Tuesday, 11 April 2023

Benefit of Doubt.

પોષ મહિનાની કડકડતી ઠંડીના દિવસો હતા.

એ દિવસોમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનો સમય સવારનો હતો.એ વખતે ધોરાજી માણાવદર,જેતલસર, મજેવડી,ભેંસાણ,શાપુર કે વંથલીમાં કોલેજ ન હતી તેથી ત્યાંના વિદ્યાર્થીઓ પણ આવી ઠંડીમાં અપ-ડાઉન કરી અભ્યાસ કરવા અહીં આવતા.

સવારે ૭.૩૦ ના સમયે પહેલો તાસ શરૂ થાય.
પ્રોફે.પ્રભુદેસાઈ સાહેબ અંગ્રેજીનો પિરિયડ લેતા હતા.લોહીના ખાબોચિયામાં લથબથ થઈને પડેલા ઓથેલોની મનોવેદના જાણે તાદ્રશ્ય ભજવાતું હોય એમ એકાગ્ર થઈ સાંભળતા વિદ્યાર્થીઓ પાસે સાહેબ વર્ણન કરતા હતા.
સવારની ઠંડા પવનને કારણે વર્ગનું પ્રવેશદ્વાર અર્ધું બંધ રાખતા હતા.
બરાબર વર્ગમાં સન્નાટો છવાયો હતો,વિદ્યાર્થીઓ સાહેબને તલ્લીન થઈને સાંભળતા હતા એવામાં અર્ધું બંધ પ્રવેશદ્વાર ખુલ્યું.
શેળા જેવા ઉભા વાળ,મિલના ભૂંગળા જેવું પેન્ટ,ચોળાઈ ગયેલ બુશકોટ ઉપર ડાર્ક બ્લ્યુ સ્વેટર,કાનમાં રૂના પુમડાં, તાજૂજ પાન ચાવેલ તમાકુ,ચુના,અને કાથાનો દાઢી ઉપર ઉતરેલ રેલો,ભગવાન બુદ્ધ જેવા અર્ધા બંધ અર્ધા ખુલ્લા લોચન સાથે એક પ્રવેશ વાંચ્છુ વિદ્યાર્થીએ પૂછ્યું,
"May I Come in,Sir ?"
સ્વાભાવિક ખલેલ પહોંચતા પ્રભુદેસાઈ સાહેબે પૂછ્યું.
"Where you come from ?"
વિદ્યાર્થીએ ગુજરાતીમાં જવાબ આપ્યો "સાહેબ,જોશીપુરા !"
પ્રભુદેસાઈ સાહેબને થયું કે આટલી વહેલી સવારે આટલા દૂરથી આવતા વિદ્યાર્થીને ઠંડીના દિવસોમાં તકલીફ પડે જ.એ ગણતરીથી સાહેબે એ વિદ્યાર્થીને વર્ગમાં પ્રવેશવા દીધો.
પિરિયડ પૂરો થયા પછી એ વિદ્યાર્થીના મિત્રે જ્યારે સ્પષ્ટતા
કરી કે પ્ર. દેસાઈ સાહેબે તને શું પૂછ્યું અને તે જવાબ શું આપ્યો ?
ત્યારે એ વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે મોડા આવતા વિદ્યાર્થીઓને સ્વાભાવિક રીતે સાહેબ એનું નામ પૂછતાં હોય છે અને કાનમાં ખોસેલ પુમડાંથી હું એવું સમજ્યો કે તમારું નામ શું છે ? એના જવાબમાં મેં મારી અટક(જોશીપુરા) કહી એમાં મેં શુ ખોટું કર્યું છે ?
જ્યારે બિન ગુજરાતી હોવા કારણે "જોશીપુરા" અને "જોશીપરા" વચ્ચેનો તફાવત સાહેબ ન સમજ્યા હોય એણે એવું માન્યું કે આ વિદ્યાર્થી જોશીપરા જેટલા દુરને અંતરેથી આવતો હોય એને દયાભાવથી પ્રવેશ આપ્યો.
પાછળથી ઘણા લાંબા સમય બાદ આ "બહાઉદ્દીનયન" મારા નજીકના સગપણમાં જોડાયા.

મારું મેટ્રિકનું પરિણામ.(હળવી કલમે)

એક જમાનો એવો હતો કે મેટ્રિકનું પરિણામ રેડીઓ ઉપર જાહેર થતું હતું.સ્વ.ડો.ઇન્દુભાઈ વસાવડા કહેતા હતા કે એ જમાનામાં જૂનાગઢના નાગરવાડામાં એક માત્ર મારા દાદા સ્વ.દોલતરાય ઝાલાને ઘેર જ રેડીઓ હતો.તે વખતે મેટ્રિકનું પરિણામ સાંભળવા દાદાને ઘેર બધા ઉમેદવારો એકઠા થતા.

શિક્ષણના અવમૂલ્યન સાથે પરિણામ નું પણ મહત્વ ઘટ્યું.રેડીઓ ઉપર આવતું પરિણામ કાળક્રમે વર્તમાનપત્ર માં બીજે દિવસે છપાઈને આવવુ શરૂ થયું.
પરિણામની આગલી સાંજે પ્રેસમાંથી નંબર જોઈને મોટાભાગના વિદ્યાર્થીઓને તાર દ્વારા પરિણામ મળી જતું.એ વખતે પોસ્ટ અને ટેલિગ્રાફ બન્ને વિભાગોનું એક જ ખાતું હતું.પરિણામની સાંજે પોસ્ટ ઓફિસને ઓટલે પરિણામ ઉત્સુક વિદ્યાર્થીઓનો મેળો જામતો.તારની ડિલિવરી આપનાર કર્મચારી લાલ સાયકલ વાપરતો જેમ જેમ પરિણામના તાર ઉતરતા જાય એમ ડિલિવરી મેન પાસેથી સરનામું જાણી કોણ કોણ પાસ થયું એનો અહેવાલ નાગરવાડા માં વહેતો મુકાતો.
આટલી પૂર્વ વિગત પછી મારા મેટ્રિકના પરિણામનો એ યાદગાર દિવસ અત્રે નૉધું છું.
મારા સ્વ.બનેવીશ્રી રાજકોટ તાર અને ટપાલ વિભાગમાં વર્ષોથી નોકરી કરે.પરિવારના બધા જ સભ્યોના પરિણામ અમને આ રીતે આગલે દિવસે તાર દ્વારા જાણવા મળી જતા.
મારા મેટ્રિકના પરિણામને આગલે દિવસની સવારથી જ હું વધુ પડતો નર્વસ અને ઢીલો હતો.આમે ય હું હાડનો નાજુક,અને સ્વભાવે ઢીલો આજની જેમ ત્યારે પણ હતો જ પણ પરિણામને દિવસે ગાત્રો શિથિલ થતા જતા હોય એવું લાગતું હતું.
એ દિવસે સવારથીજ મારી આજુબાજુ મારા ભાઈ બહેનોનું સુરક્ષા ચક્ર પિતાશ્રીએ ગોઠવી દીધું.
ન કરે નારાયણ અને જો પરિણામ નબળું આવે અને "હું કાંઈક કરી બેસીશ " તો ?એવો માનસિક ભય ઘરના સભ્યોમાં વ્યાપી ગયો હતો
આગલી સાંજે તારની રાહ જોતા પોસ્ટ ઓફિસના ઓટલે પણ મને એકલો ન જવા દેતા મારા ભાઈને જોડે મોકલ્યો.એક પછી એક તાર ઉતરતા જતા હતા. વસાવડા ખડકીના અશ્વિન પ્રભાકર(વસાવડા)ના તાર ઉતર્યા. બીજા મિત્રોના પણ ઉતરવા લાગ્યા ભપેન્દ્ર વોરા, મૃગેન રાણા,નૃપેન્દ્ર વસાવડા,એમ સટોસટ જેમ તાર ઉતરતા ગયા એમ મારો ભય મારા હૃદયે વિસ્તૃત થતો ગયો.વચ્ચે વચ્ચે ભાઈ આશ્વાસન પણ આપે કે "કઈ વાંધો નહિ,નપાસ થવાય એટલું વધુ પાકું થાય".એમ કરતાં રાત્રે આઠ વાગ્યે બનેવીશ્રીના તાર ની રાહ જોઇને હારેલ જુગારીની હાલતે ઘેર પાછો ફર્યો.હવે તો પિતાજીને પણ ખાત્રી થઈ ગઈ કે "ભાઈ ગ્યા".એટલે એમણે પણ આશ્વાસન આપવું શરૂ કર્યું."જીવતો નર ભદ્રા પામશે " જેવો આશ્વાસન નો ઢોળ ચડાવવા માંડ્યા પણ અંદર ખાને મને ભય સાથે ખાતરી હતી કે આ ઢોળ(ગિલેટ) ચોવીશ કલાક પૂરતો જ છે.શિક્ષક પિતા આવતી કાલથી ઠપકો શરૂ કરતાં જ "રોજગાર વિનિમય અધિકારી"બની જશે.
"ચત્ર ભુજની દુકાને પડીકા વાળવા પડશે" "પરસોત્તમ ની જેમ ટપાલી બનીશ"પ્રભુલાલ દવે ના ડ્રાયવર તરીકે નોકરી કરવી પડશે" એવા મહેણાં શરૂ થશે.
રાત સુધી તાર ન આવતા આખી રાત કાલે મારું શું થશે એ વિચારે ઉંઘયા વિના રાત કાઢી.
સવારે પડોશી નો પુત્ર ફૂલછાબ લઈને વહેલો સવારમાં ઘેર ખાબક્યો અને કહ્યું "તું પાસ થઈ ગયો".
મારી તેજસ્વીતા ઉપર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા ન હોવાના કારણે પિતાજીએ કહ્યું "છાપા ના ભરોસા ન કરાય ઘણી વખત છેલ્લા બે આંકડાઓ ૬૯ ના ૯૬,અને ૩૨ ના ૨૩ થઇ જઈ છાપ ભૂલ (Printing mistake)થઈ જતી હોય છે.શાળાની માર્કશીટ જ સાચી અને એ લેવા મોટાભાઈ જશે.(નહિ ને હું ભૂતનાથ ફાટકે પાટે પડું તો ?કે બ્રહ્મકુંડ એ જઈ કૂવો પૂરું તો ?)
અંતે ભાઈ માર્કશીટ લઈ આવતા હું પાસ જાહેર થયો ત્યારે હાશ થયું.
આ બાજુ બેચાર દિવસ પછી બનેવીશ્રી ને પૂછતાં ખુલાસો કર્યો કે અચાનક ઓફિસમાં એમને ટાઢ-તાવ ચડતા પરિણામનો તાર પોતે લખીને એમના સહ કર્મચારી ગણાત્રા ને આપી ગયા હતા અને ગણાત્રા એ તાર કરવો ભૂલી ગયા.
બીજે દિવસે ઓફિસે આવતા શર્ટ પહેર્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે પરિણામ મોકલવાનો તાર ખીસ્સા મા જ રહી ગયો છે.

