Sunday, 1 April 2018

પેટ

                                                                            
                                                                              

આ કોઈ તબીબી વિજ્ઞાનને લગતો કે આરોગ્યની ટિપ્સ આપતો લેખ નથી તેથી બે ધડક આગળ વાંચતા રહો.
         માનવ શરીરના પ્રમુખ અંગો મોટેભાગે બે અક્ષરના નામથી ઓળખાય છે જેમકે વાળ, ભાલ,આંખ, નાક, હોઠ, દાંત ,છાતી પેટ, કટી (કમ્મર) પગ વી.વી.પરંતુ એ બધામાં પેટ મહત્વનું છે અને એટલેજ શરીરના મધ્યભાગમાં ઈશ્વરે એની રચના કરી છે 
આપણે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે જો પેટ ન હોત, (અથવા ભગવાને ન આપ્યું હોત)  તો શું થાત ?
      હું એમ માનું છું કે જો ઈશ્વરે માનવીને પેટ રૂપી પેટી ન આપી હોત  તો શારીરિક રચનામાં તો ભગવાને જે કરવું હોત  તે કરત પણ વિશ્વભરની મોટાભાગની સમસ્યા કદાચ તેથી નિવારી શકાય હોત.
મને સૌ પહેલો વિચાર ભાવનગરના શેઠ બ્રધર્સનો આવ્યો, કે જો પેટ જ ન હોત  તો એનું કાયમ ચૂર્ણ પણ કદાચ અસ્તિત્વમાં ન હોત. એમ કહેવાય છે મોટાભાગના રોગો પેટને કારણે ઉદભવે છે કબજિયાત, ઝાડા,ગેસ, અપચો, મંદાગ્નિ અને ખૂબી એ છે કે શરીરના અન્યભાગની જેમ પેટની અંદર રહેલ મશીનરી આપણે જોઈ પણ શકતા નથી, કે દર્દનો ખ્યાલ પણ આવે, આમ પેટની મશીનરી પેટીમાં પુરાયેલી રહે છે પરિણામે મોટાભાગની પેટની બીમારી વિના ચેતવણી પણ આવી પડે છે.
પેટ એ યજ્ઞશાળા છે, હોજરી/જઠર એ યજ્ઞ કુંડ છે, જેમ જેમ તમે ખોરાકનો એક એક કોળિયો પેટમાં પધરાવો છો, ત્યારે એ યજ્ઞકુંડમાં સમર્પિત કરેલી આહુતિ રૂપ છે, સતત મળતી આહુતિ થી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ખોરાકનું પાચન સરળ બને છે, આવી મારી સાદી સમજ છે.
પેટ ન હોત  તો ? તો પછી અર્થોપાર્જન વ્યાપાર, કે વ્યવસાયની જરૂરત જ ક્યાં રહી ?
કાંદિવલીથી મુંબઈ સેન્ટ્રલ કાયમ સવારે સાડા છ વાગ્યે જઈને રાત્રે દશ વાગે કામ ઉપરથી પાછા ફરતા કોઈ આધેડને પૂછશો કે ભાઈ, આ જિંદગી આખી તું દોડાદોડી શું કામ કરે છે તો નિશ્ચિત રીતે એના જવાબમાં એ પોતાની પત્ની અને ચાર બાળકો નું પેટ પુરવાની સમસ્યા બતાવશે 
એ ઉપરાંત પણ ખોટાને સાચા ઠરાવતા કાનૂનવિદો પણ મહદ અંશે નવરા થઇ જાય, કારણકે પેટ ન હોવાથી ચોરી ચપાટી ઓછી થવાની છે, અને ધારાશાસ્ત્રીને પણ પેટ ન હોવાથી કોઈ મહેનત કરવી પડતી નથી 
જિંદગી આખી ભાગદોડ, જંજટ, ખોટું-સાચું,કાવા દાવા વિગેરે પેટ માટે થઈનેજ કરવું પડતું હોય છે
શરીરમાં પેટ મહત્વનું અને લાડકું સ્થાન ધરાવે છે એમાં બે મત નથી તમે કોઈ સ્થૂળ દેહધારીનું મોટુ પેટ ધરાવતી વ્યક્તિને પલાંઠી વાળીને બેસેલી જોઇ  છે ? જયારે એ દૃશ્ય જોશો ત્યારે તમને ખાતરી થશે કે આ સ્થૂળ વ્યક્તિએ જાણે કેમ પોતાના પેટને પોતાની ગોદમાં બેસાર્યું હોય ? અને ગોદમાં તો વ્હાલું હોય એજ બેસે ને ?
આપણી રોજબરોજ  વપરાતી તળપદી ભાષામાં પેટને લગતા કેટલાં  વિશેષણો/કહેવત, વિગેરે છે  એ ખ્યાલ છે ? તો જુઓ આ પેટ ઉપર થી બનેલા કેટલાંક  વાક્યો/શબ્દો/કહેવત 
1  પેટ ઉપર પાટુ મારવી ( કોઈની રોજી છીનવી લેવી )
2  પેટ ચોળીને શૂળ ઉભું કરવું ( હાથે કરીને મુશ્કેલી વ્હોરવી )
3  પેટ કરાવે વેઠ 
4  પાપી પેટને ખાતર 
5 પેટે પાકેલા  (કુખે જન્મેલ )
6 દુખે પેટમાં, અને ફૂટે માથું 
7 પેટની પીડા ( અંદરની વ્યથા )
8 પેટમાંથી કઢાવવું ( ગોપનીય વાત જાણવી )
9 પેટ સાફ આવવું (કુદરી હાજત સંતોષકારક હોવી )
10 ભરેલ પેટનો (સંતોષી જીવ )
11 પેટનો ખાડો પુરવો ( ક્ષુધા તૃપ્ત કરવી )
12 પેટ ફોડી નાખવું ( આત્મહત્યા કરવી )
13 કોઈ ન પહોંચે તેને એનું પેટ પહોંચે ( સંતાન નો બળવો )
14 પેટમાં રાખવું ( ગોપનીયતા જાળવવી )
15  પેટે પાટા બાંધવા ( આર્થિક સંકડામણ ભોગવવી )
16  પેટ ચોંટી જવું ( ભૂખ લાગવી )
17   પેટમાં દુખવું ( કંઈક વાંકુ પડવું )     [ અહીં દર્દ તરીકે નથી ઉલ્લેખાયું ]
18   મોટા પેટનો   (ઉદાર  જીવ)
19 પેટમાં બિલાડા  બોલવા  (ભૂખ લાગવી )
20 પેટનો મેલો (કપટી,મીંઢો )
21 પેટ ઉપર પોટલાં બાંધવા (સામાન્ય ક્ષમતાથી વધુ આરોગવું) 
22 પેટમાં પેસીને પગ પહોળા કરવા (વિશ્વાસ સંપાદન કરીને દગો દેવો )
23 બિલાડીના પેટમાં ખીર ન ટકે ( ગોપનીયતા ન જાળવી શકવું )
( આથી વિશેષ કાંઈ  હોય તો ઉમેરવાની છૂટ છે )
  કદાચ આટલા વિશેષણો શરીરના કોઈ અંગો માટે કદાચ નહીં વપરાતા હોય એજ પેટનું મહત્વ દર્શાવે છે.

