Tuesday, 14 May 2019

હરિએ મને હંફાવ્યો, હરાવ્યો પણ હણ્યો નહીં.

(On My  52 Marriage Anniversary )

*
*
આજથી 51વર્ષ પહેલા આજના દિવસે એટલેકે,તારીખ 13/05/1968 ના દિવસે હું લગ્નબંધનથી બંધાયો હતો.
આમતો સમવયસ્ક સહાધ્યાયી,જ્ઞાતિ મિત્રો પૈકીના ઘણા એ કન્યાનો હાથ માગી ચુક્યા હતા,.અને સહજ છે કે,
"પાસા નાખે કઇંક જનો, પણ દાવ દેવો હરિ હાથ છે ."
નિયતિના એ નિયમ મુજબ અંતે મારી દરખાસ્ત એટલે સ્વીકારાઈ કારણકે ઈશ્વર આવનારા કપરા ચઢાણ, અને ગોવર્ધન પર્વત જેવડી જવાબદારી ઉપાડવા માટે એક સક્ષમ અને એવા લોખંડી મનોબળ, જબ્બર સહનશક્તિ, અતૂટ ધીરજ,અને અખૂટ હિંમત ધરાવતા Strong Fighter ઈસમની શોધમાં હતો, કે હરિ એ હરાવવા માટે જ આપેલ દાવમાં એ ઈસમ મક્ક્મતા, ખુદ્દારી,સ્વમાન,અને અડગ તથા અણનમ રહીને જજુમી શકે અને તે કારણે જ  હરિએ એ કળશ મારી ઉપર ઢોળ્યો

 એ દ્રશ્ય મને બરાબર યાદ છે કે જૂનાગઢના શ્રી માંગનાથ મહાદેવનાં જૂનું કલેવર ધરાવતા મંદિરની ઊંચી પરસાળમાં માંડવસોરના જમણવારે તકિયાવાળા પાટલા પાસે રંગીન રંગોળીઓ સજાવી હતી,અને વહેવાઈઓ પોતાનો ડાબો હાથ ગોઠણ ઉપર ટેકવી કોણી કાઢીને કેસરી કઢેલ દૂધના ગંજીયા પીતા હતા.
બસ... એજ......હા..... બસ એ જ જગ્યાએ બરાબર લગ્ન દિવસના 121 મહિના પછી, લગ્ન દિનની જ તારીખ 13/06/1979 ના રોજ સફેદ બુંગણ પથરાયા અને ચાર સંતાનો (સૌથી મોટુ આઠ,અને સૌથી નાનું દોઢ વર્ષનુ) ને મૂકીને ફાની દુનિયા છોડી ગયેલી 32 વર્ષીય કોડભરી જીવનસંગીની ની પ્રાર્થનાસભા યોજાણી હતી.

જીવનની ઢળતી સંધ્યાના ધુંધળા પ્રકાશમાં જયારે એ ભૂતકાળ નજર સામે તરે ત્યારે સ્વાભાવિક રીતે બીજો કોઈ હોય તો એની આંખની પાંપણ ભીની થયા વિના રહેજ નહીં પણ મારા તો આંસુ પણ હવે એવા સુકાઈ ગયા છે કે પડ્યા પછી જેમ માણસ ધૂળ ખંખેરીને ઉભો થઇ જાય એમ હું પણ હવે કઠોર અને પાષાણ હૃદયી થઈ ગયો છું.
