Thursday, 31 December 2015

"રોજાના એક ચમચ " (ચ્યવનપ્રાશ)

દિવાળીના દિવસો પુરાથાય,અને શિયાળો બેસવાની શરૂવાત પહેલા, જુદા જુદા વર્તમાન પત્રો, અને લગભગ બધીજ ટી,વી,ચેનલ ઉપર
ચ્યવાનપ્રાશની,લોભામણી,આકર્ષક,જાહેરાતો જોવા,સાંભળવા મળે છે
"રોજાના એક ચમચ " "દિવસભર ચુસ્ત રહો " દિલ-દિમાગની કમજોરીનો સચોટ ઈલાજ,ચ્યવનપ્રાશ "
"કણ,કણમાં કેસરનો સ્વાદ," કેસર પ્રચુર "આવી જાહેરાતોથી ગ્રાહકોને આકર્ષવામાં આવે છે
કેટલીક આયુર્વેદિક કંપનીને જાજી જાહેરાત વિનાપણ ગ્રાહકો "બેનર" થી ખેંચાઈને આવવા પાછળ, કંપનીની ગુડવિલ છે, ડાબર, કે ઝંડુ નું નામ પડતાજ ગ્રાહ્કોના વિશ્વાસનો અતિરેક છલકાઈ પડે છે અને બોલે છે "એમાં તો કહેવાપણું હોયજ નહીને ?" ડાબર એટલે ડાબર "
બસ, આમ શ્રીમંતો,અને મધ્યમવર્ગ, શિયાળામાં તન્દુરસ્તી મેળવવા,અને દિનભર ચુસ્તરહેવાના ખ્યાલમાં લુંટાય છે, અને કંપનીઓ પોતાના ખિસ્સાભરે છે
કોઈ પણ જાણીતી કંપનીના ચ્યવનપ્રાશ ની બોટલ ઉપર તેમાં વપરાયેલ ઔષધી/ મસાલા,(Ingredients) નું પૂરું લીસ્ટ તમે વાંચ્યું છે ? શું કંપની તે ઔષધી ખરેખર વાપરે છે ? જો હા, તો તે કેટલા પ્રમાણમાં ? તે આપે કદીચકાસ્યું છે ? જો તેમાં વપરાયેલા ઘટકો (Ingredients), નું પ્રમાણ, અને તે ઘટકો શરીરને કેટલે અંશે ફાયદાકારક છે, અથવા કઈ રીતે ઉપયોગી છે, તે વિચાર્યું ?
 ઝંડુ ફાર્મસી બે જાતના ચ્યવનપ્રાશ બનાવે છે, 1, માત્ર "ચ્યવનપ્રાશ" (સાદું)
2 કેસરી ચ્યવનપ્રાશ , જેમાં "કણ,કણ,માં કેસર હોવાનો દાવો કંપની કરે છે
(જેમ વિમલ ગુટકામાં "કણ,કણ, મેં કેસરકા સ્વાદ "લખે છે તેમ )
વાસ્તવિક રીતે, જાહેરાત મુજબની ગુણવત્તા,કે ફાયદો ભાગ્યેજ બજારુ માલમાં હોય છે,આખરે તો તેઓ પણ પોતાનું પેટ, અને પરિવાર લઈને બેઠા છે ને ? 
આજની તારીખે ચ્યવનપ્રાશના બજાર ભાવ આ મુજબ છે (ભાવ પ્રતિ કિલો )
ડાબર ,,,,,,,,,,,,,                  રૂ.295,
ઝંડુ ,,,,,,,,,,,,,,,,,                  રૂ.310 (સાદું )

ધુત પાપેશ્વર,,,             ,      રૂ,345
મહેસાણા આયુર્વેદફાર્મસી ,,,રૂ 311
પતંજલિ  ચ્યવનપ્રાશ,,,,,,,,,,રૂ.352,
તમે શું માનો છો, કે આ ભાવમાંમળતા ચ્યવનપ્રાશમાં દેહપુષ્ટિ મળે તેવા,અને તેટલા ઓસડીયા,કે ઔષધી નાખી હોય ?તે શક્ય જ નથી,
જામનગરની એક આયુર્વેદિક ફાર્મસીના " રજવાડી ચ્યવનપ્રાશનો ભાવ રૂપિયા, 800/ (1,કી,ગ્રા)નો છે.
 મોટાભાગની ફાર્મસી કંપનીઓ સ્વાદ,અને સુગંધને જ મહત્વ આપે છે અને વધુ સ્વાદિષ્ટ, અને સુગંધી બનાવવા માટેની ઔષધી,જેમ કે, 1,એલચી,(લીલવા )2 સફેદ મરી,3, સુંઠ 4, કપૂર, 5, જાવંત્રી,
6, તજ ,7, મધ  વિગેરે વસ્તુનો જ વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરેછે પરીણામે,ચ્યવનપ્રાશની બરણીખોલતાજ , "વાહ......" મોઢામાંથી સરી પડે,
રહીવાત "કેસર યુક્ત ચ્યવનપ્રાશ" ની,તો તમે એ પણ જાણી લ્યો કે
શુદ્ધ કેસરનો ભાવ રૂ,250/ નું 10,ગ્રામ છે,એટલે 2500/નું 100 ગ્રામ,અને કિલોના 25000/
તો એક કિલો જારના પેકિંગમાં કંપનીવાળા કેટલું કેસર નાખતાહશે, કે " કણ,કણમાં સ્વાદઆવે ?
કોઈ પણ કંપની ને શું કાશ્મીરમાં કેસરના ખેતર છે ? માપ સાથે જુવો તો 5, કિલો, ચ્યવનપ્રાશ બનાવવા માટે ઓછામાં ઓછું 8 ગ્રામ કેસર નાખવું પડે,ફાર્મસીની ટેકનીક એવી હોય છે કે, જાર પેક થવા સમયે, જારને તળીએ, પછી અર્ધી જાર ભરાય એટલે વચ્ચે,અને બાકી કેસરના થોડાપુમડા જારની ઉપર રમતા મૂકીદેતા હોય છે
આમ તમારું કેસરયુક્ત ચ્યવનપ્રાશ તૈયાર
તેવીજ રીતે આંબળાનો બજારભાવ રૂ, 25/ થી 50/ સુધીનો છે તમે શું ધારો છો, કે કોઈ ફાર્મસી રૂપિયા 50/ ના ભાવના રસાળ, રેસાવીનાના આંબળા ખરીદ્તી હોય ? ત્યાં તો ઇલેક્ટ્રિક સ્ટીમ (વરાળ)થી બફાતા આંબળા , મશીનમાં પીસાતા હોવાને કારણે , કોઇપણ પ્રકારના,ચાલ્યા જતા હોય છે
છેલ્લા,વીસ વર્ષથી હું ઘેર બનાવેલ ચ્યવનપ્રાશ નું સેવન કરું છું, તેમાં 24, ઔષધિનો સમાવેશ થાય છે
તે પૈકી રૂ,2500/ ની કિલો,સફેદમુશળી,રૂ,4000/ નો કિલો,અક્કલકરો,કે રૂ, 2000/ ના કિલો, સફેદ મરી, રૂ, 1500,ની કિલો ચોપચીની,રૂ. 1000,ના કિલો લીંડીપીપર, કે તેજ ભાવનું નાગકેશર,આ બધું સપ્રમાણ ફાર્મસી વાળા શું વાપરતા હશે ? અને તે રીતે જો તેઓ આટલા મોંઘાભાવની ઔષધિઓ, કે મસાલા વાપરે તો તેને રૂપિયા
295/ એ કિલો વ્હેચવું કેમ પોષાય ?          
સવાલ ભાવ,કે કીમતનો નથી સવાલ એક માત્ર છે તે તેની ગુણવત્તાઅને શુદ્ધતાનો જે રીતે જાહેરાત આપવામાં આવે છે તેટલી ગુણકારી કોઈ ઔષધિઓ તેમાં વપરાતી હોતી નથી
ચ્યવનપ્રાશ ઘેર બનાવવું, તે અતિ મહેનતનું કામ તો છે જ, પણ વિપુલસમય,અને ધીરજ હોય તો જ હાથમાં લેવા જેવું કાર્ય છે પણ તેનો અદભુત સ્વાદ, નિર્વિવાદ શુદ્ધતા,અને ઉત્તમ ગુણવત્તા હોય છે.
 ઘેર બનાવવાનો બીજો પણ એક ફાયદો એ છે કે, છીણેલા આંબળાંના વેસ્ટેજ માંથી તેની By product તરીકે તમે આંબળાનું શરબત પણ બનાવી શકો છો, , થોડો આદુનો રસ ભેળવી ,ચાસણી સાથે મીક્સ કરીદેવાથી, અતિ સ્વાદિષ્ટ આંબળાનું શરબત પણ તૈયાર થઇ શકે છે
ભલે થઇ જાય,શિયાળો સુધારવા તમેપણ આ અભિયાન છેડી જુવો


 ચ્યવનપ્રાશ બનાવવાની રીત,અને મસાલા.

મોટા,રેસાવીનાના આંબળાને પૂરતા પાણીમાં, કુકરમાં બાફવા.ત્રણેક સીટી, પછી, તપાસવા સાવ બફાઈને માવા જેવા થઇ ગયાપછી, ઠરવા દેવા. ત્યારબાદ ચાળણીથી તેને છીણી નાખી,તેનો માવો બનાવવો.
 તે બધા માવાને એક મોટા તપેલામાં, નાખી સાવ ધીમે તાપે ગેસ ઉપર મૂકી, તેનું પાણી બળવા દેવું. દરમ્યાનમાં તેને સતત હલાવતા રેહવું, અને તપેલામાં ચોંટીને બળે ,કે દાજે  નહિ, તેનું ખાસ ધ્યાન રાખવું માવો શેકાઈને, તેનો કલર બદલીને ક્થ્હાઈ કલરનો બની જશે,માવો પ્રમાણસરનો  ઢીલો હોય,અને બધુજ પાણી બળી જઈને જયારે કલર બદલાઈ જાય,ત્યારે ખાંડ/ સાકાર નાખવી.ખુબ હલાવવું (ધીમે તાપે,) ખાંડનું પાણી જયારે સાવ બળી જાય, અને માવો સહેજ ઢીલો હોય ત્યાં તે ગેસપરથી ઉતારી લઇ ઠરવા દેવો. એકરાત આખી,ઠરવા દીધાબાદ તેમાં,મસાલો ભેળવી, ખુબ હલાવી મસાલો મિક્સ કરી દેવો,સાથે  અર્ધો કિલો શુદ્ધ ઘી પણ નાખો જેથી ઉપરોક્ત ગરમ મસાલાની આડ અસર,ન થાય સારીરીતે મિક્સ કરો બરણીભરી લ્યો, ઉડાવ જલસો કરો, શિયાળામાં બીજા કોઈ ટોનિક, કે વિટામીનની જરૂર નહી પડે તેની ખાતરી, 
ફાયદા :> 1, ચહેરા ઉપર ચમક લાવે છે, 2, શરીરની ખોટી ગરમી દુર કરે છે, 3 ઠંડીના દિવસોમાં શરીરનું ઉષ્ણતામાન ટકાવી રાખે છે, 4,વાળના મૂળ મજબુત કરે છે,અને ખરતા અટકાવે છે,5 મોઢા,અને આંતરડાની ગરમી દુર કરે છે,6 કબજીયાત દુર કરે છે,7 ચામડી સુવાળી, અને ચમકદાર રાખે છે,
 ચ્યવનપ્રાશ બનાવવા માટેનો મસાલો,
(મસાલાનું માપ દરેકવસ્તુ 10,ગ્રામ) પાચ કિલો,આંબળાનું  બનાવવા માટે 
સાકર.. કિલો સાડા સાત 1, હરડા 2 બેડા 3, ચવક મુખ, 4, કપૂર કાચલી, 5, વંશ લોચન, 6, ભો રીંગણી,
 7, નાગકેસર 8, વાંસ કપૂર 9, બળ દાણા 10, કાળી મુસળી 11, ધોળી મુસળી 12, અશ્વગંધા 13, લીંડીપીપર 14, સફેદ મરી 15, પીંપરીમૂળનો પાવડર, 16, કમળ કાકડી 17, ગળોત્સવ 18, ગોખરું 19, ચિત્રક મૂળ 
20, ચોપચીની, 21, જેઠીમધ ,22, અરડૂસી 23, વજ્ર 24,અક્કલકરો ,25, શિલાજીત 26, સુંઠ,27 બઁગ ભસ્મ 
28, 500 ગ્રામ શુદ્ધ ઘી
*
 સુગંધી દ્રવ્યો,:-   1, એલચી, લીલવા 2, જાવંત્રી, 3 તજ (પાવડર) 4, કેસર 5, ચાંદીનો વરખ (Silver Foil)

