Friday, 11 March 2016

માણસ રૂખડ -2

રાજકોટ જીલ્લાનું ધોરાજી ગામ.
જૂનાગઢથી માત્ર 24 કી.મી.દુર.
ગામની મધ્યમાં એક નાની એવી મીઠાઈની દુકાન ,
મીઠાઇ તો કહેવા પુરતીજ બાકી ખાસ પેંડાની જ દુકાન હતી
સામાન્ય આર્થિક સ્થિતિ,અને બહોળી કૌટુંબિક જવાબદારીથી વીટળાએલો વણિક રોજે રોજનો માલ લઇ,
રોજે રોજનો વેપાર કરી ગુજરાન ચલાવતો
ધોરાજીમાં હાલ "અવેડા ચોક"તરીકે ઓળખાતા વિસ્તારમાં ત્યારે ત્યાં માવાની બઝાર ભરાતી ધોરાજી અને આજુબાજુના ગામડાઓ ખેતી,અને પશુપાલન ઉપર નભતા હોય દુધાળા ઢોરની વધુ સંખ્યાને કારણે  બજારમાં માવો પણ વિપુલ પ્રમાણમાં હરરાજી માટે આવતો
વણિક રોજ સાત-આઠ કિલો માવો લઇ આવી તેના પેંડા બનાવીને વહેંચે,અને વકરામાંથી ખર્ચ બાદ કરતા વધેલ નફો તે તેની મૂડી, ફરી બીજે દિવસે તે "મૂડીનું રોકાણ" કરી માવો લઇ આવે અને આમને આમ તેનું ગાડું ચાલે
ઘણા વર્ષોથી તેને ઘેર એક ફકીર રોજ બપોરે ભોજન માગવા આવે,અને વણિક પત્ની તેને રોજ ભોજન પીરસી જમાડે ખાસ કરીને ફકીર ખીચડી,છાશ,અને શાક આરોગતા,કોઈવાર રોટલો,છાશ અને અથાણું પણ માંગતા
મોટા ચોકડાવાળી લુંગી,ગોઠણથી નીચેનો ઝોળા જેવો મેલો ઝભ્ભો,માથે સફેદ બાંધેલો કટકો, વધેલી દાઢી અને વાળ,અને ચોવીસે કલાક ચવાતા પાનને કારણે  કથ્થાઈ રંગના તેના દાંત
બપોરના એક દોઢ વાગે નિયમિત રીતે ફકીર વણિકને ઘેર પહોંચી જાય,વણિક પત્ની તેને ઘરના આંગણામાં જમવાનો આગ્રહ કરે,અને ફકીર કદી પગીથીયાથી આગળ ન વધી પગથીયે જ હમેશા જમવા બેસે ફકીરને એવી આદત કે તે આ ઘર સિવાય આવડા ધોરાજી ગામમાં અન્ય કોઈને ઘેરપણ અન્ન ગ્રહણ ન કરે અને ભોજન પછી તૃપ્ત ફકીર કંઇ પણ બોલ્યા વિના માત્ર એમનો જમણો  હાથ ઉંચો કરી વિદાય થઇ જતા
દિન-પ્રતિ દિન વણિકના વેપારમાં વૃદ્ધી થતી ગઈ.પેંડા ઉપરાંત અન્ય મીઠાઈ પણ બનાવી વહેંચવી શરુ કરી.
નાની દુકાન મોટી થઇ, વેપાર વધ્યો,મીઠાઈ બનાવવા કારીગરો રોક્યા અને ચતીયા તરીકે ગામમાં ઓળખાતો વણિક ચત્રભુજ શેઠ તરીકે જાણીતો બન્યો
આજે પણ ચત્રભુજ મીઠાઈવાળાની ધમધોકાર દુકાન ધોરાજીમાં ચાલે છે,અને માત્ર ગામમાંજ  નહી, જીલ્લામાં પણ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં ચત્રભુજની મીઠાઈ વખણાય છે.
