Wednesday, 29 July 2015

" કાગડો દહીંથરું તાણી ગ્યો ..." (હળવી કલમે)

હું S.S.C.પાસ થયો ત્યાંસુધી "ગુજરાતી સાહિત્ય"એટલે શું ? તેની મને સમજ ન હોતી
(આજે પણ બહુ જાજી સમજ નથી) મારા અભ્યાસમાં ચાલતા ગુજરાતી વિષયના પુસ્તકને જ
 હું "ગુજરાતી  સાહિત્ય" સમજતો  બસ,100 માર્ક્સનું પેપર,અને એક પાઠ્યપુસ્તક એ ગુજરાતીસાહિત્ય.
 એવું હું સમજતો .એટલે મને સાહિત્ય રૂચી ઓછી હતી.
તેમ છતાં હું એકવાર મારા સાહિત્યપ્રેમી મિત્ર સાથે ડો.ઉપેન્દ્ર પંડ્યાનું  વિવેચન વ્યાખ્યાન સાંભળવા ગયો
ડો. ઉપેન્દ્ર પંડ્યા વિદ્વાન સાહિત્યકાર,પીઢ લેખક,અને સુંદર વિવેચક હોવા ઉપરાંત રાજકોટની ધર્મેન્દ્ર કોલેજ માં ગુજરાતી વિભાગના પ્રમુખ પ્રાધ્યાપક હતા. વિવેચન વ્યાખ્યાનનો વિષય હતો  કવિ કલાપીની જાણીતી પંક્તિ "સૌન્દર્ય પામતાપહેલા સૌન્દર્ય બનવુંપડે " .
બહાઉદ્દીન કોલેજમાં સાહિત્યપ્રેમીઓથી ખીચો,ખીચ ભરેલા મધ્યસ્થ ખંડમાં ઉભવાની જગ્યા ન હોતી
વ્યાખ્યાન અતિ વિદ્વતા ભર્યું હતું,
પંડ્યા સાહેબે "સૌન્દર્ય" ની જે વ્યાખ્યાઆપી, તેથી મારી એક ગેરસમજ દુર થઇ,
તેણે સૌન્દર્યની વ્યાખ્યા આપતાં  કહ્યું કે "આંતરિક અને બાહ્ય સુંદરતા ધરાવતી વ્યક્તિ માટે સૌન્દર્ય શબ્દ વપરાય છે  જે દરેકમાં નથી હોતું, માત્ર રૂપને આધારે,કોઈ વ્યક્તિ રૂપાળી કહી શકાય,પરંતુ સૌન્દર્યવાન ન કહી શકાય. સૌન્દર્ય હોય તે રૂપાળા,અને દેખાવડા અવશ્ય હોય પણ રૂપાળા અને દેખાવડા બધા લોકો સૌન્દર્યવાન,નથી હોતા, સૌન્દર્ય ધરાવતી વ્યક્તિનું બાહ્ય સૌન્દર્ય તો જોઈ શકાય છે, પણ આંતરિક સૌન્દર્યપણ તેના વાણી,વ્યવહાર, વિચારો, શિસ્ત,સંસ્કાર,લાગણી,દયા,પ્રેમ,લાજ-શરમ,મર્યાદા,ધાર્મિકતા વિગેરે તમે તેની સાથેના થોડા સહવાસમાં માપી/જોઈ શકો છો.. જયારે રૂપાળીવ્યક્તિના આંતરિકગુણ પારખી નથી શકાતા"
         બસ,મારી આ જ મોટી ગેરસમજ હતી, હું દરેક ગોરી ચામડીવાળી સ્ત્રીને "સૌંદર્યવાન" ગણતો હતો.
શિયાળામાં,સ્વેટર,મફલર,કે ઉની ગરમવસ્ત્ર વહેંચતી  તિબેટીયન માર્કેટમાં બેઠેલ જાડી,ચીબાનાક, ઊંચા કપાળ, જીણી આંખવાળી,બેઠેલી તિબેટીયન મહિલાની ગોરી ચામડી જોઇને હું તેને પણ સૌંદર્યવાન ગણતો.
               જે વાત મને 19 વર્ષે સમજાણી,તે વાતનો મારાસાસુજીને 59 વર્ષેપણ ખ્યાલ કે ખબર ન હોતા
તેઓ પોતાનીપુત્રીને "સૌંદર્યવાન" જ ગણતા,અને કહેતા,કહેવરાવતા
આમ તો મારો વાન ઘઉં વર્ણો, અને મારી પત્નિનો વાન "જુવાર વર્ણો ".તે સિવાય બીજો ખાસ કોઈ ફેર નહી
પણ સૌદર્યવાન હોવાનો, માતા-પુત્રીને જે વહેમ હતો,તેનો કોઈ ઈલાજ ન હતો...
એકવાર રવિવારની સાંજે અમે લાખોટા તળાવનીપાળે બેઠા હતા,
કંઇક જૂની પુરાણી વાત નીકળતા તેણે કહ્યું "આમ તો મારી સગાઈ સુકેતુ, સાથે થવાની હતી તે મને અને મારી મમ્મીને બન્નેને પસંદ હતો,રાજેશખન્ના જેવા મોટા ઓડિયા,વાળ, કમળની પાંખડી જેવી સ્વચ્છ અને સુંદર આંખ.મારી મમ્મીને ગમતા હતા ઉપરાંત સંગીતની રુચિ, હાર્મોનિયમ જેવા વાદય પારંગત,પણ ખરા "
મેં પૂછ્યું " તો ક્યાં અટક્યું ?"
"મારા પપ્પાએ ના પાડી " શરમાતા તેણે જવાબ આપ્યો
હું વધુ  વિગતમાં ગયો,અને પૂછ્યું "પપ્પાને વળી  શું વાંધો પડ્યો ?"
"નોકરીનો.. સુકેતુ રેલ્વેમાં નોકરી કરતો હતો, મારા પપ્પા કહે "ગાયકવાડ સરકારની પેઢી (ત્યારે બેંકોની માલિકી પ્રાઇવેટ હતી,રાષ્ટ્રીયકરણ ન હોતું થયું) રેલ્વે કરતા સારી તેમાં બઢતી,અને બોનસની તક મળે રેલ્વેમાં તેટલી જડપથી પ્રમોશન ન મળે " શરમાતાં શરમાતાં તેણે જવાબ આપ્યો
મારી મમ્મીએ ન છુટકે તે સ્વીકાર્યું પણ આજ સુધી તે કહે છે કે, " કાગડો દહીંથરું તાણી ગ્યો " એટલું બોલતા તે હસી પડી.
         મેં હસતા,હસતા કહ્યું ,"હા, હું તે સુકેતુને ઓળખું છું, તને ખબર છે? તે જયારે રેલ્વેમાં ટિકિટ બુકિંગ પર  બેસતો હતો ત્યારે તેણે કેટલાયે પેસેન્જરોની, ફા,,,,,,,,ડી,,, નાખી છે, પણ આજ સુધી તેની ટીકીટ કોઈએ નથી ફાડી. સારું થયું ઈ તારે પનારે ન પડ્યો,નહી તો તું તેની જરૂર ફા,,,,ડી નાખત
            
તારી મમ્મી એકરીતે સાચી છે.
દુનિયાનીદરેક માં ને પોતાની પુત્રી સૌંદર્યવાન જ લાગે,પછી તે ટુનટુનની માં હોય કે ક્લિઓપેટ્રીયાની
પણ,તને એક બીજીવાત પણ કહું એમ કહીને મેં કથા માંડી, " દહીંથરું હમેશા માત્ર,અને માત્ર કાગડા માટેજ સર્જાયેલ હોય છે, તું દેવલોક,મ્રત્યુ લોક,અને પાતાળ લોક એમ ત્રિલોકમાં તપાસ કરી જોજે, ક્યાય "મોર દહીંથરું તાણી ગયો" એવું કહેવાય છે ?
એટલુ જ નહી પણ કાગડો કોઈ હંસલીને કે ઢેલને પરણ્યો હોય એવું પણ તે સાંભળ્યું છે ?
સદીઓથી બોલાતી આ કહેવતમાં તેં  એમ પણ ક્યાય સાંભળ્યું કે "કાગડો બરફી, કે માવાઘારી તાણી ગ્યો " એ જ બતાવે છે કે, દહીંથરું માત્ર કાગભુક્ત્ય જ છે,અને દહીંથરાનું સર્જન માત્ર કાગપુરતુંજ મર્યાદિત છે. બાળકીના જન્મ પછી,તેની છઠી પૂજાય છે,તે દિવસે વિધાતા તેનું ભાગ્ય લખવા આવે છે તે સમયેજ વિધાતા નક્કી કરી લે છે કે આ બાળકી દહીંથરું છે,બરફી છે,કે માવાઘારી છે ?
 અને વિધાતાના નિર્ણય મુજબ જો બાળકી દહીંથરું જ હોય,તો તેનાકપાળમાં કોઈ સ્વરૂપવાન કાગડો જડી દે છે. અને જો બરફી,કે માવાઘારી,હોય,તો તેના નસીબે કોઈ સુ-વર લખાય છે. "
બસ, આટલું પુરતું  હતું  તે દિવસ પછી થી આજસુધી મેં કોઈ દિવસ પત્નીના મુખેથી એવું નથી સાંભળ્યું કે,
"મારી મમ્મી આજ સુધી કહે છે કે "કાગડો દહીંથરું તાણી ગ્યો "




