Showing posts with label Author Vyomesh Jhala.. Show all posts
Showing posts with label Author Vyomesh Jhala.. Show all posts

Friday, 14 August 2020

બંસી-બિરજુ

બિરજુ એક શ્રીમંત પરિવારનું એક નું એક લાડકુ સંતાન હતું
અભ્યાસમાંતો તેજસ્વી ખરો જ સાથોસાથ ક્રિકેટ,બૅડ્મિગટન,વોલીબોલ અને ટેબલ ટેનિસનો પણ ચેમ્પિયન હતો.માત્ર રમત ગમત જ નહીં પણ સંગીત-નાટક કે અન્ય સાહિત્યિક પ્રવૃત્તિમાં પણ એક માત્ર પારંગત તરીકે કોલેજના વિદ્યાર્થીગણ તથા પ્રાધ્યાપકોમાં એનું નામ આદરથી લેવાતું હતું  રૂપ ગુણ સાથે એની નમ્રતા, અને વિવેકી સ્વભાવ એના આકર્ષણ માટેનું મુખ્ય કારણ હતું કોલેજમાં એ સતત બે વર્ષથી વિદ્યાર્થી પરિષદના મંત્રી (General Secretory) તરીકે ચૂંટાતો રહેતો હતો.
એનાજ વર્ગમાં અભ્યાસ કરતી બંસી પણ એની માતા હીનાબેન અને પિતા બિશ્વજીતની એક માત્ર લાડકી પુત્રી હતી. દેખાવમાં સુંદર સંસ્કારી મૃદુભાષી અને મોહક વ્યક્તિત્વ વાળી બંસી રાસ ગરબા, નૃત્ય અને સંગીતમાં પ્રાવિણ્ય ધરાવતી હોય કોલેજના વિવિધ કાર્યક્રમોમાં બંસી-બિરજુની જોડી હમેશ અવ્વ્લ જ હોય.
ઉપરાંત પણ ક્યાંય કોઈ સામાજિક કાર્યક્રમમાં એ બન્નેય પોતાની કલા અચૂક પીરસતા
દીર્ઘ સહવાસ અને સમાન રૂચી તથા સ્વભાવને કારણે બન્ને વચ્ચે ખુબજ ગાઢ મિત્રાચારી હતી. 
સતત સંપર્ક પ્રેમાંકુરો જન્માવે છે એ નિયમે બન્ને વચ્ચે પ્રેમની રેશમી ગાંઠ બંધાણી
       કોલેજનું છેલ્લું વર્ષ પુરૂં  થવામાં હતું  એક દિવસ બિરજુએ બંસીને પૂછ્યું,"બંસી, આપણું કોલેજનું  છેલ્લું વર્ષ પૂરું થવામાં છે ત્યારબાદ હું MBA ના આગળ અભ્યાસ માટે લંડન જવાનું વિચારીને તે અંગેની તૈયારી કરું છું. મારા અભ્યાસના ચાર વર્ષ પુરા થયે હું ઈંડિયામાંજ સેટલ થવનો છું  જો તું  સહમત હો તો મારો અભ્યાસ પૂરો કર્યા પછી આપણે લગ્ન કરી લઈએ. આમે ય હાલ લગ્ન કર્યાથી તું લંડન આવી શકે એમ નથી, અને લગ્ન કરીને લંડન જવાથી મારા અભ્યાસમાં ખલેલ પહોંચે એ સ્વાભાવિક છે તો આ બાબતે તારો શું મત પડે છે ?"
બંસીએ જવાબ દેતા કહ્યું, તમે સાચા છો અને તમારો વિચાર યોગ્યજ છે પરંતુ તું લંડન જાય એ પહેંલાં મારા માતા પિતાને રૂબરૂ એકવાર મળીને એ બાબતે ચર્ચા કરી લેવી જોઈએ જેથી એ ચાર વર્ષ દરમ્યાન લગ્ન માટેની બીજી કોઈ સારી દરખાસ્ત આવે તો મને લગ્ન કરી લેવાની ફરજ ન પાડે "
"તારી વાત સાચી છે.મારે તારા માતા પિતાને એટલો વિશ્વાસ આપી વચનથી બંધાઈ  જવું જોઈએ પણ એ આપણી પરીક્ષાના પરિણામ પછી એવું ગોઠવીએ" બિરજુને બંસીની વાત ગળે ઉતરતા જવાબ  આપ્યો 
******
    પરીક્ષા પુરી થઇ,પરિણામ પણ આવી ગયું બિરજુ સમગ્ર યુનિવર્સીટીમાં પહેલે નંબરે પાસ થઇ ગોલ્ડમેડલ મેળવવા ભાગ્યશાળી બન્યો
અગાઉ નક્કી થયા મુજબ એક દિવસ બિરજુ બંસીના માતા પિતાને લગ્ન વિષયક દરખાસ્ત મુકવા અને રૂબરૂ મળવા ગયો.નક્કી થયા મુજબ બંસીએ બિરજુના આવવા અગાઉ પોતાના મા-બાપને બિરજુનો પરિચય આપી પૂર્વભૂમિકા બાંધી દીધી હતી.
ઔપચારિક વાતો કર્યા પછી બિરજુએ પિતા બિશ્વજીતને જણાવ્યું કે પોતે બંસીને બેહદ પ્રેમ કરે છે અને અમે  બન્ને લગ્ન કરવા પરસ્પર સહમત છીએ પણ એ ચાર વર્ષ પછી લંડન અભ્યાસ કરી આવ્યા બાદ શક્ય બને ત્યાં સુધી અમે બન્ને ધીરજ રાખી રાહ જોઈશું,
જવાબમાં બિશ્વજિતે સંમતિ આપતા વચન માગ્યું કે બિરજુ વિદેશમાં કોઈ સાથે લગ્ન કરી પાછળથી વચન ભંગ નહીં કરે. બિરજુ એ વાતથી સહમત થઇ વચનથી બંધાયો
*****
બિરજુ લંડન જવા ઉપડ્યો બંસી પણ એરપોર્ટ ઉપર   તેને મુકવા ગઈ અને એક હળવા ચુંબન અને મધુર આલિંગન સાથે બન્ને છુટા  પડ્યા, 
આમ ચાર વર્ષની લાંબી મુદત માટે બંસી -બિરજુ પહેલીજ વાર એક બીજાથી છુટા પડ્યા,
******
દિવસો,મહિનાઓ અને વર્ષો ઝડપથી પસાર થવા લાગ્યા બન્ને નિયત અંતરે ટેલિફોન ઉપર એક બીજાના સંપર્કમાં રહેતા હતા અને ખુશ હતા. 
******
વિધિની ગતિની ને આજસુધી ક્યાં કોઈ જાણી શક્યું છે ? એક દિવસ અચાનક જ બંસી અછબડા
( Chicken pox) ના રોગમાં સપડાઈ સમયસરની સારવાર અને દેખભાળથી એની તબિયત સુધરવા તો લાગી પણ અછબડાના ભયંકર રોગમાં બંસીએ પોતાની બન્ને આંખોની રોશની ગુમાવી અને દ્રષ્ટિહીન બની ગઈ.
માતા હીનાબેન તથા પિતા બિશ્વજીત ચિંતામાં મુકાઈ ગયા આ સમાચાર બિરજુને કેવી રીતે આપવા એ વિચારે બન્ને ખુબ મૂંજાયા બંસી પણ પોતાની બીમારીને અત્યાર સુધી સાધારણ તાવ તરીકે જ બિરજુને ફોન ઉપર કહેતી આવી હતી તેથી હવે બંસી માટે પણ દ્વિધા શરૂ થઈ કે પોતે દ્રષ્ટિ ગુમાવ્યાની બિરજુને  જાણ થતા નિશ્ચિત રીતે હવે બિરજુ તેની સાથે લગ્ન નહીં કરે અને એ ચિંતામાં અને ચિંતામાં બંસી દુઃખી થતી રહી .
