અર્પણ
સ્વ.મુ. સુલોચનાબેન જયકાન્તભાઈ વસાવડા.
પોતાના ચાર સંતાનો ઉપરાંત પરિવારના બીજા આઠ બાળકો સહીત કુલ બાર બાળકોની મા બનીને માયા,મમતા,હેત,અને વાત્સલ્યથી સગ્ગી મા ની ભૂમિકા ભજવી મોટા કર્યા.પોતે ઘસાઈને પોતાનાને ઉજાળનાર મારી મોટી બહેનને ઋણ સ્વીકાર રૂપે.
નસીબ
" નયન, ઘણા વખતથી એક વાત મારા મનમાં ઘોળાયા કરેછે પણ હું તને કહેતી નથી આજે હવે મને એમ લાગે છે કે હું જે વિચારું છું એ તારા,મારા,અને આપણા ભવિષ્ય માટે વિચારવા જેવી વાત છે એટલે હું કહ્યા વિના રહી શકતી નથી. હું એ પણ જાણું છું કે કદાચ મારી વાત તને ગમશે પ[ણ નહિ પરંતુ ઘરની જવાબદારી, આર્થિક વ્યવસ્થા,અને ભાવિ સંતાનના હિત માટે મેં યૌગ્ય જ વિચાર કર્યો છે " રાત્રીના સમયે પોતાના બેડ રૂમમાં સુતેલા નયનના વાંકડિયા વાળમાં પોતાની આંગળી ફેરવતા નિલીમાએ નયનને કહ્યું. નયને જવાબ આપતા કહ્યું, " હું જાણું છું કે તું વ્યવહારકુશળ અને પરિવારની હિતચિંતક છે અને તેથી તારા સૂચનો સાચા અને સારા જ હોય છે ,બોલ, શું કહેવા માંગે છે ?" "આપણા લગ્નને ચાર વર્ષ વીતી ગયા.ચાર વર્ષથી આપણે અહીં સયુંકત પરિવારમાં રહીએ છીએ, તું ઘરની બધીજ આર્થિક વ્યવસ્થા અને હું બધીજ વ્યવહારિક સાથે પારિવારિક જવાબદારી ઉપાડીએ છીએ.સવારથી સાંજના છ વાગ્યા સુધી ઓફિસ અને ત્યારપછી બા ની દવા, એને વારંવાર દવાખાને લઇ જવા, ડોક્ટરને ઘેર વિઝીટ માટે લઇ આવવા અને બસ આમ દિવસ પુરો. આપણે કોઈ દિવસ મિત્રો સાથે સિનેમા પાર્ટી, કે પ્રવાસ કરી શક્યા ? જો પોણી જિંદગી બીજા માટે જ જીવવાની હોય,તો આપણે આપણી જિંદગી ક્યારે જીવીશું ? અર્ધી જિંદગી આ રીતે વિતાવ્યા પછી આપણું શું? જે ઉંમર અને યુવાની આપણે ભોગવવાની છે એ સુવર્ણકાળને હાથે કરીને વેડફી નાખવાનો ?" કાલ સવારે આપણે સંતાન પ્રાપ્તિ થશે, ત્યારે આપણી રીતે લાડકોડથી એનો ઉછેર કરવો, સંસ્કાર આપવા, એ બધું રૂઢિચુસ્ત સયુંકત કુટુંબમાં શક્ય બનશે ?" નયનની આંખમાં આંખ પરોવતાં નીલિમા ભાવુક બનીને બોલી. "હા, પણ તું કહેવા શું માંગે છે ?" નયને સામો પ્રશ્ન કર્યો . "બસ,એટલું જ કે તું હવે અહીંથી બદલી માંગી લે, આપણે અન્ય શહેરમાં સ્થાયી થઇ આપણી રીતે જીવશું. પરિવારથી સ્થાનિક જુદા રહેવા જવું એ આપણને તથા બા-બાપુજીને પણ સમાજની દ્રષ્ટિએ વ્યાજબી ન લાગે. સ્વતંત્ર રહીને આપણે આપણી રીતે પાંચ પૈસા પણ બચાવી શકશું.એક ધ્યાન રાખજે, બદલી અંગે હાલ બા-બાપુજી પાસે કાંઈ ઉચ્ચારીશ નહિ. સીધો ઓર્ડર આવે ત્યારે જ જાણ કરવી નહીતો સમજાવી શરમાવીને બદલીની અરજી કરતા રોકશે" નિલીમાએ પતિ નયનને સલાહ આપી. પણ... નીલી, આ ઉંમરે બા-બાપુજીનું કોણ? તું જાણે છે કે મમ્મી વર્ષોથી પેરેલીસીસથી પીડાય છે, હું તેઓનું એકમાત્ર સંતાન હોઉં સ્વાભાવિક તેઓની ઢળતી ઉંમરે મારા ટેકાની આશા રહે. એની વૃદ્ધાવસ્થામાં જો આપણે તેને ઉપયોગી ન થઇ શકીએ તો એની કૂખે જન્મ લીધો લાજે તે કંઈ લાંબો વિચાર કર્યો ? નયને જવાબ દેતા કહ્યું." "મને તારા આ જવાબની જ અપેક્ષા હતી.ચાર ચાર વર્ષ શ્રવણ બનીને રહ્યા પછી તમે તમારી ઈચ્છા મુજબની જિંદગી જીવી શક્યા ? અરે, હું પણ અત્યાર સુધી અને આજના દિવસ સુધી રૂઢિચુસ્ત પરિવારમાં એક ચોકઠામાં જ બંધાઈને જીવું છું હવે મારો શ્વાસ રૂંધાય છે.બા-બાપુજીના ભવિષ્યનો વિચાર કરતાં આપણો વર્તમાન અને ભાવિ સંતાનનું ભવિષ્ય બગડે છે એ વિચાર્યું ? આયુષ્યનો કોઈ ભરોસો થોડો છે ? બીજા વીસ વર્ષ પણ તેઓ જીવી જાય એટલે આપણે તો આમને આમ જ ઘરડા થઇ જવાનું ? કાલસવારે આપણે ત્યાં સંતાન જન્મે ત્યારે એનો ઉછેર સિત્તેર વર્ષ જૂની પેઢીની રૂઢિ મુજબ કરવાનો ? દૂર બેઠાં પણ આપણે એની સારસંભાળ લઇ શકીએ છીએ અને જો તેઓને ફાવે તો વાર તહેવારે આપણે ઘેર ક્યાં નથી આવી શકતા.પુરી દીર્ઘદ્રષ્ટિથી ભવિષ્યનો વિચાર કરીને જ મેં કહ્યું છે.પછી તારી ઈચ્છા."આંખમાં આંસુ સાથે નિલીમાએ છેલ્લો પાસો ફેંક્યો. ઈશ્વરની કરામત તો કમાલ છે હો. સ્ત્રી જયારે ધારે ત્યારે ગ્લિસરીનના ઉપયોગ વિના પણ કૃત્રિમ આંસુઓનો ધોધ વરસાવી શકે છે.અને એ રીતે ઓશીકા પર અશ્રુભિષેક કરતાં નીલિમા પડખું ફરી ગઈ.વિધાતાએ દરેકને શ્રાપ આપેલો જ છે, ખાસ કરીને પતિઓને, કે પત્ની સામે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, મર્દાનગી પણ નહીં, ઝુકવુ જ પડે છે ! અને વિધાતાના એ શ્રાપ મુજબ નયન નીલિમા પાસે પીઘળી ગયો. બાજુના શયનખંડમાં પ્રમોદભાઈ "મહાભારતનું પાત્ર મંથરા" પુસ્તક વાંચી રહ્યા હતા એણે પુત્ર-પુત્રવધૂનો વાર્તાલાપ સાંભળ્યો. મૂછમાં મલક્યા.અને પછી પોતે પણ નિંદ્રાધીન થયા. ****** લગભગ પંદરેક દિવસ થયા હશે. પરિવાર રાત્રિનું ભોજન પતાવી બધા જોડે બેઠા હતા એવામાં નયને વાતની શરૂઆત કરતા કહ્યું , "પપ્પા,આજે મારી બદલીનો ઓર્ડર આવ્યો છે. લગભગ આવતા અઠવાડીએ મને અહીંથી છૂટો કરશે " પ્રમોદભાઈએ ઠંડે કલેજે પૂછ્યું, "ઓફિસના ધારા ધોરણ પ્રમાણે બદલી થઇ છે,કે તે માગી હતી ?" "ના પપ્પા,સામાન્યરીતે અમારે ત્યાં પ્રમોશન વિના બદલી થતી નથી પણ મેં બદલી માંગી હતી. વાત એમ છે કે અહીંની ઓફિસનું વાતાવરણ ઘણું કલુષિત છે. સ્ટાફની અંદરોઅંદર ઈર્ષ્યા, ખટપટ, બોસની ચાપલુસી આ બધાથી હું કંટાળ્યો હતો. બીજો એવો પણ વિચાર આવ્યો કે, મારુ પ્રમોશન હવે નજીક છે જો મને અહીંથી પ્રમોશન મળે તો એ વખતે મારે ફરજીયાત બહાર જવું પડે, જયારે હવે નવી ઓફિસમાંથી પ્રમોશન મળે તો બદલાઈને ફરી અહીં આવવાની તક મળે અને વતનમાંજ પ્રમોશન પછી રહી શકાય એટલે એમ થયું કે અહીં લાંબો સમય રહેવા માટે મારે થોડો સમય બહાર જઈ આવવું ઉચિત છે." બાળકને ફોસલાવતાં હોય એ રીતે નયને વૃદ્ધ પ્રમોદરાયને સમજાવ્યા. "બેટા,તારો વિચાર અને નિર્ણય બંને સારા છે પણ તને એમ નથી લાગતું કે એ અપરિપક્વ છે ? તારી મા ને છેલ્લા ચાર વર્ષથી પેરેલિસિસ છે રસોઈ તો શું પણ પોતાનું દૈનિક કાર્ય કરવામાં પણ તેને તકલીફ પડે છે એવા સંજોગોમાં તારું અહીંથી જવું એને આઘાત રૂપ નીવડશે છતાં તારું ભવિષ્ય સુધરતું હોય તો અમે તો હવે ખર્યું પાન છીએ, અમે કેટલો વખત? તું તારે જા" પ્રમોદરાય હજુ જ્યાં વાક્ય પૂરું કરે છે ત્યાં રસોડામાંથી નીલિમા બહાર આવતા બોલી, "પપ્પાજી, અમે ક્યાં વિદેશ જઈએ છીએ, અહીંથી માત્ર સો કિલોમીટરને અંતરે તો છીએ, અસાધારણ સંજોગોમાં બા અને તમે જયારે પણ જરૂર પડે અમને બોલાવી શકશો અથવા તમે ત્યાં આવી શકશો પણ નાની ઉંમરે મળતા પ્રમોશનની તક જતી થોડી કરાય" પ્રમોદરાય તીક્ષ્ણ બુદ્ધિશાળી,શાંત અને મુત્સદી હતા.