Friday, 23 September 2022

શ્રદ્ધા

શ્રદ્ધા 

"માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો...."

આ જ ગરબાથી હંમેશા શરૂઆત કરતા દેવીપ્રસાદે માતાજીની સ્તુતી બાદ એક પછી એક ગરબાની રમઝટ બોલાવવી શરુ કરી. વાતાવરણમાં ભાવ અને ભક્તિની સુગંધ ચોમેર પ્રસરી વળી.

ભાદરવા સુદ ચૌદસ (અનંત ચૌદસ)ના દિને દેવીપ્રસાદના અંગત મિત્ર ગોંડલ નિવાસી માઇ ભક્ત પરેશભાઈના પૌત્રના જન્મદિન નિમિત્તે તેઓએ માતાજીના બેઠા ગરબાનું આયોજેલ,એ માટે સૌરાષ્ટ્ર પંથકના જાણીતા માઇભક્ત અને ગરબાના ગાયક દેવીપ્રસાદને પોતાના સાજીંદા સાથે ગોંડલ આવવા આમન્ત્રણ આપેલું.દેવીપ્રસાદના કંઠનું માધુર્ય, બુલંદ અવાજ, એની ગરબા ગાવાની હલક સુર, શબ્દ અને તાલ-લયની સમજ સાથેનું જ્ઞાન બેનમૂન હતા.પોતાના વતનમાં ક્યાંય પણ સારા માઠા પ્રસંગોએ, કે નવરાત્રી દરમ્યાન કોઈ પણ જગ્યાએ બેઠા ગરબા યોજાય ત્યાં દેવીપ્રસાદ અનિવાર્ય રીતે હોય જ, એના વિનાના ગરબા ફિક્કા ગણાતા હતા. શ્રી ભુવનેશ્વરીમાતાજીના મંદિર નજીક સ્ટેશન પ્લોટ ખાતે પરેશભાઈના બંગલાની આજુબાજુનું વાતાવરણ દેવીપ્રસાદના ઘેઘુર બુલંદ અવાજથી ગાજી ઉઠ્યું 

સૌમ્ય ગરબાથી શરૂઆત કરતા દેવી પ્રસાદ ધીમે ધીમે ચલતીમાં ગવાતા ગરબા જયારે ગાતા ત્યારે સાંભળનારના રુવાડા ઉભા થઇ જતા. એના પોતાનામાં પણ શક્તિનો અદભુત દિવ્ય સંચાર થતો જોવા મળતો.આંખ મીંચીને ભાવ વિભોર બની ગરબા ગાતા દેવીપ્રસાદની આંખમાંથી ટપટપ અશ્રુધારા સતત વહેતી હતી, એ સમયે માતાજીની મૂર્તિ કે છબી સામે જોઈએ તો ખુદ માતાજીના ચહેરા ઉપર પણ હળવું સ્મિત ફરકતું દેખાય ત્યાં સુધીનું એનું માતાજી સાથેનું તાદાત્મ્ય હતું.

એક પછી એક ગરબા ગવાતા જતા હતા પાંચ, સાત, અને નવમો ગરબો  "ઘોર અંધારી રે...." જ્યાં શરુ કર્યો ત્યાં દેવીપ્રસાદ પરસેવે રેબઝેબ થઇ ગયા.ગરબામાં પ્રગટ થતી શક્તિ, જોમ, અને જુસ્સાને કારણે ગરબો પૂરો થતાંજ દેવીપ્રસાદ અચાનક ઢળી પડ્યા. ભક્તિનું વાતાવરણ ભય અને ચિંતામાં ફેરવાઈ ગયું. પરેશભાઈ પરિવાર અને સાથેના સાજિંદા  ગભરાઈ ગયા. તાબડતોબ અર્ધી રાત્રે સ્થાનિક તબીબને બંગલે બોલાવી તબિયત તપાસરાવી.નિષ્ણાત તબીબે અભિપ્રાય આપ્યો "આમને શક્ય એટલી ઝડપથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડો." થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી અને  બેશુદ્ધ દેવીપ્રસાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલના બિછાને ગોઠવાઈ ગયા.

*****   

દેવીપ્રસાદ શુદ્ધ સાત્વિક બ્રાહ્મણ શિક્ષક.સંસ્કૃતમાં એનું પાંડિત્ય અજોડ હતું.સીધા, સરળ, નિર્વ્યસની, અને માતાજીના પરમ ભક્ત અને ઉપાસક હતા. વર્ષની ચારે નવરાત્રી પોતાને ઘેર માતાજીનું સ્થાપન કરી ચુસ્ત પવિત્રતા સાથે સવારના પાંચ વાગ્યાથી અખંડ દીપ સાથે પૂજા અનુષ્ઠાન કરી, નવે નવ દિવસ ઉપવાસ કરતા, ઉપવાસમાં પણ દરરોજ સવાર સાંજ માતાજીને પ્રસાદ રૂપે ધરવામાં આવતું કોઈ પણ એક જ ફળ  ગ્રહણ કરી નકૉરડો ઉપવાસ વેઠતા.એની માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા,અતૂટ વિશ્વાસ, દ્રઢ સંકલ્પ સાથેની ભક્તિને કારણે તેઓ વિદ્યાર્થી જગત ઉપરાંત સમાજમાં પણ સારું માન-સન્માન સાથે ચાહના ધરાવતા હતા.

જે દિવસે ગોંડલ ખાતે ગરબા ગાવા માટે  જવાનું આમંત્રણ મળ્યું એ દિવસેજ તેઓ  થોડા અસ્વસ્થ હતા. પરિવારના બધાજ સભ્યોએ તબિયતને કારણે ઉજાગરો વેઠવા ન જવા માટે ખુબ સમજાવ્યા પરંતુ દેવીપ્રસાદ એકના બે ન થયા અને "માતાજી મને બોલાવે છે મારે નિશ્ચિત રૂપે જવું જ જોઈએ" આટલું કહી બગલથેલા સાથે ગોંડલ જવા નીકળી પડ્યા.

*****

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સઘન સારવાર વિભાગમાં બીછાને પડેલ દેવીપ્રસાદ બે દિવસ સુધી  બેશુદ્ધ રહ્યા. લો બી.પી.ના દર્દી તો હતા જ એમાંયે મુસાફરીનો થાક, સતત ગાયકીનો શ્રમ. ભાદરવાની ગરમી,અને પહેલેથી જ અસ્વસ્થ તબિયત હોવાને કારણે વધુ અસર પહોંચી હતી એના આઈ.સી.યુ.વોર્ડમાં હસીના નામની એક બત્રીસ વર્ષીય મુસ્લિમ નર્સ એની સતત દેખભાળમાં હતી.

ત્રીજે દિવસે શુદ્ધિમાં આવતા આંખ ખોલી.ઘણા દિવસોથી સઘન સારવાર છતાં એની તબિયતમાં સુધારો થવાને બદલે વધુ બગડતી ચાલી.દેવીપ્રસાદને આગમના એંધાણ વર્તાવા લાગ્યા. એ માની બેઠા કે જીવન લીલાનો છેલ્લો અંક હવે નિશ્ચિત રીતે પૂરો થવામાં છે.ખુલ્લી આંખે ટગર ટગર જોયા કરતા દેવીપ્રસાદની આંખમાંથી અસખલ્લીત આંસુ વહેતા હતા કોઈક માનસિક મૂંઝવણનો અનુભવ થતો હોય એવું સ્પષ્ટ જણાતું હતું. એવામાં એક દિવસ નર્સ હસીનાએ પૂછ્યું, "અંકલ, કેમ રડો છો ? કોઈ તકલીફ થાય છે ? તમારે કંઈ કહેવું છે ? જે પણ તમારા મનમાં હોય એ હું તમારી દીકરી જ છું એમ સમજીને તમે મને કહી દો " 

સોળ સત્તર દિવસે દેવીપ્રસાદના હોઠ ફફડ્યા, કૃશ થઇ ગયેલી કાયા સાથે દેવીપ્રસાદે ઓશિકાના ટેકે બેસવાની કોશિશ કરતાં કહ્યું, "બેટા. મને એક માત્ર ચિંતા સુખેથી સુવા દેતી નથી બે દિવસ પછી નવરાત્રી શરુ થાય છે આ વર્ષે હું માતાજીનું અનુષ્ઠાન કે સ્થાપન ઘેર નહિ કરી શકું.ત્રીસ ત્રીસ વર્ષની મારી માતાજીની સેવા પૂજા, અને ઉપવાસ આ વખતે અહીં દવાખાનામાં હોવાને કારણે મારાથી નહિ થાય એ રંજ મને કોરી ખાય છે.મારી  માડીના મંદિરીયા પણ ધૂપદીપ વિના સૂનાસૂના રહેશે. કેવી લાચાર પરિસ્થિતિમાં મારી જગદંબાએ મને મૂકી દીધો ? મને ભારોભાર અફસોસ સાથે મગજ ઉપર બોજો રહે છે." આટલું બોલતા દેવીપ્રસાદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. બાજુમાં ઉભેલી નર્સ હસીના એમના પલંગ ઉપર બેસી પીઠ પસવારતા બોલી, "અંકલ, ચિંતા ન કરો, હું તમને વચન આપું છું કે હું વિધર્મી હોવા છતાં આ વર્ષે તમારા વતી હું નવરાત્રીના નવે નવ  દિવસ તમારી જેવાજ સખત ઉપવાસ કરી મારે ઘેર અખંડ દિવા સાથે માતાજીના ગરબાનું સ્થાપન કરી, સવાર સાંજ પુરી પવિત્રતા સાથે પૂજન અર્ચન કરીશ.એ બાબતે આપ નિશ્ચિન્ત રહો." આટલું કહી હસીનાએ પોતાનો  જમણો હાથ દેવી પ્રસાદની હથેળીમાં મૂકી વચન આપ્યું. દેવીપ્રસાદે પોતાનો જમણો હાથ હસીનાના માથા ઉપર મુક્તા કહ્યું, "દીકરી, મા ભુવનેશ્વરી તારી બધી જ મનોકામના પુરી કરશે " આટલું બોલતા જ એક  નિરાંત, શાંતિ અને સંતોષ સાથે દેવીપ્રસાદ ઓશિકા ઉપર જ ડોકી ઢાળી ગયા.ગોંડલ જતી વખતે ઘરમાંથી નીકળતા  પૂર્વે પોતે બોલેલા કે " માતાજી મને બોલાવે છે મારે નિશ્ચિત રૂપે  જવું જ જોઈએ " એ સત્ય ઠર્યું  નવરાત્રીની પૂર્વ સંધ્યાએ દેવીપ્રસાદ જગત જનનીની સેવામાં સ્વર્ગે સંચર્યા. 

*****

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી દેવીપ્રસાદના નશ્વર દેહને લઈને મધરાતે એમ્બ્યુલન્સ સૈરાષ્ટ્રના એમના વતન તરફ જવા પુરપાટ વેગે દોડી રહી હતી.મધ્યરાત્રીનો પ્રહર હતો, રસ્તો બિલકુલ નીરવ, સુમસામ અને વાહનવ્યવહાર વિનાનો હતો. વિમાનની ગતિથી દોડતી એમ્બ્યુલન્સ લગભગ સવારના પાંચ-સાડાપાંચના આરસે ગોંડલના પાદરમાં પહોંચી હશે. ગોંડલના શ્રી ભુવનેશ્વરી માતાજીની આરતીનો સમય હતો. શંખનાદ અને ઝાલરના રણકાર સાથે માતાજીની આરતી શહેરના ધોરી માર્ગ સુધી પડઘાતી હતી અને અચાનક એમ્બ્યુલન્સના પૈડાં થંભી ગયા.

એમ્બ્યુલન્સ ચાલકે નીચે ઉતરી ગાડીનું બોનેટ ખોલી તપાસ્યું, બધું જ બરાબર હતું, ડીઝલની ટાંકી પણ છલોછલ ભરેલી હતી સામાન્ય સંજોગોમાં દેખાતું કોઈ કારણ ચાલકને નજરમાં ન આવતા ચાલક મૂંઝાયો.ખુબ કોશિશ કરવા છતાં એમ્બ્યુલન્સ તસુભાર આગળ ન વધી.

