Tuesday, 21 June 2022

પરિવાર મિલન

પરિવાર મિલન

પિતા રામભાઈ અને માતા રમાબેનનું એકમાત્ર સંતાન નીરજ સામાન્ય પરિવારમાંથી આવતો હતો. બચપણથી સંઘર્ષ એનો પડછાયો બની ગયો હતો.નીરજ માત્ર આઠેક વર્ષની ઉમરનો હશે ત્યારે એના પિતા રામભાઈ બત્રીસ વર્ષની ઉંમરે એકવાર શિવરાત્રીનો મેળો મ્હાણવા જૂનાગઢ ગયા.ચાર દિવસીય મેળો પૂરો થઇ ગયા પછી પણ રામભાઈ ઘેર પાછા ન ફરતા,પરિવાર ચિંતામાં મુકાઈ ગયો.કોઈ કહે જંગલમાં રખડવાના શોખીન હતા તેથી કોઈ વન્યપ્રાણી શિકાર કરી ગયું હશે, તો કોઈ કહે કે એના ઉપર તાંત્રિક વિદ્યાનો પ્રયોગ કરી કોઈ સાધુ-બાવો સેવક બનાવવા લઇ ગયો હશે. પોલીસમાં ફરિયાદ નોંધાવી,વર્તમાન પત્રમાં જાહેરાત આપી,પરંતુ કોઈ વાવડ ન મળતાં પરિવાર નિરાશ થઇ ગયો આમ નાની ઉંમરે પિતા ગુમાવતા નીરજ ઉપર કૌટુંબિક જવાબદારી આવવી શરુ થઇ.નીરજ ગ્રેજ્યુએટ થઈને શહેરની શાળામાં સંગીત શિક્ષક તરીકે કામ કરતો હતો.પોતે હાર્મોનિયમ, સિતાર અને કેસીઓ વગાડવામાં અદભુત કાબેલિયત ધરાવતો હતો. રાજ્યના દિગ્ગ્જ કલાકારો એની સિદ્ધિને વખાણતા હતા. રજની નામની સંસ્કારી યુવતી સાથે લગ્ન થયા..અને બન્ને સુખી દામ્પત્ય ભોગવતા હતા.

નીરજના પાડોશમાં અમેરિકા ખાતે સ્થિર થયેલ ભારતીય મૂળનો એક ધનાટ્ય પરિવાર વિશાળ બંગલો ધરાવતું હતું,દર વર્ષે શિયાળાના ત્રણ ચાર મહિના તેઓ અહીં આવી રહેતા હતા.એ પરિવારમાં લગભગ ત્રીશેક વર્ષની બેલા નામની સુંદર અપરણિત યુવતી હતી, જે સંગીતની બે હદ શોખીન અને ચાહક હતી. નીરજ જયારે વહેલી સવારે કે મોડી રાત્રે રિયાઝ કરતો હોય ત્યારે તે અચુક બંગલાના રવેશમાં બેસી એક ચિત્તે સાંભળતી. નિરજની વાદ્ય કલા ઉપર ઓળઘોળ હતી.

એક વાર બેલાએ પોતાના પિતાને સિતાર અને કેશિયો શીખવા નીરજનું ટ્યુશન રાખવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એકલૌતી દીકરીને પિતાએ સંમતિ આપી અને આમ.નીરજનું ટ્યુશન રખાવતાં નીરજ બેલાના સંપર્કમાં આવ્યો. જતે દિવસે પરિચય પ્રેમમાં પરિણમ્યો. આમ ગુરુ-શિષ્યા પ્રેમની રેશમી ગાંઠે બંધાયા.

એક દિવસ બેલાએ નીરજ ને કહ્યું કે, "તું અહીંની નોકરી છોડી અમારી જોડે અમેરિકા ચાલ્યો આવ અહીં જેટલો છ મહિને

પગાર મળે છે એટલી આવક તને ત્યાં એક મહિનામાં મળશે, અને એ પણ ડોલરમાં.પશ્ચિમી દેશોમાં ભારતીય સંગીત અને ખાસ કરીને સિતાર વધુ લોકપ્રિય છે આપણા મોટાભાગના ગુજરાતી અમારા વિસ્તારમાં જ રહે છે, તેઓ સંગીતના શોખીન હોય ખાનગી ટ્યુશન ઉપરાંત ત્યાંની નાઈટ ક્લબમાં પણ આપણા ભારતીય સંગીતકારો અને ગુજરાતીઓની ઊંચી માંગ અને માન છે. એકાદ વર્ષમાં તો તું ત્યાં તારી મિલ્કતનો માલિક બની જઈશ અને પરિવારને પણ ત્યાં બોલાવી લઈને સરસ સ્થિર જઈશ આ રીતે તારું ભવિષ્ય સુધરી જશે. નીરજને એ વાત ગળે ઉતરી, જ્યારે માણસની આંખમાં લોભ અને લાલચનો કાજળ અંજાય ત્યારે તે પોતાને સિદ્ધિના સુવર્ણ શિખર અને સંપત્તિના ઢગલા ઉપર બેસેલો જુવે છે.નીરજની આંખ સામે ડોલરના થપ્પા દેખાવા મંડ્યા.

બેલાએ કહેલી વાત નીરજે પત્ની રજનીને કહેતા સમજાવ્યું કે પેઢી દરપેઢીથી ગરીબીમાં રહેંસાઈને માંડ બે ટંકનો રોટલો રળતા થયા છીએ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવું એ મૂર્ખાઈ છે જો તું સહમત થતી હો તો હું અમેરિકા જવાની તૈયારી કરું. બે-એક મહિના પછી ત્યાં સેટ થયે તને હું ઘરખર્ચના પૈસા નિયમિત મોકલતો રહીશ અને વ્યવસ્થિત સ્થિર થયા પછી તને પણ તેડાવી લઈશ. કોને ખબર ઈશ્વરની કૃપા ઉતરતા આપણું ભાગ્ય નહિ બદલાતું હોય ! ભોળી રજની નીરજની વાતનો વિશ્વાસ કરી બેઠી અને તુર્તજ સંમતિ આપી દેતા નીરજે પાસપોર્ટ-વિઝાની તૈયારી શરુ કરી દીધી.

********

નીરજ હવે ડોલરિયા દેશવાસી બની ગયો. સંગીત ક્ષેત્રે પોતાનું નામ થાય ત્યાં સુધી બેલાના પપ્પાની પેઢીમાં કામ કરી જે કંઈ મળે એની બચત શરુ કરી.ધીમેધીમે ત્યાંના શ્રીમંત ગુજરાતીઓનો પરિચય થતા હવે તો સંગીતના ખાનગી ટ્યુશન પણ મળવા લાગ્યા.પોતાની આંગળીના કસબથી એ ત્યાંની નાઈટ ક્લબના ઓર્કેસ્ટ્રામાં અને પછી તો સ્વતંત્ર સ્ટેજ શો પણ ગોઠવતો થઇ ગયો.ત્રણ,ચાર મહિનામાં ભારતની એક નિશાળનો મામૂલી સંગીત શિક્ષક અમેરિકાનો આલા દરજ્જાનો આર્ટિસ્ટ બની ગયો. શરૂ શરૂમાં તો નીરજ નિયમિત રીતે રજનીને ઘરખર્ચ માટે પૈસા મોકલતો હતો પણ જેમ જેમ એ બેલાની લપેટમાં આવતો ગયો એમ એમ રજનીને પૈસા મોકલવામાં ઢીલ કરતો થઇ ગયો અને એમ કરતાં નીરજે સાવ પૈસા મોકલવા બંધ કર્યાં.

આ બાજુ છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરખર્ચ ન મળતાં રજની મુશ્કેલીમાં મુકાઈ ગઈ.પોતાનું ભરણપોષણ અને ઘરભાડુ ઉપરાંત પરચુરણ ખર્ચ કેવી રીતે કાઢવો એ સમસ્યા થઇ પડી. ધીમેધીમે નીરજની બેવફાઈથી એકલી જીવતી રજની વિષે નાના ગામમાં ચર્ચા થવી શરુ થઇ, નીરજ જોડે નોકરી કરતા કેટલાક યુવાન શિક્ષકો ઉપરાંત અન્ય પણ ગામના લંપટ યુવાનો આર્થિક મદદનું પૂછવા બહાને સહાનુભૂતિ દર્શાવવા ઘરનો ઉંબરો ઘસવા માંડ્યા. યુવાન અને સ્વરૂપવાન રજની બરાબર જાણતી હતી કે એકલવાઈ સ્ત્રીની આર્થિક મજબૂરી ક્યારેક એના ચારિત્ર્યની કસોટી બનતી હોય છે. તેણે વિચાર્યું કે જો શુદ્ધ ચારિત્ર્ય,અને પ્રામાણિક જીવન જીવવું હોય તો આ ગામ છોડવું પડશે.અંતે નજીકના ગામમાં પોતાના મોસાળમાં નિઃસંતાન સ્વર્ગસ્થ મામા-મામીના બંધ ઘરને શરુ કરી ત્યાં સ્થળાન્તર કર્યું. અજાણ્યા ગામમાં પારકા ઘરકામ શરૂ કરી પોતાની આજીવિકા મેળવવી શરુ કરી.

ખુદ્દારી અને સ્વમાનથી જીવવા ટેવાયેલી રજનીને આ જીવનશૈલી માફક નહોતી આવતી,રોજ રાત્રે સુતાસુતા નીરજની બેવફાઈને ધિક્કારતી ઓશીકાને અશ્રુભિષેક કરતા એ વિચારતી કે આવું દોજખ ભર્યું જીવન જીવવા કરતા મરી જવું સારું, એ વિચારતી કે,નીરજના પિતા નાની ઉંમરે ઘર છોડીને જતા રહ્યા,એવું જ નિરજનું પણ બન્યું આમ હયાત હોવા છતાં છત્ર ગુમાવવું કેમ પોસાય ?સમાજ શું કહેશે ? અનેક વિચારોથી રજની દુઃખી રહેતી હતી.

રવિવારનો દિવસ હતો.આજે રોજ કરતા વહેલી રજની કામે જવા નીકળી પડી.

ગામમાં મંદિર નજીક આવેલ તળાવને કિનારે કેટલાક યુવાનો માછલીને લોટ નાખતા હતા. કેટલાક લોકો પક્ષીઓના સંગીતમય મધુર કલરવ મહાણતા અને વહેલી સવારનું સૌંદર્ય લૂંટતા તળાવકિનારે ઘુમતા હતા એવામાં અચાનક જ બચાવો..... બચાવોની બૂમ સાથે કેટલાક યુવાનોએ તળાવમાં જંપલાવ્યું. વાદળી રંગની સાડી પહેરેલી કોઈ મહિલાએ આત્મહત્યાના પ્રયાસરૂપે તળાવમાં પડતું મૂક્યું હોવાની ચર્ચા શરુ થઇ.તમાશાને તેડું હોય? લોકો તળાવને કાંઠે ઉભરાવા લાગ્યા. રસ્તાના રાહદારીઓ પૈકી કેટલા યુવાનોએ પણ તળાવમાં ડૂબકી લગાવી મહિલાની શોધ આદરી અને અંતે જીવિત પણ બેશુદ્ધ હાલતમાં એ મહિલાના શરીરને બહાર કાઢી લાવ્યા.નજીકના મંદિરના પુજારીને કાને આ કોલાહલ સંભળાતા કમ્મરેથી વાંકા વળી ગયેલ કૃશ દેહધારી વૃદ્ધ પુજારી પણ તળાવને કિનારે આવ્યા,અચેતન મહિલાનો ચહેરો જોતા જ પૂજારી ઓળખી ગયા, " અરે, આ તો રજની દીકરી છે, રોજ સવારે અને સાંજે અચૂક દર્શન કરવા આવતી આ દીકરી ઉપર એવું ક્યુ દુઃખ તૂટી પડ્યું કે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવા મજબુર બની?" પાણીથી ભીંજાવાને કારણે સતત ધ્રૂજતી રજનીના દેહ ઉપર માતાજી ઉપર ચડાવેલી ચૂંદડી ઉતારી ઓઢાડતા આંસુભીની આંખે કહ્યું, "હે જગત જનની,જે જીવને તું પૃથ્વી ઉપર લાવે છે એની રક્ષા કરવી તારી જ જવાબદારી છે.જીવનમાં આવતાં સુખ-દુઃખ તો સાપેક્ષ છે પણ આત્મહત્યાના ઈરાદા સુધી જયારે કોઈ કૃતનિશ્ચયી બનતું હોય ત્યારે તારે એની વ્હારે ચડવું તારી ફરજ છે." સઘન તપાસ કરતા તળાવને કાંઠે એક પર્સ મળી આવ્યું પર્સમાં મહિલાનું આધાર કાર્ડ અને ઘરની ચાવી સિવાય કંઈ ન મળ્યું.ટોળા પૈકી નજીકની સોસાયટીમાં રહેતા એક ડોક્ટર ત્યાં હાજર હતા તેણે પ્રાથમિક સારવાર આપી.

થોડા કલાકો બાદ રજની સ્વસ્થ થતાં પિતાતુલ્ય પુજારીએ રજનીને આત્મહત્યાનું કારણ પૂછતાં રજનીએ બધી જ વાત કરી અને પરિવારમાં હવે કોઈ ન હોય જીવન ઝેર જેવું લાગ્યું છે એવું જણાવતા પુજારીએ આશ્વાસન આપતા કહ્યું "બેટા તું એવું ન માનીશ કે તારું કોઈ નથી. ઉપર ઈશ્વર અને અહીં હું તારી જોડે જ છીએ" આટલું સાંત્વન આપી મોડી સાંજે પૂજારી રજનીને ઘેર મુકવા ગયા.