હીનાબેન અને બિશ્વજીતને પણ પુરી ખાતરી થઇ ગઈ કે હવે પ્રજ્ઞાચક્ષુ બંસીનો હાથ બિરજુ તો શું પણ જ્ઞાતિનો  કોઈ ઉચ્ચ ખાનદાની છોકરો પણ નહીં સ્વીકારે
કોઈ પણ સંજોગોમાં માણસ આશાના તંતુએ જીવતો હોય છે એજ રીતે હીનાબેને અનેક માનતા તથા બાધા રાખી કંઈક જ્યોતિષીઓના પગથિયાં ઘસી નાખ્યા આ બાજુ બિશ્વજીત પણ અનેક આંખના ડોક્ટરોને મળી ચુક્યા પણ અંતે નિરાશા જ સાંપડી પ્રશ્ન હવે એ હતો કે આ સમાચાર બિરજુને કેવી રીતે અને ક્યારે પહોંચાડવા ?
ખુબ વિચારને અંતે નક્કી કર્યું કે બંસીની દ્રષ્ટિહીન અવસ્થાએ બિરજુ કદાપિ  બંસીને સ્વીકારવાનો તો  નથી જ  તેથી હાલ તેને સમાચાર ન આપતા એ અભ્યાસ પૂરો કરી અહીં પરત ફરે ત્યારે જ વિગતે બધી વાત કરવી
******
સમયનું વહેણ વીતતું ગયું બિરજુનો અભ્યાસ પૂરો થઇ એ M.B.A. ની ડિગ્રી લઈ ભારત પાછો ફરવાનો દિવસ આવી પહોંચ્યો બિરજુએ બંસીને ફોન કરી પોતે પહોંચવાની તારીખ અને ફ્લાઇટનો સમય ફોનથી આપી અને એરપોર્ટ ઉપર તેને સત્કારવા આવવાનું કહ્યું પણ ખરું પણ નિશ્ચિત દિવસે બંસી એરપોર્ટ ગઈ નહીં
બિરજુ એરપોર્ટ પર ઉતરતા એમના માતા પિતા, મિત્રો, શુભેચ્છકો વિગેરે સહુને આવેલા જોઈ બિરજુની આંખ સતત બંસીને શોધતી રહી પણ બંસી આવી જ ન હોય તેને ન જોતાં  બિરજુ નિરાશ થયો અને મનમાં અનેક
 શંકા-કુશંકાના વાદળો ઉમટ્યા
સ્વદેશની ધરતી ઉપર લાંબા સમય પછી એક જબર સિદ્ધિ મેળવીને પરત આવતા બિરજુના આનંદનો કોઈ પાર નહોતો છતાં એ વ્યગ્ર મને સતત ઉચાટ અનુભવતો હતો.ઘેર આવ્યા બાદ તેણે બંસીને ફોન પણ કર્યો પણ જયારે એ ફોન નો કોઈ જવાબ ન મળ્યો ત્યારે બિરજુ વધુ મનમાંને મનમાં મૂંઝાયો  ક્યારે સાંજ પડે અને ક્યારે હું બંસીને મળવા જાઉં 
આખરે બિરજુની પ્રતીક્ષાનો અંત આવ્યો અને સાંજે લગભગ છ વાગ્યાના આશરે બિરજુ બંસી માટે લઇ આવેલ સાડી ઉપરાંતની વિવિધ ભેટ લઇ ઘેર પહોંચ્યો
દરવાજાની ડોરબેલ વગાડતા હમણાંજ બંસી દરવાજો ખોલશે એવી આશા સાથે બિરજુના હૃદયના ધબકારા વધી ગયા પણ એની નિરાશા વચ્ચે હીનાબેને દરવાજો ખોલી બિરજુને સત્કાર્યો 
બેઠક ખંડમાં બિશ્વજીત, હીનાબેન અને બિરજુ ગોઠવાયા બિરજુની આંખ સતત બંસીને ખોળતી રહી, કાન બંસીનો મધુર અવાજ સાંભળવા સતત સતર્ક રહેતા હતા પણ એ બધામાં નિરાશા સાંપડતા અંતે બિરજુથી પુછાઈ ગયું " બંસી બહાર ગઈ છે ? હું એમના માટે થોડી ગિફ્ટ લઈ આવ્યો છું " 
હીનાબેન તથા બિશ્વજિતે એક બીજાની સામે જોયું  બિરજુની ચકોર નજરે એની નોંધ લેતા મનમાં કોઈ અમંગળ બન્યાનો વ્હેમ પણ ઉઠ્યો થોડીવાર ખંડમાં ગમગીની સાથે સન્નાટો છવાઈ ગયો.આખરે બિશ્વજિતે મૌન તોડ્યું 
" બિરજુ,ખુબ જ દુઃખ સાથે એક કમનસીબ સમાચાર તને આપવાના છે એટલી શરૂઆત કર્યા પછી બિશ્વજિતે બનેલી બધી જ ઘટના વિગતે જણાવતા બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને ઉમેર્યું કે બિરજુ હવે તું તારા વચનમાંથી મુક્ત છે, હું દ્રષ્ટિહીન બંસીને તારા ગળે બાંધી તને દુઃખી કરવા નથી માગતો, ચાલ આપણે બંસીના રૂમમાં જઈએ એટલું કહી ત્રણેય જણા બંસીના રૂમ તરફ ગયા.
બંસીના રૂમમાં પ્રવેશતાજ બિશ્વજીત બોલ્યા "બેટા બંસી,આ બિરજુ તને મળવા અને લંડનથી તારા માટે લાવેલ ગિફ્ટ આપવા આવ્યા છે."
બંસી ઘડીકવાર તો સ્તબ્ધ થઇ ગઈ, શું વાત કરવી અને ક્યાંથી શરૂઆત કરવી એ એને ખબર ન પડી છતાં થોડીવારે સ્વસ્થતા કેળવી બિરજુને આવકારતાં  બોલી, "આવ બિરજુ, કેમ છે ? કેમ રહ્યો લંડન નો અનુભવ ?" જાણે પોતે અત્યંત સ્વસ્થ હોય એવો દેખાવ કરતાં બંસીએ પૂછયું
બિરજુ જવાબ આપે એ પહેલાજ બિશ્વજિતે હીનાબેન સામે જોયું બન્નેએ આંખોથી વાત કરી હોય એમ બિશ્વજીત બોલ્યો " બિરજુ, તું આરામથી બેસ અમે બહાર બેઠા છીએ" એટલું કહી બન્ને રૂમ છોડી બહાર નીકળી ગયા.          બંસીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું "બિરજુ,પપ્પાએ તો બધી વાત કરીજ છે તેથી એ વિષે હવે મારે કઇ વિશેષ કહેવા જેવું રહ્યું નથી. ભાગ્યના ખેલ જેમ સાવ અજાણ્યા બે માણસને ભેગા કરીને એક કરી શકે છે એમ એ જ ભાગ્ય બે અતિ નિકટની વ્યક્તિને પણ કાળની એક જ થપ્પડે અલગ કરી દૂર ફેંકી શકે છે.
