Monday, 29 October 2012

'' ગંગા જળ ..."















ઘણા વર્ષો પૂર્વે ની આ વાત છે.
એક વાર રજામાં મેં હરિદ્વાર જવાનો પ્લાન કર્યો. થોડા દિવસ કુદરતના ખોળે,
અસિમ  સોંદર્ય અને દેવમંદિરના પવિત્ર સાનિધ્યે
થોડા દિવસો વિતાવવાનું નક્કી કર્યું. મુસાફરી માં સામાનથી કાયર થવાની મારી પ્રકૃતિ તેથી ત્રણજોડી કપડા અને ટુવાલ એક બ્રીફ્-કેસમાં લઇ  નીકળી પડ્યો. મિત્રો ને ખબર પડી કે હું અમુક દિવસે હરિદ્વાર જવા નીકળું છું
. તેથી શુભેછાપાઠવવા આવ્યા . તેમાંના મારા એક મિત્ર મનોજે મને કહ્યું "યાર,એક કામ છે, તું કરીશ ?"
"બોલ,બોલ, વરસને વચલે દિવસે તું મને કામ સોપે અને હું ન કરું તો આપણી  દોસ્તી ન લાજે ?"
કામના અંદાજ વિના  હું જરૂર કરતા વધુ પહોળો  થઇ ગયો.કલ્પના ન હતી કે તે કેવું કામ સોપશે.
ધીમે રહી નેતેણે  કહ્યું ,"યાર,આવતા મહીને મારા પિતાજીની પહેલી પુણ્યતિથી છે. મારી  બા ની એવી ઈચ્છા છે કે આપણે કટુંબના લોકો ને કૈક પિતાજીની સ્મૃતિ રૂપે આપીએ "
મેં કહ્યું વાહ,આતો ઉમદા વિચાર છે. તારા માતુશ્રીને અતિ સુંદર વિચાર આવ્યો " પણ તેમાં મારું કયું કામ પડ્યું ?                                          

તેણે આગળ ચલાવ્યું "દોસ્ત,મને એમ થાય છે કે તું હરિદ્વાર જાય છે તો કુટુંબના સભ્યોને
આપવા માટે  ગંગાજલની 20 નાની,લોટી ન લઇ આવે ?"
મિત્રનો સવાલ સાંભળી હું સંકોચાયો છતાં ઠાવકું મોઢું રાખી ને જવાબ આપ્યો ," જરૂર હું કોશિશ કરીશ "
ફિલ્મી ડાયલોગ ની અંદાજ થી તેણે  કહ્યું  "કોશિશે અક્સર કામયાબ હોતી હે "આમ વાત કરી અમે છુટા  પડ્યા .
હું વિચારે ચડ્યો કે ભાઈ હું રહ્યો ફક્કડ ગિરધારી, મારા સામાનમાં માત્ર એક બ્રીફ કેસ જ અને વળી આ બલા ક્યાં ગળે ચોટી ?વળી સમ્બન્ધ પણ એવો કે ના પણ ન પડાય  સાપે છછુંદર ગળ્યા જેવા હાલ થયા, મેં વીચાર્યું  કોઈ વાંધો નહી,પડશે તેવા  દેવાશે.
હું હરિદ્વાર ની યાત્રા એ નીકળી પડ્યો.દશ દિવસ ના રોકાણ માં દરેક ઘાટ, આશ્રમો, કનખલ,,સ્વર્ગાશ્રમ, અને અનેક દેવમંદિરો, ગંગા મૈયા ની સાંધ્ય આરતી, અને હરકી પેઢી નું રાત્રી માહોલ માણ્યું. છેલે દિવસે મારી અંગત ખરીદી તો કાઈ ન હોતી , પણ મિત્રની "લોટી ની સોટી "મારા ઉપર લટકતી હતી.
હરિદ્વાર માં ગંગાજલ ની ખાલી લોટી,કે જેમાં માત્ર બે ત્રણ ચમચી જ પાણી સમાય, ત્યાંથી માંડી ને મોટા કેરબા વેચતી દુકાનો છે .