કોલેજનો અભ્યાસ પૂરો કરી અભ્યાસ છોડ્યા પછી દશ વર્ષે તેણીને ફરી અભ્યાસ કરવાનો ઉત્સાહ જાગ્યો, ત્યારે 1972 માં વસાવેલી સાયકલને લેડીઝ સાયકલમાં ફેરવવા માટે એની ફ્રેમ બદલાવી અને સાયકલ શીખવી,1976 માં B.Ed.નો અભ્યાસ કર્યો. B.Ed.ની કક્ષાના ઇતિહાસનો વિષય એને માટે બિલ્કુલ નવો જ હતો. જ્યારે હું કોલેજમાં ઇતિહાસનો વિદ્યાર્થી રહી ચુક્યો હોવાને કારણે રોજ રાત્રે 10થી 1.00 વાગ્યા સુધી ઇતિહાસ ભણાવતો ભાવનગર યુનિવર્સીટીના ચીલાચાલુ ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવાને બદલે દિલ્હી યુનિવર્સીટીનાઅંગ્રેજી માધ્યમમાં લખાયેલાં ડો.શર્મા, પ્રો.મજમુદાર,અને પ્રો.મુખરજીના ઇતિહાસનું ગુજરાતીમાં ભાષાંતર કરી એક વ્યવસાયી પ્રાધ્યાપકની જેમ નોટ્સ તૈયાર કરાવતો અને આ રીતે બેંકની હિસાબી નોકરી, નાના બાળકોની,અને સ્વતંત્ર ઘરની તમામ જવાબદારી સાથે સ્વર્ગસ્થની ઈચ્છા મુજબ B.Ed.નો અભ્યાસ પણ પૂરો કરાવ્યો.
ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એ તો ખુદ પરમેશ્વર પણ નથી પામી શક્યા તો પામર માનવીની શી વિસાત છે? બસ એજ સંઘર્ષ યાત્રા ચાલીશ વર્ષથી સતત શરૂ થઇ અને આજે પણ હજુ થોડા ઘણા પ્રમાણમાં ચાલુ જ છે.
હરિએ મને હંફાવ્યો, હરાવ્યો પણ હણ્યો નહીં તેણે મારો હાથ અને સાથ ન છોડ્યા. હું હાર્યો પણ થાક્યો નહિ,એટલું જ નહીં પણ હું તૂટ્યો પણ નહીં.
જીવન એક નાટક છે, દુનિયાના રંગમંચ ઉપર દરેક પાત્રો પોતાનો નાનો મોટો પાઠ ભજવી રોલ પૂરો થયે રંગમંચ ખાલી કરી જતા રહે છે.નાયિકાની વિદાય પછી હવે તો આ નાટકના નાયકનો રોલ પણ પૂરો થવામાં છે. બસ...જિંદગીનું નાટક પૂરું થશે અને પરદો પડી જશે, ભવિષ્યમાં કદાચ પાત્રો યાદ નહીં રહે તો પણ નાયકની જવાંમર્દી, ખુદ્દારી, હિંમત અને ધીરજ બેશક કોઈક ને પ્રેરણારૂપ નીવડશે.

Monday, 13 May 2019

મા


"સાંભળો છોકરીયું,આ શીતલે નિબંધ લખ્યો છે "
કન્યા વિદ્યાલયના આઠમા ધોરણના ગુજરાતીના શિક્ષિકાએ આગલે દિવસે વિદ્યાર્થનીઓને "મા" વિષય ઉપર નિબંધ લખવા આપ્યો હતો.એ પૈકી શીતલની નિબંધની નોટ પોતે હાથમાં રાખી વિદ્યાર્થીઓને વાંચી
સઁભળાવવું શરૂ કર્યું
" મા,રસોઈ કરે છે,મને જમાડે છે,અને સ્કૂલે મોકલે છે મારી માની ઉંમર 73 વર્ષની હોય એ કામ કરતા થાકી જાય છે,તેથી હું તેને ઘરકામમાં મદદ કરું છું એને મોઢામાં દાંત ન હોવાથી એ જયારે બોલે છે તે મને સમજાતું નથી એટલે મને હસવું આવતા ઠપકો આપે છે. પપ્પા નોકરીએથી આવે ત્યારે મા એને ચા બનાવી આપેછે એમાં એ કદી થાકતી નથી. મને અને મારા પપ્પાને મારી મા બહુ પ્રેમ કરે છે "
આખા વર્ગની નિર્દોષ બાલિકાઓ ખડખડાટ હસી પડી.
