રખે આ વાતને તમે કાલ્પનિક વાર્તાં સમજતા ,
આજથી 58 વર્ષ પહેલાનો આપ્રસંગ એક સત્યઘટના છે અને,તેની કડીબધ્ધ ઘટનાક્રમનો હું સદેહે સાક્ષી છું.
હા,પાત્રોના નામ,જરૂર બદલ્યા હોવાથી તે નામ માત્ર કાલ્પનિક છે,
એક મધ્યમવર્ગીય પરિવારના જ્યેષ્ઠપુત્રની સગાઈનો પ્રસંગ હતો
જ્ઞાતિના રીત રસમ મુજબ કન્યાપક્ષવાળાઓ વરપક્ષ વાળાને ત્યાં સગાઈ થઈગયા,પછી ઉપકાર માનવા આવે જેમાં બહોળા પ્રમાણમાં સગા,સંબધીઓ તથા,જ્ઞાતિની સ્ત્રીઓ હાજર રહે છે.
(જેને તે જ્ઞાતિમાં"પગેલાગવા "નો પ્રસંગ કહેવાય છે ) આવો પ્રસંગ સનતની સગાઈ પછી તેને ઘેર હતો.
સનત તાજો જ સ્નાતક થઈને એક સરકારી નોકરીમાં બે એક મહિનાથી જોડાયો હતો અને પરિવારના અન્ય સભ્યો સાથેજ રહેતો હતો.
શુભપ્રસંગ પૂરો થયો,બધી આગંતુક સ્ત્રીઓએ વિદાય લીધી, ત્યારબાદ સનત,અને તેમની માતા એક રૂમમાં બેસીને આનદથી પુરા થયેલ અવસરની વાતો કરતા હતા.
તેવામાં થોડીજ વારે સનતનો 14 વર્ષનો નાનો ભાઈ અશોક દોડતો,દોડતો મા પાસે આવ્યો અને કહ્યું,
" મા ,મા જો, મને આ રૂમાલ જડ્યો,મા તેનીસુગંધ તો લે, કેટલો સુગંધી છે,આમાં કયું અત્તર લગાવ્યું છે?
મા, હું આ રૂમાલ રાખું ?"
સનત સાથે વાત કરતી મા એ અશોક તરફ જોઇને કહ્યું ?"કોનો છે આ લેડીઝ રૂમાલ,તું તે ક્યાંથી લાવ્યો ?'
જવાબમાં નિર્દોષ કિશોરે કહ્યું"મા, હોલની અંદર બહેન જાજમ સંકેલે છે, તેનાઉપર પડ્યો હતો, કોનો છે એ મને ખબર નથી,પણ મને ત્યાંથી જડ્યો છે ,મા, મને રૂમાલની સુગંધ બહુજ ગમે છે, આ કયું અત્તર કહેવાય ?"
મા એ જવાબ વાળ્યો, બેટા,કોઈનો વાપરેલો રૂમાલ ધોયા સિવાય ન વપરાય તે રૂમાલમાં સુખડનો સ્પ્રે /અત્તર લગાવેલ છે. "
અશોક અને મા વચ્ચેની વાત ચાલતી હતી,ત્યાં સનતે અશોકને કહ્યું " લાવ જોઉં, એ રૂમાલ મને જોવા દે અશોકે પોતાનો હાથ લંબાવી મોટાભાઈના હાથમાં રૂમાલ મુક્યો
રૂમાલને આગળ-પાછળ ફેરવી જોયાબાદ તુરતજ સનતે ફેસલો સુણાવી દીધો,"આ લેડીઝ રૂમાલ મારો છે " એટલું બોલીને પોતાના સિલ્કના ઝભાના ખિસ્સામાં તે રૂમાલ મૂકી દીધો .
માએ સનતને કહ્યું " લેડીઝ રૂમાલ વળી તારો ક્યાંથી હોય ?અશોક કહે છે કે તેને હોલની જાજમ ઉપરથી મળ્યો, તો તે તારો કેવી રીતે હોય અને તે પણ લેડીઝ રૂમાલ ?
