સિગરેટનો દમ ખેંચતાં આથમતા સૂરજની સાથે પોતાના ડૂબતા ભવિષ્યને નિહાળી રહ્યો હતો.
સિગરેટની ધુમ્રશેરમાં તેને પોતાના આશા-અરમાનની બળતી ચિત્તાના ધુમાડા દેખાતા હતા.
સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોવિદ-19 ની મહામારીને કારણે ચારેબાજુ ઉલ્કાપાત મચ્યો હતો. લાંબા સમયથી લોકડાઉંનની પરિસ્થિતિને કારણે તમામ ધંધા,રોજગાર, ઉદ્યોગો, કારખાના ઉપર માઠી અસર બેઠી હતી.
શ્રમિકો સહુ વતન ભેગા થઇ જતાં કારખાનાઓમાં ઉત્પાદન બંધ થવાના કારણે તૈયાર માલનું વેચાણ અશક્ય બન્યું ઉદ્યોગોની આવક તૂટી ગઈ હતી ચારે બાજુ મંદીનો કાળનાગ ભરડો લઇ ચુક્યો હતો.
આ પરિસ્થિતિમાં પરીક્ષિતને પણ નોકરીમાંથી છૂટો કરતાં આજકાલ કરતાં ચાર માસથી વધુ સમયથી એ ઘરમાં ભરાઈ બેઠો હતો. ફરી ઉદ્યોગ ક્યારે શરૂ થાય અને પોતે નોકરી ઉપર ફરી ક્યારે લેવાય એ અનિશ્ચિત હતું ચાર ચાર માસથી આવક બંધ થઇ જતા, અને ઘરખર્ચ યથાવત રહેતા પરીક્ષિતની મુંઝવણ એટલી હદે વધી ગઈ હતી કે છેલ્લા કેટલાક દિવસોથી એ ડિપ્રેશન હેઠળ આત્મહત્યા કરવાના અંતિમ પગલાં સુધી વિચારતો હતો.
અનેક વિધ વિચારોના વમળમાં ઘુમરાતા પરીક્ષિત માટે કોફી લઈ આવતા નલિનીએ પૂછ્યું
" શું ગુમસુમ બેઠા છો ? સાંજનો સમય છે બહાર વાતાવરણ પણ સારું છે તો કમસેકમ સોસાયટીના ક્લબ હાઉસમાં તો જઈને બેસો ? ફ્લેટ્સના કેટલાય લોકો ત્યાં ભેગા થાય છે ત્યાં જવાથી મન પ્રફુલ્લિત થશે ઘરમાં બેઠા બેઠા અનેક વ્યર્થ વિચારોથી તમારું દિમાગ ખરાબ થઇ જશે. "
" નલિની, હવે બાકી પણ શું રહ્યું છે ? જ્યારથી નોકરી ગુમાવી છે ત્યારથી અનેક ચિંતા ઘેરી વળી છે.હિસાબ કર,
મહિનાના 10,000/ લેખે ત્રણ મહિનાનું ભાડું રૂપિયા 30,000/ જીવન વીમાનું પ્રીમિયમ રૂ. 7,500/ મેડિક્લેઈમ વીમાં નું પ્રીમિયમ રૂ.15,000/, બેન્ક લોન નો હપ્તો માસિક રૂ,5,000/ લેખે ચાર માસના રૂપિયા 20,000/ ઉપરાંત દૂધ, કરિયાણું એ બધાના બિલ ચૂકવવા બાકી છે.ધોબી, અને શાકભાજીનો રોજિંદો ખર્ચો તો હજુ હું ગણતો નથી. આ મોંઘવારીમાં બચત પણ બધી જ વપરાઈ ગઈ છે.
લગભગ 75, 000/ નું કરજ તો આંગળીને વેઢે ગણી શકાય છે. હું ક્યારે અને કેવી રીતે એ ચૂકવીશ ?" પરીક્ષિતે ઊંડો નિસાસો નાખતા સજળ નયને નલિની સામું જોતા કહ્યું
" ચિંતા ન કરો.આજની જે પરિસ્થિતિ છે એ કંઈ આપણા એક માટે જ નથી,સહુને આ પ્રશ્ન સતાવે છે ઘણા લોકો નોકરી ગુમાવીને બેકાર થઇ ગયા છે, આપણને તો ઠીક છે કે આપણી પ્રતિષ્ઠાને કારણે દરેક જગ્યાએથી ઉધાર મળે છે અને એ લોકો પણ જાણતા હોય ઉઘરાણી નથી કરતા,પણ જેઓ રોજે રોજનું કમાઈને ખાતા હોય એની શી દશા ? એવું વિચારીને આશ્વાસન લેવું, ભગવાન જેવડો ધણી છે બધું પાર ઉતારી દેશે શ્રદ્ધા રાખો. " નલિનીએ સાંત્વના આપતા કહ્યું.
