Friday, 25 August 2023

અનાથનો નાથ અનાથ

હિંમતલાલ શહેરની હાઈસ્કૂલમાં કોમર્સ વિભાગના શિક્ષક હતા.વડીલોપાર્જિત મકાનમાં પોતાની પત્ની કુસુમ,અને પુત્ર કુણાલ સાથે આનંદથી જીવતા હતા. હિંમતલાલ ચુસ્ત સિદ્ધાંતવાદી અને શિસ્તના આગ્રહી હતા.એકાઉન્ટ્સ અને ઓડિટિંગના વિષયોમાં તેઓ એટલી હદે પારંગત હતા કે જિલ્લાનો કોઈ પણ શિક્ષક એની બરોબરી ન કરી શકે.એજ હાઈસ્કૂલના શિક્ષક બાબુલાલ એમના બચપણના મિત્ર,સહાધ્યાયી, અને પછીથી સહકર્મી બન્યા હોય બન્ને વચ્ચે ગાઢ મિત્રાચારી હતી.

કુણાલ પાંચ વર્ષનો થયો તે સમયે કુસુમબેનને કિડનીની બીમારી ઘેરી વળી અને ટૂંકી સારવાર દરમ્યાન એનું અવસાન થયું.ત્યારબાદ યુવાન હિંમતલાલને સહ કર્મચારીથી માંડીને બધા સગાવ્હાલાઓ એ પુનર્લગ્ન કરવા  ખુબ સમજાવ્યા પણ યુવાનીના જોશમાં તેઓએ એ વાત નકારી એકલે હાથે કુણાલને મોટો કરી બધી જવાબદારી ઉપાડી લેવાનું સ્વીકાર્યું.   

કુણાલ મોટો થયો.એસ.એસ.સી.પાસ થયો અને બી.કોમ.નો અભ્યાસ કરાવી એમ.બી.એ.સુધી ભણાવવાના, . સ્વપ્ન સાથે હિંમતલાલે એને એશિયાની સર્વશ્રેષ્ઠ કોલેજ "શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ દિલ્હી" ખાતે .ભણવા મોકલ્યો.કુણાલ હોશિયાર પણ હતો.

વર્ષો વીતતા ગયા.કુણાલ બી.કોમ,એમ.બી.એ. ભણીને આવી ગયો.અને દેશની સહુથી મોટી રાષ્ટ્રીયકૃત બેંકમાં  સીધી ભરતી દ્વારા યુવાન વયે બેંકનો ચીફ મેનેજર બની ગયો.લગ્ન પણ થઇ ગયા દરમિયાન નિવૃત થઇ જવા સબબ વૃદ્ધ વિધુર હિંમતલાલ પુત્ર કુણાલ સાથે રહેવા આવી ગયા..   

*******

એક દિવસ હિંમતલાલે પુત્રને પાસે બેસારીને કહ્યું, "બેટા, હું જોયા કરું છું કે સવારથી રાત સુધી તું તારી પ્રવૃત્તિમાં ગૂંચવાયેલો રહે છે.ક્યારેક પણ થોડો સમય કાઢીને વૃદ્ધ બાપની બાજુમાં બેસ તો મને ગમે.આ ઉંમરે અમારે સંતાન પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી હોતી અમારી એકલતા દૂર કરવા સંતાનોની હૂંફની જરૂર હોય છે માત્ર બે ઘડી પાસે બેસે તો પણ મારી એકલતા દૂર થાય અને હું પરિવાર વચ્ચે રહુ છું એવી લાગણી અનુભવાય.થોડો સમય બાપ પાસે પણ બેસો,બધું જ્ઞાન ગૂગલ ઉપર નથી મળતું.

"પપ્પા,તમારી અપેક્ષા વધુ પડતી છે.બેંકના ચીફ મેનેજરના હોદ્દા સાથે કેટલી જવાબદારી હોય છે એની તમને શું ખબર પડે ? આ કોઈ તમે કરી એવી માસ્તરની નોકરી નથી કે છ કલાકમાં ઉલાળિયો કરીને ઘરભેગા થઇ  જવાય.સાંજે મોડા ઘેર આવ્યા પછી મારે પણ ફેમિલી લાઈફ હોય ને ? વાત રહી તમારી એકલતાની, તો ઘરમાં ટી.વી. છે,રેડીઓ છે, મ્યુઝિક સિસ્ટમ છે,એ બધું વાપરો તો પછી એકલતા શેની લાગે ? કુણાલે પોતાની નારાજગી પ્રદર્શિત કરતા કહ્યું.

" બેટા, ટી.વી.રેડીઓથી જો એકલતા દૂર થતી હોતને તો કોઈ મા-બાપ સંતાન ન માગત. જેને સંતાન નથી હોતા એ પણ પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાની એકલતા દૂર કરવા માટે અનાથાશ્રમમાંથી બાળક દત્તક લેતા હોય છે. વિશ્વની સહુથી મોટી યુનિવર્સીટીની ડિગ્રી તમારી પાસે કેમ ન હોય,પણ જે પોતાના બાપની આંખમાં વેદના વાંચી નથી શકતો એ દીકરો અભણ છે. વિશ્વની સૌથી ઉચ્ચ અનુભવની યુનિવર્સીટી મા-બાપ છે .એક ઊંડો નિસાસો નાખતા વૃદ્ધ હિંમતલાલે કહ્યું.

"પપ્પા, હમણાં હમણાં હું જોયા કરું છું કે તમારી કચકચ કઈંક વધી ગઈ છે. હવે ઉંમરનો પ્રભાવ તમારા મગજ  ઉપર હાવી થઇ ગયો છે.મેં તમને ના પાડી છે કે તમારે મને બેંકમાં ફોન ન કરવો છતાં બે દિવસ પહેલાં ચાલુ મિટિંગ દરમ્યાન તમારો ફોન આવ્યો અને મારે બહાર નીકળીને જવાબ આપવો પડ્યો શા માટે આ રીતે પરેશાન કરો છો ?  

"દીકરા,તું મારી ડાયાબીટિઝની ગોળી લઇ આવ્યો હતો પણ અહીં મૂકી જવાને બદલે ભૂલથી તારી ઓફિસ બેગમાં રહી ગયેલ,તને ખબર છે કે એ ગોળી ખાધા પછી અર્ધી કલાકે મારે જમવાનું હોય છે, મને કડકડીને ભૂખ લાગવા છતાં ગોળી ખાધા વિના હું જમી શકતો ન હોવાથી મેં ગોળી માટે ફોન કર્યો હતો અને મને થોડી ખબર હતી કે તું અત્યારે કોઈ મિટિંગમાં હોઈશ ?"લાચારી ભર્યા સ્વરમાં હિંમતલાલે જવાબ આપ્યો."

ધૂંધવાયેલા કુણાલે સામો પ્રશ્ન કરતા કહ્યું "સાંજ સુધી તમેં ભૂખ ન ખેંચી શકો ?સાંજે તો હું ઘેર આવવાનો જ હતો ને ?

હવે હિમતલાલથી ન રહેવાયું તેના તેવર બદલાયા,"કુણાલ, હવે તું મર્યાદા ચુકે છે.તું નાનો હતો અને ઘોડિયામાંથી જરા પણ રોવાનો અવાજ આવે તે ભેગો હું તારા મોઢામાં દૂધની શીશી મુકતો હતો દરેક સમય અને સંજોગમાં મેં અને તારી મા એ તને કોઈ દિવસ ભૂખ્યો નથી રાખ્યો. ક્યારેક અમે ભૂખ્યા રહીને પણ તને ખવરાવ્યું છે.પાંચ વર્ષનો હતો અને તારી મા ના અવસાન પછી હું તારી મા બનીને રહ્યો છું. આ બધું કેમ ભૂલી જાય છે.તને ભણાવ્યો,પરણાવ્યો, નોકરીએ લગાડ્યો,એ દરમ્યાન હું ક્યારેય ડિસ્ટર્બ નહિ થયો હોઉં ? તારી સફળતાનો રોફ તારા માતા-પિતાને ન બતાવીશ કારણકે તેણે પોતાની જિંદગી હારીને તને જીતાડ્યો છે."

 " પપ્પા, ઘરમાં આટલા સુખ સાધન છે,નોકર ચાકર છે, તમને બિલકુલ તકલીફ ન પડે એવું વાતાવરણ છે,તો પછી શાંતિથી જીવો અને જીવવા દ્યોને ? બે ટાઈમ નાસ્તો,બે ટાઈમ ભરપેટ જમવાનું, અને સમયસર તમારી દવા ગોળી એ બધું જ ઉપલબ્ધ છે એથી વધુ તમારી જરૂરિયાત પણ શું છે ? પછી હાયવોય શા માટે કરો છો.વાસ્તવિકતા એ છે કે તમે ગરીબીમાં જીવ્યા છો એટલે તમને સુખસાધનવાળી જિંદગી પચતી નથી પરિણામે કઈંક ને કઈંક શૂળ ઉભા કર્યા કરો છો." કુણાલ ઊંચા અવાજે બોલ્યો. 

હવે હિમતલાલથી સહન ન થયું અને બોલ્યા "હશે, પણ બેટા, મારા સંસ્કાર, સ્વમાન,અને સિદ્ધાંતને તારી સંપત્તિ સાથે એક જ ત્રાજવે ન તોળ.તું સાચો છે કે હું ગરીબીમાં જીવ્યો હોવાથી આ તારી સુખસાહ્યબી પચાવી નથી શકતો, તારી સુખ સાહ્યબી તને મુબારક, અને મને મારી ગરીબી મુબારક" આટલું બોલી હિંમતલાલે ઉભા થઇ, સ્વર્ગસ્થ પત્ની કુસુમબેનનો દીવાલ ઉપર લટકતો ફોટો પોતાના બગલથેલામાં નાખી ઘર છોડીને નીકળી ગયા." વિશ્વનું આ બીજું મહાભિનિષ્ક્રમણ હતું. ઘરમાં યુદ્ધ પછીની શાંતિ છવાઈ ગઈ.

********

હિંમતલાલને ઘર છોડે ત્રણ-ચાર દિવસ થઇ ગયા.એક દિવસ એના બચપણના મિત્ર બાબુલાલ માસ્તર તેને ઘેર આવ્યા.અનેપૂછ્યું " ત્રણચાર દિવસથી હિંમત કેમ નથી દેખાયો,કંઈ બીમાર તો નથી ને ?

કુણાલે બાબુલાલને આવકારતા કહ્યું, "બાબુકાકા, તમને શું કહું ? થોડા દિવસથી એમની કચકચ વધી ગઈ હતી.મારી નોકરી જવાબદારી વાળી છે એ જાણવા છતાં,મારા તરફની એમની અપેક્ષા ધારણા બહારની હતી ત્રણ ચાર દિવસ પહેલા નાની વાતને ગંભીર સ્વરૂપ આપી તેઓ ઘર છોડીને જતા રહ્યા છે "

બાબુલાલ માસ્તરનો ચહેરો બદલાઈ ગયો "શું હિંમત ઘર છોડીને ભાગી ગયો ,કે તેને ભાગી જવા મજબુર કર્યો ? આજે ત્રણચાર દિવસ થયા તેં એને શોધવા શું પ્રયાસ કર્યો ? તેં મને કેમ તુરત ખબર ન આપી ? કુણાલ, આ ઘણું ખોટું થયું છે. કોઈ દિવસ બાપના ઓશિકા ઉપર હાથ ફેરવજે એના ઉપર વ્યથા અને વેદનાનો દરિયો ઉલેચાયેલો દેખાશે.

"બાબુકાકા,મેં એને જતા રોકવા કોશિશ કરી પણ તે ન માન્યા. હમણાં હમણાં તેઓ ખુબ જિદ્દી અને મનસ્વી સ્વભાવના થઇ ગયા છે એટલું જ નહિ પણ એના મગજનું સંતુલન પણ ગુમાવી બેઠા છે ક્યારેક એના બોલવાના પણ ઠેકાણા નથી. "મેં તને ઉછેર્યો,ભણાવ્યો, નોકરીએ લગાડ્યો, પરણાવ્યો" એવી એવી બાબતો ગણાવ્યા કરે છે, બાબુકાકા, સહુ પોતાના સંતાન માટે કરતા જ હોય છે એમાં કહી બતાવવાનું શું હોય,મને તો શું પણ ક્યારેક મારી પત્ની કૃતિકાને પણ ખોટું લાગે છે.

