*
*
એ અરસામાં હું ભુજ હતો
દરમ્યાન એકવાર રજામાં હું જૂનાગઢ વતન ખાતે આવ્યો સાંજના સમયે કાળવા ચોક સ્થિત "વિહાર રેસ્ટોરન્ટ " ની બાજુની મિલન પાનમાં પાન ખાવા જતો હતો,
વિહાર રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈ ચારેક કદમ આગળ વધ્યો હોઈશ ત્યાં મેં અવાજ સાંભળ્યો
" એય યોમેશ, કેમ છે " અશુદ્ધ ઉચ્ચારણ સાથેના સંબોધનથી થોડા આશ્ચર્ય સાથે પાછું ફરી જોયું ત્યાં ચાર ડગલાં આગળ વધી એક મેલા-ઘેલા કપડાં,લગભગ બિડાઈ ગયેલી ચૂંચી આંખ, હાથમાં રોટલી ફેરવવાના ચીપિયા સાથે એક યુવાન નજીક આવતા મારે ખભે હાથ મૂકતા બોલ્યો " એલા ઓળખે છે કે ભૂલી ગ્યો "?
હું તરત ઓળખી ગયો, મેં કહ્યું "અરે, પોપટ ? કેમ ભૂલું દોસ્ત તને "
" ચાલ ચાલ આપણે ચા પીએ " એમ કહેતા તે મને વિહાર રેસ્ટોરન્ટ ની અંદર લઈ ગયો
રઘુવંશી સમાજનો પોપટ ધોરણ એક થી નવ સુધી મારો સહાધ્યાયી હતો
જ્ઞાતિના અન્ય સહાધ્યાયી બધાજ હોશિયાર હોય, અને ચુસ્ત શિસ્ત પાલક હોય તેઓ હમેશા પહેલી બે હરોળ માં બેસતા, જયારે અભ્યાસમાં નીરસતા અને તોફાન મસ્તીમાં વધુ ધ્યાન હોય અમે એવા થોડાક પાછળની હરોળમાં બેસતા, તે પૈકી એક આ પોપટ હતો.
ધોરણ નવમાં નાપાસ થતા શરૂઆત માં એ હરેશ ટોકીઝ પાસે ફિલ્મી ગીતોની એક આના માં મળતી ચોપડી વહેંચતો અને ત્યારે ક્યારેક એકાદી ચોપડી દોસ્તી દાવે મફત પણ આપતો
ત્યારબાદ જુદા જુદા વ્યવસાય પછી છેલ્લે એ વિહાર રેસ્ટોરન્ટ માં રોટલી પકાવવાના કામે રોકાયેલો,
પોતાની ફરજ માં અવેજી ના માણસ ને મૂકી એ મારી સાથે ટેબલ પર ગોઠવાયો
" હું ચા નું કહીને આવું " એમ બોલતા તે ઉભો થયો , ખુબજ ના પાડવા છતાં ધરાર ચા મગાવી તેણે પાઈ પણ ખરી અને થડે (કાઉન્ટર) ઉપર બેઠેલ નવીનભાઈ શેઠ ને મારો પરિચય આપતા કહ્યું " આ યોમેશ બેંક માં મોટો સાહેબ છે અમે સાથે ભણતા, અને ખાસ મિત્રો છીએ "
પોપટના મોઢા પર સતત ફરકતું સ્મિત, ચહેરા ઉપર તરી આવતો આનંદ જોઈને હું ખુશી થયો,
એણે કહ્યું " યોમેશ, હું ખુબ સુખી છું. એ.......ય.... ને બન્ને ટાઈમ ભરપેટ જમવાનું, સવાર બપોર ચા સાથે શિરામણ, અને પુરી, થેપલાં રોટલી, બાજરાના રોટલા,બે-ત્રણ જાતના શાક કઠોળ, કચુંબર, ભાત,પાપડ અને છાશ ભરપેટ ગરમાગરમ જમવા મળે છે, અને માથે જતા લટકાના રૂપિયા,300/ માસિક પગાર,
દિવાળી ઉપર મળતા બોનસમાંથી બે જોડી કપડાં લઈ લઉં છું, ક્યારેક શેઠ પોતાના જુના કપડાં આપે તે વધારામાં,
બત્રીશ જાતના ભોજન અને છપન્ન ભોગ આરોગતા કોઈ શ્રીમંતના ચહેરા ઉપર ન હોય એટલો સંતોષ મેં પોપટ ના ચહેરા ઉપર જોયો
ચા-પાણી પી , અને વિદાય સમયે આવજો કહેતા બોલ્યો," યોમેશ ફરી આવ ત્યારે મળજે,"
વિહારના પગથિયાં ઉતરતાં મને વિચાર આવ્યો કે પક્ષીઓ ની જાતમાં તો પોપટ મીઠા હોયજ, પણ પક્ષીનું નામ ધરાવતા માણસ પણ આવા મીઠા હોઈ શકે ?
થોડા વર્ષો પછી ફરી જૂનાગઢ જવાનું થતાં મિલન પાનની મુલાકાત લેતા વિહાર રેસ્ટોરન્ટ ના રોટલી પકાવવાના ભઠ્ઠા તરફ નજર નાખતા મેં પોપટ ને ન જોયો,તેથી કુતુહલવશ મેં અંદર દાખલ થઇ નવીનભાઈને પૂછ્યું, " પોપટ આજે કેમ નથી દેખાતો ?"
નવીનભાઈએ જવાબ દેતા કહ્યું " સાહેબ, પોપટને ગુજરી ગયે એક વર્ષ થયું, છેલ્લા દિવસોમાં તેણે ઘણી બીમારી ભોગવી, પણ એ અમારા પરિવારનો જ સભ્ય હોય અમે એની ખુબ દવા-દારૂ કર્યા, પણ એનું
આયુષ્ય પૂરું થયું હશે તેથી બચાવી ન શક્યા,
ગયે અઠવાડિયે જૂનાગઢ હતો, મિલનમાં પાન ખાવા જતા ફરી એજ રસ્તેથી પસાર થતા,મને ભણકારા વાગ્યા " ફરી આવ ત્યારે મળજે " મારા પગ થઁભી ગયા,અને પાછું વળીને જોવાઇ ગયું,
એ રોટલી પકવતતો પોપટ ત્યાં ન હતો
No comments:
Post a Comment