" એ તો ઠીક છે પણ સતીશ મારી સાથે જ નોકરી કરતો હતો મારાથી જુનીયર હોવાને કારણે એનો પગાર પણ ઓછો હતો, એટલે સ્વાભાવિક એની બચત પણ સીમિત હોય,વળી એની રહેણી કરણી પણ બાદશાહી અને એ પણ આજે મારી જેમ બેકાર હોવા છતાં એની ભપકવાળી જીવન શૈલીમાં સહેજે બદલાવ નથી આવ્યો એટલું જ નહીં પણ કાલ સુધી એક્ટિવા ઉપર ફરનાર સતીશ પાસે આવા કપરા કાળમાં બ્રાન્ડ ન્યુ સેન્ટ્રો ગાડી લેવાની સગવડ કઈ રીતે કરી હશે ? આજકાલ સતીશ અને એની પત્ની ગીરાને ગાડીમાં ફરતા હું જોઉં છું.
તું તો ટયુશન કરીને મહિને રૂપિયા 10,000/ પણ કમાઈ લે છે જયારે એને સતીષની નોકરી સિવાય બીજી કોઈ આવકનું સાધન નથી હમણાં હમણાં તો ગીરા ભાભી પણ કેટલા વટથી ફરે છે, એનું આવું ડ્રેસિંગ તો સતીષની નોકરી દરમ્યાન પણ નહોતું "આશ્ચર્ય સાથે પરીક્ષિતે ઘણા વખતથી મુંજવતી સમસ્યા નલિની પાસે રજૂ કરતા પૂછ્યું.
"જવાદો ને,આપણે બીજાની ચિંતા શા માટે કરવી જોઈએ,? સહેજ હસતા હસતા નલિનીએ હળવા ટોનમાં જવાબ આપ્યો.
"નલિની, એને પોસાય છે અને એ કરે છે એમાં મને શું ? કરજ કરશે તો પણ એનુ કરજ મારે તો પૂરવું નથી ? પણ એક સહકર્મી અને સોસાયટીમાં રહેતા મિત્ર તરીકે ઇંતેજારી થઈ એટલે પૂછ્યું.
"તમને ખબર તો છે કે સતીષ ભાઈનો પગાર એક માત્ર એની આવકનું સાધન હતું જે અત્યારે બિલકુલ બંધ છે છતાં એની ભપકદાર જીવનશૈલી બંધ તો નથી થઇ પણ વધુ વૈભવશાળી બની છે તો એનું કારણ શું હોઈ શકે ? આપણી સોસાયટીની બધીજ બહેનોને પણ આ પ્રશ્ન થાય છે અને અંદરો અંદર ઘુસપૂસ પણ કરતા હોય છે.
આજકાલ ગીરા કાર સિવાય નીચે પગ નથી મુકતી એનું ડ્રેસિંગ,એનો મેઇકઅપ એનો ઠસ્સો, રોજે નિયત સમયે સુંદર વસ્ત્રોથી સજ્જ થઇ બહાર જવું અને મોડી રાત્રે ઘેર પાછું ફરવું એ બધું શું બતાવે છે ? આટલું જાણ્યા પછી બાકીનું સમજી જવાનું હોય એની સ્પષ્ટતા ન હોય " નલિનીએ ખુલાસો કરતા કહ્યું
" એટલે ?તું શું કહેવા માંગે છે, ગીરાભાભી અવળે રસ્તે ચડી ગયા છે ? ખરેખર જો એમ જ હોય તો દુઃખની વાત છે, આવી અનીતિની કમાણી કરી મોટર ગાડીમાં ફરવાનો શો અર્થ છે ? સતીષને હવે નોકરીની પણ જરૂર ક્યાં રહી ?" પરીક્ષિતે વળતો જવાબ આપતા કહ્યું,
" બસ, હવે તમે સમજ્યા તમને શું ખબર ગીરાની રોજની આવક રૂપિયા 30 થી 35 હજારની છે. બેંકમાંથી લોન લઈને લીધેલી સેન્ટ્રો કારના હપ્તા પણ બારોબાર ભરાય છે,ગઈકાલ સુધી સાદો મોબાઈલ વાપરનારી ગીરાના હાથમાં લેઈટેસ્ટ રૂપિયા 60,000/ નો આઈ.ફોન છે અને ખૂબી તો એ છે કે સતિષભાઈ આ બધું જાણવા છતાં આંખ આડા કાન કરી બેસી ગયા છે" નલિનીએ વાતનો ફોડ પાડતા કહ્યું.