ઘર ખોલી,રજનીએ પૂજારીનો આભાર માનતા બેસવાનું કહ્યું. દરમ્યાનમાં ઘરની દીવાલ ઉપર લટકતી નિરજના માતા-પિતાની તસ્વીર જોઈ પુજારીએ આશ્ચર્યથી પૂછ્યું " બેટા, આ ફોટામાં રહેલા વડીલ તારા શું સગા થાય ?"

રજનીએ જવાબ દેતા કહ્યું, " એ મારા સાસુ-સસરાનો ફોટો છે.નીરજે કિશોરાવસ્થામાં જ પોતાના પિતા ગુમાવ્યા છે "

પુજારીએ વધુ વિગત પૂછતાં કહ્યું, " નીરજના પિતાનું નામ રામભાઈ અને માતાનું નામ રમાબેન હતું ?

આશ્ચર્યથી ગરકાવ થયેલ રજનીએ પૂછ્યું ," હા, તમે સાચા છો પણ તમને એ ક્યાંથી ખબર પડી ?તમે એને ઓળખતા હતા ?

આંખમાં આંસુ સાથે વૃદ્ધ પુજારીએ પોતાના ઝબ્બામાંથી પાકીટ કાઢી એ જ ફોટો રજનીને બતાવ્યો જે દીવાલ ઉપર લટકતો હતો અને બોલ્યા, "બેટા હું એ જ રામભાઈ છું ખાતરી માટે આ મારો અને પત્ની રમાનો ફોટો"

" શું વાત કરો છો ? અત્યાર સુધી તમે ક્યાં હતા, અને અહીં અચાનક અજાણ્યા ગામમાં તમે કેવીરીતે એક મંદિરના પૂજારી તરીકે આવી વસ્યા ?

પુજારીએ સ્વવૃતાંત શરુ કરતા કહ્યું "આજથી આડત્રીસ વર્ષ પહેલાં મારી બત્રીશ વર્ષની ઉંમરે હું જૂનાગઢ ખાતે યોજાતા શિવરાત્રીનો મેળો જોવા ગયો હતો ત્યાં એક ચમત્કારી સાધુના દર્શન થતાં હું એનાથી પ્રભાવિત થઇ એની સેવાચાકરી માટે એની જોડે જ રહ્યો.વર્ષો સુધી એની સેવા ચાકરી કાર્ય બાદ એક દિવસ સાધુએ મને કહ્યું કે "નવાગામ તરીકે ઓળખાતા ગામમાં અમુક જગ્યાએ એક પૌરાણિક શિવમંદિર ખંડેરની હાલતમાં પડ્યું છે અને વર્ષોથી સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ અપૂજ પડ્યું હોય તું ત્યાં જઈ,અને મંદિરની સાફસુફી કરી એ અપૂજ શિવલિંગની પૂજા શરુ કર.સાધુના આદેશથી હું આ અજાણ્યા ગામમાં આવી લોકફાળાથી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી, અપૂજ સ્વયભૂ શિવલિંગની પૂજા શરુ કરી બસ, ત્યારથી હું આ વિસ્તારમાં પૂજારી તરીકે ઓળખાઉં છું "

આકસ્મિક રીતે જ ભેગા થઇ ગયેલ સસરા-વહુની આંખો આંસુથી છલકાઈ ગઈ.

બીજે જ દિવસે પુજારીએ રજની પાસેથી નીરજનો અમેરિકાનો ફોન નંબર મેળવી ફોન કરી જણવ્યું કે " બેટા,વર્ષોથી તને અને તારી મા ને છોડીને ચાલ્યા ગયા પછી કુદરતે આકસ્મિક રીતે મને પરિવારનો મેળાપ કરાવ્યો છે એ મારી શિવપૂજા અને ભક્તિનો પ્રભાવ જ હું માનુ છું. ઉમર અને અવસ્થાને કારણે હવે જિંદગીનો કોઈ ભરોસો નથી મને એક અંતિમ અદમ્ય ઈચ્છા છે કે તું ત્યાંની બધીજ મોહમાયા છોડીને સ્વદેશ આવી પરિવારની જવાબદારી સંભાળ. જો તું પૈસા પાછળ જ ઘેલો થઈને ત્યાં રોકાયો હો, તો સમજી લે જે કે,પૈસાને સંવેદના હોતી નથી એ જ રીતે પૈસાને આંખ-કાન,કે જીભ નથી જીવનના અંતિમ પડાવે જયારે પૈસો બહેરો-મૂંગો બની બેસી રહેશે ત્યારે પરિવાર જ જવાબ આપશે "

વૃદ્ધ બાપની કાકલુદી સાંભળી નીરવનું હૃદય પીગળ્યું, અને માત્ર પંદર જ દિવસમાં એ ઘેર પાછો ફર્યો.

રાતનો ભુલોલો સવારે ઘેર પાછો ફરે તો એ ભૂલેલો નથી ગણાતો એ ન્યાયે ફરી પરિવારનો વીંખાયેલ માળો બંધાયો

*******










Saturday, 18 June 2022

5 વિષકુંભ

હું અને અજીત કોલેજના અભ્યાસ પછી છુટા પડે લગભગ પચાશથી પણ વધુ વર્ષો થઇ ગયા હશે નાના હતા ત્યારે એકજ સોસાયટીમાં નજીક નજીક આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા અને જોડે રમતા અભ્યાસમાં પણ સાથે, હોસ્ટેલમાં પણ સાથે,અભ્યાસ પૂરો કર્યા પછી એ અન્ય શહેરમાં સરકારી નોકરીએ લાગ્યો અને મેં વધુ અભ્યાસ કરી વતનમાંજ વકીલાત શરુ કરી. નિવૃત્તિ બાદ વતનમાં પૈતૃક ફ્લેટમાં આવી શાંતિમય જીવન વ્યતીત કરતો હતો અને આમ ફરી અમે આટલા વર્ષે જુના પડોશી ફરી મળ્યા .   

પોષ મહિનાની કડકડતી ઠંડીના દિવસો હતા.એક દિવસ રાત્રે અજિત મારે ઘેર આવ્યો.લગ્ન પહેલા જ અમે એક બીજાથી છુટા પડ્યા હોઈએ અને ત્યારબાદ પહેલી જ વાર મળતા હોઈએ એક બીજાના પરિવાર અંગે અમે બન્ને અજાણ હતા.વાતસર વાત નીકળતા એણે મારા પરિવાર વિષે પૃચ્છા કરતા મેં સવિસ્તર માહિતી આપી.ત્યારબાદ તેના પરિવાર વિષે પૂછતાં અજિત નીચું જોઈ બોલ્યો " જવાદેને દોસ્ત, આ દુનિયામાં કેટલાક લોકો પાલકીમાં બેસવા જન્મ્યા હોય છે જયારે કેટલાક પાલકી ઉપાડવા, આ જન્મે હું પાલકી ઉપાડવા વાળો છું. જો બધાજ પાલકીમાં બેસે તો પાલકી ઉપાડે કોણ ?"

મને એવું લાગ્યું કે મારાથી એની દુખતી રગ દબાઈ ગઈ છે,એટલે સહાનુભૂતિથી જવાબ દેતા કહ્યું, "દોસ્ત, જીવન છે, સમસ્યાઓ તો દરિયાના મોજાની જેમ આવતી જ રેહવાની પણ એથી હિંમત હારી ન જવાય,એક જુનામિત્ર પાસે જો હળવો નહિ થા,તો બીજું તારું છે કોણ ? હૃદયમાં ભરી રાખવાથી એની અસર સ્વાસ્થ્ય ઉપર પડે છે.

અજિતને ગળે વાત ઉતરી.રૂમાલથી ચશ્માના કાચ લૂછતાં બોલ્યો "તું સાચો છે.મને પણ એવું જ લાગે છે. સાંભળ "આપણે કોલેજમાંથી છુટા પડ્યા પછી હું નોકરીએ લાગ્યો ચાર પાંચ વર્ષ બાદ મારા લગ્ન થયા.લગ્ન પછી બે  વર્ષે મારે ઘેર પારણું બંધાયું અને પુત્રીનો જન્મ થયો.પુત્રીને પાંચ વર્ષ પુરા થઇ છઠ્ઠું બેસતાં અમે એના જન્મદિને ભગવાન સોમનાથના દર્શનાર્થે ગયા.દેવદર્શન કરીને રળિયામણી સાંજે અમે સમુદ્ર તટ ઉપર બેસી સૂર્યાસ્તનો આનંદ લૂંટતા હતા, એ દરમ્યાન મારી પત્નીને શું સુજ્યું, કે દરિયાના મોજામાં પગ બોળવા ગઈ, હું પણ સાથે હતો. 

  અચાનક એક મોટું ધસમસતું મોજું આવી ચડ્યું, અને મારી પત્નીને તાણી ગયું દરિયો વર્ષાને ગળી ગયો.બચાવો બચાવોની મારી બુમ નિરર્થક નીવડી
અને જોતજોતમાં એ પાણીમાં ગરકાવ થઇ ગઈ
આમ ભગવાન સોમનાથના સાનિધ્યે મારા જીવનનો સૂર્યાસ્ત થયો કેટલા હોંશ  અને ઉત્સાહ,ઉમંગ થી ઘેરથી ત્રણ જણા નીકળ્યા હતા એ પાછા ફરતા બે જણાએ ઘરનું તાળું ખોલ્યું" અજિત ભાવુક થઇ ગયો આંખમાં જળજળીયા સાથે આગળ ચલાવ્યું "બસ એ દિવસથી કુદરતની કસોટીના દિવસો શરૃ થયા. મેં મન થી નિશ્ચય કર્યો કે આમ જ હવે આયખું પૂરું કરવું છે.
 છ વર્ષની પુત્રી સરિતાની દેખભાળ કરવા એક વયોવૃદ્ધ માજી રાખી લીધા અને દિવસો, મહિનાઓ, અને વર્ષો નીકળી ગયા. એકવાર પત્ની વર્ષાની તિથિને દિવસે વિધવા,ત્યક્તા અશક્ત, નિરાધાર, સ્ત્રી-પુરુષો અને બાળકોને આશ્રય આપતા નજીકના અનાથ આશ્રમમાં મીઠાઈ વહેંચવા ગયો. મારુ ધ્યાન એક પાંત્રીસેક વર્ષની વિધવા સ્ત્રી ઉષા અને બાજુમાં ઉભેલ એના બાર વર્ષના પુત્ર રોહિત ઉપર પડી.રોહિતનો તેજસ્વી ચહેરો,ચમકતી આંખ,ચહેરા ઉપરની ચપળતા જોતા મારા હૃદયમાં કોઈ અપાર લાગણી, અને દયા ફૂટી નીકળ્યા. હું એની પાસે ગયો અને એના પૂર્વકાળની આપવીતી વિષે જાણ્યું, યુવાન વયે પતિના અવસાન પછી પરિવારે એના ઘર અને મિલ્કત પચાવી પાડી બેહાલ કરી ઘરમાંથી કાઢી મુક્યાનું જાણ્યું.રોહિત નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને અભ્યાસમાં અતિ તેજસ્વી હતો.ઘેર આવી રાત્રે સુતા મને વિચાર આવ્યો કે આમે ય હું પંચાવન વર્ષ વટાવી ચુક્યો છું, પુત્રી પણ કાલે સાસરવાસ જશે મારી હયાતી પછી મને મળવા પાત્ર પેંશન માસિક રૂપિયા પાંત્રીશ હજારનું કોઈ વારસદાર ન હોય બંધ થઇ જશે. મારા અવસાન પછી કોઈ નિરાધાર સ્ત્રી તથા એના પુત્રનું મારા પેંશન થકી ભવિષ્ય ઉજળું થતું હોય,તો નિવૃત્તિ પહેલાં આ સ્ત્રીને કાયદેસર પત્નીનો દરજ્જો આપી મારા નિવૃત્તિના બધા હક્ક હિસ્સા અને પેંશનનો વારસદાર બનાવું તો ખોટું નથી. ઉષાની ઉંમર પણ હજુ નાની છે એથી દીર્ઘકાળ પેંશન ભોગવી શકી પોતાના પુત્ર રોહિતને એ રકમથી ભણાવી પગભર કરી શકશે.આ વિચાર પાછળ મારો કોઈ સ્વાર્થ,કે દૈહિક સંબંધની લાલસા ન હતી. કાયદાકીય રીતે એને પત્નીનો દરજ્જો આપ્યા પછી પણ એ મારી સંભાળ રાખનારી આયા  -Care taker- તરીકે રાખવાનું નક્કી કર્યું. એક દિવસ આ વિચાર મેં પુત્રી સરિતાને કહ્યો. બસ, પૂરું થયું. સરિતાનો ગુસ્સો સાતમે આસમાન પહોંચ્યો,વિવેક, વિનય,મર્યાદા બધું ચુકી જઈ તેણે ફાવે એમ બોલવું શરુ કર્યું. પિતા-પુત્રીની તમામ મર્યાદા ઓળંગી જઈ તેણે કહ્યું "ઉંમર લાયક દીકરીના હાથ પીળા કરવાનું વિચારવાને બદલે તમેં પુનર્લગ્નનું વીચારો છો ? વાહ, આ તો ખખડધજ આંબે મોર ફૂટ્યા ! પપ્પા,આ ઉંમરે જિજીવિષાને આંગણે મનોરથના મોરલા ટહુકે એ સારું નથી. દીકરી તરીકે બાપને સલાહ દેતાં મારી જીભ કપાય છે. હૃદયમાં જાતીય આનંદ ભોગવવાના ટહુકતા મોરનો થનગનાટ તો જુઓ કે તમને તમારી ઉંમર,શારીરિક શક્તિ, વિગેરેનો કોઈ વિચાર નથી આવતો  રહી રહીને મમ્મીના અવસાન બાદ આટલા વર્ષો પછી લગ્ન કરવાના કોડ જાગ્યા ? શરમ કરો, સમાજ તમને ફીટકારશે. એક વાત કાન ખોલીને સાંભળી લ્યો કે આવનાર સ્ત્રી તમારી પત્ની હશે, મારી મા નહિ અને તેથી જ હું એની સાથે નહિ રહી શકું, મારો રસ્તો હું કરી લઈશ એટલું જ નહિ પણ જીવન પર્યન્ત હું  તમારું કે એનું મોઢું નહિ જોઉં" 
પુત્રી સરિતાના લગ્ન કર્યા પછી મારુ કોણ ? મારી વૃદ્ધાવસ્થામાં કે બીમારીમાં મને પાણીનો પ્યાલો પણ 
કોણ આપવાનું હતું ? એ બધા વિચારે હું મક્કમ જ હતો અને મેં અનાથાશ્રમનાં ગૃહમાતાને બધીજ વાત કરતા તેઓ ખુબ રાજી થતા બોલ્યા કે " પોતાના મર્યા બાદ પણ બીજાનું કલ્યાણ વિચારનાર માણસ જ જિંદગી જીવ્યો છે, બાકીના તો  પોતપોતાનું વિચારીને જેવા જન્મે છે એવા જ મરે છે" આમ તેઓની પણ સંમતિ મેળવી લીધી.
********
નિવૃત્તિના ચારેક વર્ષ અગાઉ હું અને ઉષા કોર્ટ દ્વારા લગ્ન ગ્રંથીથી જોડાયા અને બીજે જ દિવસે સરિતા નોકરીએ ગયા પછી સાંજે ઘેર પાછી ન ફરી.એની ઓફિસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે સરિતાની જોડે જ કામ કરતા પર પ્રાંતીય, બિન ગુજરાતી સાથે છેલ્લા પાંચવર્ષથી પ્રેમ સબંધ હોય, તેઓ બન્ને આજે લગ્ન ગ્રંથીથી જોડાઈ એક માસની રજા ઉપર ઉતરી ગયા છે.આમ સરિતાનું પ્રેમપ્રકરણ જુનું હતું પણ ઘર છોડવાનું બહાનું એ શોધતી હતી એ આ રીતે મળી ગયું. દોડવું હતું અને ઢાળ મળ્યો.
  છ થી છવીશ વર્ષ કેવી રીતે એકલે હાથે ઉછેરીને મોટી કરી હશે એનો વિચાર ઘર છોડીને ભાગી જતી દીકરીએ જરા પણ ન કર્યો.માત્ર એના લાડકોડ પાળવા જ મેં મારી યુવાનીના વર્ષો એના ઉછેર-યજ્ઞમાં હોમી દીધા.મારી આજની જરૂરિયાતને તરછોડી એના આવતીકાલના મોજ-શોખ પાળ્યા.મા-બાપ ઉંમરથી ઘરડા નથી થતા પણ સંતાનનો ઉછેર,જવાબદારી અને ચિંતાના બોજને કારણે ઘરડા થાય છે એવો પણ વિચાર ન કર્યો. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું સાહેબ. લોકો ભલે કહે કે "દીકરી વહાલનો દરિયો, દીકરી બે ઘરનો દીવો " પણ મારે ભાગ્યમાં કુંભ રાશિની દીકરી "વિષ કુંભ" સાબિત થઇ.અનુભવે મને સમજાયું કે "આંખોમાં આંસુ લાવનારા કયાંરેય પારકા નથી હોતા,હિસાબ કરવા બેસશો તો સૌથી વધારે પોતાના જ નીકળશે " 
દોસ્ત, અર્ધાંગિની વિનાની સંઘર્ષ યાત્રા એજ સાચો વનવાસ છે, ભગવાન શ્રીરામનો ચૌદવર્ષનો વનવાસ એ વનવાસ નહિ પણ વનપ્રવાસ કહેવાય. આજે હું અને મારાથી વીસવર્ષ ઉંમરમાં નાની બેન જેવડી"કાગળ ઉપરની પત્ની" ઉષા અહીં રહીએ છીએ. પુત્ર રોહિત મેડિકલના બીજા વર્ષમાં બહારગામ ભણે છે. 

