વ્યક્તિત્વ ભલે ગમે એટલું અસાધારણ અને ભવ્ય હોય,પણ જો એની પાસે પદ,સત્તા, કે ખુરશી ન હોય તો એ વ્યક્તિ તરણાની તોલે છે. ઘરમાં સાપ નીકળે તો લાકડી, ધોકા લઈને તેને મારવા અને પૂરો કરી નાખવા લોકો તૈયાર થઇ જાય છે પણ એજ નાગ ભગવાન શંકરની છત્ર છાંયા હશે તો તેને જલાભિષેક, કે પુષ્પો ચડાવશે આમ સ્થાન નું મહત્વ છે.વ્યક્તિનું નહીં
34 વર્ષ પહેલાનો એક સ્વાનુભવ અહીં ટાંકુ છું
1983 માં મારી બદલી ભુજ (કચ્છ)થી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સાવ ખૂણાના ગામ નાગવદરમાં મેનેજર તરીકે થઇ.એ ગામમાં ચમત્કારી ગણાતા ગાયત્રી માતાજીનું મંદિર પણ સુંદર હતું અને દૂર દૂરથી લોકો માનતા માનવા/પુરી કરવા ત્યાં દર્શને આવતા
મારો એક નિયમ એવો હતો કે જયારે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં બદલી થાય, ત્યારે એ ગામની બેન્કમાં ચાર્જ લીધા પહેલા એક અજાણ્યા ઈસમ તરીકે ગામની મુલાકાત લેતો
ગામની હોટેલ,પાનની દુકાન,ગામનો ચોરે બેઠેલ વૃદ્ધો એ બધાની એક અજાણી વ્યક્તિ તરીકે મુલાકાત લઈ ગામના લોકો, બેન્કિંગ વ્યવસ્થા, વેપાર-ઉદ્યોગ,ખેતી વિગેરે વાતો જાણતો
એવીજ રીતે નાગવદર બ્રાન્ચનો ચાર્જ સંભાળવાના દશેક દિવસ અગાઉ એક અજાણ્યા આગતુંક ની હેસિયત થી હું નાગવદર ગયો
ઓક્ટો, મહિનો,સખત તાપ.માથે ટોપી, ગોગલ્સ, ઝબ્બો-પાયજામો અને બગલથેલો લઈ હું નાગવદર પહોંચ્યો, ગામની હોટેલે અર્ધી ચાહ પીધી,ત્યાં બેઠેલ એક વૃદ્ધ ખેડૂતને પૂછ્યું, " ગાયત્રી મંદિર ક્યાં આવ્યું ?"
એમણે મને દર્શનાર્થી સમજી રસ્તો બતાવ્યો, બીજો સવાલ કર્યો "અહીં કોઈ ઉદ્યોગ કે કારખાના ખરા ?"
વૃદ્ધ ખેડૂતે જવાબ આપ્યો "અરે, અહીં સિમેંન્ટ પાઇપ બનાવતી મોટી ફેક્ટરી છે, આખા ગુજરાતમાં એનો માલ પહોંચે છે, અને ધમધોકાર કારખાનું છે એ ગાયત્રી મંદિર રસ્તામાં જ આવે છે"
"સારું " એટલું કહી મેં ગાયત્રી મંદિર તરફ પ્રયાણ કર્યું,ભાવ પૂર્વક દર્શન કર્યા, મહંતના ચરણસ્પર્શ કર્યા, બહારથી આવતા દર્શનાર્થીઓને પ્રસાદ સ્વરૂપે કોફી પાવાનો રિવાજ હોય, મને કોફી પણ પીવરાવી અને હું વિદાય થયો
રસ્તામાં સિમેન્ટ પાઇપની ફેકટરી આવતા હું અંદર ઘુસ્યો
દરવાજાની સામેજ વિશાળ મેદાનમાં કાચની ઓફિસમાં પ્રભાવશાળી શેઠ બેઠા હતા, શેઠની એ.સી.ચેંબરના એક ખુણામાં ફ્રીઝ,અને બાજુમાં સોફાસેટ ગોઠવાયેલા હતા હું સીધો ઓફિસમાં ગયો.
દરવાજો અર્ધો ખોલતા મેં વિવેકથી પૂછ્યું " હું અંદર આવું "?
શેઠે મારી સામે જોતા પૂછ્યું " શું કામ છે ?"