કુણાલની વાત સાંભળતા બાબુલાલ માસ્તરનો ચહેરો લાલઘૂમ થઇ ગયો.અને બોલ્યા,"કુણાલ, હિંમતે કહેલી એક પણ વાત ખોટી નથી.એની દરેક વાતનો હું સાક્ષી છું. હું જો સાચી વાતનો પર્દાફાશ કરીશ તો તારા પગ નીચેની ધરતી સરકી જશે".બાબુલાલ માસ્તરના રુંવાડા ઉભા થઇ ગયા ગુસ્સાથી તમતમી જઇ બોલ્યા "કુણાલ તું કોણ છે એ તને ખબર છે ? તું "ધુલકા ફૂલ "છે. તું હિંમતલાલ માસ્તરનું લોહી નથી, તું સ્વ. કુસુમભાભીની કુખે જન્મેલ સંતાન નથી પણ કોઈ અજાણી સ્ત્રીની નાજાયસ ઔલાદ છે. ફિટકાર છે તારી જનેતાને.આખરે તેં તારી અસલ જાત બતાવી દીધી,તેં તારા લોહીના ગુણ બતાવી દીધા.આજથી છવ્વીસ વર્ષ


પહેલા શહેરના અનાથ આશ્રમને દરવાજે પરોઢિયે કોઈ સ્ત્રી પોતાનું પાપ છુપાવવા અનૌરસ નવજાત શિશુ મૂકી ગઈ હશે, અનાથ આશ્રમે એને ઉઠાવી લઇ,પાળીપોષીને ત્રણ વર્ષનું કરી એનું નામ કનુ આપ્યું. દરમ્યાન નિઃસંતાન કુસુમભાભીના આગ્રહથી હિંમતે એ અનાથ આશ્રમમાંથી એ ત્રણ વર્ષના કનુને દત્તક લઈ ઘેર લઇ આવ્યા.મધ અને ચંદન-કેસર મિશ્રિત દૂધથી સ્નાન કરાવી, શ્રી,ગણેશ ભગવાનનો હવન કરી તને વીધીવ્રત દત્તક લઇ કુણાલ નામ આપ્યું.તું તે અનાથ આશ્રમનો કનુ છે.જે અનાથને આશ્રય આપ્યો એ અનાથના નાથને તેં આજે અનાથ કરી મુક્યો.?" સાચું જ કહયું છે કે ,"લાખો કમાયા હો ભલે, પણ મા-બાપ જેથી ન ઠર્યા ,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ "

બાબુલાલ માસ્તરની આંખમાંથી અગ્નિ વરસતો હતો, ભુવાના પંડમાં જેમ માતાજી આવે અને ધ્રૂજે એમ એ ધ્રુજતા હતા ગુસ્સામાં એની જીભ થોથવાતી હતી, મોઢામાંથી ક્રોધના બાણ છુટતા હોય એમ આગળ બોલ્યા "હિંમત સાચો છે.તું એસ.એસ.સી.પાસ થયો ત્યારે તને દિલ્હી સ્થિત એશિયાની શ્રેષ્ઠ કોમર્સ કોલેજમાં દાખલ કરવાનો પોતાનો વિચાર જયારે તેણે મને જણાવ્યો ત્યારે માસ્તરની ટૂંકી કમાણીમાં દિલ્હીના ખર્ચને પહોંચી ન વળાય તેથી સ્થાનિક કોમર્સ કોલેજમાં દાખલ કરાવવાની મેં સલાહ આપી પરંતુ એ તારી કારકિર્દી બનાવવાની જીદ ઉપર અડગ હતો, અને અંતે પોતાનું ઘર બેંકને ગીરવે મૂકી, લોન લઈને તને દિલ્હી ભણાવ્યો.લોનનો હપ્તો પણ એટલો મોટો હતો કે પગારમાંથી એ ભરી શકે એમ ન હોય,સવારની સ્કૂલ પતાવ્યા પછી ઘેર આવી,જાતે રસોઈ કરી, જમીને, બપોરે બે વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ટ્યુશન કરતો અને એ રીતે લોન ભરપાઈ કરી. આખી જિંદગી તારે માટે ઢસરડો કર્યો. મા-બાપ ઉંમરને કારણે નહિ પણ સંતાનને ઉછેરવામાં ઘરડા થઇ જાય છે.તારી કેરિયર ઈસ્ત્રીદાર બનાવતા બનાવતા મા- બાપના કપાળમાં કરચલી પડી હોય છે. જે માણસે જિંદગીમાં કોઈ દિવસ એરપોર્ટ નથી જોયું એ બાપે અઢાર વર્ષની ઉંમરે દિલ્હી ભણવા મોકલતા તને વિમાનમાં મોકલ્યો.અંતે તને બી.કોમ.એમ.બી.એ. બનાવીને જ જંપ્યો. કુણાલ, તું છાણનો કીડો છે અને તું જ્યાં હતો ત્યાં જ સારો હતો," એકધારું આક્રોશથી બોલતા બાબુલાલ માસ્તરનું ગળું સુકાયું.પાણી પી અને ઘડીક આંખ મીંચીને શૂન્યમનસ્ક અવસ્થામાં બેસી રહ્યા.

એવામાં ટેલિફોનની ઘંટડી રણકી.કુણાલે ટેલિફોન ઉપાડ્યો.

સામેથી અવાજ આવ્યો "તમે કોણ મી.કુણાલ જોશી બોલો છો ?હું સરકારી દવાખાનામાંથી ડો.દેસાઈ બોલું છું .

કુણાલે જવાબ આપ્યો- જી, હું કુણાલ જોશી પોતે બોલું છું.

સામેથી :- દુઃખ સાથે તમને જાણ કરવાની કે,ગઈકાલ સાંજે જે.પી. રોડ ઉપરની ફૂટપાથ ઉપર તમારા પિતાજી હિંમતલાલ જોશીનો મૃતદેહ મળી આવતા અત્રે સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.એમના ખિસ્સામાંથી મળી આવેલ પોકેટ ડાયરીમાં મળેલી વિગતના આધારે તમને ફોન કર્યો છે.એમની સાથે રહેલ બગલથેલામાં કોઈ સ્ત્રીનો ફૂટેલી હાલતમાં ફોટો પણ મળી આવ્યો છે તો તમેં પૂરતા આધાર પુરાવા સાથે અત્રે આવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઇ જઇ લાશનો કબ્જો સંભાળી જશો."

કુણાલના હાથમાંથી ટેલિફોનનું રીસીવર પડી ગયું. કુણાલ અને બાબુલાલ માસ્તર પોક મૂકીને રડ્યા.બન્ને જણ સરકારી દવાખાના તરફ જવા રવાના થયા.

********










Thursday, 24 August 2023

અપશબ્દાવલી

  વિશ્વના જુદા જુદા ભાગોમાં, પ્રદેશમાં અલગ અલગ ભાષા વપરાતી હોય છે તેમ છતાં અપશબ્દો તો દરેક પ્રદેશમાં બોલતા હોય છે. માત્ર ભારતમાંજ નહિ પણ યુરોપ,અમેરિકા, કે અન્ય કોઈ વિદેશમાં એની ભાષા, અને ચલણ મુજબના અપશબ્દો અસ્તિત્વમાં હોય જ છે.

મારી સમજ પ્રમાણે અપશબ્દની વિશદ વ્યાખ્યા હું આ રીતે કરું છું.

"જે શબ્દ, કે શબ્દ સમૂહ,અન્યની લાગણી, સ્વમાન, વ્યક્તિત્વ,અને ભાવનાને ઠેસ પહોંચાડે,અથવા જે શબ્દોથી કે શબ્દ સમૂહથી વ્યક્તિનું ચારિત્ર્ય હનન થતું હોય, એવા શબ્દો કે શબ્દ સમુહને અશ્લીલ ઈશારા, કે અશ્લીલ ઈશારા વિના ગુસ્સો, નફરત, તિરસ્કાર,કે ઘૃણા પ્રદર્શિત કરવાના ભાગ રૂપે, સહેતુક ,કે મશ્કરીના ભાગ રૂપે, અથવા કોઈ હિસંક કે અહિંસક પ્રાણી/પશુ,કે પશુઓના નામ સાથે  સંબોધન કે સરખામણી કરતા જાહેરમાં કે ખાનગી ઉતારીપાડવાના  ઈરાદાથી કરવામાં  આવેલો વાક પ્રહાર એ અપશબ્દ છે. "

આવા અપશબ્દોના બે પ્રકાર છે.

1  બીભત્સ અપશબ્દો,અને 2 નિર્દોષ અપશબ્દો.

1  બીભત્સ અપશબ્દો બોલનારની માનસિકતા અને સંસ્કાર પ્રદર્શિત કરે છે.અમુક કોમની એમાં માસ્ટરી છે. જૂનાગઢમાં કાળવા ચોકની મધ્યમાં દાતણ વેચવા બેસતી ચોક્કસ કોમની સ્ત્રીઓ જયારે અંદરો અંદર ઝગડે ત્યારે જે ભાષા, અને બીભત્સ શબ્દો બોલે એ વિશ્વકોષમાં પણ ન જડે એવા શબ્દો હોય છે જે મેં 1952-1960 દરમ્યાન જોયું છે. ક્યારેક એ શબ્દોને "ની,ના,નું,"  જેવા પ્રત્યયો લગાડીને ગાળ દેવાતી વ્યક્તિના મા-બાપ  શ્વસુર પક્ષ, પત્ની, અને બાળકોને પણ આવરી લેતા હોય છે. કેટલાક અપશબ્દો પશુઓના નામ સાથે ઉપરોક્ત પ્રત્યયોને લગાડીને વ્યક્તિના જન્મદાતા/જન્મદાત્રીને પશુ યોનિના દર્શાવે છે. પોતાના ગુસ્સા, નફરત, અને ધિક્કારને શારીરિક રીતે હુમલો કરવાને બદલે શાબ્દિક હુમલાથી ઘાયલ કરતા હોય છે.મને યાદ છે ત્યાં સુધી 1955-60 ના અરસામાં રાજકોટની ધર્મેન્દ્ર સિંહજી કોલેજના એક કુલીન કુળ કુટુંબના, ઉચ્ચ જ્ઞાતિના પ્રાધ્યાપક  અપશબ્દો બોલવામાં એટલા નિષ્ણાત હતા કે પંદર મિનિટમાં એક સાથે સો અપશબ્દો એકી શ્વાસે કોઈ પણ શબ્દ રીપીટ ન થાય એમ બોલતા હતા એ એનું પ્રાવીણ્ય હતું,

2.નિર્દોષ અપશબ્દો :- આ શબ્દો એવા છે કે લગભગ સારા, સંસ્કારી ઘરોમાં પણ અવારનવાર વપરાતા  હોય છે જેમકે " સાલા, ડફોળ, અક્કલમઠ્ઠો,ડોબો મૂરખ ," વિગેરે.એમાં સામી વ્યક્તિને પશુઓ નામ વાપરીને પણ ક્યારેક અપમાનિત કરતા હોય છે.બીભત્સ  શબ્દ પ્રયોગ કર્યા  વિના પણ અપમાનિત કરતા આવા શબ્દો સામી વ્યક્તિના વ્યક્તિત્વને ઝાંખું પાડવાનો પ્રયાસ છે. આવા શબ્દો ઉપરાંત એક સામાન્ય લાગતો અપશબ્દ એવો છે જે વ્યક્તિના એક સાથે નવ પાસાને આવરી લઇ વ્યક્તિને હલકી ચીતરાય છે એ શબ્દ છે "નુગરો" (નુઘરો) આ શબ્દ બોલનારને પણ ક્યારેક એના અર્થની ખબર હોતી નથી ક્યાંક સાંભળ્યો હોય એટલે પોતે વાપરી બેસે છે પણ શબ્દકોશમાં એની વ્યાખ્યા જોવાથી ખ્યાલ આવે કે સામી વ્યક્તિને કેટલી હદ સુધી હલકી ચીતરી  અને માનસિક આઘાત પહોંચાડે છે.એક શબ્દ કોષ પ્રમાણે "નુગરા"ની વ્યાખ્યા આ મુજબ છે."ગ્રામ્ય બોલીમાં વારંવાર વપરાતો એક તિરસ્કૃત શબ્દ "નુગરો" છે. નુગરો એટલે શું, અને આવા નુગરા માણસને ઓળખવાના એંધાણો શું શું હોઈ શકે, તે બાબતને ચરિતાર્થ કરતી એક રચના અહીં રજૂ કરું છું. જેમાં નુગરા જણની નવ નિશાનીઓ વર્ણવી છે."

1) આપેલું ઊગે નહીં, અખંડ અવગુણ ગાય, ધીર્યેય ન ધરાય' ઇ નક્કી નિશાની નુગરા તણી.

2)ભોળવીને ભૈયાપો કરે, પછી ખંખેરીને ખાય! પ્રપંચે પોરહાય,ઇ નક્કી નિશાની નુગરા તણી

3)ઉઠતાં ઓહણ ખોતરે , ભરમાવે ભેળો રઇ, લાજ કે શરમ નંઇ, ઇ નક્કી નિશાની નુગરા તણી

4) નીરખેથી નમાલો ઠરે, પણ હૈયે રાખે હાણ, થાય જાણીને અજાણ, ઇ નક્કી નિશાની નુગરા તણી

5)આગળ આવી ઉમંગ કરે, વાંહે વેરી થાય ,કરગરતો કતરાય, ઇ નક્કી નિશાની નુગરા તણી

6)શુભ અવસરે જ સાચવે, નુગરાવટ ની વાટ, પછી' ઘડે કમધા ઘાટ, ઇ નક્કી નિશાની નુગરા તણી

7)પારકાંના પગમાં પડે , શેણે સામો થાય ,કુલખણે ના લોપાય, ઇ નક્કી નિશાની નુગરા તણી

8)વિરોધીથી વાલપ કરે, ને ઘરેણીયા થી ઘાત ,કાયર ને કમજાત,ઇ નક્કી નિશાની નુગરા તણી.

9)કાળોતરો ને કાબરો, વિષિયલ વશમાં થાય, પણ સદાય છટકી જાય, ઇ નક્કી નિશાની નુગરા તણી.

નવે નિશાની નુગરા તણી, જેની શબ્દો પૂરે શાખ, નિજાનંદ કહે નારાયણા, એવા નુગરાથી નોખો રાખ ."

સામાન્ય લાગતો આ એક શબ્દનું કેટલું ભયંકર અર્થઘટન છે. એટલે જ જયારે આપણે કોઈ શબ્દનો અર્થ ન જાણતા હોઈએ ત્યાં સુધી એ શબ્દ ન વાપરવો જોઈએ,.એટલે કહેવાયું છે કે

" शब्दों को दांत नहीं होते,

फिरभी जब वो काटते हे तो इनकी बेहद पीड़ा होती हे,

कभी कभी तो जीवनके अंत तक ये पीड़ा रहती हे !

આ બાબતે હું નાનો હતો ત્યારે મારા સ્વ. શિક્ષક પિતાજીએ મને એક વાર્તા કહેલ.

