કેન્દ્ર સરકારની કચેરીમાં ચપરાશી તરીકે નોકરી કરતો યુવાન પોતા પાછળ અપાર જવાબદારીની ગાંસડી સાથે યુવાન ખુબસુરત પત્નીને વિલાપ કરતો મૂકી ગયો.
35 વર્ષીય યુવાન પત્ની કુસુમ ઉપર જીવનભરની જવાબદારી આવી પડી.
ઘરની બહાર કદી ન નીકળેલી કુસુમ પતિના અવસાન બાદ ઘરની કામગીરી, ઉપરાંત પતિનું પ્રોવિડન્ટ ફંડ,ગ્રેચ્યુટી, વિધવા પેંશન,વારસાઈ સર્ટિફિકેટ જેવી કપરી આંટીઘૂંટી વાળી તથા સમયનો ભોગ માગી લેતી કાર્યવાહી પુરી કરવા સવાર થી સાંજ સરકારી કચેરીના ચક્કર કાપતી થઇ ગઈ.આવી કાર્યવાહી કરવામાં સરકારી બાબુઓ સાથે કોઈ દિવસ પનારો પડ્યો ન હોય રોજ જુદા જુદા બહાના કાઢી ધક્કા કરાવતા કર્મચારીઓથી હારી થાકીને ક્યારેક આંસુ સારતી હતી.
વૈશાખનો ધોમ ધખ્યો તાપ તપતો હતો, આવીજ સરકારી કામગીરી માટે પોતાના કામ માટે કચેરીએ આવેલી અને લાચારીથી કર્મચારી પાસે કરગરતી, સ્વરૂપવાન કુસુમનો માસુમ ચહેરો,વાત કરતા એના ગાલમાં પડતા ખંજન,અને નિતરતા મદભર્યા જોબનને એક અધિકારી સતત એકી ટશે તાકી રહ્યો હતો.
અન્ય કર્મચારીના ટેબલ પાસે ઉભેલી કુસુમને આંગળીના ઈશારે પોતા પાસે બોલાવી
સહાનુભૂતિની સરવાણી ફૂટી હોય એમ કહ્યું "બેન, હું બે ત્રણ દિવસથી જોયા કરું છું કે રોજ તમે તમારા કામ માટે અહીં ધક્કા ખાઓ છો તો બોલો તમારું શું કામ ક્યાં અટક્યું છે તમારા બધા ડોક્યુમેન્ટ્સ અને પેપર્સ બતાવો "
અધિકારીએ બેસવા માટે ખુરસી તરફ ઈશારો કરી પાણી મગાવ્યું. પોતાની ફાઈલ બતાવતાં અધિકારીને પોતાની સમસ્યા સાથે પોતાની આપવીતી કહી સંભળાવી. કુસુમની માસુમ લાચાર આંખોમા એક જુદી જ ચમક આવી ગઈ ઘનઘોર આકાશમાં જેમ વીજળી ઝબૂકે એમ કુસુમના મનમાં એક આશાદીપ પ્રગટ્યો પુરી સહાનુભૂતિ દાખવી ધીરજ પૂર્વક સાંભળ્યા પછી અધિકારીએ આશ્વાશન આપતા કહ્યું "તમે ચિંતા ન કરો તમારી ફાઈલ મને સોંપતા જાવ હું શક્ય એટલી ઝડપથી તમારું કામ પતાવી દઈશ સાથોસાથ તમારો મોબાઈલ નંબર પણ આપતા જાવ જેથી જરૂર પડે હું તમારો સંપર્ક સાધી શકું "એકી ટશે નીરખતા અધિકારીની આંખમાં હવસના સાપોલિયા સળવળ્યા સિફતથી મોબાઈલ નંબર મેળવી લીધેલ અધિકારીને પોતાની દેહ ભૂખ સંતોષવાના દિવસો નજીક દેખાયા.
