Thursday, 13 September 2018

જીવન સંધ્યા (कुपुत्रो जायेत .....)


ઉનાળાની કાળજાળ ગરમીપછી,આગલી રાત્રે ધીમીધારે પડેલ વરસાદ પછી બીજા દિવસની સવાર ખુશનુમા હતી ઠંડોપવન નીકળતા વાતાવરણમાં ઠંડક પ્રસરીગઈ હતી,ધીમીધારે વરસેલા વરસાદે પ્યાસી ધરતીનીપ્યાસ બુઝાવતા,ભીની માટીની મીઠી મીઠી સુગંધથી વાતાવરણ આલ્હાદક બન્યું હતું, નજીકના ખેતરોમાંથી ક્યાંક ક્યાંક મોરના ટહુકા સંભાળતા હતા ભગવાન સૂર્યદેવના આગમનની છડી પોકારતા સુર્યકીરણો આકાશમાં છવાઈ ગયા હતા,સવારના સાડાસાતનો સમય હતો"દીકરાનું ઘર " વૃદ્ધાશ્રમની પરસાળમાં આરામખુરશી પર બેઠા હું સવારનું દૈનિક વાંચી રહ્યો હતો,
લગભગ અર્ધાકલાક બાદ આઠેક વાગ્યાના આશરે વૃદ્ધાશ્રમનાદરવાજે એક રીક્ષા આવીઉભી,તેમાંથી
એક વૃદ્ધબહેન ઉતરી દરવાજામાંદાખલ થયા.ગૌરવર્ણ,તેજસ્વી ચહેરો,ભૂરી આંખ,સફેદ રૂ જેવા વ્યવસ્થિત
 ઓળેલા વાળને ઢાંકતો,ગરમ,સુંદર ડીઝાઇનનો સ્કાર્ફ, કોઈ કુશળ શિલ્પકારને હાથે કોતરાયેલી હોય તેવી કપાળ અને ચહેરા ઉપરની,એકસરખી કરચલીઓ,વૃદ્ધાનીઉમર,કરતા અનુભવ,અને વેઠેલાસાંસારિક કષ્ટની ચાડી ખાતા હતા  
પરસાળમાંઆવતાજ પૂછ્યું,"સંસ્થાનાસંચાલક,કે મેનેજર અત્યારે મળી શકે ?"હું ખુરશીપરથી ઉભો થયો,નમસ્કાર કરતા મેં ઉત્તર વાળ્યો  "જી,હું જ સંચાલક અને મેનેજર છું,પધારો," એમ કહીને ઓફીસખંડમાં તેને દોરી ગયો
"કહો હું આપની શું સેવા કરીશકું છું?" મેં પૂછ્યું
વૃદ્ધ મહિલાએ પૂછ્યું"મારે વૃદ્ધાશ્રમમાં રહેવાનીઈચ્છાછે,તો મને પ્રવેશમળી શકશે?પ્રવેશમાટેના નિયમો શું છે?
મેં તેમનો પરિચયપૂછ્યો,
જવાબમાં તેણે જણાવ્યું :
" હું સરોજીની દેવી  સ્વ.ડો.કૈલાસનાથ પંડિતની પત્નિ છું.
અહીંના અલકાપુરી વિસ્તારમાં "સંસ્કાર" બંગલામાંરહું છું મારાપતિનું નિધન થયા પછીથી  છેલ્લા સાત વર્ષથી હું પુત્ર સાથે રહું છું.આજથી લગભગ 40 વર્ષ પહેલા હું આ શહેરની પ્રથમ મહિલા મેયર હતી."
મને એમ લાગ્યું કે વૃદ્ધા માત્ર એકલવાયા જીવનથી ત્રસ્ત થઈને અહીં આવેલ છે તેથી મેં તેમના પરિવાર વિષે પૂછ્યું જવાબમાં તેણે જણાવ્યું કે એમનો એકમાત્ર પુત્ર સરકારી અધિકારી છે અને પુત્રવધુ સામાજિક કાર્યકર, તથા જાણીતી નાટ્ય અભિનેત્રી છે અને પ્રસિદ્ધ ગાયિકા પણ છે.