એક નાના ગામમાં એક કઠિયારો રહેતો હતો. દિવસ ઉગતા પોતાની કુહાડી લઈને જંગલમાં લાકડા કાપવા નીકળી જતો. સૂર્યાસ્ત સમયે લાકડાનો જંગી જથ્થો લઈને ઘેર આવતો.એ લાકડાની નાની નાની ભારી બનાવી વેંચી પોતાનો જીવન નિર્વાહ ચલાવતો હતો

એક દિવસ સૂર્યાસ્ત સમયે ભારો લઈને પાછા ફરતા, જંગલના એક ખૂણે એક સિંહને પરાધીન અને લાચાર સ્થિતિમાં સૂતેલો જોયો.કઠિયારો તેની નજીક ગયો અને જોયું કે સિંહના એક પગમાં બાવળનો મોટો કાંટો ઘુસી ગયો હતો અને પગમાંથી લોહી ચાલ્યું જતું હતું .કઠિયારાને દયા આવી. અને સિંહના પગમાંથી કાંટો કાઢી આપ્યો પોતાની મસકમાંથી પાણી કાઢી પગમાંથી નીકળતું લોહી ધોઈ, સાફ કરીને ફાળીયામાંથી લીરો ફાડી પાટો બાંધી આપ્યો.લાચાર સિંહે રાહતનો શ્વાસ લીધો,અને ઉપકારવશ નજરે તેનો આભાર માન્યો.

કઠિયારો આટલું કરીને આગળ ચાલવા લાગ્યો ત્યારે સિંહ પણ એની પાછળ પાછળ જઇ કઠિયારાના ઘર સુધી પહોંચી ગયો.આમ ઉપકારવશ સિંહ તેનો મિત્ર બની કઠિયારાની સાથે તેને ઘેર રહેવા લાગ્યો.

એક દિવસ બહાર ફળિયામાં ખાટલો ઢાળી કઠિયારો બેઠો હતો, ખાટલાના પાયા પાસે સિંહ અર્ધ મીંચેલી આંખે બેઠો હતો,એ દરમ્યાન કાઠિયારાનો મિત્ર એને મળવા આવ્યો, ડેલી ખખડાવી, કાઠિયારે આવકાર આપતા કહ્યું

"આવ,, આવ,ઘણા વખતે દેખાણો " મિત્રએ ડેલી પાસે ઉભી કહ્યું " હું આવું કેવી રીતે આ સિંહની મને બીક લાગે છે" કઠિયારાએ જવાબ દેતા કહ્યું " અરે બીવે છે શું ? એ તો આપણા પાળીતા કુતરા જેવો છે, ચાલ્યો આવ,કંઈ નહીં કરે " કઠિયારાના શબ્દો કાને પડતા સિંહ જાગૃત થયો અને કઠિયારા સામે કરડી આંખે જોયું,

મળવા આવેલ મિત્ર જતા, સિંહ ઉભો થયો, ખાટલા નીચે રહેલ કુહાડી બતાવતા કઠિયારાને કહ્યું "ઉઠાવ આ તારી કુહાડી અને હોય એટલી તાકાતથી મારા માથામાં ફટકાર, જો તું એમ નહિ કરે તો હું તને હમણાં જ અહીં ફાડી ખાઈશ.એ ઘા જ્યાં સુધી રૂઝાશે નહિ ત્યાં સુધી હું તને યાદ રાખીશ. તેં મારા પગનો કાંટો કાઢી મને જીવતદાન દીધું એ ઋણ નીચે હોવાથી તારી રક્ષા કરવા મિત્ર તરીકે હું અહીં રહેતો હતો. એનો અર્થ એ નથી કે તું મને "પાળેલ કૂતરો " સમજી અને જંગલના રાજાને એક સામાન્ય રખડતા પ્રાણી સાથે સરખાવ .ઉઠાવ કુહાડી અને મને ફટકાર."

પોતાના મિત્ર જેવા સિંહનું રૌદ્ર સ્વરૂપ જોઈ કઠિયારો ભયભીત થઇ ગયો અને ધ્રુજતા હાથે સિંહના માથાંમાં કુહાડીથી પ્રહાર કર્યો, લોહી લુહાણ સિંહ ઘર છોડી ને જતા જતા કહી ગયો કે, "તારી કુહાડીનો ઘા રૂઝાશે ત્યાં સુધી હું તને યાદ રાખીશ આજ પછી મારી નજરે ન ચડતો, જ્યાં પણ તું દેખાયો ત્યાં થી તું જીવતો પાછો નહિ જા"

વાર્તાનું મોરલ સમજાવતા મારા સ્વ.પિતાશ્રી કહેતા કે " કોઈ ઉપર આપણુ ઋણ હોય એનો અર્થ એ નથી કે એ વ્યક્તિ સદાકાળ આપણો ગુલામ બની જાય અને ગમે તેવા શબ્દો કહી તેને અપમાનિત કરો.જો પ્રાણીઓને પણ પોતાનું સ્વમાન હોય તો માણસને સ્વમાન હોય જ એ નિશ્ચિત છે, તેથી કોઈનું દિલ દુભાય, કે સ્વમાન ઘવાય એવા વચનો આપણે ન બોલવા જોઈએ,

મહાભારત એટલેજ સર્જાયું."આંધળાના આંધળાજ હોય ને ?" દ્રૌપદીએ બોલવાની જરુર જ નહોતી. માત્ર એક વાક્યનું પરિણામ શું આવ્યું એ એણે ભોગવ્યું અને આપણે જોયું /વાંચ્યું.







 

 

Thursday, 8 June 2023

ઋણાનુબંધ

 ઋણાનુબંધ

મોરબી, રાજાશાહીના વખતથી સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું, મચ્છુ નદીને કાંઠે વસેલું (તે સમયે રાજકોટ જિલ્લાનું) એ નાનું પણ સુખી-સમૃધ્ધ શહેર હતું. મોરબીનો સીરામીક ઉદ્યોગ દેશભરમાં જાણીતો હતો જતે દિવસે ઘડિયાળના ઉદ્યોગે પણ માત્ર ગુજરાત,ભારતમાંજ નહિ પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવી હતી.

11 ઓગસ્ટ 1979ના ગોઝારા દિવસે બપોરના ત્રણ અને ત્રીસ મિનિટે રજવાડી મોરબી ઉપર કાળના ઓળા  ઉતરી પડ્યા. કુદરત રૂઠી.સાક્ષાત યમદૂત જાણે તાંડવ ખેલતા હોય એમ મોરબી શહેર ઉપર ભયંકર પૂર પ્રલયે ભરડો લીધો. અત્યંત ભારે વરસાદ અને પૂરને મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં.

 રળીયામણું મોરબી શહેર પળભરમાં સ્મશાનમાં તબદીલ થઇ ગયું. આ ગોઝારા દિવસની બપોરે મોરબીમાં સામાન્ય જનજીવન ધબકતું હતું. પરંતુ ઉપરવાસના ભારે વરસાદના કારણે મહાકાય ગણાતા મચ્છુ ડેમના રાક્ષસી કદના મોજા મોરબી શહેર પર ફરી વળતા ભયાનક પુર આવ્યું હતું. મચ્છુના પૂરે જાનમાલની ભયાનક નુકશાની કરવાની સાથે તબાહીનું તાંડવ પણ કર્યું હતું. મકાનો અને મોટી ઇમારતો એક જ જાટકે તહસ નહસ થઈ ગઈ હતી.થોડી જ વારમાં અડીખમ ઊભેલું મોરબી શહેર હતું ન હતું થઈ ગયું. આ પુરમાં હજારો લોકો મોતને ભેટયા હતા. સાથે પશુધનની પણ ભારે ખુવારી સર્જાઈ હતી. એક અંદાજ પ્રમાણે અઢારસો થી પચીસ હજાર સુધીનો મૃત્યુ અને સો કરોડની સંપત્તિનો નાશ થઇ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ. લોકો પહેરેલ કપડે જીવ બચાવવા દોડ્યા,જયારે ઘણા લોકોને તો બચવાનો મોકો પણ મળ્યો ન હતો.પૂરપીડિતોને મદદે આજુબાજુના શહેરો,રાજ્ય સરકાર, રાજ્યના અન્ય શહેરો ઉપરાંત જુદી જુદી એન.જી.ઓ.ઉંમટી પડ્યા . 

મોરબીની ઘડિયાળની એક નામી અને પ્રતિષ્ઠિત કંપનીમાં એક વિપ્ર યુવાન  ઇંજિનિયર નારાયણ ઉચ્ચ હોદા ઉપર કામ કરતો હતો. એ યુવાન તથા એની ગર્ભસ્થ પત્ની લક્ષ્મી પણ ધસમસતા પાણીના પ્રવાહમા તણાઈ અને ડૂબવા લાગ્યા.કેટલાક સાહસિક અને ઝાંબાઝ તરવૈયાઓએ સામે પાણીએ કૂદી એ ત્રણેય જીવને બચાવી પૂરપીડિતોની વ્હારે આવેલ અમદાવાદની એક એન.જી.ઓ,ને સોંપી દીધા..તહસનહસ થઇ ગયેલા એવા કેટલાય પરિવાર જનોને આ સંસ્થાએ આશરો આપી અમદાવાદ ખાતે લઇ ગયા.

*********

જેટલા અસરગ્રસ્ત પરિવારને સંસ્થા લાવી હતી એ બધાની દેખભાળ, સારસંભાળ તથા કાળજી ઉમદા માનવીય વ્યવહાર સાથે લેવાતી હતી.ધીમે ધીમે માનસિક આઘાતમાંથી બહાર આવતા કેટલાક લોકોને સામાન્ય નોકરી અપાવી પુનર્વસન કરવાનું પણ કાર્ય કર્યું. એ જ રીતે નારાયણને કોઈ ખાનગી કંપનીમાં સાધારણ પગારથી નોકરી અપાવી પગભર કર્યો 

સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દે કામ કરતો વૈભવશાળી જીવન જીવતો નારાયણ એક અતિ સામાન્ય માણસની જિંદગી જીવતો થઇ ગયો. આલીશાન ભવ્ય બંગલાનો માલિક હવે અજાણ્યા શહેરમાં એક રૂમ રસોડાના નાના ફ્લેટમાં ભાડેથી રહેવા લાગ્યો તેમ છતાં નારાયણ હિંમત ન હાર્યો, ધીરજ અને ધગશથી અન્ય સારી નોકરીની તલાશ કરતો જ રેહતો હતો  

એક દિવસ નારાયણ અને પત્ની લક્ષ્મી અમદાવાદના સી.જી.રોડ ઉપર કોઈક પરચુરણ ખીરીદી માટે રિક્ષામાં જતા હતા એવામાં અચાનક લક્ષ્મીને પ્રસુતિની પીડા ઉપડી.અસહ્ય પીડાથી પીડાતી લક્ષ્મી પરસેવે રેબઝેબ થવા માંડી, શરીર ઠંડુ પાડવા માંડ્યું સમય વર્તી નારાયણ નજીકના "હરિકૃપા મેટરનિટી હોમ"માં લક્ષ્મી સાથે પહોંચ્યો.

ડોક્ટરને બધી વાત વિગત કહેતાં નારાયણે પોતાની સમગ્ર હકીકત વર્ણવી.મોરબીની જળ હોનારતમાં કઈ રીતે પહેરેલ કપડે જીવ બચાવીને નીકળ્યા, અને આજે એક પૈસો પણ એની પાસે ન હોવાથી એક સામાજિક સંસ્થાને આશરે કેવા દિવસો વિતાવ્યા એ વિગતે જણાવતા નારાયણે રડતા રડતા કહ્યું કે "સાહેબ, હું પ્રસુતિના ખર્ચથી વિદિત છું પણ આજે મારી પાસે આપની ફી આપવા માટે રાતી પાઇ પણ નથી. મેં જે પાંચ હજાર રૂપિયાની બચત કરી છે એમાંથી પત્નીની દવા લેવાની રહેશે.આપ સુપાત્રે દાન  કરવાની ભાવનાથી જો એક વિપ્રને મદદ કરી શકો તો હું જિંદગીભર તમારો ઉપકાર નહિ ભૂલું."

નારાયણની આંખમાંથી ટપકતા આંસુથી ડોકટરના હૃદય-સાગરમાં દયા અને કરુણાનું પૂર ઉમટ્યું.

ડોકટરે કહ્યું,"ભાઈ તું જરાયે ચિંતા ન કર.મોરબીની એ વખતની પરીસ્થીથી હું પૂરો જાણકાર છું.તારી પત્નીની નિઃશુલ્ક પ્રસુતિ કરાવ્યાથી મેં પૂર રાહત ફંડમાં ફાળો આપ્યો છે એવું હું સમજીશ.મારી ફી બાબતે તું લેશમાત્ર ચિંતા ન કરીશ એટલું જ નહિ પણ જે કોઈ જરૂરી દવા હશે એ પણ હું પુરી પાડીશ."આટલું કહી લક્ષ્મીને પ્રસુતિ ખંડમાં લઇ જઇ  તપસ્યા પછી કહ્યું કે " મા અને ગર્ભસ્થ શિશુની હાલત જોતા બહેન લક્ષ્મીને સિઝેરિયનથી પ્રસુતિ કરાવવી પડશે, ચિંતાનું કોઈ કારણ નથી બધું આરામથી પાર પડી જશે "

અને ડોકટરે આપેલ વચન પ્રમાણે લક્ષ્મીની પ્રસુતિ,સારવાર બધું જ નિઃશુલ્ક નિર્વઘ્ને પૂરું થયું.ડોકટરે પોતાની માનવતા સાથેની ઉદારતા બતાવ્યાના બદલામાં આંસુ ભીની આંખે લક્ષ્મી-નારાયણે  ડોક્ટરના ચરણસ્પર્શ  કરતા કહ્યું, "સાહેબ, સાચો માણસ એ જ છે જે નાના માણસની કદર કરે છે કેમકે  દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા તમારા ઉપર ઈશ્વરની એ  વિશેષ કૃપા છે." કહી  ખુબ ખુબ આશીર્વચન આપી ઘેર ગયા.ડોક્ટર પણ જરૂરિયાત મંદ એક  પરિવારને મદદ કરી ખુશ હતા.