 હવે આપણા સોનેરી સ્વપ્નાઓનો અહીં અંત આવતો હોય હું તારી સાથે લગ્ન નહીં કરી શકું હું નથી વિચારી પણ શકતી કે હું લગ્ન પછી તને અને તારા પરિવારને બોજા રૂપ બનું  જ્યાં આંખ જ નથી ત્યાં પાંખ ક્યાંથી હોય આમેય તારા મમ્મી-પપ્પા એક અંધ કન્યાને પુત્રવધુ તરીકે સ્વીકારે કે કેમ એ પણ એક પ્રશ્ન છે" આટલું બોલતા બંસીની બંધ આંખોમાંથી બે અશ્રુબિંદુ સરકી પડ્યા બંસીને ગળે ડૂમો બાજી જતા તે આટલેથી અટકી પડી.
પરાણે કઠણ રહેવાની કોશિશ સાથે બિરજુ એ કહ્યું " અરે પગલી,તે માત્ર દ્રષ્ટિ જ ગુમાવી છે સૃષ્ટિ નહીં આટલી નિરાશા તારામાં હોય ? તું ખોટું વિચારે છે હું માત્ર તારી અને તારી સાથેજ લગ્ન કરીશ એ નિશ્ચિત છે. 
 તારા ચર્મચક્ષુ કરતા પણ તારા આંતર ચક્ષુથી આપણે સદાકાળ જોડે જ છીએ અને રહેશું પણ. 
પ્રેમ કરવા માટે નું પહેલું માધ્યમ કદાચ આંખ હશે પણ પ્રેમ થયા પછી એ પ્રેમની વેલીને પાંગરવા માટે આંખ કરતા હૃદય વધુ ભાગ ભજવે છે આકર્ષણ આંખથી જન્મે છે જ્યારે પ્રેમ અને લાગણી હૃદયથી અવતરે છે. 
બંસી મેં પ્રેમ કર્યો છે કોઈ સોદો નથી કર્યો કે હવે એ કેન્સલ કરું વાત રહી મારા માતા પિતાની સહમતીની તો એ મારો પ્રશ્ન છે એ બાબતે વધુ વિચારીને તારે કે તારા મમ્મી પપ્પાએ દુઃખી થવાની બિલકુલ જરૂર નથી એ જવાબદારી મારી ઉપર છોડી દે હું મારી રીતે ફોડી લઈશ."
બિરજુએ બંસીને વિશ્વાસ અપાવતા આગળ કહ્યું "તું શું એવું સમજે છે કે આખી જિંદગી તારે અંધાપો વેઠવો  પડશે ? અરે, હું આકાશ પાતાળ એક કરી છૂટીશ અને  વિદેશના કોઈ આંખના નિષ્ણાત પાસે તારી સારવાર કરાવી પુન: દ્રષ્ટિ અપાવીશ  બસ જરૂર છે ઈશ્વર ઉપરની શ્રદ્ધા અને મારા ઉપરના વિશ્વાસની આ વાત તું તારા મમ્મી પપ્પાને કહી અને જણાવજે કે બિરજુ તારી સાથે લગ્ન કરવા મક્કમ છે તું લેશમાત્ર ચિંતા ન કરીશ "
આ રીતે બંસીને આશ્વાસન સાથે ખાતરી અને હિંમત આપી બિરજુ ઘર તરફ જવા ઉઠ્યો
******
ઘેર પહોંચ્યા પછી બિરજુ સતત ચિંતામાં હતો પણ એણે ધીરજ અને હિંમતથી કામ લેવાનું વિચારી નિરાશ થયા વિના એજ રાત્રે પોતાના મમ્મીની હાજરીમાં પપ્પાને વાત કરતા કહ્યું, "પપ્પા,હું અહીં કોલેજમાં ભણતો હતો ત્યારે મારી જોડે ભણતી  શહેરના નામી ધારાશાસ્ત્રી બિશ્વજીતની પુત્રી બંસીના સંપર્ક માં આવ્યો અને અમે બન્ને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા સમય જતાં અમો બને એ મારો લંડન નો અભ્યાસ પૂરો થયા બાદ લગ્ન કરવા ના નિર્ણય સાથે એક બીજા વચનથી બંધાયા પણ એ દરમ્યાન શીતળાના રોગમાં બંસી પોતાની દ્રષ્ટિ ગુમાવી બેઠી આજે હું  એને મળવા ગયો ત્યારે બંસીએ મને સામેથી લગ્નનું વચન તોડવાનો  આગ્રહ કરતા લગ્ન ન કરી શકવાની વાત કરી પણ હું એ દરખાસ્તને ન સ્વીકારતા તેની સાથે લગ્ન કરવા મક્કમ છું. આ બાબતે મારે તમને જાણ કરવી જરૂરી લાગતાં, અને ફરજ હોય તમને કહું છું " 
બધુંજ શાંતિથી સાંભળ્યા પછી પપ્પાએ કહ્યું ""લવ,રોમાન્સ,અફેક્શન,એ બધા દિવા સ્વપ્ન છે, એક ખ્વાબ છે, દિમાગી શોલા છે, ફરેબ છે બેટા. એ કવિ અને લેખકોની કલ્પના છે શાયરોના ગુબારા છે, ચિત્રકારોનું પાગલપન છે. એ બધું વાર્તાની ચોપડીમાં અને સિનેમાના રૂપેરી પરદે રૂપાળું લાગે પણ જીવનની વાસ્તવિકતા કડવી છે જ્યારે એ કડવી વાસ્તવિકતા મોઢું ફાડીને સામે ઉભે છે ત્યારે એજ લવ અને રોમાન્સ પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે.ચળકતું બધું સોનુ નથી હોતું.મારી આ ઉંમર આ પડાવ દરમ્યાન મેં કેટલાયે એવા લવ મેરેજ જોયા છે જે પ્રેમી હતા ત્યારે હિર-રાંઝા થઈને ફરતા હતા અને લગ્ન પછી દયાપાત્ર બનીને પસ્તાયા છે. પ્રેમ એ કાલ્પનિક,ભ્રામક,અદૃશ્ય સુખ છે. મને આશ્ચર્ય તો એ વાતનું છે કે વિદેશથી ડિગ્રી લઈને આવેલ પુખ્ત વયનો પુત્ર પોતાનું હિત અને ભવિષ્ય વિચાર્યા વિના પોતાની જિંદગીનો આવડો મોટો ફેંસલો બુદ્ધિથી કરવાને બદલે હૃદયથી કેમ કરે છે ?
જો મારી સંમતિ માગતો હો, તો હું એ બાબતે સંમત નથી અને જો માત્ર જાણ જ કરતો હો તો મારે એ વિષે કંઈ કહેવાનું રહેતું નથી કારણકે લગ્ન તારે એની સાથે કરી અને સંસાર નિભાવવાનો છે અને તારી મા ને એની સાથે રહેવાનું છે જો એ સહમત હોય તો તારા એ નિર્ણયથી મને ખાસ કંઈ ફેર પડતો નથી" એટલું બોલી એ મૌન થઇ જઇ પત્ની સામે જોયું
પપ્પાની વાત પુરી થતાંજ મમ્મીએ શરૂ કર્યું " બિરજુ,તું એક અંધ કન્યા સાથે લગ્ન કરવા માગે છે ?
તારી એના પ્રત્યેની ભવિષ્યની જવાબદારીનો તે વિચાર કર્યો છે ? બચપણ થી લઈને આજસુધી તારા ઉછેરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની શારીરિક,અને માનસિક બધીજ જવાબદારી એકલે હાથે ઉઠાવીને જયારે હું ત્રસ્ત થઈ ગઈ છું ત્યારે અમારી ઉતરતી અવસ્થાએ અમને શાંતિ અને રાહત આપવાને બદલે તારી અંધપત્ની ની જવાબદારી પણ અમારી ઉપર લાદી દે છે ? મારુ શરીર ક્ષીણ થતા હવે મારે એક મદદગારની જરૂર છે એવા સમયે અંધ પુત્રવધુ મને શી રીતે ઉપયોગી થવાની છે ? ઉલટું એ દ્રષ્ટિહીન હોવા કારણે મને એનો નાનો મોટો શારીરિક અને માનસિક બોજો વધવાનો છે.હું તારા નિર્ણય સાથે કબૂલ નથી થતી. જો તું તારા વિચાર ઉપર અડગ હો તો અમારાથી જુદો થઇ જવાની સલાહ આપું છું " કહેતાં એની આંખમાં આંસુ આવી ગયા.