પુત્ર વ્યવસાયમાં અતિશય ગૂંચવાયેલો હોય ઘર ઉપર કે પત્નીની પ્રવૃત્તિ પ્રત્યે તદ્દન બેદરકાર છે. પત્નીને અનુકૂળ વાતાવરણ મળી જતાં પોતે સતત નાટક-ચેટક,અને સઁગીતના કાર્યક્રમોમાં દિવસ રાત ગુંથાયેલી રહે છે ,ઘરકામ માટે તો ઠીક છે કે કામવાળી બાઈ રાખેલ છે પણ રસોઈ બનાવવાના આળસે  મોટેભાગે તેઓ બન્ને બહાર હોટેલમાં જ જમવાનું પતાવે છે.ઘરમાં રહી હું એકલી  મને આ રીતે સમયસર નિયમિત રીતે સાદું પણ સારું જે ભોજન મળવુ જોઈએ તે પણ આ ઉંમરે મળતું નથી. કોઈપણ ફરિયાદના સુરને સ્થાન નથી, " તમે જાતે બનાવી લેજો " જવાબ સાંભળી સાંભળીને આખરે હું થાકી છું,અવસ્થા અને ઉંમર તો જમ ને પણ છોડતા નથી,શરીર સાથ આપતું નથી, આંખે પણ ઝાંખપને કારણે પૂરું જોઈશકાતુ નથી ત્યાં હું મારું તો કેમ કરી શકું ? પુત્ર પણ સતત બેદરકાર રહી ધ્યાન આપવા માંગતો ન હોય, પુત્રવધૂને આડકતરો તેનો સાથ મળી જતાં સતત વાક પ્રહારથી મને વીંધી નાખે છે, અમુક ઉંમરે માણસ શબ્દોનો બોજ પણ સહન નથી કરી શકતો કટુ વચન તેને ભાંગી નાખે છે સાહેબ અંતે મેં વિચાર્યું કે પરાધીનતાની જિંદગી જીવી ઓશિયાળો રોટલો ખાવા કરતા સ્વમાનપૂર્વક પુરી ફી ભરીને શા માટે આવા સુંદર વાતાવરણમાં ન રેહવું ? આ વિચાર ઘણા સમયથી આવતો હતો અંતે મનોમંથન પછી મેં નક્કી કર્યું કે મારા અવસાન પછી જે આઝાદી ભોગવવા માટે તેઓ  પેતરા કરે છે એ સમય તો આપણા હાથની વાત નથી, તો પછી શા માટે સ્વૈચ્છીક રીતે ત્યાંથી ખસી જઈને તેઓને આઝાદી આપી સુખી ન કરવા ?
    સરોજ દેવીની વાત સાંભળી હું સ્તબ્ધ થઇ ગયો જે જગતના દર્શન કરાવી પૃથ્વી  ઉપર પહેલો શ્વાસ લેવરાવ્યો, લાડકોડથી ભણાવી ગણાવી પરણાવીને પોતાનું નામ કમાવા કાબેલ કર્યા એ પૃથ્વી પરના દેવ ની આખરી અવસ્થાએ આ સ્થિતિ ?
હું સરોજીની દેવીના પુત્ર વધુને એક સારા સંગીતકાર તરીકે ઓળખતો હતો મેં કહ્યું " જે રીતનો એનો સામાન્ય વ્યવહાર છે તે જોતા તેઓ મૃદુ અને મિષ્ટ ભાષી લાગે છે. તમારી વાતનું મને આશ્ચર્ય છે.એમનો હસમુખો ચહેરો અને મીઠી ભાષા ધરાવતું વ્યક્તિત્વ બહુરૂપી કેમ હોઈ શકે ?
   સરોજીની દેવી બોલ્યા "સાહેબ,તમે શું એમ માનો છો કે તેઓ જે બહાર છે તેજ ઘરમાં પણ છે ? હું જાણું છું તેના સુરમય સ્વરમાં શૂળ પણ  છે,અને દર્દ તો મારા હૃદયમાં છે. પુત્ર ખરેખર એટલો વ્યસ્ત નથી પણ પત્ની તેને વધુ વ્યસ્ત રાખવા પ્રયત્ન કરે છે જેથી તે ઘરમાંધ્યાન ન આપી શકે, કોઇ સુખી માતા પોતાનું ઘર છોડીને પારકે આશરે જવું ક્યારે પસંદ કરે ? જીવનના સુર્યાસ્તે પોતાના લોહીને છોડી,પારકાને પોતાના બનાવવા ક્યારે વિચારે ? જયારે કોઈ દિશા ન સૂઝતી હોય ત્યારે એવાજ સમયે ગૃહત્યાગની ભાવના જન્મે છે "
        એક જમાનામાં ડો.કૈલાસ નાથનો પરિવાર, એની પ્રતિષ્ઠા,અને ખાનદાની એ "સંસ્કારના વિશ્વ વિદ્યાલય" તરીકે જાણીતા હતા,જેનો હું ખુદ શાક્ષી હતો. આ એજ ઘર અને ખાનદાનમાં કૈલાસનાથની  વિદાય પછી આવું પરિવર્તન ? એ વિચારે સરોજીની દેવીની વાતે મારું મન ભરાઈ આવ્યું
      થોડીવાર વિચાર કર્યા બાદ મેં જવાબ વાળ્યો " માજી,તમે બિલકુલ સાચા હશો તમારી વાતથી મને તમારા ઉપર પુરી સહાનુભૂતિ છે પણ અહીં સંસ્થાનો નિયમ એવો છે કે, જે કોઈ વયસ્ક વ્યક્તિ દાખલ થવા ઇચ્છતી હોય એમણે પોતાના પરિવારના જવાબદાર સભ્યની સંમતિ લેખિતમાં લેવી જરૂરી છે,જો આપનો પુત્ર સંસ્થાના નિયમ મુજબ લેખિત સંમતિ આપવા તૈયાર હોય તો આ સંસ્થાના દરવાજા આપને  માટે હમેશા ખુલ્લા જ છે"
નિરાશ થયેલ સરોજિનીદેવીએ જવાબ આપતા કહ્યું," પુત્ર અને પુત્રવધૂને પોતાના સ્ટેટ્સ અને આબરૂને આંચ આવે એ કારણે તેઓ સ્વૈચ્છિક પરવાનગી આપવા તૈયાર નથી, એટલુંજ નહીં પણ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ એ પુત્રને મોટો કરી ભણાવી-ગણાવીને લીધેલી કાળજી ભૂલી જઇ પોતાની ફરજમાંથી છટકી જવાની એની વૃત્તિ મને એ ઘરમાં સતત ખૂંચ્યા કરે છે. ઠીક છે આપના નિયમોમાં આપ પણ બંધ છોડ ન કરી શકો એ સમજી શકાય એવી બાબત છે. હવે તો ભગવાનને શરણે જિંદગીના દિવસો પુરા કરવા રહ્યા "
આટલું કહી ભાંગેલા હૈયે સરોજિનીદેવીએ વિદાય લીધી.
