Monday, 30 March 2020

दर्पण जूठ न बोले !

આમતો સમજણા થયા ત્યારથી જ નિત્ય દર્પણ દર્શનની ટેવ હતી યુવાનીમાં તો દર્પણ એક અજીબ સાથીદાર બન્યો હોય એમ જયારે સમય મળે ત્યારે દર્પણ દર્શન અનિવાર્ય બની ગયું હતું  એ રંગ, રૂપ, દેખાવ, પ્રતિભા, સ્ટાઇલ એ બધાનો  નિર્ણાયક દર્પણ જ બનતો હતો.
 ઉંમર ઢળતા, નોકરી, પરિવારની જવાબદારી સાથે દર્પણનો સંગ ધીમે ધીમે છૂટવા લાગ્યો ક્યારેક તો અનિવાર્યતા હોવા છતાં એ તરફ ઉપેક્ષા સેવાતી
સાઈઠ વર્ષ પુરા થયા નોકરી અને સામાજિક જવાબદારી ઓછી થઇ ત્યારે આજે વર્ષો પછી અચાનક થોડી   નિરાંતે દર્પણમાં જોયું, અને અચાનક જ મારા ચહેરા ઉપર ખુશીની લહેર ફરી વળી સાઈઠ સાઈઠ વર્ષ સુધી કુદરતી શ્યામ કેશનો ટોપલો ધારણ કરી ફરનાર આજે હું એ જ છું કે મારા વ્યવસ્થિત ઓળેલા કેશમાં અચાનક જ સફેદ કેશ  જોઈ અને મારું મન થનગની ઉઠ્યું
ખૂબી તો જુઓ, કે જે સફેદ વાળને કલર કરાવી શ્યામ વર્ણીય બનાવવામાટે માત્ર દશ જ મિનિટ જોઈએ છે, એ કાલા ડિબાંગ વાળને પકવી અને શ્વેત બનાવતા સાઈઠ સાઈઠ વર્ષ લાગે  છે અને તેથી જ મારી એ સાઈઠ વર્ષની તપશ્ચર્યાનું ફળ સહસા મળતા ખુબ ખુશી અનુભવી
સફેદ વાળની સાથે કોઈ અદભુત શિલ્પીના હાથે કંડારાયેલી હોય એવી ભાલ પ્રદેશ પરની કોઈક મોટી, જાડી તો  કોઈક નાની જીણી કરચલીઓને જોતાં વીતી ગયેલ યુગની અનેક સ્મૃતિઓ તરો તાજા થઇ
કપાળ ઉપર અંકિત થયેલી એ એક એક  રેખાઓ  મારા જીવનના પૂર્વાર્ધની લઘુ લિપિમાં લખાયેલી મહાકથા છે, અને તે વાંચવાનો આજે સમય મળી ગયો.
જયારે કોઈ પ્રૌઢાવસ્થામાં પ્રવેશે છે ત્યારે ખબર નહીં કેમ પણ થોડી નિરાશા, અને હતાશા અનુભવે છે, કપાળ ઉપરની કરચલીઓ ઢાંકવા અથાગ પ્રયાસ કરી લુટાયેલા અને વીતેલા યૌવનને ધરાર જકડી-પકડી રાખવા મથે છે.પરંતુ હકીકતે વાસ્તવિકતા સ્વીકારી જો પ્રૌઢા/વૃધ્ધાવસ્થાનો સ્વીકાર કરવામાં આવે, અને ફુરસદે દર્પણ દર્શન થકી કપાળ પરની લઘુલિપિમાં લખાયેલી એ મહાકથાને ઉકેલવા મથે તો એ સૌથી વધુ સૌંદર્યવસ્થા છે.કપાળ પરની એક એક કરચલી વીતેલા દિવસોની સ્મૃતિશેષ કથા વાગોળવાની જે મજા છે એ એક અદભુત અનુભવ છે.પરિવારને,સંતાનોને, મિત્રોને આપેલ સાથ સહકાર અને મદદને વિસ્તૃત રીતે વર્ણવતી એ રેખા જીવનનો લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવૉર્ડ છે, કોલેજ કે યુનિવર્સીટીની ડિગ્રી કદાચ અવસાન પછી દીવાલ ઉપર લટકતી રહી જશે અથવા ફાઈલમાં ઉધઈ જેવા જંતુ કોતરી ખાશે પણ કપાળ ઉપરની એ કરચલીઓ તો દેહ સાથે ભસ્મીભૂત થશે અને સમગ્ર જીવનનો એક મહા નિબંધ તમારો આજીવન સાથી રહેશે. 