એમ્બ્યુલન્સમાં મૃતદેહની સાથે બેસેલ દેવીપ્રસાદના અંગત મિત્રએ થોડીવાર ચિંતા સાથે વિચારમાં પડી જતા ચાલકને કહ્યું " ભાઈ, તું ખોટી મહેનત અને ચિંતા ન કર.આ ગાડી પુરી ચાલીશ મિનિટ સુધી અહીંથી નહીં ચશે, ભુવનેશ્વરી માતાજીની આરતી પુરી થશે, અને અહીં સંભળાતી ઝાલરનો રણકાર બંધ થયે તારી ગાડી આપમેળે ચાલુ થઇ જશે. દેવીપ્રસાદની અનન્ય ભક્તિ,માતાજી ઉપરની શ્રદ્ધાએ આરતી પુરી થાય ત્યાં સુધી આ ગાડીને રોકી રાખી છે,માતાજી તરફથી એની અનન્ય ભક્તિની શ્રદ્ધાંજલિ રૂપે એ દૈવી શક્તિએ એમ્બ્યુલન્સના પૈડાં બાંધી દીધા છે".
અને ખરેખર બન્યું પણ એવું જ માતાજીની આરતી પુરી થયે ઝાલરનો રણકાર અને ઘંટારવ બંધ થતા એમ્બ્યુલન્સ ફરી ધોરીમાર્ગ ઉપર તેજ ગતિથી દોડવા માંડી."
********
વહેલી સવારે દેવીપ્રસાદનો નશ્વરદેહ વતન ખાતે આવી પહોંચ્યો. શહેરમાં વાયુવેગે સમાચાર ફેલાઈ જતા, અસંખ્ય માઇ ભક્તો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,અને સમાજના અગ્રગણ્ય નામી શ્રેષ્ઠિઓના ટોળે ટોળા દેવીપ્રસાદના પાર્થિવ દેહના અંતિમ દર્શને ઉમટી પડ્યા.વાઘેશ્વરી માતાજીના મંદિરના પુજારીએ માતાજીની પ્રસાદીના ફૂલ તથા કંકુ નિર્જીવ દેહ ઉપર વરસાવી તિલક કર્યું, ગાયત્રી શક્તિપીઠના મહંતે માતાજીની પ્રસાદી રૂપે સાથે લાવેલી ચૂંદડી મૃતદેહ ઉપર ઓઢાડી અને દેવીપ્રસાદના પ્રિય ગરબા "માડી તારું કંકુ ખર્યું.... ગાઈ અને સ્મશાન યાત્રા આરંભી. આખે રસ્તે જનમેદની દર્શનાર્થે ઉમટી પડી હતી. "ભગવતી શરણમ મમ:"ના બુલંદ નાદ સાથે દેવીપ્રસાદના પાર્થિવદેહને મુખાગ્નિ અપાયો.
એક તેજનો લિસોટો પોતાનો તેજપુંજ છોડી દિવ્ય જ્યોતિમાં વિલીન થઇ ગયો.
*******
દેવીપ્રસાદના અવસાનને એક વર્ષ વીતી ગયું હશે.
રવિવારનો દિવસ હતો, દેવીપ્રસાદના પત્ની દામિની બહેન તથા પુત્ર ભાગ્યેશ નિત્યકર્મ પરવારી ચુક્યા હતા દરમ્યાન દરવાજે ઘંટડી વાગી. દામિની બહેને દરવાજો ખોલતા સામે એક અજાણી મુસ્લિમ મહિલા એક નાના બાળકને તેડીને ઉભી હતી.
આગંતુક મહિલાએ વિવેક સાથે પૂછ્યું ," આ દેવીભાઈ અંકલનું ઘર છે "?
દામિનીબેને જવાબ આપતા કહ્યું, હા, આ ઘર એમનું જ છે પણ ........"એટલું કહી દીવાલ ઉપર સુખડના હાર સાથેની દેવીપ્રસાદની લટકતી તસ્વીર સામું જોતાં એ મહિલાને ઈશારે સમજાવતાં પૂછ્યું "તમારે કોનું કામ છે ?"
આગંતુક મહિલાએ જવાબ દેતા કહ્યું," હા,મને ખબર છે અંકલ ગયા વર્ષે જ અવસાન પામ્યા છે અંકલની અંતિમ અવસ્થાએ હું જ એમની નજીક દવાખાનામાં હતી"
દામિનીબેને ઉપકારવશ ઘરમાં આવકાર આપતા કહ્યું " બોલો શું કામ છે ?"
મુસ્લિમ મહિલા બાળક સાથે ઘરમાં પ્રવેશી પોતાનો પરિચય આપતા કહ્યું," મારુ નામ હસીના છે મુસ્લિમ છું અને હું અમદાવાદથી આવું છું.ત્યાંની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરું છું. અંકલના છેલ્લા દિવસોમાં હું આઈ.સી.યુ. માં એના જ વોર્ડની ડ્યુટી નર્સ હતી.
વાત એમ છે કૈં અંકલ એની આખરી ઘડીએ કોઈ અગમ્ય મૂંઝવણ અનુભવતા હતા એ સમયે મારા આગ્રહથી પોતાની અંતિમ ઈચ્છા મને કહી હતી તુર્તમાં જ આવતી નવરાત્રીમાં પોતે ઘટ સ્થાપન નહિ કરી શકે અને પૂજા અનુષ્ઠાન પણ નહિ કરી શકે એનો મૂંઝારો તેઓ અનુભવતા હતા એ સમયે મેં એમને વચન આપેલું કે હું વિધર્મી હોવા છતાં માતાજીનું પુરી શ્રદ્ધા, ભક્તિ ભાવથી પૂજા અનુષ્ઠાન કરી અને ઘટ સ્થાપન કરીશ,અને મને અંકલે આશીર્વાદ આપતા કહ્યું હતું કે " બેટા, તારી બધી મનોકામના માં ભુવનેશ્વરી પુરી કરશે " આટલું કહી તેઓએ અંતિમ શ્વાસ છોડ્યા હતા.એ મુજબ બીજે દિવસે નવરાત્રી શરુ થતા હોય,મારી બ્રાહ્મણ સહેલી અને સહકર્મી વંદનાના પિતાજી ત્યાંના હરસિધ્ધિ માતાજીના પૂજારી હોવાથી એમની મદદ અને માર્ગદર્શનથી મેં

સંપૂર્ણ પવિત્રતા સાથે નવ દિવસ અનુષ્ઠાન કરી, ઉપવાસ કરી અને હિન્દૂ રીત રસમ મુજબ ઘટ સ્થાપન કરેલું અને માતાજીની દયા અને વડીલના આશીર્વાદ થી બધું જ સુપેરે પાર પડી ગયું.
વાતને વિરામ આપતા હસીનાએ પોતાની બોટલમાંથી પાણી પી આગળ કહ્યું, " બહેન, મારા લગ્નને પુરા દશ વર્ષ થવા છતાં મારે ખોળે શેર માટીની ખોટ હતી, અમે પતિ પત્નીએ પીર, મૌલા, ઓલિયા-ફકીર, બાબા,સહીત અનેક દરગાહે માથા ટેકવી અનેક મન્નત માની પણ અલ્લાહ તાલાએ અમારી બંદગી કબુલ ન કરી.અંતિમ સમયે અંકલને વચન આપ્યા પછી અંકલના આશીર્વાદ થકી નવરાત્રીનું અનુષ્ઠાન પૂરું થતા જ શરદ પૂર્ણિમાને દિવસે મેં ગર્ભ ધારણ કર્યો અને નિયત સમયે મને પુત્ર રત્ન પ્રાપ્ત થયુ.આ ખરેખર વિશ્વંભરી જગત જનની માં ભુવનેશ્વરીની જ કૃપા અને વડીલના આશીર્વાદનો ચમત્કાર છે એમ માની મેં મારા પુત્રનું નામ પણ ભુવનેશ પાડ્યું છે.ઘટસ્થાપનના દિવસથી જ અમે બન્ને શુદ્ધ શાકાહારી બની ગયા છીએ અને ઘરના એક ખૂણામાં નાનું મંદિર બનાવી, માતાજીનું સ્થાપન પણ કર્યું છે એ દિવસથી હું માતાજીની નિત્ય પૂજા આરતી કરું છું. આજે રવિવાર હોય, હું મારા પુત્ર સાથે ગોંડલ ભુવનેશ્વરી માતાજીને પગે લગાડવા આવી હતી એટલે થયું કે અંકલના ફોટાને પગે લાગી અમે બન્ને આશીર્વાદ મેળવીએ " આટલું બોલતા તો હસીનાની આંખમાં ડબાડબ આંસુ છલકાઈ પડ્યા.પોતે પુત્ર સાથે ઉભી થઇ દેવીપ્રસાદના ફોટાને પગે લાગતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.દામિનીબેને એને શાંત પાડી ચા-નાસ્તો પીરસી, અને એના હાથમાં રૂપિયા પાંચસોની નોટ આપતા કહ્યું," બેટા, કોઈ પણ દેવ-દેવીનું કાર્ય શ્રદ્ધાપૂર્વક કરો તો એ કદી અફળ નથી જતું, જગત જનની તો દયાળુ અને કૃપાળુ છે એ કોઈ દિવસ કોઈનું કરજ રાખતી નથી તારે ત્યાં દશ વર્ષે પુત્ર પ્રાપ્તિ થવી એ એની જ કૃપાનું પરિણામ છે માતાજીએ તારી સેવા પૂજા સ્વીકાર્યાની હાથોહાથ પહોંચ તને આપી છે. ઈશ્વર મનુષ્ય જેવો સ્વાર્થી નથી. આજથી તું પણ મારી દીકરી જ છે એવું સમજજે "
અશ્રુભીની આંખે હસીનાએ વિદાય લીધી એને વળાવવા દરવાજા સુધી આવેલ દામિનીબેન ભીની આંખે એ દેખાતી બંધ થઇ ત્યાં સુધી તેને જતી જોઈ રહ્યા
" શ્રદ્ધા વિનાની જિંદગી જગમાં કદી ફળતી નથી." ફરી એકવાર સાબિત થયું.
*******
એક સત્ય ઘટના આધારિત વાર્તા.










Wednesday, 6 July 2022

સ્મશાન સેવા

 સ્મશાન સેવા

"ગુલાબ અને ગલગોટાના તાજા ફૂલની છાબ,શુદ્ધ ગંગાજળ ભરેલું બેરલ અને મૃતદેહોના અસ્થિ ભરવા માટેની અસંખ્ય માટીની કુલડી લઈને સ્મશાનના વિશાળ ઓટલા પર કાયમ એક પુરોહિત બેસતો હતો. અંતિમ સંસ્કાર માટે આવતા દરેક કોવિદ/નોન કોવિદ મૃતદેહોને પોતે પી.પી.ઇ.કીટ પહેરીનેે પણ વિધિવ્રત અંતિમ ધાર્મિક વિધિ કરાવતો.

કલેકટર સાહેબના નિકટના સ્વજનની અંતિમ વિધિ કરાવ્યા બાદ કલેકટર સાહેબે પુરોહિતને ગરીબ બ્રાહ્મણ ધારીને વિધિ પુરી થયે રૂ.એકસોની નોટ આપવા ધરી.પુરોહિતે હાથ જોડી નમ્રતાથી તેનો અસ્વીકાર કરતા કલેકટર સાહેબનો અહમ ઘવાયો અને બોલ્યા,