"હવે સમજાયું સતીષની અમીરાઈનું કારણ, ગીરા આટલી ગીરી જશે એ સ્વપ્ને પણ કલ્પના ન હોતી, નલિની "આવક આંધળા બનાવે દે છે" તે આનું નામ, પરીક્ષિતે કહ્યું
"પરીક્ષિત, જરૂરિયાત બહુ બુરી ચીજ છે એ સ્વીકાર્યું પણ જો એ જરૂરિયાર સીમિત રાખી હોય તો આટલી હદે નીચે ન ઉતરવું પડે,આપણે પણ જીવીએ જ છીએ ને ?રાજાશાહી ઠાઠ નિભાવવા આબરૂ ગીરવે ન મુકાય
રોજ સાંજે નવી નવી ફેશનના આકર્ષક ડ્રેસ પહેરી શેરીના નાકા સુધી પગે ચાલીને જાય ત્યાં કોઈ અજાણી વૈભવશાળી ગાડી એની રાહ જોતી ઉભી હોય અને રાત્રે લગભગ 12, 12/30 ના અરસામાં વળી કોઈક બીજી જ વૈભવશાળી ગાડી તેને ઘર સુધી છોડી જાય. ખોટું શું આ તો સતીષભાઈને જ પોસાય
"જવા દે એ વાત ને એક દિવસ સહુ સહુના કર્મો સહુ ભોગવશે " વાતનો અંત લાવતાં પરીક્ષિતે કહ્યું
******
ટકોરાબંધ સ્વમાની પરીક્ષિતને પોતા ઉપર ચડેલ દેવું મુંજવતુ હતું પરીક્ષિતની મુંઝવણ નલિની સમજી ગઈ હતી.પરીક્ષિતની ચિંતાતુર સ્થિતિ,વિલાઈ ગયેલું હાસ્ય,અને કરમાઈ ગયેલો ચહેરો સતત નજર સામે જોતા નલિનીનો જીવ કોચવાતો હતો. રોજ રાત્રે સુતા સુતા નલિની એ જ વિચારમાં રોજ ઓશીકાને અશ્રુભિષેક કરતી હતી પણ કોઈ ઉપાય કે સરળ રસ્તો એને સૂઝતો ન હતો એને ડર હતો કે જો આ લાંબો સમય ચાલશે તો પરીક્ષિત ડિપ્રેશન અથવા મનોરોગી બની જશે. છતાં તે પોતાની ચિંતા ચહેરા પર ક્યારેય કળાવા દેતી નહોતી
નલિની રોજ સવારે નવ વાગ્યે નજીકના બંગલાઓમાં બાળકોને ટયુશન આપવા જતી હતી.
એક દિવસ ટયુશનેથી પરત આવેલી નલિનીએ બેઠકખંડ માં ચિંતાતુર બેસેલ પરીક્ષિત પાસે જઈ આનંદિત ચહેરે તેના હાથમાં રૂપિયા 60,000/ મુકતા બોલી, "પરીક્ષિત, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી છે લો આટલા રૂપિયામાંથી થોડું થોડું ક્રમાનુસાર કરજ ચૂકવો એ દરમ્યાન ભગવાન ફરી કોઈ રસ્તો કરી આપશે. "
આટલા બધા રૂપિયાની ગડી જોતાં પરીક્ષિત ચમક્યો "નલિની, આ શું ? ક્યાંથી કાઢ્યા આટલા બધા રૂપિયા ?"
