હવેના સમયમાં એ સારું છે કે બાળક પોતાના રસ-રુચીનો વ્યવસાય કે કારકિર્દી સ્વતંત્ર રીતે પસંદ કરી શકે છે અમારા જમાનામાં વડીલોના માર્ગદર્શન પ્રમાણે જ કેરિયર ઘડાતી.
Sunday, 3 April 2022
...નહિ તો હું પણ આજે પર ધાન હોત..(હળવી કલમે)
મારું મેટ્રિકનું પરિણામ.(હળવી કલમે)
એક જમાનો એવો હતો કે મેટ્રિકનું પરિણામ રેડીઓ ઉપર જાહેર થતું હતું.સ્વ.ડો.ઇન્દુભાઈ વસાવડા કહેતા હતા કે એ જમાનામાં જૂનાગઢના નાગરવાડામાં એક માત્ર મારા દાદા સ્વ.દોલતરાય ઝાલાને ઘેર જ રેડીઓ હતો.તે વખતે મેટ્રિકનું પરિણામ સાંભળવા દાદાને ઘેર બધા ઉમેદવારો એકઠા થતા.
Saturday, 2 April 2022
દયાશંકર માસ્તર
આજે દયાશંકર માસ્તરનું દેહાવસાન થયું.
સવારમાં વર્તમાનપત્ર હાથમાં લઈને અવસાન નોંધ ઉપર નજર ફેરવતાં વાંચ્યું કે દયા શંકર માસ્તર જૈફ વયે અવસાન પામ્યા.ગૂડીપડવાની સવાર બગડી
આંખના ખૂણા લૂછતાં હું ભૂતકાળના સંસ્મરણોમાં ખોવાઈ ગયો
હાઈસ્કૂલના નવમા ધોરણમાં હું અભ્યાસ કરતો હતો.મારા વર્ગ શિક્ષક દયાશંકર કરુણાશંકર શુક્લ.
મજબૂત બાંધો પોણા છ ફૂટની ઊંચાઈ,લખોટી જેવી ગોળ મોટી આંખ, ભરાવદાર વળ ચડાવેલી મૂછ.અને નિત્યે પોલિશ કરેલા બુટ.વર્ગમાં પ્રવેશે ત્યાં જ એનો પ્રભાવ પડે એવું વ્યક્તિત્વ
દયાશંકર માસ્તર મોટી ચોટલી રાખતા.ચુસ્ત, સંસ્કારી,અને કર્મકાંડી બ્રાહ્મણ.ગળામાં ગાયત્રી માતાજીના લોકીટ વાળો સોનાનો ચેન એની ગાયત્રી માતા ઉપરની શ્રદ્ધાનું પ્રતીક હતા.વર્ગના બધાજ વિદ્યાર્થીઓ સાહેબથી ફફડે.
બચપણથી ન માની શકાય એવો તોફાની અને માથાભારે હું એક જ એવો વિદ્યાર્થી હતો કે સાહેબની મશ્કરી કરવી, ટીખળ ઉડાડવી, એમના ટેબલના ખાનામાં ગુપ્ત રીતે રબરના ઉડે એવા વીંછી,અને દેડકા મુકવા, ક્લાસમાં ગલૂડિયાં અને બિલાડીના બચ્ચા લઈ આવીને ચાલુ વર્ગે એને છુટા મુકવા આવા વિચિત્ર તોફાનોથી સાહેબ હમેશા મને વર્ગ બહાર ઉભા રેહવાની શિક્ષા કરતા અને હું હસતા હસતા વર્ગની બહાર ચાલ્યો જતો ક્યારેક તો વર્ગ બહાર એ સાંભળે એવી રીતે ચોટલી માસ્તર કહીને બુમ પણ મારતો.
નવ ધોરણથી છેક અગિયાર ધોરણ સુધી એને મારો અને મને એનો પનારો રહ્યો. છેક મેટ્રિક સુધી એ મારા અંગ્રેજી અને ગુજરાતી વિષયના શિક્ષક રહ્યા.
મેટ્રિકની પરીક્ષા આવી..અંગ્રેજીનો પેપર, દયાશંકર સાહેબ નિરીક્ષક તરીકે હતા.બન્યું એવું કે મારા બેઠક ક્રમાંકની આગળની બેંચના વિદ્યાર્થીએ ખિસ્સામાંથી કાપલી કાઢી ચોરી કરવી શરૂ કરી.સાહેબને એ બાજુ આવવાનું થતાં એ ચીઠીનો ડૂચો કરી પાછળના ભાગે ફેંકતા ચિઠ્ઠી મારા પગ પાસે આવી પડી બસ, એ જ ઘડીએ સાહેબની નજર પડતા તેઓ મારી પાસે આવીને પરીક્ષામાં ચોરી કરવાના પ્રયાસના ગુન્હા હેઠળ મને ઝડપી લેવા આગળ વધ્યા.મારી સામે આંખમાં આંખ મેળવી ટગર ટગર એક નજરે જોતા રહ્યા.