"કોરાના કાળમાં બ્રહ્મ ભોજન બંધ થયા,બ્રાહ્મણિયું બંધ થયું,એટલે પેટિયું રળવા અહીં સ્મશાનમાં ધામા નાખ્યા અને તને આટલી દક્ષિણા ઓછી પડે છે ?"
પુરોહિતે હાથ જોડતા કહ્યું,"ના સાહેબ એવું નથી પણ હું ગરીબ તવંગર કોઈની પણ અંતિમ વિધિ તો કરું જ છું ઉપરાંત ચિતા ઠારવા શુદ્ધ ગંગાજળ તથા વિધિ માટે ફુલહાર પણ નિઃશુલ્ક આપું છું"
"તો આટલી મહેનત પછી તને મળે છે શું ?" કલેકટર સાહેબે પૂછ્યું.
"જવા દો ને સાહેબ,મને શું મળે છે એ જાણીને તમારે કામ પણ શું છે?
સાહેબ, કઈંક મેળવવા માટે જ બધા કાર્યો નથી થતા હોતા .ક્યારેક ગુમાવીને પણ ઘણું બધું મળતું હોય છે.તેમ છતાં મને શું મળે છે એ જાણવાની જિજ્ઞાસા હોય તો સાંભળો.
આપને પ્રતિમાસ જે મળે છે એના કરતા દશ ગણું મને એક મૃતદેહની વિધિ પછી મળે છે."
ઉપર આકાશ તરફ જોતા પુરોહિતે આગળ કહ્યું "મને જે મળે છે એ બેંકની પાસબુકમાં લોકરમાં કે સ્વીસ બેંકમાં જમા થતું નથી.એના ઉપર હું કોઈ ટેક્સ પણ ભરતો ન હોવા છતાં ઇન્કમટેક્સ કે ઇ.ડી.રેડ પણ પાડી શકે એમ નથી મારી કમાણી અને મારી બેંક જ જુદી છે.
દેશના સૌથી વધુ ધનવાન હોવાની હોડમાં અગ્રક્રમે રહેતા ધનવાનો કરતા પણ હું વિશેષ ધનવાન છું.
અસંખ્ય માળના વૈભવશાળી બંગલામાં સુખડના પલંગ ઉપર પોઢનારાઓ માટે પણ આ ચાર લોખંડ ના પાટા વાળી કાષ્ટ શૈયા અંતિમ વિરામ છે કદાચ તેમના અગ્નિસંસ્કારમાં સુખડ-ચંદનના કાષ્ટ ભલે વપરાય પણ શીતળતા એ સુખડ-ચંદનનો ગુણધર્મ હોવા છતાં ભડભડ અગ્નિથી બળતા મૃતદેહને એ પણ શીતળતા નહિ આપી શકે જે શીતળતા મારી હયાતી અને હયાતી બાદ પણ મને મળતી રહેશે"
સ્મશાનના દૂરના એક ખૂણે એકાંતમાં બેસેલ કલેકટર સાહેબના વૃદ્ધ પિતાશ્રી યુવાન પુત્ર અને પુરોહિત વચ્ચેનો આ સંવાદ શાંતિથી સાંભળતા હતા. બન્ને વચ્ચે વાતચીત પુરી થયા પછી થોડીવારે વૃદ્ધ પિતાજીએ યુવાન પુત્રને ઇશારાથી પોતાની પાસે બોલાવી બાજુમાં બેસાડતા કહ્યું ,"તું જે પુરોહિત સાથે વાત કરતો હતો એ કોણ છે એ તને ખબર છે ?આજનું તારું તેની સાથેનું વાણી-વર્તન મને બિલકુલ ગમ્યું નથી. યાદ રાખ કે તું કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં નહિ પણ અ સ્મશાન ભૂમિમાં ઉભો છે," ભડભડ બળતી એક ચિત્તા તરફ આંગળી ચીંધતા આગળ કહયું," જો તું તારી ખુરશી, સત્તા કે પદના મદમાં હો તો જોઈ લે,સામે બળતી ચિતાની જેમ આ લોખંડના પાટા ઉપર એવા ભલભલા ખેરખાં રાખનાં ઢગલામાં ખોવાઇ ગયા છે કે જેની સામે તારી કોઈ જ હેસિયત નથી. આ પુરોહિતનો ભૂતકાળ સાંભળ્યા પછી તારું અભિમાન એક મિનિટમાં ઓગળી જશે."
એટલું કહેતા વૃદ્ધ પિતાએ પુરોહિતના પૂર્વજીવન વિષે ખ્યાલ આપવો શરુ કર્યો,
"વર્ષો પહેલાઁ નજીકના શહેરમાં હરિપ્રસાદ નામે એક બ્રાહ્મણ નાને પાયે બોલબેરિંગનું કારખાનું ચલાવતો હતો.સમયાંતરે એનો ધંધો વિકસતો ગયો અને એનો M.B.A.ભણેલ પુત્ર પણ એની સાથે વ્યવસાયમાં જોડાયો.એમ કરતા પોતાની મહેનત અને ઈશ્વરકૃપાથી એક કારખાનું અમેરિકા ખાતે પણ શરુ કર્યું.યુવાન પુત્ર અમેરિકાની ફેક્ટરીનો બધો જ વહીવટ સંભાળતો હતો. કમનસીબે થોડા વર્ષો બાદ અમેરિકા સ્થિત એકમાત્ર યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું અને હરિપ્રસાદ ઉપર આભ ફાટી પડ્યું.અખૂટ લક્ષ્મી, અપાર સુખસાધન અને સાહ્યબી હોવા છતાં પોતાનો એકમાત્ર વારસદાર ગુમાવતા હરિપ્રસાદનું મન ધંધા ઉપરથી ઉઠી ગયું.અને અમેરિકાની બધી જ સ્થાવર મિલ્કત વેંચી મારી .
અધુરું હોય એમ બે વર્ષ પહેલાં શહેરમાં કોરોનાનો વ્યાપ વધતાં એમાં એણે પોતાની પત્ની પણ ગુમાવી. આમ હરિપ્રસાદનું મન સંસાર ઉપરથી ઉઠી જતાં પોતાનો જામેલો ધંધો સંકેલી લઇ, પોતાનું બધું મૂડી રોકાણ ઉલાળી દઈ નિસ્વાર્થ માનવસેવા કાજે ફના કરી દીધું અને પોતે પોતાનો આલીશાન અને ભવ્ય અદ્યતન બંગલો છોડી સ્મશાનના ચોગાનમાં આવેલ શીવમંદિરની ઓસરીમાં માત્ર એક શેતરંજી ઉપર સુઈ રહે છે. મૃત દેહની અંતિમ વિધિ, ફૂલ-હાર અને ગંગાજળ આપવા ઉપરાંત મંદિરની નિત્ય સેવાપૂજા પણ એ જ સંભાળે છે. આમ રાત-દિવસ નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક લોકસેવા કરનાર બ્રાહ્મણ તે જ હરિપ્રસાદ પુરોહિત છે.એ તારા જેવાની દાન-દક્ષિણાનો મોહતાજ નથી. હરિપ્રસાદની સેવાવૃત્તિ વિશેષ પરિચય આપતા આગળ કહ્યું
"સ્મશાન બહાર એક ચા-નાસ્તા, અને તાજા ગરમ ફરસાણની કેન્ટીન છે એ પણ આ હરિપ્રસાદની જ છે, સ્મશાન ખાતે આવતા ડાઘુઓ અને મૃતકના સ્વજનો માટે ચા-નાસ્તા, તથા ઠંડા પાણીની બોટલની સેવા પણ નિઃશુલ્ક આપે છે. કોઈ પણ અપેક્ષા વિના માત્ર સેવા આપતા વિપ્રને તેં દરિદ્ર બ્રાહ્મણ સમજીને સો રૂપિયા દક્ષિણ આપવાની હિંમત કરી? એટલું જ નહિ પણ સાંભળનારને પણ શરમ આવે એવા શબ્દો કહીને આટલા બધા લોકો સામે તેં એને અપમાનિત કર્યા ? તારી સાત પેઢી નહિ કમાય એટલું ધન-દોલત અને ઐશ્ચર્ય ઘડીના છટ્ટા ભાગમાં ફૂંકી મારી આ રીતે લોકસેવાના ભેખધારી બનવું સહેલું નથી,એને આટલા કટુ વચન કહીને તે ઘણું ખોટું કર્યું છે. હું અંગત રીતે એવું માનું છું કે ઉંમરમાં તો ખરાજ પણ પોતાના સદ્કર્મોથી પણ એ પુરોહિત આપણા વડીલ છે અને તારે રૂબરૂ એની પાસે જઈને દિલગીરી પ્રદર્શિત કરી એની માફી માગવી જોઈએ. યુવાન કલેકટરના વૃદ્ધ પિતાએ કચવાતા મને દીકરાને સલાહ આપી.
કચવાયેલ પિતાની આંખ સામે જોતાં યુવાન કલેકટરનું કાળજું કંપી ગયું. ઢીલા ધીમા અવાજે કહ્યું,
"જી, પિતાજી,મને આ ખબર નહોતી,તમે સાચા છો વેંચતા તો સહુને આવડે,પણ વહેંચતા તો માત્રને માત્ર હરિપ્રસાદ જેવા કોઈ વીરલાને જ આવડે. હું આવતી કાલે ફરી સ્મશાને આવી એમની માફી સાથે દિલગીરી પ્રદર્શિત કરીશ "
******
બીજે દિવસે સાંજે કલેકટર સાહેબ પોતાની ગાડી લીધા વિના પગપાળા સ્મશાન પહોંચ્યા.પુરોહિત કોઈ મૃતદેહની ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા એ જોઈને કલેકટર સાહેબ,દૂર એક બાંકડે બેસી મનોમંથન કરતા જોતા રહ્યા.થોડીવારે પુરોહિત વિધિ પતાવી પાછા ફરતાં યુવાન કલેકટર એમના પગે પડ્યા.આંખમાં આંસુ સાથે પુરોહિતના ચરણસ્પર્શ કરી ચરણરજ માથે ચડાવતા બોલ્યા,"પુરોહિતજી,મને મારા ગઈકાલના વાણી-વર્તનનું દુઃખ થતા હું આજે આપની માફી માંગવા આવ્યો છું કૃપા કરી મને માફ કરો,તમારી માનવીય સેવા અને ઉદાર ઉદાત્ત ભાવનાથી હું બિલકુલ અજાણ હતો એનું મને ભારોભાર દુઃખ છે,કોઈની હયાતીમાં આર્થિક કે અન્ય મદદ કરી એને ઉપકારવશ બનાવવા કરતા,આંખ મીંચાયા બાદ મૂંગે મોઢે,ગરીબ, તવંગર, નાત -જાત,કે ઊંચ-નીચના ભેદભાવ વિના તમે જે સેવા કરો છો એ અનન્ય અને ઉદાહરણીય છે.જીવનના તમામ ભૌતિક સુખનો ત્યાગ કરી, એક સન્યાસી જેવું જીવન જીવતાં આવી સેવા કોઈ માનવી નહિ પણ ઈશ્વરનો ફરિશ્તો જ કરી શકે "
પોતાના ખિસ્સામાંથી રૂપિયા પાંચસોની બે નોટ કાઢી પુરોહિત સામે ધરતા કહ્યું "લ્યો, આ રકમ તમને દક્ષિણા રૂપે નહિ,પણ તમારી નિષ્કામ અને નિસ્વાર્થ સેવામાં સહભાગી થવા હું આપું છું કૃપા કરી એ સ્વીકારી મને પુણ્યનો ભાગીદાર બનાવો "
"અરે,અરે, સાહેબ આપ આ શું કરો છો ?ક્યાં હું ગરીબ બ્રાહ્નણ અને ક્યાં આપ કલેકટર સાહેબ. આપ તો જિલ્લાના રાજા છો, હું તો આપનો સામાન્ય પ્રજાજન છું પગે લાગીને આપ મને શરમાવો છો. જે કંઈ આ બધું થાય છે એ આ ગરીબ હરિપ્રસાદ નહિ પણ ઉપરવાળા શ્રીહરિનો પ્રસાદ છે એ પ્રસાદ લોકોમાં બાંટવા શ્રીહરિએ હરિપ્રસાદને નિમિત્ત બનાવ્યો છે.મારુ કંઈ હતું નહિ અને છે પણ નહિ,મને જે ભગવાને આપ્યું હતું એ પણ લોકોમાં વહેંચવા માટે આપ્યું હતું એ શ્રીહરિ પ્રત્યેની ફરજના એકભાગ રૂપે હું વહેંચું છું."
"વાત રહી આ સત્કાર્યમાં ભાગીદાર થવાની તો જો ખરેખર આપ ઇચ્છતા હો તો આ રકમ સ્મશાન બહારની કેન્ટીનમાં આપી દો એ નિઃશુલ્ક કેન્ટીનનું પણ સંચાલન ઈશ્વરીય પ્રેરણાના ભાગ રૂપે હું જ કરું છું.આપની આપેલી રકમ જીવિત લોકોના ઉપયોગમાં વપરાય એ ઇચ્છનીય છે અહીં તો મૃતદેહોની જ સેવા કરું છું.જે સેવાકાર્યમાં હું કોઈની ભાગીદારી રાખતો નથી.
મારી આ નિષ્કામ સેવા પાછળ અહીં આવતા મૃતકોના સગાસંબંધીને એક જ સંદેશ આપવાનો મારો હેતુ છે અને તે એ કે, વિશ્વ વિજેતા સિકંદર જેવો સિકંદર પણ જયારે મૃત્યુ પામ્યો ત્યારે પોતાની સાથે કંઈ લઇ જઈ શક્યો અને ખુલ્લા ખાલી હાથે ફાની દુનિયા છોડી જતા કહેતો ગયો કે
"બાંધેલ મુઠ્ઠી રાખીને જીવો જગતમાં આવતા,અને ખાલી હાથે સહુ જનો આ જગતથી ચાલ્યા જતા,
યૌવન ફના જીવન ફના,જર-ને જવાહર પણ ફના,પરલોકમાં પરિણામ ફળશે પુણ્યના ને પાપના"
બસ, આટલું જો સમજાઈ જાય તો માનવી ઈશ્વરની નજીક છે એમ સમજવું. જે કઈ ઈશ્વર આપે છે અને આપ્યું છે, એ આપણું કંઈ જ નથી સમજી મ્હારું, મ્હારું કર્યા વિના લોકસેવા અર્થે વાપરવું એજ આપણા જન્મ્યાની સાર્થકતા છે." અતિ વિનમ્ર ભાવે પુરોહિતે કલેકટર સાહેબને હાથ જોડતા કહ્યું,
આંખમાં આંસુ સાથે કલેકટર સાહેબ ફરી પુરોહિતને પગે લાગી વિચારમગ્ન અવસ્થામાં ઘર તરફ જવા નીકળ્યા.
******
હરિપ્રસાદની અમીરાઈ અને નમ્ર વાણીએ યુવા કલેકટરના દિમાગના દરવાજા ખોલી નાખ્યા. સાહેબનું હૃદય વલોવાઈ ગયું. કેટલાયે દિવસો સુધી પોતે બોલેલા અપમાનિત શબ્દો એના કાનમાં ગૂંજ્યા કર્યાં સતત વિચારમાં અને મનોમંથનમાં ગુચવાયેલ કલેકટર સાહેબે એક દિવસ પિતાજીને કહ્યું. "પપ્પા. હરિપ્રસાદની કહાનીએ મને અંદરથી જંજોડી નાખ્યો છે મને થઇ ગયું છે કે સારી આવક કે કમાણી સાથે પરિવારને પોષવું એ બહુ મોટી સિદ્ધિ નથી એટલુંતો પ્રાણીઓ પણ પોતાના બચ્ચાઓ માટે કરતુ હોય છે, મેં ફેંસલોઃ કર્યો છે કે. સ્મશાન બહારની ખરાબાની જમીન હું સરકારી ભાવે ખરીદી લઇ ત્યાં ગરીબો માટે ભોજનાલય બનાવીશ ભુખ્યાને અન્ન આપવું એ સૌથી મોટી માનવ સેવા છે એટલુંજ નહિ પણ લાંબેગાળે એ પ્રવૃત્તિને વિકસાવી હું લોકફાળાથી અન્ય વિશેષ સુવિધા પણ ઉભી કરીશ. દેશની સાઈઠ ટકાથી પણ વધુ પ્રજા બે ટાઈમ બટકું રોટલો ખાધા વિના માત્ર પાણીને ઘૂંટડે રાત પસાર કરે છે ત્યારે આ મારુ કાર્ય આશીર્વાદ રૂપ નીવડશે. હરિપ્રસાદના જીવનમાં બનેલ કમનસીબ ઘટનાએ એનું માનસ પરિવર્તન કર્યું, એના ઉદાહરણ પછી આપણે કોઈ સંકટ આવે એ પહેલા જ સત્કાર્ય શરુ કરવાની પ્રેરણા એના ઉપરથી મેળવશું તો હરિપ્રસાદની સેવા લેખે લાગશે."
કલેકટર સાહેબના વૃદ્ધ પિતાની આંખમાં આંસુ આવ્યા, બોલ્યા "આ વસ્તુ અત્યારે પણ સમજાઈ છે એ આવતા સારા દિવસોની નિશાની છે તારો આ વખતનો સ્મશાનનો ફેરો કદાચ આ નિમિત્તે જ કુદરતે યોજ્યો હશે. તારો નિર્ણય વ્યાજબી છે ઈશ્વર તને તારા પ્રયાસોમાં સફળતા અપાવે.
અને........
થોડા જ મહિનાઓમાં કલેકટર સાહેબે સ્મશાન બહાર નિઃશુલ્ક ભોજનશાળા શરુ કરી.
(ચિત્રમાં ગુલાબી શર્ટવાળા યુવા કલેકટર સાહેબ દેખાય છે )






