Saturday, 25 April 2020

આંધળો- પ્રેમ કે પ્રેમી

સૂર્યદેવ પોતાના આકરા મિજાજમાં પોતાનો રોષ જાણે પૃથ્વી ઉપર ઠાલવતા હોય એમ સવાર પડતાં જ  વૈશાખની કાળઝાળ અમદાવાદની 44 ડિગ્રીની પ્રચંડ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે.મણિનગર બસ સ્ટેન્ડ ઉપર સામાન્યતઃ વિશેષ પ્રવાસીઓની ગીર્દી હોય છે પણ આજે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલ લોકો ઘરમાં ભરાઈ રહેતાં બસ સ્ટેન્ડ ખાલી હતું
ખભે પર્સ,આંખે ગોગલ્સ અને કોણી સુધીના હાથ મોજા પહેરેલી રાગિણી  ચિંતિત ચહેરે વારંવાર ઘડિયાળ તરફ જોતાં એકલી અટુલી બસ સ્ટેન્ડ ઉપર સિટીબસની રાહ જોતી ઉભી હતી.એવામાં થોડી જ વારે એક સફેદ B.M.W.કાર ત્યાં આવીને ઉભી રહી. કારની અંદર બેઠેલ પાંત્રીશેક વર્ષના ખુબસુરત ગોગલ્સ ધારી યુવાને કારની બારીનો કાચ ખોલી રાગિણીને પૂછ્યું "Madam, Can I help you ?આપને કઇ બાજુ જવું છે ? વાંધો ન હોય તો આપને  હું છોડી દઉં "
શરૂઆતમાં તો રાગિણીએ આનાકાની કરી,પણ ઘડિયાળનો કાંટો સતત ઉપર સરકતો જોઈ, ઓફિસે જવાનું મોડું થતું હોય તેણે કહ્યું " મારે ઇન્કમટેક્સ ઓફિસે જવું છે અગ્યાર વાગવામાં છે અને હું ઓફિસે મોડી પડીશ,
યુવાને સહેજ સ્મિત વેરતા કહ્યું, " નો પ્રોબ્લેમ, હું નારણપુરા તરફ જ જાઉં છું રસ્તામાં ઇન્કમટેક્સ સર્કલે આપને  ઉતારી દઈશ, યુ આર વેલકમ " એમ કહી કારનો દરવાજો ખોલ્યો રાગિણી કારમાં બેઠી બહારની સખ્ત ગરમીથી અકળાયેલી રાગિણીએ કારની એ/સી.ની ઠંડકથી રાહત અનુભવી કાર સડસડાટ ઇન્કમટેક્સ સર્કલ તરફ જવા નીકળી પડી.
" આપ ઇન્કમટેક્સ ઓફિસમાં નોકરી કરો છો ? આપનો પરિચય?" ગોગલ્સ કપાળ ઉપર ચડાવતા પોતાની ડ્રાંઇવિંગ સીટની બાજુમાં બેસેલ રાગિણી તરફ જોતા યુવાને પૂછ્યું
" હું રાગિણી મહેતા મણિનગરની ધનલક્ષ્મી સોસાયટીમાં રહું છું અને ઇન્કમટેક્સ  ઇન્સ્પેકટર તરીકે અહીં જોબ કરું છું "
" ઓહો, સો નાઇસ, હું વિક્રમ દેસાઈ  ધનલક્ષ્મી સોસાયટી નજીક જ સ્વામીમંદિર પાસે રહુ છું અને નારણપુરા ખાતે એક ઇલેક્ટ્રોનિક્સ કંપનીમાં  મેનેજર તરીકે કામ કરું છું".
" તમારો ઓફિસે જવાનો રોજનો આ જ સમય છે ? મૃદુ સ્મિત સાથે આંખમાં આંખ પરોવવાની કોશિશ કરતા વિક્રમે પૂછ્યું
" વિક્રમની આંખ વાંચતાં રાગિણીએ સહેજ હસતા જવાબ આપ્યો " ના આજે થોડું મોડું થઇ ગયું છે, બાકી રોજ સવા દશની બસમાં હું પહોંચી જ જાઉં છું "
" એક કામ કરો, જો વાંધો ન હોય તો આપનો ફોન નંબર તથા વોટ્સએપ નંબર મને આપો, કોઈ વાર ઇમરજન્સીમાં આવા સંજોગોએ હું મદદરૂપ થઇ શકું " ચાલાકી પૂર્વક રાગિણીને વહેમ ન પડે એ રીતે વિક્રમે તેનો ફોન નંબર માગી  લીધો
******
ફરી બીજો દિવસ,સવારના દશ વાગ્યાનો સમય.રાગિણીએ સિટીબસની બુકીંગ ઓફિસેથી ઇન્કમટેક્સ સર્કલની ટિકિટ લઈ બસની રાહ જોતી ઉભી હતી એવામાં બસ આવતાં લાઈનમાં આગળ વધી જ્યાં બસમાં પ્રવેશે છે ત્યાં વિક્રમની ગાડી આવી ચડી તેણે હોર્ન મારી રાગિણીનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો પણ તેણે  ન સાંભળ્યું હોય વિક્રમે કારમાંથી તેના નામની બુમ પાડી રાગિણીને બોલાવી
પોતે બસની ટિકિટ લઇ લીધી છે એવું કહેવા છતાં વિક્રમે આગ્રહ કરી પોતાની કારમાં રાગિણીને બેસારી ગાડી હાંકી મૂકી
રસ્તામાં વિક્રમે પૂછ્યું " પરિવારમાં કોણ કોણ છો ?"
" બસ,અમે ત્રણ, હું ,મમ્મી અને પપ્પા પપ્પા ગુજરાત હાઇકોર્ટના વકીલ છે." રાગિણીએ ઉત્તર વાળ્યો
" તમેં હજુ લગ્ન નથી કર્યા ?" વિક્રમે મોકો જોઈને મૂળ વાત પકડી લીધી વિક્રમ હવે "આપ" માંથી "તમે " ઉપર આવી ગયો
શરમથી લાલ થઇ ગયેલ રાગિણીએ નીચું જોઈ, નકારમાં ડોકી હલાવી.
"મારી જેમ ?" વિક્રમે મુક્ત હાસ્ય વેરતાં રાગિણીના ચહેરાના ભાવ વાંચવા કોશિશ કરી
બસ,પછી તો આ રોજનો ક્ર્મ બની ગયો સાથે હમેશાં જવાનું અને મુક્ત રીતે વાતો કરવાનું ધીમે ધીમે વોટ્સએપ અને ફેસબુક ઉપરાંત વિડીયો કોલ કરવા સુધીની મિત્રતા જામી ગઈ.
કહેવાય છે ને કે "સતત સંપર્ક પ્રેમાંકુરો જન્માવે છે " એમ ધીરે ધીરે રાગિણીના દિલ દિમાગ ઉપર વિક્રમનો  જાદુ છવાઈ ગયો. હવે તો વિક્રમ સાંજે ઓફિસ છૂટવા સમયે પણ રાગિણીને તેડવા જવા લાગ્યો
*****
એકવાર રાગિણીએ વિક્રમના પરિવારનો પરિચય માગ્યો ત્યારે વિક્રમે કહ્યું કે " પરિવારમાં મારા માતા-પિતા તથા અમે બે ભાઈઓ છીએ સૌથી મોટો હું અને મારાથી  ત્રણેક વર્ષ નાનો ભાઈ પરેશ અહીં કોર્પોરેશનમાં સીટી એન્જીનીયર તરીકે નોકરી કરે છે. પિતાજીને પોતાનો બિઝનેસ છે અને સુખી છીએ "
અઠવાડિયા પછી શનિ રવિની રજા હોય વિક્રમેં કહ્યું " આવતા અઠવાડિયે બે રજા હોય ચાલ આપણે આબુ ફરી આવીએ ગરમીના દિવસોમાં ઘરમાં ગોંધાઈ રહેવા કરતાં હિલસ્ટેશન જવાથી બે દિવસ રાહત રહેશે "
" આ પહેલાં એકલી હું કોઈ અજાણ્યા પુરુષ સાથે બહાર ગઈ નથી પણ તમે પરિચિત છો તેથી હું આવવાની હિંમત કરીશ" રાગિણીએ વિક્રમની દરખાસ્ત ઉપર મંજૂરીની મહોર મારતાં  કહ્યું  
એ દરમ્યાનમાં એકવાર ઓફિસેથી વિક્રમ સાથે પાછા ફરતાં વિક્રમે રસ્તામાં કહ્યું " ચાલ આપણે હેવમોરમાં કોફી પી ને ઘેર જઈએ" એટલું કહેતાં વિક્રમે નજીકની હેવમોર હોટેલ પાસે કાર રોકી હોટેલમાં પ્રવેશ્યા બન્ને જણા સાથે કોફી પિતા હતા એવામાં વિક્રમે પોતાની બ્રીફકેસમાંથી એક નાનું બોક્સ કાઢી એમાંથી સોનાની "તનીષ્ક ડાયમંડ"ની વીંટી કાઢી રાગિણીની આંગળીમાં પહેરાવતાં કહ્યું " આજે મારા  જન્મદિન નિમિત્તે મારા તરફથી એક નાનીસૂની ભેટ" વિક્રમે વિશ્વાસ સંપાદન કરવામાટેનો એક વધુ દાવ ખેલ્યો
અચાનક જ આવી કિંમતી વીંટીની ભેટ મેળવતાં રાગિણી ખુશ થઇ ગઈ અને બોલી " મને જો વહેલી ખબર હોત તો હું તમારા માટે ગિફ્ટ લઈ આવત.આતો મને સરપ્રાઈઝ આપ્યું "
" અરે પગલી, હું તો તારી પાસેથી બીજું ઘણું લેવાનો છું એમ હું  થોડો તને જવા દેવાનો ? "  જીણી આંખ કરીને રાગિણીના ગાલ ઉપર ટપલી મારતાં વિક્રમે કહ્યું  નિર્દોષ રાગિણી વિક્રમના આ વિધાનને સમજી ન શકી. વિક્રમે શનિ-રવિની રજામાં આબુ જવાની અગાઉ થયેલ વાતની યાદી આપતાં પૂછ્યું " પરમ દિવસે શનિવાર અને પછી રવિવારની બે દિવસની રજા આવતી હોય આપણે આબુ જઈશું ?" 
" ઓહ યસ, હું પણ એ બે દિવસોમાં ફ્રી જ છું "રાગિણીએ ઉત્તર વાળ્યો 
*****
 શનિ-રવિવારના દિવસો આવતાં માતા-પિતાને ગમેતેમ સમજાવી રાગિણી વિક્રમ જોડે વહેલી સવારે આબુ જવા નીકળી પડી. વિક્રમે ફાઈવ સ્ટાર હોટેલ અગાઉથી બુક કરાવી રાખી હતી. આબુના ખુશનુમા વાતાવરણમાં લગ્ન પછી હનીમૂનમાં આવેલ દંપતિની જેમ વિક્રમ ઉત્સાહમાં હતો મુક્ત ગગનમાં વિહરતા પંખીની જેમ વિક્રમ-રાગિણી એક બીજાના હાથમાં હાથ પરોવી કુદરતી સૌંદર્યનું રસપાન કરતા હતા,ઢળતી સાંજે સનસેટ પોઇન્ટ ઉપર ફોટા-વિડીયો ઉતારી ભોજન પતાવી વાતો કરતાં બન્નેએ શયાધીન થવાની તૈયારી કરી.
 રાગિણીના ભરપૂર સૌંદર્ય, કમનીય કાયા,અને ઉભરાતા જોબનને નજીકથી નિહાળતાં  વિક્રમની નિયત બદલાઈ અને એકજ પલંગમાં જોડે સુતેલી રાગિણીના રેશમી બદન ઉપર ધીમે ધીમે હાથ ફેરવવો શરૂ કરતાં રતિક્રીડા શરૂ કરી રાગિણી માટે આ એક નવો અને અદભુત અનુભવ હતો વૃક્ષને જેમ વેલી વીંટળાઈ વળે તેમ રાગિણી વિક્રમના બાહુપાશમાં જકડાઈ ચુંબનોની વર્ષા જીલતી રહી જાતીય આનંદના પહેલા અનુભવથી રાગિણીના રોમ રોમ રોમાંચિત થઇ ગયા. અને આમને આમ બન્ને દિવસ વિક્રમ રાગિણીના મદઝરતા યૌવનને ખોબલે ખોબલે પીતો રહ્યો સતત આમ બે દિવસ શારીરિક સબંધ બાંધ્યા પછી રાગિણીને વિશ્વાસ બેઠો કે વિક્રમ તેને બેહદ પ્રેમ કરે છે અને  હવે તે પોતા વિના રહી નહીં શકે એવી ગણતરીથી રાગિણીએ વિક્રમ પાસે લગ્નની દરખાસ્ત મૂકી વિક્રમે એ સહર્ષ સ્વીકારતો હોય એમ મૂક સંમતિ આપી. બે દિવસ આનંદથી મોજ-મજા સાથે પસાર કરી બન્ને અમદાવાદ પાછા ફર્યા
આમને આમ દિવસો વીતતા ગયા હવે તો હળવું મળવું અને એકાંતની પળો માણવી એ બન્ને માટે સામાન્ય બની ગયું હતું
******
બે એક મહિના પછી રાગિણીએ એક રવિવારે સાંજે  વિક્રમને ફોન કરી નજીકના બગીચે આવવાનું કહ્યું બન્ને ત્યાં મળ્યાં અને રાગીણીએ કહ્યું " વિક્રમ, હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ હું તારા બાળકની મા બનવા જઈ રહી છું, મારા ઉદરમાં તારું બાળક આકાર લઈ રહ્યું હોય આપણે વિના વિલંબ નિર્ણય લઈ લેવો જોઈએ મેં આજસુધી મારા માતા-પિતાને આ વાતની જાણ નથી કરી."
" ઓહો, હું પણ એજ વિચારૂ  છું તારી વાત સાચી છે.પણ પિતાજી અમારા બન્ને ભાઈઓના લગ્ન જોડે કરવા ઇચ્છતા હોય,પરેશ માટે એક બે સારા ઘેર વાત ચાલે છે,હું માનું છું ત્યાં સુધી કદાચ એકાદમહિનામાં તેનું ગોઠવાઈ જાય એટલે આપણા લગ્ન નક્કી જ છે હું ખુદ એના માટે ઉત્સુક છું માત્ર થોડા સમયની રાહ છે તું ચિંતા ન કરીશ બધું આરામથી પાર પડી જશે વિશ્વાસ રાખ "વિક્રમે આશ્વાસન આપતાં રાગિણીને કહ્યું
આમને આમ દિવસો પસાર થતા ગયા ચિંતિત રાગિણી વારંવાર વિક્રમને ટપાર્યા કરે પણ  વિક્રમ જુદા જુદા બહાના આપી રાગિણીને ભરોસો આપ્યા કરતો હતો 
રાગિણીને ત્રીજો મહિનો બેઠો,  વિક્રમે હવે રાગિણીને મળવાનું છોડી દીધું  એટલે હવે રાગિણીને  વિશ્વાસ ન રહ્યો દરેક વખત ફોન ઉપર વિક્રમ જુદા જુદા બહાના કાઢી વાતને ટાળી દેતા રાગિણીને ખાતરી થઇ કે પોતે વધુ પડતા વિશ્વાસમાં એક ગંભીર ભૂલ કરી બેઠી છે અને હવે માતા-પિતાને જાણ કર્યા વિના છૂટકો નથી.
એક દિવસ રાગિણીએ પોતાની માતા પાસે બેસી ધ્રુસકે ધ્રુસકે રડતા બધી વાત કરી અજાણ્યા માણસે વિશ્વાસ કેળવી કેવી રીતે પોતાનો ગેરલાભ લીધો અને હવે એ કેવી રીતે લગ્નના આપેલ વચનમાંથી છટકી રહ્યો છે એ બધું જ અથ થી ઇતિ સુધી કહી સંભળાવ્યું રાગિણીની વાત સાંભળતા એની મમ્મી ઉપર વીજળી ત્રાટકી પોતે રડવા માંડ્યા અને રાગિણીને ઠપકો આપતા કહ્યું " બેટા તેં આ શું કર્યું ? 28 વર્ષની પાકટ ઉંમરે પણ તું લોકોને ઓળખી નથી શકતી એ દુઃખની વાત છે આ સમાજમાં ઘેર ઘેર આવા રાવણો  છે  આપણે આપણી લક્ષ્મણ રેખા ન ઓળંગવી જોઈએ " થોડીવારે સ્વસ્થતા કેળવી રાગિણીને સાંત્વન આપતાં કહ્યું  "જે બનવાનું હતું એ બની ગયું હવે આનો ઈલાજ અને ઉપાય શોધી રસ્તો કાઢવાનું કામ વધુ મહત્વનું છે. તું ચિંતા ન કર તારા પપ્પા બધું વિચારીને રસ્તો કાઢી આપશે"  
