Friday, 29 June 2018

વિસરાયેલી વિરાસત “પાઘડી” (પાઘ,ફેંટો, સાફો)


(જાજરમાન વ્યક્તિત્વનું રહસ્ય "પાઘડી ")
પાઘ,-પાઘડી એ દેશ,અને સંસ્કૃતિના ગૌરવનું પ્રતિક છે
પરંતુ વાસ્તવમાં પાઘડીએ 3000, વર્ષ જૂનીપરંપરા છે. તેના મુળિયા આદિકાળજેટલા જુના છે.
પાઘડીની ઉત્પતિ :
આદિમાનવ નદી,સરોવર, કે ઝરણામાં નહાઈને ચહેરાપર પથરાયેલી વાળની લટોને કુદરતી રીતે હાથથી પાછળ ઠેલી દેતા હતા ધીરે,ધીરે તેમને વાળને બાંધવામાટે ઝાડની ડાળી, પાંદડા અને વેલનો ઉપયોગ કરવામાંડ્યો.અને સમયાન્તરે તેમાંથી કપાળ ફરતે ઝીણાકપડાનો "ઓપસ”બાંધવાની શરૂવાતથઇ આમ ભાત,ભાતના કપડોમાંથી પાઘડી બનવા લાગી અને માનવજાતિ, અને જ્ઞાતિના ફાંટાઓ સાથે પાઘડીઓ પણ ફંટાવા લાગીઅને, અનેકાનેક પાઘડીઓ અસ્તિત્વમાં આવી .
પાઘડીઓની જાત,અને પ્રકાર :
"મોરબીની વાડની ઈંઢોણી, ને ગોંડલની ચાંચ ,
જામનગરનો ઉભો પૂળો , પાઘડીએ રંગ પાંચ ,
બારાડીની પાટલીયાળી , બરડે ખૂંપાવાળી ,
ઝાલા આંટલ્યાળી ,ભારે રુવાબ ભરેલી
ઘેરીને ગંભીર ઘેડની, જોતા આંખ ઠરેલી ,
સોરઠની તો સીધી સાદી, ગીરની કુંડાળું
ગોહીલવાડની લંબગોળ,ને વળાંકી વધરાળું,
ડાબા કે જમણા પડખે એક જ સરખી આંટી,
કળા ભરેલી કાઠીયાવાડી, પાઘડી શિર પલાનટી ,
ભરવાડો નું ભોજ્પરુને , રાતે છેડે રબારી ,
પૂરી ખૂબીકરી પરજીયે, જાજા ઘા ઝીલનારી
બક્ષી,જુનાગઢ બાબીઓની, સિપાહીઓને સાફો,
ફકીરોને લીલો કટકો,મુંજાવર ને માફો .
વરણ કાટીયો વેપારી કે ,વસવાયા ની જાતિ ,
ચારણ,બ્રાહ્મણ, સાધુ, જ્ઞાતિ પાઘડીએ પરખાતી
 રાજા-મહારાજાઓ ની પાઘડી,મહાજનોની પાઘડી, ખેડૂતોની પાઘડી ભીલ્ર-રબારીઓ ની પાઘડી,વિવિધ ફેરીયાઓની પાઘડી,રાજસ્થાનીપાઘડી,કાઠિયાવાડીપાઘડી,
રાજા-મહારાજાઓની પાઘડી ઉંચી ગુણવત્તાવાળા કાપડમાં સોનેરી બુટ્ટીઓની
ભરતકામવાળી, અને હીરા-મોતીના શણગાર સજાવેલી હોય તો, ખેડૂતની પાઘડી સાદા-સફેદ કાપડની બનેલી હોય છે. મહાજનની પાઘડી નવમીટર ના કાપડની હોય,અને ભીલની પાઘડી પાંચહાથ કાપડની બનેલી હોય છે પાઘડીઓના રંગ,તેની લંબાઈ, અને ખાસ કરીને પાઘડીના વળમાં ઘણું મહત્વ વણાયેલું છે.પહેલાના સમયમાં પેઢીથી ચાલીઆવતી દોસ્તી અને દુશ્મનીપણ પાઘડી પરથી નક્કીથતી હતી.
પાઘડી પરથી ફક્ત જ્ઞાતિ, કે ગોર જ જાણી શકાયછે, તેવું નથી પરંતુ તેના વળ ઉપરથી માણસનું મનોબળપણ પરખાતું હતું.

