બિરજુ એક શ્રીમંત પરિવારનું એક નું એક લાડકુ સંતાન હતુંઅભ્યાસમાંતો તેજસ્વી ખરો જ સાથોસાથ ક્રિકેટ,બૅડ્મિગટન,વોલીબોલ અને ટેબલ ટેનિસનો પણ ચેમ્પિયન હતો.માત્ર રમત ગમત જ નહીં પણ સંગીત-નાટક કે અન્ય સાહિત્યિક પ્રવૃત્તિમાં પણ એક માત્ર પારંગત તરીકે કોલેજના વિદ્યાર્થીગણ તથા પ્રાધ્યાપકોમાં એનું નામ આદરથી લેવાતું હતું રૂપ ગુણ સાથે એની નમ્રતા, અને વિવેકી સ્વભાવ એના આકર્ષણ માટેનું મુખ્ય કારણ હતું કોલેજમાં એ સતત બે વર્ષથી વિદ્યાર્થી પરિષદના મંત્રી (General Secretory) તરીકે ચૂંટાતો રહેતો હતો.
એનાજ વર્ગમાં અભ્યાસ કરતી બંસી પણ એની માતા હીનાબેન અને પિતા બિશ્વજીતની એક માત્ર લાડકી પુત્રી હતી. દેખાવમાં સુંદર સંસ્કારી મૃદુભાષી અને મોહક વ્યક્તિત્વ વાળી બંસી રાસ ગરબા, નૃત્ય અને સંગીતમાં પ્રાવિણ્ય ધરાવતી હોય કોલેજના વિવિધ કાર્યક્રમોમાં બંસી-બિરજુની જોડી હમેશ અવ્વ્લ જ હોય.
ઉપરાંત પણ ક્યાંય કોઈ સામાજિક કાર્યક્રમમાં એ બન્નેય પોતાની કલા અચૂક પીરસતા
દીર્ઘ સહવાસ અને સમાન રૂચી તથા સ્વભાવને કારણે બન્ને વચ્ચે ખુબજ ગાઢ મિત્રાચારી હતી.
સતત સંપર્ક પ્રેમાંકુરો જન્માવે છે એ નિયમે બન્ને વચ્ચે પ્રેમની રેશમી ગાંઠ બંધાણી
કોલેજનું છેલ્લું વર્ષ પુરૂં થવામાં હતું એક દિવસ બિરજુએ બંસીને પૂછ્યું,"બંસી, આપણું કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થવામાં છે ત્યારબાદ હું MBA ના આગળ અભ્યાસ માટે લંડન જવાનું વિચારીને તે અંગેની તૈયારી કરું છું. મારા અભ્યાસના ચાર વર્ષ પુરા થયે હું ઈંડિયામાંજ સેટલ થવનો છું જો તું સહમત હો તો મારો અભ્યાસ પૂરો કર્યા પછી આપણે લગ્ન કરી લઈએ. આમે ય હાલ લગ્ન કર્યાથી તું લંડન આવી શકે એમ નથી, અને લગ્ન કરીને લંડન જવાથી મારા અભ્યાસમાં ખલેલ પહોંચે એ સ્વાભાવિક છે તો આ બાબતે તારો શું મત પડે છે ?"
બંસીએ જવાબ દેતા કહ્યું, તમે સાચા છો અને તમારો વિચાર યોગ્યજ છે પરંતુ તું લંડન જાય એ પહેંલાં મારા માતા પિતાને રૂબરૂ એકવાર મળીને એ બાબતે ચર્ચા કરી લેવી જોઈએ જેથી એ ચાર વર્ષ દરમ્યાન લગ્ન માટેની બીજી કોઈ સારી દરખાસ્ત આવે તો મને લગ્ન કરી લેવાની ફરજ ન પાડે "
"તારી વાત સાચી છે.મારે તારા માતા પિતાને એટલો વિશ્વાસ આપી વચનથી બંધાઈ જવું જોઈએ પણ એ આપણી પરીક્ષાના પરિણામ પછી એવું ગોઠવીએ" બિરજુને બંસીની વાત ગળે ઉતરતા જવાબ આપ્યો
******
પરીક્ષા પુરી થઇ,પરિણામ પણ આવી ગયું બિરજુ સમગ્ર યુનિવર્સીટીમાં પહેલે નંબરે પાસ થઇ ગોલ્ડમેડલ મેળવવા ભાગ્યશાળી બન્યો
અગાઉ નક્કી થયા મુજબ એક દિવસ બિરજુ બંસીના માતા પિતાને લગ્ન વિષયક દરખાસ્ત મુકવા અને રૂબરૂ મળવા ગયો.નક્કી થયા મુજબ બંસીએ બિરજુના આવવા અગાઉ પોતાના મા-બાપને બિરજુનો પરિચય આપી પૂર્વભૂમિકા બાંધી દીધી હતી.