બીજે દિવસે રાગિણી ઓફિસે ગયા પછી એની મમ્મીએ મહેતા સાહેબને (પતિને) બધી વાતથી વાકેફ કર્યા
ખુબજ દુઃખી થતાં મહેતા સાહેબે કહ્યું " ઉતરતી અવસ્થાએ આ પણ જોવાનું અને ભોગવવાનું બાકી રહી ગયું હશે, કયા પાપની સજા ભગવાને આપી એ નથી સમજાતું દીકરીને દીકરો માની ઉછેરીને મોટી કરી દીકરા જેટલાજ  લાડકોડ કર્યા એજ દીકરી આપણી પ્રતિષ્ઠાની દુશ્મન બની. જે બનવાનું હતું એ તો બની ગયું પણ હવે વધુ મોડું થાય એ પહેલાં એનો રસ્તો સત્વરે વિચારવો પડશે"  
સાંજે રાગિણી ઓફિસેથી આવતાં તેને સાથે લઈને વિક્રમને ઘેર જઇ એના માં-બાપને બધીજ વાતથી વાકેફ કરી સમજાવીને વહેલામાં વહેલી તકે બન્નેના લગ્ન ગોઠવવા વિનંતી કરવાનું વિચાર્યું
*****
સાંજે રાગિણી ઘેર આવતાં રાતનું ભોજન વહેલું પતાવી રાગિણી અને તેના માતા-પિતા નજીકમાંજ રહેતા વિક્રમને ઘેર ગયા. વિક્રમના માતા-પિતા બંગલાની બહાર હિંચકે ઝૂલતા બેઠા હતા ત્યાંજ રાગિણી અને તેના માતા પિતા દરવાજે પ્રવેશ્યા
અજાણ્યા અને અપરિચિત પરિવારને પોતાને ઘેર રાતના સમયે આવતાં વિક્રમના માતા-પિતાને ઘણું આશ્ચર્ય  થયું તેમ છતાં આવકાર આપતા વિક્રમના પિતાએ કહ્યું " પધારો સાહેબ, ચાલો આપણે અંદર દીવાનખાનામાં બેસીએ એમ કહી દીવાનખાના તરફ સહુ ગયા.
રાગિણીના પપ્પાએ પોતાની ઓળખાણ આપતા કહ્યું " હું મી. મહેતા,અહીં ધનલક્ષ્મી સોસાયટીમાં જ રહુ છું અને ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું આ મારા પત્ની અને પુત્રી રાગિણી છે જે ઇન્કમટેક્સ ઇન્સ્પેકટર તરીકે અહીં નોકરી કરે છે.આટલા પરિચય પછી વિક્રમ અને રાગિણીને કેવી રીતે પરિચય થયો, પરિચય કેવી રીતે પ્રેમમાં પરિણમ્યો અને હવે એ પ્રેમ કેટલી હદે જઈ પહોંચ્યો એ તમામ વિગત શાંતિ થી જણાવી અને ઉમેર્યું કે રાગિણીના ઉદરમાં વિક્રમનો ગર્ભ વિકસી રહ્યો હોય, સમાજમાં બન્ને પક્ષે પ્રતિષ્ઠા ખરડાય એ પહેલાં બન્નેના લગ્ન કરી દેવાં જોઈએ એવી રજુઆત કરી.
બધું જ શાંતિ થી સાંભળ્યા પછી વિક્રમના પિતાએ પૂછ્યું " સાહેબ, આપ ખોટા સરનામે તો નથી આવી ચડ્યાને ? મારા પુત્રનું નામ વિક્રમ છે એ સાચું છે પણ એતો પરિણીત છે અને એને પાંચ વર્ષનો પુત્ર પણ છે, આ કેવી રીતે શક્ય બને ?"  એટલું કહેતા જ તેણે વિક્રમની પત્નીને બુમ મારી બોલાવી " ત્રિલોચના,બેટા અહીં આવજે તો  વિક્રમને પણ અહીં આવવાનું કહેજે"  વિક્રમના પિતાની વાત સાંભળતા રાગિણી અને તેના માં-બાપના હોશકોશ ઉડી ગયા.
થોડીવારે વિક્રમની પત્ની ત્રિલોચના,વિક્રમ અને નાનો ભાઈ પરેશ રૂમમાં આવ્યા વિક્રમના પિતાએ વિક્રમને પૂછ્યું " બેટા તું આ દીકરીને ઓળખે છે ?"
વિક્રમે ઘસીને ના પાડી  બધી વાતને રદિયો આપતા કહ્યું  કે "હું આ બહેનને અહીં પહેલી જ વાર જોઉં છું "
રાગિણીનો ગુસ્સો સાતમે આસમાન પહોંચ્યો તેણે પોતાના પર્સમાંથી આબુના રોયલ ગેસ્ટ હાઉસની રૂમ  ભાડાની પહોંચ બતાવતા કહ્યું " જો તું મને ઓળખતો જ ન હો, તો આબુના ગેસ્ટ હાઉસની આ તારા નામની પહોંચ મારી પાસે ક્યાંથી આવી ?" એટલું કહેતાં ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી થોડીવારે પર્સમાંથી તનિષ્ક વીંટીનું બોક્સ અને પોતે પહેરેલી વીંટી પણ બતાવ્યા
વિક્રમની પત્ની ત્રિલોચના ચતુર, હોશિયાર અને વિચારશીલ હતી તેણે વીંટીનું બોક્સ અને વીંટી હાથમાં લઇ ફેરવી ફેરવીને તપાસ્યા,તેને સમજતાં વાર ન લાગી કે રાગિણી સાચી છે છતાં યોગ્ય સમયની રાહ જોતી એ ચૂપ બેઠી રહી.
વિક્રમનો જવાબ સાંભળી રાગિણીના પિતા ઉશ્કેરાઈ ગયા તેણે કહ્યું " વિક્રમની આ હિંમત ? કે એક અજાણી કુમળી કળીને પોતે પરિણીત હોવા છતાં જૂઠું બોલી,લગ્નની લાલચ આપી તેના ચારિત્ર્ય સાથે ખિલવાડ કરે ?
સાહેબ,તમે કાન ખોલીને સાંભળી લેજો કે મારી પુત્રી આ સંજોગોમાં આત્મહત્યા કરે એવી નબળા માનસની નથી  સૂર્યપુત્ર કર્ણને જન્મ આપી કુંતી કુંવારી માતા તરીકે ઉન્નત મસ્તકે ગૌરવભેર જીવી, એ સતયુગ હતો આ કળીયુગ છે  હું એને કુંવારી માતા તરીકે પણ જોવા ઈચ્છતો નથી. હું તમારી પાસે આ પ્રશ્નના  ઉકેલ માટે આવ્યો છું.મને આજે ખબર પડી કે બધા શ્રીમંતો સંસ્કારી નથી હોતા
રાગિણીના પિતાજીનો આક્રોશ સાંભળી વિક્રમના પિતાજીને વ્હેમ પડ્યો કે આ બાબતે રાગિણી કદાચ સાચી પણ હોઈ શકે તેથી તેણે થોડી વધુ કડકાઈથી પૂછપરછ કરતાં વિક્રમ ભાંગી પડ્યો અને રાગિણીની વાત સાચી છે એમ કબુલ્યું
વિક્રમના પિતા હવે લાચાર બની ગયા તેણે રાગિણીના પિતાને સમજાવતા કહ્યું " મહેતા સાહેબ, વિક્રમ જો અપરણિત હોત તો હું એના લગ્ન અવશ્ય રાગિણી સાથે કરાવી આપત પણ જયારે એ પરિણીત છે અને પાંચ વર્ષના દીકરાનો બાપ છે એ સંજોગોમાં તો રાગીણી માટે ગર્ભપાત એ એકજ રસ્તો મને સુજે છે એટલું બોલતાં પોતે ઉભા થઇ કબાટમાંથી ચેક બુક કાઢી રાગિણીના પપ્પા સામે ધરતાં કહ્યું " લો આ ચેક બુક તમે ચાહો તેટલી રકમ તેમાં તમારા હાથે લખો અને વાતને અહીં પુરી કરો"
મહેતા વકીલનો પિત્તો ઉછળ્યો " શું કહ્યું ? એક કુંવારી છોકરીના ચારિત્ર્યને તમે પૈસા જેવી તુચ્છ વસ્તુ સાથે મૂલવો છો ? હવસ સંતોષવાની કિંમત તમે મને ચૂકવો છો ? આજ વસ્તુ જો તમારી પુત્રી સાથે બની હોત તો તમે શું કરત ? મને એ ન ખપે."
વિક્રમના પિતાજીએ તેને શાંત પાડતાં કહ્યું " વકીલ સાહેબ, હું ચારિત્ર્યનું મૂલ્ય નથી ચુક્વતો પણ આપણે રાગીણીને સારી હોસ્પિટલમાં દાખલ કરી ગર્ભપાત કરાવી નાંખીએ અને તેનો થતો તમામ ખર્ચો હું આપને આપું છું. એ એક જ વિકલ્પ મારા મગજમાં આવે છે.
"જો ગર્ભપાત એ જ ઉકેલ તમારી પાસે હોય તો એ મને સ્વીકાર્ય નથી એ સિવાય અન્ય વિકલ્પ તમારી પાસે ન હોય તો મારી પાસેતો છે જ  હું કાનૂની રાહે આગળ વધી I.P.C,376 હેઠળ બળાત્કારનો અને I.P.C.312 હેઠળ ગર્ભપાત કરવાના દબાણનો દાવો દાખલ કરી નિર્ભયા કાંડના હવસખોર આરોપીની જેમ ફાંસીના માંચડા સુધી પહોંચાડવા સક્ષમ છું." છંછેડાયેલ સાપ જેવો ફૂફાડો મારતાં રાગિણીના પિતા બોલ્યા 
વાતાવરણ ગંભીર થઇ ગયું રૂમ ની અંદર થોડીવાર સન્નાટો છવાઈ ગયો. 
થોડીવાર વિચાર કર્યા પછી વિક્રમના પિતા બોલ્યા," હા,બીજો પણ એક વિકલ્પ મને સુજે છે.અમે અમારા નાના પુત્ર પરેશ માટે કન્યાની શોધમાં જ છીએ,જો તમે કબૂલ થતા હો તો રાગિણીના લગ્ન અમે પરેશ સાથે કરાવવા તૈયાર છીએ "
રાગિણીના પિતા કંઈ વિચારે કે જવાબ આપે તે પહેલાં અત્યાર સુધી શાંત બેસી બધો તાલ-તાસીરો જોઈ/સાંભળી રહેલ ત્રિલોચનાનું અગનજ્વાળા ફેંકતું ત્રીજું લોચન ખુલ્યું અને બોલી " હવે જો તમારી પાસે અન્ય કોઈ વિકલ્પ બાકી ન હોય તો મારે પણ કંઈક કહેવું છે."  આવેશમાં આવી જઈ સામેની બાજુએ બેસેલ વિક્રમ તરફ એ ધસી અને બળપૂર્વક એક લાફો ચોડી દેતાં એ બોલી, "નરાધમ, તું તો રાવણથી પણ વધુ અધમ નીકળ્યો, રાવણેતો માત્ર સીતાજીનું અપહરણ કર્યું હતું પણ સીતાજીનો તેણે સ્પર્શ પણ નહોતો કર્યો તું એક દીકરાનો બાપ હોવા છતાં એક કુમળી કળી જેવી છોકરી સાથે  જૂઠી લાલચ આપી વ્યભિચાર કરતા તને શરમ ન આવી ?"
 " પપ્પા, રાગીણી સાચી છે. મને ખબર નહોતી કે આજસુધી હું જેને પરમેશ્વર તરીકે પૂજતી હતી એ મારો પતિ આટલો હવસખોર હશે અને પોતાની હવસ સંતોષવા એ છેલ્લી કક્ષાએ પહોંચશે રાગીણીને આપેલી આ તનિષ્કની વીંટી ગયે મહિને અમારા બેડ રૂમમાં ખોવાઈ ગયેલી મારી વીંટી છે.
અને તમેં શું રસ્તો કાઢો છો ? ગર્ભપાત ? શું કામ ? એ તો અશક્ય જ છે.પોતાના શિયળ ભંગ કર્યા ઉપરાંત ગર્ભપાતનું પાપ પણ એ નિર્દોષ છોકરી પોતાના ઉપર લે ? એ કદાપિ નહીં બને. 
બીજો તમારો વિકલ્પ રાગિણીના લગ્ન પરેશભાઈ સાથે કરવાનો એ પણ શા માટે ? રાગિણીના પેટમાં ગર્ભ વિક્રમનો, અને તેને પરણે પરેશભાઈ ? એ ક્યાંનો ન્યાય ? એ નવા જન્મેલ બાળકની પાછળ પોતાના સાચા પિતાનું નામ લખવાનો અધિકાર પણ તમે છીનવી રહ્યા છો ?  છેલ્લો અને આખરી વિકલ્પ મારી પાસે છે અને તે એ કે રાગિણી પરણશે જ અને એ પણ વિક્રમને જ.
વકીલ સાહેબ, વિક્રમ સાથેના મારા છુટા છેડાના કાગળો તૈયાર કરી આપવાની મને મહેરબાની કરો. હું વિક્રમને છુટા છેડા આપું છું. હું નથી ઇચ્છતી કે મોટા થતાં મારા પુત્રમાં પણ એના બાપના સંસ્કાર આવે અને ભવિષ્યમાં કોઈ એને "હવસખોરના દીકરા" તરીકે એની સામે આંગળી ચીંધે બારમાં કાર નહીં હોય તો ચાલશે પણ ઘરમાં સંસ્કાર અવશ્ય જોઈશે આગ ઝરતી ત્રિલોચનાની વાણી સાંભળી બધા સ્તબ્ધ થઇ ગયા.  
થોડીવારે રાગિણીના પિતાએ કહ્યું " દીકરી તું તારું ભવિષ્ય શા માટે રોળે છે ?"
ત્રિલોચનાએ જવાબ આપતા કહ્યું " મારું ભવિષ્ય તો આવા હલકટ માણસને પરણી ત્યારથી જ રોળાઈ ગયું છે હવે મારે મારા દીકરાનું ભવિષ્ય સુધારવાનું છે.સાહેબ, હું અહીંની સરકારી કન્યાશાળામાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરું છું લગભગ ત્રણેક મહિના પહેલાં મારા મમ્મી કેન્સરની બીમારીમાં મૃત્યુ પામ્યા છે તેના આઘાતમાં મારા પપ્પાને પક્ષઘાતનો હુમલો આવતા તે પથારીવશ છે મારુ પિયર વડોદરા હોય હું ત્યાં બદલી કરાવી લઈશ અને મારા પપ્પાની આખરી અવસ્થામાં સેવા કરી દીકરાને ત્યાં ભણાવીશ હું નથી ઇચ્છતી કે આવા લંપટ બાપનો પડછાયો પણ એના દીકરા ઉપર પડે. કૃપા કરી આવતા બે દિવસમાં મારા છૂટાછેડાના પેપર્સ આપ તૈયાર કરી આપો રાગિણી મારી નાની બહેન છે અને તેના સિવિલ મેરેજની સાક્ષીમાં હું જ સહી કરીશ"
ત્રિલોચનાને સાંભળ્યા પછી વિક્રમ અને તેના માતા-પિતાની કોઈની બોલવાની હિંમત ન રહી 
રાગિણી તથા તેના મમ્મી-પપ્પા આ વિકલ્પથી ખુશ થયા અને ત્રિલોચનાના છુટા છેડાના પેપર્સ તૈયાર થઇ જતાં  બીજે જ દિવસે વિક્ર્મથી છુટા છેડા મેળવી લીધા, અને એજ દિવસે અક્ષય તૃતીયાનો સારો દિવસ હોય વિક્રમ-રાગિણી સિવિલ મેરેજથી જોડાયા 
કોર્ટથી સિવિલ મેરેજની વિધિ પતાવી વિક્રમ-રાગિણી જે રિક્ષામાં ઘેર આવ્યા,એજ રિક્ષામાં ત્રિલોચના  પોતાના પુત્ર અને સામાન સાથે રેલવે સ્ટેશન જવા નીકળી ગઈ .
******   
        