Tuesday, 21 June 2022

પરિવાર મિલન

પરિવાર મિલન

પિતા રામભાઈ અને માતા રમાબેનનું એકમાત્ર સંતાન નીરજ સામાન્ય પરિવારમાંથી આવતો હતો. બચપણથી સંઘર્ષ એનો પડછાયો બની ગયો હતો.નીરજ માત્ર આઠેક વર્ષની ઉમરનો હશે ત્યારે એના પિતા રામભાઈ બત્રીસ વર્ષની ઉંમરે એકવાર શિવરાત્રીનો મેળો મ્હાણવા જૂનાગઢ ગયા.ચાર દિવસીય મેળો પૂરો થઇ ગયા પછી પણ રામભાઈ ઘેર પાછા ન ફરતા,પરિવાર ચિંતામાં મુકાઈ ગયો.કોઈ કહે જંગલમાં રખડવાના શોખીન હતા તેથી કોઈ વન્યપ્રાણી શિકાર કરી ગયું હશે, તો કોઈ કહે કે એના ઉપર તાંત્રિક વિદ્યાનો પ્રયોગ કરી કોઈ સાધુ-બાવો સેવક બનાવવા લઇ ગયો હશે. પોલીસમાં ફરિયાદ નોંધાવી,વર્તમાન પત્રમાં જાહેરાત આપી,પરંતુ કોઈ વાવડ ન મળતાં પરિવાર નિરાશ થઇ ગયો આમ નાની ઉંમરે પિતા ગુમાવતા નીરજ ઉપર કૌટુંબિક જવાબદારી આવવી શરુ થઇ.નીરજ ગ્રેજ્યુએટ થઈને શહેરની શાળામાં સંગીત શિક્ષક તરીકે કામ કરતો હતો.પોતે હાર્મોનિયમ, સિતાર અને કેસીઓ વગાડવામાં અદભુત કાબેલિયત ધરાવતો હતો. રાજ્યના દિગ્ગ્જ કલાકારો એની સિદ્ધિને વખાણતા હતા. રજની નામની સંસ્કારી યુવતી સાથે લગ્ન થયા..અને બન્ને સુખી દામ્પત્ય ભોગવતા હતા.

નીરજના પાડોશમાં અમેરિકા ખાતે સ્થિર થયેલ ભારતીય મૂળનો એક ધનાટ્ય પરિવાર વિશાળ બંગલો ધરાવતું હતું,દર વર્ષે શિયાળાના ત્રણ ચાર મહિના તેઓ અહીં આવી રહેતા હતા.એ પરિવારમાં લગભગ ત્રીશેક વર્ષની બેલા નામની સુંદર અપરણિત યુવતી હતી, જે સંગીતની બે હદ શોખીન અને ચાહક હતી. નીરજ જયારે વહેલી સવારે કે મોડી રાત્રે રિયાઝ કરતો હોય ત્યારે તે અચુક બંગલાના રવેશમાં બેસી એક ચિત્તે સાંભળતી. નિરજની વાદ્ય કલા ઉપર ઓળઘોળ હતી.

એક વાર બેલાએ પોતાના પિતાને સિતાર અને કેશિયો શીખવા નીરજનું ટ્યુશન રાખવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એકલૌતી દીકરીને પિતાએ સંમતિ આપી અને આમ.નીરજનું ટ્યુશન રખાવતાં નીરજ બેલાના સંપર્કમાં આવ્યો. જતે દિવસે પરિચય પ્રેમમાં પરિણમ્યો. આમ ગુરુ-શિષ્યા પ્રેમની રેશમી ગાંઠે બંધાયા.

એક દિવસ બેલાએ નીરજ ને કહ્યું કે, "તું અહીંની નોકરી છોડી અમારી જોડે અમેરિકા ચાલ્યો આવ અહીં જેટલો છ મહિને

પગાર મળે છે એટલી આવક તને ત્યાં એક મહિનામાં મળશે, અને એ પણ ડોલરમાં.પશ્ચિમી દેશોમાં ભારતીય સંગીત અને ખાસ કરીને સિતાર વધુ લોકપ્રિય છે આપણા મોટાભાગના ગુજરાતી અમારા વિસ્તારમાં જ રહે છે, તેઓ સંગીતના શોખીન હોય ખાનગી ટ્યુશન ઉપરાંત ત્યાંની નાઈટ ક્લબમાં પણ આપણા ભારતીય સંગીતકારો અને ગુજરાતીઓની ઊંચી માંગ અને માન છે. એકાદ વર્ષમાં તો તું ત્યાં તારી મિલ્કતનો માલિક બની જઈશ અને પરિવારને પણ ત્યાં બોલાવી લઈને સરસ સ્થિર જઈશ આ રીતે તારું ભવિષ્ય સુધરી જશે. નીરજને એ વાત ગળે ઉતરી, જ્યારે માણસની આંખમાં લોભ અને લાલચનો કાજળ અંજાય ત્યારે તે પોતાને સિદ્ધિના સુવર્ણ શિખર અને સંપત્તિના ઢગલા ઉપર બેસેલો જુવે છે.નીરજની આંખ સામે ડોલરના થપ્પા દેખાવા મંડ્યા.

બેલાએ કહેલી વાત નીરજે પત્ની રજનીને કહેતા સમજાવ્યું કે પેઢી દરપેઢીથી ગરીબીમાં રહેંસાઈને માંડ બે ટંકનો રોટલો રળતા થયા છીએ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવું એ મૂર્ખાઈ છે જો તું સહમત થતી હો તો હું અમેરિકા જવાની તૈયારી કરું. બે-એક મહિના પછી ત્યાં સેટ થયે તને હું ઘરખર્ચના પૈસા નિયમિત મોકલતો રહીશ અને વ્યવસ્થિત સ્થિર થયા પછી તને પણ તેડાવી લઈશ. કોને ખબર ઈશ્વરની કૃપા ઉતરતા આપણું ભાગ્ય નહિ બદલાતું હોય ! ભોળી રજની નીરજની વાતનો વિશ્વાસ કરી બેઠી અને તુર્તજ સંમતિ આપી દેતા નીરજે પાસપોર્ટ-વિઝાની તૈયારી શરુ કરી દીધી.

********

નીરજ હવે ડોલરિયા દેશવાસી બની ગયો. સંગીત ક્ષેત્રે પોતાનું નામ થાય ત્યાં સુધી બેલાના પપ્પાની પેઢીમાં કામ કરી જે કંઈ મળે એની બચત શરુ કરી.ધીમેધીમે ત્યાંના શ્રીમંત ગુજરાતીઓનો પરિચય થતા હવે તો સંગીતના ખાનગી ટ્યુશન પણ મળવા લાગ્યા.પોતાની આંગળીના કસબથી એ ત્યાંની નાઈટ ક્લબના ઓર્કેસ્ટ્રામાં અને પછી તો સ્વતંત્ર સ્ટેજ શો પણ ગોઠવતો થઇ ગયો.ત્રણ,ચાર મહિનામાં ભારતની એક નિશાળનો મામૂલી સંગીત શિક્ષક અમેરિકાનો આલા દરજ્જાનો આર્ટિસ્ટ બની ગયો. શરૂ શરૂમાં તો નીરજ નિયમિત રીતે રજનીને ઘરખર્ચ માટે પૈસા મોકલતો હતો પણ જેમ જેમ એ બેલાની લપેટમાં આવતો ગયો એમ એમ રજનીને પૈસા મોકલવામાં ઢીલ કરતો થઇ ગયો અને એમ કરતાં નીરજે સાવ પૈસા મોકલવા બંધ કર્યાં.

આ બાજુ છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરખર્ચ ન મળતાં રજની મુશ્કેલીમાં મુકાઈ ગઈ.પોતાનું ભરણપોષણ અને ઘરભાડુ ઉપરાંત પરચુરણ ખર્ચ કેવી રીતે કાઢવો એ સમસ્યા થઇ પડી. ધીમેધીમે નીરજની બેવફાઈથી એકલી જીવતી રજની વિષે નાના ગામમાં ચર્ચા થવી શરુ થઇ, નીરજ જોડે નોકરી કરતા કેટલાક યુવાન શિક્ષકો ઉપરાંત અન્ય પણ ગામના લંપટ યુવાનો આર્થિક મદદનું પૂછવા બહાને સહાનુભૂતિ દર્શાવવા ઘરનો ઉંબરો ઘસવા માંડ્યા. યુવાન અને સ્વરૂપવાન રજની બરાબર જાણતી હતી કે એકલવાઈ સ્ત્રીની આર્થિક મજબૂરી ક્યારેક એના ચારિત્ર્યની કસોટી બનતી હોય છે. તેણે વિચાર્યું કે જો શુદ્ધ ચારિત્ર્ય,અને પ્રામાણિક જીવન જીવવું હોય તો આ ગામ છોડવું પડશે.અંતે નજીકના ગામમાં પોતાના મોસાળમાં નિઃસંતાન સ્વર્ગસ્થ મામા-મામીના બંધ ઘરને શરુ કરી ત્યાં સ્થળાન્તર કર્યું. અજાણ્યા ગામમાં પારકા ઘરકામ શરૂ કરી પોતાની આજીવિકા મેળવવી શરુ કરી.

ખુદ્દારી અને સ્વમાનથી જીવવા ટેવાયેલી રજનીને આ જીવનશૈલી માફક નહોતી આવતી,રોજ રાત્રે સુતાસુતા નીરજની બેવફાઈને ધિક્કારતી ઓશીકાને અશ્રુભિષેક કરતા એ વિચારતી કે આવું દોજખ ભર્યું જીવન જીવવા કરતા મરી જવું સારું, એ વિચારતી કે,નીરજના પિતા નાની ઉંમરે ઘર છોડીને જતા રહ્યા,એવું જ નિરજનું પણ બન્યું આમ હયાત હોવા છતાં છત્ર ગુમાવવું કેમ પોસાય ?સમાજ શું કહેશે ? અનેક વિચારોથી રજની દુઃખી રહેતી હતી.

રવિવારનો દિવસ હતો.આજે રોજ કરતા વહેલી રજની કામે જવા નીકળી પડી.

ગામમાં મંદિર નજીક આવેલ તળાવને કિનારે કેટલાક યુવાનો માછલીને લોટ નાખતા હતા. કેટલાક લોકો પક્ષીઓના સંગીતમય મધુર કલરવ મહાણતા અને વહેલી સવારનું સૌંદર્ય લૂંટતા તળાવકિનારે ઘુમતા હતા એવામાં અચાનક જ બચાવો..... બચાવોની બૂમ સાથે કેટલાક યુવાનોએ તળાવમાં જંપલાવ્યું. વાદળી રંગની સાડી પહેરેલી કોઈ મહિલાએ આત્મહત્યાના પ્રયાસરૂપે તળાવમાં પડતું મૂક્યું હોવાની ચર્ચા શરુ થઇ.તમાશાને તેડું હોય? લોકો તળાવને કાંઠે ઉભરાવા લાગ્યા. રસ્તાના રાહદારીઓ પૈકી કેટલા યુવાનોએ પણ તળાવમાં ડૂબકી લગાવી મહિલાની શોધ આદરી અને અંતે જીવિત પણ બેશુદ્ધ હાલતમાં એ મહિલાના શરીરને બહાર કાઢી લાવ્યા.નજીકના મંદિરના પુજારીને કાને આ કોલાહલ સંભળાતા કમ્મરેથી વાંકા વળી ગયેલ કૃશ દેહધારી વૃદ્ધ પુજારી પણ તળાવને કિનારે આવ્યા,અચેતન મહિલાનો ચહેરો જોતા જ પૂજારી ઓળખી ગયા, " અરે, આ તો રજની દીકરી છે, રોજ સવારે અને સાંજે અચૂક દર્શન કરવા આવતી આ દીકરી ઉપર એવું ક્યુ દુઃખ તૂટી પડ્યું કે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવા મજબુર બની?" પાણીથી ભીંજાવાને કારણે સતત ધ્રૂજતી રજનીના દેહ ઉપર માતાજી ઉપર ચડાવેલી ચૂંદડી ઉતારી ઓઢાડતા આંસુભીની આંખે કહ્યું, "હે જગત જનની,જે જીવને તું પૃથ્વી ઉપર લાવે છે એની રક્ષા કરવી તારી જ જવાબદારી છે.જીવનમાં આવતાં સુખ-દુઃખ તો સાપેક્ષ છે પણ આત્મહત્યાના ઈરાદા સુધી જયારે કોઈ કૃતનિશ્ચયી બનતું હોય ત્યારે તારે એની વ્હારે ચડવું તારી ફરજ છે." સઘન તપાસ કરતા તળાવને કાંઠે એક પર્સ મળી આવ્યું પર્સમાં મહિલાનું આધાર કાર્ડ અને ઘરની ચાવી સિવાય કંઈ ન મળ્યું.ટોળા પૈકી નજીકની સોસાયટીમાં રહેતા એક ડોક્ટર ત્યાં હાજર હતા તેણે પ્રાથમિક સારવાર આપી.

થોડા કલાકો બાદ રજની સ્વસ્થ થતાં પિતાતુલ્ય પુજારીએ રજનીને આત્મહત્યાનું કારણ પૂછતાં રજનીએ બધી જ વાત કરી અને પરિવારમાં હવે કોઈ ન હોય જીવન ઝેર જેવું લાગ્યું છે એવું જણાવતા પુજારીએ આશ્વાસન આપતા કહ્યું "બેટા તું એવું ન માનીશ કે તારું કોઈ નથી. ઉપર ઈશ્વર અને અહીં હું તારી જોડે જ છીએ" આટલું સાંત્વન આપી મોડી સાંજે પૂજારી રજનીને ઘેર મુકવા ગયા.

