હિંમતલાલ શહેરની હાઈસ્કૂલમાં કોમર્સ વિભાગના શિક્ષક હતા.વડીલોપાર્જિત મકાનમાં પોતાની પત્ની કુસુમ,અને પુત્ર કુણાલ સાથે આનંદથી જીવતા હતા. હિંમતલાલ ચુસ્ત સિદ્ધાંતવાદી અને શિસ્તના આગ્રહી હતા.એકાઉન્ટ્સ અને ઓડિટિંગના વિષયોમાં તેઓ એટલી હદે પારંગત હતા કે જિલ્લાનો કોઈ પણ શિક્ષક એની બરોબરી ન કરી શકે.એજ હાઈસ્કૂલના શિક્ષક બાબુલાલ એમના બચપણના મિત્ર,સહાધ્યાયી, અને પછીથી સહકર્મી બન્યા હોય બન્ને વચ્ચે ગાઢ મિત્રાચારી હતી.
કુણાલ પાંચ વર્ષનો થયો તે સમયે કુસુમબેનને કિડનીની બીમારી ઘેરી વળી અને ટૂંકી સારવાર દરમ્યાન એનું અવસાન થયું.ત્યારબાદ યુવાન હિંમતલાલને સહ કર્મચારીથી માંડીને બધા સગાવ્હાલાઓ એ પુનર્લગ્ન કરવા ખુબ સમજાવ્યા પણ યુવાનીના જોશમાં તેઓએ એ વાત નકારી એકલે હાથે કુણાલને મોટો કરી બધી જવાબદારી ઉપાડી લેવાનું સ્વીકાર્યું.
કુણાલ મોટો થયો.એસ.એસ.સી.પાસ થયો અને બી.કોમ.નો અભ્યાસ કરાવી એમ.બી.એ.સુધી ભણાવવાના, . સ્વપ્ન સાથે હિંમતલાલે એને એશિયાની સર્વશ્રેષ્ઠ કોલેજ "શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ દિલ્હી" ખાતે .ભણવા મોકલ્યો.કુણાલ હોશિયાર પણ હતો.
વર્ષો વીતતા ગયા.કુણાલ બી.કોમ,એમ.બી.એ. ભણીને આવી ગયો.અને દેશની સહુથી મોટી રાષ્ટ્રીયકૃત બેંકમાં સીધી ભરતી દ્વારા યુવાન વયે બેંકનો ચીફ મેનેજર બની ગયો.લગ્ન પણ થઇ ગયા દરમિયાન નિવૃત થઇ જવા સબબ વૃદ્ધ વિધુર હિંમતલાલ પુત્ર કુણાલ સાથે રહેવા આવી ગયા..
*******
એક દિવસ હિંમતલાલે પુત્રને પાસે બેસારીને કહ્યું, "બેટા, હું જોયા કરું છું કે સવારથી રાત સુધી તું તારી પ્રવૃત્તિમાં ગૂંચવાયેલો રહે છે.ક્યારેક પણ થોડો સમય કાઢીને વૃદ્ધ બાપની બાજુમાં બેસ તો મને ગમે.આ ઉંમરે અમારે સંતાન પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી હોતી અમારી એકલતા દૂર કરવા સંતાનોની હૂંફની જરૂર હોય છે માત્ર બે ઘડી પાસે બેસે તો પણ મારી એકલતા દૂર થાય અને હું પરિવાર વચ્ચે રહુ છું એવી લાગણી અનુભવાય.થોડો સમય બાપ પાસે પણ બેસો,બધું જ્ઞાન ગૂગલ ઉપર નથી મળતું.