Thursday, 19 November 2015

" ગુરૂ વંદના ,,,4 "

સ્વ,બચુભાઈ વસાવડા,1916-1990.
 સ્વ,સન્મુખરાય(બચુભાઈ) સુરતરાય વસાવડા
                       (1916-1990) 

 " गुरु गोविन्द दोनों खड़े,किसको लागु पाई,
     बलिहारी गुरुदेवकि,जिन्हे गोविन्द दिखाई "


 ક સમય એવો હતો કે જૂનાગઢમાં માત્ર આંગળીને વેઢે ગણીશકાય તેટલાજ બાહોશ,નિપુણ,આદર્શ,સનિષ્ઠ શિક્ષણપ્રેમી,વિદ્યાર્થીઓના સાચા હિતચિંતક,શિક્ષકો આપણાસમાજ પાસે હતા તે સમયે ટયુશનીયા શિક્ષકો ન હતા,શિક્ષણનાહાટડા ન્હોતા ધમધમતા,માર્ગદર્શિકાઓ, (ગાઈડ)નું વર્ચસ્વ ન હતું,પેપર ફોડવાનાકૌભાંડોનું બીજારોપણ ન હોતું થયું
બસ,,,,, શાળાઓમઘમઘતો બગીચો,અને શિક્ષક તેનો પરિશ્રમી માળી,અને તેની માવજતથી સુંદર,મઘમઘતાફૂલોની સમાજને મળતી ભેટ, હાલ સ્વપ્નવત બની ગયું છે
      આવાજ એક મારા સાચાઆદર્શ,આદરણીય શિક્ષકને મારા જન્મદિન નીમ્મીતે શ્રધાંજલિ અર્પું છું,
અને તે છે સ્વ,સન્મુખરાય સુરતરાય વસાવડા (બચુભાઈ-1916-1990)
સ્વ, બચુભાઈના પિતાશ્રી,સ્વ,સુરતરાય વસાવડા એક વિદ્વાન ગણિત શાસ્ત્રી,તરીકેનીનામનાધરાવતા શિક્ષક હતા,અને તે કારણે સ્વ, બચુભાઈને શિક્ષણ,અને વિદ્વત્તાનો વારસો ગળથુથીમાંમળ્યો હતો.
મુંબઈ યુનીવર્સીટીની બી,એ,(સંસ્કૃત,તથાઅંગ્રેજી-ઓનર્સ) ઉપરાંત બી,ટી (Bachelor of Teaching) નીપદવી લીધાપછી 23,વર્ષની તરૂણવયે વેરાવળ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાઈ કારકિર્દીનામંડાણ કર્યા,વતનનું ઋણચુકવવા,નવી પેઢીને શિક્ષણ,સંસ્કાર,અને આદર્શતાનાપાઠ શીખવવા1950માં તેઓ જૂનાગઢની બહાદૂરખાનજી હાઇસ્કુલમાં બદલાઈને આવ્યા,
હું ભાગ્યશાળી હતો કે ધોરણ,10,11,માં સંસ્કૃતની તેની પારંગતતાનો લાભ મેળવી શક્યો,62/63,માં ટ્રેનીંગ કોલેજમાં,અને 1965,માં માણાવદરખાતે બદલાયા,માણાવદરમાં પ્રિન્સીપાલ તરીકે તેઓ જયારે કાર્યભાર સંભાળતા હતા,તે સમયે તેના અગ્ર મદદનીશ શિક્ષકતરીકે મારામોટાભાઈ સ્વ,રમેશભાઈ ઝાલા,પણ  તેમની સાથેજ હતા,1970માં ગુજરાતી સાહિત્યના ધ્રૂવતારક, કવિ કલાપીની જન્મભોમ લાઠીમાં પ્રિન્સીપાલ તરીકે બદલાયા,અને 1974,માં તેઓ નિવૃત થયા
જોગાનુજોગ મારા પરિવારની તેમની સાથેની લેણાદેવી જુવો,કે માણાવદર હાઇસ્કૂલથી તેમની બદલી થતા,મારા મોટાભાઈએ કાર્યકારી હોદ્દાનો હવાલો તેમનીપાસેથી સંભાળ્યો,અને મારાબનેવી શ્રી દિવાકારભાઈ ખારોડ સ્વ,બચુભાઈના વેરાવળ હાઇસ્કૂલ અને ત્યારબાદ લાઠીમાં પ્રિન્સીપાલ તરીકે તેમના અનુગામી રહ્યા
સંસ્કૃત તથા અંગ્રેજી ભાષા,ઉપરના તેમના અસાધારણપ્રભુત્વને કારણે તેઓ બન્ને ભાષાઓમાં અસ્ખલિત વ્યાખ્યાન આપી શકતા હતા,ગુજરાતી સાહિત્યપરિષદનું ઉદઘાટન જે હાલ સંસ્કૃતિક કાર્યક્રમોથી થાય છે,
તે 1969,ના 25,માં સાહિત્યપરિષદનું ઉદઘાટન તેઓ દ્વારા પવિત્ર વેદોચ્ચારથી કરવામાંઆવ્યું હતું આથી વિશેષ ગૌરવ કયું હોઈ શકે?
ઉપનિષદ,ગીતા,બ્રહ્મસૂત્ર,વિગેરેનાગહનઅભ્યાસ,અને ઊંડા વાંચનને કારણે ઘણી સાહિત્ય પરિષદો,સભાઓ,અને સ્પર્ધાઓમાં પ્રમુખપદ શોભાવીચુક્યા હતા એટલુજ નહી પણ તેઓ M.A ના સંસ્કૃત ના વિદ્યાર્થીઓના પણ સફળમાર્ગ દર્શક રહી ચુક્યા છે. 
આ તકે મને મારો ખુદનોજ એક પ્રસંગ યાદ છે
1989, હું ઉપલેટાખાતે નોકરી કરતો હતો,મારીપુત્રી,ચિ નિશાએ M.Aમાં સંસ્કૃત વિષય રાખેલો,ઉપલેટામાં MA ના વર્ગો ન હોવાથીકોલેજમાં હાજરીઆપવા  તે જુનાગઢ રોજ આવન-જાવન કરતી હતી,
મારા પિતાશ્રી સ્વ, વિનુભાઈપણ સંસ્કૃત વિષયના પ્રખરનિષ્ણાત હતા પરંતુ 90,વર્ષની ઉમરે શારીરિક ક્ષીણ થઈજવા ને કારણે તેઓ શીખવાડી કે માર્ગ દર્શન આપી શકે તેમ ન હોતા
મારી પુત્રી મુન્જાણી,સંસ્કૃત વિષયમાં "પાણીનીનું વ્યાકરણ" ઘણોજ અઘરો,અને અટપટો વિષય હતો
માર્ગદર્શન વિના સળ સુજે તેમ નહોતો,ત્યારે મારા સ્વ,પિતાશ્રીએ સૂચવ્યું, કે " તું બચુભાઈની મદદ લે,, તેના વિના આ વ્યાકરણ કોઈ ઉકેલી કે સમજાવીનહીશકે,બચુભાઈનીવિદ્વતાથી હું પૂરેપૂરો વાકેફ છું "
બન્યું પણ એમજ મારીપુત્રીએ સ્વ, બચુભાઈને પિતાશ્રીનાનામે વિનંતી કરી,અને બચુભાઈએ તેનો તરાપો પાર કરાવ્યો MA સંસ્કૃતમાં ઉચ્ચ ગુણાંક થી તે સફળ થઇ,ત્યાં સુધી તો બરાબર છે પણ તેમને વિનંતી કરવા છતાં ન તો તેને ટ્યુશન ફી,સ્વિકારી,કે આપવાછતાં ન તો કોઈ ટોકન ભેટપણ લીધી
 "ખાનદાનીના ખોરડે ધજા ન ફરકતી હોય ?" તે આનું નામ
સ્વ, બચુભાઈના સંસ્કૃતના પાન્ડીત્યનો વારસો તેમનાપુત્રી,સ્વ, દિનમણીબેનેપણ ઉજાળ્યો હતો, સ્વ, દિનમણીબેન કોલેજ કાળમાં મારા સહાધ્યાયી રહ્યાહતા અને ત્રેણેય પુત્રીઓ એ પિતાનીજેમ શિક્ષણ વ્યવસાય અંગીકાર કરી પોતાનું યોગદાન અર્પ્યું
પુત્ર ઋષિકેશ વિજ્ઞાનના સ્નાતક હોવાછતાં એમનીસાહિત્યપ્રત્યેનીરૂચી,લેખન,લઢણ,અને શૈલીમાં તેમના સ્વ,પિતાશ્રીની વિદ્વતાનું પ્રતિબિંબ ઉપસે છે
1990,ના નુતન વર્ષના દિને,જ  પોતાનાજ ઘરનામંદિરનાસાનિધ્યે,અને સન્મુખ,સન્મુખરાયનો દેહવિલય થતા દીવ્યધામ સિધાવ્યા
આજે મારા 74,માં જન્મદિન નિમ્મીતે હું તેમને"ગુરૂ વંદના" રૂપે,મારી સહૃદય શ્રદ્ધાંજલિ અર્પું છું
*
*
ઋણસ્વીકાર,
માહીતીસ્ત્રોત,અને તસ્વીર
 શ્રી ઋષિકેશ વસાવડા(જુનાગઢ)


   



