કાગવાસ
પત્નીના અવસાન બાદ છ મહિનામાં જ શંકરલાલને પુત્રવધુ એ વૃદ્ધાશ્રમના દરવાજા દેખાડી દીધા.એક જ શહેરમાં ઘરથી ખાસ્સા દૂરના અંતરે આવેલ એક વૃદ્ધાશ્રમમાં શંકરલાલ આધ્યાત્મિક જીવન ગુજરી રહ્યા હતા. દીકરો કે વહુ કોઈ દિવસ ખબર અંતર પૂછવા,કે ભાળ કાઢવા પણ આવતા ન હતા. શંકરલાલનો એક લંગોટિયો મિત્ર દિનકર નિયમિત રીતે કંપની આપવા આવે. એ આવે ત્યાં સુધી શંકરલાલ ખુશખુશાલ હોય. બચપણના જુના દિવસો યાદ કરી કલાકો સુધી વાતો કરી આનંદથી છુટા પડે.શંકરલાલને પણ હવે ઘર યાદ આવતું ન હોતું, ઘરની કે પરિવારના મોહ માયાના બંધનોથી મુક્ત થઇ ચુક્યા હતા,તેમ છતાં ક્યારેક દિનકર આવે ત્યારે તેની સાથે પુત્ર-પુત્રવધુના વર્તન અને છળ-કપટ વિષે ઉપરછલ્લો ઉલ્લેખ કરી બે આંસુ સારી લેતા.બસ,આ રીતે શંકરલાલ જીવનના શેષ વર્ષો છતે પરિવારે, પરિવાર વિનાના એકલા રહી શાંતિથી જીવતા હતા.
એકવાર શંકરલાલ બીમાર પડ્યા.સાધારણ તાવ શરદી જ હતા પણ ઉંમર અને અપાર વ્યાધિથી ખવાઈ ગયેલા શરીર ઉપર તેની વધુ અસર દેખાતી હતી.મિત્ર દિનકર હવે નિયતમિત રીતે થોડો વધુ સમય ફાળવી શંકરલાલની કાળજી રાખતા હતા. લગભગ રોજ પથ્ય ફળો લઈને સવાર સાંજ આવતા .
એક સાંજે વૃદ્ધાશ્રમની પરસાળમાં હિંચકા ઉપર બન્ને મિત્રો બેઠા હતા એવામાં દિનકરે વાત ઉખેળતાં કહ્યું,
" શંકર, હું જાણું છું કે મારી વાત તને ગળે તો ઉતરશે નહિ, કદાચ તને ગમશે પણ નહિ તેમ છતાં તારા એક શુભેચ્છક અને અંગત મિત્ર તરીકે તને સમજાવું છું કે,થોડું નમતું મૂકીને પણ તું પુત્ર-પુત્રવધૂ સાથે તારે ઘેર રહે. હું દીકરા વહુનો સ્વભાવ જાણું છું કોઈ પણ સ્વમાની વ્યક્તિ સહન ન કરી શકે એટલી હદે એમના વાણી-વર્તન કઠોર છે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.સંસારની મોટાભાગની વડીલ વ્યક્તિઓ પરિવારમાં ઝેરના ઘૂંટ પી ને જ જીવતા હોય છે પણ આપણને એની ખબર હોતી નથી.સહન હંમેશા સજ્જનોએ જ કરવાનું હોય છે.ફૂલ ખરી જાય છે,પણ કાંટા ખર્યા એવું ક્યાંયસાંભળ્યું છે ?ક્યારેક પણ દેહ ઢળી જશે ત્યારે કાંધ એ દીકરો જ આપશે, એ જ દીકરો મુખાગ્નિ આપી ચિતા ઠારશે, અને એ જ દીકરો દરવર્ષે શ્રાદ્ધ ઉજવશે.જેમ હું એમના સ્વભાવને ઓળખું છું એમ તને પણ બચપણથી ઓળખું છું ગરીબીમાં પણ ખુદ્દારીથી કોઈ પાસે હાથ લાંબો કર્યા વિના તું એમ.એ.સુધી ભણ્યો, કોઈની ભલામણ વિના સ્વબળે તેં ખુદ્દારીથી અને વટ્ટથી નોકરી કરી, સુંદર વિશાળ ઘર ઉભું કર્યું અને પરિવારની ગરીબી દૂર કરી.શિસ્ત અને સિદ્ધાંત સાથે તેં કોઈ દિવસ સમાધાન નથી કર્યું હું બધું જાણું છું અને દરેક બાબતનો સાક્ષી છું પણ જમાનો બદલાયો છે,નવી પેઢીના વિચારો અને જીવન મૂલ્યો બદલાયા છે.જમાનો મંચુરિયન પાણીપુરી અને પીઝાનો છે.એડજસ્ટ આપણે થવાનું છે. હવે આપણું આયુષ્ય પણ કેટલું ? દરેક મિનિટે આપણું આયુષ્ય ઘટતું જાય છે.ઘડિયાળની ટીકટીકને મામૂલી ન સમજજે દોસ્ત એટલું સમજી લે જે કે જિંદગીના વૃક્ષ ઉપર એ કુહાડીના વાર છે" ભીની આંખો લૂછતાં દિનકરે પૂરું કર્યું.
