ગજેન્દ્ર મોક્ષ.
આજે ગરીબોના બેલી અને બાળ દર્દીઓના મસીહા એવા જામનગરના વતની, મુંબઈ અને સમગ્ર એશિયાના બાળદર્દના અગ્ર ચિકિત્સક ડો.ગજેન્દ્ર શાંતિલાલ હાથી (83)નો પાર્થિવ દેહ વિલેપાર્લે (વેસ્ટ)ના વિદ્યુત સ્મશાનગ્રુહે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો.
અમારા મુંબઈ ખાતેના પ્રતિનિધિનો આંખે દેખ્યા અહેવાલ મુજબ આગલી રાતથી જ મુંબઈના આકાશે એકધારું વરસી જઇ સદગતને વર્ષાન્જલિ અર્પી હતી. આકાશ પણ ખોબલે ખોબલે રડ્યું
મલાડ (વેસ્ટ)માં અગિયારમા માળે રેહતા સ્વ.ગજુભાઈના દરવાજે પ્રવેશતા તેના ઘરની દીવાલ ઉપર લટકતી તસ્વીરમાં મધુર સ્મિત વેરતા એના હોઠ જાણે બોલતા હોય કે,
"રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી."
એક દિલદાર નિસ્વાર્થ, સેવાભાવી, આનંદી,કુટુંબવત્સલ, સિંહના કલેજા વાળા હાથીની સ્મશાન યાત્રામાં અસંખ્ય નામી ડોક્ટર,એમના દર્દીઓના પરિવારજનો, અનેક ઋણીજનો અને ગુણીજનો અશ્રુભીની આંખે હાજર હતા. "જ્ઞાતિ,સમાજ અને મુંબઈગરાઓ એ #હાથી નહિ પણ #ઇન્દ્રનો_ ઐરાવત ગુમાવ્યો છે." --- #વ્યોમેશઝાલા.
સ્વ.ગજુભાઈ માટે કૈક લખવું એ સૂરજને અરીસો બતાવવા જેવું છે પણ જે યશ, કીર્તિ,માન -સન્માન, અને ઇનામ-અકરામ. એવોર્ડ્સ, અને એથી પણ સૌથી વધુ અબાલ વૃધ્ધનો પ્રેમ અને આશીર્વાદ જે એમણે મેળવ્યા છે ત્યારે એ બાબતે હું બે શબ્દો લખવા લલચાયો છું. આજસુધી પોતે મેળવેલ ખ્યાતિ, લોકચાહના.અને ગરીબ તથા જરૂરિયાતમંદોના આશીર્વાદની પોતા ખુદને ખબર નહીં હોય કે ત્યાસી વર્ષમાં એ પૈસા સિવાય બીજું શું શું અને કેટલું કમાયા છે.?મારુ કે અન્ય ચાહક દ્વારા અહીં લખાયેલું પણ સ્થૂળ સ્વરૂપે તેઓ વાંચી નથી શકવાના પણ જયારે ઈશ્વરના દરબારમાં હાજર થશે ત્યારે ચિત્રગુપ્ત દ્વારા એમના સત્કર્મો વંચાશે તેનાથી તેઓ પોતે પણ હેરત પામી જશે,
#કમાવવું અને #કામમાંઆવવું જિંદગીમાં આ બન્ને ખુબ જરૂરી છે ,કેમકે કમાવાથી ધન મળે છે અને કામમાં આવવાથી કોઈની દુઆ ,આશીર્વાદ,અને પ્રેમ મળે છે. કમાયેલું ધન અંતે બેંકની પાસબુકમાં સમેટાઈ જાય છે જયારે કામમાં આવીને મેળવેલી દુઆ શ્વાસબુક સાથે ઈશ્વરના ચોપડે જમા થાય છે.
આમતો એની માનવતાના સુંડલો ભરીને ઉદાહરણો છે કેટલાક લખું ? પણ એ બધા પૈકી માત્ર બે જ કિસ્સા અત્રે ટાંકુ છું.