"પપ્પા,તમારી અપેક્ષા વધુ પડતી છે.બેંકના ચીફ મેનેજરના હોદ્દા સાથે કેટલી જવાબદારી હોય છે એની તમને શું ખબર પડે ? આ કોઈ તમે કરી એવી માસ્તરની નોકરી નથી કે છ કલાકમાં ઉલાળિયો કરીને ઘરભેગા થઇ જવાય.સાંજે મોડા ઘેર આવ્યા પછી મારે પણ ફેમિલી લાઈફ હોય ને ? વાત રહી તમારી એકલતાની, તો ઘરમાં ટી.વી. છે,રેડીઓ છે, મ્યુઝિક સિસ્ટમ છે,એ બધું વાપરો તો પછી એકલતા શેની લાગે ? કુણાલે પોતાની નારાજગી પ્રદર્શિત કરતા કહ્યું.
" બેટા, ટી.વી.રેડીઓથી જો એકલતા દૂર થતી હોતને તો કોઈ મા-બાપ સંતાન ન માગત. જેને સંતાન નથી હોતા એ પણ પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાની એકલતા દૂર કરવા માટે અનાથાશ્રમમાંથી બાળક દત્તક લેતા હોય છે. વિશ્વની સહુથી મોટી યુનિવર્સીટીની ડિગ્રી તમારી પાસે કેમ ન હોય,પણ જે પોતાના બાપની આંખમાં વેદના વાંચી નથી શકતો એ દીકરો અભણ છે. વિશ્વની સૌથી ઉચ્ચ અનુભવની યુનિવર્સીટી મા-બાપ છે .એક ઊંડો નિસાસો નાખતા વૃદ્ધ હિંમતલાલે કહ્યું.
"પપ્પા, હમણાં હમણાં હું જોયા કરું છું કે તમારી કચકચ કઈંક વધી ગઈ છે. હવે ઉંમરનો પ્રભાવ તમારા મગજ ઉપર હાવી થઇ ગયો છે.મેં તમને ના પાડી છે કે તમારે મને બેંકમાં ફોન ન કરવો છતાં બે દિવસ પહેલાં ચાલુ મિટિંગ દરમ્યાન તમારો ફોન આવ્યો અને મારે બહાર નીકળીને જવાબ આપવો પડ્યો શા માટે આ રીતે પરેશાન કરો છો ?
"દીકરા,તું મારી ડાયાબીટિઝની ગોળી લઇ આવ્યો હતો પણ અહીં મૂકી જવાને બદલે ભૂલથી તારી ઓફિસ બેગમાં રહી ગયેલ,તને ખબર છે કે એ ગોળી ખાધા પછી અર્ધી કલાકે મારે જમવાનું હોય છે, મને કડકડીને ભૂખ લાગવા છતાં ગોળી ખાધા વિના હું જમી શકતો ન હોવાથી મેં ગોળી માટે ફોન કર્યો હતો અને મને થોડી ખબર હતી કે તું અત્યારે કોઈ મિટિંગમાં હોઈશ ?"લાચારી ભર્યા સ્વરમાં હિંમતલાલે જવાબ આપ્યો."
ધૂંધવાયેલા કુણાલે સામો પ્રશ્ન કરતા કહ્યું "સાંજ સુધી તમેં ભૂખ ન ખેંચી શકો ?સાંજે તો હું ઘેર આવવાનો જ હતો ને ?
હવે હિમતલાલથી ન રહેવાયું તેના તેવર બદલાયા,"કુણાલ, હવે તું મર્યાદા ચુકે છે.તું નાનો હતો અને ઘોડિયામાંથી જરા પણ રોવાનો અવાજ આવે તે ભેગો હું તારા મોઢામાં દૂધની શીશી મુકતો હતો દરેક સમય અને સંજોગમાં મેં અને તારી મા એ તને કોઈ દિવસ ભૂખ્યો નથી રાખ્યો. ક્યારેક અમે ભૂખ્યા રહીને પણ તને ખવરાવ્યું છે.પાંચ વર્ષનો હતો અને તારી મા ના અવસાન પછી હું તારી મા બનીને રહ્યો છું. આ બધું કેમ ભૂલી જાય છે.તને ભણાવ્યો,પરણાવ્યો, નોકરીએ લગાડ્યો,એ દરમ્યાન હું ક્યારેય ડિસ્ટર્બ નહિ થયો હોઉં ? તારી સફળતાનો રોફ તારા માતા-પિતાને ન બતાવીશ કારણકે તેણે પોતાની જિંદગી હારીને તને જીતાડ્યો છે."