તેણે ટૂંકો જવાબ આપ્યો, "વહુ બેટા, તમે સાચા છો કારકિર્દીના ભોગે પરિવારનો પણ કોઈ વિચાર ન કરાય." પ્રમોદરાયે નયન તરફ ફરતા કહ્યું, "બેટા. તને ખબર છે કે તું કોલેજમાં ભણતો હતો ત્યારે તારા અઢારમે વર્ષે મેં તારા નામે જીવનવીમાની પોલિસી લીધી હતી, જેનું વાર્ષિક પ્રિમિયમ માત્ર પાંચ હજાર છે જે નિવૃત્તિ પછી પણ આજસુધી મેં એટલે ભર્યું ,કે તારી નવી નોકરીમાં શરૂઆતમાં ઓછો પગાર હોય તો પણ તું એટલી વાર્ષિક બચત કરી શકે પણ હવે હું વિચારું છું કે તું પૂરતો સમજુ અને વ્યવહારુ થઇ ગયો હોય તારી જવાબદારી તું સંભળી લે. હવે માત્ર છેલ્લા પાંચ જ વર્ષ પ્રીમિયમ ભરવાનું રહે છે એ સમયે તું હજુ વિદ્યાર્થી હોવા કારણે વરસાદારમાં મેં મારુ નામ લખાવ્યું હતું પણ હવે વરસાદારનું નામ બદલાવી તારી પત્નીનું નામ દાખલ કરાવી દેજે એ માટેનું જરૂરી અરજી ફોર્મ હું લઇ આવ્યો છું. હવે આ બધી જવાબદારીમાંથી હું મુક્ત થવા માંગુ છું." પ્રમોદરાય હજુ વાક્ય પૂરું કરે કે તુરત જ નિલીમાએ શરુ કર્યું " પપ્પાજી, એક વાત કહું? નયનના લગ્ન પહેલાં એને નામે તમે ઉતરાવેલ વીમાનું પ્રીમિયમ નયન શા માટે ભરે? તમે ભરેલું પ્રીમિયમ તમારા ખીસ્સેથી નથી ભર્યું, ભરેલું પ્રીમિયમ ઈન્ક્મટેક્ષમાંથી બાદ મળતું હોવા કારણે એ પ્રીમિયમ તો તમે ઈન્ક્મટેક્ષમાંથી બાદ મેળવી જ લીધું છે.પ્રીમિયમ જેટલી રકમનો ટેક્ષ તમે બચાવ્યો છે.તમે નયનની સુરક્ષા માટે નહિ પણ ટેક્ષમાંથી મુક્તિ મેળવવા એને નામે વીમો લીધો હતો.નયનના લગ્ન પહેલા ઉભી કરેલી બધીજ આર્થિક જવાબદારી માટે તમે જવાબદાર છો" નીલિમાની દલીલથી પ્રમોદરાય હતપ્રભ થઇ ગયા.સમસમી ગયા. શું જવાબ દેવો એ ન સુજ્યું. છતાં બોલ્યા,"બેટા, તમારા ગણિત અને હિસાબી જ્ઞાન મટે મને માન છે, હું ચાલીશ વર્ષ ગણિતનો શિક્ષક રહ્યો પણ ન તો મારા કોઈ શિક્ષકે આ જ્ઞાન મને આપ્યું, કે ન કોઈ વિદ્યાર્થીને મેં ભણાવ્યું. સારું,તમે એ રીતે પણ જો પાંચ પૈસા બચાવી શકતા હો, તો પોલિસી પાક્યા સુધી પ્રીમિયમ હું ભરીશ. બસ.? નયન નીચું જોઈ બધું સાંભળ્યા કરતો રહ્યો . બાજુના શયનખંડમાં લકવાથી પીડાતા કોકિલાબેન આ બધું સાંભળતા હતા.આંખમાં આંસુ સાથે કચવાતા મને બોલ્યા,"આજ ચાર ચાર વર્ષથી લકવાથી પીડાઉં છું,તમે જુઓ છો કે પાણીનો પ્યાલો પણ હું જાતે ઊંચકી નથી શકતી એવા સંજોગોમાં બહાર ગામ નોકરી કરતા હોય એ દીકરા પણ મા-બાપ માટે થઈને વતનની વાટ પકડે જયારે તમે વતનમાં હોઈ બહાર ગામ બદલી કરાવી જવાની વાત કરો છો?ઘર ભાંગી પડશે એનો વિચાર કર્યો ? મા-બાપની વૃદ્ધાવસ્થાએ જો દીકરા કામ ન લાગે તો એવા દીકરાઓની જરૂર જ શું છે. પૂર્ણ સ્વસ્થતાથી શાંતિથી પ્રમોદરાયે જવાબ દેતા કહ્યું " સરકાર, વલોપાત કરોમાં. બધું થઇ પડશે.ઈશ્વરે મારા હાથ અને હામ બન્ને સાબૂત રાખ્યા છે.કોઈના જવાથી કંઈ અટકી પડતું નથી. ધુરંધર દેશનેતાઓ ચાલ્યા ગયા પછી પણ દેશ ચાલે જ છે ને, તો આ તો નાનું એવું બે માણસનું ઘર છે. બધું જ વ્યવસ્થિત થઇ પડશે,જવાબદારી જયારે આવી પડે છે ત્યારે તે ઉમર જોઈને નથી આવતી પણ જયારે આવે છે ત્યારે તમારા ખભા મજબૂત કરી નાખે છે.સરકાર,કોઈ વાતે મૂંઝાતા નહિ " ****** -નયન-નીલિમા બદલીના નવા શહેર આવી વસ્યા.અલબેલી નગરી,ભવ્ય ઊંચા મકાનો, વિશાળ રસ્તા,મોટી મોટી હોટેલો, બાગ બગીચા અને શહેરની ઝાકઝમાળ રોશનીમાં નીલિમા બંધિયારમાંથી મુક્ત થઇ નવો પ્રાણવાયુ મેળવતી હોય એવું અનુભવવા લાગી.નયન પણ હવે ધીરેધીરે ઓફિસના સ્ટાફથી પરિચિત થઇ ભળી ગયો.બસ આમને આમ બંનેની જિંદગી સ્વતંત્રતાની હવામાં પસાર થતી ગઈ તેમતેમ મા-બાપ વિસારે પડતા ગયા. નયન હવે નવા શહેરમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયો, નિલીમાએ પણ અજાણ્યા શહેરમાં એકલતા ન અનુભવાય એટલે ઇનરવિહલ મહિલા ક્લબનું સભ્યપદ મેળવી પ્રવૃત રહેવા લાગી. ધીમેધીમે નીલિમાની મહત્વાકાંક્ષાના મિનારા અંબરને આંબવા લાગ્યા, ભાડાના ફ્લેટને બદલે પોતાની સ્વતંત્ર ફ્લેટ હોય તો કેવું સારું? એ વિચારે એક દિવસ તેણે નયનને દરખાસ્ત મૂકી. નયન ને પણ થયું કે નીલિમાની વાતવ્યાજબી છે પ્રતિમાસ ભાડું ભર્યા પછી પણ "પોતાની માલિકીનું " કઈ જ ન રહે એના કરતા બેંક લોન લઇ અને પોશ વિસ્તારમાં ફ્લેટ ખરીદી લેવો એ સુઝાવ વ્યાજબી છે. વિચાર આવ્યા ભેગો અમલમાં મૂકી ત્રણ ચાર મહિનામાં નયને પોતાની માલિકીના ફ્લેટમાં રહેવા ચાલ્યો ગયો, નયનની ઓફિસમાં સુધીર નામે એક કર્મચારી કામ કરે.નયનને સ્વભાવાનુસાર એની સાથે સારું ગોઠી ગયું હતું, સુધીર નોકરીના સમય દરમ્યાન અને ત્યારબાદ પણ શેરની લે-વેચ અને દલાલીમાં પુષ્કળ કમાતો હોય સુધીરનો પગાર તો એના ચા-પાણી,અને સિગરેટ ગુટકામાં વપરાતો હતો .એનું નામ શેર બઝારના શકુની તરીકે જાણીતું હતું, કોઈ પણ સોદામાં સુધીર હાથ નાખે એટલે બેડો પાર જ સમજવો.જે ધૂળ મુઠીમાં લે એ ધૂળ સોનાની બની જાય એટલી સૂઝ-બુઝ ધરાવતો હતો સ્ટાફમાં એ સુધીર સટોડિયા તરીકે જાણીતો હતો.ધીમે ધીમે નયનને શેર બઝાર અને શેરની દલાલીમાં રસ પડવા લાગ્યો સોદાની આંટી ઘૂંટી અને દાવપેચ સમજવા લાગ્યો જેનો શિક્ષક સુધીર હોય એ વિદ્યાર્થી કદી કાચો થોડો હોય ? નયન હવે શેર બઝારમાં જંપલાવી રાતો રાત લખપતિ થવાના સ્વપ્નો જોવા લાગ્યો. શરૂઆતના સોદામાં જ સુધીરને જબ્બર નફો થતા ધીમે ધીમે શેરબઝારમાં એની બચતનું રોકાણ વધતું ચાલ્યું અને છ એક મહિનામાં તો એ એટલું કમાઈ ગયો કે પોતાની શેર બઝારની કમાણીમાંથી ચાર બંગડી વાળી ગાડીનો માલિક પણ બની ગયો. નિલીમાને લાગ્યું કે અમદાવાદ એને ફળ્યું, જો બે-એક વર્ષ વહેલા અહીં આવી ગયા હોત તો આજે તે વિશાળ બંગલાના માલિક પણ હોત. નયન-નીલિમા સુખી વૈભવી જીવન વિતાવવા લાગ્યા.. ******** છ-આઠ મહિના થયા હશે. શનિવારનો દિવસ હતો નયન -નીલિમા રાત્રીનું ભોજન લઇ ટી.વી.પાસે ગોઠવાયા હતા.એવામા ટેલીફોનની ઘંટડી રણકી.પ્રમોદરાયનો ફોન હતો. ધ્રૂજતા ભાંગેલા અવાજે પ્રમોદરાય બોલ્યા "બેટા, હમણાં જ કલાક પહેલા તારી મા નું અવસાન થયું છે.ચાર-પાંચ દિવસથી બીમારી વધુ જોર પકડી ગઈ હતી છેલ્લા કેટલાક દિવસથી તારા તરફથી ખુશીખબરનો ફોન ન હતો તેથી એને તમારી ચિંતા થતી હતી છેલ્લી ઘડી સુધી તારું રટણ કરતા આજે દેહ છોડ્યો છે." "પપ્પા, ચિંતા ન કરો અમે અત્યારે અર્ધી જ કલાકમાં અહીંથી નીકળી ત્યાં પહોંચે છીએ. હું જાણું છું કે ત્યાં તમે સાવ એકલા હો, તમે સ્વસ્થતા ન કેળવી શકો " ફોન મૂકતાં નયને નિલીમાને આ સમાચાર આપતા નીલિમા બોલી, "ચાલો ત્યારે કાલ રવિવારે અમ્બાજી જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો" આંખમાં આંસુ સાથે નયન-નીલિમા વતન ખાતે જવા ગાડીમાં રવાના થયા. અંતિમ સંસ્કારના ત્રીજા દિવસે નયને કહ્યું "પપ્પા,આવતી કાલે સવારે હું પાછો ફરીશ.