12 જુલાઈ,1940માં જામનગર ખાતે જન્મેલ સ્વ. મુ. ગજુભાઈ એક અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારમાં ઉછરી મોટા થયા. અભ્યાસમાં તેજસ્વી હોવા કારણે સ્કોલરશિપો મેળવીને જામનગરની મેડિકલ કોલેજમાંથી ગોલ્ડમેડલ સાથે M.B.B.S. થયા અને ત્યારબાદ M.D.(P.ed.)D.C.H. થઈને વર્ષો પહેલા મુંબઈ સ્થિર થયા.પોતાની કુશળતા, અને અદભુત નિદાન શક્તિથી માત્ર મુંબઈ જ નહિ પણ સમગ્ર એશિયામાં પોતાની કીર્તિની પાંખ પ્રસરાવી.સ્વ. હાથી સાહેબના પત્ની શ્રીમતી હર્ષાબેન પણ નિષ્ણાત મહિલા તબીબ હોય તેઓએ પણ સ્વ. હાથીસાહેબની વિચારસરણી અપનાવી હતી.
કિસ્સો પહેલો
પોતે જોયેલી અને અનુભવેલી ગરીબી,પહેલીજ વાર મુંબઈ પગ મુક્યા પછી ત્યાં સ્થિર થવામાં પડેલ મુશ્કેલી એના દિલ દિમાગમાં કંડારાઈ ગઈ હતી. કોઈ એક દિવસે ગુજરાતના એક નાના શહેરમાંથી M.D.(P.ed) થઈને મુંબઈમાં નસીબ અજમાવી સ્થિર થવાના સ્વપ્ન સાથે એક યુવાન ડોક્ટર મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ઉતર્યો. ઉતારતાંજ એને પોતાના સ્વપ્નો મૃગજળ જેવા લાગતાં એક ગુજરાતી ડોક્ટર હોવાના નાતે એ સ્વર્ગસ્થ ગજુભાઈને મળ્યો અને પોતાની ખ્વાહિશ સામે ઉભેલી વિકરાળ મુશ્કેલીને વર્ણવી.તુરત જ સ્વ. ગજુભાઈએ પોતાના ધમધમતા ક્લિનિકની ચાવી એના હાથમાં મૂકી કહ્યું " ચિંતા ન કર ભાઈ, આ લે મારા ક્લિનિકની ચાવી તું અહીં જ કાયમ માટે મારી સાથે બેસજે " વિચાર તો કરો આટલી ધીકતી પ્રેક્ટિસ ધરાવતો તન-મનથી યુવાન ડોકટર પોતાના પેટ ઉપર પોતાના પગે લાત મારે ? આજે એ યુવાન બાળ રોગ નિષ્ણાત ડોકટર જબરદસ્ત તબીબી કારકીર્તિ ધરાવતા મુંબઈમાં મોટું નામ ગણાય છે,
બીજો એક કિસ્સો :- 2001 માં ભૂજમાં ભૂકંપ આવેલો જ્ઞાતિના દસ પરિવાર બેઘર થઈને રસ્તાની ફૂટપાથ ઉપર તંબુ તાણીને પડ્યા હતા. એ હકીકત એમના ધ્યાને આવતા ભૂકંપના પાંચમા દિવસે પોતાની ટિમ સાથે તેઓ ભૂજ ઉડ્યા. એ ટીમના સદસ્યો સર્વેશ્રી ,ભરતભાઈ બુચ,પરેશભાઈ માંકડ (એડવોકેટ)પિયુષભાઈ વૈષ્ણવ (આર્ટીટેક) નરેશભાઈ માંકડ અને હરીશભાઈ બુચે પરિસ્થીનું જાત નિરીક્ષણથી અભ્યાસ કર્યાબાદ નક્કી કર્યું કે જ્ઞાતિના જે દસ પરિવાર બેઘર બન્યા છે તેઓને પૂરતી સુવિધા સાથેના પાકા મકાન બનાવી, અનાજ-કરિયાણું સાથે જરૂરી નવા ઠામ વાસણ આપી પુન:સ્થિર કરવા.ગજુભાઈની રાહબરી નીચે તૈયાર થયેલી ટીમે એ માટે ભગીરથ પ્રયાસ આદરી, જમીન વેચાતી લઇ,પ્લોટ પાડી, અને સુંદર પાકા મકાન બંધાવી આપી ઠરીઠામ કર્યાં. આજે પણ એ મકાન ઉપર કોઈ તકતી કે પોતાનું કે સહયોગીઓનું નામ સુધ્ધાં નથી સાહેબ,આજે વીસ રૂપિયાનો રૂમાલ પોતાના ખર્ચે એ પરિવારના આંસુ લુછવા આપી કોઈએ હાથ ન લંબાવ્યો એ કાળમાં ઈશ્વરના આ પયગંબર માનવતાની વ્હારે ચડ્યા .અમારા ભૂજના પ્રતિનિધિ દ્વારા આજે એવું પણ જાણવા મળ્યું કે "ભોળા પારેવાને નાખેલ ચણનો કેટલોક હિસ્સો કાગડાઓ ચણી ગયા હતા " કદાચ એ વાત એમના ધ્યાન ઉપર આવી હોય કે નહિ પણ જો કદાચ આવી હશે તો એનો જવાબ કૈક આવો હોત કે, " તો ? એમાં શું વાંધો ? બેઘરને જેમ ઘરની જરૂરિયાત હતી એમ નિર્ધનને ધનની જરૂરિયાત હશે અમને એમાં કઈ ફર્ક નથી પડતો."આજે એમના અગ્નિ સંસ્કાર સમયે ભૂજના એ બધા પરિવારે પોતે મેળવેલ સહાય રૂપી ઘર પાસે ભેગા થઇ ડો. હાથી સાહેબના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી જેનો ફોટો અત્રે મુક્યો છે.ભૂજના શ્રી.હાટકેશ મંડળે પણ આજે શ્રધ્ધાંજલી આપી સ્વર્ગસ્થના માનમાં આગામી ત્રણ દિવસોના મંડળના બધા કાર્યક્રમો રદ કર્યા છે.