એક શિક્ષકની ડાયરીમાંથી.( કોરોના કાળનું અવલોકન.)

"ઢળતી સાંજનો સમય હતો ઉપરા ઉપર બે ત્રણ શબ વાહીનીઓ ઢગલાબંધ મૃતદેહો ભરીને સ્મશાનને દરવાજે ઠલવાતી હતી.ઢગલામાં પડેલ.થ્રિ લેર પ્લાસ્ટિકમાં વીંટળાયેલા મૃતદેહોના ખડકલા પાસે ઉભો હતો એવામાં પ્લાસ્ટિક કવર ચીરીને એક મડદું બેઠું થયું.મારી સામે જોઇને ખડખડાટ હસ્યું અને પૂછ્યું,

" અરે,સાહેબ આપ અહીં ક્યાંથી ?
અમારી સાથે આપનું પણ કોઈ છે ?" કોઈને મુકવા આવ્યા છો ?"
ભયભીતાવસ્થામાં થરથર કાંપતા મેં કહ્યું "ના ભાઈ આ પેટ......"
મારું વાક્ય પૂરું થાય એ પહેલાં
બાજુમાં પડેલો મૃતદેહ ધીમેથી ગણગણ્યો "મરેલો મરેલાને ગણવા આવ્યો છે"
પહેલા મૃતદેહે પૂછ્યું ",સાહેબ,મને ઓળખ્યો ?
હું:- ના.તું કોણ અને તારું નામ શું ?"
મડદું:- લે,સાહેબ મને ન ઓળખ્યો ? હું તમારી પાસે ભણતો અને અભ્યાસ પૂરો થયા પછી.પણ આપણે અવારનવાર મળતા રહ્યા છીએ"
હું:-" હશે.પણ તારું નામ શું ?"
મડદું:- "સાહેબ,હું ચંદુ બુધાલાલ, પણ તમે મને #ચંબુ કહીને બોલાવતા."
સાહેબ,તમને યાદ છે ?
* શહીદ દિને દેશના શહીદો માટે તમે અમારી પાસેથી ફાળો ઉઘરાવતા ?
* વસ્તી ગણતરી સમયે હાથમાં પેન્સિલ અને પત્રક લઈને અમારી શેરીમાં આવતા ?
* ચૂંટણી સમયે નેતાઓની સભા ઓમાં અને રેલીઓમાં તમે અમને ખટારામા ઘેટાં બકરાંની જેમ ભરીને સભા સ્થળે લઈ જતા ?
* ગયા ઉનાળુવેકેશન દરમ્યાન ચૂંટણી પૂર્વે મતદાર યાદી તૈયાર કરવા બપોરે ધોમ તડકે તમે મારે ઘેર આવ્યા હતા અને લૂ લાગી ગઈ હતી.?
*મધ્યાન ભોજનમાં રોજનું રાશન તોળીને રસોડે આપતા,રસોઈ બનતી હોય એનું ધ્યાન રાખતા અને બની ગયા પછી ચાખવાની ફરજ પણ તમારી હતી.
*રેશનની દુકાને વેપારી ઘાલમેલ નથી કરતોને એના સુપરવીઝનમાં તમે હતા ત્યારે આપણે મળ્યા હતા ?
* ગઈ ચૂંટણીએ તમે પોલિંગ એજન્ટ તરીકે બુથ ઉપર હતા ?
* મત ગણતરીમાં પણ તમારી ફરજ ઉપર હતા ત્યાં આપને મેં જોયા હતા.
* જાહેર સમારંભમાં અન્નનો વેડફાટ ન થાય એ જોવા અને ડિશ ગણવા તમે પંચાયતને રસોડે હતા ?
* મારા ખેતરમાં તીડ આવ્યા ત્યારે તમે થાળી વગાડી તીડના ટોળાને ભગાડ્યા હતા ?
* કોરોનાની રસીકરણ દરમ્યાન પણ તમે કેન્દ્ર ઉપર ફરજે હતા
*"આદર્શ શિક્ષકની ફરજો" ઉપર તમે અમને ભાષણ આપ્યું હતું.અને શિક્ષણાધિકારી સાહેબે તમારી પીઠ થાબડી હતી.યાદ છે એ બધું ?
મને તો આ બધું નજરે તરે છે.
આજ બપોરે કોઈ એક મૃત શિક્ષકના શબને કોઈક સાથે વાત કરતા સાંભળ્યા હતા કે મહામારીને કારણે શાળાઓ બધી બંધ હોવાથી આવતા દિવસોમાં શહેરમાં રાત્રીના 8.00 થી સવારના 6.00 સુધીનું રાત્રી કરફ્યૂનુ પાલન ચુસ્ત રીતે થાય છે કે નહીં એનું ચેકિંગ પણ "માસ્તર ગણ"ને સોંપાશે અને એ માટે તમોને "સ્પેશિયલ કરફ્યૂ પાસ" પણ આપવામાં આવશે.એવી ગામમાં હવા છે એ સાહેબ એવું પણ બોલ્યા કે "જો એ સાચું હોય તો ભલું થાય કોરોનાનું કે હું છૂટી ગયો"
સર,જુઓ તો ખરા તમારા માસ્તર લોકોની વફાદારી ઉપર સરકારને કેટલો વિશ્વાસ છે? મૃત ચંબુ બોલ્યો.
મેં પૂછ્યું "તેં કઈ હોસ્પિટલમાં દેહ છોડ્યો ?યુ.એન.મહેતા....."?
આટલું બોલ્યો ત્યાં વચ્ચેથી અટકાવતા ચંબુ બોલ્યો
" સાહેબ,તમે તો હજુ મશ્કરા જ રહ્યા હો આવી મજાક હોય ?
હું તો સરકારી દવાખાનાના જનરલ વોર્ડમાં હતો અને દવાખાનામાં ઓક્સિજન ખુટી પડતાં મારું આયુષ ખૂટયું."
મેં પૂછ્યું "એ તો ઠીક પણ તું અહીં ક્યારથી પડ્યો છે ?"
" સાહેબ, આમ તો મને આજ મળસ્કે અહીં લઈ આવ્યા છે પણ કદાચ રાતના એક- બે વાગે મારો વારો આવી જશે.મારા સગાને ટોકન આપ્યો છે લગભગ 35 મો નંબર છે એમ એ લોકો વાત કરતા હતા"
" સાહેબ હું ભાગ્યશાળી છું કે મૃત્યુ પછી પણ આપ જેવા ફરજ નિષ્ઠ,કર્તવ્ય પરાયણ, સરકારને વફાદાર શિક્ષકના દર્શન પામ્યો.
આપ શિક્ષક નહિ પણ મા સ્તર કહેવાની વધુ યોગ્યતા ધરાવો છો,
જેમ બાળકના જન્મથી મૃત્યુ સુધી મા બાળકની સંભાળ લે, એમ તમે જન્મ પછી "શીળીની રસી" ની ફરજ થી અગ્નિદાહ સુધીની ફરજ બજાવો છો જે મા ના સ્તર સુધીની હોય તમે માસ્તર સાચા.
લ્યો,ત્યારે મારા અંતિમ પ્રણામ એટલું બોલતાં શબે મારા ચરણસ્પર્શ કરવા હાથ લંબાવ્યો અને મડદું ફરી થ્રિ લ્હેર પ્લાસ્ટિકમાં પુર્વવત વીંટળાઈ ગયું.