શિક્ષિકાએ નોટનો શીતલ તરફ ઘા કરતા કહ્યું " તું ટુચકા લખે છે કે નિબંધ ? નિબંધઆમ લખાય ? ગપ્પાજ માર્યા છે ? આમાં તને શું અને કેટલા માર્ક આપવા? 15 લીટીનો નિબંધ લખવાને બદલે પાંચ લીટી, અને એ પણ ગપ્પા જ? ભણતી ઉઠીજા અને તારી ઘરડી 73 વર્ષની મા  ને ઘરકામમાં મદદ કર.બાપના ફીના પૈસા પણ બચશે.
કાલથી જ્યાં સુધી સરખો નિબંધ નહીં લખી આવ ત્યાં સુધી તારે વર્ગમાં આવવાનું નથી "ટેટા" (ગામડામાં દરબારની કોમને મજાકમાં ટેટા કહે છે) ના છોકરાઓ એવાજ હોયને ? એટલું કહેતા તેની નજીક આવી શિક્ષિકાએ શીતલના જમણા હાથની હથેળી ઉપર જોરથી ફૂટપટ્ટી ફટકારી
માસુમ બાળકીની ગુલાબી હથેળી લાલ થઇ ગઈ.
*****
ગુજરાતીના પ્રૌઢ શિક્ષિકા કુ.તરુબેન પંડ્યા શાળાના વાઇસ પ્રિન્સિપાલ પણ હતા. ગુજરાતી,અને અંગ્રેજીના વિષયસાથે તેઓ ડબલ M.A થયેલ શિસ્તના અતિ આગ્રહી ખરા પણ ગુસ્સો પણ દુર્વાસા જેવો જબરો ગરુર અને રૂપ, યુવાની અને ડિગ્રીનું અભિમાન વિદ્યાર્થીનીઓમાં એમની જબરી ધાક,બીક,અને ફડક હતા,સાચી રજુઆત સાંભળ્યા પહેલા તૂટી જ પડવાનો સ્વભાવ અને રજુઆત કરવાની કે વિદ્યાર્થીનીઓને સાંભળવાની તક જ ન આપતા વિદ્યાર્થીનીઓ ની સાચી વાત કે રજૂઆતને તેઓ દલીલ માનતા અને દલીલ ને અવકાશ જ નથી એવું કહી બાળાઓનો અવાજ રૂંધી નાખતા.
પિરિયડ પૂરો થયો ક્લાસની અન્ય વિદ્યાર્થીનીઓ શીતલની ઠેકડી ઉડાડી એનો હુરિયો બોલાવતા હતા
અને આમ શાળાનો સમય પૂરો થયો.
****
" કેમ બેટા આજે કાંઈ મુડમાં નથી ? કોઈ સાથે ઝગડો થયો છે ? કોઈએ કઈંક કહ્યું ? શું બન્યું ?"
જમતા જમતા મેં શીતલના માથા ઉપર હાથ ફેરવતા પૂછ્યું.
" કશું ય નહીં પપ્પા,મને શરદી થઇ છે એટલે મને જમવાનું પણ નથી ભાવતું એટલું બોલતા શીતલ જમતા ઉભી થઇ ગઈ.
હું જમીને રસોડામાંથી બહાર આવ્યો અને જોયું કે શીતલ અંધારામાં બેડરૂમમાં સુતા સુતા રડતી હતી.
હું શીતલ પાસે ગયો એની બાજુમાં બેસી પ્રેમથી માથા ઉપર હાથ ફેરવતા સાચી વાત કરવા કહ્યું.
એ સાથે જ ધ્રુસકે ધ્રુસકે રડતા શાળામાં બનેલી બધીજ ઘટનાની વિગત પૂર્વક વાત કરી.ભર્યા વર્ગમાં શિક્ષિકાએ અપમાનિત કરી ઠેકડી ઊડાડ્યાની વાત પણ કરી અને પોતે લખેલ નિબંધ મને વંચાવ્યો
નિબંધ વાંચી સંવેદનાના વાવાજોડાને હૃદયમાંજ ધરબી દઈ રડતી શિતલને આશ્વાશન આપતા મેં કહ્યું "બસ, આટલીજ વાત છે ? એમાં રડે છે શું ? તું ચિંતા ન કર, હું આજેજ રાત જાગીને પણ નિબંધ લખી દઈશ, જે કાલે સવારે તું તારા અક્ષરથી તારી નોટબુકમાં ઉતારી, ટીચરને આપી દેજે, એટલુંજ નહીં પણ જો એ પૂછે કે આ કોણે લખી આપ્યો છે તો બેધડક હિંમતથી કહી દે જે કે મારા પપ્પાએ લખી આપ્યો છે "
ચાલ હવે શાંતિ થી સુઈ જા.