ત્યારથી કામના બહાને અધિકારી સાહેબ કુસુમ સાથે મોબાઈલ ઉપર અવાર નવાર સંપર્કમાં રહેવા લાગ્યા.
ભોળી કુસુમને સાહેબમાં ભગવાન દેખાયા ધીમે ધીમે સાહેબ ઘર સુધી પહોંચ્યા અને કુસુમ પ્રત્યે અપાર સહાનુભૂતિ દર્શાવી તેની પારિવારિક માહિતી મેળવી લીધી હવે તો કુસુમ સાથે નામથી વાત શરૂ કરતાં પોતાનો પરિચય આપી કહ્યું " કુસુમ,યુવાનીમાં તારી ઉપર આવી પડેલી આટલી જવાબદારી માટે મને ખરેખર સહાનુભૂતિ છે. વિધવા પેંશનની નજીવી રકમમાં આટલી મોંઘવારીમાં પૂરું કરવું ઘણું અઘરું છે. હું તારા માટે સરકારશ્રીને રહેમરાહે નોકરી માટે અરજ અહેવાલ કરી તને ટૂંક સમયમાં નોકરી અપાવી દઈશ."
પોતાનું વિઝિટિંગ કાર્ડ હાથમાં પકડાવી કહ્યું "મારું નામ તનસુખ છે, કાર્ડમાં મારો મોબાઈલ નંબર તથા ઘરનું સરનામું છે." આટલું બોલવાનું પૂરું કરે એ પહેલા કુસુમ ધ્રુસકે ધ્રુસકે રડી કહેવા લાગી "સાહેબ, હું જીવનભર તમારી ઋણી રહીશ તમે ઈશ્વરનો પડછાયો છો ઈશ્વર મને આપનું ઋણ ચુકવવાની તક આપે. "
નિર્દોષ કુસુમના શબ્દો તનસુખે જુદા સ્વરૂપે લીધા અને તુરતજ પોતાના બાહુપાશમાં જકડી આલિંગન આપતા પોતાના રૂમાલથી આંસુ લૂછતાં કહ્યું "કુસુમ,સાચું પૂછ તો મને તારા પ્રત્યે અનુકંપા સાથે ખુબ પ્રેમ થઇ ગયો છે, હું વીસ વર્ષથી પરણિત છું. નિઃસંતાન છું. મારી પત્ની સાથેના મારા પ્રેમલગ્ન હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એ ગર્ભાશયના રોગથી પીડાતી હોય મેં એની સાથે છુટા છેડા લઈ તારા જેવી જરૂરિયાતવાળી અને સુપાત્ર સ્ત્રી સાથે લગ્ન કરવાનું વિચાર્યું છે. જો તારી સહમતી હોય તો હું જીવનભર સાથ નિભાવી તારી ભવિષ્યની બધી જવાબદારી ઉપાડવા તૈયાર છું. ઉતાવળ નથી શાંતિથી બે ત્રણ દિવસ પછી વિચાર કરી જવાબ દેજે પણ એ માટે મારા સ્વાર્થ કરતાં તારું હિત મેં વધુ વિચાર્યું છે એ ખ્યાલ રાખજે" તન સુખ ભોગવવા તલપાપડ થયેલ તનસુખે જતાં જતાં કુટિલ નીતિથી દાણો દબાવ્યો અને વિદાય લીધી.
કહે છે ને કે ગરજવાનને અક્કલ ન હોય.આર્થિક જરૂરિયાત અને મજબૂરી એ બે વસ્તુ નિરાધાર સ્ત્રીની સૌથી મોટી નબળાઈ છે.આ બે વસ્તુથી પીડાતી હોય એવી વિશ્વની કોઈ પણ માનુનીને થોડી મીઠી સહાનુભૂતિ થી મુઠ્ઠીમાં લઈ લેતા તક સાધુઓને વાર નથી લાગતી.