આજે તેની ત્રીજી પેઢી વેપાર કરે છે,અને રાજકોટના કાલાવાડ જેવા શ્રીમંત,અને પોશ વિસ્તારમાં પોતાનો મીઠાઈનો શો-રૂમ,ઉપરાંત વેચાણ કરે છે,એટલુજ નહી પણ હવે તો તે બંગાળી મીઠાઈનો પણ શ્રેષ્ઠ કારીગર મનાય છે,ચત્રભુજ ની દુકાનમાં મહુડીના તેના ઇષ્ટદેવ;ઘંટાકર્ણની તસ્વીર ઉપરાંત આજે પણ તે ફકીર અને તેની દરગાહની તસ્વીર જોવા મળે છે.(આ વાત સ્થાનિક લોક જીભે ચર્ચાતી વાત પર આધારિત છે )
********************
આ ફકીર તે લાલશા બાપુ તરીકે ઓળખાતા ધોરાજીના પ્રખ્યાત ઓલિયા હતા
જૂની પેઢીના લોકો તેને માટે એમ કહે છે કે,લાલશા બાપુ કોઈ દિવસ કોઈને ચરણ સ્પર્શ કરવા દેતા ન હોતા, એમ આશીર્વાદ પણ આપતા નહોતા,તેની આશીર્વાદ આપવાની પ્રથા વિચિત્ર અને ન માન્યામાં આવે તેવી હતી, જયારે પણ કોઈ ઉપર તે ખુશ થાય ત્યારે તેના કપડા ઉપર તે પોતાના મોઢામાં ચવાતા પાનની પિચકારી મારતા અને આવી વ્યક્તિ ધન્યતા અનુભવતી
તે પોતે માગીને જમતા,પણ તેના ગરીબ,શ્રદ્ધાળુઓ /ચાહકોને પોતે જમાડતા ધોરાજીની શાક માર્કેટના પાછળના વિસ્તારમાં લાલશા બાપુની દરગાહ આજે પણ મોજુદ છે દર ગુરુવારે અસંખ્ય ભક્તો તેની દરગાહે ફૂલ ચડાવવા આવે છે અને ત્યાં બેસેલ ગરીબ યાચકોને ભોજન /નાસ્તો કરાવે છે.
લાલશા બાપુ પાનના જબ્બરદસ્ત શોખીન હતા તે એટલી હદે કે આજે પણ, વાન્છુક,દરગાહે પાન ધરવાની માનતા માને છે ધોરાજીમાં આજની તારીખે લગભગ 400 થી 450  કે કદાચ તેથી વધુ પણ પાનની દુકાન હોવાનો અંદાજ છે,પણ કોઈ પણ પાન વાળાને "લાલશા બાપુનું પાન" કહો એટલે કપૂરી પાન ઓછો ચૂનો, ડબલ કાથો, કાચી સોપારી,અને પડાની દેશી તમાકુવાળું પાન જ બનાવે લોકો દરગાહે એક એક હજાર, પાન ની માનતા માને  છે અને ધૂપ ફેરવાયા પછી તે પાન પ્રસાદી રૂપે શ્રદ્ધાળુઓ આરોગે છે.
બાપુએ કેટલાયે લોકોની ભીડ ભાંગી છે નિસંતાન યુગલ ને ઘેર પારણા બંધાયા છે,અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓને સાજા-સારા કર્યા છે અને અનેક ગરીબ કન્યાઓને કન્યાદાન દેવરાવી  લગ્ન કરાવ્યાનું લોકજીભે ચર્ચાય છે
         આ બધો શ્રદ્ધાનો વિષય છે,અને જ્યાં સુધી કોઈ ગેબી ચમત્કારની અનુભૂતિ ન થાય ત્યાં સુધી લોકો તેને અંધ શ્રદ્ધામાં ખપાવે તે સ્વાભાવિક છે પરંતુ લાલશા બાપુનો એક અદ્ભુત અને અદ્વિતીય ચમત્કારની મેં જયારે ખુદ અનુભૂતિ કરી ત્યારે હું પણ તેવા ખોટા ભ્રમમાંથી બહાર આવ્યો
ધોરાજીમાં રહીને ત્યાંથી છ કી.મી.દુરના એક નાના ગામડામાં હું શાખા પ્રબંધક તરીકે બેંકમાં હતો ,
ખેતીવાડીની લોનના એક કિસ્સામાં કોઈ બદમાશ ગ્રાહકે બેંક સાથે લગભગ 1.50 લાખની છેતરપીંડી આચરી, છેતરપીંડી સીધી રીતે રોકડ ન હોતા,તેના દસ્તાવેજો સાથેની હતી અને તે પણ એવા પ્રકારની કે બધી સીધી જવાબદારી મેનેજરની જ રહે,અને બેંક,કે રિઝર્વ બેંકના નિયમાનુસાર,"ઘોર બેદરકારી(Gross Negligence), અથવા ઉચાપતનો ગુન્હો સમજી તેની શિક્ષા સશપેંશન હતી એ સંજોગોમાં મારા એક શ્રદ્ધાળુ મિત્રની સલાહથી મેં દરગાહે ઈબાદત કરી દુવા માંગી,અને ત્રણ કે ચારજ દિવસમાં ગ્રાહક પોતે સામ્હેથી પોતે આચરેલ ગુન્હાની કબુલાત સાથે લેખિત માફી માગી, લોનના દસ્તાવેજ ઠીક ઠાક કરી ગયો.