આટલું બોલતાં ભર શિયાળે અજિતને પરસેવો વળવા મંડ્યો,અને ચશ્મા ઉતારી ચોધાર આંસુએ રડવા લાગ્યો. મેં સુંઠ-મસાલા વાળી ગરમ કોફી પાઇ, થોડીવારે સ્વસ્થ થતાં આશ્વાશન આપી એને એના ફ્લેટ સુધી મૂકી આવ્યો.
એના ગયા પછી એની માનસિક અને કૌટુંબિક હાલત ઉપર મને દયા આવી.માણસ જીવવાની ઈચ્છા ન થાય એટલી હદ સુધી યુવાનીથી જ દુઃખ ભોગવતો હોય એના ઉપર વૃદ્ધાવસ્થામાં પોતાનું લોહી જ આવા વજ્ર પ્રહાર કરે ? રાતે ઊંઘ મોડી આવી. વ્યથિત મન અને મગજ વિચારોના ચકડોળે ચડ્યું. અજિતની બધી જ વાતનું ચિત્રીકરણ એક સિનેમાની જેમ મારી નજરે તરવા લાગ્યું ત્યારે બે જ દિવસ પહેલા વાંચેલું  સ્વામી સચ્ચિદાન્નદજી નું વાક્ય યાદ આવ્યું     
"માતાના અવસાનથી માતૃવિહોણાં બાળકોને જે પિતાએ પુનર્લગ્ન કર્યા વિના ઉછેર્યાં હોય તે પિતા હજાર માતા કરતાં પણ વધુ પૂજ્ય ગણાય કારણ કે તેણે બે ત્યાગ કર્યા કહેવાય એક તો પિતૃત્વનો ત્યાગ કરીને માતૃત્વ સ્વીકાર્યું, જે અત્યંત કઠિન છે અને બીજું જેણે જરૂર હોવા છતાં પણ બીજું લગ્ન ન કરીને વિષયવાસનાની અગ્નિમાં શેકાવાનું સ્વીકાર કર્યું. આ બન્ને તપ જ કહેવાય. વિધુરતા સ્વયં પોતે જ તપ છે, તેમાં પણ બાળઉછેર સાથેની વિધુરતા તો બહુ મોટું તપ છે." આમ વિચારતા વિચારતા મોડી રાત્રે આંખ મીચાઈ ગઈ.
********
બીજા દિવસનું પ્રભાત ઉગ્યું. સવારના ચાર-સાડા ચારનો સમય હશે, શિયાળાને હિસાબે ઘનઘોર અંધારું હતું, લોકોની ચલપહલ પણ ઓછી હતી.રડ્યાખડ્યા દૂધવાળા કે વર્તમાનપત્રના ફેરિયા નજરે પડતા હતા.સોસાયટીમાં નીરવ શાંતિ વચ્ચે નજીકના એક ફ્લેટના ત્રીજા માળે વીજળીના આછા પ્રકાશવાળા એક રૂમમાં આછા ડુસકા સાથેનું ધીમું રુદન અને આંક્રદ સંભળાયા.એપાર્ટમેન્ટના દરવાજા પાસે રસ્તે બે કુતરા કરૂણ રીતે રડતા સંભળતા હતા, હું મારા નિત્યક્રમ અને યોગાની પ્રવૃત્તિમાં રોકાઈ જતાં મેં બહુ ધ્યાન ન આપ્યું. દિવસ ચડતો ગયો લગભગ સાતેક વાગ્યે ફ્લેટની નજીક ડાઘુ સ્વરૂપે ઘણા પુરુષો એકઠા થવા લાગ્યા તપાસ કરતા માલુમ પડ્યું કે અજિતને મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવતા એ મૃત્યુ પામ્યો હતો.આ અગાઉ થોડા વર્ષો પહેલા દીકરીના એકલપંડે ઉછેરની ચિંતામાં એક હુમલો તો આવી ગયો હતો પણ ગઈકાલની વ્યથિત કથાએ એનો ઘા તાજો થતા આ વખતના હુમલાને એ ખાળી ન શક્યો. આઠ વાગે નીકળેલી સ્મશાનયાત્રામાં હું જોડાયો
**********
અજિતના નશ્વર દેહને જયારે અગ્નિદાહ દેવાયો એ સમયે એની બળતી ચિતાની બરોબર સામે સ્મશાનના દરવાજા નજીક એક .શુષ્ક ચહેરો કોરા છુટા વાળ,આંખ નીચે કાળા કુંડાળા,અને મેલા-ઘેલા કપડાં વાળી ચાલીસેક વર્ષની આધેડ સ્ત્રી પોતે સ્વ.અજિતની કોઈ મોટી ગુન્હેગાર હોય એ રીતે આક્રંદ સાથે માફી માંગતી પોક મૂકીને રડતી હતી. સ્મશાનમાં ઉપસ્થિત ડાઘુઓ પૈકી કેટલાકનું એના ઉપર ધ્યાન પડતા તેઓ તેની પાસે ગયા એ પૈકી રોહિત પણ એક હતો એને શાંત રાખવાની કોશિશ કરતા હતા એ ઉપરથી લાગ્યું કે તેઓ એ સ્ત્રીને ઓળખતા હશે.
ડાઘુઓમાં અંદરોઅંદર થતી ચર્ચા પરથી જાણવા મળ્યું કે એ સ્ત્રી બીજી કોઈ નહિ પણ છ થી છવીશ વર્ષ સ્વ.અજિતે જેને એકલે હાથે ઉછેરી હતી,અને પાંખ આવતા અજિતની વૃદ્ધાવસ્થાનો વિચાર કર્યા વિના,નવી મા પ્રત્યેના તિરસ્કારથી પ્રેમલગ્ન કરીને ઘર છોડી ગયેલી, અજિતની પુત્રી સરિતા હતી. જે પરપ્રાંતીય યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા તેણે સાતેક વર્ષ સાચવી પણ કોઈ મતભેદને કારણે તેણે સરિતાને પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મૂકી હતી અને આજે તે એ જ અનાથ આશ્રમમાં રહેતી હતી જ્યાંથી સ્વ.અજિત પોતાની નવી પત્ની ઉષાને લઇ આવ્યો હતો .
રોહિત એને શાંત પાડી, સમજાવી અને પોતાની સાથે ઘેર લઇ આવ્યો.
જે સરિતાએ અજિતને કહ્યું હતું કે " આવનાર સ્ત્રી તમારી પત્ની હશે, મારી મા નહિ અને તેથી જ હું એની સાથે નહિ રહી શકું, મારો રસ્તો હું કરી લઈશ, એટલું જ નહિ પણ જીવન પર્યન્ત તમારું કે એનું મોઢું નહિ જોઉં" એ સરિતા દુઃખના સાગરમાં ડૂબી જતાં નવી મા ઉષા પાસે માફી માંગી, મા તરીકે સ્વીકારવા અને એની સાથે રહેવા મજબૂર બની. ઉષાબહેને પણ મોટું મન રાખી એને માફ કરી,સ્વીકારી અને અનાથ આશ્રમ છોડી પોતાની સાથે જ રહેવા સંમતિ આપી. જન્મથી પોતાને કોઈ ભાઈ ન હોય આજે ચાલીશ વર્ષે રોહિત જેવો ભાઈ મળ્યો.
" હા પસ્તાવો, વિપુલ ઝરણું, સ્વર્ગ માંહેથી ઉતર્યું,પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યું.! "
**********
 







Sunday, 29 May 2022

અપરાજિતા

 અપરાજિતા

સાંજે લગભગ પાંચેક વાગ્યાને આશરે શૈલેષ કૉર્ટેથી છૂટીને પોતાની ઓફિસે પહોંચ્યો. અરધો-એક કલાક થયૉ હશે ત્યાં એમની ચેંબરના દરવાજે એક યુવાન સ્ત્રીએ અંદર આવવાની મંજૂરી માંગી. શૈલેષે પરવાનગી આપતા એ મહિલા કચેરી ખંડમાં પ્રવેશી અને બોલી,               "નમસ્તે સર, હું મીસ.પૂનમ.મારા કેટલાક મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે આપની સલાહ અને મદદની જરૂર હોય હું અહીં આવું છું. I think I have not disturbed you,"                            "ઓહ, નો.બોલો હું આપની શું મદદ કરી શકું?" એક હળવા સ્મિત સાથે શૈલેષે ખુરશી પર બેસવા હાથથી  ઇશારો કર્યો .                                                                              "સર,હું જાણું છું કે આપનો સમય અતિ કિંમતી છે છતાં મારી મુંઝવણ બતાવતા પહેલા થોડી પૂર્વભૂમિકા આપવી જરૂરી છે," પૂનમે વિવેક દર્શાવતા પોતાની વાત શરુ કરી.