Sunday, 17 September 2017

શંકા

રાત્રીના 12/45 નો સમય છે.
હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં આઠવર્ષની પિંકી પગના પ્લાસ્ટર સાથે પડી છે.આજે પિંકીને તાવ પણ હતો તેથી બાજુમાં ટેબલ ઉપર બેસીને ચાર ચાર દિવસના સતત ઉજાગરાથી થાકેલો આશરે 28 વર્ષનો યુવાન પ્રિતેશ  પિંકીને માથા ઉપર બરફ-મીઠાના પોતા મુકતા ઝોલા ખાતો હતો.
સવાર  પડ્યું,
પિંકીની માતા પ્રીતિ સવારની ચાહ લઈને દવાખાને પહોંચી,પિંકીને ચાહ પાતા બોલી, " પ્રિતેશ,પ્લીઝ હવે તમે ઘેર જાવ,ચાર ચાર દિવસથી સતત ઉજાગરા વેઠીને તમારી આંખો લાલ થઈને સૂઝી ગઈ છે, તમને આરામની જરૂર છે આવતી કાલથી બે-ત્રણ દિવસ હું  દવાખાને  રોકાઈશ,એવું હોય તો સાંજે તમે આંટો આવી જજો. થોડી ઊંઘ કરી ફ્રેશ થઈ જાવ "
"મેડમ,એવું તો ચાલ્યા કરે,આવું થોડું રોજ હોય છે? હમણાં મારી ગુડ્ડી સારી થઇ જશે પછી તો આરામ છે જ ને ? નીચી નજરે પ્રિતેશે જવાબ આપ્યો
"એવું નથી, પણ ચાર ચાર દિવસથી તમે ઓફિસમાંથી રજા લઈ, દિવસ રાત અહીં જ બેઠા રહ્યા  છો આજે તો જરૂર નોકરી ઉપર પાછા ચડી જાવ " પ્રીતિ બોલી
જવાબમાં યુવકે હળવું સ્મિત વેરતા કહ્યું " હું ઘેર જઇ, સ્નાનાદિ કાર્ય પતાવી અર્ધા જ કલાક માં પાછો આવું છું
ત્યારબાદ તમે ઘેર જવા નીકળો, તમારે પણ ઘરનું કામ,રસોઈ,અને ટયુશન વિગેરે જવાબદારી છે જ ને ? એટલું બોલી યુવક પોતાની બાઈક ઉપર સવાર  થઇ ઘરભણી નીકળી પડ્યો
*******
રત્નાકર રેલવેમાં ચીફ ઈન્જીનીયર તરીકે નોકરી  કરતો હતો.દશેક વર્ષ પહેલાં એમના લગ્ન જ્ઞાતિની સુશીલ, સંસ્કારી અને શિક્ષિત કન્યા પ્રીતિ સાથે થયા હતા,પ્રીતિ મુંબઈ ની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે M.A.થઇ એજ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નોકરી કરતી હતી લગ્નના બે એક વર્ષે એમને ત્યાં પુત્રીનો જન્મ થતા પોતે નોકરી છોડી ગૃહકાર્ય ઉપરાંત ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતી હતી
 ગર્ભશ્રીમંત માં-બાપની એકની એક લાડકી પુત્રી પ્રીતિ, અતિ લાડ-પ્રેમમાં ઉછરેલી હતી તે ઉપરાંત પણ મુંબઈમા જ જન્મી,મોટી થઇ, અને ભણી હોવાથી અત્યન્ત ફોરવર્ડ, અને આધુનિક વિચારસરણી ધરાવતી હતી  જયારે રત્નાકર મધ્યમવર્ગના પરિવારમાંથી સ્વ-બળે આગળ આવેલ મહેનતુ, ખંતીલો, અને રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતો યુવક હતો.વિચારભેદને કારણે બન્ને વચ્ચે અવારનવાર મતભેદ ઉભા થતા રહેતા હોવા છતાં એકંદર સુખી જીવન વ્યતીત કરતા હતા.
       જાપાનના સહયોગથી ભારતમાં "બુલેટ ટ્રેઈન"નો પ્રોજેક્ટ શરૂ થતા રત્નાકરને એ અંગેની તમામ કામગીરી તથા જવાબદારી રેલવે મંત્રાલય દ્વારા સોપવામાં આવી હતી,તે અંતર્ગત ભારત સરકારે "બુલેટ ટ્રેઈન પ્રોજેક્ટ યોજના" હેઠળ એક માસ માટે જાપાન તાલીમ લેવા મોકલ્યો હતો.અહીં પ્રીતિ તથા એની આઠ વર્ષીય પુત્રી પિંકી રહેતા હતા
     એ દરમ્યાન બન્યું એવું કે એકદિવસ પિંકી પોતાની શાળાએથી છૂટી ઘર તરફ આવતી હતી એવામાં શાળાના દરવાજાની બહાર જ રોડ ઉપર કોઈ અજાણી કારની હડફટે ચડી જતાં રસ્તા ઉપર એ ફગોળાઇ અને પટકાઈ પડી,પગે ફ્રેક્ચર થવા ઉપરાંત મૂઢ માર પણ વાગ્યો હતો અચાનક થયેલ અકસ્માતના આઘાતથી પિંકી બેભાન થઇ ગયેલી એજ સમયે શાળા નજીકથી પસાર થતા યુવાન સોફ્ટવેર ઈન્જીનીયર પ્રિતેશ ત્યાંથી પોતાની કારમાં પસાર થતા, તેણે આ દ્રશ્ય જોયું, તુર્તજ પોતાની મોટર ઉભી રાખી પિંકીને બન્ને હાથે વડે  ઊંચકીને નજીકના દવાખાને સારવાર માટે લઇ ગયો,
બેભાન પિંકીનું દફ્તર ફફોળતાં એનું ઓળખ પત્ર હાથ લાગ્યું, એમાં દર્શાવેલ ફોન નંબર ઉપર ફોન કરીને પ્રિતેશે પ્રીતિને અકસ્માતની  જાણ કરી.પ્રીતિ તુર્તજ દોડીને દવાખાને પહોંચી એ પહેલા પ્રાથમિક સારવાર આપી પિંકીને દાખલ કરી દેવામાં આવી હતી.
પ્રીતિના આવતા પ્રિતેશે બનેલી બધી ઘટના સવિસ્તૃત કહી, અને પોતાનો  પરિચય આપ્યો
બસ ત્યારથી પ્રિતેશ ઓફિસમાંથી રજા લઈ, પિંકીની સારવારમાં લાગી ગયો.
એક અજાણી વ્યક્તિ તરીકે માનવતાની રૂએ આટલી મદદ કરવા બદલ પ્રીતિએ પ્રિતેશનો આભાર માન્યો
      દિવસો વીતતા ગયા, હવે પિંકીને દવાખાનામાંથી છુટ્ટી પણ મળી ગઈ અને પગનું પ્લાસ્ટર પણ છૂટી  જતા ફરી રોજિંદી ઘટમાળમાં બધા ગોઠવાઈ ગયા.
 યુવાન પ્રિતેશને નિર્દોષ  પિંકી તરફ એક અદભુત લાગણી બધાઈ ગઈ.કોઈ કોઈવાર શાળા પાસેથી પોતાની ઓફિસે જતાં, તે પિન્કીને મળી ચોકલેટ્સ પણ આપતો,
********
જપાન રહેલ રત્નાકરને પણ ચિંતા ન થાય એ રીતે પ્રીતિએ હળવાશથી થોડી માહિતી આપી હતી  પણ
જપાનથી પરત ફરતાં  જયારે પ્રીતિએ રૂબરૂ બધીજ વિગતવાર વાત નિખાલસતાથી કરી ત્યારે શરૂથી જ શંકાશીલ સ્વભાવના રત્નાકરને અંચબો થયો કે " જે વ્યક્તિ નાત કે જાતનો નથી, સગો કે પડોશી નથી, આંખની પણ કોઈ ઓળખાણ નથી, કે નથી કોઈ દિવસ ભૂતકાળમાં પણ મળ્યા એવી અજાણી વ્યક્તિને આટલી બધી ચિંતા કરી,પોતાની નોકરીમાંથી રજા લઇ,રાત દિવસ ઉજાગરા કરી અને મદદ કરવા પાછળનું કારણ શું હોઈ શકે ? રત્નાકરના દિમાગમાં શઁકાનો સુષુપ્ત કીડો  જાગૃત થઇ સળવળ્યો જાત જાતના વિચારો મગજમાં ઘૂમરાવા લાગ્યા,બસ ત્યારથી એ યુવાન પ્રીતિ તરફ શઁકા ની નજરે જોવા લાગ્યો પરંતુ એ સમયે તે  ચૂપ રહ્યો,
********
લગભગ એકાદ મહિના પછી
" મમ્મી,મમ્મી,આજે મારો જન્મદિવસ હોય  પ્રિતેશ અંકલે મને આ નવું ફ્રોક અપાવ્યું " શાળાએ થી ઘેર આવતા જ ફ્રોકનું બોક્સ મમ્મીના હાથમાં મૂકતાં  પિંકી બોલી
"આજે તારો જન્મદિન છે એ અંકલને કેમ ખબર પડી?"  પ્રીતિએ આશ્ચર્યસાથે પૂછતાં બોક્સ ખોલી ફ્રોક જોયું
" મમ્મી હું સ્કૂલેથી છૂટી ત્યારે અંકલ દર વખતની જેમ આજે પણ મને ચોકલેટ્સ આપવા આવ્યા હતા, ત્યારે મેં એને કહ્યું કે  અંકલ, દરવખત તમે મને ચોકલ્ટસ આપો છો, આજે હું તમને મારા જન્મદિન નીમ્મીતે ચોકલેટ્સ આપું છું" એમ કહીને શાળાના બાળકોને આપતા વધેલી ચોકલેટ્સમાંથી થોડી મેં એમને આપી "
નિર્દોષ પિંકીએ સ્પષ્ટતા કરતા આગળ ચલાવ્યું , " મમ્મી, પછી એ પોતાની કારમાં મને સાથે લઇ જઈને મને ગમતું ફ્રોક બજારમાંથી અપાવ્યું
"વાહ, બેટા  ફ્રોક તો એકદમ સરસ છે ડિઝાઇન અને કલર પણ નવીન  છે,
નિર્દોષ કિશોરીના શબ્દો, અને પ્રીતિ તરફથી થયેલી પ્રશંશા રત્નાકરના કાને પડ્યા
બસ, રત્નાકર ઘુઘવ્યો, અને પ્રીતિને સંબોધતા કહ્યું
"કોણ છે આ પ્રિતેશ ?શું સબંધ છે તેને આપણા પરિવારથી ?શા માટે આટલો વરસી પડે છે ?એક મહિનો હું બહાર ગયો એમાં પારકી વ્યક્તિ ઘર સુધી પ્રવેશી ગઈ ? આપી દેજે એને કાલે આ ફ્રોક પાછું અને કહેજે કે હવે પછીથી પિંકી કે તારી સાથે કોઈ સબંધ ન રાખે સમાજમાં આવા તકસાધુ ઘણા પડ્યા  છે, જે મજબૂરી,લાચારી, કે જરૂરિયાતને સમયે મદદ કરવાના બહાને ઘર સુધી પ્રવેશી જઈ,પરિવારના સુખ-ચેન અને ઈજ્જત-આબરૂના ચીથરા ઉડાડતા હોય છે બસ બહુ  થયું હવે  આ નાટક બંધ કરો" ગુસ્સાથી લાલ- પીળા થઇ ગયેલ રત્નાકરે પોતાની શઁકાનો ઉભરો ઠાલવ્યો