એમ કહેવાય છે કે "શ્રદ્ધા વિનાની જીંદગી જગમાં કદી ફળતી નથી "શ્રદ્ધા હોય તો ભૂમિમાંથી ભૂતાવળ પાકે છે, અને કોઈ ગેબી મદદ વ્હારે ચડે છે.
 જે સ્વાનુભવની અને શ્રદ્ધાની વાત છે.
દરગાહની વિશિષ્ઠતા
* લાલશાબાપુની દરગાહે દર નવરાત્રી પછીના સાત દિવસે અચૂક જબરદસ્ત ઉર્ષ નો મેળો ભરાય છે
સૌરાષ્ટ્ર,ગુજરાત,માત્ર નહી પણ યુ.પી,એમ,પી,ના ભક્તો પણ ત્યાં ઉમટે છે
*ઉર્ષ ના મેળામાં ઉજૈન,ઇન્દોર,ભોપાલ,અને લખનૌ થી કવ્વાલો,સુફી સંગીતકારો, નૃત્યાંગનાઓ,
ગણિકાઓ મેળો મ્હાણવા,અને મણાવવા હજારોની સંખ્યામાં ઉમટી પડે છે
* દરગાહના ઘુમ્મટની કોતરણી,અને નકશીકામ બેનમુન છે જોવા લાયક ખરું
*દરગાહમાં સ્ત્રીઓને પ્રવેશ નથી,પણ દરગાહનીપાછળની દીવાલે પોતાનું માથું ટેકવી,સ્ત્રીઓ ઈબાદત, કે બંદગી કરી શકે છે
* આટલા વર્ષોથી સામાન્ય દિવસે કે ઉર્ષના મેળા દરમ્યાન,દરગાહના ચોગાનમાં,શ્રદ્ધાળુઓએ ઉતારેલા બુટ-ચંપલ માંથી આજદિન સુધી કોઈ ચોરાયા,કે ખોવાયા નથી.
* બાપુની દરગાહે માનતા રૂપે ધરવામાં આવતા પાનના બીડા એ તેની પવિત્ર પ્રસાદી ગણાય છે તમાકુ વાળું હોવા છતાં ઘણી,હિંદુ તથા મુસ્લિમ સ્ત્રીઓ એ પ્રસાદી રૂપે આરોગે છે.
* ધોરાજી સ્થાનિક લોકોમાં મુસ્લિમ કરતા હિંદુ લોકો લાલશા બાપુમાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે અને દર ગુરુવારે દરગાહની મુલાકાત લે છે.
*ઉર્ષનો મેળો માત્ર ધાર્મિક જ નહી પણ મનોરંજન અને ખાણીપીણી માટે પણ જાણીતો છે Antics ની બઝાર ભરાય છે પુરાતન મુસ્લિમ સંસ્કૃતિમાં વપરાતી ચીજ વસ્તુઓ (Antics )ત્યાં ન ધારેલી નજીવી કીમતે મળે છે
કાચના ઝુમ્મરો ,જગ,પ્યાલા રકાબી, કાચન  મનોરમ્ય ચિત્ર, અને,કલાત્મક કોતરણી વાળી તમામ ક્રોકરી પાણીના દામે મળે છે.