આંખ મીંચીને શાંતિથી દિનકરને સાંભળતા શંકરલાલે ઉભા થઇ ટિપોઈ ઉપરના જગમાંથી પાણી પીવા આપ્યું. થોડી સ્વસ્થતા કેળવતાં શંકરલાલે કહ્યું," દિનુ, તું શબ્દશ: સાચો છે,તું તો ઘડિયાળ જેવી નિર્જીવ વસ્તુની વાત કરે છે પણ મારી ભીતરના દરેક શ્વાસોચ્છશ્વાસ કરવત રૂપે મારા આયુષ્યવ્રુક્ષને વ્હેરે છે. તારું કહેવું છે,હું મારે ઘેર જાઉં ? મારે ઘર જ ક્યાં છે ?તને ખબર છે ? વર્ષો પહેલા આ મકાન મેં મારી પત્નીના નામે બનાવ્યું હતું ,આજથી દસ-અગ્યાર વર્ષ પહેલાં મારી પત્ની ઉમા સખત બીમાર પડી અને દવાખાને દાખલ કરવાની નોબત આવતા દિવસના ભાગે તેની દેખભાળ રાખવા હું દવાખાને હાજર રહેતો,જયારે રોજ રાત્રે દવાખાને સુવા માટે તુષાર જતો હતો.એક રાત્રે ઉમાની અર્ધબેભાન પરિસ્થિતિનો લાભ લઇ તુષારે તેની પાસે કોરા સ્ટેમ્પપેપર ઉપર સહી કરાવી લીધી.થોડા દિવસોમાં ઉમાનું અવસાન થયા બાદ મારે ઘર છોડવું પડે એવી પરિસ્થિતિ ઉભી કરી દીધી. મારા ઘર છોડ્યા પછી, સહી કરાવેલ કોરા સ્ટેમ્પ પેપર ઉપર મકાનના એકમાત્ર વારસદાર પોતે હોવાનું ટાઈપ કરાવી મકાન મારી જાણ બહાર વેચી દઈ, શહેરના પોશ વિસ્તારમાં પોતાના નામે એક દુપ્લેક્સ ખરીદી લીધો.અહીં આવ્યા બાદ મને મારુ મકાન વેંચીને એ રકમ અત્રેના વૃદ્ધાશ્રમમાં આપી દેવાનો વિચાર આવતા, આપણી જોડે ભણતા અને આજે નામી વકીલ તરીકે ઓળખાતા વિશ્વેશ પુરોહિતને બોલાવી મકાનના મૂળ દસ્તાવેજ બતાવી, મારી ઈચ્છા વ્યક્ત કરી.બીજે દિવસે જયારે પુરોહિતે સીટી સર્વે કચેરીએ જઈને તપાસ કરતા માલુમ પડ્યું કે ઉમાના વારસાઈ વીલના દસ્તાવેજના આધારે તુષારે એ મકાન પોતાના નામે કરી અને વેચી પણ નાખ્યું છે. મને દુઃખ એ વાતનું થયું કે મારા પિતાજીની આર્થિક સ્થિતિ બિલકુલ નબળી હતી ત્યારે અભ્યાસ સાથે શહેરની શેરીઓમાં ઉઘાડા પગે હું લોટ માગવા ઘેર ઘેર ભટકતો હતો, કઠોર પરિશ્રમ,અમાપ પ્રામાણિકતા અને શુદ્ધ વ્યવહારથી જયારે હું મારા પગ ઉપર ઉભો થઈ વિશાળ મકાન બનાવી શક્યો ત્યારે આજે લોટ માગવાનું એ જ શકોરું દીકરાએ મારા હાથમાં પકડાવી દીધું. દિનુ, બાપની આંખમાં બે વાર આંસુ આવે છે એક જયારે દીકરીને વિદાય આપે ત્યારે અને બીજું, દીકરો જયારે બાપને ઘર બહાર કાઢી મૂકે ત્યારે આટલું બોલતાં શંકરલાલને થોડો શ્વાસ ચડતા અટકી ગયા, થોડું પાણી પી આગળ ચલાવ્યું "વાત રહી મારો દેહ ઢળી ગયા પછી અંતિમ ક્રિયા-કર્મની,તો