ઔપચારિક વાતો કર્યા પછી બિરજુએ પિતા બિશ્વજીતને જણાવ્યું કે પોતે બંસીને બેહદ પ્રેમ કરે છે અને અમે બન્ને લગ્ન કરવા પરસ્પર સહમત છીએ પણ એ ચાર વર્ષ પછી લંડન અભ્યાસ કરી આવ્યા બાદ શક્ય બને ત્યાં સુધી અમે બન્ને ધીરજ રાખી રાહ જોઈશું,
જવાબમાં બિશ્વજિતે સંમતિ આપતા વચન માગ્યું કે બિરજુ વિદેશમાં કોઈ સાથે લગ્ન કરી પાછળથી વચન ભંગ નહીં કરે. બિરજુ એ વાતથી સહમત થઇ વચનથી બંધાયો
*****
બિરજુ લંડન જવા ઉપડ્યો બંસી પણ એરપોર્ટ ઉપર તેને મુકવા ગઈ અને એક હળવા ચુંબન અને મધુર આલિંગન સાથે બન્ને છુટા પડ્યા, આમ ચાર વર્ષની લાંબી મુદત માટે બંસી -બિરજુ પહેલીજ વાર એક બીજાથી છુટા પડ્યા,
******
દિવસો,મહિનાઓ અને વર્ષો ઝડપથી પસાર થવા લાગ્યા બન્ને નિયત અંતરે ટેલિફોન ઉપર એક બીજાના સંપર્કમાં રહેતા હતા અને ખુશ હતા.
******
વિધિની ગતિની ને આજસુધી ક્યાં કોઈ જાણી શક્યું છે ? એક દિવસ અચાનક જ બંસી અછબડા
( Chicken pox) ના રોગમાં સપડાઈ સમયસરની સારવાર અને દેખભાળથી એની તબિયત સુધરવા તો લાગી પણ અછબડાના ભયંકર રોગમાં બંસીએ પોતાની બન્ને આંખોની રોશની ગુમાવી અને દ્રષ્ટિહીન બની ગઈ.
માતા હીનાબેન તથા પિતા બિશ્વજીત ચિંતામાં મુકાઈ ગયા આ સમાચાર બિરજુને કેવી રીતે આપવા એ વિચારે બન્ને ખુબ મૂંજાયા બંસી પણ પોતાની બીમારીને અત્યાર સુધી સાધારણ તાવ તરીકે જ બિરજુને ફોન ઉપર કહેતી આવી હતી તેથી હવે બંસી માટે પણ દ્વિધા શરૂ થઈ કે પોતે દ્રષ્ટિ ગુમાવ્યાની બિરજુને જાણ થતા નિશ્ચિત રીતે હવે બિરજુ તેની સાથે લગ્ન નહીં કરે અને એ ચિંતામાં અને ચિંતામાં બંસી દુઃખી થતી રહી .
હીનાબેન અને બિશ્વજીતને પણ પુરી ખાતરી થઇ ગઈ કે હવે પ્રજ્ઞાચક્ષુ બંસીનો હાથ બિરજુ તો શું પણ જ્ઞાતિનો કોઈ ઉચ્ચ ખાનદાની છોકરો પણ નહીં સ્વીકારે
કોઈ પણ સંજોગોમાં માણસ આશાના તંતુએ જીવતો હોય છે એજ રીતે હીનાબેને અનેક માનતા તથા બાધા રાખી કંઈક જ્યોતિષીઓના પગથિયાં ઘસી નાખ્યા આ બાજુ બિશ્વજીત પણ અનેક આંખના ડોક્ટરોને મળી ચુક્યા પણ અંતે નિરાશા જ સાંપડી પ્રશ્ન હવે એ હતો કે આ સમાચાર બિરજુને કેવી રીતે અને ક્યારે પહોંચાડવા ?