*******

વર્ષો પછી એક દિવસ ડોક્ટર પત્નીએ પતિને પૂછતાં કહ્યું," સ્નેહાએ આ વર્ષે ભણી લીધું અને એની તાલીમ પણ પુરી થઇ ગઈ છે તો હું એવું વિચારું છું કે આ વર્ષે આપણે કેનેડા અને અમેરિકાનો પ્રવાસ કરી આવીયે તો કેમ ? ડોકટરે જવાબ આપતા કહ્યું "હું પણ એ જ વિચારતો હતો. સવાર સાંજ સતત દવાખાનું, દર્દીઓ, પ્રસુતિ અને ઓપરેશનોથી હું પણ થાક્યો છું અને મને પણ વાતાવરણ ફેરથી તાજા થવાની જરૂર લાગે છે. હું આજે જ ટ્રાવેલ એજન્ટ મારફત આપણી ટિકિટ તથા હોટેલનું બુકીંગ કરાવી દઉં છું."અને ડોક્ટર પરિવાર રજાના દિવસો ગાળવા વિદેશ જવા રવાના થયા.

*******


ડોક્ટર પરિવાર કેનેડાની અદ્યતન હોટેલમાં પ્રવેશ્યા. સ્વાગત કક્ષમાં બેસેલ અમેરિકન મહિલાએ પુષ્પગુચ્છથી સ્વાગત કરતાં સૂચના આપતા કહ્યું કે,"તમે  ભારત પરત ફરો ત્યાં સુધીની તમારા હરવા-ફરવા માટે હોટેલ તરફથી જ વાહનની સુવિધા ઉપલબ્ધ થશે તેથી તમારે કોઈ ચિંતાનું કારણ નથી "

દશ  દિવસમાં તો કેનેડાના જાણીતા સ્થળો, વેનકુંવર, ટોરેન્ટો,વ્હઇસ્લર,નાયેગ્રા ધોધ,Montreal Jazz Festival,વિગેરે સ્થળોએ મુલાકાત લઇ ડોક્ટર પરિવારે ભારત પરત ફરવાની તૈયારી કરી.

વિદાય લેવાના આગલે દિવસે સાંજે હોટેલની સ્વાગત કર્મચારીણીએ ડોક્ટરની રૂમમાં રૂબરૂ જઈ અને કહ્યું, કે, "આજ રાતનું ભોજન  અમારા મેનેજીંગ ડિરેક્ટર અને મેનેજર તરફથી વિદાય શુભેચ્છા રૂપે હોય આપને આમંત્રણ મોકલ્યું છે."

ડોક્ટર પરિવાર વિસ્મય પામી ગયો.જિંદગીમાં આ પહેલો જ અનુભવ હતો કે વિદેશી હોટેલનો માલિક પોતાના અજાણ્યા ભારતીય ગ્રાહકને સહપરિવાર શુભેચ્છા રૂપે ભોજન માટે નિમંત્રી વિદાય આપતો હોય 

રાત્રી ભોજનનો સમય થતાં ડોક્ટર પરિવાર ભોજન ખંડમાં પ્રવેશ્યા.

 વિશાળ ભોજન ખંડના દરવાજે " The Managing Director, Manager and Staff of the Hotel, pleased to Welcome you.". લખેલું બેનર જોયું. વિવિધ પુષ્પોથી શણગારેલ,ચારે બાજુ ઝગમગતી રોશની, શિસ્તબદ્ધ ઉષ્માભર્યા સ્વાગતથી ડોક્ટરને ન સમજાય એવું આશ્ચર્ય થયું.ડોક્ટર મૂંઝાયા, આ બધું શું છે ? આટલા પ્રેમથી આવું સ્વાગત કરનાર હોટેલ માલિક કોણ છે ?આવા મનોમન ઉઠતા પ્રશ્નોએ ડોક્ટરને ગૂંગળાવી મુક્યા. 

થોડીવારે સફેદ સિલ્કની સાડી, અર્ધ રૂપેરી વાળ,ચહેરા ઉપર મૃદુતા વાળી સુંદર આધેડ જાજરમાન મહિલા સાથે ફ્રેન્ચ કટ દાઢીધારી,પુરી ઊંચાઈ ધરાવતો, રૂપાળો યુવાન દાખલ થયા.મહિલાના અંગત સચિવે ડોક્ટર સાથે પરિચય કરાવતા કહ્યું કે  "મેડમ આ હોટેલના મેનેજીંગ ડાયરેક્ટર છે, અને એની સાથેનો યુવાન મેનેજર એનો પુત્ર છે. આધેડ મહિલાએ ડોક્ટરને પુષ્પગુચ્છ  આપી ભારતીય પ્રણાલી મુજબ સ્વાગત કર્યું, જયારે યુવાન મેનેજર ડોકટરને પગે પડી ચરણ સ્પર્શ કરતા જ ડોક્ટરના આશ્ચર્યનો પાર ન રહ્યો.

ભોજન ટેબલ ઉપર ગોઠવાતા, ડોકટરે મૌન તોડ્યું અને પૂછ્યું " મેડમ, આ બધું શું છે, આ હોટેલના દરેક ગ્રાહકને શું તમે આ જ રીતે વિદાય આપો છો ? મને કઈ સમજાયું નહિ."

આધેડ મહિલાએ હળવા સ્મિત સાથે કહ્યું "સાચું છે,ડોક્ટર તમને કદાચ નહિ સમજાય. હું એની સ્પષ્ટતા કરું.

" અમારી હોટેલના દરેક ગ્રાહક માટેનો આ શિરસ્તો નથી,પણ તમે અમારા ખાસ મહેમાન છો તેથી ભૂતકાળનું  અંશતઃ ઋણ ચૂકવવાના ઉદ્દેશથી તમારો  વિદાય સમારંભ ગોઠવ્યો છે "

"ભૂતકાળનું ઋણ ? તમારા  ઉપર ? એ કેવી રીતે ?" ડોક્ટર વધુ નવાઈ પામતા બોલી ઉઠયા .

મહિલાએ ઉત્તર વાળતા કહ્યું " સાહેબ, યાદ કરો.આજથી ત્રીસ વર્ષ પહેલાં મોરબી પૂર પીડિત નારાયણ અને લક્ષ્મી લાચાર અને નિઃસહાય હાલતમાં આપને દવાખાને આવ્યા હતા. ગર્ભવતી લક્ષ્મીને પ્રસુતિની પીડા ઉપડતા આપે એની પ્રસુતિ તથા સારવાર નિઃશુલ્ક કરી હતી. એ લક્ષ્મી હું પોતે જ અને આપે પ્રસવ કરાવેલ


બાળક તે આ મારો પુત્ર સ્નેહીત. 
થોડા વર્ષો પહેલા મારા પતિ નારાયણનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું પરંતુ આપે અમારી મુશ્કેલીના દિવસોમાં કરેલી નિઃશુલ્ક સારવારનું કરજ છેલ્લે સુધી એને ખટકતું હતું. એ કરજ ચૂકવી ઋણ મુક્ત થવા પોતે તો હયાત ન રહ્યા. પણ ઈશ્વરે અમને આજે તક આપતા આપના ઋણમાંથી અંશતઃ મુક્ત થયાથી નારાયણના સદગત આત્માને પણ શાંતિ મળશે.આપે આ હોટેલનું કોઈ ભાડું કે અન્ય વિશેષ સુવિધા ભોગવ્યા માટે કોઈ બિલ ચૂકવવાનું રહેતું નથી.તમે ગ્રાહક નહિ પણ પરિવારના સભ્ય છો" આટલું બોલતા કેનેડાની શાનદાર પ્રતિષ્ઠિત હોટેલની મેનેજીગ ડાયરેક્ટર લક્ષ્મીની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા.

*******

લક્ષ્મીની વાતથી આશ્ચર્ય સાથે ભાવવિભોર થતા ડોકટરે પૂછ્યું," તમે છેલ્લે દવાખાને આવ્યા પછીથી   નારાયણના કોઈ સમાચાર જ  નહોતા.બહેન,જયારે દશા બદલાય છે ત્યારે દિશા પણ બદલાય છે. તમારી  કષ્ટદાયક સફરનો હું સાક્ષી છું પણ આટલી પ્રગતિ કઈ રીતે કરી "? . 

લક્ષ્મીએ જવાબ દેતા કહ્યું " સાહેબ,તમે જાણો જ છો કે મોરબી છોડીને પહેરેલ કપડે એન.જી.ઓ.ને આશરે અમદાવાદ આવ્યા પછી નારાયણને પગભર કરવા સંસ્થાએ સાધારણ પગારથી એક નાની નોકરી અપાવેલ, નજીવા પગારમાંથી બે છેડા માંડ ભેગા થતા હતા ક્યારેક તો અમારે ભૂખ્યા સુઈ રેહવું પડ્યું હતું  દરમ્યાનમાં નારાયણ રોજ જુદી જુદી જાહેરાતો વાંચી કોઈ સદ્ધર નોકરીની શોધમાં હતા.એકવાર મુંબઈની કોઈ મોટી કંપની ની જાહેરાત આવતા નારાયણે તે માટે પ્રયાસ કર્યો અન્રે ઈશ્વર કૃપાથી મુંબઈ ખાતે ખુબ જ સારા પગાર,અને  વિપુલ સુવિધાઓ સાથે નોકરી મળતાં અમે મુંબઈ આવી સ્થિર થયા. સ્નેહીત મોટો થઇ હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી,એના કચ્છી મિત્ર કે જે આ હોટેલનો માલિક હતો તેણે નોકરી અર્થે  સ્નેહીતને અહીં બોલાવ્યો. બે-એક વર્ષ પછી સ્નેહીતની કામગીરી અને મહેનતથી  હોટેલની પ્રગતિ અને વધતી જતી પ્રતિષ્ઠાથી પ્રભાવિત થઇ કચ્છી મિત્રએ તેને ભાગીદાર બનાવ્યો.

2001માં કચ્છમાં ભૂકંપ આવતા, કચ્છી મિત્રના મા-બાપ બુરી રીતે પાયમાલ થઇ જતા, તેણે આ હોટેલ સ્નેહીત ને વેંચી પોતે કાયમ માટે કેનેડા છોડી કચ્છમાં વસવાટ કર્યો અને ધીમે ધીમે અમે પણ મુંબઈ છોડી અહીં સ્થિર થયા.દરમ્યાનમાં 2003માં નારાયણને હૃદયરોગનો હુમલો આવતા તેઓ પરલોક સિધાવ્યા અને અમે મા-દીકરાએ હોટેલનો વહીવટ સંભાળી લીધો. આ રીતે અમારા દારુણ દુઃખના દિવસો પુરા થયા અને અમારા જીવનમાં સુખનો સુરજ ઉગ્યો. ડોક્ટર સાહેબ,સફળતાના કપડાં તૈયાર નથી મળતા એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ..નારાયણની ધગશ,પ્રામાણિકતા,અને મહેનતનું આ પરિણામ છે

લક્ષ્મીની વાત વિગતે સાંભળતા ડોક્ટર ગળગળા થઇ ગયા.અને કહ્યું ,"બહેન, જીવનમાં ચડતી પડતી એ નિયતિએ નક્કી કરેલું ચક્ર છે તેમ છતાં તમારી અને નારાયણની ઈશ્વર ઉપરની શ્રદ્ધા, વિશ્વાસ અડગ ધૈર્ય,અને હિંમતને દાદ દેવી પડે.વર્ષો જૂની વાત યાદ રાખીને તમે અમારી જે સરભરા કરી છે ત્યારે આ કોઈ પૂર્વજન્મનું ઋણાનુબંધ હોય એવું મને લાગે છે. ખરેખર આજે અમે સાચા લક્ષ્મી-નારાયણને દ્વારે આવી ઉભા છીએ એવી અનુભૂતિ થાય છે, ભારત આવો ત્યારે અવશ્ય મળજો અને અમારા જેવું કાંઈ પણ કામ હોય અમને યાદ કરી ઉપકૃત કરજો.

આટલું બોલી ડોક્ટર પરિવાર વિમાન મથકે જવા તૈયાર થયા.લક્ષ્મી અને સ્નેહીત તેને વળાવવા વિમાન મથક સુધી પોતાની વૈભવી કારમાં લઇ ગયા.વિમાન મથકે આવી પહોંચતા સજળ નયને લક્ષ્મી અને સ્નેહીત ડોક્ટરને પગે લાગી ચરણસ્પર્શ કરી વિદાય આપી. ડોકટર પત્ની અશ્રુ ભીની આંખે લક્ષ્મીને ભેટ્યા,જયારે ડોક્ટરે ચશ્મા ઉતારી આંખના ભીના ખૂણા સાફ કર્યા.

*****


.







 



 

  • Vancouver – Best for Culture.
  • Toronto – Best Multicultural Experience.
  • Whistler -The Best Place to Ski in Canada.
  •  – Best Music Festival.
  • Niagara Falls

 








Wednesday, 31 May 2023

હું જાઉં છું.

હું જાઉં છું. 

જૂનાગઢ જિલ્લાનું એક નાનું ગામ.

ખાધેપીધે સુખી એવા છ-સાત વિઘાની જમીનનો ધણી વેલજીભાઇ સુખી ગ્રામ્ય જીવન વિતાવતો હતો.એને એક માત્ર પુત્ર ભગવાનજી. એની ફઈએ નામ પાડ્યા પછી આજસુધીમાં કોઈ એ નામથી એને ઓળખતું જ નહોતું. ગામમાં, મિત્રોમાં અને ઘરમાં પણ એને  ભગા નામથી જ બધા ઓળખતા.નિશાળે ભણવા બેસાર્યો ત્યારે શાળાના રજીસ્ટરમાં ભલે ભગવાનજી  લખાયું હોય પણ શિક્ષકો અને સહાધ્યાયીઓ પણ તેને ભગા થી જ સંબોધિત કરતા હતા.