એજ રાત્રે કુસુમના મનમાં વિચારોનું ઘોડાપુર ઉમટ્યું પહેલા વિચારે કુસુમને થયું કે પ્રેમ લગ્ન કરીને વીસ વર્ષથી જેની સાથે સંસાર માંડ્યો છે અને જે સ્ત્રી ઉતરતી અવસ્થાએ શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત છે એને માનસિક સાંત્વના આપી યોગ્ય તબીબી સારવાર કરાવવાને બદલે આ માણસ એને છેહ દઈ છુટાછેડા આપવાની વાત કરે છે એનો શો ભરોસો ?કાલ સવારે એવું જ કંઈક મારી સાથે નહીં બને એની શું ખાતરી ? મારે એક ભવમાં બે ભવ કરવા ? તલાક દીધેલી પત્નીનો માનસિક આઘાત અને નિસાસા શું મને શાંતિથી જીવવા દેશે ?
સમાજને અને કુટુંબને હું શું જવાબ દઈશ ? આવા વિચારે કુસુમ આખી રાત જાગતી રહી. શું કરવું અને કર્યાનું પરિણામ શું આવશે એ કુસુમ નક્કી નહોતી કરી શકતી પરિવારમાં પણ કોઈ એવા વડીલ ન હતા કે જેની સલાહ લઈ શકાય.
વળી બીજી રાત્રે કુસમના દિમાગમાં વિચારોનું ફરી તુમુલયુદ્ધ શરૂ થયું એણે વિચાર્યું કે ચપરાશીની વિધવાને મળતા મામૂલી પેંશનમાં આખા મહિનાના ઘરખર્ચને જ્યાં પહોંચી નથી શકાતું ત્યાં ઘરખર્ચ ઉપરાંત દવા દારૂના ખર્ચને હું કેમ પહોંચી વળીશ ? છાપરા વિનાના ઘરની જેમ જીવવા કરતાં માથે છત્ર હોય તો કેટલી સલામતી રહે.ઉંમર વધતાં શરીર અશક્ત બનશે ત્યારે મારું કોણ ? હું ક્યાં વૃદ્ધાશ્રમને આશરે જઈશ ?
બીજા લગ્ન કર્યાથી કોઈ પણ આર્થિક ચિંતા વિના સલામત અને સુરક્ષિત જીવન જીવી જવાની તક જયારે ભગવાને સામેથી આપી છે તો શું કામ તકને જતી કરવી ? વળી આ સાહેબ પણ સરકારી નોકરી ધરાવતા સહૃદયી અને ભલા ઇન્સાન છે તો જ મારા પ્રત્યે આટલી સહાનુભૂતિ ધરાવે ને ?
આ બધા તુલનાત્મક વિચારોના અંતે કુસુમે તનસુખ સાથે પુનર્લગ્ન કરવાનો નીર્ધાર કરી લીધો.
*******
અઠવાડિયા પછી ફરી તનસુખ કુસુમને ઘેર આવી અતિ સહાનુભૂતિ પૂર્વક ખબર અંતર પૂછી મૂળ વાત ઉપર આવ્યો,"ગયા અઠવાડિયે થયેલ વાત અંગે તે શું વિચાર્યું ?"સોફા પર બેસેલી કુસુમની નજીક પોતાની ખુરશી ખેંચી,અને બેસતાં કુસમનો હાથ પોતાના હાથમાં લઇને તનસુખે પૂછ્યું
કુસુમે જવાબ દેતા કહ્યું "સાહેબ મેં ગંભીરતાથી બધું વિચાર્યું મને એટલો વિશ્વાસ અને ખાતરી આપો કે પાછળથી મારી હાલત તમારી વર્તમાન પત્ની જેવી નહીં થાય,અને તમે તમારા વચન ઉપર અડગ રહી મારી આજીવન જવાબદારી પુરી કરશો,"
તનસુખે જવાબ દેતાં કહ્યું " અરે,પગલી જયારે મેં સામેથી જ બધી જવાબદારી સ્વીકારવાની વાત કરી છે ત્યારે શંકાને સ્થાન જ નથી તને હજુ વિશ્વાસ નથી આવતો ? તું ભવિષ્યની બધીજ ચિંતા મારા ઉપર છોડી દે મારું વચન છે કે તારે ભવિષ્યમાં પસ્તાવાનું કોઈ કારણ નહીં રહે. "