ખુબ વિચારને અંતે નક્કી કર્યું કે બંસીની દ્રષ્ટિહીન અવસ્થાએ બિરજુ કદાપિ બંસીને સ્વીકારવાનો તો નથી જ તેથી હાલ તેને સમાચાર ન આપતા એ અભ્યાસ પૂરો કરી અહીં પરત ફરે ત્યારે જ વિગતે બધી વાત કરવી
******
સમયનું વહેણ વીતતું ગયું બિરજુનો અભ્યાસ પૂરો થઇ એ M.B.A. ની ડિગ્રી લઈ ભારત પાછો ફરવાનો દિવસ આવી પહોંચ્યો બિરજુએ બંસીને ફોન કરી પોતે પહોંચવાની તારીખ અને ફ્લાઇટનો સમય ફોનથી આપી અને એરપોર્ટ ઉપર તેને સત્કારવા આવવાનું કહ્યું પણ ખરું પણ નિશ્ચિત દિવસે બંસી એરપોર્ટ ગઈ નહીં
બિરજુ એરપોર્ટ પર ઉતરતા એમના માતા પિતા, મિત્રો, શુભેચ્છકો વિગેરે સહુને આવેલા જોઈ બિરજુની આંખ સતત બંસીને શોધતી રહી પણ બંસી આવી જ ન હોય તેને ન જોતાં બિરજુ નિરાશ થયો અને મનમાં અનેક
શંકા-કુશંકાના વાદળો ઉમટ્યા
સ્વદેશની ધરતી ઉપર લાંબા સમય પછી એક જબર સિદ્ધિ મેળવીને પરત આવતા બિરજુના આનંદનો કોઈ પાર નહોતો છતાં એ વ્યગ્ર મને સતત ઉચાટ અનુભવતો હતો.ઘેર આવ્યા બાદ તેણે બંસીને ફોન પણ કર્યો પણ જયારે એ ફોન નો કોઈ જવાબ ન મળ્યો ત્યારે બિરજુ વધુ મનમાંને મનમાં મૂંઝાયો ક્યારે સાંજ પડે અને ક્યારે હું બંસીને મળવા જાઉં
આખરે બિરજુની પ્રતીક્ષાનો અંત આવ્યો અને સાંજે લગભગ છ વાગ્યાના આશરે બિરજુ બંસી માટે લઇ આવેલ સાડી ઉપરાંતની વિવિધ ભેટ લઇ ઘેર પહોંચ્યો
દરવાજાની ડોરબેલ વગાડતા હમણાંજ બંસી દરવાજો ખોલશે એવી આશા સાથે બિરજુના હૃદયના ધબકારા વધી ગયા પણ એની નિરાશા વચ્ચે હીનાબેને દરવાજો ખોલી બિરજુને સત્કાર્યો
બેઠક ખંડમાં બિશ્વજીત, હીનાબેન અને બિરજુ ગોઠવાયા બિરજુની આંખ સતત બંસીને ખોળતી રહી, કાન બંસીનો મધુર અવાજ સાંભળવા સતત સતર્ક રહેતા હતા પણ એ બધામાં નિરાશા સાંપડતા અંતે બિરજુથી પુછાઈ ગયું " બંસી બહાર ગઈ છે ? હું એમના માટે થોડી ગિફ્ટ લઈ આવ્યો છું "
હીનાબેન તથા બિશ્વજિતે એક બીજાની સામે જોયું બિરજુની ચકોર નજરે એની નોંધ લેતા મનમાં કોઈ અમંગળ બન્યાનો વ્હેમ પણ ઉઠ્યો થોડીવાર ખંડમાં ગમગીની સાથે સન્નાટો છવાઈ ગયો.આખરે બિશ્વજિતે મૌન તોડ્યું
" બિરજુ,ખુબ જ દુઃખ સાથે એક કમનસીબ સમાચાર તને આપવાના છે એટલી શરૂઆત કર્યા પછી બિશ્વજિતે બનેલી બધી જ ઘટના વિગતે જણાવતા બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને ઉમેર્યું કે બિરજુ હવે તું તારા વચનમાંથી મુક્ત છે, હું દ્રષ્ટિહીન બંસીને તારા ગળે બાંધી તને દુઃખી કરવા નથી માગતો, ચાલ આપણે બંસીના રૂમમાં જઈએ એટલું કહી ત્રણેય જણા બંસીના રૂમ તરફ ગયા.