ભગો એના પિતાનું .એક માત્ર સંતાન અને વારસદાર હોવા કારણે બચપણથી લાડકોડમાં ઉછરેલો એટલે વધુ બેદરકાર અને ચાઇગલો પણ હતો.

મા-બાપ સંસ્કાર અને કેળવણી આપે તો ખરા પણ સંતાનની ગ્રહણ કરવાની અનિચ્છા અને અણઆવડતને હિસાબે મોટી ઉમર સુધી સંતાન અવ્યવહારુ અને આવડત વિનાના જ રહે છે.અહીં પણ એવું જ થયું.આઠ ધોરણમાં નાપાસ થઈને શાળા છોડી દીધા પછી ભગો બાપના ખેતરમાં મજૂરી કરી દિવસ કાઢતો. કેટલીકવાર વ્યક્તિના જીવનમાં સંગ અને સોબતની અસર ઘેરી પડતી હોય છે એ કારણે એના મિત્રો.પણ એની જેવા જ  ચોવીસ કલાક કાચી સોપારી, જાડો ચૂનો અને 135ની તમાકુનો માવો મોઢામાં ભર્યો જ હોય.

ઉંમર લાયક થતાં એના લગ્ન થયા.ઘરની જવાબદારી ઉપાડવાની શક્તિ અને સમજણ,સાથે વ્યવહારિક બુદ્ધિ નો અભાવ તો પહેલેથી જ હતો  પણ ઈશ્વર કૃપાથી પત્ની સંસ્કારી સુશીલ, સમજુ, ઘરરખ્ખુ અને ડાહી હોવાથી વેલજીભાઇ નિશ્ચિન્ત હતા. છતાં પોતે જાણતા તો હતા જ કે ગધેડાની ડોકે હીરો બંધાઈ ગયો છે.

ભગો આઠ ધોરણ નાપાસ હતો જયારે પત્ની જયા દશ ધોરણ પાસ હતી.આમ પત્નીની આવડત, સમજદારી અને વ્યવહાર કુશળતાને કારણે ભગાનો ઘર સંસાર સુલેખાઈથી ચાલ્યો જતો હતો. સમયાંતરે ભગાને ઘેર પુત્રીનો જન્મ થયો.અને ભગો બાપ બન્યો.

******

વર્ષોના વહાણાં વીતતા ગયા. ભગાની પુત્રી રતન અભ્યાસમાં તેજસ્વી, અને ચાલાક હતી. ગામની શાળામાં હંમેશા તેનો નંબર અવ્વલ રહેતો.હવે તે દસ ધોરણ પાસ કરી ચુકી હતી. આગળ અભ્યાસની સુવિધા નાના ગામની શાળામાં ન હોવાથી એક દિવસ જયાએ ભગાને કહ્યું.

" આપણી રતન આ વર્ષે દસમું ધોરણ પાસ થઇ ગઈ છે, મારી ઈચ્છા એને આગળ અભ્યાસ  કરાવવાની છે, દીકરી સમજુ, ડાહી અને અભ્યાસમાં હોશિયાર છે પછી એનું ભવિષ્ય આપણે શા માટે બગાડવું ?મારા નસીબે મારા બાપની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી  હું તો આગળ ભણી ન શકી અને બાપે વળાવી એ વર-ઘરને વિધાતાના લેખ સમજી સ્વીકારી લીધું.પણ રતન નું ભવિષ્ય સુધરે અને કોઈ સારા ભણેલ ગણેલ અને સંસ્કારી પાત્રને વરે એવી મારી ઈચ્છા છે."

મોઢામાં રહેલો માવો ચુસતા  ભગો બોલ્યો " તો શું ? તું શું કહેવા માંગે છે ?"  

જયાએ  જવાબ વાળ્યો " હું એમ કહું છું કે આપણે જ્યાં કોલેજ સુધીની સગવડતા હોય એવા નજીકના મોટા ગામમાં જઈને વસવાટ કરીએ તમને પણ તમારા લાયક કામ ધંધો મળી રહેશે. જરૂર પડે હું પણ દિવસ રાત પારકા ઘરના કામ કરી આપણે રોડવશું અને રતનને આગળ ભણાવશું "

" ઈ માં મને કાંઈ હમજ ન પડે, તારે જી કહેવું હોય ઈ બાપાને કહેજે અને જો બાપા હા પાડે તો મને વાંધો નથી " મોઢામાં ભરેલો માવો થૂંકતા ભગાએ જવાબ આપ્યો.

એ જ દિવસે રાત્રે જયા એ ભગાની હાજરીમાં જ શ્વસુર સવજીભાઈને સમજાવીને વાત કરી.સવજીભાઈને જયાની વાત ગમી સાથે એવું પણ વિચાર્યું કે આવડી ઉમર સુધી ભગો બાપની છત્ર છાયામાં બેઠો હોવાથી કોઈ વ્યવહારિક બુદ્ધિ નથી, નથી કોઈ સારા મિત્રો, બહાર નીકળશે તો થોડો ઘડાઈ-ટીચાઈને માણસ  બનશે પાંચ માણસના સહવાસમાં આવશે તો બોલવાથી માંડીને એનામાં સુધારો થશે,બાકી જયા ભેળી છે એટલે કોઈ ચિંતા નથી. એ વિચારે સવજીભાઈએ સંમતિ આપતા કહ્યું કે " દીકરી, વાત તો તારી સાચી છે. તારો આ વિચાર મને ગમ્યો આજકાલ આપણી  દીકરીયુંને શિક્ષણ અને કેળવણી આપવા જો સરકાર આટલો લખલૂટ ખર્ચ કરીને શિક્ષણનો પ્રચાર અને વ્યવસ્થા કરતી હોય તો આ તો આપણું લોહી જ છે ? શિક્ષણ એ જ દીકરીને આપેલો સાચો દાયજો છે. ભગાને પણ  ત્યાં એના જોગું  જીણું મોટું કામ મળી રહેશે. સવજીભાઈની સંમતિથી જયા ખુશ ખુશ થઇ ગઈ.

******

શાળામાં રજાના દિવસો પુરા થયા.વેકેશન ખુલતાં ભગો અને પત્ની નજીકના જૂનાગઢ શહેરમાં જઇ સ્થિર થયા.

એક રૂમ રસોડાનું નાનું ઘર ભાડે રાખી દીકરી રતનને સરકારી શાળામાં દાખલ કરી દીધી.વેલજીભાઈના બચપણના મિત્ર અર્જુન પટેલ માર્કેટિંગ યાર્ડના હોદેદાર હોય એની ભલામણથી ભગાને માસિક રૂપિયા નવ હજારના પગારથી ચોકીદાર તરીકે નોકરી પણ મળી ગઈ. ઘરભાડાના ચાર હજાર પછી ઘરખર્ચ કાઢવો મુશ્કેલ હોય, જયાએ આજુબાજુના ઘરમાં ઘરકામ શોધી લીધું.ફુરસદના સમયમાં સ્થાનિક અગરબત્તીના ઉત્પાદક  પાસેથી અગરબત્તી લઇ આવી બોક્સ પેકીંગ કરવું, મીણબત્તીના પેકીંગ બનાવવા, વિગેરે વિવિધ પ્રવૃત્તિથી કમાણી કરવી શરુ કરી.

જેટલી ભગાની બેરુખી, અને બે જવાબદારી એટલું જ જયાનું સમર્પણ. અત્યાર સુધી ગામડામાં રહેલો ભગો હવે શહેરમાં આવ્યો. દેખાદેખીમાં પહેલા પગારમાંથી એન્ડ્રોઈ મોબાઈલ લીધો. ભગો સવારે છ થી બપોરના ત્રણ


સુધી નોકરી કરી, ઘેર આવી જમીને માવો ચુસતો સાંજ સુધી મોબાઈલ ઉપર ફિલ્મી ગીતો અને ચલચિત્રો જોતા પડ્યો રહેતો સાંજે તૈયાર થઇ, માવો મોઢામાં નાખી મિત્રો સાથે ગામગપાટા મારવા નીકળી પડતો તે રાત્રે અગિયાર વાગે સુવા પૂરતો ઘેર આવતો. ઘરમાંથી નીકળે એટલે દરવાજાનું બારણું જોરથી બંધ કરતા "હું જાઉં છું" એમ બોલતો જાય.ઘરની જરૂરિયાત, નાના મોટા કંઈ કામકાજની પૂછપરછ, કે પત્નીને મદદરૂપ થવાનું તો એના સ્વભાવમાં જ ન હોતું  આમ આખો દિવસ ઘરની બહાર રહેતા દિવસમાં અનેકવાર બોલાતું  ભગાનું "હું જાઉં છું " જયાને શૂળની જેમ ભોંકાતું હતું.

આ બાજુ જયા વહેલી સવારે નોકરીએ જતા ભગા માટે ચા-નાસ્તો બનાવી, ઘરની સાફસફાઈ કરી, પૂજા કર્યા બાદ આજુબાજુની દુકાનમાં પીવાનું પાણી ભરવા,તથા અન્ય ઘરના કામ કરવા નીકળી પડતી. બપોરના બે વાગ્યા સુધી સતત બહારના કામ કર્યા પછી, ઘરની રસોઈ બનાવે.બપોરે ત્રણ વાગે ભગો આવે ત્યારે ગરમ રસોઈએ બાપ-દીકરીને જમાડ્યા પછી વધ્યું ઘટ્યું ખાઈ પેટની ભૂખ ઠારે. સાંજે પણ મોડી રાત સુધી અગરબત્તી-મીણબત્તીના પેકીંગ બનાવીને થાકે એ વખતે ભગો ઘેર આવે. જયાને ભગાનું આ વર્તન બિલકુલ પસંદ ન હતું જયારે પોતે પરિવાર માટે તૂટી મરતી હોય ત્યારે ઘરના ધણીની બેદરકારી અને પરિવાર પ્રત્યેની બેવફાઈ કેવી રીતે ચલાવી લેવાય ? છતાં દીકરીનું ભવિષ્ય સુધારવાના હેતુથી મૂંગે મોઢે જયા આ બધું સહન કરે જતી હતી અને આમને આમ રતન બી.કોમ.સુધી પહોંચી ગઈ.   

******

આજે રતનનું બી.કોમ.નું પરિણામ આવ્યું. રતન પ્રથમ વર્ગમાં કોલેજ અને કેન્દ્રમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થઇ.કાદવમાં કમળ ખીલ્યાથી જયાની છાતી ગજ ગજ ફુલતી હતી.ભગો તો નિત્યક્રમ પ્રમાણે નોકરીએ જવા નીકળી ગયો હતો.રતન કોલેજેથી પોતાનું ગુણપત્રક સાથે પરિણામ લઈને ઘેર આવી.માતા જયાને પગે લાગી, ત્યારે જયાએ પાઇ પાઇ કરીને બચાવેલ રૂપિયા સો રતનના હાથમાં આપતા ગળે લગાવીને રડી પડી, આજે ખુદની મહેનતથી પોતાનું સ્વપ્ન પૂરું થતાં મા-દીકરી એક બીજાને ભેટી ખુબ રડ્યા.પોતાનું પરિણામ ગામડે દાદાને બતાવી પગે લાગીને અને આશીર્વાદ મેળવી આવવાનું જયાએ રતનને કહ્યું એ મુજબ રતન દાદાને પગે લાગવા ગામડે જવા નીકળી પડી.

*****

બપોરે ભગો નોકરીએથી આવતા જયા અને ભગો સાથે જમવા બેઠા. જમતા જમતા જયાએ રતનના પરિણામ વિષે ઉત્સાહભેર જણાવતા કહ્યું " આજે આપણી રતને આપણા કુટુંબનું ગૌરવ વધાર્યું છે. આપણી ચાર પેઢીમાં એ પહેલી જ એવી છે જેણે કોલેજ પાસ કરી .મેં એને દાદાને પગે લાગવા આજે ગામડે મોકલી છે રાત સુધીમાં પાછી ફરી જશે.રાતે ઘેર આવે અને તમને પગે લાગે ત્યારે એના હાથમાં કંઈક આપજો. બાળક છે  રાજી થશે  "

ભગો બરાડ્યો " પાસ થઈ ઈમા કઈ મોથ મારી એની જેવા ઘણા પાસ થ્યા હશે. ઈમાં  હાથમાં શું મુકવાનું ? પૈસા રેઢા પડ્યા છે ? આંઈ ખિસ્સા ખર્ચી કાયમ ખૂટતી હોય માવો ખાવાના પૂરતા પૈસા નથી ન્યાં એને આપવા પૈસા ક્યાંથી કાઢવા ?

અત્યાર સુધી મૂંગે મોઢે સહન કરતી આવતી જયાએ કહ્યું "આ કોઈ નાની પરીક્ષા નથી.હવે નોકરીએ લાગશે અને ઘરમાં પૈસો આવશે ઈ કેવો મીઠો લાગશે ? આજસુધી મેં જાત તોડીને રતનને ભણાવી છે એની ફી,ચોપડા, ટ્યુશન ફી, વિગેરેની કોઈ દિવસ ચિંતા કરી,? કે પૂછ્યું કે એની જોગવાઈ કઈ રીતે થાય છે ?વારેવારે ડેલી ભટકાડીને હું જાઉં છું એમ કહી,વગર કામે પણ ગામમાં ભટક્યા કરો છો ઘરની જરાયે ચિંતા કે દરકાર કરી નથી."

જયાના વેણ સાંભળી ભગાનો પારો છટક્યો. જમવા બેઠેલી જયાને એક લાફો ખેંચી કાઢી,અધૂરે ભાણે હાથ ધોઈને ઉભો થઇ ગયો. કપડાં બદલી  આદત મુજબ ડેલી ભટકાવતા  "હું જાઉં છું " કહીને ખરા બપોરે ઘર બહાર નીકળી ગયો.