 તેવી એક દુકાન માં હું ઘુસ્યો, અને સૌથીનાની સાઈઝ ની લોટી કે જે પેન્ટના ખીસામાં બે
ત્રણ સમય જાય તેવડી 20 લોટીખરીદી.દુકાનદાર સજજન હતો તેને જળ  ભરીઆવ્યા પછી લોટીને મફત રેણ કરીઆપવાની ઓફરપણ કરી પણ મેં તેમ ન કરતા એક કેરીબેગમાં 20 લોટી લઈ નીકળી પડ્યો.એ 20 લોટીમાં જો ગંગાજળ  ભરીને જુનાગઢ લાવું તો સામાન, અને વજન બન્ને વધી જાય વળી કોઈ લોટીનું રેણ  કાચું હોય તો,તેમાંથી જળ  પણ બહાર આવે તેથી જળભર્યા વિનાની 20 લોટી લઇ  હું નીકળી પડ્યો.કેરીબેગ માં રહેલી લોટીઓ, જયારે પગ માં ભટકાય ત્યારેઘૂઘરિયાળા બાવા ના ઘૂઘરા જેવો અવાજ આવતો હતો.
જુનાગઢ આવી એ 20 લોટી લઇ ને દિવાનચોક ને ખૂણે આવેલી બાલુભાઈ પ્રાઈમસ
વાળાની દુકાને બીજે દિવસે પહોંચ્યો, બાલુભાઈ મારા પિતાજીને  નજીકથી જાણતા.
ત્યાં જઈને મેં બધી વાતકરી અને,બાલુભાઈની દુકાનના,ગોળાનુંપાણી લોટીમાં ભરી 20એ લોટી ને રેણ કરાવી  હું ઘેર આવ્યો.
 અને તેજ દિવસે સાંજે મારા તે પરમ મિત્રને લોટી સોપી દીધી.
ગદગદિત થયેલ મિત્ર એ કહ્યું " યાર, મને વિશ્વાસ ન હોતો કે તું લોટી  લઈ આવીશ ,
મેં વળતો જવાબ આપ્યો " તે મને 20 લોટી નું કહ્યું અને હું તે ન લાવું તો મારા જેવો મુર્ખ કોણ હોઈ શકે /
રાત્રે મારા ભાઈ એ આ અંગે પૂછતાં મને કહ્યું કે " એલા, તે ગંગાજલને બદલે "બાલુજલ" પધરાવ્યું ?
મેં કહ્યું, ભાઈ, હરિદ્વારથી 20 લોટી ભરેલી કેરીબેગ લાવતા મારી હાલત શું થાય ? મારો પોતાનો તો કોઈ સામાન ન હતો ?
એક રીતે વિચારો તો મેં  વ્યાજબીજ કર્યું છે મેં દલીલ કરી.
"
મેં ગંગા જોઈ છે દરેકે દરેક ઘાટ ફર્યો છું,તમે જેટલી ગંગાને પવિત્ર માનો છો તેટલીજ ગંદકી,અને અસ્વચ્છ પાણી નદીમાં વહે છે.
મેં અનેક ઘાટ  ઉપર સ્થાનિક લોકો ને સાબુ લીપી ન્હાતા જોયા છે,લાખો લોકો અસ્થિવિસર્જન માટે ત્યાં આવતા અસ્થી સાથે રાખ ના કુંભ ઠલવાતા જોયા છે
ત્યાની લોકો ની પછાત પ્રજા માં એવો અંધવિશ્વાસ છે કે મૃતદેહને ગંગાના જળમાં વહેતો મુકવાથી મ્રત્યુ પામનાર વ્યક્તિ સદેહે સ્વર્ગે જાય છે.
તે માન્યતાને કારણે  મેં કેટલાયે મૃતદેહો ને ગંગાની સપાટી ઉપર તરતા જોયા છે .અને એટલે જ કેહવાયું કે "રામ તેરી ગંગા મેલી "એટલુજ નહી પણ મેં કેટલાયે નાનાબાળકો  ની માતા ને બાળકના "ડાયપર " ગંગાનદીમાં ધોતા જોયા છે .