****
આ વાતને ત્રણેક મહિના થયા હશે.
એક દિવસ સવારમાં વહેલા ઉઠી પ્રાતઃકર્મ પતાવી રોજના નિયમ મુજબ પરસાળમાં વર્તમાન પત્ર લઈને વાંચવા બેઠો,રાજકીય સમાચારથી ભરપૂર પહેલા પાના ઉપર માત્ર નજર ફેરવી અંદરના પાને ડોકિયું કરતા મારો શ્વાસ ઘડીભર થંભી ગયો. પાનું ખોલતાંજ સરોજિનીદેવીની તસ્વીર સાથે આત્મહત્યા કર્યાના સમાચાર વાંચી હું ખરેખર દુઃખી થયો. સરળ, નિખાલસ, શિક્ષિત, અભ્યાસુ, અને એક જમાનાની શહેરની જાજરમાન મેયરની 

મનોસ્થિતિ કેટલી અકળ અને અકલ્પનિય રહી હશે કે પોતે જીવનના અંતિમતબક્કે આત્મહત્યા વ્હોરી લીધી? માં-બાપ શું આટલા માટે ઔલાદ માંગતા હશે ?સંતાનો સંતાપ આપવા જન્મતા હશે ?
પેપરમાં આપેલી વિગત મુજબ "સરોજિની ગૃહ ત્યાગ  કરી વૃદ્ધાશ્રમમાં આશ્રય લેવા તીવ્ર ઈચ્છા ધરાવતા હતા જયારે એ વાત પોતાના પુત્રને કરી અને લેખિત સંમતિ આપવા જણાવ્યું ત્યારે પુત્ર અને પુત્ર વધુ શિકારી કૂતરાની માફક એમની ઉપર તૂટી પડ્યા ઘરની આબરૂ, પુત્ર-પુત્રવધુની પ્રતિષ્ઠા,અને સામાજિક સ્ટેટ્સને એ ધબ્બો લગાડે એવું છે એમ કહીને "જે સ્થિતિમાં છો એજ સ્થિતિમાં જીવવું પડશે " એવું કહેતા સરોજિનીદેવીને હાડોહાડ લાગી આવ્યું ખુબ મનોમંથન પછી તેણે નિર્ણય કર્યો કે દોઝખ જેવી જિંદગી જીવવા માટે પણ જો પુત્રવધુના પગ પકડવા પડતા હોય તો બહેતર છે કે આ દુનિયા ત્યજી દેવી
આ વિચારે આગલી રાત્રે સરોજિનીદેવીએ ઝેરી દવા ગટગટાવી લઈ પ્રાણ તજ્યા
આ વાંચતાજ મેં ટી.વી.ની સ્થાનિક ચેનલના સમાચાર જોવા શરૂ કર્યા
વિગતે આપેલ સમાચાર મુજબ સરોજિની દેવી ના મનીપર્સમાંથી ઝેરી દવાની શીશી ઉપરાંત એક નાની ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે
"कुपुत्रो जायेत क्वचित अपि  कुमाता न भवति !"






ગઢ ગીરનાર

પૈસો અને લક્ષ્મી


રાત્રે જમી પરવારીને ચીંટુ એની મમ્મી માલવિકા સાથે ગામ ગપાટા મારતો બેઠો હતો.આવતી કાલે રવિવાર હોય અભ્યાસની ચિંતા પણ ન હતી,
ચિન્ટુએ મમ્મીને ડરતા ડરતા પૂછ્યું " મમ્મી, એક વાત પૂછું ? પ્લીઝ સાચો જવાબ આપજે, અને પપ્પાને એ કહીશ નહીં એવું વચન આપ "
માલવિકાએ હસતા હસતા કહ્યું, " બે ધડક પૂછ, હું તને જવાબ સાચો જ આપીશ અને તારા પપ્પાને વાત પણ નહીં કરું બસ ?