" પપ્પા, ઘરમાં આટલા સુખ સાધન છે,નોકર ચાકર છે, તમને બિલકુલ તકલીફ ન પડે એવું વાતાવરણ છે,તો પછી શાંતિથી જીવો અને જીવવા દ્યોને ? બે ટાઈમ નાસ્તો,બે ટાઈમ ભરપેટ જમવાનું, અને સમયસર તમારી દવા ગોળી એ બધું જ ઉપલબ્ધ છે એથી વધુ તમારી જરૂરિયાત પણ શું છે ? પછી હાયવોય શા માટે કરો છો.વાસ્તવિકતા એ છે કે તમે ગરીબીમાં જીવ્યા છો એટલે તમને સુખસાધનવાળી જિંદગી પચતી નથી પરિણામે કઈંક ને કઈંક શૂળ ઉભા કર્યા કરો છો." કુણાલ ઊંચા અવાજે બોલ્યો.
હવે હિમતલાલથી સહન ન થયું અને બોલ્યા "હશે, પણ બેટા, મારા સંસ્કાર, સ્વમાન,અને સિદ્ધાંતને તારી સંપત્તિ સાથે એક જ ત્રાજવે ન તોળ.તું સાચો છે કે હું ગરીબીમાં જીવ્યો હોવાથી આ તારી સુખસાહ્યબી પચાવી નથી શકતો, તારી સુખ સાહ્યબી તને મુબારક, અને મને મારી ગરીબી મુબારક" આટલું બોલી હિંમતલાલે ઉભા થઇ, સ્વર્ગસ્થ પત્ની કુસુમબેનનો દીવાલ ઉપર લટકતો ફોટો પોતાના બગલથેલામાં નાખી ઘર છોડીને નીકળી ગયા." વિશ્વનું આ બીજું મહાભિનિષ્ક્રમણ હતું. ઘરમાં યુદ્ધ પછીની શાંતિ છવાઈ ગઈ.
********
હિંમતલાલને ઘર છોડે ત્રણ-ચાર દિવસ થઇ ગયા.એક દિવસ એના બચપણના મિત્ર બાબુલાલ માસ્તર તેને ઘેર આવ્યા.અનેપૂછ્યું " ત્રણચાર દિવસથી હિંમત કેમ નથી દેખાયો,કંઈ બીમાર તો નથી ને ?
કુણાલે બાબુલાલને આવકારતા કહ્યું, "બાબુકાકા, તમને શું કહું ? થોડા દિવસથી એમની કચકચ વધી ગઈ હતી.મારી નોકરી જવાબદારી વાળી છે એ જાણવા છતાં,મારા તરફની એમની અપેક્ષા ધારણા બહારની હતી ત્રણ ચાર દિવસ પહેલા નાની વાતને ગંભીર સ્વરૂપ આપી તેઓ ઘર છોડીને જતા રહ્યા છે "
બાબુલાલ માસ્તરનો ચહેરો બદલાઈ ગયો "શું હિંમત ઘર છોડીને ભાગી ગયો ,કે તેને ભાગી જવા મજબુર કર્યો ? આજે ત્રણચાર દિવસ થયા તેં એને શોધવા શું પ્રયાસ કર્યો ? તેં મને કેમ તુરત ખબર ન આપી ? કુણાલ, આ ઘણું ખોટું થયું છે. કોઈ દિવસ બાપના ઓશિકા ઉપર હાથ ફેરવજે એના ઉપર વ્યથા અને વેદનાનો દરિયો ઉલેચાયેલો દેખાશે.