"મમ્મી, જયારે મેં એને પ્રેમ કર્યો ત્યારેજ મેં મારી બધી જવાબદારીનો વિચાર કર્યો હતો હવે જયારે કુદરતી રીતે એના વિપરીત સંજોગો આવ્યા ત્યારે જો હું મારૂ વચન પાલન ન કરી જવાબદારીમાંથી માંથી છટકી જાઉં તો હું સ્વાર્થી ગણાઉં, એ માટે મને મારો અંતર આત્મા કદી માફ ન કરે.પ્રેમ વિષે પપ્પાની ભલે ગમે તે વ્યાખ્યા હોય પણ મારી નજરમાં પ્રેમ એ પ્રાર્થના છે, ઈબાદત છે, બંદગી છે હું પ્રેમ જેવા પવિત્ર શબ્દને સ્વાર્થની ઓઢણી ઓઢાડવા નથી માગતો
તું શું એમ માને છે કે બંસીનો અંધાપો આજીવન રહેશે ? બિલકુલ નહીં જરૂર પડે હું વિદેશ જઈને પણ એની સારવાર કરાવી હું એને છ મહિનામાં દૃષ્ટિ પાછી અપાવીશ,તેમ છતાં જો તમે મને આ ઘરમાંથી જુદો રહેવાની ફરજ પાડશો તો હું એ માટે પણ તૈયાર છું" આટલું બોલી વ્યગ્ર મને બિરજુ ત્યાંથી ઉઠીને બહાર ચાલ્યો ગયો
******
બીજે દિવસે બિરજુ બંસી પાસે પહોંચી આગલા દિવસની બધી વાતથી વાકેફ કરતા કહ્યું કે "આવતે મહિને અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ હોય આપણે દેવાલયમાં જઈને સાદગીપૂર્વક  વિધિવ્રત લગ્ન ગ્રંથિથી જોડાશું
તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બધું જ હું સંભાળી લઈશ. એજ રીતની વાત બિશ્વજીત તથા હીનાબેન ને કરી બિરજુ પાછો ફર્યો
******
અક્ષય તૃતીયાનો દિવસ 
આજે સવારથી જ બંસી ખુશ હતી.અનેક કુદરતી અવરોધો વચ્ચે આજે પોતાના મનનો માણીગર તેને પોતાની સાથે લઈ જઇ રહ્યો છે વર્ષોની તપસ્યાનું ફળ આજે મળશે એવું વિચારતા આનંદિત હતી. પ્રજ્ઞાચક્ષુ  હોવા છતાં તેના ઉમંગ અને ઉત્સાહમાં લેશ માત્ર ઓટ આવી નહોતી સુંદર ગુલાબી સિલ્કની સાડી,હાથમાં સાચામોતીના  કંગન, નાકમાં નથડી, જમણા હાથની પાતળી લાંબી આંગળીમાં સફેદ સાચા હીરાની વીંટી, ગળામાં હેમનો ચંદનહાર સમો લાંબો મોટો હાર,કપાળે પીળી તથા સફેદ બિંદીની પીયળ,પગમાં મોટી ઘુઘરીના છમ છમ બાજે એવા ચાંદીના ઝાંઝર, જમણા પગની આંગળીમાં ચાંદીની ચમકતી મીન,કોણી સુધીના હાથમાં મહેંદી, મુલાયમ લાંબા કોરા કેશમાં બોરસલીની વેણી સાથે સારા ચોઘડિયે શુભ મુહર્તમાં માતા  હીનાબેન તથા પિતા  બિશ્વજીતની ઉપસ્થિતિમાં પુરી ધાર્મિક વિધિથી બંસી બિરજુ લગ્ન ગ્રંથિથી જોડાયા
પોતાની જીદ્દ ઉપર મક્કમ રહેનાર બિરજુને એના માતા પિતા સાથે ક્ડવાશના બીજ રોપાયા
 27 વર્ષ સુધી પાળી પોષીને લાડથી ઉછેરેલા એક માત્ર આશાના કિરણ સમા પુત્ર અને માતા પિતા વચ્ચેના સંબંધોની દીવાલમાં ઊંડી તિરાડ પડી અને એ જ કારણે બિરજુએ ગૃહ ત્યાગ કરી પોતાનો જુદો માળો વસાવ્યો
******
બિરજુ એ લગ્ન પછી તુરતજ રસોયો તથા પુરા સમયના નોકરની વ્યવસ્થા કરી બંસીને બ્રેઈન લિપિ શીખવવા ટયુશન રખાવી દીધું  બીજી બાજુ વિદેશનાનિષ્ણાત આંખના સર્જન તથા હોસ્પિટલની યુદ્ધના ધોરણે   
તપાસ આદરી,અને જર્મની ની વિખ્યાત આંખની હોસ્પિટલ "યુનિવર્સીટી આઈ હોસ્પિટલ હેઇડનબર્ગ (જર્મની) " ના વિખ્યાત ચક્ષુ નિષ્ણાત ડો. વિલિયમ રિચાર્ડ નો સંપર્ક સાધી મુલાકાતનો સમય નોંધાવી દીધો 
માત્ર પંદર જ દિવસમાં બંસી બિરજુ આંખની સારવાર માટે જર્મનીના બર્લિન શહેર જવા ઉપડી ગયા.
******
ડોક્ટર વિલિયમના મતે રેટિનાની તકલીફ ઉપરાંત આંખની બારીક રક્તવાહિનીઓ ના સુકાઈ જવાના કારણે અંધાપો આવ્યો હોય નિષ્ણાત તબીબો ની ટીમ દ્વારા એની સફળ શસ્ત્ર ક્રિયા પણ થઇ ગઈ અને એક માસના રોકાણ બાદ સંપૂર્ણ પૂર્વવત દ્રષ્ટિ મેળવી બંસી બિરજુ ભારત પરત ફર્યા બંસીને લેશમાત્ર પોતાના નવજીવન ની કલ્પના ન હોતી જે ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થતા બંસી બિરજુ બન્ને ખુશ હતા. બંસી બિરજુના સુખના દિવસો હવે શરૂ થયા.