નિર્ભય બનેલ ચિન્ટુએ મમ્મીને પૂછ્યું " મમ્મી પપ્પા કેટલા વર્ષથી ઇન્કમ ટેક્સ ઓફિસર તરીકે કામ કરે છે ?
માલવિકાએ હસતા હસતા કહ્યું , "કેમ ? એકાએક વળી આ સવાલ તારા મગજમાં ક્યાંથી ઉગ્યો ? પપ્પા છેલ્લા દશ વર્ષથી ઇન્કમટેક્સ અધિકારી તરીકે છે "
"અને પરીક્ષિત અંકલ ? તરતજ વળતો સવાલ ચિન્ટુએ પૂછ્યો.
" એ પણ દશ વર્ષથી જ છે. તારા પપ્પા અને પરીક્ષિત અંકલ બન્ને સાથે જ પ્રમોટ થયા છે અને તે પહેલા અમદાવાદ પણ તેઓ એકજ ઓફિસમાં સાથે હતા. કેમ આવો સવાલ પૂછે છે ? " જિજ્ઞાસાવશ માલવિકાએ વધુ રસ લેતા પૂછ્યું.
 " મમ્મી મને રોજ એક વિચાર આવે છે, કે પપ્પા જે હોદ્દા ઉપર છે, એજ હોદ્દા ઉપર પરીક્ષિત અંકલ પણ છે.પગાર પણ બન્નેનો લગભગ સરખો જ હશે, છતાં તેઓ કેટલા ભવ્ય અને વિશાળ બઁગલામાં રહે છે,અને આપણે ? ત્રણ રૂમ,રસોડાનો એક નાનો ફ્લેટ જ છે.અંકલના બંગલાનું ફર્નિચર, રાચ-રચીલું, એના ફેમિલી મેમ્બર્સની લાઈફ સ્ટાઇલ, આહાહા,,,, કેટલી ભવ્ય છે ? એના વિરાટને સ્કૂલે મુકવા એનો ડ્રાઇવર ગાડી લઈને આવે છે, અને ગાડી પણ કેવી વૈભવશાળી ? જયારે હું સાઇકલ ઉપર સ્કૂલે જાઉં છું. મમ્મી તને ખબર છે ? વિરાટ પાસે ત્રણ જોડી શૂઝ, એક જોડી સેન્ડલ, અને બે જોડી ચમ્પલ છે.અને કપડાં પણ કેવા ઈમ્પોર્ટેડ,અને શાનદાર પહેરે છે. મને વિચાર આવે છે કે એ આ બધું કેમ કરી શકતા હશે ? એને કેમ પોસાતું હશે ? મમ્મી વિરાટને ઘેર તો ફ્રીઝ માં મીઠાઈ અને ડ્રાયફ્રુટના બોક્સ ખડકાયેલાજ હોય છે, જયારે મારા માટે દર મહિને પપ્પા બજારમાંથી 100 ગ્રામ બદામ અને 100 ગ્રામ અખરોટ લઈ આવે છે "
માલવિકાએ સ્નેહથી ચિન્ટુના માથાઉપર હાથ ફેરવતા સહેજ સ્મિત સાથે કહ્યું " બેટા, આ બધું જાણવા માટે તું ઘણો નાનો છે પણ જયારે તું વિરાટ સાથે તારી સરખામણી કરે છે ત્યારે હું તને ખુબજ ટૂંકમાં કહું,
 બેટા, જિંદગીમાં પૈસો એ જ બધી વસ્તુ નથી,પ્રમાણિકતાની કમાણીથી ઘર બને બંગલો નહીં. પરીક્ષિત અંકલ હમેશા પોતાની શાનદાર કારમાં ઓફિસે જાય છે, ત્યારે તારા પપ્પા હમેશા પોતાના સ્કૂટર ઉપર જાય છે, પરીક્ષિત અંકલ પાસે જુદા જુદા કેટલાય સુટ્સ, અને શુઝ છે, ત્યારે તારા પપ્પા પાસે શિયાળામાં પહેરવા એક પણ ગરમ કોટ નથી, અને એ બહુ મોટો તફાવત છે બીજું તે જોયું ? નયના આંટી દર રવિવારે બ્યુટી પાર્લરમાં જાય છે, રોજ નવી ફેશનની સાડી પહેરે છે, ક્લબ અને ફિલ્મોનો પણ તેને બેહદ શોખ છે છતાં મેં આજસુધી તારા પપ્પાને નયના આંટીને કેમ પોસાય છે એવો પ્રશ્ન નથી કર્યો એનું કારણ હું જાણું છું એમ થોડો મોટા થયા પછી તને પણ એ બધું સમજાશે, જયારે માણસ પાસે બહુ રૂપિયો આવી જાય છે ત્યારે તે માણસ "બહુ રૂપિયો " બની જાય છે. ટૂંકમાં આપણે જે સ્થિતિમાં છીએ એ વધુ સારું છે બીજાનું જોઈને આપણે એ પ્રમાણે કરવા જઈએ તો કોઈ વાર પસ્તાવાનો વારો આવે, બેટા, જીવનમાં પૈસો નહીં પ્રમાણિકતા, નીતિ, અને સંતોષ હોય એ માણસ સૌથી વધુ ધનવાન છે. એવી ખોટી સરખામણી કોઈ દિવસ કોઈ સાથે ન કરવી ચાલ સુઈ જા  હવે મોડું થઇ ગયું છે " આટલું સમજાવી માલવિકા ચિન્ટુના શયન ખડ માંથી બહાર નીકળી.