દિનુ, તું સાંભળી લે કે હું મારા અવસાન પછી પણ મારા પુત્ર-પુત્રવધૂ મારા નિષ્પ્રાણ દેહને ન જોઈ શકે એવું હું ઈચ્છું છું,મારા ચેતનહીન દેહ ઉપર એમનો પડછાયો મને શાંતિથી બળવા પણ નહિ દે. મેં સંસ્થાના ટ્રસ્ટીઓને લેખિતમાં આપી દીધું છે કે મારા દેહવિલયના સમાચાર મારા પુત્રને આપ્યા વિના અન્ય સાથીમિત્રોની મદદથી અવલ મંજિલ પહોંચાડજો.એટલું જ નહિ પણ હું ઈશ્વરને રોજ પ્રાર્થના કરું છું કે એવું મોત આપજે કે મારા અવસાનની ભનક સહીત મારા સંતાનને ન આવે.ત્યાં પછી શ્રાદ્ધ કે કાગવાસની જરૂર જ ક્યાં રહી ? જે દીકરો પોતાને રસોડે બાપને કોળિયો ખીચડી ન ખવરાવી શક્યો, એ બાપ ભાદરવાના તપતા તાપમાં અગાસીએ મુકેલ ચાર પુરી અને ચમચી દૂધપાક ખાવા જાય ? કપાતર સંતાન હોવાના દુઃખ જેવું દુનિયાનું કોઈ મોટું દુઃખ નથી એવા સંતાનનું દુઃખ કપાળ વચ્ચેની મોટી રસોળી જેવું છે જયારે અરીસામાં જુઓ ત્યારે સામે ને સામે.દોસ્ત, બધા શંકર ઝેર નથી પચાવી શકતા નામ શંકર હોવાથી કંઈ નીલકંઠ નથી બની જવાતું." શંકરલાલે ગળે અટકેલું વિષ ઓક્યું
દિનકરે ઘડિયાળ તરફ જોયું. સાડાસાતનો સમય થયો હતો. દિનકરે કહ્યું, " શંકર, હવે સમય થયો છે હું ઘેર જવા નીકળું.આજે મેં તારી મનોસ્થિતિ ડહોળી નાખ્યા બદલ હું માફી માંગુ છું.પ્લીઝ મને માફ કરજે.
જવાબમાં શંકરલાલ બોલ્યા, "અરે, દિનુ તું એ શું બોલ્યો,? હું ખુશ છું કે વર્ષોથી અંદર ધૂંધવાયેલ ભારેલો અગ્નિ આજે બહાર નીકળી ગયો અન્યથા એ મારી તબિયતને વધુ નુકશાન કરત. એટલું કહી ભીની આંખે શંકરલાલ દિનકરને ભેટી પડ્યા.ખુબજ ના પાડવા છત્તાં શંકરલાલ દિનકરને દરવાજા સુધી વળાવવા ગયા દિનકર દેખાતો બંધ થયો ત્યાં સુધી ધૂંધળી આંખે શંકરલાલ તેને જોતા રહ્યા.
*******
બીજે દિવસે નિત્યક્રમ પ્રમાણે દિનકરભાઇ થોડી મોસંબી,અને સફરજન લઈને વૃદ્ધાશ્રમ આવ્યા. શંકરલાલની રૂમ ઉપર તાળું જોઈ તેને આશ્ચર્ય થયું. જે શંકર પોતાના રૂમની પરસાળમાં હંમેશા ઝૂલે હિંચકતો હોય એ શંકરની રૂમે તાળું અસંભવ છે. થોડીવાર વિચાર કર્યા બાદ તેને થયું કે કદાચ શંકરને ગઈકાલની મારી સલાહ ગળે ઉતરી હોય અને પોતાને ઘેર પાછો ફર્યો હોય એવું પણ બની શકે. જો સાચે જ એવું બન્યું હોય તો એ આનંદની વાત છે.આમ વિચારતા પોતાની જાતે ગૌરવ અનુભવતા હતા એવામાં, વૃદ્ધાશ્રમના મેનેજરનું તેના ઉપર ધ્યાન પડતા પૂછ્યું, ભાઈ, તમારે કોનું કામ છે ?"