       રત્નાકરના આવા બેજવાબદારી ભર્યા અને બિંદાસ શબ્દો સાંભળી પ્રીતિને હાડોહાડ આઘાત લાગ્યો એ બરાબર સમજી ગઈ કે રત્નાકર પોતાના ચારિત્ર્ય ઉપર શક કરી રહ્યો છે ભૂતકાળમાં પણ જયારે એ કોલેજમાં નોકરી કરતી હતી ત્યારે ફાઇનલ ના વિદ્યાર્થીઓ ઘેર માર્ગદર્શ લેવા આવતા ત્યારે પણ એની શંકાશીલ નજર તેના ઉપર રહેતી હતી અને  ઘણીવાર આવી કચ કચ થતી હતી.
પ્રીતિએ મૌન તોડ્યું  બોલી " રત્નાકર,તમે તમારી મર્યાદા ચુકી રહ્યા છો, આજે તમારા મગજમાં ઘુસેલા શંકાના ભૂતે તમને ભાન ભુલાવી દીધું છે કે તમે શું બોલી રહ્યા છો,એટલુંજ નહીં પણ હવે તમે મને પણ મારી લક્ષ્મણ રેખા ઓળંગવા મજબુર કરો છો.હું નિષ્પાપ છું તમારી બધી શંકાની હું સ્પષ્ટતા કરી જ દઉં.
 લ્યો સાંભળો
" હું પ્રિતેશને ઓળખતી નથી. હા દવાખાને જરૂર મળી છું છતાં આજની તારીખે પ્રિતેશ પણ મારા વિષે કંઈ  જાણતો નથી, નથી મારો મોબાઈલ નંબર એની પાસે, કે નથી એનો મારી પાસે, એટલુંજ નહીં પણ દવાખાનેથી પિંકીને રજા મળ્યા પછી, કે દવાખાને હતી એ દરમ્યાન પ્રિતેશ આ ઘરનું પગથિયું કદી ચડ્યો નથી, જયારે પિંકી એને ઘેર આવવાનું કહેતી  ત્યારે માત્ર હસતા હસતા એટલુંજ કહેતો કે " બેટા, તારા પપ્પા આવશે ત્યારે જરૂર હું આવીશ"તમને માનવામાં નહીં આવે પણ પ્રિતેશને આજદિન સુધી મારા નામ સુદ્ધાની ખબર નથી એટલે મને મેડમ કહીને નીચી નજરે મારી સાથે વાત કરેછે
 તમારી બીજી શંકા:-  "એક અજાણી વ્યક્તિ આટલો ભોગ આપીને કેમ વરસી પડે છે ? આવો વિચાર સામાન્ય છે, જે મને પણ પહેલા આવ્યો હતો, પણ જયારે એની પુરી કહાની સાંભળી ત્યારે એના ઋજુ હૃદય, અને નિર્દોષ પ્રેમ ઉપર હું ખુશ થઇ ગઈ તો લ્યો એ પણ સાંભળી લ્યો, આજથી દશવર્ષ પહેલાં 18 વર્ષનો  પ્રિતેશ    એની 8 વર્ષની નાનીબેન મીતાને હરહમેશ શાળાએ તેડવા મુકવા સાયકલ ઉપર જતો.
એકવાર મીતાના જન્મદિનને દિવસેજ પ્રિતેશની પરીક્ષા હોય એ સ્કૂલે મુકવા ન જઈ  શક્યો, અને રસ્તો ઓળંગવા જતા મીતાને અકસ્માત નડ્યો,એ મોટર સાયકલની હડફટે ચડી અને તેજ ક્ષણે બ્રેઈન હેમરેજને કારણે તે ત્યાંજ મૃત્યુ  પામી, અકસ્માતના સમાચાર ઘેર  મળતાં  પ્રિતેશ શાળાએ ગયો ત્યાં શાળાનાદરવાજા પાસે રસ્તા ઉપર મીતાની લાશ એક કલાક સુધી રઝળતી પડી રહી હતી  અને દફતરમાંથી ક્લાસના મિત્રોને આપવા માટેની ચોકલેટ્સ વેરાએલી હાલતમાં હતી પિંકીના ચહેરામાં એને એની નાની બહેન દેખાણી, અને માનવતાની રૂએ ચાર ચાર દિવસ સુધી નોકરી ઉપર ન જતા પિંકીની સારવારમાં રોકાયો
પિંકીના ઓપરેશન સમયે જયારે લોહીની જરૂર પડી, ત્યારે પ્રિતેશનું લોહી ગ્રુપ મળતું આવવાને કારણે એકવીશ દિવસમાં તેણે  બે વાર લોહી આપ્યું, તમે પૂછો છોને કે,શું સંબધ છે તેને આપણા પરિવાર સાથે ? તો લ્યો આ લોહીનો સબધ છે તમે એ પણ  જાણી લ્યો કે,આ એજ પ્રિતેશ છે કે,જેણે પિંકી સાજી થઇને ઘેર ન આવે ત્યાં સુધી ચા ન પીવાની બાધા રાખી  હતી દવાખાનામાંથી જયારે પિંકીને રજા આપવામાં આવી,ત્યારે પિંકીનું વજન ત્યાંજ કરાવી લઇ,મૂળીના સૂર્યદેવના મંદિરે પિંકીના વજન જેટલી 14 કિલો સાકર ધરાવી તેણે  લીધેલી માનતા/બાધા પુરી કરી હતી
રત્નાકર,તમારો હક્ક મારા શરીર અને સુખાધિકાર પુરતોજ છે. અને એ એકાધિકાર આજીવન રહેશે પણ મારા હ્રદય,કે વિચારો ઉપર તમારો બિલકુલ અધિકાર નથી .
તમે પરિવારનું પેટ પાળો છો એતો  તમારી જવાબદારી છે, અને હું ઘર સાચવું છું એ મારી ફરજ છે.આ "જવાબદારી"અને "ફરજ" વચ્ચે ક્યાંય "પ્રેમ' આવતો જ નથી ?"
 તમે માનશો ? હું રોજ સવારે ઉઠતા અને રાત્રે સુવા સમયે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે નિસ્વાર્થ ભાવે બીજાની જિંદગી બચાવી નવજીવન આપનાર પ્રિતેશને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એનો નિસ્વાર્થ પરોપકારી સ્વભાવ મારા જીવનનો આદર્શ બની ગયો છે"
    વાતાવરણમાં ઉકળાટ વધી ગયો, ગરમીના દિવસો હતા, બેડરૂમમાં ચાલતી ચર્ચા દરમ્યાન એ.સી.અને
 પંખો બન્ને ચાલુ  હોવા છતાં રત્નાકરને એ.સી.માંથી આગ ફૂંકાતી  હોય એવું લાગતું  હતું 
 રાત્રીનો એક વાગ્યો હતો, પ્રીતિ ત્યાંથી ઉઠી પિંકીના બેડરૂમમાં સુવા ચાલી ગઈ.ઘસઘસાટ ઊંઘતી પિંકીના માથા ઉપર હાથ ફેરવતાં,ઓશિકાની આડશમાં ચોધાર આંસુએ રડતા રડતા એની આંખ મીચાઈ ગઈ.
         પોતાના બેડરૂમમાં એકલા પડી ગયેલ રત્નાકરની આંખમાંથી અશ્રુધારા છૂટી દશ દશ વર્ષથી સાહચર્ય નીભાવતી ચારિત્ર્યવાન પત્નીને પોતે ઓળખી ન શક્યાનો રંજ એને કોરી ખાવા લાગ્યો ઊંઘવાની ઘણી કોશિશ કરવા છતાં ઊંઘી ન શક્યો,મગજ ઉપર લોહીનું દબાણ વધતું ગયું, હૃદયમાં શૂળ ભોકતા હોય એવી વેદના શરૂ થઇ.દુખાવો વધતો ગયો.રાત આખી પથારીમાં તરફડીયા મારવા લાગ્યો
******
બીજે દિવસે રવિવારની સવાર પડી, પ્રીતિ નિત્યક્ર્મ મુજબ ઉઠીને પોતાની દિનચર્યામાં ગુંથાઈ ગઈ
રોજ સવારે સાત વાગ્યે અચૂક ઉઠી જનાર રત્નાકર આજે સાડાઆઠ સુધી ન ઉઠતા પ્રીતિ તેને ઉઠાડવા એના બેડરૂમમાં ગઈ,અને પથારીનું દૃશ્ય જોઈને આભી થઇ ગઈ
રત્નાકરના નાકમાંથી લોહી નીકળેલું હતું, અને નિશ્ચેતન પડ્યા હતા
તુરતજ નજીકના ડોક્ટરને ફોન કરીને બોલાવતા ડોકટરે કહ્યું કે "લોહીનું દબાણ મગજની નસ ઉપર વધી જતા મગજની નસ ફાટી જઇ  ઊંઘમાંજ મૃત્યુ પામ્યા છે"
રત્નાકરના પલંગ નીચે પડેલ એક કાગળ ઉપર પ્રીતિની નજર પડી, ઉપાડ્યો  અને વાંચ્યો એમાં લખ્યું હતું
" વ્હાલી પ્રીતિ,
મને માફ કરજે તારા ચારિત્ર્ય ઉપર શંકા કરી હું ઈશ્વરનો તેમજ તારો ગુન્હેગાર બન્યો છું. પ્રિતેશને હું ઓળખી ન શક્યો  પ્રિતેશ માનવી નહીં પણ પૃથ્વી ઉપરનો ઈશ્વરનો પડછાયો છે.
મારી એક આખરી ઈચ્છા  છે. મને ખાત્રી  છે કે તું  જો એ પુરી કરીશ,તો મારા આત્માને સદગતિ પ્રાપ્ત થશે.
મારા બારમા-તેરમાની વિધિ કર્યા બાદ,પ્રિતેશની સંમતિથી તું  પ્રિતેશ સાથે લગ્નગ્રંથીથી  જોડાઈ જજે.તારા અંગત સુખના વિચારે હું આ નથી લખતો, પરંતુ જે પ્રેમ, લાગણી, અને વ્હાલ-વાત્સલ્ય તેણે  પિંકીને આપ્યા છે એ જોતાં મને એમ લાગે છે કે મારી ગેરહાજરીમાં પિંકીનું ધ્યાન પ્રિતેશથી વિશેષ કોઈ ન રાખી શકે ખુદ તું પણ નહી.અને તેહિ જ પ્રીતિના ઉજળા ભવિષ્યનો વિચાર કરીને હું આ લખું છું 
   તમારા બન્નેને હાથે મારા અસ્થિ વિસર્જન ગંગાના પવિત્ર ઘાટે કરવા વિનંતી છે જેથી મારો  શંકાશીલ આત્મા શુદ્ધ થાય અને મને  સદ્દગતિ  મળે.
 હું  સફળ પ્રેમી તો હતો જ નહીં પણ સફળ પતિ કે  પિતા પણ ન બની શક્યો અને અપરણિત  હોવા છતાં પણ  પ્રિતેશે એક વફાદાર અને જવાબદાર પિતા હોવાની પુરી યોગ્યતાસાબિત કરી આપી છે. મેં કરેલી વાહિયાત શંકા માટે મને પૂરો અફસોસ છે અને એ બદલ હું તારી માફી માંગુ છું. જો બને તો મને માફ કરજે
તમારા બન્નેનું લગ્નજીવન આબાદ નીવડે અને તમારી શીળી છાંય,દેખરેખ અને કાળજી નીચે પિંકી પણ સુખી થાય એવી પ્રભુને મારી પ્રાર્થના છે." 
લી.
આ જન્મનો તારો ગુન્હેગાર,
રત્નાકર      