"ગંગા બચાવો "ના અભિયાનસાથે ત્યાની સ્થાનિક સરકાર સાથે ઘણી માથાકુટો  થઇ છે. એટલુજ નહી પણ થોડા સમય પહેલા રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સામે અન્નશન ઉપર ઉતરેલા હરિદ્વાર ના એક  સાધુ રામશરણ પહોંચી ગયા,પણ રાજ્ય સરકારના પેટ નું પાણી આજ સુધી નથી હલ્યું.
ખુદ આજે ભાગેરથી  ને પણ થતું હશે કે હું જ્યાં સુધી ભગવાન ભોળાનાથની જટામાં હતી ત્યાં સુધી સારી હતી, પણ મારા અધ;પતન થી પૃથ્વીલોકના માનવીએ મારું રૂપ-સ્વરૂપ
બદલી નાખ્યું .
સદનસીબે ભારત ને  બે અતિમુલ્યભેટ મળી છે. ભોઉગોલીક ભેટ ગંગા અને ઐતિહાસિક ભેટ તાજમહાલ ,
પણ કમનસીબે ગંગા પ્રદુષણથી પીડાય છે અને તાજમહાલને પણ પ્રદુષણ રૂપી કેન્સરે ભરડો લીધો છે। અને લાચાર સરકાર મૌન છે.
, આલોક છોડી ને પરલોક જતા આત્માને, જાણવા અને જોવા છતાં પવિત્રતાના નામ ઉપર ગંદુ,અને અસ્વચ્છ જળ આપવું કેટલું યોગ્ય છે ?
વાત છે શ્રદ્ધાની.શ્રદ્ધાસાથે જો લોટીનું જલ મૃતદેહને પાવામાં આવે તો તે" બાલુ=જલ " જરૂર ગંગાજળ બનીજાય. મંદિરમાં રહેલ મૂર્તિ ગર્ભગૃહમાં પહોચી તેપહેલા બહાર
તે પત્થર જ હતો,આપણી શ્રદ્ધાએ તે પત્થરને  દેવ બનાવ્યો,
આપણી શ્રદ્ધા  એ તે પત્થર માં પ્રાણ પૂરી દેઈવત્ય  આપ્યું અને એટલેજ કહેવાયુછે ને, કે " "શ્રધાનો વિષય હોય ત્યાં પુરાવાની શું જરૂર છે, કુરાનમાં ક્યાં પયગંબરની સહી છે "

  

"ગુજરાત નો નાથ "

 
1959, 17 જુન .
મેટ્રિક પાસ થયા,અને કોલેજના પ્રવેશનો પેહલો  દિવસ.
સહશિક્ષણની પહેલી અને નવી અનુભૂતિ .
  ઈંગ્લીશનો પીરીયડ,પ્રો.પ્રભુદેસાઈ સાહેબ મોરપિચ્છ કલરના સુટમાં વર્ગમાં દાખલ થયા
સાહેબે પહેલે દિવસે સામાન્ય વાતો શરુ કરતા (ઇંગ્લીશમાં )કહ્યું કે " ગુજરાતી તમારી માતૃભાષા છે અને જો તેનું જ્ઞાન વિશેષ હોય તો ઈંગ્લીશ જેવી વિદેશી ભાષા શીખવી અઘરું નથી
ચાલો તમારું ગુજરાતી વાંચન વિષે હું થોડું પૂછું.પ્રભુદેસાઈ સાહેબ ગુજરાતી બોલે અને સમજે ખરા પણ મહારાષ્ટ્રીયન હોવા કારણે  ભાષા/ સાહિત્યનું વિશેષ જ્ઞાન નહી   .
સાહેબે પૂછ્યું," કનૈલાલ મુનશીનું શ્રેષ્ઠ નાટક કયું ?."(Which is the best play written by kanaiyala Munshi) વર્ગમાં સન્નાટો છવાઈ ગયો .