દિનકરભાઈએ જવાબ આપ્યો, "હું શંકરનો જૂનો મિત્ર છું અને રોજ અહીં તેને મળવા આવું છું, પણ આજે એની રૂમ ઉપર તાળું જોઈ મને આશ્ચર્ય થાય છે"
મેનેજરે જવાબ આપતા કહ્યું, " શંકરલાલને ગઈ રાતે સખત તાવ અને શ્વાસની તકલીફ ઉપડતા અમે તેને સરકારી દવાખાને દાખલ કર્યા છે.આજે સવારે તેની લેબોરેટરીની તપાસ થવાની હતી, કદાચ હવે રિપોટ્ર્સ આવી ગયા હશે"
"શું વાત કરો છો, ?આમતો બે દિવસથી તાવની ફરિયાદ તો કરતા હતા પણ આટલું ગંભીર હશે એવી ખબર નહિ, હું અહીંથી સીધો જ દવાખાને જાઉં છું "આટલું બોલતા તો દિનકરભાઈની આંખમાંથી પાણી ટપકવા મંડ્યા વૃદ્ધાશ્રમના ચોગાનમાં આવેલ શિવમંદિરે જઈ સાથે લાવેલ ફ્રૂટ્સ ભગવાનને ધરતા દિનકરભાઇ પોકે પોકે રડ્યા અને શંકર ભાઈના આરોગ્યની પ્રાર્થના સાથે દર્શન કરી સીધા દવાખાને પહોંચ્યા.
દવાખાને પહોંચતા જ ફરજ ઉપરના તબીબને વિગતે વાત પૂછતાં જાણવા મળ્યું કે શંકરલાલ કોરોનામાં સપડાયા છે અને શ્વાસની વધુ તકલીફ હોવાથી આઈ.સી.યુ. વોર્ડમાં ઓક્સિજન ઉપર છે,વધુમાં ડોકટરે ઉમેર્યું કે સરકારી માર્ગદર્શિકા પ્રમાણે કોરોનના કોઈ દર્દીને રૂબરૂ મળવા દેવાતા ન હોય,તમે એને રૂબરૂ જોઈ શકશો નહિ. માત્ર વોર્ડની કાચની બારીમાંથી તેને જોઈ શકશો"
દિનકારભાઈએ તબીબની સૂચના મુજબ વોર્ડની કાચની બારીમાંથી ઓક્સિજનની નળીથી બેચેની અનુભવતા શંકરલાલને જોઈ નિરાશ ચહેરે ઘેર પાછા ફર્યા.
બીજે દિવસે ફરી દિનકરભાઇ દવાખાને પહોંચ્યા, વૃદ્ધાશ્રમના મેનેજર પણ ત્યાં હાજર હતા. ફરજ ઉપરના તબીબે જણાવ્યું કે રાત્રે વધુ તકલીફ થતા આખી રાત એને વેન્ટિલેટર ઉપર મૂકી અમે તાત્કાલિક સારવાર આપી પણ એ કારગત ન નીવડતા આજે પરોઢીએ શંકરલાલે દેહ ત્યાગ કર્યો છે. એના અંતિમ સંસ્કાર બપોરે બે વાગ્યે સરકારી માર્ગદર્શિકાના નિયમ અનુસાર કરવામાં આવશે. દિનકરભાઇએ કાચની બારીમાંથી નશ્વર દેહના દર્શન કરતાં પુત્રના નહોરથી ઉજરડાયેલો આત્મા સફેદ પ્લાસ્ટિકથી વીંટળાએલો પડ્યો હતો.
