जो लौटके घर न आए !
ગુજરાતના એક નાના ગામની વાત છે.ગામની બહુ જ થોડી વસ્તી.અને મોટાભાગના વ્યવસાયે ખેતી કરતા ખેડૂત.ગામમાં સવજીભાઈ નામે એક ખેડૂત. ત્રણ વીઘા જમીનમાં ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. સવજીભાઈને પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરા હતા. મોટો દીકરો દેવવ્રત,અને નાનો ગોવિંદ,બન્ને અભ્યાસમાં તેજસ્વી,અને ઘણા હોશિયાર હતા. ગામમાં પ્રાથમિક શાળાથી આગળ અભ્યાસની સુવિધા ન હોય દેવવ્રત નજીકના ગામે ભણવા જતો. એ જ શાળામાં એની સાથે એના વર્ગમાં ભણતા યશપાલની સાથે મિત્રતા બંધાણી.સમાન સ્વભાવ,અને વિચારોને કારણે જતે દિવસે બંને વચ્ચે ગાઢ મિત્રતા જામી. યશપાલના પિતા છગનભાઇને ચાર વિઘાની ખેતી હતી તેને યશપાલ ઉપરાંત સવિતા નામે એક દીકરી હતી . સવજીભાઈની નબળી આર્થિક પરિસ્થિતિ અને પરિવારની જવાબદારીને કારણે દેવવ્રત હોશિયાર હોવા છતાં બાર ધોરણથી આગળ અભ્યાસ ન કરતા ભારતીય સૈન્યમાં ફૌજી તરીકે ભરતી થવાનો વિચાર કર્યો આ વાત અને વિચાર દેવવ્રતે મિત્ર યશપાલને જણાવતા માતા-પિતાની સંમતિથી તેણે પણ પોતાનો વિચાર સૈન્યમાં ભરતી થવાનો કર્યો .આમ બન્ને મિત્રો બારમું ધોરણ પાસ કરીને ભારતીય સૈન્યમાં ફૌજી તરીકે ભરતી થઇ ગયા. તાલીમ પુરી કર્યા બાદ બન્નેનું પોસ્ટિંગ એક જ શહેરમાં અને એક જ ટ્રુપ અને રેજિમેન્ટમાં થતાં બંને મિત્રો ખુશ હતા.
આમને આમ વર્ષો વીતતા ગયા અને આતંકવાદીઓના અડ્ડા સમાન કુપવારા, બારામુલ્લા,પૂંછ,અનંતનાગ અને પુલવામા જેવી જુદીજુદી જોખમી જગ્યાએ બદલી થતાં પોતાની સાહસિકતા અને બહાદુરીથી સૈન્યના અધિકારીઓ પણ દેવવ્રતથી પ્રભાવિત થઇ ખુશ હતા.
*****
સવિતા ઉમર લાયક થતા છગનભાઇ એને માટે સુપાત્રની શોધમાં હતા. દેવવ્રત અને યશપાલ જોડે ભણતા હોવાથી એક બીજાને ઘેર આવવા-જવાનો તથા અન્યોઅન્ય પરિવારને પણ સારો સબંધ હતો. છગનભાઇને એક દિવસ વિચાર આવ્યો કે,અજાણ્યા પાત્ર,અને પરિવારને શોધવાને બદલે સવિતાનો સબંધ જો દેવવ્રત સાથે જ નક્કી કરીએ તો છોકરો સારો,સાદો-સીધો,અને નિર્વ્યસની છે. કુટુંબ પણ ખાનદાન. આવા વિચાર સાથે તેણે દેવવ્રતના પિતા સવજીભાઈનો સંપર્ક કરી પોતાનો વિચાર જણાવ્યો. છગનભાઇની દરખાસ્તથી સવજીભાઈ ખુશ ખુશ થઇ ગયા અને એ દરખાસ્ત સ્વીકારતા કહ્યું કે, "તમારી દરખાસ્ત અમને તો મંજુર છે પણ દેવવ્રતના અંગત જીવનનો પ્રશ્ન હોય તેને પૂછીને આપણે વાત આગળ ચલાવીએ બાકી દીકરી અને કુટુંબ થી અમે પરિચિત છીએ દીકરીની સંસ્કારિતા વિષે પણ બે મત નથી " "તમારી વાત સાચી છે. ભેગું રહેવું અને જીવવું એ લોકોને છે એટલે એનો મત જાણ્યા વિના આગળ ન વધાય.