બંસીના રૂમમાં પ્રવેશતાજ બિશ્વજીત બોલ્યા "બેટા બંસી,આ બિરજુ તને મળવા અને લંડનથી તારા માટે લાવેલ ગિફ્ટ આપવા આવ્યા છે."
બંસી ઘડીકવાર તો સ્તબ્ધ થઇ ગઈ, શું વાત કરવી અને ક્યાંથી શરૂઆત કરવી એ એને ખબર ન પડી છતાં થોડીવારે સ્વસ્થતા કેળવી બિરજુને આવકારતાં બોલી, "આવ બિરજુ, કેમ છે ? કેમ રહ્યો લંડન નો અનુભવ ?" જાણે પોતે અત્યંત સ્વસ્થ હોય એવો દેખાવ કરતાં બંસીએ પૂછયું
બિરજુ જવાબ આપે એ પહેલાજ બિશ્વજિતે હીનાબેન સામે જોયું બન્નેએ આંખોથી વાત કરી હોય એમ બિશ્વજીત બોલ્યો " બિરજુ, તું આરામથી બેસ અમે બહાર બેઠા છીએ" એટલું કહી બન્ને રૂમ છોડી બહાર નીકળી ગયા. બંસીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું "બિરજુ,પપ્પાએ તો બધી વાત કરીજ છે તેથી એ વિષે હવે મારે કઇ વિશેષ કહેવા જેવું રહ્યું નથી. ભાગ્યના ખેલ જેમ સાવ અજાણ્યા બે માણસને ભેગા કરીને એક કરી શકે છે એમ એ જ ભાગ્ય બે અતિ નિકટની વ્યક્તિને પણ કાળની એક જ થપ્પડે અલગ કરી દૂર ફેંકી શકે છે.
હવે આપણા સોનેરી સ્વપ્નાઓનો અહીં અંત આવતો હોય હું તારી સાથે લગ્ન નહીં કરી શકું હું નથી વિચારી પણ શકતી કે હું લગ્ન પછી તને અને તારા પરિવારને બોજા રૂપ બનું જ્યાં આંખ જ નથી ત્યાં પાંખ ક્યાંથી હોય આમેય તારા મમ્મી-પપ્પા એક અંધ કન્યાને પુત્રવધુ તરીકે સ્વીકારે કે કેમ એ પણ એક પ્રશ્ન છે" આટલું બોલતા બંસીની બંધ આંખોમાંથી બે અશ્રુબિંદુ સરકી પડ્યા બંસીને ગળે ડૂમો બાજી જતા તે આટલેથી અટકી પડી.
પરાણે કઠણ રહેવાની કોશિશ સાથે બિરજુ એ કહ્યું " અરે પગલી,તે માત્ર દ્રષ્ટિ જ ગુમાવી છે સૃષ્ટિ નહીં આટલી નિરાશા તારામાં હોય ? તું ખોટું વિચારે છે હું માત્ર તારી અને તારી સાથેજ લગ્ન કરીશ એ નિશ્ચિત છે.
તારા ચર્મચક્ષુ કરતા પણ તારા આંતર ચક્ષુથી આપણે સદાકાળ જોડે જ છીએ અને રહેશું પણ.
પ્રેમ કરવા માટે નું પહેલું માધ્યમ કદાચ આંખ હશે પણ પ્રેમ થયા પછી એ પ્રેમની વેલીને પાંગરવા માટે આંખ કરતા હૃદય વધુ ભાગ ભજવે છે આકર્ષણ આંખથી જન્મે છે જ્યારે પ્રેમ અને લાગણી હૃદયથી અવતરે છે.