"બાબુકાકા,મેં એને જતા રોકવા કોશિશ કરી પણ તે ન માન્યા. હમણાં હમણાં તેઓ ખુબ જિદ્દી અને મનસ્વી સ્વભાવના થઇ ગયા છે એટલું જ નહિ પણ એના મગજનું સંતુલન પણ ગુમાવી બેઠા છે ક્યારેક એના બોલવાના પણ ઠેકાણા નથી. "મેં તને ઉછેર્યો,ભણાવ્યો, નોકરીએ લગાડ્યો, પરણાવ્યો" એવી એવી બાબતો ગણાવ્યા કરે છે, બાબુકાકા, સહુ પોતાના સંતાન માટે કરતા જ હોય છે એમાં કહી બતાવવાનું શું હોય,મને તો શું પણ ક્યારેક મારી પત્ની કૃતિકાને પણ ખોટું લાગે છે.
કુણાલની વાત સાંભળતા બાબુલાલ માસ્તરનો ચહેરો લાલઘૂમ થઇ ગયો.અને બોલ્યા,"કુણાલ, હિંમતે કહેલી એક પણ વાત ખોટી નથી.એની દરેક વાતનો હું સાક્ષી છું. હું જો સાચી વાતનો પર્દાફાશ કરીશ તો તારા પગ નીચેની ધરતી સરકી જશે".બાબુલાલ માસ્તરના રુંવાડા ઉભા થઇ ગયા ગુસ્સાથી તમતમી જઇ બોલ્યા "કુણાલ તું કોણ છે એ તને ખબર છે ? તું "ધુલકા ફૂલ "છે. તું હિંમતલાલ માસ્તરનું લોહી નથી, તું સ્વ. કુસુમભાભીની કુખે જન્મેલ સંતાન નથી પણ કોઈ અજાણી સ્ત્રીની નાજાયસ ઔલાદ છે. ફિટકાર છે તારી જનેતાને.આખરે તેં તારી અસલ જાત બતાવી દીધી,તેં તારા લોહીના ગુણ બતાવી દીધા.આજથી છવ્વીસ વર્ષ
પહેલા શહેરના અનાથ આશ્રમને દરવાજે પરોઢિયે કોઈ સ્ત્રી પોતાનું પાપ છુપાવવા અનૌરસ નવજાત શિશુ મૂકી ગઈ હશે, અનાથ આશ્રમે એને ઉઠાવી લઇ,પાળીપોષીને ત્રણ વર્ષનું કરી એનું નામ કનુ આપ્યું. દરમ્યાન નિઃસંતાન કુસુમભાભીના આગ્રહથી હિંમતે એ અનાથ આશ્રમમાંથી એ ત્રણ વર્ષના કનુને દત્તક લઈ ઘેર લઇ આવ્યા.મધ અને ચંદન-કેસર મિશ્રિત દૂધથી સ્નાન કરાવી, શ્રી,ગણેશ ભગવાનનો હવન કરી તને વીધીવ્રત દત્તક લઇ કુણાલ નામ આપ્યું.તું તે અનાથ આશ્રમનો કનુ છે.જે અનાથને આશ્રય આપ્યો એ અનાથના નાથને તેં આજે અનાથ કરી મુક્યો.?" સાચું જ કહયું છે કે ,"લાખો કમાયા હો ભલે, પણ મા-બાપ જેથી ન ઠર્યા ,
બાબુલાલ માસ્તરની આંખમાંથી અગ્નિ વરસતો હતો, ભુવાના પંડમાં જેમ માતાજી આવે અને ધ્રૂજે એમ એ ધ્રુજતા હતા ગુસ્સામાં એની જીભ થોથવાતી હતી, મોઢામાંથી ક્રોધના બાણ છુટતા હોય એમ આગળ બોલ્યા "હિંમત સાચો છે.તું એસ.એસ.સી.