 બીજે દિવસે રવિવાર.
ચિન્ટુ તો સવારમાં તૈયાર થઈને મિત્રો સાથે ક્રિકેટ રમવા નીકળી ગયો.
માલવિકા અને તેના પતિ સુબોધ ઘરમાં એકલાજ હતા.
બીજીવારની ચા સાથે નાસ્તો કરતા માલવિકાએ સુબોધને આગલી રાત્રે ચિન્ટુ સાથે થયેલ વાત કરી.
સુબોધે હસતા હસતા કહ્યું ,"બાળક છે દુનિયાના નીતિ-રીતિ અને વ્યવહારનું એને શું ભાન પડે ? એ સાચો પણ છે અને સ્વાભાવિક રીતે એવી સરખામણી બહારની વ્યક્તિના મનમાં પણ જન્મે ! પણ એને ક્યાં ખબર છે કે પરીક્ષિતની આવક પૈસા રૂપે છે અને મારી આવક લક્ષ્મી છે. પૈસાના ઘણા રૂપ હોય છે, અને ચંચળ હોય છે અને કયારે કેવો રંગ બદલે એ નક્કી નહીં, જયારે લક્ષ્મી એક જ સ્વરૂપે છે અને અચળ છે"
આટલું કહેતા સુબોધ બેઠક ખંડ માં ગયો અને માલવિકા રસોડામાં કામે વળગી
******

ઉપરોક્ત વાતને લગભગ છ એક મહિના વીત્યા હશે.
એક દિવસ સવારે સુબોધે માલવિકાને યાદ અપાવતા કહ્યું," આજે તો સાંજની રસોઈમાં તારે આરામ છે.યાદ છે ને કે આજે પરીક્ષિતના જન્મદિવસ નિમિતે તેના તરફથી યોજેલ પાર્ટીમાં જવાનું છે "
માલતીએ જવાબ દેતા કહ્યું," હા, મને સવારથી જ યાદ છે.પણ મને એક બાબતનું આશ્ચ્રર્ય થાય છે કે જન્મદિવસની પાર્ટીમાં આખા ઓફિસ સ્ટાફ ને ફેમિલી સાથે આમંત્રણ ? અંદાજો તો ખરા કે લગભગ 80 થી 90 જણા એ પાર્ટીમાં થશે વળી હોટેલ પણ ફાઈવસ્ટાર રાખી છે કેટલો ખર્ચ થશે ? થોડા અંગત મિત્રો અને અધિકારીઓને જો ફેમિલી સાથે નિમંત્ર્યા હોત તો ન ચાલત ?
સુબોધે હસતા હસતા જવાબ આપ્યો " માલતી તારામાં અને ચીન્ટુમાં મને કંઈ બહુ ફેર નથી લાગતો.
ગાંડી, અમુક સંજોગોમાં નાના અને નીચેના સ્ટાફને પણ સાચવવો પડતો હોય છે એવી જરૂરત આજસુધી આપણે નથી પડી એ ઈશ્વરનો ઉપકાર છે. હું બરાબર છ વાગ્યે આવી જઈશ તું અને ચિન્ટુ તૈયાર રહેજો,આપણે સાથે નીકળશું. અને હા,તું બઝારમાંથી સારા માંયલો બુકે, અને ગ્રીટિન્ગ કાર્ડ લઈ આવજે "
એટલું કહી સુબોધ ઓફિસે જવા રવાના થઇ ગયો.
*****
 સાંજના ચાર વાગ્યા હશે.
માલવિકા વામકુક્ષી કરી રસોડામાં ચા બનાવવા ગઈ.
એવામાં ટેલિફોનની ઘંટડી રણકી રસોડામાંથી બેઠક ખંડમાં આવી માલતીએ ટેલિફોન ઉપાડ્યો.
"હેલ્લો, કોણ બોલો છો ? કોનું કામ છે ?" અણધાર્યા સમયે ફોન આવતા માલતીને આશ્ચ્રર્ય થયું.
" હું ઓફિસેથી સુબોધ બોલું છું.માલતી આજે સાંજની પાર્ટીનો પ્રોગ્રામ કેન્સલ થયો છે અને હું રાત્રે મોડો ઘેર આવીશ એટલે ચિંતા ન કરીશ, તમે રસોઈ કરીને મા-દીકરો જમી લેજો મારી રાહ ન જોતા, હું જમીશ નહીં "
ચિંતિત માલતી એ ગભરાયેલા અવાજે પૂછ્યું " કેમ શું થયું ? તમને તો કંઈ નથી થયું ને ? તબિયત તો સારી છે ને ?"