બંસી મેં પ્રેમ કર્યો છે કોઈ સોદો નથી કર્યો કે હવે એ કેન્સલ કરું વાત રહી મારા માતા પિતાની સહમતીની તો એ મારો પ્રશ્ન છે એ બાબતે વધુ વિચારીને તારે કે તારા મમ્મી પપ્પાએ દુઃખી થવાની બિલકુલ જરૂર નથી એ જવાબદારી મારી ઉપર છોડી દે હું મારી રીતે ફોડી લઈશ."
બિરજુએ બંસીને વિશ્વાસ અપાવતા આગળ કહ્યું "તું શું એવું સમજે છે કે આખી જિંદગી તારે અંધાપો વેઠવો પડશે ? અરે, હું આકાશ પાતાળ એક કરી છૂટીશ અને વિદેશના કોઈ આંખના નિષ્ણાત પાસે તારી સારવાર કરાવી પુન: દ્રષ્ટિ અપાવીશ બસ જરૂર છે ઈશ્વર ઉપરની શ્રદ્ધા અને મારા ઉપરના વિશ્વાસની આ વાત તું તારા મમ્મી પપ્પાને કહી અને જણાવજે કે બિરજુ તારી સાથે લગ્ન કરવા મક્કમ છે તું લેશમાત્ર ચિંતા ન કરીશ "
આ રીતે બંસીને આશ્વાસન સાથે ખાતરી અને હિંમત આપી બિરજુ ઘર તરફ જવા ઉઠ્યો
******
ઘેર પહોંચ્યા પછી બિરજુ સતત ચિંતામાં હતો પણ એણે ધીરજ અને હિંમતથી કામ લેવાનું વિચારી નિરાશ થયા વિના એજ રાત્રે પોતાના મમ્મીની હાજરીમાં પપ્પાને વાત કરતા કહ્યું, "પપ્પા,હું અહીં કોલેજમાં ભણતો હતો ત્યારે મારી જોડે ભણતી શહેરના નામી ધારાશાસ્ત્રી બિશ્વજીતની પુત્રી બંસીના સંપર્ક માં આવ્યો અને અમે બન્ને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા સમય જતાં અમો બને એ મારો લંડન નો અભ્યાસ પૂરો થયા બાદ લગ્ન કરવા ના નિર્ણય સાથે એક બીજા વચનથી બંધાયા પણ એ દરમ્યાન શીતળાના રોગમાં બંસી પોતાની દ્રષ્ટિ ગુમાવી બેઠી આજે હું એને મળવા ગયો ત્યારે બંસીએ મને સામેથી લગ્નનું વચન તોડવાનો આગ્રહ કરતા લગ્ન ન કરી શકવાની વાત કરી પણ હું એ દરખાસ્તને ન સ્વીકારતા તેની સાથે લગ્ન કરવા મક્કમ છું. આ બાબતે મારે તમને જાણ કરવી જરૂરી લાગતાં, અને ફરજ હોય તમને કહું છું "
બધુંજ શાંતિથી સાંભળ્યા પછી પપ્પાએ કહ્યું ""લવ,રોમાન્સ,અફેક્શન,એ બધા દિવા સ્વપ્ન છે, એક ખ્વાબ છે, દિમાગી શોલા છે, ફરેબ છે બેટા. એ કવિ અને લેખકોની કલ્પના છે શાયરોના ગુબારા છે, ચિત્રકારોનું પાગલપન છે. એ બધું વાર્તાની ચોપડીમાં અને સિનેમાના રૂપેરી પરદે રૂપાળું લાગે પણ જીવનની વાસ્તવિકતા કડવી છે જ્યારે એ કડવી વાસ્તવિકતા મોઢું ફાડીને સામે ઉભે છે ત્યારે એજ લવ અને રોમાન્સ પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે.ચળકતું બધું સોનુ નથી હોતું.મારી આ ઉંમર આ પડાવ દરમ્યાન મેં કેટલાયે એવા લવ મેરેજ જોયા છે જે પ્રેમી હતા ત્યારે હિર-રાંઝા થઈને ફરતા હતા અને લગ્ન પછી દયાપાત્ર બનીને પસ્તાયા છે. પ્રેમ એ કાલ્પનિક,ભ્રામક,અદૃશ્ય સુખ છે. મને આશ્ચર્ય તો એ વાતનું છે કે વિદેશથી ડિગ્રી લઈને આવેલ પુખ્ત વયનો પુત્ર પોતાનું હિત અને ભવિષ્ય વિચાર્યા વિના પોતાની જિંદગીનો આવડો મોટો ફેંસલો બુદ્ધિથી કરવાને બદલે હૃદયથી કેમ કરે છે ?