પ્રાર્થના સભાનો જે દિવસ નક્કી કરશો એ દિવસે સવારે વહેલો હું આવી પંહોચીશ, તુરત જ પાછા ફરી શકાય એટલે હું ગાડી લઈને જ આવ્યો છું." પત્નીના અવસાનથી ભાંગી ચૂકેલ પ્રમોદરાયે કહ્યું," સારું, તમને યોગ્ય લાગે એમ કરો પણ લોકિક ક્રિયા આપણે બંધ રાખી છે. જે વ્યક્તિ અશાંતિ સાથે જીવી અને મરી પણ અશાંતિમાં એને માટે પ્રાર્થના સભા શું? તેથી એ નિમિત્તે તારે ફરી ધક્કો ખાવાની જરૂર નહિ રહે. બીજું,આ ગાડી કોની લઈને આવ્યો છે ?" પ્રમોદરાયે પૂછ્યું "પપ્પા, ગાડી આપણી જ છે. છ એક માસ પહેલા મેં આ નવી ગાડી ખરીદી છે" નયને જવાબ આપ્યો. દરવાજા બહાર આવી ગાડી જોતા પ્રમોદરાય બોલ્યા, "વાહ,બેટા ગાડી ખુબ સુંદર છે. ટૂંકા ગાળામાં તારી આટલી પ્રગતિ જોઈને હું ખુશ થયો છું.પણ એક વાત કહું ? ગાડી લીધાના સમાચાર જો તે અમને આપ્યા હોત તો તારી મા ખુબ રાજી થાત અને હવે તું સારી રીતે નવા શહેરમાં સેટલ થઇ ગયાનો એને આનંદ થાત. દરરોજ દિવસમાં એકબે વાર તમને બધાને યાદ કરીને તમારી ચિંતા કરતી આંખમાંથી આંસુ પાડતી ગઈ" ઊંડો નિસાસો નાખતાં પ્રમોદરાયે અંતરમાં ધખધખતો લાવારસ ઠાલવતા કહ્યું બાપનો જીવ ખરો ને તેથી પ્રમોદરાયે આગળ કહ્યું "બેટા, તને કદાચ ગમશે નહિ પણ બાપ ઉપરાંત એક શિક્ષક હોવાને નાતે સાચી સલાહ દીધા વિના હું રહી શકતો નથી. આટલા ટૂંકા ગાળામાં તૅ જે રીતે પ્રગતિ કરી છે એનાથી હું ખુશ થયો છું. દીકરાની પ્રગતિમાં કયો બાપ ખુશ ન થાય ? પણ જો લખપતિ બનવાની લાહ્યમાં તું કોઈ અનીતિ કે અપ્રમાણિક રસ્તે જતો હો તો હું તને સાવચેત કરું છું. દુનિયામાં લોભ,લાલચ અને પ્રલોભનો એટલા વધી ગયા છે કે સ્વાભાવિક રીતે કોઈ પણવ્યક્તિ આવી કારમી મોંઘવારીમાં પણ વૈભવી જીવન જીવવા લલચાય. બે પાંદડે થવાના લોભમાં મેં કંઈકને મૂળમાંથી ઉખડી જતા જોયા છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. એટલું ગાંઠે બાંધી રાખજે કે એકાદ બાદબાકી બધાજ સરવાળાને શૂન્યમાં ફેરવી દે છે" "પપ્પા, ચિંતા ન કરો હું એવી કોઈ પ્રવૃત્તિ કરતો નથી કે જિંદગીમાં મહેનતથી કમાયેલી કમાણી ધૂળ-ધાણી થઇ જાય.મારી કામગીરી બુદ્ધિ સાથે મહેનત ધરાવતી છે. પોતાની શેરબઝારની પ્રવૃત્તિ વિષે ફોડ પાડ્યા વિના નયને જવાબ આપ્યો. નયનને ખબર હતી કે પપ્પા શેર સટ્ટામાં રોકાણ કે લે-વેચમાં કોઈ દિવસ પડ્યા નથી અને એ બાબતે એને નફરત છે. નયનનો જવાનો દિવસ આવી ગયો. બન્ને અમદાવાદ જવા રવાના થયા. રસ્તામાં નિલીમાએ પિયુષને કહયું :"જોયું ને ? કેવા ટોકાઇ ગયા ? આડોશ-પાડોશ, મિત્રો અને સમાજના લોકો તો આપણી પ્રગતિ જોઈને બળે એ સ્વાભાવિક છે પણ સગ્ગા બાપના મનમાં પણ ઈર્ષ્યાના ભાવ જાગ્યા, મૂળતો આપણે સ્વતંત્ર રહેવા ગયા,અને મદદની કોઈ પણ આશા વીના આપણે પગભર થયા એની બળતરા શિખામણ રૂપે ઠાલવી" ******** માતાના અવસાનને લગભગ આઠેક મહિના થયા હશે એ દરમ્યાન વતનમાં પ્રમોદરાયની સ્થિતિ શું છે ?ભોજન પ્રબંધ શું કર્યો છે ?કે પાકી ઉમરને કારણે તબિયત કેવી રહેછે?એવા ખબર પૂછવાની નયનને ભાગ્યેજ ફુરસદ મળતી હતી.મહિનામાં એકાદવાર ફોન કરી ઔપચારિક ખબર અંતર પૂછી ફરજ બજાવ્યાનો સંતોષ માની લેતો એક દિવસ નયને મિત્ર સુધીર સટોડિયાની સલાહથી શેર બઝારમાં એક જ કંપનીના શેર્સમાં ફોરવર્ડ સોદો કરી લાખો રૂપિયા રોકી દીધા એની અપેક્ષા હતી કે એકાદ મહિનામાં તેજીનો વર્તારો થતા રોકેલ મૂડી ત્રણ ગણા વળતર સાથે પાછી આવશે પરંતુ એની ગણતરીમાં એ ખોટો પડ્યો, શેર બઝારમાં અચાન કડાકો બોલી શેર્સના ભાવ ગગડી ગયા. નયન ધ્રુજી ઉઠ્યો. ટોચ ઉપર પહોંચવાના સ્વપ્ન સેવતો નયન ખીણમાં ગબડી ગયાનો અનુભવ કરવા લાગ્યો. અત્યંત આઘાત લાગ્યો.પોતાની બધી જ મૂડી ઉપરાંત મિત્રો, સ્ટાફ અને આડોશી-પાડોશી પાસેથી માંગીને ભેગી કરી ખરીદેલ સ્ક્રીપટના ભાવમાં કડાકો બોલી જતા, ફટાફટ ઉઘરાણીના ફોન આવવા લાગ્યા . બે-ચાર લાખ નહીં પણ પુરા પંદર લાખનું નુકશાન થતા નયનના હોશ ઉડી ગયા. હવે તો લેણદારો ઘેર ધક્કા ખાવા લાગ્યા.આવડા.મોટા નુકશાનને પહોંચી વળવા વખ ઘોળવા સિવાય બીજો કોઈ ઉપાય એને સુજતો ન હતો.મનમાં વિચાર્યું કે મારા નસીબનું પણ ખરાબ નસીબ ચાલી રહ્યું છે. આખી જિંદગી આંકડા તમે માંડો અને સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ. લેણદારો એ કાર પડાવી લીધી, બેંકના હપ્તા ચડી જતા નોટિસ ઉપર નોટિસ આવવી શરુ થઇ. નીલિમાની આંખના આંસુ સુકાતા નહોતા.એકાએક નસીબ પલ્ટી જવાનું કોઈ કારણ તેને ન સમજાયું.આવી પડેલ પરિસ્થિતિનો સામનો કર્યા વિના છૂટકો જ નહોતો થોડા દિવસો પછી સ્વસ્થતા પ્રાપ્ત કરતાં તેણે નયનને કહ્યું "કોઈ ચિંતા ન કરો,ઈશ્વરે આપેલ સંજોગ ઈશ્વર જ ઉકેલશે નામ,નસીબ,અને નફો એ કુદરતનો ખેલ છે કોને ક્યારે શું આપવું એ તો ઉપરવાળો જ નક્કી કરે છે.ધીરજ અને શ્રદ્ધા રાખો. નયન, મને એક વાત સુજે છે આપણે પપ્પાજીને બધી વાત કરી એની પાસે થોડીક મદદ માંગી જોઈએ, એટલાથી ભલે બધું જ કરજ નહીં પુરાય પણ અરધોઅરધ રાહત મળી જાય તો પણ સારું ને." નીલી,મને પણ કાલે રાત્રે એ જ વિચાર આવ્યો પપ્પાનું સારું એવું પેંશન હોવાથી એણે સારી બચત કરી હશે સંતાનની મુશ્કેલીમા જો એ પૈસો કામ ન લાગે તો એ પૈસો શું કામનો ? પણ વાત ફોન ઉપર કરવી યોગ્ય નથી લાગતું હું કાલે જ વતનમાં જઈને પપ્પાને વાત કરી સમજાવું " ******* નક્કી કર્યા મુજબ બીજે દિવસે નયન વતન પહોંચ્યો. ઘેર જઈને જુએ તો ઘરને તાળું માર્યું હતું. નયનને આશ્ચર્ય થયું.,કે આ ઉંમરે પપ્પા એકલા ક્યાં અને શું કામ બહાર ગયા હશે ? પાડોશમાં રહેતા અમુલભાઈને પૂછતાં જાણ્યું કે પપ્પા તો ચારેક માસથી ઘરને તાળું મારીને અહીંના સ્વામીમંદિરમાં રહેવા ચાલ્યા ગયા છે.નયન સ્વામી મંદિર તરફ વળ્યો. સત્સંગ પતાવીને પ્રમોદરાય પોતાની રૂમમાં બેઠા હતા ત્યાં નયને પ્રવેશતાં પૂછ્યું " પપ્પા, તમે અહીં ? ઘરનું ઘર છોડીને મંદિરને આશરે રહેવા જેવી તમારી કઈ મજબૂરી હતી ?" પ્રમોદરાયે જવાબ દેતા કહ્યું " બેટા, આવડું મોટું ઘર તારી મા ના ગયા પછી મને ખાવા દોડે છે રસોઈ માટે કોઈ બહેન ન મળતા આ ઉંમરે જયારે આંખે ઝાંખપ આવી છે ત્યારે જાતે રસોઈ કરવી પણ બોજ રૂપ લાગે છે.અહીં સ્વતંત્ર રૂમ આપ્યો છે સત્સંગમાં સમય પસાર થઇ જાય છે, બે ટાઈમ ચા-નાસ્તો અને ભોજન મળી રહે છે અને એના બદલામાં હું મને મળતું માસિક પેંશનની પુરેપુરી રકમ ભેટ તરીકે ધરી દઉઁ છું, એ તો ઠીક પણ તું ઓચિંતો કોઈ ખર -ખબર વિના કેમ ? ઘેર તો બધા સારા છે ને ?" મમ્મીના અવસાન પછી આઠ-દસ મહિને ઓચિંતા નયનના આવવાથી પ્રમોદરાયને આશ્ચર્ય થયું અને પૂછ્યું " કેમ અચાનક જ આવવાનું થયું ?