇ ચુક્યા હતા,તેમ છતાં ક્યારેક દિનકર આવે ત્યારે તેની સાથે પુત્ર-પુત્રવધુના વર્તન અને છળ-કપટ વિષે ઉપરછલ્લો ઉલ્લેખ કરી બે આંસુ સારી લેતા.બસ,આ રીતે શંકરલાલ જીવનના શેષ વર્ષો છતે પરિવારે, પરિવાર વિનાના એકલા રહી શાંતિથી જીવતા હતા.

      એકવાર શંકરલાલ બીમાર પડ્યા.સાધારણ તાવ શરદી જ હતા પણ ઉંમર અને અપાર વ્યાધિથી ખવાઈ ગયેલા શરીર ઉપર તેની વધુ અસર દેખાતી હતી.મિત્ર દિનકર હવે નિયતમિત રીતે થોડો વધુ સમય ફાળવી શંકરલાલની કાળજી રાખતા હતા. લગભગ રોજ પથ્ય ફળો લઈને સવાર સાંજ આવતા .

એક સાંજે વૃદ્ધાશ્રમની પરસાળમાં હિંચકા ઉપર બન્ને મિત્રો બેઠા હતા એવામાં દિનકરે વાત ઉખેળતાં  કહ્યું,

" શંકર, હું જાણું છું કે મારી વાત તને ગળે તો ઉતરશે નહિ, કદાચ તને ગમશે પણ નહિ તેમ છતાં તારા એક શુભેચ્છક અને અંગત મિત્ર તરીકે તને સમજાવું છું કે,થોડું નમતું મૂકીને પણ તું પુત્ર-પુત્રવધૂ સાથે તારે ઘેર રહે. હું દીકરા વહુનો સ્વભાવ જાણું છું કોઈ પણ સ્વમાની વ્યક્તિ સહન ન કરી શકે એટલી હદે એમના વાણી-વર્તન  કઠોર છે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.સંસારની મોટાભાગની વડીલ વ્યક્તિઓ પરિવારમાં ઝેરના ઘૂંટ પી ને જ જીવતા હોય છે પણ આપણને એની ખબર હોતી નથી.સહન હંમેશા સજ્જનોએ જ કરવાનું હોય છે.ફૂલ ખરી જાય છે,પણ કાંટા ખર્યા એવું ક્યાંયસાંભળ્યું છે ?ક્યારેક પણ દેહ ઢળી જશે ત્યારે કાંધ એ દીકરો  જ આપશે, એ જ દીકરો મુખાગ્નિ આપી ચિતા ઠારશે, અને એ જ દીકરો દરવર્ષે શ્રાદ્ધ ઉજવશે.જેમ હું એમના સ્વભાવને ઓળખું છું એમ તને પણ બચપણથી ઓળખું છું ગરીબીમાં પણ ખુદ્દારીથી કોઈ પાસે હાથ લાંબો કર્યા  વિના તું એમ.એ.સુધી ભણ્યો, કોઈની ભલામણ વિના સ્વબળે તેં ખુદ્દારીથી અને વટ્ટથી નોકરી કરી, સુંદર વિશાળ ઘર ઉભું કર્યું અને પરિવારની ગરીબી દૂર કરી.શિસ્ત અને સિદ્ધાંત સાથે તેં કોઈ દિવસ સમાધાન નથી કર્યું હું બધું જાણું છું અને દરેક બાબતનો સાક્ષી છું પણ જમાનો બદલાયો છે,નવી પેઢીના વિચારો અને જીવન મૂલ્યો બદલાયા છે.જમાનો મંચુરિયન પાણીપુરી અને પીઝાનો છે.એડજસ્ટ આપણે થવાનું છે. હવે આપણું આયુષ્ય પણ કેટલું ? દરેક મિનિટે આપણું આયુષ્ય ઘટતું જાય છે.ઘડિયાળની ટીકટીકને મામૂલી ન સમજજે દોસ્ત એટલું સમજી લે જે કે જિંદગીના વૃક્ષ ઉપર એ  કુહાડીના વાર છે" ભીની આંખો લૂછતાં દિનકરે પૂરું કર્યું.

 આંખ મીંચીને શાંતિથી દિનકરને સાંભળતા શંકરલાલે ઉભા થઇ ટિપોઈ ઉપરના જગમાંથી પાણી પીવા આપ્યું. થોડી સ્વસ્થતા કેળવતાં શંકરલાલે કહ્યું," દિનુ, તું શબ્દશ: સાચો છે,તું તો ઘડિયાળ જેવી નિર્જીવ વસ્તુની વાત કરે છે પણ મારી ભીતરના દરેક શ્વાસોચ્છશ્વાસ કરવત રૂપે મારા આયુષ્યવ્રુક્ષને વ્હેરે છે. તારું કહેવું છે,હું મારે ઘેર જાઉં ? મારે ઘર જ ક્યાં છે ?તને ખબર છે ? વર્ષો પહેલા આ મકાન મેં  મારી પત્નીના નામે બનાવ્યું હતું ,આજથી દસ-અગ્યાર વર્ષ પહેલાં મારી પત્ની ઉમા સખત બીમાર પડી અને દવાખાને દાખલ કરવાની નોબત આવતા દિવસના ભાગે તેની દેખભાળ રાખવા હું દવાખાને હાજર રહેતો,જયારે રોજ રાત્રે દવાખાને સુવા માટે તુષાર  જતો હતો.એક રાત્રે ઉમાની અર્ધબેભાન પરિસ્થિતિનો લાભ લઇ તુષારે તેની પાસે કોરા સ્ટેમ્પપેપર ઉપર સહી કરાવી લીધી.થોડા દિવસોમાં ઉમાનું અવસાન થયા બાદ મારે ઘર છોડવું પડે એવી પરિસ્થિતિ ઉભી કરી દીધી. મારા ઘર છોડ્યા પછી, સહી કરાવેલ કોરા સ્ટેમ્પ પેપર ઉપર મકાનના એકમાત્ર વારસદાર પોતે હોવાનું ટાઈપ કરાવી મકાન મારી જાણ બહાર વેચી દઈ, શહેરના પોશ વિસ્તારમાં પોતાના નામે એક દુપ્લેક્સ ખરીદી લીધો.અહીં આવ્યા બાદ મને મારુ મકાન વેંચીને એ રકમ અત્રેના વૃદ્ધાશ્રમમાં આપી દેવાનો વિચાર આવતા, આપણી જોડે ભણતા અને આજે નામી વકીલ તરીકે ઓળખાતા વિશ્વેશ પુરોહિતને બોલાવી મકાનના મૂળ દસ્તાવેજ બતાવી, મારી ઈચ્છા વ્યક્ત કરી.બીજે દિવસે જયારે પુરોહિતે સીટી સર્વે કચેરીએ જઈને તપાસ કરતા માલુમ પડ્યું કે ઉમાના વારસાઈ વીલના દસ્તાવેજના આધારે તુષારે એ મકાન પોતાના નામે કરી અને વેચી પણ નાખ્યું છે. મને દુઃખ એ વાતનું થયું કે મારા પિતાજીની આર્થિક સ્થિતિ બિલકુલ નબળી હતી ત્યારે અભ્યાસ સાથે શહેરની શેરીઓમાં ઉઘાડા પગે હું લોટ માગવા ઘેર ઘેર ભટકતો હતો, કઠોર પરિશ્રમ,અમાપ પ્રામાણિકતા અને શુદ્ધ વ્યવહારથી જયારે હું મારા પગ ઉપર ઉભો થઈ  વિશાળ મકાન બનાવી શક્યો ત્યારે આજે લોટ માગવાનું  એ જ શકોરું દીકરાએ મારા હાથમાં પકડાવી દીધું. દિનુ, બાપની આંખમાં બે વાર આંસુ આવે છે એક જયારે દીકરીને વિદાય આપે ત્યારે અને બીજું, દીકરો જયારે બાપને ઘર બહાર કાઢી મૂકે ત્યારે આટલું બોલતાં શંકરલાલને થોડો શ્વાસ ચડતા અટકી ગયા, થોડું પાણી પી આગળ ચલાવ્યું "વાત રહી મારો દેહ ઢળી ગયા પછી અંતિમ ક્રિયા-કર્મની,તો દિનુ, તું સાંભળી લે કે હું મારા અવસાન પછી પણ મારા પુત્ર-પુત્રવધૂ મારા નિષ્પ્રાણ દેહને ન જોઈ શકે એવું હું ઈચ્છું છું,મારા ચેતનહીન દેહ ઉપર એમનો પડછાયો મને શાંતિથી બળવા પણ નહિ દે. મેં સંસ્થાના ટ્રસ્ટીઓને લેખિતમાં આપી દીધું છે કે મારા દેહવિલયના સમાચાર મારા પુત્રને આપ્યા વિના અન્ય સાથીમિત્રોની મદદથી અવલ મંજિલ પહોંચાડજો.એટલું જ નહિ પણ હું ઈશ્વરને રોજ પ્રાર્થના કરું છું કે એવું મોત આપજે કે મારા અવસાનની ભનક સહીત મારા સંતાનને ન આવે.ત્યાં પછી શ્રાદ્ધ કે કાગવાસની જરૂર જ ક્યાં રહી ? જે દીકરો પોતાને રસોડે બાપને કોળિયો ખીચડી ન ખવરાવી શક્યો, એ બાપ ભાદરવાના તપતા તાપમાં અગાસીએ મુકેલ ચાર પુરી અને ચમચી દૂધપાક ખાવા જાય ? કપાતર સંતાન હોવાના દુઃખ જેવું દુનિયાનું કોઈ મોટું દુઃખ નથી એવા સંતાનનું દુઃખ કપાળ વચ્ચેની મોટી રસોળી જેવું છે જયારે અરીસામાં જુઓ ત્યારે સામે ને સામે.દોસ્ત, બધા શંકર ઝેર નથી પચાવી શકતા નામ શંકર હોવાથી કંઈ નીલકંઠ નથી બની જવાતું." શંકરલાલે ગળે અટકેલું વિષ ઓક્યું 

દિનકરે ઘડિયાળ તરફ જોયું. સાડાસાતનો સમય થયો હતો. દિનકરે કહ્યું, " શંકર, હવે સમય થયો છે હું ઘેર જવા નીકળું.આજે મેં તારી મનોસ્થિતિ ડહોળી નાખ્યા બદલ હું માફી માંગુ છું.પ્લીઝ મને માફ કરજે. 

જવાબમાં શંકરલાલ બોલ્યા, "અરે, દિનુ  તું એ શું બોલ્યો,? હું ખુશ છું કે વર્ષોથી અંદર ધૂંધવાયેલ ભારેલો અગ્નિ આજે બહાર નીકળી ગયો અન્યથા એ મારી તબિયતને વધુ નુકશાન કરત. એટલું કહી ભીની આંખે શંકરલાલ દિનકરને ભેટી પડ્યા.ખુબજ ના પાડવા છત્તાં શંકરલાલ દિનકરને દરવાજા સુધી વળાવવા ગયા દિનકર દેખાતો બંધ થયો ત્યાં સુધી ધૂંધળી આંખે શંકરલાલ તેને જોતા રહ્યા.