Monday, 27 July 2015

"સાવકી માં" (Step Mother)

એપ્રિલ મહિનો પરીક્ષાની મોસમ
કોલેજ,યુનીવર્સીટી,અને વિદ્યાભવનો પરીક્ષાના ગંભીર વાતાવરણથી ઘેરાયેલા શિક્ષકો,પ્રાધ્યાપકો અને યુનીવર્સીટીના કર્મચારીઓ સતત માનસિક દબાણ હેઠળ કાર્યરત
ડો.મનહર દેસાઈ યુનીવર્સીટીમાં અંગ્રેજી વિભાગના ડીન,અને પરીક્ષા કમિટીના ચેરમેન હતા.
વિધુર મનહરભાઈ એક 11 વર્ષીય પુત્રી, 9 વર્ષનાપુત્ર,તથા વિધવા વૃદ્ધમાતા સાથે રહેતા હતા.સવારના નવ વાગ્યાથી સાંજના છ વાગ્યાસુધી સતત પ્રવૃત રહી થાક્યા,પાક્યા સાંજે ઘેર આવ્યા તેમના 75 વર્ષીય માતાએ કોફી બનાવી મનહરભાઈને આપી.કોફી પી,અને રાહતનો દમ ખેંચતા રિલેક્ષમૂડમાં ખિસ્સામાંથી પાન કાઢી મોઢામાં મુક્યું,તેવામાં દરવાજે ઘંટડી રણકી
દેસાઈ સાહેબે દરવાજો ખોલ્યો
દરવાજે બે પોલીસમેન આવી ઉભા હતા      
તેમાંના એકે પૂછ્યું "મનહરભાઈ તમે?"
સાહેબે જવાબ આપ્યો, "જી હા,હું મનહર દેસાઈ પોતે "
પોલીસમેને કહ્યું "તમને જમાદાર સાહેબે પોલીસ સ્ટેશને બોલાવ્યા છે ચાલો "
મનહરભાઈ આશ્ચર્યથી પૂછ્યું," મને ? કેમ ? "
વળતા જવાબમાં પોલીસે કહ્યું કે "તમારીસામે પોલીસ ફરિયાદ છે" તેથી બોલાવે છે.
મનહરભાઈએ કહ્યું, "સારું,તમે જાઓ, હું હમણાજ આવું છું "
દેસાઈ સાહેબ જેવો વિદ્વાન અજાત શત્રુ માણસ સાદો,સંસ્કારી,અને નીર ઉપદ્રવીવ્યક્તિ,અને પોલીસ સ્ટેશન?
પ્રોફેસર વિચારે ચડ્યા "આજ સુધી મેં ટ્રાફિકના નિયમનો પણ ભંગ નથી કર્યો નથી કોઈ સાથે વેર,કે દુશ્મની,વિદ્યાર્થી જગતમાં હું અતિ પ્રિય વ્યક્તિ,સમાજમાં મારું ઉચ્ચ માન,સન્માન,અને આજે હું કેવા,અને કોના ગુન્હામાં સંડોવાયો,કે મારે પોલીસ સ્ટેશને હાજર થવું પડે છે,? મારી સાતપેઢીમાં કોઈ,પોલીસ સ્ટેશન,કે કોર્ટના પગથીયા નથીચડ્યા,કે નથી તેમના દફતરે અમારા નામ નોંધાયા"
આવું વિચારતા પોલીસ સ્ટેશન આવીપહોંચ્યું  મનહરભાઈ દાખલ થયા.
સામેજ જુનવાણી લાકડાના ટેબલ,અને ખુરશી ઉપર લીમડાનાવૃક્ષની છાલ જેવા સુક્કા,બરછટ ચહેરાવાળો  જમાદાર,બન્નેપગ ખુરશીપર ચડાવી ટૂંટિયુંવાળીને બેસેલો તેની જીણી,ફિક્કી,પીળીપડેલી આંખ,આર્થિક ભીંસ,અને કુટુંબ કલહની ચાડી ખાતા હતા. હોઠના ડાબા છેડે સળગતી ખાખીબીડી લટકતીહતી.
 મનહરભાઈ તે ટેબલ પાસે જઈ ઉભારહ્યા,
જમાદાર સાહેબે ત્રાંસી આંખે તેની નોંધ લીધી અને બેસવા જણાવ્યું
 ખુરશી ઉપર બેસતા મનહર ભાઈએ પૂછ્યું," સાહેબ,હું મનહરભાઈ દેસાઈ આપે મને બોલાવ્યો ?"
જમાદારે ઉંચે જોઇને જવાબ આપ્યો, હા. "તમારી સામે પોલીસ ફરિયાદ છે "
પોલીસ ફરિયાદ? મારી સામે ? કોણે કરી છે ? ઉદ્વેગભર્યા સ્વરમાં દેસાઈ સાહેબે પૂછ્યું
"થોડી વારબેસો, હમણાજ સાહેબ આવશે એટલે બધું સમજાઇ જાશે" જમાદાર બોલ્યા
ફરીયાદીની ફરિયાદ અરજીમાં લખેલી વિગત સરખાવતા જમાદારે પૂછ્યું
"તમે,કોલેજમાં માસ્તર છો?" સાંભળતા જ દેસાઈ સાહેબનો ગુસ્સો સાતમે આસમાન પહોંચ્યો પણ સ્થળ અને પરિસ્થિતિ જોઇને તેણે  વિચાર્યું કે સત્તાપાસે શાણપણ ન ચાલે તેથી માત્ર ડોકું ધુણાવી હકારમાં જવાબ વાળ્યો
જમાદારે બીજો પ્રશ્ન પૂછ્યો ક્યાં રહો છો ? સરનામું ?
સાહેબે કહ્યું "મમતા" સાર્વજનિક દવાખાનાપાસે,ગોપીપુરા, સુરત
"મમતા? હૃદય પત્થર જેવું અને મકાનનું નામ મમતા ?" તેમ બોલીને જમાદારે ખંધુ હાસ્ય કરીને પાસે  ઉભેલ બે પોલીસકર્મીઓ સામે આંખ મીચકારી
કોઈ રીઢા,અભણ,અબુધ,ગુન્હેગાર જેવો તિરસ્કૃત વ્યવહાર પોતાની સામે થતા દેસાઈ સાહેબને લાગી આવ્યું જીવનમાં આવું અપમાન કદી સહન ન કરનાર દેસાઈસાહેબને થયું કે ધરતી માર્ગઆપે તો સમાઈ જાઉં તેવી મનોસ્થિતિમાં ગુસ્સા અને શરમથી લાલઘુમ થઈ ગયેલ દેસાઈ સાહેબે ગુસ્સો ગળી ખાધો