સહનશક્તિની પણ હદ હોય છે.ચંદન કે જેની પ્રકૃતિ જ શીતળ છે એનું વૃક્ષ પણ વધુ પડતા ઘર્ષણમાં આવે ત્યારે દાવાનળ ઉભો કરે છે. ભગવાને  સ્ત્રીમાં ઠાંસી ઠાંસીને સહનશક્તિ ભરી છે સાથોસાથ જયારે સહનશક્તિ એની પરાકાષ્ટા વટાવે ત્યારે એ જ સ્ત્રી રૌદ્ર રૂપ પણ ધારણ કરી શકે છે..જયાથી હવે રહેવાયું નહિ. સંતાન માટે આપેલ ભોગનો આવો બદલો મળતા ચોધાર આંસુએ રડવા લાગી. ગુસ્સા અને આવેશની એક ક્ષણ એના ઉપર હાવી થઇ ગઈ. ગુસ્સાના કારણ કરતાં પરિણામ ઘણું ભયંકર હોય છે એ ન્યાયે પોતે ઉભી થઇ રસોડામાં જઈને કબાટમાંથી ઘઉંમાં નાખવાની પારાની એક સાથે ત્રણ-ચાર ગોળી ગળી ગઈ..,

*****

દિવસ આથમે દાદાને ઘેરથી રતન પાછી ફરી. ઘરમાં પ્રવેશતાં જ નીચે જમીન ઉપર પડેલો  જયાનો નિષ્પ્રાણ દેહ જોયો એના મોઢામાંથી ફીણ નીકળી પડ્યું હતું.  તેના મૃત દેહ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી, લખ્યું હતું 

" હું જાઉં છું ".

*****

જયાના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે ગામડે વતનમાં લઈ જવાયો.નાના એવા ગામમાં વાયુવેગે વાત પ્રસરતા ગામ હીબકે ચડ્યું. ભલે અલ્પ શિક્ષિત પણ સંસ્કાર, ખાનદાની,અને મીઠા સ્વભાવને કારણે એ ગામમાં લોકપ્રિય હતી.સ્મશાનયાત્રામાં ગામના પુરુષોતો ઠીક પણ સ્ત્રીઓ પણ જોડાઈ કે જે સામાન્ય રીતે ગામડાના સામાજિક  રીતરિવાજથી બિલકુલ વિપરીત હતું એ જયાની લોકપ્રિયતાનું પ્રતિબીંબ હતું.

અગ્નિસંસ્કાર સમયે દીકરી રતન બોલી "મારી મા ને મુખાગ્નિ હું જ આપીશ,જો હું આગળ અભ્યાસ કરવા શહેરમાં ભણવા ન ગઈ હોત તો મેં આજે મા ની છત્ર છાંયા ગુમાવી ન હોત મને ઉજળી બનાવવા પોતે ઘસાઈ ગઈ આજે હું એને મારા હાથે મુખાગ્નિ આપી એના ઋણમાંથી મુક્ત થઈશ." રતનના આ વાક્યને સાંભળતા વેલજીભાઈ સહીત હાજર સ્ત્રી-પુરુષોની આંખમાં પાણી છલકાયા.રતને મા ના નિશ્ચેતન દેહને મુખાગ્નિ  આપ્યો.  શૂન્યમનસ્ક ભગો ખૂણામાં ઉભી આંસુ સારતો હતો. રથના બે પૈડાં જયારે એક સરખા નથી હોતા ત્યારે સિમેન્ટના રસ્તા ઉપર પણ ગાડું ગબડી પડે છે.

અગરબત્તી તો બળીને રાખ થઇ ગઈ પણ ચોમેર સુવાસ પ્રસરાવતી ગઈ.  


******







Monday, 15 May 2023

जो लौटके घर न आए ..

जो लौटके घर न आए !

ગુજરાતના એક નાના ગામની વાત છે.ગામની  બહુ  જ થોડી વસ્તી.અને મોટાભાગના વ્યવસાયે ખેતી કરતા ખેડૂત.ગામમાં સવજીભાઈ નામે એક ખેડૂત. ત્રણ વીઘા જમીનમાં ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. સવજીભાઈને પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરા હતા. મોટો દીકરો દેવવ્રત,અને નાનો ગોવિંદ,બન્ને અભ્યાસમાં તેજસ્વી,અને ઘણા હોશિયાર હતા. ગામમાં પ્રાથમિક શાળાથી આગળ અભ્યાસની સુવિધા ન હોય દેવવ્રત નજીકના ગામે ભણવા જતો. એ જ શાળામાં એની સાથે એના વર્ગમાં ભણતા યશપાલની સાથે મિત્રતા બંધાણી.સમાન સ્વભાવ,અને વિચારોને કારણે જતે દિવસે બંને વચ્ચે ગાઢ મિત્રતા જામી. યશપાલના પિતા છગનભાઇને ચાર વિઘાની ખેતી હતી તેને યશપાલ ઉપરાંત સવિતા નામે એક દીકરી હતી .                               સવજીભાઈની નબળી આર્થિક પરિસ્થિતિ અને પરિવારની જવાબદારીને કારણે દેવવ્રત  હોશિયાર હોવા છતાં બાર ધોરણથી આગળ અભ્યાસ ન કરતા ભારતીય સૈન્યમાં ફૌજી તરીકે ભરતી થવાનો વિચાર કર્યો આ વાત અને વિચાર દેવવ્રતે મિત્ર યશપાલને જણાવતા માતા-પિતાની સંમતિથી તેણે પણ પોતાનો વિચાર સૈન્યમાં ભરતી થવાનો કર્યો .આમ બન્ને મિત્રો બારમું ધોરણ પાસ કરીને ભારતીય સૈન્યમાં ફૌજી તરીકે ભરતી થઇ ગયા.                                                       તાલીમ પુરી કર્યા બાદ બન્નેનું પોસ્ટિંગ એક જ શહેરમાં અને એક જ ટ્રુપ અને રેજિમેન્ટમાં થતાં બંને મિત્રો ખુશ હતા.


આમને આમ વર્ષો વીતતા ગયા અને આતંકવાદીઓના અડ્ડા સમાન  કુપવારા, બારામુલ્લા,પૂંછ,અનંતનાગ અને પુલવામા જેવી જુદીજુદી જોખમી જગ્યાએ બદલી થતાં પોતાની સાહસિકતા અને બહાદુરીથી સૈન્યના અધિકારીઓ પણ દેવવ્રતથી પ્રભાવિત થઇ  ખુશ હતા.

 ***** 

 સવિતા ઉમર લાયક થતા છગનભાઇ એને માટે સુપાત્રની શોધમાં હતા. દેવવ્રત અને યશપાલ જોડે ભણતા હોવાથી એક બીજાને ઘેર આવવા-જવાનો તથા અન્યોઅન્ય પરિવારને પણ સારો સબંધ હતો. છગનભાઇને એક દિવસ વિચાર આવ્યો કે,અજાણ્યા પાત્ર,અને પરિવારને શોધવાને બદલે સવિતાનો સબંધ જો દેવવ્રત સાથે જ નક્કી કરીએ તો છોકરો સારો,સાદો-સીધો,અને નિર્વ્યસની છે. કુટુંબ પણ ખાનદાન. આવા વિચાર સાથે તેણે દેવવ્રતના પિતા સવજીભાઈનો સંપર્ક કરી પોતાનો  વિચાર જણાવ્યો.                                                                                                                 છગનભાઇની દરખાસ્તથી સવજીભાઈ ખુશ ખુશ થઇ ગયા અને એ દરખાસ્ત સ્વીકારતા કહ્યું કે, "તમારી દરખાસ્ત અમને તો મંજુર છે પણ દેવવ્રતના અંગત જીવનનો પ્રશ્ન હોય તેને પૂછીને આપણે વાત આગળ ચલાવીએ બાકી દીકરી અને કુટુંબ થી અમે પરિચિત છીએ દીકરીની   સંસ્કારિતા વિષે પણ બે મત નથી  "                                                                                                     "તમારી વાત સાચી છે. ભેગું રહેવું અને જીવવું એ લોકોને છે એટલે એનો મત જાણ્યા વિના આગળ ન વધાય.આમ તો મારે પણ યશપાલને જાણ કરવી પડે,પણ તમારા તરફથી જવાબ મળ્યા પછી એને હું આગળ વાત કરું એમ મેં વિચાર્યું છે" છગનભાઈએ વળતો જવાબ આપતા કહ્યું.                                                                                                                                      થોડા દિવસ પછી સવજીભાઈએ દેવવ્રતને ફોન ઉપર વિગતે વાત કરી. દેવવ્રતે જવાબમાં કહ્યું કે "ગઈકાલે જ યશપાલે આ વિષે વાત કરી. મને આ સંબંધમાં કોઈ વાંધો નથી તમે ખુશીથી વાત આગળ ચલાવો"  દેવવ્રતની મંજૂરી આવ્યા બાદ સવજી ભાઈએ છગનભાઇને ઘેર બોલાવી દેવવ્રતની સંમતિ જણાવી અને બન્ને પક્ષે નક્કી કર્યું કે આવતા અઠવાડિયે સારું મુહર્ત  જોઈ આપણે ગોળ-ધાણા ખાઈ શ્રીફળ આપ્યાનું મુહૂર્ત કરી લઈએ, અને બે એક મહિના પછી દેવવ્રત અને યશપાલની રજાની અનુકૂળતા મુજબ વિધિવ્રત સગાઇ  અને લગ્ન બન્ને સાથે જ કરી નાખીએ જેથી લશ્કરમાંથી રજા લઈને વારે વારે આવવું ન પડે.                                                               નિયત દિવસ આવી પહોંચતા છગનભાઇ પરિવાર સવજીભાઈને ઘેર આવી,દેવવ્રતના ફોટાને ચાંદલો કરી શ્રીફળ અને સાકરનો પડો આપીને અધિકૃત રીતે સગાઇ જાહેર કરી દીધી .બન્ને પરિવાર ખુશ-ખુશાલ હતા.                                                                                                          દેવવ્રત સાથે ફોન ઉપર આશીર્વાદ સાથે અભિનંદન આપતા સવજીભાઈએ લગ્ન માટેની  અનુકૂળતા પૂછતાં દેવવ્રતે જણાવ્યું કે, "મારી તથા યશપાલની હાલ પુલવામાં ખાતે ડ્યુટી છે આ વિસ્તાર અતિ સંવેદન શીલ હોય હાલ તુરત તો અમને બન્નેને રજા મળવી અસંભવ છે પણ થોડા સમય પછી કદાચ અહીંથી અન્યત્ર ફરજ ઉપર મુકવામાં આવશે એ દરમિયાન અમને વધુમાં વધુ એક મહિનાની રજા મળી શકે એ માટે હું અત્યારથી આયોજન શરુ કરી દઈશ."                              દિવસો વીતતા ચાલ્યા.સવજીભાઈ લગ્નની આગોતરી તૈયારી ધીમે ધીમે કરવા મંડ્યા એટલાજ ઉત્સાહથી છગનભાઇ એક જ દીકરી હોય તેને કન્યાદાન આપવા અને દીકરીના વ્યવહારની ખરીદી હોશ ભેર શરુ કરી દીધી. હવે રાહ માત્ર દેવવ્રત અને યશપાલની રજા મંજુર થયે  આવવની હતી જેને માત્ર એક મહિનો જ બાકી હતો.                                                      *******                                                                                      પુલવામાં -  આતંકવાદીઓના આત્મઘાતી હુમલા અને વિસ્ફોટક હુમલા માટે જમ્મુ-કાશ્મીરનો અતિ સંવેદનશીલ સહુથી જોખમી અને ખતરનાક  વિસ્તાર ગણવામાં આવે છે ત્યાં દેવવ્રત અને યશપાલ પોતાની ફરજ ઉપર હતા.કોઈ એક મધ્ય રાત્રીએ ફૌજીના તંબુઓ ઉપર અચાનક પથ્થરમારો શરુ થયો.દેવવ્રત અને યશપાલ સહીત અન્ય પાંચ જવાનો સાબદા થઇ પોતાના હથિયાર સાથે ટેન્ટની બહાર આવી જોતાં સામે સાત આતંકવાદીઓ હાથ બૉમ્બ સહિતના અદ્યતન હથિયારો સાથે અંધાધુધ ગોળીઓ ચલાવવા માંડ્યા. દેવવ્રતની ટુકડીએ સાતેય આતંકીઓને ઘેરી  લઇ મશીનગનથી ગોળીઓનો વરસાદ વરસાવવો શરુ કર્યો. દેવવ્રતે ટુકડીની આગેવાની લઇ સતત આગળ વધતો રહ્યો. પોતાની મશીનગનથી પાંચ આતંકીઓને એકલે હાથે ઢેર કરી મોતને ઘાટ ઉતાર્યા, બાકીના નાસી છૂટેલા બે આતંકીઓ નજીકની ખીણ પાસે છુપાઈ ગયા. હુમલાખોરોને પરાસ્ત કરી દેવવ્રતની ટુકડી જ્યાં પાછી ફરે છે ત્યાં ખીણમાં છુપાયેલા બે આતંકીઓએ ગોળીઓની રમઝટ બોલાવવી શરુ કરી પીઠ પાછળ વાર કર્યો. દેવવ્રત  જમીન ઉપર પડી જતાં એક પછી એક એમ ચાર ગોળી ધરબી દીધી.યશપાલ પગની ઇજા સાથે ઘવાયો. બાકીના ત્રણ ફૌજી ખીણના ભાગે સંતાઈ જતા આંતકીઓના ઓચિંતા હુમલામાંથી બચી ગયા. લોહીથી લથબથ થયેલ દેવવ્રતને તથા ઇજાગ્રસ્ત યશપાલને લશ્કરના દવાખાને ખસેડાયા અને બન્નેની સારવાર શરુ થઇ.જ્યાં દેવવ્રતની સ્થિતિ ગંભીર જણાતાં તાત્કાલિક શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી.પગથી ઈજાગ્રસ્ત હોવા છતાં યશપાલ સતત દેવવ્રતની બાજુમાં રહી એને હિંમત આપતો રહ્યો. તાત્કાલિક લોહીની જરૂર પડતા યશપાલે પોતાનું લોહી પણ આપ્યું.દેવવ્રતના પીઠ પાછળ ઘુસેલી ત્રણ ગોળી સફળ શસ્ત્રક્રિયા પછી શરીરમાંથી બહાર કાઢી પણ છાતીમાં વાગેલી ગોળી ઊંડે સુધી ફસાઈ ગયેલી હોય દેવવ્રત માટે જીવલેણ સાબિત થઇ. દેવવ્રતે હોસ્પિટલને બિછાને અંતિમ શ્વાસ લીધા.            લડાખના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા,અને જમીનથી 10597 ફૂટ ઊંચે, માઇનસ 45 ડિગ્રી ધરાવતા દ્રાસ (DRAS) જેવા નાના ગામમાં પણ દેવવ્રતે ફરજ બજાવી પોતાની સાહસિકતા, હિંમત અને બહાદુરીથી સૈન્યમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી તેથી એ રીતે તમામ અધિકારીઓનો લાડકો અને પ્રિય બન્યો હતો એ દેવવ્રતને  નિષ્પ્રાણ સૂતેલો જોઈ અધિકારીઓ હચમચી ઉઠ્યા.યશપાલ પણ બનેવીની લોહી નીંગળતી લાશ જોઈ બેભાન થઇ ગયો          મળસકુ થવાની તૈયારી હતી.સુર્યદેવ વાદળો પાછળ સંતાઈ ગયા પોતાની છાતી ફાડીને ચીસ પાડતું  હોય એમ મોટા અવાજ સાથે ગગન ગાજ્યું વીજળીના લિસોટા ઝબુક્યા સ્વર્ગના દેવતાઓ વીર શહિદને અશ્રુ અંજલિ આપતા હોય એમ ધીમીધારે વરસાદ શરુ થયો વાતાવરણમાં ઉદાસી અને ગમગીની છવાઈ ગઈ. ગણતરીના દિવસોમાં જેના હાથ પીળા થઇ કોઈ કોડીલી કન્યાનો વર બની વરવાનો હતો એ યુવાન વર બન્યા પહેલાં વીર બની શહાદતને વર્યો. જેની પીઠે પીઠી ચોળાવાની હતી એ પીઠ રક્ત રંજીત બની ગઈ.