ઘર ખોલી,રજનીએ પૂજારીનો આભાર માનતા બેસવાનું કહ્યું. દરમ્યાનમાં ઘરની દીવાલ ઉપર લટકતી નિરજના માતા-પિતાની તસ્વીર જોઈ પુજારીએ આશ્ચર્યથી પૂછ્યું " બેટા, આ ફોટામાં રહેલા વડીલ તારા શું સગા થાય ?"

રજનીએ જવાબ દેતા કહ્યું, " એ મારા સાસુ-સસરાનો ફોટો છે.નીરજે કિશોરાવસ્થામાં જ પોતાના પિતા ગુમાવ્યા છે "

પુજારીએ વધુ વિગત પૂછતાં કહ્યું, " નીરજના પિતાનું નામ રામભાઈ અને માતાનું નામ રમાબેન હતું ?

આશ્ચર્યથી ગરકાવ થયેલ રજનીએ પૂછ્યું ," હા, તમે સાચા છો પણ તમને એ ક્યાંથી ખબર પડી ?તમે એને ઓળખતા હતા ?

આંખમાં આંસુ સાથે વૃદ્ધ પુજારીએ પોતાના ઝબ્બામાંથી પાકીટ કાઢી એ જ ફોટો રજનીને બતાવ્યો જે દીવાલ ઉપર લટકતો હતો અને બોલ્યા, "બેટા હું એ જ રામભાઈ છું ખાતરી માટે આ મારો અને પત્ની રમાનો ફોટો"

" શું વાત કરો છો ? અત્યાર સુધી તમે ક્યાં હતા, અને અહીં અચાનક અજાણ્યા ગામમાં તમે કેવીરીતે એક મંદિરના પૂજારી તરીકે આવી વસ્યા ?

પુજારીએ સ્વવૃતાંત શરુ કરતા કહ્યું "આજથી આડત્રીસ વર્ષ પહેલાં મારી બત્રીશ વર્ષની ઉંમરે હું જૂનાગઢ ખાતે યોજાતા શિવરાત્રીનો મેળો જોવા ગયો હતો ત્યાં એક ચમત્કારી સાધુના દર્શન થતાં હું એનાથી પ્રભાવિત થઇ એની સેવાચાકરી માટે એની જોડે જ રહ્યો.વર્ષો સુધી એની સેવા ચાકરી કાર્ય બાદ એક દિવસ સાધુએ મને કહ્યું કે "નવાગામ તરીકે ઓળખાતા ગામમાં અમુક જગ્યાએ એક પૌરાણિક શિવમંદિર ખંડેરની હાલતમાં પડ્યું છે અને વર્ષોથી સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ અપૂજ પડ્યું હોય તું ત્યાં જઈ,અને મંદિરની સાફસુફી કરી એ અપૂજ શિવલિંગની પૂજા શરુ કર.સાધુના આદેશથી હું આ અજાણ્યા ગામમાં આવી લોકફાળાથી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી, અપૂજ સ્વયભૂ શિવલિંગની પૂજા શરુ કરી બસ, ત્યારથી હું આ વિસ્તારમાં પૂજારી તરીકે ઓળખાઉં છું "

આકસ્મિક રીતે જ ભેગા થઇ ગયેલ સસરા-વહુની આંખો આંસુથી છલકાઈ ગઈ.

બીજે જ દિવસે પુજારીએ રજની પાસેથી નીરજનો અમેરિકાનો ફોન નંબર મેળવી ફોન કરી જણવ્યું કે " બેટા,વર્ષોથી તને અને તારી મા ને છોડીને ચાલ્યા ગયા પછી કુદરતે આકસ્મિક રીતે મને પરિવારનો મેળાપ કરાવ્યો છે એ મારી શિવપૂજા અને ભક્તિનો પ્રભાવ જ હું માનુ છું. ઉમર અને અવસ્થાને કારણે હવે જિંદગીનો કોઈ ભરોસો નથી મને એક અંતિમ અદમ્ય ઈચ્છા છે કે તું ત્યાંની બધીજ મોહમાયા છોડીને સ્વદેશ આવી પરિવારની જવાબદારી સંભાળ. જો તું પૈસા પાછળ જ ઘેલો થઈને ત્યાં રોકાયો હો, તો સમજી લે જે કે,પૈસાને સંવેદના હોતી નથી એ જ રીતે પૈસાને આંખ-કાન,કે જીભ નથી જીવનના અંતિમ પડાવે જયારે પૈસો બહેરો-મૂંગો બની બેસી રહેશે ત્યારે પરિવાર જ જવાબ આપશે "

વૃદ્ધ બાપની કાકલુદી સાંભળી નીરવનું હૃદય પીગળ્યું, અને માત્ર પંદર જ દિવસમાં એ ઘેર પાછો ફર્યો.

રાતનો ભુલોલો સવારે ઘેર પાછો ફરે તો એ ભૂલેલો નથી ગણાતો એ ન્યાયે ફરી પરિવારનો વીંખાયેલ માળો બંધાયો

*******










Saturday, 18 June 2022

5 વિષકુંભ

હું અને અજીત કોલેજના અભ્યાસ પછી છુટા પડે લગભગ પચાશથી પણ વધુ વર્ષો થઇ ગયા હશે નાના હતા ત્યારે એકજ સોસાયટીમાં નજીક નજીક આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા અને જોડે રમતા અભ્યાસમાં પણ સાથે, હોસ્ટેલમાં પણ સાથે,અભ્યાસ પૂરો કર્યા પછી એ અન્ય શહેરમાં સરકારી નોકરીએ લાગ્યો અને મેં વધુ અભ્યાસ કરી વતનમાંજ વકીલાત શરુ કરી. નિવૃત્તિ બાદ વતનમાં પૈતૃક ફ્લેટમાં આવી શાંતિમય જીવન વ્યતીત કરતો હતો અને આમ ફરી અમે આટલા વર્ષે જુના પડોશી ફરી મળ્યા .   

પોષ મહિનાની કડકડતી ઠંડીના દિવસો હતા.એક દિવસ રાત્રે અજિત મારે ઘેર આવ્યો.લગ્ન પહેલા જ અમે એક બીજાથી છુટા પડ્યા હોઈએ અને ત્યારબાદ પહેલી જ વાર મળતા હોઈએ એક બીજાના પરિવાર અંગે અમે બન્ને અજાણ હતા.વાતસર વાત નીકળતા એણે મારા પરિવાર વિષે પૃચ્છા કરતા મેં સવિસ્તર માહિતી આપી.ત્યારબાદ તેના પરિવાર વિષે પૂછતાં અજિત નીચું જોઈ બોલ્યો " જવાદેને દોસ્ત, આ દુનિયામાં કેટલાક લોકો પાલકીમાં બેસવા જન્મ્યા હોય છે જયારે કેટલાક પાલકી ઉપાડવા, આ જન્મે હું પાલકી ઉપાડવા વાળો છું. જો બધાજ પાલકીમાં બેસે તો પાલકી ઉપાડે કોણ ?"

મને એવું લાગ્યું કે મારાથી એની દુખતી રગ દબાઈ ગઈ છે,એટલે સહાનુભૂતિથી જવાબ દેતા કહ્યું, "દોસ્ત, જીવન છે, સમસ્યાઓ તો દરિયાના મોજાની જેમ આવતી જ રેહવાની પણ એથી હિંમત હારી ન જવાય,એક જુનામિત્ર પાસે જો હળવો નહિ થા,તો બીજું તારું છે કોણ ? હૃદયમાં ભરી રાખવાથી એની અસર સ્વાસ્થ્ય ઉપર પડે છે.

અજિતને ગળે વાત ઉતરી.રૂમાલથી ચશ્માના કાચ લૂછતાં બોલ્યો "તું સાચો છે.મને પણ એવું જ લાગે છે. સાંભળ "આપણે કોલેજમાંથી છુટા પડ્યા પછી હું નોકરીએ લાગ્યો ચાર પાંચ વર્ષ બાદ મારા લગ્ન થયા.લગ્ન પછી બે  વર્ષે મારે ઘેર પારણું બંધાયું અને પુત્રીનો જન્મ થયો.પુત્રીને પાંચ વર્ષ પુરા થઇ છઠ્ઠું બેસતાં અમે એના જન્મદિને ભગવાન સોમનાથના દર્શનાર્થે ગયા.દેવદર્શન કરીને રળિયામણી સાંજે અમે સમુદ્ર તટ ઉપર બેસી સૂર્યાસ્તનો આનંદ લૂંટતા હતા, એ દરમ્યાન મારી પત્નીને શું સુજ્યું, કે દરિયાના મોજામાં પગ બોળવા ગઈ, હું પણ સાથે હતો. 

  અચાનક એક મોટું ધસમસતું મોજું આવી ચડ્યું, અને મારી પત્નીને તાણી ગયું દરિયો વર્ષાને ગળી ગયો.બચાવો બચાવોની મારી બુમ નિરર્થક નીવડી
અને જોતજોતમાં એ પાણીમાં ગરકાવ થઇ ગઈ
આમ ભગવાન સોમનાથના સાનિધ્યે મારા જીવનનો સૂર્યાસ્ત થયો કેટલા હોંશ  અને ઉત્સાહ,ઉમંગ થી ઘેરથી ત્રણ જણા નીકળ્યા હતા એ પાછા ફરતા બે જણાએ ઘરનું તાળું ખોલ્યું" અજિત ભાવુક થઇ ગયો આંખમાં જળજળીયા સાથે આગળ ચલાવ્યું "બસ એ દિવસથી કુદરતની કસોટીના દિવસો શરૃ થયા. મેં મન થી નિશ્ચય કર્યો કે આમ જ હવે આયખું પૂરું કરવું છે.
 છ વર્ષની પુત્રી સરિતાની દેખભાળ કરવા એક વયોવૃદ્ધ માજી રાખી લીધા અને દિવસો, મહિનાઓ, અને વર્ષો નીકળી ગયાએકવાર પત્ની વર્ષાની તિથિને દિવસે વિધવા,ત્યક્તા અશક્ત, નિરાધાર, સ્ત્રી-પુરુષો અને બાળકોને આશ્રય આપતા નજીકના અનાથ આશ્રમમાં મીઠાઈ વહેંચવા ગયો. મારુ ધ્યાન એક પાંત્રીસેક વર્ષની વિધવા સ્ત્રી ઉષા અને બાજુમાં ઉભેલ એના બાર વર્ષના પુત્ર રોહિત ઉપર પડી.રોહિતનો તેજસ્વી ચહેરો,ચમકતી આંખ,ચહેરા ઉપરની ચપળતા જોતા મારા હૃદયમાં કોઈ અપાર લાગણી, અને દયા ફૂટી નીકળ્યા. હું એની પાસે ગયો અને એના પૂર્વકાળની આપવીતી વિષે જાણ્યું, યુવાન વયે પતિના અવસાન પછી પરિવારે એના ઘર અને મિલ્કત પચાવી પાડી બેહાલ કરી ઘરમાંથી કાઢી મુક્યાનું જાણ્યું.રોહિત નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને અભ્યાસમાં અતિ તેજસ્વી હતો.ઘેર આવી રાત્રે સુતા મને વિચાર આવ્યો કે આમે ય હું પંચાવન વર્ષ વટાવી ચુક્યો છું, પુત્રી પણ કાલે સાસરવાસ જશે મારી હયાતી પછી મને મળવા પાત્ર પેંશન માસિક રૂપિયા પાંત્રીશ હજારનું કોઈ વારસદાર ન હોય બંધ થઇ જશે. મારા અવસાન પછી કોઈ નિરાધાર સ્ત્રી તથા એના પુત્રનું મારા પેંશન થકી ભવિષ્ય ઉજળું થતું હોય,તો નિવૃત્તિ પહેલાં આ સ્ત્રીને કાયદેસર પત્નીનો દરજ્જો આપી મારા નિવૃત્તિના બધા હક્ક હિસ્સા અને પેંશનનો વારસદાર બનાવું તો ખોટું નથી. ઉષાની ઉંમર પણ હજુ નાની છે એથી દીર્ઘકાળ પેંશન ભોગવી શકી પોતાના પુત્ર રોહિતને એ રકમથી ભણાવી પગભર કરી શકશે.આ વિચાર પાછળ મારો કોઈ સ્વાર્થ,કે દૈહિક સંબંધની લાલસા ન હતી. કાયદાકીય રીતે એને પત્નીનો દરજ્જો આપ્યા પછી પણ એ મારી સંભાળ રાખનારી આયા  -Care taker- તરીકે રાખવાનું નક્કી કર્યું. એક દિવસ આ વિચાર મેં પુત્રી સરિતાને કહ્યો. બસ, પૂરું થયું. સરિતાનો ગુસ્સો સાતમે આસમાન પહોંચ્યો,વિવેક, વિનય,મર્યાદા બધું ચુકી જઈ તેણે ફાવે એમ બોલવું શરુ કર્યું. પિતા-પુત્રીની તમામ મર્યાદા ઓળંગી જઈ તેણે કહ્યું "ઉંમર લાયક દીકરીના હાથ પીળા કરવાનું વિચારવાને બદલે તમેં પુનર્લગ્નનું વીચારો છો ? વાહ, આ તો ખખડધજ આંબે મોર ફૂટ્યા ! પપ્પા,આ ઉંમરે જિજીવિષાને આંગણે મનોરથના મોરલા ટહુકે એ સારું નથી. દીકરી તરીકે બાપને સલાહ દેતાં મારી જીભ કપાય છે. હૃદયમાં જાતીય આનંદ ભોગવવાના ટહુકતા મોરનો થનગનાટ તો જુઓ કે તમને તમારી ઉંમર,શારીરિક શક્તિ, વિગેરેનો કોઈ વિચાર નથી આવતો  રહી રહીને મમ્મીના અવસાન બાદ આટલા વર્ષો પછી લગ્ન કરવાના કોડ જાગ્યા ? શરમ કરો, સમાજ તમને ફીટકારશે. એક વાત કાન ખોલીને સાંભળી લ્યો કે આવનાર સ્ત્રી તમારી પત્ની હશે, મારી મા નહિ અને તેથી જ હું એની સાથે નહિ રહી શકું, મારો રસ્તો હું કરી લઈશ એટલું જ નહિ પણ જીવન પર્યન્ત હું  તમારું કે એનું મોઢું નહિ જોઉં" 
પુત્રી સરિતાના લગ્ન કર્યા પછી મારુ કોણ ? મારી વૃદ્ધાવસ્થામાં કે બીમારીમાં મને પાણીનો પ્યાલો પણ 
કોણ આપવાનું હતું ? એ બધા વિચારે હું મક્કમ જ હતો અને મેં અનાથાશ્રમનાં ગૃહમાતાને બધીજ વાત કરતા તેઓ ખુબ રાજી થતા બોલ્યા કે " પોતાના મર્યા બાદ પણ બીજાનું કલ્યાણ વિચારનાર માણસ જ જિંદગી જીવ્યો છે, બાકીના તો  પોતપોતાનું વિચારીને જેવા જન્મે છે એવા જ મરે છે" આમ તેઓની પણ સંમતિ મેળવી લીધી.
********
નિવૃત્તિના ચારેક વર્ષ અગાઉ હું અને ઉષા કોર્ટ દ્વારા લગ્ન ગ્રંથીથી જોડાયા અને બીજે જ દિવસે સરિતા નોકરીએ ગયા પછી સાંજે ઘેર પાછી ન ફરી.એની ઓફિસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે સરિતાની જોડે જ કામ કરતા પર પ્રાંતીય, બિન ગુજરાતી સાથે છેલ્લા પાંચવર્ષથી પ્રેમ સબંધ હોય, તેઓ બન્ને આજે લગ્ન ગ્રંથીથી જોડાઈ એક માસની રજા ઉપર ઉતરી ગયા છે.આમ સરિતાનું પ્રેમપ્રકરણ જુનું હતું પણ ઘર છોડવાનું બહાનું એ શોધતી હતી એ આ રીતે મળી ગયું. દોડવું હતું અને ઢાળ મળ્યો.
  છ થી છવીશ વર્ષ કેવી રીતે એકલે હાથે ઉછેરીને મોટી કરી હશે એનો વિચાર ઘર છોડીને ભાગી જતી દીકરીએ જરા પણ ન કર્યો.માત્ર એના લાડકોડ પાળવા જ મેં મારી યુવાનીના વર્ષો એના ઉછેર-યજ્ઞમાં હોમી દીધા.મારી આજની જરૂરિયાતને તરછોડી એના આવતીકાલના મોજ-શોખ પાળ્યા.મા-બાપ ઉંમરથી ઘરડા નથી થતા પણ સંતાનનો ઉછેર,જવાબદારી અને ચિંતાના બોજને કારણે ઘરડા થાય છે એવો પણ વિચાર ન કર્યો. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું સાહેબ. લોકો ભલે કહે કે "દીકરી વહાલનો દરિયો, દીકરી બે ઘરનો દીવો " પણ મારે ભાગ્યમાં કુંભ રાશિની દીકરી "વિષ કુંભ" સાબિત થઇ.અનુભવે મને સમજાયું કે "આંખોમાં આંસુ લાવનારા કયાંરેય પારકા નથી હોતા,હિસાબ કરવા બેસશો તો સૌથી વધારે પોતાના જ નીકળશે " 
દોસ્ત, અર્ધાંગિની વિનાની સંઘર્ષ યાત્રા એજ સાચો વનવાસ છે, ભગવાન શ્રીરામનો ચૌદવર્ષનો વનવાસ એ વનવાસ નહિ પણ વનપ્રવાસ કહેવાય. આજે હું અને મારાથી વીસવર્ષ ઉંમરમાં નાની બેન જેવડી"કાગળ ઉપરની પત્ની" ઉષા અહીં રહીએ છીએ. પુત્ર રોહિત મેડિકલના બીજા વર્ષમાં બહારગામ ભણે છે. 