*******

  બીજે દિવસે નિત્યક્રમ પ્રમાણે દિનકરભાઇ થોડી મોસંબી,અને સફરજન લઈને વૃદ્ધાશ્રમ આવ્યા. શંકરલાલની રૂમ ઉપર તાળું જોઈ તેને આશ્ચર્ય થયું. જે શંકર પોતાના રૂમની પરસાળમાં હંમેશા ઝૂલે હિંચકતો  હોય એ શંકરની રૂમે તાળું અસંભવ છે. થોડીવાર વિચાર કર્યા બાદ તેને થયું કે કદાચ શંકરને ગઈકાલની મારી સલાહ ગળે ઉતરી હોય અને પોતાને ઘેર પાછો ફર્યો હોય એવું પણ બની શકે. જો સાચે જ એવું બન્યું હોય તો એ આનંદની વાત છે.આમ વિચારતા પોતાની જાતે ગૌરવ અનુભવતા હતા એવામાં, વૃદ્ધાશ્રમના મેનેજરનું તેના ઉપર ધ્યાન પડતા પૂછ્યું,  ભાઈ, તમારે કોનું કામ છે ?"

દિનકરભાઈએ જવાબ આપ્યો, "હું શંકરનો જૂનો મિત્ર છું અને રોજ અહીં તેને મળવા આવું છું, પણ આજે એની રૂમ ઉપર તાળું જોઈ મને આશ્ચર્ય થાય છે"

મેનેજરે જવાબ આપતા કહ્યું, " શંકરલાલને ગઈ રાતે સખત તાવ અને શ્વાસની તકલીફ ઉપડતા અમે તેને સરકારી દવાખાને દાખલ કર્યા છે.આજે સવારે તેની લેબોરેટરીની તપાસ થવાની હતી, કદાચ હવે  રિપોટ્ર્સ  આવી ગયા હશે" 

"શું વાત કરો છો, ?આમતો બે દિવસથી તાવની ફરિયાદ તો કરતા હતા પણ આટલું ગંભીર હશે એવી ખબર નહિ, હું અહીંથી સીધો જ દવાખાને જાઉં છું "આટલું બોલતા તો દિનકરભાઈની આંખમાંથી પાણી ટપકવા મંડ્યા વૃદ્ધાશ્રમના ચોગાનમાં આવેલ શિવમંદિરે જઈ સાથે લાવેલ ફ્રૂટ્સ ભગવાનને ધરતા દિનકરભાઇ પોકે પોકે રડ્યા અને શંકર ભાઈના આરોગ્યની પ્રાર્થના સાથે દર્શન કરી સીધા દવાખાને પહોંચ્યા. 

દવાખાને પહોંચતા જ ફરજ ઉપરના તબીબને વિગતે વાત પૂછતાં જાણવા મળ્યું કે શંકરલાલ કોરોનામાં સપડાયા છે અને શ્વાસની વધુ તકલીફ હોવાથી આઈ.સી.યુ. વોર્ડમાં ઓક્સિજન ઉપર છે,વધુમાં ડોકટરે ઉમેર્યું કે સરકારી માર્ગદર્શિકા પ્રમાણે કોરોનના કોઈ દર્દીને રૂબરૂ મળવા દેવાતા ન હોય,તમે એને રૂબરૂ  જોઈ શકશો નહિ. માત્ર વોર્ડની કાચની બારીમાંથી તેને જોઈ શકશો"

દિનકારભાઈએ તબીબની સૂચના મુજબ વોર્ડની કાચની બારીમાંથી ઓક્સિજનની નળીથી બેચેની અનુભવતા શંકરલાલને જોઈ નિરાશ ચહેરે ઘેર પાછા ફર્યા.

બીજે દિવસે ફરી દિનકરભાઇ દવાખાને પહોંચ્યા, વૃદ્ધાશ્રમના મેનેજર પણ ત્યાં હાજર હતા. ફરજ ઉપરના તબીબે જણાવ્યું કે રાત્રે વધુ તકલીફ થતા આખી રાત એને વેન્ટિલેટર ઉપર મૂકી અમે તાત્કાલિક સારવાર આપી પણ એ કારગત ન નીવડતા આજે પરોઢીએ શંકરલાલે દેહ ત્યાગ કર્યો છે. એના અંતિમ સંસ્કાર બપોરે બે વાગ્યે સરકારી માર્ગદર્શિકાના નિયમ અનુસાર કરવામાં આવશે. દિનકરભાઇએ કાચની બારીમાંથી નશ્વર દેહના દર્શન કરતાં પુત્રના નહોરથી ઉજરડાયેલો આત્મા સફેદ પ્લાસ્ટિકથી વીંટળાએલો પડ્યો હતો.

ચોધાર આંસુએ રડતાં દિનકરભાઈએ વિચાર્યું કે " કેટલો શુદ્ધ અને નિખાલસ આત્મા હતો કે ભગવાને એની પ્રાર્થના સાંભળી અને સ્વજનો કે અન્ય કોઈની સેવા લીધા વિના,કોઈની હાજરી કે જાણ વિના એમની અંતિમ ઈચ્છા અનુસાર હળવેકથી સરકી ગયો ! શંકર ખરો ખુદ્દાર અને વટ્ટ વાળો. જે રીતે જીવ્યો એ જ રીતે મર્યો. ત્રાસની પરાકાષ્ટા,અને સહનશીલતાનો ઇતિહાસ આજે પૂરો થયો    

*******

"મમ્મી,આજે શું છે તે દૂધપાક બનાવ્યો છે ? આજે કોઈ તહેવાર તો નથી ?" નવવર્ષના નિર્દોષ ચિન્ટુએ મમ્મીને પ્રશ્ન કર્યો .

"બેટા, આજે દાદાજીનું શ્રાદ્ધ બેસારીયે છીએ.એનું પહેલું શ્રાદ્ધ છે તેથી બ્રહ્મ ભોજન કરાવી કાગવાસ આપવાનો હોય, દૂધપાક  બનાવ્યો છે ?

ચિંટુની ઇંતેજારી વધી. બીજો પ્રશ્ન પૂછ્યો, " મમ્મી, એ કાગવાસ શું છે ? એમાં શું કરવાનું હોય?

"દર વર્ષે શ્રાદ્ધપક્ષમાં પિતૃની મૃત્યુ તિથિના દિવસે  પિતૃઓ પોતાના સંતાનને ઘેર કાગડાના સ્વરૂપે જમવા પધારે. બ્રહ્મ ભોજન સમયે થોડો દૂધપાક અને ત્રણ ચારપુરી આપણે અગાસીમાં કે છાપરા ઉપર મૂકી આવ્યા પછી વડીલ કાગસ્વરૂપે ત્યાં આવી આરોગી,તૃપ્ત થઇ, અને પરિવારને આશીર્વાદ આપે.

ચિન્ટુ હસી પડ્યો. "અવસાન પામતા બધા વડીલો મૃત્યુ પછી કાગડા બની જતા હશે ?"

"બેટા,મને વિશેષ કંઈ ખબર નથી, આ ધાર્મિક અને સામાજિક રૂઢિ છે જે બધાજ લોકો આ પરંપરા નિભાવતા હોય છે " મમ્મીએ જવાબ આપી વાતને ટૂંકાવી.

ચિન્ટુના જન્મના ત્રણ ચાર મહિનામાં જ શંકરલાલે ઘર છોડ્યું હોય, ચિન્ટુએ દાદાજીને જોયા તો નહોતા પણ દાદાના લાડ અને પ્રેમથી વંચિત રહ્યો હતો..સમજણો થયા પછી એમના કુમળા માનસ ઉપર ખોટી અને ખરાબ અસર ન પડે એટલે એને સમજાવવામાં આવ્યો હતો કે દાદાજી ઘણા સમયથી દૂરના બીજા શહેરમાં રહે છે.

ભોજનનો સમય થતાં બ્રહ્મદેવે શ્રાદ્ધની વિધિ પરિપૂર્ણ કરી ભોજન આરોગતા પહેલાં કાગવાસ તૈયાર કરી તુષારને અગાસીએ મુકવા જણાવ્યું.ઇંતેજારીથી ચિન્ટુ પણ સાથે ગયો. બધા એ જોડે શ્રાદ્વનું ભોજન સાથે લીધું

****

સાંજે શાળાએથી પાછા ફર્યા પછી ચા-નાસ્તો કર્યા  વિના ચિન્ટુ સીધો અગાસીએ જોવા ગયો.આજુબાજુ નિરીક્ષણ કર્યા પછી નીચે આવીને મમ્મીને કહ્યું " મમ્મી, તું કહેતી હતી કે દાદાજી કાગ સ્વરૂપે ભોજન કરવા આવશે પણ આપણે મુકેલ ભોજન તો ત્યાં એમને એમ જ પડ્યું છે.એટલું જ નહિ પણ તડકામાં સુકાઈ ગયેલી પુરી ઉપર કીડીઓનો થપ્પો જામ્યો છે ? આમ કેમ થયું ?

મમ્મીએ ભારે મોઢે જવાબ આપ્યો, "મને ખબર નથી "

ચિન્ટુ બોલ્યો,"કદાચ વર્ષોથી દાદાજી આપણે ઘેર આવ્યા નથી એટલે ભૂલા પડ્યા હશે અને ઘર જડ્યું નહિ હોય "

તુષારે અને તેની પત્નીએ એકબીજાની સામું જોયું,બંનેની આંખમાં આંસુ ઉભરાયા. 