સૈન્યની બધી જ અધિકૃત કાનૂની કાર્યવાહી અને વિધિ કર્યા બાદ લશ્કરના જવાનોએ પાર્થિવ દેહને રાષ્ટ્રીય સન્માન સાથે સલામી આપી રાષ્ટ્રધ્વજથી લપેટી નશ્વર દેહને કોફીનમાં મૂકી દેવવ્રતના વતન પહોંચાડવાની તૈયારી કરી. નિષ્પ્રાણ દેહ વતનમાં પહોંચે એ પહેલા યશપાલ અગાઉથી બન્ને પરિવારને આ માઠા સમાચાર સાથે દિલસોજી આપવા પહોંચી ગયો.યશપાલના પિતા છગન ભાઈ પોકે પોકે રડ્યા .છગનભાઈની ઉત્સાહ ભરી બધી તૈયારી કુદરતે એક જ વાવાઝોડામાં વીખી નાખી. દીકરી સવિતા પણ છાને ખૂણે આંસુ સારતી રહી. ગણતરીના દિવસોમાં જે ઉમંગથી પોતાના લગ્ન પ્રસંગે દેવવ્રત ઘેર આવવાનો હતો એને બદલે રજા મંજુર થયાના દસ  દિવસ અગાઉ દેવવ્રતનો પાર્થિવ દેહ વતન ખાતે આવી પહોંચ્યો. 

        આઠ વર્ષની ઉંમરે શેરીમાં ગિલ્લી-દંડે રમતો ,દશવર્ષની ઉંમરે ક્રિકેટ રમતો, શાળાકીય ઉનાળુ વેકેશનમાં ગામને પાદરે આવેલી નદીમાં ધુબાકા મારતો, સમવયસ્ક મિત્રો સાથે આંબલી-પીપળી રમતો ગામનો લાડકો દેવો આજે વીર શહિદ દેવવ્રત રૂપે ગામની ભાગોળે આવી પહોંચ્યો. ગામને પાદરે આવેલ લશ્કરની મોટી ટ્રકમાં ફૂલહાર, અને અબીલ ગુલાલથી લદાયેલ રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલ મૃતદેહના દર્શન કરવા આજુબાજુના નાના ગામના લોકો ઉમટી પડ્યા, જિલ્લાના પોલીસ વડા, સિવિલ સર્જન, ન્યાયાધીશ, જિલ્લા કલેકટર, ઉપરાંત ધારાસભ્ય, અને રાજ્યના ગૃહમંત્રી સહિતના કાફલાથી નાના ગામના ધૂળિયા રસ્તા ધમધમી ઉઠ્યા.સૈકાઓ સુધી જે ગામમાં એકસાથે  અજાણ્યા પચીશ માણસો દેખાયા નહોતા  એ ગામમાં આજે બે થી અઢી હજારનું માનવ મહેરામણ ઉમટી પડ્યું.નાનાગામની જર્જરિત દીવાલો ઉપર "શહિદ દેવવ્રત અમર રહો " દેશના પનોતાપુત્રને હાર્દિક શ્રદ્ધાંજલિ " લખેલા જુદા જુદા બેનરો મુકાયા હતા. અશ્રુભીની આંખે હજારો માણસોએ શહિદ દેવવ્રતના  નિશ્ચેતન દેહ પર પુષ્પવૃષ્ટિ કરી. ગામની બજાર અને શાળાએ સ્વંયભૂ બંધ પાળ્યો 

 આઠને અઢાર મિનિટે લશ્કરના અધિકારીઓ અને જવાનોએ ઉંધી બંદૂક સાથે બ્યુગલની કરુણ સુરાવલી  વચ્ચે સલામી આપી. ઉપસ્થિત લોકો હીબકે ચડ્યા,વીર શહીદ દેવવ્રત અમર રહોનાં જયઘોષ સાથે દેવવ્રતના નાનાભાઈ ગોવિંદે પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો. કઠણ કાળજાના સવજીભાઈની આંખમાંથી એક પણ ટીપું આંસુનું ન છલકાયું,દેશને માટે બલિદાન દઈ શહીદીને વરેલા પનોતા પુત્રની અર્થીને હાથ જોડીને ઉભેલા સવજીભાઈની આંખમાં ગૌરવ અને સ્વદેશાભિમાન ડોકાતું હતું. યશપાલ અને છગનભાઇ સજળ આંખે નિ:શબ્દ  જોઈ રહ્યા. 
******
સમયને કોઈ બાંધી શક્યું છે ? દિવસ પછી દિવસ વીતવા મંડ્યા.
દેવવ્રતની અને સવિતાની સગાઇ-લગ્ન એક સ્વપ્નું બની ગયું.તેમ છતાં છગનભાઈને ઉંમરલાયક દીકરી સવિતાની ચિંતા તો રહેતી હતી.એક દિવસ સવજીભાઈએ છગન ભાઈને સંદેશ મોકલી પોતાને ઘેર મળી જવા વિનંતી કરી. નિયત દિવસે છગનભાઇ સવજીભાઈને ઘેર આવી પહોંચ્યા .
વાતાવરણ ગંભીર બની ગયું. એવાંમાં સવજીભાઈએ વાત શરુ કરતા કહ્યું, "રજામાં દેવવ્રત આવે ત્યારે આપણે યોજેલ લગ્નમાં કુદરતના કોપથી આપણું બધું આયોજન ધૂળધાણી થઇ ગયું. ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ રહસ્ય આજ સુધી કોઈ જાણી નથી શક્યું બનાવ ઘણો માઠો  બની ગયો પણ જે માથે આવી પડ્યું છે એ સ્વીકાર્ય વિના છૂટકો નથી. દેવવ્રત પાછળની બધી જ ધાર્મિક વિધિ અમે સંપન્ન કરી લીધી છે. હવે વાત એવી છે કે જે સબંધ કુદરતને મંજુર ન હોતો એ ભલે ન થયો પણ દીકરી સવિતા માટે તમે બીજા મુરતિયાની તપાસમાં રહેજો અને વહેલી તકે એના હાથ પીળા કરો. સવિતા હવે અમારી પણ દીકરી છે  ભગવાને દીકરો લઈને અમારે જેની ખોટ  હતી એ  દીકરી અમને આપી."                                                આંખમાં આંસુની ધાર સાથે નીચું જોઈ સાંભળી રહેલ છગનભાઈએ મૌન તોડ્યું " સવજી ભાઈ,ઈશ્વરે જે ફેંસલો કર્યો છે એની પાછળ પણ કોઈ રહસ્ય હશે.જો લગ્ન પછી  તુરત જ આ માઠો બનાવ બન્યો હોત તો આપણી તો ઠીક પણ સવિતાની કઈ હાલત થઇ હોત ?"                              "વાત રહી બીજું પાત્ર શોધવાની તો,સવજીભાઈ અમે એક ખોરડું જોયા પછી બીજે ખોરડે નજર ફેરવતા નથી મેં અને સવિતાની મા એ સવિતાની આગોતરી સંમતિ લીધા પછી એવું વિચાર્યું છે કે  જો તમે મારી વિનંતી સ્વીકારો તો મારી દીકરી તમારે જ દરવાજે પોંખાય."                                  સવજી ભાઈએ પૂછ્યું "એટલે ? તમે શું સૂચવો છો એ મને સમજાયું નહિ "?                               "સવજીભાઈ,તમારો બીજો પુત્ર ગોવિંદ પણ દેવવ્રતનો નાનો ભાઈ છે,અમે વિચાર્યું છે કે સવિતાના લગ્ન ગોવિંદ સાથે થાય તો અમારે કોઈ બીજું ઘર જોવું નથી અમે ખેતર નહિ પણ ખોરડાની ખાનદાની જોઈ છે.જેમ ભગવાને તમને એક દીકરો લઈને એક દીકરી આપી, એમ ભગવાને અમને એક દીકરો ગુમાવીને બીજો દીકરો આપ્યો છે એમ સમજશું ."    
સવજીભાઈ,બોલ્યા, "જુઓ પટેલ, મેં ભલે એક દીકરો યુદ્ધભૂમિ પાર ગુમાવ્યો પણ હું બીજા પુત્ર ગોવિંદને પણ માભોમની રક્ષા માટે સૈન્યમાં જ મોકલવાનો છું. ગ્રજ્યુએટ થઇ ગયા પછી એ પોતે જ લશ્કરમાં જવા થનગની રહ્યો છે. આપણે જાણીએ છીએ કે મોટાભાગના ફૌજીની આંખ યુદ્ધભૂમિ ઉપર જ મીંચાય છે,માથે ફફન બાંધીને જ સરહદ ઉપર પોતાની ફરજ બજાવતા હોય છે  આજે જે દેવવ્રતનું થયું એ કાલે ગોવિંદનું પણ નહિ થાય એની શી ખાતરી ? એવા સંજોગોમાં તમે તમારી દીકરીનો સિંદૂર ભૂંસાતો જોઈ શકશો ? આ બનાવ પછીથી મને ઈશ્વર ઉપર હવે ભરોસો રહ્યો નથી તેથી આવા વિચારો આવે છે,                                                                                          છગનભાઈએ જવાબ આપ્યો "ભાઈ, જયારે તમે  દીકરીના સિંદૂર ભૂંસાવાની વાત કરો છો તો તમે સાંભળી લ્યો કે, આપણી નાત અને સમાજમાં આંતર જ્ઞાતિ લગ્ન થતા નથી ખેડૂતની દીકરી  ખેડૂતના દીકરાને જ પરણે છે એવા સંજોગોમાં નાતના એકસો વીસ વીઘા જમીનના એકના એક વારસદાર,અને મોટરગાડીમાં ફરતા યુવાનની સૌભાગ્યવતી બની રહેવા કરતા વીરગતિ પામેલ શહીદની વિધવા બનવું હું સારું ગણું છું, આવું જ બધા વિચારે તો બધા જ ફૌજીઓ કુંવારા જ રહે. મારે પણ યશપાલ સૈન્યમાં હોય શું એને કોઈ દીકરી નહીં આપે ?    
    સવજી ભાઈ બોલ્યા, " હું સમજુ છું કે દેવવ્રત દેશવાસીઓની રક્ષા કાજે શહિદ થયો છે.પોતાના પ્રાણ ગુમાવીને અસંખ્ય લોકોના પ્રાણ બચાવ્યા છે અને એ રીતે એનું જીવ્યું એ સાર્થક કરી ગયો છે. દેશ માટે મરી ફીટવાનું સૌભાગ્ય બહુ ઓછા લોકોને મળે છે."
"આયુષ્ય તો જન્મ સાથે જ નક્કી થયેલું હોય છે પછી ઘરના કે ખેતરના  ખાટલે પડીને મરવાને બદલે મા ભોમની રક્ષા કરતા સરહદ ઉપર દુશ્મનોની સાથે સામી છાતીએ લડતાં મરવું  શું ખોટું છે.દેવાની ભલે હયાતી ન રહી પણ ઇતિહાસના પાને શહીદની વીરગતિ કાયમી વંચાશે કદાચ ભાવિ પેઢી માટે ઉદાહરણ રૂપ બનશે. દેવો મર્યો નથી એ અમર થઇ ગયો છે," પોતાની વિનંતી સ્વીકારવા માટે હાથ જોડીને પગે લાગતા છગનભાઈને ઉભા કરી સવજીભાઈએ એને છાતી સરસા ચાંપી લેતા કહ્યું, " છગનભાઇ, મને તમારી દરખાસ્ત મંજુર છે. 
સવજીભાઈની આંખમાં આવેલ વેદનાના આંસુ હર્ષના આંસુમાં બદલાઈ  ગયા.
******

