#કોરોના - સ્વર્ગમાં એક ચર્ચા સભા.
દ્રશ્ય:- સ્વર્ગનું
મહાદેવ હજુ કૈલાસેથી સ્વર્ગમાં પધારે જ છે એવામાં પાર્વતીજીને નિરાશ બેસેલ જોઈ ભગવાને મંદ હાસ્ય સાથે પૂછ્યું " હે ઉમિયાજી,આજ આપ કેમ નિરાશ મુદ્રામાં દીસો છો ?
માતા પાર્વતીજીએ જવાબ દેતા કહ્યું,"હે નાથ, આપતો અંતર્યામી છો,મારી દરેક વ્યથા કે વેદના આપનાથી ક્યાં છુપી હોઈ શકે ? તેમ છતાં જો એ આપ મારા સ્વમુખે સાંભળવા માંગતા હો તો સાંભળો,
હે પ્રભુ, તમે આ શું કર્યું ? એક નાનો અમસ્તો વાયરસ પૃથ્વી ઉપર રમતો મૂકીને સમગ્ર સૃષ્ટિને હલાવી મૂકી ? પૃથ્વી લોકના માનવી એ તમારો એવો કયો ગુન્હો કર્યો કે આજે સહુ બંધકની દશામાં જીવે છે, સખત ફફડતા રહે છે, રોજના કેટલાયે અપમૃત્ય થાય છે.લોકો ઘર બહાર નીકળતા ડરે છે,શાળા, મહાશાળા, કચેરીઓ બધું ઠપ થઇ જઈને કર્મચારીઓની છટણી થતાં અનેક લોકો એ ધંધા રોજગાર ગુમાવ્યા, શ્રમિકો આટલી હાલાકી વેઠી વતન પરસ્ત થયા, વિદ્યાર્થોઓનું વર્ષ બગડ્યું સમગ્ર પૃથ્વી લોક ઉપર ખળભળાટ મચી ગયો છે.અને આવું તો કેટકેટલું રોજિંદા જીવનમાં બનતું થઈ ગયું કે જે આ પહેલા કદી જોવા જાણવા નહોતું મળ્યું સમગ્ર સૃષ્ટિ તો ખરી જ પણ જે ભરતખંડમાં આપ પૂજાઓ છો, લોકો શ્રદ્ધા પૂર્વક દરેક દેવ દેવીઓના વ્રત રંગે ચંગે ઉજવે છે એવા ભરત ખંડની આ દશા જોઈ મારુ હૃદય દ્રવી ઉઠે છે. હે, નાથ કંઈક કૃપા કરો.
મહાદેવજીએ ફરી મંદ હાસ્ય સાથે કહ્યું, " દેવીજી, આપ તદ્દન સાચા છો આવું ક્યારેય પહેલા બન્યું હોય એવું મને યાદ નથી. તમે શું એવું માનો છો કે મારુ આ પગલું વગર વિચાર્યું હશે ?તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ લોકો પોતાની જાતને "સર્વશક્તિમાન" ગણી એ રીતનું આચરણ કરતા થઇ ગયા હતા. બિન્દાસ્ત થઈને ફાવે એ રીતે ખુલ્લે આમ રખડી મોજ કરતા હતા. એ ટ્રીપ, પર્યટન, કિટ્ટી પાર્ટીઓ, લગ્ન સમારંભ,મૃત્યુ પછી ની કહેવાતી ધાર્મિક વિધિ પાછળની જમણવાર, રાજકીય અને સામાજિક મેંળાવડાઓ, બસ દરેક જગ્યાએ જગત નિયન્તાને ભૂલી પોતાની રીતે આચરતા હતા. દેવીજી, સૃષ્ટિનું સંચાલન કરવું મારી જવાબદારી છે, તેથી લોકોની અનિયન્ત્રિત પ્રવૃત્તિ સામે લાલ બત્તી ધરવાની જરૂર હતી.