જો મારી સંમતિ માગતો હો, તો હું એ બાબતે સંમત નથી અને જો માત્ર જાણ જ કરતો હો તો મારે એ વિષે કંઈ કહેવાનું રહેતું નથી કારણકે લગ્ન તારે એની સાથે કરી અને સંસાર નિભાવવાનો છે અને તારી મા ને એની સાથે રહેવાનું છે જો એ સહમત હોય તો તારા એ નિર્ણયથી મને ખાસ કંઈ ફેર પડતો નથી" એટલું બોલી એ મૌન થઇ જઇ પત્ની સામે જોયું
પપ્પાની વાત પુરી થતાંજ મમ્મીએ શરૂ કર્યું " બિરજુ,તું એક અંધ કન્યા સાથે લગ્ન કરવા માગે છે ?
તારી એના પ્રત્યેની ભવિષ્યની જવાબદારીનો તે વિચાર કર્યો છે ? બચપણ થી લઈને આજસુધી તારા ઉછેરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની શારીરિક,અને માનસિક બધીજ જવાબદારી એકલે હાથે ઉઠાવીને જયારે હું ત્રસ્ત થઈ ગઈ છું ત્યારે અમારી ઉતરતી અવસ્થાએ અમને શાંતિ અને રાહત આપવાને બદલે તારી અંધપત્ની ની જવાબદારી પણ અમારી ઉપર લાદી દે છે ? મારુ શરીર ક્ષીણ થતા હવે મારે એક મદદગારની જરૂર છે એવા સમયે અંધ પુત્રવધુ મને શી રીતે ઉપયોગી થવાની છે ? ઉલટું એ દ્રષ્ટિહીન હોવા કારણે મને એનો નાનો મોટો શારીરિક અને માનસિક બોજો વધવાનો છે.હું તારા નિર્ણય સાથે કબૂલ નથી થતી. જો તું તારા વિચાર ઉપર અડગ હો તો અમારાથી જુદો થઇ જવાની સલાહ આપું છું " કહેતાં એની આંખમાં આંસુ આવી ગયા.
"મમ્મી, જયારે મેં એને પ્રેમ કર્યો ત્યારેજ મેં મારી બધી જવાબદારીનો વિચાર કર્યો હતો હવે જયારે કુદરતી રીતે એના વિપરીત સંજોગો આવ્યા ત્યારે જો હું મારૂ વચન પાલન ન કરી જવાબદારીમાંથી માંથી છટકી જાઉં તો હું સ્વાર્થી ગણાઉં, એ માટે મને મારો અંતર આત્મા કદી માફ ન કરે.પ્રેમ વિષે પપ્પાની ભલે ગમે તે વ્યાખ્યા હોય પણ મારી નજરમાં પ્રેમ એ પ્રાર્થના છે, ઈબાદત છે, બંદગી છે હું પ્રેમ જેવા પવિત્ર શબ્દને સ્વાર્થની ઓઢણી ઓઢાડવા નથી માગતો
તું શું એમ માને છે કે બંસીનો અંધાપો આજીવન રહેશે ? બિલકુલ નહીં જરૂર પડે હું વિદેશ જઈને પણ એની સારવાર કરાવી હું એને છ મહિનામાં દૃષ્ટિ પાછી અપાવીશ,તેમ છતાં જો તમે મને આ ઘરમાંથી જુદો રહેવાની ફરજ પાડશો તો હું એ માટે પણ તૈયાર છું" આટલું બોલી વ્યગ્ર મને બિરજુ ત્યાંથી ઉઠીને બહાર ચાલ્યો ગયો
******
બીજે દિવસે બિરજુ બંસી પાસે પહોંચી આગલા દિવસની બધી વાતથી વાકેફ કરતા કહ્યું કે "આવતે મહિને અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ હોય આપણે દેવાલયમાં જઈને સાદગીપૂર્વક વિધિવ્રત લગ્ન ગ્રંથિથી જોડાશું
તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બધું જ હું સંભાળી લઈશ. એજ રીતની વાત બિશ્વજીત તથા હીનાબેન ને કરી બિરજુ પાછો ફર્યો.