સર, બે વર્ષ પહેલાં મારા માતુશ્રીનું કોરોના કારણે નિધન થયું હતું, ત્યારથી પિતાજીની માનસિક અસ્વસ્થતાને કારણે એની જીવનપર્યંત સેવા કરવા મેં અવિવાહિત રહેવું પસંદ કર્યું.પિતાજીની નજીવી આવકમાંથી ઘરનું વ્યવસ્થિત સંચાલન મુશ્કેલ હોય, મેં અહીંની કે.એન, ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી શરુ કરી.આ કંપની મૂળ ચંદીગઢ અને મુંબઈ ખાતે કાર્યરત છે, અને કંપનીની હેડ ઓફિસ પણ મુંબઈ જ હતી પરંતુ કંપનીના માલિક હવે કાયમ માટે અહીં સ્થિર થતાં કંપનીની વહીવટી કચેરી અત્રે ફેરવી નાખી મને પોતાના અંગત સચિવ તરીકે નિમણુંક આપી. શરૂ શરૂમાં તો સાહેબ ઘણા લાગણીશીલ, પ્રેમાળ અને વડીલ માર્ગદર્શક તરીકેનો મારી સાથે વ્યવહાર કરતા હતા, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી એની વાણી, વ્યવહાર અને વર્તન શંકાસ્પદ જણાતા મેં સાવચેતી વધારી દીધી હતી. 

ગયા મહિને અમારી કંપનીની બન્ને શહેરના પદાધિકારીઓની જનરલબોડીની મિટિંગ હતી.અંગત સચિવ તરીકે મારે પણ ઉપસ્થિત રહેવું ફરજીયાત હતું. મિટિંગ રાત્રીના મોડે સુધી ચાલી. મિટિંગ પુરી થયા બાદ સાહેબ અને હું બન્ને એકલાજ ઓફિસમાં હતા, હું નીકળવાની તૈયારીમાં જ હતી એ દરમ્યાન સાહેબે મને પોતાના બાહુપાશમાં જકડી લઇ,કચેરીમાં જ મારી સાથે દુષ્કૃત્ય કર્યું. એટલું જ નહિ પણ એનો પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી મને એ સૂચના સાથે મોકલ્યો કે જો આ વાતની ક્યાંય જાહેરાત થશે તો હું આ વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વહેતો મૂકીશ, સાથોસાથ જીવની પણ સલામતી નથી. એ રાત મારા માટે કાળરાત્રી બની ગઈ. વૃદ્ધ અશક્ત પિતાને હું વાત પણ ન કરી શકું અને મારુ દર્દ પણ છુપાવી ન શકું." આટલું બોલતાં પૂનમની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા.

રડતી આંખે પૂનમે પોતાની કરૂણ કથની આગળ વધારતા કહ્યું "હવે શું કરવું એ વિચારવા મેં રજા મૂકી આરામ કરવા વિચાર્યું. એ દરમ્યાન મારી તબિયત લથડતા મેં સ્થાનિક મહિલા તબીબનો સંપર્ક કર્યો.એમના નિદાન મુજબ હું ગર્ભાધાન કરી ચુકી હતી.મારી માથે આભ ફાટ્યું, સાહેબ.

મહિલા તબીબના તબીબી અભિપ્રાય વિષે જયારે મેં મારા બોસને જાણ કરી ત્યારે એમણે મને ગર્ભપાતની સલાહ આપી.સમાજ અને આબરૂની બીકે મારી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોય,એ જ મહિલા તબીબ પાસે ગર્ભપાત કરાવ્યો, તબીબી નિયમ પ્રમાણે કોઈ શસ્ત્ર ક્રિયા કરતા પહેલા લેવાતા ડેક્લેરેશન ફોર્મમાં સાહેબે વાલી તરીકે પોતાની સહી પણ કરી અને આમ શસ્ત્રક્રિયા પાર પાડી.પૈસા માટે જાત વેચીને કમાણી કરવી અને વારંવાર શિકારી કુતરાના શિકાર બનવું મને વ્યાજબી ન લાગતાં મેં બીજે જ દિવસે મારુ રાજીનામુ મોકલી દઈ હું નોકરીમાંથી છૂટી થઇ ગઈ.આ બધી વસ્તુના મારી પાસે દસ્તાવેજી પુરાવા છે.હવે આ બાબતે હું આપની કાનૂની સહાય મેળવવા આવી છું 

"સતત રડવાથી થયેલ લાલ આંખોમાંથી હજુ આંસુ ટપકતા હતા.અબળાના ગુલાબી ગાલ શરમના માર્યા શ્યામ થઇ જતા પૂનમ અમાસમાં ફેરવાઈ ગઈ.એક અબળાની મજબુરીનો ગેરલાભ વર્ણવતી હૃદય દ્રાવક કથા સાંભળતા શૈલેષની પાંપણ ભીંજાણી. શૈલેષે થોડીવાર વિચાર કર્યા બાદ કહ્યું "તમારી સમસ્યાના સમાધાન માટે બે રસ્તા છે.પહેલું. શું તમે તમારા બોસના કરેલ દુષ્કર્મનું આર્થિક વળતર મેળવી એને માફ કરી દઇ સમાધાન કરવા ઈચ્છો છો ? કે બીજું, તમે એની હેવાનિયતનો શિકાર બન્યા પછી કાનૂની જંગ ખેલી અદાલત પાસે ન્યાય  માંગવા ઈચ્છો છો ?

હેવાનિયતનું વળતર ? કૌમાર્યભંગ કરનારને માફી અને સમાધાન ? સાહેબ,એ સ્વપ્ને પણ ન વિચારી શકાય. એ સમયે મને શું ખબર કે આ હવસખોર માલિક  મારી બુદ્ધિ,આવડત અને હોશિયારીનો પગાર નહિ પણ મારી સુંદરતા અને કૌમાર્યની ફી આપે છે. હું એવું ઈચ્છું છું કે મને અદાલત તરફથી એવો સજ્જડ ન્યાય મળે કે સમાજમાં આવા જંગલી બિલાડાઓ દ્વારા અવારનવાર છાને ખૂણે પીંખાતી આવતી ભોળી, નિર્દોષ કબુતરીઓ માટે સમાજમાં એક ઉદાહરણ સ્થાપિત થાય હું કોઈ પણ ભોગે ન્યાય મેળવવા ઈચ્છું છું." આક્રોશથી બોલતા પૂનમના રુવાડા ઉભા થઇ ગયા.

"હું પણ એવું જ ઈચ્છું છું કે કહેવાતા સજ્જન અને મોટા માણસોના દંભને હિંમતથી પર્દાફાશ નહિ કરીયે ત્યાં સુધી આવા નરપિશાચો આવતા દિવસોમાં ઘેર ઘેર ફરી વળશે. તમે એક કામ કરો. તમારા નજીકના પોલીસ સ્ટેશને જઈ પોલીસ અધિકારીનો રૂબરૂ સંપર્ક સાધી ફરિયાદ નોંધાવો. એમની સલાહ અને જરૂરિયાત મુજબના આધાર-પુરાવા તથા અન્ય જરૂરી માહિતી પુરી પાડી એફ.આઈ.આર.નોંધાવી એની નકલ મેળવી લ્યો, ત્યાર પછીની કાર્યવાહી હું આગળ વધારીશ." શૈલેષે આશ્વાશન સાથે માર્ગદર્શન આપતા પૂછ્યું "By the way, તમારા એ બોસનું નામ શું છે ? એના અંગત જીવન કે પૂર્વજીવન  વિશેની તમને કોઈ  વિશેષ માહિતી છે ?

       "સર,એના પુરા નામની તો ખબર નથી પણ લોકો એને કૈલાસ નાથના નામથી ઓળખે છે. થોડા વર્ષો પહેલાં એમના પત્ની પ્રથમ પ્રસુતિ દરમ્યાન અવસાન પામ્યા છે તેઓ નિઃસંતાન છે. એના ભૂતકાળ વિષે એના કેટલાક સમકાલીન વિદ્યાર્થીઓ કે જે અમારે ત્યાં હાલ વરિષ્ઠ અધિકારી  છે તેઓમાં એવો ગણગણાટ છે કે સર  પોતાની યુવાનિમાથી જ રંગીન મિજાજના છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં પોતાના અભ્યાસકાળ દરમ્યાન એની કામવાળી સાથે બળજબરીથી સબંધ બાંધી ગર્ભસ્થ કરી દીધા બાદ પોલીસ ફરિયાદ અને કાનૂની પકડની બીકે તેઓ ભાગીને મુંબઈ સ્થિર થયા હતા અને પછીથી ત્યાં જ ધંધો જમાવ્યો. જો કે આ વાતને આજસુધી કોઈ આધાર-પુરાવા સાથેનું સમર્થન મળ્યું નથી એમ પણ કહેવાય છે કે એ સમયે તેઓ રાજકીય કાર્યકર હોય એના આવા કૃત્યનો ઢાંકપિછોડો કરવામાં તત્કાલીન રાજકીય નેતાઓનો પણ હાથ હતો."

"તમે હવે ચિંતા ન કરો, આટલી માહિતી પૂરતી છે બાકીની વિગત માટે હું મારી ખાનગી એજન્સીને કામે લગાડી હકીકતના મૂળ સુધી પહોંચી સત્યતા ચકાશી એની કરમકુંડળીનો પર્દાફાશ કરીશ" કહી શૈલેષે આશ્વાસન આપ્યું.

"સર, આપની અંદાજીત  ફી. ?" સંકોચ સાથે પૂનમે પૂછ્યું.

શૈલેષે પોતાનો જમણો હાથ પૂનમના માથા ઉપર મુકતા કહ્યું "બહેન, આ કેસની હું કંઈ પણ ફી નહીં લઉ  એટલું જ નહિ પણ આ ઉદ્યોગપતિ રોડપતિ બની  જિંદગીભર જેલની ચક્કી પીસતો થઇ અને નરપિશાચ નરકંકાલમાં  નહિ બદલાય ત્યાં સુધી હું જંપીશ  નહી" બોલતા વકીલ શૈલેષની ખુન્નસ ભરી આંખ ઉપર લોહી ચડી આવ્યું. 

********

ન્યાયમૂર્તિ ધનંજયનો કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો.ત્રણ ત્રણ મહિનાથી ચાલતા જે ચકચારી કેસના ચુકાદાની કાગડોળે રાહ જોવાતી હતી એનો આજે આખરી ચુકાદો આવવાનો હતો. રાજ્યના  ટોચના કાનૂનવિદ્દ અગ્રગણ્ય ધારાશાસ્ત્રીઓની ફોજ સામે એકલપંડો લવરમુછીયો શૈલેષ નિશ્ચિત હારી જશે એવી ગણતરીથી શહેરમાં એ બાબતે સટ્ટો ખેલાતો હતો. અદાલતની કાર્યવાહી શરુ કરતાં જજ સાહેબ ધનંજયે કેસનો ચુકાદો આપતા  કહ્યું. "બન્ને પક્ષોની દલીલ તથા તમામ સાંયોગિક પુરાવાઓને લક્ષ્યમાં લેતાં આરોપી ગુન્હેગાર સાબિત થાય છે, તેમ છતાં પોતાના બચાવ માટે જો સફાઈ રજુ કરવા માંગતા હોય તો અદાલત તેને  છેલ્લી તક આપે છે"