થોડીજવારમાં પોલીસ સ્ટેશનના કમ્પાઉડમાં એક જીપ આવી ઉભી રહી અને તેમાથી ઇન્સ્પેકટરસાહેબ ઉતરી,સડસડાટ પોતાની ચેમ્બરમાં દાખલ થઇ ગયા.
જમાદાર ફરીયાદીની ફરિયાદ અરજી લઇ ઇન્સ્પેકટરની ચેમ્બરમાં જઈ અરજી આપી,
સાહેબે અરજી વાંચી અરજીને બાજુમાં મુકતા મનમાં હસીને ધીમેથી બોલ્યા"સાલો,શું કળીયુગ આવ્યો છે ?"
તેણે જમાદારને પૂછ્યું, "ફરીયાદી ક્યા છે ? " FIR દાખલ કરી ?"
જમાદારે કહ્યું,"ના FIR હજુ દાખલ નથી કરી ફરિયાદીને આવતીકાલે આ સમયે અહીં બોલાવ્યો છે તે દરમ્યાન આરોપીની આજે  ઉલટતપાસ કરી શકાય તેમાટે તેને અત્રે બોલવેલ છે.
ઇન્સ્પેકટર સાહેબે કહ્યું "સારું,આરોપીને અંદરમોકલો "
જમાદારે દેસાઈ સાહેબને ઇન્સ્પેકટરની ચેંબરમાં જવા સૂચવ્યું દેસાઈ સાહેબ અંદરપ્રવેશ્યા
 ઈન્સ્પેકટરે તેની સામું જોઈ બેસવા સુચવતા હાથની નિશાની કરી.
તેજસ્વી ચહેરાઉપર વિદ્વત્તા,અને ગંભીરતા,મોહક,પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા દેસાઈસાહેબને જોઇને
ઇન્સ્પેકટર જીણીઆંખે તેને ટીકી ટીકીને જોતા કશુંક વિચારવા લાગ્યા ઘણી મથામણપછી તેનીયાદદાસ્ત સતેજ થઇ અને એકજ શ્વાસે પૂછ્યું
 "તમારું નામ પ્રો,મનહર,સારાભાઇ દેસાઈ? મૂળ રાજકોટના વતની ?
1960 ના ગ્રેજ્યુએશન બેચના ધર્મેન્દ્ર કોલેજના વિદ્યાર્થી ? "
કોઈ પ્રખરજ્યોતિષી જેમ કપાળ જોઇને ભૂત,ભવિષ્ય ભાખી દે તેવી રીતે ઇન્સ્પેકટરનાપ્રશ્નોથી પ્રોફેસર અચંબો પામી વિસ્મયભરી નજરે જોતારહ્યા પોતે ન વિચારી શક્યા કે આટલી નજીકથી,અજાણ્યો પોલીસ ઓફિસર તેને કેવી રીતે ઓળખી શક્યો ?તેઓ વધુ મુંજાયા,છતાં હિમતથી જવાબ આપ્યો,
"જી સર,આપ સાચા છો,પણ માફ કરજો હું આપને નથી ઓળખી શક્યો "
"અરે,મનહર,તેં મને ન ઓળખ્યો ? હું ભાલચંદ્ર વિનાયકરાય ઓઝા તારો બચપનનો જીગરી દોસ્ત " ક્હેતાજ
ઇન્સ્પેકટર ઉભા થઈને પ્રોફેસરને ભેટ્યા બન્નેની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ.
વર્દીનું ગૌરવ અને પોતાનું  સ્ટેટ્સ જોયા વીના,એક પોલીસઅધિકારી આરોપીને ભેટતા જોઈ  જમાદાર  મુંજાયો પોતાની ઉદ્ધતાઈ યાદઆવતા કંઈક કાચું કપાઈ ગયું છે તેવો  તેને  ખ્યાલ આવ્યો
પ્રોફેસર બોલ્યા અરે,તું ભાલુ ? પણ તું તો,,, વ ,,કી,,લ, ,,?"
ઈન્સ્પેકટરે હસતા હસતા જવાબ આપ્યો,"હા,તું સાચો છે,તું B.A.થઈને મુંબઈ M.A.નું કરવા ગયો અને હું લો નું કરવા અમદાવાદ ગયો,પણ તું તો મને જાણે છે,મને કાયદાની કલમ ભારે પડવા લાગી અને હું નપાસ થતા પોલીસ સબ ઇન્સ્પેકટરની સીધી ભરતીનું ફોર્મ ભરી સિલેક્ટ થયો અને PSI બનીગયો કાળોકોટ પહેરીને જે કરવાનું હતું તે ખાખી કપડામાં શરુ કર્યું
અચાનક વાતને વળાંક આપતાપ્રોફસરેકહ્યું " દોસ્ત,દોસ્તી દોસ્તીની જગ્યાએ છે અને કાયદો કાયદાની જગ્યાએ,આજે હું દોસ્ત તરીકે મુલાકાતી બનીને નહી,પણ,એક આરોપી તરીકે હું પોલીસ અધિકારી પાસે હાજર થયો છું મારી સામેની ફરિયાદ થયાનું સાંભળતા મારા હૃદયનાધબકારા વધીગયા છે પ્લીઝ,પહેલા મને તે  વિષે કહો "
ઈન્સ્પેકટરે હસતા હસતા કહ્યું"હૃદયના ધબકારાવધે છે ત્યાંસુધી સારું છે,પણ જો તું ફરિયાદસાંભળીશ,તો હૃદય જ બેસી જશે. મનહર,તારી સામેનીફરિયાદ હું મારે મોઢે તનેનહી કહી શકું હું તને બચપનથી જાણું છું તારાપરનાઆક્ષેપો કહેતા મારીજીભ નથીઉપડતી,આ લે.તારીફરિયાદ તું જાતેજ વાંચી લે " એમ કહીને ફરિયાદનીઅરજી,પ્રોફેસરના હાથમાં આપી
પ્રોફેસરે અરજી લઇ વાંચવી શરુ કરી થોડી વાંચી હશે ત્યાજ તેનીઆંખમાંથી આંસુ વેહવામાંડ્યા
પૂરી અરજી વાંચી "આ બધું ખોટું છે બનાવટ છે"તેમ કહીને પ્રોફેસરે રીતસર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
થોડીવારે ઈન્સ્પેકટરે તેને સાંત્વન આપતા કહ્યું"મનહર હું જાણું છું,કે આ ફરિયાદ ખોટી છે તું ચિંતા છોડી દે, હું બધું હેમખેમ પાર પાડી દઈશ "એટલું બોલી જમાદારને બોલાવી ચા-પાણીની વ્યવસ્થા કરવા કહ્યું
ચા પીધા પછી ઈન્સ્પેકટરે કેલેન્ડરતરફ નજરફેરવી કહ્યું " મનહર કાલે શનિવાર,અને પછી રવિવાર છે એક કામ કર,તું રવિવારે ઘેર આવ આપણે સવારનું ભોજન સાથે લેશું મનહરભાઈ એ સહર્ષ નિમંત્રણ સ્વીકાર્યું બાદમાં ઈન્સ્પેકટરે કહ્યું કે"આ ફરિયાદ તું લઈ જા,તે તું તારા હાથે જ ફાડી નાખજે,હું ફરિયાદીને જોઈ લઈશ "  એટલું ખાસ ધ્યાન રાખજે કે તારા સંતાનો ને આ બાબતે કશી ગંધ ન આવવી જોઈએ,એટલું કહી ડ્રાઈવરને સુચના આપી કે "સાહેબને જીપમાં ઘરસુધી મૂકીઆવો "
જતા જતા પ્રોફેસરને પોતાની વૃદ્ધમાતાનો વિચારઆવ્યો,કે "જો તે આ બાબત જાણશે તો કલ્પાંતકરશે, આ ઉમરે આવો જબરો ઘા જીરવી નહી શકે તેથીતેને સત્ય હકીકતથી વાકેફ ન કરતાં  જુઠું બોલવું પડશે "
ઘેર પહોંચતા જ વૃદ્ધ માં એપૂછ્યું,"બેટા શું હતું ?તું કોઈ ગુન્હામાં તો નથી ફસાયોને ?"
" ના,મા એવું નથી પોલીસવાળા ખોટે સરનામે અહીં આવી ચડ્યા હતા,ભળતા નામને કારણે તેઓનીભૂલ થઇ ગઈ હતી" ફિક્કું,કૃત્રિમહાસ્ય,મોઢાપર લાવી પ્રોફેસરે જવાબ આપ્યો .
રાત્રે જમી પરવારીને મા-દીકરો એકજ બેડરૂમમાં કાયમ સુતા હોય તેમ સુઈ ગયા.
ઘણી કોશિશ છતાં મનહરભાઈને ઊંઘ ન આવી,ઓશીકાનીઆડશમાં રાત આખી મોઢું દબાવી રડતારહ્યા
ક્યારેક તેના ધીમા ડુસકા પણ બહાર આવી જતા હતા.વૃદ્ધ માં પણ પડખા ફેરવતી આખી રાત જાગતી રહી, પુત્રનીપીડા તે જોતી હતી,ધીમા ડુસકા,સાંભળી તેને ખાત્રીથઇ કે વાત જરૂર કંઈક ગંભીર  છે
બીજે દિવસ શનિવાર હોય બાળકો સવારમાં શાળાએ જવા નીકળીગયા તે દરમ્યાનમાં વૃદ્ધ મા એ પુત્રને પૂછ્યું " બેટા,હું જાણું છું કે ગઈકાલે તે સાચી વાત મારાથી છુપાવી તું જુઠું બોલ્યો છે તું મને સત્ય હકીકત કહે  કે તારી સામે શું અને કેવી પોલીસ ફરિયાદ છે ?"
હવે મનહરભાઈનું હૈયું હાથ ન રહ્યું તેઓ મા ને ખભે માથું મૂકી રડીપડ્યા અને કહ્યું
" હા, મા સાચું છે, તને આ ઉમરે આઘાત સહન નહી થાય તે બીકે હું જુઠું બોલ્યો હતો, લે, આ ફરિયાદનો કાગળ તું જ વાંચી લે " એમ કહેતા,મનહર ભાઈએ ફરિયાદની અરજી મા ના હાથમાં મૂકી
મા એ વાંચવી શરુ કરતાજ મા ની આંખમાંથી પાણી ટપકવા માંડ્યા,અરજી પૂરી વાંચતા મા પોકે પોકે રડી પડી,દીવાલ સાથે માથું અફળાવતા બોલી "હું આ વાંચવા જીવી? કોઈ નહી ને ઘરના જ ઘાતકી બન્યા ?"
મનહરભાઈએ સાંત્વન આપતા કહ્યું," હા માં એમ જ બન્યું છે,પુત્ર ન હોય તો દુખ થાય છે,પુત્ર હોય, અને અવસાન પામે તો વધુ દુખ થાય છે,પરંતુ પુત્ર હોય,અને તે "કપૂત"પાકે તો તેનાથી મોટું દુખ દુનિયામાં બીજું કોઈ નથી હોતું" મા  જે કુહાડી ઝાડને કાપે છે તેનો હાથો ઝાડના તે જ લાકડામાંથી બન્યો હોય છે,
ઘરના જ ઘા કરે પરાયા ઘાવ રૂઝાવે તું ચિંતા ન કર મારો જુનો મિત્ર અહીં પોલીસ અધિકારી છે તેણે મને બધું પારપાડી દેવાનું વચન આપ્યું છે. "
                                                   *************************
હા,સાચું છે મનહર ભાઈના નવ વર્ષના પુત્ર મિલને પિતા સામે પોલીસમાં ફરિયાદ નોધાવતી અરજી આપી હતી. તે આ પ્રમાણે હતી.
" માનનીય પોલીસ અધિકારી સાહેબ ,               