Wednesday, 4 March 2020

એક હતા ધીરેન ઝાલા

ઈશ્વર પણ સ્વાર્થી છે.
હા. બિલકુલ સાચું છે કે ખુદ ઈશ્વર પણ સ્વાર્થી છે જયારે કોઈ પણ જીવને સૃષ્ટિ  ઉપર દેહાવતાર રૂપે ભગવાન મોકલે છે તે પહેલા દરેક જીવમાં અલગ અલગ પ્રકૃતિ, સ્વભાવ,ખાસિયત,વિગેરે મૂકીને પૃથ્વી ઉપર મોકલે છે. એ પૈકી અમુક જીવોમાં નિરભિમાન,સરળતા, સમર્પણ પ્રેમ, લાગણી, કરુણા, ભક્તિ, ધાર્મિકતા,અનુકંપા, વૈરાગ,અનાસક્તિ નિર્મોહ, પ્રમાણિકતા,ચારિત્ર્ય વિગેરેનું આરોપણ કરી અલગ જ પ્રકારના વ્યક્તિત્વનું સર્જન કરે છે જો એવા લોકોનું સર્જન ન કરે તો દેવોની પૂજા-અર્ચન, ભજન-સંધ્યા,ધર્મસભા, શિક્ષાપત્રી નું વાંચન અને તે અંગે લોકોને અપાતી સમજણ આ બધું કોણ કરે ? સંતો મહંતો ની સેવા કોણ કરે ? તેથી આ કારણે આવા જૂજ લોકો ઈશ્વર દ્વારા સર્જિત થઇ પૃથ્વી ઉપર માનવ દેહે જન્મે છે.
એ પૈકીનો એક જીવ 5 સપ્ટે,1935 ના દિવસે જૂનાગઢના તબીબ ડો.હર્ષદરાય ઝાલાને ઘેર બાળ સ્વરૂપે જન્મ્યો અને જન્મના  છઠ્ઠા દિવસે એ ધીરેન /ભાલચંદ્ર ના નામથી ઓળખાયો।
ગર્ભશ્રીમંત પરિવારમાં એ પ્રથમ પુત્ર પ્રાપ્તિ હતી. પિતાશ્રી રજવાડાના સમયમાં જુદા જુદા ગામે સરકારી તબીબ તરીકે બદલાતા રહેતા હતા.વડિયા, ગોંડલ, જામકંડોરણા,રાજકોટ,કોઠારીયા વિગેરે સ્થળો ફર્યા હોવાને કારણે ધીરેનનું પ્રાથમિક શિક્ષણ અલગ અલગ ગામોમાં થયું પણ માધ્યમિક શિક્ષણ મોટેભાગે ગોંડલ ખાતે પૂરું કર્યું
ધીરેનભાઈની કોલેજ કારકિર્દી શરૂ થઇ યુવાની પૂરબહારમાં ખીલી હતી, ચલચિત્રના કલાકાર જેવું આકૅષક વ્યક્તિત્વ,અને ગર્ભશ્રીમંત હોવાની છાંટ તેના વસ્ત્રપરિધાનમાં વર્તાઈ આવતી હતી એ સમયમાં, નાયલોન, ગ્લાસ નાયલોન,સાસ્કિન, ટેરેલીન  વિગેરે પ્રકારના કાપડ લોકો માટે  નવા હતા, એ શ્રીમંત શોખીનોને   પરવડતો  પોશાક ગણાતો હતો ત્યારે એવા પહેરવેશથી એક જુદીજ આભા ધરાવતા ધીરેનભાઈ "ફેશન નો આઈકોન" ગણાતા હતા પરફેક્ટ યુરોપિયન વાહીટ સ્કીન, કુદરતી ગુલાબી ગાલ, વાંકડિયા વાળ, મૃદુ છતાં મિષ્ટ ભાષી, હસમુખો  ચહેરો તેની પ્રતિભામાં ચાર ચાંદ લગાવતા હતા અને અનેક કોલેજીયન યુવતીઓના એ "સ્વપ્નના રાજકુમાર " બની ગયા હતા. આ લખતાં મને એની કોલેજ કેરિયરનો એક કિસ્સો યાદ આવે છે લગભગ 1957-58 ના  વર્ષમાં  તેઓ ભાવનગર ની એમ.