આટલું બોલતાં ભર શિયાળે અજિતને પરસેવો વળવા મંડ્યો,અને ચશ્મા ઉતારી ચોધાર આંસુએ રડવા લાગ્યો. મેં સુંઠ-મસાલા વાળી ગરમ કોફી પાઇ, થોડીવારે સ્વસ્થ થતાં આશ્વાશન આપી એને એના ફ્લેટ સુધી મૂકી આવ્યો.
એના ગયા પછી એની માનસિક અને કૌટુંબિક હાલત ઉપર મને દયા આવી.માણસ જીવવાની ઈચ્છા ન થાય એટલી હદ સુધી યુવાનીથી જ દુઃખ ભોગવતો હોય એના ઉપર વૃદ્ધાવસ્થામાં પોતાનું લોહી જ આવા વજ્ર પ્રહાર કરે ? રાતે ઊંઘ મોડી આવી. વ્યથિત મન અને મગજ વિચારોના ચકડોળે ચડ્યું. અજિતની બધી જ વાતનું ચિત્રીકરણ એક સિનેમાની જેમ મારી નજરે તરવા લાગ્યું ત્યારે બે જ દિવસ પહેલા વાંચેલું  સ્વામી સચ્ચિદાન્નદજી નું વાક્ય યાદ આવ્યું     
"માતાના અવસાનથી માતૃવિહોણાં બાળકોને જે પિતાએ પુનર્લગ્ન કર્યા વિના ઉછેર્યાં હોય તે પિતા હજાર માતા કરતાં પણ વધુ પૂજ્ય ગણાય કારણ કે તેણે બે ત્યાગ કર્યા કહેવાય એક તો પિતૃત્વનો ત્યાગ કરીને માતૃત્વ સ્વીકાર્યું, જે અત્યંત કઠિન છે અને બીજું જેણે જરૂર હોવા છતાં પણ બીજું લગ્ન ન કરીને વિષયવાસનાની અગ્નિમાં શેકાવાનું સ્વીકાર કર્યું. આ બન્ને તપ જ કહેવાય. વિધુરતા સ્વયં પોતે જ તપ છે, તેમાં પણ બાળઉછેર સાથેની વિધુરતા તો બહુ મોટું તપ છે." આમ વિચારતા વિચારતા મોડી રાત્રે આંખ મીચાઈ ગઈ.
********
બીજા દિવસનું પ્રભાત ઉગ્યું. સવારના ચાર-સાડા ચારનો સમય હશે, શિયાળાને હિસાબે ઘનઘોર અંધારું હતું, લોકોની ચલપહલ પણ ઓછી હતી.રડ્યાખડ્યા દૂધવાળા કે વર્તમાનપત્રના ફેરિયા નજરે પડતા હતા.સોસાયટીમાં નીરવ શાંતિ વચ્ચે નજીકના એક ફ્લેટના ત્રીજા માળે વીજળીના આછા પ્રકાશવાળા એક રૂમમાં આછા ડુસકા સાથેનું ધીમું રુદન અને આંક્રદ સંભળાયા.એપાર્ટમેન્ટના દરવાજા પાસે રસ્તે બે કુતરા કરૂણ રીતે રડતા સંભળતા હતા, હું મારા નિત્યક્રમ અને યોગાની પ્રવૃત્તિમાં રોકાઈ જતાં મેં બહુ ધ્યાન ન આપ્યું. દિવસ ચડતો ગયો લગભગ સાતેક વાગ્યે ફ્લેટની નજીક ડાઘુ સ્વરૂપે ઘણા પુરુષો એકઠા થવા લાગ્યા તપાસ કરતા માલુમ પડ્યું કે અજિતને મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવતા એ મૃત્યુ પામ્યો હતો.આ અગાઉ થોડા વર્ષો પહેલા દીકરીના એકલપંડે ઉછેરની ચિંતામાં એક હુમલો તો આવી ગયો હતો પણ ગઈકાલની વ્યથિત કથાએ એનો ઘા તાજો થતા આ વખતના હુમલાને એ ખાળી ન શક્યો. આઠ વાગે નીકળેલી સ્મશાનયાત્રામાં હું જોડાયો
**********
અજિતના નશ્વર દેહને જયારે અગ્નિદાહ દેવાયો એ સમયે એની બળતી ચિતાની બરોબર સામે સ્મશાનના દરવાજા નજીક એક .શુષ્ક ચહેરો કોરા છુટા વાળ,આંખ નીચે કાળા કુંડાળા,અને મેલા-ઘેલા કપડાં વાળી ચાલીસેક વર્ષની આધેડ સ્ત્રી પોતે સ્વ.અજિતની કોઈ મોટી ગુન્હેગાર હોય એ રીતે આક્રંદ સાથે માફી માંગતી પોક મૂકીને રડતી હતી. સ્મશાનમાં ઉપસ્થિત ડાઘુઓ પૈકી કેટલાકનું એના ઉપર ધ્યાન પડતા તેઓ તેની પાસે ગયા એ પૈકી રોહિત પણ એક હતો એને શાંત રાખવાની કોશિશ કરતા હતા એ ઉપરથી લાગ્યું કે તેઓ એ સ્ત્રીને ઓળખતા હશે.
ડાઘુઓમાં અંદરોઅંદર થતી ચર્ચા પરથી જાણવા મળ્યું કે એ સ્ત્રી બીજી કોઈ નહિ પણ છ થી છવીશ વર્ષ સ્વ.અજિતે જેને એકલે હાથે ઉછેરી હતી,અને પાંખ આવતા અજિતની વૃદ્ધાવસ્થાનો વિચાર કર્યા વિના,નવી મા પ્રત્યેના તિરસ્કારથી પ્રેમલગ્ન કરીને ઘર છોડી ગયેલી, અજિતની પુત્રી સરિતા હતી. જે પરપ્રાંતીય યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા તેણે સાતેક વર્ષ સાચવી પણ કોઈ મતભેદને કારણે તેણે સરિતાને પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મૂકી હતી અને આજે તે એ જ અનાથ આશ્રમમાં રહેતી હતી જ્યાંથી સ્વ.અજિત પોતાની નવી પત્ની ઉષાને લઇ આવ્યો હતો .
રોહિત એને શાંત પાડી, સમજાવી અને પોતાની સાથે ઘેર લઇ આવ્યો.
જે સરિતાએ અજિતને કહ્યું હતું કે " આવનાર સ્ત્રી તમારી પત્ની હશે, મારી મા નહિ અને તેથી જ હું એની સાથે નહિ રહી શકું, મારો રસ્તો હું કરી લઈશ, એટલું જ નહિ પણ જીવન પર્યન્ત તમારું કે એનું મોઢું નહિ જોઉં" એ સરિતા દુઃખના સાગરમાં ડૂબી જતાં નવી મા ઉષા પાસે માફી માંગી, મા તરીકે સ્વીકારવા અને એની સાથે રહેવા મજબૂર બની. ઉષાબહેને પણ મોટું મન રાખી એને માફ કરી,સ્વીકારી અને અનાથ આશ્રમ છોડી પોતાની સાથે જ રહેવા સંમતિ આપી. જન્મથી પોતાને કોઈ ભાઈ ન હોય આજે ચાલીશ વર્ષે રોહિત જેવો ભાઈ મળ્યો.
" હા પસ્તાવો, વિપુલ ઝરણું, સ્વર્ગ માંહેથી ઉતર્યું,પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યું.! "
**********
 







Sunday, 29 May 2022

અપરાજિતા

 અપરાજિતા

સાંજે લગભગ પાંચેક વાગ્યાને આશરે શૈલેષ કૉર્ટેથી છૂટીને પોતાની ઓફિસે પહોંચ્યો. અરધો-એક કલાક થયૉ હશે ત્યાં એમની ચેંબરના દરવાજે એક યુવાન સ્ત્રીએ અંદર આવવાની મંજૂરી માંગી. શૈલેષે પરવાનગી આપતા એ મહિલા કચેરી ખંડમાં પ્રવેશી અને બોલી,               "નમસ્તે સર, હું મીસ.પૂનમ.મારા કેટલાક મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે આપની સલાહ અને મદદની જરૂર હોય હું અહીં આવું છું. I think I have not disturbed you,"                            "ઓહ, નો.બોલો હું આપની શું મદદ કરી શકું?" એક હળવા સ્મિત સાથે શૈલેષે ખુરશી પર બેસવા હાથથી  ઇશારો કર્યો .                                                                              "સર,હું જાણું છું કે આપનો સમય અતિ કિંમતી છે છતાં મારી મુંઝવણ બતાવતા પહેલા થોડી પૂર્વભૂમિકા આપવી જરૂરી છે," પૂનમે વિવેક દર્શાવતા પોતાની વાત શરુ કરી.

સર, બે વર્ષ પહેલાં મારા માતુશ્રીનું કોરોના કારણે નિધન થયું હતું, ત્યારથી પિતાજીની માનસિક અસ્વસ્થતાને કારણે એની જીવનપર્યંત સેવા કરવા મેં અવિવાહિત રહેવું પસંદ કર્યું.પિતાજીની નજીવી આવકમાંથી ઘરનું વ્યવસ્થિત સંચાલન મુશ્કેલ હોય, મેં અહીંની કે.એન, ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી શરુ કરી.આ કંપની મૂળ ચંદીગઢ અને મુંબઈ ખાતે કાર્યરત છે, અને કંપનીની હેડ ઓફિસ પણ મુંબઈ જ હતી પરંતુ કંપનીના માલિક હવે કાયમ માટે અહીં સ્થિર થતાં કંપનીની વહીવટી કચેરી અત્રે ફેરવી નાખી મને પોતાના અંગત સચિવ તરીકે નિમણુંક આપી. શરૂ શરૂમાં તો સાહેબ ઘણા લાગણીશીલ, પ્રેમાળ અને વડીલ માર્ગદર્શક તરીકેનો મારી સાથે વ્યવહાર કરતા હતા, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી એની વાણી, વ્યવહાર અને વર્તન શંકાસ્પદ જણાતા મેં સાવચેતી વધારી દીધી હતી. 