  

   
        















Monday, 20 April 2020

સાસુવટ

 34 વર્ષની નોકરી બાદ આવતે મહિને શાંતિદાસ સેવા નિવૃત્તિ થવાના હતા. નિવૃત્તિને કારણે અત્યાર સુધી મળતી સરકારી રહેણાંકની સુવિધા પણ હવે બંધ થવામાં હતી.
સાધારણ નોકરી,સામાન્ય પગાર અને અત્યાર સુધીની બચતમાંથી ત્રણ દીકરાઓને અભ્યાસ તથા લગ્ન જેવા સામાજિક વ્યવહારો કરતા એની પાસે કોઈ મોટી બચત રહી નહોતી એટલે પોતાનું કહેવાય એવું ઘરનું ઘર એ બનાવી શક્યા ન હોતા તેથી નિવૃત્તિ બાદ દીકરાને ઘેર રહેવાનો વારો આવતા એક દિવસે શાંતિલાલે પત્ની ચિત્રાને કહ્યું,"આવતે મહિને હું નિવૃત થતો હોઉં આપણે આ સરકારી ક્વાર્ટર ખાલી કરવું પડશે અને દીકરાને ઘેર સ્થળાન્તર કરવું પડશે મોટો દીકરો મહેશ તો ઘર જમાઈ થઈને રહે છે એટલે એને ઘેર જવાનો તો સવાલ જ ઉભો નથી થતો,બીજા દીકરા રમેશે કેરાલિયન સાથે પ્રેમલગ્ન કર્યા છે,તેને ગુજરાતી લખતા-બોલતા કે આપણી રસોઈ પણ આવડતી નથી તેઓ એની રીતે પોતાનું ચલાવે છે તેથી તને એને ઘેર પણ ફાવે નહીં મારી વાત જુદી છે હું સમય સંજોગ પ્રમાણે બધે સમાઈ જાઉં એમ છું, સવાલ માત્ર તારા પૂરતો છે. બાકી રહે છે સુરેશ એની પત્ની પારુલ મા-બાપ વિનાની ગરીબ ઘરની નમ્ર,શાંત અને વિવેકી છે.સુરેશ પણ  સીધો સાદો કહ્યાગરો છે પણ ......."
" પણ.... શું ? ચિત્રાએ શાંતિદાસ તરફ જીણી આંખે જોતા પ્રશ્ન કર્યો  ?
" પણ શું ? એ તું તારી જાતને પૂછ.તું સારી રીતે એ જાણે છે છતાં તારે મારે મોઢે જ સાંભળવું હોય તો, પણ ઈ  કે તારો સ્વભાવ વિચિત્ર હોવા કારણે તને પારુલ સાથે કાયમ વાંધા પડવાના છે,આપણે હવે આ ઉંમરે જયારે પરવશ થઈને દીકરા-વહુને આશરે રહેવાનું હોય ત્યારે આપણો  સ્વભાવ થોડો કુણો રાખવો પડે અત્યારસુધી બધું એટલે ચાલ્યું કે આપણે સ્વતંત્ર રહેતા હતા, હવે આપણે દીકરાને ઘેર રહેવાનું છે પછી રોજ ઉઠીને વહુને ટકટક કરી તારા સ્વભાવ પ્રમાણે સાસુવટ કરે તો એ પણ સહન ન કરે, એને તો રોજનું થયું ક્યાં સુધી એ સહન કરે ?
" હજુ તો દીકરાને ઘેર પગ નથી મુક્યો,ત્યાં વહુના ઉપરાણા શરૂ કરી દીધા ? તમે શું એમ કહેવા માંગો છો કે આટલા વર્ષે આપણે આપણી જીવન શૈલી બદલાવીને એની લાઈફ સ્ટાઇલ મુજબ  જીવવું ?અને પરવશ શેના? પચીશ પચીશ વર્ષ દીકરાને ઉછેરીને મોટો કર્યો છે, ભણાવ્યો છે,પરણાવ્યો છે પંડ ઉપરના દાગીના ઉતારીને વ્યવહાર કરિયાવર કર્યો છે આપણો તેના ઉપર પુરો હક્ક છે. હવે બીજા પચીશવર્ષ તો તેણે આપણું કરવું નથી ?આવી નિર્માલ્ય વાત જ કરવી ખોટી છે" વૈશાખના તપતા સૂરજ જેવા તેવરથી ચિત્રાએ જવાબ વાળ્યો
" પચીશ વર્ષ આપણે જે કર્યું એ આપણી ફરજ બજાવી છે એથી વિશેષ કંઈ નથી કર્યું, અને આજે  એ પણ પોતાની ફરજ બજાવવા તૈયાર છે.આપણે જે કર્યું એનો અર્થ એ નથી કે દીકરાના ઘરમાં દાદાગીરી કરી,
જો હુકમીથી ત્યાં રહેવું  સાઈઠ વર્ષ પછી હૃદય ઉપર પથ્થર મૂકીને અને જીભે તાળું રાખીને જીવતા શીખવું  પડે નહીં તો ક્યાંયે ન પોસાયેં તમારો હક્ક તમારા દીકરા ઉપર છે એની વહુ ઉપર નથી.વહુ પારકી દીકરી છે એના ઉપર આપણી જો હુકમી ન ચાલે નહીતો બીજે દિવસે વૃદ્ધાશ્રમના દરવાજા દેખાડી દે,આટલી ઉંમરે એટલી સમજ કે પાકટતા કેમ નથી ? ધાન વિના જીવાશે પણ સમાધાન વિના જીવી નહીં શકાય જો તારે તારો સ્વભાવ બદલવો જ ન હોય તો બહેતર છે આપણે અહીં ગામના વૃદ્ધાશ્રમમાં જ રહીએં "ચિત્રાના જવાબથી અકળાયેલ શાંતિદાસે કહ્યું.
"  સારું લાગે તો એમ કરો, સમાજ શું કહેશે ?ત્રણ ત્રણ દીકરાએ મા- બાપ વૃદ્ધાશ્રમમાં રહે એમાં તમારી નહીં દીકરાઓની આબરૂ જશે," ચિત્રાએ પ્રતિકારાત્મક  જવાબ આપતાં કહ્યું
*****
બે ચાર દિવસ પછી શાંતિદાસે પુત્ર સુરેશને ફોન કરી રવિવારે ઘેર આવી જવા ટેલિફોન કર્યો
બીજે જ રવિવારે સુરેશ પપ્પા-મમ્મીને મળવા આવ્યો, સાંજે ચિત્રા કથાશ્રવણ માટે જતાં પિતા-પુત્ર ઘરમાં એકલાજ હતા ત્યારે શાંતિદાસે વાત માંડતા સુરેશને કહ્યું " જો બેટા, આવતે મહિને હું નિવૃત થતો હોઉં આ સરકારી આવાસ ખાલી કરવું પડશે, એ સંજોગોમાં અમે બન્ને તારે ઘેર રહેવા આવવાનું વિચારીએ છીએ, હું તો ગમે ત્યાઁ ગમે તે સંજોગોને અનુરૂપ થઇ જાઉં એમ છું પણ પ્રશ્ન તારી મા પૂરતો છે,પહેલેથી વિચિત્ર અને ટકટક કરવાના સ્વભાવે એ ક્યાંય પોષાય એમ નથી એ હું બરોબર જાણું છું.અમેં ભાડાનું ઘર લઈને અહીં જ રહેવા વિચાર કર્યો, પણ ટુંકા પૅનશનની રકમમાં એ પણ પરવડે એમ નથી.પારુલ મા-બાપ વિનાની છોકરી છે એને માની હૂંફ અને પ્રેમ આપવાને બદલે જો તારી મા પોતાની રીતેજ વર્તે તો કદાચ તમે બન્ને તો સહન કરી લો પણ મારો જીવ બળીને રાખ થઇ જાય આમ હું અત્યારે ત્રિભેટે ઉભો છું તેથી તારી સલાહ લેવા તને અહીં બોલાવ્યો છે "
"પપ્પા, બસ,આટલી નાની બાબતે તમે મુંજાઈ ગયા ? ત્યાં આવવા માટે પૂછવાનું જ ન હોય સીધો ફોન કે પત્ર દ્વારા તમારા આવવાના દિવસની જાણ જ કરવાની હોય.તમે લેશમાત્ર ચિંતા કર્યા વિના ત્યાં ચાલ્યા આવો હું જેમ મમ્મીનો સ્વભાવ જાણું છું એમ પારુલ પણ તેના સ્વભાવથી પરિચિત છે.અગાઉ પણ ઘણા કિસ્સામાં પારુલ ગમ ખાઈને બેસી રહી છે.બાકી બીજું બધું હું સંભાળી લઈશ તમેં ચિંતા ન કરો"
પુત્રની સમજણપૂર્વકની સાંત્વનાથી શાંતિદાસની આંખમાં પાણી આવી ગયા.
******
 નિવૃત થઈને શાંતિદાસ અને ચિત્રા દીકરા સુરેશને ઘેર રહેવા ચાલ્યા ગયા.અઠવાડિયું તો બરાબર ચાલ્યું ખુદ શાંતિદાસને પણ મનમાં આશ્ચર્ય સાથે શાંતિવળી કે હાશ,આખરે ચિત્રાને મારી સલાહ ગળે ઉતરી
પણ શાંતિદાસની એ શાંતિ ફરી થોડા દિવસમાં અશાંતિમાં ફેરવાઈ ગઈ.
એક દિવસ સવાર સવારમાં પારુલે મંદિરે દર્શન કરવા જતાં  ચિત્રાને પૂછ્યું " મમ્મી ગઈકાલે ફ્રીઝમાં બે કેરી મૂકી હતી....."
" એ હું ખાઈ ગઈ તમારી મને પૂછવાની હિંમત કેમ ચાલી ? ગઈકાલે મારે સોમવારનો ઉપવાસ હતો એટલે ફ્રીઝમાં જોઈ અને હું ખાઈ ગઈ એ માટે મારે તમારી પરવાનગી લેવી પડે ?"
આગલી રાત્રે ફ્રીઝમાં મુકેલી કેરી ન દેખાતાં પારુલે  ચિત્રાને જ્યાં પૂછવું શરૂ કર્યું ત્યાંતો  પારુલની અધૂરી વાતે જ ચિત્રાએ એને તોડી પાડતો જવાબ પરખાવી દીધો
પારુલે ખુલાસો કરતા કહ્યું કે " મમ્મી તમને ભાવે છે એટલે જ આજે રસ કાઢવા ખાસ રત્નાપૂરી હાફુસ મગાવી છે કાલ રાત્રે બોક્સ ખોલી મેં બે કેરી ફ્રીઝમાં જુદી કાઢી એટલે મૂકી હતી કે આજે એકાદશી છે મંદિરમાં એક કેરી મુકીશ અને મંદિરની બહાર બેસતા એક અપંગ ભિખારીને બીજી આપીશ મને એમ થયું કે આજે આપણે રસ ખાઈએ એ પહેલાં ભગવાનને ધરીને ખાઈએ તો સારું અત્યારે એ કેરી ન જોતા મેં ખાલી પૂછ્યું
" તમારું પ્લાનિંગ શું હોય એ મને કેમ ખબર પડે ?કોઈ દિવસ સાસુ તરીકે મને કંઈ પૂછીને કરો છો તે આજે મને પૂછવા આવ્યા ?" ભભૂકેલ અગ્નિની જેમ ચિત્રાએ ફૂફાડો માર્યો
"કંઈ વાંધો નહીં હું બોક્સમાંથી બીજી કેરી લઇ મંદિરે જઇ આવું" એટલું કહેતાં પારુલ બીજી કેરી લઇ મંદિરે જવા રવાના થઇ.
પારુલના ગયા પછી શાંતિદાસ બોલ્યા "શા માટે તમે તમારું સાસુપણું બતાવો છો ? પારુલે શું ખોટું પૂછ્યું કે આવો અવળો અને તોછડો  જવાબ આપવો પડ્યો તમારી કર્કશ જીભ છરીની જેમ ચાલે છે, જાણે કેમ તમે તમારું વર્ચસ્વ સ્થાપવા અહીં આવ્યા હો.સમસ્ત બ્રહ્નાંડમાં એક જીભ જ એવું સ્થળ છે જ્યાં અમૃત અને વિષ બન્ને એકસાથે વસે છે કોનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માત્રના હાથમાં છે જીભમાં મીઠાશ કેમ નથી આવતી ?આ બધું પાછલી ઉંમરે જયારે પથારીવશ થશો ત્યારે નડશે " હિંચકે સાથે બેઠેલા શાંતિદાસે ચિત્રાને ટપારતા કહ્યું 
" તમે ચૂપ બેસો થોડી ધાક તો રાખવી જ પડે નહીતો આજની વહુ મને અને તમને પણ વહેંચીને આવે તમને શું એમાં ખબર પડે ?" ચિત્રાએ નાક ઉપર આંગળી મૂકી ડોળા ફાડતા કહ્યું 
" અરે મૂર્ખ, વહુ એ પુત્રથી વધુ કહેવાય એટલેજ એને પુત્રવધુ કહેવાય છે તું જેને ધાક કહેછે એ ધાક નહીં પણ એ તારી જોહુકમી છે એક વાત સમજી લેજે કે તું એના મૌનને એની સ્વીકૃતિ,અને સહનશીલતાને એની શરણાગતિ ન સમજતી એ બન્ને વસ્તુ શાંત જ્વાળામુખી છે જ્યાં સુધી ભભૂકે નહીં ત્યાં સુધી જ સારા છે.
ગાંડી,જયારે આ દેહમાંથી પ્રાણ ઉડી જશે અને આયખું બળીને રાખ થઇ જશે ત્યારે પાછળ વધેલી અઢી કિલો રાખમાં તારી ધાક ,જોહુકમી, અને કહેવાતો તારો પ્રભાવ ગોત્યા નહીં જડે પ્રાણ ઉડી ગયેલ ખોળિયું પડ્યું હશે ને ત્યાં કોડિયું આ વહુ જ મુકશે તે તું ન ભૂલતી તારું નામ ચિત્રા નહીં પણ વિચિત્રા હોવું જોઈતું હતું " વહુ સાથેના અભદ્ર વર્તનથી વ્યથિત થયેલ શાંતિદાસે કહ્યું
****
" પારુલ, તું  ક્યાં છે ?" એક દિવસ સવારમાં  ચિત્રાએ બુમ મારી પારુલને પૂછ્યું 
" મમ્મી રાત્રે બન્ટીએ કાગળ ફાડીને કચરો કર્યો હતો એટલે હું પપ્પાજીનો રૂમ સાફ કરું છું," પારુલે કચરો વાળતાં  કહ્યું
બસ, ચિત્રાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું "તમારા સસરા પોતાના રૂમમાં એકલા બેઠા હોય ત્યારે એ રૂમમાં દાખલ ન થવું મર્યાદાનું કોઈ ભાન છે ? કચરો કામવાળી આવશે ત્યારે સાફ થશે તમે બહાર આવો "
ચિત્રાના આગ ઝરતા વેણ સાંભળી પારુલ પાણી પાણી થઇ ગઈ એની આંખમાં આંસુ આવી ગયા. શાંતિદાસ પણ કાપોતો લોહી ન નીકળે એવા થઇ ગયા મનમાં બોલ્યા " આને કંઈ બોલવાનું ભાન છે ?એકલા બેસેલા બાપની રૂમમાં દીકરી જાય એને મર્યાદા ભંગ કહેવાય ? એના બોલ્યાનો શું અર્થ નીકળે છે એનું પણ એને ભાન નથી, પારુલ નાની નથી બધું સમજે છે પણ મારી અને સુરેશની ખાતર થઈને સામો જવાબ આપતી નથી"   
બાજુની રૂમમાં છાપું વાંચતા સુરેશને કાને ચિત્રાના શબ્દો અથડાયા સુરેશે બહાર આવીને કહ્યું " બસ કર મમ્મી તું શું બોલે છે એનો તને ખ્યાલ છે ?પપ્પાની ઉંમર અને ઈજ્જતનો તો વિચાર કર મનમાં આવે એ રીતે બસ બોલ્યા જ કરવાનું ?"
ચિત્રાએ સામે ભભૂકતાં કહ્યું " તું ચૂપ કર, તારા કરતા મેં વધુ દિવાળી જોઈ છે તને શું ખબર પડે " પારુલની હાજરીમાં અપમાનિત થયેલ સુરેશ ગમ ખાઈને બેસી રહ્યો અને સ્વગત બોલ્યો "પપ્પા સાચા છે આ કોઈ જગ્યાએ પોષાય એમ નથી પારુલની ખાનદાનીને એ એની નબળાઈ સમજે છે "
****
આમને આમ દિવસો,મહિના અને વર્ષો વીતવા માંડ્યા, રોજ સવારે કોઈને કોઈ બહાને પારુલને અપમાનિત કરવાની ચિત્રા તક જ શોધતી હોય અને એવી તક મળતા જ ચિત્તો જેમ શિકાર ઉપર તૂટી પડે એમ તૂટી પડતી
*****
ચિત્રાના આવા વર્તનથી અસંતુષ્ટ શાંતિદાસ મનમાંને મનમાં શોષાવા લાગ્યા અને એમાં બીમાર પડ્યા 
બહુ જ ટૂંકી બીમારીમાં શાંતિદાસે એક દિવસ પોતાના અંતિમ શ્વાસ  છોડી પરમ શાંતિની દુનિયામાં ચાલ્યા ગયા.શાંતિદાસ ચિત્રાથી છૂટ્યા અને ચિત્રા શાંતિદાસથી છૂટી
સુરેશે પિતાજીના અવસાનના સમાચાર મોટાભાઈ મહેશને ફોનથી આપ્યા મહેશે જવાબ આપ્યો કે "હું  બિઝનેસ ટુર માટે યુરોપ જતો હોઉં અને આજરાતની જ મારી ફ્લાઇટ હોય પિતાજીના અંતિમ સંસ્કારમાં હું હાજર રહી નહીં શકું,મમ્મીને મારા વતી આશ્વાસન આપજે,યુરોપથી પાછા ફરે હું એની સાથે વાત કરીશ " આટલું કહી ફોન મૂકી દીધો
ત્યારબાદ સુરેશે વચલાભાઇ રમેશને પિતાજીના અવસાનની જાણ કરતા તેનો જવાબ આવ્યો " પપ્પાના અંતિમ સંસ્કાર વેળાએ હું હાજર રહેવા કોશિશ કરીશ, હાલ યુનિવર્સીટીની પરીક્ષાઓ ચાલતી હોય અને તારી ભાભી એમાં વ્યસ્ત હોવા સબબ એ નહીં આવી શકે મારે પણ અગત્યની બીજી કામગીરી હોય હું અંતિમ સંસ્કાર પતે તુરત જ નીકળી જઈશ"      
શાંતિદાસના અંતિમ સંસ્કાર પુરા થયા. હાજર રહેલ રમેશે કહ્યું " મહેશ તો યુરોપ બેઠો છે, હું વચેટ પુત્ર હોવાથી મારી કરેલી વિધિ શાશ્ત્રના કહેવા અનુસાર પહોંચે નહીં, વળી અગ્નિ સંસ્કાર પણ તે જ આપ્યા હોય, પપ્પાની બારમા તેરમાંની વિધિ પણ તું ઉકેલી નાખજે  હવે હું એ દિવસોમાં ફરી અહીં નહીં આવું " કહી રમેશ સ્વ સ્થાને જવા નીકળી ગયો 
******
શાંતિદાસની બારમા તેરમાંની વિધિ રમેશે એકલા હાથે સંપન્ન કરી લીધા બાદ બે-ત્રણ દિવસે ચિત્રાએ કહ્યું 
" તારા પપ્પાની બેગ હવે તપાસી તેણે જો કોઈ વીલ કર્યું હોય તો એની તપાસ કરી મને આપ, હું ત્રણેય  પુત્રોની હાજરીમાં એ વીલ વાંચી એ મુજબ વ્યવસ્થા કરી દઉં અને એ દિવસે બન્ને ભાઈઓને અહીં રૂબરૂ આવવાનું કહી  દેજે "
ચિત્રાની સૂચના મુજબ એક દિવસે સુરેશે પપ્પાની બેગ તપાસતાં એમાંથી એક સીલબંધ કવર હાથ લાગ્યું 
રાત્રે તેણે મોટાભાઈ મહેશને ફોન કરી પપ્પાના વીલ વાંચન સમયે હાજર રહેવાના મમ્મીના આગ્રહની વાત કરી. મહેશે ફોન માં જણાવ્યું " પપ્પાના વીલમાં કોઈ ભાગ-લાગની વાત હોય તો એમાં મને રસ નથી આજ સુધી મમ્મી-પપ્પા તારી જોડેજ રહ્યા હોય જે કંઈ હોય એ મારો  ભાગ તને રાખી લેવાની સંમતિ આપું છું પણ  
જો કોઈ એની પાછળની સૂચના હોય તો એ મને જણાવજે જેથી હું એ મુજબ અમલવારી કરી શકું "
આટલું કહી ફોન મૂકતાં પોતાની પત્નીને કહ્યું " પપ્પાના વીલમાં હોય પણ શું ? મને તો ડર છે કે ક્યાંક ચૂકવવાનું  બાકી રહેલ કરજની યાદી ન મોકલે તો સારું " 
એવી જ રીતે વચલા ભાઈ રમેશને ફોન કરતા તેણે જણાવ્યું કે "મને પપ્પાના વીલમાં કોઈ રસ નથી એની પાસે ચાર જોડી કપડાં,એક કાનટોપી અને મફલર તથા દાઢી કરવાના સામાન સિવાય બીજું હતું શું ? કે વીલ વાંચન સમયે હાજર રહેવાનો મમ્મી આગ્રહ રાખે છે એને કહી દે જે કે હું નહીં આવી શકું " એટલું કહી તેણે પણ ફોન મૂકી દીધો 
આખરે એક દિવસ ચિત્રાએ શાંતિદાસનું વીલ પોતે વાંચી સંભળાવવાનો નિર્ણય કરી બન્ને મોટાભાઈઓની ગેરહાજરીમાં વીલ વાંચન થયું  ચિત્રાએ કવર ખોલી વાંચવું શરૂ કર્યું 
" મારા વ્હાલા સંતાનો,
બહુ જ સામાન્ય આર્થિક સ્થિતિમાં મેં તમને ત્રણેય ભાઈઓને લોન લઈને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું તમારી આવતીકાલને ઉજળી બનાવવા મેં મારો વર્તમાન અંધકારમય રાખ્યો અને એટલે હું બે રૂમ-રસોડાનું ઘરનું ઘર ન બનાવી શક્યો  નિવૃત્તિ સુધી ત્રણેય ભાઈઓના લોનના હપ્તા ભરી ખુબ જ ખેંચમાં હું જીવ્યો તેમ છતાં કપરા સંજોગોમાં પણ મેં તમારા કોઈ પાસે હાથ લંબાવ્યો નથી આ બધું જ તમે જાણો છો જેથી આશીર્વાદ સિવાય તમને આપવા મારી પાસે કંઈ નથી.  એ તો બધું ઠીક છે. 
ચી.સુરેશને ભલામણ કરવાની મહત્વની વાત એ છે કે મારા અવસાન પછી તેની મા ચિત્રાને   શહેરના વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો છેલ્લા પાંચેક વર્ષ સુધી હું ચી.સુરેશ સાથે રહ્યો એ દરમ્યાન મેં ચિત્રાના વિચિત્ર વર્તનનો અનુભવ કર્યો છે, વાત વાતમાં સૌ.પારુલ જેવી ગરીબડી વહુને ઉતારી પાડવામાં ક્યારેય એણે કચાશ નથી રાખી તેનો હું સાક્ષી છું  મેં વર્ષો સુધી તેના સ્વભાવને સાંખ્યો પણ હું નથી ઈચ્છતો કે મેં જે ભોગવ્યું એ સુરેશ કે સૌ.પારુલ ભોગવે જો તમે તેની સહેજ પણ દયા ખાઈને તમારી જોડે રાખશો તો એક દિવસ તમારે પતિ-પત્નીએ છુટા પડવાનો વારો આવશે માટે સહેજ પણ દયા ન ખાશો સાથે રહેવાથી તમારી સુખની જિંદગીમાં પલીતો ચાંપશે એટલું જ નહીં પણ ચી.બન્ટીના સંસ્કાર ઉપર પણ એની ઘેરી અસર પડશે મારી હયાતી પછી મળતા વિધવા પેંશનની રકમ વૃદ્ધાશ્રમમાં તેની ફી રૂપે આપી દેવી
મારી આ સૂચનાનું પાલન ઈશ્વરને આપેલું વચન સમજી પાળવું એવી સુરેશને ભલામણ કરું છું "
લી.પપ્પાના શુભાશિષ
વીલવાચન પૂરું થતાં ચિત્રા સુરેશ અને પારુલની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા શરૂ થઇ ગયા.
વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો.ધીમે ધીમે એક પછી એક ઉઠી પોતાની કામગીરીએ વળગી ગયા       
*****
         