******


Wednesday, 4 October 2023

કાગડો

 (૧) કાગડા ઉડવા – કોઈ સભા કે બેઠકમાં માણસોની પૂરતી હાજરી ન હોવી તેમ


(૨) કાગડા કકળાવવા – સત્યાનાશ જવું તેમ શાપ આપવો

(૩) કાગડાની કોટે કંકોતરી – કોઈ વાત તરત જાહેર કરી દે તેવું; ગામવાતોડિયું

(૪) કાગડાની કોટે દહીંથરુ ( કે રતન કે હીરો ) – અપાત્રને દાન અથવા કોઈ ગરીબ પાસે સારી વસ્તુ હોવી

(૫) કાગડાની ગુદા માંથી ગંગાજળ કાઢવું – ઘણું મુશ્કેલ કામ હોવું/કરવું

(૬) કાગડાની નજરે જોવું – સતર્ક રહેવું કે ચારેકોર નજર રાખી તપાસ કરતા રહેવું

(૭) કાગડાનું બેસવું ને તાડ/ડાળનું પડવું – અચાનક કૈક દૈવયોગે બનવું

(૮) કાગડાનું હસવું ને દેડકા/ઉંદરનો પ્રાણ જાય – બીજાને નુકશાન અને પોતાને લાભ થાય તેમ કરવું

(૯) કાગડાના મોઢે રામ ન હોય – પાપીના મોઢેથી સારો વેણ ન હોય

(૧૦) કાગડાના શાપે ઢોર ન મરે – સ્વાર્થીના શાપથી કંઈ અનિચ્છનીય ન બને.
વધુમાં;

(૧૧) કાગડાને સોળે દહાડે શ્રાદ્ધ – માંગી ખાનારને કાયમ સારું ખાવાનું જ મળે

(૧૨) કાગડાના હાથે કંકોતરી – રોતો જાય ને મૂઆના ખબર દેતો જાય

(૧૩) કાગડાને કાળો રંગવો પડે? – નીચ માણસ નીચ જ હોય

(૧૪) કાગડો કાગડીને ના ધીરે – લુચ્ચો માણસ લુચ્ચાને ઉછીનું ન આપે

(૧૫) કાગડો કોયલને હસે – કોઈ પોતાનો દોષ ન જુએ અને બીજા પર હસે

(૧૬) કાગડો દહીંથરુ લઈ ગયો – છેતરી જવું અથવા સારી વસ્તુ કોઈ અયોગ્યના હાથમાં હોવી

(૧૭) કાશીમાં’ય કાગડા તો કાળા જ હોય – મલિન માણસ કોઈપણ સ્થળે મલિન જ હોય છે

(૧૮) છત્રી કાગડો થઈ જવી – બધું વીંખાઈ / ઊલટું થઈ જવું

(૧૯) કાગનો વાઘ કરવો – નાની વાતને મોટું સ્વરૂપ આપવું

(૨૦) કાગરાશ ભણેલો – વધુ ભણેલા માટેનો વ્યંગ

(૨૧) કાગનું પીંછ કરીને ઉડાડી દેવું – કોઈને હલકો ચિતરવો

(૨૨) કાળના કાગડા ખાઈ ગયો – લાબું જીવન જીવનાર માટે બોલાતો પ્રયોગ

(૨૩) નામ એનો નાશ ને કાગડા પામે વાસ – જન્મ લેનારનું મૃત્યુ છે.

કાગડા સંબંધિત કેટલાક અન્ય શબ્દો.

(૧) કાગા નીંદર – કાગડા જેવી અર્ધી ઊંઘ

(૨) કાગા મૂંડો – કાગડા જેવો ઢોંગ રચનાર વ્યક્તિ

(૩) કાગવાસી – પશુ પંખીની ભાષા જાણનાર

(૪) કાગીયો – કાગડાને ખવરાવવાનો લાડવો

(૫) કાગડી/કાગણ – કાગડાની નાર

(૬) કાગોલિયા – કાગડાના બચ્ચા

(૭) કાગડોળ – બદશીકલ/કદરૂપુ

(૮) કાગ ડોળીયું – કાગડા જેવા ડોળા વાળું

(૯) કાગા રોળ – ખોટો શોરબકોર

(૧૦) કાગવાણી – કાગડાની વાણી

(૧૧) કાગ દ્રષ્ટિ – ઝીણી નજર

(૧૨) કાગમાળ – કાગડાના માળા જેવું કામચલાઉ કે દમ વગરનું.
****
સંકલન :

Tuesday, 3 October 2023

અષાઢી બીજ

 અષાઢી બીજ

વર્ષો પહેલાની અષાઢી બીજની આ વાત છે.

જૂનાગઢ થી અમદાવાદ આગલી રાત્રે એસ.ટી.ની બસમાં મુસાફરી કરી વહેલી સવારે પાંચ વાગ્યે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડએ હું અને મારી પુત્રી ઉતર્યા. અષાઢી બીજનો દિવસ હોય,ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને કારણે અમદાવાદ ચારે ખૂણેથી પોલીસ,અને એસ.આર.પી.થી ઘેરાયેલું હતું. વળી ગીતા મંદિરની નજીક જ સંવેદન શીલ વિસ્તાર હોવાને કારણે બસ સ્ટેન્ડ ઉપર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાખી ધાડાં ઉતરી પડ્યા હતા. અમે વિચાર્યું કે સવારમાં વહેલા રિક્ષા ચાલકો ડોઢું ભાડું વસુલાત હોય નારણપુરા સુધી વધુ પૈસા ખર્ચીને જવાને બદલે સવારના ચા-નાસ્તો બસ સ્ટેન્ડ ઉપર પતાવી,ફ્રેશ થઈ અને દિવસ ઉગતા સામાન્ય રીક્ષા ભાડામાં ઘેર જશું.એવું વિચારતા બસ સ્ટેન્ડે બસ આવી ઉભી,સામાન સાથે અમો બન્ને ઉતરતા હતા ત્યાં એક અજાણ્યા રીક્ષા વાળાએ મારા હાથમાંની બેગ ઉપાડતા પૂછ્યું

"સાહેબ,ક્યાં જવું છે ?"
આખી રાતનો બસનો ઉજાગરો,અને સાત કલાકની એકધારી બેઠી મુસાફરીથી થાકેલ હોઉં,આંખ પણ બળતી હતી. અર્ધ મીંચેલી આંખે મેં રીક્ષા વાળાને કહ્યું "ભાઈ. હજુ વાર છે,હમણાં નથી જવું "
ચાલાક રીક્ષા વાળો સાચું કારણ સમજી ગયો અને બોલ્યો "સાહેબ હું દોઢું ભાડું લીધા વિના સામાન્ય મીટર ભાવે લઈ જઈશ "
મારા સાચા ઈરાદા અંગે સ્પષ્ટતા તેણે કરતા મને નવાઈ તો લાગી પણ હું કબૂલ્યો, અને રસ્તામાં દૂધ લેવા રીક્ષા ઉભી રાખવાની શરતે અમે સામાન મુકી રીક્ષામાં ગોઠવાયા.
રસ્તે થી અમુલની થેલી લઈ સીધા નારણપુરા પહોંચ્યા.
ઘર આવ્યું.રીક્ષા વાળાએ સમાન ઉતાર્યો.સમાન પહેલે માળે મુકી ગયો.
મેં પૂછ્યું "કેટલા આપવાના "?
રીક્ષા વાળાએ કહ્યું "સાહેબ, કઈ નહિ.મારી આ રોજી તમારે હિસાબે,અને તમારી મહેરબાની ને કારણે છે.આપના પૈસા ન લેવાય. હું ઘણા સમયથી આપને શોધતો હતો,પણ આજે આપ મળ્યા "
આશ્ચર્ય માં ડૂબી ગયેલ હું ઘડીભર માની ન શક્યો કે આ શું બોલે છે.
મેં કહ્યું "ભાઈ હું સવાર સવારમાં બોણીના સમયે મફત મુસાફરી નહિ કરું.હું તમને ઓળખતો પણ નથી તો આમ શું કામ ?"
પછી એણે જે જવાબ આપ્યો એ આજે આટલા વર્ષે પણ દર અષાઢી બીજ ને દિવસે હું મનોમન યાદ કરું છું.
તેણે કહ્યું "સાહેબ આપ મને ઓળખતા નથી.પણ હું બરાબર આપને આટલા વર્ષે પણ ઓળખી ગયો.
મારું નામ ગાભાજી ઠાકોર છે. વર્ષો પહેલાં અહીંની વાસણા રોડની બેંક ઓફ બરોડામા આપ મેનેજર ના ચાર્જ માં હતા,અને આપે મારી આજ રીક્ષાની લોન કોઈ પણ જાતની અપેક્ષા વિના મંજુર કરી હતી,એ હું કેમ ભૂલું ?
હું ડુંગરપુરનો (રાજસ્થાન) વતની છું.ત્રણ દીકરી, અને એક દીકરો અને તેની વહુ સાથે અમે બે માણસ રહીયે છીએ.અગાઉ હું રીક્ષા ભાડે લઈને મારી રોજી રળતો હતો મારી આવકમાંથી રોજના ત્રણસો રૂપિયા રીક્ષા માલિકને અને પેટ્રોલ તથા પરચુરણ રીપેરીંગ બાદ કર્યા પછી જે રકમ વધે એમાંથી હું સાત માણસનો ગુજારો ચલાવતો હતો.દીકરો છૂટક મજૂરી કરે છે પણ એની આકાશી આવક નજીવી હતી તમારી પહેલાના મેનેજર સમયની મારી લોન અરજી બેંકમાં ઘણો વખત ધૂળ ખાતી પડી હતી.પણ તે મેનેજર સાહેબ ની "વ્યવહાર સાચવવાની"ની શરત મને બચરવાળ ગરીબને પોસાય એમ ન હતી. લોન મંજુર કરવાના બદલામાં તેઓશ્રી પાંચ હજાર રૂપિયાની માંગણી કરતા હતા. ભગવાને મારી સામું જોયું અને આપ મેનેજર તરીકે આવ્યા અને જૂની લોન અરજીના નિકાલ કરતા મને "વ્યવહાર કર્યા"વિના આપે લોન મંજુર કરી આપી એ શું મારા ઉપરની મોટી મહેરબાની નથી ? જેણે મારો રોટલો સાંધ્યો એની પાસેથી હું ભાડું લઉં ? સાહેબ, ભગવાન મને માફ ન કરે."
મેં રીક્ષા વાળાને બેસાડ્યો. ચા બનાવરાવીને પાઈ અને ધરાર એના ખિસ્સામાં રૂપિયા,100/ની નોટ મૂકી. અને એની ખાનદાનીની કદર રૂપે દોઢું ભાડું ચૂકવ્યું.
સાચું કહું ? ભગવાન જગન્નાથજી ની રથયાત્રા પૂર્વે જ મને એ રીક્ષા ડ્રાયવર ગાભાજીમાં સાક્ષાત જગન્નાથજી ના દર્શન થયા.
સાહેબ, ખાનદાનીના ખોરડે ધજા ન ફરકતી હોય એ આનું નામ.
******

Friday, 25 August 2023

અનાથનો નાથ અનાથ

હિંમતલાલ શહેરની હાઈસ્કૂલમાં કોમર્સ વિભાગના શિક્ષક હતા.વડીલોપાર્જિત મકાનમાં પોતાની પત્ની કુસુમ,અને પુત્ર કુણાલ સાથે આનંદથી જીવતા હતા. હિંમતલાલ ચુસ્ત સિદ્ધાંતવાદી અને શિસ્તના આગ્રહી હતા.એકાઉન્ટ્સ અને ઓડિટિંગના વિષયોમાં તેઓ એટલી હદે પારંગત હતા કે જિલ્લાનો કોઈ પણ શિક્ષક એની બરોબરી ન કરી શકે.એજ હાઈસ્કૂલના શિક્ષક બાબુલાલ એમના બચપણના મિત્ર,સહાધ્યાયી, અને પછીથી સહકર્મી બન્યા હોય બન્ને વચ્ચે ગાઢ મિત્રાચારી હતી.