Saturday, 14 November 2015

જ્યોતિષ વિદ્યા,ભાગ -2


બે -એક દિવસ પહેલા ની મુકેલી પોસ્ટ ના અનુસંધાને, હું ફરી એક વાત નો પુનરોલ્લેખ કરું છું કે " એક વાત નક્કી છે,કે પૃથ્વીપરની કોઈ શક્તિ હોનીને બદલી શકતી નથી, જ્યોતિષ એ ભવિષ્ય જાણવાનું, કે અનિષ્ટ નીવારવાનું વિજ્ઞાન નથી,પણ તે માત્ર "માર્ગદર્શક, કે પથદર્શક તરીકે કામ આપતું વિજ્ઞાન છે.સાચું તો મનુષ્ય તેના સારા કે નરસા કર્મો ભોગવવા બંધાયેલો હોય,તે પોતાના વાસ્તવિક જીવનમાં તે જ ભોગવતો હોય છે,જેને આપણે  ઘણીવાર "ગ્રહદશા"કે ગ્રહપીડાથી ઓળખીએ છીએ અને આ ગ્રહ તે જન્માક્ષરમાં લખાયેલાગ્રહો.
1993/94, ની એક સત્ય ઘટના છે
હું સુરેન્દ્રનગર ખાતે નોકરીમાં હતો જ્યાં, મારે શહેરના બહુ પ્રતિષ્ઠિત અને મશહુર ડોક્ટર સાથે દોસ્તી થઇ, ધીમે ધીમે કૌટુંબિક ઘરેલું સંબંધ પણ સ્થપાયો
ડોક્ટરની યુવાન,સુંદરપુત્રીએ આયુર્વેદિક તબીબ શાસ્ત્રનો અભ્યાસપૂરો કર્યો હતો,અને ઉમર લાયક હોય ડોકટરે એક દિવસ તેના જન્માક્ષર મને ધરતા પૂછ્યું "જુવો તો આનો લગ્ન યોગ.ક્યારે છે,અને ઘર/વર કેવા મળશે ?" એક્લૌતિપુત્રીના પિતા તરીકે તેમની ચિંતા સ્વાભાવિક હતી
મેં જન્માક્ષર જોઈ જવાબ આપ્યો, કે "હજુ લગ્ન યોગને લગભગ10,મહિનાની વાર છે,છોકરીને તે દરમ્યાન ગજકેસરી યોંગ સંપ્પન થતો હોય,અતિ સારું,અને ભભકવાળું જીવન જીવશે
પણ,,,,, બિન જરૂરી ઉતાવળ ન કરશો " બસ, વાત ત્યાં પૂરી થઇ
એ વાતને ત્રણ-ચાર મહિના થયા હશે, દિવાળીનીરજાઓમાહુ જુનાગઢ ગયો, રજા પૂરી થયા, ડોક્ટરને ઘેર જતા તેને સમાચાર આપ્યા કે " પુત્રીની સગાઈ કરી,છોકરો M.S છે,અને નવી નિમણુક અહીં સુરેન્દ્રનગરની હોસ્પીટલમાંજ સર્જન તરીકે થવાની છે "જવાબમાં મેં હર્ષ પ્રદર્શિત કર્યો
એકાદ દોઢમાસપછી ફરી તેની મુલાકાતે જતા,ઘરનું વાતાવરણ સુમસામજોયું, કોઈનાંચહેરાપર ખુશી, કે આનંદને બદલે બધાના દિવેલિયા મુખદર્શન કર્યા, થોડીવાર બેઠા પછી એક અંગત સ્વજન તરીકે તેમના શોકનું કારણપૂછતાં જાણ્યું કે "પુત્રીનું સગપણ તોડી નાખ્યું છે "
વાત વાતમાં ડોક્ટર તપી ગયા કે " ભાઠા શું માર્યા,? કે સારું ઘર,વર મળશે ? ગજકેસરી યોગ છે ?
મુરખ જ બનાવ્યા ?"
મેં હસીને જવાબ આપ્યો કે "મેં તમને શું કહ્યું હતું ?"
"વર,ઘર સારામળશે અને ભભકવાળું જીવન જીવશે,ઉપરાંત ગજકેસરી યોગ છે "ડોકટરે ઉમેર્યું
હું ફરી હસ્યો,અને પૂછ્યું, હા, તે સાચું,પણ તે ક્યારે? દશેકમાસપછી,તમે તો ત્રણ-ચારમહિનામાંજ ઠેકાણું ગોતી લીધું ?મેં એમપણ કહ્યું હતું કે બિન જરૃરી ઉતાવળ ન કરશો હું હજુ પણ મારા અગાઉ કીધા ઉપર અફર જ છું અને ફરી તેજ કહું છું જે મેં તમને પહેલીવાર કહ્યું હતું ,અને નિશ્ચિત તેવું જ મળશે "
લગભગ એકાદવર્ષ બાદ ફરી તેમની સગાઈ થઇ, અને તે કન્યા આજની તારીખે અમદાવાદમાં અતિ સુખી, સમૃદ્ધ,વૈભવશાળી,સુપાત્ર,સંસ્કારી,અને એક આંતર રાષ્ટ્રીયકંપનીના ચીફ એક્ઝ્યુકીટીવ તરીકેનો ઉચ્ચ હોદ્દો ધરાવતા પતિ સાથે લગ્નથી જોડાણી આપણે જેમ મણીનગરથી નારણપુરા જઈએ તેમ તે એકાંતરા અમેરિકા ઉપરાંત વિશ્વના મોટા ભાગનાદેશોનો પ્રવાસ ખેડે છે અને હાલમાં તેને Twine પુત્રો પણ છે
કમાલ મારી કે મારી વિદ્યા,કે જાણકારીનથી,કમાલ તે પુત્રીના જન્મ સમયની Exactness ની છે.
     22/04/ 2000,થી મેં જ્ન્માંક્ષર જોવા બંધ કર્યા,એટલુજ નહી પણ મારીપાસેના જ્યોતિષઅંગેના તમામ સાહિત્યને મેં વેણુ નદીનાજળાશયમાંપધરાવી દીધા,તેને માટેપણ એક કમનસીબ વ્યક્તિનાજોયેલ જન્માક્ષર કારણભૂત બન્યા ત્યારથી નક્કી કર્યું કે
"જે જાણે, તેને તાણે " ભાવિનાગર્ભમાં શું છુપાયેલું છે, તે કોઈ કળીશક્યું નથી,અને લલાટે લખ્યું કોઈ મિથ્યા કરી શક્યું નથી"તો પછી વિના કારણ આપણે જન્માક્ષર જોઇને,સાચું બોલીને કોઈની કમનસીબીનું દેખીતુંકારણ શામાટે બનવું ?
     જ્યોતિષશાસ્ત્ર ના બે પ્રકાર છે,સાત્વિક,અને તાંત્રિક,
ચૂંટણીમાં કયોપક્ષ જીતશે,કોને કેટલીસીટ મળશે,ગુપ્ત ધન મળશે કે નહી,ક્યાંઆંકડાલગાડવાથીસટ્ટોજીતીશ ?લોટરી ક્યારેલાગશે ? આ બધા ક્ષુલક પ્રશ્નોનો સાત્વિક જ્યોતિષમાં સમાવેશ નથીથતો, હકીકતે આ જ્યોતિષ નહી પણ એક પ્રકારનો સટ્ટો છે,
અલબત્ત, અત્યારે એવાજ પ્રશ્નોનોસાચો,ખોટો જવાબ આપવાથી "ધંધો"ચાલે છે,પણ જ્યોતિષએ પવિત્ર શાસ્ત્ર છે, તેમ માનતા લોકો આવા પ્રશ્નોથી દુર રહે છે
"હું જ્યોતિષીમાં માનતો નથી " એવી ડંફાસમારનારા ઘણાને મેં પુત્ર/ પુત્રીનાસગાઈ,સગપણ વખતે
રાશ-ચન્દ્રમા,અને કુંડળીમેળાપક કરાવતા જોયા છે.શક્ય છે કે ઘણા લોકો ન પણ માનતા હોય,પણ જયારે કોઈ જટિલપ્રશ્નનો સામનો કરવાનું આવે ત્યારે તેઓ પણ આવાલોકોની એપોઇન્ટમેન્ટમાંગતા હોય છે.
અને અતિ વિનમ્રભાવે મો માગી ફીચૂકવીને પ્રશ્નનું નિરાકરણ મેળવતા હોય છે
તેમછતાં, જેઓ જ્યોતિષ વિદ્યા/શાસ્ત્રમાં માનતાજ નથી,એમને વ્યર્થ દલીલો કરી ગળે ઉતારવાની જરૂર જ નથી,તેમને તેમની માન્યતામુબારક, ઘુવડ સુરજ ન જોઈ શકે,તેનો અર્થ એવો નથી કે સુરજ ઉગતો જ નથી


 