******
અક્ષય તૃતીયાનો દિવસ
આજે સવારથી જ બંસી ખુશ હતી.અનેક કુદરતી અવરોધો વચ્ચે આજે પોતાના મનનો માણીગર તેને પોતાની સાથે લઈ જઇ રહ્યો છે વર્ષોની તપસ્યાનું ફળ આજે મળશે એવું વિચારતા આનંદિત હતી. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેના ઉમંગ અને ઉત્સાહમાં લેશ માત્ર ઓટ આવી નહોતી સુંદર ગુલાબી સિલ્કની સાડી,હાથમાં સાચામોતીના કંગન, નાકમાં નથડી, જમણા હાથની પાતળી લાંબી આંગળીમાં સફેદ સાચા હીરાની વીંટી, ગળામાં હેમનો ચંદનહાર સમો લાંબો મોટો હાર,કપાળે પીળી તથા સફેદ બિંદીની પીયળ,પગમાં મોટી ઘુઘરીના છમ છમ બાજે એવા ચાંદીના ઝાંઝર, જમણા પગની આંગળીમાં ચાંદીની ચમકતી મીન,કોણી સુધીના હાથમાં મહેંદી, મુલાયમ લાંબા કોરા કેશમાં બોરસલીની વેણી સાથે સારા ચોઘડિયે શુભ મુહર્તમાં માતા હીનાબેન તથા પિતા બિશ્વજીતની ઉપસ્થિતિમાં પુરી ધાર્મિક વિધિથી બંસી બિરજુ લગ્ન ગ્રંથિથી જોડાયા
પોતાની જીદ્દ ઉપર મક્કમ રહેનાર બિરજુને એના માતા પિતા સાથે ક્ડવાશના બીજ રોપાયા
27 વર્ષ સુધી પાળી પોષીને લાડથી ઉછેરેલા એક માત્ર આશાના કિરણ સમા પુત્ર અને માતા પિતા વચ્ચેના સંબંધોની દીવાલમાં ઊંડી તિરાડ પડી અને એ જ કારણે બિરજુએ ગૃહ ત્યાગ કરી પોતાનો જુદો માળો વસાવ્યો
******
બિરજુ એ લગ્ન પછી તુરતજ રસોયો તથા પુરા સમયના નોકરની વ્યવસ્થા કરી બંસીને બ્રેઈન લિપિ શીખવવા ટયુશન રખાવી દીધું બીજી બાજુ વિદેશનાનિષ્ણાત આંખના સર્જન તથા હોસ્પિટલની યુદ્ધના ધોરણે તપાસ આદરી,અને જર્મની ની વિખ્યાત આંખની હોસ્પિટલ "યુનિવર્સીટી આઈ હોસ્પિટલ હેઇડનબર્ગ (જર્મની) " ના વિખ્યાત ચક્ષુ નિષ્ણાત ડો. વિલિયમ રિચાર્ડ નો સંપર્ક સાધી મુલાકાતનો સમય નોંધાવી દીધો માત્ર પંદર જ દિવસમાં બંસી બિરજુ આંખની સારવાર માટે જર્મનીના બર્લિન શહેર જવા ઉપડી ગયા.
******
ડોક્ટર વિલિયમના મતે રેટિનાની તકલીફ ઉપરાંત આંખની બારીક રક્તવાહિનીઓ ના સુકાઈ જવાના કારણે અંધાપો આવ્યો હોય નિષ્ણાત તબીબો ની ટીમ દ્વારા એની સફળ શસ્ત્ર ક્રિયા પણ થઇ ગઈ અને એક માસના રોકાણ બાદ સંપૂર્ણ પૂર્વવત દ્રષ્ટિ મેળવી બંસી બિરજુ ભારત પરત ફર્યા બંસીને લેશમાત્ર પોતાના નવજીવન ની કલ્પના ન હોતી જે ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થતા બંસી બિરજુ બન્ને ખુશ હતા. બંસી બિરજુના સુખના દિવસો હવે શરૂ થયા.