તનસુખના આટલા આત્મ વિશ્વાસુ જવાબથી કુસુમ ભાવુક બની તનસુખના ખભે માથું મૂકી રડતાં કહ્યું " સાહેબ હું લગ્ન માટે તૈયાર છું પણ એ પહેલા તમારી પત્નીના છૂટાછેડા લઈ મને એ કાગળો બતાવો"
તનસુખને જાણે બગાસું ખાતાં પતાસું મોઢામાં આવ્યું હોય એમ મનમાંને મનમાં ખુશ થતાં કહ્યું "હું કાલે જ કાનૂની કાર્યવાહી હાથ ધરી શક્ય એટલી જડપથી વાતનો નિકાલ લાવી દઉં છું હવે તું નિશ્ચિંત રહેજે. "
******
આજથી વીસવર્ષ પહેલાં પોતાની સાથે કોલેજમાં ભણતી સ્વરૂપવાન ભોળી કાલિંદીને દિલફેંક તનસુખે અનેક પેતરા કરી પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હતા. તનસુખનું લગ્ન જીવન પણ સારી રીતે પસાર થતું હતું પરંતુ યુવાવસ્થાથી જ તનસુખ દેહભૂખ્યો હોય આખરે એની વારંવાર શારીરિક માગણીથી કાલિંદી થાકી ગઈ હતી અને અંતે ગર્ભાશયના રોગનો ભોગ બની. થોડો સમય દવા અને સારવાર કરાવ્યા પછી પણ જયારે ડોકટરે એને શારીરિક સંબંધ બાંધવા ઉપર કાયમી પ્રતિબંધ મુક્યો ત્યારથી તનસુખ બેચેન હતો અને કોઈ પણ સંજોગોમાં કાલિંદીને છુટાછેડા આપી બીજા લગ્ન કરવાની ફિરાકમાં હતો. એ દરમ્યાન એ કુસુમના સંપર્કમાં આવતાં જુઠ્ઠી સહાનુભૂતિ પ્રદર્શિત કરી અને વિધવા કુસુમની લાચારી અને મજબુરીનો લાભ લઈ તેને લગ્ન કરવા લલચાવી કાલિંદીને છુટા છેડા આપી કુસુમ સાથે પોતાનો સંસાર માંડ્યો.
ગંભીર ન ગણી શકાય એવી સ્ત્રીઓ માટે સામાન્ય ગણાતી બીમારી,પણ પોતાની જરૂરિયાત ન સંતોષાવાના નજીવા કારણે દગો દઈ છુટા છેડા આપનાર તનસુખ ઉપર કાલિંદી ધિક્કાર વરસાવતી રહી.
વીસ વીસ વર્ષ સુધી પતિનો પડછાયો થઈને સુખે દુખે સતત પડખે ઉભી રહેનારી કાલિંદીનો આત્મા કકળતો રહ્યો,અને બોલી "વીસ વર્ષ પહેલાં જયારે મને પ્રેમ કર્યો ત્યારે જે ચહેરો હતો એ તો માત્ર મહોરું હતું,સાચો ચહેરો આજે દેખાયો દોઢ અક્ષરના શબ્દ" સ્ત્રી"ની લાગણી,પ્રેમ અને પ્રચંડ શક્તિને તથા અઢી અક્ષરના શબ્દ "પ્રેમ"ને તમે ઓળખી ન શક્યા તમારી હવસખોર વૃત્તિથી સ્ત્રીને એક રમકડું જ સમજ્યા મન ભરીને રમી લીધા પછી જેમ બાળક રમકડાંને ફેંકી દે એમ હવસ સંતોષવાની તમારી આ વૃત્તિ આવનાર દિવસોમાં કુસુમની સાથે તમારી પણ જિંદગીની તબાહી કરશે અને યાદ રાખજો કે એ દિવસોમાં ફેંકી દીધેલું રમકડું જ તમારી નજીક હશે. તમે પુરુષ જાતિનું મોટું કલંક સાબિત થયા છો" આટલું કહી કાલિંદી ઘર છોડીને જતી રહી.