કુણાલ પાંચ વર્ષનો થયો તે સમયે કુસુમબેનને કિડનીની બીમારી ઘેરી વળી અને ટૂંકી સારવાર દરમ્યાન એનું અવસાન થયું.ત્યારબાદ યુવાન હિંમતલાલને સહ કર્મચારીથી માંડીને બધા સગાવ્હાલાઓ એ પુનર્લગ્ન કરવા  ખુબ સમજાવ્યા પણ યુવાનીના જોશમાં તેઓએ એ વાત નકારી એકલે હાથે કુણાલને મોટો કરી બધી જવાબદારી ઉપાડી લેવાનું સ્વીકાર્યું.   

કુણાલ મોટો થયો.એસ.એસ.સી.પાસ થયો અને બી.કોમ.નો અભ્યાસ કરાવી એમ.બી.એ.સુધી ભણાવવાના, . સ્વપ્ન સાથે હિંમતલાલે એને એશિયાની સર્વશ્રેષ્ઠ કોલેજ "શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ દિલ્હી" ખાતે .ભણવા મોકલ્યો.કુણાલ હોશિયાર પણ હતો.

વર્ષો વીતતા ગયા.કુણાલ બી.કોમ,એમ.બી.એ. ભણીને આવી ગયો.અને દેશની સહુથી મોટી રાષ્ટ્રીયકૃત બેંકમાં  સીધી ભરતી દ્વારા યુવાન વયે બેંકનો ચીફ મેનેજર બની ગયો.લગ્ન પણ થઇ ગયા દરમિયાન નિવૃત થઇ જવા સબબ વૃદ્ધ વિધુર હિંમતલાલ પુત્ર કુણાલ સાથે રહેવા આવી ગયા..   

*******

એક દિવસ હિંમતલાલે પુત્રને પાસે બેસારીને કહ્યું, "બેટા, હું જોયા કરું છું કે સવારથી રાત સુધી તું તારી પ્રવૃત્તિમાં ગૂંચવાયેલો રહે છે.ક્યારેક પણ થોડો સમય કાઢીને વૃદ્ધ બાપની બાજુમાં બેસ તો મને ગમે.આ ઉંમરે અમારે સંતાન પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી હોતી અમારી એકલતા દૂર કરવા સંતાનોની હૂંફની જરૂર હોય છે માત્ર બે ઘડી પાસે બેસે તો પણ મારી એકલતા દૂર થાય અને હું પરિવાર વચ્ચે રહુ છું એવી લાગણી અનુભવાય.થોડો સમય બાપ પાસે પણ બેસો,બધું જ્ઞાન ગૂગલ ઉપર નથી મળતું.

"પપ્પા,તમારી અપેક્ષા વધુ પડતી છે.બેંકના ચીફ મેનેજરના હોદ્દા સાથે કેટલી જવાબદારી હોય છે એની તમને શું ખબર પડે ? આ કોઈ તમે કરી એવી માસ્તરની નોકરી નથી કે છ કલાકમાં ઉલાળિયો કરીને ઘરભેગા થઇ  જવાય.સાંજે મોડા ઘેર આવ્યા પછી મારે પણ ફેમિલી લાઈફ હોય ને ? વાત રહી તમારી એકલતાની, તો ઘરમાં ટી.વી. છે,રેડીઓ છે, મ્યુઝિક સિસ્ટમ છે,એ બધું વાપરો તો પછી એકલતા શેની લાગે ? કુણાલે પોતાની નારાજગી પ્રદર્શિત કરતા કહ્યું.

" બેટા, ટી.વી.રેડીઓથી જો એકલતા દૂર થતી હોતને તો કોઈ મા-બાપ સંતાન ન માગત. જેને સંતાન નથી હોતા એ પણ પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાની એકલતા દૂર કરવા માટે અનાથાશ્રમમાંથી બાળક દત્તક લેતા હોય છે. વિશ્વની સહુથી મોટી યુનિવર્સીટીની ડિગ્રી તમારી પાસે કેમ ન હોય,પણ જે પોતાના બાપની આંખમાં વેદના વાંચી નથી શકતો એ દીકરો અભણ છે. વિશ્વની સૌથી ઉચ્ચ અનુભવની યુનિવર્સીટી મા-બાપ છે .એક ઊંડો નિસાસો નાખતા વૃદ્ધ હિંમતલાલે કહ્યું.

"પપ્પા, હમણાં હમણાં હું જોયા કરું છું કે તમારી કચકચ કઈંક વધી ગઈ છે. હવે ઉંમરનો પ્રભાવ તમારા મગજ  ઉપર હાવી થઇ ગયો છે.મેં તમને ના પાડી છે કે તમારે મને બેંકમાં ફોન ન કરવો છતાં બે દિવસ પહેલાં ચાલુ મિટિંગ દરમ્યાન તમારો ફોન આવ્યો અને મારે બહાર નીકળીને જવાબ આપવો પડ્યો શા માટે આ રીતે પરેશાન કરો છો ?  

"દીકરા,તું મારી ડાયાબીટિઝની ગોળી લઇ આવ્યો હતો પણ અહીં મૂકી જવાને બદલે ભૂલથી તારી ઓફિસ બેગમાં રહી ગયેલ,તને ખબર છે કે એ ગોળી ખાધા પછી અર્ધી કલાકે મારે જમવાનું હોય છે, મને કડકડીને ભૂખ લાગવા છતાં ગોળી ખાધા વિના હું જમી શકતો ન હોવાથી મેં ગોળી માટે ફોન કર્યો હતો અને મને થોડી ખબર હતી કે તું અત્યારે કોઈ મિટિંગમાં હોઈશ ?"લાચારી ભર્યા સ્વરમાં હિંમતલાલે જવાબ આપ્યો."

ધૂંધવાયેલા કુણાલે સામો પ્રશ્ન કરતા કહ્યું "સાંજ સુધી તમેં ભૂખ ન ખેંચી શકો ?સાંજે તો હું ઘેર આવવાનો જ હતો ને ?

હવે હિમતલાલથી ન રહેવાયું તેના તેવર બદલાયા,"કુણાલ, હવે તું મર્યાદા ચુકે છે.તું નાનો હતો અને ઘોડિયામાંથી જરા પણ રોવાનો અવાજ આવે તે ભેગો હું તારા મોઢામાં દૂધની શીશી મુકતો હતો દરેક સમય અને સંજોગમાં મેં અને તારી મા એ તને કોઈ દિવસ ભૂખ્યો નથી રાખ્યો. ક્યારેક અમે ભૂખ્યા રહીને પણ તને ખવરાવ્યું છે.પાંચ વર્ષનો હતો અને તારી મા ના અવસાન પછી હું તારી મા બનીને રહ્યો છું. આ બધું કેમ ભૂલી જાય છે.તને ભણાવ્યો,પરણાવ્યો, નોકરીએ લગાડ્યો,એ દરમ્યાન હું ક્યારેય ડિસ્ટર્બ નહિ થયો હોઉં ? તારી સફળતાનો રોફ તારા માતા-પિતાને ન બતાવીશ કારણકે તેણે પોતાની જિંદગી હારીને તને જીતાડ્યો છે."

 " પપ્પા, ઘરમાં આટલા સુખ સાધન છે,નોકર ચાકર છે, તમને બિલકુલ તકલીફ ન પડે એવું વાતાવરણ છે,તો પછી શાંતિથી જીવો અને જીવવા દ્યોને ? બે ટાઈમ નાસ્તો,બે ટાઈમ ભરપેટ જમવાનું, અને સમયસર તમારી દવા ગોળી એ બધું જ ઉપલબ્ધ છે એથી વધુ તમારી જરૂરિયાત પણ શું છે ? પછી હાયવોય શા માટે કરો છો.વાસ્તવિકતા એ છે કે તમે ગરીબીમાં જીવ્યા છો એટલે તમને સુખસાધનવાળી જિંદગી પચતી નથી પરિણામે કઈંક ને કઈંક શૂળ ઉભા કર્યા કરો છો." કુણાલ ઊંચા અવાજે બોલ્યો. 

હવે હિમતલાલથી સહન ન થયું અને બોલ્યા "હશે, પણ બેટા, મારા સંસ્કાર, સ્વમાન,અને સિદ્ધાંતને તારી સંપત્તિ સાથે એક જ ત્રાજવે ન તોળ.તું સાચો છે કે હું ગરીબીમાં જીવ્યો હોવાથી આ તારી સુખસાહ્યબી પચાવી નથી શકતો, તારી સુખ સાહ્યબી તને મુબારક, અને મને મારી ગરીબી મુબારક" આટલું બોલી હિંમતલાલે ઉભા થઇ, સ્વર્ગસ્થ પત્ની કુસુમબેનનો દીવાલ ઉપર લટકતો ફોટો પોતાના બગલથેલામાં નાખી ઘર છોડીને નીકળી ગયા." વિશ્વનું આ બીજું મહાભિનિષ્ક્રમણ હતું. ઘરમાં યુદ્ધ પછીની શાંતિ છવાઈ ગઈ.

********

હિંમતલાલને ઘર છોડે ત્રણ-ચાર દિવસ થઇ ગયા.એક દિવસ એના બચપણના મિત્ર બાબુલાલ માસ્તર તેને ઘેર આવ્યા.અનેપૂછ્યું " ત્રણચાર દિવસથી હિંમત કેમ નથી દેખાયો,કંઈ બીમાર તો નથી ને ?

કુણાલે બાબુલાલને આવકારતા કહ્યું, "બાબુકાકા, તમને શું કહું ? થોડા દિવસથી એમની કચકચ વધી ગઈ હતી.મારી નોકરી જવાબદારી વાળી છે એ જાણવા છતાં,મારા તરફની એમની અપેક્ષા ધારણા બહારની હતી ત્રણ ચાર દિવસ પહેલા નાની વાતને ગંભીર સ્વરૂપ આપી તેઓ ઘર છોડીને જતા રહ્યા છે "

બાબુલાલ માસ્તરનો ચહેરો બદલાઈ ગયો "શું હિંમત ઘર છોડીને ભાગી ગયો ,કે તેને ભાગી જવા મજબુર કર્યો ? આજે ત્રણચાર દિવસ થયા તેં એને શોધવા શું પ્રયાસ કર્યો ? તેં મને કેમ તુરત ખબર ન આપી ? કુણાલ, આ ઘણું ખોટું થયું છે. કોઈ દિવસ બાપના ઓશિકા ઉપર હાથ ફેરવજે એના ઉપર વ્યથા અને વેદનાનો દરિયો ઉલેચાયેલો દેખાશે.