ચોધાર આંસુએ રડતાં દિનકરભાઈએ વિચાર્યું કે " કેટલો શુદ્ધ અને નિખાલસ આત્મા હતો કે ભગવાને એની પ્રાર્થના સાંભળી અને સ્વજનો કે અન્ય કોઈની સેવા લીધા વિના,કોઈની હાજરી કે જાણ વિના એમની અંતિમ ઈચ્છા અનુસાર હળવેકથી સરકી ગયો ! શંકર ખરો ખુદ્દાર અને વટ્ટ વાળો. જે રીતે જીવ્યો એ જ રીતે મર્યો. ત્રાસની પરાકાષ્ટા,અને સહનશીલતાનો ઇતિહાસ આજે પૂરો થયો
*******
"મમ્મી,આજે શું છે તે દૂધપાક બનાવ્યો છે ? આજે કોઈ તહેવાર તો નથી ?" નવવર્ષના નિર્દોષ ચિન્ટુએ મમ્મીને પ્રશ્ન કર્યો .
"બેટા, આજે દાદાજીનું શ્રાદ્ધ બેસારીયે છીએ.એનું પહેલું શ્રાદ્ધ છે તેથી બ્રહ્મ ભોજન કરાવી કાગવાસ આપવાનો હોય, દૂધપાક બનાવ્યો છે ?
ચિંટુની ઇંતેજારી વધી. બીજો પ્રશ્ન પૂછ્યો, " મમ્મી, એ કાગવાસ શું છે ? એમાં શું કરવાનું હોય?
"દર વર્ષે શ્રાદ્ધપક્ષમાં પિતૃની મૃત્યુ તિથિના દિવસે પિતૃઓ પોતાના સંતાનને ઘેર કાગડાના સ્વરૂપે જમવા પધારે. બ્રહ્મ ભોજન સમયે થોડો દૂધપાક અને ત્રણ ચારપુરી આપણે અગાસીમાં કે છાપરા ઉપર મૂકી આવ્યા પછી વડીલ કાગસ્વરૂપે ત્યાં આવી આરોગી,તૃપ્ત થઇ, અને પરિવારને આશીર્વાદ આપે.
ચિન્ટુ હસી પડ્યો. "અવસાન પામતા બધા વડીલો મૃત્યુ પછી કાગડા બની જતા હશે ?"
"બેટા,મને વિશેષ કંઈ ખબર નથી, આ ધાર્મિક અને સામાજિક રૂઢિ છે જે બધાજ લોકો આ પરંપરા નિભાવતા હોય છે " મમ્મીએ જવાબ આપી વાતને ટૂંકાવી.
ચિન્ટુના જન્મના ત્રણ ચાર મહિનામાં જ શંકરલાલે ઘર છોડ્યું હોય, ચિન્ટુએ દાદાજીને જોયા તો નહોતા પણ દાદાના લાડ અને પ્રેમથી વંચિત રહ્યો હતો..સમજણો થયા પછી એમના કુમળા માનસ ઉપર ખોટી અને ખરાબ અસર ન પડે એટલે એને સમજાવવામાં આવ્યો હતો કે દાદાજી ઘણા સમયથી દૂરના બીજા શહેરમાં રહે છે.
ભોજનનો સમય થતાં બ્રહ્મદેવે શ્રાદ્ધની વિધિ પરિપૂર્ણ કરી ભોજન આરોગતા પહેલાં કાગવાસ તૈયાર કરી તુષારને અગાસીએ મુકવા જણાવ્યું.ઇંતેજારીથી ચિન્ટુ પણ સાથે ગયો. બધા એ જોડે શ્રાદ્વનું ભોજન સાથે લીધું****
સાંજે શાળાએથી પાછા ફર્યા પછી ચા-નાસ્તો કર્યા વિના ચિન્ટુ સીધો અગાસીએ જોવા ગયો.આજુબાજુ નિરીક્ષણ કર્યા પછી નીચે આવીને મમ્મીને કહ્યું " મમ્મી, તું કહેતી હતી કે દાદાજી કાગ સ્વરૂપે ભોજન કરવા આવશે પણ આપણે મુકેલ ભોજન તો ત્યાં એમને એમ જ પડ્યું છે.એટલું જ નહિ પણ તડકામાં સુકાઈ ગયેલી પુરી ઉપર કીડીઓનો થપ્પો જામ્યો છે ? આમ કેમ થયું ?
મમ્મીએ ભારે મોઢે જવાબ આપ્યો, "મને ખબર નથી "
ચિન્ટુ બોલ્યો,"કદાચ વર્ષોથી દાદાજી આપણે ઘેર આવ્યા નથી એટલે ભૂલા પડ્યા હશે અને ઘર જડ્યું નહિ હોય "
તુષારે અને તેની પત્નીએ એકબીજાની સામું જોયું,બંનેની આંખમાં આંસુ ઉભરાયા.
******