મારા મમ્મીને ગુજરી ગયે લગભગ પાંચેકવર્ષ થયા હશે ત્યારથી મારા પિતાશ્રી,પ્રોફ,દેસાઈ વિધુરજીવન ગાળે છે તાજેતરમાં મારી જાણમાં આવવામુજબ તેઓ પુનર્લગ્ન કરી "સાવકી મા" ઘરમાં લાવવા માંગે છે.
મને સમજ છે તે મુજબ સાવકી મા સંતાનોને સગી મા જેટલો પ્રેમ ન આપતા,મારઝૂડ કરે છે, ઘરકામ કરાવે છે, અને શારીરિક ત્રાસ પણ આપે છે વળી જો સાવકી મા ઘરમાં આવશે તો મારા પિતાનો પ્રેમ અને તેની લાગણી તેના તરફ ખેંચાઈ જતા તેઓ પણ અમારા ઉપર ધ્યાન નહી આપે જો ખરેખર મારા પિતા બીજા લગ્ન કરશે તો હું ઘર છોડીને નાસી જઈશ,અને મારી11વર્ષીયબહેન ઝેર પી ને આયખું ટૂંકાવશે અમારી સુરક્ષા કરવી શહેર પોલીસની ફરજ હોય હું તમને યોગ્ય બંદોબસ્ત કરી અમને સુરક્ષાપૂરી પાડવા વિનંતી કરુંછું 
 લી.મિલન દેસાઈ
 ******
બીજે દિવસ રવિવારે ઇન્સ્પેકટરના નિમંત્રણ મુજબ દેસાઈ સાહેબ તેને ઘેર ભોજન માટે ગયા.
ઘણા વર્ષો પછી અચાનક જ મળી ગયેલા બાળગોઠીયાઓ શાળા-કોલેજના સંસ્મરણો યાદકરી વાગોળ્યા
ભોજન પૂરું કર્યા બાદ ઈન્સ્પેકટરે,સિગરેટનો ઊંડો દમ ખેંચતા કહ્યું"મનહર,હું મારી ધારણામાં ખોટો પડ્યો છું,
ગઈકાલે સાંજે તારાપુત્રને મેં પોલીસ સ્ટેશને બોલાવેલો,તેની કેફિયત જાણ્યાબાદ મને એમ લાગ્યું કે તારો પુત્ર મિલન આ કિસ્સામાં વિલન નથી. તું જ વિચાર કે માત્ર નવ વર્ષના માસુમ અને નિર્દોષ કિશોરને સાવકીમા  એટલે શું ? તેની ખબર પડે ? મને એમ હતું કે આડોશ-પડોશનીમહિલાઓ,કે મિત્રો,અથવા ટી,વી,
સીરીયલો,કે ચલચિત્રોની તેના માનસપર ઊંડી અસર હશે અને તે કારણે તેનામગજમાં આવું ભૂત ભરાયું હશે પરંતુ તેવું કશું નથી મેં તેની મનોવૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરતા તેણે જે કહ્યું તે સાંભળીને હું  હેરત પામી ગયો
તેના જણાવ્યા પ્રમાણે આવી ભ્રામક અને,ડરામણી બાબતો તેને તેના મોસાળ પક્ષેથી કહેવાયેલી છે.
તેના કહેવાપ્રમાણે બાળકોના મગજમાં એવુંપણ ઠસાવાયું છે કે જો તમારા પિતા બીજાલગ્ન કરશે તો સાવકીમા  તમને ભીખ માંગતા કરીદેશે અને તે કારણે તારા સંતાનો એ સાવકીમાનો વિરોધ આ રીતે કર્યો છે
કમાલ છે યાર ! પોતાની દીકરીનું  કુદરતી મ્રત્યુ થયું હોય તેના સંતાનો મા વિના રખડી પડશે તેવો વિચાર કરવાને બદલે,જમાઈ બીજી પત્નિ કેમ કરે ? તેવું વિચારે છે ? "
"મનહર,દરેક સ્ત્રીમાં માતૃત્વ અને લાગણીનો એક ખૂણો ઈશ્વરે સુરક્ષિત રાખ્યો હોય છે જે સ્ત્રીઓ,નિ:સંતાન હોય છે,તેઓ અનાથ આશ્રમમાંથી બાળકોને દત્તક લે છે તેવા બાળકો માટે તો મા,અનેબાપ બન્ને "સાવકા " જ હોય છે ? છતાં તેઓને પ્રેમથી ઉજેરી,સંસ્કાર અને શિક્ષણ આપે જ છે ને ?
વાત રહી ભીખ મંગાવવાની,તો"સાવકી મા" આવે તો જ ભીખ માંગવી પડે એવું નથી,સગો બાપપણ ભીખ માંગતા કરીશકે છે. ઘડીભર તું ધારી લે કે,યુવાનીમાં વિધુર થતા તું તારું દુખ,અને ગમ ભૂલવા શરાબને રવાડે ચડીગયો અને તેનીપાછળ પર-સ્ત્રીગમન પણ જો શરુ થયું તો શરાબ-અને સુંદરીમાં તારા પૈસા વેડફાતા સંતાનોએ ભીખ જ માંગવી પડે કઇ સદીમાંજીવે છે આ લોકો?કેટલી નબળી,હિન અને નીચ માનસિકતા છે  ?
મનહરભાઈ બોલ્યા "ભાલુ, તું સાચો છે,મને તો પહેલેથી જ આ ખ્યાલ હતો.મારા વિધુર થયાના છ મહિનામાં મારી અને મારા પરિવાર ઉપર તેઓએ જાસુસી ગોઠવી દીધી હતી કે રખે અમે બીજા લગ્નની કોઈ પેરવી તો નથી કરતાને? બાળકોના કુમળામગજમાં સતત આ પ્રકારનું ઝેર રેડતા તેઓ પણ શંકાશીલ બની ગયા છે"
હશે,મારું જીવન તો આમને આમ પૂરું થયું પણ મારી હયાતીમાં કે ત્યારબાદ જો આ બાળકોને મોસાળ પક્ષેથી આવુ જ શિક્ષણ અને સમજ આપવામાં આવશે તો તેઓનું ભવિષ્ય મને ધૂંધળું દેખાય છે. "
સમાજની વિચિત્રતા જુઓ લોકોના સંકુચિત માનસ કેટલા લોકોનું ભવિષ્ય કુંઠિત કરી માસુમ,ભૂલકાઓને ઘરનાજ ઘાતકી બનાવે છે.
"તારીવાત સાચી છે મનહર,પણ તું ચિંતા ના કરીશ હું ધીમે ધીમે બધું સંભાળી લઈશ.માજી ને કહેજે ચિંતા ન કરે,અને જે બન્યું છે તે ભૂલીજાય " ઈન્સ્પેકટરે મનહરભાઈને જતા જતા સાંત્વનઆપ્યું
મનહરભાઈ ભાંગેલ હૈયે ભારે પગે ઘર તરફ જવા રવાના થયા.
*******
*
*
સ્વ લિખિત "મોગરાની મહેક" પુસ્તકમાંથી