બહેનોમાંથી એક સ્માર્ટ, હોશિયાર બહેને આંગળી ઉંચી કરી અને કહ્યું ." સર,ગુજરાતનો નાથ "
હું અને સ્વ.બીપીન વૈદ્ય છેલ્લી  બેંચના રીઝર્વ વિદ્યાર્થી હતા. મેં બીપીન ને કહ્યું ." બીપલા, ગુજરાતનો નાથ ક્યાં નાટક છે ? તે તો નવલકથા છે ? "
બીપીને કહ્યું .." મુનશી એ નવલકથા અને નાટક બન્ને એક જ નામે લખ્યા હશે,મૂંગો બેસને તને શું ખબર પડે"
અમારી કાનાફુસી સાહેબના ધ્યાન માં આવતા તરત પૂછ્યું .." what murmuring is going on there " બીપીને જવાબ આપ્યો સાહેબ હું નહી  ઈ આ ઝાલા કૈક કહેછે " સાહેબે મને પૂછ્યું ,મેં ગુજરાતીમાં જવાબ આપ્યો કે સર,ગુજરાત નો નાથ નવલકથા છે play  નથી, અને મુનશી નું એક માત્ર શ્રેષ્ઠ નાટક "કાકા ની શશી" છે.
સાહેબે પેલા બહેન સામું  જોઈ ને પૂછ્યું. ઇસ હી રાઇટ ?
બહેને જવાબ વળ્યો, સર હશે મને ખબર નથી.
બસ ,,,,, તે દિવસ થી તે બહેન નું નામ વર્ગ માં "ગુજરાત નો નાથ" પડી ગયું .
          ********                             ********
કોલેજ નું બીજું વર્ષ
ગુજરાતીનો વિષય અને પ્રો.તખ્તસિંહ વ્હેરાભાઈ પરમાર (તખુભા પરમાર સાહેબ )
પીરીયડ લેવા આવ્યા.ગુજરાતીનું પાઠ્યપુસ્તક "ગુજરાત નો નાથ"
અમે અમુક છોકરાઓ એ નક્કી કરેલુ  કે 50 માર્ક્સ ના વિષય માટે  આટલું મોંઘુ  પુસ્તક ખરીદવું નથી  લાઈબ્રેરી અને ગાઈડના સહારે વર્ષ કાઢી નાખશું પણ પરમાર સાહેબ પાઠ્યપુસ્તક વર્ગમાં લાવવાના આગ્રહી
થોડા દિવસ પછી એક,એક વિદ્યાર્થીને પૂછે " પુસ્તક લાવ્યા છો, ? ના, તો કેમ નહી ?
એક દિવસ મારો વારો ચડી ગયો પરમાર સાહેબે મને પૂછ્યું " ગુજરાત નો નાથ લાવ્યા છો "?
શમ્મીકપૂર પોતાની ફિલ્મમાં ગીત ગાતી  વખતે ડોકી ને જેટલા ઝટકા દે તેટલાજ અને તેવા જ પણ ઝટકાની તિવ્રતા થોડી ઓછી  વાત કરતા તેવા ઝટકા દેવા ની ટેવ શ્રી પરમાર સાહેબ ને ખરી .
મેં કહ્યું સાહેબ હું હવે લઇ લઈશ " આમ કરતા દિવાળી વેકેશન પડી ગયું
તે દરમિયાન ગુજરાતનો નાથ ના નામથી જાણીતા બહેનની સગાઈ થઇ
નવી ટર્મ શરુ થઇ પરમાર સાહેબે મને પકડ્યો, પૂછ્યું ,,
" પુસ્તક ક્યાં ?
મેં જવાબ આપ્યો સર, કયું ?