એ જ રાત્રે સુરેશ અને પારુલ પોતાના શયનખંડમાં મૌન, વિચારાધીન સ્થિતિમાં બેઠા હતા એવામાં પારુલે કહ્યું " સુરેશ, પપ્પાએ મારી દયા ખાઈને જે નિર્ણય લીધો છે એ એની રીતે કદાચ યોગ્ય હશે પણ હું મમ્મીને વૃદ્ધાશ્રમમાં મોકલવા ખુશી નથી.કબૂલ છે કે એનો સ્વભાવ કચકચિયો છે, દૂધમાંથી પુરા કાઢે છે અને એ વસ્તુ પપ્પાએ પણ વર્ષો સુધી ભોગવી છે, પણ આજે એની જગ્યાએ મારી મા હોય અને તેને વૃદ્ધાશ્રમમાં દાખલ કરવાની નોબત આવે તો હું શું એ સહન કરી શકું ? આખરે એ આપણા માવતર છે, હોય ઉંમરે સ્વભાવ બદલાતા એવી જીણી મોટી કચકચ કરતા હોય પણ એનો અર્થ એવો થોડો છે કે જેણે નવ મહિના પેટમાં સાચવીને મોટા કર્યા, પોતે ન ખાઈને બાળકોના પેટ ભર્યા એ મા ને એની ઉતરતી અવસ્થાએ આપણે વૃદ્ધાશ્રમમાં ધકેલી દેવા ? સુરેશ કંઈક વિચાર આ મારાથી સહન નથી થતું "
સુરેશે જવાબ વાળતા કહ્યું "આજ સુધી મેં મારા પપ્પાનું એક પણ વેણ ઉથાપ્યું નથી,અને એને મારામાં પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આજે પણ હું એનું વેણ ઉથાપીશ નહીં વળી તેઓ લખે છે કે મને આપેલું વચન એ ઈશ્વરને આપેલું વચન છે એમ સમજવું,એવા સંજોગોમાં હું પપ્પાનું વેણ લોપીને તેનો તો ગુન્હેગાર બનું પણ ઈશ્વરનો પણ ગુન્હેગાર ન બનું ? મારાથી એ નહીં બને.દશરથના એક વચને રાજ્યાભિષેક ટાળીને રામ વનવાસ ભોગવવા તૈયાર થયા જ હતા ને ? એ પિતૃ આજ્ઞાનું પાલન હતું  અહીં પણ એજ છે. એક સારો દિવસ જોઈને આપણે તેને વૃદ્ધાશ્રમ મૂકી આવીશું "  
દિવસો સુધી પતિ-પત્ની વચ્ચે આ વિવાદ ચાલતો રહ્યો
*****
સુરેશના પડોશમાં 80 વર્ષના જૈફ ઉંમરના દયાશંકર વકીલ રહેતા હતા એના જમાનામાં તેઓ હાઇકોર્ટના બાહોશ વકીલ ગણાતા હતા.શાંતિદાસના એ ખાસ મિત્ર અને શાંતિદાસ ઘરની દરેક વાત દયાશંકરને કરતા હતા તેથી ચિત્રાના સ્વભાવ અને વર્તનથી તેઓ પુરા વાકેફ હતા. 
એક દિવસ મુંજાયેલ સુરેશ અને પારુલ બન્ને તેને ઘેર જઈ દયાશંકરને વીલ વંચાવ્યું અને મમ્મીને વૃદ્ધાશ્રમમાં મોકલવા વિષે બન્ને વચ્ચેના મતભેદની અને ઉભા થયેલ ધર્મસંકટની વાત કરી તેની સલાહ માગી
દયાશંકરે ધ્યાનપૂર્વક શાંતિલાલનું વીલ વાંચ્યું અને કહ્યું "શાંતિલાલે લખ્યા મુજબ મારા અવસાન પછી પત્ની ચિત્રાને શહેરના વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો" બસ આટલુંજ લખ્યું છે તેણે એવું નથી લખ્યું કે ચિત્રાને  "કાયમ માટે"  અથવા "એની  હયાતી સુધી "વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો તેથી એના લખ્યા મુજબ ચિત્રાને અઠવાડિયું વૃદ્ધાશ્રમમાં મૂકી આવી,અઠવાડિયા પછી તેને પાછા ઘેર લઇ આવો આમ કરવાથી પિતાના વચનનું પાલન પણ થશે અને પારુલની ભાવના,લાગણી અને પ્રેમ પણ સચવાશે એક રીતે જોઈએ તો પારુલની વાત સાચી છે  "માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય" અહીં એ રીતે વિચારવાનું છે.દયાશંકરના અભિપ્રાયથી બન્ને ખુશ થઇ વિદાય થયા 
*****
દયાશંકરના મત મુજબ એક અઠવાડિયું ચિત્રાને શહેરના વૃદ્ધાશ્રમમાં રાખી,બીજે અઠવાડિયે ફરી ઘેર લઇ આવ્યા ચિત્રાની આંખમાંથી એકધારા આંસુ ટપકવા લાગ્યા સુરેશની અને પારુલની માફી માંગતા એ બોલ્યા 
" બેટા,મને માફ કરી દો.તમારા પપ્પાએ મને ઘણું સમજાવી હતી અને કહેતા પણ ખરા કે " ધાન વિના ચાલે પણ સમાધાન વિના ન ચાલે સાઈઠ વર્ષ પછી હૃદય ઉપર પથ્થર મૂકીને જીવતા શીખવું  જોઈએ, નહીતો ક્યાંય ન પોસાએ પણ ત્યારે મારી આંખ આડે ઘમંડના પડળ આવી ગયા હતા જેથી મને વાસ્તવિકતાનું ભાન ન હતું મને માફ કરો, મેં તમને બન્નેને ખુબ પરેશાન કર્યા છે"
આંખમાં આંસુ સાથે પારુલ બોલી,"મમ્મી, દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો માફી જ છે ક્યાંક આપી દો અને ક્યાંકથી લઇ લો  જે બન્યું એ એક દુ:સ્વપ્ન હતું એમ માનીને આપણે ફરીથી એક પરિવાર બની સાથે જીવીએ અને જિંદગીની સાચી ખુશી માણીએ"

