જજસાહેબના કહેવાપછી બચાવ પક્ષના વકીલે છેલ્લો મરણીયો પ્રયાસ કરતા કહ્યું "મી લોર્ડ,તમામ પુરાવાઓને આધારે જો આરોપી દોષિત સાબિત થતો હોય તો નામદાર અદાલત જે સજા ફરમાવે એ સ્વીકારવી ફરજીયાત છે એ સમજુ છું તેમ છતાં આરોપી દેશનો ટોચનો ઉદ્યોગપતિ હોય અને ભૂતકાળમાં યૌન ઉત્પીડીનનો કોઈ એનો રેકોર્ડ ન હોય, નામદાર અદાલતને સજા ફરમાવવામાં રહેમ દાખવવા વિનંતી છે "        
બચાવ પક્ષના વકીલની વાત સાંભળતા એડવોકેટ શૈલેષનું લોહી ઉકળી ઉઠ્યું .શૈલેષે  દલીલ કરતા કહ્યું, " મી. લોર્ડ, હું નામદાર અદાલતના ધ્યાન ઉપર મુકવા માંગુ છું કે, આરોપીનો બળાત્કારનો આ પહેલો ગુન્હો નથી આરોપી રીઢો ગુન્હેગાર છે, આરોપી કૈલાસે આજથી ત્રીસ વર્ષ પહેલાપણ એક બળાત્કાર કર્યો જ છે"
એડવોકેટ શૈલેષની દલીલથી જજ સાહેબ ચોંકી ઉઠ્યા. તેણે શૈલેષને ટકોર કરતા કહ્યું, " જે પણ દલીલ કરો તે આધાર પુરાવાઓ સાથે કરજો,અદાલતમાં પુરાવાને આધારે ન્યાય તોળાય છે નહી કે સંવેદનશીલ વાર્તાઓથી. આજથી ત્રીસ વર્ષ પહેલા ઘટેલી ઘટનાનો પુરાવો તમારે રજુ કરવો પડશે "
" જી. મી. લોર્ડ,હું આધાર પુરાવા સાથે પુરી જવાબદારીથી મારી કેફિયત નોંધવું છું " કહેતાં શૈલેષે પોતાની દલીલ ચાલુ રાખી .
"આજથી ત્રીસ વર્ષ પહેલાં ખાનગી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા કૈલાશે નવા વાડજ ખાતે એક પ્રાઇવેટ રૂમ ભાડે રાખીને રહેતો હતો એ સમયે નવા વાડજની ફૂટપાથ ઉપર ઝુંપડ પટ્ટીમાં રહેતી શ્રમજીવી અંધ માતા અને અપંગ પિતાની અભણ અને નિરક્ષર, રૂપ રૂપના અંબાર જેવી દીકરી અપરાને પોતાને ત્યાં કામવાળી તરીકે રાખી તેના ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી. નિરક્ષરતા,ગરીબી,અને દુર્લભ ન્યાય પ્રથાને કારણે એ યુવતીના મા-બાપે "કહેવાતા ભદ્ર સમાજના નબીરાઓનો આ જન્મસિદ્ધ અધિકાર છે" એવું મન મનાવી ફૂટેલ ભાગ્યને દોષ દઈ એ યુવતીની પ્રસુતિ કરાવતાં પુત્ર જન્મ થયો. સતત આઘાતને કારણે માનસિક સંતુલન ગુમાવી બેસનાર એ યુવતી થોડા વર્ષોમાં અવસાન પામી અને છત્ર વિનાના એ બાળકને અનાથ આશ્રમને હવાલે કર્યો દરમ્યાન એક સુખી નિઃસંતાન જૈન દંપતીએ એ બાળકને દત્તક લઇ પાળી-પોષી અને શિક્ષણ સાથે સંસ્કાર આપી સમાજમાં ઉંચું માથું કરીને જીવી શકે એવો હોનહાર વ્યક્તિ બનાવ્યો. આ સાથે હું પુરાવા રજુ કરું છું એટલું કહીને શૈલેષે બે કાગળ જજ સાહેબને પહોંચાડ્યા.એ પૈકી એક કાગળ અનાથ આશ્રમમાં દાખલ કરાયેલ શિશુની દાખલ થયાની નોંધ,તથા જૈન દંપતીએ દત્તક લીધાના દાખલાની અનાથ આશ્રમના રજીસ્ટરમાં થયેલી નોંધની ફોટો કોપી,અને બીજો કાગળ જૈન પ્રોફેસર શાંતિલાલ શાહ એ એ બાળકને દત્તક લઇ ઉછેર્યાનું સોગંદનામું. જજ સાહેબે ધ્યાન પૂર્વક અભ્યાસ કર્યા બાદ પૂછ્યું, "આજથી ત્રીસ વર્ષ પહેલા જન્મેલ બાળક આજે પુખ્ત થઇ ગયો હોય એ ક્યાં છે અને શું કરે છે ?" શૈલેષે જવાબ આપ્યો, "મી લોર્ડ એ ત્રીસ વર્ષનો યુવાન અહીં કોર્ટમાં હાજર છે.
એ લાચાર, બેબસ,ગરીબ, બળાત્કારની ભોગ બનેલી યુવતી અપરાનું ગેરકાયદેસરનું સંતાન તે હું એડવોકેટ શૈલેષ પોતે અને બળાત્કાર કરીને બનેલો બાળકનો અનૌરસ પિતા એ આ જ આરોપી કૈલાસનાથ છે એના પુરાવા રૂપે હું નામદાર કોર્ટને વિનંતી કરું છું કે,અમારા બન્નેના D.N.A.નું પરીક્ષણ કરાવી, નિઃસંતાન આરોપીના અનૌરસ પુત્ર તરીકે મને કાનૂની માન્યતા આપી એનો એકમાત્ર અધિકૃત વારસદાર જાહેર કરવામાં આવે. આરોપીને સજા ફરમાવતા પહેલાં ત્રીસ વર્ષ પહેલા બનેલી આ શરમજનક ઘટનાનો પણ ન્યાય તોળવામાં આવે ગુન્હો સો વર્ષે પણ દુધે ધોવાઈને ગુન્હો મટી જતો નથી. મેં મુંબઈની એક ખાનગી એજન્સી દ્વારા આ બધીજ વિગતની તપાસ કરાવી આધાર પુરાવા એકઠા કર્યા છે અને જયારે મને ખબર પડી કે હું કોઈ બળાત્કારી નરાધમનો અનૌરસ પુત્ર છું ત્યારથી જયારે હું મારુ મોઢું અરીસામાં જોઉં છું ત્યારે મને મારી જાત ઉપર તિરસ્કાર જન્મે છે" આટલું બોલતા વકીલ શૈલેષ ભાવુક બની ગયો.કોર્ટ રૂમમાં ખળભળાટ મચી ગયો. જેમ કર્ણના રથના પૈડાં રણભૂમિમાં ગળવા માંડ્યા હતા એમ બચાવ પક્ષના વિદ્વાન વકીલોની ફોજ લાચાર અને વિવશ બની સાંભળતી રહી.

શૈલેષની દલીલ સાંભળી હતપ્રભ થઇ ગયેલ જજ સાહેબ સુન્ન થઇ ગયા.થોડીવાર રહીને બોલ્યા," આજથી ત્રીસ વર્ષ જૂની ઘટનાનો ન્યાય આપવા માટે અનેક કાનૂની ગૂંચ હોવા સબબ તમારી દલીલને તમારી ફરિયાદ રૂપે ન લેતા ચાલુ કેસના સાક્ષી તરીકે ગ્રાહ્ય રાખવામાં આવી અદાલત વકીલ શૈલેષ કુમાર તથા આરોપી કૈલાસનાથના D.N.A.નું સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવી તેનો રિપોર્ટ અઠવાડિયામાં અદાલતમાં પેશ કરવામાં આવે તેવો હુકમ કરે છે. આ પરીક્ષણથી જો ગુન્હો સાબિત થાય તો ભૂતકાળમાં ન્યાયથી વંચિત અબળાનો કિસ્સો સમાજ માટે દર્દનાક અને શરમ જનક છે.સમાજમાં ભૂંડ વધતા જાય છે ત્યારે ગાયો મરતી જાય છે. જ્યાં સુધી એને ન્યાય નહિ મળે ત્યાંસુધી ન્યાયિક પ્રક્રિયા અધૂરી લેખાશે.અદાલતની આજની કાર્યવાહી પુરી જાહેર કરવામાં આવે છે."

**********

અઠવાડિયા પછી.સરકારી લેબોરેટરીના ટેકનિશ્યને વકીલ શૈલેષ તથા આરોપી કૈલાસનાથનો D.N.A.રિપોર્ટ તથા બન્નેના બ્લડ ગ્રુપનો સીલબંધ રિપોર્ટ અદાલતમાં રજુ કરતાં જજ સાહેબે ધ્યાનપૂર્વક વાંચી પોતાનો ફેંસલો આપતા માર્મિક હાસ્ય સાથે કટાક્ષ કરતા કહ્યું કે "બચાવ પક્ષની એવી દલીલ છે કે આરોપી ઉદ્યોગપતિ હોય ઉત્પાદન ક્ષેત્રે તેનો મહત્વનો ફાળો છે હું એ બાબતે એટલું ઉમેરું છું કે " આ D.N.A.રિપોર્ટ તપાસતા એવું માલુમ પડે છે કે આરોપી વિદ્યાર્થી કાળથી જ ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત રહ્યા છે" ખીચોખીચ ભરેલા કોર્ટ રૂમમાં ખડખડાટ હાસ્યનું મોજું ફેલાઈ ગયું.બચાવપક્ષે ટોચના ધારાશાસ્ત્રીઓ શરમથી નીચું માથું કરી ઉભા રહ્યા.

ચારસો બાવન પાનાના ચુકાદાનો સારાંશ જણાવતા જજ સાહેબ બોલ્યા "બન્ને પક્ષોની દલીલ અને તમામ સાંયોગિક પુરાવાને ધ્યાને લેતા અદાલત આ કેસને "રેરેસ્ટ ઓફ ઘી રેર" ગણી, આરોપીને ભારતીય દંડ સંહિતાની ધારા 376 હેઠળ ગુન્હેગાર ઠરાવવામાં આવે છે તેથી એને ફાંસી દ્વારા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે.સાથોસાથ ગુન્હેગારના ત્રીસ વર્ષ પહેલાના જધન્ય અપરાધ અને એ અંગેના સંયોગીક પુરાવાને આધારે અદાલત ફરિયાદી પક્ષના વકીલ શૈલેષ કુમારને ગુન્હેગારનો અનૌરસ પુત્ર ઠરાવી એકમાત્ર અધિકૃત કાનૂની વારસદાર તરીકે ગુન્હેગારની મુંબઈ,ચંદીગઢ તથા અમદાવાદની ફેક્ટરી ઉપરાંત તમામ સ્થાવર જંગમ મિલ્કતનો વારસદાર જાહેર કરે છે. ગુન્હેગાર જો આ ન્યાયથી સંતુષ્ઠ ન હોય તો ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકે છે જે માટે તેને એક મહિનાની મહેતલ આપવામાં આવે છે." અદાલત એ પણ સખેદ નોંધે છે કે દેશના ગરીબો અને અશિક્ષિત લોકો માટે શિક્ષણ,આરોગ્યલક્ષી સારવાર/સુવિધા અને ન્યાય આકાશ કુસુમવત છે. આ ચુકાદો એક અભૂતપૂર્વ ચુકાદો ગણાશે. લાચાર અને નિર્દોષ અપરાને સંદર્ભે ગરીબી, બેબસતા અને નિરક્ષરતાને ત્રિભેટે મૃત્યુને વરેલી લાચાર યુવતીને આકસ્મિક રીતે એક બીજા કેઈસના ચુકાદા સમયે કલ્પનામાં ન આવે એવી રીતે આજે ત્રીસ વર્ષે ન્યાય મળતા અપરાની આ જીત છે તેથી આ ઐતિહાસિક ચુકાદા પછી સમાજમાં દિવંગત અપરા અપરા તરીકે નહિ પણ અપરાજિતા તરીકે ઓળખાશે."

ચુકાદો પૂરો થયા પછી ન્યાયમૂર્તિએ પોતાની કલમ ટેબલ ઉપર પછાડી કલમની ટાંક તોડી નાખી.અદાલત બરખાસ્ત જાહેર કરી .

*******

આ કેસ પૂરો થયે લગભગ પંદરેક દિવસ થયા હશે એ દરમ્યાનમાં એક દિવસ અચાનક ફરિયાદી પક્ષના વકીલ શૈલેષ ઉપર એક ફોન આવ્યો. ફોન હાથમાં લેતાં સામેથી અવાજ આવ્યો," હેલ્લો શૈલેષ ? હું જજ ધનંજય કુમાર બોલું છું," શૈલેષે જવાબ દેતા કહ્યું " જી સર, હું શૈલેષ બોલું છું ફરમાવો "

"શૈલેષ, સામાન્ય રીતે ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિને હું ફોન કરતો નથી કે ઘેર પણ બોલાવતો નથી પણ આજે તારું એક જરૂરી કામ હોય સાંજે તું ઘેર આવી શકીશ ? જજ સાહેબે પૂછ્યું.

"સર, પૂછવાનું હોય જ નહીંને હું લગભગ સાતેક વાગ્યે આપને બંગલે આવી પહોંચીશ આપ મારી રાહ જોજો "

એ દિવસે સાંજે શૈલેષ, જજ ધનંજયને ઘેર પહોંચ્યો. જજ સાહેબે મીસ પૂનમનો કેસ જીતી જવા બદલ અભિનંદન આપતા મૂળ વાતની શરૂઆત કરી " શૈલેષ, મારો પુત્ર આકાશ, મુંબઈથી પ્રોડક્શન એન્જીયરીંગનું ભણી વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયો હતો જે પોતાનો અભ્યાસ પૂરો કરી આવતે અઠવાડિયે પરત આવે છે, મારુ એવું વિચારવું છે કે તારી અસીલ મિસ.પૂનમ શુશીલ, શિક્ષિત, સંસ્કારી અને જવાબદાર સ્ત્રી છે, કમનસીબે પોતે સંજોગોનો શિકાર બની ગઈ એ એક અલગ વાત છે પણ હું એને મારા પુત્ર આકાશ સાથે પરણાવી પુત્રવધૂ બનાવવા ઈચ્છું છું અત્યાર સુધી તેં પૂનમના હિતેચ્છુ અને વાલીની ભૂમિકા ભજવી એને ન્યાય અપાવ્યો હોય, હું ધારું છું ત્યાં સુધી એ તારી દરખાસ્ત સહર્ષ સ્વીકારશે, એ બાબતે તું કેટલો ઉપયોગી થઇ શકે એમ છો ?" શૈલેષે જવાબ આપતા કહ્યું, સર,આપનો વિચાર ઉમદા છે,મીઠું હાસ્ય વેરતા કહ્યું "આમેય પૂનમ તો આકાશે જ શોભે ને" ? હું અહીંથી જ એને ફોન કરીને બોલાવી લઉ છું એને રૂબરૂ જોવા સાંભળવાની તક પણ આપને મળશે "

શૈલેષે પૂનમને ફોન કરી જજ સાહેબને બંગલે રૂબરૂ બોલાવી,બન્ને વચ્ચે વાત કરાવી, પૂનમ આ દરખાસ્તથી ખુશ થઇ તરત જ સંમતિ આપી દીધી. એ સમયે જ ગોળ-ધાણા ખાઈ બધા છુટા પડ્યા. તારીખ 13 જૂનના રોજ આકાશ-પૂનમના લગ્ન નક્કી થયા. જજ સાહેબ ધનંજયે ધામે ધૂમે પુત્રના લગ્ન ઉજવ્યા એ સમયે શૈલેષ પણ હાજર રહી એક મોટું કવર પૂનમને લગ્નની ભેટ સ્વરૂપે આપતા જજ સાહેબને કહ્યું, " મેં જયારે પૂનમનો કેસ હાથમાં લીધો ત્યારે અમારી પહેલી જ મુલાકાતે મેં એને બહેન કહી હતી, આજે એના ભાઈ તરીકે મારે મામેરું કરવી મારી ફરજ બનતી હોય, કૈલાસનાથના અનૌરસ પુત્ર તરીકે મને જે મિલ્કત વારસામાં મળી છે એ તમામ સ્થાવર જંગમ મિલ્કત હું બહેન પૂનમને નામે કરાવ્યાના આ દસ્તાવેજ લગ્નની ભેટ સ્વરૂપે આપું છું."