ગરવા ગુજરાતમાં સંતોની સરવાણી તો જુવો
દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણ ખુદ,પોરબંદરમાં તેનો ભક્ત સુદામા જૂનાગઢમાં નાગરોનો નરસૈયો
વીરપુરમાં વંદનીય જલારામબાપા,ગોંડલમાં વંદનીય યોગીજી મહારાજ,ગઢડામાં વિશ્વવંદનીય પ્રમુખશ્રી મહારાજ,ધોરાજીમાં લાલશા બાપુ, બીલખામાં શેઠ શગાળશા ,સતાધારમાં આપાગીગા,બગદાણામાં બજરંગદાસ બાપુ,પરબવાવડીમાં સંત દેવીદાસ
દેવોને પણ દુર્લભ એવું ગુજરાત સંતો, મહંતો,અને ભકતોથી ખીચોખીચ ભરેલ નથી ?


Wednesday, 9 March 2016

એક હતો ભૈરવ,,,,,,,


1981 થી 1995 સુધીમાં ગુજરાતમાં ઘણા જાદુગરોનાના નામ ગાજતા હતા,દરેક જાદુગરો હરીફ હોવા છતાં ભાઈચારો ઉમદા,અને બે નમુન હતો
 પ્રોફે, પી,સી, સરકાર,કે,લાલ, જુનીઅર કે લાલ, ગોંડલ નો વતની મંગલ,તેનો પુત્ર જુનીયર મંગલ,પ્રોફે, રાવ આ બધા તે સમયે ટોચની ખ્યાતી પામેલા હતા
આવી હરીફાઈ વચ્ચે એકાએક એક તરવરીયો, ઉત્સાહી યુવાન જાદુગરોની દુનિયામાં ઓચિંતો ફૂટી નીકળ્યો મૂળ સાવરકુંડલાનાં ઘાંચી પરિવારમાં જન્મેલ આ યુવાન, રાજકોટ ની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને નોકરી ની શોધમાં અહીં તહીં ભટકતો હતો ,ઘરની સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે હોશિયાર હોવા છતાં આગળ અભ્યાસ ન કરવાનો તેને વસવસો હતો
પૂરી છ ફૂટ થી વધુ ઉંચાઈ, વાંકડિયા વાળ,મીલીટરીના ટોચના અધિકારી જેવી ચુસ્ત,મજબુત  શારીરિક બાંધો અને ઘેઘુર અવાજ તે એવો કે તેના બોલ્યા પછી પણ ચાર મિનીટ સુધી તેનો અવાજ હવામાં પડઘાતો
અંતે પોતાની કારકિર્દી જાદુની દુનિયામાં શરુ કરી મુક્કદર અજમાવ્યું અને બેંગાલ યુનીવર્સીટી ની કોલેજ ઓફ મેજીશીયન માં દાખલ થઇ એક જાદુગર તરીકે તે બહાર આવ્યો
મારો મિત્ર હોવા છતાં મને આજસુધી તેના સાચા નામની ખબર નથી,એ મારી નબળાઈ છે,પણ દોસ્ત તરીકે તે ઉમદા મિત્ર હતો
અમારી મુલાકાત 1981,માં ભુજ શહેરમાં થઇ, બસ ત્યારથી 1995 સુધી અમે સંપર્કમાં રહ્યા
ભુજ શહેર, જાદુના પ્રયોગ માટે તેને માટે નવું હતું હું ત્યારે ત્યાં  હું એક્લોજ રહીને બેંકમાં નોકરી કરતો ,
ફ્ફ્ક્ડ  ગિરધારી હોવા કારણે અમારી રાતની બેઠક જામતી,ઘરમાં એકલું પડ્યા રેહવા કરતા તેના જાદુના શો માં જઈને બેસતો રાત્રે લગભગ 1.00 વાગ્યે શો પૂરો થાય,અને તેનું રસોડું શરુ થાય, એમ રાત્રે 2/30, થી 3.00 વાગ્યે સ્ટાફ સાથે બેસીને ભોજન કરે, અને ક્યારેક, તે ભોજન માં હું પણ સામેલ થતો.