દેવીજી બોલ્યા," હે ભોળાનાથ,કદાચ તે બાબતે આપ સાચા હશો પણ એમાં આપને પણ કેટલું નુકશાન વેઠવું પડ્યું ? આપને ખુદને પણ દેવસ્થાનોમાં પુરાઈ રહીને "સેલ્ફ કોરોનટાઇન" રહેવું પડ્યું ને ? ન કોઈ ભક્ત,ન ભીડ, ન ભોગ, ન પૂજા, ન કોઈ ધાર્મિક ઉત્સવ, એનું શું ?
"મહાદેવ હસ્યાં, શૈલજા, મને શું એ ખબર નથી એવું માનો છો ? તમે શું એવું માનો છો કે એ ભક્તો ખરેખર સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવે મને મળવા આવતા હતા ? તો એ તમારી ભૂલ છે, રોજ સવારથી ભક્ત સ્વરૂપે બન્ને હાથ જોડી, દાનપેટીમાં રૂપિયો બે રૂપિયા નાખી પુત્રની નોકરી, પુત્રવધુને પુત્રપ્રસવ ,પતિ/પત્ની ના સારા આરોગ્ય અને દીર્ઘાયુ માટે ની માગણી લઈને આવતા હતા, શું માનવ જાતને તમે એટલો ભોળો અને નિઃસ્વાર્થી સમજવાની ભૂલ કરો છો ? સાચા અર્થમાં તેઓ ભક્ત નહીં પણ માગણ હતા અને એવા માગણો ના ત્રાસથી છુટવાજ મેં "સેલ્ફ કોરન્ટાઇન" થવું પસંદ કર્યું, વાત રહી ભક્તો ની તો તમને ખબર છે કે આજકાલ મારા ભક્તો કરતાં રાજકીય પક્ષના અને રાજનેતાના ભક્તો વધુ છે. હમણાં જ મુનિવર્ય નારદજીએ મને માહિતી આપી કે અમુક રાજનેતાઓ ના ટ્વિટર અને ફેસબુક ઉપર લાખોમાં ભક્તો છે.થોડો ઘણો આર્થિક કે રાજકીય લાભ અપાવતા એવા નેતાઓને તેઓ એમના આરાધ્ય દેવ સમજે છે, એટલેજ મેં કસોટી કરી કે જાવ, હવે તમારા આરાધ્ય દેવ ને કહો કે કોરોનાની રસી શોધે અને રોગ નિયત્રિત કરવાનું વિચારે
હે ઉમિયાજી,આ કોરોના તો હવે દેખાયો અને ખોટો આંખે ચડ્યો, બાકી થોડા વર્ષોથી આ વાયરસ ભારત વર્ષમાં ઘર કરી બેઠો છે ફેર માત્ર એટલો જ છે કે હાલના વાયરસની અસર અને ગતિ બન્ને તીવ્ર છે ત્યારે પહેલો વાયરસ ધીમી ગતિએ પ્રજાને મરવા મજબુર કરતો હતો।
" પ્રભુ, હું આપના ગુઢાર્થ ભર્યું કથન ન સમજી, કૃપા કરી વિસ્તૃત સમજણ આપવા વિનંતી " પાર્વતીજી એ બે હાથ જોડી મહાદેવજીને પ્રાર્થના કરી.