સુબોધે વળતો જવાબ દેતા કહ્યું, "ચિંતા ન કર હું સલામત છું,પણ ઓફિસમાં થોડી ગરબડ થઇ છે. અમારા ઉપલા અધિકારીઓ સેન્ટ્રલ ઓફિસેથી આવે છે. અત્યારે અમારા બધાજ ઓફિસરોના મોબાઈલ સ્વીચ ઓફ કરાવીને મૂકી દેવરાવતા હોય હું વોશરૂમ માંથી ફોન કરું છું, અને તું અહીં ફોન ન કરીશ,બધી વિગત ફોન ઉપર કહેવાય એમ ન હોય વધુ રૂબરૂ " આટલું કહી સુબોધે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો
****
 રાત્રે લગભગ સાડા નવ વાગ્યે થાક્યો પાક્યો સુબોધ ઘેર આવ્યો. સુબોધના ઘરમાં પ્રવેશતાંજ માલવિકાએ હાશકારો અનુભવ્યો.
ચિંતા અને આતુરતાથી ઘેરાયેલી માલવિકાએ તરતજ પ્રશ્નોની જડી વરસાવતા સુબોધને પૂછ્યું " કેમ આટલા બધા થાકેલા લાગો છો ? શું બન્યું ઓફિસમાં ?પાર્ટી કેમ કેન્સલ થઇ ?
બ્રીફ કેશ યથાસ્થાને ગોઠવતા સુબોધે કહ્યું,"સૌ પહેલા મને એક કપ કડક ચા બનાવી આપ, હું ઘણો થાક્યો છું"
થોડીવારે માલવિકાએ બન્નેની ચા બનાવીને લાવી, ચા પીધા બાદ સુબોધે વિગતવાર વાત કરતા કહ્યું. "પરેલ (વેસ્ટ)માં "નિત્ય-આનંદ "નામની નવી જબરદસ્ત સોસાયટી બની છે. એના બિલ્ડર શ્યામ કુમાર પાસેથી ટેક્સના રી-એસેસમેન્ટ કરી ટેક્સમાં રાહત અપાવી દેવાના વચન સાથે પરીક્ષિતે રૂપિયા સાત લાખની લાંચ માંગી હતી. રકઝક કરતા પાંચ લાખે વાત અટકી.
 એ રિશ્વતની રકમ આપતા પહેલા શ્યામકુમારે "લાંચ રૂશ્વત વિરોધી ખાતા" ( Anti Corruption Bureau)ને અગાઉથી જાણ કરી દીધી હતી.
શ્યામ કુમાર રૂપિયાની ભરેલી સુટકેશ સાથે પરીક્ષિતની ચેમ્બરમાં દાખલ થયો,અને ભરેલી બેગ ખોલીને પરીક્ષિતને બતાવી પણ ખરી. બેગ બંધ કરીને સ્વીકારતી વખતે નક્કી થયેલ પ્લાન મુજબ લાંચ રુશવત ખાતાના અધિકારીઓ ત્રાટક્યા અને પરીક્ષિત રંગે હાથ ઝડપાઇ ગયો.આ પહેલા પણ લગભગ પાંચેક બિલ્ડર, અને કેટરર્સ પાસેથી તેણે રિશ્વત લીધી હતી. તરતજ A.C.B,એ અમારી સેન્ટ્રલ ઓફિસને જાણ કરતા મદદનીશ કમિશ્નર,તથા કમિશ્નર સાહેબ દોડી આવ્યા રંગે હાથ જ જ્યાં પકડાય ત્યાં ઈન્ક્વાયરીની ગુંજાઈશ જ ન રહે ને ? એજ મિનિટે પંચનામું પૂરું થયે પરીક્ષિતને સસ્પેન્સન નો ઓર્ડર પકડાવી દીધો, અને પરીક્ષિતના ડિપાર્ટમેન્ટનો ચાર્જ મને સોંપાયો એટલું જ નહીં પણ A.C.B.ની ટીમ હારોહાર C.B.I (વિજિલન્સ)ની ટીમે પણ તેને ઘેર દરોડો પાડ્યો. એ દરમ્યાનમાં નયના ભાભીને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક નજીકમાં જ રહેતા ડો.પરાગને બોલાવવા પડ્યા.
ફ્રેશ થઈને રાત્રે સુબોધ પરિવાર સાથે ટી.વી.સમાચાર જોઈ રહ્યો હતો એવામાં બ્રેકીંગ ન્યુઝ આવતા પરીક્ષિતની આજસુધીની બધી લીલાઓ નો પર્દાફાશ થયો. સમાચાર જોતાં ચિન્ટુએ માલવિકા સામે જોયું, માલવિકાએ ચિન્ટુના માથા ઉપર હાથ ફેરવતાં કહ્યું,
"બેટા એકવાર તું મને પૂછતો હતોને કે પરીક્ષિત અંકલને આ બધું કેમ પોસાતું હશે ? જો આ એનો જવાબ"
 સુબોધે વચ્ચે બોલતા કહ્યું," જે પોતાના હક્કનું નથી એ લેવા જતા પોતાના હક્કનું અને મહેનતનું પણ ગુમાવે છે. એ આજ પરીક્ષિત છે જે મને પણ આ રસ્તે દોરવા પ્રયાસ કરતો હતો અને જયારે હું એ માટે ના કહેતો ત્યારે એ મને બીકણ,કાયર અને નિર્માલ્ય કહીને મારા ઉપર હસતો હતો. મને કાયર,બીકણ અને ડરપોક કહેનાર આ એજ બહાદુર પરીક્ષિત છે જે A.C.B.ની ટિમને ચેમ્બરમાં દાખલ થતા જોઈને જ હાથ જોડી ધ્રુસકે ધ્રુસકે રડવા મંડ્યો.