Friday, 13 November 2015

જ્યોતિષ વિદ્યા ભાગ:-1

 ગઈકાલે નુતનવર્ષની પ્રેસમાં રજા હોય,આજે છાપું બંધ હતું
સવારે ચા પછી તમાકુ,મોઢામાં દબાવી રોજે છાપાના બંધાણી સ્વરૂપે હું  છાપું ખોલીને બેસી જતો આજે તેમ ન થતા, દિવસ સુસ્ત લાગ્યો પ્રવૃત્તિ હીન થઇ ગયો હોઉં તેમ લાગ્યા કર્યું
મનને મનાવવા નવા વર્ષના દિવસનું એટલેકે ગઈકાલના વાસી છાપાની પૂર્તિ લઈને વાંચવા બેસી ગયો
દર નુતન વર્ષે " નવા વર્ષનું રાશી ફળ "ની એક ખાસ પૂર્તિ દરેક છાપામાં આવે છે તે વાંચવી શરુ કરી
માનવ સ્વભાવ જિજ્ઞાસુ,છે કાલે મારું શું થશે, ધન લાભ કેવોક છે,સામાજિક સંબંધો, સંતાનો નો વિદ્યાભ્યાસ
વર્ષ દરમ્યાન પત્ની સાથેની લેણાદેવી તે બધુજ જાણી લેવાની ઉત્કંઠા દરેક માનવ સ્વભાવમાં હોય છે
આવતા આખાવર્ષમાં કર્મો કર્યા પહેલા ફળ મળવાની,અને મહાંણવાની ચિંતા એજ મનુષ્યસ્વભાવ
દિવ્યભાસ્કર જોયું, પછી ગુજરાત સમાચાર,અને સંદેશ એમ ત્રણેય ની વાર્ષિક ફળાદેશની પૂર્તિવાંચી ગયો, એકમાં નિરાશાજનક, તો બીજામાં આશ્ચર્યજનક, તો ત્રીજામાં આશાજનક ભવિષ્ય વાંચ્યું અને મારા 2016, ના વર્ષનું પૂરે પૂરું ભવિષ્ય વાંચી ચુક્યો, કે જેમાં એકજ રાશી માટે ભિન્ન, ભિન્ન, ભવિષ્યવાણી લખેલી
મેં આ જિજ્ઞાસાથી, કે ઉત્કંઠાથી નહી પણ એક અભ્યાસુ તરીકે તે વાંચવાના શોખ ખાતર વાંચ્યું, બાકી,
"મડદાને વીજળીનો ડર શું?"અત્યારે જે છે એના કરતા વધુ સારું,કે,અત્યારે જે છે તેનાથી વધુખરાબ શું હોઈ શકે?એ ન્યાયે સમય પસારકરવા વાંચીગયો,પણ એકપણ છાપાની કોઈ ગંભીરતાથી ન તો નોંધ લીધી, ન અસર થઇ અને તેમાંથી સ્ફુરેલા વિચારોએ આ લખવા પ્રેર્યો
    બાલ્યાવસ્થાનો કોઈપણ શોખ, જયારે પાકટ વય (મરવા) સુધી જળવાઈ રહે ત્યારે તેને શોખ નહી પણ ટેવ (અથવા,કુટેવ ) કહેવાય છે .
આવોજ એક શોખ,મને નાનપણથી હતો
1955માં હું,જૂનાગઢની,સીટી મિડલ સ્કુલ,(હાલની નરસિંહ વિદ્યામંદિર)માં ધોરણ 7,નો અભ્યાસ કરતો હતો
શાળાએ જવાનો રસ્તો વણઝારી ચોક,આઝાદ ચોક,ચિત્તાખાનાચોક,થઈને  સ્કુલ ,
રસ્તામાં સરકારી દવાખાનાની ફૂટપાથ ઉપર થોડે,થોડે અંતરે, નિરંતર ત્રણકેરાલીયન યુવાન એક દેવચકલીને પુરેલું પાંજરું લઈને બેસતા,પાંજરાપાસે સફેદરંગના થોડા બંધકવર મુક્યા હોય,અને એક આનો આપવાથી તે દેવચકલી પીંજરામાંથી બહાર કાઢી કોઈ એક કવર ખેંચાવતા,ફરી દેવ ચકલી પાંજરેપુરાઈ  જાતી,તે કવર ખોલીને વાંચતા આપણું ભવિષ્ય તેમાં લખ્યું હોય,આમ દર અઠવાડિયે અવિચ્છિન્નપણે  હું મારું ભવિષ્ય દેવચકલીપાસે જોવરાવતો, મોટા થયાપછી વર્તમાનપત્રમાં આવતા અઠવાડિક ભવિષ્ય ને રવાડે ચડ્યો ઘેર ફૂલછાબ આવે, પડોશીને ત્યાં જયહિન્દ આવે અને ઘરનીસામેની ઘંટીએ નુતન સૌરાષ્ટ્ર આવે તે ત્રણેયમાંથી મારું રાશી ભવિષ્ય જોઇને ખુશ થતો
તે પછીના તબ્બકે એકલા મુસાફરી કરવાનાયોગ પ્રાપ્ત થતા રેલ્વે સ્ટેશને,કે બસ સ્ટેન્ડે મુકેલ ઇલેક્ટ્રોનિક વજન કાંટામાં વજન કરાવવું ચૂકતો નહી માત્ર 30 કિલોના દુર્બળ દેહને ખાસ વજન જાણવામાં રસ નહોતો, પણ વજનની તે ટીકીટ પાછળ  છપાયેલ ભવિષ્ય જાણવાના જુનારોગને કારણે  હું બંધાણી થઇ ગયો હતો.
      યુવાવસ્થામાં પ્રવેશ્યો, શોખ, હવે ધીમે ધીમે ટેવ માં પરિવર્તિત થવા લાગ્યો 
મારા દાદાવારીથી ઘરના વડીલો જ્યોતિષ વિદ્યાથી સખ્ત નફરત ધરાવતા હતા તેને તેઓ બોગસ, અને ધતિંગ કહેતા હતા પણ મારી તે પ્રત્યેની અતુટ શ્રદ્ધા ને કારણે જ્યોતિષ વિદ્યા શીખવાનું વિચાર્યું, અને શીખ્યો પણ ખરો તે શીખ્યા પછીથી મારા વિચારો અને અભિગમ બદલાયા
વાસ્તવિક રીતે જ્યોતિષ શાસ્ત્ર સાચું અને સચોટ છે,ગણિત અને વિજ્ઞાનનાપાયાઉપર રચાયેલું શાસ્ત્ર છે
પુરાણોમાં પણ જ્યોતિષ વિદ્યાની સત્યતાનો ઉલ્લેખ છે પરંતુ આજકાલ લેભાગુ ધુતારાઓ જ્યોતિષ ને નામે લુંટતા થયા હોય, ઠેર ઠેર જ્યોતિષ કેન્દ્રોની જાહેરાત વાંચીએ છીએ એટલુજ નહીપણ જીજ્ઞાસુઓને આંબા-આંબલી બતાવી, ઊંચા ઊંચા સ્વપ્નો બતાવી,ખંખેરતા હોય છે તે કારણે  લોકોને જ્યોતિષ ઉપરથી શ્રદ્ધા ઉઠી ગયેલી છે, કેટલાક જ્યોતિષીઓ કમનસીબીને નસીબદારીમાં ફેરવી નાખવાનો પણ દાવો  કરતા હોય છે અને આમ ભોળા લોકો લુંટાય છે, એક વાત નક્કી છે, કે પૃથ્વી પરની કોઈ શક્તિ હોની ને બદલી શકતી નથી, તમે ઘડિયાળ ને થંભાવી શકો છો, પણ તેથી સમય થંભી નથી જતો
જુનાગઢના માલીવાડારોડ ઉપર જનતા ટી ડીપો,અને ઝંડુ ની દવાની દુકાનની વચ્ચે વર્ષો જૂની એક નાની દુકાનમાં જ્યોતિષ કાર્યાલય બેસતું, જેમાં હનુમાનજી ની મોટી મૂર્તિ સ્થાપિત કરેલી તે જ્યોતિષી એ "એક સવાલ મફત " તેવું બોર્ડ મારેલું ખરેખર તો  મફત સવાલનો જવાબ તમને રૂપિયા 40,000/ થી 60,000/ માં આ રીતે પડતો,તમારી સમસ્યા રજુ કરતા, તેના ઉકેલ રૂપે કહેવાતું કે તમને પિતૃ દોષ છે ,તેથી તમારે તેના નિવારણ માટે નારાયણ બલી કરાવવું પડશે, અથવા શનિની આકરી પનોતી છે, તેથી,સવાલાખ શનિ  મંત્રનાજાપ કરાવવા પડશે, અને સોનાની વીટીમાં શનિનું નંગધારણ કરવું પડશે,આમ નારાયણ બલીની બધી વિધિ પણ તે કરાવી આપે,શનિ કે મંગળના જાપપણ તે કરે,નંગ માટે સોની સાથે પણ સેટિંગ હોય
નંગની કિંમતમાંથી કમીશન પણ કાતરે અને સરવાળે મફત સવાલ તમને આટલો મોંઘો પડે,એટલુજ નહી પણ શનિ તો નડતો નડે, પણ સોની નિશ્ચિતરીતે નડે
લોકોને બસ જલ્દી સુખી થવું છે, માલેતુજાર બનવું છે સમસ્યાના નિવારણ માટે ધૂમ પૈસો ખર્ચીને ઉપાધી મુક્ત થવું છે તેથીજ આ દેશમાં જ્યોતિષીઓ,તાંત્રિકો,બાબા, અને દેવીઓ વધારે પૂજાય છે
         વાસ્તવિક રીતે, આમ વગોવાયેલું જ્યોતિષ એક શુદ્ધ, વૈજ્ઞાનિક પાયા ઉપર રચાયેલું શાસ્ત્ર છે
જ્યોતિષ શાસ્ત્રના મુખત્વે સાત પ્રકાર છે.
એસ્ટ્રોલોજી , (જન્મકુંડલી આધારિત ), Palmistry:- હસ્તરેખા આધારિત,
છાયા જ્યોતિષી,: પડછાયા આધારિત ભવિષ્ય કથન કહેવું,
અંક શાસ્ત્રીય :- આંકડાનેઆધારે ગણાતું ગણિત ઉપર આધારિત
Face Reading :-કપાળઉપરની કરચલી,આંખ,નાક અને કાનનોઆકાર,હોઠની લંબાઈ,અને જાડાઈ તે ઉપરથી ભવિષ્યવાંચવાની પદ્ધતિ,
પ્રશ્ન કુંડલી :-કોઈ એક સમયે પૂછવામાં આવતા પ્રશ્ન નો જવાબજોવા માટે, પ્રશ્ન પૂછવાના સમયને આધારિત મેળવતો જવાબ
Sixth Sense -કેટલીક આધ્યાત્મિક વ્યક્તિઓને આ ઈશ્વરીય બક્ષિશ છે પાંડવો પૈકીનો સહદેવ ત્રિકાળજ્ઞાની હતો, તે જ રીતે કુરૂક્ષેત્રે ખેલાતા યુદ્ધનો હુબહુ અહેવાલ સંજયે બાણશૈયાપર સુતેલા ભીષ્મને આપ્યો હતો, ત્યારથી આ વિદ્યા "સંજય દ્રષ્ટિ " તરીકે પણ ઓળખાય છે, આ ઉપરાંત "ટેરો પદ્ધતિ " પણ છે, પરંતુ તે વિષે મને બિલકુલ માહિતી નથી,
જ્યોતિષ એ ભવિષ્ય જાણવાનું, કે અનિષ્ટ નીવારવાનું વિજ્ઞાન નથી, પણ તે માત્ર "માર્ગદર્શક, કે પથ દર્શક તરીકે કામ આપતું વિજ્ઞાન છે સાચું તો મનુષ્ય તેના સારા કે નરસા કર્મો ભોગવવા બંધાયેલો હોય, તે પોતાના વાસ્તવિક જીવનમાં તે જ ભોગવતો હોય છે, જેને આપને ઘણીવાર "ગ્રહદશા " કે ગ્રહપીડા થી ઓળખીએ છીએ અને આ ગ્રહ તે જન્માક્ષરમાં લખાયેલા ગ્રહો, દરેક ગ્રહ થોડે ઘણેઅંશે પોતાનો ભાગ ભજવતોજ હોય છે, સૂર્ય અને ચંદ્ર પણ જ્યોતિષ શાસ્ત્રને હિસાબે ગ્રહો જ છે જોજનો દુર રહેલ સૂર્ય ની ગરમી, અને તાપ, તથા ચંદ્રની શીતળતા જેમ આપણે  પ્રત્યક્ષ અનુભવી શકીએ છીએ, તેમ અન્યગ્રહોઓની પરોક્ષ અસર પણ આપણે  ભોગવીએ છીએ
 જ્યોતિષ શાસ્ત્ર ની એક મોટીમર્યાદા એ છે કે જો તમારો જન્મ સમય,
સ્થળ,અને તારીખ એકદમ સાચ્ચા જ હોય તો જ આ ભવિષ્ય કથન સત્ય બને છે, ઘણા કિસ્સાઓમાં તે માહિતી Perfect ન હોવાને કારણે જિજ્ઞાસુ નિરાશ થાય છેઅને વિદ્યા વગોવાય છે
તે સિવાય પણ તેના કેટલાક "વણલખ્યા સિદ્ધાંતો " પણ છે
, " હું જાણું છું, લાવો જોઈ આપું " આ વાતનો તેમાં નિષેધ છે,જ્યાંસુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી
હું જાણું છું " શબ્દ બોલાતો નથી અને પૂછ્યા વિના કહેવાતું નથી,એટલુજ નહીપણ માત્ર પૂછે "એટલુજ" કહેવાનું હોય છે
ત્રીજું,જેમ કોઈ ડોક્ટર પોતે જાતે પોતાનું ઓપરેશન કરી શકતો નથી,તેમ આ વિદ્યાનો જાણકાર પોતાનું કે પોતાનાઅંગતનું ભવિષ્ય કથન કરી શકતો નથી,મને શીખવનાર ગોલ્ડ મેડાલીસ્ટ જ્યોતિષી(જુનાગઢના વતની અને ભાવનગર રેલ્વેમાં નોકરીક્ર્તા સ્વ,કનુભાઈ પુરોહિત)ને મેં કદી તેના કારણો પૂછ્યા નથી,
સહદેવ ત્રિકાળજ્ઞાની હોવાછતાં પોતાનીજ પત્ની પાંચાલીનું ચીર હરણ થવાનું છે તે વાતથી અજ્ઞાત હતો
ચોથું,આ વિદ્યા પરોપકાર, કે સેવાભાવે, વિના મુલ્યે કરવાની હોય,તેની કોઈ ફી, કે ચાર્જ લેવાતો નથી
આટલી મર્યાદામાં રહીને થયેલું ભવિષ્ય કથન 100% સાચું પડે છે, અથવા સત્યતાની વધુ નજીક ઉભું રહે છે
છેલ્લા 40વર્ષથી વિશ્વમશહુર એક ભારતીયઆશ્રમમાં સાધક તરીકે પોતાનું જીવન વિતાવનાર મારા એક અપરણિતમહિલા મિત્ર પોતાની આધ્યાત્મિક સિદ્ધિને આધારે પત્ર રૂપે મળેલ બંધ કવરમાં લખેલી વિગત, કવર ખોલ્યા વિના કહી શકે છે, આ તેની Sixth sense થી મેળવેલસિદ્ધી છે
લગભગ 180 વર્ષ જૂની "અંક/સંજ્ઞા જ્યોતિષ " ની એક હસ્તલિખિત પુસ્તિકા મારી પાસે છે, જુનાસમયમાં કાળી શ્યાહી,અને હોલ્ડરથી લખાયેલી પુસ્તિકામાં જીવન ના અટપટા મુંઝવતા 32 પ્રશ્નોના ઉત્તર દિશા સૂચક રૂપે, કે માર્ગદર્શન રૂપે આપેલ છે, "રમળ- માળા" નામની આ પુસ્તિકા ને ત્રણ વાર પુન;લેખન કરી જુના પીળા પડેલા, ફાટેલ કાગળમાંથી તેને ઉકેલીને પુનરોદ્ધાર છેલો 1981 માં કરેલ છે, યાદ રહે કે તેમાં તમારું ભવિષ્ય કથન નથી હોતું, પણ સમસ્યાના સમાધાન રૂપે માર્ગદર્શન જ હોય છે, અને તે પણ અત્યંત સચોટ, તેના પણ કેટલાક આકરા નિયમો પાળ્યા પછીજ તે જોઈ શકાય છે
આમ સાચું, સારું, વૈજ્ઞાનિક  અને ખગોળ શાસ્ત્ર ઉપર નિર્મિત જ્યોતિષ વિદ્યા આજે વગોવાઇ ગયેલ છે અને સાપ્તાહિક ભવિષ્ય ભાખનારાઓ દર અઠવાડીએ માત્ર એકજ લખાણ ને જુદી જુદી રાશિમાં ભ્રમણ કરાવે છે
 કરાવે છે આ શનિવારે મકર, નું લખાણ આવતે શનિવારે વૃષભ, અને વૃષભનું ભવિષ્ય,મીનમાં ફેરવતા રેહતા હોય છે




   




Wednesday, 21 October 2015

" રાવણની રાવ "