"ગુજરાતનો નાથ " સાહેબે જવાબ આપ્યો ,
મેં અતિ વિનમ્રભાવે સાહેબ ને કહ્યું " સર,દિવાળી ના વેકેશન દરમ્યાન હું લેવા ગયો પણ બઝારમાં એકજ પ્રત હતી અને તે વહેંચાઈ ગઈ, મને પણ અફસોસ છે કે હું મોડો પડ્યો, અને કોઈ ખુશનસીબ વ્યક્તિ ના ભાગ્યમાં તે લખાયેલ હશે "
આખો વર્ગ તે બહેન સામું  જોઈ ને ખડખડાટ હસ્યો પરમાર સાહેબને તે હાસ્યનું રહસ્ય ન સમજાતા દિગ્મૂઢ થઇ ને જોતા રહ્યા
એ બહેન હકીકતે મેરીટ સ્કોલર હતા, રાસ-ગરબામાં તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પણ અગ્રક્રમે હતા,
અહીં મહત્વની વાત એ છે કે આવી નિર્દોષ મજાક-મશ્કરી ત્યારે તોફાન ગણાતું તેમ છતાં એ સમયના વિદ્યાર્થી-વિદ્યાર્થીની ભાઈ બહેનોમાં માનસિક વિકાર કે વિકૃતિ નહોતા જોવા મળતાં
 વાત સમરસતા ની છે લગ્ન પછી તે બહેન વડોદરા સ્થિર થયા હતા અહીં પણ તેઓ વડોદરાની સાંસ્કૃતિક પ્રવૃત્તિનું અવિભાજ્ય અંગ હતા એમના પતિ પણ મારા પરિચિત હતા  અને મને અવારનવાર બન્ને સાથે મળતા અને મધુર સ્મિત આપી  પ્રેમથી બોલાવતા પણ ખરા
કમનસીબે, થોડા સમય પહેલા તે બહેને આ ફાની દુનિયાની વિદાય લીધી છે.

Sunday, 21 October 2012

સિક્કા ની બીજી બાજુ .....

થોડા સમય પહેલાની વાત છે.
હું અને મારા મિત્રો એક દિવસ ઘેર બેઠક જમાવી ગામગપાટા મારતા હતા. તેવામાં મારા મિત્રના હાથમાં જુનું છાપું આવી ચડ્યું. છાપામાં  એક સમાચાર વાંચી તે ચમક્યો સમાચાર આ મુજબ ના હતા .
" અમદાવાદના નિવૃત પ્રોફેસર ભવરલાલ (70) એ વડોદરાની 60 વર્ષ ની સ્ત્રી સાથે લગ્નગ્રંથી થી જોડાયા ."
"શું જમાનો આવ્યો છે ..?" તે બોલ્યો
બીજા એ ટાપસી  પુરાવી કે "આ ઉમરે ડોસાને શું સુજ્યું ?"
ત્રીજો પણ ખાબક્યો " ભાભો હજુ ધરાણો નથી? કે લુંટી લેવા ઘોડે ચડ્યો ?"  .
મારાથી ન રેહવાયું , હું બોલ્યો " ભાઈ, ઉમર સામું ન જુવો, માણસની જરૂરિયાત, લાચારી,અને મજબુરી  સમજો " તમે જે દ્રષ્ટિકોણથી જુવો છો તે આ લગ્ન પાછળનો હેતુ નથી, વૈધવ્ય કે વિધુરઅવસ્થા, પાછળની જિંદગી માં શ્રાપ બની જાય છે. માણસ એકાંતમાં ગૂંગળાઈને આત્મહત્યા સુધીના વિચારે ચડી જાય છે .
જે માણસે ખુદ્દારી અને સ્વમાનથી જીવન જીવ્યું છે તે લોકોને આ અવસ્થા પરાધીનતા અને મજબુરીના બંધન થી જકડાયેલી લાગે છે.
આ તો રામબાણ છે વાગ્યા હોય તે જાણે .
બેંક માંથી નિવૃત થઇ ને મેં જુનાગઢ પાસે ના એક નાના ગામના વૃધાશ્રમમાં સેવાના ભાગ રૂપે થોડો સમય કામ કર્યું છે.