પાસ થયો ત્યારે તને દિલ્હી સ્થિત એશિયાની શ્રેષ્ઠ કોમર્સ કોલેજમાં દાખલ કરવાનો પોતાનો વિચાર જયારે તેણે મને જણાવ્યો ત્યારે માસ્તરની ટૂંકી કમાણીમાં દિલ્હીના ખર્ચને પહોંચી ન વળાય તેથી સ્થાનિક કોમર્સ કોલેજમાં દાખલ કરાવવાની મેં સલાહ આપી પરંતુ એ તારી કારકિર્દી બનાવવાની જીદ ઉપર અડગ હતો, અને અંતે પોતાનું ઘર બેંકને ગીરવે મૂકી, લોન લઈને તને દિલ્હી ભણાવ્યો.લોનનો હપ્તો પણ એટલો મોટો હતો કે પગારમાંથી એ ભરી શકે એમ ન હોય,સવારની સ્કૂલ પતાવ્યા પછી ઘેર આવી,જાતે રસોઈ કરી, જમીને, બપોરે બે વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ટ્યુશન કરતો અને એ રીતે લોન ભરપાઈ કરી. આખી જિંદગી તારે માટે ઢસરડો કર્યો. મા-બાપ ઉંમરને કારણે નહિ પણ સંતાનને ઉછેરવામાં ઘરડા થઇ જાય છે.તારી કેરિયર ઈસ્ત્રીદાર બનાવતા બનાવતા મા- બાપના કપાળમાં કરચલી પડી હોય છે. જે માણસે જિંદગીમાં કોઈ દિવસ એરપોર્ટ નથી જોયું એ બાપે અઢાર વર્ષની ઉંમરે દિલ્હી ભણવા મોકલતા તને વિમાનમાં મોકલ્યો.અંતે તને બી.કોમ.એમ.બી.એ. બનાવીને જ જંપ્યો. કુણાલ, તું છાણનો કીડો છે અને તું જ્યાં હતો ત્યાં જ સારો હતો," એકધારું આક્રોશથી બોલતા બાબુલાલ માસ્તરનું ગળું સુકાયું.પાણી પી અને ઘડીક આંખ મીંચીને શૂન્યમનસ્ક અવસ્થામાં બેસી રહ્યા.
એવામાં ટેલિફોનની ઘંટડી રણકી.કુણાલે ટેલિફોન ઉપાડ્યો.
સામેથી અવાજ આવ્યો "તમે કોણ મી.કુણાલ જોશી બોલો છો ?હું સરકારી દવાખાનામાંથી ડો.દેસાઈ બોલું છું .
કુણાલે જવાબ આપ્યો- જી, હું કુણાલ જોશી પોતે બોલું છું.
સામેથી :- દુઃખ સાથે તમને જાણ કરવાની કે,ગઈકાલ સાંજે જે.પી. રોડ ઉપરની ફૂટપાથ ઉપર તમારા પિતાજી હિંમતલાલ જોશીનો મૃતદેહ મળી આવતા અત્રે સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.એમના ખિસ્સામાંથી મળી આવેલ પોકેટ ડાયરીમાં મળેલી વિગતના આધારે તમને ફોન કર્યો છે.એમની સાથે રહેલ બગલથેલામાં કોઈ સ્ત્રીનો ફૂટેલી હાલતમાં ફોટો પણ મળી આવ્યો છે તો તમેં પૂરતા આધાર પુરાવા સાથે અત્રે આવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઇ જઇ લાશનો કબ્જો સંભાળી જશો."
કુણાલના હાથમાંથી ટેલિફોનનું રીસીવર પડી ગયું. કુણાલ અને બાબુલાલ માસ્તર પોક મૂકીને રડ્યા.બન્ને જણ સરકારી દવાખાના તરફ જવા રવાના થયા.
********