બે મહિનામાં લગ્નની બધી તૈયારી પછી ગોવિંદના લગ્ન સવિતા સાથે થયા.બંને પરિવાર ખુશખુશાલ હતા.                                                                                                                     લગ્નના બીજે જે દિવસે ભારતીય સંરક્ષણ ખાતા તરફથી  સવજીભાઈને એક પત્ર મળ્યો.
પત્રમાં લખ્યું હતું કે "પુલવામાં ખાતે દુશ્મનો સામે બાથ ભીડી એકસાથે પાંચ આતંકીઓને મોતને ઘાટ ઉતારવાના બહાદુરી ભર્યા પ્રદર્શનથી વીર શહિદ દેવવ્રતની શહાદત ઉપર ભારતીય સૈન્ય,તથા ભારત સરકાર ગૌરવ અનુભવે છે. ભારત સરકાર એની બહાદુરી ભરી સેવાની કદર રૂપે આગામી તારીખ 26,જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે એને મરણોત્તર સન્માનથી નવાજી શૌર્યચક્ર એનાયત કરવાનું ઠરાવ્યું હોય આ સમારંભમાં શહીદ દેવવ્રત વતી રાષ્ટ્રીય સન્માન સ્વીકારવા ઉપસ્થિત રહેવા વિનંતી છે.
*****

તારીખ 26, જાન્યુઆરીએ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે શહીદ દેવવ્રતને અપાયેલ મરણોત્તર સન્માન સાથે શૌર્ય ચક્રનો સવજીભાઈ તથા ગોવિંદે સ્વીકાર કર્યો. એ પ્રસંગે છગનભાઇ પરિવાર પણ ઉપસ્થિત રહ્યો. પોતાનો પ્રતિભાવ આપતા સવજીભાઈએ જાહેર કર્યું કે આજના દિવસે હું મારા બીજા પુત્ર ગોવિંદને પણ મા-ભોમની સેવા અને દેશની રક્ષા કરવા હું લશ્કરને સોંપુ છું  
ગંભીર વાતાવરણ વચ્ચે  રાષ્ટ્રના સર્વોચ્ચ વડા સહીત ઉપસ્થિત સહુ મહાનુભાવોએ ભીની આંખે તાળીઓના ગડ્ગડાટ સાથે સવજીભાઈને વધાવ્યા. છગનભાઈએ નવા જમાઈને અભિનંદન સાથે શુભેચ્છા રૂપે પુષ્પગુચ્છ આપ્યું. 
સવજીભાઈની એક આંખ રડતી હતી અને  બીજી  હસતી  હતી. 
******




 

.


 

Tuesday, 11 April 2023

Benefit of Doubt.

પોષ મહિનાની કડકડતી ઠંડીના દિવસો હતા.

એ દિવસોમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનો સમય સવારનો હતો.એ વખતે ધોરાજી માણાવદર,જેતલસર, મજેવડી,ભેંસાણ,શાપુર કે વંથલીમાં કોલેજ ન હતી તેથી ત્યાંના વિદ્યાર્થીઓ પણ આવી ઠંડીમાં અપ-ડાઉન કરી અભ્યાસ કરવા અહીં આવતા.

સવારે ૭.૩૦ ના સમયે પહેલો તાસ શરૂ થાય.
પ્રોફે.પ્રભુદેસાઈ સાહેબ અંગ્રેજીનો પિરિયડ લેતા હતા.લોહીના ખાબોચિયામાં લથબથ થઈને પડેલા ઓથેલોની મનોવેદના જાણે તાદ્રશ્ય ભજવાતું હોય એમ એકાગ્ર થઈ સાંભળતા વિદ્યાર્થીઓ પાસે સાહેબ વર્ણન કરતા હતા.
સવારની ઠંડા પવનને કારણે વર્ગનું પ્રવેશદ્વાર અર્ધું બંધ રાખતા હતા.
બરાબર વર્ગમાં સન્નાટો છવાયો હતો,વિદ્યાર્થીઓ સાહેબને તલ્લીન થઈને સાંભળતા હતા એવામાં અર્ધું બંધ પ્રવેશદ્વાર ખુલ્યું.
શેળા જેવા ઉભા વાળ,મિલના ભૂંગળા જેવું પેન્ટ,ચોળાઈ ગયેલ બુશકોટ ઉપર ડાર્ક બ્લ્યુ સ્વેટર,કાનમાં રૂના પુમડાં, તાજૂજ પાન ચાવેલ તમાકુ,ચુના,અને કાથાનો દાઢી ઉપર ઉતરેલ રેલો,ભગવાન બુદ્ધ જેવા અર્ધા બંધ અર્ધા ખુલ્લા લોચન સાથે એક પ્રવેશ વાંચ્છુ વિદ્યાર્થીએ પૂછ્યું,
"May I Come in,Sir ?"
સ્વાભાવિક ખલેલ પહોંચતા પ્રભુદેસાઈ સાહેબે પૂછ્યું.
"Where you come from ?"
વિદ્યાર્થીએ ગુજરાતીમાં જવાબ આપ્યો "સાહેબ,જોશીપુરા !"
પ્રભુદેસાઈ સાહેબને થયું કે આટલી વહેલી સવારે આટલા દૂરથી આવતા વિદ્યાર્થીને ઠંડીના દિવસોમાં તકલીફ પડે જ.એ ગણતરીથી સાહેબે એ વિદ્યાર્થીને વર્ગમાં પ્રવેશવા દીધો.
પિરિયડ પૂરો થયા પછી એ વિદ્યાર્થીના મિત્રે જ્યારે સ્પષ્ટતા
કરી કે પ્ર. દેસાઈ સાહેબે તને શું પૂછ્યું અને તે જવાબ શું આપ્યો ?
ત્યારે એ વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે મોડા આવતા વિદ્યાર્થીઓને સ્વાભાવિક રીતે સાહેબ એનું નામ પૂછતાં હોય છે અને કાનમાં ખોસેલ પુમડાંથી હું એવું સમજ્યો કે તમારું નામ શું છે ? એના જવાબમાં મેં મારી અટક(જોશીપુરા) કહી એમાં મેં શુ ખોટું કર્યું છે ?
જ્યારે બિન ગુજરાતી હોવા કારણે "જોશીપુરા" અને "જોશીપરા" વચ્ચેનો તફાવત સાહેબ ન સમજ્યા હોય એણે એવું માન્યું કે આ વિદ્યાર્થી જોશીપરા જેટલા દુરને અંતરેથી આવતો હોય એને દયાભાવથી પ્રવેશ આપ્યો.
પાછળથી ઘણા લાંબા સમય બાદ આ "બહાઉદ્દીનયન" મારા નજીકના સગપણમાં જોડાયા.

મારું મેટ્રિકનું પરિણામ.(હળવી કલમે)

એક જમાનો એવો હતો કે મેટ્રિકનું પરિણામ રેડીઓ ઉપર જાહેર થતું હતું.સ્વ.ડો.ઇન્દુભાઈ વસાવડા કહેતા હતા કે એ જમાનામાં જૂનાગઢના નાગરવાડામાં એક માત્ર મારા દાદા સ્વ.દોલતરાય ઝાલાને ઘેર જ રેડીઓ હતો.તે વખતે મેટ્રિકનું પરિણામ સાંભળવા દાદાને ઘેર બધા ઉમેદવારો એકઠા થતા.

શિક્ષણના અવમૂલ્યન સાથે પરિણામ નું પણ મહત્વ ઘટ્યું.રેડીઓ ઉપર આવતું પરિણામ કાળક્રમે વર્તમાનપત્ર માં બીજે દિવસે છપાઈને આવવુ શરૂ થયું.
પરિણામની આગલી સાંજે પ્રેસમાંથી નંબર જોઈને મોટાભાગના વિદ્યાર્થીઓને તાર દ્વારા પરિણામ મળી જતું.એ વખતે પોસ્ટ અને ટેલિગ્રાફ બન્ને વિભાગોનું એક જ ખાતું હતું.પરિણામની સાંજે પોસ્ટ ઓફિસને ઓટલે પરિણામ ઉત્સુક વિદ્યાર્થીઓનો મેળો જામતો.તારની ડિલિવરી આપનાર કર્મચારી લાલ સાયકલ વાપરતો જેમ જેમ પરિણામના તાર ઉતરતા જાય એમ ડિલિવરી મેન પાસેથી સરનામું જાણી કોણ કોણ પાસ થયું એનો અહેવાલ નાગરવાડા માં વહેતો મુકાતો.
આટલી પૂર્વ વિગત પછી મારા મેટ્રિકના પરિણામનો એ યાદગાર દિવસ અત્રે નૉધું છું.
મારા સ્વ.બનેવીશ્રી રાજકોટ તાર અને ટપાલ વિભાગમાં વર્ષોથી નોકરી કરે.પરિવારના બધા જ સભ્યોના પરિણામ અમને આ રીતે આગલે દિવસે તાર દ્વારા જાણવા મળી જતા.
મારા મેટ્રિકના પરિણામને આગલે દિવસની સવારથી જ હું વધુ પડતો નર્વસ અને ઢીલો હતો.આમે ય હું હાડનો નાજુક,અને સ્વભાવે ઢીલો આજની જેમ ત્યારે પણ હતો જ પણ પરિણામને દિવસે ગાત્રો શિથિલ થતા જતા હોય એવું લાગતું હતું.
એ દિવસે સવારથીજ મારી આજુબાજુ મારા ભાઈ બહેનોનું સુરક્ષા ચક્ર પિતાશ્રીએ ગોઠવી દીધું.
ન કરે નારાયણ અને જો પરિણામ નબળું આવે અને "હું કાંઈક કરી બેસીશ " તો ?એવો માનસિક ભય ઘરના સભ્યોમાં વ્યાપી ગયો હતો
આગલી સાંજે તારની રાહ જોતા પોસ્ટ ઓફિસના ઓટલે પણ મને એકલો ન જવા દેતા મારા ભાઈને જોડે મોકલ્યો.એક પછી એક તાર ઉતરતા જતા હતા. વસાવડા ખડકીના અશ્વિન પ્રભાકર(વસાવડા)ના તાર ઉતર્યા. બીજા મિત્રોના પણ ઉતરવા લાગ્યા ભપેન્દ્ર વોરા, મૃગેન રાણા,નૃપેન્દ્ર વસાવડા,એમ સટોસટ જેમ તાર ઉતરતા ગયા એમ મારો ભય મારા હૃદયે વિસ્તૃત થતો ગયો.વચ્ચે વચ્ચે ભાઈ આશ્વાસન પણ આપે કે "કઈ વાંધો નહિ,નપાસ થવાય એટલું વધુ પાકું થાય".એમ કરતાં રાત્રે આઠ વાગ્યે બનેવીશ્રીના તાર ની રાહ જોઇને હારેલ જુગારીની હાલતે ઘેર પાછો ફર્યો.હવે તો પિતાજીને પણ ખાત્રી થઈ ગઈ કે "ભાઈ ગ્યા".એટલે એમણે પણ આશ્વાસન આપવું શરૂ કર્યું."જીવતો નર ભદ્રા પામશે " જેવો આશ્વાસન નો ઢોળ ચડાવવા માંડ્યા પણ અંદર ખાને મને ભય સાથે ખાતરી હતી કે આ ઢોળ(ગિલેટ) ચોવીશ કલાક પૂરતો જ છે.શિક્ષક પિતા આવતી કાલથી ઠપકો શરૂ કરતાં જ "રોજગાર વિનિમય અધિકારી"બની જશે.
"ચત્ર ભુજની દુકાને પડીકા વાળવા પડશે" "પરસોત્તમ ની જેમ ટપાલી બનીશ"પ્રભુલાલ દવે ના ડ્રાયવર તરીકે નોકરી કરવી પડશે" એવા મહેણાં શરૂ થશે.
રાત સુધી તાર ન આવતા આખી રાત કાલે મારું શું થશે એ વિચારે ઉંઘયા વિના રાત કાઢી.
સવારે પડોશી નો પુત્ર ફૂલછાબ લઈને વહેલો સવારમાં ઘેર ખાબક્યો અને કહ્યું "તું પાસ થઈ ગયો".
મારી તેજસ્વીતા ઉપર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા ન હોવાના કારણે પિતાજીએ કહ્યું "છાપા ના ભરોસા ન કરાય ઘણી વખત છેલ્લા બે આંકડાઓ ૬૯ ના ૯૬,અને ૩૨ ના ૨૩ થઇ જઈ છાપ ભૂલ (Printing mistake)થઈ જતી હોય છે.શાળાની માર્કશીટ જ સાચી અને એ લેવા મોટાભાઈ જશે.(નહિ ને હું ભૂતનાથ ફાટકે પાટે પડું તો ?કે બ્રહ્મકુંડ એ જઈ કૂવો પૂરું તો ?)
અંતે ભાઈ માર્કશીટ લઈ આવતા હું પાસ જાહેર થયો ત્યારે હાશ થયું.
આ બાજુ બેચાર દિવસ પછી બનેવીશ્રી ને પૂછતાં ખુલાસો કર્યો કે અચાનક ઓફિસમાં એમને ટાઢ-તાવ ચડતા પરિણામનો તાર પોતે લખીને એમના સહ કર્મચારી ગણાત્રા ને આપી ગયા હતા અને ગણાત્રા એ તાર કરવો ભૂલી ગયા.
બીજે દિવસે ઓફિસે આવતા શર્ટ પહેર્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે પરિણામ મોકલવાનો તાર ખીસ્સા મા જ રહી ગયો છે.