સનતનો ચહેરો બદલાયો અને થોડા ઊંચાસ્વરે મા ને કહ્યું,
" મા, હું કહું છું કે તે રૂમાલ મારો છે,પછી મારે તેની તમને સાબિતી આપવી જરૂરી છે ?"
મા એ જવાબ વળતા કહ્યું,"માન્યું કે આ નાનો રૂમાલ તારો છે, તો તે રીતે આ નાનો ભાઈ પણ તારોજ છે ને ? ચાર સેન્ટીમીટરના કાપડના ટુકડા માટે તું તારા નાનાભાઈને ક્ચવે છે ?
સંભાળતા જ સનતનો ચહેરો તામ્રવર્ણ થઇ ગયો,મા સામે મોટી આંખો કાઢતાબોલ્યો,તમારે સાબિતી જ જોઈએ છે ? તો સાંભળો,મારીસગાઈ થયાના બીજા રવિવારે
કુલ પાંચ લેડીઝ રૂમાલ, મેં મારી વાગ્દત્તાને ભેટ આપેલ, અને આ રૂમાલ તે પાંચ પૈકીનો એક છે,આજે પ્રસંગમાં આવેલ અશોકની ભાભી,આ રૂમાલ અહીં જાજમ ઉપર ભૂલીને ચાલીગઈ છે,તમારે મન એ કદાચ ચાર સેન્ટી મિટરનો ટુકડો હશે,પણ મારા માટે એ કિંમતી રૂમાલ છે " ગ્રેજયુએટ યુવાન પુત્રે અર્ધશિક્ષિત આધેડમાતા ઉપર વિદ્વત્તા ઝાડવામાંડી,અને આગળ ચલાવ્યું,
" તમે કહો છો કે તે રૂમાલ તેને જડ્યો છે,
તો "જડવા/ મળવા" ની તમારી વ્યાખ્યા શું છે ?
રસ્તા ઉપરથી કોઈ અજાણી કે ત્રીહાત વ્યક્તિની પડીગયેલીવસ્તુ પ્રાપ્ત થાય તેને "જડ્યું " કહેવાય,
પરિવારના જ સભ્યની, ઘરની અંદરથીજ,પરિવારના જ અન્ય સભ્યને હાથ લાગેલી વસ્તુ "જડ્યું" ન કહેવાય
અને તમે એ પણ સાંભળી લ્યો કે, આ ઘરમાં મારી માલિકીની કટાયેલી ટાંકણી પણ હશે,
તો તે હું મુકીશ નહી માગીને લઇ લઇશ "
વાતાવરણમાં ગરમાવો આવી ગયો. જેમ આરોપી કોર્ટમાં દલીલ કરતા વકીલ,અને જજની સામે ચુકાદાની રાહ જોતા જોયા કરે તેમ,અશોક,મોટાભાઈ અને મા સામું વારે,વારે ભયભીત નજરે જોતા આ બધું સાંભળતો જ રહ્યો
છેલ્લું વાક્ય સંભાળતા જ આધેડ માની છાતીનાપાટિયા ભીસાવા માંડ્યા
પુત્રની દલીલથી થાકી મા એ કહ્યું " કોઈ હરકત નહી,તારો રૂમાલ તને મુબારક, અશોક ને તે નથી જોઈતો"
મા સતત વિચારતી રહી કે હજુ તો બાપ કમાઈ ઉપર છે લગ્ન પણ નથી થયા અને જો લગ્ન પહેલા જ આવું વર્તન કરે તો અમારી વૃદ્ધાવસ્થામાં અમે તેના આશ્રિત થઈશું,ત્યારે તો તે શું નહી કરે ? એ વિચારે મા આખી રાત આંસુ સારતી શયનખંડમાં પથારી પર આળોટતી રહી
વ્યથિત મા જ્યાંસુધી જીવી,ત્યાંસુધી આ ઘટનાનું દુખ તેના હૃદયમાં કોતરાઇ ગયું અને એ દુઃખ કાયમ માટે પોતાનીસાથે લઇ ને ગઈ.ક્યારેક પુત્રના આવા અણઘડ અને અપમાનિત વર્તનને વાગોળતા,આધેડ માતા પરિવારજનો પાસે કહેતીપણ ખરી કે,
" મારા અવસાન પછી,અગ્નિદાહ દીધા બાદ,જયારે મારો દેહ ભસ્મીભુત થઇ જાય,અને જો બળ્યા વિનાની કોઈ ગાંઠ રહીજાય,તો સમજજો કે,એ સનતના અપમાનિત શબ્દોની હૃદયમાં જામી ગયેલી ગાંઠ છે.