Monday, 28 August 2017

ખુરસીને માન છે, વ્યક્તિને નહીં

અનુભવીઓએ કહેલી  કહેવત તદ્દન સત્ય છે  કે " કોઈ પણ વ્યક્તિ ને અપાતું માન તેના પદને છે કદને નહીં "
 વ્યક્તિત્વ ભલે ગમે એટલું અસાધારણ અને ભવ્ય હોય,પણ જો એની પાસે પદ,સત્તા, કે ખુરશી ન હોય તો એ વ્યક્તિ તરણાની તોલે છે. ઘરમાં સાપ નીકળે તો લાકડી, ધોકા લઈને તેને મારવા અને પૂરો કરી નાખવા લોકો તૈયાર થઇ જાય છે પણ એજ નાગ ભગવાન શંકરની છત્ર છાંયા હશે તો તેને જલાભિષેક, કે પુષ્પો ચડાવશે આમ સ્થાન નું મહત્વ છે.વ્યક્તિનું નહીં
34 વર્ષ પહેલાનો એક સ્વાનુભવ અહીં ટાંકુ છું
1983 માં મારી બદલી ભુજ (કચ્છ)થી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સાવ ખૂણાના ગામ નાગવદરમાં મેનેજર તરીકે થઇ.એ ગામમાં ચમત્કારી ગણાતા ગાયત્રી માતાજીનું મંદિર પણ સુંદર હતું અને દૂર દૂરથી લોકો માનતા માનવા/પુરી કરવા ત્યાં દર્શને  આવતા
મારો એક નિયમ એવો હતો કે જયારે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં બદલી થાય, ત્યારે એ ગામની બેન્કમાં ચાર્જ લીધા પહેલા એક અજાણ્યા ઈસમ તરીકે ગામની મુલાકાત લેતો
ગામની હોટેલ,પાનની દુકાન,ગામનો ચોરે બેઠેલ વૃદ્ધો એ બધાની એક અજાણી વ્યક્તિ તરીકે મુલાકાત લઈ ગામના લોકો, બેન્કિંગ વ્યવસ્થા, વેપાર-ઉદ્યોગ,ખેતી વિગેરે વાતો જાણતો
એવીજ રીતે નાગવદર બ્રાન્ચનો ચાર્જ સંભાળવાના દશેક દિવસ અગાઉ એક અજાણ્યા આગતુંક ની હેસિયત થી હું નાગવદર ગયો
ઓક્ટો, મહિનો,સખત તાપ.માથે ટોપી, ગોગલ્સ, ઝબ્બો-પાયજામો અને બગલથેલો લઈ હું નાગવદર પહોંચ્યો, ગામની હોટેલે અર્ધી ચાહ પીધી,ત્યાં બેઠેલ એક વૃદ્ધ ખેડૂતને પૂછ્યું, " ગાયત્રી મંદિર ક્યાં આવ્યું ?"
એમણે મને દર્શનાર્થી સમજી રસ્તો બતાવ્યો, બીજો સવાલ કર્યો "અહીં કોઈ ઉદ્યોગ કે કારખાના ખરા ?"
વૃદ્ધ ખેડૂતે જવાબ આપ્યો "અરે, અહીં  સિમેંન્ટ પાઇપ બનાવતી મોટી ફેક્ટરી છે, આખા ગુજરાતમાં એનો માલ પહોંચે છે, અને ધમધોકાર કારખાનું છે એ ગાયત્રી મંદિર રસ્તામાં જ આવે છે"
"સારું " એટલું કહી મેં ગાયત્રી મંદિર તરફ પ્રયાણ કર્યું,ભાવ પૂર્વક દર્શન કર્યા, મહંતના ચરણસ્પર્શ કર્યા, બહારથી આવતા દર્શનાર્થીઓને પ્રસાદ સ્વરૂપે કોફી પાવાનો રિવાજ હોય, મને કોફી પણ પીવરાવી અને હું વિદાય થયો
રસ્તામાં સિમેન્ટ પાઇપની ફેકટરી આવતા હું અંદર ઘુસ્યો
દરવાજાની સામેજ વિશાળ મેદાનમાં કાચની ઓફિસમાં પ્રભાવશાળી શેઠ બેઠા હતા, શેઠની એ.સી.ચેંબરના એક ખુણામાં ફ્રીઝ,અને બાજુમાં સોફાસેટ ગોઠવાયેલા હતા હું સીધો ઓફિસમાં ગયો.
દરવાજો અર્ધો ખોલતા મેં વિવેકથી પૂછ્યું " હું અંદર આવું "?
શેઠે મારી સામે જોતા પૂછ્યું " શું કામ છે ?"
" મને તરસ લાગી છે,તેથી પાણી પીવું છે " મેં જવાબ આપ્યો
શેઠે આગળ કશું પૂછ્યા વિના પોતાનો હાથ લંબાવી અને દિશા બતાવતા કહ્યું "જુવો, બહાર પાણીની નાંદ પડી છે, ત્યાંથી પી લ્યો "
"આભાર, એટલું  સસ્મિત કહી દરવાજેથી જ હું પાછો ફર્યો
 સામેના એક ઓટલા ઉપર મજૂરો અને શ્રમિકો માટે ગોઠવેલી,તડકામાં તપતી, સિમેન્ટના ચાર પાંચ થીગડાં મારેલી ભૂખરી નાંદ ઉપર પતરાનું ઢાંકણ અને તેની  ઉપર લાલ લીલા પ્લાસ્ટિકના બે પ્યાલા પડેલા હતા.નાંદને જોડેલો સફેદ પ્લાસ્ટિકનો  નળ પણ શ્રમિકોના સિમેન્ટ વાળા હાથ અડીને ભુરો થઇ ગયો હતો, અને એવાજ ગંદા  પ્યાલા
મેં નીચા વળી ખોબેથી એકાદ ઘૂંટડો  ઉકળતું પાણી પી રવાના થઇ ગયો.
*********
દશેક દિવસ પછી હું બ્રાન્ચનો ચાર્જ લેવા પહોંચ્યો બધી વિધિ પતાવ્યા પછી સિમેન્ટ પાઇપ બનાવતી ફેક્ટરીના ખાતા જોયા, ત્રણથી ચાર લોન, કેશક્રેડિટ, ગવર્મેન્ટ બિલ્સ ઉપર ધિરાણ, બિલપરચેઝ જેવી વિવિધ લોનોના ખાતા અને છેલ્લા બે મહિનાનો વહીવટ/વ્યવહાર,અને ટર્ન ઓવર તપાસ્યા
બીજે દિવસે બરાબર 12.00 વાગ્યે સિમેન્ટ ફેકટરીના માલિક શેઠ બેંકે આવ્યા
સસ્મિત હાથ જોડી અભિવાદન કરતા મારી સામેની ખુરશી ઉપર ગોઠવાતા બોલ્યા
" સાહેબ, અહીં મારી સિમેન્ટપાઇપ બનાવવાની ફેક્ટરી છે અને મારા વિવિધ બેંક ખાતાઓ અહીં આપને  ત્યાં છે,આપ નવા-સવા હો અને ગામના મહેમાન હોવાને કારણે હું આપને  આજે ભોજનનું નિમંત્રણ આપવા આવ્યો છું,આપ જો સમય કાઢીને આવો તો આપણે સાથે ભોજન લઈએ "