યોગાનુયોગ 13 જુન લગ્નના દિવસે પ્રભાતમાં જયારે બળાત્કારી કૈલાસનાથના ગળામાં ફાંસીનો ગાળીયો નખાયો એ જ દિવસે એ જ સમયે પીડિતા પૂનમને આંગણે શરણાઈના સુર રેલાયા.

કૈલાસનાથ સંસારના બંધનોથી મુક્ત કરાયો અને પૂનમ સંસારના બંધનની બેડીથી બંધાણી

********







 



    

  

 




    

Sunday, 3 April 2022

...નહિ તો હું પણ આજે પર ધાન હોત..(હળવી કલમે)

હવેના સમયમાં એ સારું છે કે બાળક પોતાના રસ-રુચીનો વ્યવસાય કે કારકિર્દી સ્વતંત્ર રીતે પસંદ કરી શકે છે અમારા જમાનામાં વડીલોના માર્ગદર્શન પ્રમાણે જ કેરિયર ઘડાતી.

આમ તો બચપણથી જ રાજકારણમાં જઇ પ્રધાન બનવાનો એક અભરખો દિમાગમાં હતો અને એટલેજ "પાયાના કાર્યકર" તરીકે શરૂઆત કરવાનું નક્કી કર્યું હતું. મારો એક મિત્ર હમેશા કહેતો કે," માત્ર એક જ વાર તમે કોઈના ચમચા બની જાવ,જતે દિવસે તમારી પાછળ હારબંધ ચમચાઓ ની લાઈન લાગશે" ઈ વાત મારા મગજમાં ઠસી ગઈ હતી.
મને યાદ છે કે અમારા બિલકુલ નજીકના પડોશી સ્વ.નંદાભાઈ વકીલ હિન્દૂ મહાસભાના ઉમેદવાર તરીકે ઘોડે સવારના નિશાન ઉપર ચૂંટણી લડ્યા ત્યારે હું મતદારોની સ્લીપ બનાવવા,ઘેર ઘેર પહોંચાડવા તથા પ્રચારના ચોપાનીયાં વહેંચવા જતો આમ કારકિર્દીની શરૂઆત નાને પાયે કરી.પછી તો સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં સ્વ.કનુભાઈ માન્ડવીયા, સ્વ વિનુભાઈ રાણા વી.ઉમેદવારના પ્રચારમાં જવા લાગ્યો અને અનુભવ મેળવવો શરૂ કર્યો.
એમ કરતાં કરતાં સ્વ.સૂર્યકાન્તભાઈ આચાર્યના ચૂંટણી પ્રચારમાં પણ જોડાયો અને જનસંઘની ઑફિસે બેસતો થઈ ગયો.કોઈ કાર્યકર ચા ની લારીએ ચાનું કહેવા મોકલે કે પાન-બીડી કે સિગરેટ લઈ આવવા મને મોકલે ત્યારે મારા ઉપર મુકેલ વિશ્વાસથી જવાબદારી વાળું કામ સોપ્યાનું મને ગૌરવ થતું. ભાઈ પાયાના કાર્યકર કોને કહેવાય ? કોઈ કામમાં શરમ ન હોય આપણા પ્રધાન સેવક ખુદ સંઘની ઓફિસમાં કચરા પોતા નહોતા કરતા ?
મને પણ સ્વપ્નું હતું કે પાયાના કાર્યકરમાંથી હું પણ આગળ આવીશ,ચૂંટણી લડી જીતીશ.
ખુલ્લા ટ્રક માં અબીલ-ગુલાલથી રંગાઈ ગયેલ અને હાર-તોરાથી લદાઈ ગયેલ,લોકોનુ અભિવાદન જીલતો સરઘસમાં ફરીશ અને એક દિવસ મારી પણ સોગંદ વિધિ થશે.
ગાંધીનગરમાં બગલો,નવી નક્કોર કાર,મુલાકાતીઓનો ધસારો, જ્યાં ત્યાં પ્રમુખ પદુ, મારા હાથે ઉદ્દઘાટનો, રીબીન કાપવી,ટી.વી.ચેનલ ના પ્રતિનિધિઓ વચ્ચે ઘેરાઈને ઉભવું,ટી.વી.માં ઇન્ટરવ્યૂ અને ભાષણો આપવા,બાકી ભાઈ બખ્ખા બખ્ખા.
એક વાર આ રીતે જનસંઘના કાર્યાલયમાં બેસેલો જોઈ શિસ્ત પ્રિય પિતાજીએ ત્યાં બેસવાનું કારણ પૂછ્યું ત્યારે મારી અંદર રહેલા "બાળ રાજકારણી" એ ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાની તમન્ના પ્રદર્શિત કરી. અચાનક જેમ ગેસનો બાટલો ફાટે એમ પિતાજીનો ગુસ્સો ફાટ્યો અને બોલ્યા "ઘરની બે રોટલી નથી પચાવી શકતો અને રાજકારણીય થાવું છે ?"
પિતાજીના પિત્તાને શાંત પાડવાના પ્રયાસ રૂપે મા એ હળવાશથી પૂછ્યું
"રાજ કારણ ને અને રોટલી પચવાને શું સબંધ ?"
પોતાના જમણા હાથની હથેળી કપાળ ઉપર ટીચતાં પિતાજીએ કહ્યું " રાજકારણમાં જવા માટે મગજની જરૂર જ નથી પણ હોજરી મજબૂત હોવી જરૂરી છે.પ્રધાનની સંધિ કેમ છૂટી પડે એ ખબર છે ?
પર+ ધન જે લોકભોગ્ય ભાષામાં પર+ ધાન(ધાન્ય) કહેવાતું જે
અપભ્રશ થઈને પ્રધાન કહેવાયું. મિનિસ્ટર ને " સ્વધાન" નહિ ને પ્રધાન અમસ્તું જ કહેતા હશે ?"
આઠ ચોપડી ભણેલી મારી મા ને શિક્ષક પિતાએ ગુજરાતી વ્યાકરણની સમજ આપી.
બસ,જનસંઘની ઓફિસને અલબીદા કરી અભ્યાસમાં લાગી ગયો.આમ હોજરી મજબૂત ન હોવાથી મગજ કસીને મજબૂત કરવું પડ્યું અને નીચી મૂંડી એ સરવાળા બાદબાકી કરતા બેંકની કારકુની સ્વીકારી લીધી.
આમ જો મારી અંદરના "એક ભાવિ તેજસ્વી, રાજકારણીય" નું બાળ મરણ ન થયું હોત તો હું પણ આજે પર ધાન હોત.....
*****

મારું મેટ્રિકનું પરિણામ.(હળવી કલમે)

એક જમાનો એવો હતો કે મેટ્રિકનું પરિણામ રેડીઓ ઉપર જાહેર થતું હતું.સ્વ.ડો.ઇન્દુભાઈ વસાવડા કહેતા હતા કે એ જમાનામાં જૂનાગઢના નાગરવાડામાં એક માત્ર મારા દાદા સ્વ.દોલતરાય ઝાલાને ઘેર જ રેડીઓ હતો.તે વખતે મેટ્રિકનું પરિણામ સાંભળવા દાદાને ઘેર બધા ઉમેદવારો એકઠા થતા.

શિક્ષણના અવમૂલ્યન સાથે પરિણામનું પણ મહત્વ ઘટ્યું.રેડીઓ ઉપર આવતું પરિણામ કાળક્રમે વર્તમાનપત્રમાં બીજે દિવસે છપાઈને આવવુ શરૂ થયું.
પરિણામની આગલી સાંજે પ્રેસમાંથી નંબર જોઈને મોટાભાગના વિદ્યાર્થીઓને તાર દ્વારા પરિણામ મળી જતું.એ વખતે પોસ્ટ અને ટેલિગ્રાફ બન્ને વિભાગોનું એક જ ખાતું હતું.પરિણામની સાંજે પોસ્ટ ઓફિસને ઓટલે પરિણામ ઉત્સુક વિદ્યાર્થીઓનો મેળો જામતો.તારની ડિલિવરી આપનાર કર્મચારી લાલ સાયકલ વાપરતો જેમ જેમ પરિણામના તાર ઉતરતા જાય એમ ડિલિવરી મેન પાસેથી સરનામું જાણી કોણ કોણ પાસ થયું એનો અહેવાલ નાગરવાડામાં વહેતો મુકાતો.
આટલી પૂર્વ વિગત પછી મારા મેટ્રિકના પરિણામનો એ યાદગાર દિવસ અત્રે નૉધું છું.
મારા સ્વ.બનેવીશ્રી રાજકોટ તાર અને ટપાલ વિભાગમાં વર્ષોથી નોકરી કરે.પરિવારના બધા જ સભ્યોના પરિણામ અમને આ રીતે આગલે દિવસે તાર દ્વારા જાણવા મળી જતા.
મારા મેટ્રિકના પરિણામને આગલે દિવસની સવારથી જ હું વધુ પડતો નર્વસ અને ઢીલો હતો.આમે ય હું હાડનો નાજુક,અને સ્વભાવે ઢીલો આજની જેમ ત્યારે પણ હતો જ પણ પરિણામને દિવસે ગાત્રો શિથિલ થતા જતા હોય એવું લાગતું હતું.
એ દિવસે સવારથીજ મારી આજુબાજુ મારા ભાઈ બહેનોનું સુરક્ષા ચક્ર પિતાશ્રીએ ગોઠવી દીધું.
ન કરે નારાયણ અને જો પરિણામ નબળું આવે અને "હું કાંઈક કરી બેસીશ " તો ?એવો માનસિક ભય ઘરના સભ્યોમાં વ્યાપી ગયો હતો
આગલી સાંજે તારની રાહ જોતા પોસ્ટ ઓફિસના ઓટલે પણ મને એકલો ન જવા દેતા મારા ભાઈને જોડે મોકલ્યો. એક પછી એક તાર ઉતરતા જતા હતા. વસાવડા ખડકીના અશ્વિન પ્રભાકર(વસાવડા)ના તાર ઉતર્યા. બીજા મિત્રોના પણ ઉતરવા લાગ્યા ભપેન્દ્ર વોરા, મૃગેન રાણા,નૃપેન્દ્ર વસાવડા,એમ સટોસટ જેમ તાર ઉતરતા ગયા એમ મારો ભય મારા હૃદયે વિસ્તૃત થતો ગયો.વચ્ચે વચ્ચે ભાઈ આશ્વાસન પણ આપે કે "કઈ વાંધો નહિ,નપાસ થવાય એટલું વધુ પાકું થાય".એમ કરતાં રાત્રે આઠ વાગ્યે બનેવીશ્રીના તાર ની રાહ જોઇને હારેલ જુગારીની હાલતે ઘેર પાછો ફર્યો.હવે તો પિતાજીને પણ ખાત્રી થઈ ગઈ કે "ભાઈ ગ્યા".એટલે એમણે પણ આશ્વાસન આપવું શરૂ કર્યું."જીવતો નર ભદ્રા પામશે " જેવો આશ્વાસન નો ઢોળ ચડાવવા માંડ્યા પણ અંદર ખાને મને ભય સાથે ખાતરી હતી કે આ ઢોળ(ગિલેટ) ચોવીશ કલાક પૂરતો જ છે.શિક્ષક પિતા આવતી કાલથી ઠપકો શરૂ કરતાં જ "રોજગાર વિનિમય અધિકારી"બની જશે.
"ચત્ર ભુજની દુકાને પડીકા વાળવા પડશે" "પરસોત્તમ ની જેમ ટપાલી બનીશ"પ્રભુલાલ દવે ના ડ્રાયવર તરીકે નોકરી કરવી પડશે" એવા મહેણાં શરૂ થશે.
રાત સુધી તાર ન આવતા આખી રાત કાલે મારું શું થશે એ વિચારે ઉંઘયા વિના રાત કાઢી.
સવારે પડોશીનો પુત્ર ફૂલછાબ લઈને વહેલો સવારમાં ઘેર ખાબક્યો અને કહ્યું "તું પાસ થઈ ગયો".
મારી તેજસ્વીતા ઉપર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા ન હોવાના કારણે પિતાજીએ કહ્યું "છાપા ના ભરોસા ન કરાય ઘણી વખત છેલ્લા બે આંકડાઓ ૬૯ ના ૯૬,અને ૩૨ ના ૨૩ થઇ જઈ છાપ ભૂલ (Printing mistake)થઈ જતી હોય છે.શાળાની માર્કશીટ જ સાચી અને એ લેવા મોટાભાઈ જશે.(નહિ ને હું ભૂતનાથ ફાટકે પાટે પડું તો ?કે બ્રહ્મકુંડ એ જઈ કૂવો પૂરું તો ?)
અંતે ભાઈ માર્કશીટ લઈ આવતા હું પાસ જાહેર થયો ત્યારે હાશ થયું.
આ બાજુ બેચાર દિવસ પછી બનેવીશ્રી ને પૂછતાં ખુલાસો કર્યો કે અચાનક ઓફિસમાં એમને ટાઢ-તાવ ચડતા પરિણામનો તાર પોતે લખીને એમના સહ કર્મચારી ગણાત્રા ને આપી ગયા હતા અને ગણાત્રા એ તાર કરવો ભૂલી ગયા.
બીજે દિવસે ઓફિસે આવતા શર્ટ પહેર્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે પરિણામ મોકલવાનો તાર ખીસ્સા મા જ રહી ગયો છે.