પાઘડી સમ્બન્ધિત લોકગીત ...
1.”બીનાકંઠ કો ગાવે રાગ, બીના લુણ કો રાંધે શાક,
બીનાપેઈચકી બાંધેપાગ, ન તો,રાગ, ન તો શાક,ન તો પાગ ,,,,”
2."વાંકીનદી વલામણે ,કણશલેવાંકી જાર ,
પુરૂષ વાંકી પાઘડી, નેણા વાંકી નાર "
3."ઘોડા,જોડા,તલવાર,મુંછ તણો મરોડ ,
એ પંચુ ઈ રાખશી ,રાજપૂતી રાઠોડ "
4." વનડાજી તો પાઘા બાંધેને પ્યારા લાગે ,,,,"
5." ટહેલ નાખતો એ ટીપણાસાથે ,ભાલે ટીલુંને પાઘછે માથે ,
ખભે ખડીઓ ને લાકડી સાથ ,એ ઘરો ની એંધાણી કસનો ભારતે "
6.”તારી વાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,,,” (વીણા મહેતા)
 પાઘ, પાઘડી,અને સાફા સમ્બન્ધિત કેટલીક કહેવતો
1..પાઘડી વેંચી ને ઘી ન ખાવું .
2. પાઘડી ઉછાળવી
3. પાઘડી પગ નીચે
4. પાઘ ના વળ ઢીલા થવા .
5. પાઘડી ઉતરી ગઇ.
6. પાઘ-પાઘડી ના ચીંથરા થઇજવા
7. પાઘડી ગઇ એટલે લાજ ગઇ
8.સવાશેર સુતરની લાજ
9.પાગ-પાઘડી બદલ, ભાઈ
10.પાઘડી પને પથરાયેલું છે
11. પાઘડી ફેરવી .
12 પાઘડીનો વળ છેડે
*13 "જેટલા વળ કાઠીયાવાડીની પાઘડીમાં, તેટલા વળ તેના પેટમાં "
 (પૂર્વગ્રહયુક્ત, આ કહેવત મોટેભાગે ગુજરાતમાં,અને ખાસ કરીને વડોદરામાં વધુચલણમાં છે)
****

પાઘ-પાઘડી અને સાફા સમ્બન્ધિત મહત્વના રીવાજો
* પ્રાચીન સમયમાં સાફાને માન -સન્માન નું પ્રતિક ગણાતું હતું.
* ભારતીય પ્રાચીન પરમ્પરા હતી કે માથાપર શેર-સુતર બાંધવું જરૂરી હતું.
* પ્રાચીન સમયમાં માથાપર પાઘડી, અને હોઠપર મૂંછ રાખવા ગોઉરવ પુર્ણ ગણાતું હતું,
* પાઘ,પાઘડી, અને સાફાને વ્યક્તિની,મર્દાનગીની નિશાની ગણવામાં આવતી હતી
શુભપ્રસંગે પાઘડી/સાફો પહેરવો આવશ્યક હતો.
* કોઇપણ પાઘડીને પગથી, ઠોકરમારવી, ઓળંગવું,અને જમીનપર મુકવું એ પાઘડી બાંધનારનું અપમાન કર્યું ગણાતું હતું
* પાઘડી બાંધવી એ સન્માન સૂચક હોય છે, પણ પોતાનાથી નીચલી સ્તર અથવા સામાજિક પરમ્પરા અનુસાર નિમ્નવ્યક્તિ પાસેથી પાઘડી બંધાવવી યોગ્ય ન ગણાતું
* જેવી રીતે રાખડી બાંધીને ભાઈબનાવવામાં આવે છે,તેવીરીતે શસ્ત્રોની અદલાબદલી કરીને, અથવા પાઘડીની અદલાબદલી થી ભાઈ બનાવવામાં આવે છે
* પ્રાચીન સમયમાં યુદ્ધ દરમિયાન કોઈ રાજાની પાઘડી ઝુટવીને ભાગવું વિજય સૂચક મનાતું પાઘડી શત્રુના હાથમાં જવી એ અપમાનજનક માનવામાં આવતું .
* વરઘોડો આવતા પહેલાની સુચના આપવાવાળા ભાઈ કન્યા પક્ષવાળા આજે પણ રાજસ્થાનમાં પાઘડી બાંધી ખુશ કરે છે .
* વ્યક્તિ દેવ-દર્શને અથવા તીર્થસ્થાને જાય, અને ઈશ્વર સામે માથાપરથી પાઘડી ઉતારીને,બે હાથ જોડીને, પગેલાગે છે 