પછી તો ભાવનગર, રાજકોટ, વડોદરા,સુરત, વાપી, ઊંજા મહેસાણા,ઉપલેટા, ધોરાજી, એમ દરેક જગ્યાએ પોતાની ચાલાકીના ખેલ થી તે માથું કાઢી ગયો અને જાદુગરોની દુનિયામાં ભૈરવ જાણીતો બની ગયો ,
અમારી દોસ્તી દરમ્યાન હાથ ચાલાકી ના ખેલ ઉપરાંત, સમોહન વિદ્યા અંગે ના તેના જુદા જુદા અનુભવોથી મને ઘણું જાણવા પણ મળ્યું
તેને તો ગામે ગામ ફરવાનું રહેતું, એટલે સતત મુલાકાત કે સંપર્ક ન રહેતો પણ ફોન ઉપર અવારનવાર ખબર મળતા રહેતા આમ હું જયારે ઉપલેટા હતો ત્યારે તેના પ્રયોગો ત્યાં યોજાયા, તે સમયે અમે ફરી ઓચિંતા મળી ગયા તેની એક આદત એવી હતી કે જે ગામ માંથી જેટલું કમાયો હોય, તે બધા ખર્ચા બાદ /ચૂકવ્યા પછી થી વધેલી રકમ નું તે ગામમાંથી સોનું ખરીદી લેતો, તેનું કારણ પૂછતાં તેણે મને કહ્યું કે જેતે ગામ માં દરેક જગ્યાએ સ્થાનિક રસોયા, મંડપ વાળા, અને અન્ય કામદારો રોજમદારી ઉપર રાખવા પડતા હોય ચલણી નોટોના થપ્પા સાચવવા મુશ્કેલ બનતા હોય, તે સોનું ખરીદી લેતો
લગભગ પાંચ, છ વર્ષ પહેલા ચાલુ શો એ તેને હાર્ટ અટેક આવતા તે સ્ટેજ પરજ ઢળી પડ્યો તે સમયે પણ પ્રેક્ષકો ને એમજ થયું કે આ તેનીકલા/ આઇટેમ નો કોઈ ભાગ જ હશે, પરંતુ રોજીંદા સ્ટાફને ખ્યાલ આવી જતા શો પૂરો જાહેર કરીદેવા માં આવ્યો
            સાવરકુંડલા ભાવનગર જીલ્લાનું ગામ, તે સમયે સસ્તું, અને વિકસિત શહેરોમાં અગ્રસ્થાને હતું, પરંતુ ભૈરવને જૂનાગઢનું આકર્ષણ ઘણું હતું, તે જુનાગઢીઓ થી પણ એટલોજ પ્રભાવિત હતો કુદરતી સૌન્દર્ય, દાતાર જેવી સુંદર ધાર્મિક જગ્યા, કે તે તેનું માનીતું ફરવાનું સ્થળ હતું તે કારણે  તેણે  જૂનાગઢમાં જ પોતાનો ફ્લેટ ખરીદ્યો
એક ઉમદા, દિલેર દોસ્ત,તરીકે આજ પણ તે મારા હૃદયસ્થ છે


" માણસ રૂખડ "

" માણસ રૂખડ "
પૂજ્ય, બાપુની સપ્તાહ દરમ્યાન "રૂખડ" ની સ્પસ્ટ વ્યાખ્યા નક્કી થઇ.
આજે શિવરાત્રીનો પવિત્ર દિવસ હોય,અને જુનાગઢની ગીરીતળેટીમાં શ્રધાળુઓનો માનવ મહેરામણ ઉમટ્યો હોય ત્યારે આજથી લગભગ સૈકાને આળે-ગાળે  શિવરાત્રીના દિવસેજ અને મેળામાં ઘટેલી એક સત્ય ઘટનાની વાત કરવી છે .