આમ તો મારે પણ યશપાલને જાણ કરવી પડે,પણ તમારા તરફથી જવાબ મળ્યા પછી એને હું આગળ વાત કરું એમ મેં વિચાર્યું છે" છગનભાઈએ વળતો જવાબ આપતા કહ્યું. થોડા દિવસ પછી સવજીભાઈએ દેવવ્રતને ફોન ઉપર વિગતે વાત કરી. દેવવ્રતે જવાબમાં કહ્યું કે "ગઈકાલે જ યશપાલે આ વિષે વાત કરી. મને આ સંબંધમાં કોઈ વાંધો નથી તમે ખુશીથી વાત આગળ ચલાવો" દેવવ્રતની મંજૂરી આવ્યા બાદ સવજી ભાઈએ છગનભાઇને ઘેર બોલાવી દેવવ્રતની સંમતિ જણાવી અને બન્ને પક્ષે નક્કી કર્યું કે આવતા અઠવાડિયે સારું મુહર્ત જોઈ આપણે ગોળ-ધાણા ખાઈ શ્રીફળ આપ્યાનું મુહૂર્ત કરી લઈએ, અને બે એક મહિના પછી દેવવ્રત અને યશપાલની રજાની અનુકૂળતા મુજબ વિધિવ્રત સગાઇ અને લગ્ન બન્ને સાથે જ કરી નાખીએ જેથી લશ્કરમાંથી રજા લઈને વારે વારે આવવું ન પડે. નિયત દિવસ આવી પહોંચતા છગનભાઇ પરિવાર સવજીભાઈને ઘેર આવી,દેવવ્રતના ફોટાને ચાંદલો કરી શ્રીફળ અને સાકરનો પડો આપીને અધિકૃત રીતે સગાઇ જાહેર કરી દીધી .બન્ને પરિવાર ખુશ-ખુશાલ હતા. દેવવ્રત સાથે ફોન ઉપર આશીર્વાદ સાથે અભિનંદન આપતા સવજીભાઈએ લગ્ન માટેની અનુકૂળતા પૂછતાં દેવવ્રતે જણાવ્યું કે, "મારી તથા યશપાલની હાલ પુલવામાં ખાતે ડ્યુટી છે આ વિસ્તાર અતિ સંવેદન શીલ હોય હાલ તુરત તો અમને બન્નેને રજા મળવી અસંભવ છે પણ થોડા સમય પછી કદાચ અહીંથી અન્યત્ર ફરજ ઉપર મુકવામાં આવશે એ દરમિયાન અમને વધુમાં વધુ એક મહિનાની રજા મળી શકે એ માટે હું અત્યારથી આયોજન શરુ કરી દઈશ." દિવસો વીતતા ચાલ્યા.સવજીભાઈ લગ્નની આગોતરી તૈયારી ધીમે ધીમે કરવા મંડ્યા એટલાજ ઉત્સાહથી છગનભાઇ એક જ દીકરી હોય તેને કન્યાદાન આપવા અને દીકરીના વ્યવહારની ખરીદી હોશ ભેર શરુ કરી દીધી. હવે રાહ માત્ર દેવવ્રત અને યશપાલની રજા મંજુર થયે આવવની હતી જેને માત્ર એક મહિનો જ બાકી હતો. ******* પુલવામાં - આતંકવાદીઓના આત્મઘાતી હુમલા અને વિસ્ફોટક હુમલા માટે જમ્મુ-કાશ્મીરનો અતિ સંવેદનશીલ સહુથી જોખમી અને ખતરનાક વિસ્તાર ગણવામાં આવે છે ત્યાં દેવવ્રત અને યશપાલ પોતાની ફરજ ઉપર હતા.કોઈ એક મધ્ય રાત્રીએ ફૌજીના તંબુઓ ઉપર અચાનક પથ્થરમારો શરુ થયો.