ગયા મહિને અમારી કંપનીની બન્ને શહેરના પદાધિકારીઓની જનરલબોડીની મિટિંગ હતી.અંગત સચિવ તરીકે મારે પણ ઉપસ્થિત રહેવું ફરજીયાત હતું. મિટિંગ રાત્રીના મોડે સુધી ચાલી. મિટિંગ પુરી થયા બાદ સાહેબ અને હું બન્ને એકલાજ ઓફિસમાં હતા, હું નીકળવાની તૈયારીમાં જ હતી એ દરમ્યાન સાહેબે મને પોતાના બાહુપાશમાં જકડી લઇ,કચેરીમાં જ મારી સાથે દુષ્કૃત્ય કર્યું. એટલું જ નહિ પણ એનો પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી મને એ સૂચના સાથે મોકલ્યો કે જો આ વાતની ક્યાંય જાહેરાત થશે તો હું આ વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વહેતો મૂકીશ, સાથોસાથ જીવની પણ સલામતી નથી. એ રાત મારા માટે કાળરાત્રી બની ગઈ. વૃદ્ધ અશક્ત પિતાને હું વાત પણ ન કરી શકું અને મારુ દર્દ પણ છુપાવી ન શકું." આટલું બોલતાં પૂનમની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા.

રડતી આંખે પૂનમે પોતાની કરૂણ કથની આગળ વધારતા કહ્યું "હવે શું કરવું એ વિચારવા મેં રજા મૂકી આરામ કરવા વિચાર્યું. એ દરમ્યાન મારી તબિયત લથડતા મેં સ્થાનિક મહિલા તબીબનો સંપર્ક કર્યો.એમના નિદાન મુજબ હું ગર્ભાધાન કરી ચુકી હતી.મારી માથે આભ ફાટ્યું, સાહેબ.

મહિલા તબીબના તબીબી અભિપ્રાય વિષે જયારે મેં મારા બોસને જાણ કરી ત્યારે એમણે મને ગર્ભપાતની સલાહ આપી.સમાજ અને આબરૂની બીકે મારી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોય,એ જ મહિલા તબીબ પાસે ગર્ભપાત કરાવ્યો, તબીબી નિયમ પ્રમાણે કોઈ શસ્ત્ર ક્રિયા કરતા પહેલા લેવાતા ડેક્લેરેશન ફોર્મમાં સાહેબે વાલી તરીકે પોતાની સહી પણ કરી અને આમ શસ્ત્રક્રિયા પાર પાડી.પૈસા માટે જાત વેચીને કમાણી કરવી અને વારંવાર શિકારી કુતરાના શિકાર બનવું મને વ્યાજબી ન લાગતાં મેં બીજે જ દિવસે મારુ રાજીનામુ મોકલી દઈ હું નોકરીમાંથી છૂટી થઇ ગઈ.આ બધી વસ્તુના મારી પાસે દસ્તાવેજી પુરાવા છે.હવે આ બાબતે હું આપની કાનૂની સહાય મેળવવા આવી છું 

"સતત રડવાથી થયેલ લાલ આંખોમાંથી હજુ આંસુ ટપકતા હતા.અબળાના ગુલાબી ગાલ શરમના માર્યા શ્યામ થઇ જતા પૂનમ અમાસમાં ફેરવાઈ ગઈ.એક અબળાની મજબુરીનો ગેરલાભ વર્ણવતી હૃદય દ્રાવક કથા સાંભળતા શૈલેષની પાંપણ ભીંજાણી. શૈલેષે થોડીવાર વિચાર કર્યા બાદ કહ્યું "તમારી સમસ્યાના સમાધાન માટે બે રસ્તા છે.પહેલું. શું તમે તમારા બોસના કરેલ દુષ્કર્મનું આર્થિક વળતર મેળવી એને માફ કરી દઇ સમાધાન કરવા ઈચ્છો છો ? કે બીજું, તમે એની હેવાનિયતનો શિકાર બન્યા પછી કાનૂની જંગ ખેલી અદાલત પાસે ન્યાય  માંગવા ઈચ્છો છો ?

હેવાનિયતનું વળતર ? કૌમાર્યભંગ કરનારને માફી અને સમાધાન ? સાહેબ,એ સ્વપ્ને પણ ન વિચારી શકાય. એ સમયે મને શું ખબર કે આ હવસખોર માલિક  મારી બુદ્ધિ,આવડત અને હોશિયારીનો પગાર નહિ પણ મારી સુંદરતા અને કૌમાર્યની ફી આપે છે. હું એવું ઈચ્છું છું કે મને અદાલત તરફથી એવો સજ્જડ ન્યાય મળે કે સમાજમાં આવા જંગલી બિલાડાઓ દ્વારા અવારનવાર છાને ખૂણે પીંખાતી આવતી ભોળી, નિર્દોષ કબુતરીઓ માટે સમાજમાં એક ઉદાહરણ સ્થાપિત થાય હું કોઈ પણ ભોગે ન્યાય મેળવવા ઈચ્છું છું." આક્રોશથી બોલતા પૂનમના રુવાડા ઉભા થઇ ગયા.

"હું પણ એવું જ ઈચ્છું છું કે કહેવાતા સજ્જન અને મોટા માણસોના દંભને હિંમતથી પર્દાફાશ નહિ કરીયે ત્યાં સુધી આવા નરપિશાચો આવતા દિવસોમાં ઘેર ઘેર ફરી વળશે. તમે એક કામ કરો. તમારા નજીકના પોલીસ સ્ટેશને જઈ પોલીસ અધિકારીનો રૂબરૂ સંપર્ક સાધી ફરિયાદ નોંધાવો. એમની સલાહ અને જરૂરિયાત મુજબના આધાર-પુરાવા તથા અન્ય જરૂરી માહિતી પુરી પાડી એફ.આઈ.આર.નોંધાવી એની નકલ મેળવી લ્યો, ત્યાર પછીની કાર્યવાહી હું આગળ વધારીશ." શૈલેષે આશ્વાશન સાથે માર્ગદર્શન આપતા પૂછ્યું "By the way, તમારા એ બોસનું નામ શું છે ? એના અંગત જીવન કે પૂર્વજીવન  વિશેની તમને કોઈ  વિશેષ માહિતી છે ?

       "સર,એના પુરા નામની તો ખબર નથી પણ લોકો એને કૈલાસ નાથના નામથી ઓળખે છે. થોડા વર્ષો પહેલાં એમના પત્ની પ્રથમ પ્રસુતિ દરમ્યાન અવસાન પામ્યા છે તેઓ નિઃસંતાન છે. એના ભૂતકાળ વિષે એના કેટલાક સમકાલીન વિદ્યાર્થીઓ કે જે અમારે ત્યાં હાલ વરિષ્ઠ અધિકારી  છે તેઓમાં એવો ગણગણાટ છે કે સર  પોતાની યુવાનિમાથી જ રંગીન મિજાજના છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં પોતાના અભ્યાસકાળ દરમ્યાન એની કામવાળી સાથે બળજબરીથી સબંધ બાંધી ગર્ભસ્થ કરી દીધા બાદ પોલીસ ફરિયાદ અને કાનૂની પકડની બીકે તેઓ ભાગીને મુંબઈ સ્થિર થયા હતા અને પછીથી ત્યાં જ ધંધો જમાવ્યો. જો કે આ વાતને આજસુધી કોઈ આધાર-પુરાવા સાથેનું સમર્થન મળ્યું નથી એમ પણ કહેવાય છે કે એ સમયે તેઓ રાજકીય કાર્યકર હોય એના આવા કૃત્યનો ઢાંકપિછોડો કરવામાં તત્કાલીન રાજકીય નેતાઓનો પણ હાથ હતો."

"તમે હવે ચિંતા ન કરો, આટલી માહિતી પૂરતી છે બાકીની વિગત માટે હું મારી ખાનગી એજન્સીને કામે લગાડી હકીકતના મૂળ સુધી પહોંચી સત્યતા ચકાશી એની કરમકુંડળીનો પર્દાફાશ કરીશ" કહી શૈલેષે આશ્વાસન આપ્યું.

"સર, આપની અંદાજીત  ફી. ?" સંકોચ સાથે પૂનમે પૂછ્યું.

શૈલેષે પોતાનો જમણો હાથ પૂનમના માથા ઉપર મુકતા કહ્યું "બહેન, આ કેસની હું કંઈ પણ ફી નહીં લઉ  એટલું જ નહિ પણ આ ઉદ્યોગપતિ રોડપતિ બની  જિંદગીભર જેલની ચક્કી પીસતો થઇ અને નરપિશાચ નરકંકાલમાં  નહિ બદલાય ત્યાં સુધી હું જંપીશ  નહી" બોલતા વકીલ શૈલેષની ખુન્નસ ભરી આંખ ઉપર લોહી ચડી આવ્યું. 

********

ન્યાયમૂર્તિ ધનંજયનો કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો.ત્રણ ત્રણ મહિનાથી ચાલતા જે ચકચારી કેસના ચુકાદાની કાગડોળે રાહ જોવાતી હતી એનો આજે આખરી ચુકાદો આવવાનો હતો. રાજ્યના  ટોચના કાનૂનવિદ્દ અગ્રગણ્ય ધારાશાસ્ત્રીઓની ફોજ સામે એકલપંડો લવરમુછીયો શૈલેષ નિશ્ચિત હારી જશે એવી ગણતરીથી શહેરમાં એ બાબતે સટ્ટો ખેલાતો હતો. અદાલતની કાર્યવાહી શરુ કરતાં જજ સાહેબ ધનંજયે કેસનો ચુકાદો આપતા  કહ્યું. "બન્ને પક્ષોની દલીલ તથા તમામ સાંયોગિક પુરાવાઓને લક્ષ્યમાં લેતાં આરોપી ગુન્હેગાર સાબિત થાય છે, તેમ છતાં પોતાના બચાવ માટે જો સફાઈ રજુ કરવા માંગતા હોય તો અદાલત તેને  છેલ્લી તક આપે છે"