* રણમેદાનથી કોઈની પણ પાઘડીનું ઘરે પાછું આવવું એ વ્યક્તિના મ્રત્યુ સમાચાર આવ્યા ગણવામાં આવતા હતા
* પ્રાચીન સમયમાં, અને આજે પણ,ઘણી જગ્યાએ રાજઘરાનામાં જનાનખાના સ્ત્રીઓના મહેલમાં, અથવા રૂમમાં બધાએ પાઘડીબાંધી ને જ પ્રવેશ કરવાનો રીવાજ છે.
* કોઇપણ કુટુંબના વડીલના અવસાનના બાર દિવસપછી ઘરના મોટાપુત્રને સમાજની પરમ્પરા અનુસાર જનસમુદાય સમક્ષ સગા-સબંધી દ્વારા પાઘડી બાંધીને ઉતરાધિકારી તરીકે જાહેર કરવામાં આવે છે (પાઘડી રસમ)
* પ્રાચીન સમયમાં સ્ત્રીઓ પણ યુદ્ધમાં,પાઘ, પાઘડી,કે સાફાબાંધતી, જેમકે ઝાંસીની રાણી
રાણી દુર્ગાવતી,પન્નાદાયી ,રઝિયાસુલતાના, વી,વી,

*
*
સંકલન - વ્યોમેશ ઝાલા 

Monday, 25 June 2018

લંગર



જયારે પ્રવાસમાં પ્રભુનો વાસ થાય ત્યારે તે યાત્રા બને છે,જ્યારે ગીત-સંગીતમાં ઈશ્વરનું સ્મરણ થાય ત્યારે તે પ્રાર્થના, કે ભજન બને છે.
અને જયારે ભોજનમાં ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે તે પ્રસાદ કહેવાય છે ,"જ્યાં ટુકડો,ત્યાં ભગવાન ઢુકડો" આ જલારામ બાપાના સિદ્ધાંત અનુસાર યાત્રાળુઓને વિનામૂલ્યે, પ્રેમથી, આગ્રહપૂર્વક, અને વિવેક-વિનય સહ ભોજન આપતી સંસ્થાઓ ઘણી છે આપણે ત્યાં વીરપુર,સત્તાધાર,તથા પરબવાવડી, ઉપરાંત પણ અનેક જગ્યાઓ હશે.જે ભોજન ને "પ્રસાદ"તરીકે ઓળખાવે છે.અને એટલેજ પ્રસાદ એ પ્રભુનો સાદ  કહેવાય છે.
આપણે જેને "ભંડારો " કહીએ છીએ તેને અન્ય પ્રદેશમાં લંગર તરીકે ઓળખવામાં આવે છે.
આવા લંગરો હિમાચલ પ્રદેશ,તથા પંજાબના મુખ્ય યાત્રાધામોમાં યાત્રાળુઓને પ્રસાદ તરીકે ભોજન પીરસી તૃપ્ત કરવાના ઈરાદાથી જુદા, જુદા ટ્રસ્ટ, કે સામાજિક/ ધાર્મિક સંસ્થાઓ તરફથી ગોઠવાતા હોય છે.
ગત તારીખ 7 ઓગસ્ટે અમારો ગ્રુપ પ્રવાસ હિમાચલ પ્રદેશ સ્થિત "બુઢ્ઢા અમરનાથ મહાદેવના" ના દર્શને ગયેલ, વિશ્વ હિન્દુ પરિષદ, તથા બજરંગ દળ આયોજિત આ પ્રવાસ ખરેખર રોમાંચક, અને ભવ્ય હતો.વિકટ, અને જોખમી પણ ખરો છતાં એક અનેરા સ્થાન ની મુલાકાત, અને શ્રાવણ માસ ના પવિત્ર દિવસોમાં ભગવાન ની આરાધના કરવાનો સુંદર મોકો હતો.
    મૂળવાત લંગર વિષે, હિમાચલ પ્રદેશના સીમાડાનું છેલ્લું ગામ તે પૂંછ (જમ્મુ )
બુઢ્ઢા અમરનાથની યાત્રા પૂંછથી શરૂ થતી હોય, ભવ્ય સ્વાગત, સાથે પહેલું લંગર પૂંછ માં આવ્યું,
हमारे मोदीजी के वतन से गुजराती अतिथि आये है ! એવા શબ્દો સાથે અમે કેમ મોદીજીના ભાણીયા હોઈએ, અને મોસાળે જમવા નોતરતા હોય તેમ લંગર નો લાભ યાત્રાળુઓ એ લીધો, ગરમાગરમ શુદ્ધ ઘી થી તરબતર થતો શીરો,પકોડા,બટેટાનું શાક,ભાત વિગેરે અતિ આગ્રહ પૂર્વક જમાડ્યા.
ત્યાંથી થોડે દુર એટલેકે 16/20 કી.મી.ના અંતરે બીજું લંગર, ચા, કોફી, શરબત, અને હળવો નાસ્તો આરોગ્યા જમ્મુ પહોંચતા સુધીમાં બીજા ત્રણેક લંગરો, જુદી જુદી વાનગીઓ સાથે આગ્રહ પૂર્વક જમવા નોતરતા રહ્યા,અને જમ્મુ માં તો 2 કિમિ, ના વિસ્તારમાં લગભગ પાંચેક લંગરોનો પડાવ હતો
દરેક જગ્યાએ ગરમ ગરમ શુદ્ધ ઘી નો શીરો તો બન્ને ટાઈમ ખરોજ, ઉપરાંત ક્યાંક, બુંદી નું રાયતું, પરોઠા, ગરમ ઘીની જલેબી, અને કેસરી કઢેલું દૂધ, મસાલા ડોસા, દહીંવડા, પકોડા, અને ગરમાગરમ ખીર.
તેવીરીતે બુઢ્ઢા અમરનાથમાં,અમૃતસરના સુવર્ણ મન્દીરમાં, મણિપુરમના ગુરુદ્વારામાં બધેજ અફલાતૂન વ્યવસ્થા સાથે મિષ્ટ ભોજન ની મિજબાની ઉડાવી
                   કેટલાક દાઢ સ્વાદિયાઓ ("પ્રસાદ"હોવાને કારણે શુદ્ધ તળપદી ગુજરાતીનો ત્રણ અક્ષરનો શબ્દ નથી વાપર્યો ) જેમ સેનાધિપતિ સૈન્ય ને "તૂટી પડો " એવો હુકમ આપે,અને ગોળીઓની અંધાધુંધ  બોછાટ બોલે તેમ, જઠરનો હુકમ થતા શુદ્ધ ઘીના શીરા ઉપર ગોળના માટલે  ચોટેલ મઁકોડાની જેમ તૂટી પડતા હતા.મને ભોજન, કેપ્રસાદ કરતા આ દ્રશ્ય ઘણું રોચક લાગતું હતું