" રાવણ ની રાવ "
*
*
આજે દશેરાના પવિત્ર દિને અસત્ય પર સત્યનો વિજય, અનીતિ ઉપર નીતિ નો વિજય,અને ઘમંડ અને અભિમાનના વિનાશના પ્રતિક રૂપે મોટાભાગના શહેરોમાં રાવણ દહનનો ઉત્સવ ઉજવાય છે
     રાવણ દહન કાર્યક્રમની શરૂવાત થતા પહેલાજ રાવણે ચેતવ્યા,
" ખબરદાર છે, મને સાંભળ્યા પહેલા મારા દહનનું કોઈ આયોજન કર્યુંછે તો.આજસુધી તમે રામાયણ વાંચતા આવ્યા,અને બસ,એકપક્ષીય ન્યાય્ જ હિંદુ સમાજ તોળતો આવ્યો,અને તે એ કે "રાવણ દુષ્ટ હતો,પાપી,અને દુરાચારી હતો,અન્યાયી,અને ક્રૂર હતો,પણ તે સમયથી લઈને આજ સુધી,તુલસીદાસજીથી માંડીને મોરારીબાપુસુધી કોઈએ મારી ઉજળીબાજુ ન જોતા અને વર્તમાન પરિસ્થિતિ સાથે મારી ઉદાર નીતિમત્તાને નજર અંદાજ કરી હમેશા મને વખોડ્યો જ છે, તો હું આજે મરતાપહેલા  કેટલીક સ્પષ્ટતા કરું છું જેને મારું મરણોત્તર નિવેદન ગણશો અને તે નિવેદનને આધારે મારા મ્રત્યુપછીપણ જો મારી ઉજળી બાજુઓને તમે બિરદાવશો તો હું આભારી થઈશ
(1) એ વાત સાચી છે કે મેં સીતાજીનું અપહરણ કર્યું હતું  તેમકરવામાટે મને કોઈ જોઈ ન જાય,કે ઓળખી ન જાય તે માટે મેં ભિક્ષુકનો વેશ ધારણ કર્યો હતો,અને સીતાજીના એકાંતનો લાભ લઇ તેને ઉપાડી ગયો હતો.પણ આજે તમારે ત્યાં ઠેક ઠેકાણે CCTV કેમેરા મુક્યાહોવા છતાં સરે જાહેર રસ્તાઉપર બહેન દીકરીઓને ભગાડીજનારા રાવણ કેટલા છે તે તમે ગણ્યા? બસમાં,બળાત્કાર, રોડ ઉપર છેડતી,
દ્વિચક્રી વાહન ઉપર અપહરણ,હું દશમાથાળો હોવા છતાં તમારા એક માથાવાળા મારાથી કેટલાવધુ માથાભારે છે તે તમને નથીલાગતું ?

(2) સીતાજીના અપહરણ પછી જો મેં ધાર્યું હોત તો તેને મારા મહેલમાં હું રાખી શકત,તેનું ચારિત્રખંડન કરીશકત પરંતુ તેવી ચારિત્રહીનતા મારામાં નહોતી અને તેથી મેં તેને અશોકવાટિકામાં બંધકતરીકે રાખ્યા હતા. આજે તમારે ત્યાં શું છે ?
રસ્તાપરથી ભગાડી જઈને કાં તો કોર્ટમાં,અથવા કાં તો મંદિરમાં લગ્ન કરાય છે કે ઉલેમાપાસે જઈને નિકાહ પઢી લેવાય છે અને તમે તેને " લવ જેહાદ " કહો  છો મેં આવું સીતાજીસાથે બળપૂર્વક કરવાનું સ્વપ્ને પણ નહોતું વિચાર્યું 
(3) જાનકીજીને રામને સોપીદેવામાટે થઈને મારે રોજ મારીપત્ની મંદોદરીસાથે માથાકૂટ થતી હતી, આખો દિવસ અને રાત મેં તેના મેણાં-ટોણા સાંભળ્યા છે છતાં હું કોઈ"પત્નીપીડિત પતિ સંગઠન " પાસે ફરિયાદ નથી લઇગયો એટલુજ નહી પણ હાલ તમારે ત્યાં થાય છે તેવી કોઈ મેં પત્ની સાથે મારઝૂડ પણ નથી કરી
આમ ઉપરોક્ત બન્ને કિસ્સાઓમાં મારી સ્ત્રી સન્માનભાવના તમને નથીલાગતી ? અને તેમ છતાં નથી રામાયણમાં તેનો કોઈ ઉલ્લેખ,કે નથી રામકથામાં તેનું દૃષ્ટાંત
(4) સીતાજીની શોધમાં આવેલ હનુમાનજીએ અશોક વાટિકાને ખેદાન મેદાન કરી,અને મારા પાટનગરને
આગ લગાડી,તેમ છતાં મેં I.P.C ધારાહેઠળ, જાહેર મિલકતને નુકશાન પહોંચાડવાનો દાવો પણ નથીકર્યો
(5) ભારતથી શ્રીલંકા પ્રવાસમાટે પાસપોર્ટ,કે વિઝા જરૂરી છે,તેમ છતાં હનુમાનજી તે વિના લંકામાં ઘુસી ગયા,તેમ છત્તા મેં તેને અમારા ફોરેન ટુરિસ્ટ એકટ હેઠળ તેનાઉપર તે અંગે કોઈ કાર્યવાહી નહોતી કરી, જયારે તમારે ત્યાં પાકિસ્તાનથી આવતો ગાયક, ક્રિકેટર કે લેખક,કે જેની પાસે બધાજ કાયદેસરના કાગળો મોજુદ હોવાછતાં તેનો વિરોધ કરો છો,મોઢે શ્યાહી લગાડો છો ? આને તમે રામ રાજ્ય ક્હો  છો ?
(6) વિભીષણે જયારે મારોસાથ છોડ્યો,ત્યારે ભરી સભામાં તેણે મારું અપમાન કર્યું હતું, એટલુજ નહીપણ રીતસરની બગાવતપોકારી હતી,તેમ છતાં મેં તેના ઉપર "રાજદ્રોહ"ની કોઈ કલમ લગાડી નહોતી
તમારે ત્યાંઆજે શું છે ?પોતાનાંહક્કમાટેકરાતી રજુવાત,કે આંદોલનને ક્ચડીનાખી,કારાવાસમાં ધક્કેલી દ્યો છો
આવાંતો અનેક દ્રષ્ટાંતો છે કે જેમાં મારીનીતિરીતી પ્રમાણિકપણે ઉલ્લેખવી જરૂરી છે તેમ છતાં તુલસીદાસ થીમાંડીને મોરારીબાપુએ હમેશા મને કાળોચીતરી અન્યાય કર્યો છે
 અને છેલ્લે મને પાપી,દુષ્ટ,અભિમાની,દુરાચારી,વિગેરેથી ઓળખો છો, તો રામજીના સોગંદખાઈને કહેજો કે હાલ રામના ભારતમાં " ભ્રષ્ટાચારી,સંગ્રહખોર,લાંચિયા,અહમવાદી,ચારિત્ર હીન,
કોમવાદી,પક્ષ પલટુ,કૌભાંડી,કોલસા ચોર,ચારાચોર અરે, શોચાલય બનાવવામાંથી પણ કટકી કરનારા,
કટકી કર્યાપછી ન પકડાનારા,પકડાયા પછીનિર્દોષ છૂટીજનારા એક માથાવાળા રાવણો અસંખ્ય અને અગણિત નથી?
  શ્રી રામે ધર્મયુદ્ધખેલી મને પરાજિતકર્યો અને સનાતન ધર્મનો મહિમાગાયો,એજ રામનામંદિરમાટે હજારો લાશ બિછાવીદેવાઇ,જાઓ, હિમત હોયતો મારી જેમ તેને પણ સળગાવી દ્યો, જેણે ધર્મને નામે ધતિંગ કર્યા છે, "બાપુ,"બાબા,અને "માં " થઇ બેઠેલ સાધુના વેશમાં છુપાયેલ શેતાનને ખોળી કાઢો
મરેલાને બાળવામાં,કઈ તમારી વીરતા છે ?જેઓ જીવતા રહીને તમને બાળીરહ્યા છે,તેનું વિચારોને ?
મારેતો દશમોઢા હતા,પણ ચહેરો એકજ હતો, ત્યારે આજે ખુલ્લેઆમ ધર્મનાહાટડામાંડી બેઠેલાઓને દશ ચેહેરા અને એક જ મોઢું છે અને તેમછતાં આજે તમે તેને " અચ્છે દિન" કહો છો?  
મને મારતાપહેલા આવા રાવણોને પકડી તેને જીવતા સળગાવો,હું તો ભગવાનના હાથે મોત મેળવીને સદગતીપામ્યો,પણ તમારેત્યાના રાવણો કદી સદગતિ નહી મેળવે.

Sunday, 20 September 2015

" નવાબી કાળનો મૂંગો ઈતિહાસ "