 લાચાર વૃધોના  મોઢા ઉપર લજ્જાની છાય દેખાતી હોય છે સારાસારા, અને સુખી ઘરના વૃદ્ધોને મેં ત્યાં જોયા છે.
"ઘરનો દાજ્યો ક્યાં જાય "? તે ન્યાયે બિચારા થઇ ને પડેલા મેં જોયા છે એક એકની વાત સંભાળતા પથ્થર પણ પીગળી જાય તેવી કરુણ દાસ્તાનો મેં સાંભળી અને આજ પણ મારા દિલ દિમાગને કોરી ખાય છે .
તે વૃદ્ધાશ્રમમાં અમે સાંજે સાત વાગ્યે સાંજનું ભોજન આપતા, અને રાત્રે 8 વાગ્યે સાયમ પ્રાર્થના યોજાતી .
મેં એક ટેવ રાખી હતી કે રોજ ભોજન અને ભજનના સમય દરમ્યાન દરેક વૃદ્ધ પાસે બેસી તેને સાંત્વના આપી તેનો કોઠો હળવો કરતો.
દરેકને અલગ સમસ્યા હતી.અને દરેક સમસ્યાનો ઉકેલ એક માત્ર હતો....... વૃદ્ધાશ્રમ !
કેટલાક દીકરા થી, તો કેટલાક વહુ થી તો કેટલાક શારીરિક મારથી, તો કેટલાક વાગ્બાણો,અને મેણાટોણા થી કંટાળી ને જીવન સંધ્યાના અસ્તાચળે ઘરનાને મૂકીને પારકાને પોતાના બનાવવા મજબુર બને છે.
હું તેઓની તરેહ તરેહ ની સમસ્યાથી એટલો ભાંગી પડ્યો કે ક્યારેક મારા થી બોલી જવાતું કે હે પ્રભુ, !
"કપૂત સંતાનો આપવા કરતા વાંઝિયા રહેવું સારું છે, અને બીજું, હાથપગ ચાલે અને શરીર શશક્ત હોય  ત્યારે માણસને તું ઉઠાવી લેજે . વૃધાવસ્થા  એક શ્રાપ છે".
મારું વક્તવ્ય સાંભળી  મારા મિત્રો ચુપ  થઇ ગયા અને સહમત  થયા કે શારીરિક સુખએ લગ્નની એક માત્ર  જરૂરિયાત નથી.
લાખો કમાતા દીકરા બાપ ને મંદિરે મુકવા એક રૂપિયો ન આપે ? તે પીડા ઓછી છે ?
વિધુરવસ્થામાં કરેલ લગ્ન એક સમજુતી છે. જીવનના અંત ભાગે એક સધિયારો છે સુખ દુખનો સાથી અને મનોબળનો ટેકો છે, એક હુંફ છે અરસપરસ કોઠો ખાલી કરવાનો ઈલાજ છે,
જરૂર છે તો એકજ કે, સમાંજે પોતાનો દ્રષ્ટિકોણ બદલાવવાનો   ! ! !

.

Thursday, 4 October 2012

વળાવી બા આવી ...!

સામાન્ય રીતે પ્રોફેસરોભૂલકણા,અને બોલકણા  હોય છે. ભૂલકણાનો તો મને અનુભવ નથી પણ બોલકણા પ્રોફેસરો મેં ઘણા જોયા છે અલબત્ત તેમાં અપવાદ પણ હોય છે. જેમ કે બાહુદ્દીન કોલેજ ના પ્રો. પી.સી.શાહ (સંસ્કૃત) લજ્જામણી ના છોડ જેટલા શરમાળ હતા. પ્રોફે .પ્રફુલભાઈ ઝાલા મરકવાથી પતે તો હસતા નહી, હસવાથી પતે તો ડોકી હલાવતા નહી, ડોકી હલાવવાથી પતે તો  બોલતા નહી.