તેને તલના ઢગલા,કે ઘી ની ધાર થી બાળવાની કોશિશ ન કરશો, એ નહીબળે,"
------50 વર્ષ પછી.-------
સમય વીતતો ગયો,આજે ઉપરોક્ત વાતને 50 વર્ષ થઇ ગયા,સનત અને અશોક મોટા થયા.લગ્ન કરીને નોકરીમાં પણ ઠરી ઠામ થઇ ગયા,પણ હવે તેમના માતા પિતા હયાત ન હોતા
બન્ને ભાઈઓ પોતાના પરિવાર સાથે જુદા જુદા શહેરમાં સ્થિર થયા હતા.
આજે,સનત 75 અને અશોક 61 ના થયા હતા
50 વર્ષે પણ અશોકના મનમાં રૂમાલનો ડંખ રહ્યો હતો, તેમ છતાં પરિવારના મોભી તરીકે મોટાભાઈ સનતનું માન,સ્વ-માન પૂરું સાચવતો હતો અને આમન્યા પણ એટલીજ પાળતો હતો, સનતને વૃદ્ધાવસ્થા આંબી ગઈ હતી કૈક ને કૈંક બીમારીમાં તે ઘેરાયેલો રહેવા માંડ્યો,અને એમ જ તે એકવાર કોઈ જીવલેણ બીમારીનો શિકાર બની ગયો.
અશોકને સમાચાર મળતાજ તે તેની પાસે દવાખાનામાં પહોંચીગયો,
પણ થોડા જ કલાકમાં,સનતનું અવસાન થયું, પરિવારનો અરુણ અસ્ત થયો.
સનતના પાર્થિવદેહને દવાખાનેથી ઘેર પહોંચાડ્યો સનતનો પુત્ર અને પુત્રવધુ અશોક પાસે આવ્યા
તેઓએ આવો કોઈ માઠો પ્રસંગ જોયો,કે ઉકેલ્યો ન હોય સ્વાભાવિક રીતે મૂંઝાયા અને અશોકને પૂછ્યું,
"કાકા, હવે શું,અને કેમ કરવાનું ?"