"બાબુકાકા,મેં એને જતા રોકવા કોશિશ કરી પણ તે ન માન્યા. હમણાં હમણાં તેઓ ખુબ જિદ્દી અને મનસ્વી સ્વભાવના થઇ ગયા છે એટલું જ નહિ પણ એના મગજનું સંતુલન પણ ગુમાવી બેઠા છે ક્યારેક એના બોલવાના પણ ઠેકાણા નથી. "મેં તને ઉછેર્યો,ભણાવ્યો, નોકરીએ લગાડ્યો, પરણાવ્યો" એવી એવી બાબતો ગણાવ્યા કરે છે, બાબુકાકા, સહુ પોતાના સંતાન માટે કરતા જ હોય છે એમાં કહી બતાવવાનું શું હોય,મને તો શું પણ ક્યારેક મારી પત્ની કૃતિકાને પણ ખોટું લાગે છે.

કુણાલની વાત સાંભળતા બાબુલાલ માસ્તરનો ચહેરો લાલઘૂમ થઇ ગયો.અને બોલ્યા,"કુણાલ, હિંમતે કહેલી એક પણ વાત ખોટી નથી.એની દરેક વાતનો હું સાક્ષી છું. હું જો સાચી વાતનો પર્દાફાશ કરીશ તો તારા પગ નીચેની ધરતી સરકી જશે".બાબુલાલ માસ્તરના રુંવાડા ઉભા થઇ ગયા ગુસ્સાથી તમતમી જઇ બોલ્યા "કુણાલ તું કોણ છે એ તને ખબર છે ? તું "ધુલકા ફૂલ "છે. તું હિંમતલાલ માસ્તરનું લોહી નથી, તું સ્વ. કુસુમભાભીની કુખે જન્મેલ સંતાન નથી પણ કોઈ અજાણી સ્ત્રીની નાજાયસ ઔલાદ છે. ફિટકાર છે તારી જનેતાને.આખરે તેં તારી અસલ જાત બતાવી દીધી,તેં તારા લોહીના ગુણ બતાવી દીધા.આજથી છવ્વીસ વર્ષ


પહેલા શહેરના અનાથ આશ્રમને દરવાજે પરોઢિયે કોઈ સ્ત્રી પોતાનું પાપ છુપાવવા અનૌરસ નવજાત શિશુ મૂકી ગઈ હશે, અનાથ આશ્રમે એને ઉઠાવી લઇ,પાળીપોષીને ત્રણ વર્ષનું કરી એનું નામ કનુ આપ્યું. દરમ્યાન નિઃસંતાન કુસુમભાભીના આગ્રહથી હિંમતે એ અનાથ આશ્રમમાંથી એ ત્રણ વર્ષના કનુને દત્તક લઈ ઘેર લઇ આવ્યા.મધ અને ચંદન-કેસર મિશ્રિત દૂધથી સ્નાન કરાવી, શ્રી,ગણેશ ભગવાનનો હવન કરી તને વીધીવ્રત દત્તક લઇ કુણાલ નામ આપ્યું.તું તે અનાથ આશ્રમનો કનુ છે.જે અનાથને આશ્રય આપ્યો એ અનાથના નાથને તેં આજે અનાથ કરી મુક્યો.?" સાચું જ કહયું છે કે ,"લાખો કમાયા હો ભલે, પણ મા-બાપ જેથી ન ઠર્યા ,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ "

બાબુલાલ માસ્તરની આંખમાંથી અગ્નિ વરસતો હતો, ભુવાના પંડમાં જેમ માતાજી આવે અને ધ્રૂજે એમ એ ધ્રુજતા હતા ગુસ્સામાં એની જીભ થોથવાતી હતી, મોઢામાંથી ક્રોધના બાણ છુટતા હોય એમ આગળ બોલ્યા "હિંમત સાચો છે.તું એસ.એસ.સી.પાસ થયો ત્યારે તને દિલ્હી સ્થિત એશિયાની શ્રેષ્ઠ કોમર્સ કોલેજમાં દાખલ કરવાનો પોતાનો વિચાર જયારે તેણે મને જણાવ્યો ત્યારે માસ્તરની ટૂંકી કમાણીમાં દિલ્હીના ખર્ચને પહોંચી ન વળાય તેથી સ્થાનિક કોમર્સ કોલેજમાં દાખલ કરાવવાની મેં સલાહ આપી પરંતુ એ તારી કારકિર્દી બનાવવાની જીદ ઉપર અડગ હતો, અને અંતે પોતાનું ઘર બેંકને ગીરવે મૂકી, લોન લઈને તને દિલ્હી ભણાવ્યો.લોનનો હપ્તો પણ એટલો મોટો હતો કે પગારમાંથી એ ભરી શકે એમ ન હોય,સવારની સ્કૂલ પતાવ્યા પછી ઘેર આવી,જાતે રસોઈ કરી, જમીને, બપોરે બે વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ટ્યુશન કરતો અને એ રીતે લોન ભરપાઈ કરી. આખી જિંદગી તારે માટે ઢસરડો કર્યો. મા-બાપ ઉંમરને કારણે નહિ પણ સંતાનને ઉછેરવામાં ઘરડા થઇ જાય છે.તારી કેરિયર ઈસ્ત્રીદાર બનાવતા બનાવતા મા- બાપના કપાળમાં કરચલી પડી હોય છે. જે માણસે જિંદગીમાં કોઈ દિવસ એરપોર્ટ નથી જોયું એ બાપે અઢાર વર્ષની ઉંમરે દિલ્હી ભણવા મોકલતા તને વિમાનમાં મોકલ્યો.અંતે તને બી.કોમ.એમ.બી.એ. બનાવીને જ જંપ્યો. કુણાલ, તું છાણનો કીડો છે અને તું જ્યાં હતો ત્યાં જ સારો હતો," એકધારું આક્રોશથી બોલતા બાબુલાલ માસ્તરનું ગળું સુકાયું.પાણી પી અને ઘડીક આંખ મીંચીને શૂન્યમનસ્ક અવસ્થામાં બેસી રહ્યા.

એવામાં ટેલિફોનની ઘંટડી રણકી.કુણાલે ટેલિફોન ઉપાડ્યો.

સામેથી અવાજ આવ્યો "તમે કોણ મી.કુણાલ જોશી બોલો છો ?હું સરકારી દવાખાનામાંથી ડો.દેસાઈ બોલું છું .

કુણાલે જવાબ આપ્યો- જી, હું કુણાલ જોશી પોતે બોલું છું.

સામેથી :- દુઃખ સાથે તમને જાણ કરવાની કે,ગઈકાલ સાંજે જે.પી. રોડ ઉપરની ફૂટપાથ ઉપર તમારા પિતાજી હિંમતલાલ જોશીનો મૃતદેહ મળી આવતા અત્રે સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.એમના ખિસ્સામાંથી મળી આવેલ પોકેટ ડાયરીમાં મળેલી વિગતના આધારે તમને ફોન કર્યો છે.એમની સાથે રહેલ બગલથેલામાં કોઈ સ્ત્રીનો ફૂટેલી હાલતમાં ફોટો પણ મળી આવ્યો છે તો તમેં પૂરતા આધાર પુરાવા સાથે અત્રે આવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઇ જઇ લાશનો કબ્જો સંભાળી જશો."

કુણાલના હાથમાંથી ટેલિફોનનું રીસીવર પડી ગયું. કુણાલ અને બાબુલાલ માસ્તર પોક મૂકીને રડ્યા.બન્ને જણ સરકારી દવાખાના તરફ જવા રવાના થયા.

********










Thursday, 24 August 2023

અપશબ્દાવલી

  વિશ્વના જુદા જુદા ભાગોમાં, પ્રદેશમાં અલગ અલગ ભાષા વપરાતી હોય છે તેમ છતાં અપશબ્દો તો દરેક પ્રદેશમાં બોલતા હોય છે. માત્ર ભારતમાંજ નહિ પણ યુરોપ,અમેરિકા, કે અન્ય કોઈ વિદેશમાં એની ભાષા, અને ચલણ મુજબના અપશબ્દો અસ્તિત્વમાં હોય જ છે.

મારી સમજ પ્રમાણે અપશબ્દની વિશદ વ્યાખ્યા હું આ રીતે કરું છું.

"જે શબ્દ, કે શબ્દ સમૂહ,અન્યની લાગણી, સ્વમાન, વ્યક્તિત્વ,અને ભાવનાને ઠેસ પહોંચાડે,અથવા જે શબ્દોથી કે શબ્દ સમૂહથી વ્યક્તિનું ચારિત્ર્ય હનન થતું હોય, એવા શબ્દો કે શબ્દ સમુહને અશ્લીલ ઈશારા, કે અશ્લીલ ઈશારા વિના ગુસ્સો, નફરત, તિરસ્કાર,કે ઘૃણા પ્રદર્શિત કરવાના ભાગ રૂપે, સહેતુક ,કે મશ્કરીના ભાગ રૂપે, અથવા કોઈ હિસંક કે અહિંસક પ્રાણી/પશુ,કે પશુઓના નામ સાથે  સંબોધન કે સરખામણી કરતા જાહેરમાં કે ખાનગી ઉતારીપાડવાના  ઈરાદાથી કરવામાં  આવેલો વાક પ્રહાર એ અપશબ્દ છે. "

આવા અપશબ્દોના બે પ્રકાર છે.

1  બીભત્સ અપશબ્દો,અને 2 નિર્દોષ અપશબ્દો.