" મને તરસ લાગી છે,તેથી પાણી પીવું છે " મેં જવાબ આપ્યો
શેઠે આગળ કશું પૂછ્યા વિના પોતાનો હાથ લંબાવી અને દિશા બતાવતા કહ્યું "જુવો, બહાર પાણીની નાંદ પડી છે, ત્યાંથી પી લ્યો "
"આભાર, એટલું સસ્મિત કહી દરવાજેથી જ હું પાછો ફર્યો
સામેના એક ઓટલા ઉપર મજૂરો અને શ્રમિકો માટે ગોઠવેલી,તડકામાં તપતી, સિમેન્ટના ચાર પાંચ થીગડાં મારેલી ભૂખરી નાંદ ઉપર પતરાનું ઢાંકણ અને તેની ઉપર લાલ લીલા પ્લાસ્ટિકના બે પ્યાલા પડેલા હતા.નાંદને જોડેલો સફેદ પ્લાસ્ટિકનો નળ પણ શ્રમિકોના સિમેન્ટ વાળા હાથ અડીને ભુરો થઇ ગયો હતો, અને એવાજ ગંદા પ્યાલા
મેં નીચા વળી ખોબેથી એકાદ ઘૂંટડો ઉકળતું પાણી પી રવાના થઇ ગયો.
*********
દશેક દિવસ પછી હું બ્રાન્ચનો ચાર્જ લેવા પહોંચ્યો બધી વિધિ પતાવ્યા પછી સિમેન્ટ પાઇપ બનાવતી ફેક્ટરીના ખાતા જોયા, ત્રણથી ચાર લોન, કેશક્રેડિટ, ગવર્મેન્ટ બિલ્સ ઉપર ધિરાણ, બિલપરચેઝ જેવી વિવિધ લોનોના ખાતા અને છેલ્લા બે મહિનાનો વહીવટ/વ્યવહાર,અને ટર્ન ઓવર તપાસ્યા
સસ્મિત હાથ જોડી અભિવાદન કરતા મારી સામેની ખુરશી ઉપર ગોઠવાતા બોલ્યા
" સાહેબ, અહીં મારી સિમેન્ટપાઇપ બનાવવાની ફેક્ટરી છે અને મારા વિવિધ બેંક ખાતાઓ અહીં આપને ત્યાં છે,આપ નવા-સવા હો અને ગામના મહેમાન હોવાને કારણે હું આપને આજે ભોજનનું નિમંત્રણ આપવા આવ્યો છું,આપ જો સમય કાઢીને આવો તો આપણે સાથે ભોજન લઈએ "
હું તુરતજ ઓળખી ગયો ઘડીભર એમની સામે મંદ સ્મિત સાથે તાકતો જોતો જ રહ્યો,મને દશ દિવસ પહેલા જોયેલો શેઠનો રૂવાબદાર ચહેરો નજરે તર્યો
શેઠ મને કળી ન શકતા પૂછ્યું, " સાહેબ હું વૈષ્ણવ છું અને અમારી રસોઈ ડુંગળી લસણ વિનાની શુદ્ધ અને પવિત્ર હોય છે "
થોડી વારે મેં પૂછ્યું " આપ કોને નિમંત્રણ આપવા આવ્યા છો ?"
શેઠ બોલ્યા , "સાહેબ આપને જ સ્તો "
મેં જવાબ વાળ્યો, " ના,આપ મને નહીં પણ મારી ખુરશીને નિમંત્રણ આપવા આવ્યા છો ,જો હું એક અજાણ્યો આગતુંક હોત તો શું તમે મને પાણી પણ પાવા ના હતા ? આ પહેલાં તો આપણે એક બીજાને ઓળખતા પણ નહોતા ? તો પછી અચાનક આ પ્રેમ ક્યાં સબંધે ?