શિવરાત્રીના મેળાની ધજા ચડાવવાના પ્રથમદિને હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે મેળામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જઇરહ્યા હતા.તે સમયના ધુળિયા,કાચા,એક પટ્ટીના (Single Road )રસ્તા,અને વાહનવ્યવહારના સાધન તરીકે વપરાતા ગાડાને કારણે  ઉડતી ધૂળમાં માનવપ્રવાહ વિશેષ દેખાતો હતો.ગરમીના દિવસો શરુ થઇ ગયા હતા.
બપોરના પ્રચંડ તાપમાં એક ફકીર જેવો દેખાતો ઇસમ,ધાતુની ગોળ આકારની ફ્રેમનાં ચશ્માં,ઘઉં વર્ણો,વાન, જીણી ગીધ્ધ જેવી આંખ,પાતળું સહેજ બહાર નીકળતું  નાક,પાતળા હોઠ,મેલું શર્ટ,અને પાયજામો,રદ્દી જુનો મેલો કોટ,પગમાં ઘસાયેલા બુટ,અને માથે આંટી વાળેલ ફાળીયું,અલગારી દેખાતો એક આધેડ ઇસમ, ઘણે દુરથી મેળામાં જવા પગપાળા આવતો હશે,તેના મોઢા ઉપર પરસેવો અને થાક  નીતરતા હતા.
મેળાને રસ્તે આગળ વધતા,એક ઘેઘુર વૃક્ષ નીચે,એક પત્થરના પુલ ઉપર છાયામાં ઘડી ભર વિસામો ખાવા બેઠો એજ પુલ ઉપર એક મોટી ઉમરનો,સેવાભાવી માણસ પાણીથી ભરેલું માટલું લઇ મેળામાં આવતા વટેમાર્ગુઓ માટે પાણીનુંપરબ માંડી બેઠો હતો.
ફકીર જેવા દેખાતા ઈસમને ખુબજ તરસ લાગી હોય,તેણે પરબવાળાને પાણી પીવરાવવાની વિનંતી કરી.
પરબવાળા માણસે તેને અર્ધોગ્લાસ પીવામાટે પાણી આપ્યું, ગ્લાસ અર્ધો ભરેલો જોઈ,ફકીરે હસતા હસતા કહ્યું,"અલ્યા ભાઈ,તારા માટલામાં તો હજુ ઘણું પાણી ભર્યું છે,અને આવા આકરા તાપમાં,જયારે હું તરસે મરી રહ્યો છું,ત્યારે તે મને માત્ર અર્ધો ગ્લાસ જ પાણી આપ્યું ?"
પરબવાળાએ  હાથજોડતા જવાબ આપ્યો,"ભાઈ, હું સવારથી મફત પાણી પાવાની સેવા કરું છું,હજુ માનવ પ્રવાહ એટલોજ આવશે,અને વધતા તાપમાં પ્યાસ બુજાવવા ઘણા લોકો પાણી પીશે,અહીં પુલની નીચે એક પાણીનો ઝરો છે ત્યાંથી હું પાણી જાતે ભરું છું,પણ મારી ઉમરને હિસાબે વારંવાર હું પાણી ભરવા નીચે જઇ શકતો નથી,તેથી હું બધાને માત્ર અર્ધો ગ્લાસ ગળું ભીનું થાય એટલું પાણી પાઉં છું "
ફકીરને વાત ગળે ઉતરી ગઈ,અને પરબ વાળા ઉપર દયા આવી ગઈ, તેણે  તેને કહ્યું,"ભાઈ તું સાચો છે,કઈ વાંધો નહી,તું સવારથીઆવા તાપમાં પાણી પાવાબેઠો હોવાથી થાક્યો હોઈશ,એક કામ કર,તું થોડીવાર આરામ કર,અને આવતા-જતા લોકોને હું પાણી પાઈશ ",
પરબવાળાએ એ સૂચન સ્વીકારી થોડે દુર છાયડામાં આરામ કરવા લંબાવ્યું જોતજોતમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગ્યો, દરમ્યાનમાં આવતા જતા યાત્રાળુઓને,માંગે એટલું છૂટથી ફકીર પાણી પાતો હતો