********
આ બાજુ જેમ કુસુમે પોતાનો સ્વાર્થ વિચાર્યો એમ તનસુખે પણ પોતાનો સ્વાર્થ વિચાર્યો.
શરૂઆતમાં કુસુમને ખુબ લોભ લાલચથી ભરમાવી ધીમે ધીમે પોતાની પિશાચી વૃત્તિ ઉપર આવી ગયો,અને દિવસ રાત કામાંધ તનસુખ શૈયાસુખની માગણી કરવા લાગ્યો આખરે એના પશુત્વથી કંટાળી,સતત માનસિક દબાણ હેઠળ દિવસો પસાર કરતી કુસુમ બી.પી.ના રોગનો ભોગ બની ગઈ.અત્યંત ત્રાસી જતાં એકવાર તો તેણે તનસુખને ઉધડો લેતાં કહ્યું પણ ખરું કે "તમારી આ હવસખોરીને તમે પ્રેમ કહેતા હતા? એવું શું છે આ હાડચામના દેહમાં કે તમને માંસના લોચા અને ચામડાચૂંથવામાં જ રસ છે ? તમારી બરબાદી તમે હાથે કરીને નોતરો છો.મને મીઠું બોલીને ભોળવી ત્યારે તમારા પશુત્વની આ અસલિયતની મને ખબર ન હોતી, નહીં તો હું ફસાત નહીં તમે એક નિરાધાર વિધવાની લાચારી,મજબૂરી અને ગરીબીનો ગેરલાભ લીધો છે. "
ખંધુ હાસ્ય કરી એક આંખ મિચકારતા તનસુખે જવાબ આપ્યો "પગલી, પ્રેમનો પર્યાય જ જાતીય આનંદ. "
ગુસ્સે થયેલ કુસુમ હવે રણચંડી બનતાં બોલી "ફટ્ટ છે તમારા વિચારોને પ્રેમ તો રાધા અને મીરાંએ પણ કૃષ્ણને કર્યો હતો નજીક રહેવાથી જ પ્રેમ થતો નથી સાચો પ્રેમ એ હૃદયની અનુભૂતિ છે જે દુરબેઠાં પણ અનુભવાય છે મને તમારી માનસિકતા ઉપર દયા સાથે તિરસ્કાર આવે છે.ભૂખ્યા વરુ અને ભૂંડ પણ તમારાથી સારા હોય છે"
******
છેતરાયેલી ભોળી કુસુમ પશ્ચાતાપના આંસુ સારતી રહી.સતત માનસિક તનાવ,મૂંઝારો અને પતિના દેહભૂખ ના શારીરિક ત્રાસથી કંટાળી આખરે કુસુમ એક દિવસે પંખે લટકી જઇ જીવનનો અંત આણ્યો આમ તનસુખનું કુસુમ ખીલ્યા પહેલા મુરઝાઈ ગયું.
*******
બબ્બે પત્નીએ એકલો થઈ જનાર તનસુખ હવે બિંદાસ્ત બની ગયો.ઘરનું પાત્ર ન હોવા કારણે પોતાની દેહભૂખ સંતોષવા હવે પર સ્ત્રી ગમન તરફ વળ્યો સ્થાનિક ઉપરાંત બહારની રૂપજીવિનીઓ એનો સહારો બની ગઈ હોય એમ અલગ અલગ રૂપ લલના સાથે દૈહિક સબંધ બાંધવા લાગ્યો અને આમને આમ પોતાની આવક અને બચત લૂંટાવતા કંગાલિયતને આરે આવી ઉભો.