આવતે મહિને એનું આસી.કમિશ્નરનું પ્રમોશન પણ નક્કી જ હતું પણ લોભ અને લાલચથી પોતાનું સર્વસ્વ બરબાદ કરી બેઠો. શાનદાર હોટેલમાં ભવ્ય પાર્ટી આપવાના એના સપના રોળાઈ ગયા અને પોતાના જન્મદિવસે જ એ પોલીસ કસ્ટડીમાં ધકેલાઈ ગયો.આપણું "નામ " કેમ થાય,એની ચિંતા કરવા કરતાં "બદનામ" ન થવાય એની ચિંતા કરવી જોઈએ।"
બેટા,જીવનમાં બે વસ્તુ હમેશા યાદ રાખજે  એક તો એ કે "જીવન જીવવામાટે પૈસો જરૂરી છે પણ પૈસો એ જ જીવન નથી સાધન કદી સાધ્ય બની શકતું નથી",અને બીજું એ કે "પૈસો ઘર સુધી આવશે, સ્વજનો સ્મશાન સુધી સાથે આવશે પણ કરેલા કર્મો ભવોભવ સુધી સાથે આવશે તેથી કર્મ કરતા પહેલા હંમેશા ઈશ્વરથી ડરવું "

Wednesday, 5 September 2018

પ્રેમોદી..


        "સાંજે જમવામાં શું બનાવવું છે ? તમને ભાવે એ બનાવી નાખું" પત્નીએ સાંજના ચાર વાગ્યામાં ચા પીતાં ફરમાઈશ પૂછી.
"કેમ ભૂલી ગઈ,આજે રવિવાર છે અને સાંજે અનિલે બેસવા આવવાનું આમંત્રણ આપ્યું છે ?તેણે એમ પણ કહ્યું હતું કે નિરાંતે બેસાય એમ આવજો, અને રાતનું પતાવી ને જ જજો એટલે મોડું ઘેર જવાય તોયે વાંધો નહિ" મેં જવાબ આપતા કહ્યું.
"અરે... હા.. લે ઈ તો હું સાવ ભૂલી જ ગઈ કે આજે અનિલભાઈને ઘેર જવાનું છે,આપણે લગભગ છ વાગે નીકળીએ કેમ ?" ઓચિંતું યાદ આવી જતા પત્નીએ જવાબ આપ્યો.
****
ભાવનગરનો નાગર અનિલ મારો ખાસ મિત્ર. બેંકમાં પણ સાથે.મહિનામાં એક વાર એ મારે ઘેર આવે અને એક વાર અમે એને ઘેર જઈએ.શાંતિથી બેસાય અને વાતો થાય એટલે એક બીજાને ઘેર રાતના ભોજન જેવો પાકો નાસ્તો કરીને છુટા પડવાનો શિરસ્તો રાખ્યો હતો.
આ રવિવારે અનિલના નિમંત્રણને માન આપી રાતનું એને ઘેરજ પતાવવાનું હતું.
લગભગ છ ના અરસામાં અમે ઘેર થી નીકળ્યા.મારા ઘરથી એના ઘરનો પલ્લો લગભગ ૭-૮ કી.મી.નો થાય.ત્રણેય બાળકો સાથે લગભગ સાડા છ વાગ્યે અમે તેને ઘેર પહોંચી ગયા.
 જૂની બાળપણની યાદો,બેંકની ચર્ચાઓ એમ કરતાં લગભગ આઠ-સવા આઠ થવા આવ્યા.એટલે અનિલના પત્ની મંજરી બેન ઉઠી નાસ્તાની તૈયારી કરવા રસોડામાં ગયા.
એની પાછળ અનિલ પણ રઘવાયો થઈને રસોડામાં ઘૂસ્યો.ડિશ-ચમચી,વાસણ વિગેરે ના વિવિધ ધ્વનિ રસોડામાંથી આવવા લાગ્યા.
મારી પત્નીએ ધીરેકથી મને કહ્યું,"મંજરી બેને ઘણું બધું બનાવી બહુ માથાકૂટ કરી લાગે છે.