રાત્રીના 12 વાગ્યા હતા શીતલના ભોળપણ,અને નિર્દોષતા પર મને દયા આવી સાથોસાથ શિક્ષકના ઉદ્ધત,અને બેહૂદા વર્તન ઉપર મને ગુસ્સો પણ આવ્યો હું રાઇટિંગ ટેબલ તરફ ગયો અને મા વિશેનો નિબંધ લખવો શરૂ કર્યો લગભગ અરધીએક કલાકમાં નિબંધ લખી હું મારા શયનખડ તરફ વળ્યો રાતભર વિચારોના વમળે મારા હૃદય અને મગજ ઉપર કબ્જો જમાવ્યો, ઊંઘ ન આવી પથારીમાં પડખા ઘસતા કુદરતની ક્રૂરતા અને નિષ્ઠુરતા ઉપર ભારોભાર આક્રોશ મનમાંને મનમાં ઠાલવ્યો.
જે બાળક સમજણુ થાય, કે ઓળખતું થાય એ પહેલાજ જેની માતા સ્વર્ગે સિધાવી હોય, અને માની મમતા, પ્રેમ, લાગણી, હૂંફ કે વાત્સલ્ય પામ્યા નથી અને એનાથી વંચિત રહ્યું હોય એ બાળક મા કોને કહેવાય, અને મા શું છે એ કેમ સમજી શકે ? સમજણા થયાં ત્યારથીજ દાદીએ માની બધીજ જવાબદારી સ્વીકારી હોય, ત્યારે એ દાદીને જ મા સમજે તો એમાં બાળકનો શું વાંક છે ? અને આ કિસ્સામાં બન્યું પણ એવુજ, યુવાન પુત્રવધુના આકસ્મિક અવસાન બાદ 73 વર્ષની દાદીએ જયારે મા નું પાત્ર ભજવી પોતાના પૌત્ર-પૌત્રીને સોડમાં લીધા હોય, શીતલ સમજણી થઇ ત્યારથી એનેજ મા સમજતી હતી.અને એ રીતેજ મા વિષે પોતાના નિબંધમાં એણે લખ્યું હતું. જે જોયું અને અનુભવ્યું એ લખ્યું !
બીજે દિવસે સવારે મારો લખી દીધેલો નિબંધ પોતાની નોટમાં ઉતારી શીતલ શાળાએ ગઈ.
પંડ્યા મેડમને નિબંધની નોટ આપી મેડમે ઉપરછલી નજર ફેરવી નોટના પાનાં ફેરવતા પૂછ્યું , " આ તેં લખ્યો છે ? શીતલે જવાબ આપ્યો " હા, મેડમ મારી નોટમાં મેં જ લખ્યો છે પણ પપ્પાની મદદ લીધી છે "આટલું કહી વર્ગમાં દાખલ થવાની પરવાનગી લઈ શીતલ વર્ગમાં હાજર થઈ ગઈ
મેડમ બીજા વર્ગમાં પિરિયડ લેવા જતા હોય, શીતલે આપેલી નોટ પોતાના લોકરમાં મૂકી.
શાળા છૂટતાં શીતલની નિબંધની નોટ પોતે ઘેર લઇ ગયા.
*******
દિપક મારી જોડેજ નોકરી કરે.નોકરીમાં અને ઉંમરમાં મારાથી થોડો જુનિયર.