 "હું તો પહેલેથીજ જાણતો હતો કે આ બધા રંગ-ઢંગ સારા નથી.એની લાઈફ સ્ટાઈલ નથી જોતા ?નવાબ જેવો પાનનો શોખ.પાનવાળાને ત્યાં પણ મોદીની દુકાનની જેમ ખાતું.ક્યારેક તો ભાંડો ફૂટેને ?"

બીજો કુદયો,"શુ જ્યોતિબેનને આ બધી ખબર નહિ હોય ?ઇ તો બિચારા ભગવાનનું માણસ છે."
ટોળામાંથી કોઈ એ જવાબ આપ્યો" એવું થોડું બને ધણી બેંક માંથી ઉચાપત કરે અને બૈરીને ખબર પણ ન હોય "?
અરે ભાઈ સાંઠ-ગાંઠ હોય જ "
પાછળથી કોઈ બોલ્યો "ઝાલાભાઈ એવા લાગતા નહોતા,પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ"
કોઈ પીઢ વચ્ચે ટપકયા,"પાપનો ઘડો ભરાય ત્યારે ફૂટે, કોને ખબર છે જૂનાગઢથી બદલી અહીં કેમ થઈ હશે,ત્યાં પણ ટોપી ફેરવી હશે"
****
ભાવનગરના શાસ્ત્રીનગરના પોશ ઇલાકામાં મુખ્ય રસ્તા ઉપર આવેલ L/135 નંબરના મારા ટેનામેન્ટની બહાર લગભગ 1500 મકાનો ધરાવતી કોલોનીના મોટાભાગના લોકો ઉમટી પડ્યા,અને ઘરની સામે મોટું ટોળું ઉપર મુજબની ચર્ચા કરતા ઘરની અંદરની હિલચાલ કુતુહલતા પૂર્વક નિહાળતા હતા.
***
શનિવારનો દિવસ હતો.સાંજના છ-સાડા છ નો આરસો હતો.ત્યાં ઘર પાસે પોલીસની જીપ આવી ઉભી.જીપમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર ઉતરી મારા ઘરમાં પ્રવેશ્યા.
બસ,પછી તો પૂછવુજ શુ ?તમાસાને તેડું હોય ? ધીમે ધીમે ઘર પાસે કુતૂહલતા પૂર્વક કોલોનીના લોકો ભેગા થવા માંડ્યા.
કોઈએ રેડ પડયાની વાત ચલાવી,તો કોઈએ બેંક માં કેશિયર હોવાને નાતે ઉચાપત કર્યાની ચર્ચા જોરશોરથી શરૂ કરી.
હું તથા મારા પત્ની મુકભાવે આ બધું જોતા હતા.પણ લાચાર હતા.
***
વાત એમ હતી કે એ સમયે ભાવનગરમાં સીટી ઇન્સ્પેક્ટર તરીકે સ્વ.મુ.કનકભાઈ નાણાવટી હતા.તેઓ અમારા જૂનાગઢના પડોશી તો ખરાજ ઉપરાંત મારા સ્વ.પિતાશ્રીના વિદ્યાર્થી પણ હતા.એટલુંજ નહિ પણ એમના પત્ની સ્વ.ઉષાબેન પણ મારા પિતાશ્રી પાસે જૂનાગઢમાં ભણી ગયા હોય અમારે ઘરજેવો સબંધ હતો.અચૂક દર પંદર દિવસે અમારે સહ પરિવાર એમને ઘરે જવાનું,અને રાત્રી ભોજન પતાવીને જ પાછું ફરવાનું.
તે દિવસે મુ.કનકભાઈ નજીકના ગામ વરતેજ ખાતે કોઈ ખૂન કેસની તપાસ માટે ગયા હતા.અને પાછા ફરતા મારી કોલોની રસ્તા માંજ આવતી હોય ,તેઓ મળવા,અને બેસવા આવેલ.પરંતુ ડયુટી ઉપર ગયા હોય,તેઓ ફૂલ યુનિફોર્મ માં હતા.તેથી લોકોને જુદો જુદો વહેમ પડ્યો,અને ઘર પાસે તમાશો યોજાયો.નાસ્તો-ચા પતાવી મુ કનકભાઈ જવા ઉભા થયા,ત્યારે મારી પીઠ ઉપર ધબ્બો મારી વિદાય લીધી ત્યારે મેં મુ.કનકભાઈને હાથ જોડીને વિનંતી કરી કે "સાહેબ,આપ ગમે ત્યારે ખુશીથી પધારજો પણ મહેરબાની કરી સિવિલ ડ્રેસ માં આવજો,આ તમારા યુનિફોર્મે મને વગર કારણે કોલોની માં બદનામ કરી મુક્યો.
મુ.કનકભાઈ હસી પડ્યા અને જવાબ આપતા કહ્યું." હું રોડ ઉપરથી શેરીમાં વળ્યો ત્યાંજ કોલોની વાળા ભેગા થઈને જોતા હતા કે પોલીસની જીપ ક્યાં ઉભે છે,તારી વાત સાચી છે.તમાસાને તેડું ન હોય.
આમ કહી હસતા હસતા છુટ્ટા પડ્યા,એ દ્રશ્ય જોઈ કોલોનીના લોકો ધીમે ધીમે વિખરાવા લાગ્યા.
"

Tuesday, 21 March 2023

ગજેન્દ્ર મોક્ષ.

ગજેન્દ્ર મોક્ષ.

આજે ગરીબોના બેલી અને બાળ દર્દીઓના મસીહા એવા જામનગરના વતની, મુંબઈ અને સમગ્ર એશિયાના બાળદર્દના અગ્ર ચિકિત્સક ડો.ગજેન્દ્ર શાંતિલાલ હાથી (83)નો પાર્થિવ દેહ વિલેપાર્લે (વેસ્ટ)ના વિદ્યુત સ્મશાનગ્રુહે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો.