******
  એક દિવસ સવારમાં ઓચિંતી  ટેલિફોનની ઘંટડી રણકી
ફોન બિરજુએ ઉપાડ્યો  એના પપ્પાએ વાત કરતા કહ્યું " બેટા, ગઈકાલે રાત્રે તારા મમ્મી બાથરૂમમાં લપસી જઈ પડી જતા મેં તાત્કાલિક અસ્થિ નિષ્ણાત ડો.રાજેશ શાહનો સંપર્ક કરી એક્સ-રે કઢાવી  નિદાન કરાવતા થાપાનું હાડકું ભાંગ્યાનું નિદાન થયું છે.અને એ માટે ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન બાદ બેડરેસ્ટ ની સલાહ આપી છે. આ સંજોગોમાં અમે એકલા હોઈએ તારી મદદની જરૂર છે"
બિરજુ એ જવાબ દેતા કહ્યું " કોઈ ચિંતા નહીં, ઓપરેશન સમયે હું તથા બંસી બન્ને હાજર રહેશું જો તમને અનુકૂળ હોય તો ઘર બંધ કરીને તમે અહીં રહેવા આવી જાઓ અને મમ્મી માટે બન્ને ટાઈમ ટિફિન દવાખાને પહોંચતું કરવાની વ્યવસ્થા હું કરીશ જો એ તમને અનુકૂળ ન હોય તો તમારું ટિફિન પણ ઘેર પહોંચતું કરીશુ મમ્મીને દવાખાનામાંથી રજા આપે ત્યારે સીધા અહીં ઘેર જ આવવાનું રાખશો જેથી અહીં તેને પૂરો આરામ મળે અને એનું બધું સચવાઈ રહે. અને હા, હું દવાખાને આવીશ ત્યારે પૂરતા પૈસા તમને આપતો જઈશ જેથી કોઈ વાતે મૂંઝાતા નહીં " આટલું કહી બિરજુએ ફોન મૂકી દીધો 
આ માહિતી તેણે બંસીને આપતાં કહ્યું "મમ્મી પડી જતાં થાપાનું હાડકું ભાંગી ગયું છે અને તેનું ઓપરેશન નક્કી થયું છે ત્યારબાદ બેડરેસ્ટ ની સલાહ મળતા મમ્મી પપ્પા બન્ને અહીં રહેવા આવશે"
 બંસી, જે મા-બાપ પુત્રવધુ તરીકે અંધકન્યાને સ્વીકારવા તૈયાર  નહોતા, લગ્ન સમયે નિમંત્રણ આપવા છતાં દીકરા વહુને આશીર્વાદઆપવા પણ આવ્યા નહોતા એ  મા બાપને પોતાની જરૂરિયાતે દીકરો વહુ સાંભર્યા"
જવાબમાં બંસીએ કહ્યું " બિરજુ, એવું ના બોલ ગમે તેમ તો એ એ જન્મદાતા છે. આપણે હમેશા નમ્ર રહી આપણી ફરજ બજાવી સંસ્કાર નિભાવવા જોઈએ ખુશીથી બન્ને ભલે આવે એ બહાને મને પણ ઘરમાં વસ્તી જેવું લાગશે"
અગાઉ નક્કી થયા મુજબ નિશ્ચિત દિવસે બંસી અને બિરજુ બન્ને  ઓપરેશન સમયે દવાખાને પહોંચી ગયા અને સફળ શસ્ત્ર ક્રિયા બાદ રજા મળતાં બિરજુને ઘેર રહેવા બન્ને આવી ગયા. બંસીએ પોતાના સાસુ સસરાને ચરણસ્પર્શ કરતા આગ્રહ સાથે કહ્યું " હવે તમો બન્ને કાયમ માટે અહીં જ રેહજો, ઉંમર અને અવસ્થાએ ગમે ત્યારે જરૂર પડે તો અમે સાથે હોઈએ તો તમને ચિંતા ન રહે."
 બિરજુની મમ્મીથી બોલાઈ ગયું "ખાનદાનીના ખોરડે ધજા ન ફરકતી હોય" 
 બિરજુના પપ્પાએ ચશ્મા ઉતારી આંખના ભીંજાયેલા ખૂણા રૂમાલથી સાફ કર્યા   
   
 
      
     



   



































          

Saturday, 18 July 2020

હવસ

આખરે લાંબી બીમારી ભોગવ્યા બાદ 38વર્ષીય યુવાન સૂરજનો જીવનદીપ બુઝાયો.
કેન્દ્ર સરકારની કચેરીમાં ચપરાશી તરીકે નોકરી કરતો યુવાન પોતા પાછળ અપાર જવાબદારીની ગાંસડી સાથે યુવાન ખુબસુરત પત્નીને વિલાપ કરતો મૂકી ગયો. 
35 વર્ષીય યુવાન પત્ની કુસુમ ઉપર જીવનભરની જવાબદારી આવી પડી.
 ઘરની બહાર કદી ન નીકળેલી કુસુમ પતિના અવસાન બાદ ઘરની કામગીરી, ઉપરાંત પતિનું પ્રોવિડન્ટ ફંડ,ગ્રેચ્યુટી, વિધવા પેંશન,વારસાઈ સર્ટિફિકેટ જેવી કપરી આંટીઘૂંટી વાળી તથા સમયનો ભોગ માગી લેતી કાર્યવાહી પુરી કરવા સવાર થી સાંજ સરકારી કચેરીના ચક્કર કાપતી થઇ ગઈ.આવી કાર્યવાહી કરવામાં સરકારી બાબુઓ સાથે કોઈ દિવસ પનારો પડ્યો ન હોય રોજ જુદા જુદા બહાના કાઢી ધક્કા કરાવતા કર્મચારીઓથી હારી થાકીને ક્યારેક આંસુ સારતી હતી.
       વૈશાખનો ધોમ ધખ્યો તાપ તપતો હતો, આવીજ સરકારી કામગીરી માટે પોતાના કામ માટે કચેરીએ આવેલી અને લાચારીથી કર્મચારી પાસે કરગરતી, સ્વરૂપવાન કુસુમનો માસુમ ચહેરો,વાત કરતા એના ગાલમાં પડતા ખંજન,અને નિતરતા મદભર્યા  જોબનને એક અધિકારી સતત એકી ટશે તાકી રહ્યો હતો.
અન્ય કર્મચારીના ટેબલ પાસે ઉભેલી કુસુમને આંગળીના ઈશારે પોતા પાસે બોલાવી 
સહાનુભૂતિની સરવાણી ફૂટી હોય એમ કહ્યું "બેન, હું બે ત્રણ દિવસથી જોયા કરું છું કે રોજ તમે તમારા કામ માટે અહીં ધક્કા ખાઓ છો તો બોલો તમારું શું કામ ક્યાં અટક્યું છે તમારા બધા ડોક્યુમેન્ટ્સ અને પેપર્સ બતાવો "  
 અધિકારીએ બેસવા માટે ખુરસી તરફ ઈશારો કરી પાણી મગાવ્યું. પોતાની ફાઈલ બતાવતાં અધિકારીને પોતાની સમસ્યા સાથે પોતાની આપવીતી કહી સંભળાવી. કુસુમની માસુમ લાચાર આંખોમા એક જુદી જ ચમક આવી ગઈ ઘનઘોર આકાશમાં જેમ વીજળી ઝબૂકે એમ કુસુમના મનમાં એક આશાદીપ પ્રગટ્યો પુરી સહાનુભૂતિ દાખવી ધીરજ પૂર્વક સાંભળ્યા પછી અધિકારીએ આશ્વાશન આપતા કહ્યું "તમે ચિંતા ન કરો તમારી ફાઈલ મને સોંપતા જાવ હું શક્ય એટલી ઝડપથી તમારું કામ પતાવી દઈશ સાથોસાથ તમારો મોબાઈલ નંબર પણ આપતા જાવ જેથી જરૂર પડે હું તમારો સંપર્ક સાધી શકું "એકી ટશે નીરખતા અધિકારીની આંખમાં હવસના સાપોલિયા સળવળ્યા સિફતથી મોબાઈલ નંબર મેળવી લીધેલ અધિકારીને પોતાની દેહ ભૂખ સંતોષવાના દિવસો નજીક દેખાયા.
ત્યારથી કામના બહાને અધિકારી સાહેબ કુસુમ સાથે મોબાઈલ ઉપર અવાર નવાર સંપર્કમાં રહેવા લાગ્યા. 