રવિવારની સાંજે એ ઘેર આવ્યો અને સ્થાનિક પ્રખર જ્યોતિષાચાર્ય અને ગાયત્રી ઉપાસક ગુરુજી પાસે જવાનો હોય મને સાથે લઈ જવાનો આગ્રહ કર્યો, દિપક ગુરુજીના પરિચયમાં હતો, એમની ગુરુજી પ્રત્યેની શ્રદ્ધાને કારણે તે અવારનવાર મુલાકાત લેતો હતો જયારે મેં ગુરુજીનું નામ અને ખ્યાતિ સાંભળેલા પણ કદી રૂબરૂ પરિચય કરવાનો મોકો નહોતો મળ્યો છતાં દિપકના આગ્રહને વશ થઇ હું તેની સાથે ગુરુજી ને ત્યાં જવાનું કબુલ્યું અને અમે બન્ને ગુરુજીના ઘેર ગયા.
દરવાજે કોલબેલ મારતાં ગુરુ પુત્રી એ દરવાજો ખોલી સસ્મિત આવકાર આપતા બુમ મારી, " બાપુજી દિપક ભાઈ આવ્યા છે"
ફળિયામાં પડતી સીડી દ્વારા અમે ગુરુજીના બેઠક ખંડમાં પ્રવેશ્યા
સફેદ રૂ ની પુણી જેવા લાંબા ઓડિયા વાળ,એવીજ સફેદ લાંબી ભરાવદાર દાઢી, તેજસ્વી વિશાળ ભાલ ઉપર ભસ્મનું ત્રિપુંડ,ગળામાં રુદ્રાક્ષના મોટા પારા ની છાતી સુધીની માળા,પહેરેલા ગુરુજી કંઈ વાંચવામાં એટલા તલ્લીન હતા કે અમારા આગમનની નોંધ પણ ન લીધી અમે પણ એમને ખલેલ ન પહોંચે એ રીતે ચુપચાપ બેઠક ખડમાં ગોઠવેલી ખુરશી પર ગોઠવાઈ ગયા.
ગુરુજી એક ચિત્તે કંઈક વાંચી રહ્યા હતા,થોડીવારે એમની આંખમાંથી આંસુ ટપકવા શરૂ થયા એક, બે, ત્રણ, અને પછીતો સતત આંસુની ધાર એમના સફેદ ધોતીયાને ભીંજવતી રહી થોડીવારે વાંચવાનું પૂરું થતા ચશ્મા ઉતારી આંખો લૂછતાં અમારી તરફ જોઈ, ગંભીર સ્મિત સાથે આવકાર આપ્યો.
થોડીવાર રૂમમાં અંખડ શાંતિ છવાઈ ગઈ.
ધોતિયાના છેડેથી ચશ્માના કાચ લુછતાં એણે મૌન તોડ્યું
"સોરી, દિપકભાઈ તમે ક્યારે આવ્યા એ મને ખ્યાલ પણ ન રહ્યો.
"આજથી 25 વર્ષ પહેલાં લીલાપુર ગામના સ્મશાને મારી યુવાન પુત્રીની ભડભડ બળતી ચિતા પાસે હું જે દુઃખી અને અસમંજસ સ્થિતિમાં લાચાર બનીને ઉભો હતો, એ ભૉ માં ભંડારાયેલ ભુતકાળ મારી નજરે તરી આવતાં હું એમાં ડૂબી ગયો હતો. એક નાનકડી બાળાની માત્ર 15 લીટીએ મને 25 વર્ષના ભૂતકાળ તરફ ફેંકી દીધો" આટલું બોલતાં ગળે ડૂમો બાજી જતા થોડું પાણી પી આગળ ચલાવ્યું.