હું તુરતજ  ઓળખી ગયો ઘડીભર એમની સામે મંદ સ્મિત સાથે તાકતો જોતો જ રહ્યો,મને દશ દિવસ પહેલા જોયેલો શેઠનો રૂવાબદાર ચહેરો નજરે તર્યો
શેઠ મને કળી ન શકતા પૂછ્યું, " સાહેબ હું વૈષ્ણવ છું અને અમારી રસોઈ ડુંગળી લસણ વિનાની શુદ્ધ અને પવિત્ર હોય છે "
થોડી વારે મેં પૂછ્યું " આપ કોને નિમંત્રણ આપવા આવ્યા છો ?"
શેઠ બોલ્યા , "સાહેબ આપને  જ સ્તો "
મેં જવાબ વાળ્યો, " ના,આપ મને નહીં પણ મારી ખુરશીને નિમંત્રણ આપવા આવ્યા છો ,જો હું એક અજાણ્યો આગતુંક હોત  તો શું તમે મને પાણી પણ પાવા ના હતા ? આ પહેલાં તો આપણે એક બીજાને ઓળખતા પણ નહોતા ? તો પછી અચાનક આ પ્રેમ ક્યાં સબંધે  ?
આ સાંભળતા જ શેઠ આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યા "અરે સાહેબ એવું હોય ?આપતો મેનેજર છો, પણ કોઈ અજાણ્યો આગતુંક પણ ગામમાં આવે તો ગામના આગેવાન અને ઉદ્યોગપતિ તરીકે એ મારી ફરજ છે, અને માનવ ધર્મ પણ ખરો "
મેં વિવેક પૂર્વક દશ દિવસ પહેલા ઓફિસમાં દાખલ થવા દીધા વિનાશ્રમિકો માટે મુકેલી નાંદમાંથી પાણી
પીવાની સૂચના આપ્યાનો પ્રસંગ એને યાદ કરાવ્યો,
ઝખવાઈ ગયેલ શેઠે ખિસ્સામાંથી રૂમાલ કાઢી કપાળ પરનો પરસેવો લૂછતાં જવાબ દીધો
" અરે, સાહેબ, તે દિવસે આપ હતા ? ભલા માણસ મને ખબર જ નહીં, અને આપે ઓળખાણ પણ ન આપી,
મેં વળતો જવાબ દેતા કહ્યું, "ઓળખાણ ? શેની ? મારા હોદ્દાની?, મારી  ખુરશીની ? માનવતાવાદીઓને
સામેની વ્યક્તિ માનવ છે એ સમજાવવા કોઈ ઓળખાણ આપવાની જરૂર ન પડે અને કહ્યું કે આજે તો નહીં, પણ હું જ્યા સુધી આ ખુરશી ઉપર છું ત્યાં સુધી તમારૂ  નિમંત્રણ નહીં સ્વીકારું, તેથી ફરી ક્યારેય મને ભોજ્ન માટે બોલાવશો નહીં
હા, હું જરૂર  એક વાર આવીશ પણ એ જયારે મારી અહીંથી બદલી થઇ ચાર્જ છોડ્યા પછી જો નિમંત્રણ આપશો તો અવશ્ય તમારું માન રાખીશ,પણ આજે મને માફ કરો,તમને દુઃખ લાગ્યું હોય તો દરગુજર કરશો "
શેઠ ઝખવાણા પડી ગયા "ધરતી માર્ગ આપે તો સમાય જાઉં" એવી ભોંઠપ સાથે નીકળી ગયા
*
ખુરસીને માન છે, વ્યક્તિને નહીં એ વાત નીચેના ઉદાહરણથી  પણ ખુબ સહેલાઇ થી સમજી શકાશે।,
 જેની દેહયષ્ટિ નિહાળીને કોઈપણ પુરુષને ઈર્ષ્યા આવે અને કોઈપણ સ્ત્રી મોહિત થઇ ઉઠે એવા સખત કસાયેલા દેહના ધણી, જગવિખ્યાત બોડી-બિલ્ડર અને હોલીવૂડના ખ્યાતનામ અભિનેતા આર્નોલ્ડ શ્વારઝેનેગ્ગર સાત વરસ સુધી અમેરિકાના કેલીફોર્નિયા રાજ્યનું સત્તા અને પ્રતિષ્ઠાભર્યું ગવર્નરપદ શોભાવી ચૂક્યા છે.આર્નોલ્ડે તાજેતરમાં ‘સોશિયલ મિડિયા’માં એક તસ્વીર પોસ્ટ કરી છે અને તેની નીચે દુઃખી હૃદયે લખ્યું છે કે, “સમય કેવો બદલાય છે...”
‘ધ ટર્મિનેટર’, ‘પ્રીડેટર’, ‘ટર્મિનેટર-૨ જજમેન્ટ ડે’, ‘કમાન્ડો’, ‘ટોટલ રિકોલ’ જેવી સુપરહીટ અને ભારે લોકપ્રિય સહિત ૪૫થી વધુ ફિલ્મોમાં ધૂંવાધાર અભિનયના ઓજસ પાથરનાર આર્નોલ્ડ આજે ૭૦ વર્ષની જૈફ વયે પહોંચ્યા છે, તેમણે ઉપરોક્ત વાક્ય એટલા માટે નથી લખ્યું કે, તેઓ વૃધ્ધ થઇ ગયા છે; પરંતુ, ૨૦૦૩થી ૨૦૧૦ સુધી તેઓ કેલિફોર્નિયાના ગવર્નરપદે હતા ત્યારે તે પોતાના ‘સ્ટેચ્યુ’ની સામે જ આવેલી એક હોટેલનું તેમણે ઉદ્દઘાટન કર્યું હતું. આ સમયે હોટેલ સંચાલકોએ તેમની પ્રશસ્તિ કરતાં એવું કહ્યું હતું કે, “આપના માટે આ હોટેલના દરવાજા હંમેશા ખૂલ્લા છે; તમે ઈચ્છો ત્યારે અહીં આવી શકો છો, આપના નામે હોટેલનો એક રૂમ હંમેશા ‘રીઝર્વડ’ રહેશે !” પરંતુ, ગવર્નરપદ છોડ્યા પછી આર્નોલ્ડ એક વખત આ હોટેલ પર ગયા અને રૂમ આપવા કહ્યું તો હોટેલ અધિકારીઓએ બધા રૂમ ‘બૂકડ’ હોવાનું જણાવીને રૂમ આપવાનો સાફ નનૈયો ભણી દીધો !
 વ્યથિત થઇ ઉઠેલા આર્નોલ્ડ એક પાથરણું લઇ આવ્યા, હોટેલની સામે મૂકાયેલા પોતાના જ ‘સ્ટેચ્યુ’ની નીચે તે પાથરીને સૂઈ ગયા અને લોકોને બતાવ્યું કે, તેઓ પદ ઉપર હતા ત્યારે આપવામાં આવેલું વચન આજે તેઓ એ પદ પર નથી ત્યારે હોટેલવાળા કેટલી સહેલાઈથી ભૂલી ગયા છે!! ગુજરાતીમાં કહેવત છે કે, ઉતર્યો અમલદાર કોડીનો! સમય સમય બલવાન હૈ; નહીં પુરૂષ બલવાન   !!!