******
એક દિવસ સવારમાં ઓચિંતી ટેલિફોનની ઘંટડી રણકી
ફોન બિરજુએ ઉપાડ્યો એના પપ્પાએ વાત કરતા કહ્યું " બેટા, ગઈકાલે રાત્રે તારા મમ્મી બાથરૂમમાં લપસી જઈ પડી જતા મેં તાત્કાલિક અસ્થિ નિષ્ણાત ડો.રાજેશ શાહનો સંપર્ક કરી એક્સ-રે કઢાવી નિદાન કરાવતા થાપાનું હાડકું ભાંગ્યાનું નિદાન થયું છે.અને એ માટે ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન બાદ બેડરેસ્ટ ની સલાહ આપી છે. આ સંજોગોમાં અમે એકલા હોઈએ તારી મદદની જરૂર છે"
બિરજુ એ જવાબ દેતા કહ્યું " કોઈ ચિંતા નહીં, ઓપરેશન સમયે હું તથા બંસી બન્ને હાજર રહેશું જો તમને અનુકૂળ હોય તો ઘર બંધ કરીને તમે અહીં રહેવા આવી જાઓ અને મમ્મી માટે બન્ને ટાઈમ ટિફિન દવાખાને પહોંચતું કરવાની વ્યવસ્થા હું કરીશ જો એ તમને અનુકૂળ ન હોય તો તમારું ટિફિન પણ ઘેર પહોંચતું કરીશુ મમ્મીને દવાખાનામાંથી રજા આપે ત્યારે સીધા અહીં ઘેર જ આવવાનું રાખશો જેથી અહીં તેને પૂરો આરામ મળે અને એનું બધું સચવાઈ રહે. અને હા, હું દવાખાને આવીશ ત્યારે પૂરતા પૈસા તમને આપતો જઈશ જેથી કોઈ વાતે મૂંઝાતા નહીં " આટલું કહી બિરજુએ ફોન મૂકી દીધો
આ માહિતી તેણે બંસીને આપતાં કહ્યું "મમ્મી પડી જતાં થાપાનું હાડકું ભાંગી ગયું છે અને તેનું ઓપરેશન નક્કી થયું છે ત્યારબાદ બેડરેસ્ટ ની સલાહ મળતા મમ્મી પપ્પા બન્ને અહીં રહેવા આવશે"
બંસી, જે મા-બાપ પુત્રવધુ તરીકે અંધકન્યાને સ્વીકારવા તૈયાર નહોતા, લગ્ન સમયે નિમંત્રણ આપવા છતાં દીકરા વહુને આશીર્વાદઆપવા પણ આવ્યા નહોતા એ મા બાપને પોતાની જરૂરિયાતે દીકરો વહુ સાંભર્યા"
જવાબમાં બંસીએ કહ્યું " બિરજુ, એવું ના બોલ ગમે તેમ તો એ એ જન્મદાતા છે. આપણે હમેશા નમ્ર રહી આપણી ફરજ બજાવી સંસ્કાર નિભાવવા જોઈએ ખુશીથી બન્ને ભલે આવે એ બહાને મને પણ ઘરમાં વસ્તી જેવું લાગશે"
અગાઉ નક્કી થયા મુજબ નિશ્ચિત દિવસે બંસી અને બિરજુ બન્ને ઓપરેશન સમયે દવાખાને પહોંચી ગયા અને સફળ શસ્ત્ર ક્રિયા બાદ રજા મળતાં બિરજુને ઘેર રહેવા બન્ને આવી ગયા. બંસીએ પોતાના સાસુ સસરાને ચરણસ્પર્શ કરતા આગ્રહ સાથે કહ્યું " હવે તમો બન્ને કાયમ માટે અહીં જ રેહજો, ઉંમર અને અવસ્થાએ ગમે ત્યારે જરૂર પડે તો અમે સાથે હોઈએ તો તમને ચિંતા ન રહે."
બિરજુની મમ્મીથી બોલાઈ ગયું "ખાનદાનીના ખોરડે ધજા ન ફરકતી હોય"
બિરજુના પપ્પાએ ચશ્મા ઉતારી આંખના ભીંજાયેલા ખૂણા રૂમાલથી સાફ કર્યા