રાત્રે તો હળવુંજ હોય "
અનિલ જે રીતે રઘવાયો થઈને રસોડામાં દોડ્યો,અને ડિશ ચમચીના વારંવાર ખખડાટ થી મને પણ થયું કે આટલી કડાકૂટ શા માટે કરી હશે.વળી કોઈ એવી તીખી વાનગી બનાવી હશે તો બાળકો ખાશે નહિ એટલે એટલો બગાડ થશે.આ વિચારે બેઠક ખંડ માંથી મેં અનિલને બૂમ મારીને બોલાવ્યો અને કહ્યું "યાર,કંઈ જાજી તડખડ નથી કરીને ?રાતનો ભાગ છે વળી સ્વાદિષ્ટ બનાવટ ને કારણે વધુ ખવાઈ જાય તો યે તકલીફ થાય.વળી ચટણી,કે બીજું કંઇ તીખું હશે તો બાળકો તો અડશે જ નહીં "
જવાબ માં અનિલે કહ્યું,"અરે,, હોય ? અમે આવીએ છીએ ત્યારે ગરમાગરમ બટેટાવડા, ચટણી,અને છેલ્લે આઈસ્ક્રીમ તમારે ત્યાં ખાઈએ જ છીએ ને ? ભાભી કોઈ દિવસ નબળું બનાવતા જ નથી અને ઘેર આવીને પાણી પીવાની પણ ઈચ્છા ન થાય એવો આગ્રહ કરીને પીરસે છે,તો પછી ભલે એવું નહિ પણ ઘેર જઈને જમવું ન પડે એવું કઈક તો કરવાનું જ હોય ને ? છતાં હળવું પેટને નડે નહિ,અને બાળકો પણ હોંશે હોંશે ખાય એવું જ બનાવ્યું છે." અનિલે જવાબ આપતા આગળ કહ્યું,આજે તો "પ્રેમોદીનો પ્રોગ્રામ" રાખ્યો છે. એટલું કહી ફરી રસોડા તરફ દોટ મૂકી.
વિસ્મયભાવે ધર્મ પત્નીએ મારા તરફ જોયું.
મને પણ થયું કે સાલું, આ પ્રેમોદી શુ હશે ?મેં અને પત્નીએ આ વાનગીનું નામ પહેલીવાર સાંભળ્યું.
ધીમેક થી હું પત્નીના કાનમાં ગણગણ્યો
"મંજરીને પ્રેમોદીની રેસિપી પૂછી લઈ શીખી લેજે આપણે તો કોઈ દિવસ ચાખી પણ નથી કે નામ પણ નથી સાંભળ્યું."
થોડી વારે અનિલ અને મંજરી ભાભી બન્ને હાથમાં ડિશ લઈને પુલકિત થતા આવ્યા.
સોફા સામે ટીપોઈ ગોઠવાઈ,ટીપોઈ ઉપર ડિશ,પાણીનો જગ અને ગ્લાસ ગોઠવાયા.
ડીશમાં વઘારેલ શીંગ-મમરા હતા.મને એમ થયું કે "શીંગ-મમરા" સાથે "પ્રેમોદી",હજુ પીરસવી બાકી હશે.તેથી હું એની રાહ જોતો બેઠો રહ્યો.એવામાં અનિલે કહ્યું,"લ્યો ચલાવો, કોની રાહ જુવો છો, આ પ્રેમોદી તો ગરમાગરમ જ સારી લાગે."
એકજ ઘૂંટડે મોટો ચમચો એરંડિયું ગળે ઉતાર્યું હોય એવા ચેહરે પત્નીએ મારી સામું જોયું. અને એજ સમયે હું દાંત કચકચાવીને મનમાં બબડતો હતો,"અરે,ભગવાન,આ પ્રેમોદી"?
ખાતાં ખાતાં અમારો કોઈ પ્રતિભાવ ન મળતાં અનિલે કહ્યું, "અમારે આ મંજરી પ્રેમોદી બનાવવામાં એક્સપર્ટ.એના જેવી પ્રેમોદી અમારા ફેમિલીમાં કોઈ ન બનાવી શકે "
પતિની પ્રશંશાથી ફુલાઈને મલકતાં મંજરી ભાભી બોલ્યા,"અમારે મહિનામાં ત્રણ ચાર વાર તો #પ્રેમોદીનોપ્રોગ્રામ હોય જ.દર મહિનાના માલની યાદીમાં મમરાની થેલી તો અવશ્ય હોય જ"
લગભગ સાડા નવ થવા આવ્યા હતા.હજુ ૭/૮ કી.મી.દૂર જવાનું હોય અમે ઉઠ્યા.
ઘેર પહોંચતા લગભગ દશ વાગ્યા હશે.
ઘેર પહોંચતાં જ બાળકોએ ભેંકડો ચાલુ કર્યો," મમ્મી,ભૂખ લાગી છે.જલ્દી રસોઈ બનાવને "
પત્નીએ રસોઈ ઘર તરફ પ્રયાણ કરતાં મારી સામે મોઢું મચકોડ્યું અને ખીચડીનું કુકર ગેસ પર ચડાવ્યું.
બેઠકના રુમ માંથી મેં બગાસું ખાતાં સાદ કરી કહ્યું,"મુઠ્ઠી મારી પણ બનાવજે".