ઉનાળાની કાળજાળ ગરમીપછી,આગલી રાત્રે ધીમીધારે પડેલ વરસાદ પછી બીજા દિવસની સવાર ખુશનુમા હતી ઠંડોપવન નીકળતા વાતાવરણમાં ઠંડક પ્રસરીગઈ હતી,ધીમીધારે વરસેલા વરસાદે પ્યાસી ધરતીનીપ્યાસ બુઝાવતા,ભીની માટીની મીઠી મીઠી સુગંધથી વાતાવરણ આલ્હાદક બન્યું હતું, નજીકના ખેતરોમાંથી ક્યાંક ક્યાંક મોરના ટહુકા સંભાળતા હતા ભગવાન સૂર્યદેવના આગમનની છડી પોકારતા સુર્યકીરણો આકાશમાં છવાઈ ગયા હતા,સવારના સાડાસાતનો સમય હતો"દીકરાનું ઘર " વૃદ્ધાશ્રમની પરસાળમાં આરામખુરશી પર બેઠા હું સવારનું દૈનિક વાંચી રહ્યો હતો,
એક વૃદ્ધબહેન ઉતરી દરવાજામાંદાખલ થયા.ગૌરવર્ણ,તેજસ્વી ચહેરો,ભૂરી આંખ,સફેદ રૂ જેવા વ્યવસ્થિત
ઓળેલા વાળને ઢાંકતો,ગરમ,સુંદર ડીઝાઇનનો સ્કાર્ફ, કોઈ કુશળ શિલ્પકારને હાથે કોતરાયેલી હોય તેવી કપાળ અને ચહેરા ઉપરની,એકસરખી કરચલીઓ,વૃદ્ધાનીઉમર,કરતા અનુભવ,અને વેઠેલાસાંસારિક કષ્ટની ચાડી ખાતા હતા
પરસાળમાંઆવતાજ પૂછ્યું,"સંસ્થાનાસંચાલક,કે મેનેજર અત્યારે મળી શકે ?"હું ખુરશીપરથી ઉભો થયો,નમસ્કાર કરતા મેં ઉત્તર વાળ્યો "જી,હું જ સંચાલક અને મેનેજર છું,પધારો," એમ કહીને ઓફીસખંડમાં તેને દોરી ગયો
"કહો હું આપની શું સેવા કરીશકું છું?" મેં પૂછ્યું
વૃદ્ધ મહિલાએ પૂછ્યું"મારે વૃદ્ધાશ્રમમાં રહેવાનીઈચ્છાછે,તો મને પ્રવેશમળી શકશે?પ્રવેશમાટેના નિયમો શું છે?
મેં તેમનો પરિચયપૂછ્યો,
જવાબમાં તેણે જણાવ્યું :
" હું સરોજીની દેવી સ્વ.ડો.કૈલાસનાથ પંડિતની પત્નિ છું.
અહીંના અલકાપુરી વિસ્તારમાં "સંસ્કાર" બંગલામાંરહું છું મારાપતિનું નિધન થયા પછીથી છેલ્લા સાત વર્ષથી હું પુત્ર સાથે રહું છું.આજથી લગભગ 40 વર્ષ પહેલા હું આ શહેરની પ્રથમ મહિલા મેયર હતી."
મને એમ લાગ્યું કે વૃદ્ધા માત્ર એકલવાયા જીવનથી ત્રસ્ત થઈને અહીં આવેલ છે તેથી મેં તેમના પરિવાર વિષે પૂછ્યું જવાબમાં તેણે જણાવ્યું કે એમનો એકમાત્ર પુત્ર સરકારી અધિકારી છે અને પુત્રવધુ સામાજિક કાર્યકર, તથા જાણીતી નાટ્ય અભિનેત્રી છે અને પ્રસિદ્ધ ગાયિકા પણ છે.