"આજથી 25 વર્ષ પહેલાની આ વાત છે. મારી મોટી પુત્રી સાધનાના લગ્ન લીલાપુર ગામના પ્રાથમિક શાળાના આચાર્ય સાથે થયેલ, લગ્નના બે એક વર્ષ બાદ સંતાન યોગ પ્રાપ્ત થતાં એમને ઘેર પુત્રી અવતરી
પ્રસુતિ પછી પુત્રી સાધનાની તબિયત નરમ ગરમ રહ્યા કરતી હતી પરંતુ દવાને ટેકે ચાલ્યું જતું હતું એવામાં છ એક માસ પછી સાધનાને કમળો લાગુ પડ્યો, અને એમાંથી કમળી થઇ જતા ટૂંકી બીમારીમાં એ છ માસ ની બાળકી રાજશ્રીને મૂકી અવસાન પામી, સાધનાના સ્વસુર પક્ષે રાજશ્રીની જવાબદારી લેવા માટે હાથ ઊંચા કરી દીધા છ માસની બાળકીને કેમ ઉછેરીને મોટી કરવી ? એ યક્ષ પ્રશ્ન અમને સતાવતો રહ્યો, તેમ છતાં હિંમત કરીને ઈશ્વરને ભરોસે એ છ માસની રાજશ્રીને અમે અહીં અમારે ઘેર લઇ આવ્યા, અને એની નાની,એ ઉતરતી અવસ્થાએ મા નો પાઠ ભજવવો શરૂ કર્યો,રાજશ્રી પણ પોતાની નાનીને મા સમજતી હતી, અને એજ રીતે તેને બોલાવતી હતી પરમ કૃપાળુ પરમાત્માની દયાથી બધું સાગોપાંગ ઉતરી ગયું, રાજશ્રી ને B.A. સુધી ભણાવી અને ગયે વર્ષેજ એમના લગ્ન કરી સાસરે વળાવી."
નોટબુક પોતના હાથમાં રાખીને અમને બતાવતા કહ્યું, બસ, આજે આ છોકરીના લખાણે મને મીણની જેમ ઓગાળી નાખી મારુ હૃદ્યય ગ્લાનિથી ભરી દીધું,
આ વાત ચાલતી હતી ત્યાં ગુરુજીની સ્વરૂપવાન પુત્રી ચા લઈને ખડ માં પ્રવેશી અમને ચા નો કપ હાથમાં આપતાં એ પણ અમારી સામેના સોફા ઉપર બેઠી
" મારી ભૂતકાળની બીનાને આ બાળકી ના લેખન સાથે શું સબંધ છે સ્વાભાવિક તમને એવું થશે તો એ વિષે મારી બેબી પાસેથી વધુ વિગતવાર જાણો " એમ કહી ગુરુજીએ પોતાની યુવાન પુત્રી તરફ હાથનો સંકેત કર્યો.
ગુરુજીની પુત્રીએ જવાબ આપતા કહ્યું : હું તમને એ અંગે વિગતવાર વાત કહું " એમ કહીને એણે દિપક પાસે વાત માંડી.
" ગયે અઠવાડિયે મેં મારા વર્ગની વિદ્યાર્થીનીઓને "મા " વિષય ઉપર એક નિબંધ લખવા આપ્યો હતો.
મારા ક્લાસમાં ભણતી દરબારની એક છોકરી બિલકુલ અસંગત બાબતો નિબંધમાં લખી આવી નિબંધ વાંચતાજ હું ગુસ્સે થઈ. મેં ભર્યા વર્ગમાં એ વિદ્યાર્થીને અપમાનિત તો કરી પણ શિક્ષા રૂપે એની હથેળીમાં ફૂટપટ્ટી પણ મારી અને કહ્યું કે "આવતા બે-ત્રણ દિવસમાં વ્યવસ્થિત નિબંધ લખીને આવજે અને ત્યાર પછી જ તને વર્ગમાં પ્રવેશ મળશે એ વિદ્યાર્થિનીએ પોતાના પિતાની મદદથી નિબંધ લખી લાવી ગઈકાલેજ મને આપ્યો અને એ નોટબુક તપાસવા હું ઘેર લઈ આવી,

મને અપાર દુઃખ થયું, અને તેને અપમાનિત કરીને શિક્ષા કર્યાનો પણ ભારોભાર પસ્તાવો થયો.