હું પરસેવે રેબઝેબ થઇ ગયો માટી જીભ અને ગળું સુકાવા લાગ્યા આંખમાં આંસુ સાથે ધીમા કરગરતા અવાજે કહયું " સાહેબ, આ ચિઠ્ઠી મારી નથી આગળના કોઈ વિદ્યાર્થીએ આપને આ બાજુ આવતા જોઈને ચિઠ્ઠીનો ગોટો વાળી પાછળના ભાગે ઠેલી દેતા એ મારી બેઠક નજીક આવી પડી છે હું નિર્દોષ છું "હુ ખુબજ કરગર્યો, મેં બનેલી ઘટનાની વિગતે સમજ આપી સ્પષ્ટતા કરવાની કોશિશ કરી
સાહેબે કહયું, "જો ભાઈ,ચોર કોણ છે? એ મુદ્દામાલ ક્યાંથી મળી આવ્યો છે એ ઉપરથી નક્કી થાય છે,અને આ ચિઠ્ઠી તારી બેઠક નજીકથી મળી હોય પ્રથમ દ્રષ્ટિએ તું ગુન્હેગાર ગણાય. હવે બોલ શું કરવું છે ? હું કોપી કેસ કરી અને તારું વર્ષ બગાડું ?" જવાબમાં મારી આંખમાંથી ટપકતા આંસુએ શુક્લ સાહેબને પીઘળાવી દીધા અને પોતે કબ્જે કરી ચિઠ્ઠી ડુચ્ચો વાળી પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને મને જવા દીધો .
ધાર્યું હોત તો મારા ચાર વર્ષના ઉદ્ધત વર્તનની દાજ અને રોષ ઉતારવાનો એને મોકો મળ્યો હતો.જૂનો હિસાબ ચૂકતે કરતા એને માત્ર એક જ મિનિટ લાગત.પણ દયાળુ દયાશંકર સાહેબે ભૂતકાળની ભૂલને સહેલાઈથી ભૂલી જઈ મને માફ કરી દીધો.
અતિ ગંભીર, કડક,અને શિસ્ત પ્રિય શિક્ષકનું હૃદય માખણથી પણ વધુ સ્નિગ્ધ હશે એ આજે જોયું
********
એક દિવસ બેંકની ચેંબરમાં બેસી હું મારા કામમાં વ્યસ્ત હતો.એ દરમ્યાન "સાહેબ, હું અંદર આવી શકું " એવા ધીમા અને ઢીલા અવાજથી પરવાનગી માંગતા એક વૃદ્ધ અંદર પ્રવેશ્યા વડીલની ઉંમર લગભગ પિંચોતર-એંશીની આસપાસ હશે,આંખે જાડા કાચના ગોળ ફ્રેમના ચશ્મા, ટૂંકું ધોતિયું, અર્ધ મેલો ઝબ્બો,પગમાં ઘસાઈ ગયેલી સ્લીપર એ વૃદ્ધની આર્થિક સંકડામણની ચાડી ખાતા હતા.
ખુરશી ઉપર બેસવાનો ઈશારો કરતા હળવા સ્મિત સાથે આવકારતા મેં પૂછ્યું, " બોલો, આપને શું કામ પડ્યું?"
વૃદ્ધે પોતાની રજુઆત શરૂ કરી
" સાહેબ,મારા યુવાન પુત્રએ "ઘરનું ઘર વસાવો " યોજના હેઠળ આપની બેંકમાંથી ઘર બનાવવા લોન લઇ પોતાનું ઘર બનાવ્યું હતું એ લોનના નિયમિત હપ્તા વ્યાજ સાથે ભરાતા પણ હતા.પરંતુ ગયા મહિને અચાનક એને બ્રેઈન સ્ટ્રોક આવ્યો અમે નિષ્ણાત તબીબોની સારવાર કરાવી પણ અંતે એ ત્રણ બાળકો અને અર્ધ શિક્ષિત પત્નીને મૂકી આ ફાની દુનિયા છોડી ગયો.એના અવસાન પછી અમે એના ત્રણ અંગોનું દાન પણ કર્યું આટલા વર્ષો હું પોતે મારા વતનમાં ભાડાના મકાનમાં રહી વૃદ્ધ થયો અને અમારી ત્રીજી પેઢીએ ઘરનું ઘર વસાવી શક્યા. લોનનો બાકી હપ્તો હું નિશ્ચિત મુદતે ભરી શકું એમ નથી.મારા વીસ હજારના પેંશનમાંથી દીકરાની સારવાર કરતા ઉભું થયેલું કરજ,વિધવા વહુના ઘરનો ખર્ચ,એમના બાળકોનું શિક્ષણ એ બધી જવાબદારી જિંદગીના આખરી દિવસોમાં ઘરડા બળદની જેમ ખેંચવાના મારા દિવસો આવી ગયા.લોન પુરે પુરી ચૂકતે કરવાની મુદત નજીક આવી છે,આવતે મહિને એ લોન પાકે છે, પણ હું એટલા ટૂંકા ગાળામાં લોન અને વ્યાજની રકમ ચૂકવી શકું એમ ન હોઉં, આપનું માર્ગદર્શન લેવા આવ્યો છું." બે હાથ જોડીને આટલું બોલતા વૃદ્ધની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા " વૃદ્ધે ખિસ્સામાંથી ગળી-જળી ગયેલો સફેદ રૂમાલ કાઢી આંખ લૂછતાં કહ્યું.