લોકો પણ ધરાઈને  સંતોષથી પાણી પીતા હતા. પાણી પણ કેવું ?એકદમ ઠંડુ,અને સાકર ઉમેરીને બનાવેલું શરબત જેવું મીઠું,લોકો વધુને વધુ પીવા લાગ્યા, કેટલાક  લોકો પોતાની પાસે રહેલ વાસણ પણ ભરવા માંડ્યા
સાંજ પડી,પરબ વાળાની આંખ ઉઘડી, ફકીર હજુ ત્યાજ બેઠો, બેઠો એકઠા થયેલ લોકોને પ્રેમથી પાણી પાતો હતો,કુતુહલવશ પરબ વાળાએ માટલામાં ડોકું તાણ્યું,અને જોયું,તો જેટલું પાણી ભરેલું મૂકીને પોતે સુતો હતો, તેટલુંજ જ પાણી હજુ તે માટલામાં ભરેલું  હતું,અને તે પણ બરફ જેવું ઠંડુ,અને શરબત જેટલું મીઠું ? તેને ઘણું આશ્ચર્ય થયું,પણ મૌન સેવ્યું,
થોડીવારે,ફકીરે કહ્યું,"ભાઈ, તે હવે આરામ કરી લીધો હોય તો,હું વિદાય લઉં,પણ એક વાતનું ધ્યાનરાખજે,
કે જયારે સૂર્ય આથમે,અને અવર જવર ઓછી થાય ત્યારે,તું આ માટલાને રૂમાલથી ઢાંકી દેજે માટલું પાણીથી  છલોછલ ભરાઈ જશે,અને જ્યાંસુધી મેળો પૂરો નહીથાય,ત્યાં સુધી,એટલા દિવસ માટલું ખાલી નહી થાય" આટલું બોલી,એ ઇસમ મેળાનીગીર્દીમાં,ધૂળથી ઢંકાયેલી દિશામાં ક્યાય અલોપ થઇ ગયો.
*
હવે હું તમને તે ફકીરનુંનામ આપીશ તો જરૂર તમે કહેશો કે આતો  જાદુનો ખેલ હતો.
એ ફકીર તે મહમદ છેલ
1850,માં ભાવનગર જીલ્લાના ગઢડાતાલુકાના નીગાળાગામે, જન્મેલ મહમદ છેલ જાદુગર તરીકે તો પાછળથી ઓળખાયો,પણ તે વાસ્તવિકરીતે તે જાદુગર ઓછો,અને સિદ્ધ પીરના આશીર્વાદથી ચમત્કારિક વધુ હતો તે કોઈ પીરનો મુંજાવર/ઓલિયો/સેવક હતો,વર્ષો સુધી એકનિષ્ઠાથી પીરની સેવા કરતા તેને મળેલ વરદાનના પ્રતાપે તે ચમત્કારી વધુ હતો જાદુગર તરીકે તેણે  હાથ ચાલાકીના પ્રયોગો,કે મોટામસ હોલમાં ડી,જે ના તાનમાં નાચીને ખેલ નથી કર્યા,નથી કોઈ દિવસ ડુગડુગી વગાડી રસ્તે ખેલ માંડ્યા પોતાનું પેટ પાળવા,કે આજીવિકા રળવા, છેલે કદી પોતાની પવિત્ર વિદ્યાને વટાવી નથી.મોજીલો માણસ હતો તેને મળેલ વરદાનમાં એક સ્પસ્ટ હતું કે માનવ જાતની સેવામાટે,ગરીબના કલ્યાણ માટે અને પરોપકારાર્થે આ વિદ્યા વાપરવી અને તેણે તેમજ કર્યું, હા, પણ કોઈ બાળકો,તેનો ચમત્કાર જોવા વિનંતી કરે તો તે વગર પૈસે માત્ર તેઓના મનોરંજનમાટે તે ઘણીવાર નિર્દોષ જાદુના પ્રયોગો કરતો,તેનું કહેવું એમ હતું કે "નિર્દોષ હસતા બાળકનો ચહેરો જુવો,એ બાળક નહી,પણ અલ્લાહ હસે છે,એ લુફ્ત ઉઠાવવો ચૂકશો નહી "
