Friday, 8 June 2012

" કર્યા ભોગવવાના છે "

કંકુ મા એક વાર માળીએ થી છાણા ઉતારતા સીડીનું પગથીયું ચુકી ગયા અને નીચે પડ્યા.પગે સોજો આવી જતા તેઓ દવાખાને બતાવવા દાકતર પાસે ગયા.
દાક્તરે તપાસી એક્ષ -રે પણ લીધો ને નિદાન કર્યું કે ગોઠણ ની નીચેનું હાડકું ભાંગી ગયું છે .
કંકુ મા ને દવાખાનામાં દાખલ થવું પડ્યું .
 કંકુ મા ભલે એકલા પણ તેનું "ડોશી સખી -વૃંદ " અને હિત વાન્છું સખીઓ ઘણી .તેની સહેલીઓ ખબર કાઢવા દવાખાને  રોજ આવતી  થઇ ગઈ.
એક વાર કંકુ માના ખબર કાઢવા સખીઓનું ટોળું એક સામટું આવી ગયું. 
તેમાં ગંગામા ચાર ચોપડી ભણેલ હતા અને બધી સખીઓમાં "જ્ઞાન વૃદ્ધ " હોવા સબબ આદરણીય હતા  તે પણ આવ્યા "એલી કંકુ શું થઇ ગયું તને ? ગંગામા એ દવાખાનાના વોર્ડમાં દાખલ થતા વેંત જ પૂછ્યું ,પડી અને સોજો આવ્યો તેમાં દવાખાને શું આવી ? મારો રાજુ ઓટલે થી ગબડ્યો, અને પગે સોજો આવ્યો એટલે હળદર મીઠાનો ગરમ લેપ બે દિવસ લગાડ્યો, અને સોજો ઉતરી ગયો ?
કણસતા અવાજે કંકુમાં બોલ્યા " ભઈ,આતો હાડકું ભાંગી ગયું છે તેમ દાક્તરે કહ્યું "
ગંગામાં એ જવાબ આપ્યો " કંકુ, આજકાલ ના લવરમુછિયા દાક્તરો ને કઈ ખબર નથી પડતી , આપણા જમાના જેવા દાક્તરો અત્યારે  થોડા છે ? આ શું છે ? તારા પગનો ફોટો છે ?"  એમ કહી તેણે બાજુના નાના ટેબલ ઉપર પડેલ -એક્ષ રે ઉપાડી, થોડે દુર રાખી, જીણી આંખે જોયો. નિષ્ણાત તબીબ ની અદાથી ફોટો જોયા પછી ગંગામાં બોલ્યા " અરે કંકુ આ તારા પગ નો ફોટો છે ? આમાં તારો  પગ તો ક્યાય  દેખાતો નથી ? બીજી સખી ગોદાવરી બેન ને ફોટો બતાવતા ગંગામાં  બોલ્યા "અલી ગોદી, જો, આ ધોળું ધોળું દેખાય છે તે બધું રસી  છે પગ પાકી ગયો છે કંકુ ના પગ આવા ધોળા નથી નક્કી હવે કંકુ નો પગ જ કાપવો પડશે કંકુ, ધ્યાન રાખજે આ મૂવા દાક્તરું પીટ્યા તારો ક્યાંક પગ ન કાપી નાખે . આખા પગ માં રસી જ છે  "
કંકુમાં ફરી કણસતા અવાજે બોલ્યા " ભાઈ, જે કરમ માં હશે તે થશે બીજું શું ?"
ગંગામાં એ જવાબ વાળ્યો , " હા સાચું પરોણો ને પશુ ,ઘરધણી ને વસુ  ",   ઈમ દવાખાનાનો દર્દી તે દાકતર ને વસુ  "
ખાસ્સો  સમય કંકુમાંને સલાહ દીધા પછી ગંગામાં ઘેર જવા ઉભા થયા જતા જતા ફરી બે શબ્દ ઉમેર્યા 
" અલી કંકુ ,ઘર ની ચિંતા ન કરતી અત્યારે અને પછી પણ અમે બધા  બેઠા જ છીયે. મારો વા'લો બધું 
સારું કરી જ દેશે ,તારી ઉમર કઈ જવા જેવડી નથી તેમ છતાં,તૂટી ની કોઈ બુટી નથી  તેડું આવ્યું હોય તો તેને કોઈ થોડું  રોકી શકે છે ?  સુખેથી ચિંતા વિના જવું બાકી તો કર્યા  ભોગવવાના છે "
એમ કહી ને કંકુમાં ના અંગત સખી ગંગામાં વિદાય થયા ..





કેટલીકવાર પોતાની જાતને વધુ ડાહ્યા,ચતુર,અને હોશિયાર માનતા માણસો "બાફી મારતા " હોય છે.પોતાનું ડહાપણ અને વાક્ચાતુર્ય બીજા પાસે પ્રદર્શિત કરતાં પોતે શું બોલે છે અને બોલ્યાનો શું અર્થ થાય છે તેની તેને પોતાને પણ ખબર નથી હોતી આજે એવું એક ઉદાહરણ રજૂ છે.