Monday, 21 August 2017

અંધા કાનૂન


શ્રાવણ સુદ અગિયારસનો દિવસ.
શિવમંદિરમાં ભક્તો અને શ્રદ્ધાળુઓથી ઉભરાતા મંદિરમાં ઉભવાની જગ્યા પણ ન મળે.મંદિરની બહાર અનેક અશક્ત ભિક્ષુકો ભિક્ષા પાત્રસાથે લાઈન બંધ આશાભરી મીટ થી દરેક દર્શનાર્થીઓ પાસે હાથ લંબાવતા બેઠા હતા
શહેરના કોર્પોરેટર અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ શેઠ સુખલાલની મરસીડીઝ ગાડી મંદિરના દરવાજે આવી ઉભી.ડ્રાયવરે દરવાજો ખોલી આપતા ચાઇના સિલ્કનો સોનાના બટન વાળો ઝભ્ભો, સોનાના બેલ્ટ વાળી કાંડે રાડો ઘડિયાળ,"રેબન"ના સોનેરી ફ્રેમના ગોગલ્સ પહેરી દર્શને આવેલ સુખલાલ ઉતર્યા અને સડસડાટ મંદિરના પગથિયાં ચડી અંદર પ્રવેશ્યા.
શેઠને જોતાં જ આટલી ભીડ વચ્ચેથીં પૂજારી નિજ મદિરમાંથી શેઠને સત્કારવા બહાર આવ્યો અને પોતાની સાથે નિજ મંદિરમાં દર્શન અને પૂજા કરાવવા લઈ ગયો.
દેવ-દર્શન અને પૂજા પતાવી પૂજારીને રૂપિયા 500/ની નોટ દક્ષિણા પેટે આપી, શેઠ પોતાની ગાડી તરફ આગળ વધતા હતા, એવામાં પગથિયાં પાસે એક વૃદ્ધ ભિક્ષુકે ઉભા થઇ આગળ વધતાં હાથ લંબાવી કરગરતા કહ્યું "શેઠ બે દિવસથી ભૂખ્યો છું,પવિત્ર માસમાં દાન કરી ગરીબને કઈ આપો."
તિરસ્કૃત નજરે ગુસ્સામાં શેઠ બોલ્યા" હરામનું જ ખાવું છે.મજૂરી કરીને પેટ ભર અને એમ પણ પેટ ન ભરાય તો પેટ ફોડી નાખ ભીખ માંગતા શરમ નથી આવતી?"
આટલું બોલી શેઠ આગળ વધ્યા.થોડે દુર પહોંચ્યા હશે એવામાં ઝભાના ખીસ્સામાંથી રૂમાલ કાઢવા જતાં એમનું ચલણી નોટો થી લથબથ ભરેલું પાકીટ સરકીને જમીન ઉપર પડી ગયું.
 તિરસ્કૃત ભિક્ષુકનું ધ્યાન પડ્યું.આગળ વધ્યો.જમીન ઉપર પડેલું પાકીટ ઊંચકી ખોલીને જોતા રૂપિયા 2000/ની નોટોથી લથબથ ભરેલ પાકીટ તરફ સતત ફાટી આંખે  જોઈને કઈક વિચારતો રહ્યો.
શેઠના ગાડી પાસે પહોંચતા જ  ભિક્ષુક તરતજ તે તરફ દોડીને ચિલ્લાયો "શેઠ,શેઠ,આપનું પાકીટ પડી ગયું લ્યો આપનું પાકીટ."
શેઠે પાછું ફરીને જોતા પેલો  ભિક્ષુક હાથમાં પોતાનું પાકીટ લઈને સામે ઉભેલો જોયો.
ઘડીભર શેઠ એની સામું ગુસ્સાથી તાકતાજ રહ્યા,અને એક ઝાપટ વળગાડતા બોલ્યા ,"ભીખ ન આપી એટલે ખિસ્સું સાફ કર્યું ? સાલા ચોરની ઔલાદ,અને પાછો બક્ષિસ મેળવવાની લાલચે શાહુકાર થઈને પાકીટ દેવા આવ્યો ?કોને ખબર છે આ પાકિટમાંથી કેટલાયે સરકાવી લીધા નહિ હોય ? આજે તને નહિ છોડું.
આટલું બોલી ખિસ્સામાંથી મોબાઈલ કાઢી શેઠે પોલીસ સ્ટેશનમાં ફોન જોડી ફરિયાદ કરતા કહયું કે ચોર અત્રે હાજર છે તુરતજ ધરપકડ કરી કાર્યવાહી કરો"
જોતજોતામાં પોલીસ અધિકારી જીપમાં દોડી આવ્યા.
પોલીસ અધિકારીની હાજરીમાં ભિક્ષુક પાસેથી પાકીટ લઈ ખિસ્સામાં મુકતા શેઠે સત્તાવાહી અવાજે પોલીસ અધિકારીને સૂચના આપી,"આમની જડતી લો,અને મુદ્દામાલ કબ્જે કરો,કોને ખબર છે કે આવા કેટલાંયે પાકીટ નહિ મળી આવે"
પોલિસ અધિકારીએ જડતી લેતાં માત્ર ત્રણ રૂપિયાનું પરચુરણ,બે કેળાં, અને એક પારલે બિસ્કિટ નું પડીકું મળી આવ્યું.
શેઠની ફરિયાદના આધારે પોલીસ અધિકારી ભિક્ષુકને જીપમાં બેસારી પોલીસ સ્ટેશન લઈ ગયા અને ભિક્ષુક કરગરતો રહ્યો, "સાહેબ હું ચોર નથી,મેં ચોરી નથી કરી.હું નિર્દોષ છું સાહેબ."

 જીપને પોલીસ સ્ટેશન તરફ રવાના થતી જોઈ,શેઠ ગાડીમાં બેઠા અને ઘરભણી હંકારી ગયા.
પોલીસ સ્ટેશને પહોંચતા જ પોલીસ અધિકારીએ ગરીબ ભિક્ષુકને ધમકાવતા કડકાઈથી પૂછ્યું 