ઘેર તો બધા સારા છે ને ?" આટલું પૂછતાં જ નયન પ્રમોદરાયના ખભા ઉપર માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. જમાનાને ઘોળીને પી જનાર, અનુભવની ડીક્ષનેરી જેવા પ્રમોદરાય સમજી ગયા કે દીકરો કોઈ મોટી અને ગંભીર મુશ્કેલીમાં ફસાયો છે. રડમસ પિયુષ બોલ્યો "હા, પપ્પા ઘેર તો બધા સારા છે પણ અણધારી એક મોટી મુસીબત આવી પડતા હું તમારી મદદ મેળવવાના આશયથી આવ્યો છું. એટલું કહી નયને માંડીને બધી વાત કરી. પ્રમોદરાયે બધું જ શાંતિથી સાંભળ્યા પછી કહ્યું " બેટા ,તું જયારે ગાડી લઈને અહીં આવ્યો ત્યારે જ મને શંકા જાગી હતી અને મેં તને ચેતવ્યો પણ હતો પરંતુ મારી સલાહ તને ગળે ન ઉતરી. દુનિયાના ખુશનસીબ વ્યક્તિઓ પાસે પણ બધું શ્રેષ્ઠ હોતું નથી તેઓ માત્ર તેની પાસે જે પણ કાંઈ હોય છે એમાંથી જ બધું શ્રેષ્ઠ બનાવે છે, તારે એ બાબતે મારી મદદ લેવા કરતા નીલિમાની સલાહ લેવી યોગ્ય હતી એ તો ગણિત શાસ્ત્રની માહિર છે.તારા વિમાના બાકી રહેતા પ્રીમિયમ બાબતે એક ગણિતના શિક્ષકને શીખવાડેલું ગણિત આજે પણ મને યાદ છે. વાત રહી આર્થિક મદદની તો તારી મા ની છ વર્ષની બીમારીમાં મારી બધી બચત વપરાઈ ગઈ છે અને મેં કહ્યું એમ મારુ બધું જ પેંશન હું અહીં આપી દઉં છું, એ સંજોગોમાં હું તને કઈ રીતે ઉપયોગી થઇ શકું ?" આંખમાં આંસુ સાથે નયન બોલ્યો,"પપ્પા, ગઈ ગુજરી ભૂલી જાઓ અને માફ કરી દ્યો. હું કબૂલું છું કે એ નીલિમાની જ નહિ પણ એ મારી પણ ભૂલ હતી હું એના વતી માફી માંગુ છું એને ઘણીવાર બોલવાનું ભાન ન હોવા કારણે મમ્મીએ પણ પોતાની હયાતી દરમ્યાન એનું ઘણું સાંભળવું પડ્યું છે આજે જયારે એ હયાત નથી ત્યારે એનો સ્વભાવ અને સહનશીલતાની કદર થાય છે." "પપ્પા, એક સૂચન કરું ? હું ત્યાંનો ફ્લેટ વેચી દઈ અહીં આપણા ઘરમાં રહેવા આવી જાઉં તો એ ફ્લેટના વેચાણની રકમમાંથી બધું જ કરજ ચૂકવાઈ જશે ,અને તમે મંદિર છોડી કાયમી અમારી જોડે રહો જેથી તમારી પૂર્વવત જીવનચર્યા પણ નભી રહે." "કાગળ ઉપર લખાયેલું લખાણ કાગળ ફાડીને ભૂલી જઈ શકાય,પણ કાળજે કોતરાયેલું લખાણ ભૂંસવા કાળજું ચીરવું પડે. મૃત્યુ પછી કરેલા વખાણ અને દિલ દુભવ્યા પછી માંગેલી માફીની કોઈ કિંમત નથી " બોલતા પ્રમોદરાયને ગળે ડૂમો ભરાઈ ગયો. થોડી સ્વસ્થતા પછી આગળ કહ્યું, "વાત રહી તારા ફ્લેટ વેચીને અહીં રહેવા આવવા બાબતે, તો હાલ તો એ મકાન આ મંદિરમાં જગ્યાના અભાવે મંદિરના મહિલા સત્સંગ વિભાગને સત્સંગ હેતુ ભાડું લીધા વિના વાપરવા આપ્યો છે અને ભવિષ્યમાં મારી હયાતી પછી એ જ હેતુથી મંદિરને દાનમાં આપવાનું નક્કી કર્યું છે. તેમ છતાં આપણું ત્રણ માળનું વિશાળ મકાન હોય,અને સત્સંગ મંડળ નીચેનું જ મકાન વાપરતા હોય, તારી ઈચ્છા હોય તો તું ઉપરના બન્ને માળમાં રહી શકીશ. હું જાણું છું કે આ બાબતે તું કોઈ નિર્ણય નહિ લઈ શકતા, નીલિમાની સલાહ અને માર્ગદર્શનની તારે જરૂર પડશે." છેલ્લે મારા રહેવા બાબતની ચિંતા તું છોડી દે હું અહીં ખુશી અને સુખી છું એટલે તમારી જોડે રહેવા આવવાનો કોઈ સવાલ જ નથી. જે નક્કી કરો એ મને જણાવજો." અમદાવાદ પાછા ફરતા નયને પપ્પાએ કહેલી બધી વાત વિગત નિલીમાને કહી "બધું જ કરજ ચૂકવાઈ જતું હોય તો ફ્લેટ વેંચીને વતનમાં સ્થિર જઈ અને ફરી ત્યાં મકાનમાં રહેવું. નિલીમાએ નિર્ણય જણાવતા આગળ કહ્યું કે,"હવે ફરી પાછી બદલીની કોશિશ શરુ કરી દ્યો અને હા આ વખતે એ બાબતની જાણ પપ્પાને અગાઉથી કરજો." નયને ટૂંકા ગાળામાં પોતાની બદલી પુન:વતનમાં કરાવી વતન ખાતે જુના મકાનમાં સેટ થઇ ગયા. ખુદ્દાર,સ્વમાની,અને સિદ્ધાંતવાદી શિક્ષક પિતાએ મંદિરમાં જ રહેવું પસંદ કર્યું. નિલીમાએ કાયમ માટે એક બોધ લીધો કે, "આપણું નસીબ,અને આપણી આવતીકાલ આપણા કર્મો ઉપર જ આધારિત છે. સમયની પહેલા અને ભાગ્યથી અધિક કોઈ દિવસ કોઈને કંઈ મળતું નથી *********
ડો.શરદભાઈ ત્રિવેદી,અને પૂર્ણિમાબેનનું એકમાત્ર સંતાન તે ચાંદની.
ચાંદની મનોવિજ્ઞાન (સાયકોલોજી) ના વિષય સાથે M.A.થઇ સરકારી કચેરીમાં કચેરી નિરીક્ષક (ઓફિસ સુપ્રિટેન્ડન્ટ)ની વર્ગ બે અધિકારી તરીકે નોકરી કરતી હતી.લગભગ બત્રીસેક વર્ષની અવિવાહિત ચાંદની માટે સ્થાનિક ચક્ષુ નિષ્ણાત ડો. ઉદય ઉપાધ્યાય સાથે સગપણ ગોઠવવાની પારિવારિક વાતો ચાલતી હતી.ડો.ઉદય આંખના દર્દોના સુપર સ્પેશ્યાલીસ્ટ અને પ્રતિષ્ઠિત ડોક્ટર હતા. ચાંદનીની ઓફિસમાં ઉજાસ નામનો ત્રીસેક વર્ષીય એક યુવાન હેડ ક્લાર્ક તરીકે કામ કરે. એ ચાંદનીનો અંગત સચિવ પણ હતો.એકાદ વર્ષ પહેલાં એમના પત્ની મોટી પુત્રી છ અને નાની પુત્રી ચાર વર્ષની એમ બે પુત્રીઓને મુકીને કેન્સરના દર્દથી અવસાન પામેલ. વર્ષના હતા.ઉજાસના માતા-પિતા બચપણમાં જ અવસાન પામેલા અને પરિવારમાં કોઈ ભાઈ-બહેન ન હોય તેના પિતાનું એક માત્ર સંતાન હતો.
પત્નીના ગુજરી ગયા પછી ઘરની બધી જ જવાબદારી ઉજાસ ઉપર આવી પડી.બે નાની પુત્રીઓની બધી જરૂરિયાતો પુરી કરવી, હાથે રસોઈ કરી બન્નેને જમાડી બાલમંદિર મોકલવી, ઉપરાંત નિયત સમયે ઓફિસે પહોંચવાનું તો ખરું જ ખરું. ઉજાસ કઠોર પરિશ્રમી તથા જબ્બર આત્મવિશ્વાસ ધરાવતો હોય અગણિત મુશ્કેલીઓ સામે બાથ ભીડતો હતો પણ કહેવાય છે કે એક દિવસ લોખંડ જેવું લોખંડ પણ કટાઇને તૂટી પડે છે એમ હવે ઉજાસ ભાંગી પડ્યો હતો રોજની એક જ ઘટમાળ,કોઈ સાથ સહકાર કે સહારો નહિ એવા સંજોગોમાં સ્વાભાવિક રીતે માટીનો માનવી ભાંગી જ પડે.રોજ રાત્રે પોતાના શયનખંડમાં બંને દીકરીઓ સાથે વાત-વાર્તા કરતો એમને સુવાડીને પોતે મોડી રાત્રે ફરી બીજા દિવસની ચિંતાઓ કરતાં સૂતો પણ ઊંઘ શેની આવે ? જુદા જુદા વિચારોમાં સતત ઘેરાતો રહી નિંદ્રાધીન પુત્રીઓના નિર્દોષ અને માસુમ ચહેરા જોતો ક્યારેક રડી પડતો.
તૂટી ચૂકેલ ઉજાસને હવે આત્મહત્યાના વિચારોએ ઘેરી લીધો.ક્યારેક વિચારતો " આ તે કેવું જીવન ? કયા પાપની આવી આકરી સજા ઈશ્વરે આપી? બહેતર છે હું દુનિયા છોડી દઉં, સંજોગ ઉભા કરવા જેમ ઈશ્વરને હાથ છે,એમ સંજોગ સંકેલવા પણ એની જ ફરજમાં આવે છે. જેણે દુઃખ આપ્યું છે, એ જ ઈશ્વર બંને દીકરીઓને સાચવશે પણ આખી જિંદગી ઘાંચીના બળદની જેમ જીવવું એના કરતા મોત મીઠું કરી લેવું સારું. કોઈ શારીરિક રીતે થાકે તો થોડા આરામ પછી ફરી ઉભો થઇ જાય,પણ જયારે શારીરિક અને માનસિક રીતે ભાંગી પડે ત્યારે કોઈ સંજોગોમાં ફરી સ્વસ્થ થઇ શકતો નથી.મા વિનાની નાની બાળકીઓને હું કેવીરીતે અને ક્યાં સુધી એકલ હાથે સાચવી શકીશ ? સહુ સહુનું ભાગ્ય સહુ લખાવીને જ આવ્યું હોય છે, એની ચિંતા ઈશ્વર ઉપર છોડી દેવી જ વ્યાજબી છે, આવા વિચારોથી ઉજાસ નિરાશ અને ની:રસ બની ગયો.
*****
ઓફિસમાં ઉજાસની બેઠક બિલકુલ ચાંદનીની કેબીન સામે હોય, ચાંદની કેબીનના કાચમાંથી સીધી નજર તેના ઉપર રહેતી ચાંદની ઉજાસના સંજોગોથી પુરી વાકેફ હતી ક્યારેક વાતવાતમાં ઉજાસને હિંમત પણ આપતી રહેતી હતી. સ્ત્રીઓ હંમેશા સંવેદનશીલ હોય છે.કોઈની નબળી પરિસ્થિતિમાં એ તરત લાગણીશીલ બની જતી હોય છે એ ન્યાયે ચાંદનીના હૃદયમાં પણ ઉજાસ માટે અનુકંપા,અને લાગણી હતા.