અશોકે ધીરજ રાખવા જણાવી પોતે બેઠો છે તેથી ચિંતા ન કરવાનું કહ્યું
દરમ્યાનમાં અશોકે જમીન સાફ કરાવી, ગોઉં મૂત્રથી પવિત્ર કરાવી,ગાયના છાણનો લેપ કરી,ચોકો તૈયાર કરાવી સનતના પાર્થિવ દેહને ત્યાં સુવરાવ્યો
બીજે દિવસે વહેલી સવારે સ્મશાન યાત્રા કાઢવાનું નક્કી થયું
રાત આખી અનિમિષ નયને,અશોક મોટાભાઈના મૃત દેહ પાસે બેસી રહ્યો
વહેલી સવારે બ્રાહ્નમૂહર્તમાં અશોકે મોટાભાઈના પાર્થિવદેહને સ્નાન કરાવી,જનોઈ બદલાવી,
કોરું નવું ધોતિયું પહેરાવ્યું, ઉપર નવો જ સિલ્કનો ઝ્બ્ભો પહેરાવ્યો કપાળમાં ચંદનનું ત્રિપુંડ તાણી,
ઉપર માં જગદંબાની પ્રસાદીના કંકુનો ચાંદલો કર્યો, ગળામાં તુલસીની માળા પહેરાવી અર્થી તૈયાર કરી
ગુલાબના તાજા ફૂલહાર અને વિવિધ રંગબેરંગી સુગંધીપુષ્પોથી અરથીને કોઈ રાજા-મહારાજાની પાલખી જેવી શણગારી
બધુજ તૈયાર થયા પછી,અશોકે અર્થી ઉપર છાંટવા અત્તર કે સ્પ્રે માગ્યા
અશોકે તે સ્પ્રે અર્થી પર છાંટાતાંજ ધીમી ગતિએ ફરતા શિલિંગ ફેને વાતાવરણના વાયુને વેગ આપતા જ આખો રૂમ સુગંધથી ભપકી ઉઠ્યો ચારે બાજુ સ્પ્રેની ખુશ્બુ ફેલાઈ ગઈ.
અશોકના શ્વાસમાં તે સુગંધ પ્રવેશતા જ અશોક જડ જેવો થઇ ગયો, સ્પ્રેની સુગંધ તેને જાણીતી લાગી
અશોક અતિતમાં ગરકાવ થઇ ગયો, તેની નજરસામે,50 વર્ષ પહેલાનો એક 14 વર્ષનો કિશોર તરવર્યો તેને પડઘા સંભળાવામાંડ્યા " મા,જો, મને આ રૂમાલ જડ્યો,મા,તેની સુગંધ તો લે, કેટલો સુગંધી છે, આમાં કયું અત્તર લગાવ્યું છે.? માં હું આ રૂમાલ રાખું ? મને રૂમાલની સુગંધ બહુજ ગમે છે, આ કયું અત્તર કહેવાય ?"
ત્યારબાદ તો ચલચિત્રના રીલની જેમ એક પછી એક સંવાદો તેને પડઘાવા માંડ્યા
સનતનો આક્રોશ તામ્રવર્ણ ચહેરો,મોટી આંખો સાથેના તેના ઘમંડી ઉચ્ચારણોએ અશોકના દિમાગને ઘેરી લીધો, ભૂતકાળ તેની નજરે તરવર્યો મોટાભાઈના ગર્વ ભર્યા શબ્દો પડઘાયા,
"તમે એ પણ સાંભળી લ્યો કે આ ઘરમાં મારી માલિકીની કટાયેલી ટાંકણીપણ હશે તો તે હું મુકીશ નહી,
માગીને લઇ લઇશ "
અશોકની આંખમાંથી આંસુઓ સરવા માંડ્યા તેણે મોટાભાઈના પાર્થિવદેહ પર નજર નાખી અને વિચારે ચડ્યો કે એક દિવસ સિંહની જેમ ત્રાડ પાડનારો આ જીવ, આજે ચાર ખભ્ભાનો મોહતાજ થઇ જમીનપર સુતો છે,એક દિવસ નાનાભાઈના હાથમાંથી રૂમાલ લઈ પોતાના ઝ્બ્ભાના ખિસ્સામાં મુકનારને આજે તેવાજ સિલ્કના ઝ્બ્ભાને ત્રણ ત્રણ ખિસ્સા હોવાછતાં પોતાના રોજિંદા વપરાશનો રૂમાલ પણ તેને ખીસ્સે નસીબ નથી