મેં લોનનું લેજર મગાવ્યું વૃદ્ધના દીકરાનું નામ પૂછી ખાતું શોધી લોનની બાકી નીકળતી રકમ તથા વ્યાજ ગણ્યા..વૃદ્ધની દયનિય વાત અને વર્ણનથી હું પીગળ્યો.મેં ટેબલના ખાનામાંથી મારી ચેકબુક કાઢી લોનની બાકી રહેતી રકમનો ચેક ભરી,એ રકમ વૃદ્ધના દીકરાની લોન ખાતામાં જમા કરાવી. રકમ ભર્યાની પહોંચ સાથે લોનચૂકતે થયા બાબતે "નો ડ્યું સર્ટિફિકેટ" વૃદ્ધના હાથમાં પકડાવ્યું.
વૃદ્ધે એ વાંચતા અચંબા સાથે પૂછ્યું " સાહેબ, આપે આ શું કર્યું ? હા, હું બ્રાહ્મણ જરૂર છું પણ યાચક નથી. હું આપનું માર્ગદર્શન મેળવવા આવ્યો છું ભિક્ષા નહીં.લોનની બાકી નીકળતી રકમ આપે ભરી દઈને મારા ઉપર કરજ વધાર્યું છે હું આપને ઓળખતો નથી,આ મારુ વતન કે અહીં મારુ ઘર નથી, હું તો અહીં દીકરાના અવસાને અત્રે એને ઘેર આવ્યો છું.હું અહીં રહેતો ન હોઉં આ રકમ હું આપને ક્યાં અને કેવીરીતે ચૂકવી શકીશ ? સાહેબ, મને માફ કરો, લોન તો હું જ ચૂકવીશ, એક જુવાન દીકરાની નનામીને કાંધ આપતાં મને જેટલો ભાર લાગ્યો છે એટલું આ કરજ ભારે નથી આપ મને હપ્તાની રકમ થોડી ઓછી કરી અને માત્ર લોન ભરપાઈ કરવાની મુદત વધારી આપો.પેટે પાટા બાંધીને પણ દીકરાનું કરજ બાપે ચૂકવવું એ એની ફરજ છે" આટલું બોલતા તો વૃદ્ધની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યા
મેં આશ્વાશન આપ્યું. એને માટે ચા મગાવી અને કહ્યું." સાહેબ,આપ મને ન ઓળખો એ સ્વાભાવિક છે પણ હું આપને નજીકથી ઓળખું છું આપ દયાશંકર કરૂણાશંકર શુક્લ,વિવેકાનંદ હાઈસ્કૂલના અંગ્રેજી-ગુજરાતીના મારા શિક્ષક હતા.આજથી પચાશ વર્ષ પહેલા હું આપનો વિદ્યાર્થી હતો.મારા અભ્યાસકાળ દરમ્યાન મેં આપને ખુબ પજવ્યા અને હેરાન કર્યા છે આપના હાથમાં રહેલું આ "નો ડ્યું સર્ટિફિકેટ" એ મારા તે સમયના વર્તન બદલનો માફી પત્ર છે એને ગુરુ દક્ષિણા સમજી આપ સ્વીકારો. આજે હું જે કઈ પણ છું એ આપની કૃપાનું પરિણામ છે. આટલું કહી હું ખુરશી ઉપરથી ઉભા થઇ વૃદ્ધ સાહેબના ચરણસ્પર્શ કર્યા.મારી આંખ ભીની થઇ.બહાર બેઠેલા કર્મચારીઓ કેબીનના કાચ તરફ જોઈ રહ્યા હતા તેઓને આશ્ચર્ય થયું કે સાહેબે એક અજાણ્યા વૃદ્ધ ગ્રાહકના ચરણ સ્પર્શ કેમ કર્યા હશે...?
આજે દયાશંકર કરૂણા શંકર શુક્લની અવસાન નોંધ વાંચતા મારી એક આંખમાંથી દયા અને બીજીમાંથી કરૂણા આંસુ રૂપે ટપક્યા..
******