સાંજના સાડા પાંચ વાગ્યાનો સમય હશે એક દિવસ ઉજાસ ઓફિસમાં શૂન્યમનસ્ક અવસ્થામાં બેઠો હતો અન્ય કર્મચારીનું ધ્યાન ન પડે એ રીતે આંખ આડો રૂમાલ રાખીને આંસુઓ ખાળતો હતો.કામમાં ચિત્ત ચોંટતું ન હોય જુદી જુદી ફાઈલ ખોલ-બંધ કર્યા કરતો હતો.થોડીવારે પોતાના ટેબલના ખાનામાંથી કાગળ કાઢી ગંભીર ચહેરે લખતો હતો.ચાંદની કેબીનના કાચમાંથી સતત જોયા કરતી હતી ઉજાસની આવી વિચિત્ર હરકત ચાંદનીના ધ્યાને અગાઉ કદી આવી ન હતી,ગમેતેવી ઉદાસ મનોદશામાં સતત વ્યસ્ત રહેતો ઉજાસ આજે બદલાયેલો દેખાતો હતો.થોડીવારે કાગળ લખી, એક કવરમાં બંધ કરી ટેબલમાં મૂકી દીધો.ઓફિસનો સમય પૂરો થતાં ચાંદનીની ચેમ્બરમાં જઇ અને રજા લેતાં બોલ્યો "મેડમ,આજકાલ મારી તબિયત અસ્વસ્થ હોવાથી હું કદાચ કાલે વહેલો-મોડો ઓફિસે પહોંચું અથવા ન આવી શકું તો મારી રજા મંજુર કરી દેવા વિનંતી કરું છું "
ચાંદની મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની હોવા કારણે આંખોના ભાવ વાંચવામાં નિષ્ણાત હતી.ઉજાસની કોરી,સુક્કી, ફિક્કી પડેલી નિરાશ આંખોમાં ભયંકર નિરાશા,અને આત્મવિશ્વાસનો અભાવ વાંચ્યો. જાણે ઉજાસ ઓફિસમાંથી નહિ પણ દુનિયામાંથી વિદાય લેવાની મંજૂરી લેવા આવ્યો હોય એવા મનોભાવ વંચાયા પ્રત્યુત્તર આપતાં ચાંદનીએ કહ્યું," કોઈ ચિંતા નહીં પણ ઉજાસ, મને આજે સવારથી જ લાગે છે કે તું કઈ મૂડમાં નથી, હું ડ્રાઈવરને કહું છું તને મારી ગાડીમાં ઘર સુધી છોડી જાય. તબિયતનું ધ્યાન રાખજે " જવાબમાં ઉજાસ બોલ્યો " અરે,મેડમ રહેવા દો. હું ઘેર પહોંચી જઈશ તમે તકલીફ ન લો " એટલું કહી ઘેર જવા નીકળી ગયો. ઉજાસના ઓફિસ છોડ્યા પછી ચાંદનીને કોઈ ગંભીર અને અગમ્ય અણસાર આવતા પોતે કેબિનમાંથી બહાર આવી ઉજાસના ટેબલના ખાના ફંફોળતાં એક કવર હાથ લાગ્યું જેમાં ઉજાસે ઓફિસ છોડતા પહેલા લખેલો પત્ર હતો. પત્ર ચાંદનીને જ સંબોધીને લખ્યો હતો, જે તેણે વાંચવો શરુ કર્યો. "માનનીય મેડમ, આપ મારા કપરા દિવસો અને સંજોગોથી વાકેફ છો તેથી એ વિષે કઈ વધુ નથી લખતો. દિવસે દિવસે માનસિક બોજનો ત્રાસ વધી જતા હું આજરોજ જળસમાધિ લઇ જીવનનો અંત આણું છું. લૂખી-સૂકી રોટલી ખાઈને પણ માનસિક શાંતિથી જો જીવન જીવી ન શકાતું હોય તો એ જિંદગી જીવી નહિ પણ ખેંચી કહેવાય અને એમ જિંદગી ખેંચવા કરતા મોત વહાલું કરવું બહેતર છે.બન્ને નાની બાળકીઓની લગ્ન સુધીની જવાબદારી એકલે હાથે પુરુષ ઉઠાવે એવું ભાગ્ય લખતા ખુદ વિધાતાની કલમ પણ ન અચકાણી મારી પત્ની વનલીલાનો સંકલ્પ હતો કે પેટે પાટા બાંધીને પણ આ બન્ને દીકરીઓને ખુબ ભણાવી જીંવનમાં સેટલ કરવી પણ કુદરતની લીલાએ વનલીલાની જીવન લીલા અકાળે સંકેલી લીધી વનલીલાનો સંકલ્પ એ મારે માટે પડકાર રૂપ છે. સતયુગમાં ભગવાન કૃષ્ણએ ભલે પોતાની આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યો હોય પણ એ જ ભગવાન આ પારિવારિક જવાબદારી ન ઉપાડી શકે.આ સાથે મારા રાજીનામાનો પત્ર અલગથી બીડું છું, આપે મને પરિવારનો સભ્ય જ ગણી શક્ય એટલી બધી જ મદદ અને હૂંફ આપવા બદલ આપનો આભાર માનુ છું.મારી નોકરી દરમ્યાનના સમયમાં આપે જે મને સાથ સહકાર આપી સાચવ્યો છે એનું ઋણ આ ભવે તો હું નથી ચૂકવી શક્યો.મારાથી ક્યારેય કોઈ પણ અવિવેક થયો હોય તો વિશાળ દિલથી માફ કરશો.... આપનો આજ્ઞાંકીત .. ઉજાસ " પત્ર વાંચતાજ ચાંદની ધ્રુજી ઉઠી.બીજો કોઈ પણ વિચાર કર્યા વિના પોતાની કેબીન બંધ કરી ઉજાસનો પીછો પકડવા નીકળી પડી.ચાંદનીને ઉજાસના નિત્યક્રમની ખબર હતી.ઉજાસને કાયમ ઓફિસેથી છૂટી સમુદ્ર કિનારે આવેલ ભવાની માતાના મંદિરે દર્શન કરી ઘેર જવાની ટેવ હતી તેથી ચાંદની એ તરફ નીકળી પડી.કઈંક તર્ક વિતર્કો અને આંખમાં આંસુ સાથે ચાંદની મંદિરના મેદાનમાં ગાડી ઉભી રાખી આમતેમ નજર ફેરવતી હતી એવામાં મંદિરના પાછળના ભાગે ઉજાસનું સ્કૂટર નજરે પડ્યું એ તરફ આગળ વધતા જોયું તો ઉજાસ દરિયા કિનારે ઉભી અસ્તાચળ તરફ ગતિ કરતા સૂર્યદેવને અર્ઘ્ર્ય આપી પ્રાર્થના કરતો દેખાયો.તુરત જ ચાંદનીએ વીજળીની ગતિથી એ તરફ દોડી ઉજાસનો હાથ પકડી લેતા ગુસ્સામાં બોલી " આ શું ? ઉજાસ,તું કાયર છે ? બન્ને નાની બાળકીનો પણ વિચાર ન આવ્યો ? જિંદગી હંમેશ માટે સુંવાળી ચાદર નથી ક્યારેક પાણકોરું પણ ઓઢવું પડે છે.તડકો અને છાયો જેવું જ સુખ અને દુઃખનું છે કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી હોતી એટલું યાદ રાખજે. ચાલ,પાછો ફર," ઉજાસને મંદિરમાં લઇ જઈ આશ્વાસન આપતા કહ્યું "મારી પાસે તારા દુઃખનો સચોટ ઈલાજ છે હું તને વચન આપું છું કે ચોવીસ કલાકમાં તારી તમામ સમશ્યા હું હલ કરી આપીશ સાથોસાથ તું પણ મને વચન આપ કે આવતા ચોવીસ કલાક દરમ્યાન તું કોઈ અઘટિત પગલું નહિ ભરે.અને હા,આવતી કાલની તારી રજા મંજુર કરી છે તું શાંત ચિત્તે કાલ આખો દિવસ ઘેર રહેજે, કાલે આ જ સમયે તું અહીં મંદિરે મારી રાહ જોજે, હું ચપટીમાં તારી સમસ્યા ઉકેલી આપીશ" ઉજાસ ભાંગી પડ્યો ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. સાથો સાથ વિચારવા લાગ્યો " મેડમ મારી શું સમસ્યા ઉકેલી શકશે.? કદાચ તેને મારી આર્થિક સ્થિતિ નબળી હશે એવા ખ્યાલથી કાલે મને પ્રમોશનનો ઓર્ડર આપશે પણ હું આર્થિક રીતે પૂરો સક્ષમ છું એ એને ખબર છે ? સમસ્યા બે બાળકીને એકલે હાથે ઉછેરવાની,તેઓની યુવાની સુધીની કાળજી,દેખભાળ અને તકેદારી રાખવાની છે. સુખી-સંપન્ન ઘરની સુંદર સ્વરૂપવાન, ઉચ્ચ ડિગ્રીધારી કુંવારી મેડમને "બાળ ઉછેર શાસ્ત્ર" ની શું ખબર હોય ? પિતાની અવેજીમાં માતા, પિતા બની શકે છે પણ માતાની ગેરહાજરીમાં પિતા માતાની ભૂમિકા કદાપિ ભજવી શકતો નથી." વિચારતા ઉજાસ અને ચાંદની છુટા પડ્યા. ********
અત્યંત ચિંતાગ્રસ્ત ચાંદની બેચેન હતી.દરેક મિનિટે એની સામે ઉજાસ અને એની બે બાળકીઓ,દરિયા કિનારે ભાવુક બની રડતો ઉજાસ સિનેમાના રીલની જેમ નજરે તરવા લાગ્યા.આવતી કાલે એની સમસ્યાના નિરાકારણનું વચન તો આપી દીધું પણ એ નિરાકરણ શું ? અને ક્યાંથી શોધવું ? એવા વિચારોમાં ચાંદની આખી રાત પડખા ફેરવતી રહી. બીજા દિવસનું પ્રભાત ઉગ્યું, ગઈરાત કરતા સવારે ચાંદની થોડી વધુ સ્વસ્થ હતી.નિત્યક્રમ મુજબ ઓફિસે પણ ગઈ પરંતુ એની કેબીન સામેની ઉજાસની ખાલી ખુરશી જોઈ ફરી એ વિચારે ચડી જતા આંખમાં આંસુ આવી ગયા.સાંજના છ વાગી ઓફિસ બંધ થવાની એ રાહ જોતી હતી ગમેં તેમ પણ આજે ઘડિયાળના કાંટાની ગતિ ધીમી હોય એવું એને લાગતું હતું. અંતે એની ઇંતેજારીની ક્ષણ આવી પહોંચી.ઓફિસ બંધ થતા ચાંદની ભવાની માતાજીના મંદિરે જવા નીકળી પડી. આજે પોતાની સમશ્યાનો કાયમી ઉકેલ બોસ પાસેથી મળવાનો છે એ શું હશે અને કેટલે અંશે અમલી/વ્યાજબી હશે એવા વિચાર અને ઉત્સુકતાથી ઉજાસ મેડમની રાહ જોતો મંદિરની અંદર બેઠો હતો. મંદિર બહાર પૂજા સામાન, ફૂલ-હાર,અગરબત્તી-ધૂપ, શ્રીફળ-પ્રસાદ વિગેરે વેંચતી થોડી દુકાનો હતી ચાંદની ગાડીમાંથી ઉતરી સીધી એ દુકાને પહોંચી.