દેવવ્રત અને યશપાલ સહીત અન્ય પાંચ જવાનો સાબદા થઇ પોતાના હથિયાર સાથે ટેન્ટની બહાર આવી જોતાં સામે સાત આતંકવાદીઓ હાથ બૉમ્બ સહિતના અદ્યતન હથિયારો સાથે અંધાધુધ ગોળીઓ ચલાવવા માંડ્યા. દેવવ્રતની ટુકડીએ સાતેય આતંકીઓને ઘેરી લઇ મશીનગનથી ગોળીઓનો વરસાદ વરસાવવો શરુ કર્યો. દેવવ્રતે ટુકડીની આગેવાની લઇ સતત આગળ વધતો રહ્યો. પોતાની મશીનગનથી પાંચ આતંકીઓને એકલે હાથે ઢેર કરી મોતને ઘાટ ઉતાર્યા, બાકીના નાસી છૂટેલા બે આતંકીઓ નજીકની ખીણ પાસે છુપાઈ ગયા. હુમલાખોરોને પરાસ્ત કરી દેવવ્રતની ટુકડી જ્યાં પાછી ફરે છે ત્યાં ખીણમાં છુપાયેલા બે આતંકીઓએ ગોળીઓની રમઝટ બોલાવવી શરુ કરી પીઠ પાછળ વાર કર્યો. દેવવ્રત જમીન ઉપર પડી જતાં એક પછી એક એમ ચાર ગોળી ધરબી દીધી.યશપાલ પગની ઇજા સાથે ઘવાયો. બાકીના ત્રણ ફૌજી ખીણના ભાગે સંતાઈ જતા આંતકીઓના ઓચિંતા હુમલામાંથી બચી ગયા. લોહીથી લથબથ થયેલ દેવવ્રતને તથા ઇજાગ્રસ્ત યશપાલને લશ્કરના દવાખાને ખસેડાયા અને બન્નેની સારવાર શરુ થઇ.જ્યાં દેવવ્રતની સ્થિતિ ગંભીર જણાતાં તાત્કાલિક શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી.પગથી ઈજાગ્રસ્ત હોવા છતાં યશપાલ સતત દેવવ્રતની બાજુમાં રહી એને હિંમત આપતો રહ્યો. તાત્કાલિક લોહીની જરૂર પડતા યશપાલે પોતાનું લોહી પણ આપ્યું.દેવવ્રતના પીઠ પાછળ ઘુસેલી ત્રણ ગોળી સફળ શસ્ત્રક્રિયા પછી શરીરમાંથી બહાર કાઢી પણ છાતીમાં વાગેલી ગોળી ઊંડે સુધી ફસાઈ ગયેલી હોય દેવવ્રત માટે જીવલેણ સાબિત થઇ. દેવવ્રતે હોસ્પિટલને બિછાને અંતિમ શ્વાસ લીધા. લડાખના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા,અને જમીનથી 10597 ફૂટ ઊંચે, માઇનસ 45 ડિગ્રી ધરાવતા દ્રાસ (DRAS) જેવા નાના ગામમાં પણ દેવવ્રતે ફરજ બજાવી પોતાની સાહસિકતા, હિંમત અને બહાદુરીથી સૈન્યમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી તેથી એ રીતે તમામ અધિકારીઓનો લાડકો અને પ્રિય બન્યો હતો એ દેવવ્રતને નિષ્પ્રાણ સૂતેલો જોઈ અધિકારીઓ હચમચી ઉઠ્યા.યશપાલ પણ બનેવીની લોહી નીંગળતી લાશ જોઈ બેભાન થઇ ગયો મળસકુ થવાની તૈયારી હતી.સુર્યદેવ વાદળો પાછળ સંતાઈ ગયા પોતાની છાતી ફાડીને ચીસ પાડતું હોય એમ મોટા અવાજ સાથે ગગન ગાજ્યું વીજળીના લિસોટા ઝબુક્યા સ્વર્ગના દેવતાઓ વીર શહિદને અશ્રુ અંજલિ આપતા હોય એમ ધીમીધારે વરસાદ શરુ થયો વાતાવરણમાં ઉદાસી અને ગમગીની છવાઈ ગઈ. ગણતરીના દિવસોમાં જેના હાથ પીળા થઇ કોઈ કોડીલી કન્યાનો વર બની વરવાનો હતો એ યુવાન વર બન્યા પહેલાં વીર બની શહાદતને વર્યો. જેની પીઠે પીઠી ચોળાવાની હતી એ પીઠ રક્ત રંજીત બની ગઈ.