પણ એક જુદો  અનુભવ હું લખું છું
1965માં સ્નાતક થયાપછી અભ્યાસ છોડી લગ્નગ્રંથીથી જોડાયેલા મારા સ્વ.પત્ની જ્યોતિ ઝાલાએ ભાવનગરની બી.એડ. કોલેજ માં 1975 માં પ્રવેશ મેળવી અભ્યાસ શરુ કર્યો.
પ્રવેશ મળ્યાનો પત્ર મળતા જ તેણે  ફોર્મ ભરી, મને ફી ભરી આવવા કહ્યું.
 હું કોલેજે પહોંચ્યો.કોલેજની કચેરીના કર્મચારીએ ફોર્મ જોયું,વાંચ્યું અને મને પૂછ્યું "મુખ્ય વિષય ગુજરાતી રાખ્યો છે?"
 મેં કહ્યું ,જી  હા
કર્મચારીએ મને ખંડ નંબર 3 તરફ અન્ગુલી નિર્દેશ કરી કહ્યું " તમે દમુબેન પાસે જાઓ" 
દમુબેન ? એ કોણ ? મેં પૂછ્યું
મને જવાબ આપ્યો કે  દમુબેન ગુજરાતી ભાષાના વિભાગીય વડા છે. તેની સહી વિના ગુજરાતીના વિદ્યાર્થી ને  નથીએડમીસન અપાતુ, કે નથી તેમની ફી સ્વીકારતી .
હું ગયો. ડો. દમયંતીબેન મોદી (સૌરાષ્ટ્ર રાજ્યના, ભૂતપૂર્વ પ્રધાન,સ્વ.જાદવજીભાઈ મોદીના સુપુત્રી)પાસે.ખાસ્સા સમયપછી મારી સામું જોયા પછી આસન ગ્રહણ કરવા મને કહ્યું
દમુબેને પૂછ્યું " બી એડ.માં,મુખ્ય વિષય ગુજરાતી રાખવો છે ? મેં કહ્યું, જી  હા.
ફરી પૂછ્યું.. " શા માટે ?"
સરળતાથી તૈયાર  થઇ શકે તે માટે મેં જવાબ આપ્યો .
નવો પ્રશ્ન ." કેટલા સંતાન છે ..?
હું તો સજ્જડ થઇ ગયો બી એડ , ગુજરાતીને સંતાન સાથે શું નિસ્બત છે ?
છતાં મેં જવાબ આપ્યો "મેડમ, ચાર .
મેડમે જવાબ વાળ્યો, " એક કામ કરો, બીજો વિષય પસંદ કરી લો.
મેં પૂછ્યું કેમ ..? તેણે  ઉત્તર આપ્યો કે " ચાર સંતાન સાથે ઘર ની જવાબદારી ઉપાડતા ગુજરાતી જેવો ગહન  વિષય તૈયાર ન થઇ શકે.તમને ખબર છે કે ગુજરાતી માં પ્રાચીન સાહિત્યકાર નરસિંહ,મીરાં,નર્મદ, અખો , પ્રેમાનંદ અને કલાપીથી લઇ ને ઝવેરચંદ મેઘાણી,રમણલાલ નીલકંઠ, કનૈયાલ મુન્શી અને,રમણલાલ દેસાઈ, પન્નાલાલ પટેલ થી લઇ ને સુરેશ દલાલ,અને  રમેશ પારેખસુધી ભણવું પડે છે. તમે ધારો છો એટલું ગુજરાતી સહેલું નથી.મોટાભાગના વિદ્યાર્થીઓ એવું માને છે કે ગુજરાતી વિષયમાં ગપ્પા મારી, પાના ભરીને પાસ થઇ જવાય છે, પણ ગુજરાતી ખરેખર તેમને માટે ઘણું કઠીન છે ,અને આવા ઘરની જવાબદારીથી વીંટળાયેલ, વિદ્યાર્થીઓ અમારું રીઝલ્ટ બગાડે છે "
મેં વિનમ્ર ભાવે વિનંતી દોહરાવી કે " મેડમ , હું તેને મદદ કરીશ
મેડમ અકળાયા  "તમે ? તમે  શું મદદ કરશો ? ચાલો મને કહો " વળાવી બા  આવી " તે કયો છંદ છે ?