અમારા મુંબઈ ખાતેના પ્રતિનિધિનો આંખે દેખ્યા અહેવાલ મુજબ આગલી રાતથી જ મુંબઈના આકાશે એકધારું વરસી જઇ સદગતને વર્ષાન્જલિ અર્પી હતી. આકાશ પણ ખોબલે ખોબલે રડ્યું 

મલાડ (વેસ્ટ)માં અગિયારમા માળે રેહતા સ્વ.ગજુભાઈના દરવાજે પ્રવેશતા તેના ઘરની દીવાલ ઉપર લટકતી તસ્વીરમાં મધુર સ્મિત વેરતા એના હોઠ  જાણે બોલતા હોય કે,

   "રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,

    હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી." 

એક દિલદાર નિસ્વાર્થ, સેવાભાવી, આનંદી,કુટુંબવત્સલ, સિંહના કલેજા વાળા હાથીની સ્મશાન યાત્રામાં અસંખ્ય નામી ડોક્ટર,એમના દર્દીઓના પરિવારજનો, અનેક ઋણીજનો અને ગુણીજનો અશ્રુભીની આંખે હાજર હતા. "જ્ઞાતિ,સમાજ અને મુંબઈગરાઓ એ #હાથી નહિ પણ #ઇન્દ્રનો_ ઐરાવત ગુમાવ્યો છે." --- #વ્યોમેશઝાલા.

સ્વ.ગજુભાઈ માટે કૈક લખવું એ સૂરજને અરીસો બતાવવા જેવું છે પણ જે યશ, કીર્તિ,માન -સન્માન, અને ઇનામ-અકરામ. એવોર્ડ્સ, અને એથી પણ સૌથી વધુ અબાલ વૃધ્ધનો પ્રેમ અને આશીર્વાદ જે એમણે મેળવ્યા છે ત્યારે એ બાબતે હું  બે શબ્દો લખવા લલચાયો છું. આજસુધી પોતે મેળવેલ ખ્યાતિ, લોકચાહના.અને ગરીબ તથા જરૂરિયાતમંદોના આશીર્વાદની પોતા ખુદને ખબર નહીં હોય કે ત્યાસી વર્ષમાં એ પૈસા સિવાય બીજું શું શું અને કેટલું કમાયા છે.?મારુ કે અન્ય ચાહક દ્વારા અહીં લખાયેલું પણ સ્થૂળ સ્વરૂપે તેઓ વાંચી નથી શકવાના પણ જયારે ઈશ્વરના દરબારમાં હાજર થશે ત્યારે ચિત્રગુપ્ત દ્વારા એમના સત્કર્મો વંચાશે તેનાથી તેઓ પોતે પણ હેરત પામી જશે, 

#કમાવવું અને #કામમાંઆવવું જિંદગીમાં આ બન્ને ખુબ જરૂરી છે ,કેમકે કમાવાથી ધન મળે છે અને કામમાં આવવાથી કોઈની દુઆ ,આશીર્વાદ,અને પ્રેમ મળે છે. કમાયેલું ધન અંતે બેંકની પાસબુકમાં સમેટાઈ જાય છે જયારે કામમાં આવીને મેળવેલી દુઆ શ્વાસબુક સાથે ઈશ્વરના ચોપડે જમા થાય છે.

આમતો એની માનવતાના સુંડલો ભરીને ઉદાહરણો છે કેટલાક લખું ? પણ એ બધા પૈકી માત્ર બે જ કિસ્સા અત્રે ટાંકુ છું.

12 જુલાઈ,1940માં જામનગર ખાતે જન્મેલ સ્વ. મુ. ગજુભાઈ એક અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારમાં ઉછરી મોટા થયા. અભ્યાસમાં તેજસ્વી હોવા કારણે સ્કોલરશિપો મેળવીને જામનગરની મેડિકલ કોલેજમાંથી ગોલ્ડમેડલ સાથે M.B.B.S. થયા અને ત્યારબાદ M.D.(P.ed.)D.C.H. થઈને વર્ષો પહેલા મુંબઈ સ્થિર થયા.પોતાની કુશળતા, અને અદભુત નિદાન શક્તિથી માત્ર મુંબઈ જ નહિ પણ સમગ્ર એશિયામાં  પોતાની કીર્તિની પાંખ પ્રસરાવી.સ્વ. હાથી સાહેબના પત્ની શ્રીમતી હર્ષાબેન પણ નિષ્ણાત મહિલા તબીબ હોય તેઓએ પણ સ્વ. હાથીસાહેબની વિચારસરણી અપનાવી હતી.

કિસ્સો પહેલો 

પોતે જોયેલી અને અનુભવેલી ગરીબી,પહેલીજ વાર મુંબઈ પગ મુક્યા પછી ત્યાં સ્થિર થવામાં પડેલ મુશ્કેલી એના દિલ દિમાગમાં કંડારાઈ ગઈ હતી. કોઈ એક દિવસે ગુજરાતના એક નાના શહેરમાંથી M.D.(P.ed) થઈને મુંબઈમાં નસીબ અજમાવી સ્થિર થવાના સ્વપ્ન સાથે એક યુવાન ડોક્ટર મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ઉતર્યો. ઉતારતાંજ એને પોતાના સ્વપ્નો મૃગજળ જેવા લાગતાં એક ગુજરાતી ડોક્ટર હોવાના નાતે એ સ્વર્ગસ્થ ગજુભાઈને મળ્યો અને પોતાની ખ્વાહિશ સામે ઉભેલી વિકરાળ મુશ્કેલીને વર્ણવી.તુરત જ સ્વ. ગજુભાઈએ  પોતાના ધમધમતા ક્લિનિકની ચાવી એના હાથમાં મૂકી કહ્યું " ચિંતા ન કર ભાઈ, આ લે મારા ક્લિનિકની ચાવી તું અહીં જ કાયમ માટે મારી સાથે બેસજે " વિચાર તો કરો આટલી ધીકતી પ્રેક્ટિસ ધરાવતો  તન-મનથી યુવાન  ડોકટર પોતાના  પેટ ઉપર પોતાના પગે લાત મારે ? આજે એ યુવાન બાળ રોગ નિષ્ણાત ડોકટર જબરદસ્ત તબીબી કારકીર્તિ ધરાવતા મુંબઈમાં મોટું નામ ગણાય છે,

બીજો એક કિસ્સો :- 2001 માં ભૂજમાં ભૂકંપ આવેલો   જ્ઞાતિના દસ પરિવાર બેઘર થઈને રસ્તાની ફૂટપાથ ઉપર તંબુ તાણીને પડ્યા હતા. એ હકીકત એમના ધ્યાને આવતા ભૂકંપના પાંચમા દિવસે પોતાની ટિમ સાથે તેઓ ભૂજ ઉડ્યા. એ ટીમના સદસ્યો સર્વેશ્રી ,ભરતભાઈ બુચ,પરેશભાઈ માંકડ (એડવોકેટ)પિયુષભાઈ વૈષ્ણવ (આર્ટીટેક) નરેશભાઈ માંકડ અને હરીશભાઈ બુચે પરિસ્થીનું જાત નિરીક્ષણથી અભ્યાસ કર્યાબાદ નક્કી કર્યું કે  જ્ઞાતિના જે દસ પરિવાર બેઘર બન્યા છે તેઓને પૂરતી સુવિધા સાથેના પાકા મકાન બનાવી, અનાજ-કરિયાણું સાથે જરૂરી નવા  ઠામ વાસણ આપી પુન:સ્થિર કરવા.ગજુભાઈની રાહબરી નીચે તૈયાર થયેલી ટીમે એ માટે ભગીરથ પ્રયાસ આદરી, જમીન વેચાતી લઇ,પ્લોટ પાડી, અને સુંદર પાકા મકાન બંધાવી આપી ઠરીઠામ કર્યાં. આજે પણ એ મકાન ઉપર કોઈ તકતી કે પોતાનું કે સહયોગીઓનું નામ સુધ્ધાં નથી  સાહેબ,આજે વીસ રૂપિયાનો રૂમાલ પોતાના ખર્ચે એ પરિવારના આંસુ લુછવા આપી કોઈએ હાથ ન લંબાવ્યો એ કાળમાં ઈશ્વરના આ પયગંબર માનવતાની વ્હારે ચડ્યા .અમારા ભૂજના પ્રતિનિધિ દ્વારા આજે એવું પણ જાણવા મળ્યું કે "ભોળા પારેવાને નાખેલ ચણનો કેટલોક હિસ્સો કાગડાઓ ચણી ગયા હતા " કદાચ એ વાત એમના ધ્યાન ઉપર આવી હોય કે નહિ પણ જો કદાચ આવી હશે તો એનો જવાબ કૈક આવો હોત કે, " તો ? એમાં શું વાંધો ? બેઘરને જેમ ઘરની જરૂરિયાત હતી એમ નિર્ધનને ધનની જરૂરિયાત હશે અમને એમાં કઈ ફર્ક નથી પડતો."આજે એમના અગ્નિ સંસ્કાર સમયે ભૂજના એ બધા પરિવારે પોતે મેળવેલ સહાય રૂપી ઘર પાસે ભેગા થઇ ડો. હાથી સાહેબના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી જેનો ફોટો અત્રે મુક્યો છે.ભૂજના શ્રી.હાટકેશ મંડળે પણ આજે શ્રધ્ધાંજલી આપી સ્વર્ગસ્થના માનમાં આગામી ત્રણ દિવસોના મંડળના બધા કાર્યક્રમો રદ કર્યા છે.