Thursday, 16 April 2020

છૂટાછેડા ભાગ-2

બોસ્ટન ખાતે ભવ્ય ફ્લેટ્સ પૈકી એકમાં પોતાનું  નિવાસ સ્થાન અને એકમાં પોતાનું કન્સલ્ટિંગ અને નર્સીંગ હોમ શરૂ કરી  શેલી પ્રેક્ટિસ કરતા કરતા અમેરિકાની શ્રેષ્ઠસુપર સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટિંગ ડોક્ટર તરીકે નામના મેળવી ચુકી હતી. પત્નીના અવસાન પછી એકલા પડીગયેલ મનોરમભાઇ પણ તેની સાથે જ અમેરિકા ખાતે રહેતા હતા.
     ગુરુવારનો દિવસ હતો. સવારનો  સમય હતો. શેલી પોતાના ક્લિનિકમાં હજુ આવે જ છે એવામાં બે અમેરિકન મહિલાઓ  દવાખાનામાં પ્રવેશે છે.બે પૈકી એક મહિલા દરદીએ પોતાનો પરિચય આપતાં કહ્યું
"ગુડ મોર્નિંગ, મેડમ, હું  મીસીસ કેટ્ટી  ડો.સ્મિથની પેશન્ટ છું અને ડો. સ્મિથે મને આપને કન્સલ્ટિંગ માટે રીફર કરેલ છે.એટલું કહેતા પોતાની ફાઈલ ડોક્ટર શેલીના હાથમાં મૂકી
"હા, ગઈકાલે જ ડો.સ્મિથનો મને  ફોન હતો અને તમારા કેસ બાબતે તેણે મને ટૂંકમાં જણાવ્યું છે " મીસીસ કેટ્ટીની ફાઈલ લેતા શેલીએ કહ્યું ફાઇલમાંના એક પછી એક કાગળો વાંચ્યા બાદ શેલીએ કહ્યું
" મેડમ,ફાઈલ જોતા એમ લાગે છે કે તમારી આજસુધીની બધીજ ટ્રીટમેન્ટ યોગ્ય રીતે થઇ છે પણ ચિંતાનું એકમાત્ર કારણ એ છે કે ગર્ભાશયના કેન્સરના ઓપરેશનને આજે છ માસ જેવું થવા છતાં તમારી મુશ્કેલી હજુ ત્યાંજ સ્થિર છે.આજે આપણે સોનોગ્રાફી કરી દવાની અસર કેટલા પ્રમાણમાં છે તે તપાસી લઈએ
આપની સાથે આવેલ આ બહેન કોણ છે ?" સોનોગ્રાફી રૂમ તરફ આગળ વધતાં શેલીએ પૂછ્યું
" એ બહેન અમારા નિકટના સ્નેહી છે, મારા પતિને આજે ઓફિસ કામે બહાર જવાનું થતા તેઓ મારી જોડે આવેલ છે " એમ કહેતાં મિસિસ,કિટ્ટી સોનોગ્રાફી ખંડમાં દાખલ થયા
થોડીવારમાં સોનોગ્રાફી થઇ જતાં ડો.શેલીએ કહ્યું " તમે એક કામ કરો, હવે તમારા લોહી-પેશાબનું પરીક્ષણ કરાવી તેનો  રિપોર્ટ તમારા પતિ સાથે મોકલશો તમારે ધક્કો ખાવાની જરૂર નથી."
મિસિસ કિટ્ટી અને તેની સાથે આવેલ મહિલા  વિદાય થયા
*******
ત્રણેક દિવસ પછી મિસિસ કીટ્ટીના પતિ દવાખાને આવ્યા
ડો.શેલીની કેબિનમાં કોઈ દરદી હોય તેઓ પ્રતીક્ષા ખંડમાં બેસતાં પોતાનું વિઝિટિંગ કાર્ડ ડોક્ટરને પહોંચાડવા ચપરાશીને આપ્યું
થોડીવારે ડો.શેલીએ એમને અંદર બોલાવ્યા પોતાનો પરિચય આપતાં તેણે કહ્યું "હું  મી.જોલી,મિસિસ કિટ્ટી નો પતિ છું અને આપના સૂચન મુજબ આ સાથે લોહી-પેશાબના પરીક્ષણનો રિપોર્ટ લઇ આવ્યો છું
મી.જોલીનાં ચહેરા સામે જોઈ ડો.શેલીએ વિઝિટિંગ કાર્ડ વાંચ્યું
*Mr Jolly  R.D. New York (N.Y.)*  કાર્ડ વાંચી બાજુ ઉપર મૂકતાં ડો.શેલી એકીટસે મી.જોલીને તાકતા રહ્યા થોડા કાળા,થોડા સફેદ એવા કાબરચીતરા ટૂંકા વાળ,કપાળ ઉપર જીણી અસંખ્ય કરચલીઓ,ઊંડી ઉતરી ગયેલ જીણી આંખ,આંખની નીચે કાળા કુંડાળા,જાડા કાચના કાળી ફ્રેમના ચશ્મા જોઈને ડો.શેલી વિચારે ચડ્યા કે આ ચહેરો ક્યાંક જોયેલો હોય અને પરિચિત હોય એવું લાગે છે.
ડો.શેલીનું મગજ ચકરાવે ચડ્યું પોતાની સામે દર્દીના રિશ્તેદાર બેઠા છે એ પણ એને ખ્યાલ ન રહ્યો
વિચારમાંને વિચારમાં એનું ધ્યાન મી.જોલીના જમણા હાથમાં પહેરેલી વીટી તરફ ગયું,
એકદમ ડો.શેલીને મગજમાં ચમકારો થયો વર્ષો પહેલા જોયેલી દશ કેરેટના શુક્રના રિયલ ડાયમન્ડ જડિત સુવર્ણ અંગૂઠી જોઈ ડો,શેલી ઘડીભર ભૂતકાળમાં સરી પડી. હવે તેને શંકા ગઈ કે મી.જોલી એ બીજું કોઈ નહીં પણ આજથી ત્રીસવર્ષ પહેલાં પોતાના માં-બાપને અને ખુદ પોતાને પણ અંધારામાં રાખી, જૂઠું બોલી પોતાની સાથે બીજાં  સિવિલ મેરેજ કરનાર આ જયેશ રસેન્દુભાઇ દેસાઈ જ છે.જયેશે અમેરિકા આવીને પોતાનું નામ બદલી નાખ્યું હોવા છતાં ચાલાક શેલી તેને તુરત જ ઓળખી ગઈ.તેમ છતાં શેલીએ પોતાની શંકા દ્રઢ કરવા પૂછ્યું પણ ખરું "મી.જોલી,આર યુ ઇન્ડિયન ?
જવાબમાં તેણે કહ્યું "યસ,ડોક્ટર આઈ એમ ગુજરાતી એન્ડ માઇ વાઈફ ઇઝ  ઓસ્ટ્રેલિયન " આમ શેલીએ પોતાની શંકાને ખાતરીમાં ફેરવી  પોતે જયેશને ઓળખી ગઈ હોવા છતાં અજાણ્યા રહી મિસિસ કેટ્ટીના લોહી-પેશાબ પરીક્ષણનો રિપોર્ટ જોતાં ડો.શેલીએ કહ્યું " મી.જોલી, સામાન્ય જીવનમાં બનતું હોય છે એમ જૂઠું બોલીને કોઈને અંધારામાં રાખવાનું અમારા વ્યવસાયમાં નૈતિકતા વિરુદ્ધ છે તેથી આ રિપોર્ટ જોયા પછી તમને મિસિસ કેટ્ટીની તબિયત વિષે ચેતવવા જરૂરી છે " રાજા દશરથના શબ્દવેધી બાણ જેવું ઘાતક વ્યંગબાણ ડો. શેલીએ  છોડ્યું
"લોહી-પેશાબના અને સોનોગ્રાફીના રિપોર્ટ જોતા એવું લાગ્યું છે કે, ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યા પહેલા જ કેન્સરના અમુક સેલ્સ શરીરના જુદા જુદા ભાગમાં ફેલાઇ ગયા છે ખાસ કરીને લીવરને એંશી ટકા ઘેરી વળેલ છે એ સેલ્સ કાબુમાં લેવા પુષ્કળ એન્ટી બાયોટિક્સ આપવામાં આવી હોવાને કારણે એ વધુ પડતો બોજો કિડની સહન ન કરી શકવાથી  એક કિડની તો ફેઈલ થઇ જ ગઈ છે, અને બીજી કિડની પણ તૈયારીમાં છે.આ સંજોગોમાં લીવર બચાવવાનો એન્ટીબાયોટિક્સ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, અને એન્ટી બાયોટિક્સ કિડની હવે જીરવી શકે એમ નથી. કદાચ તમે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે વિચારતા હો, તો પણ આ તબક્કે તે અતિશય જોખમી શસ્ત્રક્રિયા છે "
 " આ સંજોગોમાં તમે શું અભિપ્રાય આપો છો ?"અતિશય ચિંતામાં ઘેરાયેલા જોલીએ પૂછ્યું
"મારા મત પ્રમાણે આજે જે સ્થિતિ છે એમાં અન્ય કોઈ ઉપાય દેખાતો નથી અમે દાક્તરો આશ્વાશન આપી શકીયે આયુષ્ય નહીં  પહેલા લીવર પછી કિડની એમ એક પછી એક અંગ નિષ્ક્રિય થઈ જશે, જેને અમે અમારી તબીબી ભાષામાં Multi Organ Failure કહીએ છીએ જે ગમે ત્યારે બની શકે તેની કોઈ નિશ્ચિત અવધિ કહેવી મુશ્કેલ છે છતાં આપણે શક્ય તેટલા બધાજ પ્રયત્નો કરી છૂટીએ તમે ઈચ્છો તો અહીં મારા નર્સીંગ હોમમાં તેને દાખલ કરી શકો છો જેથી કોઈ ક્રિટિકલ સમયે અમારો મેડિકલ અને નર્સીંગ સ્ટાફ તેની સારવાર અને દેખભાળ કરી શકે." ડો.શેલીએ દરદની ગંભીરતા ખુલાસા સાથે સમજાવતા કહ્યું
" મેડમ એ માટે હું તૈયાર છું. આવતીકાલે કીટ્ટીને અહીં જ દાખલ કરી દઈએ.આભાર એટલું કહી જોલી નીકળી ગયો.
*******
સાંજે સાતવાગ્યે દવાખાનું છોડી શેલી ઘેર પહોંચી મનોરમભાઇ પણ સંધ્યા-પૂજાથી પરવારી શેલીની રાહ જોતા બેઠા હતા.શેલીએ સાંધ્ય સ્નાન પતાવી રસોઈ કરવાની શરૂઆત કરી પણ તે આજે બેચેન હતી એનો જીવ રસોઈમાં ન હતો જેમતેમ રસોઈ કરી બાપ દીકરી જમવા બેઠા ત્યારે પણ શેલી કઈંક ઊંડા વિચારમાં હોય એ રીતે દુઃખી,નિરાશ,અને ચિંતિત જોતા મનોરમ ભાઈએ પૂછ્યું " કેમ બેટા તબિયત તો ઠીક છે ? આજે કેમ ઉદાસ અને ચિંતિત દેખાય છે ? દવાખાનામાં કોઈ ક્રિટિકલ કેસ આવ્યો છે ? શું બાબત છે ?
શેલીની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા અને બોલી ,"ના પપ્પા એવું કંઈ નથી પણ આજે દવાખાનામાં બનેલ એક કિસ્સાએ મને અંદરથી જંજોડી નાખી છે. આજથી 30 વર્ષ પહેલાં મારું લગ્ન વડોદરાના જયેશ સાથે થયા હતા અને માત્ર આઠ જ મહિનામાં જયેશ તરફથી લગ્નવિચ્છેદનો પત્ર આવ્યો હતો એ યાદ છે ?"
મનોરમભાઇ સહેજ હાસ્ય વેરતા કહ્યું " ઓહો,,પણ અચાનક એનું  આજે શું છે ? એ તારા મગજમાં ઓચિંતું ક્યાંથી આવી ગયું ? "
પપ્પા,જયેશે ત્યારે જે ઓસ્ટ્રેલિયન યુવતી સાથે લગ્ન કર્યા હતા એ મિસિસ કિટ્ટી અચાનક જ બે દિવસ પહેલા મારા ક્લિનિક ઉપર તબિયત બતાવવા આવેલ અને આજે ખુદ જયેશ પણ રૂબરૂ મારા ક્લિનિકે આવ્યો હતો. અને આવતીકાલે મિસિસ કીટ્ટીને આપણા ક્લિનિકમાં દાખલ પણ કરીએ છીએ તે અહીંથી થોડે દૂર ન્યુયોર્કમાં જ રહે છે. એકદમ રૂપાળો, વાંકડિયા વાળ,ગુલાબી ગાલ અને હસમુખો એ જયેશ આજે સાવ બદલાઈ ગયો છે,પત્નીની તબિયતની ચિંતામાં તેના રૂપ-રંગ દેખાવ અને ચહેરો પણ બદલાઈ ગયા છે. એ મને ઓળખી ન શક્યો પણ મને એવી શંકા જતાં આડકતરી રીતે પૂછી ખાતરી કરી. મેં એને કોઈ પણ ઓળખાણ આપ્યા વિના એક પેશન્ટ તરીકેજ ટ્રીટ કર્યો મિસિસ કીટ્ટીની હાલત ક્રિટિકલ છે એ બધું એને વિગતે સમજાવ્યું અને એ પણ કહ્યું કે એના શરીરના બધાજ અંગો એક પછી એક નિષ્ક્રિય થઇ જતા હોય,આ તબ્બકે લાંબો સમય બચવાની કોઈ આશા નથી."
" બેટા, ખુબજ દુઃખની વાત છે.પોતાની નાદાનિયતને કારણે પોતે પિતા ગુમાવ્યા,જ્ઞાતિની શુશીલ સુશિક્ષિત કન્યા ગુમાવી,અને હવે જેને પ્રેમ કરીને પરણ્યો એ પત્ની પણ ગુમાવવાની નોબત આવી.રસેન્દુભાઇના મોતનું જે કારણ બન્યું હતું એ કારણ જ આજે મરણ પથારીએ છે.
દીકરી, જયારે તેણે પત્રદ્વારા છૂટાછેડા આપ્યા હતા તે દિવસે તારા આંસુએ મારા હૃદયને વલોવી નાખ્યું હતું અને એ તારા નસીબનો દોષ નહીં પણ મેં જે ઉતાવળીયો નિર્ણય લઈ ઘડિયા લગ્ન લીધા એ કારણે હું મારી જાતને દોષિત સમજતો હતો.યાદ કર મેં તને ત્યારે જ કહ્યું હતું કે "મારો અંતરાત્મા કહેછે કે એજ જયેશ ભવિષ્યમાં પસ્તાશે અને આંખમાં આંસુ સાથે તારી માફી માગવા આવશે અને એ આજે ત્રીશ વર્ષે સાચું પડ્યું" જે દિવસે નિર્દોષ સ્ત્રીની આંતરડી કકળી અને એની આંખમાંથી આંસુ પડે તે દિવસથી તમારા ભાગ્યની કબર ખોદાવવી શરૂ થઇ જાય છે. અબળાના આંસુ અને નબળાના નિસાસા વિશ્વની ભલભલી ધુરંધર મહાસત્તાને પણ ધૂળ ચાટતા કરી દે છે. જે બન્યું એ બધું જ ઈશ્વર નિર્મિત છે આપણને તેના પ્રત્યે પુરી સહાનુભૂતિ પણ છે એ સિવાય આપણે બીજું કરી પણ શું શકીએ ?ચાલ હવે એ ભૂતકાળ ભૂલી જઇ અને શાંતિથી જમી લે" .
******
બીજે દિવસે જોલી અને મિસિસ કિટ્ટી ક્લિનિક પર પહોંચ્યા અને તેને I.C.U.માં દાખલ કરી ડો.શેલીની અંગત નિગાહબાની નીચે સઘન સારવાર શરૂ કરી.આમને આમ બે અઠવાડિયા વીતી ગયા મિસિસ કિટ્ટી પોતાનાજ અંગત સ્નેહી હોય એ રીતે પોતે જાતે ધ્યાન આપી ડો.શેલી દિવસમાં બે વાર રૂબરૂ વિઝીટ લઇ રિપોર્ટ  તપાસી અને મદદનીશ તબીબને જરૂરી સૂચના આપતી હતી અથાગ મહેનત પછી જયારે ડો.શેલીને એમ લાગ્યું કે હવે  મિસિસ કિટ્ટી ઉપર કોઈ દવા કારગત નીવડે એમ નથી અને તે હવે એ થોડા દિવસની મહેમાન છે ત્યારે ગમગીન ચહેરે તેણે જોલીને કહ્યું " મી. જોલી, હું દિલગીર છું અમારા અથાગ પરિશ્રમ પછી મિસિસ કેટ્ટીને કોઈ દવા અસર કરતી નથી હવે એ થોડા દિવસની મહેમાન હોય તમે તેને ઘેર લઈ જઇ શકો છો"
સાંભળતા જ જોલી ભાંગી પડ્યો આંખમાં આંસુ સાથે બોલ્યો " ડોક્ટર, તમે અને તમારા સ્ટાફે મિસિસ કેટ્ટીને પોતાના અંગત સમજી તેને સાજા કરવા ખુબ મહેનત કરી પણ લાગે છે કે હવે એની આયુષ્યની દોરી તૂટવા ઉપર છે.મેડમ આપનું  બિલ ?
ડો.શેલીએ કહ્યું," મને દુઃખ થાય છે કે હું કઈ વિશેષ ન કરી શકી.તમે આજે ઘેર જાવ,સ્વસ્થ થાઓ અને બે ત્રણ દિવસ પછી ફરી આવી બિલ ચૂકવી જજો એ દરમ્યાન હું બિલ તૈયાર કરાવી રાખીશ ઓ.કે ? પ્લીઝ ટેઈક કેર"
"ઓ.કે. થેન્ક યુ ડોક્ટર" એવું કહી મિસિસ કેટ્ટીને પોતાની સાથે લઇ જોલી રવાના થયો.
*******
ત્રણ ચાર દિવસ પછી જોલી ડો.શેલીની એપોઇન્ટમેન્ટ લઇ દવાખાને આવ્યો
ડો, શેલીએ પોતાની કેબિનમાં બોલાવતાં પૂછ્યું " કેમ છે મિસિસ  કેટ્ટીને ?"
જોલીએ જવાબ દેતા કહ્યું, તેણીને ઘણું સારું છે અને આપની દવાથી તેને ઘણી રાહત છે.
હળવા સ્મિત સાથે ખુશી વ્યક્ત કરતાં શેલીએ કહ્યું " Thank God ! (ઈશ્વરનો આભાર)
 જોલીએ કહ્યું "ડોક્ટર,તમે મિસિસ કીટ્ટીને બચાવવા ખુબ કોશિશ કરી,પણ મારા ભાગ્યના દોષે એ પુન: સ્વસ્થતા પ્રાપ્ત ન કરી શકી ખરેખર આપ પૃથ્વી ઉપરનો ઈશ્વરીય પડછાયો છો" આપનું  બિલ તૈયાર હોય તો  આપો હું એ ચૂકવવા આવ્યો છું "
ડો.શેલીએ વ્યંગાત્મક સ્માઈલ સાથે કહ્યું " એવું નથી મેં તો મારી ફરજ માત્ર બજાવી છે ઘણીવાર યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને ઓળખવામાં પણ માણસ થાપ ખાઈ જતો હોય છે ત્યારે પડછાયો તો કેમ ઓળખી શકે ? " શેલીએ ફરી બ્રહ્માસ્ત્ર સમું ત્રીજું વ્યંગબાણ છોડ્યું
"વાત રહી બિલ બાબતે તો આપને જણાવું કે આપે કોઈ બિલ ચૂકવવાનું થતું નથી,એક ગુજરાતી બીજા ગુજરાતીને વિદેશની ધરતી ઉપર જરૂર પડે મદદ ન કરે તો એ સંસ્કારમાં ધૂળ પડી તમે કદાચ મને નહીં ઓળખતા હો પણ હું આપને ભૂલી નથી મી.જયેશ રસેન્દુભાઇ દેસાઈ શેલીએ છેલ્લું અગ્ન્યાસ્ત્ર છોડ્યું
 પોતાનું પૂરું મુળનામ ડોકટરની જીભે સાંભળતા જોલી અચંબો પામી ગયો અને પૂછ્યું "અરે,જયારે આપણે આ પહેલાં કોઈ દિવસ ક્યાંય મળ્યા હોઈએ એવું પણ મને યાદ નથી તો આપ મને કેવી રીતે ઓળખો છો ? હું તો આપને ઓળખતો નથી"?
" તમે સાચા છો,થોડીવારની ટૂંકી મુલાકાત લોકોને બહુ યાદ રહેતી નથી પણ એવી જ આપણી એક માત્ર ટૂંકી  મુલાકાત મારી આંખ સામે આજે પણ તરવરે છે.આજથી 30 વર્ષ પહેલા તમેં અહીં ઓસ્ટ્રેલિયન યુવતી સાથે લગ્ન કરી લીધા હોવા છતાં તમારા માં-બાપને અંધારામાં રાખી એક નિર્દોષ આશાતરસી યુવતી સાથે છેતરપિંડી કરી વડોદરાની કોર્ટમાં સિવિલ મેરેજ કરેલાં એ યાદ છે ?  હું એ જ મનોરમભાઈની દીકરી શીલા છું
         આટલું સાંભળતા તો જોલીનાં રૂંવાડા ઉભા થઇ ગયા તેના પગ નીચેની ધરતી સરકવા લાગી, બન્ને કાનની પાછળના ભાગેથી પરસેવાના રેલા ટીપાં રૂપે ટપકવા માંડ્યા,કાનની બુટ લાલ થઇ ગઈ,પગના તળિયે પરસેવાને કારણે મોજાં ભીના થઇ ગયા, કેબિનમાં રહેલ એ.સી.માંથી ફૂંકાતો ઠંડો પવન તેને દઝાડવાં લાગ્યો, ઉપર ફરતા શિલિંગ ફેન સાથે જાણે પોતે બંધાઈ ગયો હોય એમ બધું ગોળ ગોળ ફરતું લાગવા માંડ્યું,તેને ચક્કર આવવા લાગ્યા  લગ્ન માટે આગ્રહ કરતા પિતાજીના શબ્દોના પડઘા તેના કાનમાં ગુંજવા લાગ્યા " આપણા રીતરિવાજ,ધર્મ,અને સંસ્કારને વિદેશી ધરતી ઉપર ઉજાળે એવી સુલક્ષણા છે."
જોલીની બેચેની વધતી જોઈ શેલીએ પોતાના ટેબલ ઉપર રહેલ પાણી ભરેલો ગ્લાસ આપતા કહ્યું
રિલેક્સ,રિલેક્સ, મી.દેસાઈ
જયેશે પાણી પીધું,માંડ માંડ થોડી સ્વસ્થતા કેળવી તે બોલ્યો ઓહ,માય ગોડ ! ખરેખર જે બની ગયું એનો મને અફસોસ છે.યુવાનીમાં પશ્ચિમી દેશની હવામાં હું ભાન ભુલ્યો હતો એટલું જ નહીં પણ મારા અવિચારી કૃત્યને કારણે મેં મારા પિતાને આઘાત પહોંચાડ્યો અને માત્ર એજ કારણસર મેં એની શીળી છાંય ગુમાવીએટલું જ નહીં પણ મારી આજની પરિસ્થિતિ એ મેં કરેલા પાપની જ સજા છે" શરમથી ઝૂકેલા નીચા માથે જયેશે ગળગળા સ્વરમાં કહ્યું
"મી.જયેશ ફરી ફરીને આજે માફી માંગવાની જરૂર નથી આ અગાઉ છૂટાછેડા દેતા પત્રમાં તો તમે માફી માગતા લખ્યું જ છે કે " આ મારી મજબૂરી છે મને માફ કરજે " પ્રખર તપતા સૂર્યના કિરણો જયારે પથ્થર ઉપર પડે ત્યારે એ પથ્થર પણ સોનાનો જ  લાગે એમાં તમારો દોષ  નથી,શેલી એ અંતિમ વ્યંગબાણ  છોડ્યું
કેબિનની દીવાલો પણ જાણે આ અભૂતપૂર્વ ઘટનાની સાક્ષી બનતી હોય એમ વાતાવરણ ગંભીર થઇ ગયું
થોડીવાર શાંતિ ફેલાઈ ગઈ પછી શેલીએ કહ્યું " મી,જોલી કોઈ પણ ચિંતા વિના તમે જાવ, મિસિસ કેટ્ટીની તબિયતની સંભાળ રાખજો અને ગમેત્યારે મારી જરૂર પડે નિશ્ચિન્ત રીતે મને ફોન કરી દેજો લ્યો આ મારુ વિઝિટિંગ કાર્ડ, ફરી ક્યારેક આવો ત્યારે વિના સંકોચ ઘેર આવજો મુ. પપ્પા પણ અહીં જ મારી સાથે રહે છે એ બહાને તમે તેને પણ મળી શકશો"
ગમગીન અને ઉદાસ ચહેરે જોલીએ કેબીન છોડી
*****
આ વાતને આઠ-દશ મહિના વીતી ગયા હશે
સાંજના સાતેક વાગ્યા હશે આજે અચાનક જ જોલી ફરી દવાખાને આવ્યો,  ક્લિનિકમાં દરદીઓ ઓછા હોવા સબબ ડો શેલી ફુરસદની પળોમાં પોતાની કેબિનમાં આરામ ફરમાવતી હતી.પ્રવેશ પરવાનગી લઇ જોલી કેબિનમાં પ્રવેશ્યો આછા સ્મિત સાથે શેલીએ તેને આવકાર આપતાં પૂછ્યું "કેમ છે મિસિસ કેટ્ટીને ?"
ભાંગેલા સ્વરે જોલીએ એ પ્રત્યુત્તર વાળ્યો " મિસિસ કેટ્ટી હવે આ દુનિયામાં નથી રહી, લગભગ છ એક મહિના પહેલા એનું નિધન થઈ ગયું છે."
"ઓહ,સો સોરી,આમતો કેસ ખોટો જ હતો એના છેલ્લા રિપોર્ટ જોયા પછી એની બચવાની કોઈ સંભાવના હતી જ  નહીંપણ આયુષ્ય હતું ત્યાં સુધી ખેંચાયું શેલીએ દિલસોજી આપતા કહ્યું
" ઘણો સમય થઇ ગયો, ઘરમાં એકલું ગમતું ન હોય મને થયું કે તમને આ સમાચાર આપી આવું અને મુ.મનોરમભાઈને મળી આવું " જોલીએ કહ્યું
" સારું થયું તમે આવ્યા ચાલો આપણે સાથે જ ઘેર જઈએ આમે ય હવે મારો સમય પૂરો થવામાં છે " એમ કહી શેલી ઘેર જવા ઉઠી સાથે જોલી પણ જોડાયો
ઉપરના જ માળે રહેતી શેલીએ ઘરમાં પ્રવેશતા જોલીને આવકાર આપી બેસવા કહ્યું બીજા ખંડમાં વાંચન કરતા મનોરમભાઈને શેલીએ જઈને કહ્યું " પપ્પા,જયેશ તમને મળવા આવ્યો છે એની પત્ની મિસિસ કેટ્ટીનું અવસાન થઇ ચૂક્યું છે"
થોડીવારે મનોરમભાઇ બહાર આવ્યા જયેશને આવકાર આપતા મિસિસ કેટ્ટીનો ખરખરો કર્યો જયેશે ઉભા થઇ ગુન્હાહિત ભાવે મનોરમભાઈના ચરણ સ્પર્શ કર્યા દરમ્યાનમાં શેલી ચા-નાસ્તો બનાવવા રસોડામાં ગઈ.
  થોડી આડાઅવળી વાત કરી સંકોચ સાથે જોલીએ કહ્યું " વડીલ, ભૂતકાળમાં જે બની ગયું એ મારી ગંભીર ભૂલ હતી હું એ સ્વીકારું છું અને મારી એ ભૂલની સજા આજે હું ભોગવું છું,મારા પત્ની સાથેના મારા 32 વર્ષના ઘરસંસારમાં અમને સંતાન પ્રાપ્તિ થઈ નથી જેથી આજે હું એકલો અટૂલો બની ગયો છું આ બાજુ શીલા પણ અવિવાહિત રહેતાં એ પણ એકલી છે આપનીઉંમર અને અવસ્થાને કારણે જિંદગીનો કોઈ ભરોસો નથી એવા સંજોગોમાં જો આપ શીલાના લગ્ન મારી સાથે કરાવશો તો મારું અને શીલાનું શેષ જીવન સુખમય પસાર થાય અને આપની હયાતી દરમ્યાન જ શીલા ને જીવનનો કોઈ સધિયારો મળી જાય "એકી શ્વાસે આટલું બોલ્યા પછી થોડીવારના વિરામ બાદ ફરી તેણે આગળ ચલાવ્યું " મારા જે કારણ સબબ મારા પિતાજીના દેહાંતનો  હું નિમિત્ત  બન્યો છું એનું પ્રાયશ્ચિત આ રીતે કરી મારા દિવગંત પિતાના આત્માને શાંતિ આપી શકીશ "
એક ચિત્તે શાંતિથી બધું સાંભળ્યા પછી મનોરમભાઈએ જવાબ આપ્યો " જયેશ,તારી મનોવ્યથા હું સમજુ છું અને તારી રીતે તું સાચો છે, પણ શીલાને  હવે પુનર્લગ્ન કરવાની ઈચ્છા જ નથી અને તે કારણસર જ તેણે
અહીં સુધી આવી, કંઈક મુશ્કેલીઓ નો સામનો કરી આગળ અભ્યાસ કરી આજે અહીં પદ, પૈસો અને પ્રતિષ્ઠા હાંસલ કર્યા છે. વાત રહી સ્વ.રસેન્દુભાઇના આત્માને શાંતિ આપવાની, તો જેને તું હયાતીમાં શાંતિ ન આપી શક્યો, તારા કારણે જેનું અકાળ અને આકસ્મિક અવસાન થયું તેને તું હયાતી બાદ શાંતિ શું આપી શકવાનો હતો  ?
માટે એ બાબતે તું આગળ વિચાર કરવો બંધ કર અને આ તો અમેરિકા છે, જેમ પહેલીવાર તને ઓસ્ટ્રેલિયન યુવતી મળી ગઈ એમ હવે બીજા કોઈ પ્રદેશની કન્યા આસાનીથી મળી જશે આ થોડું આપણું ભારત છે ?" દરમ્યાનમાં કોઈ પણ મુશ્કેલી કે તકલીફ હોય તો અવશ્ય આ તારું ઘર જ છે અમને નિઃસંકોચ જણાવી આવતો રહેજે.
મનોરમભાઈની વાત પુરી થતા શીલા ચા-નાસ્તો લઈને આવી. ચા-નાસ્તાને ન્યાય આપી, પુન: મનોરમભાઈના ચરણસ્પર્શ કરી જયેશ ત્યાંથી  નિરાશ વદને રવાના થયો.
જયેશના ગયા પછી મનોરમભાઈએ શીલાને કહ્યું " જૂઠું બોલી,ચાલાકી કરીને છટકી જનાર માણસ આખરે જિંદગીથી હારે છે પછીથી તે માત્ર જિંદગી પુરી કરે છે જિંદગી જીવી શકતા નથી. આ તેનો પ્રત્યક્ષ પુરાવો" 