પૂજા સામાન ઉપરાંત થોડા ફૂલ હાર વિગેરે લઈને મંદિરમાં પ્રવેશતા ઉજાસના ચહેરા ઉપર શાંતિ અને રાહતના અણસાર આવ્યા.ઉજાસે બન્ને હાથ જોડી મેડમને પ્રણામ કર્યા. જવાબમાં ચાંદનીએ ઉજાસને કહ્યું "હું તારી મુશ્કેલીઓનો સચોટ ઉકેલ શોધી લાવી છું.ચાલ, ઉભો થા માતાજીની સાક્ષીએ હું આજે તારી સાથે લગ્ન ગ્રંથીથી જોડાઉં છું, આજથી તારી બધી જવાબદારીની હું બરાબરની ભાગીદાર છું આપણે બન્ને જોડે માતાજીની પૂજા કરી એમના આશીર્વાદ મેળવીએ. મેડમના આ શબ્દો સાંભળતાજ ઉજાસ ઉપર જાણે વીજળી પડી હોય એવો હતપ્રભ થઇ ગયો એના રુંવાડા ઉભા થઇ ગયા એનું ગળું અને હોઠ સુકાવા માંડ્યા. ઉજાસનો ચહેરો ફિક્કો પડી ગયો ચારેબાજુ શૂન્યાવકાશ દેખાવા લાગ્યો.જેનો વિચાર માત્ર ન કરી શકાય, કલ્પના પણ ન કરી શકાય એવી દરખાસ્ત એક આદરણીય અધિકારી તરફથી મળતાં અવાચક બની ગયો.ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી.ઉજાસે મૌન તોડ્યું ," મેડમ,તમે શું બોલો છો ? હું ક્યાં અને તમે ક્યાં ?સમાજ મારા ઉપર જુદા જુદા દોષારોપણ કરશે.આ શક્ય જ કેવી રીતે બને ? ચાંદની ઉજાસના સતત બદલાતા ચહેરા અને મનોભાવને મંદ મંદ હાસ્યથી નીરખી રહી હતી. ઉજાસના બન્ને ગાલ ઉપરના આંસુ પોતાના કોમળ હાથથી લૂછતાં ચાંદની બોલી, "ઉજાસ, હા, મેં યોગ્ય જ નિર્ણય લીધો છે. હું તારી પત્ની પછી, પણ પહેલા એ બે બાળકીઓની મા તરીકે આવું છું. ઉછેર,સંસ્કાર,અને રીત-રિવાજ માત્ર સ્ત્રી જ શીખવી શકે. અને એ બધી જ જવાબદારી આજથી હું લઉ છું.ચાલ, માતાજીની પૂજા કરી એના આશીર્વાદ મેળવીએ." મંદિરના ગર્ભગૃહમાં બેસી બંને એ માતાજીની પૂજા કરી એકબીજાને વરમાળા પહેરાવી નવ યુગલે ઘર પ્રતિ પ્રયાણ કર્યું. ******* સાંજે શરદભાઈ દવાખાનેથી ઘેર પાછા ફરી પોતાના રૂમમાં ફ્રેશ થવા ગયા એ સમયે ટેબલ ઉપર એક પત્ર જોતા ઉઠાવી વાંચવો શરુ કર્યો. "પૂજ્ય પપ્પા,તથા વ્હાલી મા, આજરોજ હું ઘર છોડીને મારી સાથે નોકરી કરતા ઉજાસ સાથે લગ્નગ્રંથિથી જોડાઉ છું. આપણે સહુ ઉજાસથી અને તેની ઘરેલુ પરીસ્થીતીથી વાકેફ છીએ.ગઈકાલે સાંજે પોતાની સામાજિક જવાબદારીઓથી થાકી હારી અને તે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો મોકે હું ત્યાં પહોંચી જતાં મેં તેને તેમ કરતા બચાવી લીધો હતો એ જ ક્ષણે એની બધી ઘરેલુ પ્રશ્નોના ઉકેલ રૂપે મેં આ નિર્ણય લઇ ગઈ આખી રાત એના વિષે મનોમંથન કરતા મારા અંતરાત્માના જવાબને મેં શિરોમાન્ય રાખી મારા નિર્ણય ઉપર ખુદ જાતે જ મંજૂરીની મહોર મારી દીધી છે. તમે કદાચ એવુ માનતા હશો કે બીજવર સાથે મારા પ્રેમ લગ્ન હશે,તો જાણ માટે કે આ પ્રેમ લગ્ન નહિ પણ "અનુકંપા લગ્ન" છે.સહાનુભૂતિ પ્રેરિત લગ્ન છે.હું એક બીજવરની પત્ની તરીકે પછી,પહેલા ચાર અને છ વર્ષની મા વિનાની બાળકીઓની મા બનીને જાઉં છું.મારો આ નિર્ણય તમને કદાચ અપરીપકવ લાગશે પણ ક્યારેક હું બુદ્ધિથી નહિ પણ હૃદયથી વિચારું છું.મા વિનાની બે નાની બાળકીઓને એકલે હાથે પુરુષે ઉછેરી મોટી કરવી એ શિવધનુષ્ય તોડવા સમુ પરાક્રમ છે" જીવન જીવવા માટે આવશ્યકતા માત્ર બે ટંકની ચાર રોટલી,વાટકી શાક અને ચાર જોડી કપડાંની છે જેમ એ કોઈ શ્રીમંત ડોક્ટરને ઘેરથી મળી શકે છે એમ એ સામાન્ય સરકારી કર્મચારીને ત્યાંથી પણ મળી રહે છે, આવશ્યકતાથી અધિક અપેક્ષા એ મહેચ્છા,અને મહત્વાકાંક્ષા છે.વાત રહી પદ પ્રતિષ્ઠા,દરજ્જો અને માભાની,તો એ બાબતે હું માનુ છું કે પદ,પ્રતિષ્ઠા,માભો એ સમાજના શો-કેસમા મુકેલ સુગંધ વિનાના ફૂલના ગુલદસ્તા જેવા આપણા "અહંકાર આભૂષણો" છે. દેહમાંથી પ્રાણ છૂટ્યા પછી અઠવાડિયામાં એ વિલાઈ અને ભુલાઈ જવાય છે. માનવતા એ અવિરત દીર્ઘજીવી સુવાસ છે જે શાશ્વત છે.મારા આ પગલાંથી બન્ને દીકરીઓ પરણીને સાસરે જશે ત્યાં સુધી,અને ત્યાર પછી પણ આવતા પચાશ વર્ષ સુધી સુવાસ સાથે આશીર્વાદ મળતા રહેશે.મને એમ લાગે છે કે સુખી-સંપન્ન, પ્રતિષ્ઠિત ડોક્ટર વરને પરણી હું મારુ એકનું જ જીવન આબાદ કરી શકીશ જયારે એક સામાન્ય વિધુર,બે બાળકીના પિતા સાથે લગ્ન કરી હું એકસાથે ત્રણ જીવને સંતોષી એમના બુજાતા જીવન-દીપને જીવતદાન આપી આબાદી સાથે ખુશી લાવી એમની આંતરડી ઠારીશ. પપ્પા, એક વાત કહું ? આજસુધી તમે મારી માંગેલી બધી જ વસ્તુઓ મને આપી છે, ક્યારેક માગ્યા વિના પણ અઢળક તમે આપ્યું છે,તો આજે હું છેલ્લી માંગણી કરું છું કે આજ સાંજે અમે બધા જ હોટેલ બ્લેસિંગ્સમાં ડિનર લેવા જવાના છીએ,તો તમે બન્ને મને આશીર્વાદ આપવા ત્યાં આવી પહોંચો તો આપણે સાથે ભોજન લઈએ આશા છે મારી માંગણી તમે સ્વીકારશો." આપની વ્હાલી દીકરી ચાંદની " પત્ર વાંચી ઘડીભર શરદભાઈ શૂન્યમનસ્ક થઇ ગયા. પત્ર ફરી ફરી બીજી વાર વાંચ્યો.કઇંક વિચારે ચડી જતા રૂમ બહાર આવી પત્ર પૂર્ણિમાબહેનના હાથમાં આપી કહ્યું " લ્યો આ વાંચો " "આ વળી શું લાવ્યા "? એવું પૂછતાં પૂનમ બહેને પત્ર ખોલી વાંચતા જ ઢગલો થઇ ગયા.ચોધાર આંસુએ રડતા બોલ્યા "શરદ-પૂર્ણિમાની ચાંદની આજે અમાસ સાબિત થઇ એને આ શું સુજ્યું ? આપણે શું આ શિક્ષણ અને સંસ્કાર એને આપ્યા હતા ? ક્યાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર ઉદય અને ક્યાં સરકારી ત્રીજાવર્ગનો વિધુર કર્મચારી ઉજાસ. હાથે કરીને પોતાનું જીવન બરબાદ કરવાની કુબુદ્ધિ કેમ સુજી હશે ? બેશરમીની હદ તો જુઓ આપણી આશા-અરમાન ઉપર પાણી ફેરવ્યા પછી આપણને આશીર્વાદ આપવા હોટેલમાં ડિનરનું આમંત્રણ આપે છે " શરદભાઈએ સાંત્વના આપતા કહ્યું, " પૂર્ણીમા, કલ્પાંત છોડો સહુના અન્ન-જળ જન્મ સાથે જ લખાયેલા હોય છે જેની આપણને જાણ નથી હોતી એટલે આટલો કલ્પાંત થાય છે, લલાટે લખાયેલા લેખ લાખ ઉપાયે લોપી શકાતા નથી.તમે લાખ ધમપછાડા કરો કે કે ઉધામા નાખો પણ જે કાળે જે બનવાનું છે એ નિશ્ચિત રીતે બનીને ઉભે જ છે. ચાંદની આપણી એક માત્ર લાડકી દીકરી છે ચાલો, ઉઠો તૈયાર થાવ, આપણે હોટેલ બ્લેસિંગ્સમાં આપણા બ્લેસિંગ્સ આપવા જવું છે. ચાંદનીએ લીધેલો નિર્ણય એ પોતાનો નથી એ નિર્ણય વિધાત્રાનો છે એને સહર્ષ વધાવી લેવો જોઈએ" આમ આશ્વાસન આપી પૂર્ણીમા બેનને તૈયાર થવા મોકલ્યા. શરદભાઈ અને પૂર્ણીમાબહેન હોટેલે પહોંચતા દરવાજે ચાંદની-ઉજાસ સ્વાગત કરવા હાજર જ હતા. નવપરણિત યુગલે માતા-પિતાને પગે લાગી આશીર્વાદ માગ્યા. શરદભાઈએ આશીર્વાદ રૂપે રૂપિયા એકાવન હજારનું કવર બન્નેના હાથમાં મૂક્યું. ભોજન પૂરું થતાં છુટા પડતી વખતે,પહેલાં મમ્મીને અને પછી પપ્પાને ગળે વળગી ચાંદની ધ્રુસકે ધ્રુસકે રડી પડી.શરદભાઈએ એના આંસુ લૂછતાં આશીર્વચન આપતાં કહ્યું " શરદ-પૂર્ણિમાની ચાંદનીએ ઉજાસના અંધકારમય જીવનમાં ઉજાસ પાથર્યો છે. સુખી થાવ. ઈશ્વર પરિવારનું કલ્યાણ કરે. शिवास्ते पन्था : !