ડો. હાથી સાહેબે બૃહદ મુંબઈ કે અન્ય કોઈપણ સ્થળના જ્ઞાતિબંધુ પાસે એક પણ પૈસો ફી લીધા વિના  સેવા કરી છે ભલે તે દવા-ઈન્જેક્શનની કિંમત રૂપિયા પંદર હજર કેમ નથી,? જરૂરિયાત મંદોની નિઃશુલ્ક સારવાર કરવાનો એનો મુદ્રાલેખ હતો.

ગઈકાલે એમના પરિવાર સાથે ઘનિષ્ઠ સબંધ ધરાવતા એક બહેન નો અડતાલીશ મિનિટના ફોન દરમ્યાન . ગજુભાઈની સુવાસ વર્ણવતા મારો રૂમ સુગંધિત કરી દીધો તો રાજકોટથી શ્રીમતી મંજુબેન રાવલનો ફોન હતો અને એમને જણાવ્યા પ્રમાણે આજથી તેતાલીશ વર્ષ પહેલાં પોતાની પુત્રી જયારે બાલ્યાવસ્થામાં હતી ત્યારે મલાડમાં ક્લિનિક ધરાવતા ડો. હાથીસાહેબે એની સારવાર કરી ઉભી કરી હતી. આ હતી સ્વર્ગસ્થ ડો. ગજેન્દ્ર હાથીની કારકીર્તિ આવા તો સેંકડો પ્રસંગે પોતાની માનવતાની મહેક


ચુપચાપ કોઈ પ્રચાર-પ્રસાર વિના પ્રસરાવી છે.  હા, એક વધુ,સ્વ. હાથીસાહેબ સોશિયલ મીડિયા ઉપર ઓછા કાર્યરત હતા,પરિવારના સભ્યોને બાદ કરતાં માત્ર એમના ફ્રેન્ડ લિસ્ટમાં 127 મિત્રો હતા, પણ મારી અવસાન નોંધણી ગઈકાલની પોસ્ટ ઉપર કુલ 563 લોકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે ! આશ્ર્ચર્ય નહીં ?

તાજેતરમાં જ ઙો.હાથીને "LIFETIME ACHIEVEMENT AWARD BY INDIAN ACADEMICS OF PAEDIATRIC SOCIETY OF INDIA. MUMBAI આપી એમની સેવા બિરદાવવામાં આવી હતી. 

મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે. 

"મૃત્યુ અંત નથી,વર્તુળનો છેડો છે એ એક અનંત પ્રકાશ છે,ઉલ્લાસનો ઉજાસનો"

મ્રૃત્યુ એટલે ઝરણોનું ભળવું સાગરમાં અને સાગરનું વાદળ થઇ ગાગરમાં "

 આવું કોઈ કવિએ લખ્યું છે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કે ડો.હાથી સાહેબનું મૃત્યુ સાગરનું વાદળ થઇ ફરી જરૂરિયાત મંદોની ગાગર ભરવા વરસે.

ખુશખુશાલ પરિવારની કેટલીક તસ્વીરો અત્રે મૂકી છે, ઈશ્વર સદગતના દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે અને પરિવાર પર આવી પડેલ વજ્રાઘાત ને સહન કરવાની શક્તિ આપે ! ! ! 









Thursday, 2 March 2023

એ...આવજો.

એ...આવજો.

ઉનાળાના વેકેશનના દિવસો હતા.

વેરાવળથી જબલપુર જતી જબલપુર એક્સપ્રેસ ટ્રેઈનમાં સામાન્ય રીતે હોય છે એવી ગીરદી હતી આરક્ષણ પણ પેક હતા.મુસાફરોને પગ મુકવાની જગ્યા ન હતી ત્યાં સામાન મુકવાની તો વાત જ ક્યાં રહી. પ્રવાસીઓ સ્વમાન ગુમાવીને સામાન સાચવવાની વેતરણમાં પડ્યા હતા.કેટલાક પ્રવાસીઓ તો બેઠકની ઉપર સામાન મુકવાના પાટિયા ઉપરની જગ્યા ઉપર સામાન સાથે પોતે ટૂંટિયું વાળીને બેઠા હતા,

રાજકોટ સ્ટેશને ક્રોસીંગ હોવાને કારણે ટ્રેનનું રોકાણ વધુ હતું.
આવી ગીરદી અને ભીડ વચ્ચે રાજકોટથી એક વયસ્ક વૃધ્ધ અને તેની સાથે બન્ને ગોઠાણેથી ફાટેલ જીન્સ, બન્ને ખભા બહાર નીકળતું ટોપ, ડિયો ના સ્પ્રેથી મઘમઘતી એક યુવતી ટ્રેનના બિનઆરક્ષિત ડબ્બામાં ચડયા.એકબીજાને માથે પડે એવી ગીરદી વચ્ચે યુવતી અને વૃધ્ધ નિ:સહાય નજરથી જરા જેટલી સરખા ઊભવાની જગ્યા શોધતા દબાતા-પીસાતા જેમ તેમ ઉભા રહ્યા.આગળના સ્ટેશનથી બેઠેલ બે ફેશનેબલ કોલેજીયન યુવાનો એ એક બીજા સામે જોયું. છલક્તા જોબનવાળી સ્વરૂપવાન યુવતીને જોઈને બન્ને યુવાનોમાં સ્ત્રી દાક્ષિણ્ય ઉભરાયું. ગોળના ગાંગડા ઉપર જેમ માખી બણબણે એમ બન્ને યુવાનો યુવતીની આજુબાજુ ઘૂમરાવા મંડ્યા. યુવતીના હાથમાં રહેલ બેગ અને બિસલરીની બોટલ પોતાના હાથમાં લઇ. પોતાની સૂટકેસ ઉપર ગોઠવી દેતાં એક યુવાને આંખ નચાવતા હળવા સ્મિત સાથે યુવતીને પૂછ્યું.
" ક્યાં જવું છે "?
"થૅન્ક યુ " કહેતાં યુવતીએ મીઠી નજરથી એવા જ સ્મિત સાથે જવાબ વાળ્યો "વડોદરા"
લાળ ટપકતા બીજા યુવાને મરકતા મરકતા કહ્યું " ઓહ, અમારે પણ વડોદરા જ ઉતારવાનું છે ચાલો આપણે છેક સુધી કંપની રહેશે. મેમ,એક કામ કરો તમે બન્ને અંહી બેસી જાવ અમે ઊભા રહીશું આગળના સ્ટેશને જગ્યા થતાં અમે બેસી જઇશું" જરા જેટલો યુવતીના ખભાને સ્પર્શ કરતા અને માર્મિક સ્મિત સાથે બન્ને મિત્રોએ પોતાની બેઠક ખાલી કરી યુવતી અને વૃધ્ધને પોતાની બેસવાની જગ્યા આપી દીધી અને પોતે યુવતીના ડિયો સ્પ્રેની માદક સુગંધ લેતા એના માથા ઉપર ઝળૂંબતા ઊભા રહ્યા.
વારે વારે તીરછી નજરથી યુવતિના સ્વરૂપને અને સ્ટાઈલને નિરખતા યુવાનોના હૃદયમાં લઙઙુ ફૂટયા.
ટ્રેનને ઉપાડવાનો સમય થયો, વ્હીસલ વાગી અને અચાનક યુવતી બેબાકળી ઉભી થઈ, ટ્રેન નીચે ઉતરી ગઈ.અને બારી પાસે ઊભી વૃધ્ધ દાદાજી તરફ હાથ હલાવતા બોલી
"એ...આવજો. સુખરૂપ પહોંચી ગયાની પહોંચ તુરત લખજો"
કુતરું કોષ ગળી ગયું હોય એવા રડમસ ચહેરે બન્ને યુવાનો એકબીજાની સામે જોતા રહ્યા.
બેઠક ઉપર સામાન મુકવાની જગ્યાએ પાટિયા ઉપર બેસેલ,અને શરૂઆતથી જ આ નાટક અને તાલતાસીરો નિહાળતા એક શિક્ષિત અને સમજદાર આધેડ મુસાફર પેલા યુવાન સાંભળે એમ ધીમા અવાજે ગણગણ્યા
" गमकी बिजली गिरी, जल गया आशियाँ , हमसफ़र छूट गए लूट गया कारवा,
जिंदगीकी मुझे अब तमन्ना नहीं, मौत भी गर न आए तो मै क्या करू !
****