Monday, 6 July 2015

મોગરાની મહેક

વસુંધરા સાથેના લગ્નજીવનને પંદરવર્ષ પુરા થઇ ગયા.
સુખ અને આનંદના દિવસો કેટલા જડપથી પસાર થઇ જાય છે,તેનો ખ્યાલ સુદ્ધા નથી રહેતો
વસુંધરા સંસ્કારી,સુશિક્ષિત,ઉમદા,અને કુટુંબવત્સલ પત્ની હોવાનું મને ગર્વ છે.
સતત ગૃહપ્રવૃત્તિ,પુત્ર ગોટુની સાર સંભાળ,મારી કાળજી સિવાય તેના જીવનમાં બીજું કઈ નહોતું
વહેલી સવારે છ વાગ્યે ઉઠે, સ્નાનાદીકાર્ય પતાવી,ઘરના,અને,મંદીરના દેવોનીપૂજા,મારા અને,ગોટુના સવારના ચા-નાસ્તા બનાવવા,ગોટુની લંચબોક્સ તૈયાર કરવી, સાડાસાતને આરસે ગોટુને ઉઠાડી
સ્નાન કરાવી તૈયાર કરવો, પછી તેને અભ્યાસ કરવા બેસારવો એમ કરતા સાડાદશ જેવું થતા મને જમાડવો,મારા બેન્કે ગયા પછી ગોટુને જમાડી,સ્કુલે મુકવા જવો ત્યાંથી પાછા ફરતા બજારની પરચુરણ ખરીદી કરવી,લાઈટ,ટેલીફોન,હાઉસ ટેક્સના બીલ ભરવા,વીમાનું પ્રીમીયમ ભરવું,ત્યાં સુધીની જબરી જવાબદારી એકલે હાથે ઉપાડવા છતાં કદી મેં તેને થાકેલી,કંટાળેલી કે ગુસ્સેથતા જોઈનથી હમેશા હસતું જ  મોઢું .
બપોરે આરામના સમયે તેમની સહેલીની બન્ને પુત્રીઓ B.A.નું સંસ્કૃત શીખવા આવે .
ફરી સાઇકલ ઉંધી ફરે. સાંજે ગોટુને સ્કુલે લેવા જવો,તેના ચા,નાસ્તો પીરસવા, ત્યાં સાડા છએ હું બેન્કેથી આવું તે પહેલા સાયંસ્નાન કરી,તૈયારથઇ,માથામાં મોગરાનીવેણીસજી,મને સત્કારવા તૈયારજ હોય,
ડોરબેલ મારું અને દરવાજે સસ્મિત, હાજર, 
ડોરબેલ મારું અને દરવાજે સસ્મિત હાજર. ઘરનાપગથીએથી જ મારી બ્રિફકેસ લઇ તેને યથાસ્થાને ગોઠવી મારા ચા નાસ્તાનો પ્રબંધ કરે. ફરી,રાતની રસોઈ જમ્યા બાદ ગોટુનું હોમવર્ક તથા અભ્યાસ અને બસ આમ દિવસ પૂરો
 વસુને મોગરાના ફૂલનો જબરો શોખ રોજ સાંજે અચૂક મોગરાની વેણી  તેનાચોટલાપર મલપતી જ હોય,વર્ષમાં બે દિવસે હું તેના માથામાં મોગરાની વેણી મારા હાથે સજાવતો એક તેના જન્મદિને બીજો અમારા લગ્નની તિથીને દિને હું સરપ્રાઈઝ ભેટ આપી મારા હાથે વેણી નાખી આપતો અને વસુ ખુશ ખુશાલ રહેતી,
     રવિવારની સાંજ હતી.બંગલા બહારના બગીચામાં હિંચકે અમે બન્ને બેઠા ગામગપાટા મારતા હતા એવામાં ગંભીરતા પૂર્વક મારી સામું જોઈ વસુએ મને પૂછ્યું " સુહાસ, એક વાત કહું ?"
 "બોલને ?"     
"સુહાસ,છેલ્લા પંદર વર્ષથી તમે મને મારા જન્મદિને નિયમિતરીતે ચુક્યા વિના કિમતી ભેટ આપો છો,ભેટ પણ કેવી?મારી અપેક્ષાથી ક્યાય ઉંચી,અને ધારણાથી અતિ વધુ કિમતી.કોઈ વર્ષે ભેટ અંગે નથી મારે કહેવું પડ્યું,માગવુંપડ્યું, યાદ આપવું પડ્યું કે સૂચવવું પડ્યું તમે કેટલા દીર્ઘદ્રષ્ટા છો.
આ વર્ષે મને એવો વિચાર આવે છે કે,આવતાજન્મદિનની ભેટ હું માગું તે તમે મને આપો તે કિમતી નહી હોય,પણ અમુલ્ય જરૂર હશે તમને યાદ છે ? એકવર્ષે તમે પારૂલબેન પાસે પેરીસથી મંગાવીને ચાંદીના તાર ગૂંથેલ મોજડી મને આપી હતી? બીજે વર્ષે સિંગાપુરની "મ્યુસીક્લ મેક અપ બોક્સ",અને ગયેવર્ષે મેં ના પાડી તો એ ધરાર મને "બ્લેકબેરી" અપાવ્યો હતો આજે હવે હું જે માંગીશ તે તેટલી કિમતી ભેટ નહી હોય તેની ખાત્રીઆપું છું "
" વસુ,હું જે કાઈ તારા માટે કરું છું,તેની પ્રસંશા ન હોય,તું કોઈ પારકી છો ?પંદર,પંદરવર્ષથી તું મારા અને મારા પરિવાર પ્રત્યે, જયારે સંપૂર્ણ સમર્પિત થઇ ગઈ હોય,તો હું વર્ષમાં બે વાર તને ખુશી ન રાખી શકું ?તું મારી શક્તિ,અને મર્યાદા જાણે છે તેને અનુલક્ષીને જો તારી માંગણી હશે તો હું અવશ્ય તે આપીશ,મને ખાત્રીછે કે તું મને આભના તારા તોડી લાવવાનું  નહી કહે " મેં જવાબ વાળ્યો
"સ્યોર ? તમે મને વચન આપો " વસુ ઉત્સાહી થઇ ઉછળી પડી.
" બિલકુલ, પણ જ્યાં સુધી હું તારી માંગણી ન જાણું ત્યાં સુધી હું તને વચન કેમઆપું ? તું તો  કૈકઇથી પણ ચડી ગઈ ?પણ હું થોડો રાજા દશરથ છું, કે માગણી જાણ્યા વિના વચન આપી દઉં તને ખબર છે ને કૈકઈના વચનને કારણે જ દશરથે પુત્રવિયોગમાં પ્રાણગુમાવ્યા "થોડા હળવામુડમાં મેં કહ્યું
વસુ હસીપડી,"વાહ,સંત,તુલસીદાસજી વાહ ! તો લ્યો તમે સાંભળો"એમ કહીને પોતાના આગામી જન્મદિનની ભેટ વિષે જણાવતા કહ્યું "સુહાસ,આપણા લગ્નજીવનનાપંદર વર્ષ આંખના પલકારે વીતી ગયા,તે દરમ્યાન આપણાવચ્ચે કૈક મીઠી નોક જોક,સવાદ,મજાક,મશ્કરી,અને એવા કેટલાયે યાદગાર પ્રસંગો બન્યા છે તો હું એમ વિચારું છું કે તે બધા પ્રસંગોને તમે તમારી કલમ દ્વારા શબ્દોમાં ઢાળી એક પુસ્તક લખો અને આગામી મારાજન્મદિને તે પુસ્તક મને  ભેટ સ્વરૂપે આપો મારાજીવનનું આ સૌથીવધુ કિમતી ઘરેણું હશે"
હું હાસ્ય રોકી ન શક્યો,અટ્ટહાસ્ય છૂટીપડ્યું અને કહ્યું "અરે,પગલી,હું સરવાળા બાદબાકીનો માણસ,મારેને સાહિત્યને શું લેવાદેવા?અરે,મને 35,લીટીનો નિબંધ લખતા ન આવડે તે તું પુસ્તકની વાત કરે છે ?
હું કોઈ લેખક છું? સાહિત્યકાર છું ? તે તો ગજબ કરી,તેન્ડુલકરના ગળામાં સ્ટેથેસ્કોપ નાખી દીધું,
પ્લીઝ જવાદે યાર એ મારું કામ નહી "
જુવો,તમને ખબર છે ને કે હું લગ્નપહેલા શિક્ષિકા હતી,તેથી હું આઠમાં ધોરણના વિદ્યાર્થીનો નિબંધ વાંચું છું એમ સમજીને હું તેપુસ્તક વાંચીશ હું ખાત્રીઆપું છું કે તમારા તે લખાણ અંગે ખાનગીમાં કે જાહેરમાં ક્યારેય ટીકા ટિપ્પણ હું નહી કરું બસ ?"
મારો બચાવ કરતી એક વધુદલીલ મેં શરુ કરી"માની લે,કે મેં તે પુસ્તક લખ્યું ત્યારબાદ તું તેનું શું કરીશ ?
એકવાર,બે વાર,દશવાર,કે વીસવાર તે વાંચીને કંઠસ્થ કરીશ પણ પછી અંતે શું ? ઠીકછે કે તું સ્મૃતિ ઈરાનીની બહેન નથી,નહીતો તું યુનીવર્સીટીનાઅભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે ફીટ કરાવી દે "
"સુહાસ,તમને મજાક સુજે છે,પણ તમે જાણો છો કે તે પુસ્તક આપણી યુવાનીનો પડછાયો હશે,તે આપણી વૃદ્ધાવસ્થામાં, એકલવાયા જીવનમાં,આપણને જીવવાની પ્રેરણા આપશે,આપણા પ્રસન્ન દામ્પત્યજીવનનો તે કીર્તિ સ્થભ હશે,આપણે યુવાનીમાં અપાર મુશ્કેલી રૂપ અફાટ ધસમસતા મોજા વચ્ચે પારક રેલ જીવનસાગરની એ દીવાદાંડી હશે.આપણો ગોટુ મોટો થશે અને લગ્નકરશે,ત્યારે તે પુસ્તક હું તેની પત્નીને વાંચવા આપી,કહીશ,કે જુવો અમારા જમાનામાં અમેપણ આમ જીવ્યા છીએ. સુહાસ,મારી દરેક વાતના પ્રતિભાવમાં તમારો જવાબ વિનોદી,અને બુદ્ધિયુક્ત,તથા,હાજર જવાબી હોય છે,જે મને સાંભળવો બહુ જ ગમે છે,અને જયારે તેને શબ્દદેહ મળશે ત્યારે તે વાંચીને હું રોમાંચિત થઇ મારા ભુલાયેલા ભૂતકાળના દિવસો યાદ કરીશ. પ્લીઝ,મારીમાંગણી સ્વીકારો એમ કહેતા વસુ ભાવુક બની ગઈ તેની આંખો છલકાઈ પડી.
ચાલ,તારી માંગણી મંજુર બસ ? એમ જવાબ આપતાજ ,
"પણ સુહાસ,,,,,