તમે માનશો ? એ પસ્તાવાના પ્રાયશ્ચિત રૂપે મેં આજે માતાજીની ક્ષમા માગી ઉપવાસ કર્યો છે, બાપુજીને ઉપવાસનું કારણ કહેતાં તેણે એ નિબંધ વાંચવા માગ્યો અને તમે આવ્યા ત્યારે એ વિદ્યાર્થીની ની નોટનો નિબંધ જ વાંચતા હતા એટલુંજ નહીં પણ મેં નક્કી કર્યું છે કે આવતીકાલે શાળા છુટયાબાદ એ વિદ્યાર્થીની જોડે એમને ઘેર જઈને એમના પિતાશ્રીની પણ હું માફી માંગીશ"
વાત પુરી કરતા ગુરુ પુત્રીએ આંખના ખૂણા પોતાના રૂમાલથી લૂછ્યાં
આજે સવારે એ નિબંધ વાંચતા હું ચોધાર આંસુએ રડી છું. દરઅસલ મારી સ્વર્ગસ્થ મોટીબહેન સાધનાનો જ કિસ્સો એણે લખી નાખ્યો હોય એવું મને લાગ્યું મને પરિસ્થિતિનો તાગ મળી ગયો અને સમજાયું કે રાજશ્રી જેવી ઘણી મા વિનાની બાળકીઓને દાદીએ ઉછેરીને મોટી કરી હોય છે.
હું તો દિગ્મૂઢ જ થઇ ગયો,કે અરે,આતે કેવો કુદરતી સંયોગ કે જે શિક્ષિકાના બેહૂદા વર્તનને હું ધિક્કારતો હતો, એનેજ ઘેર આકસ્મિક રીતે હું આવી ચડ્યો ?અને શિક્ષિકાએ પોતાનો પસ્તાવો પણ અજાણ્યા વ્યક્ત કર્યો ? છતાં આ બધું સાંભળ્યા પછી હું ચુપજ રહ્યો.
દિપકને આછો અંદેશો આવી જતાં ખાતરી કરવા પૂછ્યું " એ વિદ્યાર્થીની નું નામ શું છે ?"
ગુરુપુત્રી એ જવાબ દેતા કહ્યું, એ કોઈ દરબારની છોકરી છે એનું નામ શીતલ ઝાલા છે"
દિપકે મારી સામે જોયું,અને ગુરુપુત્રી શિક્ષિકાને કહ્યું " તમારો પસ્તાવો વ્યાજબી હતો અને તમારું પ્રાયશ્ચિત માતાજીએ કબુલ્યું છે હવે તમારે શીતલના પિતાજીને ઘેર મળવા જવાની જરૂર નથી માતાજીએ ખુદ એને અહીં મોકલ્યા છે અને એ છે આ મારા મિત્ર ઝાલા સાહેબ, જેઓ અમારી બેન્કના સિનિયર ઓફિસર છે.દીપકે વધુ ખુલાસો કરતા કહ્"હું એમની ઓળખાણ આપીને પરિચય કરાવું એ પહેલાજ ગુરુજીએ પોતાની વાત શરૂ કરતા, વાતની ગંભીરતા જોઈને અહીંથી જતી વખતે પરિચય કરાવવાનું વિચાર્યું હતું, તમારો વ્હેમ સાચો હતો પણ તેઓ દરબાર નહીં પણ નાગર છે અને નાગરમાં પણ ઝાલા અટક હોય છે"
આટલું દીપકના મોઢેથી સાંભળતા જ સ્વરૂપવાન શિક્ષિકાના ગુલાબી ગાલ શરમથી શ્યામ થઇ ગયા, પરસેવાથી રેબઝેબ થયેલ ગુરુપુત્રી શિક્ષિકાને પોતાના પગ નીચેની ધરતી સરકતી હોય એવું લાગવા માંડ્યું, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં એવી લાગણી અનુભવતાં એ આંસુ લૂછતાં ખંડ છોડીને ચાલી ગયા.
ગુરુજી ખુદ આશ્ચર્યમાં પડી ગયા. પોતે ગળગળા થઇ હાથ જોડીને મારી ક્ષમા માંગતા બોલ્યા " ઝાલા સાહેબ, મારી પુત્રી વતી હું આપની માફી માંગુ છું."
બસ એ દિવસ પછીથી પંડ્યા મેડમ અમારા પરિવારના એક સભ્ય બની ગયા અને શિતલની બધીજ શૈક્ષણિક જવાબદારી તેણે છેક ૧૨ ધોરણ સુધી નિભાવી.
આમ એક પંદર લીટીના નિબંધે કુંવારી શિક્ષિકાના હૃદયમાં મા ની મમતાની જ્યોત પ્રગટાવી.