Friday, 23 September 2022

શ્રદ્ધા

શ્રદ્ધા 

"માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો...."

આ જ ગરબાથી હંમેશા શરૂઆત કરતા દેવીપ્રસાદે માતાજીની સ્તુતી બાદ એક પછી એક ગરબાની રમઝટ બોલાવવી શરુ કરી. વાતાવરણમાં ભાવ અને ભક્તિની સુગંધ ચોમેર પ્રસરી વળી.

ભાદરવા સુદ ચૌદસ (અનંત ચૌદસ)ના દિને દેવીપ્રસાદના અંગત મિત્ર ગોંડલ નિવાસી માઇ ભક્ત પરેશભાઈના પૌત્રના જન્મદિન નિમિત્તે તેઓએ માતાજીના બેઠા ગરબાનું આયોજેલ,એ માટે સૌરાષ્ટ્ર પંથકના જાણીતા માઇભક્ત અને ગરબાના ગાયક દેવીપ્રસાદને પોતાના સાજીંદા સાથે ગોંડલ આવવા આમન્ત્રણ આપેલું.દેવીપ્રસાદના કંઠનું માધુર્ય, બુલંદ અવાજ, એની ગરબા ગાવાની હલક સુર, શબ્દ અને તાલ-લયની સમજ સાથેનું જ્ઞાન બેનમૂન હતા.પોતાના વતનમાં ક્યાંય પણ સારા માઠા પ્રસંગોએ, કે નવરાત્રી દરમ્યાન કોઈ પણ જગ્યાએ બેઠા ગરબા યોજાય ત્યાં દેવીપ્રસાદ અનિવાર્ય રીતે હોય જ, એના વિનાના ગરબા ફિક્કા ગણાતા હતા. શ્રી ભુવનેશ્વરીમાતાજીના મંદિર નજીક સ્ટેશન પ્લોટ ખાતે પરેશભાઈના બંગલાની આજુબાજુનું વાતાવરણ દેવીપ્રસાદના ઘેઘુર બુલંદ અવાજથી ગાજી ઉઠ્યું 

સૌમ્ય ગરબાથી શરૂઆત કરતા દેવી પ્રસાદ ધીમે ધીમે ચલતીમાં ગવાતા ગરબા જયારે ગાતા ત્યારે સાંભળનારના રુવાડા ઉભા થઇ જતા. એના પોતાનામાં પણ શક્તિનો અદભુત દિવ્ય સંચાર થતો જોવા મળતો.આંખ મીંચીને ભાવ વિભોર બની ગરબા ગાતા દેવીપ્રસાદની આંખમાંથી ટપટપ અશ્રુધારા સતત વહેતી હતી, એ સમયે માતાજીની મૂર્તિ કે છબી સામે જોઈએ તો ખુદ માતાજીના ચહેરા ઉપર પણ હળવું સ્મિત ફરકતું દેખાય ત્યાં સુધીનું એનું માતાજી સાથેનું તાદાત્મ્ય હતું.

એક પછી એક ગરબા ગવાતા જતા હતા પાંચ, સાત, અને નવમો ગરબો  "ઘોર અંધારી રે...." જ્યાં શરુ કર્યો ત્યાં દેવીપ્રસાદ પરસેવે રેબઝેબ થઇ ગયા.ગરબામાં પ્રગટ થતી શક્તિ, જોમ, અને જુસ્સાને કારણે ગરબો પૂરો થતાંજ દેવીપ્રસાદ અચાનક ઢળી પડ્યા. ભક્તિનું વાતાવરણ ભય અને ચિંતામાં ફેરવાઈ ગયું. પરેશભાઈ પરિવાર અને સાથેના સાજિંદા  ગભરાઈ ગયા. તાબડતોબ અર્ધી રાત્રે સ્થાનિક તબીબને બંગલે બોલાવી તબિયત તપાસરાવી.નિષ્ણાત તબીબે અભિપ્રાય આપ્યો "આમને શક્ય એટલી ઝડપથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડો." થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી અને  બેશુદ્ધ દેવીપ્રસાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલના બિછાને ગોઠવાઈ ગયા.

*****   

દેવીપ્રસાદ શુદ્ધ સાત્વિક બ્રાહ્મણ શિક્ષક.સંસ્કૃતમાં એનું પાંડિત્ય અજોડ હતું.સીધા, સરળ, નિર્વ્યસની, અને માતાજીના પરમ ભક્ત અને ઉપાસક હતા. વર્ષની ચારે નવરાત્રી પોતાને ઘેર માતાજીનું સ્થાપન કરી ચુસ્ત પવિત્રતા સાથે સવારના પાંચ વાગ્યાથી અખંડ દીપ સાથે પૂજા અનુષ્ઠાન કરી, નવે નવ દિવસ ઉપવાસ કરતા, ઉપવાસમાં પણ દરરોજ સવાર સાંજ માતાજીને પ્રસાદ રૂપે ધરવામાં આવતું કોઈ પણ એક જ ફળ  ગ્રહણ કરી નકૉરડો ઉપવાસ વેઠતા.એની માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા,અતૂટ વિશ્વાસ, દ્રઢ સંકલ્પ સાથેની ભક્તિને કારણે તેઓ વિદ્યાર્થી જગત ઉપરાંત સમાજમાં પણ સારું માન-સન્માન સાથે ચાહના ધરાવતા હતા.

જે દિવસે ગોંડલ ખાતે ગરબા ગાવા માટે  જવાનું આમંત્રણ મળ્યું એ દિવસેજ તેઓ  થોડા અસ્વસ્થ હતા. પરિવારના બધાજ સભ્યોએ તબિયતને કારણે ઉજાગરો વેઠવા ન જવા માટે ખુબ સમજાવ્યા પરંતુ દેવીપ્રસાદ એકના બે ન થયા અને "માતાજી મને બોલાવે છે મારે નિશ્ચિત રૂપે જવું જ જોઈએ" આટલું કહી બગલથેલા સાથે ગોંડલ જવા નીકળી પડ્યા.

*****

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સઘન સારવાર વિભાગમાં બીછાને પડેલ દેવીપ્રસાદ બે દિવસ સુધી  બેશુદ્ધ રહ્યા. લો બી.પી.ના દર્દી તો હતા જ એમાંયે મુસાફરીનો થાક, સતત ગાયકીનો શ્રમ. ભાદરવાની ગરમી,અને પહેલેથી જ અસ્વસ્થ તબિયત હોવાને કારણે વધુ અસર પહોંચી હતી એના આઈ.સી.યુ.વોર્ડમાં હસીના નામની એક બત્રીસ વર્ષીય મુસ્લિમ નર્સ એની સતત દેખભાળમાં હતી.