" તેં જો પાકીટ ચોર્યું જ નથી તો શેઠે તારું નામ શું કામ આપ્યું ? તારી જેવા બીજા અનેક ભિક્ષુકો ત્યાં હાજર હતા "
ભિક્ષુકે હાથ જોડીને કહ્યું " સાહેબ, શેઠજી થી ખિસ્સાંમાંથી રૂમાલ કાઢતા પાકીટ પડી ગયેલું, મારુ એના ઉપર ધ્યાન પડતા મેં પ્રમાણિકતાથી એ પરત કર્યું, બસ એજ મારો ગુન્હો  Excuse me Sir, I am not a Professional Begar,  but Circumstances has made me a Begar .ભિક્ષુકની જીભે સડસડાટ ઈંગ્લીશ બોલતા સાંભળી અધિકારી સહેજ કુણા પડ્યા તેને થયું કે આ કોઈ સાધારણ ભિક્ષુક નથી. 
સાહેબ, હું  ભિક્ષુક જરૂર છું પણ ચોર નથી. શેઠના એક માત્ર  ટેલિફોનથી મારી ધરપકડ કરતા પહેલાં  આપે તેને પૂછ્યું છે કે તેણે પોતે ઇન્કમ ટેક્સ ચુકવવામાં કેટલી ટેક્સ ચોરી કરી છે ? કોર્પોરેશનમાં આવતા ટેન્ડરોમાંથી કેટલા લોકો પાસેથી લાંચ લીધી છે, રસ્તાઓ અને પુલોના રીપેરીંગના દેવાતા કોન્ટ્રેક્ટમાંથી કેટલા કોન્ટ્રક્ટરને લૂંટ્યા છે ?"ચોર તો એ શેઠ પોતેજ છે સાહેબ
સાહેબ, હું એમ.એસ.યુનિવર્સીટીનો ગ્રેજ્યુએટ છું. પરચુરણ કરિયાણાની દુકાન ચલાવી પત્ની અને યુવા પુત્ર સાથે મધ્યમ વર્ગીય ગૃહસ્થનું જીવન આરામથી ગુજારતો હતો. મારે ઘેર પણ એસી, ફ્રીઝ, અને ટી.વી. હતા. પરંતુ કાળની એક જ થપ્પડે મારુ જીવન બરબાદ થઇ ગયું
પત્નીને કિડનીની બીમારી આવતા તેની લાંબા સમયની સારવારમાં મેં ઘર વહેંચી નાખ્યું,દિન પ્રતિ દિન દરદ વધતું ચાલ્યું અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરવામાં ઘર વહેંચ્યાની મૂડી પણ વપરાઈ ગઈ,એટલે મારા પુત્રએ ખાનગી શરાફ પાસેથી 18% વ્યાજના દરે દુકાન ઉપર લોન લીધી આમ દરદ સાથે કરજ પણ વધતું ચાલ્યું અને એક દિવસે મારા પત્નીનું અવસાન થયું
આટલું જ જાણે  બસ ન હોય એમ દુકાન ઉપર લીધેલી ખાનગી લોનનું વ્યાજ રોકેટ ગતિએ વધી જતા અને વ્યાજખોરોનું મારા પુત્ર ઉપર સખ્ત માનસિક દબાણ વધી  જતા એક દિવસે મારા પુત્રે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા વ્હોરી લીધી, દુકાન પણ વ્યાજખોરોએ પડાવી લીધી આમ હું રસ્તે આવી ગયો અને ભીખ માંગવા મજબુર બન્યો છું સાહેબ  
આ દેશની કાનૂન વ્યવસ્થા જુવો, કે ટેક્સ ચોરી કરતા અમીરો, લાંચ-રૂશ્વત લેતા અધિકારીઓ,અને  ભોરિંગ વ્યાજના ડરથી ફફડી આત્મહત્યા વ્હોરતા નિર્દોષોના કારણરૂપ એવા ખાનગી શરાફો જેવા દેશના દુશ્મનોને કાયદાના લાંબા હાથ પકડી શકતા નથી ગરીબોને આપવાના અનાજના  ગોડાઉનો સંગ્રહી અને કાળા બઝાર કરતા લોકોના ગોડાઉન ઉપર દરોડા પાડવા,તથા આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા લાંચિયા અધિકારીઓ ની બેનામી સંપત્તિ, અને બેન્કના લોકરની તપાસ કરી જડતી લેવાને બદલે બે ટંક માગીને ખાતા ગરીબ ભિક્ષુકની જડતી લેવાય છે અને જડતી લેતા માત્ર ત્રણ રૂપિયાનું પરચુરણ, બે કેળાં અને બિસ્કિટનું પેકેટ આથી વિશેષ કંઈ ન મળી આવવા છતાં સત્તાધારીના માત્ર એક અવાજે પોલિશ સ્ટેશન ધકેલાય છે અને છતાં મારો દેશ મહાન છે એવું કહેવામાં આવે છે. છે કોઈ આ દેશના અંધા કાનૂનને પડકારનારો  ?  
ગરીબ ભિક્ષુકની હૃદય દ્રાવક અને તીખી તોખાર ભાષાનો પોલીસ અધિકારી પાસે કોઈ જવાબ ન હતો 
પોલીસ અધિકારીનું હૃદય દ્રવી ગયુ. પોલીસ કોન્સ્ટેબલને હુકમ કરી નજીક ના ડાઇનિંગ હોલમાંથી ટિફિન મંગાવી ભૂખ્યા ભિક્ષુકને ભોજન કરાવી તૃપ્ત કર્યો  જમાડીને રૂપિયા 100/ની નોટ હાથમાં મુકતા પોલિસ અધિકારીએ કહ્યુ,"લે આ તું રાખ,શેઠનું પડી ગયેલું પાકીટ પ્રમાણિકતાથી પાછું આપ્યાની કદર રૂપે હું તને બક્ષિસ આપું છું"
આટલું બોલી ભિક્ષુકને પોલીસ સ્ટેશનમાંથી વિદાય કર્યો.



Thursday, 17 August 2017

મને સાંભરે રે ,,,


એ અરસામાં હું ભુજ હતો.
દરમ્યાન એકવાર રજામાં હું જૂનાગઢ વતન ખાતે આવ્યો.
સાંજના સમયે કાળવા ચોક સ્થિત "વિહાર રેસ્ટોરન્ટ " ની બાજુની મિલન પાનમાં પાન ખાવા જતો હતો.
વિહાર રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈ ચારેક કદમ આગળ વધ્યો હોઈશ ત્યાં મેં અવાજ સાંભળ્યો
" એય યોમેશ, કેમ છે " અશુદ્ધ ઉચ્ચારણ સાથેના સંબોધનથી થોડા આશ્ચર્ય સાથે પાછું ફરી જોયું ત્યાં ચાર ડગલાં આગળ વધી એક
લગભગ બિડાઈ ગયેલી ચૂંચી આંખ,મેલા-ઘેલા કપડાં,સતત તમાકુ ચુસવાને કારણે ગંદા દાંત, લોટવાળા હાથ,લોટ અને કોલસાના ડાઘ વાળો લોંખડનો રોટલી ફેરવવાના હાથમાં ચીપિયા સાથે ગરીબીના બોજથી વાંકો વળી ગયેલા એક યુવાને  નજીક આવતા મારે ખભે હાથ મૂકયો 
મારા  રેમંડના સફેદ શર્ટ ઉપર લોટ અને પરસેવાના ડાઘ જામી ગયા.
પોતાનું મોઢું મારા કાન પાસે વધુ નજીક લાવતા એ બોલ્યો " 
 "એલા ઓળખે છે કે ભૂલી ગ્યો "?
હું તરત ઓળખી ગયો, મેં કહ્યું "અરે, પોપટ ? કેમ ભૂલું દોસ્ત તને "
" ચાલ ચાલ આપણે ચા પીએ " એમ કહેતા તે મને વિહાર રેસ્ટોરન્ટ ની અંદર લઈ ગયો.
રઘુવંશી સમાજનો પોપટ ધોરણ એક થી નવ સુધી મારો સહાધ્યાયી હતો. જ્ઞાતિના અન્ય સહાધ્યાયી બધાજ હોશિયાર અને ચુસ્ત શિસ્ત પાલક હોય તેઓ હમેશા પહેલી બે હરોળમાં બેસતા, જયારે અભ્યાસમાં નીરસતા અને તોફાન મસ્તીમાં વધુ ધ્યાન હોય એવા અમે થોડાક પાછળની હરોળમાં બેસતા,તે પૈકી એક આ પોપટ પણ ખરો .
ધોરણ નવમાં નાપાસ થતા શરૂઆતમાં એ હરેશ ટોકીઝ પાસે એક આનામાં મળતી  ફિલ્મી ગીતોની  ચોપડી વહેંચતો અને તે વખતે ક્યારેક એકાદી ચોપડી દોસ્તી દાવે મફત પણ આપતો.
ત્યારબાદ જુદા જુદા વ્યવસાય પછી છેલ્લે એ વિહાર રેસ્ટોરન્ટમાં રોટલી પકાવવાના કામે રોકાયેલો,
પોતાની ફરજમાં અવેજી ના માણસને મૂકી એ મારી સાથે ટેબલ પર ગોઠવાયો.
" હું ચા નું કહીને આવું " એમ બોલતા તે ઉભો થયો  ખુબજ ના પાડવા છતાં ધરાર ચા મગાવી તેણે પાઈ પણ ખરી અને થડે (કાઉન્ટર) બેઠેલ નવીનભાઈ શેઠને મારો પરિચય આપતા કહ્યું " આ યોમેશ બેંક માં મોટો સાહેબ છે અમે સાથે ભણતા, અને ખાસ મિત્રો છીએ "
પોપટના મોઢા પર સતત ફરકતું સ્મિત,ચહેરા ઉપરની નિર્દોષતા, ભોળપણ,અને મિત્રતા નું ગૌરવ અને આનંદ જોઈને હું ખુશી થયો,
 એણે કહ્યું " યોમેશ, હું ખુબ સુખી છું. એ.......ય.... ને બન્ને ટાઈમ ભરપેટ જમવાનું, સવાર બપોર ચા સાથે શિરામણ, અને પુરી, થેપલાં રોટલી, બાજરાના રોટલા,બે-ત્રણ જાતના શાક કઠોળ, કચુંબર, ભાત,પાપડ અને છાશ ભરપેટ ગરમાગરમ જમવા મળે છે, અને માથે જતા લટકાના રૂપિયા,300/ માસિક પગાર, દિવાળી ઉપર મળતા બોનસમાંથી બે જોડી કપડાં લઈ લઉં છું, ક્યારેક શેઠ પોતાના જુના કપડાં આપે તે વધારામાં.
બત્રીશ જાતના ભોજન અને છપન્ન ભોગ આરોગતા કોઈ શ્રીમંતના ચહેરા ઉપર ન હોય એટલો સંતોષ,અને ખુશી મેં પોપટના ચહેરા ઉપર જોઈ.તાતા,બિરલા, કે અંબાણી જેટલો સુખી અને સમૃદ્ધ હોય એટલો આનંદ તેના ચહેરા ઉપર જોઈ હું પણ ખુશ થયો 
ચા-પાણી પી અને વિદાય લેતાં  પગથિયાં સુધી વળાવવા સમયે આવજો કહેતા બોલ્યો," યોમેશ ફરી આવ ત્યારે ચોક્કસ મળજે, તું ભલે મોટો સાહેબ હો, પણ આપણી મિત્રતા એથી પણ વધુ મોટી અને જૂની છે એ ન ભૂલતો "
વિહારના પગથિયાં ઉતરતાં મને વિચાર આવ્યો "કેટલો નિખાલસ, નિસ્વાર્થ પ્રેમ,?એની ભાષા અને વાતમાં કેટલી મીઠાશ અને આત્મીયતા ?પક્ષીઓની જાતમાં તો પોપટ મીઠા હોયજ, પણ પક્ષીનું નામ ધરાવતા માણસ પણ આવા મીઠા હોઈ શકે ?
થોડા વર્ષો પછી ફરી જૂનાગઢ જવાનું થતાં મિલન પાનની મુલાકાત લેતા વિહાર રેસ્ટોરન્ટના રોટલી પકાવવાના ભઠ્ઠા તરફ નજર નાખતા મેં પોપટ ને ન જોયો,તેથી કુતુહલવશ મેં અંદર દાખલ થઇ નવીનભાઈને પૂછ્યું, "પોપટ આજે કેમ નથી દેખાતો ?"
નવીનભાઈએ જવાબ આપતાં કહ્યું " સાહેબ, પોપટને ગુજરી ગયે એક વર્ષ થયું, છેલ્લા દિવસોમાં તેણે ઘણી બીમારી ભોગવી,પણ એ અમારા પરિવારનો જ સભ્ય હોય અમે એની ખુબ સેવા -ચાકરી અને દવા-દારૂ કર્યા, પણ એનું આયુષ્ય પૂરું થયું હશે તેથી બચાવી ન શક્યા,"
ગયે અઠવાડિયે જૂનાગઢ હતો, મિલનમાં પાન ખાવા જતા ફરી એજ રસ્તેથી પસાર થતા,મને ભણકારા વાગ્યા," યોમેશ ફરી આવ ત્યારે ચોક્કસ મળજે, તું ભલે મોટો સાહેબ હો,પણ આપણી મિત્રતા એથી પણ વધુ મોટી અને જૂની છે એ ન ભૂલતો" મારા પગ થઁભી ગયા,અને પાછું વળીને જોવાઇ ગયું,
એ રોટલી પકવતો પોપટ ત્યાં ન હતો.
અને ,,,, મને યાદ આવ્યું કે એ મારો પોપટ તો ઉડી ગયો.