 વિચાર તો કરો, સવારે,અને રાત્રે,બન્ને સમય શુદ્ધ ઘીના શીરા નું ભોજન અને તે પણ ઉપરા ઉપર રોજે, ચાર-પાંચ દિવસ સુધી ? શીરા થી કંટાળેલા" ભૂખ યોદ્ધાઓ"શુદ્ધ ઘીની જલેબી અને,કેસરિયા દૂધ ઉપર  ત્રાટક્યા પરોઠા, અને રાજમાં નો કઠોળ તો ખરો  જ.
પરિણામ એજ આવે જે આવવું જ જોઈએ,
કુદરતી પાચન  શક્તિને પડકાર ફેંકતા પરિસ્થિતિ ક્યાંક એવી પણ જોવા મળી કે,હોજરીએ
 "શીરા -પ્રવેશ બંધી " ફરમાવી દીધી,અને નિયમિત રીતે "મળ વિસર્જન પ્રક્રિયા" અનિયંત્રિત બની જતા "બિસલરી " ની બોટલમાં "ટોયલેટ વોટર " ભેગું ફેરવવું જરૂરી બની ગયું,
અને તેના બચાવમાં સાચું કારણ છુપાવતા એવું સાંભળવા મળ્યું કે " બે,બે, રાતની મુસIફરી દરમ્યાન વાસી થેપલા,અને સૂકી ભાજી,વેફર, બિસ્કિટ જેવુંકાચું - કોરું ખાવાની ટેવ ન હોવાને કારણે કુદરતી હાજત "જરા"અનિયમિત થઇ ગઈ. લંગર નું ભોજન એ પ્રસાદ સ્વારુપે છે, અને તે પ્રસાદની રીતેજ લેવાવો જોઈએ, "ઠાંસીને દાબી લ્યો" કે "  આજનો લ્હાવો લીજીએ રે,કાલ કોણે દીઠી છે " એ ભાવનાથી યાત્રાળુઓ એ દૂર રેહવું જોઈએ એમ હું માનું છું.
        મણિપુરમ, અને સુવર્ણ મઁદિર અમૃતસર ના લંગરની વ્યવસ્થા  બેનમૂન
શિસ્ત બદ્ધ, અને અનુશાશન પૂર્વકની કાર સેવા જોતા દંગ રહી  જાઓ. ન કોઈ ધક્કામુકી, ન પડાપડી, સુંદર વ્યવસ્થા, અને વિપુલ સંખ્યામાં પીરસાણીયાઓ, 

આમ જુવો તો અનુભવ લેવા જેવા યાત્રા પ્રવાસમાં
વિવિધ સ્વરૂપે વ્યક્તિત્વ દર્શન એ પણ એક લ્હાવો છે.
સમજ નથી પડતી કે આવા ધાર્મિક સ્થળોએ ધર્માદા રૂપે ચાલતા લંગરમાં પણ લોકો તેની વૃત્તિને કેમ કાબુમાં રાખી શકતા નથી. અન્ય સ્થળોના પ્રવાસીની તો ખબર નથી પણ મારા અનુભવ પ્રમાણે ગુજરાતીઓ વધુ પ્રમાણમાં પોતાની "જીવ્હા રસાળ વૃત્તિ" પ્રદર્શિત કરતા હોય છે