સૈન્યની બધી જ અધિકૃત કાનૂની કાર્યવાહી અને વિધિ કર્યા બાદ લશ્કરના જવાનોએ પાર્થિવ દેહને રાષ્ટ્રીય સન્માન સાથે સલામી આપી રાષ્ટ્રધ્વજથી લપેટી નશ્વર દેહને કોફીનમાં મૂકી દેવવ્રતના વતન પહોંચાડવાની તૈયારી કરી. નિષ્પ્રાણ દેહ વતનમાં પહોંચે એ પહેલા યશપાલ અગાઉથી બન્ને પરિવારને આ માઠા સમાચાર સાથે દિલસોજી આપવા પહોંચી ગયો.યશપાલના પિતા છગન ભાઈ પોકે પોકે રડ્યા .છગનભાઈની ઉત્સાહ ભરી બધી તૈયારી કુદરતે એક જ વાવાઝોડામાં વીખી નાખી. દીકરી સવિતા પણ છાને ખૂણે આંસુ સારતી રહી. ગણતરીના દિવસોમાં જે ઉમંગથી પોતાના લગ્ન પ્રસંગે દેવવ્રત ઘેર આવવાનો હતો એને બદલે રજા મંજુર થયાના દસ દિવસ અગાઉ દેવવ્રતનો પાર્થિવ દેહ વતન ખાતે આવી પહોંચ્યો.
આઠ વર્ષની ઉંમરે શેરીમાં ગિલ્લી-દંડે રમતો ,દશવર્ષની ઉંમરે ક્રિકેટ રમતો, શાળાકીય ઉનાળુ વેકેશનમાં ગામને પાદરે આવેલી નદીમાં ધુબાકા મારતો, સમવયસ્ક મિત્રો સાથે આંબલી-પીપળી રમતો ગામનો લાડકો દેવો આજે વીર શહિદ દેવવ્રત રૂપે ગામની ભાગોળે આવી પહોંચ્યો. ગામને પાદરે આવેલ લશ્કરની મોટી ટ્રકમાં ફૂલહાર, અને અબીલ ગુલાલથી લદાયેલ રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલ મૃતદેહના દર્શન કરવા આજુબાજુના નાના ગામના લોકો ઉમટી પડ્યા, જિલ્લાના પોલીસ વડા, સિવિલ સર્જન, ન્યાયાધીશ, જિલ્લા કલેકટર, ઉપરાંત ધારાસભ્ય, અને રાજ્યના ગૃહમંત્રી સહિતના કાફલાથી નાના ગામના ધૂળિયા રસ્તા ધમધમી ઉઠ્યા.સૈકાઓ સુધી જે ગામમાં એકસાથે અજાણ્યા પચીશ માણસો દેખાયા નહોતા એ ગામમાં આજે બે થી અઢી હજારનું માનવ મહેરામણ ઉમટી પડ્યું.નાનાગામની જર્જરિત દીવાલો ઉપર "શહિદ દેવવ્રત અમર રહો " દેશના પનોતાપુત્રને હાર્દિક શ્રદ્ધાંજલિ " લખેલા જુદા જુદા બેનરો મુકાયા હતા. અશ્રુભીની આંખે હજારો માણસોએ શહિદ દેવવ્રતના નિશ્ચેતન દેહ પર પુષ્પવૃષ્ટિ કરી. ગામની બજાર અને શાળાએ સ્વંયભૂ બંધ પાળ્યો
આઠને અઢાર મિનિટે લશ્કરના અધિકારીઓ અને જવાનોએ ઉંધી બંદૂક સાથે બ્યુગલની કરુણ સુરાવલી વચ્ચે સલામી આપી. ઉપસ્થિત લોકો હીબકે ચડ્યા,વીર શહીદ દેવવ્રત અમર રહોનાં જયઘોષ સાથે દેવવ્રતના નાનાભાઈ ગોવિંદે પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો. કઠણ કાળજાના સવજીભાઈની આંખમાંથી એક પણ ટીપું આંસુનું ન છલકાયું,દેશને માટે બલિદાન દઈ શહીદીને વરેલા પનોતા પુત્રની અર્થીને હાથ જોડીને ઉભેલા સવજીભાઈની આંખમાં ગૌરવ અને સ્વદેશાભિમાન ડોકાતું હતું. યશપાલ અને છગનભાઇ સજળ આંખે નિ:શબ્દ જોઈ રહ્યા.તારીખ 26, જાન્યુઆરીએ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે શહીદ દેવવ્રતને અપાયેલ મરણોત્તર સન્માન સાથે શૌર્ય ચક્રનો સવજીભાઈ તથા ગોવિંદે સ્વીકાર કર્યો. એ પ્રસંગે છગનભાઇ પરિવાર પણ ઉપસ્થિત રહ્યો. પોતાનો પ્રતિભાવ આપતા સવજીભાઈએ જાહેર કર્યું કે આજના દિવસે હું મારા બીજા પુત્ર ગોવિંદને પણ મા-ભોમની સેવા અને દેશની રક્ષા કરવા હું લશ્કરને સોંપુ છું
.
No comments:
Post a Comment