Monday, 13 April 2020

છૂટાછેડા ભાગ-1

" બેટા  હવે અમારી  ઉંમર થઇ તારે થોડો અમારો પણ વિચાર કરવો જોઈએ. તારે અમેરિકામાં સેટ થયે પણ આજકાલ કરતા છ વર્ષ થઇ ગયા ક્યાં સુધી પારકા પરદેશમાં એકલું રહીને હેરાન થવાનું ? તું જાણે છે કે મને પણ હૃદયરોગના બે હુમલા આવી ગયા છે તારી બન્ને બહેનો અને ભાઈને પરણાવી સ્થિર કરી દીધા હવે માત્ર તારા એકની જ મને જવાબદારી સાથે ચિંતા છે."
અમેરિકામાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે સારી રીતે સ્થિર થઇ ગયેલ અને એકાદ મહિના માટે સ્વદેશ  આવેલ જયેશને પિતા રસેન્દુભાઇ દેસાઈ એ લગ્ન માટે સમજાવતા કહ્યું,
" પપ્પા એવી શું ઉતાવળ છે ? " જયેશે જવાબ વાળ્યો
" ભાઈ ઉતાવળ તને નથી પણ મને છે હવે હું કેટલા વરસ ? તને જીવનમાં સ્થિર થયેલ જોઈને જાઉં તો હું શાંતિથી મરું  છ એક મહિના પહેલાં તારા મામાને ઘેર લગ્ન પ્રસંગે અમદાવાદ જવાનું થતાં તારા મામાએ ડો. મનોરમભાઇ પંડ્યાની દીકરી મને તારા માટે બતાવી ભલામણ કરી હતી. મનોરમભાઇ યુનિવર્સીટીમાં વાઇસ ચાન્સેલર છે તેની પુત્રી શીલા હાલ M.B.B.S.નો અભ્યાસ કરે છે. છોકરી દેખાવે તો સારી છે જ પણ આપણા રીતરિવાજ,ધર્મ,અને સંસ્કારને વિદેશી ધરતી ઉપર ઉજાળે એવી સુલક્ષણા છે.સીધી સાદી છોકરી જોતા જ મને ગમી ગઈ.થોડી નાજુક અને હીણક છે પણ એતો અભ્યાસની ચિંતા અને ઘરકામના બોજાને કારણે હોય ભણવાનું પૂરું થતા શરીર બંધાઈ જશે. હું એવું વિચારું છું કે તું જયારે અહીં આવ્યો જ છે તો તું એને જોઈ આવ અને ગમે તો તુરત જ સગાઈ કરી લગ્ન કરીને જ તું અહીંથી જા એટલે અમે બન્ને બોજા મુક્ત થઈએ.
" પપ્પા,એમ સાવ ઉતાવળે મને નિર્ણય કરવાનું કહો એ કેમ ચાલે ? જોયા પછી મને પણ વિચાર કરવાનો સમય તો આપવો જ પડેને ? તેમ છતાં તમને પસંદ હોય અને તમારી દૃષ્ટિથી એ યોગ્ય હોય તો મારે
જોવા-જાણવાની પણ ક્યાં જરૂર  છે ? તમે કરો એ મને મંજુર છે"
જયેશના જવાબમાં અકળામણ અને લાપરવાહી જોતાં રસેન્દુભાઇએ ગુસ્સામાં કહ્યું "એમ કેમ જવાબ આપે છે પરણવાનું તારે છે કે મારે ? કે પછી ત્યાંજ કોઈ લફરું કરી બેઠો છે ? જો એમ જ હોય તો સાફ સાફ કહી દે જે
પપ્પાના આકરા તેવરથી જયેશ કુણો પડ્યો ફિક્કા અને ખંધા હાસ્ય સાથે જવાબ આપ્યો " ના, એવું કંઈ નથી પપ્પા મેં દેશ છોડ્યો છે ધર્મ કે સંસ્કાર નહીં"
રસેન્દુભાઇએ  જવાબ દેતા કહ્યું "Very good,મને તારા  તરફથી એજ જવાબની અપેક્ષા હતી.
રસેન્દુભાઇના આગ્રહ અને દબાણને વશ થઇ જયેશે અનિચ્છાએ શીલાને જોઈ આવવાનું વિચાર્યું  એક સારો દિવસ જોઈ જયેશ અને તેના માતા-પિતા અમદાવાદ ખાતે મનોરમભાઈને ઘેર પહોંચ્યા
મધ્યમકદ, યુરોપિયન જેવો રૂપાળો અને દેખાવડો, વાંકડિયા વાળ જમણા હાથની ત્રીજી આંગળી ઉપર શુક્રના દશ કેરેટના ચમકતા રિયલ ડાયમંડની સોનાની વીંટી અને દેખાવે શાંત, ગંભીર,અને મિતભાષી જયેશ શીલાને જોતાવેંત જ ગમી ગયો. એકાંત મુલાકાતમાં પરિચય બાદ ઔપચારિક વાતો પછી  બન્ને જણાએ પરસ્પર સંમતિ  દર્શાવી
બીજે દિવસે રસેન્દુભાઇએ  મનોરમભાઈને ફોન કરી હાલ કોર્ટ મારફત સિવિલ મેરેજ કરવાની દરખાસ્ત મૂકતાં સમજાવ્યું કે કોર્ટનું મેરેજ સર્ટિફિકેટ હાથમાં આવી જાય પછી વિઝા, અને P.R.ની કાર્યવાહી શરુ થઇ જાય,દરમ્યાનમાં શીલાનો અભ્યાસ પણ પૂરો થઇ જતાં લગ્ન પછી શીલા વિના વિલંબે અમેરિકા જઈ  શકે. રસેન્દુભાઇની વ્યવહારિક વાત ઉપર મનોરમભાઈએ મંજૂરીની મહોર મારતાં સિવિલ મેરેજ માટે નો દિવસ મુકરર થયો અને એ મુજબ વડોદરાની કોર્ટમાં જયેશ અને શીલા લગ્નગ્રંથિથી જોડાયા
*********
પિતાજીની લાગણીશીલ વાતથી અને તેના દબાણને વશ થઇ જયેશે સિવિલ મેરેજ કરી તો લીધા પણ એ મનોમન મુંજાતો હતો આ અચાનક આવી પડેલ બંધનથી એ ખુશ ન હતો.પોતાની અનિચ્છા હોવા છતાં માત્ર ને  માત્ર પિતાજીનું મન અને માન રાખવા જયેશે લગ્ન કર્યા હતા અંદરખાને જયેશ દુઃખી અને વ્યથિત હતો એ આ લગ્નથી ખુશ ન હતો.
આ બાજુ શીલા ખુશ હતી. લગ્ન પછી હવે M.B.B.S.થી આગળ ભણવાનો પોતાનો વિચાર પડતો મૂકી વિદેશમાં જયેશ સાથે જ એક આદર્શ ગૃહિણી તરીકે રહેવાના મનોરથ સેવવા લાગી મનોરમભાઈએ પણ શીલાના એ વિચારને સમર્થન આપ્યું
 રજા પુરી થતાં જયેશ અમેરિકા જવા રવાના થઇ ગયો.
અમેરિકા પહોંચ્યા પછી શીલા સાથે ન તો કોઈ ટેલીફિનિક વાત કે ન તો પત્રને કારણે શીલા ચિંતિત હતી. શીલાએ એક-બે ટેલિફોન કર્યા પણ પોતે સતત કામમાં વ્યસ્ત છે એવા બહાના હેઠળ જયેશે વાત કરવાનું ટાળ્યું  શીલાએ પત્ર પણ લખ્યા તેના જવાબમાં બસ માત્ર પોતાની વ્યસ્તતા અને કાર્યભારણ તથા રૂટિન સિવાય કોઈ પ્રેમ કે લાગણીસભર વાત  ન  વાંચતા શીલાનું મન નિરાશાથી ઘેરાઈ ગયું શીલાને જુદા જુદા વિચારો અને જાત જાતની શંકા કુશંકા ઘેરીવળ્યા તેમ છતાં એ તરફ વધુ લક્ષ્ય ન આપતાં પોતાના અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું
 શીલાની ફાઇનલ M.B.B.S,ની પરીક્ષા પુરી થઇ પરિણામ પણ આવી ગયું  અને પ્રથમવર્ગમાં યુનિવર્સીટી પ્રથમ ક્રમે એ પાસ પણ થઇ ગઈ. આ બાજુ જયેશ-શીલાના લગ્નને લગભગ આઠેક મહિના થઇ ગયા હોય અને શીલાનો અભ્યાસ પણ પૂરો થઇ ગયો હોય મનોરમભાઈએ જયેશને પત્ર લખી વિઝા અને P.R,ની કાર્યવાહી ક્યાં પહોંચી એવી પૃચ્છા કરતો પત્ર લખ્યો
લગભગ દશેક દિવસે પત્રના જવાબમાં શીલાના નામ સરનામાં સાથે એક કવર ટપાલમાં આવ્યું
કવર હાથમાં લેતાં જ શીલાની ખુશીનો કોઈ પાર ન રહ્યો તેણે  વિચાર્યું કે પપ્પાએ લખેલ પત્રના જવાબમાં તેના વિઝા અને P.R.ને લગતા કાગળો હશે. શીલા પત્ર ખોલ્યા પહેલાજ અમેરિકાના આકાશે ઉડવા લાગી
     શીલાએ પત્ર ખોલી વાંચવો શરૂ કર્યો
શીલા,
મુ. પપ્પાનો પત્ર મળ્યો પત્રમાં વિઝા અને P.R. વિશેની વિગત જાણી
તને વાંચીને જરૂર દુઃખ થશે કે હું આપણા લગ્ન નિભાવી શકું એમ નથી અને એટલેજ આ સાથે હું આપણા છુટા છેડા માટેનું સંમતિ પત્ર લખી મોકલું છું. જો તમેં કાનૂની રાહે છૂટાછેડા ઇચ્છતા હો, તો એ માટેના જરૂરી સ્ટેમ્પ પેપર ઉપરનું લખાણ મને મોકલશો જેથી હું એ સહી કરીને તુરત પરત મોકલવી શકું
જયારે આપણા કોર્ટ મેરેજ થઇ જ ગયા છે ત્યારે છૂટાછેડાનું કારણ જાણવા તું  હક્કદાર છે તો તે અંગે જણાવવાનું કે મેં આજથી બે વર્ષ પહેલાં અહીં મારી સાથે કામ કરતી ઓસ્ટ્રેલિયન યુવતી સાથે લગ્ન કરી લીધા છે, જે બાબતે આજસુધી મારા પરિવારના કોઈ પણ સભ્યને જાણ નથી. માત્ર મારા માતા-પિતાને ખુશી રાખવા મારી નાખુશીએ હું લગ્નગ્રંથી થી તારી સાથે જોડાયો હતો. હું સમજુ છું કે તને આ જાણીને દુઃખ થશે પણ મારી મજબૂરી છે. આ પત્ર મુ. શ્રી મનોરમભાઈને વંચાવી દેવા વિનંતી તને થયેલ દુઃખ બદલ મને ભારોભાર અફસોસ છે.મને માફ કરજે.
લિ. જયેશ 
પત્ર વાંચતા જ શીલા ઉપર આભ ફાટી પડ્યું શીલાના પગ નીચેની ધરતી સરકવા લાગી ઘડીક જ વારમાં પરસેવે રેબઝેબ થઇ ગઈ આંખે અંધારા આવી ચક્કર આવવા લાગ્યા.શીલા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી એના મગજમાં શૂન્યાવકાશ છવાઈ ગયો એની આશા અરમાન ઉપર આંધી ફરીવળી હોય એવું લાગ્યું
પોતના ભાગ્યને દોષ દેતી શીલા ધીમે ધીમે સ્વસ્થ થઇ.આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરવા માનસિક રીતે તૈયાર થવાનું વિચાર્યું મનોરમભાઇ યુનિવર્સીટી ગયા હતા, સાંજે છ વાગે તેઓ પરત ફરે ત્યારે તેને આ પત્ર કેમ વંચાવવો એ વિમાસણમાં શીલા હતી.આખરે તેણે  પિતાજીના રાઇટિંગ ટેબલ ઉપર પત્ર મૂકી દેવાનું વિચાર્યું
સાંજે  મનોરમભાઇ ઓફિસેથી છૂટી ઘેર આવ્યા,
શીલાએ એમની બ્રીફકેસ યથાસ્થાને મૂકી એને માટે ચા બનાવવા રસોડામાં ગઈ  એ દરમ્યાનમાં મનોરમભાઈનું ધ્યાન ટેબલ ઉપર પડેલ પત્ર ઉપર જતા પત્ર હાથમાં લઇ, શીલાને પૂછ્યું ," અરે શીલા,આ તો જયેશનો પત્ર આવ્યો લાગે છે અને તું મને વાત પણ નથી કરતી ? નક્કી તારા વિઝા અંગેના કોઈ સમાચાર લાગે છે. મનોરમભાઈએ ઉત્સુકતાથી પત્ર હાથમાં લઈને વાંચ્યો
પત્ર વાંચતા જ મનોરમભાઇ પરસેવે રેબઝેબ થઇ ગયા  આ શું હું વાંચું છું ? શું  આ સત્ય છે કે મશ્કરી ?મનોરમભાઈના મનોરથનો કચ્ચરઘાણ વળી ગયો હજુ તો વીધીવ્રત લગ્ન માટેનું આયોજન વિચારતા મનોરમભાઈને હવે શું કરવું એ સમજાયું નહીં મનોરમભાઈની આંખમાં આંસુ છલકાઈ પડ્યા
થોડીવારમાં શીલા ચા બનાવીને મનોરમભાઈને આપવા આવી મનોરમભાઈની આંખમાં આંસુ જોઈ શીલા ભાંગી પડી પપ્પાના ખભે માથું ઢાળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બોલી,"પપ્પા,આજે જો મારી મા હોત તો હું એના ખોળામાં માથું મૂકી મારી હૃદયવેદના ઠાલવી શકી હોત,તમે મારા માટે સારા વર-ઘર શોધવામાં ઘણી કષ્ટી ઉઠાવી પણ મારા ભાગ્ય જ ફૂટેલ હોય એનો શું ઉપાય ?"
મનોરમભાઈએ શીલાને સાંત્વના આપતા કહ્યું," બેટા,એવું નથી.કોને ખબર છે કે જયેશનું ભાગ્ય ફુટેલુ હશે અને ઈશ્વરે તને ભવિષ્યની અગ્નિ પરીક્ષામાંથી નહીં બચાવી હોય ? એક ધ્યાન રાખજે દુનિયામાં સહન સારા માણસોએ જ કરવાનું હોય છે, ફૂલ ખરી જાય છે ક્યાંય કાંટા ખરી ગયા હોય એવું જાણ્યું છે ? મારો અંતરાત્મા કહેછે કે એજ જયેશ ભવિષ્યમાં પસ્તાશે અને આંખમાં આંસુ સાથે તારી માફી માગવા આવશે મારા શબ્દો પથ્થર ઉપર કોતરી રાખજે
ચા પી, થોડા સ્વસ્થ થઇ તેણે વડોદરા સ્થિત રસેન્દુભાઇને ફોન લગાવ્યો  ખુબજ ધીરજ અને શાંતિપૂર્વક પહેલા કુશળ સમાચાર પૂછી મનોરમભાઈએ  રસેન્દુભાઇને ફોન ઉપર પત્ર વાંચી સંભળાવ્યો
પત્રનું લખાણ સાંભળતા જ રસેન્દુભાઇ અસ્વસ્થ થઇ ગયા,જયેશે લખેલ છૂટાછેડાની વાતથી અને ખાસ કરીને તેણે ત્યાં બે વર્ષથી ઓસ્ટ્રેલિયન યુવતી સાથે લગ્ન કરી લીધાં છે એવું સાંભળતા જ તે ફોન ઉપર બરાડી  ઉઠ્યા, "પંડ્યા સાહેબ,તમે ભાનમાં તો છો ને ? તમે આ શું  બોલો છો ?આજસુધી અમારા ખાનદાન ની પાંચપેઢીમાં જે નથી બન્યું એવી વાત કરો છો ?
મનોરમભાઈએ શાંતિથી જવાબ દેતા કહ્યું," સાહેબ, હું તમને કોઈ પણ અતિશયોક્તિ વગર  જયેશનો પત્ર જ વાંચી સંભળાવું છું.આ અંગે આપ જયેશ સાથે ફોન ઉપર વાત કરી ખાતરી કરી લેવા વિનંતી છે. જયેશની ઇચ્છાનુસાર અમેં આ સબંધ ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયાની જાણ આપને કરું છું." આટલું બોલી મનોરમભાઈએ ફોન મૂકી દીધો
*******
મનોરમભાઈનો ફોન સાંભળી રસેન્દુભાઇના ગાત્રો શિથિલ થઇ ગયા.તેઓ મનોરમભાઈની વાતને સત્ય માનવા તૈયાર જ ન હતા. જયેશે વિદેશી યુવતી સાથે બે વર્ષથી લગ્ન કરી લીધા હોવા છતાં માં-બાપથી એ વાત છુપાવી તેઓને અંધારામાં રાખ્યાનું દુઃખ જીરવી ન શક્યા
 જીવનના દરેક તબક્કે  કેટલો સંઘર્ષ કરીને,કેટકેટલી આશા અને અરમાનોથી જયેશને ભણાવી વિદેશમાં સ્થિર કર્યો હતો એ બધું યાદ આવતાં એ ધ્રુજી ઉઠ્યા મનોરમભાઈએ ફોન ઉપર કહેલી વાતની સત્યતા ચકાસવા રાત્રે તેણે જયેશને ફોન કર્યો  ફોન ઉપર જયેશે મનોરમભાઈની વાતને સત્ય ગણાવતાં પોતે કરેલી ઉતાવળ અને ભૂલ માટે માફી માગતાં રડી પડ્યો
રસેન્દુભાઇથી આ આઘાત સહન ન થતાં લોહીનું દબાણ વધી ગયું અકળામણ અને બેચેની વચ્ચે છાતીમાં સખત દુખાવો ઉપડ્યો,અગાઉ હૃદયરોગના બે હુમલા આવી ચૂકેલ રસેન્દુભાઇ આ ત્રીજો હુમલો ખાળી ન શક્યા અને એજ ઘડીએ એનું પ્રાણપંખેરું ઉડી ગયું
*******
શીલાએ પોતાનું મન વાળી  લીધું તેણે  મનોમન નક્કી કરી લીધું કે હવે હું મારા ભૂતકાળને નહીં વાગોળું,જે થઇ ગયું એ થઇ ગયું હવે હું મારી આજને બહેતર અને આવતીકાલને બહેતરીન બનાવવાની પુરેપુરી કોશિશ કરીશ હવે હું આગળ અભ્યાસ કરી મારી કારકિર્દીને નવો અદભુત વળાંક આપીશ
મક્કમ નીર્ધાર સાથે એક યોદ્ધા જેવા ઝનૂનથી તેણે  સ્ત્રી રોગના નિષ્ણાત બનવા M.D.નો અભ્યાસ શરૂ કર્યો
દિવસો વીત્યા,મહિનાઓ અને વર્ષો પણ વીત્યા શીલાએ M.D.ની પદવી મેળવી લીધી એટલાજ થીજ સંતોષ ન થતાં તેણે વધુ અભ્યાસ માટે અમેરિકા જવાની તૈયારી શરૂ કરી.અથાગ પરિશ્રમ અને મક્કમ મનોબળ થકી શીલાએ આખરે અમેરિકાના બાલ્ટીમોર ખાતેની વિશ્વની શ્રેષ્ઠ  John Hopkins School of Medicines માં પ્રવેશ મેળવી વધુ અભ્યાસ શરૂ કર્યો અને જોતજોતામાં પોતાની મહેનતથી એ યુનિવર્સીટીમાં ઉચ્ચ દરજ્જે પાસ થઈ પોતાની કારકિર્દીને નવો ઓપ આપ્યો  હવે શીલા અમેરિકા ખાતેની શ્રેષ્ઠ સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે પંકાવા લાગી
ઘણા ભારતીયો અમેરિકા સ્થિર થયા બાદ ત્યાંના અમેરિકનોને લખવા-બોલવામાં અનુકૂળ રહે એ માટે પોતાનું ભારતીય નામ ત્યાં જઈને બદલી નાખે છે એમ શીલા હવે ત્યાં શેલી (Shelly) તરીકે ઓળખાવા લાગી અને પોતાનું ખાનગી દવાખાનું શરુ કરી લોકોનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરી ચુકી











  





    

Thursday, 2 April 2020

બિન ફેરે હમ તેરે. ભાગ -1.