ભોળી કુસુમને સાહેબમાં ભગવાન દેખાયા ધીમે ધીમે સાહેબ ઘર સુધી પહોંચ્યા અને કુસુમ પ્રત્યે અપાર સહાનુભૂતિ દર્શાવી તેની પારિવારિક માહિતી મેળવી લીધી હવે તો કુસુમ સાથે નામથી વાત શરૂ કરતાં પોતાનો પરિચય આપી કહ્યું " કુસુમ,યુવાનીમાં તારી ઉપર આવી પડેલી આટલી જવાબદારી માટે મને ખરેખર સહાનુભૂતિ છે. વિધવા પેંશનની નજીવી રકમમાં આટલી મોંઘવારીમાં પૂરું કરવું ઘણું અઘરું છે. હું તારા માટે  સરકારશ્રીને રહેમરાહે નોકરી માટે અરજ અહેવાલ કરી તને ટૂંક સમયમાં નોકરી અપાવી દઈશ."
 પોતાનું વિઝિટિંગ કાર્ડ હાથમાં પકડાવી કહ્યું "મારું નામ તનસુખ છે, કાર્ડમાં મારો મોબાઈલ નંબર તથા ઘરનું સરનામું છે." આટલું બોલવાનું પૂરું કરે એ પહેલા કુસુમ ધ્રુસકે ધ્રુસકે રડી કહેવા લાગી "સાહેબ, હું જીવનભર તમારી ઋણી રહીશ તમે ઈશ્વરનો પડછાયો છો ઈશ્વર મને આપનું ઋણ ચુકવવાની તક આપે. "
નિર્દોષ કુસુમના શબ્દો તનસુખે જુદા સ્વરૂપે લીધા અને તુરતજ પોતાના બાહુપાશમાં જકડી આલિંગન આપતા પોતાના રૂમાલથી આંસુ લૂછતાં કહ્યું "કુસુમ,સાચું પૂછ તો મને તારા પ્રત્યે અનુકંપા સાથે ખુબ પ્રેમ થઇ ગયો છે, હું  વીસ વર્ષથી પરણિત છું. નિઃસંતાન છું. મારી પત્ની સાથેના મારા પ્રેમલગ્ન હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એ ગર્ભાશયના રોગથી પીડાતી હોય મેં એની સાથે છુટા છેડા લઈ તારા જેવી  જરૂરિયાતવાળી  અને સુપાત્ર સ્ત્રી સાથે લગ્ન કરવાનું વિચાર્યું છે. જો તારી સહમતી હોય તો હું જીવનભર સાથ નિભાવી તારી  ભવિષ્યની બધી જવાબદારી ઉપાડવા તૈયાર છું. ઉતાવળ નથી શાંતિથી બે ત્રણ દિવસ પછી વિચાર કરી જવાબ દેજે પણ એ માટે મારા સ્વાર્થ કરતાં તારું હિત મેં વધુ વિચાર્યું છે એ ખ્યાલ રાખજે" તન સુખ ભોગવવા તલપાપડ થયેલ તનસુખે જતાં જતાં કુટિલ નીતિથી દાણો દબાવ્યો અને વિદાય લીધી. 
કહે છે ને કે ગરજવાનને અક્કલ ન હોય.આર્થિક જરૂરિયાત અને મજબૂરી એ બે વસ્તુ નિરાધાર સ્ત્રીની સૌથી મોટી નબળાઈ છે.આ બે વસ્તુથી પીડાતી હોય એવી વિશ્વની કોઈ પણ માનુનીને થોડી મીઠી સહાનુભૂતિ થી મુઠ્ઠીમાં લઈ લેતા તક સાધુઓને વાર નથી લાગતી.
એજ રાત્રે કુસુમના મનમાં વિચારોનું ઘોડાપુર ઉમટ્યું પહેલા વિચારે કુસુમને થયું કે પ્રેમ લગ્ન કરીને વીસ  વર્ષથી જેની સાથે સંસાર માંડ્યો છે અને જે સ્ત્રી ઉતરતી અવસ્થાએ શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત છે એને માનસિક સાંત્વના આપી યોગ્ય તબીબી સારવાર કરાવવાને બદલે આ માણસ એને છેહ દઈ છુટાછેડા આપવાની વાત કરે છે એનો શો ભરોસો ?કાલ સવારે એવું જ કંઈક મારી સાથે નહીં બને એની શું ખાતરી ? મારે એક ભવમાં બે ભવ કરવા ? તલાક દીધેલી પત્નીનો માનસિક આઘાત અને નિસાસા શું મને શાંતિથી જીવવા દેશે ?  
સમાજને અને કુટુંબને હું શું જવાબ દઈશ ? આવા વિચારે કુસુમ આખી રાત જાગતી રહી. શું કરવું અને કર્યાનું પરિણામ શું આવશે એ કુસુમ નક્કી નહોતી કરી શકતી પરિવારમાં પણ કોઈ એવા વડીલ ન હતા કે જેની સલાહ લઈ શકાય.
વળી બીજી રાત્રે કુસમના દિમાગમાં વિચારોનું ફરી તુમુલયુદ્ધ શરૂ થયું એણે વિચાર્યું કે ચપરાશીની વિધવાને મળતા મામૂલી પેંશનમાં આખા મહિનાના ઘરખર્ચને જ્યાં પહોંચી નથી શકાતું ત્યાં ઘરખર્ચ ઉપરાંત દવા દારૂના ખર્ચને હું કેમ પહોંચી વળીશ ? છાપરા વિનાના ઘરની જેમ જીવવા કરતાં માથે છત્ર હોય તો કેટલી સલામતી રહે.ઉંમર વધતાં શરીર અશક્ત બનશે ત્યારે મારું કોણ ? હું ક્યાં વૃદ્ધાશ્રમને આશરે જઈશ ?
બીજા લગ્ન કર્યાથી કોઈ પણ આર્થિક ચિંતા વિના સલામત અને સુરક્ષિત જીવન જીવી જવાની તક જયારે   ભગવાને સામેથી આપી છે તો શું કામ તકને જતી કરવી ? વળી આ સાહેબ પણ સરકારી નોકરી ધરાવતા સહૃદયી અને ભલા ઇન્સાન છે તો જ મારા પ્રત્યે આટલી સહાનુભૂતિ ધરાવે ને ?
આ બધા તુલનાત્મક વિચારોના અંતે કુસુમે તનસુખ સાથે પુનર્લગ્ન કરવાનો નીર્ધાર કરી લીધો.