"પોતાની માલિકીની" કટાયેલી ટાંકણી પર હક્ક જતાવનારો,આજે મણ મોઢે જેમાં ખીલાસરીઓ વપરાયેલી છે તે પોતાની માલિકીનો ફ્લેટ પણ મૂકીને ચાલ્યો જાય છે, મધમાખી જેમ મધુસંચય કરે તે રીતે પોતાની યુવાનીમાં કરકસર કરીને જે કઈ મૂડી એકઠી કરી હતી,તે પણ આજે આંકડા અને અક્ષર સ્વરૂપે બેંકની પાસબુકમાં બીડાઈ ગયેલી હતી.એટલું જ નહી પણ જેણે પોતાનાજ લોહીથી પોતાનો પરિવાર વિસ્તાર્યો,
અને પરવરીશ કરી, તે પરિવાર પણ આજે ઘરના ઉંબરેથી વિદાય કરી દેશે એક દિવસ જે "પોતાનીમાલિકીનું" બધુજ હતું તે આજે "પોતાનું" કઈ ન રહ્યુ,
વિચારોના વમળમાં અટવાયેલા અશોકની આંખમાંથી ચોધાર આંસુ વહેવા શરુ થયા
થોડીવારે ઉપસ્થિત સ્વજનો પૈકી કોઈએ અશોકના ખભાપર હાથ મુકતાકહ્યું, "ચાલો,ભાઈ,લઇ જવાનો સમય થઇ ગયો છે "
અશોક બેબાકળો તંદ્રામાંથી જાગ્યો,પોતાની કાંડા ઘડિયાળપર નજર ફેરવી ઉભા થતા ખભા ઉપરના ટુવાલથી આંખો લુછતાં મોટાભાઈની અર્થીને અંતિમપ્રદક્ષિણા ફરી,નશ્વરદેહના પગ પકડી,માથું નમાવી,પ્રણામ કરતા ધ્રુસકે ધ્રુસકે રડ્યો અને પછીથી પોતાનાજમણા ખભાની કાંધદેવા આગળ થયો
* * * * *
સ્મશાનયાત્રા વહેલીસવારે નીકળી હોય, શહેરના રસ્તાપર ખાસ અવરજવર ન હતી સોસાયટી નજીકની દુકાનો પણ નહોતી ખુલી,પણ આજુબાજુની કેટલીક હોટેલો ખુલી ગઈ હતી,તે પૈકીની એક હોટેલના રેડીઓમાંથી સવારના પ્રભાતિયાનું એક ભજન સંભળાયું,
" સોનારે પહેરો,ભાઈ ચાંદીરે પહેરો,પહેરો મલમલ ધાગા,
થોડા રે કરો અભિમાન એકદિન, પવન સે ઉડી જાના "
********
અગ્નિદાહની વિધિ સંપન્ન થઇ ગયા,પછી સ્મશાનેથી ઘેર પાછા ફરતા,
મને ને કોઈ અજ્ઞાત કવિની રચના યાદ આવી અને હું ગણગણ્યો ,
मैंने हर रोज जमाने को रंग बदलते देखा है
उम्र के साथ जिंदगी को ढंग बदलते देखा है !!
वो जो चलते थे तो शेर के चलने का होता था गुमान..
उनको भी पाँव उठाने के लिए स
हारे को तरसते देखा है !!
जिनकी नजरों की चमक देख सहम जाते थे लोग ..
उन्ही नजरों को बरसात की तरह रोते देखा है!!
जिनके हाथों के जरा से इशारे से टूट जाते थे पत्थर ..
उन्ही हाथों को पत्तों की तरह थर थर काँपते देखा है .. !!
जिनकी आवाज़ से कभी बिजली के कड़कने का होता था भरम ..
उनके होठों पर भी जबरन चुप्पी का ताला लगा देखा है .. !!
ये जवानी ये ताकत ये दौलत सब कुदरत की इनायत है ..
इनके रहते हुए भी इंसान को बेजान हुआ देखा है ... !!
अपने आज पर इतना ना इतराना मेरे यारों ..
वक्त की धारा में अच्छे अच्छों को मजबूर हुआ देखा है .. !!!
कर सको तो किसी को खुश करो..
दुःख देते ........तो हजारों को देखा है..!
********
*
સ્વલિખિત "મોગરાની મહેક" માંથી
"