Saturday, 2 April 2022

દયાશંકર માસ્તર

આજે દયાશંકર માસ્તરનું દેહાવસાન થયું.

સવારમાં વર્તમાનપત્ર હાથમાં લઈને અવસાન નોંધ ઉપર નજર ફેરવતાં વાંચ્યું કે દયા શંકર માસ્તર જૈફ વયે  અવસાન પામ્યા.ગૂડીપડવાની સવાર બગડી 

આંખના ખૂણા લૂછતાં હું ભૂતકાળના સંસ્મરણોમાં ખોવાઈ ગયો 

હાઈસ્કૂલના નવમા ધોરણમાં હું અભ્યાસ કરતો હતો.મારા વર્ગ શિક્ષક દયાશંકર કરુણાશંકર શુક્લ.

મજબૂત બાંધો પોણા છ ફૂટની ઊંચાઈ,લખોટી જેવી ગોળ મોટી આંખ, ભરાવદાર વળ ચડાવેલી મૂછ.અને નિત્યે પોલિશ કરેલા બુટ.વર્ગમાં પ્રવેશે ત્યાં જ એનો પ્રભાવ પડે એવું વ્યક્તિત્વ  

  દયાશંકર માસ્તર મોટી ચોટલી રાખતા.ચુસ્ત, સંસ્કારી,અને કર્મકાંડી બ્રાહ્મણ.ગળામાં ગાયત્રી માતાજીના લોકીટ વાળો સોનાનો ચેન એની ગાયત્રી માતા ઉપરની શ્રદ્ધાનું પ્રતીક હતા.વર્ગના બધાજ વિદ્યાર્થીઓ સાહેબથી ફફડે.

બચપણથી ન માની શકાય એવો તોફાની અને માથાભારે  હું એક જ એવો વિદ્યાર્થી હતો કે સાહેબની મશ્કરી કરવી, ટીખળ ઉડાડવી, એમના ટેબલના ખાનામાં ગુપ્ત રીતે રબરના ઉડે એવા વીંછી,અને દેડકા મુકવા, ક્લાસમાં ગલૂડિયાં અને બિલાડીના બચ્ચા લઈ આવીને ચાલુ વર્ગે એને છુટા મુકવા આવા વિચિત્ર તોફાનોથી સાહેબ હમેશા મને વર્ગ બહાર ઉભા રેહવાની  શિક્ષા કરતા અને હું હસતા હસતા વર્ગની બહાર ચાલ્યો જતો ક્યારેક તો વર્ગ બહાર એ સાંભળે એવી રીતે ચોટલી માસ્તર કહીને બુમ પણ મારતો. 

નવ ધોરણથી છેક અગિયાર ધોરણ સુધી એને મારો અને મને એનો પનારો રહ્યો. છેક મેટ્રિક સુધી એ મારા અંગ્રેજી અને ગુજરાતી વિષયના શિક્ષક રહ્યા. 

મેટ્રિકની પરીક્ષા આવી..અંગ્રેજીનો પેપર, દયાશંકર  સાહેબ નિરીક્ષક તરીકે હતા.બન્યું એવું કે મારા બેઠક ક્રમાંકની આગળની બેંચના વિદ્યાર્થીએ ખિસ્સામાંથી કાપલી કાઢી ચોરી કરવી શરૂ કરી.સાહેબને એ બાજુ આવવાનું થતાં એ ચીઠીનો ડૂચો કરી પાછળના ભાગે ફેંકતા ચિઠ્ઠી મારા પગ પાસે આવી પડી બસ, એ જ ઘડીએ સાહેબની નજર પડતા તેઓ મારી પાસે આવીને પરીક્ષામાં ચોરી કરવાના પ્રયાસના ગુન્હા હેઠળ મને ઝડપી લેવા આગળ વધ્યા.મારી સામે આંખમાં આંખ મેળવી ટગર ટગર એક નજરે જોતા રહ્યા.

હું પરસેવે રેબઝેબ થઇ ગયો માટી જીભ અને ગળું સુકાવા લાગ્યા આંખમાં આંસુ સાથે ધીમા કરગરતા અવાજે કહયું " સાહેબ, આ ચિઠ્ઠી મારી નથી આગળના કોઈ વિદ્યાર્થીએ આપને આ બાજુ આવતા જોઈને ચિઠ્ઠીનો ગોટો વાળી પાછળના ભાગે ઠેલી દેતા એ મારી બેઠક નજીક આવી પડી છે હું નિર્દોષ છું "હુ ખુબજ કરગર્યો, મેં બનેલી ઘટનાની વિગતે સમજ આપી  સ્પષ્ટતા કરવાની કોશિશ કરી

સાહેબે કહયું, "જો ભાઈ,ચોર કોણ છે? એ મુદ્દામાલ ક્યાંથી મળી આવ્યો છે એ ઉપરથી નક્કી થાય છે,અને આ ચિઠ્ઠી તારી બેઠક નજીકથી મળી હોય પ્રથમ દ્રષ્ટિએ તું ગુન્હેગાર ગણાય. હવે બોલ શું કરવું છે ?  હું કોપી કેસ કરી અને તારું વર્ષ બગાડું ?" જવાબમાં મારી આંખમાંથી ટપકતા આંસુએ શુક્લ સાહેબને પીઘળાવી દીધા અને  પોતે કબ્જે કરી ચિઠ્ઠી ડુચ્ચો વાળી પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને મને જવા દીધો .

ધાર્યું હોત તો મારા ચાર વર્ષના ઉદ્ધત વર્તનની દાજ અને રોષ ઉતારવાનો એને મોકો મળ્યો હતો.જૂનો હિસાબ ચૂકતે કરતા એને માત્ર એક જ મિનિટ લાગત.પણ દયાળુ દયાશંકર સાહેબે ભૂતકાળની ભૂલને સહેલાઈથી ભૂલી જઈ મને માફ કરી દીધો.

અતિ ગંભીર, કડક,અને શિસ્ત પ્રિય શિક્ષકનું હૃદય માખણથી પણ વધુ સ્નિગ્ધ હશે એ આજે જોયું    

********

 એક દિવસ બેંકની ચેંબરમાં બેસી હું મારા કામમાં વ્યસ્ત હતો.એ દરમ્યાન "સાહેબ, હું અંદર આવી શકું " એવા ધીમા અને ઢીલા અવાજથી પરવાનગી માંગતા એક વૃદ્ધ અંદર પ્રવેશ્યા વડીલની ઉંમર લગભગ પિંચોતર-એંશીની આસપાસ હશે,આંખે જાડા કાચના ગોળ ફ્રેમના ચશ્મા, ટૂંકું ધોતિયું, અર્ધ મેલો ઝબ્બો,પગમાં ઘસાઈ ગયેલી સ્લીપર એ વૃદ્ધની આર્થિક સંકડામણની ચાડી ખાતા હતા.

 ખુરશી ઉપર બેસવાનો ઈશારો કરતા હળવા સ્મિત સાથે આવકારતા મેં પૂછ્યું, " બોલો, આપને શું કામ પડ્યું?"

વૃદ્ધે પોતાની રજુઆત શરૂ કરી 

" સાહેબ,મારા યુવાન પુત્રએ "ઘરનું ઘર વસાવો " યોજના હેઠળ આપની  બેંકમાંથી ઘર બનાવવા લોન લઇ પોતાનું ઘર બનાવ્યું હતું એ લોનના નિયમિત હપ્તા વ્યાજ સાથે ભરાતા પણ હતા.પરંતુ ગયા મહિને અચાનક એને બ્રેઈન સ્ટ્રોક આવ્યો અમે નિષ્ણાત તબીબોની સારવાર કરાવી પણ અંતે એ ત્રણ બાળકો અને અર્ધ શિક્ષિત પત્નીને મૂકી આ ફાની દુનિયા છોડી ગયો.એના અવસાન પછી અમે એના ત્રણ અંગોનું દાન પણ કર્યું  આટલા વર્ષો હું પોતે મારા વતનમાં ભાડાના મકાનમાં રહી વૃદ્ધ થયો અને અમારી ત્રીજી પેઢીએ ઘરનું ઘર વસાવી શક્યા. લોનનો બાકી હપ્તો હું નિશ્ચિત મુદતે ભરી શકું  એમ નથી.મારા વીસ હજારના પેંશનમાંથી દીકરાની સારવાર કરતા ઉભું થયેલું કરજ,વિધવા વહુના ઘરનો ખર્ચ,એમના બાળકોનું શિક્ષણ એ બધી જવાબદારી જિંદગીના આખરી દિવસોમાં ઘરડા બળદની જેમ ખેંચવાના મારા દિવસો આવી ગયા.લોન પુરે પુરી ચૂકતે કરવાની મુદત નજીક આવી છે,આવતે મહિને એ લોન પાકે છે, પણ હું એટલા ટૂંકા ગાળામાં લોન અને વ્યાજની રકમ ચૂકવી શકું એમ ન હોઉં, આપનું  માર્ગદર્શન લેવા આવ્યો છું."  બે હાથ જોડીને આટલું બોલતા વૃદ્ધની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા " વૃદ્ધે ખિસ્સામાંથી ગળી-જળી ગયેલો સફેદ રૂમાલ કાઢી આંખ લૂછતાં કહ્યું.

  મેં  લોનનું  લેજર મગાવ્યું  વૃદ્ધના દીકરાનું નામ પૂછી ખાતું શોધી લોનની બાકી નીકળતી રકમ તથા વ્યાજ ગણ્યા..વૃદ્ધની દયનિય વાત અને વર્ણનથી હું પીગળ્યો.મેં ટેબલના ખાનામાંથી મારી ચેકબુક કાઢી લોનની બાકી રહેતી રકમનો ચેક ભરી,એ રકમ વૃદ્ધના દીકરાની લોન ખાતામાં જમા કરાવી. રકમ ભર્યાની પહોંચ સાથે લોનચૂકતે થયા બાબતે "નો ડ્યું સર્ટિફિકેટ" વૃદ્ધના હાથમાં પકડાવ્યું.

 વૃદ્ધે  એ વાંચતા અચંબા સાથે પૂછ્યું " સાહેબ, આપે આ શું કર્યું ? હા, હું બ્રાહ્મણ જરૂર છું પણ યાચક નથી. હું આપનું માર્ગદર્શન મેળવવા આવ્યો છું ભિક્ષા નહીં.લોનની બાકી નીકળતી રકમ આપે ભરી દઈને મારા ઉપર કરજ વધાર્યું છે હું આપને ઓળખતો નથી,આ મારુ વતન કે અહીં મારુ ઘર નથી, હું તો અહીં દીકરાના અવસાને અત્રે એને ઘેર આવ્યો છું.હું અહીં રહેતો ન હોઉં આ રકમ હું આપને ક્યાં અને કેવીરીતે ચૂકવી શકીશ ? સાહેબ, મને માફ કરો, લોન તો હું જ ચૂકવીશ, એક જુવાન દીકરાની નનામીને કાંધ આપતાં મને  જેટલો ભાર લાગ્યો છે એટલું આ કરજ ભારે નથી આપ મને હપ્તાની રકમ થોડી ઓછી કરી અને માત્ર લોન ભરપાઈ કરવાની મુદત વધારી આપો.પેટે પાટા બાંધીને પણ દીકરાનું કરજ બાપે ચૂકવવું એ એની ફરજ છે"  આટલું બોલતા તો વૃદ્ધની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યા 

મેં આશ્વાશન આપ્યું. એને માટે ચા મગાવી અને કહ્યું." સાહેબ,આપ મને ન ઓળખો એ સ્વાભાવિક છે પણ હું આપને નજીકથી ઓળખું છું આપ દયાશંકર કરૂણાશંકર શુક્લ,વિવેકાનંદ હાઈસ્કૂલના અંગ્રેજી-ગુજરાતીના મારા શિક્ષક હતા.આજથી પચાશ વર્ષ પહેલા હું આપનો વિદ્યાર્થી હતો.મારા અભ્યાસકાળ દરમ્યાન મેં આપને  ખુબ પજવ્યા અને હેરાન કર્યા છે આપના હાથમાં રહેલું  આ "નો ડ્યું સર્ટિફિકેટ" એ મારા તે સમયના વર્તન બદલનો  માફી પત્ર છે એને ગુરુ દક્ષિણા સમજી આપ સ્વીકારો. આજે હું જે કઈ પણ છું એ આપની કૃપાનું પરિણામ છે. આટલું કહી હું ખુરશી ઉપરથી ઉભા થઇ વૃદ્ધ સાહેબના ચરણસ્પર્શ કર્યા.મારી આંખ ભીની થઇ.બહાર બેઠેલા કર્મચારીઓ કેબીનના કાચ તરફ જોઈ રહ્યા હતા તેઓને આશ્ચર્ય થયું કે સાહેબે એક અજાણ્યા વૃદ્ધ ગ્રાહકના ચરણ સ્પર્શ કેમ કર્યા હશે...?    

આજે દયાશંકર કરૂણા શંકર શુક્લની અવસાન નોંધ વાંચતા મારી એક આંખમાંથી દયા અને બીજીમાંથી કરૂણા આંસુ રૂપે ટપક્યા..

******


 




   

Monday, 21 March 2022

ફ્યુઝ ઉડેલો બલ્બ.

  ફ્યુઝ ઉડેલો બલ્બ.

આશરે બે હજાર બેડ ધરાવતા જિલ્લાના સરકારી મોટા દવાખાનામાં ડો. શિવાંગ પરમાર નિવાસી તબીબ (R.M.O) તરીકે કામ કરતા હતા.એમના પિતાજી સ્થાનિક ન્યાયાલયમાં ચપરાશી હતા.