 મને સતત એક અજ્ઞાત ભય ડરાવેછે કે ઈશ્વરને આપણા સુખની જો ઈર્ષ્યા આવશે તો આપણા દાંપત્ય
જીવનની પ્રસન્નતા ખેદાનમેદાન થઇ જશે ભગવાને આપણને આપેલું બધુજ સુખ છીનવાઇ જશે " ચિંતિત સ્વરે વિહવળતાસાથે વસું બોલી
વસુની આશંકાએ ઘડી ભરતો મને પણઅંદરથી હચમચાવી દીધો છતાં,મારા અવાજમાં કે ચહેરા પરના ભાવમાં કોઈ પરિવર્તન લાવ્યા વીના મેં,હસીને જવાબ દીધો,"તું પાગલ છો? ભગવાને જો છીનવવું જ હોય, તો આપણને તે આપે શું કામ ?ખોટા વિચારકરીને તારું મગજ બગાડ નહી ભગવાને આપણને એકબીજા માટે સર્જ્યા છે.
જેમ"સીતારામ"કે "રાધે કૃષ્ણ"એક શબ્દમાં બે જોડાયેલ છે,તેમ,આપણા બન્નેના નામનો પહેલો અક્ષર જોડ.આ "વસુ"શબ્દમાં હું તારામાં ઓગળી ગયો છું.મારું અસ્તિત્વ તારા નામમાં સમાઈ ગયું છે પછી ભગવાન આપણને શા માટે જુદાપાડે ?"
"ના,,નાં,, સુહાસ તમે ભૂલો છો કોઈનો વિશ્વાસઘાત કરવો,તે મનુષ્ય ઈશ્વર પાસેથી શીખ્યો છે,જયારે કોઈને એકવાર આપેલું,પાછું છીનવી લેવું તે ઈશ્વર માણસ જાત પાસેથી શીખ્યો છે અને તેમાં ભગવાન ઘણો માહિર છે"
"ચાલ હવે,ખોટા વિચાર છોડી દે,અને રાતનું ભોજન બનાવવાનું શરુ કરીદે"એમ કહીને રસોડાતરફ અમે ગયા
બીજે દિવસથી વસુના સૂચન મુજબનું પુસ્તક લખવાના શ્રીગણેશ કર્યા
દિવસ,રાત,પરોઢનાચારવાગ્યા સુધી જાગીને નવા જોશ,ઉમંગ,ઉત્સાહ,અને ઝનુનથી હું પુસ્તક લખવા માંડી પડ્યો  લેપટોપ,પર ટાઇપ કરી પેનડ્રાઈવમાં સેવ કરતો જાઉં,અને તૈયાર થયેલ પેનડ્રાઈવ પ્રેસમાં મોકલી દર બે દિવસનું લખાણ ત્રીજે દિવસે છપાઈને તૈયાર થતું બેંકમાંથીઅઠવાડિયાની રજા પણ લીધી.જોતજોતામાં 180 પાનાનું દળદાર પુસ્તક લખી નાખ્યું,અને પુસ્તક છપાઈ પણ ગયું પરંતુ એટલું પુરતું નહોતું  હજુ ઘણું બાકી હતું,જન્મદિવસની તારીખને માત્ર હવે 20 દિવસજ બાકી હતા. પ્રૂફ જોવાનું, મુખપૃષ્ઠ પરની તસ્વીર પસંદકરવી,તેને લેમીનેશન કરાવવું તેમ હજુ મુશ્કેલ કામ બાકી હતું પણ જોત જોતમાં પંદર દિવસમાં તે બધું  આટોપાઈ ગયું. પુસ્તક તૈયાર થયું.
બીજીબાજુ શહેરની પ્રતિષ્ઠિત હોટેલમાં જન્મદિન નીમ્મિતનું ડીનરપણ ગોઠવાઈ ગયું. મિત્રવર્તુળ, લેડીઝ કલબનીમેમ્બરો, સ્ટાફ,સગા-સ્નેહીઓ મળી લગભગ 45/50ની જોગવાઈ પણ થઇ ગઈ
પુસ્તકનું નામઆપ્યું"મોગરાની મહેક"તેના પ્રથમ પાને નોંધ પણ મૂકી :-
"મારી પ્રિયપત્ની,વસુંધરાને,તેમના જન્મદિન નિમિત્તે,સપ્રેમ ભેટ"--સુહાસ.     પુસ્તકને સોનેરી ગીફ્ટ પેપરમાં લાલ રીબીનથી લપેટી મેં મારી તેજુરીમાં મુક્યું.ગણત્રીના દિવસોમાં આવનારા જન્મદિનની સાંજની પ્રતિક્ષા કરતો હતો.
એક મોટા નિરાંતના શ્વાસ,અને અપાર આંનદની અનુભૂતિથી મારું મન તે દિવસની પ્રતિક્ષામાં થનગનતું  હતુ.
તારીખ:-4/07/2015,શનિવાર (અધીક અષાઢવદ ત્રીજ,)
         આજે સ્વર્ગસ્થ વસુંધરાનો જન્મદિવસ છે
વસુના અવસાનને આજે પાંચદિવસ થયા.વસુના જન્મદિનની પ્રતિક્ષા,કુદરતે એકજ જાટકે આંસુમાં ફેરવી નાખી.
બન્યું એવું કે અઠવાડિયા પહેલાના શનિવારે સવારથીજ વસુ,ગોટુનાં પાઠ્ય પુસ્તકો,નોટ બુકસ,યુનિફોર્મ,
રેઇનકોટ,રેઇનશુઝ,છત્રી જેવી ખરીદી માટે નીકળી પડી ત્યાંથી ટ્યુશનક્લાસના શિક્ષક સાથે ટ્યુશનનો સમય નક્કી કરી બપોરના 2/30 નાં અરસામાં ધૂમતડકે પાછી ફરી અસહ્ય ઉકળાટ,સખત ગરમી તથા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિના ભરથી મીઠા વિનાનું મોળું એક જ સમય ભોજન લેવાથી લોહીનું પરિભ્રમણ અનિયમિત થઇ ગયું બીપી,ઘટ્યું,છાતીમાં થોડો દુખાવો પણ થયો પરંતુ આવીને ગરમ કોફી પીધા પછી તેને કઈંક રાહત જણાઈ
બીજે દિવસ,રવિવારે પવિત્ર પુરુષોત્તમ માસની સુદ અગ્યારસ હોય,મહિલા ક્લબની સભ્યોએ નર્મદા કિનારે આવેલ,નારેશ્વરમંદિરે દર્શન કરવા,તથા,પવિત્ર નર્મદા સ્નાન કરવાનો પ્રોગ્રામ કર્યો હતો તેથી ત્યાં જ્વા માંટે વહેલી સવારે ચારવાગ્યામાં અમારા બાપ,દીકરાની રસોઈ તૈયાર કરી,અને પ્રવાસ માટે નીકળી.
રાત્રે સાડા આઠવાગ્યે પરતફરી.તે થાકેલ હતી.થાક,શ્રમ,ભૂખની નબળાઈ તેનાચહેરા ઉપર વર્તાતી હતી
આવતા વેતજ પલંગપર સુઈ ગઈ, છાતીમાં દુખાવા સાથે શરીર પરસેવાથી લથબથતું હતું.
" સુહાસ,હું બહુ જ થાકી છું વળી મને છાતીમાં થોડુંદર્દપણ છે પ્લીઝ,મને કોફી બનાવીઆપશો?"તેણેકહ્યું
"ઓફ કોર્સ,વ્હાઈનોટ?"કહી મેં કોફી બનાવી તેને પાઇ.
 મેં પૂછ્યું, "ડોક્ટરને બોલાવવા છે ? હમણાજ હું ફોન કરી દઉં ?"
"સુહાસ,તમે પણ ખરાછો?મને કઈનથી,હું જાણું છું કે આ છેલા બે દિવસના શ્રમ,કાલના ઉપવાસ,અને એક ટાઈમ મોળું ખાવાને કારણે લાગેલી નબળાઈ છે મને અગાઉ પણ ઘણીવાર આવું થયું છે, તમે ડોક્ટર પાસે લઇ જઈ, એક્સ-રે,કાર્ડીઓગ્રામ,સ્ક્રીનીંગ,અને કોલેસ્ટર તપાસરાવ્યા છે,અને જયારે રીપોર્ટ આવે ત્યારે ડોક્ટર કહેતા "ચિંતાનું કારણ નથી,આતો "મસ્ક્યુલરપેઈન" છે,અને દુખાવાની સામાન્યગોળીથી હું ફરી સ્વસ્થ થઇ જતી,આવખતેપણ એમજ છે પ્લીઝ,ચિંતાકર્યા વિના હવે સુઈ જાઓ"
રાત્રે લગભગ દશવાગ્યાને આરસે અમે બધા સુઈ ગયા
રાત્રીના 3/45,નોસમય હતો વસુએ મને ઊંઘમાંથી જગાડ્યો"સુહાસ,મને ગભરામણ થાય છે,મારીછાતીમાં શૂળ ભોંકાતા હોય તેવી પીડા થાય છે. છાતીના પાટિયા ભીસાય છે.પ્લીઝ ડોક્ટરને ફોન કરોને ?"
હું ઉઠ્યો, જોયું, શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું  હતું,કપાળ,હાથ,પગ ઠંડા થઇ ગયા હતા.
મેં ડોક્ટરને ફોનકરી તુરત આવવા વિનંતી કરી.
દરમ્યાનમાં વસુએ ઠંડુ પાણી પીવા માગ્યું  હું ફ્રીઝમાંથી ઠંડુપાણી લઇ,સુતા,સુતાજ અદ્ધરથી તેના મોઢામાં ધીરી ધારે રેડીને પાયું તેણે આંખ ખોલી,ધીમું મલકી,મારો હાથ પોતાના હાથમાં લઇ અને બોલી
"સુહાસ,તમે કેટલા સારા છો,કે અર્ધીરાતે પણ મારી સેવામાં ખડેપગે હાજર છો ?" મેં ઈશારો કરી વધુ બોલવાની નાં પાડી થોડીવારે ફરી તેણે પીવા પાણી માગ્યું,ફરી ફ્રીઝમાંથી પાણી લઇ અગાઉની માંફ્ક અદ્ધરથી રેડ્યું
પણ,,,,,,,,,,,,,,,,,, આ વખતે તે પાણી ગળે ઉતરવાને બદલે બધુજ બહાર નીકળી ગયું,
વસુ આંખ તારવી ગઈ,અને ડોકી એક બાજુ ઢળી પડી.
તત્ક્ષણ ડોરબેલ રણકી,દરવાજો ખોલ્યો,ડોક્ટરપ્રવેશ્યા પહેલીજ નજરે વસુ તરફ જોતા પરિસ્થિતિ પામી ગયા તેમ છતાં કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપવો શરુ કર્યો લગભગ અર્ધીકલાકની જહેમતપછી ડોક્ટર બોલ્યા
"સુહાસ,આ માસીવ હાર્ટએટેક હતો,ગઈકાલે,અને આજે સાંજે થયેલ છાતીનો દુખાવો હૃદય ઉપરનો હળવો હુમલો હોઈ શકે,પણ માસીવ એટેક કોઈ સારવારની તક આપતો નથી I am sorry  સુહાસ,હું ભાભીને બચાવી શક્યો નહી" 
વસુની અંતિમ ઈચ્છામુજબ ચક્ષુદાન અને દેહદાન કર્યા
અને આમ પંદરવર્ષનો રોમેન્ટિક ઈતિહાસ એક રાતમાંજ પૂરો થયો