*******
અઠવાડિયા પછી ફરી તનસુખ કુસુમને ઘેર આવી અતિ સહાનુભૂતિ પૂર્વક ખબર અંતર પૂછી મૂળ વાત ઉપર આવ્યો,"ગયા અઠવાડિયે થયેલ વાત અંગે તે શું વિચાર્યું ?"સોફા પર બેસેલી કુસુમની નજીક પોતાની ખુરશી ખેંચી,અને બેસતાં કુસમનો હાથ પોતાના હાથમાં લઇને તનસુખે પૂછ્યું 
કુસુમે જવાબ દેતા કહ્યું "સાહેબ મેં ગંભીરતાથી બધું વિચાર્યું મને એટલો વિશ્વાસ અને ખાતરી આપો કે પાછળથી મારી હાલત તમારી વર્તમાન પત્ની જેવી નહીં થાય,અને તમે તમારા વચન ઉપર અડગ રહી મારી આજીવન જવાબદારી પુરી કરશો,"
તનસુખે જવાબ દેતાં કહ્યું " અરે,પગલી જયારે મેં સામેથી  જ બધી જવાબદારી સ્વીકારવાની વાત કરી છે ત્યારે શંકાને સ્થાન જ નથી તને હજુ  વિશ્વાસ નથી આવતો ? તું ભવિષ્યની બધીજ ચિંતા મારા ઉપર છોડી દે મારું વચન છે કે તારે ભવિષ્યમાં પસ્તાવાનું કોઈ કારણ નહીં રહે. "  
તનસુખના આટલા આત્મ વિશ્વાસુ જવાબથી કુસુમ ભાવુક બની તનસુખના ખભે માથું મૂકી રડતાં કહ્યું " સાહેબ હું લગ્ન માટે તૈયાર છું પણ એ પહેલા તમારી પત્નીના છૂટાછેડા લઈ મને એ કાગળો બતાવો"
તનસુખને જાણે બગાસું ખાતાં પતાસું મોઢામાં આવ્યું  હોય એમ મનમાંને મનમાં ખુશ થતાં કહ્યું  "હું કાલે જ કાનૂની કાર્યવાહી હાથ ધરી શક્ય એટલી જડપથી વાતનો નિકાલ લાવી દઉં છું હવે તું નિશ્ચિંત રહેજે. " 
******
આજથી વીસવર્ષ પહેલાં પોતાની સાથે કોલેજમાં ભણતી સ્વરૂપવાન ભોળી કાલિંદીને દિલફેંક તનસુખે અનેક પેતરા કરી પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હતા. તનસુખનું લગ્ન જીવન પણ સારી રીતે પસાર થતું હતું પરંતુ યુવાવસ્થાથી જ તનસુખ દેહભૂખ્યો હોય આખરે એની વારંવાર શારીરિક માગણીથી કાલિંદી થાકી ગઈ હતી અને અંતે ગર્ભાશયના રોગનો ભોગ બની. થોડો સમય દવા અને સારવાર કરાવ્યા પછી પણ જયારે ડોકટરે એને શારીરિક સંબંધ બાંધવા ઉપર કાયમી પ્રતિબંધ મુક્યો ત્યારથી તનસુખ બેચેન હતો અને કોઈ પણ સંજોગોમાં કાલિંદીને છુટાછેડા આપી બીજા લગ્ન કરવાની ફિરાકમાં હતો. એ દરમ્યાન એ કુસુમના સંપર્કમાં આવતાં જુઠ્ઠી સહાનુભૂતિ પ્રદર્શિત કરી અને વિધવા કુસુમની લાચારી અને મજબુરીનો લાભ લઈ તેને લગ્ન કરવા લલચાવી કાલિંદીને છુટા છેડા આપી કુસુમ સાથે પોતાનો સંસાર માંડ્યો.
ગંભીર ન ગણી શકાય એવી સ્ત્રીઓ માટે સામાન્ય ગણાતી બીમારી,પણ પોતાની જરૂરિયાત ન સંતોષાવાના નજીવા કારણે દગો દઈ છુટા છેડા આપનાર તનસુખ ઉપર કાલિંદી ધિક્કાર વરસાવતી રહી.
વીસ વીસ વર્ષ સુધી પતિનો પડછાયો થઈને સુખે દુખે સતત પડખે ઉભી રહેનારી કાલિંદીનો આત્મા કકળતો રહ્યો,અને બોલી "વીસ વર્ષ પહેલાં જયારે મને પ્રેમ કર્યો ત્યારે જે ચહેરો હતો એ તો માત્ર મહોરું હતું,સાચો ચહેરો આજે દેખાયો દોઢ અક્ષરના શબ્દ" સ્ત્રી"ની લાગણી,પ્રેમ અને પ્રચંડ શક્તિને તથા અઢી અક્ષરના શબ્દ "પ્રેમ"ને તમે ઓળખી ન શક્યા તમારી હવસખોર વૃત્તિથી સ્ત્રીને એક રમકડું જ સમજ્યા મન ભરીને રમી લીધા પછી જેમ બાળક રમકડાંને ફેંકી દે એમ હવસ સંતોષવાની તમારી આ વૃત્તિ આવનાર દિવસોમાં કુસુમની સાથે તમારી પણ જિંદગીની તબાહી કરશે અને યાદ રાખજો કે એ દિવસોમાં ફેંકી દીધેલું રમકડું જ તમારી નજીક હશે. તમે પુરુષ જાતિનું મોટું કલંક સાબિત થયા છો"  આટલું કહી કાલિંદી ઘર છોડીને જતી રહી.
********
આ બાજુ જેમ કુસુમે પોતાનો સ્વાર્થ વિચાર્યો એમ તનસુખે પણ પોતાનો સ્વાર્થ વિચાર્યો.
શરૂઆતમાં કુસુમને ખુબ લોભ લાલચથી ભરમાવી ધીમે ધીમે પોતાની પિશાચી વૃત્તિ ઉપર આવી ગયો,અને દિવસ રાત કામાંધ તનસુખ શૈયાસુખની માગણી કરવા લાગ્યો આખરે એના પશુત્વથી કંટાળી,સતત માનસિક દબાણ હેઠળ દિવસો પસાર કરતી કુસુમ બી.પી.ના રોગનો ભોગ બની ગઈ.અત્યંત ત્રાસી જતાં એકવાર તો તેણે તનસુખને ઉધડો લેતાં કહ્યું પણ ખરું કે "તમારી આ હવસખોરીને તમે પ્રેમ કહેતા હતા?  એવું શું છે આ હાડચામના દેહમાં કે તમને માંસના લોચા અને ચામડાચૂંથવામાં જ રસ છે ? તમારી બરબાદી તમે હાથે કરીને નોતરો છો.મને મીઠું બોલીને ભોળવી ત્યારે તમારા પશુત્વની આ અસલિયતની મને ખબર ન હોતી, નહીં તો  હું ફસાત નહીં તમે એક નિરાધાર વિધવાની લાચારી,મજબૂરી અને ગરીબીનો ગેરલાભ લીધો છે. "  
ખંધુ હાસ્ય કરી એક આંખ મિચકારતા તનસુખે જવાબ આપ્યો "પગલી, પ્રેમનો પર્યાય જ જાતીય આનંદ. "
ગુસ્સે થયેલ કુસુમ હવે રણચંડી બનતાં બોલી "ફટ્ટ છે તમારા વિચારોને પ્રેમ તો રાધા અને મીરાંએ પણ કૃષ્ણને  કર્યો હતો નજીક રહેવાથી જ પ્રેમ થતો નથી સાચો પ્રેમ એ હૃદયની અનુભૂતિ છે જે દુરબેઠાં પણ અનુભવાય છે મને તમારી માનસિકતા ઉપર દયા સાથે તિરસ્કાર આવે છે.ભૂખ્યા વરુ અને ભૂંડ પણ તમારાથી સારા હોય છે"
******
   છેતરાયેલી ભોળી કુસુમ પશ્ચાતાપના આંસુ સારતી રહી.સતત માનસિક તનાવ,મૂંઝારો અને પતિના દેહભૂખ ના શારીરિક ત્રાસથી કંટાળી આખરે કુસુમ એક દિવસે પંખે લટકી જઇ જીવનનો અંત આણ્યો આમ તનસુખનું કુસુમ ખીલ્યા પહેલા મુરઝાઈ ગયું.
*******
બબ્બે પત્નીએ એકલો થઈ જનાર તનસુખ હવે બિંદાસ્ત બની ગયો.ઘરનું પાત્ર ન હોવા કારણે પોતાની દેહભૂખ સંતોષવા હવે પર સ્ત્રી ગમન તરફ વળ્યો સ્થાનિક ઉપરાંત બહારની રૂપજીવિનીઓ એનો સહારો બની ગઈ હોય એમ અલગ અલગ રૂપ લલના સાથે દૈહિક સબંધ બાંધવા લાગ્યો અને આમને આમ પોતાની આવક અને બચત લૂંટાવતા કંગાલિયતને આરે આવી ઉભો. 
અતિની પણ ગતિ હોય છે ને ? કરેલાં કર્મોનો હિસાબ ચૂકવવો એ ઈશ્વરીય ન્યાયિક પ્રક્રિયાનો નિયમ છે. 