Monday, 4 June 2012

ભર વસંત માં પાનખર ...?

                                          સ્વ. સોં. જન્મા (જ્યોતિ ) વ્યોમેશ ઝાલા
                                                 નિર્વાણ.  તા.૦૬/૦૬/૧૯૭૯ .


         માત્ર દશ વર્ષ ના સહયોગ પછી તેત્રીસ વર્ષ નો વિયોગ આપી, ફક્ત બત્રીસ વર્ષ ની નાની
          ઉમરે જવાની આટલી જલ્દી કઈ હતી ? જન્મ તેનું મ્રત્યુ નિશ્ચિત છે , અને તે સનાતન 
         સત્ય સામે  મારી કોઈ ફરિયાદ નથી.પણ જયારે  કૈક  કેટલાક લોકો  "લીલી વાડી " મુકી
          ને જાય છે. ત્યારે તું તો"કાચો નીમ્ભાડો " મુકી ને ગઈ પાછળ ના કોઈ નો ખાસ કરી  ને. 
          ચાર નાના બાળકો નો પણ તેં  વિચાર ન કર્યો ? વિયોગ ના આ  તેત્રીસ વર્ષો માં
         એરણ અને હથોડા ની વચ્ચે જેમ લોખંડ નો ટુકડો  ટીપાય તેમ હું ટીપાયો  છું..
                 કહેવાય છે કે " ઘર નું ઢાકણ નાર"  તો ઘર ને આમ ઉઘાડું મુકીને મોટે ગામતરે 
        જવા કેમ વાટ પકડી ? આમ ઘર ને ઉઘાડું મૂકી ને જતી રહીશ,તેવી  સ્વપ્ને 
       પણ કલ્પના ન હતી. તું હતી તો શું હતું અને જયારે આજે  તું નથી  ત્યારે શું છે ?
       તેની તુલના માં મારા તેત્રીસ, તેત્રીસ,વર્ષ  નીકળી ગયા  
       પણ હજુ એ જખમ રૂઝાયો નથી,અને મને  કળ વળી નથી. 
       ભર વસંતે પાનખર.......?
        પરિવાર ની પહાડ જેવડી જવાબદારી  મારા ઉપર છોડી વીજળી ની જેમ એકાએક હાથ તાલી દઈ,તું    નાસી ગઈ મઝધારે જીવન નાવ ડુબવા છતાં એક માત્ર શ્રદ્ધા ના તરાપા ને સહારે હું કિનારે પહોચ્યો ઈશ્વરે કસોટી ઘણી કરી પણ પાર પણ તેણેજ ઉતાર્યો
       અને મારા ઉપર છોડેલી તમામ જવાબદારી મેં અણીશુદ્ધ પાર પાડી.તને જાણી ને આનંદ, 
        તથા સંતોસ થશે કે તારા રોપેલા છોડ આજે વટવૃક્ષ  થઇ ને ફૂલ્યા ફાલ્યા છે 
       તે માટે મને શક્તિ,સામર્થ્ય, અને અખૂટ હિમત ઈશ્વરે આપી અને હું તારા ઋણ  માંથી 
       મુક્ત થયો છું તમો જ્યાં હો ત્યાં સુખી રહો અને પરિવાર ઉપર અમીદ્રષ્ટિ વરસાવી 
      આશિષ આપો.ઈશ્વર તમારા અમર આત્મા ને ચિરશાંતિ આપે.......! ! !
        હું પણ આજે જીવનસંધ્યા ના ઝાંખા પ્રકાશ માં જે છે તેનાથી સુખી, ખુશી, અને આનદિત છું.
             આજ તા.0૬/૦૬ ના રોજ તમારી ૩૩ મી પુણ્ય તિથી નિમિત્તે હું હાર્દિક શબ્દાંજલિ અર્પું છું.   
       મેં ક્યાંક વાંચ્યુ  છે........... 

      
          " કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?
          કહો, કોણ કોના હિસાબો તપાસે? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

          હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, તમે ચાલ સમજી લીધી’તી સમયની,
          બની ફળ મજાના ઊંચી કોઈ ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
       
         હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
         છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

        મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
        દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?
       
        વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું,  કયા ફેફસાંમાંથી હું આગ કાઢું?
       પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

        સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
        ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?  "
     * * * *                 * * * *            * * * *             * * * *
                                "કિનારાઓ અલગ રહીને, ઝરણને જીવતું રાખે ;
                                અલગતા આપણી એમ જ, સ્મરણને જીવતું રાખે.                
                                તળાવો મૃગજળોના જેમ, રણને જીવતું રાખે,
                               બસ એ જ સ્વપ્ન તારું,   મને  આજ જીવતું રાખે"

            .Realy, I mis you on every step,in walk of my life. ! ! !