ત્રીજે દિવસે શુદ્ધિમાં આવતા આંખ ખોલી.ઘણા દિવસોથી સઘન સારવાર છતાં એની તબિયતમાં સુધારો થવાને બદલે વધુ બગડતી ચાલી.દેવીપ્રસાદને આગમના એંધાણ વર્તાવા લાગ્યા. એ માની બેઠા કે જીવન લીલાનો છેલ્લો અંક હવે નિશ્ચિત રીતે પૂરો થવામાં છે.ખુલ્લી આંખે ટગર ટગર જોયા કરતા દેવીપ્રસાદની આંખમાંથી અસખલ્લીત આંસુ વહેતા હતા કોઈક માનસિક મૂંઝવણનો અનુભવ થતો હોય એવું સ્પષ્ટ જણાતું હતું. એવામાં એક દિવસ નર્સ હસીનાએ પૂછ્યું, "અંકલ, કેમ રડો છો ? કોઈ તકલીફ થાય છે ? તમારે કંઈ કહેવું છે ? જે પણ તમારા મનમાં હોય એ હું તમારી દીકરી જ છું એમ સમજીને તમે મને કહી દો " 

સોળ સત્તર દિવસે દેવીપ્રસાદના હોઠ ફફડ્યા, કૃશ થઇ ગયેલી કાયા સાથે દેવીપ્રસાદે ઓશિકાના ટેકે બેસવાની કોશિશ કરતાં કહ્યું, "બેટા. મને એક માત્ર ચિંતા સુખેથી સુવા દેતી નથી બે દિવસ પછી નવરાત્રી શરુ થાય છે આ વર્ષે હું માતાજીનું અનુષ્ઠાન કે સ્થાપન ઘેર નહિ કરી શકું.ત્રીસ ત્રીસ વર્ષની મારી માતાજીની સેવા પૂજા, અને ઉપવાસ આ વખતે અહીં દવાખાનામાં હોવાને કારણે મારાથી નહિ થાય એ રંજ મને કોરી ખાય છે.મારી  માડીના મંદિરીયા પણ ધૂપદીપ વિના સૂનાસૂના રહેશે. કેવી લાચાર પરિસ્થિતિમાં મારી જગદંબાએ મને મૂકી દીધો ? મને ભારોભાર અફસોસ સાથે મગજ ઉપર બોજો રહે છે." આટલું બોલતા દેવીપ્રસાદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. બાજુમાં ઉભેલી નર્સ હસીના એમના પલંગ ઉપર બેસી પીઠ પસવારતા બોલી, "અંકલ, ચિંતા ન કરો, હું તમને વચન આપું છું કે હું વિધર્મી હોવા છતાં આ વર્ષે તમારા વતી હું નવરાત્રીના નવે નવ  દિવસ તમારી જેવાજ સખત ઉપવાસ કરી મારે ઘેર અખંડ દિવા સાથે માતાજીના ગરબાનું સ્થાપન કરી, સવાર સાંજ પુરી પવિત્રતા સાથે પૂજન અર્ચન કરીશ.એ બાબતે આપ નિશ્ચિન્ત રહો." આટલું કહી હસીનાએ પોતાનો  જમણો હાથ દેવી પ્રસાદની હથેળીમાં મૂકી વચન આપ્યું. દેવીપ્રસાદે પોતાનો જમણો હાથ હસીનાના માથા ઉપર મુક્તા કહ્યું, "દીકરી, મા ભુવનેશ્વરી તારી બધી જ મનોકામના પુરી કરશે " આટલું બોલતા જ એક  નિરાંત, શાંતિ અને સંતોષ સાથે દેવીપ્રસાદ ઓશિકા ઉપર જ ડોકી ઢાળી ગયા.ગોંડલ જતી વખતે ઘરમાંથી નીકળતા  પૂર્વે પોતે બોલેલા કે " માતાજી મને બોલાવે છે મારે નિશ્ચિત રૂપે  જવું જ જોઈએ " એ સત્ય ઠર્યું  નવરાત્રીની પૂર્વ સંધ્યાએ દેવીપ્રસાદ જગત જનનીની સેવામાં સ્વર્ગે સંચર્યા. 

*****

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી દેવીપ્રસાદના નશ્વર દેહને લઈને મધરાતે એમ્બ્યુલન્સ સૈરાષ્ટ્રના એમના વતન તરફ જવા પુરપાટ વેગે દોડી રહી હતી.મધ્યરાત્રીનો પ્રહર હતો, રસ્તો બિલકુલ નીરવ, સુમસામ અને વાહનવ્યવહાર વિનાનો હતો. વિમાનની ગતિથી દોડતી એમ્બ્યુલન્સ લગભગ સવારના પાંચ-સાડાપાંચના આરસે ગોંડલના પાદરમાં પહોંચી હશે. ગોંડલના શ્રી ભુવનેશ્વરી માતાજીની આરતીનો સમય હતો. શંખનાદ અને ઝાલરના રણકાર સાથે માતાજીની આરતી શહેરના ધોરી માર્ગ સુધી પડઘાતી હતી અને અચાનક એમ્બ્યુલન્સના પૈડાં થંભી ગયા.

એમ્બ્યુલન્સ ચાલકે નીચે ઉતરી ગાડીનું બોનેટ ખોલી તપાસ્યું, બધું જ બરાબર હતું, ડીઝલની ટાંકી પણ છલોછલ ભરેલી હતી સામાન્ય સંજોગોમાં દેખાતું કોઈ કારણ ચાલકને નજરમાં ન આવતા ચાલક મૂંઝાયો.ખુબ કોશિશ કરવા છતાં એમ્બ્યુલન્સ તસુભાર આગળ ન વધી.