1  બીભત્સ અપશબ્દો બોલનારની માનસિકતા અને સંસ્કાર પ્રદર્શિત કરે છે.અમુક કોમની એમાં માસ્ટરી છે. જૂનાગઢમાં કાળવા ચોકની મધ્યમાં દાતણ વેચવા બેસતી ચોક્કસ કોમની સ્ત્રીઓ જયારે અંદરો અંદર ઝગડે ત્યારે જે ભાષા, અને બીભત્સ શબ્દો બોલે એ વિશ્વકોષમાં પણ ન જડે એવા શબ્દો હોય છે જે મેં 1952-1960 દરમ્યાન જોયું છે. ક્યારેક એ શબ્દોને "ની,ના,નું,"  જેવા પ્રત્યયો લગાડીને ગાળ દેવાતી વ્યક્તિના મા-બાપ  શ્વસુર પક્ષ, પત્ની, અને બાળકોને પણ આવરી લેતા હોય છે. કેટલાક અપશબ્દો પશુઓના નામ સાથે ઉપરોક્ત પ્રત્યયોને લગાડીને વ્યક્તિના જન્મદાતા/જન્મદાત્રીને પશુ યોનિના દર્શાવે છે. પોતાના ગુસ્સા, નફરત, અને ધિક્કારને શારીરિક રીતે હુમલો કરવાને બદલે શાબ્દિક હુમલાથી ઘાયલ કરતા હોય છે.મને યાદ છે ત્યાં સુધી 1955-60 ના અરસામાં રાજકોટની ધર્મેન્દ્ર સિંહજી કોલેજના એક કુલીન કુળ કુટુંબના, ઉચ્ચ જ્ઞાતિના પ્રાધ્યાપક  અપશબ્દો બોલવામાં એટલા નિષ્ણાત હતા કે પંદર મિનિટમાં એક સાથે સો અપશબ્દો એકી શ્વાસે કોઈ પણ શબ્દ રીપીટ ન થાય એમ બોલતા હતા એ એનું પ્રાવીણ્ય હતું,

2.નિર્દોષ અપશબ્દો :- આ શબ્દો એવા છે કે લગભગ સારા, સંસ્કારી ઘરોમાં પણ અવારનવાર વપરાતા  હોય છે જેમકે " સાલા, ડફોળ, અક્કલમઠ્ઠો,ડોબો મૂરખ ," વિગેરે.એમાં સામી વ્યક્તિને પશુઓ નામ વાપરીને પણ ક્યારેક અપમાનિત કરતા હોય છે.બીભત્સ  શબ્દ પ્રયોગ કર્યા  વિના પણ અપમાનિત કરતા આવા શબ્દો સામી વ્યક્તિના વ્યક્તિત્વને ઝાંખું પાડવાનો પ્રયાસ છે. આવા શબ્દો ઉપરાંત એક સામાન્ય લાગતો અપશબ્દ એવો છે જે વ્યક્તિના એક સાથે નવ પાસાને આવરી લઇ વ્યક્તિને હલકી ચીતરાય છે એ શબ્દ છે "નુગરો" (નુઘરો) આ શબ્દ બોલનારને પણ ક્યારેક એના અર્થની ખબર હોતી નથી ક્યાંક સાંભળ્યો હોય એટલે પોતે વાપરી બેસે છે પણ શબ્દકોશમાં એની વ્યાખ્યા જોવાથી ખ્યાલ આવે કે સામી વ્યક્તિને કેટલી હદ સુધી હલકી ચીતરી  અને માનસિક આઘાત પહોંચાડે છે.એક શબ્દ કોષ પ્રમાણે "નુગરા"ની વ્યાખ્યા આ મુજબ છે."ગ્રામ્ય બોલીમાં વારંવાર વપરાતો એક તિરસ્કૃત શબ્દ "નુગરો" છે. નુગરો એટલે શું, અને આવા નુગરા માણસને ઓળખવાના એંધાણો શું શું હોઈ શકે, તે બાબતને ચરિતાર્થ કરતી એક રચના અહીં રજૂ કરું છું. જેમાં નુગરા જણની નવ નિશાનીઓ વર્ણવી છે."

1) આપેલું ઊગે નહીં, અખંડ અવગુણ ગાય, ધીર્યેય ન ધરાય' ઇ નક્કી નિશાની નુગરા તણી.

2)ભોળવીને ભૈયાપો કરે, પછી ખંખેરીને ખાય! પ્રપંચે પોરહાય,ઇ નક્કી નિશાની નુગરા તણી

3)ઉઠતાં ઓહણ ખોતરે , ભરમાવે ભેળો રઇ, લાજ કે શરમ નંઇ, ઇ નક્કી નિશાની નુગરા તણી

4) નીરખેથી નમાલો ઠરે, પણ હૈયે રાખે હાણ, થાય જાણીને અજાણ, ઇ નક્કી નિશાની નુગરા તણી

5)આગળ આવી ઉમંગ કરે, વાંહે વેરી થાય ,કરગરતો કતરાય, ઇ નક્કી નિશાની નુગરા તણી

6)શુભ અવસરે જ સાચવે, નુગરાવટ ની વાટ, પછી' ઘડે કમધા ઘાટ, ઇ નક્કી નિશાની નુગરા તણી

7)પારકાંના પગમાં પડે , શેણે સામો થાય ,કુલખણે ના લોપાય, ઇ નક્કી નિશાની નુગરા તણી

8)વિરોધીથી વાલપ કરે, ને ઘરેણીયા થી ઘાત ,કાયર ને કમજાત,ઇ નક્કી નિશાની નુગરા તણી.

9)કાળોતરો ને કાબરો, વિષિયલ વશમાં થાય, પણ સદાય છટકી જાય, ઇ નક્કી નિશાની નુગરા તણી.

નવે નિશાની નુગરા તણી, જેની શબ્દો પૂરે શાખ, નિજાનંદ કહે નારાયણા, એવા નુગરાથી નોખો રાખ ."

સામાન્ય લાગતો આ એક શબ્દનું કેટલું ભયંકર અર્થઘટન છે. એટલે જ જયારે આપણે કોઈ શબ્દનો અર્થ ન જાણતા હોઈએ ત્યાં સુધી એ શબ્દ ન વાપરવો જોઈએ,.એટલે કહેવાયું છે કે

" शब्दों को दांत नहीं होते,

फिरभी जब वो काटते हे तो इनकी बेहद पीड़ा होती हे,

कभी कभी तो जीवनके अंत तक ये पीड़ा रहती हे !

આ બાબતે હું નાનો હતો ત્યારે મારા સ્વ. શિક્ષક પિતાજીએ મને એક વાર્તા કહેલ.

એક નાના ગામમાં એક કઠિયારો રહેતો હતો. દિવસ ઉગતા પોતાની કુહાડી લઈને જંગલમાં લાકડા કાપવા નીકળી જતો. સૂર્યાસ્ત સમયે લાકડાનો જંગી જથ્થો લઈને ઘેર આવતો.એ લાકડાની નાની નાની ભારી બનાવી વેંચી પોતાનો જીવન નિર્વાહ ચલાવતો હતો

એક દિવસ સૂર્યાસ્ત સમયે ભારો લઈને પાછા ફરતા, જંગલના એક ખૂણે એક સિંહને પરાધીન અને લાચાર સ્થિતિમાં સૂતેલો જોયો.કઠિયારો તેની નજીક ગયો અને જોયું કે સિંહના એક પગમાં બાવળનો મોટો કાંટો ઘુસી ગયો હતો અને પગમાંથી લોહી ચાલ્યું જતું હતું .કઠિયારાને દયા આવી. અને સિંહના પગમાંથી કાંટો કાઢી આપ્યો પોતાની મસકમાંથી પાણી કાઢી પગમાંથી નીકળતું લોહી ધોઈ, સાફ કરીને ફાળીયામાંથી લીરો ફાડી પાટો બાંધી આપ્યો.લાચાર સિંહે રાહતનો શ્વાસ લીધો,અને ઉપકારવશ નજરે તેનો આભાર માન્યો.

કઠિયારો આટલું કરીને આગળ ચાલવા લાગ્યો ત્યારે સિંહ પણ એની પાછળ પાછળ જઇ કઠિયારાના ઘર સુધી પહોંચી ગયો.આમ ઉપકારવશ સિંહ તેનો મિત્ર બની કઠિયારાની સાથે તેને ઘેર રહેવા લાગ્યો.

એક દિવસ બહાર ફળિયામાં ખાટલો ઢાળી કઠિયારો બેઠો હતો, ખાટલાના પાયા પાસે સિંહ અર્ધ મીંચેલી આંખે બેઠો હતો,એ દરમ્યાન કાઠિયારાનો મિત્ર એને મળવા આવ્યો, ડેલી ખખડાવી, કાઠિયારે આવકાર આપતા કહ્યું

"આવ,, આવ,ઘણા વખતે દેખાણો " મિત્રએ ડેલી પાસે ઉભી કહ્યું " હું આવું કેવી રીતે આ સિંહની મને બીક લાગે છે" કઠિયારાએ જવાબ દેતા કહ્યું " અરે બીવે છે શું ? એ તો આપણા પાળીતા કુતરા જેવો છે, ચાલ્યો આવ,કંઈ નહીં કરે " કઠિયારાના શબ્દો કાને પડતા સિંહ જાગૃત થયો અને કઠિયારા સામે કરડી આંખે જોયું,

મળવા આવેલ મિત્ર જતા, સિંહ ઉભો થયો, ખાટલા નીચે રહેલ કુહાડી બતાવતા કઠિયારાને કહ્યું "ઉઠાવ આ તારી કુહાડી અને હોય એટલી તાકાતથી મારા માથામાં ફટકાર, જો તું એમ નહિ કરે તો હું તને હમણાં જ અહીં ફાડી ખાઈશ.એ ઘા જ્યાં સુધી રૂઝાશે નહિ ત્યાં સુધી હું તને યાદ રાખીશ. તેં મારા પગનો કાંટો કાઢી મને જીવતદાન દીધું એ ઋણ નીચે હોવાથી તારી રક્ષા કરવા મિત્ર તરીકે હું અહીં રહેતો હતો. એનો અર્થ એ નથી કે તું મને "પાળેલ કૂતરો " સમજી અને જંગલના રાજાને એક સામાન્ય રખડતા પ્રાણી સાથે સરખાવ .ઉઠાવ કુહાડી અને મને ફટકાર."

પોતાના મિત્ર જેવા સિંહનું રૌદ્ર સ્વરૂપ જોઈ કઠિયારો ભયભીત થઇ ગયો અને ધ્રુજતા હાથે સિંહના માથાંમાં કુહાડીથી પ્રહાર કર્યો, લોહી લુહાણ સિંહ ઘર છોડી ને જતા જતા કહી ગયો કે, "તારી કુહાડીનો ઘા રૂઝાશે ત્યાં સુધી હું તને યાદ રાખીશ આજ પછી મારી નજરે ન ચડતો, જ્યાં પણ તું દેખાયો ત્યાં થી તું જીવતો પાછો નહિ જા"

વાર્તાનું મોરલ સમજાવતા મારા સ્વ.પિતાશ્રી કહેતા કે " કોઈ ઉપર આપણુ ઋણ હોય એનો અર્થ એ નથી કે એ વ્યક્તિ સદાકાળ આપણો ગુલામ બની જાય અને ગમે તેવા શબ્દો કહી તેને અપમાનિત કરો.જો પ્રાણીઓને પણ પોતાનું સ્વમાન હોય તો માણસને સ્વમાન હોય જ એ નિશ્ચિત છે, તેથી કોઈનું દિલ દુભાય, કે સ્વમાન ઘવાય એવા વચનો આપણે ન બોલવા જોઈએ,

મહાભારત એટલેજ સર્જાયું."આંધળાના આંધળાજ હોય ને ?" દ્રૌપદીએ બોલવાની જરુર જ નહોતી. માત્ર એક વાક્યનું પરિણામ શું આવ્યું એ એણે ભોગવ્યું અને આપણે જોયું /વાંચ્યું.