                                               ****************
માણસ ધારે છે શું અને ઈશ્વર કરે છે શું ? આજે વસુના જન્મદિનની ઉજવણી હતી,ત્યારે તે જ દિવસે તેની પ્રાર્થના સભા યોજાણી,વિશાલ હોટેલમાં,જાકજમાળ રોશની વચ્ચે મ્યુઝીક સાથે ડાન્સપાર્ટી હતી,તેની જગ્યાએ ઘરના એક ખંડમાં,સુમસામ વાતાવરણમાં ટ્યુબલાઈટના અજવાળે સહુ ભેગા થયા હતા,રંગીન ફેશનેબલ સુંદર વસ્ત્રોનીજગ્યાએ સફેદસાડીમાં મહિલાઓ હાજર હતી જન્મદિનની ભેટસોગાદને બદલે હાથમાં ફૂલનીમાળા હતી પુસ્તકના વિમોચન સમયે થતા દીપપ્રાકટ્યની જગ્યાએ માત્ર એકમીણબત્તી મીણ રૂપી આંસુ સારતી એકલી અટૂલી ઉભીં હતી, ઉપસ્થિત સ્નેહીઓને વિમોચિત કરેલ"મોગરાની મહેક"ને બદલે "વિષ્ણુ સહસ્ત્રનામ"ની પુસ્તિકા વિતરિત થઇ.જ્યાં આનદ,ઉલ્લાસ,અને મોજમજાનું વાતાવરણ હોવું જોઈતું હતું, ત્યાં અખંડ નિરવ શાંતિ છવાઈ ગઈ હતી આજે સુહાસનું સ્વજન સ્વ.જન બની ગયું છે.
પ્રાર્થનાસભા પુરી થતા સુહાસ ઉભો થયો,સોનેરી કાગળમાં,રીબીનથી લપેટેલી"મોગરાનીમહેક" ખોલી
પુસ્તકના પહેલા પાને લખેલી"ભેટનોંધ"માં વસુંધરાના નામ આગળ સ્વ, શબ્દઉમેરી તેના ફોટા સમક્ષ મૂકી પુસ્તક ઉપર મોગરાની વેણી મુકતા મીણબત્તી પેટાવી નવ વર્ષનો નિર્દોષ ગોટુ  બોલ્યો "પપ્પા,મમ્મીના  વતી  હું આ મીણબત્તીને ફૂંક મારું,? સજળ નયને સુહાસે કહ્યું "બેટા,આપણા જીવનની મીણબત્તીને ઈશ્વરે ફૂંક મારી ઓલવી નાખીને પ્રકાશ લુંટી લીધો છે "ક્હેતાજ સુહાસ ભાંગીપડ્યો,ધ્રુસકે ધ્રુસકે,રડતા બોલ્યો
"વસુ તું મને દીર્ઘદ્રષ્ટા કહેતીહતી ને? પણ ખરેખર તું દીર્ઘદ્રષ્ટા હતી,તારી વાત સો ટકા સાચી હતી  તે કહ્યું હતું ને કે "એકવાર આપેલું પાછું છીનવી લેવું તે ઈશ્વર માણસ જાત પાસેથી શીખ્યો છે અનેતેમાં ભગવાન ઘણો માહિર છે" તે સાચું ઠર્યું
કાળનો ક્રૂરપંજો અકાળે તને ભરખી ખાશે તેવો અંદેશો આજથી છ માસ પહેલાજ ઈશ્વરે તને આપી દીધેલો અને એટલેજ તે મને પુસ્તક લખવાનો આગ્રહ કરતા કહ્યું હતું કે "આપુસ્તક આપણી યુવાનીનો પડછાયો હશે,
તે આપણી વૃદ્ધાવસ્થામાં,એકલવાયા જીવનમાં,આપણને જીવવાની પ્રેરણા આપશે આપણા પ્રસન્ન દાંપત્ય જીવનનો તે કીર્તિ સ્થભ હશે,આપણે યુવાનીમાં અપારમુશ્કેલી રૂપ અફાટ ધસમસતા મોજાવચ્ચે પાર કરેલ જીવનસાગરની એ દીવાદાંડી હશે" જે ઈશ્વરે માત્ર મારા માટે જ તારા મુખે બોલાવેલું કટુ સત્ય હતું "
ઉપસ્થિત મિત્રોએ સાત્વના આપી સુહાસને ઠંડો પાડ્યો. 
આજથી રોજ નિયમિતરીતે સુહાસ વસુંધરાના ફોટા પાસે ધુપદીપ કરી  પુસ્તક ઉપર મોગરાની વેણી મુકતા વિચારે છે કે "ક્યારે ગોટુ મોટો થશે,ક્યારે પરણશે,અને ક્યારે તેની વહુ આ પુસ્તકનું પુઠું ખોલી પુસ્તક વાંચશે ? ત્યાં સુધી વણખુલ્યું પુસ્તક રોજ મોગરાની મહેક માણશે.
******