ડો.પરમાર આમ તો પછાત જ્ઞાતિના હતા પણ પોતાને તેઓ દરબાર ગણાવી દવાખાનામાં પોતાના રૂવાબનો રોલો પાડતા હતા.એમની ત્રણ પેઢીમાં તેઓ પહેલાજ એસ.એસ.સી.પાસ થઇ તબીબ બન્યા હોવાના કારણે એમનું અભિમાન અંબરને આંબતું હતું અને સ્વાભાવિકરીતે એ અભિમાન એમના વાણી વર્તનમાં પ્રતિબિંબિત થતું હતું એની જીભની કડવાશ, કટાક્ષમય ભાષા,અને પાંચ માણસ વચ્ચે અન્યને અપમાનિત કરવાની એની આદતથી સમગ્ર સ્ટાફ તો ઠીક પણ અનેક દરદીઓ પણ ત્રાસી ગયા હતા.દવાખાનાના સામાન્ય વોર્ડ (જનરલ વોર્ડ)ના રાઉન્ડ દરમ્યાન અનેક ગરીબ દર્દીઓ પોતાની તકલીફ વર્ણવતા ત્યારે તુમાખી સ્વભાવના ડો.પરમાર એમને જવાબ આપ્યા વિના વોર્ડ ડોક્ટરનો હવાલો સોંપી આગળ નીકળી જતા.

એક દિવસ સવારે ડો.પરમારની ચેમ્બરમાં શરીરે નબળો-પાતળો એક પચીશ વર્ષનો યુવાન તાલીમાર્થી તબીબ (Internee) આવ્યો.પરમાર સાહેબે પૂછ્યું "બોલો, શું આવ્યા ?

તાલીમાર્થી તબીબે બન્ને હાથ જોડી રડતા રડતા ડરતા કહ્યું " સાહેબ,મને અત્યારે સમાચાર મળ્યા છે કે મારા પિતાજીનું હાર્ટફેઇલથી અવસાન થયું છે. હું મારા પિતાનું એક માત્ર સંતાન છું અન્ય નજીકના સગાઓ વિદેશ વસતા હોય મારા મમ્મી પણ હાલ ઘેર એકલા જ છે એ સંજોગોમાં પિતાજીના અગ્નિસંસ્કાર કરવા અને એકલી પડી ગયેલી માતાને સધિયારો આપવા મારે વતનમાં જવા ત્રણ દિવસની રજાની જરૂર હોય આપ મંજુર કરવા વિનંતી છે " આટલું કહી પોતાના હાથમાં રહેલ રજા અરજી સાહેબને ટેબલ ઉપર મૂકી 

પરમાર સાહેબે અરજી હાથમાં લઇ વાંચીને જવાબ આપ્યો,"જો ભાઈ, તું અહીં તાલીમ લેવા આવ્યો છો તાલીમ દરમ્યાન ઘણા ઘરેલુ પ્રશ્નો ઉભા થશે એનો અર્થ એમ નથી કે દરેક વખતે ઘેર જવા મળે,બાપ તો મારો પણ બીમાર છે તો શું હું એની નાડ પકડીને ઘરમાં બેઠો રહું  ?પહેલા ફરજ પછી ઘર એ યાદ રાખજે.સરકાર જયારે  પોતાના ખર્ચે તાલીમ આપતી હોય ત્યારે તાલીમાર્થીએ પુરેપુરો ભોગ આપવો જરૂરી છે વળી હાલ શહેરમાં કોલેરા ફાટી નીકળતા દર્દીઓ પણ વધુ રહે છે તેથી રજા મળી શકે એમ નથી." 

ખુબ કાલાવાલા કરતા તાલીમાર્થી તબીબ રડી પડ્યો, સાહેબના પગે પડ્યો અને અંતે અગ્નિસંસ્કાર કરવા જવા માટે એક દિવસની રજા મંજુર કરી તે પણ એ શરતે કે સાંજની પોતાની ડ્યુટી પુરી થયા બાદ એ દવાખાનું છોડી શકશે અને બીજે દિવસે સવારે પોતાની ફરજ ઉપર સમયસર હાજર થઇ જશે.કચવાતા મને ભાવવિભોર બની રડતી આંખે તાલીમી તબીબે  આભાર માનતા પરમાર સાહેબની ચેમ્બર છોડી.

******

વર્ષો પછી પરમાર સાહેબ નિવૃત થઇ વતનમાં વસ્યા.હવે વધતી ઉંમરે શરીર સાથ નહોતું આપતું થોડી ઘણી બીમારી કાયમ રહેવા લાગી પણ ખુદપોતે જ તબીબ હોય પોતાની રીતે સારવાર કરે રાખતા હતા.દરમ્યાનમાં પ્રોસ્ટેટની તકલીફ વધી જતા સ્થાનિક નિષ્ણાત તબીબને તબિયત બતાવતા પ્રોસ્ટેટનું કેન્સર હોવાનું નિદાન થયું. કેન્સર બીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું હતું તેથી અમદાવાદના યુરો સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. શાહને મળવાનું તેને સૂચવવામાં આવ્યું. એ મુજબ ડો.પરમાર અગાઉથી મુલાકાત નક્કી કરી અમદાવાદ પહોંચ્યા. યુરો સુપર સ્પેશ્યાલીસ્ટ ડો.શાહની ભવ્ય હોસ્પિટલમાં દાખલ થઇ પોતાનું વીઝીંટીંગ કાર્ડ અંદર મોકલ્યું. કાર્ડ વાંચી ડો. શાહ મલક્યા.એક પછી એક દરદીને તપાસતા લગભગ દોઢેક કલાક ડો.પરમાર બહાર પ્રતીક્ષા કક્ષમાં એકલા બેસી રહ્યા.સામાન્ય માણસને દવાખાનામાં કેટલી તકલીફ પડે છે એનો એને આજે પહેલો અનુભવ થયો દોઢેક કલાક પછી પણ પોતાનો વારો ન આવતા પરમાર સાહેબે ચપરાશી દ્વારા યાદી મોકલી. બે કલાક પછી ડો.પરમારનો વારો આવતા તેને બોલાવ્યા. લાંબો સમય પ્રતીક્ષામાં બેસી થાકેલ અને કંટાળેલ પરમાર સાહેબે દાખલ થતા જ પોતાના સ્વભાવાનુસાર ઘમંડથી ઉત્તેજિત સ્વરમાં કહ્યું, "સાહેબ,તમે મને ઓળખતા નથી હું પણ ડોકટર છું"

"હું તમને છેલ્લા પચીશ વર્ષથી ઓળખું છું.તમે ડોકટર હતા અત્યારે તમે મારી પાસે દરદી તરીકે આવ્યા છો. છેલ્લા પચીશ વર્ષથી વર્ષમાં એકવાર મારા સ્વર્ગસ્થ પિતાજીની પુણ્યતિથિને દિવસે હું તમને અવશ્ય યાદ કરું છું " ડો.શાહે મુંછમાં હસતા કટાક્ષમાં કહ્યું. ડો. પરમાર સજ્જડ થઇ ગયા મનમાં વિચારવા લાગ્યા કે આ શું કહેવા માગે છે. ડો.પરમારે આશ્ચર્યથી પૂછ્યું "સાહેબ, હું કંઈ સમજ્યો નહીં ?" 

ડો. શાહે હળવું સ્મિત આપતા કહ્યું "હું તમને બધું જ સમજાવું. આજથી પચીશ વર્ષ પહેલા જયારે તમે સરકારી દવાખાનામાં નિવાસી તબીબ તરીકે હતા ત્યારે એક દુબળો-પાતળો યુવાન તાલીમાર્થી તબીબ પોતાના પિતાનું અવસાન થતા વતનમાં જવા માટે તમારી પાસે ત્રણ દિવસની રજા માગવા આવ્યો હતો ત્યારે નિષ્ઠુર બની કઠણ કાળજે તમે એ તાલીમાર્થી તબીબને રજા આપવાની ના પાડી હતી.એ યુવાન તબીબ તમારા પગે પડીને રડ્યો અને અનેક કાલાવાલા કર્યાબાદ તમે એને પિતાના અગ્નિસંસ્કાર માટે થઈને માત્ર એક દિવસની રજા આપી હતી,એ પણ એની ફરજનો સમય પૂરો થયા પછી સાંજે છ વાગ્યે જવાની શરતે. એ મુજબ જયારે એ યુવાન પોતાને વતન પહોંચ્યો ત્યારે રાત્રીના નવ વાગી ગયા હતા હિન્દૂ શાસ્ત્ર મુજબ મૃતદેહનો અગ્નિસંસ્કાર રાત્રે ન થતો હોય બીજે દિવસે વહેલી સવારે અગ્નિસંસ્કાર કરી એ તબીબ સ્મશાનેથી સીધો પોતાની ફરજ ઉપર હાજર થવા દવાખાને પહોંચી ગયો હતો યાદ છે ? હું એ જ તબીબ ડો. કિરણ શાહ છું. સાહેબ,યાદ કરો એ તમારા સાશનકાળના દિવસો. સ્ટાફ,દરદીઓ અને તેની સંગાથે આવેલા એમના વયસ્ક સગાઓ સાથે પણ તમારો તુમાખી ભર્યો વ્યવહાર.કેટલાક ગરીબ દરદીઓ તમારી જોહુકમીને કારણે પોતાની સારવાર અધૂરી મુકીને દવાખાનું છોડી ગયાના કિસ્સાઓ પણ મને યાદ છે.એ સમયના વિધવા મેટ્રન શશીકલાબેનને નિવૃત્તિના માત્ર છ માસ જ બાકી હોવા છતાં તમારી કિન્નાખોરીથી ત્રાસી જઇ વહેલું રાજીનામુ આપવાની ફરજ પડી હતી. સરકારી કર્મચારીઓ ફિટનેસ સર્ટિફિકેટ લેવા આવતા ત્યારે તેઓને છ થી સાત ધક્કા કરાવતા એ યાદ છે તમને ? સાહેબ,ઔરંગઝેબથી માંડીને હિટલર જેવા સાશકો મૂળમાંથી ઉખડી જઇ ફેંકાઈ ગયા તેમ છતાં પણ એનું કઠોર સાશન લોકો આજસુધી યાદ કરે છે.સત્તા આવ્યા પછી શાણપણ સાથે વિવેકી બનવું એ લોઢું પચાવવા જેટલું કપરું છે ધન અને સત્તા કુપાત્રો પચાવી શકતા નથી.ખુરશી તો જીવનના અલ્પકાળ સુધી જ રહે છે પણ ત્યાર પછી અભિમાની અને કઠોર લોકો માટે જીવન દોહ્યલું બને છે. આજસુધી ગરીબ અને સામાન્ય દરદીઓની વ્યથાની તમને કલ્પના જ નહોતી.તમે નિવાસી તબીબ હતા આજે તમે ફ્યુઝ ઉંડેલો બલ્બ છો એનું સ્થાન કચરા ટોપલી જ હોય છે.ફ્યુઝ ઉડી ગયા પછી બલ્બ ઝીરોનો હતો કે સો વોલ્ટનો અથવા કઈ કંપનીનો હતો, કે કેટલો પ્રકાશિત હતો એ કોઈ યાદ કરતું નથી.

જિંદગી પૈસા,પદ,તાકાત,કે સંપત્તિના આધારે નહીં,સાહેબ જિંદગી કોઈના આશીર્વાદના આધારે ચાલે છે.માફ કરજો તમારી આટલી ઉંમર દરમ્યાન પહેલીજ વાર કોઈકે જ તમારા આત્માને ઢંઢોળી  સત્યદર્શન કરાવ્યું હશે.
પચીશ વર્ષથી મગજમાં ભરાયેલો ક્ષાર ડો.શાહે એસિડથી સાફ કર્યો             "હવે વાત રહી તમારા નિદાનની તો કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચવાની તૈયારીમાં છે મારી સલાહ પ્રમાણે તમે તાત્કાલિક ઓપરેશન કરાવો એ વ્યાજબી છે" આટલું કહી ડો.કેતન શાહે પોતાની ડાયરી જોઈ આગળ કહ્યું,"મી.પરમાર આ આખો મહિનો મારા ઓપરેશન નક્કી થઇ ગયેલ હોય હું આ મહિનાની કોઈ તારીખ તમને આપી શકું એમ નથી. તેમ છતાં તમારો આગ્રહ મારી પાસેજ ઓપરેશન કરાવવાનો હોય તો એક વિકલ્પ છે સામાન્ય રીતે દર રવિવારે  હું દવાખાનું બંધ રાખું છું  આ એક માત્ર મળતી સાપ્તાહિક રજાને દિવસે હું તમારું ઓપરેશન ગોઠવી દઉં, જો એ અનુકૂળ હોય તો આવતા રવિવારે સવારે તમારું ઓપરેશન કરીશ.એ માટે આગલા શનિવારે સાંજે દાખલ થઇ જાવ, હું એ માટેની યોગ્ય સૂચના મારા સ્ટાફને આપી દઉં છું.

  શરમના માર્યા પાણી પાણી થઇ ગયેલ ડો.પરમારને ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થઇ ગયું અને પૂછ્યું,"સાહેબ આપની ફી ?  ડો. કેતન શાહે હસતા હસતા જવાબ વાળ્યો,"તમારી ફી ન હોય સાહેબ પચીશ વર્ષ બાદ આજે ફરી તમને મળવાની તક મળી એમાં જ મારી ફી આવી ગઈ.

પરમાર સાહેબ ભારે પગે ચેંબરની બહાર નીકળી ગયા.

   

*****