એમ્બ્યુલન્સમાં મૃતદેહની સાથે બેસેલ દેવીપ્રસાદના અંગત મિત્રએ થોડીવાર ચિંતા સાથે વિચારમાં પડી જતા ચાલકને કહ્યું " ભાઈ, તું ખોટી મહેનત અને ચિંતા ન કર.આ ગાડી પુરી ચાલીશ મિનિટ સુધી અહીંથી નહીં ચશે, ભુવનેશ્વરી માતાજીની આરતી પુરી થશે, અને અહીં સંભળાતી ઝાલરનો રણકાર બંધ થયે તારી ગાડી આપમેળે ચાલુ થઇ જશે. દેવીપ્રસાદની અનન્ય ભક્તિ,માતાજી ઉપરની શ્રદ્ધાએ આરતી પુરી થાય ત્યાં સુધી આ ગાડીને રોકી રાખી છે,માતાજી તરફથી એની અનન્ય ભક્તિની શ્રદ્ધાંજલિ રૂપે એ દૈવી શક્તિએ એમ્બ્યુલન્સના પૈડાં બાંધી દીધા છે".
અને ખરેખર બન્યું પણ એવું જ માતાજીની આરતી પુરી થયે ઝાલરનો રણકાર અને ઘંટારવ બંધ થતા એમ્બ્યુલન્સ ફરી ધોરીમાર્ગ ઉપર તેજ ગતિથી દોડવા માંડી."
********
વહેલી સવારે દેવીપ્રસાદનો નશ્વરદેહ વતન ખાતે આવી પહોંચ્યો. શહેરમાં વાયુવેગે સમાચાર ફેલાઈ જતા, અસંખ્ય માઇ ભક્તો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,અને સમાજના અગ્રગણ્ય નામી શ્રેષ્ઠિઓના ટોળે ટોળા દેવીપ્રસાદના પાર્થિવ દેહના અંતિમ દર્શને ઉમટી પડ્યા.વાઘેશ્વરી માતાજીના મંદિરના પુજારીએ માતાજીની પ્રસાદીના ફૂલ તથા કંકુ નિર્જીવ દેહ ઉપર વરસાવી તિલક કર્યું, ગાયત્રી શક્તિપીઠના મહંતે માતાજીની પ્રસાદી રૂપે સાથે લાવેલી ચૂંદડી મૃતદેહ ઉપર ઓઢાડી અને દેવીપ્રસાદના પ્રિય ગરબા "માડી તારું કંકુ ખર્યું.... ગાઈ અને સ્મશાન યાત્રા આરંભી. આખે રસ્તે જનમેદની દર્શનાર્થે ઉમટી પડી હતી. "ભગવતી શરણમ મમ:"ના બુલંદ નાદ સાથે દેવીપ્રસાદના પાર્થિવદેહને મુખાગ્નિ અપાયો.
એક તેજનો લિસોટો પોતાનો તેજપુંજ છોડી દિવ્ય જ્યોતિમાં વિલીન થઇ ગયો.
*******
દેવીપ્રસાદના અવસાનને એક વર્ષ વીતી ગયું હશે.
રવિવારનો દિવસ હતો, દેવીપ્રસાદના પત્ની દામિની બહેન તથા પુત્ર ભાગ્યેશ નિત્યકર્મ પરવારી ચુક્યા હતા દરમ્યાન દરવાજે ઘંટડી વાગી. દામિની બહેને દરવાજો ખોલતા સામે એક અજાણી મુસ્લિમ મહિલા એક નાના બાળકને તેડીને ઉભી હતી.
આગંતુક મહિલાએ વિવેક સાથે પૂછ્યું ," આ દેવીભાઈ અંકલનું ઘર છે "?
દામિનીબેને જવાબ આપતા કહ્યું, હા, આ ઘર એમનું જ છે પણ ........"એટલું કહી દીવાલ ઉપર સુખડના હાર સાથેની દેવીપ્રસાદની લટકતી તસ્વીર સામું જોતાં એ મહિલાને ઈશારે સમજાવતાં પૂછ્યું "તમારે કોનું કામ છે ?"
આગંતુક મહિલાએ જવાબ દેતા કહ્યું," હા,મને ખબર છે અંકલ ગયા વર્ષે જ અવસાન પામ્યા છે અંકલની અંતિમ અવસ્થાએ હું જ એમની નજીક દવાખાનામાં હતી"
દામિનીબેને ઉપકારવશ ઘરમાં આવકાર આપતા કહ્યું " બોલો શું કામ છે ?"
મુસ્લિમ મહિલા બાળક સાથે ઘરમાં પ્રવેશી પોતાનો પરિચય આપતા કહ્યું," મારુ નામ હસીના છે મુસ્લિમ છું અને હું અમદાવાદથી આવું છું.ત્યાંની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરું છું. અંકલના છેલ્લા દિવસોમાં હું આઈ.સી.યુ. માં એના જ વોર્ડની ડ્યુટી નર્સ હતી.
વાત એમ છે કૈં અંકલ એની આખરી ઘડીએ કોઈ અગમ્ય મૂંઝવણ અનુભવતા હતા એ સમયે મારા આગ્રહથી પોતાની અંતિમ ઈચ્છા મને કહી હતી તુર્તમાં જ આવતી નવરાત્રીમાં પોતે ઘટ સ્થાપન નહિ કરી શકે અને પૂજા અનુષ્ઠાન પણ નહિ કરી શકે એનો મૂંઝારો તેઓ અનુભવતા હતા એ સમયે મેં એમને વચન આપેલું કે હું વિધર્મી હોવા છતાં માતાજીનું પુરી શ્રદ્ધા, ભક્તિ ભાવથી પૂજા અનુષ્ઠાન કરી અને ઘટ સ્થાપન કરીશ,અને મને અંકલે આશીર્વાદ આપતા કહ્યું હતું કે " બેટા, તારી બધી મનોકામના માં ભુવનેશ્વરી પુરી કરશે " આટલું કહી તેઓએ અંતિમ શ્વાસ છોડ્યા હતા.એ મુજબ બીજે દિવસે નવરાત્રી શરુ થતા હોય,મારી બ્રાહ્મણ સહેલી અને સહકર્મી વંદનાના પિતાજી ત્યાંના હરસિધ્ધિ માતાજીના પૂજારી હોવાથી એમની મદદ અને માર્ગદર્શનથી મેં

સંપૂર્ણ પવિત્રતા સાથે નવ દિવસ અનુષ્ઠાન કરી, ઉપવાસ કરી અને હિન્દૂ રીત રસમ મુજબ ઘટ સ્થાપન કરેલું અને માતાજીની દયા અને વડીલના આશીર્વાદ થી બધું જ સુપેરે પાર પડી ગયું.
વાતને વિરામ આપતા હસીનાએ પોતાની બોટલમાંથી પાણી પી આગળ કહ્યું, " બહેન, મારા લગ્નને પુરા દશ વર્ષ થવા છતાં મારે ખોળે શેર માટીની ખોટ હતી, અમે પતિ પત્નીએ પીર, મૌલા, ઓલિયા-ફકીર, બાબા,સહીત અનેક દરગાહે માથા ટેકવી અનેક મન્નત માની પણ અલ્લાહ તાલાએ અમારી બંદગી કબુલ ન કરી.અંતિમ સમયે અંકલને વચન આપ્યા પછી અંકલના આશીર્વાદ થકી નવરાત્રીનું અનુષ્ઠાન પૂરું થતા જ શરદ પૂર્ણિમાને દિવસે મેં ગર્ભ ધારણ કર્યો અને નિયત સમયે મને પુત્ર રત્ન પ્રાપ્ત થયુ.આ ખરેખર વિશ્વંભરી જગત જનની માં ભુવનેશ્વરીની જ કૃપા અને વડીલના આશીર્વાદનો ચમત્કાર છે એમ માની મેં મારા પુત્રનું નામ પણ ભુવનેશ પાડ્યું છે.ઘટસ્થાપનના દિવસથી જ અમે બન્ને શુદ્ધ શાકાહારી બની ગયા છીએ અને ઘરના એક ખૂણામાં નાનું મંદિર બનાવી, માતાજીનું સ્થાપન પણ કર્યું છે એ દિવસથી હું માતાજીની નિત્ય પૂજા આરતી કરું છું. આજે રવિવાર હોય, હું મારા પુત્ર સાથે ગોંડલ ભુવનેશ્વરી માતાજીને પગે લગાડવા આવી હતી એટલે થયું કે અંકલના ફોટાને પગે લાગી અમે બન્ને આશીર્વાદ મેળવીએ " આટલું બોલતા તો હસીનાની આંખમાં ડબાડબ આંસુ છલકાઈ પડ્યા.પોતે પુત્ર સાથે ઉભી થઇ દેવીપ્રસાદના ફોટાને પગે લાગતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.દામિનીબેને એને શાંત પાડી ચા-નાસ્તો પીરસી, અને એના હાથમાં રૂપિયા પાંચસોની નોટ આપતા કહ્યું," બેટા, કોઈ પણ દેવ-દેવીનું કાર્ય શ્રદ્ધાપૂર્વક કરો તો એ કદી અફળ નથી જતું, જગત જનની તો દયાળુ અને કૃપાળુ છે એ કોઈ દિવસ કોઈનું કરજ રાખતી નથી તારે ત્યાં દશ વર્ષે પુત્ર પ્રાપ્તિ થવી એ એની જ કૃપાનું પરિણામ છે માતાજીએ તારી સેવા પૂજા સ્વીકાર્યાની હાથોહાથ પહોંચ તને આપી છે. ઈશ્વર મનુષ્ય જેવો સ્વાર્થી નથી. આજથી તું પણ મારી દીકરી જ છે એવું સમજજે "
અશ્રુભીની આંખે હસીનાએ વિદાય લીધી એને વળાવવા દરવાજા સુધી આવેલ દામિનીબેન ભીની આંખે એ દેખાતી બંધ થઇ ત્યાં સુધી તેને જતી જોઈ રહ્યા
" શ્રદ્ધા વિનાની જિંદગી જગમાં કદી ફળતી નથી." ફરી એકવાર સાબિત થયું.
*******
એક સત્ય ઘટના આધારિત વાર્તા.