કોણે અને શું કામ આપ્યા ?" પરીક્ષિતના મગજમાં શંકાનો કીડો સળવળ્યો પછી તો પૂછવું જ શું ? થોડા દિવસ પહેલાં સતીશ અને એની પત્ની ગીરાની થયેલી વાત એને યાદ આવી. નક્કી નલિની ગીરાને પગલે ચાલી મારી આબરૂ બચાવવા પોતાની આબરૂ વેંચતી હશે, એવો વિચાર પરીક્ષિતના મગજમાં ઘુસ્યો.
નલિનીએ હળવા સ્મિત સાથે કહ્યું, " રિલેક્સ, રિલેક્સ,પરીક્ષિત આ રૂપિયા કોઈએ આપ્યા નથી પણ એક રાત્રે ખુબ વિચારતા મને ઓચિંતું યાદ આવ્યું કે લગ્ન પહેલાનું મારું એક બેંકમાં બચત ખાતું હતું એમાં સ્કૂલ,કોલેજ તરફથી મળતી સ્કોલરશીપ, વિવિધ સ્પર્ધાઓમાં મળેલ રોકડ ઇનામોં અને આપણા લગ્ન સમયે અમારા પક્ષેથી આવેલ ચાંદલા અને રોકડ ભેટ કે જે મારા પપ્પાએ ઘરમાં ન રાખતા મારા બેંક ખાતામાં મુક્યા હતા, એ આજસુધીની વ્યાજની રકમ સાથે બેંકનું ખાતું બંધ કરાવી અને ઉપાડેલી આ રકમ છે.
ઘડીભર તો પરીક્ષિત આ વાત માનવા તૈયાર ન હતો પણ ચાલાક નલિનીની સુંદર નાટકીય રજુઆતથી પરીક્ષિતને વસ્યું કે કદાચ નલિની સાચી પણ હોઈ શકે, તેમછતાં હવે પરીક્ષિત વધુ વ્યથિત થયો
એ વાતને લગભગ દશેક દિવસ વીત્યા હશે, ફરી એક દિવસ ટ્યુશનેથી પાછી વળેલી નલિનીએ પરીક્ષિતના હાથમાં રૂપિયા એક લાખ,વિશ હજાર ની ચલણી નોટના બંડલ હાથમાં મુક્તા ફરી એ જ નાટકીય અદાથી કૃત્રિમ હાસ્ય સાથે બોલી "પરીક્ષિત,મેં તમને અગાઉ કહ્યું હતું ને કે મારા પિયરમાં મારા નામે ફિક્સ ડિપોઝીટ પડેલી છે, જે મેં અરજી કરી બેંક મારફત અહીંની શાખામાં ફેરવાવી અને આજે બધા રૂપિયા ઉપાડી લીધા તે આ છે.
આ વખતે પરીક્ષિતને પાકો વ્હેમ પડ્યો લગ્ન પછીના આટલા વર્ષોમાં આવી કોઈ ફિક્સ ડિપોઝીટ હોવાની વાત ક્યારેય નહોતી થઇ અને અચાનક આજે જ આ રકમ ક્યાંથી આવી ? બીજો વિચાર એ પણ આવ્યો કે નોકરી ગુમાવે લગભગ ચારેક મહિના થયા હશે, છતાં શરૂઆતના કપરા દિવસોમાં આ ફિક્સ ડિપોઝીટ યાદ ન આવી અને અચાનક આજે કેમ ? નક્કી નલિનીએ ગીરા સાથે હાથ મેળવી તેની મારફત ગ્રાહક શોધ્યા હશે.
જે સ્ત્રીને ખાનદાન અને સુ શીલ ધારી લગ્ન કર્યા એ આટલા વર્ષે આવી કુશીલ અને કુટિલ નીકળી ? ખરેખર દુઃખની વાત છે. હવે પરીક્ષિતની બેચેની વધતી ચાલી તેમ છતાં એ બાબતે નલિની સાથે કોઈ સ્પષ્ટતા કરીને શાંત પાણીમાં વમળ પેદા કરવા નહોતો ઈચ્છતો, દિવસોના દિવસ સુધી પરીક્ષિત સુઈ ન શક્યો અનેક જુદા જુદા વિચારો અને શઁકાના ભૂતે તેને ખુદને ભૂત જેવો બનાવી દીધો
એક રાત્રીએ પરીક્ષિત ટેરેસમાં સવાર સુધી જાગતા રહીને મનોમંથન કરતો રહ્યો, આખી રાત સુધીમાં સિગરેટના બે પાકીટ ફૂંકી માર્યા,વહેલી સવારે છ વાગ્યામાં ઉઠી સ્નાનાદિ કાર્ય પતાવી પૂજા કરી નલિનીના ટ્યુશને જવાની રાહ જોતો બેઠો હતો. સમય થતા નલિની પણ ઘરકામ પતાવી ટયુશને જવા નીકળી ગઈ.