 

 

Thursday, 8 June 2023

ઋણાનુબંધ

 ઋણાનુબંધ

મોરબી, રાજાશાહીના વખતથી સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું, મચ્છુ નદીને કાંઠે વસેલું (તે સમયે રાજકોટ જિલ્લાનું) એ નાનું પણ સુખી-સમૃધ્ધ શહેર હતું. મોરબીનો સીરામીક ઉદ્યોગ દેશભરમાં જાણીતો હતો જતે દિવસે ઘડિયાળના ઉદ્યોગે પણ માત્ર ગુજરાત,ભારતમાંજ નહિ પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવી હતી.

11 ઓગસ્ટ 1979ના ગોઝારા દિવસે બપોરના ત્રણ અને ત્રીસ મિનિટે રજવાડી મોરબી ઉપર કાળના ઓળા  ઉતરી પડ્યા. કુદરત રૂઠી.સાક્ષાત યમદૂત જાણે તાંડવ ખેલતા હોય એમ મોરબી શહેર ઉપર ભયંકર પૂર પ્રલયે ભરડો લીધો. અત્યંત ભારે વરસાદ અને પૂરને મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં.

 રળીયામણું મોરબી શહેર પળભરમાં સ્મશાનમાં તબદીલ થઇ ગયું. આ ગોઝારા દિવસની બપોરે મોરબીમાં સામાન્ય જનજીવન ધબકતું હતું. પરંતુ ઉપરવાસના ભારે વરસાદના કારણે મહાકાય ગણાતા મચ્છુ ડેમના રાક્ષસી કદના મોજા મોરબી શહેર પર ફરી વળતા ભયાનક પુર આવ્યું હતું. મચ્છુના પૂરે જાનમાલની ભયાનક નુકશાની કરવાની સાથે તબાહીનું તાંડવ પણ કર્યું હતું. મકાનો અને મોટી ઇમારતો એક જ જાટકે તહસ નહસ થઈ ગઈ હતી.થોડી જ વારમાં અડીખમ ઊભેલું મોરબી શહેર હતું ન હતું થઈ ગયું. આ પુરમાં હજારો લોકો મોતને ભેટયા હતા. સાથે પશુધનની પણ ભારે ખુવારી સર્જાઈ હતી. એક અંદાજ પ્રમાણે અઢારસો થી પચીસ હજાર સુધીનો મૃત્યુ અને સો કરોડની સંપત્તિનો નાશ થઇ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ. લોકો પહેરેલ કપડે જીવ બચાવવા દોડ્યા,જયારે ઘણા લોકોને તો બચવાનો મોકો પણ મળ્યો ન હતો.પૂરપીડિતોને મદદે આજુબાજુના શહેરો,રાજ્ય સરકાર, રાજ્યના અન્ય શહેરો ઉપરાંત જુદી જુદી એન.જી.ઓ.ઉંમટી પડ્યા . 

મોરબીની ઘડિયાળની એક નામી અને પ્રતિષ્ઠિત કંપનીમાં એક વિપ્ર યુવાન  ઇંજિનિયર નારાયણ ઉચ્ચ હોદા ઉપર કામ કરતો હતો. એ યુવાન તથા એની ગર્ભસ્થ પત્ની લક્ષ્મી પણ ધસમસતા પાણીના પ્રવાહમા તણાઈ અને ડૂબવા લાગ્યા.કેટલાક સાહસિક અને ઝાંબાઝ તરવૈયાઓએ સામે પાણીએ કૂદી એ ત્રણેય જીવને બચાવી પૂરપીડિતોની વ્હારે આવેલ અમદાવાદની એક એન.જી.ઓ,ને સોંપી દીધા..તહસનહસ થઇ ગયેલા એવા કેટલાય પરિવાર જનોને આ સંસ્થાએ આશરો આપી અમદાવાદ ખાતે લઇ ગયા.

*********

જેટલા અસરગ્રસ્ત પરિવારને સંસ્થા લાવી હતી એ બધાની દેખભાળ, સારસંભાળ તથા કાળજી ઉમદા માનવીય વ્યવહાર સાથે લેવાતી હતી.ધીમે ધીમે માનસિક આઘાતમાંથી બહાર આવતા કેટલાક લોકોને સામાન્ય નોકરી અપાવી પુનર્વસન કરવાનું પણ કાર્ય કર્યું. એ જ રીતે નારાયણને કોઈ ખાનગી કંપનીમાં સાધારણ પગારથી નોકરી અપાવી પગભર કર્યો 

સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દે કામ કરતો વૈભવશાળી જીવન જીવતો નારાયણ એક અતિ સામાન્ય માણસની જિંદગી જીવતો થઇ ગયો. આલીશાન ભવ્ય બંગલાનો માલિક હવે અજાણ્યા શહેરમાં એક રૂમ રસોડાના નાના ફ્લેટમાં ભાડેથી રહેવા લાગ્યો તેમ છતાં નારાયણ હિંમત ન હાર્યો, ધીરજ અને ધગશથી અન્ય સારી નોકરીની તલાશ કરતો જ રેહતો હતો  

એક દિવસ નારાયણ અને પત્ની લક્ષ્મી અમદાવાદના સી.જી.રોડ ઉપર કોઈક પરચુરણ ખીરીદી માટે રિક્ષામાં જતા હતા એવામાં અચાનક લક્ષ્મીને પ્રસુતિની પીડા ઉપડી.અસહ્ય પીડાથી પીડાતી લક્ષ્મી પરસેવે રેબઝેબ થવા માંડી, શરીર ઠંડુ પાડવા માંડ્યું સમય વર્તી નારાયણ નજીકના "હરિકૃપા મેટરનિટી હોમ"માં લક્ષ્મી સાથે પહોંચ્યો.

ડોક્ટરને બધી વાત વિગત કહેતાં નારાયણે પોતાની સમગ્ર હકીકત વર્ણવી.મોરબીની જળ હોનારતમાં કઈ રીતે પહેરેલ કપડે જીવ બચાવીને નીકળ્યા, અને આજે એક પૈસો પણ એની પાસે ન હોવાથી એક સામાજિક સંસ્થાને આશરે કેવા દિવસો વિતાવ્યા એ વિગતે જણાવતા નારાયણે રડતા રડતા કહ્યું કે "સાહેબ, હું પ્રસુતિના ખર્ચથી વિદિત છું પણ આજે મારી પાસે આપની ફી આપવા માટે રાતી પાઇ પણ નથી. મેં જે પાંચ હજાર રૂપિયાની બચત કરી છે એમાંથી પત્નીની દવા લેવાની રહેશે.આપ સુપાત્રે દાન  કરવાની ભાવનાથી જો એક વિપ્રને મદદ કરી શકો તો હું જિંદગીભર તમારો ઉપકાર નહિ ભૂલું."

નારાયણની આંખમાંથી ટપકતા આંસુથી ડોકટરના હૃદય-સાગરમાં દયા અને કરુણાનું પૂર ઉમટ્યું.

ડોકટરે કહ્યું,"ભાઈ તું જરાયે ચિંતા ન કર.મોરબીની એ વખતની પરીસ્થીથી હું પૂરો જાણકાર છું.તારી પત્નીની નિઃશુલ્ક પ્રસુતિ કરાવ્યાથી મેં પૂર રાહત ફંડમાં ફાળો આપ્યો છે એવું હું સમજીશ.મારી ફી બાબતે તું લેશમાત્ર ચિંતા ન કરીશ એટલું જ નહિ પણ જે કોઈ જરૂરી દવા હશે એ પણ હું પુરી પાડીશ."આટલું કહી લક્ષ્મીને પ્રસુતિ ખંડમાં લઇ જઇ  તપસ્યા પછી કહ્યું કે " મા અને ગર્ભસ્થ શિશુની હાલત જોતા બહેન લક્ષ્મીને સિઝેરિયનથી પ્રસુતિ કરાવવી પડશે, ચિંતાનું કોઈ કારણ નથી બધું આરામથી પાર પડી જશે "

અને ડોકટરે આપેલ વચન પ્રમાણે લક્ષ્મીની પ્રસુતિ,સારવાર બધું જ નિઃશુલ્ક નિર્વઘ્ને પૂરું થયું.ડોકટરે પોતાની માનવતા સાથેની ઉદારતા બતાવ્યાના બદલામાં આંસુ ભીની આંખે લક્ષ્મી-નારાયણે  ડોક્ટરના ચરણસ્પર્શ  કરતા કહ્યું, "સાહેબ, સાચો માણસ એ જ છે જે નાના માણસની કદર કરે છે કેમકે  દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા તમારા ઉપર ઈશ્વરની એ  વિશેષ કૃપા છે." કહી  ખુબ ખુબ આશીર્વચન આપી ઘેર ગયા.ડોક્ટર પણ જરૂરિયાત મંદ એક  પરિવારને મદદ કરી ખુશ હતા.

*******

વર્ષો પછી એક દિવસ ડોક્ટર પત્નીએ પતિને પૂછતાં કહ્યું," સ્નેહાએ આ વર્ષે ભણી લીધું અને એની તાલીમ પણ પુરી થઇ ગઈ છે તો હું એવું વિચારું છું કે આ વર્ષે આપણે કેનેડા અને અમેરિકાનો પ્રવાસ કરી આવીયે તો કેમ ? ડોકટરે જવાબ આપતા કહ્યું "હું પણ એ જ વિચારતો હતો. સવાર સાંજ સતત દવાખાનું, દર્દીઓ, પ્રસુતિ અને ઓપરેશનોથી હું પણ થાક્યો છું અને મને પણ વાતાવરણ ફેરથી તાજા થવાની જરૂર લાગે છે. હું આજે જ ટ્રાવેલ એજન્ટ મારફત આપણી ટિકિટ તથા હોટેલનું બુકીંગ કરાવી દઉં છું."અને ડોક્ટર પરિવાર રજાના દિવસો ગાળવા વિદેશ જવા રવાના થયા.

*******


ડોક્ટર પરિવાર કેનેડાની અદ્યતન હોટેલમાં પ્રવેશ્યા. સ્વાગત કક્ષમાં બેસેલ અમેરિકન મહિલાએ પુષ્પગુચ્છથી સ્વાગત કરતાં સૂચના આપતા કહ્યું કે,"તમે  ભારત પરત ફરો ત્યાં સુધીની તમારા હરવા-ફરવા માટે હોટેલ તરફથી જ વાહનની સુવિધા ઉપલબ્ધ થશે તેથી તમારે કોઈ ચિંતાનું કારણ નથી "

દશ  દિવસમાં તો કેનેડાના જાણીતા સ્થળો, વેનકુંવર, ટોરેન્ટો,વ્હઇસ્લર,નાયેગ્રા ધોધ,Montreal Jazz Festival,વિગેરે સ્થળોએ મુલાકાત લઇ ડોક્ટર પરિવારે ભારત પરત ફરવાની તૈયારી કરી.