પુત્ર વ્યવસાયમાં અતિશય ગૂંચવાયેલો હોય ઘર ઉપર કે પત્નીની પ્રવૃત્તિ પ્રત્યે તદ્દન બેદરકાર છે. પત્નીને અનુકૂળ વાતાવરણ મળી જતાં પોતે સતત નાટક-ચેટક,અને સઁગીતના કાર્યક્રમોમાં દિવસ રાત ગુંથાયેલી રહે છે ,ઘરકામ માટે તો ઠીક છે કે કામવાળી બાઈ રાખેલ છે પણ રસોઈ બનાવવાના આળસે મોટેભાગે તેઓ બન્ને બહાર હોટેલમાં જ જમવાનું પતાવે છે.ઘરમાં રહી હું એકલી મને આ રીતે સમયસર નિયમિત રીતે સાદું પણ સારું જે ભોજન મળવુ જોઈએ તે પણ આ ઉંમરે મળતું નથી. કોઈપણ ફરિયાદના સુરને સ્થાન નથી, " તમે જાતે બનાવી લેજો " જવાબ સાંભળી સાંભળીને આખરે હું થાકી છું,અવસ્થા અને ઉંમર તો જમ ને પણ છોડતા નથી,શરીર સાથ આપતું નથી, આંખે પણ ઝાંખપને કારણે પૂરું જોઈશકાતુ નથી ત્યાં હું મારું તો કેમ કરી શકું ? પુત્ર પણ સતત બેદરકાર રહી ધ્યાન આપવા માંગતો ન હોય, પુત્રવધૂને આડકતરો તેનો સાથ મળી જતાં સતત વાક પ્રહારથી મને વીંધી નાખે છે, અમુક ઉંમરે માણસ શબ્દોનો બોજ પણ સહન નથી કરી શકતો કટુ વચન તેને ભાંગી નાખે છે સાહેબ અંતે મેં વિચાર્યું કે પરાધીનતાની જિંદગી જીવી ઓશિયાળો રોટલો ખાવા કરતા સ્વમાનપૂર્વક પુરી ફી ભરીને શા માટે આવા સુંદર વાતાવરણમાં ન રેહવું ? આ વિચાર ઘણા સમયથી આવતો હતો અંતે મનોમંથન પછી મેં નક્કી કર્યું કે મારા અવસાન પછી જે આઝાદી ભોગવવા માટે તેઓ પેતરા કરે છે એ સમય તો આપણા હાથની વાત નથી, તો પછી શા માટે સ્વૈચ્છીક રીતે ત્યાંથી ખસી જઈને તેઓને આઝાદી આપી સુખી ન કરવા ?
સરોજ દેવીની વાત સાંભળી હું સ્તબ્ધ થઇ ગયો જે જગતના દર્શન કરાવી પૃથ્વી ઉપર પહેલો શ્વાસ લેવરાવ્યો, લાડકોડથી ભણાવી ગણાવી પરણાવીને પોતાનું નામ કમાવા કાબેલ કર્યા એ પૃથ્વી પરના દેવ ની આખરી અવસ્થાએ આ સ્થિતિ ?
હું સરોજીની દેવીના પુત્ર વધુને એક સારા સંગીતકાર તરીકે ઓળખતો હતો મેં કહ્યું " જે રીતનો એનો સામાન્ય વ્યવહાર છે તે જોતા તેઓ મૃદુ અને મિષ્ટ ભાષી લાગે છે. તમારી વાતનું મને આશ્ચર્ય છે.એમનો હસમુખો ચહેરો અને મીઠી ભાષા ધરાવતું વ્યક્તિત્વ બહુરૂપી કેમ હોઈ શકે ?
સરોજીની દેવી બોલ્યા "સાહેબ,તમે શું એમ માનો છો કે તેઓ જે બહાર છે તેજ ઘરમાં પણ છે ? હું જાણું છું તેના સુરમય સ્વરમાં શૂળ પણ છે,અને દર્દ તો મારા હૃદયમાં છે. પુત્ર ખરેખર એટલો વ્યસ્ત નથી પણ પત્ની તેને વધુ વ્યસ્ત રાખવા પ્રયત્ન કરે છે જેથી તે ઘરમાંધ્યાન ન આપી શકે, કોઇ સુખી માતા પોતાનું ઘર છોડીને પારકે આશરે જવું ક્યારે પસંદ કરે ? જીવનના સુર્યાસ્તે પોતાના લોહીને છોડી,પારકાને પોતાના બનાવવા ક્યારે વિચારે ? જયારે કોઈ દિશા ન સૂઝતી હોય ત્યારે એવાજ સમયે ગૃહત્યાગની ભાવના જન્મે છે "
એક જમાનામાં ડો.કૈલાસ નાથનો પરિવાર, એની પ્રતિષ્ઠા,અને ખાનદાની એ "સંસ્કારના વિશ્વ વિદ્યાલય" તરીકે જાણીતા હતા,જેનો હું ખુદ શાક્ષી હતો. આ એજ ઘર અને ખાનદાનમાં કૈલાસનાથની વિદાય પછી આવું પરિવર્તન ? એ વિચારે સરોજીની દેવીની વાતે મારું મન ભરાઈ આવ્યું