પરીક્ષિતે હવે જીવનનો અંત લાવવાનું નક્કી કરી લીધું હતું જે ચારિત્ર્ય અને પ્રમાણિકતાની જિંદગી જીવતો હતો એનો બિલકુલ ખ્યાલ કર્યા વિના નલિની થોડી જરૂરિયાત પુરી કરવા બજારુ સ્ત્રી બની ગઈ ? આ વિચારે એના રુવાડા ઉભાથઇ ગયા.
પંખે લટકતા પહેલા પરીક્ષિત ભગવાનના ફોટા તથા પોતાના સ્વર્ગીય માતા પિતાના ફોટાને પગે લાગી પોતાના આ કૃત્ય બદલ માફી માગી એક ટેબલને સહારે ઉપર ચડી ઓઢણીનો બનાવેલ ગાળિયો જ્યાં હજુ ગળામાં પરોવે ત્યાં જ અચાનક..........
ઘરના મુખ્ય દરવાજો ખુલવાના અવાજ સાથે નલિની રૂમમાં પ્રવેશી મુખ્ય ખંડમાં પરીક્ષિતને ન જોતાં એ સીધી બેડ રૂમ તરફ ગઈ અને પરીક્ષિતને ફાંસો ખાવાની તૈયારીમાં જોઈ જોરથી ચીસ પાડી ઉઠી,પરીક્ષિત આ બૂમથી ચમકી ગયો અને પાછળ જોતા જ નલિનીને ચોધાર આંસુએ રડતી જોઈ ટેબલ ઉપરથી નીચે ઉતરતાં રડતા રડતા કહ્યું
" નલિની, તેં મને આ અપકૃત્ય કરવા પ્રેર્યો હતો અને જો તું આમ અચાનક ન આવી હોત તો હું ક્યારનો સ્વધામ પહોંચી ગયો હોત બસ હવે મારું જીવવું ઝેર થઈ ગયું છે મને મરવા દે. "
" એવું મેં તમને શું દુઃખ દઇ દીધું ? હું કયાં અને કેવીરીતે નિમિત્ત બની ?" લાગણીશીલ રુદનથી નલિનીએ સ્પષ્ટતા માંગતા પૂછ્યું.
નલિની,અજાણ ન બન પ્લીઝ, તું પૂછ તારા આત્માને કે કઈ રીતે તેં મને છેતરી, મુરખ બનાવીને આ આવડી મોટી રકમની જોગવાઈ કરી ? હું શું મૂર્ખ છું કે તું જે કારણ અને બહાના આપે એને સ્વીકારી લઉં ? કાન ખોલીને સાંભળી લે કે દેહવ્યાપારના ધંધા થકી શ્રીમંત થવાનું કદાચ ગીરા અને સતીષને પોસાતું હશે પણ જે સમાજમાં હું પાંચમા પુછાઉ છું એ સમાજને અને મને એ હરગીઝ પોષાય તેમ નથી, તે આપેલ કુલ રૂપિયા 1,80,000/ જ એની સાબિતી છે કે આજકાલ તું ગીરાને પગલે ચાલી રહી છો"
ગુસ્સાથી ધ્રૂજતી નલિનીએ સામો જવાબ દેતા કહ્યું " બંધ કરો તમારો બકવાસ, શરમ નથી આવતી એક સુશીલ ગૃહલક્ષ્મી ઉપર મનઘડંત આક્ષેપ મૂકતાં ? જાવ લઈ આવો સાબિતી જે બાબતે તમે મારા ઉપર આક્ષેપ મુકો છો એની. પરીક્ષિત,તમારી નોકરી ગયાના એકજ અઠવાડિયામાં તમે મનોરોગી બની ડિપ્રેશનમાં ધકેલાઈ ગયા હતા વધી ગયેલું કરજ, રોજિંદો ઘરખર્ચ, અને ભવિષ્યની નોકરીની અનિશ્ચિતતા એ તમને અર્ધ પાગલ બનાવી દીધા હતા હું તમારી એ દશા સહન કરી શકતી ન હોઉં મેં મારૂ સોનાનું મંગળસૂત્ર તથા બન્ને બંગડી રૂપિયા 70,000/ માં વહેંચ્યાં જેમાંથી રૂપિયા 60,000/ તમને આપ્યા, અને મેં મારા માટે આ બગસરાના અને ગાભાની બંગડી તથા ચેન રૂપિયા 7000/માં ખરીદ્યા જેથી મારા અડવા હાથ અને ખાલી ગરદન જોતાં તમને વ્હેમ ન પડે, લ્યો આ બંગડી તથા ચેનનું બીલ જોઈ લો બાકીના રૂપિયા 3,000/ મેં દૂધ તથા શાકભાજીના મારી પાસે રાખ્યા