વિદાય લેવાના આગલે દિવસે સાંજે હોટેલની સ્વાગત કર્મચારીણીએ ડોક્ટરની રૂમમાં રૂબરૂ જઈ અને કહ્યું, કે, "આજ રાતનું ભોજન  અમારા મેનેજીંગ ડિરેક્ટર અને મેનેજર તરફથી વિદાય શુભેચ્છા રૂપે હોય આપને આમંત્રણ મોકલ્યું છે."

ડોક્ટર પરિવાર વિસ્મય પામી ગયો.જિંદગીમાં આ પહેલો જ અનુભવ હતો કે વિદેશી હોટેલનો માલિક પોતાના અજાણ્યા ભારતીય ગ્રાહકને સહપરિવાર શુભેચ્છા રૂપે ભોજન માટે નિમંત્રી વિદાય આપતો હોય 

રાત્રી ભોજનનો સમય થતાં ડોક્ટર પરિવાર ભોજન ખંડમાં પ્રવેશ્યા.

 વિશાળ ભોજન ખંડના દરવાજે " The Managing Director, Manager and Staff of the Hotel, pleased to Welcome you.". લખેલું બેનર જોયું. વિવિધ પુષ્પોથી શણગારેલ,ચારે બાજુ ઝગમગતી રોશની, શિસ્તબદ્ધ ઉષ્માભર્યા સ્વાગતથી ડોક્ટરને ન સમજાય એવું આશ્ચર્ય થયું.ડોક્ટર મૂંઝાયા, આ બધું શું છે ? આટલા પ્રેમથી આવું સ્વાગત કરનાર હોટેલ માલિક કોણ છે ?આવા મનોમન ઉઠતા પ્રશ્નોએ ડોક્ટરને ગૂંગળાવી મુક્યા. 

થોડીવારે સફેદ સિલ્કની સાડી, અર્ધ રૂપેરી વાળ,ચહેરા ઉપર મૃદુતા વાળી સુંદર આધેડ જાજરમાન મહિલા સાથે ફ્રેન્ચ કટ દાઢીધારી,પુરી ઊંચાઈ ધરાવતો, રૂપાળો યુવાન દાખલ થયા.મહિલાના અંગત સચિવે ડોક્ટર સાથે પરિચય કરાવતા કહ્યું કે  "મેડમ આ હોટેલના મેનેજીંગ ડાયરેક્ટર છે, અને એની સાથેનો યુવાન મેનેજર એનો પુત્ર છે. આધેડ મહિલાએ ડોક્ટરને પુષ્પગુચ્છ  આપી ભારતીય પ્રણાલી મુજબ સ્વાગત કર્યું, જયારે યુવાન મેનેજર ડોકટરને પગે પડી ચરણ સ્પર્શ કરતા જ ડોક્ટરના આશ્ચર્યનો પાર ન રહ્યો.

ભોજન ટેબલ ઉપર ગોઠવાતા, ડોકટરે મૌન તોડ્યું અને પૂછ્યું " મેડમ, આ બધું શું છે, આ હોટેલના દરેક ગ્રાહકને શું તમે આ જ રીતે વિદાય આપો છો ? મને કઈ સમજાયું નહિ."

આધેડ મહિલાએ હળવા સ્મિત સાથે કહ્યું "સાચું છે,ડોક્ટર તમને કદાચ નહિ સમજાય. હું એની સ્પષ્ટતા કરું.

" અમારી હોટેલના દરેક ગ્રાહક માટેનો આ શિરસ્તો નથી,પણ તમે અમારા ખાસ મહેમાન છો તેથી ભૂતકાળનું  અંશતઃ ઋણ ચૂકવવાના ઉદ્દેશથી તમારો  વિદાય સમારંભ ગોઠવ્યો છે "

"ભૂતકાળનું ઋણ ? તમારા  ઉપર ? એ કેવી રીતે ?" ડોક્ટર વધુ નવાઈ પામતા બોલી ઉઠયા .

મહિલાએ ઉત્તર વાળતા કહ્યું " સાહેબ, યાદ કરો.આજથી ત્રીસ વર્ષ પહેલાં મોરબી પૂર પીડિત નારાયણ અને લક્ષ્મી લાચાર અને નિઃસહાય હાલતમાં આપને દવાખાને આવ્યા હતા. ગર્ભવતી લક્ષ્મીને પ્રસુતિની પીડા ઉપડતા આપે એની પ્રસુતિ તથા સારવાર નિઃશુલ્ક કરી હતી. એ લક્ષ્મી હું પોતે જ અને આપે પ્રસવ કરાવેલ


બાળક તે આ મારો પુત્ર સ્નેહીત. 
થોડા વર્ષો પહેલા મારા પતિ નારાયણનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું પરંતુ આપે અમારી મુશ્કેલીના દિવસોમાં કરેલી નિઃશુલ્ક સારવારનું કરજ છેલ્લે સુધી એને ખટકતું હતું. એ કરજ ચૂકવી ઋણ મુક્ત થવા પોતે તો હયાત ન રહ્યા. પણ ઈશ્વરે અમને આજે તક આપતા આપના ઋણમાંથી અંશતઃ મુક્ત થયાથી નારાયણના સદગત આત્માને પણ શાંતિ મળશે.આપે આ હોટેલનું કોઈ ભાડું કે અન્ય વિશેષ સુવિધા ભોગવ્યા માટે કોઈ બિલ ચૂકવવાનું રહેતું નથી.તમે ગ્રાહક નહિ પણ પરિવારના સભ્ય છો" આટલું બોલતા કેનેડાની શાનદાર પ્રતિષ્ઠિત હોટેલની મેનેજીગ ડાયરેક્ટર લક્ષ્મીની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા.

*******

લક્ષ્મીની વાતથી આશ્ચર્ય સાથે ભાવવિભોર થતા ડોકટરે પૂછ્યું," તમે છેલ્લે દવાખાને આવ્યા પછીથી   નારાયણના કોઈ સમાચાર જ  નહોતા.બહેન,જયારે દશા બદલાય છે ત્યારે દિશા પણ બદલાય છે. તમારી  કષ્ટદાયક સફરનો હું સાક્ષી છું પણ આટલી પ્રગતિ કઈ રીતે કરી "? . 

લક્ષ્મીએ જવાબ દેતા કહ્યું " સાહેબ,તમે જાણો જ છો કે મોરબી છોડીને પહેરેલ કપડે એન.જી.ઓ.ને આશરે અમદાવાદ આવ્યા પછી નારાયણને પગભર કરવા સંસ્થાએ સાધારણ પગારથી એક નાની નોકરી અપાવેલ, નજીવા પગારમાંથી બે છેડા માંડ ભેગા થતા હતા ક્યારેક તો અમારે ભૂખ્યા સુઈ રેહવું પડ્યું હતું  દરમ્યાનમાં નારાયણ રોજ જુદી જુદી જાહેરાતો વાંચી કોઈ સદ્ધર નોકરીની શોધમાં હતા.એકવાર મુંબઈની કોઈ મોટી કંપની ની જાહેરાત આવતા નારાયણે તે માટે પ્રયાસ કર્યો અન્રે ઈશ્વર કૃપાથી મુંબઈ ખાતે ખુબ જ સારા પગાર,અને  વિપુલ સુવિધાઓ સાથે નોકરી મળતાં અમે મુંબઈ આવી સ્થિર થયા. સ્નેહીત મોટો થઇ હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી,એના કચ્છી મિત્ર કે જે આ હોટેલનો માલિક હતો તેણે નોકરી અર્થે  સ્નેહીતને અહીં બોલાવ્યો. બે-એક વર્ષ પછી સ્નેહીતની કામગીરી અને મહેનતથી  હોટેલની પ્રગતિ અને વધતી જતી પ્રતિષ્ઠાથી પ્રભાવિત થઇ કચ્છી મિત્રએ તેને ભાગીદાર બનાવ્યો.

2001માં કચ્છમાં ભૂકંપ આવતા, કચ્છી મિત્રના મા-બાપ બુરી રીતે પાયમાલ થઇ જતા, તેણે આ હોટેલ સ્નેહીત ને વેંચી પોતે કાયમ માટે કેનેડા છોડી કચ્છમાં વસવાટ કર્યો અને ધીમે ધીમે અમે પણ મુંબઈ છોડી અહીં સ્થિર થયા.દરમ્યાનમાં 2003માં નારાયણને હૃદયરોગનો હુમલો આવતા તેઓ પરલોક સિધાવ્યા અને અમે મા-દીકરાએ હોટેલનો વહીવટ સંભાળી લીધો. આ રીતે અમારા દારુણ દુઃખના દિવસો પુરા થયા અને અમારા જીવનમાં સુખનો સુરજ ઉગ્યો. ડોક્ટર સાહેબ,સફળતાના કપડાં તૈયાર નથી મળતા એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ..નારાયણની ધગશ,પ્રામાણિકતા,અને મહેનતનું આ પરિણામ છે

લક્ષ્મીની વાત વિગતે સાંભળતા ડોક્ટર ગળગળા થઇ ગયા.અને કહ્યું ,"બહેન, જીવનમાં ચડતી પડતી એ નિયતિએ નક્કી કરેલું ચક્ર છે તેમ છતાં તમારી અને નારાયણની ઈશ્વર ઉપરની શ્રદ્ધા, વિશ્વાસ અડગ ધૈર્ય,અને હિંમતને દાદ દેવી પડે.વર્ષો જૂની વાત યાદ રાખીને તમે અમારી જે સરભરા કરી છે ત્યારે આ કોઈ પૂર્વજન્મનું ઋણાનુબંધ હોય એવું મને લાગે છે. ખરેખર આજે અમે સાચા લક્ષ્મી-નારાયણને દ્વારે આવી ઉભા છીએ એવી અનુભૂતિ થાય છે, ભારત આવો ત્યારે અવશ્ય મળજો અને અમારા જેવું કાંઈ પણ કામ હોય અમને યાદ કરી ઉપકૃત કરજો.

આટલું બોલી ડોક્ટર પરિવાર વિમાન મથકે જવા તૈયાર થયા.લક્ષ્મી અને સ્નેહીત તેને વળાવવા વિમાન મથક સુધી પોતાની વૈભવી કારમાં લઇ ગયા.વિમાન મથકે આવી પહોંચતા સજળ નયને લક્ષ્મી અને સ્નેહીત ડોક્ટરને પગે લાગી ચરણસ્પર્શ કરી વિદાય આપી. ડોકટર પત્ની અશ્રુ ભીની આંખે લક્ષ્મીને ભેટ્યા,જયારે ડોક્ટરે ચશ્મા ઉતારી આંખના ભીના ખૂણા સાફ કર્યા.

*****


.







 



 

  • Vancouver – Best for Culture.
  • Toronto – Best Multicultural Experience.
  • Whistler -The Best Place to Ski in Canada.
  •  – Best Music Festival.
  • Niagara Falls