થોડીવાર વિચાર કર્યા બાદ મેં જવાબ વાળ્યો " માજી,તમે બિલકુલ સાચા હશો તમારી વાતથી મને તમારા ઉપર પુરી સહાનુભૂતિ છે પણ અહીં સંસ્થાનો નિયમ એવો છે કે, જે કોઈ વયસ્ક વ્યક્તિ દાખલ થવા ઇચ્છતી હોય એમણે પોતાના પરિવારના જવાબદાર સભ્યની સંમતિ લેખિતમાં લેવી જરૂરી છે,જો આપનો પુત્ર સંસ્થાના નિયમ મુજબ લેખિત સંમતિ આપવા તૈયાર હોય તો આ સંસ્થાના દરવાજા આપને માટે હમેશા ખુલ્લા જ છે"
નિરાશ થયેલ સરોજિનીદેવીએ જવાબ આપતા કહ્યું," પુત્ર અને પુત્રવધૂને પોતાના સ્ટેટ્સ અને આબરૂને આંચ આવે એ કારણે તેઓ સ્વૈચ્છિક પરવાનગી આપવા તૈયાર નથી, એટલુંજ નહીં પણ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ એ પુત્રને મોટો કરી ભણાવી-ગણાવીને લીધેલી કાળજી ભૂલી જઇ પોતાની ફરજમાંથી છટકી જવાની એની વૃત્તિ મને એ ઘરમાં સતત ખૂંચ્યા કરે છે. ઠીક છે આપના નિયમોમાં આપ પણ બંધ છોડ ન કરી શકો એ સમજી શકાય એવી બાબત છે. હવે તો ભગવાનને શરણે જિંદગીના દિવસો પુરા કરવા રહ્યા "
આટલું કહી ભાંગેલા હૈયે સરોજિનીદેવીએ વિદાય લીધી.
****
આ વાતને ત્રણેક મહિના થયા હશે.
એક દિવસ સવારમાં વહેલા ઉઠી પ્રાતઃકર્મ પતાવી રોજના નિયમ મુજબ પરસાળમાં વર્તમાન પત્ર લઈને વાંચવા બેઠો,રાજકીય સમાચારથી ભરપૂર પહેલા પાના ઉપર માત્ર નજર ફેરવી અંદરના પાને ડોકિયું કરતા મારો શ્વાસ ઘડીભર થંભી ગયો. પાનું ખોલતાંજ સરોજિનીદેવીની તસ્વીર સાથે આત્મહત્યા કર્યાના સમાચાર વાંચી હું ખરેખર દુઃખી થયો. સરળ, નિખાલસ, શિક્ષિત, અભ્યાસુ, અને એક જમાનાની શહેરની જાજરમાન મેયરની
મનોસ્થિતિ કેટલી અકળ અને અકલ્પનિય રહી હશે કે પોતે જીવનના અંતિમતબક્કે આત્મહત્યા વ્હોરી લીધી? માં-બાપ શું આટલા માટે ઔલાદ માંગતા હશે ?સંતાનો સંતાપ આપવા જન્મતા હશે ?
પેપરમાં આપેલી વિગત મુજબ "સરોજિની ગૃહ ત્યાગ કરી વૃદ્ધાશ્રમમાં આશ્રય લેવા તીવ્ર ઈચ્છા ધરાવતા હતા જયારે એ વાત પોતાના પુત્રને કરી અને લેખિત સંમતિ આપવા જણાવ્યું ત્યારે પુત્ર અને પુત્ર વધુ શિકારી કૂતરાની માફક એમની ઉપર તૂટી પડ્યા ઘરની આબરૂ, પુત્ર-પુત્રવધુની પ્રતિષ્ઠા,અને સામાજિક સ્ટેટ્સને એ ધબ્બો લગાડે એવું છે એમ કહીને "જે સ્થિતિમાં છો એજ સ્થિતિમાં જીવવું પડશે " એવું કહેતા સરોજિનીદેવીને હાડોહાડ લાગી આવ્યું ખુબ મનોમંથન પછી તેણે નિર્ણય કર્યો કે દોઝખ જેવી જિંદગી જીવવા માટે પણ જો પુત્રવધુના પગ પકડવા પડતા હોય તો બહેતર છે કે આ દુનિયા ત્યજી દેવી
આ વિચારે આગલી રાત્રે સરોજિનીદેવીએ ઝેરી દવા ગટગટાવી લઈ પ્રાણ તજ્યા
આ વાંચતાજ મેં ટી.વી.ની સ્થાનિક ચેનલના સમાચાર જોવા શરૂ કર્યા
વિગતે આપેલ સમાચાર મુજબ સરોજિની દેવી ના મનીપર્સમાંથી ઝેરી દવાની શીશી ઉપરાંત એક નાની ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે
"कुपुत्रो जायेत क्वचित अपि कुमाता न भवति !"
ગઢ ગીરનાર