નીલકંઠ હસ્યાં, અરે મહાદેવી,ભારતવર્ષ ઉપરની આ મોંઘવારી, બેકારી,રોજ બ રોજ જીવન જરૂરિયાત ની વસ્તુના ઉછળતા બજાર ભાવ, પેટ્રોલ નો ભાવ વધારો, અરે વિદ્યાર્થીઓની ફીમાં તોતિંગ વધારો કરી ને વિદ્યાનો કરાતો વેપલો ,દેશના રાજકોષમાંથી થતા બેફામ વ્યર્થ ખર્ચ, લાંચ રૂશ્વત નું વધતું પ્રમાણ, કાળા બજાર, લાગવગ શાહી, ઇજારા શાહી, એ બધું શું છે ? દેવીજી, એ હાલ વ્યાપ્ત કોરોનાથી પણ વધુ ભયંકર "સુપર કોરોના" છે જેથી લોકો ઘણા વર્ષોથી પીડાય છે. એનું શું ? એક જીવની કિંમત ના બબ્બે ધોરણ ? ફુટ પાથ પર જીવન વ્યતીત કરતો એક જીવ બટકું રોટલા માટે ટળવળે, જયારે એવો જ બીજો જીવ જે અસભ્ય હોવા છતાં ધારાસભ્ય તરીકે ઓળખાતો હોય એ કરોડો રૂપિયામાં વહેંચાય ? મહાદેવી, આ બધું જોઈને હું દીર્ઘકાળથી વ્યથિત હતો અને એટલે જ સહુને કદ પ્રમાણે વેતરવા આ પ્રયોગ કર્યો
"પ્રભુ, મને ક્ષમા કરશો પણ હું જે સમજુ છું એ રીતે એવા રાજકીય ભક્તોને "ભક્તો " નહીં પણ "ચમચા " કહેવાય એવું આપને નથી લાગતું ?" ઉમિયાજીએ ક્ષમા યાચના સાથે પોતાનું મંતવ્ય રજૂ કર્યું
ઉમાપતિ ખડખડાટ હસી પડ્યા,અને બોલ્યા, "Exactly, દેવી શ્રેષ્ઠ, આપ સાચું કહો છો, પણ આજકાલ એ શબ્દ બેહુદો લાગતા ભારતવર્ષમાં "ભક્ત" શબ્દ વધુ પ્રચલિત થઇ લોકો ખુદ ભગવાનનું પણ અવમૂલ્યન કરી રહ્યા છે. જુઓ, આજે આ સ્થિતિમાં પણ લોકો જીવે છે ને ? ક્યાં ગઈ એ હાય ફાઈ જીવન શૈલી ? હે અર્ધાંગિની,મેં આ વાયરસની પ્રાયોગિક ધોરણે ચકાસણી કરી,માર્ચ મહિનામાં એ ધીમી ગતિએ મોકલ્યો, પણ એ દરમ્યાનમાં પૃથ્વી લોકના માનવીઓ વધુ બેફામ બન્યા, દૂધ, શાક ભાજી, અને જીવન જરૂરિયાતના કાળા બજાર કર્યા,
અરે, તમાકુ જેવી તુચ્છ વસ્તુ માટે વ્યસનીઓ તડફડવા લાગ્યા એટલી હદે સંગ્રહાખોરી અને કાળા બજાર વધ્યા,આજે પણ શું છે ? મારી સૂચનાથી મુનિશ્રેષ્ઠ નારદજી સતત પૃથ્વી લોક ઉપર નજર રાખતા કાલે જ મને કહ્યું કે અમુક દવાખાનાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો લૂંટાય છે, સામાન્ય લક્ષણ દેખાતા મરીજ ની સારવારના બિલ સાત આઠ લાખ બને છે, દરદીઓના વિવિધ પરીક્ષણોના પણ ઊંચા ભાવ તોડાય છે. કહો હવે એ મારે કેમ નિયંત્રિત કરવું ?
બસ, લોકોને સમજવું જ નથી કે તેઓ માત્ર એક ફૂંકના જ ધણી છે, ગમે ત્યારે કાળનો કોળિયો થઇ જશે. બેફામ રીતે ચલાવતી લૂંટનો ભોગ સામાન્ય જન બની રહ્યો છે. અને એટલેજ હું આથી વધુ કડક થવાનું હજુ વિચારું છું
" ક્ષમા કરો દેવ, ક્ષમા કરો, હે કૃપાનિધાન આટલા વજ્ર હૃદયી ન બનશો આપ કહો છો એટલી સમજણના અભાવે જ એ લોકો પૃથ્વી ઉપર શુક્ષ્મ જંતુ બની માનવ જીવ બનીને ભોગવે છે જો એટલી સમજણ હોય તો એ માનવ દૈવત્વ ન પ્રાપ્ત કરી ચુક્યો હોય ?
👌👌 વાહ.ખુબ સરસ વાર્તા.
ReplyDelete