દાળ ઢોકળી.

"ભાઈ તમે તો બહુ સરસ દાળ ઢોકળી બનાવો છો અમને બાઇયું ને પણ આવી બનાવતાં ન આવડે વળી શોખીન પણ કેવા ? માંહ્ય શીંગના શેકેલા બી, શેકેલા તલ, કિસમિસ,અને તજ,લવિંગનો
વઘાર,તમાલપત્રના પાન, ઉપરાંત આદુ, કોથમીર, મરચા,લીમડાથી ધમધમતી દાળઢોકળી આટલા વર્ષોમાં મેં કોઈની ખાધી નથી.મને બહુ ભાવી"
નજીકના શિવમંદિરમાં લગભગ 65 વર્ષીય એકલા વિધવા માજી પૂજારી તરીકે કામ કરે.
રહેવા માટે એક નાની ઓરડી કાઢી આપેલ છે,મંદિરની સાફસૂફી કરે પૂજા-આરતી કરે,અને મંદિરની થતી આવક માજીને મળે.તે સિવાય કોઈ પગાર ન મળતો.
વર્ષોથી બાળ વિધવા ડોશીનો એક માત્ર અપરણિત પુત્ર જબલપુર ખાતે કોઈ કારખાનામાં મજૂરી કામ કરે અને રજા મળે ત્યારે વૃદ્ધ માજીની ભાળ કાઢવા ઘેર આવે.
એક રવિવારે મેં ઘેર દાળઢોકળી બનાવેલી,અને થોડી વધતાં મેં આ એકલપંડા વૃદ્ધ માજીને આપી.
બીજે દિવસે મંદિરે દર્શન કરવા ગયો ત્યારે માજીએ દાળઢોકળીના ઉપરમુજબ વખાણ કર્યા. અને કહ્યું,
" ભાઈ,મને પણ ખાવાનું મન ઘણું થાય પણ તુવેરદાળના ભાવ ભડકે બળે છે,વળી ખોટું શું ?અમને ગરીબને તજ-લવિંગ કે કિસમિસના ભપકા ન પોસાય.વર્ષોથી હું એકલી થઇ ગઇ છું પણ મેં કોઈ દિવસ કોઈ પાસે કંઈ માગ્યું નથી, આ ભોળોનાથ આપે એ ખાવાનું. એકલપંડને જોઈએ કેટલું ?પણ તમારો ભાવ અને લાગણી જોયા પછી તમને કહું છું કે હવે જ્યારે પણ દાળ ઢોકળી બનાવો ત્યારે અચૂક મને નાની બહેન ગણીને મોકલજો"
 માજીની નિખાલસતા મને સ્પર્શી ગઈ.અને ત્યાર પછીથી જ્યારે હું દાળઢોકળી બનાવું ત્યારે અચૂક  જમ્યા પહેલા હું  જાતે જઈને તેને આપી આવતો.
લગભગ એકાદ વર્ષ આ સિલસિલો ચાલુ રહ્યો. તે દરમ્યાન માજી બીમાર પડ્યાં. જબલપુરથી રજા લઈ દીકરો મંદિરની સેવા પૂજા સાચવવા થોડા દિવસ આવ્યો.પછીથી એક પગારદાર પૂજારીને હંગામી ધોરણે રોક્યો.નિત્ય દર્શને જતો હોઉં કોઈ કોઈવાર માજી માટે થોડું ફ્રુટ,કે નાળિયેર સાથે લેતો જાઉં.માજી રાજી થાય, અને અંતર થી આશિષ આપે.બીમારી દરમ્યાન પણ એક વાર કહ્યું,"ભાઈ,તાવને કારણે જીભમાંથી સ્વાદ જતો રહ્યો છે,કઈ ભાવતુ નથી,મને એમ થાય છે કે તમે જો દાળઢોકળી મોકલો તો મને કઈક ભાવે,અને જીભમાં સ્વાદ આવે"
માજીની વાત મને સાચી લાગી,અને મેં કહ્યું "જરૂર. માજી હું આજે બહારગામ જાઉં છું,બે દિવસ પછી આવીશ ત્યારે ચોક્કસ હું તમારા માટે લેતો આવીશ.
બે દિવસ મારે સામાજિક પ્રસંગે  બહારગામ જવાનું થયુ. ત્યાંથી પાછા આવી મને માજીને આપેલું વચન યાદ આવતાં મેં એ જ દિવસે દાળઢોકળી બનાવી
બપોરે બાર વાગ્યે જમવાના સમયે હું તે આપવા માટે મંદિરે ગયો.
મંદિર નજીક પહોંચતા જોયું તો,કેટલાક લોકો ડાઘુના વેશે મંદિર પાસે એકઠા થયેલા,બહાર ફૂટપાથ ઉપર થોડા છાણાં મૂકીને જુવાનિયાઓ  એ સળગાવતા હતા. વધુ નજીક પહોંચતા મેં એકઠા થયેલ લોકો પૈકી કોઈને પૂછયું. ત્યારે જાણવા મળ્યું કે એ વૃદ્ધ વિધવા પુજારણ વહેલી સવારે ફાની દુનિયા છોડી ગઈ છે.
હું અંદર પ્રવેશ્યો.માજીના નશ્વર દેહને પ્રણામ કર્યા,.દાળ ઢોકળી ભરેલું પાત્ર ઘડીભર ત્યાં મૂક્યું.અને મંદિરની બહાર આવી સામી ફૂટપાથે ઉભેલી ગાયને ખવરાવી હું પરત ફર્યો.
 ત્યારથી જ્યારે પણ હું દાળઢોકળી બનાવું છું ત્યારે અચૂક જમ્યા પહેલા ગાયને ખવરાવ્યા પછી જ જમુ છું.
દાળઢોકળી બનાવું ત્યારે ઉકળતી દાળઢોકળીની તપેલીમાં માજીના નિર્દોષ ચહેરાનું પ્રતિબિંબ દેખાતું જાણે લાચારભાવે મને કહેતું હોય કે "ભાઈ હવે જ્યારે પણ દાળ ઢોકળી બનાવો ત્યારે અચૂક મને નાની બહેન ગણીને મોકલજો હો !"
ઈશ્વરને ઘેરથી લેણાં -દેણી,અને ઋણાનુબંધની ચોપાટ કેવી ગોઠવાઈ હોય છે એનો કોઈ અંદેશો માણસ જાતને છેલ્લે સુધી આવતો નથી.
મારી જિંદગીની આ અવિસ્મરણીય યાદગાર પળને જયારે હું યાદ કરુંછું ત્યારે મારી આંખમાંથી અવિરત અશ્રુધારા  વછૂટે છે.

Tuesday, 15 August 2017

મોગરાની મહેક પુસ્તક ના વિમોચન D.D,ગીરનાર ઉપર તારીખ 6જૂન 2017.