ડો. હાથી સાહેબે બૃહદ મુંબઈ કે અન્ય કોઈપણ સ્થળના જ્ઞાતિબંધુ પાસે એક પણ પૈસો ફી લીધા વિના સેવા કરી છે ભલે તે દવા-ઈન્જેક્શનની કિંમત રૂપિયા પંદર હજર કેમ નથી,? જરૂરિયાત મંદોની નિઃશુલ્ક સારવાર કરવાનો એનો મુદ્રાલેખ હતો.
ગઈકાલે એમના પરિવાર સાથે ઘનિષ્ઠ સબંધ ધરાવતા એક બહેન નો અડતાલીશ મિનિટના ફોન દરમ્યાન . ગજુભાઈની સુવાસ વર્ણવતા મારો રૂમ સુગંધિત કરી દીધો તો રાજકોટથી શ્રીમતી મંજુબેન રાવલનો ફોન હતો અને એમને જણાવ્યા પ્રમાણે આજથી તેતાલીશ વર્ષ પહેલાં પોતાની પુત્રી જયારે બાલ્યાવસ્થામાં હતી ત્યારે મલાડમાં ક્લિનિક ધરાવતા ડો. હાથીસાહેબે એની સારવાર કરી ઉભી કરી હતી. આ હતી સ્વર્ગસ્થ ડો. ગજેન્દ્ર હાથીની કારકીર્તિ આવા તો સેંકડો પ્રસંગે પોતાની માનવતાની મહેક
ચુપચાપ કોઈ પ્રચાર-પ્રસાર વિના પ્રસરાવી છે. હા, એક વધુ,સ્વ. હાથીસાહેબ સોશિયલ મીડિયા ઉપર ઓછા કાર્યરત હતા,પરિવારના સભ્યોને બાદ કરતાં માત્ર એમના ફ્રેન્ડ લિસ્ટમાં 127 મિત્રો હતા, પણ મારી અવસાન નોંધણી ગઈકાલની પોસ્ટ ઉપર કુલ 563 લોકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે ! આશ્ર્ચર્ય નહીં ?
તાજેતરમાં જ ઙો.હાથીને "LIFETIME ACHIEVEMENT AWARD BY INDIAN ACADEMICS OF PAEDIATRIC SOCIETY OF INDIA. MUMBAI આપી એમની સેવા બિરદાવવામાં આવી હતી.
મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે.
"મૃત્યુ અંત નથી,વર્તુળનો છેડો છે એ એક અનંત પ્રકાશ છે,ઉલ્લાસનો ઉજાસનો"
મ્રૃત્યુ એટલે ઝરણોનું ભળવું સાગરમાં અને સાગરનું વાદળ થઇ ગાગરમાં "
આવું કોઈ કવિએ લખ્યું છે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કે ડો.હાથી સાહેબનું મૃત્યુ સાગરનું વાદળ થઇ ફરી જરૂરિયાત મંદોની ગાગર ભરવા વરસે.
ખુશખુશાલ પરિવારની કેટલીક તસ્વીરો અત્રે મૂકી છે, ઈશ્વર સદગતના દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે અને પરિવાર પર આવી પડેલ વજ્રાઘાત ને સહન કરવાની શક્તિ આપે ! ! !