*********
કાગવાસ
પત્નીના અવસાન બાદ છ મહિનામાં જ શંકરલાલને પુત્રવધુ એ વૃદ્ધાશ્રમના દરવાજા દેખાડી દીધા.એક જ શહેરમાં ઘરથી ખાસ્સા દૂરના અંતરે આવેલ એક વૃદ્ધાશ્રમમાં શંકરલાલ આધ્યાત્મિક જીવન ગુજરી રહ્યા હતા. દીકરો કે વહુ કોઈ દિવસ ખબર અંતર પૂછવા,કે ભાળ કાઢવા પણ આવતા ન હતા. શંકરલાલનો એક લંગોટિયો મિત્ર દિનકર નિયમિત રીતે કંપની આપવા આવે. એ આવે ત્યાં સુધી શંકરલાલ ખુશખુશાલ હોય. બચપણના જુના દિવસો યાદ કરી કલાકો સુધી વાતો કરી આનંદથી છુટા પડે.શંકરલાલને પણ હવે ઘર યાદ આવતું ન હોતું, ઘરની કે પરિવારના મોહ માયાના બંધનોથી મુક્ત થઇ ચુક્યા હતા,તેમ છતાં ક્યારેક દિનકર આવે ત્યારે તેની સાથે પુત્ર-પુત્રવધુના વર્તન અને છળ-કપટ વિષે ઉપરછલ્લો ઉલ્લેખ કરી બે આંસુ સારી લેતા.બસ,આ રીતે શંકરલાલ જીવનના શેષ વર્ષો છતે પરિવારે, પરિવાર વિનાના એકલા રહી શાંતિથી જીવતા હતા.
એકવાર શંકરલાલ બીમાર પડ્યા.સાધારણ તાવ શરદી જ હતા પણ ઉંમર અને અપાર વ્યાધિથી ખવાઈ ગયેલા શરીર ઉપર તેની વધુ અસર દેખાતી હતી.મિત્ર દિનકર હવે નિયતમિત રીતે થોડો વધુ સમય ફાળવી શંકરલાલની કાળજી રાખતા હતા. લગભગ રોજ પથ્ય ફળો લઈને સવાર સાંજ આવતા .
એક સાંજે વૃદ્ધાશ્રમની પરસાળમાં હિંચકા ઉપર બન્ને મિત્રો બેઠા હતા એવામાં દિનકરે વાત ઉખેળતાં કહ્યું,
" શંકર, હું જાણું છું કે મારી વાત તને ગળે તો ઉતરશે નહિ, કદાચ તને ગમશે પણ નહિ તેમ છતાં તારા એક શુભેચ્છક અને અંગત મિત્ર તરીકે તને સમજાવું છું કે,થોડું નમતું મૂકીને પણ તું પુત્ર-પુત્રવધૂ સાથે તારે ઘેર રહે. હું દીકરા વહુનો સ્વભાવ જાણું છું કોઈ પણ સ્વમાની વ્યક્તિ સહન ન કરી શકે એટલી હદે એમના વાણી-વર્તન કઠોર છે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.સંસારની મોટાભાગની વડીલ વ્યક્તિઓ પરિવારમાં ઝેરના ઘૂંટ પી ને જ જીવતા હોય છે પણ આપણને એની ખબર હોતી નથી.સહન હંમેશા સજ્જનોએ જ કરવાનું હોય છે.ફૂલ ખરી જાય છે,પણ કાંટા ખર્યા એવું ક્યાંયસાંભળ્યું છે ?ક્યારેક પણ દેહ ઢળી જશે ત્યારે કાંધ એ દીકરો જ આપશે, એ જ દીકરો મુખાગ્નિ આપી ચિતા ઠારશે, અને એ જ દીકરો દરવર્ષે શ્રાદ્ધ ઉજવશે.જેમ હું એમના સ્વભાવને ઓળખું છું એમ તને પણ બચપણથી ઓળખું છું ગરીબીમાં પણ ખુદ્દારીથી કોઈ પાસે હાથ લાંબો કર્યા વિના તું એમ.એ.સુધી ભણ્યો, કોઈની ભલામણ વિના સ્વબળે તેં ખુદ્દારીથી અને વટ્ટથી નોકરી કરી, સુંદર વિશાળ ઘર ઉભું કર્યું અને પરિવારની ગરીબી દૂર કરી.શિસ્ત અને સિદ્ધાંત સાથે તેં કોઈ દિવસ સમાધાન નથી કર્યું હું બધું જાણું છું અને દરેક બાબતનો સાક્ષી છું પણ જમાનો બદલાયો છે,નવી પેઢીના વિચારો અને જીવન મૂલ્યો બદલાયા છે.જમાનો મંચુરિયન પાણીપુરી અને પીઝાનો છે.એડજસ્ટ આપણે થવાનું છે. હવે આપણું આયુષ્ય પણ કેટલું ? દરેક મિનિટે આપણું આયુષ્ય ઘટતું જાય છે.ઘડિયાળની ટીકટીકને મામૂલી ન સમજજે દોસ્ત એટલું સમજી લે જે કે જિંદગીના વૃક્ષ ઉપર એ કુહાડીના વાર છે" ભીની આંખો લૂછતાં દિનકરે પૂરું કર્યું.
આંખ મીંચીને શાંતિથી દિનકરને સાંભળતા શંકરલાલે ઉભા થઇ ટિપોઈ ઉપરના જગમાંથી પાણી પીવા આપ્યું. થોડી સ્વસ્થતા કેળવતાં શંકરલાલે કહ્યું," દિનુ, તું શબ્દશ: સાચો છે,તું તો ઘડિયાળ જેવી નિર્જીવ વસ્તુની વાત કરે છે પણ મારી ભીતરના દરેક શ્વાસોચ્છશ્વાસ કરવત રૂપે મારા આયુષ્યવ્રુક્ષને વ્હેરે છે. તારું કહેવું છે,હું મારે ઘેર જાઉં ? મારે ઘર જ ક્યાં છે ?તને ખબર છે ? વર્ષો પહેલા આ મકાન મેં મારી પત્નીના નામે બનાવ્યું હતું ,આજથી દસ-અગ્યાર વર્ષ પહેલાં મારી પત્ની ઉમા સખત બીમાર પડી અને દવાખાને દાખલ કરવાની નોબત આવતા દિવસના ભાગે તેની દેખભાળ રાખવા હું દવાખાને હાજર રહેતો,જયારે રોજ રાત્રે દવાખાને સુવા માટે તુષાર જતો હતો.એક રાત્રે ઉમાની અર્ધબેભાન પરિસ્થિતિનો લાભ લઇ તુષારે તેની પાસે કોરા સ્ટેમ્પપેપર ઉપર સહી કરાવી લીધી.થોડા દિવસોમાં ઉમાનું અવસાન થયા બાદ મારે ઘર છોડવું પડે એવી પરિસ્થિતિ ઉભી કરી દીધી. મારા ઘર છોડ્યા પછી, સહી કરાવેલ કોરા સ્ટેમ્પ પેપર ઉપર મકાનના એકમાત્ર વારસદાર પોતે હોવાનું ટાઈપ કરાવી મકાન મારી જાણ બહાર વેચી દઈ, શહેરના પોશ વિસ્તારમાં પોતાના નામે એક દુપ્લેક્સ ખરીદી લીધો.અહીં આવ્યા બાદ મને મારુ મકાન વેંચીને એ રકમ અત્રેના વૃદ્ધાશ્રમમાં આપી દેવાનો વિચાર આવતા, આપણી જોડે ભણતા અને આજે નામી વકીલ તરીકે ઓળખાતા વિશ્વેશ પુરોહિતને બોલાવી મકાનના મૂળ દસ્તાવેજ બતાવી, મારી ઈચ્છા વ્યક્ત કરી.બીજે દિવસે જયારે પુરોહિતે સીટી સર્વે કચેરીએ જઈને તપાસ કરતા માલુમ પડ્યું કે ઉમાના વારસાઈ વીલના દસ્તાવેજના આધારે તુષારે એ મકાન પોતાના નામે કરી અને વેચી પણ નાખ્યું છે. મને દુઃખ એ વાતનું થયું કે મારા પિતાજીની આર્થિક સ્થિતિ બિલકુલ નબળી હતી ત્યારે અભ્યાસ સાથે શહેરની શેરીઓમાં ઉઘાડા પગે હું લોટ માગવા ઘેર ઘેર ભટકતો હતો, કઠોર પરિશ્રમ,અમાપ પ્રામાણિકતા અને શુદ્ધ વ્યવહારથી જયારે હું મારા પગ ઉપર ઉભો થઈ વિશાળ મકાન બનાવી શક્યો ત્યારે આજે લોટ માગવાનું એ જ શકોરું દીકરાએ મારા હાથમાં પકડાવી દીધું. દિનુ, બાપની આંખમાં બે વાર આંસુ આવે છે એક જયારે દીકરીને વિદાય આપે ત્યારે અને બીજું, દીકરો જયારે બાપને ઘર બહાર કાઢી મૂકે ત્યારે આટલું બોલતાં શંકરલાલને થોડો શ્વાસ ચડતા અટકી ગયા, થોડું પાણી પી આગળ ચલાવ્યું "વાત રહી મારો દેહ ઢળી ગયા પછી અંતિમ ક્રિયા-કર્મની,તો દિનુ, તું સાંભળી લે કે હું મારા અવસાન પછી પણ મારા પુત્ર-પુત્રવધૂ મારા નિષ્પ્રાણ દેહને ન જોઈ શકે એવું હું ઈચ્છું છું,મારા ચેતનહીન દેહ ઉપર એમનો પડછાયો મને શાંતિથી બળવા પણ નહિ દે. મેં સંસ્થાના ટ્રસ્ટીઓને લેખિતમાં આપી દીધું છે કે મારા દેહવિલયના સમાચાર મારા પુત્રને આપ્યા વિના અન્ય સાથીમિત્રોની મદદથી અવલ મંજિલ પહોંચાડજો.એટલું જ નહિ પણ હું ઈશ્વરને રોજ પ્રાર્થના કરું છું કે એવું મોત આપજે કે મારા અવસાનની ભનક સહીત મારા સંતાનને ન આવે.ત્યાં પછી શ્રાદ્ધ કે કાગવાસની જરૂર જ ક્યાં રહી ? જે દીકરો પોતાને રસોડે બાપને કોળિયો ખીચડી ન ખવરાવી શક્યો, એ બાપ ભાદરવાના તપતા તાપમાં અગાસીએ મુકેલ ચાર પુરી અને ચમચી દૂધપાક ખાવા જાય ? કપાતર સંતાન હોવાના દુઃખ જેવું દુનિયાનું કોઈ મોટું દુઃખ નથી એવા સંતાનનું દુઃખ કપાળ વચ્ચેની મોટી રસોળી જેવું છે જયારે અરીસામાં જુઓ ત્યારે સામે ને સામે.દોસ્ત, બધા શંકર ઝેર નથી પચાવી શકતા નામ શંકર હોવાથી કંઈ નીલકંઠ નથી બની જવાતું." શંકરલાલે ગળે અટકેલું વિષ ઓક્યું
દિનકરે ઘડિયાળ તરફ જોયું. સાડાસાતનો સમય થયો હતો. દિનકરે કહ્યું, " શંકર, હવે સમય થયો છે હું ઘેર જવા નીકળું.આજે મેં તારી મનોસ્થિતિ ડહોળી નાખ્યા બદલ હું માફી માંગુ છું.પ્લીઝ મને માફ કરજે.
જવાબમાં શંકરલાલ બોલ્યા, "અરે, દિનુ તું એ શું બોલ્યો,? હું ખુશ છું કે વર્ષોથી અંદર ધૂંધવાયેલ ભારેલો અગ્નિ આજે બહાર નીકળી ગયો અન્યથા એ મારી તબિયતને વધુ નુકશાન કરત. એટલું કહી ભીની આંખે શંકરલાલ દિનકરને ભેટી પડ્યા.ખુબજ ના પાડવા છત્તાં શંકરલાલ દિનકરને દરવાજા સુધી વળાવવા ગયા દિનકર દેખાતો બંધ થયો ત્યાં સુધી ધૂંધળી આંખે શંકરલાલ તેને જોતા રહ્યા.