હવે વાત રહી મોટી રકમની તો લગ્નમાં સ્ત્રીધન તરીકે આપયેલ બધોજ કરિયાવર અને દાગીનો મેં વહેંચી અને એની ઉપજેલી કિંમત રૂપિયા 1,20,000/ પુરા તમને સોંપી દીધા, જુઓ આ સોનીનો આંકડો અને લ્યો આ આપણા બેંક લોકરની આ ચાવી, જોઈ આવો હવે લોકરમાં શું પડ્યું છે. જો હું તમને એ સમયે સત્ય હકીકત કહું તો તમે મને એ રીતે કરવાની સ્પષ્ટ ના પાડો એટલે મારે બન્ને સમયે જુદા જુદા ખોટા બહાના બતાવવા પડ્યા છે.
શરમ નથી આવતી પત્ની ઉપર આવા બે બેબુનિયાદ ગંદા આક્ષેપો મુકતા ? ખરેખર દુઃખની વાત છે કે આટલા વર્ષે પણ તમે તમારી પત્નીને ન ઓળખી શકયા. આજથી નહીં રામાયણકાળથી ચાલી આવતી પત્નીઓની આ સમસ્યા છે. ખુદ ભગવાન રામ પણ ક્યાં સીતાજીને પારખી શક્યા હતા અને એટલૅજ સીતાજીની અગ્નિપરીક્ષા લેવાણીને? તમે તો ઠીક છે પંખે લટકીને છૂટી જશો પણ પાછળથી મારે કુટુંબ અને સમાજને શું જવાબ દેવો ? મારે તો મહેણાં જ સાંભળવા ? સીતાજી તો ધરતીમાં સમાઈ ગયા,પણ હું ધરતી પર ન જીવી શક્ત ન ધરતીની અંદર સમાઈ શકત.
હું કોઈની દયાનું પાત્ર બની રસ્તે ભીખ માંગી ભૂખ ભાંગતા ન શરમાઉં પણ કોઈ સ્ત્રી લોલૂપની ભૂખ ભાંગી અને મારી જરૂરિયાર હું બિલકુલ ન સંતોષું. આજ સુધીના લગ્ન જીવનમાં તમને તમારી ધર્મપત્ની ઉપર એટલો વિશ્વાસ ન બેઠો ?
ખરેખર તમારી હીન વિચારસરણી માટે મને શરમ આવે છે કે તમે મારા પતિ છો. આ પતિ નહીં પણ " આપત્તિ " કહેવાય
નલિનીની સફાઈ સાંભળી પરીક્ષિત એક બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડતા નલિનીને પગે પડી ગયો અને બોલ્યો
" નલિની તું એક સામાન્ય સ્ત્રી નથી, કોઈ દૈવિ અવતારે મારી પત્ની તરીકે આવી છો, મને માફ કર. જયારે તેં મારી અને ઘરની આબરૂ સાચવવા તારા સ્ત્રીધન અને મગળસૂત્રને વહેંચી માર્યા, ત્યારે હું બેહૂદી શંકાનો શિકાર બની તારા ઉપર ગંદા આરોપ મુકતો રહ્યો. ગામનું કરજ ચુકવતા હું તારો કરજદાર બની ગયો. આજે હું તારી નજરમાંથી તો ઉતરી ગયો પણ ખુદ મારી નજરમાંથી પણ હું નીચો પડી ગયો છું. પ્લીઝ માફ કર નલિની મને માફ કર.
*****