જુનાગઢ થી  80 કી,મી, દુર અને કેશોદથી માળિયા (હાટીના) જ્વાને રસ્તે માત્ર 8 કી,મી,દુર રસ્તામાં એક નાનો રસ્તો ફંટાય છે, જ્યાં ગાંગેચા નામનું માત્ર 2200/2500ની વસ્તી ધરાવતું ગામ છે,
આ ગામમાં"ગાંગનાથ મહાદેવ" નામનું એક પૌરાણિક શિવમંદિર આવેલું છે જેની તાજેતરમાં મુલાકાત લેતા કેટલુક વિશેષ જાણવા મળ્યું
સામાન્ય રીતે શિવાલયો લગભગ પૂર્વાભિમુખ હોય છે, પરંતુ, આ શિવાલય પશ્ચિમાભિમુખ છે ગામના શિક્ષિત આગેવાનના જણાવ્યા અનુસાર આ મંદિરનું બાંધકામ લગભગ 2200 વર્ષ પૂર્વે,કાપાલીકો દ્વારા કરવામાં આવેલું મંદિરમાં રહેલ શિવજીનું,સ્વયંભુ લિંગ શિવાલયની પાછળ વહેતીનદીમાંથી પ્રાપ્ત થયેલું હોય,તે નદી કિનારે જ તેની સ્થાપનાકરીમંદિર બાંધવામાં આવ્યું છે
   કહેવાય છે કે ઈ.સ,1025 માં મહમદ ગઝનવીએ જયારે સોમનાથ ઉપર ચઢાઇ કરી ત્યારે આ મંદિરનોપણ તેણે ધ્વંશ કરેલો (અલબત્ત ઈતિહાસમાં આ બાબતે તેનું કોઈ સમર્થન પ્રાપ્ત થતું નથી)
દર શ્રાવણમાસની અમાસે ત્યાં વિશાળ  મેળો ભરાય છે,મંદિર નો ઘુમ્મટ યંત્ર આકારનો બનેલો છે, જેમાં સિદ્ધયંત્રમાં દેવ-દેવીઓનું જે  સ્થાન હોય, તેજ સ્થાન ઉપર ઘુમ્મટમાં તે દેવદેવીઓની નાનીમૂર્તિઓ કોતરાવેલ છે સ્થળ ઘણું રમણીય છે,પ્રાકૃતિક વાતાવરણ અને ભક્તિનામહિમાએ મંદિરની ભવ્યતા વધારી દીધી છે,ગામવાસીઓએ શિવાલયનજીક એક સુંદરક્રીડાંગણપણ બનાવ્યું છે,અને ટૂંક મુદતમાં ત્યાં ઉતરવા રહેવાનીસુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી વિશાલ જગ્યામાં બાંધકામ શરુ થનારું છે અવારનવાર ત્યાં યોજાતા ધાર્મિક કાર્યક્રમો,કથા,સપ્તાહ, ભોજન સમારંભ કે પ્રસાદ અથવા કોઈનીમાનતા વી,ને કારણે  મહાદેવને થાળ ધરાવવા માટે ત્યાં મોટું રસોડું,તથા લગભગ 1200/1500 વ્યક્તિની રસોઈ થઇ શકે, અને,ભોજન પીરસી શકાય તેટલા વિપુલ જથ્થામાં સ્ટીલનાવાસણોપણ વસાવેલ છે.નવાબીકાળમાં દરબારોને રહેવા ઉતરવામાટે,ઉંચી દીવાલોથી ઘેરાયેલો "દરબારીઉતારો" પણ આજે ત્યાં તેનીઅસલ સ્થિતિમાં મોજુદ છે,પણ હવે તે મુસ્લિમજમાતને સોપીદેવામાં આવ્યો છે 
શ્રાવણમાસનાં છેલા સોમવારે આ ગામના શિવાલયમાં રુદ્રાભિષેક કરવાનો મેં અમુલ્યલાભ લીધો
           કદાચ કોઈને નવાઈ પણ લાગે કે,જુનાગઢ શહેરના આટલામોટાંમંદિરોમુકીને જૂનાગઢથી દુર એકાંતમાં,અંદરનાભાગે ખૂણે,કાચારસ્તે આવેલ,કે જ્યાં બસનીપણ કોઈ સુવિધા નથી,કે નકશામાંપણ જે ગોત્યું ન જડે, એવા નાનાગામના શિવાલયમાં જવાની ઈચ્છા ક્યાંથી પ્રગટી ?
તો તેની પાછળનો આ ઈતિહાસ છે .
ઈ.સ,1791,માં જુનાગઢના નવાબી રાજ્યમાં સ્વ,અમરજી રુદ્રજી ઝાલા,નામે એક બાહોશ દિવાન,(જેઓ રહસ્યમંત્રી તરીકેની પણ ફરજ બજાવતા હતા) થઇ ગયા,તેના બુદ્ધિગમ્ય વહીવટ,ચાતુર્યપૂર્વક ની સૈન્ય વ્યવસ્થા,અને પ્રામાણિકતા,વફાદારી,અને કર્તવ્યનિષ્ઠાથી ખુશ થઈને જુનાગઢના નવાબ સાહેબે ઈ.સ.1797માં ગાંગેચાનીજાગીર તેમને તામ્રપત્ર ઉપર લખીઆપી અને ત્યારથી જુનાગઢના ઝાલાપરિવાર ગાંગેચાના ગિરાસદાર બન્યા,ત્યારે આ ગામમાં આ એકમાત્ર શિવાલય હતું (આજેપણ તેમજ છે )
1797 થી 1947, એટલેકે એકસો પચાસ વર્ષ સુધી ઝાલા ભાયાતોએ ગાંગેચા ગામનું અનાજતો ખાધું,પણ તેની મહેસુલ, વિઘોટીની મસમોટી રકમપણ પ્રતિવર્ષ પેઢી દર પેઢી ભોગવી 
પ્રતિવર્ષ ઝાલા ભાયાતોના પ્રતિનિધિ તરીકે કોઈએક વડીલ ત્યાં જઈને બધો વહીવટ કરતાહતા,અને એમાં મારા સ્વ,પિતાશ્રી મુ વિનુભાઈ ઝાલાનો પણ સમાવેશ થતો હતો તેઓ પણ ત્યાં અવારનવાર જવાનું બનતા આ શિવાલય ખાતે દર્શન કરવાજતા અને પૂજાપાઠપણ કરતા તેઓને આ મંદિરપ્રત્યેની અતુટશ્રદ્ધા એટલી  હદસુધી હતી કે 1947,માંજયારે એકમ થયું અને ગામ-ગરાસ ખૂંચવાઇ ગયા,અને ઝાલાઓ "ગામધણી" મટીગયાપછીપણ તેઓ અવારનવાર ત્યાં દર્શનેજતા,તે ગામનું ઋણ ચુકવવા નિમિત્તે તે મંદિરમાં જોઈતી જરૂરી પૂજાસામગ્રી,રંગ-રોગાન,કે રીપેરીંગ પોતે કરાવીઆપતા આ રીતે ગામનીમુલાકાત લઈને જુના ગ્રામ્યવાસીઓના ખબર અંતર પૂછતાં,એટલુજ નહીપણ ગ્રામ્યવાસીઓ ત્યારેપણ એટલુજ માન-પાન આપતા જેટલું ગામધણીહતા ત્યારે મળતું હતું,
 જયારે આ ગામમાં જવામાટે કેડી રસ્તો હતો,ત્યારે 85 વર્ષનીઉમરે 1987,માંપણ તેઓ ત્યાં ગયાહતા,અને તે તેની ત્યાની આખરી મુલાકાત હતી
ઘણાજ ખેદ અને શરમસાથે અત્રે નોંધવું પડે છે કે દોઢસો-દોઢસો વર્ષ સુધી પેઢી દર પેઢી જે ગામનું અનાજ આરોગ્યું છે,તે ગામમાં,1947 પછી કોઈ ભાયાતો ત્યાં ફરક્યા નથી,તે એટલી હદસુધી કે મોટી ઉમરના ભાયાતવડીલ પૈકી ઘણાવડીલોને તે ગામ વિષે ન તો,તે દિવસે પણ કોઈ માહિતી હતી કે ન તો આજે,તો પછી જોવાની કે મુલાકાતનીવાત તો ક્યાં રહી?,અને પછીનીપેઢીનો એમાં દોષપણ શું? "જે આપણું નહી,તેનું આપણે શું ?"
            જયારે વાત નીકળી જ છે ત્યારે નવાબીકાળની કેટલીક રસપ્રદ,અને,ભાગ્યેજ સાંભળેલીએવી કેટલીક વાત નોધુ છું,
જુનાગઢના નવાબી કાળ દરમ્યાન રાજ્યનો વહીવટ,સૈન્ય અને પ્રજાલક્ષીકાર્યો મોટેભાગે રાજ્યના દિવાન તથા રહસ્યમંત્રીપાસે જ રહેતા હતા,જુદા જુદા સમયે રાજ્યમાં દિવાન,અને નાયબ દિવાનનો હોદ્દો ભોગવી ચુકેલાઓમાં,મુખત્વે,
 1,જગન્નાથ મોરારજી ઝાલા (1750) 2 રૂદ્રજી મોરારજી ઝાલા (1754) 3 અમરજી રૂદ્રજી ઝાલા (1791)
4,ગોવિંદજી અમરજી ઝાલા 5 ઈન્દ્રજી અમરજી ઝાલા (બન્ને સગા ભાઈઓ હતા ) 6 સંપતીરામ ઈન્દ્રજી ઝાલા
 7 પુરુષોત્તમરાય  સુંદરજી ઝાલા (નાયબ દિવાન-રાયજી સાહેબ)હતા
આમ રાજ્યનામોટાભાગના દિવાન ઝાલાપરિવારની ભેટ હતી તે નોંધતા હું ગર્વ અનુભવું છું
આ બધા દીવાનો પૈકી સ્વ,ગોકુલજી સંપતજી ઝાલા,કે જેઓ રાજ્યના રહસ્યમંત્રી હતા,અને પુરુષોત્તમરાય સુંદરજી ઝાલા,નાયબ દિવાન (રાયજી સાહેબ)ની કુનેહ,દીર્ઘદ્રષ્ટિ,મુત્સદીગીરી અને બેનમુન વહીવટની નોંધ અંગ્રેજ સરકારેપણ લેવી પડી હતી
કાઠીયાવાડ એજન્સીએપણ સ્વ,ગોકુલજી ઝાલામાટે મોફાટ વખાણ કર્યા હતા,એટલુજ નહીપણ રાજકોટના પોલીટીકલ એજન્ટ એન્ડરસને સ્વ,ગોકુલજીની રાજ્યમાંવધેલી સત્તા,મહત્તા,અને લોકપ્રિયતા ખુંચતા તેને નવાબની કાનભંભેરણીકરી અને ગોકુલજી ને હોદ્દાપરથી બરતરફ કરવાની ભારપૂર્વક ભલામણપણ કરેલી,રાજ્યો-રાજ્ય વચ્ચે  વિખવાદ ન વધે અને સંવાદિતતા જળવાઈ રહે તે હેતુથી સ્વ,ગોકુલજીભાઈએ પોતે રાજીનામું આપીદીધું,પણ થોડાજ વર્ષોમાં રાજ્યનો વહીવટ કથળી જતા નવાબે તેમને પુન:હોદ્દો ગ્રહણ કરવાની વિનંતીકરતા,જ્યાંસુધી રાજ્યનો કથળેલો વહીવટ વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી ફરજ બજાવવાની શરતે 1875થી1878, સુધી રાજ્યનો કાર્યભાર સંભાળ્યો
 માત્ર આઠચોપડી ભણેલ બન્ને દીવાનોએ પોતાની કાર્યકુશળતાથી બેનમુન વહીવટ કર્યો હતો
 સ્વ, પુરુષોત્તમરાય સુંદરજી ઝાલા(રાયજી સાહેબ)
****************************************
જેને "નરપુંગવ " કહીશકાય તેવી ભવ્યપ્રતિભા,જાજરમાન વ્યક્તિત્વ,કુશાગ્ર બુદ્ધિમત્તા, અને રાજ્યના વહીવટઉપરનીજબ્બરપકડ ધરાવતા રાયજી સાહેબે જેટલી લોકપ્રિયતાપ્રાપ્ત કરી,તેટલાજ  તેના તેજોદ્વેશી,શત્રુઓપણ હતા,
જુનાગઢના ગંધ્રપવાડા લેઈનપાસે આવેલું સ્વ,શ્રીનિવાસભાઈ બક્ષીના જુનાવિશાળ મકાનમાં તે સમયે  કન્યાશાળા બેસતી હતી,જે બક્ષીપરિવારને નવાબ તરફથી ભેટરૂપે મળતા,પાછળથી તે કન્યાશાળા હાલના મહાત્માગાંધીરોડ (તે સમયે કિંગ્સ રોડ કહેવતો )પર આવેલ  હાલની તાલુકાસ્કુલમાં
 "લાડડીબીબી કન્યાશાળા"ના નામથી ફેરવવામાંઆવી હતી
એકવાર લોર્ડ કર્ઝન જુનાગઢ રાજ્યની મુલાકાતે આવતા દરબારીઓની એક બેઠક તે શાળામાંગોઠવવામાં આવેલ રાયજી સાહેબે હળવાશમાં મૌખિક ફરમાન કર્યું કે"અંગ્રેજો શિસ્ત,અને ચુસ્ત સમયપાલનમાં માનનારાહોય, બરાબર સવારેઅગ્યાર વાગ્યાસુધી આવનારને પ્રવેશવાદેવા,ત્યારપછીથી ખુદ નવાબ સાહેબ આવે તો તેને પણપ્રવેશ ન આપવો " (રાયજી સાહેબનું આ મૌખિક ફરમાન તેનું દુશ્મન બન્યું )
નવાબ સાહેબ તો સમયસર પધારીગયા,પરંતુ નવાબ રસુલખાનજીનો શાહજાદો શેર જમાલખાન મોડો પડ્યો અને રાયજીસહેબના હુકમ અનુસાર તેને પ્રવેશ ન મળ્યો ,
બસ,,, પૂરું થયું, શાહજાદો એક જ હઠ લઈને બેઠો કે દિવાનપદે રાયજી સાહેબ ન ખપે,એટલુજ નહી પણ રાજ્યનીહદમાં રાયજી સાહેબનો પડછાયો પણ ન જોઈએ,અને તે રીતે,વૈમનસ્ય અને કિન્નાખોરીનો ભોગ બનેલ રાયજી સાહેબને દેશ નિકાલ કરવામાં આવ્યા 
રાયજીસહેબની બાહોશી,કાબેલિયત,વ્યવહારકુશળતા,કુશાગ્રબુદ્ધી, હિંમત,અને દુરાન્દેશીપણાથીરાજ્યનો વહીવટ,એટલો સંગીન અને સુંદર હતો, કે નવાબ સાહેબને રાજ્યની કોઈ ચિંતાજ નહોતી
તેની પ્રામાણિકતા,અને વફાદારીથીખુશ થઈને નવાબસાહેબે જૂનાગઢમાં ઘણી સ્થાવરમિલકત તેમને બક્ષિશતરીકે આપી હતી
જે પૈકી આજે રાયજીબાગ,તરીકે ઓળખાતી અતિભવ્ય, સુંદર,વિશાળ આકર્ષકબગીચા સાથેની  ઈમારત,ઉપરાંત જુનાગઢમાં આગબોટ આકાર (Steamer Shaped)માં બનેલ હાલની બાળશાળા,અને તેની સામે રહેલ પ્રાથમિક કન્યાશાળાનું મકાનપણ તેમને ભેટમાં આપેલું
પ્રાથમિક કન્યાશાળાનું હાલનું મકાન તેમનું અધિકૃત રહેઠાણ વર્ષોસુધી રહેલું સુજ્ઞ વાચકોને વાંચતા દુખ થાય તેવી એક બાબત એવી છે કે તે કન્યાશાળાનીબાજુમાં આવેલ "પેશાબઘર "(મુતરડી)પણ તે જ મકાન નો એક અંદરના ભાગે આવેલ વિશાલખંડ હતો,જેનો રાયજી સાહેબ પોતાના દિવાનખાના,અથવા બેઠક રૂમ તરીકે ઉપયોગ કરતાહતા પરંતુ મતભેદ,ખટપટ,રાજરમત અને કિન્નાખોરીનો ભોગ બનેલ રાયજી સાહેબપાસેથી નવાબે આપેલી તે ત્રણેય,અમુલ્ય,અદભુત ઈમારતો પાછી લઈલીધાબાદ વિઘ્ન સંતોષી અને નવાબના ચમચાઓ દ્વારા નવાબ સાહેબને સૂચવ્યાપ્રમાણે તે વિશાળખંડને બહારનાભાગે જુદો કાઢી તેમાં શાળાનીમુતરડી બનાવવાનો નિર્યણ લીધો,અને કહ્યું કે "રાયજીનીભવિષ્યની પેઢી/ વંશજો જુવે કે રાજ્યનો દિવાન પોતાના નિવાસસ્થાને,જે દિવાનખાનામાં બેસતો હતો,તે જગ્યાએ જૂનાગઢનીપ્રજાનાસંતાનો આજે પેશાબ કરેછે " કેટલી હદ સુધીની નીચ કિન્નખોરી,અને હીનમાનસિકતા ?
મતભેદ,અને રાજરમત એટલી હદસુધી ફાલ્યા-ફૂલ્યા કે નવાબે હુકમ કર્યો કે " રાયજી સાહેબની તમામ માલ-મિલકત જપ્ત કરવામાં આવે " જે વાતનીગંધ રાયજી સાહેબને અગાઉ મળીજતા રાતો રાત ગામડાઓમાંથી ગાડામંગાવી તેમાં તમામ ઘરવખરી,અને રાચ-રચીલું ભરીને સવારનો સુરજ ઉગતા પહેલા રાયજીસાહેબે સ્થળાંતર કરી પોતાના નિવાસસ્થાન (હાલની બાળ શાળા)નાદરવાજા ખુલ્લામૂકી ચાલ્યાગયા,સવારે જયારે નવાબના માણસો જપ્તીકરવા પહોંચ્યા ત્યારે ખાલી ઈમારતમાં રાયજી સાહેબના પદ ચિન્હ,સિવાય ત્યાં કશુય ન મળ્યું રાયજી સાહેબને નવાબ બહાદુર ખાનજીએ જુનાગઢ નજીકનું બહાદુરપુરા નામનું ગામપણ સુવાંગ ભેટમાં આપેલું,પણ ચતુર રાયજી સાહેબ બરાબર સમજતા હતા કે "રાજા,વાજા,અને વાંદરા"ત્રણેય સરખા,અને તેમાંપણ વળી મુસ્લિમ રાજવી,રિજે તો ગામનાગામ આપીદે,અને ખીજે તો મૂળથી સત્યાનાશ કાઢી નાખે,
તેથી રાયજી સાહેબે તે લેવાનો ઇનકાર કરી,અને તે ગામ સુવાંગ વેચાણ આપવાની વિનંતી કરી જે નવાબે ગ્રાહ્યરાખી તે બહાદુરપુરાગામ રાયજી સાહેબે રાજ્યપાસેથી વેચાણમાં લીધું,
જયારે તમામ બક્ષિશતરીકે આપેલી સ્થાવર મિલકતોની જપ્તીકરવામાંઆવી, ત્યારે તે બહાદુરપુરાગામની પણ નવાબે જપ્તી કરી કે જે તેમની અંગત ખરીદેલી મિલકત હતી,તેથી રાયજીસાહેબે અદાલતનો આશરો લઇ કોર્ટમાં દાવો દાખલ કર્યો,અને સત્તા સામે બાથ ભીડી પણ જેનું રાજ્ય હોય, તે રાજા સામે કોણ તેની વિરુદ્ધ ચુકાદો આપે?જીવતાસિંહ ના દાંત કોણ ગણે ?
સત્તાપાસે ન્યાય આંધળો અને બહેરો બની જાય છે,ચુકાદો રાયજી સાહેબની વિરુદ્ધમાં આવ્યો
તેમ છતાં હિમત હારે તો રાયજી શેના? દેશ નિકાલ થયાપછીથીપણ રાયજીસાહેબે ગવર્નરજનરલની કોર્ટમાં કેસ દાખલ કર્યો અને ચુકાદો રાયજી સાહેબનાપક્ષે આવતા નામદાર અદાલતે નવાબના આ અન્યાયીનિર્યણની ટીકા કરતા સ્વ,રાયજી સાહેબને જપ્ત કરેલી મિલકતના વળતરપેટે રૂ,1,53,000/
(તે સમય માં) ચૂકવવાનો હુકમ કર્યો ,
 દેશનિકાલ થયેલ સ્વ,રાયજી સાહેબ,જીવનનાઅંતસુધી મુંબઈના એલ્ફીન્સ્ટનરોડપરના ભવ્યમકાનમાં શાહી ઢબે રહ્યા
*
*
(પુરકમાહિતીસ્ત્રોત :મુ,શ્રી મહેશકાન્તભાઈ કચ્છી,વડોદરા )
*
*
( એક નમ્રખુલાસો:> સુજ્ઞ વાચકોને  નમ્ર વિનંતી કે
આ લખાણદ્વારા કોઈ"પરિવાર પ્રશશ્તી" પેઢી-પ્રશંશા""આત્મશ્લાઘા"
કે "કુટુંબભક્તિ"નો હેતુ હોય,તેવું વિચારવાની લગરીકે ભૂલ ન કરશો,
 ભૂતકાળનીભૂતાવળમાં ધરબાયેલા કેટલાક સત્યોને ઉજાગર કરવાનાએકમાત્ર હેતુથી,આ લખાયેલ છે)