Wednesday, 1 July 2015

" નાગરથી વધુ ઉજળા ઈ,,,,,,,,,,,,"

આમતો હું જન્મથીજ વાને શ્યામ,મારા ભાઈ બહેનો ઘઉંવર્ણા ખરા,પણ મારીત્વચા કાળાતલની ટોપલી જેવી. મને તેનો રંજ  નહોતો,પણ મારા ભાઈ બહેન મને કાળો કહેતા અચકાતા એટલે કોઈને મોઢે "ઘેરો શ્યામ " શબ્દનો ઉપયોગ કરતા ક્યારેક નિશાળમાં તોફાન કરતા પકડાઈ જાઉં ત્યારે ગુસ્સામાં શિક્ષક મને "એય,,,,,,, જાંબુડિયા " એમ કહીને પણ સંબોધી લેતા
"રંગ, રૂપ એ કુદરતની દેન છે, તેમાં કોઈની હરીફાઈ,કે ઈર્ષ્યા કરવા નક્કામાં છે અને કદાચ તેમ કરો તોયે તેમાં કોઈ ફેર પડે નહી " એવી જીવનની ફિલોસોફી મેં અપનાવી લીધેલી,એટલેજ હું કોઈ સાબુ,પાવડર,સ્નો, કે ફેર એન્ડ લવલી જેવાનો ઉપયોગ પણ કરતો નહી
શાહરૂખની જેમ ટાપટીપ મને ફાવતી નહી,શાહરુખને તો ટાપટીપ કરવીજ  પડે કારણકે તેમાંજ તેનો રોટલો છે, તેની રોજી-રોટી છે પેટનો ખાડો પૂરવા,તેને તો છુટકો  જ નથી બાકી,વાસ્તવિક જીવનમાં શાહરુખને ટાપટીપ વિનાનો જુવો તો તે અસલ મુંબઈનો મુસ્લિમ રીક્ષાડ્રાઈવરહોય તેવો છે
         સુરેન્દ્રનગરથી મારી બદલી રાજકોટ જીલ્લાની એક ગ્રામ્ય શાખામાંથઇ,મારા પહોંચ્યાપહેલા મારો ઓર્ડર ત્યાં પહોંચીજતા, સ્ટાફદ્વારા ગામમાં વાત ફેલાઈગઈ,કે અહીં સુરેન્દ્રનગરથી ઝાલાસાહેબ આવે છે
હું નવી બ્રાન્ચે હાજર થયો,સ્ટાફનો પરિચય કર્યાબાદ કામ જોવામાં વ્યસ્ત થઇ ગયો,એટલામાં એક વયોવૃદ્ધ ગ્રામવાસી  હાથમાં પુષ્પગુચ્છ લઈને પ્રવેશ્યા
" જ્ય માતાજી સાહેબ," બોલી, મને સત્કાર્યો
સાથે મારા કેશિયર પણ હતા, તેણે તેનો પરિચય કરાવ્યો કે " આ દેવજીભાઈ,ગામના સરપંચ છે અને આપણા સારાડીપોઝીટર પણ છે સ્વભાવના સારા અને મદદરૂપ થવાવાળા છે તેઓ ગામવતી તમારું સ્વાગત કરવા અત્રે આવ્યા છે "
મેં તેની સામું જોઈ ખુરશી પર બેસવાનો ઈશારો કરતા,પુષ્પગુચ્છ સ્વીકારી,બેન્કને લગતી ગામ અંગેની માહિતી મેળવી
ઔપચારિક વાત પૂરી થતા દેવજી ભાઈએ પૂછ્યું " સાહેબ, તમે મૂળ ક્યાંના ?
"હું મૂળ જૂનાગઢનો "
"પણ તમે તો સુરેન્દ્ર,,,,,ન,,ગ,,ર,, ?" આશ્ચર્ય સાથે દેવજીભાઈએ પૂછ્યું
"હા, તમે સાચા છો હું સુરેન્દ્રનગરથી બદલીથઈને આવ્યો છું,પણ ત્યાનો વતની નથી ?"
"ઓહો, તો શું જૂનાગઢમાંપણ ઝાલાની વસ્તી ખરી, એમ કે ?"
"હા, લગભગ વીશેક ખોરડા ખરા,મેં ગામઠી ભાષામાં ખુલાસો કર્યો "
ત્યારે ત્યાં પણ દરબારો વસેછે,એમને ? મને તો એમ કે ઝાલા બધા લીંબડી,અને સુરેન્દ્રનગરમાજ હોય "
મેં જવાબ આપ્યો, " હું દરબાર નથી,પણ નાગર છું, અને નાગર માં પણ ઝાલા અટક હોય છે "
       એમ,,,,? આપ નાગર છો ? સાહેબ માફ કરજો, પણ આપ નાગર જેવા લાગતા નથી". દેવજીભાઈ બોલ્યા
મેં વળતો જવાબ આપ્યો " તમે સાચા છો,પછી માફી માગવાની ક્યાં આવી ? દેવજીભાઈ, એનું નામ જ કુદરતનો કરિશ્મો કે કેટલીકવાર "જે લાગતું ન હોય,તે ખરેખર હોય,અને જે ખરેખર હોય,તે લાગતું ન હોય "
દેવજીભાઈ સમજી ગયા કે સાહેબ માટેની ત્વચા અંગેની ટકોર સાહેબને ગમી નથી તેથી તેણે વાત વાળી
હા, બરાબર છે, ભાઈ રૂપ રંગ થોડા કોઈના હાથની વાત છે ? એતો ઈશ્વર ઘડે છે,
સાહેબ, અમારી વર્ષોથી અહીં જમીન હતી,અને અમો શહેરમા જ વસતા હતા,અને અહીની જમીન હાંખે (ભાડે) આપેલી, હું અને મારા બાપ દાદા સરકારી નોકરી કરતા,પણ મારા છોકરાઓ ભણ્યા નહી,એટલે અમે છેલ્લા  વિશ વર્ષ થી ખેતી સંભાળી અહીં સ્થિર થયા અમે ઘણા નાગર અધિકારીના હાથનીચે કામ કર્યું છે, તેથી અમને તે જ્ઞાતિ નો વધુ પરિચય છે
અરે, અમારા બાપ દાદાતો  કહેતા ને કે " નાગરો બહુ રૂપાળા હોય,કોઈ કોમ રૂપમાં,નાગરની તોલે  ન આવે ,
 નાગરથી વધુ  ઉજળા ઈ કોઢિયા  " દેવજી ભાઈએ જ્ઞાતિના રૂપની પ્રશંશા કરી, પોતે "બાફેલા "ને ઢાંકવા પ્રયાસ કર્યો ,
બાકી વહીવટ તો ખરેખર નાગરનો જ હો, સાહેબ, વહીવટમાં નાગર એક્કા, ભારે પાવરફુલ હો
મેં જવાબ વાળ્યો "તમારો નાગરો સાથેનો અનુભવ તદ્દન સત્ય છે "
"ચાલો સાહેબ, ત્યારે હું રજા લઉં,ગામ માટે આપ નવા સવા છો તેથી કઈ પણ મારા જેવું કામકાજ હોય તો જરૂર મને યાદ કરજો " આટલું બોલી દેવજીભાઈ વિદાય થયા,
હું ફરી મારા કામે વળગ્યો