હર્ષા અને ભદ્રેશ એક જ મહોલ્લામાં રહેતા હતા,
હર્ષાના પિતાજી કનકભાઈ કેન્દ્ર સરકારના ઉચ્ચ હોદા ઉપર હતા.
આર્થિક અને સામાજિક રીતે ખુબજ સાધન-સંપન્ન તો હતા જ પરંતુ જ્ઞાતિમાં અને સમાજમાં પણ મુઠ્ઠીભર બુદ્ધિજીવીઓમાં એની ગણતરી થતી હતી. જયારે ભદ્રેશના પિતાજી જનકભાઈ સામાન્ય અભ્યાસ કરેલા, સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા બહોળા પરિવારના ગ્રહસ્થ હતા. જનકભાઈને પોતાનું નાનુસરખું એક ફાર્મ હાઉસ હતું અને એમાં થતી પેદાશ એની આજીવિકા હતી કનકભાઈ અને જનકભાઈ એકજ જ્ઞાતિના અને લગભગ હમઉમ્ર હોવા સાથે પોતાના સંતાનોના જન્મપૂર્વેથી તેઓ એક બીજાના પડોશી હતા.
પાંચ વર્ષની હર્ષા અને આઠ વર્ષનો ભદ્રેશ એક બીજાના ખાસ મિત્રો હતા. એક બીજા વિના ઘડીભર પણ ન ચાલે શાળાએ સાથે જવું, ટ્યુશનમાં પણ સાથે, લેશન કરવાં પણ સાથે અને રમવામાં પણ એ બન્ને કાયમ સાથે જ હોય, વરસાદના દિવસોમાં શેરીમાં વહેતા પાણીમાં કાગળની હોડી બનાવી અને તરતી મુકવી, રેતી,અને ધૂળમાં કુબા બનાવવા એવી બાળ સહજ રમતો નિર્દોષ બાળકો સાથે રમતા. ભદ્રેશ રોજ સાંજે પોતાના ફાર્મ હાઉસમાં હર્ષાને સાથે રમવા લઈ જાય ફાર્મ હાઉસમાં ઉગેલા તાજા ચીકુ, તો કોઈવાર જામફળની સાથે જ્યાફત ઉડાવે અને મોડી સાંજે ઘેર પાછા ફરે.
સમય વીતતો ગયો બાલ્યકાળ પૂરો થતા હર્ષા અને ભદ્રેશ યુવાનીને ઉંબરે આવી ઉભા રહ્યા. બાલ્યકાળની નિર્દોષ લાગણી અને સ્નેહ હવે પ્રેમમાં પરિવર્તિત થવા લાગ્યો શાળાને બદલે હવે કોલેજમાં સાથે જવું, કોલેજની કેન્ટીનમાં બેસી સાથે કોફી પીવી,અને આમ જેમ વૃક્ષ સાથે વેલી વીંટળાય એમ બન્ને એક બીજાના પ્રેમમાં ગળાડૂબ બનીગયા.
પરિવારથી છાનો આ પ્રેમ એટલી હદે પાંગર્યો કે હવે એક બીજા વિનાં રેહવું પણ દુસહ્ય બન્યું.
બન્નેએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી લેતા હવે કોલેજમાં જવાનું કે નિયમિત મળવાનું અશક્ય બન્યું તેમ છતાં દરરોજ કોઈને કોઈ બહાને એકાદવાર તો પ્રેમી પંખીડા અચુક એકાંતમાં મુલાકાત ગોઠવી લેતા હતા,
ભદ્રેશ ગ્રેજ્યુએટ થઈને વીજ કંપનીમાં ક્લાર્ક તરીકે નોકરીએ લાગી ગયો.
એકવાર અચાનક જ ભદ્રેશનો પ્રેમપત્ર કનકભાઈના હાથમાં આવીજતાં પુત્રીના પ્રેમ પ્રકરણની જાણ થઇ.
કનકભાઈએ વિચાર્યું કે પુત્રી હવે યૌવનમાં પ્રવેશી ચુકી છે. હવે જ્ઞાતિનો કોઈ સુખી સંપન્ન ઉચ્ચ શિક્ષિત મુરતિયો શોધી પુત્રીના હાથ પીળા કરી દઉં.પુત્રી ભલે ભદ્રેશના પ્રેમમાં હોય પણ ભદ્રેશના પિતાની સામાન્ય આર્થિક સ્થિતિ,બહોળો પરિવાર,અને ભદ્રેશની એક ક્લાર્ક તરીકેની મામૂલી નોકરી પોતાના પરિવારના મોભા,પ્રતિષ્ઠા,આર્થિક સઘ્ધરતા, અને સામાજીક પ્રતિષ્ઠાની તોલે આવે એમ ન હોય કનકભાઈને એ સબંધ બિલકુલ મંજુર ન હોતો. કનકભાઈ એવું ઇચ્છતા હતા કે હર્ષા જેટલી દેખાવડી, સ્માર્ટ, હોશિયાર અને વ્યવહારુ છે તથા જેટલા લાડકોડથી ઉછરી છે એવુ જ સુખી-સંપન્ન સાસરું ગોતવું. કોઈ ડોક્ટર, ઇંજિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની પદવીધારક પાત્ર મળી જાય તો હર્ષાનું પણ ભવિષ્ય સુનિશ્ચિત રહે, અને પોતાનું સામાજિક સ્ટેટ્સ પણ જળવાઈ રહે.જે લાડકોડથી હર્ષાનો ઉછેર થયો છે એ રીતે હર્ષા કદી પણ ભદ્રેશના ઘરમાં એડજસ્ટ નહીં થઈ શકે.
********
ઢળતી સાંજનો સમય હતો.
ઘર પાસેના મંદિરની આરતી પુરી થતાં શંખનાદ અને ઝાલરનો રણકાર હજુ શમ્યો હતો. હર્ષા ઘરના મંદિરમાં ધૂપ-દિપ કરીને હજુ બેઠી જ હતી એવામાં કનકરાય હર્ષાના ખંડમાં પ્રવેશ્યા.
ખંડની આરામ ખુરશી પર લંબાવતા તેણે હર્ષાને પૂછ્યું, "બેટા,તારા ગ્રેજ્યએશનને પુરા પાંચ વર્ષ થઇ ગયા ઉંમરમાં પણ તું 25 એ પહોંચી છે હું વિચારું છું કે કોઈ સારું પાત્ર શોધી તારા હાથ પીળા કરી દઉં તો હું ચિંતા મુક્ત બનું. મારી પાસે એવી ચારેક દરખાસ્તો આવી છે જે બધાજ ઉમેદવારો આપણા ઘર, સ્ટેટ્સ, અને પ્રતિષ્ઠાને અનુરૂપ છે એટલુંજ નહીં પણ તેઓ ઉચ્ચ ડિગ્રી ધારી અને વર્ગ 2ના અધિકારી તરીકે સરકારી નોકરી કરે છે એ બાબતે તું શું વિચારે છે ?
"પપ્પા,હું તમારી લાગણી સમજુ છું પણ હું એવું ઈચ્છું છું કે આ બાબતનો નિર્ણય તમે મારી ઉપર છોડી દો તો સારું. તમારા શોધેલા કોઈ અજાણ્યા પાત્ર કે પરિવારમાં જવાને બદલે વર્ષોથી આપણે સાથે રહ્યા છીએ અને એક બીજાને સારી રીતે ઓળખીએ છીએ એવા પાત્ર ઉપર હું મારી પસંદગી ઉતારું તો તમને એમાં શું તકલીફ છે ? હર્ષાએ બેધડક પોતાના વિચારો રજૂ કર્યા
" એટલે ? તારો ઈશારો ભદ્રેશ તરફ છે ?" ભદ્રેશના પકડાયેલા પ્રેમ પત્રને આધારે કનકરાયે સીધું જ નિશાન તાક્યું.
"હા, હું બચપણથી ભદ્રેશ સાથે રમીને મોટી થઇ છું છેલ્લા 25 વર્ષથી એના પરિચયમાં છું. આજે ભલે ભદ્રેશ સામાન્ય ક્લાર્ક છે આર્થિક સ્થિતિ પણ સામાન્ય છે, કુળ કુટુંબ ભલે બહુ જાણીતું કે પ્રતિષ્ઠિત નથી, પણ પરિવારની આબરૂ અને ખાનદાની બેજોડ છે એ તમે પણ સારી રીતે જાણો છો એનામાં અતૂ ટ હિંમત, ધીરજ, કોઠા સૂઝ,અને આત્મવિશ્વાસનો અખૂટ ખજાનો છે. એ એક સારો ખેલદિલ સ્પોર્ટ્સમેન છે એ પણ તમે ક્યાં નથી જાણતા ? હું આજીવન "મોટા ઘરની વહુ " બનીને મારા પ્રેમનું ગળું ઘોંટી નાખવા નથી માંગતી ભદ્રેશ આપણી જ્ઞાતિનો જ છે એમના બાપ-દાદાથી લઈને એના સારા ખાનદાનને તમે ઓળખો છો, છતાં તમને એવો કયો પૂર્વગ્રહ અમારા પ્રેમની વચ્ચે દીવાલ બનીને ઉભવા પ્રેરે છે ? પપ્પા, પદ,પગાર અને પૈસો એ પરિવારની કે મુરતિયાની ખાનદાની માપવાની ફૂટપટ્ટી નથી.જો એવું જ હોત તો સમાજમાં ક્લાર્ક અને વર્ગ ત્રણ-ચારના બધાજ કર્મચારીઓ કુંવારા હોત.સાચું હીર તો મુરતિયાનું જોવાનું હોય છે. મામૂલી ક્લાર્ક હોવા છતાં, પ્રેમાળ, લાગણીશીલ, અને પોતાની પત્નીને સમજી શકી અને સન્માન આપે એ જ મારે મન ડોક્ટર, એન્જીનીયર, કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થી વિશેષ છે.મારે પદ કે પગારને નહીં પણ મારા મનના માણિગરને વરમાળા પહેરાવવાની છે.મારે જેની સાથે જીવન વ્યતીત કરવાનું છે એ વ્યક્તિ પસંદ કરવાનો પણ મને અધિકાર નહીં ? હું સમજુ છું કે તમે હમેશા મારુ હિત જ વિચાર્યું છે અને આજે પણ જે કહો- કરો છો એ મારા હિતનું જ કરો છો તમે કદાચ સાચા હશો, પણ પપ્પા હું પણ બિલકુલ ખોટી નથી" હર્ષાએ હિંમત એકઠી કરી સાફ શબ્દોમાં કહ્યું.
એકધારી નીચી નજરે પુત્રીની વ્યથા કથા સાંભળતા કનકભાઈની આંખમાંથી બે બુંદ ટપક્યા @. Vyomesh Jhala
થોડા કડક અવાજે એ બોલ્યા, "જો બેટા સાંભળી લે મેં તને આજસુધી દીકરાના લાડે ઉછેરીને મોટી કરી છે. છેલ્લા 25વર્ષમાં તે મારી પાસે ઘણું માગ્યું છે, અને મેં તારા માંગ્યાથી વિશેષ તને આપ્યું છે, આજે જીવનના સંધ્યાકાળે હું પહેલી અને છેલ્લીવાર તારી પાસે માત્ર એક જ માંગણી કરું છું અને જો એ સ્વીકારવા તારી તૈયારી ન હોય તો તું તારી ઇચ્છાનુસાર ભદ્રેશ સાથે લગ્ન કરી શકે છે પણ એ માટે ઉંબર બહાર પગ મુકતા પહેલા મારી લાશ ઉપરથી પગ મૂકીને જજે.મને હૃદય રોગના બે હુમલા આવી ચુક્યા છે, શક્ય છે કે મારુ આયુષ્ય પૂરું થતું હશે  અને તારું આ પગલું મારા છેલ્લા હુમલા માટેનું નિમિત્ત બને.
બસ, કનકરાયે છેલ્લો પ્રયોગ કરતાં હર્ષાની દુખતી રગ દબાવી.
*******
પાણીમાં જેમ બરફ અને જલતી મીણબત્તીનું જેમ મીણ પીગળે, એમ એકાએક હર્ષાની આંખમાંથી ચોધાર આંસુ ધસી પડ્યા, જાણે વૈશાખે અષાઢ ! કનકરાયના છેલ્લા શબ્દો સાંભળતા હર્ષા ધ્રૂજી ઉઠી.
પિતાજીનો હાથ પકડી રડતા રડતા બોલી, " બસ કરો પપ્પા પ્લીઝ બસ કરો હું તમને કચવીને મારો સ્વાર્થ શણગારવા નથી માંગતી તમે જાણો છો હું તમને કેટલો પ્રેમ કરું છું આજસુધી તમારા વચનને મેં બ્રહ્મશબ્દ સમજી કદી તમારું વેણ નથી ઉથાપ્યું. હું જરૂર તમારી પસંદગીના પાત્ર સાથે લગ્ન કરીશ, હું તમારા મોતનું નિમિત્ત બનવા નથી માંગતી મેં ભદ્રેશને પણ લગ્નનું વચન આપ્યું હોય હું એ વચન તોડીશ પણ હા એટલું જરૂર કે હું એની સાથેની નિર્દોષ મિત્રતા આજીવન નિભાવીશ અને એમાં મને ખુદ ભગવાન પણ નહીં રોકી શકે." હર્ષાને આ રીતે પહેલીજ વાર મોકળા મને રડતા જોઈ કનકરાય પણ ધ્રુસકે ધ્રુસકે રડતાં હર્ષાને વળગી પડ્યા.
*******
હર્ષા બચપણથી જ અતિ જિદ્દી અને મનસ્વી સ્વભાવની હતી. માં-બાપ પ્રત્યે અમાપ લાગણી અને પ્રેમ ખરા પણ જ્યારે પોતે ધાર્યું હોય ત્યારે કોઈની પણ સમજાવટનો ગજ ન ખાય એટલી હદે સ્વચ્છંદી પણ ખરી. એમાં વળી વધુ પડતો બાપનો લાડ ! એના સ્વભાવની એક બીજી પણ ખાસિયત હતી કે "જે માંડ્યું હશે એ થવાનું જ છે यद भावी तद भवतु ! પણ ધાર્યું જ કરીને ઉભું રહેવું "Come what may."
*******
બીજે જ દિવસે હર્ષા એ ભદ્રેશને ફોન કરી મળવા માટે કહ્યું.
નિશ્ચિત સમયે બન્ને એકાંતમાં મળ્યા અને હર્ષાએ આગલા દિવસે બનેલી ઘટના સવિસ્તાર કહેતાં ભદ્રેશના ખભે માથું મૂકી રડવા લાગી અને બોલી " ભદ્રેશ લોકો કહે છે કે પ્રેમ અજેય છે પરંતુ આજે અનુભવાયું કે મજબૂરી પાસે ક્યારેક પ્રેમને પણ હારવું પડે છે એવું ન માનીશ કે મેં વચન આપ્યા પછી તને દગો દીધો છે માત્ર મારા પપ્પા ખાતર થઈને મારે આ બલિદાન આપવું પડે છે".
ભદ્રેશે હર્ષાના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું," હું બધું જાણું છું તારા આ નિર્ણયથી હું ખુશ થયો છું, આખી જિંદગી ખુબ ઘણું બધું આપ્યા પછી જીવનમાં એવી ભાગ્યેજ ક્ષણ આવે છે કે આપણા જન્મદાતા આપણી પાસેથી કંઈક માગે અને એ વેળા જો આપણે પીછેહટ કરીયે તો એની કૂખે જન્મ લીધો એ વ્યર્થ છે. જીવનમાં આપણું માગ્યું બધું મળતું નથી અને જે મળે છે એમાંથી ઘણું આપણું માગેલું હોતું નથી. તું ચિંતા ન કર.આપણો પ્રેમ ચંદન જેવો શીતળ અને ગંગા જેટલો પવિત્ર છે.
સાથે રેહવું કે પાસે રહેવું એ જ પ્રેમ નથી. કોઈને સતત ઝંખવાથી પણ પ્રેમની અનુભૂતિ થાય છે. પ્રેમમાં સમર્પણ મહત્વનું છે તું મારી ચિંતા ન કરીશ."
આશ્વાસનના થોડા શબ્દો કહી ભદ્રેશે હર્ષાને શાંત પાડી અને થોડીવારે બન્ને જુદા પડ્યા
********
કનકરાય પાસે આવેલી દરખાસ્ત પૈકી એક કુલીન ખાનદાનના જ્યેષ્ઠ પુત્ર અને વીજ કંપનીના જુનિયર એન્જીનીયર સંદીપ સાથે હર્ષાના લગ્ન ગોઠવ્યા,જ્ઞાતિના રીત રિવાજ પ્રમાણે અને પોતાની શાખ,પ્રતિષ્ઠા અને સધ્ધર સ્થિતિ અનુરૂપ ધામેધૂમે લગ્ન ઉજવાયા.પડોશી દાવે જનકભાઈ સહપરિવારને પણ નિમંત્રણ હોય ભદ્રેશ પણ એ ખુશીના માહોલમાં ઉપસ્થિત રહ્યો લગ્નની વિધિ દરમ્યાન ભદ્રેશ ખીન્ન અને ઉદાસ થઇને એક બાજુના ખૂણે ઉભો હતો હર્ષાની આંખ સતત તેને શોધતી હતી એ દરમ્યાન વર-કન્યાના ફેરા ફરવા સમયે હર્ષાની નજર ભદ્રેશ ઉપર પડી. ચાર આંખ મળી અને હર્ષાની આંખનો કાજલ રેલાયો મેઇકપ કરેલા સુંદર ગુલાબી ગાલ ઉપરથી ચાર મોતી ટપક્યા અંતે હર્ષા પરાઈ થઇ અને શ્વસુર ગૃહે સીધાવી.
સમયાંતરે ભદ્રેશના લગ્ન પણ સ્વજ્ઞાતિની સ્વરૂપવાન કન્યા સાથે થઇ ગયાં અને જોત જોતામાં એ બે બાળકોનો પિતા પણ બની ગયો તેમ છતાં એ હજુ હર્ષાને ભુલ્યો ન હોતો.
**** (કથાના પાત્રોના નામ કલ્પિત હોય,કોઈ જીવંત કે દિવગંત પાત્રો સાથે તેને કોઈ સબંધ નથી )