Wednesday, 19 August 2015

ટ્રક ડ્રાઈવરો શાયરોથી કમ નથી


 ભારતભરના રસ્તાઓ બેનમુન છે,દેશના વ્યાપારઉદ્યોગને વધારવામાં તેનો સિંહ ફાળો છે,આજ રસ્તાઓ પરથી માલની હેરાફેરી કરતી ટ્રકો, દેશના જુદા જુદા રાજ્યોમાંથી જુદી,જુદીજગ્યાએ જતી હોય છે.
વ્યાપારના વિસ્તરીકરણ તથા કાચા- તૈયારમાલની આયાત નિકાસ રેલ્વે કરતા રસ્તાઓ પર દોડતી ટ્રકો દ્વારા વધુ થાય છે. સમયનો બચાવ,ઝડપ,અને ઓછું નુકશાની તેના મહત્વના કારણો છે
                    જુદા,જુદા,રાજ્યોની આવી દોડતી ટ્રકોના પાછળનાભાગે શાયરાના અંદાઝમાં જુદા,જુદાસુત્રો કે શાયરી વાંચવા મળે છે કેટલીકવાર સાહિત્યના અભ્યાસુ લોકોએ પણ આવી શાયરી,કે સુત્રો ભાગ્યેજ સાંભળ્યા,વાંચ્યાહોય તેવા સુત્રો/ શાયરીઓ લખેલ હોય છે જે પૈકી થોડી અત્રે રજુ કરું છું.



1.मालिक की गाड़ी, ड्राइवर का पसीना
चलती है सड़क पर बन कर हसीना !!
2 मालिक की ज़िंदगी बिस्कुट और केक पर
ड्राइवर की ज़िंदगी एक्सिलेरेटर और ब्रेक पर!!

3 पत्ता हूँ ताश का जोकर न समझना,
आशिक हूँ तेरे प्यार का नौकर न समझना!!

4.या खुदा क्यों बनाया मोटर बनाने वाले को,        
घर से बेघर किया मोटर चलाने वाले को!!
5 ड्राईवर की ज़िन्दगी में लाखों इलज़ाम होते हैं,
निगाहें साफ़ होती हैं फिर भी बदनाम होते हैं!!
6 .चलती है गाड़ी उड़ती है धूल
  जलते हैं दुश्मन खिलते हैं फूल!!
7. दिल के अरमाँ आँसुओं में बह गये
वो उतर कर चल दिये हम गियर बदलते रह गये !!
8.लोन लेकर खेल ये खेला है,यारो नजर नलगाना
    ये गरीब का ठेला है , चोरी से मत उठाना !!

 

9. सदा स्टेरिंग का साथ रहे सन्मुख रहे ब्रेक,
पाँचों मिल रक्षा करें टायर ट्यूब और जैक !!

10 .कभी साइड से आती हो, कभी पीछे से आती हो
     मेरी जाँ हार्न दे देकर, मुझे तुम क्यों सताती हो!!
11.  भाँग माँगें मीठा, चरस माँगे घी
     दारू माँगे जूता चप्पल, जब-जब ज़्यादा पी!!

12 .कीचड़ में पैर रखोगी तो धोना पड़ेगा
      गोरी ड्राइवर से शादी करोगी तो रोना पड़ेगा!!
13.  नाज़ुक है ज़िन्दगी परेशां है ज़माना
      आपसे उधार करके हमें क्या है कमाना!!       
14 पानी गिरता है पहाड़ से, दीवार से नहीं
     दोस्ती है हमसे, हमारे रोज़गार से नही!!
15, हम चिंतन करें उनकी,जिन्हें चिंता हमारी है
  हमारे रथकी रक्षा जो करे,वो सुदर्शन चक्रधारी हैं!!
16, बुरी नज़र वालों की तीन दवाई जूता, चप्पल   और, पिटाई!!
17, सुबह का बचपन हँसते देखा दोपहर मस्त जवानी
     शाम का बुढ़ापा ढलते देखा, रात को ख़त्म कहानी!

Sunday, 16 August 2015

"ભળતા,નામનું ભૂત."