અતિની પણ ગતિ હોય છે ને ? કરેલાં કર્મોનો હિસાબ ચૂકવવો એ ઈશ્વરીય ન્યાયિક પ્રક્રિયાનો નિયમ છે.
એ મુજબ એક દિવસે તનસુખ સખત તાવમાં પટકાયો બે ત્રણ દિવસ તો સામાન્ય તાવ ગણી ઘરગથ્થુ ઉપાય અજમાવતો રહ્યો પણ પછીથી પેડુ (Abdomen) નો દુખાવો, સુખી ખાંસી,શરીરનું તૂટવું ,અસહ્ય નબળાઈ, અભૂખ,સતત પરસેવો, મોઢામાં ચાંદા, તથા જાડા ઉલ્ટી વધી જતાં તબીબી સારવાર લેવા મજબુર બન્યો.
બીમારીના ઉપરોક્ત લક્ષણો જોતાં ડોક્ટરને ભયંકર જીવલેણ રોગનો વ્હેમ પડ્યો તેથી લોહી-પેશાબના પરીક્ષણ કરાવવાનું સૂચવ્યું રિપોર્ટ આવ્યો અને ડોક્ટરને પડેલ વ્હેમ સાચો ઠર્યો.
હા, તનસુખ એઇડ્સ (HIV) નો શિકાર બની ચુક્યો હતો. કાલિંદી અને કુસુમના નિસાસાએ જીવલેણ અને શર્મનાક રોગ રૂપે ભરડો લીધો સતત શૈયા સુખમાં રાચતો તનસુખ હવે નિસ્તેજ, દુર્બળ અને અશક્ત બની ગયો તનસુખનું તન સુખ હરાઈ ગયું બબ્બે પત્નીઓને આપેલ શારીરિક-માનસિક યાતનાનું ચલચિત્ર એની આંખ સામે તરવા લાગ્યું આવી દયનિય હાલતમાં જયારે તનસુખને કોઈ સાથ કે સધિયારો ન મળ્યો ત્યારે તેને પોતાની પૂર્વ પત્ની કાલિંદી યાદ આવી ગઈ પોતે એના તરફ કરેલ દુર્વ્યહાર અને વર્તનને પોતે બરાબર જાણતો હોવાથી હવે એ માટે પારાવાર અફસોસ કરી આંસુ સારતો હતો અંતે ન રહેવાયાથી તેણે કાલિંદીને પોતાની બીમારી અને નિઃસહાય સ્થિતિમાં મદદરૂપ બનવા આજીજી કરતો સંદેશ મોકલ્યો.
સંદેશ મળતાંજ બીજે દિવસે સાધ્વી જેવા શ્વેતવસ્ત્ર ધારિણી કાલિંદી રૂબરૂ આવી, આવતાંજ તનસુખ એના પગ પકડી ધ્રુસકે ધ્રુસકે રડતાં કરગરીને માફી માગવા લાગ્યો પોતે કરેલ અત્યાચારની કબૂલાત રૂપી આંસુઓની વહેતી સતત ધારાથી કાલિંદીનું કોમળ હૃદય પીગળી ગયું અને કહ્યું
" સાહેબ, આ દિવસ વહેલો કે મોડો અવશ્ય આવવાનો જ હતો ઈશ્વરને ઘેર દેર છે પણ અંધેર નથી. અબળાના આંસુ, નિરાધારના નિસાસા અને વિધવાની વરાળથી દાજેલો કદી સાજો નથી થતો.આ તો કરેલ કર્મોનું ફળ છે એનો અફસોસ ન હોય એ તો હસતે મોઢે જ સ્વીકારે છૂટકો, આજે ક્યાં ગયું તમારું પૌરુષત્વ? કે જે થકી બબ્બે પત્નીઓ શારીરિક ત્રાસથી હારી અને ભાંગી પડી હતી.