જે. કોમર્સ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે  ધીરેનભાઈના ચુંબકીય વ્યક્તિત્વ,સુઘડ અને ફેશનેબલ સ્ટાઈલિશ રહેણીકરણી થી આકર્ષાઈ રક્ષા મહેતા નામની અતિ સ્વરૂપવાન મધ્યમ વર્ગની એક યુવતી,જેનું જોબન ડુંગરે ચડી ઉલાળા મારતું હતું  તેણે  પોતાની મોહજાળ પાથરવાના ઈરાદાથી તેની સાથે નિકટતા કેળવવાની કોશિશ કરી,ચાલાક ધીરેનભાઈને સમજતાં વાર ન લાગી કે  इनकी  नियत साफ़  नहीं  है ! અને એ વધુ નિકટતા કેળવે અને કોલેજમાં ચર્ચાસ્પદ બને એ પહેલાંજ જેમ દૂધમાં પડેલી માખી કાઢીને ફેંકે એમ સિફત થી રક્ષાને પોતાની મર્યાદાનું ભાન કરાવી દીધું , આ એના જન્મના સંસ્કાર અને ખાનદાની ના ગુણ હતા. એ ઉપરાંત પણ અતિ તેજસ્વી,અને ભર યુવાની  હોવા છતાં સ્વયં સંયમ,શીલ,અને અડીખમ ચારિત્ર્ય એના જન્મથીજ લોહીમાં વણાયેલા હતા તેનું ઉદાહરણ છે.
1958-61(લગભગ) જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ પૂરો કરી, M.S.W, પૂરું કરી અમદાવાદમાં ન્યુ ક્લોથ માર્કેટ સ્થિત તાતા ફીનલે કાપડ મિલમાં લેબર વેલ્ફેર ઓફિસર તરીકે જોડાયા
આમ કારકિર્દીનો બીજો તબક્કો શરૂ થયો પહેલેથી જ સ્વામી નારાયણ ધર્મમાં આસ્થા ધરાવતો પરિવાર ગોંડલ રહેણાક દરમ્યાન વિશ્વ વંદનીય પૂજ્ય યોગીજી મહારાજનો ભક્ત હતો. સ્વામી મંદિરના બધાજ  ઉત્સવો, ધર્મ સભા, અને પૂજ્ય યોગીજી મહારાજના દરેક પ્રવર્ચનમાં  યુવા ધીરેન,ઉત્સાહ પૂર્વક ભાગ લઈ અગ્રેસર રહેતો હતો  આ સંસ્કાર અભ્યાસ પછી, નોકરી દરમ્યાન પણ તેનામાં અકબંધ રહ્યા
સમયાંતરે લગ્ન થયા, સંતાનો પણ થયા, પરંતુ આ પુણ્યશાળી જીવ સાંસારિક બધીજ જવાબદારી નિષ્ઠા, અને વફાદારી પૂર્વક બજાવતા,ધ્રાર્મિકતા તરફ વધુને વધુ ઢળતો ગયો. જ્યારે બધીજ  સાંસારિક જવાબદારી પુરી થઇ, સંતાનોને પગભર કરી, યોગ્ય જગ્યાએ પરણાવ્યા ત્યાં સુધી  સંસારમાં રહીને પણ જળકમળવત  અલિપ્તતા કેળવી ધર્મ,અને ભક્તિને વળગી રહ્યા બધીજ જવાબદારી પુરી થતાં નોકરીને તિલાંજલિ આપી પ્રમુખ સ્વામીના ચરણોમાં પોતાની જાતને સેવાઅર્થે  સમર્પિત કરી દીધી
સાહેબ, કેવટ તો રઘુરાયજીના ચરણ પખાળે એમાં નવાઈ નથી, પણ ખુદ ભગવાન કૃષ્ણ જયારે સુવર્ણ સિંહાસન ઉપર બેસાડી અને સુદામાજીના પગ ધુવે એતો અસાધારણ નથી લાગતું ? બસ અદ્દલ એમ જ તારીખ 02/03/2020 ના દિવસે જયારે એ દેહાંત પામ્યાં  ત્યારે સાધુ -સંતો ને હાથે એમના નશ્વર દેહને પવિત્ર સુગંધિત જળથી સ્નાન કરાવી, યજ્ઞોપવિત બદલાવી, કોરા સુંદર વસ્ત્રો પરિધાન કરાવી, ફુલહારથી એમની અર્થીને શણગારી, જીવની ઉચ્ચગતિ માટેની પ્રાર્થના સાથે મુખાગ્નિ આપ્યો
એક સાધારણ,મૂક,અદના સેવકના પુણ્ય કેટલા ઊંચા હશે કે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના દૂતો દ્વારા  એમના જીવને સદગતિ આપવામાં આવી
એક અર્ધ સાંસારિક અને પૂર્ણ ભક્ત જીવ આમ બ્રહ્મલીન થયો,
વિશ્વ વંદનીય ભગવાન સ્વામિનારાયણ એમના આત્માને મોક્ષની ગતિ આપે.