હું તો ચક્કર ખાઈ ગયો , મેં કહ્યું " મેડમ હું મદદકરીશ એટલે ઘરકામમાં તથા બાળકો ને સંભાળવામાં મદદ કરીશ શિક્ષક તરીકે ભણાવવામાં નહી. બીજું, હું ખુદ પ્રવેશ માટે નો ઉમેદવાર નથી.ત્રીજું, મારા પત્ની બી.એડ. માં પ્રવેશ ઈચ્છે છે.PhD.માટે નહી,અને છેલ્લે,હું અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી છું સાહિત્યનો નથી તેથી અલંકાર અને છંદના કુછંદમા હું કદી પડ્યો નથી.
તમારી વાત સો ટકા સાચી છે અને હું સ્વીકારું પણ છું કે "ગુજરાતી અઘરું છે "
પણ "સહેલું, અને અઘરું " તે વ્યક્તિ/વિદ્યાર્થીની માનસિકતા છે, ઉપરાંત તે સાપેક્ષ પણ છે,જે ભાષાના નિષ્ણાતને ગુજરાતી સહેલું લાગે તે નવા વિદ્યાર્થીને કદાચ અઘરુ લાગે, અને જે એક વ્યક્તિ ને બેન્કિંગ, કે અર્થશાસ્ત્ર સહેલું લાગે તે ભાષા નિષ્ણાતને અઘરું પણ લાગે, પણ અશક્યતો ન જ લાગે
ઘણી દલીલો છતાં મેડમે પોતાનો જ ક્કો સાચો રાખ્યો, અને મારે નમતું જોખવું પડ્યું
            બી.એડ માં પ્રોજેક્ટ તૈયાર કરવાના,અને ઓબ્સેર્વેસનના માર્ક્સ સ્થાનિક કોલેજને હવાલે હોય છે આ કારણે,મેં વિચાર્યું કે લાંબી દલીલ કરીને સફળતા મેળવાની કિંમત વાર્ષિક પરીક્ષા ના પરિણામમાં ચૂકવવા કરતા વિષય બદલાવી લેવો તે સમયોચિત ડહાપણછે. અને મેં વિષય બદલાવી ઈતિહાસનો વિષય સુધારી ફોર્મ અને ફી આપી દીધા.
ખૂનકેસ નો કેસ કોર્ટમાં જીતી ગયા પછી જીતેલો વકીલ જેમ છાતી ફુલાવી મલકાય તેમ મેડમ મલકયા
જતા જતા મેડમ ને કહ્યું " મેડમ, આપના માતૃભાષાતરફના પ્રેમને સો સો સલામ,
        માણસ કપડાથી શોભે છે, મોર પીંછાથી શોભે છે, ઝાડ પાદડાથી શોભે છે,જાન જાનૈયાઓ થી શોભે છે, કુદરત વસંતમાં ખીલે છે / શોભે છે, તેમ વિદ્યા વિનય થી શોભે છે
પોતાની શાક્ષરતાથી બીજાને પ્રભાવિત કરવા,પોતાના જ્ઞાન અને,પદનું અભિમાન કે દંભ દર્શાવવામાં
પોતાની મહાનતા સમજવી, કેટલાક લોકોની આદત હોય છે સાચો શિક્ષક એ છે જે વિદ્યાર્થી ને માર્ગદર્શન પૂરું પાડી, અને ન આવડતા વિષય શીખવાડી પારંગત બનાવે, જે જાણે છે, જેને આવડે છે, અને જેને ફાવે છે તેવા વિદ્યાથીઓ ને વિશેષ ધ્યાન દેવાની જરૂરત જ ક્યાં છે ?
 આંતો  તેના જેવું થયું .
" પોલું છે ને વાગ્યું તેમાં,કરીતે શી કારીગીરી,?
 સાંબેલું બજાવે, તો હું જાણું કે તું શાણો  છે "