પોતાના વાક્ચાતુર્યથી નિર્દોષ વિધવાને લાલચમાં ફસાવી આત્મહત્યા સુધી ધકેલી દેનાર નરાધમને બીજા ક્યા સારા બદલાની અપેક્ષા હોઈ શકે? યાદ કરો એ મારા શબ્દો કે "તમારી આ વૃત્તિ આવનાર દિવસોમાં કુસુમની સાથે તમારી પણ જિંદગીની તબાહી કરશે અને યાદ રાખજો કે એ દિવસોમાં ફેંકી દીધેલું રમકડું જ તમારી નજીક હશે." આજે એજ હું કે જેને તૂટી-ફૂટી ગયેલું રમકડું સમજીને કબાડખાનામાં ફેંકી દીધું હતું એ જ તમારા અંતિમ સમયે તમારી બાજુમાં છે.એવું માનવાની ભૂલ કદાપિ ન કરશો કે હું તમારી પૂર્વ પત્નીના હોવાના નાતે અહીં આવી છું એ સંબંધનું તો વર્ષો પહેલા તર્પણ થઇ ગયું પણ આજે માનવતાની રૂએ એક પરિચારિકા તરીકે નિસ્વાર્થ ભાવે તમારી સેવા કરવા આવી છું. જલ્લાદ જેવી ક્રુરતાથી બબ્બે પત્નીઓ ઉપર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારનારને આજે એક મરેલ ઉંદરની જેમ લાચાર અને નિસહાય હાલતમાં જોઈને અવગતે ગયેલા કુસુમના આત્માને શાંતિ મળી સદ્દગતિ પ્રાપ્ત થશે.
" બસ કર,બસ કર,કાલિંદી હવે બહુ થયું હું મારા બધાજ કૃત્યોનો સ્વીકાર કરી તારી અને કુસુમની હૃદયથી માફી માંગુ છું. હું એ પણ સ્વીકારું છું કે યુવાનીના જોશમાં મેં કરેલ બધા પાપોની કુદરતે મને આ સજા આપી છે અને આજે ભલે મોડું મોડું પણ જયારે કાળનું તેડું આવ્યું છે ત્યારે સમજાયું કે "સ્ત્રી" એ દિલ બહેલાવવાનું કોઈ સાધન કે રમકડું નથી પણ એ સહનશીલતાની સૌમ્યમૂર્તિ,પૂર્ણ અન્નપૂર્ણા,અને દિવ્ય ચેતના સ્વરૂપ ત્યાગ,દયા કરુણા અને મમતાની મૂર્તિ છે."
તનસુખ શારીરિક અને માનસિક તો ભાંગી જ પડ્યો હતો પણ જ્યારથી રૂપજીવીનીઓની બજારનો ગ્રાહક બન્યો ત્યારથી આર્થિક પણ ખુવાર થઇ ગયો હતો. હવે એની પાસે પોતાની સારવાર કે દવાદારૂના પણ પૈસા ન રહેતાં કાલિંદીએ પોતાના લગ્ન સમયે પિતૃપક્ષે મળેલા સુવર્ણ આભૂષણો વહેંચી દઈ એની સારવાર કરી.
નર્ક જેવી પીડા અને યાતના લાંબા સમય સુધી સદેહે ભોગવી એક દિવસ તનસુખ કાયમ માટે આંખ મીંચીને પોતાના કર્મોનો ઈશ્વર પાસે હિસાબ રજૂ કરવા પરલોક સિધાવ્યો
પરિચારિકા રૂપે આવેલી કાલીંદીએ ચેપી અને અસ્પૃશ્ય રોગથી પીડાતા તનસુખની દેહાંત સુધી દીર્ઘકાળ નિસ્વાર્થ સેવા કરતા અંતે તેના નશ્વર દેહના મુખમાં તુલસીપત્ર અને ગંગાજળની ચમચી પધરાવી માનવ ધર્મ સાથે પત્નીધર્મ પણ નિભાવ્યો.
******
.
No comments:
Post a Comment