*******
બીજે દિવસે નિત્યક્રમ પ્રમાણે દિનકરભાઇ થોડી મોસંબી,અને સફરજન લઈને વૃદ્ધાશ્રમ આવ્યા. શંકરલાલની રૂમ ઉપર તાળું જોઈ તેને આશ્ચર્ય થયું. જે શંકર પોતાના રૂમની પરસાળમાં હંમેશા ઝૂલે હિંચકતો હોય એ શંકરની રૂમે તાળું અસંભવ છે. થોડીવાર વિચાર કર્યા બાદ તેને થયું કે કદાચ શંકરને ગઈકાલની મારી સલાહ ગળે ઉતરી હોય અને પોતાને ઘેર પાછો ફર્યો હોય એવું પણ બની શકે. જો સાચે જ એવું બન્યું હોય તો એ આનંદની વાત છે.આમ વિચારતા પોતાની જાતે ગૌરવ અનુભવતા હતા એવામાં, વૃદ્ધાશ્રમના મેનેજરનું તેના ઉપર ધ્યાન પડતા પૂછ્યું, ભાઈ, તમારે કોનું કામ છે ?"
દિનકરભાઈએ જવાબ આપ્યો, "હું શંકરનો જૂનો મિત્ર છું અને રોજ અહીં તેને મળવા આવું છું, પણ આજે એની રૂમ ઉપર તાળું જોઈ મને આશ્ચર્ય થાય છે"
મેનેજરે જવાબ આપતા કહ્યું, " શંકરલાલને ગઈ રાતે સખત તાવ અને શ્વાસની તકલીફ ઉપડતા અમે તેને સરકારી દવાખાને દાખલ કર્યા છે.આજે સવારે તેની લેબોરેટરીની તપાસ થવાની હતી, કદાચ હવે રિપોટ્ર્સ આવી ગયા હશે"
"શું વાત કરો છો, ?આમતો બે દિવસથી તાવની ફરિયાદ તો કરતા હતા પણ આટલું ગંભીર હશે એવી ખબર નહિ, હું અહીંથી સીધો જ દવાખાને જાઉં છું "આટલું બોલતા તો દિનકરભાઈની આંખમાંથી પાણી ટપકવા મંડ્યા વૃદ્ધાશ્રમના ચોગાનમાં આવેલ શિવમંદિરે જઈ સાથે લાવેલ ફ્રૂટ્સ ભગવાનને ધરતા દિનકરભાઇ પોકે પોકે રડ્યા અને શંકર ભાઈના આરોગ્યની પ્રાર્થના સાથે દર્શન કરી સીધા દવાખાને પહોંચ્યા.
દવાખાને પહોંચતા જ ફરજ ઉપરના તબીબને વિગતે વાત પૂછતાં જાણવા મળ્યું કે શંકરલાલ કોરોનામાં સપડાયા છે અને શ્વાસની વધુ તકલીફ હોવાથી આઈ.સી.યુ. વોર્ડમાં ઓક્સિજન ઉપર છે,વધુમાં ડોકટરે ઉમેર્યું કે સરકારી માર્ગદર્શિકા પ્રમાણે કોરોનના કોઈ દર્દીને રૂબરૂ મળવા દેવાતા ન હોય,તમે એને રૂબરૂ જોઈ શકશો નહિ. માત્ર વોર્ડની કાચની બારીમાંથી તેને જોઈ શકશો"
દિનકારભાઈએ તબીબની સૂચના મુજબ વોર્ડની કાચની બારીમાંથી ઓક્સિજનની નળીથી બેચેની અનુભવતા શંકરલાલને જોઈ નિરાશ ચહેરે ઘેર પાછા ફર્યા.
બીજે દિવસે ફરી દિનકરભાઇ દવાખાને પહોંચ્યા, વૃદ્ધાશ્રમના મેનેજર પણ ત્યાં હાજર હતા. ફરજ ઉપરના તબીબે જણાવ્યું કે રાત્રે વધુ તકલીફ થતા આખી રાત એને વેન્ટિલેટર ઉપર મૂકી અમે તાત્કાલિક સારવાર આપી પણ એ કારગત ન નીવડતા આજે પરોઢીએ શંકરલાલે દેહ ત્યાગ કર્યો છે. એના અંતિમ સંસ્કાર બપોરે બે વાગ્યે સરકારી માર્ગદર્શિકાના નિયમ અનુસાર કરવામાં આવશે. દિનકરભાઇએ કાચની બારીમાંથી નશ્વર દેહના દર્શન કરતાં પુત્રના નહોરથી ઉજરડાયેલો આત્મા સફેદ પ્લાસ્ટિકથી વીંટળાએલો પડ્યો હતો.
ચોધાર આંસુએ રડતાં દિનકરભાઈએ વિચાર્યું કે " કેટલો શુદ્ધ અને નિખાલસ આત્મા હતો કે ભગવાને એની પ્રાર્થના સાંભળી અને સ્વજનો કે અન્ય કોઈની સેવા લીધા વિના,કોઈની હાજરી કે જાણ વિના એમની અંતિમ ઈચ્છા અનુસાર હળવેકથી સરકી ગયો ! શંકર ખરો ખુદ્દાર અને વટ્ટ વાળો. જે રીતે જીવ્યો એ જ રીતે મર્યો. ત્રાસની પરાકાષ્ટા,અને સહનશીલતાનો ઇતિહાસ આજે પૂરો થયો
*******
"મમ્મી,આજે શું છે તે દૂધપાક બનાવ્યો છે ? આજે કોઈ તહેવાર તો નથી ?" નવવર્ષના નિર્દોષ ચિન્ટુએ મમ્મીને પ્રશ્ન કર્યો .
"બેટા, આજે દાદાજીનું શ્રાદ્ધ બેસારીયે છીએ.એનું પહેલું શ્રાદ્ધ છે તેથી બ્રહ્મ ભોજન કરાવી કાગવાસ આપવાનો હોય, દૂધપાક બનાવ્યો છે ?
ચિંટુની ઇંતેજારી વધી. બીજો પ્રશ્ન પૂછ્યો, " મમ્મી, એ કાગવાસ શું છે ? એમાં શું કરવાનું હોય?
"દર વર્ષે શ્રાદ્ધપક્ષમાં પિતૃની મૃત્યુ તિથિના દિવસે પિતૃઓ પોતાના સંતાનને ઘેર કાગડાના સ્વરૂપે જમવા પધારે. બ્રહ્મ ભોજન સમયે થોડો દૂધપાક અને ત્રણ ચારપુરી આપણે અગાસીમાં કે છાપરા ઉપર મૂકી આવ્યા પછી વડીલ કાગસ્વરૂપે ત્યાં આવી આરોગી,તૃપ્ત થઇ, અને પરિવારને આશીર્વાદ આપે.
ચિન્ટુ હસી પડ્યો. "અવસાન પામતા બધા વડીલો મૃત્યુ પછી કાગડા બની જતા હશે ?"
"બેટા,મને વિશેષ કંઈ ખબર નથી, આ ધાર્મિક અને સામાજિક રૂઢિ છે જે બધાજ લોકો આ પરંપરા નિભાવતા હોય છે " મમ્મીએ જવાબ આપી વાતને ટૂંકાવી.
ચિન્ટુના જન્મના ત્રણ ચાર મહિનામાં જ શંકરલાલે ઘર છોડ્યું હોય, ચિન્ટુએ દાદાજીને જોયા તો નહોતા પણ દાદાના લાડ અને પ્રેમથી વંચિત રહ્યો હતો..સમજણો થયા પછી એમના કુમળા માનસ ઉપર ખોટી અને ખરાબ અસર ન પડે એટલે એને સમજાવવામાં આવ્યો હતો કે દાદાજી ઘણા સમયથી દૂરના બીજા શહેરમાં રહે છે.
ભોજનનો સમય થતાં બ્રહ્મદેવે શ્રાદ્ધની વિધિ પરિપૂર્ણ કરી ભોજન આરોગતા પહેલાં કાગવાસ તૈયાર કરી તુષારને અગાસીએ મુકવા જણાવ્યું.ઇંતેજારીથી ચિન્ટુ પણ સાથે ગયો. બધા એ જોડે શ્રાદ્વનું ભોજન સાથે લીધું****
સાંજે શાળાએથી પાછા ફર્યા પછી ચા-નાસ્તો કર્યા વિના ચિન્ટુ સીધો અગાસીએ જોવા ગયો.આજુબાજુ નિરીક્ષણ કર્યા પછી નીચે આવીને મમ્મીને કહ્યું " મમ્મી, તું કહેતી હતી કે દાદાજી કાગ સ્વરૂપે ભોજન કરવા આવશે પણ આપણે મુકેલ ભોજન તો ત્યાં એમને એમ જ પડ્યું છે.એટલું જ નહિ પણ તડકામાં સુકાઈ ગયેલી પુરી ઉપર કીડીઓનો થપ્પો જામ્યો છે ? આમ કેમ થયું ?
મમ્મીએ ભારે મોઢે જવાબ આપ્યો, "મને ખબર નથી "
ચિન્ટુ બોલ્યો,"કદાચ વર્ષોથી દાદાજી આપણે ઘેર આવ્યા નથી એટલે ભૂલા પડ્યા હશે અને ઘર જડ્યું નહિ હોય "
તુષારે અને તેની પત્નીએ એકબીજાની સામું જોયું,બંનેની આંખમાં આંસુ ઉભરાયા.
******
(૧) કાગડા ઉડવા – કોઈ સભા કે બેઠકમાં માણસોની પૂરતી હાજરી ન હોવી તેમ
અષાઢી બીજ
વર્ષો પહેલાની અષાઢી બીજની આ વાત છે.
જૂનાગઢ થી અમદાવાદ આગલી રાત્રે એસ.ટી.ની બસમાં મુસાફરી કરી વહેલી સવારે પાંચ વાગ્યે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડએ હું અને મારી પુત્રી ઉતર્યા. અષાઢી બીજનો દિવસ હોય,ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને કારણે અમદાવાદ ચારે ખૂણેથી પોલીસ,અને એસ.આર.પી.થી ઘેરાયેલું હતું. વળી ગીતા મંદિરની નજીક જ સંવેદન શીલ વિસ્તાર હોવાને કારણે બસ સ્ટેન્ડ ઉપર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાખી ધાડાં ઉતરી પડ્યા હતા. અમે વિચાર્યું કે સવારમાં વહેલા રિક્ષા ચાલકો ડોઢું ભાડું વસુલાત હોય નારણપુરા સુધી વધુ પૈસા ખર્ચીને જવાને બદલે સવારના ચા-નાસ્તો બસ સ્ટેન્ડ ઉપર પતાવી,ફ્રેશ થઈ અને દિવસ ઉગતા સામાન્ય રીક્ષા ભાડામાં ઘેર જશું.એવું વિચારતા બસ સ્ટેન્ડે બસ આવી ઉભી,સામાન સાથે અમો બન્ને ઉતરતા હતા ત્યાં એક અજાણ્યા રીક્ષા વાળાએ મારા હાથમાંની બેગ ઉપાડતા પૂછ્યું