જજસાહેબના કહેવાપછી બચાવ પક્ષના વકીલે છેલ્લો મરણીયો પ્રયાસ કરતા કહ્યું "મી લોર્ડ,તમામ પુરાવાઓને આધારે જો આરોપી દોષિત સાબિત થતો હોય તો નામદાર અદાલત જે સજા ફરમાવે એ સ્વીકારવી ફરજીયાત છે એ સમજુ છું તેમ છતાં આરોપી દેશનો ટોચનો ઉદ્યોગપતિ હોય અને ભૂતકાળમાં યૌન ઉત્પીડીનનો કોઈ એનો રેકોર્ડ ન હોય, નામદાર અદાલતને સજા ફરમાવવામાં રહેમ દાખવવા વિનંતી છે "        
બચાવ પક્ષના વકીલની વાત સાંભળતા એડવોકેટ શૈલેષનું લોહી ઉકળી ઉઠ્યું .શૈલેષે  દલીલ કરતા કહ્યું, " મી. લોર્ડ, હું નામદાર અદાલતના ધ્યાન ઉપર મુકવા માંગુ છું કે, આરોપીનો બળાત્કારનો આ પહેલો ગુન્હો નથી આરોપી રીઢો ગુન્હેગાર છે, આરોપી કૈલાસે આજથી ત્રીસ વર્ષ પહેલાપણ એક બળાત્કાર કર્યો જ છે"
એડવોકેટ શૈલેષની દલીલથી જજ સાહેબ ચોંકી ઉઠ્યા. તેણે શૈલેષને ટકોર કરતા કહ્યું, " જે પણ દલીલ કરો તે આધાર પુરાવાઓ સાથે કરજો,અદાલતમાં પુરાવાને આધારે ન્યાય તોળાય છે નહી કે સંવેદનશીલ વાર્તાઓથી. આજથી ત્રીસ વર્ષ પહેલા ઘટેલી ઘટનાનો પુરાવો તમારે રજુ કરવો પડશે "
" જી. મી. લોર્ડ,હું આધાર પુરાવા સાથે પુરી જવાબદારીથી મારી કેફિયત નોંધવું છું " કહેતાં શૈલેષે પોતાની દલીલ ચાલુ રાખી .
"આજથી ત્રીસ વર્ષ પહેલાં ખાનગી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા કૈલાશે નવા વાડજ ખાતે એક પ્રાઇવેટ રૂમ ભાડે રાખીને રહેતો હતો એ સમયે નવા વાડજની ફૂટપાથ ઉપર ઝુંપડ પટ્ટીમાં રહેતી શ્રમજીવી અંધ માતા અને અપંગ પિતાની અભણ અને નિરક્ષર, રૂપ રૂપના અંબાર જેવી દીકરી અપરાને પોતાને ત્યાં કામવાળી તરીકે રાખી તેના ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી. નિરક્ષરતા,ગરીબી,અને દુર્લભ ન્યાય પ્રથાને કારણે એ યુવતીના મા-બાપે "કહેવાતા ભદ્ર સમાજના નબીરાઓનો આ જન્મસિદ્ધ અધિકાર છે" એવું મન મનાવી ફૂટેલ ભાગ્યને દોષ દઈ એ યુવતીની પ્રસુતિ કરાવતાં પુત્ર જન્મ થયો. સતત આઘાતને કારણે માનસિક સંતુલન ગુમાવી બેસનાર એ યુવતી થોડા વર્ષોમાં અવસાન પામી અને છત્ર વિનાના એ બાળકને અનાથ આશ્રમને હવાલે કર્યો દરમ્યાન એક સુખી નિઃસંતાન જૈન દંપતીએ એ બાળકને દત્તક લઇ પાળી-પોષી અને શિક્ષણ સાથે સંસ્કાર આપી સમાજમાં ઉંચું માથું કરીને જીવી શકે એવો હોનહાર વ્યક્તિ બનાવ્યો. આ સાથે હું પુરાવા રજુ કરું છું એટલું કહીને શૈલેષે બે કાગળ જજ સાહેબને પહોંચાડ્યા.એ પૈકી એક કાગળ અનાથ આશ્રમમાં દાખલ કરાયેલ શિશુની દાખલ થયાની નોંધ,તથા જૈન દંપતીએ દત્તક લીધાના દાખલાની અનાથ આશ્રમના રજીસ્ટરમાં થયેલી નોંધની ફોટો કોપી,અને બીજો કાગળ જૈન પ્રોફેસર શાંતિલાલ શાહ એ એ બાળકને દત્તક લઇ ઉછેર્યાનું સોગંદનામું. જજ સાહેબે ધ્યાન પૂર્વક અભ્યાસ કર્યા બાદ પૂછ્યું, "આજથી ત્રીસ વર્ષ પહેલા જન્મેલ બાળક આજે પુખ્ત થઇ ગયો હોય એ ક્યાં છે અને શું કરે છે ?" શૈલેષે જવાબ આપ્યો, "મી લોર્ડ એ ત્રીસ વર્ષનો યુવાન અહીં કોર્ટમાં હાજર છે.
એ લાચાર, બેબસ,ગરીબ, બળાત્કારની ભોગ બનેલી યુવતી અપરાનું ગેરકાયદેસરનું સંતાન તે હું એડવોકેટ શૈલેષ પોતે અને બળાત્કાર કરીને બનેલો બાળકનો અનૌરસ પિતા એ આ જ આરોપી કૈલાસનાથ છે એના પુરાવા રૂપે હું નામદાર કોર્ટને વિનંતી કરું છું કે,અમારા બન્નેના D.N.A.નું પરીક્ષણ કરાવી, નિઃસંતાન આરોપીના અનૌરસ પુત્ર તરીકે મને કાનૂની માન્યતા આપી એનો એકમાત્ર અધિકૃત વારસદાર જાહેર કરવામાં આવે. આરોપીને સજા ફરમાવતા પહેલાં ત્રીસ વર્ષ પહેલા બનેલી આ શરમજનક ઘટનાનો પણ ન્યાય તોળવામાં આવે ગુન્હો સો વર્ષે પણ દુધે ધોવાઈને ગુન્હો મટી જતો નથી. મેં મુંબઈની એક ખાનગી એજન્સી દ્વારા આ બધીજ વિગતની તપાસ કરાવી આધાર પુરાવા એકઠા કર્યા છે અને જયારે મને ખબર પડી કે હું કોઈ બળાત્કારી નરાધમનો અનૌરસ પુત્ર છું ત્યારથી જયારે હું મારુ મોઢું અરીસામાં જોઉં છું ત્યારે મને મારી જાત ઉપર તિરસ્કાર જન્મે છે" આટલું બોલતા વકીલ શૈલેષ ભાવુક બની ગયો.કોર્ટ રૂમમાં ખળભળાટ મચી ગયો. જેમ કર્ણના રથના પૈડાં રણભૂમિમાં ગળવા માંડ્યા હતા એમ બચાવ પક્ષના વિદ્વાન વકીલોની ફોજ લાચાર અને વિવશ બની સાંભળતી રહી.

શૈલેષની દલીલ સાંભળી હતપ્રભ થઇ ગયેલ જજ સાહેબ સુન્ન થઇ ગયા.થોડીવાર રહીને બોલ્યા," આજથી ત્રીસ વર્ષ જૂની ઘટનાનો ન્યાય આપવા માટે અનેક કાનૂની ગૂંચ હોવા સબબ તમારી દલીલને તમારી ફરિયાદ રૂપે ન લેતા ચાલુ કેસના સાક્ષી તરીકે ગ્રાહ્ય રાખવામાં આવી અદાલત વકીલ શૈલેષ કુમાર તથા આરોપી કૈલાસનાથના D.N.A.નું સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવી તેનો રિપોર્ટ અઠવાડિયામાં અદાલતમાં પેશ કરવામાં આવે તેવો હુકમ કરે છે. આ પરીક્ષણથી જો ગુન્હો સાબિત થાય તો ભૂતકાળમાં ન્યાયથી વંચિત અબળાનો કિસ્સો સમાજ માટે દર્દનાક અને શરમ જનક છે.સમાજમાં ભૂંડ વધતા જાય છે ત્યારે ગાયો મરતી જાય છે. જ્યાં સુધી એને ન્યાય નહિ મળે ત્યાંસુધી ન્યાયિક પ્રક્રિયા અધૂરી લેખાશે.અદાલતની આજની કાર્યવાહી પુરી જાહેર કરવામાં આવે છે."

**********

અઠવાડિયા પછી.સરકારી લેબોરેટરીના ટેકનિશ્યને વકીલ શૈલેષ તથા આરોપી કૈલાસનાથનો D.N.A.રિપોર્ટ તથા બન્નેના બ્લડ ગ્રુપનો સીલબંધ રિપોર્ટ અદાલતમાં રજુ કરતાં જજ સાહેબે ધ્યાનપૂર્વક વાંચી પોતાનો ફેંસલો આપતા માર્મિક હાસ્ય સાથે કટાક્ષ કરતા કહ્યું કે "બચાવ પક્ષની એવી દલીલ છે કે આરોપી ઉદ્યોગપતિ હોય ઉત્પાદન ક્ષેત્રે તેનો મહત્વનો ફાળો છે હું એ બાબતે એટલું ઉમેરું છું કે " આ D.N.A.રિપોર્ટ તપાસતા એવું માલુમ પડે છે કે આરોપી વિદ્યાર્થી કાળથી જ ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત રહ્યા છે" ખીચોખીચ ભરેલા કોર્ટ રૂમમાં ખડખડાટ હાસ્યનું મોજું ફેલાઈ ગયું.બચાવપક્ષે ટોચના ધારાશાસ્ત્રીઓ શરમથી નીચું માથું કરી ઉભા રહ્યા.

ચારસો બાવન પાનાના ચુકાદાનો સારાંશ જણાવતા જજ સાહેબ બોલ્યા "બન્ને પક્ષોની દલીલ અને તમામ સાંયોગિક પુરાવાને ધ્યાને લેતા અદાલત આ કેસને "રેરેસ્ટ ઓફ ઘી રેર" ગણી, આરોપીને ભારતીય દંડ સંહિતાની ધારા 376 હેઠળ ગુન્હેગાર ઠરાવવામાં આવે છે તેથી એને ફાંસી દ્વારા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે.સાથોસાથ ગુન્હેગારના ત્રીસ વર્ષ પહેલાના જધન્ય અપરાધ અને એ અંગેના સંયોગીક પુરાવાને આધારે અદાલત ફરિયાદી પક્ષના વકીલ શૈલેષ કુમારને ગુન્હેગારનો અનૌરસ પુત્ર ઠરાવી એકમાત્ર અધિકૃત કાનૂની વારસદાર તરીકે ગુન્હેગારની મુંબઈ,ચંદીગઢ તથા અમદાવાદની ફેક્ટરી ઉપરાંત તમામ સ્થાવર જંગમ મિલ્કતનો વારસદાર જાહેર કરે છે. ગુન્હેગાર જો આ ન્યાયથી સંતુષ્ઠ ન હોય તો ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકે છે જે માટે તેને એક મહિનાની મહેતલ આપવામાં આવે છે." અદાલત એ પણ સખેદ નોંધે છે કે દેશના ગરીબો અને અશિક્ષિત લોકો માટે શિક્ષણ,આરોગ્યલક્ષી સારવાર/સુવિધા અને ન્યાય આકાશ કુસુમવત છે. આ ચુકાદો એક અભૂતપૂર્વ ચુકાદો ગણાશે. લાચાર અને નિર્દોષ અપરાને સંદર્ભે ગરીબી, બેબસતા અને નિરક્ષરતાને ત્રિભેટે મૃત્યુને વરેલી લાચાર યુવતીને આકસ્મિક રીતે એક બીજા કેઈસના ચુકાદા સમયે કલ્પનામાં ન આવે એવી રીતે આજે ત્રીસ વર્ષે ન્યાય મળતા અપરાની આ જીત છે તેથી આ ઐતિહાસિક ચુકાદા પછી સમાજમાં દિવંગત અપરા અપરા તરીકે નહિ પણ અપરાજિતા તરીકે ઓળખાશે."

ચુકાદો પૂરો થયા પછી ન્યાયમૂર્તિએ પોતાની કલમ ટેબલ ઉપર પછાડી કલમની ટાંક તોડી નાખી.અદાલત બરખાસ્ત જાહેર કરી .

*******

આ કેસ પૂરો થયે લગભગ પંદરેક દિવસ થયા હશે એ દરમ્યાનમાં એક દિવસ અચાનક ફરિયાદી પક્ષના વકીલ શૈલેષ ઉપર એક ફોન આવ્યો. ફોન હાથમાં લેતાં સામેથી અવાજ આવ્યો," હેલ્લો શૈલેષ ? હું જજ ધનંજય કુમાર બોલું છું," શૈલેષે જવાબ દેતા કહ્યું " જી સર, હું શૈલેષ બોલું છું ફરમાવો "

"શૈલેષ, સામાન્ય રીતે ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિને હું ફોન કરતો નથી કે ઘેર પણ બોલાવતો નથી પણ આજે તારું એક જરૂરી કામ હોય સાંજે તું ઘેર આવી શકીશ ? જજ સાહેબે પૂછ્યું.

"સર, પૂછવાનું હોય જ નહીંને હું લગભગ સાતેક વાગ્યે આપને બંગલે આવી પહોંચીશ આપ મારી રાહ જોજો "

એ દિવસે સાંજે શૈલેષ, જજ ધનંજયને ઘેર પહોંચ્યો. જજ સાહેબે મીસ પૂનમનો કેસ જીતી જવા બદલ અભિનંદન આપતા મૂળ વાતની શરૂઆત કરી " શૈલેષ, મારો પુત્ર આકાશ, મુંબઈથી પ્રોડક્શન એન્જીયરીંગનું ભણી વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયો હતો જે પોતાનો અભ્યાસ પૂરો કરી આવતે અઠવાડિયે પરત આવે છે, મારુ એવું વિચારવું છે કે તારી અસીલ મિસ.પૂનમ શુશીલ, શિક્ષિત, સંસ્કારી અને જવાબદાર સ્ત્રી છે, કમનસીબે પોતે સંજોગોનો શિકાર બની ગઈ એ એક અલગ વાત છે પણ હું એને મારા પુત્ર આકાશ સાથે પરણાવી પુત્રવધૂ બનાવવા ઈચ્છું છું અત્યાર સુધી તેં પૂનમના હિતેચ્છુ અને વાલીની ભૂમિકા ભજવી એને ન્યાય અપાવ્યો હોય, હું ધારું છું ત્યાં સુધી એ તારી દરખાસ્ત સહર્ષ સ્વીકારશે, એ બાબતે તું કેટલો ઉપયોગી થઇ શકે એમ છો ?" શૈલેષે જવાબ આપતા કહ્યું, સર,આપનો વિચાર ઉમદા છે,મીઠું હાસ્ય વેરતા કહ્યું "આમેય પૂનમ તો આકાશે જ શોભે ને" ? હું અહીંથી જ એને ફોન કરીને બોલાવી લઉ છું એને રૂબરૂ જોવા સાંભળવાની તક પણ આપને મળશે "

શૈલેષે પૂનમને ફોન કરી જજ સાહેબને બંગલે રૂબરૂ બોલાવી,બન્ને વચ્ચે વાત કરાવી, પૂનમ આ દરખાસ્તથી ખુશ થઇ તરત જ સંમતિ આપી દીધી. એ સમયે જ ગોળ-ધાણા ખાઈ બધા છુટા પડ્યા. તારીખ 13 જૂનના રોજ આકાશ-પૂનમના લગ્ન નક્કી થયા. જજ સાહેબ ધનંજયે ધામે ધૂમે પુત્રના લગ્ન ઉજવ્યા એ સમયે શૈલેષ પણ હાજર રહી એક મોટું કવર પૂનમને લગ્નની ભેટ સ્વરૂપે આપતા જજ સાહેબને કહ્યું, " મેં જયારે પૂનમનો કેસ હાથમાં લીધો ત્યારે અમારી પહેલી જ મુલાકાતે મેં એને બહેન કહી હતી, આજે એના ભાઈ તરીકે મારે મામેરું કરવી મારી ફરજ બનતી હોય, કૈલાસનાથના અનૌરસ પુત્ર તરીકે મને જે મિલ્કત વારસામાં મળી છે એ તમામ સ્થાવર જંગમ મિલ્કત હું બહેન પૂનમને નામે કરાવ્યાના આ દસ્તાવેજ લગ્નની ભેટ સ્વરૂપે આપું છું."

યોગાનુયોગ 13 જુન લગ્નના દિવસે પ્રભાતમાં જયારે બળાત્કારી કૈલાસનાથના ગળામાં ફાંસીનો ગાળીયો નખાયો એ જ દિવસે એ જ સમયે પીડિતા પૂનમને આંગણે શરણાઈના સુર રેલાયા.

કૈલાસનાથ સંસારના બંધનોથી મુક્ત કરાયો અને પૂનમ સંસારના બંધનની બેડીથી બંધાણી

********