*
*
*થોડા દિવસપહેલા "વા વાયોને છાપરૂં ખસ્યું,,," ની પોસ્ટ મુકેલી,
તેના પ્રતિભાવરૂપે આવેલી કોમેન્ટ્સપૈકીની બે કોમેન્ટ્સ જે પૈકી એક,શ્રી,મહેશભાઈ વસાવડા,અને બીજા શ્રી ધીરેનભાઈ અવાશિયાએ પણ પોતાનો અનુભવ ટાંક્યો છે શ્રી,ધીરેનભાઈ સાચા છે કે "જૂનાગઢનાં નાગર વાડાઓમાં ...."ઉડયું " .."સાંભ્ળ્યું " .."કેચ કે .." વાત આવી છે,"આદિ આદિ શબ્દો તો કેટલાક નાં "તકિયા કલામ " જેવાથઇ ગયા છે "
આ "સાંભળ્યું છે " નો એક "કરુણ-રમુજી " કિસ્સો ફરીએકવાર મારીસાથે બની ગયો,
થોડા વર્ષો પૂર્વેની આ ઘટના છે,
ભૂકંપ,ચક્રવાત,અને અફવા વચ્ચે  થોડું સામ્ય  છે 
પહેલું તો એ કે ત્રણેયને તેના ઉદગમ બિંદુ હોય છે, બીજું,ત્રણેય ગતિશીલ હોય ઉદગમબિંદુ બદલાવાની શક્યતા હોય છે અને ત્રીજું,ત્રણેયની "આફ્ટર ઈફેક્ટ " સારી હોતીનથી,
મારીવાતનું ઉદગમ બિંદુ શ્રી રણછોડરાયજીનું મંદિર હતું 
પ્રભાતનો સમય હતો મોટાભાગની ગંગાસ્વરુપીણીઓ,મંગળાના દર્શનકરવા આવેલ તેઓ દર્શન ખુલ્લા મુકાવાના સમયઅગાઉ ત્યાં હાજર હોય,અને દર્શનખુલે તે દરમ્યાન,કૈક પરિવારની ચાર દીવાલોનીઅંદર બનતા,સામાજિકપ્રશ્નો,રસોઈ ઘરમાં થતાઘર્ષણ,જેવી અંગત બાબતોનું રસપૂર્વક નિરૂપણ કરી,અરસ્પરસ સમાચારોનું આદાન પ્રદાન કરતા હતા,(તે  પવિત્ર મંદિરને ઓટલે થતી હોય એટલે  ચોવટ,પંચાત,કે કુથલી ન કહેવાય "નવા-જૂની કહેવાય )
તે પૈકીના એક વયસ્ક બહેને વિસ્ફોટ કર્યો " સાંભળ્યું ? વિનુભાઈનો વચલો દીકરો ગ્યો  "
બીજા બહેને ઉત્સુકતાથી પૂછ્યું " એ વિનુભાઈ કયા?"
જવાબ મળ્યો "અરે, વિનુભાઈ ઝાલા,નવા નાગરવાડાવાળા "
સીટીસર્વે ઓફીસના દફતરે,આખો નવો નાગરવાડો મારા સ્વર્ગીય પિતાશ્રીને ને નામે નોધાયેલો હોય તેરીતે  તેણે ઓળખાણ આપી,
"એમ,? તમને કોણે કહ્યું ?" ત્રીજાએ રસ દાખવતા સમાચારનીઅધિકૃતતા જાણવાની કોશિશ કરી
પહેલા બહેને કહ્યું "જ્યાં તેનું સાસરું છે,તે વસાવડાખડકીમાં અમારો દૂધવાળો દૂધ આપે છે,,તેણેકહ્યું, કે "જોશીપુરાના સગા,વ્યોમેશભાઈ ઝાલા ગુજરીગયા "
બસ,આટલું પુરતું હતું સવારનાસાડાસાતે હરિભાઈનીદુકાને,આઠવાગ્યે ગોરધન ટીડાને ત્યાં શાક લેતા,અને નવ વાગ્યે આઝાદચોકની લાઇબ્રેરીનાપગથીયે,ઓળખતામિત્રો વચ્ચે ચર્ચા શરુ થઇ 
         મને એમ લાગે છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીનીજનતાને વાય-ફાઈની સુવિધાનું વચન ચૂંટણીપહેલાઆપેલું,જે આજ દિનસુધીપૂરુંનથીકર્યું જયારે આપણું જુનાગઢ કેટલું પ્રોગ્રેસીવ છે કે નરસિંહ મહેતાજીના સમયથી અર્ધુંજુનાગઢ "વાય -ફાઈ"થી સજ્જ છે 
મોબાઈલની ચાંપ ફટોફટ દબાણી,ચારસેકન્ડમાં તો જોજનો દુરરહેતા,દરિયાપારના સગા,મિત્રોમાં વાત પ્રસરી,મારાપુત્રના કેટલાક યુવાન જુનાગઢી મિત્રોએ મેસેજ મોકલ્યા,કોઈએ અંગતમિત્ર હોવાનાદાવે ફોન પણ કર્યો,અને પૂછી પણ લીધું કે " ઉઠામણું ક્યાં,? અમદાવાદ,વડોદરા,કે જૂનાગઢમાં,અને ક્યે દિવસે ?"
સવારમાં અણધાર્યાસમાચારનો ફોનઆવતા મારો પુત્ર હત-પ્રભ થઇ ગયો તુરતજ તેણે મને ફોન કર્યો,
પણ હું સવારની દૈનિક ક્રિયા આટોપવામાંવ્યસ્ત હોઉં,મેં રીંગ ન સાંભળી,ફોન "નો રીપ્લાય" થતા તે વધુ મુંજાયો, તેણે મારીપુત્રીને ફોન કરીને પૂછ-પરછ કરી અને તેનાથી જાણ્યું કે બધું સહી સલામત છે,
સવારે મેં જયારે કોમ્પ્યુટરખોલ્યું, ત્યાતો " R.I.P." ના ત્રણ-ચારમેસેજ મારી વોલપર વાંચ્યા,
મેં તે Delete કરી પ્રત્યુતર વાળતા સ્પષ્ટતા કરી કે 
" વસાવડા ખડકીના જોશીપુરા ફેમીલીના સગા વ્યોમેશ ઝાલાના અવસાનના,સમાચારમાંતથ્ય છે. પણ તે હું નહી. પોરબંદર નિવાસી,સ્વ,મુ,મહાપ્રસાદઝાલાના પુત્ર કે જે વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલ છે,જેનું નામપણ   વ્યોમેશઝાલા છે, તેનું નિધન થયેલું છે. જેઓ સગપણમાં મારા સાળાથાય અને જોશીપુરા કુટુંબના મોસાળીયા થાય,એક સરખા નામ અને એકજ પરિવારના રીસ્તેદાર હોવાને નાતે આ ગેરસમજ પ્રવર્તી છે.

Thursday, 13 August 2015

" વા વાયો ને છાપરૂં ખસ્યું ,,,,,"

" વા વાયો ને છાપરૂં ખસ્યું ,,,,,"
***********************
*
*

શનિવારનીસાંજે અર્ધાદિવસની બેંક ભરીને સાંજે ચારવાગ્યે,ઉતાવળેપગલે ઘરભણી જઇરહ્યો હતો.
બેન્કેથી પાછાફરવાનો મારો રસ્તો,વાયા પંચ હાટડી શાકમાર્કેટ,વણઝારી ચોક,થઇ નવા નાગરવાડાનો હતો
ઉનાળાનીગરમી,માથે સુરજ તપતો હોય પ્રસ્વેદ બિંદુઓથી મારો ભાલપ્રદેશ નીતરતો હતો.
વણઝારીચોક પાર કરીને આગળ વધતા નવા નાગરવાડાની શેરીનંબર 3,ને ખૂણે એક આજીવન ખાદીધારી ગૃહસ્થ ગોઠણથી નીચેનો અર્ધમેલો ખાદીનો ઝબ્બો,તેવુજ ખાદીનુંધોતિયું,અને માથે ખાદીની ટોપીપહેરેલા ઉભા હતા
મને જોતાજ તેઓ બે,ડગલાઆગળઆવી,ઉભો રાખ્યો અને મારે ખભે હાથમુકી
 કરુણામય નેત્રે,સહાનુભૂતિની નજરે જોતા બોલ્યા"આવું છે જિંદગીનું,ભરોસો નથી ક્યારે શું બનશે ?"
મને બોલવાની કે પૂછવાની તક આપ્યા વિના,તેણે આગળચલાવ્યું " આમ તો સમજોને કે બીમાર તો ઘણા  વખતથી હતા,તેમછતાં હું ઘણીવાર તેને બહાર નીકળતા જોતો અને એવી કોઈ ગંભીર બીમારી પણ સાંભળેલ નહી ? પણ તૂટીની બુટીનથી હિમત રાખવી "
મને હિમતઆપનારની હિમત જોઇને હું ડઘાઈગયો મેં આશ્ચર્યસહપૂછ્યું"કેમ શું થયું?તમે કોનીવાત કરો છો ?"
તેટલાજ આશ્ચર્યથી તેણે મને વળતો સવાલ કર્યો ? કેમ તને કાઈ ખબર નથી? હું તારા માતુશ્રીની વાતકરું છું
           આમ તો તે સદગૃહસ્થ વ્યવસાય વિહોણા હોય,શેરીને નાકે નિયમિત ઉભવાવાળા,અને તેનું કામ રડાર જેવું પણ ખરું,સ્વ, ડો,જનકભાઈનાણાવટીની આંખની હોસ્પિટલ,"નયન"થી શરુકરી,સીધીલીટીએ પુરાથતા જયશ્રી સિનેમાનાખાંચાસુધી,એટલેકે સ્વ,નંદાભાઇ વકીલના ઘર સુધીના એરિયાની કોઈ ઘટના તેની બાજ નજર બહાર ન હોય,એટલુજ નહી પણ તેનું દરેક અપ-ડેટિંગ વડાપ્રધાન કાર્યાલય જેટલું સચોટ પણ ખરું
તેથી મને તેનીવાતથી ફાળપડી હું મુંજાયો અને વિચારે ચડ્યો કે અરે, હું સવારેસાડાદશ વાગ્યે તેનાથી છૂટો પડું છું ? અને આટલીવારમાં મા ને શું થઇગયું ?
હા, મા ને શ્વાસ,અને દમની,બીમારી છેક 1947 થીહતી,અને અમારા પારિવારિક ડોક્ટર સ્વ,ધીરજરાય,અને તે પછી તેનાપુત્ર સ્વ, ડો, ઇન્દુભાઇ વસાવડાની સારવાર ચાલતી હતી,અને ક્યારેક પણ દમનો હુમલો આવે ત્યારે તેઓ વધુપરેશાન થતા,અને તબિયત જરૂર ગંભીર બનીજતી પણ આમ ઓચિંતા કાઈ બનીજશે તેવી કલ્પના તો ન જ હોય ?
        મેં સદગૃહસ્થ નેપૂછ્યું "તમને કોણેસમાચાર આપ્યા,અને શું આપ્યા "?
તેમણે મને જવાબઆપ્યો "અરે,હમણાજ આ રસ્તેથી એમ્બ્યુલન્સ નીકળીને તારે ઘેર ગઈ,
જો ,,, ઉભી ",,,એમ કહીને સીધે રસ્તે દેખાતા મારા ઘર તરફ તેણે હાથ લંબાવ્યો,
વાત સાચીહતી મારા ઘરનેદરવાજે એમ્બ્યુલન્સ ઉભી હતી, કોઈપણ જાતની વધુ પુછપરછ વિના મારીગતિ રેઈસના ઘોડાની જેમ વધી ગઈ
ઘેર પહોંચ્યો
ઘેરજઈને જોઉં છું તો ,,,,,,,
*
*
*
મારો નાનોભાઈ અને મા હિંચકે બેઠા વાતો કરતા હતા
મારો ભાઈ ઉના સરકારીહોસ્પીટલમાં તબીબ તરીકે નોકરી કરતો હતો અને ત્યાનાપોતાના કોઈદર્દીની હાલતગંભીર હોય,ઘનિષ્ઠ સારવાર અર્થે જીલ્લાની હોસ્પીટલમાં તે દર્દીનેએમ્બ્યુલન્સમાં લઈને,જુનાગઢ હોસ્પીટલે આવ્યો હતો,વાત જાણતા મને હાશકારો થયો. ઉના લાંબોપંથ હોય,પાછાફરતા તે ઘેરથી ચાનાસ્તો કરીને નીકળ્યો અને તે રીતે માની તબિયતપણ રૂબરૂ જોઈ ગયો.
આમ એમ્બ્યુલન્સ ઘરનેદરવાજે પહેલીવાર નિહાળતા તે સદગૃહસ્થે અનુમાન બાંધ્યું અને મને હિમત પણ આપી દીધી
મારો ભાઈગયો,એમ્બ્યુલન્સ રવાના થતાજ તે સદગૃહસ્થ,ખભે ટુવાલ નાખી મારાઘરતરફ આગળ વધતા મેં ઘરને ઓટલેથી જોયા,તે ભેગો હું ઉઘાડાપગે સામે દોડ્યો,અને તેને ઘર તરફ ડાઘુ વેશે આવતા રોકી,અને બધી સ્પષ્ટતા કરી
લાગણી,સંબંધ,અને માનવતાની યાદીમાં પોતાનું નામ અગ્ર હરોળમાં રહે,તે ઉત્સાહમાં તેણે કોઈ પણ ચકાસણી કર્યા વિના કરેલી ઉતાવળને સ્વીકારવાને બદલે તે ગૃહસ્થ મારાપર બગડ્યા,
તેઓ જયારે ગુસ્સે ભરાય ત્યારે "વસ્ત્રહીન ભાષા પ્રયોગ "કરવા ટેવાયેલા તે મને ખબર હતી #ચીપિયો  પછાડતા હોય એમ મોટા અવાજે તેણે મને કહ્યું "ભૂલ મારીનથી,તારાભાઈની છે,આમ એમ્બ્યુલન્સ ઘર પાસે લઈને આવે ત્યારે મને શું કોઈને પણ આજ વિચાર આવે,જે મને આવ્યો, આતો વા વાયોને નળિયું ખસ્યા જેવો ઘાટ થયો "
નમ્રતા એ મારી સૌથી મોટીનબળાઈ છે, મેં હાથ જોડીને કહ્યું "વડીલ આપ સાચાછો, ભૂલ નિશ્ચિતરીતે મારા ભાઈનીજ છે, તેણે દાતારરોડપર એમ્બ્યુલન્સ પાર્ક કરીને રીક્ષામાં ઘેર આવવું જોઈતું હતું પણ જો હું થોડો મોડો પડત, અને તમે ઘરને ઓટલે બેસીને ઠુઠવો મુક્ત તો "વા વાયોને છાપરું ખસ્યા જેવો ઘાટ સર્જાત "