બિન ફેરે હમ તેરે -- ભાગ. 2

હર્ષા કંઈક આશા અરમાન સાથે શ્વસુરગૃહે આવી પહોંચી
આજે મધુરજનીનો દિવસ
રાત્રે નવોઢાના બધાજ શણગાર સાથે હર્ષા આજે સ્વર્ગલોકની પરી જેવી દીસતી હતી.
 રૂપ તો કુદરતે ભરપૂર છૂટે હાથે આપ્યું જ હતું એમાં મૃગાક્ષી જેવી આંખમાં અણિયાળો કાજલ, લાંબા અણિયાળા નાકમાં શોભતી હેમની નથડી,પતંગિયાની પાંખ જેવા પાતળા અને કોમળ હોઠ,પગમાં તથા કોણી સુધીના હાથમાં મહેંદી,પગમાં છમ છમ થતી જીણી ઘૂઘરીના ચાંદીના પાયલ, ઝુકેલી ગુલાબની ડાળી જેવી નાજુક ગરદનમાં રત્ન જડિત હાર, કાળી કીડીયાસરનું મંગળસૂત્ર, લાંબા કાળા કોરા કેશમાં શોભતી મોગરાની વેણી,અને સુખડથી સુગંધિત હર્ષા થોડાક કુતુહલ, ભય, સંકોચ અને શરમ સાથે ધીમે પગલે  શયનખંડમાં પ્રવેશી
તેના આશ્ચર્ય સાથે સંદીપ અંધારામાં શયનખંડના સોફા ઉપર માથું ટેકવી અર્ધી આંખ મીંચી આરામ કરતો હતો, હર્ષાએ રૂમની લાઈટ ચાલુ કરી ધીમે પગલે સંદીપ પાસે જઈને સોફા ઉપર બેઠી અને પૂછ્યું
" કેમ આજે ઉદાસ છો ? તબિયત સારી નથી, ? માથું દુખે છે ? લાવો હું  બામ ઘસી આપું ?
સંદીપે આંખ ખોલી કહ્યું " આજે હું ખુબ જ થાકી ગયો છું.વળી મારો મુડ પણ સારો નથી "
હર્ષાએ કહ્યું " કંઈ  વાંધો નહીં, તમે આજે આરામ કરો છેલ્લા એકાદ મહિનાથી લગ્નની તૈયારી એકલે હાથે કરી તેનો થાક લાગ્યો હશે, પ્રસંગનો થાક હમેશા પ્રસંગ પૂરો થયા પછી જ વધુ લાગે કોફી પીવી છે ? તો બનાવી લાવું  થોડી કડક કોફી પીશો તો કંઈક રાહત થશે અને તમને સારું લાગશે
"ના, કોફી નથી પીવી, હું હવે સુઈ જ  જઈશ.સવારે મને વહેલો ઉઠાડીશ નહીં " કહી સંદીપે કબાટમાંથી કેટલીક દવાની ગોળી, અને શીશીમાંથી પ્રવાહી દવા લઈ, પીધા પછી સુઈ ગયો.
આ બાજુ હર્ષા પણ લાઈટ બંધ કરી ડબલબેડના પલંગમાં એકલી સુઈ ગઈ.
       હર્ષાના મનોરથનો કચ્ચરઘાણ વળી ગયો. સુહાગરાતે જ સંદીપને નિરુત્સાહી, નીરસ, અને ઉદાસ જોતા જ હર્ષાએ મધુરજનીનાં સજાવેલા સ્વપ્નો ચૂરચૂર થઇ ગયા.રાત આખી પડખાં ફેરવતી હર્ષાની નિંદર વેરી થઇ  અને તરેહ તરેહના વિચારો મનમાં આવવા લાગ્યા મનોમન ભદ્રેશ અને સંદીપની સરખામણી કરતા હર્ષાની આંખમાંથી  છુટેલી અશ્રુધારા ઓશીકે  ઝીલાઈ !
આવું ઉપરા ઉપરા સતત બે-ત્રણ  દિવસ બનવાથી હર્ષા  ચિંતામાં મુકાઈ ગઈ. બુદ્ધિશાળી અને ચતુર હર્ષાને  સમજતા વાર ન લાગી કે "કાં આ લગ્ન સંદીપની ઈચ્છા વિરુદ્ધ કરાવવામાં આવ્યા છે, અથવા સંદીપ
અરસિક, અને નીરસ છે, અથવા લગ્નજીવન નિભાવવા એ શારીરિક રીતે સક્ષમ નથી "
લગ્ન નિમિત્તે લીધેલી રજા પુરી થતાં સંદીપ ફરી નોકરીએ જવા લાગ્યો 
સંદીપના નોકરીએ ગયા પછી એક દિવસ બપોરે હર્ષાએ સંદીપનું કબાટ ફંફોળ્યું અને એના હાથમાં સંદીપની સારવારની ફાઈલ હાથ લાગી તુરતજ સંદીપની સારવાર કરતા ડો. શાહ પાસે એ ફાઈલ લઈને પહોંચી 
દવાખાને જઇ ડો. શાહને એ મળી,ફાઈલ બતાવતા તેણે ડોક્ટરને પૂછપરછ શરૂ કરતા કહ્યું " સાહેબ, અમારા લગ્નને હજુ માંડ પંદરેક દિવસ થયા છે પરંતુ લગ્નની પહેલીજ રાતથી સંદીપ સુસ્ત, થાકેલો, નીરસ અને નિરુત્સાહી દેખાય છે, ફાઈલના કાગળો જોતા મને માલુમ પડ્યું કે એ લાંબા સમયથી આપની  સારવાર હેઠળ છે તો એને એવી કઈ બીમારી છે કે એ હમેશા રાત્રેજ થાકી અને નિરાશ જણાય છે ?"
ડોકટરે ફાઈલ હાથમાં લઇ કેસપેપર ઉપર નજર ફેરવતા કહ્યું " હર્ષાબેન, તમે સાચા છો.આજથી લગભગ દોઢેક વર્ષથી સંદીપ હૃદય રોગથી પીડાય છે એનું હૃદય સતત પહોળું થતું જાય છે એ માટેની શસ્ત્રક્રિયા પણ તેના ઉપર કારગત નીવડે એમ નથી કારણકે એનું બી.પી. ખુબ વધુ રહે છે.લગ્ન પહેલાજ મેં તેને તથા એમના વડીલોને આ વાત ધ્યાન ઉપર મૂકી હતી કે જ્યાં સુધી દવા ચાલુ છે ત્યાં સુધી લગ્ન પછી સંદીપ શારીરિક સુખ ભોગવી નહીં શકે, અને તે માટે તેને સતત સાવચેત રેહવું પડશે, શૈયા સુખ ભોગવતી વખતે તેને વધારે પડતો શ્રમ પડે અને તેથી શ્વાસ ચડવાને કારણે તેના હૃદય ઉપર વધુ બોજો પડે તેમજ લોહીનું દબાણ વધી જશે એ કારણે સંદીપ સહશયન ટાળે છે. સારું છે કે એ વહીવટી વિભાગમાં હોય તેને ઓફિસમાં બેસી જ રહેવું પડે છે અન્યથા વધારે પડતા શ્રમનું કામ એ જીવનભર  નહીં કરી શકે "
ડોક્ટરને મોઢે સાચી હકીકત સાંભળતાજ હર્ષાના પગ નીચેની જમીન સરકવા લાગી સતત પરસેવો વળવા માંડ્યો સંદીપે તથા તેના વડીલોએ સગાઈ પહેલાં આ વાત પોતાથી છુપાવ્યાનો ભારોભાર રોષ એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતો હતો ધીમે પગલે હતાશ અને નિરાશ થયેલી હર્ષા દવાખાનાની બહાર નીકળી ગઈ. 
હર્ષા ઘેર આવી પલંગ ઉપર પડતું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ક્યાં એક બાજુ ભદ્રેશ અને ક્યાં સંદીપ એની મનોમન સરખામણી કરતા આ ગતજન્મના કર્મ નું ફળ અથવા ઈશ્વરીય શ્રાપ સમજી આખો ભવ સંદીપને આ સ્થિતિમાં કેમ નિભાવવો એ વિચારે ચડી ગઈ. પિતાજીની આખરી એકમાત્ર ઈચ્છા પુરી કરતાં પોતાનો ભવ એળે ગયાનો અફસોસ કરવા લાગી
બીજે દિવસે થોડી સ્વસ્થ થઇ પૂજામાં બેસી તેણે  ઈશ્વર પાસે પ્રાર્થના કરતા કહ્યું, " હે પ્રભુ, મારા પાપ હોય કે ગત જન્મનો જો કોઈ દોષ હોય તો તારી મને આપેલી આજીવન શિક્ષા મંજુર છે પણ હું પ્રતિજ્ઞા કરું છું કે સંદીપ સિવાય આ દેહ પૂરો પવિત્ર અને શુદ્ધ રહેશે જે માથે નાખ્યું છે તેને હું સહર્ષ સ્વીકારું છું, છૂટકો પણ નથી મને એ માટેની સદબુદ્ધિ, હિંમત, શક્તિ અને સામર્થ્ય આપજે  ભદ્રેશ સાથેના મારા બચપણથી જોડાયેલા સંબંધની સંદીપને મેં જાણ કરી જ છે મારા ચારિત્ર્ય ઉપર આજસુધી તેને ભારોભાર વિશ્વાસ છે, એવો જ વિશ્વાસ જીવનભર ટકાવી રાખજે "
****
વર્ષો વીતી ગયા.
 આ બાજુ ભદ્રેશના લગ્ન પછી થોડાજ વર્ષોમાં એમના પત્ની ટૂંકી બીમારીમાં અવસાન પામ્યા પુત્રના પણ લગ્ન થઇ ગયા,પરંતુ વિધુર બાપને મોટી ઉંમરે સાચવવો એને બોજા રૂપ લાગતું હતું તેથી તેના તરફથી પણ ઉપેક્ષિત વલણ,પ્રેમમાં મળેલી નિષ્ફ્ળતા,અને પત્નીનું અવસાન એમ ત્રિવિધ  વિયોગે  ભદ્રેશને ભાંગી
નાખ્યો દિન પ્રતિ દિન એ શારીરિક રીતે ઘસાવા લાગ્યો અને અચાનક જ ગંભીર બીમારીથી એ ઘેરાઈ ગયો.  
******
"હર્ષા  આવતીકાલથી પંદરેક દિવસ માટે મારે વણાકબોરી થર્મલ સ્ટેશન ડેપ્યુટેશન પર જવાનું થયું છે.
મારાં કપડાં, દવા અને બેગ એ રીતે તૈયાર કરી આપજે દરમ્યાનમાં મારા જુનિયરનો સાંજે ફોન હતો કે ભદ્રેશને અહીંની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને ઓક્સિજન ઉપર છે આપણે વહેલા જમી લઇ  ભદ્રેશના ખબર કાઢવા દવાખાને જઇ આવીયે " ઓફિસેથી ઘેર આવતા સંદીપે બુટ ઉતારતા કહ્યું  ભદ્રેશની બીમારી અંગે હર્ષાને થોડીઘણી ખબર હતી, પરંતુ એકાએક દવાખાને  દાખલ કરવો પડ્યો એ સાંભળી હર્ષાનો ચહેરો વિલાઈ ગયો પાંપણે બંધાયેલ આંસુના તોરણને સાડીના છેડે લૂછતાં હર્ષા રસોડા તરફ ગઈ. હર્ષા વ્યગ્ર હતી એનો જીવ રસોઈમાં ન હતો  છતાં જેમ તેમ રસોઈ પતાવી બન્ને જમીને દવાખાને પહોંચ્યા.
કેન્સરના છેલ્લા સ્ટેજમાં કૃત્રિમશ્વાસ લેતો ભદ્રેશ નિસ્તેજ જણાતો હતો.ઘેઘુર વાંકડિયા વાળની જગ્યાએ બિલકુલ વાળ વિનાનું માથું, સદાય મશ્કરો અને આનંદી ચહેરા ઉપર ચિંતા અને રોગને કારણે પડી ગયેલી કરચલીઓ, સ્પોર્ટ્સમેનને છાજે એવી વિશાળ છાતી,મજબૂત સ્નાયુઓ અને કાંડુ હાડપિંજર જેવા થઇ ગયા   હતા. ભદ્રેશે આંખ ખોલતાં સામે ખુરશી ઉપર સંદીપ અને હર્ષાને બેસેલા જોયા ભદ્રેશની નજર હર્ષા ઉપર સ્થિર થઇ.આંસુ રૂપે ટપકતા ભદ્રેશ તરફના પ્રેમને વારંવાર રૂમાલના છેડેથી ખાળી રહેતાં હર્ષા નીચી નજરે બેઠી હતી.વર્ષોથી એક બીજાની આંખોમાં આંખ મેળવી આંખો દ્વારા સંવાદ કરતા બન્ને પાત્રોની આંખ આજે મૌન હતી હતાં તો માત્ર આંસુ !  સંદીપે ભદ્રેશના કપાળ ઉપર હાથ ફેરવતા આશ્વાસન આપ્યું હર્ષા નિઃશબ્દ હતી. વાતાવરણ ઘડીભર શુષ્ક અને ગમગીન બની ગયું
થોડીવાર બેસી હર્ષા અને સંદીપ ઘર ભણી જવા ઉઠ્યા
બીજે દિવસે સવારે સંદીપ વણાંકબોરી જવા રવાના થઇ ગયો 
ઘરમાં એકલી રહેલી હર્ષાનો ક્યાંય જીવ ચોંટતો ન હતો, સવારની પૂજામાં એ રોજ હવે ભદ્રેશના સ્વાસ્થ્યની ભગવાનને પ્રાર્થના કરતી બચપણના એ દિવસો, કોલેજની કેન્ટીન,બગીચામાં એકાંતમાં કરેલી મુલાકાતો, પરિવારના સભ્યોથી ચોરી છુપીથી કરેલી પ્રેમપત્રોની આપ-લે,અને ટેલિફોન ઉપરની વાતો,આ બધું સિનેમાના રીલની જેમ તેની અશ્રુભીની આંખ સામે તરવા લાગ્યું. સંદીપના જવાથી એકલી પડેલી હર્ષા ભારે બેચેની અનુભવતી હતી પોતા પાસે રહેલ આજીવન પ્રેમી ભદ્રેશના ફોટાને છાતી સરસો ચાંપી સતત રડ્યા કરતી હતી. ભદ્રેશ સાથે વિતાવેલી એક એક પળ આજે તેની દુશ્મન બની હોય એમ શૂળની જેમ ભોંકાઈ તેના હૃદયને કોતરી ખાતી હતી. અને આમને આમ અઠવાડિયું પસાર થઇ ગયું
*******
ગુરુવારનો દિવસ હતો 
સવારે નવ વાગ્યાનો સમય થવા આવ્યો હતો. હર્ષા ભદ્રેશના સારા સ્વાસ્થ્ય માટે રોજની જેમ મહામ્રુત્યંન્જય ના પાઠ કરી હજુ ઉભી થઇ હતી એવામાં ટેલિફોનની ઘંટડી રણકી 
" હેલ્લો, સંદીપ છે ? હું એનો મિત્ર પ્રકાશ બોલું છું " સામેથી અવાજ આવ્યો 
" ના,પ્રકાશભાઈ એ તો ડેપ્યુટેશન ઉપર વણાકબોરી ગયા છે બોલો કંઈ ખાસ કામ હતું ? હર્ષાએ વળતો જવાબ આપ્યો 
" ઓહો, સોરી એણે મને વાત કરેલી પણ હું સાવ ભૂલીજ ગયો હતો કે તે ગામમાં નથી. ખાસ કંઈ કામ નહોતું પણ એક માઠા સમાચાર આપવાના હતા કે એમની ઓફિસમાં કામ કરતા ભદ્રેશનું વહેલી સવારે અવસાન થયું છે અને એની સ્મશાનયાત્રા અત્યારે દશ વાગ્યે નીકળવાની છે. તમારે ફોન ઉપર વાત થાય તો સમાચાર આપી દેજો " કહેતા જ ફોન કપાઈ ગયો. 
ભદ્રેશના અવસાનના સમાચાર સાંભળી હર્ષાના હાથમાંથી રીસીવર પડી ગયું  એ ફર્શ પર ફસડાઈ પડી  દીવાલ સાથે માથું અફળાવી કરૂણ આક્રંદ કરવા લાગી 
રેતીના અફાટ રણમાં વાવાજોડા અને આંધીના તોફાનમાં અટવાયેલા અજાણ્યા વટેમાર્ગુ ની જેમ તેને કોઈ દિશા સૂઝી નહીં, ઘરના મંદિરમાં જઈ ભગવાનની મૂર્તિ સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી
******
આ બાજુ પરિવાર અને જ્ઞાતિજનોએ ભદ્રેશના નશ્વર દેહને નનામી ઉપર શણગારી અંતિમ યાત્રાએ લઇ નીકળ્યા, ભદ્રેશની સુવાસને કારણે મિત્રોની હાજરીથી સ્મશાન ઉભરાતું હતું.
ભદ્રેશના નિશ્ચેતન દેહને અગ્નિદાહ દેવા ચિતા ઉપર લેવામાં આવ્યો. 
બરાબર  એજ સમયે પૂરપાટ વેગથી દોડતી એક રીક્ષા સ્મશાનને દરવાજે આવી ઉભી.સંપૂર્ણ સફેદવસ્ત્રોમાં સજ્જ, સુજી ગયેલી લાલ આંખ,છૂટા કોરા કેશ ધારી એક સ્ત્રી રિક્ષામાંથી ઉતરી મક્કમ ડગલે, નિષ્ઠુર ચહેરે  આગળ ધપી રહી હતી.
બરાબર મુખાગ્નિ દેવા સમયે એ સ્ત્રીએ ભદ્રેશની નનામી ઉપર છુટા ફૂલ તથા હાર ચડાવ્યા સાથે એક સફેદ રૂમાલ કે જેની અંદર કંઇક લખેલું હોય એવું જણાતું હતું એ નનામી ઉપર મૂકયો ભડભડ બળતી ચિતાના ચાર ફેરા ફરતા સ્વગત બોલી " હું તારીસાથે ચોરીના ચાર ફેરા તો ન ફરી શકી, પણ તારી ચિતાના ચાર ફેરા ફરી આવતા જન્મનું હું બુકીંગ કરાવું છું " એટલું બોલતાં અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી તુરતજ  એ જ રિક્ષામાં
પાછી ફરી. ઉપસ્થિત સમગ્ર જ્ઞાતિજન અને મિત્રો આશ્ચર્યથી હેરત પામી આ દ્રુશ્ય જોઈ દિગ્મૂઢ થઇ ગયા.
હા, એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ ભદ્રેશની પ્રિયતમા હર્ષા જ હતી.પહેલા પ્રેમની પહેલી નિશાની તરીકે ભદ્રેશે આપેલ અને આજસુધી હૈયાના હારની જેમ સાચવેલો એ રૂમાલ હતો.
 ભદ્રેશે અંતિમ શ્વાસ  છોડ્યા પછી એ રૂમાલ ઉપર હર્ષાએ પત્ર લખ્યો હતો. રૂમાલમાં લખ્યું હતું ,
પ્રિય ભદ્રેશ,
મને છોડીને અચાનક જ તું આમ ચાલ્યો જઈશ એવી મને સ્વપ્ને પણ કલ્પના નહોતી
 આ રૂમાલ તને યાદ છે ? આપણા પ્રેમની નિશાની રૂપે આજથી 30 વર્ષ પહેલા આપેલી તારી પહેલી ભેટ છે.
આ રૂમાલ તને સાચવવા માટે તારી સાથે લઈ જવા હું આપું છું. જયારે હું પણ આ નિષ્ઠુર દુનિયામાંથી વિદાય લઇ અને તારી પાસે આવું ત્યારે તું આ રૂમાલ આપી મને તારી ઓળખાણ આપજે  સમાજના ખોટા ખ્યાલ અને જૂઠી શાન -શોકત ધરાવતા દંભી અને પ્રેમના દુશ્મનોએ આપણને ભેગા થવા નથી દીધા, આવતે ભવ  એ કોઈ આપણને રોકી નહીં શકે.
હું  દુન્યવી દૃષ્ટિએ માત્ર શારીરિક રીતે જ સંદીપને પરણી હતી પણ મન,વચનથી  હું તને જ વરી ચુકી હતી એટલું જ નહીં  હું સેંથો પણ તારા નામનો જ પૂરતી હતી. હું ન આવું ત્યાં સુધી તું મારી રાહ જોજે, અને તને સાચવવા આપેલી મોંઘેરી અનામત તારી પાસે સાચવજે  હું જયારે તારી પાસે આવીશ ત્યારે  એ રૂમાલ  માગીશ, જા.... સુખેથી જા.  હું આવું એની રાહ જોજે 
 शिवास्ते पन्था : !
લિ.
ભવોભવની તારી જ, 
હર્ષા