છેલની જુનાગઢમાં અવારનવાર મુલાકાત રહેતી,તેના મુખ્ય ત્રણ કારણ હતા
1, તે દાતારની જગ્યામાં વધુ શ્રદ્ધા ધરાવતો હતો,અને દર વર્ષે ઉર્ષમાં તે અવશ્ય આવતો
 2,શિવરાત્રીનામેળામાં તે અચૂક આવતો ,
 3, નવાબ સાહેબના સ્વભાવ,અને પ્રજાહિતના કાર્યોથી તે વધુ પ્રભાવિત હતો
  તેમ છતાં એકવાર જયારે નવાબ સાહેબે તેને પોતાનામહેલમાં જાદુનાપ્રયોગ બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી,ત્યારે તેણે ખુદ નવાબ સાહેબને પણ ઘસીને નાં પડી દીધી હતી
નવાબ સાહેબના વહીવટમાં રોકાયેલા,તથા અન્ય નાગર ગૃહસ્થોસાથે પણ તેનો અંગત સંબંધ રહ્યો હતો
જેમાં,સ્વ. જીવાભાઈ દિવાન,સ્વ,શિવદત્તરાય માંકડ,રા,બ, ડો, મજમુદાર,કેપ્ટન ડો,પી,ટી મજમુદાર,સ્વ, બજીભાઈ રાણા,સ્વ, દોલતરાય ઝાલા,વિગેરે ને ત્યાં અવારનવાર તે શુભેચ્છા મુલાકાતે જતો
ગામડાની ગરીબ ભોળી પ્રજા જયારે કોઈ શાહુકારના વ્યાજના પંજામાં ફસાતી,ત્યારે તેણે એવા અસંખ્ય ગરીબોને શાહુકારના વ્યાજનીચુસણ નીતિથી છોડાવ્યા હતા
1925,માં મહમદ છેલ અવસાન પામ્યો
તમે માનો કે ન માનો પણ સોરઠ એ સંતો,અને શુરાની ભૂમિ છે ચાહે તે હિંદુ, હોય કે મુસ્લિમ,લોકોના હિતકાર્ય,ગરીબોની મદદ,અને અનુકંપા ભારોભાર તેઓએ દર્શાવી છે

(આ પ્રસંગ બંગાળી લેખિકા તારા બોઝે,પોતાના "બોલો કિડ્સ"નામના પુસ્તકમાં પણ આલેખ્યો છે,આ ઉપરાંત,છેલ દ્વારા,અનેક માનવ હિત ચમત્કારનો પણ તેમાં ઉલ્લેખ છે)
કહેવાય છે કે આટલી સિદ્ધિ-પ્રસિદ્ધિ મળ્યા પછી મહંમદ છેલના આખરી દિવસોમાં એ ખુબ ઘમંડી બની ગયો હતો  છેલ્લા દિવસોમાં તેને પોતાની સિદ્ધિનું અભિમાન આવી ગયું હતું  રેલવેમાં ટિકિટ વિનાં મુસાફરી કરતાં ટી.ટી.ના ટિકિટ માંગવા ઉપર પોતાની મુઠ્ઠીમાં દરેક સ્ટેશનની જુદી જુદી ટિકિટ કાઢી બતાવતો હતો અને આમ પોતાની સિદ્ધિનો દુરૂપયોગ શરૂ કર્યો
છેલ પોતાની વિદ્યાથી વિવિધ મિઠાઈઓના થાળ હાજર કરી અનેક લોકોને મફત જમાડતો હતો
કહેવાય છે કે એકવાર પોતાની વિદ્યાથી એક જૈન મુનિની ધાર્મિક વિધિમાં તેણે  વિઘ્ન ઉભું કર્યું ,ખુબ ચેતવ્યા છતાં એ જૈન મુનિને હેરાન કરવાનું ન છોડ્યું ત્યારે અંતે એ જૈન મુનિએ માત્ર એક જ ઈશારે તેની બધીજ સિદ્ધિ/વિદ્યાને ધૂળ ભેગી કરી દીધી આમ છેલની વિદ્યા નષ્ટ થઇ ગઈ અને ફરી કોઈ દિવસ એ વિદ્યા અજમાવી ન શક્યો
આનું નામ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