આ સાંભળતા જ શેઠ આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યા "અરે સાહેબ એવું હોય ?આપતો મેનેજર છો, પણ કોઈ અજાણ્યો આગતુંક પણ ગામમાં આવે તો ગામના આગેવાન અને ઉદ્યોગપતિ તરીકે એ મારી ફરજ છે, અને માનવ ધર્મ પણ ખરો "
મેં વિવેક પૂર્વક દશ દિવસ પહેલા ઓફિસમાં દાખલ થવા દીધા વિનાશ્રમિકો માટે મુકેલી નાંદમાંથી પાણી
પીવાની સૂચના આપ્યાનો પ્રસંગ એને યાદ કરાવ્યો,
ઝખવાઈ ગયેલ શેઠે ખિસ્સામાંથી રૂમાલ કાઢી કપાળ પરનો પરસેવો લૂછતાં જવાબ દીધો
" અરે, સાહેબ, તે દિવસે આપ હતા ? ભલા માણસ મને ખબર જ નહીં, અને આપે ઓળખાણ પણ ન આપી,
મેં વળતો જવાબ દેતા કહ્યું, "ઓળખાણ ? શેની ? મારા હોદ્દાની?, મારી ખુરશીની ? માનવતાવાદીઓને
સામેની વ્યક્તિ માનવ છે એ સમજાવવા કોઈ ઓળખાણ આપવાની જરૂર ન પડે અને કહ્યું કે આજે તો નહીં, પણ હું જ્યા સુધી આ ખુરશી ઉપર છું ત્યાં સુધી તમારૂ નિમંત્રણ નહીં સ્વીકારું, તેથી ફરી ક્યારેય મને ભોજ્ન માટે બોલાવશો નહીં
હા, હું જરૂર એક વાર આવીશ પણ એ જયારે મારી અહીંથી બદલી થઇ ચાર્જ છોડ્યા પછી જો નિમંત્રણ આપશો તો અવશ્ય તમારું માન રાખીશ,પણ આજે મને માફ કરો,તમને દુઃખ લાગ્યું હોય તો દરગુજર કરશો "
શેઠ ઝખવાણા પડી ગયા "ધરતી માર્ગ આપે તો સમાય જાઉં" એવી ભોંઠપ સાથે નીકળી ગયા
*
ખુરસીને માન છે, વ્યક્તિને નહીં એ વાત નીચેના ઉદાહરણથી પણ ખુબ સહેલાઇ થી સમજી શકાશે।,
જેની દેહયષ્ટિ નિહાળીને કોઈપણ પુરુષને ઈર્ષ્યા આવે અને કોઈપણ સ્ત્રી મોહિત થઇ ઉઠે એવા સખત કસાયેલા દેહના ધણી, જગવિખ્યાત બોડી-બિલ્ડર અને હોલીવૂડના ખ્યાતનામ અભિનેતા આર્નોલ્ડ શ્વારઝેનેગ્ગર સાત વરસ સુધી અમેરિકાના કેલીફોર્નિયા રાજ્યનું સત્તા અને પ્રતિષ્ઠાભર્યું ગવર્નરપદ શોભાવી ચૂક્યા છે.આર્નોલ્ડે તાજેતરમાં ‘સોશિયલ મિડિયા’માં એક તસ્વીર પોસ્ટ કરી છે અને તેની નીચે દુઃખી હૃદયે લખ્યું છે કે, “સમય કેવો બદલાય છે...”
‘ધ ટર્મિનેટર’, ‘પ્રીડેટર’, ‘ટર્મિનેટર-૨ જજમેન્ટ ડે’, ‘કમાન્ડો’, ‘ટોટલ રિકોલ’ જેવી સુપરહીટ અને ભારે લોકપ્રિય સહિત ૪૫થી વધુ ફિલ્મોમાં ધૂંવાધાર અભિનયના ઓજસ પાથરનાર આર્નોલ્ડ આજે ૭૦ વર્ષની જૈફ વયે પહોંચ્યા છે, તેમણે ઉપરોક્ત વાક્ય એટલા માટે નથી લખ્યું કે, તેઓ વૃધ્ધ થઇ ગયા છે; પરંતુ, ૨૦૦૩થી ૨૦૧૦ સુધી તેઓ કેલિફોર્નિયાના ગવર્નરપદે હતા ત્યારે તે પોતાના ‘સ્ટેચ્યુ’ની સામે જ આવેલી એક હોટેલનું તેમણે ઉદ્દઘાટન કર્યું હતું. આ સમયે હોટેલ સંચાલકોએ તેમની પ્રશસ્તિ કરતાં એવું કહ્યું હતું કે, “આપના માટે આ હોટેલના દરવાજા હંમેશા ખૂલ્લા છે; તમે ઈચ્છો ત્યારે અહીં આવી શકો છો, આપના નામે હોટેલનો એક રૂમ હંમેશા ‘રીઝર્વડ’ રહેશે !” પરંતુ, ગવર્નરપદ છોડ્યા પછી આર્નોલ્ડ એક વખત આ હોટેલ પર ગયા અને રૂમ આપવા કહ્યું તો હોટેલ અધિકારીઓએ બધા રૂમ ‘બૂકડ’ હોવાનું જણાવીને રૂમ આપવાનો સાફ નનૈયો ભણી દીધો !
વ્યથિત થઇ ઉઠેલા આર્નોલ્ડ એક પાથરણું લઇ આવ્યા, હોટેલની સામે મૂકાયેલા પોતાના જ ‘સ્ટેચ્યુ’ની નીચે તે પાથરીને સૂઈ ગયા અને લોકોને બતાવ્યું કે, તેઓ પદ ઉપર હતા ત્યારે આપવામાં આવેલું વચન આજે તેઓ એ પદ પર નથી ત્યારે હોટેલવાળા કેટલી સહેલાઈથી ભૂલી ગયા છે!! ગુજરાતીમાં કહેવત છે કે, ઉતર્યો અમલદાર કોડીનો! સમય સમય બલવાન હૈ; નહીં પુરૂષ બલવાન !!!