એ મુજબ એક દિવસે તનસુખ સખત તાવમાં પટકાયો  બે ત્રણ દિવસ તો સામાન્ય તાવ ગણી ઘરગથ્થુ ઉપાય અજમાવતો રહ્યો પણ પછીથી પેડુ (Abdomen) નો દુખાવો, સુખી ખાંસી,શરીરનું તૂટવું ,અસહ્ય નબળાઈ, અભૂખ,સતત પરસેવો, મોઢામાં ચાંદા, તથા જાડા ઉલ્ટી વધી જતાં તબીબી સારવાર લેવા મજબુર બન્યો.
બીમારીના ઉપરોક્ત લક્ષણો જોતાં ડોક્ટરને ભયંકર જીવલેણ રોગનો વ્હેમ પડ્યો તેથી  લોહી-પેશાબના પરીક્ષણ કરાવવાનું સૂચવ્યું રિપોર્ટ આવ્યો અને ડોક્ટરને પડેલ વ્હેમ સાચો ઠર્યો.
હા, તનસુખ એઇડ્સ (HIV) નો શિકાર બની ચુક્યો હતો. કાલિંદી અને કુસુમના નિસાસાએ જીવલેણ અને શર્મનાક રોગ રૂપે ભરડો લીધો સતત શૈયા સુખમાં રાચતો તનસુખ હવે નિસ્તેજ, દુર્બળ અને અશક્ત બની ગયો તનસુખનું તન સુખ હરાઈ  ગયું બબ્બે પત્નીઓને આપેલ શારીરિક-માનસિક યાતનાનું ચલચિત્ર એની આંખ સામે તરવા લાગ્યું આવી દયનિય હાલતમાં જયારે તનસુખને કોઈ સાથ કે સધિયારો ન મળ્યો ત્યારે તેને પોતાની પૂર્વ પત્ની કાલિંદી યાદ આવી ગઈ પોતે એના તરફ કરેલ દુર્વ્યહાર અને વર્તનને પોતે બરાબર જાણતો હોવાથી હવે એ માટે પારાવાર અફસોસ કરી આંસુ સારતો હતો અંતે ન રહેવાયાથી તેણે કાલિંદીને પોતાની બીમારી અને નિઃસહાય સ્થિતિમાં મદદરૂપ બનવા આજીજી કરતો સંદેશ મોકલ્યો. 
         સંદેશ મળતાંજ બીજે દિવસે સાધ્વી જેવા શ્વેતવસ્ત્ર ધારિણી કાલિંદી રૂબરૂ આવી, આવતાંજ તનસુખ એના પગ પકડી ધ્રુસકે ધ્રુસકે રડતાં કરગરીને માફી માગવા લાગ્યો પોતે કરેલ અત્યાચારની કબૂલાત રૂપી આંસુઓની વહેતી સતત ધારાથી કાલિંદીનું કોમળ હૃદય પીગળી ગયું  અને કહ્યું 
" સાહેબ, આ દિવસ વહેલો કે મોડો અવશ્ય આવવાનો જ હતો ઈશ્વરને ઘેર દેર છે પણ અંધેર નથી. અબળાના આંસુ, નિરાધારના નિસાસા અને વિધવાની વરાળથી દાજેલો કદી સાજો નથી થતો.આ તો કરેલ કર્મોનું ફળ છે એનો અફસોસ ન હોય એ તો હસતે મોઢે જ સ્વીકારે છૂટકો, આજે ક્યાં ગયું તમારું પૌરુષત્વ? કે જે થકી બબ્બે પત્નીઓ શારીરિક ત્રાસથી હારી અને ભાંગી પડી હતી.પોતાના વાક્ચાતુર્યથી નિર્દોષ વિધવાને લાલચમાં ફસાવી આત્મહત્યા સુધી ધકેલી દેનાર નરાધમને બીજા ક્યા સારા બદલાની અપેક્ષા હોઈ શકે? યાદ કરો એ મારા શબ્દો કે "તમારી આ વૃત્તિ આવનાર દિવસોમાં કુસુમની સાથે તમારી પણ જિંદગીની તબાહી કરશે અને યાદ રાખજો કે એ દિવસોમાં ફેંકી દીધેલું રમકડું જ તમારી નજીક હશે." આજે એજ હું કે જેને તૂટી-ફૂટી ગયેલું રમકડું સમજીને કબાડખાનામાં ફેંકી દીધું હતું એ જ તમારા અંતિમ સમયે તમારી બાજુમાં છે.એવું માનવાની ભૂલ કદાપિ ન કરશો કે હું તમારી પૂર્વ પત્નીના હોવાના નાતે અહીં આવી છું એ સંબંધનું તો વર્ષો પહેલા તર્પણ થઇ ગયું પણ આજે માનવતાની રૂએ એક પરિચારિકા તરીકે નિસ્વાર્થ ભાવે તમારી સેવા કરવા આવી છું. જલ્લાદ જેવી ક્રુરતાથી બબ્બે પત્નીઓ ઉપર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારનારને આજે એક મરેલ ઉંદરની જેમ લાચાર અને નિસહાય હાલતમાં જોઈને અવગતે ગયેલા કુસુમના આત્માને શાંતિ મળી સદ્દગતિ પ્રાપ્ત થશે.
" બસ કર,બસ કર,કાલિંદી હવે બહુ થયું હું મારા બધાજ કૃત્યોનો સ્વીકાર કરી તારી અને કુસુમની હૃદયથી માફી માંગુ છું. હું એ પણ સ્વીકારું છું કે યુવાનીના જોશમાં મેં કરેલ બધા પાપોની કુદરતે મને આ સજા આપી છે અને આજે  ભલે મોડું મોડું પણ જયારે કાળનું તેડું આવ્યું છે ત્યારે સમજાયું કે "સ્ત્રી" એ દિલ બહેલાવવાનું  કોઈ સાધન કે રમકડું નથી પણ એ સહનશીલતાની સૌમ્યમૂર્તિ,પૂર્ણ અન્નપૂર્ણા,અને દિવ્ય ચેતના સ્વરૂપ ત્યાગ,દયા  કરુણા અને મમતાની મૂર્તિ છે." 
તનસુખ શારીરિક અને માનસિક તો ભાંગી  જ પડ્યો હતો પણ જ્યારથી રૂપજીવીનીઓની બજારનો ગ્રાહક બન્યો ત્યારથી આર્થિક પણ ખુવાર થઇ ગયો હતો. હવે એની પાસે પોતાની સારવાર કે દવાદારૂના પણ પૈસા ન રહેતાં કાલિંદીએ પોતાના લગ્ન સમયે પિતૃપક્ષે મળેલા સુવર્ણ આભૂષણો વહેંચી દઈ એની સારવાર કરી. 
નર્ક જેવી પીડા અને યાતના લાંબા સમય સુધી સદેહે ભોગવી એક દિવસ તનસુખ કાયમ માટે આંખ મીંચીને પોતાના કર્મોનો ઈશ્વર પાસે  હિસાબ રજૂ કરવા પરલોક સિધાવ્યો   
પરિચારિકા રૂપે આવેલી કાલીંદીએ ચેપી અને અસ્પૃશ્ય રોગથી પીડાતા તનસુખની દેહાંત સુધી દીર્ઘકાળ નિસ્વાર્થ સેવા કરતા અંતે તેના નશ્વર દેહના મુખમાં તુલસીપત્ર અને ગંગાજળની ચમચી પધરાવી માનવ ધર્મ સાથે પત્નીધર્મ પણ  નિભાવ્યો. 
******    


   
  

  


   




.